Pages

Thursday, September 25, 2025

જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી-૨ (જૂનાગઢ)

જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી - ૨ (જૂનાગઢ)

હાલના જૂનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદરને ભેગા કરી જે જિલ્લો બનાવીએ તે અમારા સમયનો જૂનાગઢ. ૧૪ તાલુકા, બે સંસદ સભ્યો અને ૧૧ ધારાસભ્યોથી ધમધમતો પ્રદેશ. 

આવા જૂનાગઢના મનોરંજન ગેસ્ટહાઉસમાં લક્ષ્મી અને હું મોટા મચ્છરોની કંપનીમાં રાત પસાર કરી સવારે ઉઠ્યાં છીએ. નાહી ધોઈને ચા નાસ્તો કરી જિલ્લા પંચાયત કચેરી તરફ જવાની હું તૈયારી કરું છું ત્યાં બરાબર ૯.૪૫ ના ટકોરે મુખ્ય સચિવ ખાન સાહેબનો ફોન રણકે છે. તેઓ ફોન પર આવી કહે છે, પરમાર હમણાં ચાર્જ લેવામાં થોભતો. બીજા અધિકારીને ત્યાં મૂકવા રજૂઆત આવી છે. મેં જવાબ આપ્યો, સાહેબ, CTC તો મેં રાત્રે ભરીને ચાર્જ લઈ લીધો. તેમણે કહ્યું, તો ભલે, મજા કરો. 

મને હાશ થઈ અને હું કચેરી ગયો. શિષ્ટાચાર મુજબ અધિકારીઓ, આગેવાનોને મળ્યો. મહેસાણાથી વિપરીત જિલ્લા પંચાયતના પ્રમુખ સુકાભાઈ આંત્રોલિયા મને મળવાં આવ્યાં અને શુભેચ્છા પાઠવી. મારી શરૂઆત સારી થઈ. પરંતુ બીજા દિવસે સવારે સૌરાષ્ટ્ર સમાચારે છાપ્યું, ‘બકરૂં કાઢતા ઊંટ પેઠું’ અને હું સાવધાન થયો. મારા પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી સી. એમ. લેઉવા શાંત અને સરળ. અમારી વચ્ચે વાર્તાલાપનો સમય ઓછો રહ્યો એટલે વિશેષ બ્રીફિંગ નહોતું થયું પરંતુ તેમણે તે રાત્રે તરત જ CTC ભરી મને હાજર થવાની સરળતા કરી આપી તે તેમની ખાનદાની હતી. અમારા પંચમહાલના સાથી જે. એન. સિંહ કલેક્ટર હતાં. અમારા બંનેની ચેમ્બર એક જ બિલ્ડિંગમાં હતી. હું તેમને મળવા ગયો તો તેમના ચેમ્બરનો દરવાજો કાચનો પારદર્શી જોઈ મને તેનું અનુકરણ કરવાનું ગમ્યું અને તે જ અઠવાડિયે મારી ચેમ્બરનો દરવાજો કાચનો પારદર્શી કરી મેં મને જનતા સમક્ષ ખુલ્લો મૂકી દીધો. 

પંચમહાલના અછતગ્રસ્ત જિલ્લાથી તદ્દન વિપરીત અહીં છતનો જિલ્લો. ચારેબાજુ લીલોતરી. મગફળી અને કપાસ ભરેલાં ખેતરો; આંબા નારિયેળીથી ભરેલાં બગીચાઓ. ના વરસાદની અછત કે માંગરોળ દરિયાકાંઠાના કેટલાક ગામો સિવાય ના પીવાના પાણીની સમસ્યા. સ્વાધ્યાય પરિવારની ઝુંબેશને કારણે અહી ખારા પાણીવાળા વિસ્તારોમાં મીઠા પાણીના તળ વધી રહ્યા હતાં. આખો જિલ્લો જ જાણે પર્યટન સ્થળોનું મહામથક. 

ગરવો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે, પૌરાણિક મહાભારતનો રેવતાચળ અને પ્રાચીન ભારતનો ઉર્જાયત પર્વત આજનો ગિરનાર પશ્ચિમનો કૈલાસ; ધ્યાન, ઉપાસના અને ભક્તિનું મોટું કેન્દ્ર. મોર્યકાલીન સમયે યુનાની ગવર્નરોથી સંચાલિત યૂનાગઢ જૂનાગઢ બન્યું છે. સમ્રાટ અશોકનો શિલાલેખ અને પશ્ચિમમી ક્ષત્રપ નરેશ રૂદ્રદામન-૧નો શિલાલેખ તેના ઐતિહાસિક મહત્વની પુષ્ટિ કરે છે. પ્રાચીન સુવર્ણશીતકા અને પલાસિની બે નદીઓના પ્રવાહને પાણી રોકી બાંધેલો બંધ અને સુદર્શન તળાવ હવે તો પૂરા ન મળે પરંતુ તેના અંશરૂપ દામોદરો કુંડ અને વિષ્ણુ મંદિર હજી છે. અહીં પ્રાચીન બૌદ્ધ ગુફાઓ છે. ૨૨માં તીર્થંકર નેમીનાથ, અંબાજી મંદિરો અને ગુરૂ દત્તાત્રેયના પગલાં છે. ઉપરકોટનો કિલ્લો, અડીકડીવાવ અવે નવઘણ કૂવો છે. રા’ખેંગાર અને રાણકદેવી દંપતીની પ્રેમગાથામાં સિદ્ધરાજ જયસિંહનો પડકાર છે. ભવનાથ મંદિર, મૃગીકુંડ અને નાગાબાવા ભરપૂર છે. નરસિંહ મહેતાનું ભક્તિ નિવાસ, પ્રભાતિયાં અને ગાંધીને પ્રિય વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ભજનની ભૂમિ છે. ગાંધીજીની બા પૂતળીબાઈનું પિયર છે. આવી સોરઠ ધરાનો છેલ્લો રા’માંડલિક-૩ બેગડાથી હારી જહાનખા બની અમદાવાદની કબરમાં પોઢ્યો છે. ત્યાં મોગલ શાસનનો નવાબ જામનગરના રજવાડાઓની વેઠથી છૂટવા નાઠેલા કુટુંબોને ગીરમાં શરણું દે છે. સાસણની સાવજોના દેશમાં વીર કવિ ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા હાથમાં ડાંગ લઈ સાવજને હાકલ કરે છે, ઊભો રે જે, વનના કૂતરા ઊભો રે જે. ખમીરવંતી આ ધરામાં ભક્તોનો પાર નથી. શેઠ સગાળશા અને કેલૈયો કુંવર છે. અહીં રત્નાકર સાગર (અરબી સમુદ્ર) અફાટ છે. સોમનાથ જ્યોતિર્લિંગ, શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ, અહેમદપુર માંડવીનો દરિયાકિનારો, વેરાવળ, પોરબંદર અને માંગરોળ જેવા બંદરો, મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થાન અને મોસાળ, ચોરવાડ થી લઈ માધવપુર સુધીની લીલી નાઘેડ અને પછીનો ઘેડ વિસ્તાર. કુદરતે અહીં મન મૂકીને સૌંદર્ય વેર્યું છે. દરિયો, પર્વત, જંગલો અને વન્ય પ્રાણીઓથી સોહામણા સોરઠ ધરાંના નરબંકા માનવીઓના હ્રદય પ્રેમરસથી ભરેલાં છે જેમની પરોણાગત સ્વર્ગને પણ ભૂલાવી દે. 

આવા સુંદર પ્રદેશમાં કામ કરવાનો મોકો કોઈ ભાગ્યશાળીને જ મળે. મેં પહેલા કલ્યાણ યોજનાઓ પર અને લોકાભિમુખ વહીવટ તરફ વધુ ધ્યાન આપ્યું. આપણે ઝડપ કરીએ તો નીચે પણ ઝડપ વધે તે ન્યાયે મારે ત્યાં આવેલી ફાઈલો તે જ દિવસે નિકાલ થતી. જિલ્લો ગ્રામીણ એટલે કામ કરતી ટીમ આવવાથી યોજનાઓનો અમલ ઝડપી બન્યો. જેને કારણે ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ મારા પ્રત્યે હકારાત્મક બનવા લાગ્યાં. ૧૪ તાલુકા તેથી કાર્યબોજ વધુ પરંતુ માયાળુ માનવી તેથી કામ કરવું બોજ ન લાગે. મેં મારી શુદ્ધિ છાપ અને ગાંધી મૂલ્યોને બરાબર પકડી રાખ્યા. પરિણામે રાજકીય આગેવાનો મને ખોટું કામ ચિંધતા કે તે માટે ફોન કરતાં ખમચાતા. પ્રજાનાં વિકાસલક્ષી કામો ઝડપથી થતાં રહે પછી નારાજગી પણ ન રહે. સંસદસભ્યઓ ગોવિંદભાઈ શેખડા અને પછી આવેલાં ભાવનાબેન ચિખલીયા સાલસ સ્વભાવના. ધારાસભ્યો મહેન્દ્રભાઈ, દેવાણંદભાઈ, પૂંજાભાઈ, જશુભાઈ બારડ, જવાહર ચાવડા, ચંદ્રિકાબેન ચુડાસમા, કુંવરજી ભેંસાણિયા, જેઠાભાઈ જોરા, હમીરભાઈ ધૂળા, વગેરે પ્રેમાળ અને પ્રજાલક્ષી. અહીંની બેઠકોમાં તકરાર ઓછી અને સંબંધો જાળવી કામ કઢાવી લેવાતાં. પ્રજાના પ્રતિનિધિઓ જોડે સંબંધો આત્મીય રહેતા અને જૂનાગઢ છોડ્યાને આજે ત્રણ દશક થયાં, સંબંધો એવાં ને એવા મૈત્રીપૂર્ણ અને આત્મીય. જેઓ ગયા તે પણ જીવ્યા ત્યાં લગી પ્રેમના તાંતણે બંધાયેલા રહ્યા. 

અધિકારીઓની અમારી ટીમ સરસ બનેલી. પોલીસમાં DIG ભાર્ગવ સાહેબનો સ્વભાવ રોયલ. કલેક્ટર જે. એન. સિંહ પંચમહાલના અમારા સાથી અને સૌને સાથે લઈ ચાલનારા. DSP ગોપાલસિંહ પરમાર દાહોદના પોલીસ સજ્જન પુરુષ. CF પ્રદીપ ખન્ના મિલનસાર. DCF અશોક સક્સેના મૈત્રીભાવથી ભરેલાં. વારાફરતી બધાંને ઘેર પાર્ટી થાય અને અમે કૌટુંબિક આનંદ લેતા જઈએ અને વહીવટી સંકલન વધારતા જઈએ. ક્યારેક એ કંપનીમાં જિલ્લા ન્યાયાધીશ પણ ભળે. અમારી નીચેના GAS-1 ની ટીમ પણ સંકલન સાધીને રહેતી. 

૧૯૯૦-૯૧ અમારું તૈયારીમાં ગયું પરંતુ ૧૯૯૧-૯૨ અને ૧૯૯૨-૯૩ વાર્ષિક કામગીરીમાં ઉત્તમ પરિણામો લાવનારા રહ્યાં. હવે તો જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને જુદા જુદા ગ્રૂપ બનાવી એકથી વધુ એવોર્ડ્ અપાય છે પરંતુ ત્યારે સમગ્ર જિલ્લા માટે શ્રેષ્ઠ કામગીરીનો એક અવોર્ડ પ્રથમ અને બીજા ક્રમ તરીકે અપાતો. કલેક્ટર જે. એન. સિંહ અને અમે બંને રાજ્ય સ્પર્ધામાં રેસમાં. કલેક્ટરોની સ્પર્ધામાં જે.એન. સિંહે તો મેદાન મારી લીધું પરંતુ ૭૫ માર્ક્સમાં આગળ અમરેલીના નાગોરી અને જૂનાગઢના હું કમિટીના ૨૫ માં ચૂક્યા. ૧૪ તાલુકાનો સંચાલક ઊભો રહ્યો અને એક તાલુકાવાળો પસંદ થયો. કમિટીને પોતાના નિર્ણયનો સંકોચ, તેથી આશ્વાસન ઈનામની ભલામણ કરી પરંતુ હું નિરાશ થયો. જો કે જે. એન. સિંહે તેમની સફળતાના ગુણ ગણતરીમાં જિલ્લા પંચાયતના વિષયો આવતા હોવાથી ક્રેડિટ શેર કરી તેનું આશ્વાસન રહ્યું. તે વર્ષે તેમણે મુખ્ય સચિવ ખાન સાહેબના સન્માનમાં યોજેલ અહેમદપુર માંડવીની પાર્ટીની ભવ્યતા અને રોકેટોની રંગોળીથી ભરેલું આકાશ આજે પણ યાદ છે. 

જૂનાગઢનો ભવનાથનો મેળો અને બોરદેવી પરિક્રમા ખૂબ મશહૂર. ભવનાથ એ વખતે ગ્રામ પંચાયત તેથી મેળા સંચાલનની બધી જવાબદારી જિલ્લા પંચાયતની અને તે રીતે જિલ્લા વિકાસ અધિકારી મેળા સંચાલનમાં કેન્દ્ર સ્થાને આવી જતાં. કાયદો અને વ્યવસ્થા અને જનરલ સંકલન કલેક્ટર અને ડીએસપી સંભાળતા. સાંકડા રસ્તાઓ અને લાખોની જનમેદનીને સંભાળવાની, તેમનાં આરોગ્ય, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચ અને સુખાકારીની જાળવણી કરવી પડતી. ભોજન માટે તો ભંડારા લાગે તેથી પ્રશ્ન નહીં પરંતુ તીર્થયાત્રીઓની સુવિધા અને નાગા બાવાઓના રવેડી મેળાના દર્શન અને મૃગિકુંડ સ્નાન વગેરેની વ્યવસ્થા નિર્વિઘ્ને પાર પાડવાની થતી. સ્ટોલ પણ લાગે તેથી તેની હરાજી થતી. વ્યવસ્થા, લાઈટ, સાઉન્ડ, ડેકોરેશનમાં ઉત્તરોત્તર સુધારો થતો ગયો. તે દિવસોમાં ભજનિકોના ભજન અને ડાયરાઓની રંગત અને ભોળાનાથની ભક્તિના વાતાવરણથી ભવનાથ તરબતર થઈ જતું. અમે સફળતાપૂર્વક ત્રણ ઉત્સવો પાર પાડ્યાં અને ખૂબ સારી નામના મેળવી. 

૧૯૯૧ના લોકસભાની ચૂંટણી આવી. રાજીવ ગાંધી જૂનાગઢ આવ્યાં. રેલીમાં આખું ગામ ઉભરાયું. લક્ષ્મી કહે હું જાઉં. મેં કહ્યું, જાઓ તમે ક્યાં સરકારી કર્મચારી છો. તે ધવલને તેડીને રાજીવ ગાંધીના પસાર થવાના માર્ગે ઊભી રહી. ધવલે પીળો શર્ટ પહેરેલો. રાજીવ ગાંધીની નજર તેના પર પડી અને તેમણે તેમણે પહેરેલ ફૂલહાર તેના તરફ ફેંક્યો જે તેના ગળામાં જઈ પડ્યો. તે મુલાકાત પછી બે કે ત્રણ દિવસ પછી તેમની હત્યા થઈ. તે દિવસે સાત વર્ષનો ધવલ શૂન્યમનસ્ક બેસી રહેલો. તેમનીનએ મુલાકાત એક આકસ્મિક સંભારણું બની રહી. તે ચૂંટણીમાં મેં પોરબંદર લોકસભાના રિટર્નિંગ ઓફિસર તરીકે બજાવેલી જેમાં હાલના પોરબંદર જિલ્લા ઉપરાંત રાજકોટના ધોરાજી, ઉપલેટા વગેરે વિસ્તારોનો સમાવેશ થતો હતો. તે બેઠક ભાજપના હરિલાલ પટેલ જીતેલ અને કોંગ્રેસના બળવંત મનવર હારેલ. 

જે તે વખતના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીનું એ પ્રસિદ્ધ વાક્ય કે દિલ્હીથી મોકલેલો રૂપિયો નીચે જતાં સુધી ૧૫ પૈસા થઈ જાય છે. તેમણે ગ્રામ પંચાયતોને યોજનાકીય ગ્રાંટની સીધી ફાળવણીની પહેલ કરેલ. તે પહેલાં ગામ પંચાયતની બેઠકમાં તલાટી કમ પંચાયત મંત્રી એજન્ડા મૂકે તે સિવાય સરપંચો કામ વિનાનાં નવરાધૂપ રહેતાં. વિવેકાધીન ગ્રાન્ટ અને પ્રોત્સાહક જોગવાઈનાં કામોનું આયોજન આવ્યું એટલે સક્રિયતા વધી પરંતુ સીધી નાણાં ગ્રામ પંચાયતને આવતાં તે વધુ સક્રિય બન્યાં. વળી રાજ્ય સરકારે રૂપિયા પાંચ લાખ સુધીના કામો ટેન્ડર વિના ગામ પંચાયતને આપવાની છૂટ આપતાં ગામ પંચાયતો અને તેના સરપંચો સક્રિય બન્યાં. નાણું આવે અનિયમિતતા લાવે એ માનવ સહજ પ્રક્રિયા તેથી શિસ્તનો દંડો પકડી રાખવો પડે. અધિકારીઓ કર્મચારીઓ પર તો અને દાબ રાખતાં પરંતુ પંચાયત ધારાની જોગવાઈઓનો ઉપયોગ કરી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરનાં નિયંત્રણો જૂજ અધિકારીઓ વાપરતા. મેં હાજર થયાના બીજા જ મહિને કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખને સસ્પેન્ડ કરી ઉપપ્રમુખને ચાર્જ આપી પંચાયતી રાજમાં શિસ્ત લાવવાના પ્રયાસો શરૂ કર્યા. ત્યારપછી લગભગ ત્રણ વર્ષના કાર્યકાળનાં ૪૬ જેટલાં સરપંચોને પંચાયત ધારાની જોગવાઈઓનું સસ્પેન્શન વેઠવું પડ્યું. બે-પાંચ ટકા પર કડપનો લાભ બીજા ૯૫% સારા ચાલે તે મળતો. અમારું પંચાયતી રાજ અસરદાર અને સફળ ચાલ્યું. 

અધિકારીગણમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દલ સાહેબને સસ્પેન્શન વેઠવું પડેલ. તેઓ સીધા સામેલ નહીં. પરંતુ જે ચેક બુક પર તે સહી કરતાં તેના નીચેના ચેક પર તેમની બોલપેનના પ્રેશરથી પડતી છાપની કોપી કરી બીજા ચેકો ખાનગી ખાતે જમા કરાવી તેમનો એકાઉન્ટ ઓફિસર સરકારનું રૂપિયા એક કરોડથી વધુ રકમનું કરી ગયેલ. દલ સાહેબનો વાંક કે બીજીવાર ચેકબુક આવે તો પાછલા ચેકની ગતિવિધિ પર નજર ન કરે. જો તેઓ વધુ સતર્ક હોત તો ચોર વહેલો પકડાત અને સરકારના નાણાં બચત. તેમની તપાસનું શું થયું અને એકાઉન્ટ ઓફિસર ઉચાપત કરેલ નાણા પાછા આપ્યા કે નહીં તેની મને ખબર નહીં પરંતુ ઉચાપત કરનારના ખાતામાં જે કંઈ જમા હતું તે સીઝ કરી તેટલું વસૂલ લઈ લીધેલ. 

જૂનાગઢ જિલ્લાનું એક જાજરમાન વ્યક્તિત્વ એટલે પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શશીકાંત લાખાણી. શાંત, સરળ, પ્રામાણિક અને બુદ્ધિશાળી વ્યક્તિત્વ. કોઈને ખોટું કામ ચિંધે નહીં અને ખોટી વાતમાં ઊભા ન રહે. જૂના જમાનાના રતુભાઈ અદાણી સાથે જોડાયેલા એટલે સર્વોદયના વિચારો. ધાર્મિક તેથી પંડિત નથ્થુરામ શર્માના આનંદાશ્રમ બિલખાં સાથે જોડાયેલા. તે આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી મારા મિત્ર ગોપાલના પિતા અને નિવૃત્ત આઈએએસ હરિહરભાઈ જોષી. તેથી તે નાતે મારે શશીકાંતભાઈ સાથે આત્મીયતા કેળવાયેલી. મારા મોટાભાઈને મિલ બંધ થતાં બેરોજગારીને કારણે ઘરમાં મોટી અગવડ. તેમણે મારા ભત્રીજા સુરેશને તેમના કાર્યાલયમાં નોકરી આપી મોટી મદદ કરી હતી. તેઓ નિખાલસ પણ એટલાં. એક તબક્કે ચીમનભાઈની સરકારને અસ્થિર કરવાની વાત ચાલી. પ્રતિપક્ષ દ્વારા તેમને મુખ્યમંત્રી બનાવવાની ઓફર મૂકાઈ. પરંતુ ‘મારા ખૂનમાં દગો કરવાની વૃત્તિ નહીં’ તેમ કહી તેમણે તે દરખાસ્તનો સવિનય અસ્વીકાર કરેલ. ચીમનભાઈ પટેલ સરકારના એ રીતે તેઓ મજબૂત સ્તંભ બની રહ્યા. 

અમારે જિલ્લા પંચાયતમાં ૧૦૦૦૦થી વધુ કર્મચારીઓ તેથી કામ ઘણાં. હવે આવડી મોટી જિલ્લા પંચાયત અને તેમાં તકરાર ન થાય એવું બને? તે સમયે જિલ્લા પંચાયતના પ્રમુખ જ કારોબારી સમિતિના પ્રમુખ. મહેસાણામાં ખેતી-બિનખેતીની ફાઈલોના ચક્કરમાં હું પડ્યો ન હતો. નિયમસરની ફાઈલો પાસ થતી અને ખામીવાળી પરત જતી. મહેસૂલ શાખા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી મારી ચોકખું કામ કરવાની પદ્ધતિથી વાકેફ હતાં. અહીં પહેલી બેઠકના એક દિવસ પહેલાં પ્રમુખ સૂકાભાઈ મને ચેમ્બરમાં મળવાં આવ્યાં અને કહે સાહેબ ખેતીમાંથી બિનખેતી જે ફાઈલો તેઓ સૂચવે તે મારે ક્લીયર કરવાની અને બદલામાં પૂર્વ અધિકારીઓની જેમ તેઓ મને સાચવી લેશે. મેં તેમની દરખાસ્તનો સવિનય અસ્વીકાર કર્યો અને જણાવ્યું કે નિયમસરની દરખાસ્તની મંજૂરીની તેમણે ચિંતા ન કરવી. જ્યાં ત્રૃટિ-ખામી હશે ત્યાં પૂર્તતા સુધી રોકાવું પડશે. મારો તેમની ગોઠવણમાં બેસવાનો ઈન્કાર તેમને ન ગમ્યો, પરંતુ ખામીયુક્ત દરખાસ્તોની મંજૂરી માટેના તેમના આગ્રહને કારણે અમારે મતભેદ શરૂ થયાં. પછી તો જિલ્લા પંચાયતની બેઠકો મીની વિધાનસભા બનવા લાગી અને મારે ફાઈલો સાથે હાજર રહી તેમની રજૂઆતો સામે જવાબો કરવા રહ્યા. સત્ય ક્યાંથી હારે? મિનિટ્સ જિલ્લા વિકાસ અધિકારીએ લખવાની તેથી કારોબારી ખામીવાળી દરખાસ્તો મંજૂર કરે તો જિલ્લા વિકાસ અધિકારીની નોંધ ઉમેરી ઠરાવોને પ્રતિષેધ કરવા વિકાસ કમિશ્નરને મોકલવાનો સિલસિલો શરૂ થયો અને કમિશનર કચેરી દ્વારા તેને પ્રતિષેધ કરાતાં અમારે જિલ્લા પંચાયતમાં ખટરાગ વધ્યો. શાંત એવાં અમારા પ્રમુખે છેલ્લો દાવ અજમાવ્યો. તેઓ તેમના સાથી લીલાભાઈ ખૂંટીને લઈ મારી ચેમ્બરમાં આવ્યાં. તેઓ મેર હોવાની વિશેષ ઓળખાણ આપી કહ્યું સાહેબ તમારે નાના બાળકો છે. માની જાઓને. તમને ફાયદો છે. તમારે ક્યાં કંઈ કરવાનું છે. અને જો ન માનો તો તમને ખબર છે ને? પોરબંદરમાં થતાં ખૂનોનો હવાલો આપી મને કહે તમંચાના ભડાકે તમેય ક્યાંય ખોવાઈ જશો ખબર નહિ પડે. મારો ચાલીનો યુવાન જાગી ઉઠ્યો. મેં બે બાંયના બટન ખોલી બાંય થોડી ઉપર કરી અને કહ્યું ભવિષ્ય કોણે જોયું છે, કોઈને પારખાં કરવાં હોય તો હાલો ઉતરો નીચે મેદાનમાં. તેઓ આમ તો ઘણાં વિવેકી. તેમનાંથી જાણે તેમને પોતાને ન ગમતું બોલી જવાયું હોય તેવું લાગ્યું. સાનમાં સમજી તેઓ ઉઠ્યા અને પરત ગયા અને ત્યારપછી મારી કામગીરીમાં તેઓએ એક બિનખેતી ફાઈલોના વિષચ સિવાય ક્યારેય દખલ ન કરી. બહુ પછી મને સમજાયું કે નીચેના અધિકારીઓ જોડે તેમનો મેળ સારો બેસી ગયેલ. 

આ બાજુ વિકાસ કમિશ્નર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીની દરખાસ્તો અન્વયે જિલ્લા પંચાયતના પ્રમુખને સત્તાના દુરુપયોગ માટે પંચાયત ધારાની જોગવાઈ અંતર્ગત સસ્પેન્શનની ચાર નોટિસો ઈસ્યુ થયેલ. અમારા પ્રમુખ ખાનદાની એવાં કે વિકાસ કમિશ્નર સમક્ષની એક સુનાવણીમાં તેમણે વિકાસ કમિશ્નર સમક્ષ તેમણે મને કરેલ નાણાકીય લાભની ઓફર અને મારા સ્પષ્ટ નકારની વાત કબૂલ કરી. તેમના એ એકરારે મને તેમનાં પ્રત્યે વધુ માન ઉપજાવ્યું. અંદરથી અલગ અને બહારથી જુદા બે ઢોલકી માણસો મને ન ગમતાં. 

મારી ખુરશી સ્થિર થતાં બાળકોનું શિક્ષણ સ્થિર થયું. ઉજ્જવલ-ધવલ કેન્દ્રીય વિદ્યાલયમાં ભણવા લાગ્યા.અમારે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને રહેવાનું ઘર એક. જૂનાગઢના દિવાન શાહનવાઝ ખાન રહેતાં તે ઘરમાં ભોંયતળિયાના માળે જિલ્લા વિકાસ અધિકારી અને ઉપરના પહેલાં માળે કલેક્ટર રહે. બાજુમાં એક નાનું પરંતુ સ્વતંત્ર ક્વાર્ટર નિવાસી નાયબ કલેક્ટરનું. કમ્પાઉન્ડ ખૂબ મોટું. બાળકોને રમવા ક્યાંય બહાર જવું ન પડે. કલેક્ટરનો દીકરો આદિત્ય, ઉજ્જવલ, ધવલ, પીનલ અને હું દરરોજ સાંજે ક્રિકેટ રમીએ. અમે મેદાન જોઈ રન માટેના નિયમો બનાવેલા અને તે નિયમો મુજબ આદિત્ય રમવામાં એવો પાકો થઈ ગયો હતો કે એક દિવસ સદી ફટકારી દીધી પણ આઉટ ન થયો. એ ત્રણ વર્ષ તેના પિતા કરતાં તે મારી સાથે વધુ રમ્યો હશે. 

પ્રવાસન જિલ્લો તેથી વીઆઈપી અને અધિકારીઓનો સંપર્ક બની રહેતો. વિકાસ કમિશ્નર એસ. ડી. શર્મા સાહેબના કુટુંબના લંડનના સભ્યો આવ્યા ત્યારે અને ગિરનાર સાથે ચડ્યા હતાં. દાતારનો મસાલા ઉકાળાનો સ્વાદ ન ભૂલાય. નામદાર આગાખાનની મુલાકાતે અને તેમને નજીકથી હસ્તધૂનન કરી મળતાં અને તેમના અનુયાયીઓ તેમની એક ઝલક જોવાં રોડની બંને બાજુ કેવાં લાલાયિત રહેતાં તે વ્યવહારિક જગત અને આસ્થાનાં જગતનો ભેદ મને સમજાતો. 

બેએક વર્ષ પછી મહિલાઓએ પણ તેમનું નાનકડું એવું જૂથ બનાવી બેકરી બનાવવાનું શિખેલું અને જૂનાગઢ તળેટીમાં અંધશ્રદ્ધા ઉન્મૂલનના જાહેર વૈજ્ઞાનિક કાર્યક્રમમાં સાડી પહેરેલી લક્ષ્મીએ સળગતાં અંગારા પર ચાલી અને ઉકળતા તેલમાં હાથ નાંખી પૂરીઓ બહાર કાઢી તેની હિંમતનો સૌને પરિચય કરાવેલ. લક્ષ્મી મારો વાઘ તેને હલકામાં ન લેવાય. એકવાર RDC રાજેન્દ્રભાઈ દવેના પત્ની રેણુકા અને લક્ષ્મી કડવાચોક શાક માર્કેટમાં શાક લેવાં ગયા હતા. ત્યાં કોઈ ટપોરીએ રેણુકાબેનની કમરમાં જોરથી ચૂંટીયો ભર્યો અને રેણુકાબેનથી રાડ પડી ગઈ, અરરર માડી. કમર પર કાળું ઝામું પડી ગયું. લક્ષ્મીનો પિત્તો ગયો. તેણે ટપોરીની પાછળ હડી કાઢી દોટ મૂકી. પેલો જાય ભાગ્યો. બીચ બજારે ટપોરી આગળ અને લક્ષ્મી પાછળ. શાળા દોડ હરિફાઈમાં તે જિલ્લે સુધી દોડી આવેલી, તેથી તેણે ટપોરીની બરાબર નજીક પહોંચી પોતાની જમણા હાથની મુઠ્ઠી બરાબર બંધ કરી જોર દઈને પેલાના બરડામાં મુક્કો જડી દીધો. બરડાની બરોબર મધ્યમાં મુક્કો વાગતાં પેલો ટપોરી કણસી ઉઠ્યો અને બેસી ગયો. લક્ષ્મીએ બીજી એક બે ધરી દીધી અને ત્યાં લોકો ભેગાં થઈ ગયા. ટપોરી સમજી ગયો કે હવે તો આવી બન્યું. તે બાકી હતું તે બળ લગાવી ઉભો થઈ નાઠો અને પછી તે માર્કેટમાં ક્યારેય ન દેખાયો. કેટલાક પ્રશ્નો ફોન કરીને કે પચીસ જણાને કહીને ન ઉકેલાય. સ્થળ પર જ ફેંસલ કરવા પડે. 

આરોગ્યની સુવિધામાં અહીં સિવિલ હોસ્પિટલ અને તેના સિવિલ સર્જન ડો ગઢવી એક્સ સર્વિસ મેન તેથી ઉમંગ અને ખંતથી કામ કરે. ખાનગી ડોક્ટરો પણ ખરાં પરંતુ વિશેષ તપાસ કે ઈમરજન્સી માટે રાજકોટ જવું પડે. અમારા ડીસીએફ મિત્ર અશોક સક્સેનાના પત્ની પૂર્ણિમાને પહેલી પ્રેગ્નેન્સી. અશોક પ્રવાસમાં અને લેબર પેઈન ઉપડ્યું. ખાનગી મહિલા ગાયનેકોલોજીસ્ટ ફોરસેપ ડીલીવરી કરવા ગયા અને બાળક જોખમાયું. પુત્ર બાળકને ઈન્ક્યુબેટરની જરૂર ઊભી થઈ. મારતી કારે કલેક્ટરની કારમાં ડ્રાયવર વશરામે બાળકને રાજકોટ પહોંચાડ્યું પરંતુ બાળક ન બચ્યું. અમારો સિવિલ સર્જન પોતે કુશળ અને નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પરંતુ ખાનગી ડોક્ટરે સર્જેલી વક્રતાએ લાચાર બનાવ્યા. પછી તો કલેક્ટરને ઘેર સિદ્ધાર્થ જન્મ્યો અને આનંદ પાછો ફર્યો. પરંતુ અશોકને પડેલી એ ખોટ અમને જીવનભર યાદ રહી. 

જિલ્લા પંચાયતના મારા વિરોધી તત્વો જ્યાં સુધી શશીકાંતભાઈ લાખાણી મારી સાથે હતાં ત્યાં સુધી તેમનાં હાથ હેઠાં રહ્યાં. મારે ત્રણ વર્ષ પૂરા થવા જઈ રહ્યા હતાં ત્યારે કદાચ કોઈક ત્રીજા પક્ષની કાનભંભેરણીથી છેવટે મંત્રીશ્રી મારી બદલી માટે સંમત થયાં. જિલ્લાના ધારાસભ્યોએ તેમનાથી થાય તેટલો પ્રયાસ કર્યો પરંતુ છેવટે મારી બદલીના હુકમો થયા. ક્યાં પંચમહાલ કલેક્ટર કે વલસાડ કલેક્ટર મૂકવાની ચાલતી દરખાસ્તો અને ક્યાં એક ન્યાયાધિશની નર્મદા પુનર્વસન સમિતિના સચિવ તરીકેની નિમણૂક? મુખ્યમંત્રી ચીમનભાઈ સાથે તેમના જિલ્લા પ્રવાસમા લોકદરબાર અને પોરબંદર સર્કિટ હાઉસમાં તેમની સાથે એકાંત વાર્તાલાપથી મેં તેમનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. તેઓ અમારા જિલ્લાના ધારાસભ્યો સમક્ષ મને ફાયટર જિલ્લા વિકાસ અધિકારી તરીકે ઓળખાવતા. હું સીધો પહોંચ્યો મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ પાસે. મારી વાત રજૂ કરી. તેમણે કહ્યુ ક્યાં જવું છે? મેં કહ્યું વલસાડ જિલ્લા વિકાસ અધિકારી તરીકે. તેઓ કહે વલસાડ જ શા માટે? મેં જવાબ આપ્યો કે ત્યાંના જિલ્લા વિકાસ અધિકારી ફારૂખભાઈ શેખ માર્ચ ૩૧, ૧૯૯૩ ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે તરત જ સચિવને બોલાવ્યા અને મારો જિલ્લા વિકાસ અધિકારી વલસાડ તરીકે બદલીનો ફેરફાર હુકમ કરી આપ્યો. હું વલસાડ જઈ હાજર થયો અને હરિયાળા દક્ષિણ ગુજરાતના ખટપટ વિહોણા સીધા અને સરળ જિલ્લામાં મારો પ્રવેશ થયો. પૂર્વમાં પંચમહાલથી શરૂ થઈ ઉત્તરે મહેસાણા અને પશ્ચિમે જૂનાગઢ થઈ મારી જિલ્લા સફર હવે દક્ષિણે વલસાડમાં આવી. 

૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫

Wednesday, September 24, 2025

જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી-૧

જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી-૧ (મહેસાણા) 


ઓગસ્ટ ૧૯૮૯ નજીક આવી રહ્યો હતો. અમે પ્રથા મુજબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતીના હુકમોની વાટ જોઈ રહ્યા હતા. બીજી તરફ અમરસિંહ ચૌધરીની સરકાર પોતાના પક્ષ અને વિપક્ષના નિશાના પર હતી. સતત ત્રણ અછતના વર્ષોએ સરકારી તિજોરીને કમજોર કરી દીધી હતી. રફળિયા ઢોરવાડાની ગેરરીતિ ચગાવી સરકારની આબરૂનું હનન થઈ રહ્યું હતું. ૧૯૮૭માં નર્મદા ડેમનું કામ શરૂ થયું પરંતુ તેનો યશ સરકારને જોઈએ તેવો મળ્યો ન હતો. સરકારી તિજોરીમાંથી ખર્ચ કરી પક્ષને ફાયદો થાય તેવો પ્રચાર કરવાનું ચલણ હજી ચાલુ થયું ન હતું. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીની રેલી-સંમેલન યોજ્યું તેનાથી પણ તેમનું બળ ન વધ્યું. ઉલટું ૫૦ કે ૧૦૦ બસ એસટીની બસો એ રેલીમાં ગ્રામલોકો લાવવા વપરાઈ તેની ખૂબ મોટી ટીકા થઈ. એવામાં ૧૯ જિલ્લા પંચાયતોની અને ૧૮૪ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ આવી. જાણે જિલ્લા વિકાસ અધિકારીથી ચુંટણી જીતાતી હોય, સરકારે જે તે સમયના જિલ્લા વિકાસ અધિકારીઓને ચાલુ રાખી અમારી બેંચને બઢતી આપી સચિવાલયમાં નાયબ સચિવ તરીકે મૂકવા નિર્ણય લીધો. અમારા એક બેચમેટને થરાદ પ્રાંત અધિકારીથી બદલી કરી છ-આઠ મહિના પહેલાં જ સચિવાલયમાં ઉપસચિવ તરીકે બેસાડી દીધેલ હતાં. અમે નવેય જણ નાયબ સચિવ બન્યાં. 

મારી સીનીયર સ્કેલમાં બઢતી નિમણૂક નાયબ સચિવ તરકી રસ્તા અને બાંધકામ વિભાગમાં થઈ. સજ્જન એવાં વિનય કામદાર અમારા સચિવ. તેમણે મને લોકલ એસ્ટાબ્લિશમેન્ટ અને કેપીટલ પ્રોજેક્ટની શાખાઓ આપી. પરંતુ તે ઉંમરે જિલ્લો છોડી સચિવાલયમાં બેસવું કોને ગમે? મહેકમને કારણે વિભાગમાં અને કેપીટલ પ્રોજેક્ટને કારણે ગાંધીનગર R&B સર્કલમાં મારું મહત્વ વધ્યું. નાયબ સચિવને મળેલી સત્તાનો ઉપયોગ કરીને મેં બીજા જ મહિને ત્રણ વર્ષથી વધુ સમય થયેલા મદદનીશ, કારકુનોની શાખાઓ બદલી નાખી. પટાવાળાઓને વોશીંગ એલાઉન્સ લેવું હોય તો યુનિફોર્મ પહેરવું પડશે તેમ જણાવી યુનિફોર્મ પહેરતાં કરી દીધા. કર્મચારી-અધિકારીઓને જમીન પ્લોટ આપવાનો GR બહાર પડી ગયો હતો પરંતુ તેને આનુષંગિક પૃચ્છા પૂર્તતાને કારણે હિતધારકોમાં પણ મારું નામ પરિચિત થવા લાગ્યું. ગાંધીનગરમાં BAPSનું અક્ષરધામ બને. તેના સ્વામીઓ જોડીમાં આવે તેમની સાથે સંસ્થાનો પ્રથમ પરિચય થયો. મારા કાર્યકાળમાં ગાંધીનગર અક્ષરધામને એક જમીન ફાળવણીનો ઠરાવ થયો. અમરસિંહભાઈની સરકારના લાભો સર્વેને મળી રહ્યા હતાં પરંતુ વાતાવરણ જાણે તેમનું દોહન કરી તેમની વિરુદ્ધ કામ કરી રહ્યું હતું. કોઈક પ્રસંગે મારે મુખ્યમંત્રીને મળવાનું થયું ત્યારે અમસ્તું પૂછયું કે તેમણે અમારી બેચને સચિવાલયમાં કેમ નાંખી? તેમણે પંચાયતોની ચૂંટણીનું કારણ ધર્યું અને કહ્યું કે ચૂંટણીઓ પછી બધાંને જિલ્લા વિકાસ અધિકારી તરીકે મૂકી દેવાશે. 

આ તરફ કોંગ્રેસ પક્ષને ૧૯૯૦ના માર્ચમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં હારી જવાની દહેશત વધી ગઈ. ચીમનભાઈ સક્રિય અને પોતાના રાજકીય પુનરાગમનની તકો પર કામ કરે. બીજેપી તેનું સંગઠન મજબૂત કરી લાંબાગાળાના આયોજન પર કામ કરે. કોંગ્રેસનું એક મોટું જૂથ માધવસિંહનો ૧૯૮૦ અને ૧૯૮૫નો કરિશ્મા પાછો લાવવા અમરસિંહભાઈને મુખ્યમંત્રી તરીકે ખસેડવા જોર કરે. અસંતુષ્ટો અને મુખ્યમંત્રી વચ્ચે સમાધાન કાઢવા દિલ્હીમાં તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ઉપસ્થિતિમાં એક બેઠક થઈ. મુખ્યમંત્રી વિરુદ્ધની રજૂઆતો પૈકીની એક રજૂઆત અધિકારીઓ તેમના પક્ષને બદલે વિપક્ષના આગેવાનોનું કહ્યું વધારે કરે છે તે હતી. રજૂઆત કરનાર ઈશ્વરસિંહ ચાવડા મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તેથી દિલ્હીથી તરત જ મુખ્યમંત્રીનો દિલ્હીચી તેમના સચિવને ફોન ગયો અને સાંજના ૬.૧૦એ  કચેરી છોડવા હું ઉભો જ થયો ત્યાં મુખ્યમંત્રીના સચિવ પ્રવીણભાઈ લહેરી સાહેબનો ફોન આવ્યો. કહ્યું પરમાર તમે મારી ચેમ્બરમાં આવી જાઓ. હું ગયો તો મને સામે CTC ધર્યું કે આમાં સહી કરો, તમારી નિમણૂક જિલ્લા વિકાસ અધિકારી મહેસાણા તરીકે કરી છે અને તમારે તરત જ ચાર્જ સંભાળી લેવાનો છે. તમને લેવા જિલ્લા પંચાયતમાંથી કાર આવી જશે. મહેસાણા એટલે આભડછેટનો જિલ્લો અને મારું ગામ ત્યાંથી બસ ૨૫ કિલોમીટર દૂર. મારો તાલુકો તે વખતે વિરમગામ અને જિલ્લો અમદાવાદ પરંતુ મારા ગામના સીમાડે બધાં ગામ મહેસાણાના. હું ૧૯૬૯ના જાતિવાદી માનસિકતાના અનુભવને ભૂલ્યો ન હતો તેથી અસમંજસમાં પડ્યો. પરંતુ બીજો વિકલ્પ પણ ક્યાં હતો? સરકારી હુકમ, આપણે ચાલ્યા થઈ જિલ્લા વિકાસ અધિકારી મહેસાણા. 

મહેસાણા જિલ્લો એ સમયે ખૂબ મોટો. હાલનો પાટણ જિલ્લો અને ગાંધીનગરના હાલના તાલુકાઓમાંથી કલોલ, માણસા તાલુકા મહેસાણાનો ભાગ. તેના સંસદસભ્યો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખો, એક એકથી ચડિયાતા બોલકા અને કોઈની પણ શેહ શરમ ન રાખે. પ્રમુખ ઈશ્વરસિંહ ચાવડાની પણ મોટી ધાક ચાલે. પચાસ કિલો વજન અને પાંચ ફૂટ ત્રણ ઈંચ ઊંચાઈનો હું જિલ્લા વિકાસ અધિકારી મહેસાણાની ચેમ્બરમાં પ્રવેશ્યો. પીએ સથવારાએ મને પ્રાથમિક માહિતી આપી અને અધિકારીઓએ વારાફરતી આવી તેમનો પરિચય આપ્યો. ડીડીઓને વાહનમાં ફિયાટ કાર પરંતુ હજી પૂર્વ અધિકારી પાસે. ફાઈલોની વાત નિકળી તો મેં સહજ કહ્યું કે ફાઈલો સરકીટ હાઉસ મોકલી દેજો ત્યાં રાત્રે જોઈ લઈશ. દિવસ આખાની ઔપચારિક મુલાકાતો અને કામગીરી પરિચય પછી હું સરકીટ હાઉસમાં મને ફાળવેલ એક રૂમમાં પ્રવેશ્યો. પરંતુ આ શું, ચારેબાજુ ફાઈલોના ઢેર. રૂમની ચારેય દિવાલોને અઢેલીને ફાઈલો ખડકી દેવામાં આવેલી. વચ્ચે પથારી પર જવા પણ ફાઈલો  કૂદી જવું પડે તેવું દ્રશ્ય. મેં પીએને ફોન જોડી કહ્યું, ભલાદમી આટલી બધી ફાઈલો મોકલાય? તેણે હી હી હી કરી જવાબ આપ્યો, સાહેબ તમે નહોતું કહ્યું કે તમારે જોવાની બધી ફાઈલો સરકીટ હાઉસ મોકલો. અહીં ઝઘડામાં જી.ડી. વ્યાસ સાહેબે સાડા ત્રણ મહિનાથી બધું મૂકી રાખ્યું છે. ચોમાસાની ભેજવાળી ઋતુ અને કબાડીખાના જેવા ફાઈલોના ઢગલા. સ્લમમાં રહેલાં તેથી બેક્ટેરિયાની કોઈ બીક નહીં પરંતુ કામનો ભરાવો જોઈ મને ચકક્રર આવી ગયા. પરંતુ રણ છોડે એવા આપણે રણછોડ નહીં. દાહોદમાં પંચાયતોનો વહીવટ ધગશથી શીખ્યો હતો. મેં કલમ ઉપાડી ખૂણાં સાફ કરવાનું ચાલું કર્યું. રાત્રે મોડે સુધી અને વહેલી સવારથી નવ વાગ્યા સુધી ફાઈલોનો નિકાલ ચાલુ કર્યો. સાતેક દિવસમાં સફાઈ પૂરી થઈ પરંતુ, તે સાત દિવસમાં જિલ્લા પંચાયત મને મોઢે થઈ ગયું અને વહીવટનો એવો પાકો બની ગયો કે નિવૃતિ સુધી કામ આવ્યું. મહેસાણાના કાગળોને તો જીત્યા પરંતુ ખરો જંગ તો હજી બાકી હતો. 

હું હાજર તો થયો, પંદર દિવસ થયાં પરંતુ પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓની ફીયાટ ન આપે. મેં મંગાવી તો કહે તેમણે નાંખેલું પેટ્રોલ પતે નહીં ત્યાં સુધી નહીં મળે. જો વહેલી જોઈતી હોય તો ટાંકીમાં પેટ્રોલ જે હોય તેના પૈસા ચૂકવી લઈ જાઓ. મેં ટાંકીનું તેલ મપાવ્યું, ₹૨૩૯ ચૂકવ્યા અને કારનો હવાલો લીધો. 

એવું કહેવાય છે કે દિલ્હીમાં બે કોર્પોરેટની લડાઈમાં રાજકીય નેતાઓ સપડાયા. રીલાયન્સની મશીનરી આયાતમાં ટેરીફ ચોરી (custom duty)ની વાડિયા હાઉસની રજૂઆત પર નાણાં મંત્રી વી. પી. સિંહ કડક રૂખ અપનાવી રિલાયન્સ વિરુદ્ધ પગલાં લેવાનું શરૂ કર્યું. ધીરૂભાઈ અંબાણીએ પ્રધાનમંત્રીનું શરણ લીધું. જાન્યુઆરી ૧૯૮૭માં વી. પી. સિંહને નાણાંમાંથી બદલી ડીફેન્સ મિનિસ્ટર બનાવાયા. પરંતુ તે જ સમયે સ્વિસ રેડિયો પરની એક ખબરથી બોફોર્સનું ભૂત ધૂણ્યું અને વીપી સિંહને મોકો મળી ગયો. દોસ્ત દોસ્ત ના રહા. ચાર મહિના થાય તેટલી રાજીવ ગાંધીની બદનામી થઈ અને તેમણે એપ્રિલ ૧૯૮૭માં મંત્રીમંડળ અને પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને જનતા પક્ષમાં જોડાઈ ગયા. વિપક્ષોએ ગઠબંધન કર્યું અને રાજીવ ગાંધીની સ્વચ્છ છબીને બોફોર્સની કાલિમાથી રંગી દીધી. મીડિયાને વીપી સિંહ નવા હીરો મળી ગયા. રાજકીય નુકસાન રોકવા રાજીવ ગાંધીએ નવમી લોકસભાની ચુંટણી એક મહિનો વહેલી કરાવી. પરંતુ તોય મોડું થયું. ૧૯૮૪માં ૪૧૪/૫૪૧ બેઠકો જીતનાર નેતા ધરાશાયી થયા. ૨૨-૨૬ નવેમ્બર ૧૯૮૯માં યોજાયેલી ચૂંટણીમાં ૧૯૮/૫૪૧ સીટો જીતી હારી ગયા અને ૧૪૩ બેઠક મેળવનાર વીપી સિંહ અન્ય વિપક્ષના ટેકાથી પ્રધાનમંત્રી બની ગયા. સમાજવાદી, સામ્યવાદી અને બીજેપી, કોંગ્રેસ સામે એક થયા. લોકસભાની એ ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક પર મને રિટર્નિંગ ઑફિસર તરીકે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો. કલેક્ટર યોગેન્દ્ર દિક્ષિત મહેસાણા બેઠકના રિટર્નિંગ ઓફિસર હતાં. કોંગ્રેસના કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી રહેલાં યોગેન્દ્ર મકવાણા જનતા પક્ષના ખેમચંદ ચાવડા સામે એક લાખથી વધુ મતોથી હારી ગયા. 

ગુજરાતની ગાદી બચાવવા ગાંધીનગરમાં અહીં અમરસિંહભાઈને બદલવાનું દબાણ ચાલુ રહ્યું. ૧૯૮૫માં ૧૪૯/૧૮૨ બેઠકો જીતનાર માધવસિંહને એક સુનિયોજિત સ્ટેબીંગ કાવતરાંથી જવું પડ્યું હતું. તેમણે પસંદ કરેલ અમરસિંહ ચૌધરી કેન્દ્રીય નેતૃત્વનાં ટેકાથી ટકી રહ્યા. માધવસિંહને શાંત રાખવા દેશના આયોજન મંત્રી બનાવાયા પરંતુ તેમનું તેજ ત્યાં ન ઝળક્યું. છેવટે ગુજરાતમાંથી અમરસિંહ ચૌધરી બદલાયા અને ૧૦ ડીસેમ્બર ૧૯૮૯ના રોજ જૂના મહારથી માધવસિંહ સોલંકીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેઓની પ્રતિષ્ઠા હવે દાવ પર લાગી હતી કારણકે વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં હતી પરંતુ સમય થોડો હતો. ત્રણ મહિનાનો સમય અને તેમાં ચૂંટણી આચારસંહિતા લાગી હોય ત્યાં કોઈ કેટલું કાંઠુ કાઢી શકે? તેમને KHAM જમાવવા સમય ન રહ્યો. બીજી તરફ વી.પી. સિંહની પ્રામાણિક છબીની ઓથે ગુજરાત જનતા પક્ષમાં ચીમનભાઈ પોતાનો દાવ બરાબર જમાવી રહ્યા હતાં અને તેમની સાથે હતાં કેશુભાઈ અને તેમના સહાયકો જે ૧૯૮૬થી સંગઠનમાં સક્રિય હતાં. આઠમી વિધાનસભાની એ ચૂંટણી કોંગ્રેસ માટે વોટરલૂ બની. ૧૯૮૫માં ૧૪૯ બેઠક જીતનાર માધવસિંહની નેતાગીરીને માત્ર ૩૩ બેઠકો મળી. સાબરમતી, નર્મદા, તાપી, મહી, ભાદરમાં ઘણાં પાણી વહી ગયાં હતાં. અમરસિંહભાઈની નબળી નેતાગીરીથી કોંગ્રેસ કાર્યકરો કમજોર પડ્યાં, અને માધવસિંહના સસરા ઈશ્વરભાઈ ચાવડાએ વાસદની કોઈ એક ગામસભામાં બોલેલું વાક્ય માધવસિંહના નામે ચઢાવી રાજકીય ચગાવાયુ. ઈશ્વરભાઈએ અતિ ઉત્સાહથી તેમની ઓબીસી વર્ગની ઠાકરડા કોમના વિકાસ માટે એવું બોલાઈ ગયું કે હવે તો પટેલોની સ્ત્રીઓને શીશીમાં તેલ લેતી કરવી છે. માધવસિંહ વગર વાંકે કૂટાયા અને પટેલ સમુદાય તેમનાથી વિમુખ થતાં ચૂંટણી હારી ગયા. દસમી લોકસભાની ચૂંટણી વચ્ચે જ LTTEના આત્મઘાતી બોંબર મહિલાએ પેરૂમ્બુદૂરમાં રાજીવ ગાંધીની હત્યા થઈ અને નવા પ્રધાનમંત્રી નરસિંહરાવે માધવસિંહને જૂન ૧૯૯૧માં વિદેશ મંત્રી બનાવ્યાં પરંતુ બોફોર્સની એક ચિઠ્ઠીના વિવાદે માર્ચ ૧૯૯૨માં તેમણે રાજીનામું આપવું પડયું. તેમનો પછી રાજકીય સંન્યાસ રહ્યો. 

માધવસિંહના એ ટૂંકા ૭૫ દિવસના શાસનકાળમાં મારે પણ તેમની સાથે ટકરામણ થઈ. માધવસિંહ સરકારમાં કાસમબાપુ પંચાયત મંત્રી બન્યાં. તેમની કચેરીમાંથી ફોન આવ્યો કે મંત્રીશ્રી તમને યાદ કરે છે. હું ગયો તો મને એન્ટી ચેમ્બરમાં લઈ ગયા. ત્યાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ ઈશ્વરસિંહ ચાવડા હાજર હતાં. કાસમબાપુએ તેમના હાથમાંથી લઈ એક યાદી મને આપતાં કહ્યું કે પરમાર તમારે આ હુકમો આજે કરવાના છે તેવો મુખ્યમંત્રીનો આદેશ છે. મેં યાદી પર એક નજર નાખી અને વિચાર્યું કે દરેક કર્મચારીના સર્વિસ કાર્ડ, હાલની જગ્યાનો ટેન્યોર, તેની છાપ, પ્રામાણિકતા વગેરે પાસા જોયા વિના જિલ્લા પંચાયતના વહીવટી વડા તરીકે મારાથી આવો હુકમ આજે જ કેવી રીતે કરાય? મેં કહ્યું હું યાદીને ચકાસી જે વાજબી હશે કે હુકમો કરી દઈશ. પરંતુ તેઓ બંનેએ બધાં હુકમો તે જ દિવસે કરવાના આગ્રહને કારણે હું સીધો પંચાયત સચિવ નિરંજન સિંહ પાસે પહોંચ્યો. તેમને ઘટનાથી માહિતગાર કર્યા અને પંચાયત મંત્રી પાસે મારી સાથે આવવા કહ્યું. અને બંને પંચાયત મંત્રી પાસે ગયા અને સચિવશ્રીએ મારી વાતને ટેકો આપ્યો. તે વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ જતા રહ્યા હતાં. કાસમબાપુએ નિખાલસ થઈ જણાવ્યું કે મુખ્ય દબાણ ઈશ્વરસિંહનું છે. હું મક્કમ રહ્યો. બદલી યાદીનો અમલ ન કર્યો અને એટલામાં ઈલેકશન કમીશન ઓફ ઈન્ડિયાએ વિધાનસભાની ચૂંટણી જાહેર કરી દીધી એટલે બદલીનો તે વિવાદ ત્યાં અટક્યો. પરંતુ બીજી એક બદલીએ મને મુખ્યમંત્રી સામે લાવી ઊભો કરી દીધો. વિજાપુર વિધાનસભા બેઠક પર નરેશભાઈ રાવલ ઉમેદવાર. તેમના મત વિસ્તારમાં કોઈ એક ડિસ્પેન્સરી પર મેડિકલ ઓફિસરની ખાલી જગ્યા. ગામનાં મત વધુ તેથી જો મેડિકલ ઓફિસર મૂકાય તો તેમની જીતવાની તકો વધે. તેમણે ચાણસ્મા તાલુકાના એક મોટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. પટેલની માગણી કરી. આરોગ્ય સેવાઓ અને કુટુંબ નિયોજન બે મહતવના કાર્યક્મો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અતિ મહત્વના. વળી જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરોની જગ્યાઓ ખાલી હોય ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાલી કરી ડિસ્પેન્સરીની જગ્યા ચાલુ આચારસંહિતા વચ્ચે ભરવા કોણ તૈયાર થાય? મેં ધારાસભ્યને ના કહી એટલે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી. મુખ્યમંત્રીને ત્યાંથી સચિવ કુલીન ચંદ્ર કપૂર સાહેબનો ફોન આવ્યો. પરમાર, આ ડોક્ટરને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ખસેડી વિજાપુરની ડિસેપેન્સરીમાં મૂકવાનો હુકમ કરવાનો મુખ્યમંત્રીનો આદેશ છે. મેં ના કહી અને આચાર સંહિતાનું કારણ આગળ ધરી ગાંધીનગરથી આરોગ્ય કમિશનર દ્વારા બદલી હુકમ કરવા દલીલ કરી. તેમણે ફોન મૂકી મુખ્યમંત્રીને અવગત કર્યા. ફરી ફોન આવ્યો અને કહ્યું કે મુખ્યમંત્રી ચૂંટણી પત્યા પછી તમને જોઈ લેશે. મેં જવાબ દીધો, પાછા આવશે ત્યારે જોશું! નરેશભાઈ હાર્યા અને કોંગ્રેસ પણ હારી તેથી અમારો એ વિવાદ ત્યાં વિરમી ગયો. ચૂંટણી દરમ્યાન મુખ્યમંત્રીશ્રીનો મહેસાણા કાર્યક્રમ નક્કી થયો. વાત હજી તાજી હતી. મેં વિકાસ કમિશ્નર શર્મા સાહેબને વિનંતી કરી. તેમણે મારી તે દિવસે સીએલ મંજૂર કરી અને તે રીતે સીધા ઘર્ષણથી હું દૂર રહ્યો.

હું શહેરનો તેથી ગામડા મને બહુ ગમે. ગામ પંચાયત, શાળા, આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો, પેટા કચેરીઓ, તાલુકા પંચાયતો ની ખૂબ મુલાકાતો લેતો. વળી કુટુંબ નિયોજનનો લક્ષ્યાંક પૂરો કરવા આરોગ્ય ઉપરાંત બીજા સંવર્ગના કર્મચારીઓ અને અધિકારીઓને લક્ષ્યાંક આપવો પડતો. જો સમીક્ષા બેઠકો ન કરો તો કોઈ કામ થાય નહીં તેવું મને સમજાઈ ગયેલું. ફાઈલ વર્ક મારે માટે એકાદ કલાકનું કામ. તેથી હું પ્રવાસ ખૂબ કરતો. મહિને સરેરાશ ૫૫ ગામોની મુલાકાતોની ડાયરી રહેતી. 

એ સમયે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય કર્મચારીઓની ભરતીની જાહેરાત આવી. પંચાયત સેવાઓના ઈન્ટરવ્યૂ જિલ્લે થતાં. રાજ્ય મંડળના સભ્ય જિલ્લા સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી બે સભ્યો. એક નિષ્ણાત અધિકારી સમિતિને આસીસ્ટ કરે. ચેરમેનના ૩૪ માર્ક્સ, પ્રમુખના ૩૩ અને જિલ્લા વિકાસ અધિકારીના ૩૩. તેને આધારે ઉમેદવારોની મેરીટ કમ રિઝર્વેશનની પસંદગી યાદી બને. કંઈ કેટલાય ખેલ થઈ જાય. ભૂતકાળમાં અગાઉના પ્રમુખના સમયે અંદાજે ૨૬ ઓબીસી અને ૪ એસસી અનામતની સાથે ૯ સામાન્ય બેઠકોની એક ભરતીમાં જિલ્લા પંચાયત પસંદગી સમિતિએ અંદાજે ૭૦૦ જેટલા ઉમેદવારોની લાંબી પસંદગી યાદી બનાવેલ. અનામત સંવર્ગના ઉમેદવારો યાદીમાં છેલ્લે રહ્યા અને એક ઉમેદવાર કોર્ટમાં જઈ હુકમ લઈ આવ્યો કે ક્રમ તોડી નિમણૂક આપી ન શકાય. તેથી નીચેના ક્રમના ૩૦ જણની નોકરી આપવા ઉપરના ક્રમનાં સામાન્ય કેટેગરીના ૭૦૦ ઉમેદવારો ભરતી થઈ ગયા. છે ને અજબ ગજબ? 

અમારી સમિતિના ચેરમેન નિવૃત્ત આઈએએસ ઝવેરભાઈ ચાવડા. તેઓ અને અમારા પ્રમુખ ઈશ્વરસિંહ રાજકીય પક્ષની રીતે એકજૂથ. ઝવેરભાઈને ભવિષ્યમાં વિધાનસભાની જોટાણા અનામત સીટ મેળવવાની ચાહ. બજારમાં જાત જાતની અને ભાતભાતની અફવા ચાલે. જગ્યાઓ તો ઓલરેડી વેચાઈ ગઈ છે, ઈન્ટરવ્યુ તો બસ ઠપ્પો છે. ઈન્ટરવ્યુની તે પાછલી રાત મારે નિંદર વેરણ થઈ. અંતરાત્માને પ્રાર્થના કરું કે કોઈ ઉપાય દેખાડ. લાઠી ભાંગે નહીં અને સાપ મરે તેવો રસ્તો બતાવ. સવારે ઉઠ્યો ત્યારે રસ્તો જડી ગયો. એ ઈન્ટરવ્યુમાં નિષ્ણાત સહાયક તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બેસવાનું. મેં ડૉ રાણાવતને બોલાવ્યા અને કહ્યું કે તેમણે જે તે સંવર્ગની જગ્યાની લાયકાત અને તે સંબંધિત ઉમેદવારોના જ્ઞાનને ચકાસવાના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું જેથી ઉમેદવારોનું સટીક મૂલ્યાંકન થઈ શકે. ઉમેદવારોની બાકી બધી માહિતી અમારી પાસે હતી તેથી જનરલ પ્રકારના પ્રશ્નો અમે ત્રણ પૂછવાના હતા. ઈન્ટરવ્યુ ચાલતાં ગયાં, પ્રશ્નો પૂછાતા ગયા અને અમે માર્ક્સ મૂકતાં ગયા. મારી પાસે માત્ર ૩૩ ગુણનું બળ અને સામે ૬૭. વળી ઉમેદવાર લઘુત્તમ સ્કોર મેળવે એટલે મેરિટ લીસ્ટમાં દાખલ થઈ જ જાય. મેં આત્યંતિક વલણ લીધું. જે સારાં હતાં તેમને વધુ અને નબળા હતાં તેમને ઓછા ગુણ આપ્યાં. પરિણામ તૈયાર થયું ત્યારે મારી વ્યૂહરચના સફળ રહી કારણકે પસંદગી યાદી અમારી પસંદગીથી ભરેલી હતી. ઈશ્વરસિંહે બળાપો કાઢ્યો, પરમાર તમે જબરા નિકળ્યા. તેમના કોઈ એક સંબંધીના ઈન્ટરવ્યુ લેનાર સમિતિમાં તેઓ હાજર હતાં તેવી અરજી થતાં વિકાસ કમિશનર એસ. ડી. શર્મા સાહેબે જિલ્લા વિકાસ અધિકારીના અહેવાલને આધારે તેમને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શા માટે સસ્પેન્ડ ન કરવા તેવી નોટિસ ફટકારેલ જેનો વસવસો તેઓ વર્ષો સુધી જ્યારે મળતાં ત્યારે કરતાં. આખા બોલા એમની પ્રામાણિકતા પર કોઈ શંકા ન કરતું અને તેમની પ્રજા માટેની કામ કરવાની તત્પરતાની કોઈ બરાબરી ન કરી શકતું. બસ એકમાત્ર તેમની વાણી તેમની લોકપ્રિયતાને રોકતી.

૧૯૮૬ બેચના બલરામ દિક્ષિતની એક કરૂણાંતિકા નોંધવી રહી. તે ખેરાલુ પ્રાંત અધિકારી. ત્રીજા શનિવારની સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપવાં તે આવેલા. મીટીંગ પછી તે મારે ઘેર આવ્યા. અમારા નિવાસે કૂક બબાજી ઠાકોર અને તેમનાં પત્નીએ સરસ રસોઈ બનાવી હતી. અમે સાથે જમ્યાં અને ખૂબ વાતો કરી. પછી તે સાંજે પાંચ વાગ્યાની કલેકટરની બેઠકમાં હાજરી આપવા ગયા. બેઠક પતી એટલે સંધ્યા ટાણે તે ખેરાલુ જવા રવાના થયા. પ્રાંતનું પહેલું પોસ્ટીંગ આઈએએસ અધિકારીને ડ્રાઇવિંગ શીખવા કામ લાગતું. હું પણ દાહોદમાં ડ્રાઇવિંગ શીખેલો. બલરામે તે દિવસે મહેસાણાથી જેવી જીપ બહાર નિકળી એટલે ડ્રાઇવરને પાછળ બેસાડી પોતે હંકારવાનું ચાલું કર્યું. એ વખતે રોડ પર ટ્રાફિક ઓછો પરંતુ સંધ્યાથી આગળનો સમય હોવાથી અંધારું આવી રહ્યું હતું. તેમની આગળ એક ઊંટલારી ધીમેધીમે આગળ જાય. બલરામને થયું ઓવરટેક કરી લઉં. તેમણે ઊંટલારી ઓવરટેક કરી પરંતુ આ શું, ઊંટલારીની આગળ બીજી ઊંટલારી, ધીમેધીમે ચાલે. તેમને માટે વચ્ચે ઘૂસવાનો રસ્તો નહીં અને બરાબર એ જ વખતે સામેથી એક પીળા રંગની ટ્રક હેડલાઈટ મારતી સામે આવી ગઈ. બલરામે જેમ તેમ પ્રયાસ કરી ઊંટલારી અને ટ્રક વચ્ચેથી નિકળવા પ્રયાસ કર્યો અને ૯૦ ટકા સફળ રહ્યો પરંતુ ટુ લેન રોડ તેથી ટ્ર્કે પસાર થતાં સહેજ રાઈટ દબાવ્યું તેથી બલરામની જીપને પાછળના ભાગે રાઈટ સાઈડમાં ધક્કો લાગ્યો અને જીપ પલટી ખાઈને રોડની જમણી બાજુ ઊંધી થઈ ગઈ. બલરામને ગરદન અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ તેનું બ્રેઇન સ્ટેમ ફાટી ગયું હતું. તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લઈ ગયા. હું આખી રાત ખડેપગે રહ્યો પરંતુ બચવાની કોઈ ઉમેદ ન દેખાતા અને સૌ નિરાશ થયાં. બીજા દિવસે તેનો દેહાંત થયો. મુખ્યમંત્રી ચીમનભાઈએ ખાસ કેસમાં ગુજરાત સરકારનું ભાડે રાખેલું હવાઈ જહાજ આપી તેના મૃતદેહને તેના વતન ઓરિસ્સા પહોંચાડ્યો. એક આશાસ્પદ જિંદગીનો એક નાનકડી ઓવરટેકે ભોગ લીધો. 

માર્ચ ૧૯૯૦માં ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. અમારા કલેક્ટર યોગેન્દ્ર દિક્ષિત તેમનાં સચિવ બન્યાં. બલરામ ભગવાનને પ્યારો થયો. મારી કંપની તૂટી ગઈ. ઈશ્વરસિંહ સાથેના ઘર્ષણમાં અને કેટલાક જાતિવાદી હલકા આક્રમણોથી મારો આત્મવિશ્વાસ ડગ્યો. મારી પત્ની લક્ષ્મી સાથે ભણતો મુદરડાનો મુસલમાન યુવાન મહંમદ પછીથી જિલ્લા પંચાયતનો સભ્ય બનેલો અને તે જાણે જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બર તેનું ઘર હોય તેમ વર્તન કરતાં તેણે ધમકાવી બહાર કાઢેલ તેણે કાવતરું કર્યું. મને તુલસીદાસનો દોહો યાદ આવ્યો, તુલસી વહાં ન જઈયો, જહાં બાપકો દેશ. મારું ગામ  અને સાસરી ૨૫ કિલોમીટર ત્રિજ્યામાં, સાસરી તો મહેસાણામાં જ. હું યોગેન્દ્રભાઈને મળ્યો, કહ્યું તમે તો આવતાં રહ્યાં, મારું કંઈક કરો. તેમણે મુખ્યમંત્રીને વાત કરી. તેઓ સંમત થયા પરંતુ જીએડીનો એક અધિકારી દાવ ખેલી ગયો મારી નિમણૂક નાયબ સચિવ તરીકે ઉદ્યોગ અને ખાણ વિભાગમાં કરી દીધી. હું ઉદ્યોગ સચિવ સુરેશભાઈ શેલતને મળ્યો તો પહેલાં નામ અટક વાંચી પછી કહે કે તેમણે કોઈ બીજા અધિકારીની માંગણી કરી છે, તમે રાહ જુઓ. હું મુખ્ય સચિવ એચ. કે. ખાન સાહેબને મળ્યો અને વિનંતી કરી કે મને બીજો કોઈ જિલ્લો આપો. તેમણે હા કહી અને મારી નિમણૂક જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢ તરીકે થતાં હું મારી મારુતિ ૮૦૦ કાર લઈ બાજુમાં પાણીની બોટલ લઈ લક્ષ્મીને બેસાડી કાર ચલાવતો રાત્રે ૯.૩૦ કલાકે જૂનાગઢ પહોંચ્યો. એ મારું પહેલું સ્વતંત્ર ડ્રાઇવિંગ હતું. મેં પહેલું કામ ૯.૪૫ કલાકે સીટીસી ભર્યું અને પછી જમ્યો. મને એ સમયનો બોધ હતો કે રાત ગઈ તો બાત ગઈ. એક રાતમાં રામ રાજા મટી રંક થઈ ગયા હતા. 

૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫

Tuesday, September 23, 2025

દાહોદની આસીસ્ટન્ટ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પ્રથમ નોકરી

પંચમહાલ જિલ્લાને બે સબડિવિઝનઃ ગોધરા અને દાહોદ. તેમાં દાહોદ મુખ્ય મથકથી દૂરનું સબડિવિઝન હોવાથી અને સંપૂર્ણ આદિવાસી વિસ્તાર હોવાથી મહત્વનું ગણાતું. માળવા અને ગુજરાતના રાજાઓની હદ અહી મળે તેથી દો-હદ અને અપભ્રંશ થઈ દાહોદ નામ પડ્યું. ઋષિ દધીચિના આશ્રમ સ્થાન તરીકે તેનું પૌરાણિક અને પાટણ-ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના પડાવનાકા તરીકે તથા મોગલ બાદશાહ ઔરંગઝેબના જન્મ સ્થાન તરીકે તેનું ઐતિહાસિક મહત્વ. ૧૮૫૭ના પહેલાં સ્વાતંત્ર્ય સંગ્રામનો સેનાપતિ તાત્યા ટોપે અહીં મોટી ખોરજના જંગલોમાં છૂપાયેલ. લોર્ડ કર્ઝને ભીલોને ભારતીય સેનામાં દાખલ કરવાં અહીં મિલિટરી એકેડમીની સ્થાપના કરેલ. ભારતીય રેલ માટે કોચ બનાવવા અંગ્રેજોએનાંખેલો યાર્ડ આજે વિકસિત પ્રેસ વિસ્તાર તરીકે જાણીતો છે. ભાઈકાકાએ અહીં ગાંધીવાદી વિચારધારા મુજબ આદિવાસી ઉત્થાન માટેના રચનાત્મક કામો કરેલાં. તેમનાં વખતનાં એક ગાંધીવાદી મુરબ્બીને હું દાહોદ નજીકના ગામમાં મળેલ. કાળીડેમ પાસે તો અમને ડાયનોસોરસના ઈંડા અને પાષાણ થઈ ગયેલા હાડકાં મળેલ. જેને જે મળ્યું તે લઈ ગયા તેથી બાલાસિનોરની જેમ ડાયનોસોરસ પાર્ક બનાવવાની એક તક જતી રહી. 

દાહોદ પ્રાંત પાંચ મોટા તાલુકાઓનો બનેલો મોટો પ્રદેશ, તેમા દાહોદ ઉપરાંત લીમખેડા, દેવગઢ બારિયા, ઝાલોદ અને સંતરામપુર તાલુકા. દાહોદના પ્રાંત અધિકારીને લોકો દાહોદ કલેક્ટર તરકે જ સન્માન આપતાં. હવે તો દાહોદ સ્વતંત્ર જિલ્લો છે અને તેને સાત તાલુકા છે. મારો પ્રોબેશન પીરિયડ ઓગસ્ટમાં પૂરો થતાં મારી પહેલી નિમણૂક દાહોદ મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે થઈ. નિમણૂક પહેલાં તાલીમ દરમ્યાન મેં દાહોદ અને સબડિવિઝનના તાલુકાઓનો પ્રવાસ કરેલ હતો તથા મારી પૂર્વના પ્રાંત અધિકારી ભગુભાઈ ચૌધરી જોડે મિત્રતા બંધાયેલી તેથી તેમની જોડેથી ચાર્જ સંભાળવાનું અને કામગીરી સમજવાનું સહેલું રહ્યું. ALT મામલતદાર મુકુંદભાઈ દેસાઇએ ટેનન્સી એક્ટ મને ખૂબ સરસ રીતે સમજાવી પાકો કરાવી દીધેલ. 


દાહોદમાં મારી મુખ્ય કામગીરીમાં પ્રાંતના મહેસૂલી કામગીરી ઉપરાંત અછત રાહત સંચાલન માટે પાંચેય તાલુકાની અછત રાહત સમિતિઓની નિયમિત બેઠકો, કામોની મંજૂરી, તેનો અમલ, સમયસર ચૂકવણાંનું મોનીટરીંગ અને કામોનું ઈન્સ્પેક્શન મુખ્ય હતાં. આ ઉપરાંત તાલુકા આયોજન મંડળની બેઠકોમાં વિવેકાધીન અને પ્રોત્સાહક ગ્રાન્ટના કામોને જિલ્લા આયોજનમાં ભલામણ કરવાં તથા તાલુકા સંકલન સમિતિમાં તાલુકાનાં જુદા જુદા વિભાગોના પ્રશ્નોની ચર્ચા અને નિકાલ થતો. જિલ્લામાં જે કામ એક બેઠકમાં પૂરું થતું તે કામ મારે પાંચ તાલુકામાં જઈ પાંચ વાર કરવું પડતું. વળી RTS અપીલોની સુનાવણી હું તાલુકે કરતો તેથી તાલુકા ફેરણીમાં ઉપરના બધા કામો એક આખો દિવસ ફેરણીમાં અને બીજો દિવસ તાલુકા પ્રવાસ અને તપાસણીમાં પૂરો થાય તેમ માસિક કાર્યક્રમ બનતાં. અઠવાડિયા કે મહિનાના ચોક્કસ દિવસો ઠરાવેલા જેથી વારેવારે પત્રવ્યવહાર કરવો ન પડે. આ ઉપરાંત કુટુંબ નિયોજનના લક્ષ્યાંક પૂરા કરવા તેનું પણ સતત મોનિટરિંગ અને સમીક્ષા કરવા પડતી. વળી પુરવઠાની ફરિયાદો અનુસંધાને સસ્તા અનાજની દુકાનોની તપાસણી, ગામ મહેસૂલ દફતર ઈન્સ્પેક્શન, પોલીસ સ્ટેશન ઈન્સ્પેક્શન, જેલ મુલાકાત, વગેરે કામો ઉમેરતાં દિવસો, અઠવાડિયા અને મહિના કામમાં ક્યાં જતા રહેતાં તેની ખબર નહીં. કામ કામ અને કામ, સવારે નાહી ધોઈને નીકળીએ ત્યાંથી રાત્રે પાછા આવીએ ત્યારે ધૂળથી ભરાયેલા થઈ જતાં. દરરોજ રાત્રે નાહવું જ પડે. સરકારે જીપ આપી હતી અને તેને હુડ અને દરવાજો હતાં પરંતુ ખુલ્લા પવનની સાથે ધૂળનો પણ સામનો કરવો પડતો. આજના જેવો એરકન્ડીશન્ડ વાહનોનો જમાનો નહીં. પ્રાંતને શું, કલેકટરને ચેમ્બર કે ગાડીમાં એસી નહોતું મળતું. 

અમારું સબડિવિઝન આદિવાસી વસ્તીનું, મુખ્યત્વે ભીલ લોકોની વસ્તી. તેમાં પટેલિયા પરમાર પણ ખરાં. તેમની જીવન શૈલી સાટા પદ્ધતિથી ચાલે તેથી નાણાંનું ચલન ઓછું. થોડા થોડા ગામના સમૂહ વચ્ચે અઠવાડિયાના ચોક્કસ દિવસે હાટ બજાર ભરાય તેમાં ગામમાંથી જ વેચનાર અને ખરીદનાર ભેળાં થાય અને પોતાને જરૂરી વસ્તુ લઈ તેમા બદલે પોતે લાવ્યા હોયતે વસ્તુ આપી દે અથવા વેચીને ચૂકવણું કરી દે. 

હું પ્રાંતના કામ જે તે તાલુકાની મામલતદાર કચેરીમાં રાખતો જેથી પ્રજાને વધુ પ્રવાસ કરવો ન પડે. વળી આકસ્મિક મુલાકાત લેતો જેથી મામલતદાર કચેરીઓ લોકાભિમુખ છે કે નહીં તેની ખબર પડે. મને દરેક કચેરીમાં જાઉં ત્યારે તેના કમ્પાઉન્ડમાં આવી બેઠેલા આદિવાસીઓ ભાઈઓ બહેનો પર નજર જાય. તેમાંથી ઘણાં એકાદ બે કિલોની કોઈ પોટલી લઈ બેઠા હોય. સાહેબને મળવા જવાનું હોય કે તાલુકા કચેરીનું કામ હોય તો ઠાલા હાથે થોડી જવાય? તેથી પોતાની પાસે ખેતરની જે કંઈ વસ્તુ પકવેલી હોય તે સીઝન મુજબ લઈ હેતે આવતાં. 

પ્રાંત કચેરીમાં કોઈ અપીલ આવે, અરજી આવે તો તે પહેલાં શિરસ્તેદારને રજૂ થાય. શિરસ્તેદાર તેને જોઈ પછી મને ટપાલમાં જોવા અને આગળ કાર્યવાહીની મંજૂરી માટે મૂકે. એકવાર અચાનક મારી નજર ટપાલ ફોલ્ડરમાં મૂકેલી એક ચાર પાંચ પાનાની અરજી વચ્ચે મૂકે રૂપિયા પાંચની નોટ પર ગઈ. મેં શિરસ્તેદારને બોલાવ્યા અને ધમકાવ્યા ત્યારે ખબર પડી કે અરજી સ્વીકારતી વખતે રિવાજ મુજબ તેની પાસે જે કંઈ બે પાંચ રૂપિયા હોય કે અરજીમાં વાળી મૂકે અને શિરસ્તેદાર કે તેમનાં કારકૂન લઈ લે. મેં મારા ડ્રાઈવર ભરત અને બીજા કર્મચારીની પૂછપરછ કરી અને જાણ્યું કે આ દૂષણ હજી વધુ ફેલાયું નહોતું તેથી કડકાઈથી બંધ કરાવી દીધું. 

સબડિવિઝનનો એક તાલુકો દેવગઢ બારિયા. દેવગઢ બારિયા નગર નાનકડુ પરંતુ દેશી રજવાડાની રાજધાની. પૂર્વ રાજવી મહારાવલ જયદિપસિંહ બારીયા પ્રતિષ્ઠિત નામ અને સંસદ સભ્ય. તેમનું નવેમ્બર ૨૦, ૧૯૮૭ ના રોજ અવસાન થતાં તેમના પક્ષ તરફથી આવેલ ગુલામ નબી આઝાદને હું પહેલીવાર મળેલો. આઝાદ ઊંચા અને દેખાવે આકર્ષક, સાથે સાથે સુંદર તમીજવાળા. રાજા સાહેબનો પ્રોટોકોલ સન્માન સાથે અગ્નિ સંસ્કાર થયો. તેમના મૃત્યુ પછી તેમના પિતરાઈ ભાઈના સંતાનોએ કેટલીક વડીલોપાર્જિત જમીનોમાં ભાગ લેવાં RTS અપીલો દાખલ કરી. રાજાના વારસ તરીકે તેમના એકમાત્ર પુત્રી ઉર્વશી દેવી દેવગઢ બારિયામાં જ રહે. તેમનું વ્યક્તિત્વ પ્રભાવી અને અદબ જાજરમાન. ખાન સાહેબ ૧૯૬૭-૬૯માં પંચમહાલના કલેક્ટર ત્યારથી તેમનું નામ વહીવટી તંત્રમાં જાણીતું. હું RTS અપીલો તાલુકે સાંભળું તેથી બહેનશ્રી ફોન કરી સમય લઈ તાલુકે મળવા આવે અને સાથે બે આઇસ્ક્રીમ લેતાં આવે. એક કપ મારા માટે અને એક કપ તેમનો. બે એક મુલાકાતો પછી તેમણે સુનાવણીમાં આવેલી મિલકતોની વારસાઈ ઝઘડામાં તેમનો પક્ષ લેવા વિનંતી કરેલ. મારે ધર્મસંકટ આવ્યું. વડિલોપાર્જિત મિલકતોને રાજવી કુટુંબના એક જ પરિવારના નામે કરવા કોઈ કાયદાકીય રક્ષણ નહીં અને સીધી લીટીના વારસદારોને હિંદુ વારસાધારા મુજબ લાભ મળે. અધિકારી તરીકે હું કસોટીએ ચડ્યો. છેવટે મેં ન્યાયનો પક્ષ લીધો જેનું નુકસાન ૧૯૯૨માં ઉઠાવ્યું. ૧૯૯૨માં પંચમહાલ કલેક્ટર તરીકે મારી નિમણૂક લગભગ નક્કી હતી. મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે મહેસાણાના મારા સાથી કલેક્ટર યોગેન્દ્રભાઈ દીક્ષિત હતાં. તેમનો ફોન આવ્યો કે મુખ્ય સચિવ ખાન સાહેબે પંચમહાલ કલેક્ટર તરીકે મારું નામ સૂચવ્યું છે પરંતુ કહ્યું છે કે એકવાર મારે ઉર્વશીદેવી સાથે વાત કરી લેવી. હું ફરી અનાડી સાબિત થયો. દેવગઢ બારિયાનો નિર્ણય મેં કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ વિના લીધેલો તેથી તે વાત હું તો સાવ ભૂલી ગયેલો. મેં બહેનશ્રીને ફોન કર્યો. બહેનશ્રી ચેત્યા અને મારી પંચમહાલ કલેક્ટર તરીકેની થતી નિમણૂકને અટકાવી દીધી. 

જેમ ઉત્તર ગુજરાતમાં ઉંઝા જીરાના ગંજ તરીકે પ્રસિદ્ધ તેમ દાહોદ પૂર્વ ગુજરાતમાં અનાજના ગંજ તરીકે પ્રસિદ્ધ. ગિરધરલાલ શેઠ અહીં મોટા આગેવાન. તેમની મિલો અને  તેમના દાનથી બનેલી સાર્વજનિક બિલ્ડિંગો અને સેવાને કારણે પ્રતિષ્ઠિત નામ. તેમનાં ઉપરાંત મધ્યપ્રદેશ મૂળનાં ઘણાં વેપારીઓ. FPSમાં ઘંઉ મળે અને આદિવાસીઓ મકાઈ ખાય તેથી સસ્તા અનાજના ઘંઉ ગોડાઉનથી દુકાનદારને ફાળવણી થાય ત્યાંથી જ વગે થવાની ખૂબ ફરિયાદો. FPS દુકાનો નિયત દિવસોએ ખુલે નહીં અને ખુલે તો ઝડપી બંધ થાય તેથી રાશન ન મળવાની ફરિયાદો ઉઠે. જેને ઘંઉ ખાવા જ નથી તે શા માટે લેવા જાય કે ફરિયાદ કરે. પરિણામે તેમના ભાગના અને ક્યાંક ભૂતિયા કાર્ડ ચાલતાં હોય તે અનાજ બારોબાર જિલ્લાની અને બાજુના જિલ્લાની આટા મિલોમાં જવાની રજૂઆતો મળ્યા કરે. આ માટે જિલ્લા પુરવઠા અધિકારી અને તેમનાં ઈન્સ્પેકટરોની ટીમ. પરંતુ તાલુકા દીઠ એક ઈન્સ્પેકટર કેટલું પહોંચી વળે. મામલતદાર અને તેમના નાયબ મામલતદાર પુરવઠા પણ પરમીટ આપવા લેવામાંથી માંડ નવરાં થાય. તેથી ગેરરીતિઓ પર નિયંત્રણ લાવવા મેં દુકાનોની તપાસણી અને ગંજના બજારોની મુલાકાત અને રસ્તા પરની ટ્રકોની તપાસણી ચાલુ કરી. બજાર તો જેવું પ્રાંતનું વાહન દરવાજે દાખલ થાય એટલે કેટલીક દુકાનોના શટર પડવા લાગે. હાઈવે પર એક ટ્રક પકડીએ તો સમાચાર એવા પહોંચે કે પછી ચાર પાંચ કલાક સુધી તેવી ટ્રકોનું પરિવહન બંધ થઈ જાય. જિલ્લા પુરવઠા અધિકારી તરીકે બી એમ લેઉવાની બદલી પછી આવેલાં ચારી સાહેબે જબરી ધોંસ ઊભી કરેલી. તેમની કડક ઓફિસર તરીકેની છાપે મને વધુ પ્રેરિત કર્યો અને તેને કારણે મેં પણ તપાસણી વધારી અને કેસો કરવા માંડ્યા. ચારી સાહેબ તો મારા પર બહુ જ ખુશ. જિલ્લા સંકલનમાં મળીએ તો મારા વખાણ કરતાં થાકે નહીં. તેમની ગેરરીતિ ડામવાની વૃત્તિના દેખાવથી મારામાં રહેલો ગાંધી રાજી થાય. પછી કેટલાક મહિના પછી કલેક્ટર રજા પર કે તાલીમમાં જતાં મને બે-ત્રણ અઠવાડિયા માટે કલેક્ટરનો ચાર્જ મળ્યો. મને થયું લાવ ને તક છે, મેં કરેલાં પુરવઠાના કેસોમાં શી કાર્યવાહી થઈ તેની પૂછપરછ તો કરું? પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે ખબર પડી કે મારા દ્વારા તૈયાર કરેલા મજબૂત કેસો પુરવઠા કચેરી માટે ટંકશાળનું કામ કરતાં. મોટાભાગના કેસો નાનકડી સજા કરી બંધ કરી દેવાયેલા. મને એવો તો ગુસ્સો આવેલો કે ચાર્જમાં હતો છતાં પુરવઠા કચેરીમાં વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા કર્મચારીઓ અને તાલુકાઓના ઈન્સ્પેકટરોની બદલીઓ કરી દીધી. ચારી સાહેબ તે પછી મારી સામે આંખો મેળવતાં પણ સંકોચાતા. કડક અધિકારી તરીકેની છાપ ઊભી કરી કામ કરતાં અધિકારીઓની મેન્સરીયા પ્રત્યે ત્યારબાદ મને વધુ સભાન બનાવ્યો. દાહોદ ગોધરાના હાઈવે પર બકરાંની જેમ ભરાતા પેસેન્જરવાળી જીપોને પકડી હું આરટીઓને અહેવાલ કરતો અને આરટીઓ સાહેબ મારા પર રાજી રાજી થઈ જાય, તે તરફ પણ હું શંકાશીલ બન્યો. શું હું વ્યવસ્થા તંત્ર સુધારવાના અતિ ઉત્સાહમાં રેગ્યુલેટર સંસ્થાઓની કમાણીનું સાધન તો નથી ઊભો કરતો ને? મારી અંદરનો વિવેક જાગી મને સાવધાન કરવા લાગ્યો. હું દારૂના અડ્ડાઓના ચલાવનારાઓ સામે પોલીસના સહયોગથી exturnment કેસો ચલાવી તડીપારના હુકમો કરતો પરંતુ દારૂના દૂષણને સલામત ખૂણે જોતાં જ મારું મન મંથનમાં લાગી જતું. 

જિલ્લા પંચાયત તંત્રના મોટાભાગના કાર્યક્રમોનો બોજ હું વહન કરતો. મારે જિલ્લા વિકાસ અધિકારી બનવાનું તેથી એક અભ્યાસ તરસી પણ હું તે કામો અતિ ઉત્સાહથી ઉપાડતો. અછત રાહતના કામોમાં મારા સબડિવિઝનનો હું સર્વેસર્વા. પાંચેય તાલુકા મોટા અને તાલુકા વિકાસ અધિકારી બધાં વર્ગ-૧ અધિકારીઓ. તાલુકા અછત રાહત સમિતિના ચેરમેન તરીકે મને અધિકારો તેથી પાંચેય તાલુકાની ઓનરશીપ રાખી દરેક તાલુકામાં જઈ પખવાડિયે બેઠકો કરું. એક જિલ્લા અછત રાહત સમિતિની બેઠક પહેલાં જેથી પૂરા તૈયારી કરી જિલ્લામાં જવાબ અપાય અને બીજી પછી જેમાં જિલ્લાની મળેલી સૂચનાઓનો અમલ થાય અને ફરિયાદ નિકાલ થાય. અને મોટેભાગે તાલુકા બેઠકોમાં પ્રશ્નો ઉકેલી લેતાં તેથી પીક મહિનામાં દોઢ લાખ મજૂરોનું સંચાલન કરી અમે જિલ્લાને રાજ્યમાં પ્રતિષ્ઠા અપાવતાં.

એવા જ આરોગ્યના બે કાર્યક્રમો કુટુંબ નિયોજન અને મહિલા બાળ વિકાસ (ICDS). આરોગ્ય મંત્રી વલ્લભભાઇ પટેલે રાજ્યમાં ૮૦૦થી વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખોલાવી પ્રાથમિક આરોગ્ય સેવાઓનો વ્યાપ મોટો કરી દીધેલ. પરંતુ નવા આરોગ્ય કેન્દ્રોના મકાનો બનવા અને મેડીકલ ઓફિસરોની જગ્યાઓ ભરવી એ સહેલું નહોતુ. પરંતુ તેમના એ કદમથી જિલ્લા પંચાયતમાં અને પ્રજાજનોમાં આરોગ્ય સેવાઓનું મહત્વ વધ્યું. તે વખતે વસ્તી નિયંત્રણ માટે તંત્ર ગંભીર. ડેમોગ્રાફિક ડિવિડન્ડને બદલે તેની જાહેર સંસાધનો પર વધી રહેલા બોજ પરની ચિંતા વધુ. કુટુંબ કલ્યાણ ઓપરેશનોમાં લેપ્રોસ્કોપી આવેલું તેથી તેનું ચલણ. પુરુષો તેમની નસબંધી ન કરાવે. કુટુંબ નિયોજનના વધુ કેમ્પ થાય. લાભાર્થીને પ્રોત્સાહિત કરવા સરકારી પ્રોત્સાહક રકમ ઉપરાંત દાતાઓ શોધી વાસણ - વસ્તુની વ્યવસ્થા કરાવતાં. કુટુંબ નિયોજન ઓપરેશનનાં લક્ષ્યાંકો સિદ્ધ થાય તે માટે ડોકટર્સ અને આરોગ્ય કર્મચારીઓની સમીક્ષા બેઠકો નિયમિત થતી. લક્ષ્યાંક સિદ્ધ ન કરી શકે તેવાં કર્મચારી અધિકારીઓની સ્થિતિની અમને દયા આવતી પરંતુ દબાણ ઊભું કરવું પડતું. દબાણ જ્યારે બહુ વધી જાય ત્યારે પાંચ-સાત વર્ષ પહેલાં ઓપરેશન થયેલાં કેસો પાછા ચોપડે આવી જવાના એકલદોકલ પ્રસંગો બનતાં. તે વખતે કેમ્પમાં ખાનગી ગાયનેક સર્જનનો દબદબો. તેમને મહેનતાણું પણ મળતું. અમારે કોટેજ હોસ્પિટલ દાહોદના સુપ્રિટેન્ડન્ટ ડો કમલેશ સોલંકી અને તેમના પત્ની ડો રાગેશ્વરી નિમાયેલા. ડો. સોલંકી પોતે ગાયનેક સર્જન પરંતુ કુટુંબ કલ્યાણના કેમ્પમાં તેમને કોઈ કામ ન આપે. તેમણે મારું ધ્યાન ખાનગી ડોક્ટર્સની મોનોપોલી પર દોર્યું. મેં ડો. સોલંકીને આગળ કરી તેમને પણ કુટુંબ નિયોજન ઓપરેશનોના કામમાં જોતર્યા. તેમણે તેમના કુશળ હાથથી એવો તો સરસ ભરોસો પેદા કર્યો કે ૧૯૯૦માં જિલ્લા વિકાસ અધિકારી મહેસાણા તરીકે જ્યારે હું સેવા બજાવતો ત્યારે ત્યાંથી દાહોદ આવી મારી પત્ની લક્ષ્મીનું લેપ્રોસ્કોપી નસબંધી ઓપરેશન કરાવેલ. 

આંગણવાડી કેન્દ્રોની સંખ્યા વધતી ચાલી અને તેમની નિમણૂકો અને મુખ્ય સેવિકા દ્વારા સુપરવિઝનના પ્રશ્નો તાલુકા સંકલન બેઠકોમાં આવવા લાગ્યા. તેના બે મુખ્ય હેતુ પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૈકી મોટેભાગે પોષણ પર કામ થતું. બાળકો અને તેમની માતાઓ નાસ્તો લેવા આવે અને જતા રહે. ગર્ભવતી અને પ્રસુતા માતાઓના પોષણ અને હિમોગ્લોબિનની ઉણપની સમસ્યા વ્યાપક હતી. બાળકોનું કુપોષણ અને કૃમિનાી સમસ્યા વ્યાપક હતી. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ આવ્યો પરંતુ આ કામ રાતોરાત પૂરું થાય તેવું નહોતું. હજી દસકાઓ રાહ જોવાની હતી. પરંતુ ટીંપે ટીંપે સરોવર ભરાય તેમ તંત્રના પ્રયાસો શરૂ થઈ ગયા હતા. 

મધ્યાહ્ન ભોજન યોજના તેની જડ જમાવી રહી હતીં. ભોજનમાં અનાજ, દાળ અને શાકભાજીની ગુણવત્તાના પ્રશ્નો થતાં. તેલ અને મસાલા ચોરીનું પ્રમાણ વધારે. જે ચોરી કરતાં તેના બીલો નાયબ મામલતદાર મધ્યાહ્ન ભોજન સરળતાથી પાસ કરતાં અને જે ચોરી ન કરે અને બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન આપતાં તે ભરાઈ પડતાં. દંડો ચલાવી થાય તેટલું રીપેરીંગ કર્યું. 

આદિવાસી ક્ષેત્રોમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની જગ્યા પણ મહત્વની. હાથી સાહેબ ત્યારે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર. તેમની સાથે મને ટ્રાયબલ એરિયા સબ પ્લાન અને ગેપ ફંડીગના કામોની સમજ મળી. 

મારા પંચાયત હસ્તકના કામોમાં ઘનિષ્ઠ જોડાણને કારણે મને તેની તાકાત, નબળાઈ, તકો અને જોખમો વિશે વધુ જાણતો થયો. મારી સમક્ષ બે જિલ્લા વિકાસ અધિકારીના નિયંત્રણ હેઠળનું પંચાયત તંત્ર તાદૃશ હતું. હું જિલ્લા મથકે બેઠકોમાં જાઉં ત્યારે ગોધરા ક્લબનો આંટો જરૂર લેતો. રમવાનો તો સમય હોય નહીં એટલે નિયમિત આવતાં ડો. આર.કે. પટેલ સાથે વાર્તાલાપ થાય. વાતવાતમાં બીજું શું હોય, વહીવટની વાતો થાય. તે પટેલ ખંધા અને આપણે અનાડી નવા તેથી બે જિલ્લા વિકાસ અધિકારીમાં કોનું તંત્ર સારું તે પૂછી લીધું. વર્તમાન જિલ્લા વિકાસ અધિકારી હોંશિયાર, મળતાવડા પરંતુ સંયમી તેથી કોઈનું અપમાન કરી કામ લેવામાં ન માને. તેમની પહેલાંના અધિકારીને ક્રોધ આવતો તેથી તેમના ડરથી કેટલાક કામ ઝડપી થતાં. ડો. પટેલે લાગ જોઈ મારી એ વાત નવા અધિકારી સમક્ષ વિપરીત રજૂ કરી જેને કારણે શાંત અને સંયમી મિત્ર એવા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ મારાથી નારાજ થયા અને દૂર થયાં. હાનિ લાભ વિધિ હાથ. અમારે બંનેએ જૂનાગઢમાં ત્રણ વર્ષ સાથે કામ કરવાનું થયું અને તેઓ મુખ્યમંત્રી સાથે હતાં ત્યારે અને મુખ્ય સચિવ તરીકે હતાં ત્યારે એ સંબંધોનો લાભાલાભ મળ્યો. જીવનની એ ઘટનાએ મને કૂથલી કેન્દ્રોથી દૂર રાખ્યો. હું ભલો અને મારું કામ ભલું. 

મારે પાંચ મામલતદારોમાં દાહોદમાં ઈબ્રાહીમ બાંડી, ઝાલોદમાં ધનજીભાઈ પટેલ, લીમખેડામાં પિતાબર પટેલ, દેવગઢ બારિયામાં કડિયા અને સંતરામપુરમાં કે.ટી. કંસારા ટીમ કામગીરીમાં ખૂબ સરસ. ધનજીભાઈને જે કામ સોંપો તે પાર પડે પરંતુ સ્વભાવ આકરો તેથી તેમના વિશે કહેવાતું કે ગાય ગમે તેટલું દૂધ આપે પરંતુ લાત મારી દૂધ આપે તે શા કામનું? બાંડી અમારા ધ્વજવંદનના દિવસે કોઈને કોઈ બહાનું કરી ગેરહાજર રહે. ૧૯૮૯થી સબડિવિઝનના ધ્વજવંદન માટે રાજ્યથી ફાળવેલા મહાનુભાવ આવવાથી મામલતદાર કચેરીના ધ્વજવંદનમાં બાંડીએ મને આમંત્રણ આપ્યું. મને બીજા સ્ટાફે કહેલું કે સાહેબ જો જો તમને ધ્વજવંદન સોંપી તે ગુલ્લી મારશે. બાંડી મારી પાસે તે દિવસની હેડક્વાર્ટર રજા લેવા આવ્યા. મને તેમને વિશે કહેવાતી વાતનો પુરાવો જડી ગયો. તેમને હાજર પણ રાખ્યા અને ધ્વજને સલામી પણ અપાવી. 

એ વખતે મનોરંજન કરનો જમાનો. તાલુકા મથકે નાના નાના થિયેટરોમાં ફિલ્મો બતાવે. કેબલ ટીવી નવું લવું આવ્યું હતું પરંતુ બધાને ઘેર ટીવી નહીં તેથી સિનેમા હોલ હજી લોકપ્રિય હતાં. ઝાલોદમાં મનોરંજન કરની ચોરીની ફરિયાદ કારણે ધનજીભાઈ અને તેમની ટીમે પ્રાંતની સૂચનાથી કડક ચેકિંગ કર્યું. અને કરચોરી પકડી પાડી. પ્રાંતમાં કેસ ચાલ્યો થિયેટર બંધ થયું. તે થિયેટરના માલિક તે વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ મુનિયાના પુત્ર હતાં. વળી તેઓ ગોધરા ધારાસભ્યના મિત્ર. ગોધરા ધારાસભ્ય અબ્દુલ રહીમ ખાલપા તાલુકા પંચાયત પ્રમુખથી મેં તાલીમ ચાર્જમાં કરેલી ચૂંટણીથી ગિન્નાયેલા હતાં એકની જોડે બે ભળ્યાં. બંને ધારાસભ્યોએ ગાંધીનગર જઈ મુખ્યમંત્રી અમરસિંહભાઈ સમક્ષ મારી ફરિયાદ કરી બદલી માટે દબાણ ઊભુ કર્યું. મને મુખ્યમંત્રીશ્રીનું કહેણ આવ્યું. હું ગયો ત્યારે મુખ્યમંત્રીશ્રીએ મને બે ધારાસભ્યોના નામ સહિત તેમણે કરેલી બદલી રજૂઆતનો હવાલો આપ્યો અને ખરેખર શી હકીકત છે તે જણાવવા કહ્યું. મેં બંને ઘટનાની વાત કરી. તેમણે કહ્યું કશો વાંધો નહીં, હું તે બાબત સંભાળી લઈશ, તમે ઉત્સાહથી તમારી કામગીરી બજાવતા રહો. મને હાશકારો થયો અને મુખ્યમંત્રી પ્રત્યે અહોભાવ કે તેમણે કાચા કાન ન રાખી એક તરફી વાત ન સાંભળી મને નુકસાન ન થવા દીધું. બાકી વહીવટમાં ‘ટેટો પડ્યો’ ક્યારે ‘બેટો મર્યો” થઈ જાય તેની ખબર ન પડે. 

સબડિવિઝનનાં તે વર્ષોમાં ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીના ધ્વજવંદનો પ્રાંત અધિકારી હસ્તે થતાં. દાહોદ પોલીસ બેડા જિલ્લા મથક જેટલો જ મોટો અને SDPO એટલાં જ મહત્વના. મારા બેચમેટ અનુપ કુમાર સિંહ (IPS) SDPO. બેચમેટ એટલે અમે આત્મીય મિત્રો બન્યાં અને તેઓ એકલાં તેથી મારે ઘેર આવે, ઉજ્જવલ ધવલને રમાડે અને ક્યારેક ઘોડો લઈ આવ્યા હોય તો તેમને આંટો મરાવવા લઈ જાય. પરંતુ ૧૯૮૮ની ૨૬ જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્રમમાં તેમણે સબડિવિઝન દાહોદના કાર્યક્રમ નો હવાલો સર્કલ પોલીસ ઈન્સપેકટરને સોંપી પોતે ગોધરા જિલ્લા કાર્યક્રમમાં હાજરી આપવા જતાં રહ્યા. તેમની અગાઉના SDPO હાજર રહી પ્રોટોકોલ પાળતાં. વ્યક્તિગત રીતે મારો તેમની સાથે કોઈ દ્વેષ નહીં પરંતુ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટના પદની ગરિમા જાળવવા મેં તેમની ગેરહાજરીની જિલ્લે જાણ કરી. તેમને ગમ્યું નહીં પરંતું પછી ૧૫ ઓગસ્ટના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા અને પ્રોટોકોલ જાળવ્યો. IPS પર IASના સુપરવાઈઝરી નિયંત્રણનો મુદ્દો ત્યારે જિલ્લે સબડિવિઝને ગરમાયો રહેતો. હવે તો બંને સંવર્ગના અધિકારીઓ મોટેભાગે સ્વતંત્ર છે. સરકારી કામ એક તરફ અને મૈત્રી બીજી તરફ. અનુપ અને હું સારા મિત્રો બની રહ્યાં. 

નાગણખેડીનો એક પ્રસંગ કેમ ભૂલાય? દાહોદને અડકીને મધ્યપ્રદેશનો જાબુઆ જિલ્લો. તેનું નાગણખેડી ગામ, ટેકરીઓમાં ફેલાયેલું. ૧૯૮૮ના અછત વર્ષમાં ગુજરાત તરફના પશુપાલકો ઘેટાં બકરાં લઈ આ તરફથી ચરાવતાં ચરાવતાં ક્યારે ગુજરાતની હદ પાર કરી મધ્યપ્રદેશની હદમાં દાખલ થઈ ગયા ખબર નહીં. રાડ આવી કે આદિવાસીઓએ તેમનાં ઘેટાં બકરાં લૂંટી લીધાં છે. દાહોદથી સર્કલ ઈન્સપેકટરની લીડરશિપમાં પોલીસની એક ટુકડી હથિયારો સાથે રવાના કરી. મધ્યપ્રદેશ પોલીસને પણ જોડી. પરંતુ પોલીસ નીચે મેદાનમાં અને આદિવાસીઓ તીર કામઠા સાથે ઉપર ટેકરીઓ પર. સનનન કરતાં તીર છૂટે. સર્કલ પોલીસ ઈન્સપેક્ટરની હેલ્મેટ વિંધી એક તીર નીકળી ગયેલું. તેઓ માંડ બચ્યાં. મોટાભાગના ઘેટાં બકરાં તો હલાલ થઈ ગયા. જે મળ્યાં તે અને પશુપાલકો લઈ અમારી પોલીસ પાછી ફરીં. ત્યાં મધ્યપ્રદેશમાં પોલીસ ફાયરિંગથી એક કે બે ઈસમના મોત થયેલ તેનો મુદ્દો મધ્યપ્રદેશ વિધાનસભામાં બહું ચગેલ. 

પ્રાંત અધિકારીની સત્તા નગરપાલિકા પર પણ પહોંચે. નગરપાલિકાના સદસ્યને સસ્પેન્ડ કરવાના અધિકાર. દાહોદ નગરપાલિકામાં વીજળી કામોની ફરિયાદો મળે. ફીકચર્સ પૂરા લાગ્યા ન હોય કે નબળી ગુણવત્તાના હોય. તપાસ કરી પગેરુ પકડીએ તો કોન્ટ્રાક્ટરની લીંક નગરપાલિકાના કાઉન્સિલર સુધી પહોંચી જાય. ગેરરીતિના કારણોસર મેં લગભગ ૬ થી ૮ જેટલાં કાઉન્સિલરોને સસ્પેન્ડ કર્યા હતા જેને કારણે દાહોદની પ્રજાનો મારા પરનો વિશ્વાસ વધ્યો હતો. 

દાહોદનું છાબ તળાવ પ્રસિદ્ધ. ગુજરાત (પાટણ) ના રાજા સિદ્ધરાજ સોલંકીએ સન ૧૧૩૦ આસપાસ માળવા ચઢાઈ કરી ત્યારે દાહોદમાં પડાવ નાંખ્યો હતો. તેમનું લશ્કર મોટું હતું અને બેઠા બેઠા રોટલા ખવડાવવાનો રિવાજ નહીં. સૈનિકોએ તળાવ ખોદી છાબ ભરી ભરીને માટી ઉપાડી તેથી તળાવનું નામ પડયું છાબ તળાવ અને જ્યાં લશ્કરનો પથારો હતો તે પડાવ નાકું આજે પણ ઐતિહાસિક સાક્ષી પૂરતાં ઊભા છે. આ છાબ તળાવને પાળી બાજુથી પૂરી તેની જમીન દબાણ કરી જમીન લાભ લેવાનો ખેલ ચાલે. નગરપાલિકાના ચીફ ઓફિસર દાણી હસી હસી હાડ ભાંગે. મેયર જૈનુદ્દીનભાઈને કોઈ સત્તા નહી તેથી બોલાવીએ ત્યારે મીટીંગમા હાજર રહે. છેવટે પ્રાંત અધિકારી તરીકે કડક થઈ મેં દબાણો હટાવ્યા અને તળાવની જમીનો બચાવી. મારો ઈરાદો તેને અમદાવાદના કાંકરિયા તળાવ જેમ બાંધવાનો હતો પરંતુ નગરપાલિકાની તિજોરી ખાલી અને સરકીરી કોઈ યોજના નહીં. ઘણાં વર્ષો પછી ૨૦૧૬માં અધિક મુખ્ય સચિવ શહેરી વિકાસ તરીકે ખાસ દિલ્હી જઈ મેં મારા ગમતાં દાહોદને સ્માર્ટ સીટી તરીકે પસંદ કરાવ્યું અને તેની મળેલ ગ્રાન્ટમાંથી નગરપાલિકાએ ₹૧૧૭ કરોડ ખર્ચીને આજે પાકા પાળા અને બગીચા સાથે સુંદર એક તળાવ બાંધી જગ્યાને રમણીય બનાવી દીધી છે. 

દાહોદનું ઋણ ઉતારવા હું જ્યારે અધિક મુખ્ય સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ બન્યો ત્યારે બ્રાઉન ફીલ્ડ યોજના અંતર્ગત ૧૯૮૯માં  Zydusના સહયોગથી મેડિકલ હોસ્પિટલ કમ મેડિકલ કોલેજની સ્થાપના કરી દીધી. જ્યાં ૨૦-૨૫નો સ્ટાફ અને પાંચ-સાત ડોક્ટરો હોય તેવી કોટેજ હોસ્પિટલને બદલે મેડિકલ કોલેજ કમ હોસ્પિટલ બનતાં ડોક્ટર્સ, Specialists, સ્ટાફ, સુવિધા, પ્રોસીજર, તપાસના સાધનો, વગેરે ખૂબ વધ્યા. આજે દાહોદ હોસ્પિટલ જિલ્લા એકલાની નહીં પરંતુ આજુબાજુના જિલ્લા અને બાજુના રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓની પણ સારવાર કરે છે. 

એ જમાનો એસ. આર. રાવ અને જગદીશન બ્રાન્ડનો જેમણે અનુક્રમે આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે શહેરી ધોરી રોડના દબાણો દૂર કરી નામ કમાયેલા. હું પણ કેમ પાછળ રહું. દાહોદ એસ.ટી. બસ સ્ટેશન રોડ પરના બંને તરફના ઘણાં દબાણો હટાવ્યા હતાં. તે વખતે સુપરન્યુમરરી તરીકે ગોધરામાં તાલીમ દરમ્યાન જિલ્લા ન્યાયાધીશ અને અમારી સામે રહેતા અધિક જિલ્લા ન્યાયાધીશની દોસ્તી કામ આવતી જેથી દબાણદારો મનાઇ હુકમ ન લઈ શકતાં. છએક મહિના પહેલાં દાહોદ ગયો ત્યારે જોયું તો આપણે તો હવે સીનીયર સીટીઝન થયાં પરંતુ જે દબાણો હટાવી રોડની સાઈડો સાફ કરી હતી ત્યાં આજે પાકી દુકાનો બની ગઈ છે. દબાણો હટાવનાર હટી જાય પરંતુ દબાણો તો જ્યાં હોય ત્યાં પાછા આવી જાય. 

દાહોદમાં હિંદુ મુસલમાન બંને વસ્તી તેથી ભાઈચારો જળવાઈ રહે. મુસલમાનોમાં શિયા વ્હોરા વેપારી અને શાંતિ પ્રિય કોમ. સુન્ની વસ્તી ગરીબ અને મધ્યમવર્ગીય. તેથી બંને ધર્મોના તહેવારો અહીં શાંતિપૂર્ણ ઉજવાય. આસીસ્ટન્ટ કલેકટર તરીકે મહેસૂલી RTS અપીલો ચલાવવાની તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે CrPC 109, 110, 133, 144 વગેરે કેસો ચલાવવાના થાય તેથી વકીલોનો પરિચય થાય અને કોઈક મિત્ર ભાવે સરકારી સિવાયનો વાર્તાલાપ કરી જાય. દાહોદના એક વકીલ ફકરૂદ્દીન ડો. તાહેરઅલીએ તેમની દીકરીના નિકાહમાં મને આમંત્રણ આપેલું. ત્યાં એમ જ વાતમાંથી વાત નીકળી અને તેઓ કહે કે મહમંદ અલી ઝીણાએ તેમની કોમને મોટું નુકસાન કરી દીધું. તે સાંભળી મારા કામ ઊભા થઈ ગયા. જન માન્યતાથી તે વિપરીત વાત હતી અને એક મુસલમાન ઝીણાની ટીકા કરે તે મારે માટે નવું હતું. મેં કારણ પૂછયું તો જણાવ્યું કે હિંદુસ્તાનના ભાગલા કરી ઝીણાએ મુસલમાન વસ્તીના ત્રણ ટૂકડા કરી નાંખ્યા. પરિણામે પશ્ચિમ અને પૂર્વના બે પ્રાંતોને સ્વતંત્ર દેશ મળ્યા પરંતુ એક કોમ તરીકે ભારતમાં વસ્તી કદ ઘટવાથી તેમનું મહત્ત્વ ઓછું થઈ ગયું. જે જુદા થયાં તે મુસલમાનોએ ૪૨ લાખ વર્ગ કિલોમીટરના અખંડ દેશમાં છૂટથી ફરવાના અને વિકસવાના તેમના અધિકારો ખોયાં. ફકરૂદ્દીનભાઈનો એ દૃષ્ટિકોણ મારા માટે ઇતિહાસના પાનાને વાંચવાની એક નવી દિશા બતાવી ગયો. 

ભગુભાઈ દાહોદ પ્રાંત અધિકારી તરીકે આવ્યા ત્યારે પ્રાંત અધિકારીનું સ્વતંત્ર ઘર ન હતું. તેમણે જહેમત લઈ પીઓકમટીડીઓ અને મામલતદાર જ્યાં રહેતા હતા તે કમ્પાઉન્ડમાં જમીન પસંદ કરી, મકાન માટે બજેટ મેળવી સ્વદેખરેખ હેઠળ બે રૂમ, હોલ અને રસોડાનું નાનું પણ સુંદર ઘર બનાવેલ. ભગુભાઈ તો તેમાં માંડ ત્રણ ચાર મહિના રહ્યા અને તેમની બદલી થતાં એ મકાન અમારે ભાગે આવ્યું. પીસ્તા રંગનું એ મકાન અમને સ્વતંત્રતાનો અનુભવ કરાવતું અને અમારા પહેલાં સ્વતંત્ર આવાસ તરીકે નાનું નાનું પણ આજેય મનપસંદ છે. 

અમારા એ કમ્પાઉન્ડમાં દાહોદ મામલતદાર ઈબ્રાહીમ બાંડી એકલાં રહેતાં અને વર્ગ-૧ અધિકારી તરીકે આદિવાસી વિસ્તાર હોવાથી પ્રોજેક્ટ ઓફિસર કમ તાલુકા વિકાસ અધિકારી તરકે છગનભાઈ બલાત અને તેમનું કુટુંબ રહેતાં. છગનભાઈને એક દીકરો અને ચાર દીકરીઓઃ પ્રફુલ્લ, મોનિકા, મિત્તલ, હેમાંગી, જલ્પા. તેમાં અમારા બે ઉમેરાયા ઉજ્જવલ અને ધવલ એટલે સાત બાળકોને રમવા કંપની બની ગઈ. એ વખતે ટીવી પર રામાયણ સીરિયલ લોકપ્રિયતાના શિખરો સર કરી રહી હતી. ટીવી પર રીલીઝ થતો રમેશભાઈ ઓઝાનો ભાગવત સંતસંગ પણ મનને જકડી રાખતો. એ જમાનો કેબલ ટીવીથી પ્રસારણનો. કેબલનો માલિક જે મૂકે તે જોવાનું. રજાના દિવસે હિન્દી પિક્ચર જોવા મળતું. અમારે ઘરમાં ટીવી નહીં તેથી સાંજ પડે લક્ષ્મી ટીવી જોવા છગનભાઈને ઘેર જતી. હું ઓફિસેથી સમયસર આવ્યો હોઉં તો તેમની સાથે જોડાઈ જતો. છગનભાઈ અને મંજુલાબેન એટલાં સીધા, સરળ અને પ્રેમાળ કે સાહેબ ગણી અમારું માન સન્માન જાળવે અને અમે બંને કુટુંબો રામાયણની લીલા અને રમેશભાઈ ઓઝાના ભાગવત ભક્તિ રસનો આનંદ લેતાં. રજાના દિવસે અરસપરસ એકબીજાના ઘેર જમવું, ચા-નાસ્તો કરવો સામાન્ય બની ગયું હતું. અમે તો છેક ૧૯૮૯માં ક્રાઉન બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી અને વોલ્ટાસનું ફ્રીઝ ખરીદી શક્યા. 

હુનૈદ તેનાં બજાજ સ્કૂટર પર બેસાડી ઉજ્જવલ, ધવલને આંટો મારવા લઈ જાય અને મારા માટે ક્યારેક દાહોદનું પ્રસિદ્ધ પાન લઈ આવે. દાહોદમાં ઈંદોરના કંદોઈની દુકાન તેમાં ચવાણું મીઠું મીક્ષ્ચર અને દાળમૂઠ સ્વાદ લાવી દેતા.તેની માતા રબાબ અને પિતા નજમુદ્દીન મને દીકરા જેમ પ્રેમ કરતાં અને બહેન ઝબીન, હુનૈદના પત્ની નફીસા, ભાઈઓ કુટુંબના સભ્ય તરીકે રાખતા. હુનૈદે તે સંબંધો કાયમ જાળવી રાખ્યા. ૨૦૦૦ના કોવીડ કહેરમાં તે અને તેના પિતા ગુજરી ગયા પરંતુ વડોદરાની હોસ્પિટલની પથારીમાંથી ઓક્સિજનની પાઈપ સાથે મને બાય બાય કરતો તેનો ચહેરો હું ક્યારેય ભૂલી શકતો નથી. 

ડો દિનેશ પંડ્યા અમારા જીગરીજાન. તેઓ અને તેમના પત્ની ડો ભારતીબેન બીએએમએસ પરંતુ એલોપથીની સરસ પ્રેક્ટિસ કરે. તેમનાં પિતા લક્ષ્મી નારાયણ પણ સુંદર સ્વભાવના, જૂના જમાનાની વાતો કરે. મારે તેમની જોડે પણ મિત્રતા બંધાઈ. દિનેશભાઈ મીઠા બોલાં અને મારી બાની જેમ વાતે વાતે કોઈને કોઈ સંસ્કૃત સુભાષિત અને શ્લોક ટાંકે. તેમનું ડોક્ટર મિત્ર વર્તુળ મોટું તેથી એલોપથીનું જ્ઞાન વધારતા રહે. તે અમારા ફેમીલી ફીઝીશીયન. નાની મોટી તકલીફો હોય તો દોડી સ્કૂટર લઈ ઘેર આવે અને ઉપચાર કરે. મોટું હોય તો ડો. ભરપોડાને બોલાવી લે. તેમણે મને ગ્લુટિયલ મસલ પર ઇંજેક્શન આપવાનું શીખવેલ. તેમણે મને સ્કૂટર શીખવવા પ્રયત્ન કરેલ પરંતુ મારી બીકે મને સ્કૂટરથી દૂર રાખ્યો. હું જીપનું ડ્રાઇવિંગ શીખવા લાગ્યો. મારો ડ્રાઇવર ભરતસિંહ મને જીપના ગિયર, સ્ટીયરિંગ, એક્સલ, બ્રેકની સમજ આપે. હું તેને ડ્રાઇવિંગ કરતાં જોઈ રહેતો અને પછી ધીમેધીમે ઘરથી કચેરી અને કચેરીથી ઘરના નાના ડ્રાઇવિંગથી કામ શરૂ કર્યું. એ જમાનામાં ડ્રાઈવિંગ લાયસન્સ લેવાનું સહેલું. ટેસ્ટ વગર સાહેબોનું કામ થઈ જતું. પછી તો અને ગોધરા મીટીંગમાં જઈએ કે ગાંધીનગર-અમદાવાદ તરફ, હું જીપ ચલાવવાનું સાહસ કરતો અને તેમ કરતાં કરતાં ડ્રાઇવિંગ શીખી ગયો. મેં જ્યારે પહેલીવાર લાંબા રૂટ પર જીપ લીધી ત્યારે મહેમદાવાદ નજીક બ્રેક મારવામાં જરાક મોડું થવાથી એક ગધેડું જરાક ધક્કો લાગતાં પડી ગયેલ. પછી તે તરત ઊભું થઈ ભાગ્યું પરંતુ લક્ષ્મીએ તે ઘટનાને મને ભૂલવા ન દીધી. તે એક ઘટના સિવાય હું કાયમ અકસ્માત વિનાનો કુશળ ચાલક બની રહ્યો. 

૧૯૮૭ પહેલી નવરાત્રિમાં અમે સહકુટુંબ ગરબા જોવા નીકળ્યા. આંટો પૂરો કરી અમે મિત્ર ડો દિનેશ પંડ્યાને ત્યાં રોકાયા. અમે ઉપર મેડા પર બેઠા વાતો કરતાં હતાં અને બાળકો નીચે રમતા હતાં. અચાનક અમારું ધ્યાન ગયું કે ધવલ ક્યાં? ધવલ ત્યારે ચાર વર્ષનો. ત્યાં અને આસપાસ જોયું તો ધવલ નહીં. બધાં શોધવા લાગ્યા પરંતુ ધવલ ન મળે. અમે તો સાવ ડઘાઈ ગયા. જાતજાતના વિચારો શરૂ થયાં. હું કડકાઈથી પ્રાંત ચલાવતો તેથી બીજા પ્રકારનો અંદેશો આવવા લાગ્યો. મેં તરત જ મિત્ર અનુપ કુમાર સિંહને ફોન કરી જાણ કરી. અનુપે વાયરલેસ મારફત બધાં પેટ્રોલ વાહનો અને ચેકપોસ્ટોને ખબર કરી ચેકિંગ શરૂ કરાવી દીધું. અમારા મિત્ર ડો. દિનેશભાઈ પંડ્યાએ અંબે માંની બાધા રાખી. નાનકડું શહેર. બે-ત્રણ કલાકની શોધખોળ પછી ધવલ ન મળતાં અને નિરાશ વદને ઘેર આવી દરવાજો ખોલ્યો. પડોશમાં જઈ પીઓકમટીડીઓ છગનભાઈ બલાતને ઉઠાડી ઘટનાની જાણ કરી. તરતજ તેમના પત્ની બોલી ઉઠ્યાં કે ધવલ તો ક્યારનોય આવીને અમારે ઘેર સૂઈ રહ્યો છે. અમારી આંખોમાં અશ્રુધાર વહેવા લાગી. લાડકો ધવલ સલામત છે તેનો આનંદ વ્યાપ્યો. અનુપને ફોન કરી જાણ કરી અને તેમની ટીમના પ્રયત્નો બદલ આભાર માન્યો. ધવલને તે રાતે સૂવા દીધો. બીજા દિવસે સવારે તેને પૂછયુ કે ડો દિનેશ અંકલના ઘેરથી તું કેવી રીતે તું છગન અંકલના ઘેર આવ્યો? તો કહે, મને ત્યાં કંટાળો આવતો હતો તેથી રસ્તો થોડો થોડો ખબર તેથી ચાલીને ઘેર આવ્યો અને આપણું ઘર બંધ હતું તેથી બાજુમાં અંકલના ઘરે દરવાજો ખટખટાવી આન્ટી જોડે સૂઈ ગયો. 

ધવલ સાથે ૧૯૮૯માં બીજી આફત આવી. અમે સહકુટુંબ લીમખેડા તાલુકાની મુલાકાતે હતાં. ત્યાં ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી સવારે રૂમમાં જ ચા નાસ્તો કરી રહ્યાં હતાં. તાલુકે કોઈ વ્યવસ્થા નહીં તેથી મામલતદાર પિતાંબર પટેલને ઘેરથી તેમનાં પત્નીએ ચા નાસ્તો બનાવી મોકલ્યો હતો. ઉજ્જવલ, ધવલ પણ ઉઠી બહાર રમી રહ્યાં હતાં. ઉજ્જવલ સાડા છ વર્ષનો અને ધવલ સાડા ચારનો. અમારી સાથે અમદાવાદથી આવેલો સત્તર વર્ષનો ભત્રીજો સુરેશ તેમની સાથે. એક પટાવાળો પણ તેમની સાથે. તેથી અમે બે નિશ્ચિત રૂમમાં ગપાટા મારીએ. ત્યાં થોડી જ વારમાં પટાવાળો દોડતો આવ્યો કહે જલ્દી ચાલો ધવલભાઈ પડી ગયા છે અને બેહોશ છે. સુરેશ બાળકો સાથે હતો પરંતુ ડરનો માર્યો તે ધવલ પડ્યો તે કહેવા ન આવ્યો. અમે દોડીને ગયા તો ધવલ ઊંધા માથે રેતી-કપચી વેરાયેલી જગ્યા પર પડેલો. તેને ઉઠાવી સીધો કર્યો તો બેહોશ, મોઢું એક તરફ ત્રાંસુ થઈ ગયેલું અને મોઢામાંથી પાણી જેવું પ્રવાહ વહે. પળનોય વિલંબ કર્યા વિના અમે દાહોદ પહોંચી બુરહાની હોસ્પિટલમાં તેને દાખલ કરી દીધો. ડો. દિનેશ પંડ્યાના મિત્ર ડો. ભરપોડા ત્યાં ફીજીશિયન. તેમણે તરત જ સારવાર શરૂ કરી દીધી, ઓક્સિજનની પાઈપ લગાવી અને ડેક્સામેથાઝોન વગેરે દવાઓના ઇન્જેક્શન શરૂ કરી દીધાં. મેં પૂછયું તો કહે ૩૬ કલાક સુધી કંઈ કહી શકાય નહીં. અમે ધવલની જોડે બેઠા રહ્યા. બીજા દિવસે ૩૬ કલાક પૂરા થવાના સમયે તે ભાનમાં આવ્યો, બેઠો થયો અને પાછો સૂઈ ગયો. ત્રીજા દિવસે સવારે તે ઉઠ્યો ત્યારે નોર્મલ, ઊભો થાય, ચાલે પરંતુ કંઈ પૂછીએ તો બોલે નહીં, બસ સામે જોઈ રહે. તેના સ્પીચ પોંઈટ તરફના મગજ પર વાગેલું તેથી સ્પીચ જતી રહ્યાની શંકા ડો ભરપોડાને ગઈ સાંજ સુધી રાહ જોઈ પછી અમદાવાદ ન્યૂરોલોજીસ્ટ ડો. પ્રદ્યોત ઠાકરને ત્યાં લઈ જવા સલાહ આપી. અમે તે રાત્રે દસ વાગ્યે પ્રાંતની ફાટેલા હુડવાળી જીપમાં ધવલને લઈને અમદાવાદ રવાના થયાં. હું આગળ બેઠો હતો. ધવલને મારા ખોળામાં લીધો અને મનમાં હનુમાન દાદાનું નામ લઈ ધવલની રક્ષાની પ્રાર્થના ચાલુ કરી દીધી. લક્ષ્મી પાછળની સીટ પર બેઠી ચિંતા કરતી. રાત્રિની ઠંડક અને જીપનાં ફાટેલાં હુડમાંથી આવતો ઠંડો પવન અમને જોરથી અથડાતો. એ ઠંડકમાં ધવલને ખૂબ જ સારી ઊંડી ઊંઘ આવી ગઈ. જેવા સવારે અમે પાલડી ડો. પ્રધોત ઠાકરના દવાખાને પહોંચ્યા અને ધવલને ઉઠાડ્યો તો તે બોલતો થઈ અમારી સાથે વાતો કરવા લાગ્યો. ડો ઠાકરે આવી તેને તપાસ્યો અને કહ્યું કે બધું નોર્મલ જણાય છે. હાલ કોઈ બીજી સારવારની જરૂર નથી. ભવિષ્યમાં કોઈ તકલીફ થાય તો લેતા આવજો. ભગવાનની કૃપા કે ધવલ બચી ગયો અને તે ઈજા સંબંધિત કોઈ તકલીફ પછી તેને થઈ નહીં. પરંતુ એ જાણવું તો રહી ગયું કે એ પડ્યો ક્યાંથી અને કઈ રીતે? ગેસ્ટ હાઉસના રૂમની બાજુમાં બહાર ઉપરના રૂમ તરફ જવાની સીડી અને તે સીડી પરથી નીચેના રૂમની બારી ઉપરના વેધર શેડ પર જઈ શકાય. ઉજ્જવલ અને ધવલ એકબીજાને પકડાપકડી રમતાં હતાં. ઉજ્જવલનું બેલેન્સ સારું તેથી તે બારીના વેધરશેડ પર ચડીને પાછો આવતો રહ્યો. પરંતુ તેની કોપી કરવા જતાં ધવલ ત્યાંથી પડી નીચે જમીન પર પટકાયો. નીચે કપચી અને રેતી વેરાયેલા હતાં તેથી બેઠો માર વાગ્યો. ગેસ્ટ હાઉસની પ્લીન્થ સારી એવી ઊંચી તેથી વેધર શેડથી નીચે આશરે નવથી દસ ફૂટની ઊંચાઈ હશે. બીજાના ભરોસે છોકરાં મૂકીએ તો આવું થાય તેવો બોધ અમને થયો. મારી બા કહેતી ચેતતા નર સદા સુખી. સાવધાની હટી દુર્ઘટના ઘટી. 

એક બુઝુર્ગ વૈદ્ય શ્રીરામ શર્માને કેમ ભૂલાય. ત્યારે તેમની ઉંમર હશે ૮૭ વર્ષ, પાતળાં અને નીચા. પેન્ટ શર્ટ અને માથે સફેદ ટોપી પહેરે. ધીમે ચાલે પરંતુ મગજની સુરતા ઊંચી. મને આયુર્વેદ ગમે તેથી શુદ્ધ જડીબુટ્ટીની હું તેમની સાથે ચર્ચા કરતો અને તેમણે બનાવેલાં એક બે ચૂર્ણ લેતો. તેઓ કહેતાં કે હ્રદય રોગ એ વાયુનો રોગ અને વાયુ આપણો પ્રાણવાયુ. તે કહેતાં કે હ્રદયમાં જે વીજળીનો કરંટ છે તે જ રામનામ છે. તેથી જેના રામ રૂઠ્યા હોય તેને હ્રદયરોગ થાય. હ્રદયની સારવાર માતે તેઓ દવાઓ સાથે રામનામને રામબાણ ઈલાજ ગણતાં. 

શહેરમાંથી પરિચય તો ઘણાંનો થયો પરંતુ ડો. દિનેશ પંડ્યા, હુનૈદ જાંબુઘોડાવાલા અને હસમુખભાઈ ચૌધરી મિત્રો તરીકે કાયમ રહ્યાં. હુનૈદ અને તેના અબ્બુ નજીમુદ્દીન તો કોવીડ ૨૦૨૦માં અલ્લાહને પ્યારા થઈ ગયા પરંતુ તેમના કુટુંબનો સંપર્ક જીવંત છે. હસમુખભાઈ વડોદરા રહેવા જતાં રહ્યાં તેથી હવે દાહોદ જઈએ તો દિનેશભાઈ અને હુનૈદના કુટુંબને મળવાનું થાય. આ ઉપરાંત હર્ષદ સોની, ફકરૂદ્દીન ઢીલાવાલા તેમની દીકરી ઈન્સીયા અને જમાઈ મોઈઝ, મારા વખતમાં શહેરના મેયર બનેલ ગોપાલભાઈ ધાનકા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ . કિશોરભાઈ તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય લલિતકુમાર પટેલ વગેરે સાથે આજે વાત કરીએ એટલે ચાલીસ વર્ષ પહેલાની યાદો તાજી થઈ જાય. નવી પેઢીના જશવંતસિંહ ભાભોર આજેય આદર જાળવે. બદિયાભાઈનો પુત્ર પ્રવીણ ગોંદીયા IPS થઈ સારી સેવા બજાવેલ. ફકરૂદ્દીનભાઈનો જમાઈ મોઈઝ દાળ મિલ ચલાવે છે તેથી દાહોદને યાદ કરી આજે તેની પાસે દાળ મંગાવું તો પૈસા ન લે. હસમુખભાઈની સાસરી ઈન્દોરમાં બનતું ગોળ કેરીનું અથાણું તો હવે ક્યારેય ખાવા નહીં મળે. કેરીનું એવું સ્વાદિષ્ટ અથાણું મેં બીજું કોઈ જોયું નથી. 

દાહોદમાં અમે બે વર્ષ રહ્યા. ઉજ્જવલ ધવલ સેંટ સિટીફન્સ સ્કૂલમાં ભણ્યાં. આજે ૩૬ વર્ષ પછી ત્યાં જીવેલી પળેપળ એવીને એવી યાદ છે. 



Monday, September 22, 2025

IAS@1985 ક્ષેત્રીય તાલીમ જિલ્લો પંચમહાલ

IAS@1985ની બેચના અમે ૧૬૦ અધિકારીઓ. ઓગસ્ટ થી ડિસેમ્બર ૧૯૮૫માં ફાઉન્ડેશન તાલીમ, પંદર દિવસનું ભારત દર્શન, દિલ્હીમાં રાષ્ટ્રપતિ ઝૈલસિંહને રાષ્ટ્રપતિ ભવનમાં અને પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને ૭, રેસકોર્સ રોડ પરના નિવાસે મળી સંસદભવનની મુલાકાત અને સંસદની કાર્ય પદ્ધતિની જાણકારી મેળવી અમે ફેઝ-૧ની તાલીમ માટે ફરી મસૂરી એકડમી પહોંચ્યા અને ફેઝ-૧ તાલીમ પતાવી જૂન ૧૦, ૧૯૮૬થી અમને ફાળવેલા રાજ્યો અને જિલ્લામાં સુપરનુમરરી મદદનીશ કલેક્ટર તરીકે હાજર થયાં. 

મસૂરીમાં તાલીમ માટે તારીખ ૨૬ ઓગસ્ટ ૧૯૮૫ નારોજ હાજર થયા તે તારીખથી અમારી IASમાં નિમણૂક થઈ. બધાં કાડર એલોટમેન્ટની રાહ જોતાં હતાં. અમે યુપીએસસી ફોર્મ ભર્યું ત્યારે ઝોન પસંદગી મુજબ જેમને ઇન્સાઈડર બેઠક નહોતી મળવાની તેઓ પોતપોતાની પસંદગીના ઝોનનો ઓપ્શન આપેલો તેથી તેમને મળનાર સંભવિત રાજ્યની ચર્ચામાં તેઓ વ્યસ્ત રહેતાં. બરાબર એ જ સમયે ૨૧ સપ્ટેમ્બર ૧૯૮૫ ના રોજ મીનીસ્ટ્રી ઓફ પર્સોનેલમાં રાજ્ય મંત્રી તરીકે પી. ચિદમ્બરમ જોડાયા જેમણે અમારા ઘણાં બેચમેટ્સનું ભાગ્ય પલટી નાખ્યું. તેઓ એક નવી ફોર્મ્યુલા લાવ્યા. બધાં રાજ્યોને સારી મેરિટવાળા ઉમેદવારો મળવા જોઈએ તેવા તર્કથી તેમણે ઝોન પસંદગી પ્રથા રદ કરી નાંખી. એકવાર ઈન્સાઈડર કોટાની ફાળવણી થઈ જાય પછી બાકી બધાને એક તરફ મેરીટ નંબરની યાદી અને બીજી તરફ એબીસીડી મુજબ રાજ્યોની યાદી બનાવી એક પછી એક જેનો વારો જ્યાં આવે ત્યાં ગોઠવી દેવાના. 

૧૨ ઓક્ટોબર ૧૯૮૫ના રોજ જ્યારે કાડર એલોટમેન્ટની યાદી આવી ત્યારે ભારે અસંતોષ વ્યાપ્યો. અસરગ્રસ્તોએ રજૂઆત કરી પણ નિષ્ફળ રહ્યા. ઘણાંનો IAS થવાનો આનંદ ખાટો થઈ ગયો. ૩૩ નંબર મેરીટવાળા મારા બેચમેટ, મસૂરી નર્મદા હોસ્ટેલમાં પડોશી અને મિત્ર લિંગમ વેંકટ રેડ્ડીને નાગાલેંડ કાડર મળી. જયાં પછીથી ૧૯૯૫માં તેઓ કોહિમા નાયબ કમિશ્નર (કલેકટર) હતાં ત્યારે તેમના સરકારી નિવાસના પોર્ચમાં ઊભેલી કારમાં બેસી નવી બદલીના સ્થળે હાજર થવા બસ નીકળતા જ હતાં ત્યાં મીલીટન્ટોએ આવી તેમની હત્યા કરી નાંખી. એ ફાળવણી ફેરફારની મોટી કરૂણાંતિકા હતી. 

ગુજરાત કાડરમાં અમે બાર અધિકારીઓ ફાળવાયા હતા. અનિલ મુકીમ અને હું તો ઇન્સાઈડર તરીકે ગોઠવાયા. પરંતુ બાકી દસ પૈકી સુસ્મિત કુમારે ફેઝ-૧માં જ તાલીમમાંથી રાજીનામું આપી દીધું અને બીજા કેટલાક વ્યથિત રહ્યાં. અમે આવી પહેલાં અમારા ફાળવણી જિલ્લામાં હાજર થઈ સ્પીપાની તાલીમ સૂચિમાં જોડાયા. 

અમે સ્પીપા તાલીમમાં આવ્યા એટલે અનિલ અને હું અમદાવાદી તેથી અમે બંને અમારે ઘેર રહ્યા પરંતુ અમારા બાકી નવ બેચમેટ વિશ્રામ ગૃહ, અમદાવાદ ખાતે રોકાયા જ્યાં તેમનો ઘણો સમય કેડર એલોટનેન્ટના અન્યાયની ચર્ચામાં જતો. વિશ્રામ ગૃહ અમદાવાદમાં જમવામાં તેમને વિનોદ થતો. ત્યાંનો રસોયો તેમને ભાત ટી-સ્પૂનથી પીરસતો જાણે હીરા-મોતી પીરસતો હોય. તેને ટોક્યો એટલે વાટકો ભરી મૂકવા માંડ્યો. ગુજરાત નબળી કાડર છે અને જમવાનું બધું ગળ્યું હોય છે તે એવું તો ચાલ્યું કે પછીથી બાર્બરા મારવીન જિલ્લા તાલીમમાંથી રાજીનામું આપી જતા રહ્યા અને અનીતા ભટ્ટનાગરે પછીથી ઉત્તર પ્રદેશ કાડરનો ફેરફાર લઈ લીધો. હું મારે ઘેર રહું તેથી મારા બેચમેટ રોજ મને કહે ઘર બતાવ, ઘર બતાવ; તેથી અતિ સંકોચ સાથે હું તેમને ચાલીના સ્લમ્સમાં લઈ ગયો હતો. બે-ત્રણ જણ સિવાય તેઓ આવ્યા. ખબર નહીં તેમના મનસ્થિતિ પર તે મુલાકાતે કેવી અસર ઊભી કરી હશે? પરંતુ તેમણે ક્યારેય એની ચર્ચા ન કરી. 

અમે રાજ્યપાલ આર. કે. ત્રિવેદીને કોલ ઓન કરવા ગયા ત્યારે પ્રથમગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયેલો. અમે સૌ બંધ ગળાનો કોટ-સુટ-બુટ પહેરી ગયેલાં પરંતુ અમારામાંથી એક અધિકારી પેન્ટ-શર્ટ-ચપ્પલ પહેરી આવેલ. સામેથી ઠપકો આવ્યો તો બચાવમાં કહે બટનઅપ સીવડાવવા સરકારે ક્યાં રૂપિયા આપ્યા છે? અમે વિવેક મુલાકાતના ભાગરૂપે મુખ્ય સચિવ આર.વીં. ચંદ્રમૌલિ અને મહેસૂલ સચિવ એન. ગોપાલસ્વામીને મળ્યાં. ગોપાલસ્વામી સાહેબે તેમના સેક્ટર-૧૯નાં નિવાસસ્થાને અમારી બેંચને ભોજન કરાવ્યું હતું. અમને પ્લેટ આપવા સાહેબ સ્વયં ઉભા રહ્યાં હતાં. 

સ્પીપામાં અમને આમંત્રિત વક્તામાં એન. વિઠ્ઠલ સાહેબને સાંભળવા મળ્યાં. તેઓ જીએનએફસીના મેનેજીંગ ડિરેક્ટર. તેઓએ નિખાલસ રીતે સ્પીપાની શરૂઆત GITA (Gujarat Institute of Training and Administration) તરીકે કરી હતી જે હિંદુ ધર્મ પુસ્તક ગીતાથી પ્રેરિત હતું. સંયોગથી તેમની પત્નીનું નામ પણ ગીતા હતું. તેમણે GNFCની સફળતાની સાથે ગિરનાર સ્કૂટરના સાહસ (Gujarat Narmada Auto Limited) અને તેની નિષ્ફળતાની પણ વાત કરી. પરંતુ વધુ મહત્વનું ગુજરાત સરકારનું શિરમોર રત્ન જેવું જીએનએફસી તેમણે ખડું કર્યું તે કહાની રોચક હતી. અમારી ક્ષેત્રીય મુલાકાતમા જીએનએફસીની મુલાકાત અસરદાર રહી અને તેનું કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ભોજન યાદ રહ્યાં. બીજા એક આઈએએસ વક્તા આખાબોલા હતાં. અમારામાંથી એકે પૂછયું, ગુજરાત કાડરમાં આઈએએસ અધિકારીઓમાં ભાઈચારો કેવો? તેમના મોઢેથી ગાળ નીકળી ગઈ. કહે, અહીં કોઈ કોઈનું નથી. જ્યારે મુસીબતમાં આવો તો પોતાનો બચાવ પોતે જ કરવાનો. 

સ્પીપાની તાલીમમાં વર્ગખંડમાં મને કંટાળો આવે. અમારી સાથે GASના અધિકારીઓ. અનીસ માંકડ અને અમે બે જોડે બેસીએ. મારી બાને રાશિ ભવિષ્યમાં બહુ રસ. મને દર રવિવારે રાશિ ભવિષ્યની કોલમ વંચાવતી. તેની અને મારી રાશિ એક એટલે હું પણ રસ લેતો થયો પરંતુ કોનો સ્વામી ક્યાં શું કરે છે અને તેની આપણાં જીવન પર શી અસર થાય છે તેની ગતાગમ ન પડે. અનીસભાઈ ખૂબ સારું જ્યોતિષ જાણે તેથી એક બાજુ વર્ગ ચાલે અને અમે ચોકડી દોરી પૃથ્વી ઉપરના ગ્લોબના ગોળાને ૩૬૦ અંશ પર ચઢાવી તેના બાર ભાગ કરી જ્યોતિષ ચલાવીએ. હું દરેક રાશિના માલિકો, ઉચ્ચ-નીચ-સ્વગૃહી થતાં ગ્રહો, તેમની શુભાશુભ દૃષ્ટિ, શુભ સ્થાનો, ત્રિકોણ, ત્રિક, શુભ-અશુભ-ક્રૂર ગ્રહો, તેમની વચ્ચે મૈત્રી-શત્રુત્વ, વિશોત્તરી મહાદશા, નવાંશ, વગેરે પરિભાષાઓ સમજતો ગયો અને ઘેડ બેસાડતો ગયો. આપણે આંકડાશાસ્ત્રના વિદ્યાર્થી તેથી બાકીનું કામ મારા મગજે સંભાળી લીધું અને હ્રદયમાં શુદ્ધિકરણ જાળવેલું તેથી જ્યોતિષ વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ. તાલીમ સમયનો આટલો ઉત્પાદક ઉપયોગ કોણે કર્યો હશે? 

કાડરના એક મહારથી હમીદ કબીરુલ્લા ખાન સાહેબનો (popularity known as HK Khan) પરિચય અમને અમદાવાદની કામા હોટલમાં થયો. તેઓ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ. IAS પ્રોબેશ્નરોને કાડરના અધિકારીઓને પરિચય થાય અને સારું વ્યંજન જમવા મળે તે મારે get togetherની એ પ્રથા મુજબ તેમના સૂચિત કોઈ એકમ દ્વારા (probably GIIC) એક સાંજે કામા હોટલમાં પાર્ટી હતી. ફિલ્મી હીરો ફિરોઝખાન જેવા દેખાતા ખાન સાહેબ બંધ ગળાની આખી બાંયવાળી ટીશર્ટ અને જીન્સ પહેરી અમારી સાથે ડીનરમાં જોડાયા ત્યારે આકર્ષક વ્યક્તિત્વ તરીકે તેઓ સૌનું ધ્યાન ખેંચતા. ખાન સાહેબને ટી શર્ટ -જીન્સમાં જોઈ મને રાજ્યપાલની મુલાકાતવાળો અમારા બેચમેટનો પેન્ટ-ચપ્પલવાળો પ્રસંગ યાદ આવી ગયો. થયું કે સીનીયર થઈશું એટલે છૂટછાટો લઈશું. બાકી એકેડમીમાં તો બધું ઠાંસીને ભરેલું, ક્યા પ્રસંગે શું પહેરાય, શું ન પહેરાય, ફોર્મલ ભોજનમાં ચમચી કાંટા કેમ પકડાય વગેરે વગેરે. પાંચ આંગળીના ચમચે જમતાં ભારતીયોના વહીવટ માટે શીખવાતી અંગ્રેજી રીતભાતો મને આશ્ચર્ય જન્માવતી. 

ગુજરાત દર્શનના ભાગરૂપ અમે અમુલ આણંદની મુલાકાત લીધી. એક વ્યક્તિ કુરિયન અને તેમના વિચારની સાથે ઊભેલા ખેડા જિલ્લાના પટેલ આગેવાનો ખાસ કરીને ત્રિભુવનદાસ પટેલે અંગ્રેજી પોલ્શનમાંથી છૂટી અમૂલનું સુંદર નજરાણું દેશને ભેંટ ધર્યું તેની કહાની રોચક હતી. જોકે તેમનો ધારા સીંગતેલ પ્રયોગ સફળ ન થયો. કુરિયન સાહેબ સાથે વાર્તાલાપ કરતાં તેમનો આઈએએસ અધિકારીઓ પ્રત્યેનો અણગમો અછાનો નહોતો રહ્યો. 

ગુજરાત એક અછતગ્રસ્ત રાજ્ય. અમારો કાડર પ્રવેશ પણ અછતના વર્ષથી થયો. ૧૯૬૦માં ગુજરાત બન્યું ત્યારથી સરકારોએ નદીઓના પાણી રોકવા બંધ બનાવી બહુહેતુક યોજનાઓ બનાવી અમલ કર્યો હતો. એ વખતે ઉકાઈ સૌથી મોટો ડેમ અને યોજના હતી. તે ઉપરાંત પાનમ, કડાણા જાણીતાં હતાં. નર્મદા યોજનાનો ચુકાદો આવી ગયો હતો પરંતુ બંધની ઊંચાઈ અને મધ્યપ્રદેશના વિસ્થાપિતોના પ્રશ્ને તેના અમલમાં હજી આડખીલીઓ આવી રહી હતી. અમે ધરોઈ ડેમની મુલાકાત લીધી. ત્યાં એક લારીમાં ઠંડી જલેબી જોઈ અમારા બેચમેટ દીનાનાથ પાંડેએ જલેબીવાળાને પૂછયું શું જલેબી તાજી છે? પેલાં ભાઈએ કહ્યું, હા તાજી છે. ત્રણ-ચાર દિવસ પહેલાંની જ બનાવેલી છે. અમે પાનમ યોજનાનો અભ્યાસ કરવા તેના ગેસ્ટ હાઉસમાં એક રાત રોકાયા હતાં. તે રાત્રે મારી મોડે સુધી વાતો કરવાની આદતને કારણે મારા એક બેચમેટ કોઈ મોકો ચૂકી ગયાનો વસવસો મારી સમક્ષ વ્યક્ત કરતાં. ઉકાઈની મુલાકાતમાં અમને નર્મદા યોજનાના વિસ્થાપિતોના પ્રશ્નોના ઉકેલ દેખાયા. એકવાર દાખલો ગણેલો છે તેથી બીજીવાર સરળતાથી અમલ કરી શકાય, જો તેના ભાગીદારો સંમત હોય. અમારી વલસાડની મુલાકાતમાં ત્યાંના જિલ્લા વિકાસ અધિકારી અરૂણકુમાર સુતરિયા સાહેબ અને તેમની પત્નીએ અમને સૌને જમાડેલા. તીથલનો પહેલીવાર જોયેલો દરિયાકિનારો મને સુંદર લાગ્યો. 

વર્ગખંડની તાલીમ, સચિવાલયની શાખા મુલાકાત, ગુજરાત દર્શન, મહેસૂલી હાયરગ્રેડ પરીક્ષા પછી અમે અમારા પોતપોતાના જિલ્લાની તાલીમમાં પાછા ફર્યા. હું પણ ગોધરા ભેળો થયો. મને સુપરન્યુમરરી આસીસ્ટન્ટ કલેકટર તરીકે તાલીમ માટે પંચમહાલ જિલ્લો મળ્યો હતો. 

ગોધરા તાલુકાના એક ગામમાં તલાટી સાથેની તાલીમમાં મને એક જાણીતી કહેવતની ખબર પડી જે મહેસૂલી તંત્રમાં તલાટીનું મહત્વ નક્કી કરતી હતી. “કલેક્ટર કરે કકળાટ, મામલતદાર મૂંઝાય, સર્કલ બિચારો શું કરે? તલાટી કરે તે થાય”. શાળાના આચાર્ય પછી તલાટીનું ગામમાં બહું મોટું માન. તેમને જરૂરી દાણોપાણી ઘીની વ્યવસ્થા ગામ જ કરી આપે. સરપંચનું મુખ્ય કામ જ તલાટી સાહેબને સાચવવાના. એન્ડરસનના નમૂના મુજબનું મહેસૂલી રેકર્ડ ત્યારે તલાટી નિભાવતા અને તેમની જોડે રહેતું. ચૂંટાયેલો સરપંચ તે રેકર્ડનું પોટકું પકડી ચાલે તેને તે અહોભાવ ગણતો અને પોલીસ પટેલ તો જાણે તેની આજ્ઞામાં રહી કામ કરતો પટાવાળો. 

તલાટી પાસે એક થી વધુ ગામો રહેતાં તેથી તે ક્યાં ગામમાં હોય તેની તલાટી સિવાય કોઈને ખબર ન પડે. જે દિવસે પંચાયત ઘર હોય અને તેનું તાળું ખુલે અથવા સરપંચના ઘેર કે ગામના ચોરે તલાટી આવ્યાની ખબર પહોંચે એટલે જેને તેમની જરૂર હોય તે હમધા બધા કામ, ઘર, ખેતર, જ્યાં હોય ત્યાંથી દોડીને  પહોંચી જાય. તલાટી ધારે તો જ ૭/૧૨ના ઉતારાની નકલ મળે. નકલ મળે તો બેંકવાળા લોન આપવા ન આપવાનું વિચારે ને? તે ધારે તો વારસાઈ, વેચાણની ફેરફાર નોંધ થાય. તે હોય તો જન્મ મરણ નોંધાય. તે ધારે તો રાશનકાર્ડ છૂટું થવાની પ્રકિયા આગળ વધે. દર દસ વર્ષે મહેસૂલી ૭/૧૨ના ચોપડા નવા લખાય ત્યારે પ્રમોલગેશન રેકર્ડમાં તલાટી ક્યારે કોની જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવી દે, ગધા કલમ ૪૩નું નિયંત્રણ હટાવી લે, ૭૩AA ભૂંસી નાંખે, કે પછી વાડા પત્રકમાં વધઘટ કરી નાંખે, તલાટી સિવાય કોઈને ખબર ન પડે. સાહેબોને તો ક્યાંક કોઈક એપેન્ડીક્ષ-એ ભરવા જાય અને ઝીણવટપૂર્વક તપાસે ત્યારે ખબર પડે. નહીંતર આરટીએસ અપીલોમાં તલાટી સાહેબ બતાવે તે પાનાં જોવાના અને નમૂના ૬ની નોંધો વાંચવાની. હવે તો બધું ઈ-રેકોર્ડ થઈ ગયું છે. પરંતુ જ્યારે ઈ-ધરા આવ્યું ત્યારે ઘણાં નાયબ મામલતદારોના અંગૂઠાઓએ જે કામ તલાટીઓ ચાલીસ વર્ષમાં ન કરી શક્યા તે તેમણે ચાલીસ મહિનામાં કરી બતાવ્યું હોવાની અફવા ચાલતી. વીજળીના ચમકારે ફેરફાર થઈ જાય. 

મારે ગોધરા નજીકના જે ગામની તાલીમ હતી તેનો તલાટી અનુભવી. તેણે રેવન્યુ રેકર્ડ બારીકાઈથી સમજાવ્યું તો ખરું પરંતુ તેમાં થઈ રહેલી ગેરરીતિને કેવીરીતે પકડવી તેના હથિયારો પણ સમજાવી દીધા. ૭/૧૨ પરની માહિતીનું નમૂના નં૬ની નોંધો સાથે મેળવણું, કાયમ ખરડો અને ડીઆઈએલઆરનું કમીજાસ્તી પત્રક, ગણોત ધારાના નિયંત્રણો વગેરે સરસ સમજાવ્યા. તે વખતે રેવન્યુ કમ પંચાયત તલાટી, તેથી પંચાયત રેકર્ડ અને પંચાયતી રાજ સીસ્ટમની સમજ પણ આપી. જે બધું મને પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર અને મહેસૂલ વિભાગની સેવાઓમાં કામ આવ્યું. 

કલેકટર કચેરીમાં RDC પદ અતિ મહત્વનું. કલેક્ટર સાહેબને મળવું બધાને ડર લાગે. જે મળવા જાય તેને બેસી રહેવું પડે અને વારો આવે ત્યારે ટૂંકમાં શિષ્ટાચાર પૂર્વક વાત કરી નીકળી જવાનું તેથી મુલાકાતનો ભાર લાગે. પરંતુ નિવાસી નાયબ કલેક્ટરની ચેમ્બરમાં બધાં હળવાશ અનુભવે. ધારાસભ્યો અને સંસદસભ્ય RDCને જ સાધે. મહેસૂલી શાખા, તેનો ચીટનીસ, નાયબ મામલતદાર બધું RDCના કબજામાં તેથી કલેક્ટર સાહેબને પણ કોઈ કામ કરાવવું હોય તો કદાચ તેમને ભલામણ કરવી પડે. અમારે પંચમહાલમાં RDC તરીકે દિલીપભાઈ ધારૈયા પછી કનુભાઈ પટેલ આવેલાં. તે વખતે નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાના કલેક્ટરના અધિકારો પ્રાંત ભોગવે. ૭૩ AAની આદિવાસી થી આદિવાસી વેચાણની મંજૂરી પણ ડેલીગેટ થયેલી. હું મસૂરી ફેઝ-૨ તાલીમમાં હતો. તે દરમ્યાન દાહોદ પ્રાંત અધિકારી ભગુભાઈ ચૌધરીની બદલી નજીક આવી કે કોઈ ફરિયાદ થઈ, કલેક્ટરની સૂચનાથી કે પછી RDCના શુદ્ધ-અશુદ્ધ આશયથી, પ્રાંત અધિકારીના ઉપર્યુક્ત મહેસુલી અધિકારો પાછા ખેંચી લેવાયા. તેને કારણે પ્રાંત કચેરીનું મહેસુલી મહત્વ ઘટેલ. એક તરફ વ્યક્તિગત કારણોસર કલેકટર સાહેબ જેમ જેમ પ્રજાતંત્રથી દૂર થતાં ગયા તેમ તેમ RDCનું મહત્વ વધ્યું અને પંચમહાલ જિલ્લો તેમને ફળ્યો. 

તે વખતે પણ નવી શરતમાંથી જૂની શરત કરવી, બિનખેતી કરવી, ૭૩ AAના કેસો, વગેરે આજ જેવી જ કથા. ફર્ક એટલો કે ત્યારે સોંઘવારી અને અત્યારે મોંઘવારી. પુરવઠા ખાતુ ત્યારે રેગ્યુલેટરી એટલે મહત્વનું. આદિવાસીઓ ઘઉં ખાય નહીં તેથી રેશનીંગના ઘઉં આટામિલોમાં જવાની ફરિયાદો ઉઠતી. જેટલી ફરિયાદો એટલો ફાયદો. લેન્ડ ગ્રેબિંગની સાથે કાળાબજારના પાસા કેસો ચર્ચાએ ચડતા. જમીન સુધારણા એક ત્રીજી કચેરી. ગણોતધારાના જૂના કેસો તો પૂરા થઈ ગયેલ પણ ક્યાંક કંઈક રહી ગયું હોય તે ચાલે. ઈવેક્યુ મિલ્કતો હવે બહુ રહી ન હતી તેથી તે વિષય ક્યારેક જ આવતો. મધ્યાહ્ન ભોજન અને તેના મસાલા તેલના બિલો હવે જાહેર ચર્ચામાં આવી રહ્યા હતાં. પરંતુ સંકલન, અછત રાહત પછી ત્રીજી સૌથી મહત્ત્વની બેઠકો જિલ્લા અને તાલુકા આયોજનોની રહેતી. વિવેકાધીન અને પ્રોત્સાહક ગ્રાન્ટનો વિચાર લોકતંત્રને ગામ સુધી લઈ ગયો હતો. 

કલેક્ટર કચેરીમાં ત્રીજા શનિવારે થતી સંકલન સમિતિની બેઠક જાણે મીની એસેમ્બલી. મહારથી એવા ધારાસભ્યશ્રીઓ શાંતિભાઈ પટેલ, પ્રભાતસિંહ ચૌહાણ, અબ્દુલ રહીમ ખાલપા, વિરજી મુનિયા, હરગોવિંદ ઉપાધ્યાય, પ્રબોધ પંડ્યા, ઉદેસિંહ બારીયા, જશવંતસિંહ પરમાર, રમણ પટેલ,, લલિતકુમાર પટેલ, દીતાભાઈ મછાર, માલસિહ ડામોર, બદિયાભાઈ ગોંદિયા વગેરેનો સામનો કરવાં અધિકારીઓએ ખૂબ તૈયારી કરવી પડતી. મીટીંગ પૂરી થાય ત્યારે તેમને હાશ છૂટ્યાનો અનુભવ થતો. જિલ્લા પંચાયતના એ વખતના પ્રમુખ કિશોરભાઈ ભૂલાભાઈ પટેલ સરળ અને સાદાં. તેમના પછી આવેલાં ડો. કિશોર તાવિયાડ પણ સજ્જન પુરુષ. જિલ્લા સંકલન સમિતિ ઉપરાંત આયોજન મંડળની પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાતી જિલ્લા આયોજન મંડળની અને અછત હોવાથી જિલ્લા અછત રાહત સમિતિની બેઠકો મહત્વપૂર્ણ રહેતી. આખો જિલ્લો અને જિલ્લાના પ્રશ્નો એક જ ઠેકાણે જાણવા મળી જાય. હેન્ડ પંપનો જમાનો. કેટલાં નવાં બન્યાં અને કેટલાં ફેઈલ ગયાની મોટી ચર્ચા થાય. તેમાંય રીપેરીંગ કર્યા વગરના હેંડ પંપ લોકો ટેંકર પાછળ દોડે અને બીજી બાજુ કોન્ટ્રાક્ટરના ફેરા વધે. 

ગોધરા તાલીમ દરમ્યાન મારી પહેલી રાજકીય કસોટી થઈ. ઈન્ચાર્જ પ્રાંત અધિકારી તરીકે તાલુકા પંચાયત ગોધરાના પ્રમુખની ચૂંટણી કરવા હું ચૂંટણી અધિકારી બન્યો. કોઈ પક્ષને બહુમતી નહીં. સ્થાનિક, સક્રિય અને બોલકા ધારાસભ્ય ખાલપાની ઈચ્છા કે હું ચૂંટણીમાં વિક્ષેપનું બહાનું કરી મુલતવી રાખું. મેં શિસ્ત અને સંયમથી ચૂંટણી કાર્યનું સંચાલન કર્યું અને એક મતની બહુમતીથી અપક્ષ સભ્ય સી. કે. રાઉલજી તાલુકા પંચાયત ગોધરાના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. રાજકીય દબાણો વચ્ચે નિષ્પક્ષ રહેવાનો પહેલો પાઠ મેં ખરો કર્યો. 

ગોધરાની અમારી ઓફિસર્સ ક્લબ સક્રિય. એક ચોકીદાર કાળુભાઈ સંભાળ રાખે. અમે શટલ કોક તોડીએ એટલે નવું કાઢી આપે. દરરોજ સાંજ પડે ડો. આર. કે. પટેલ અને તેમનાં પત્ની, આરટીઓ શાહ, સિવિલમાંથી સિવિલ સર્જન ડો. ડામોર,  ડો. આર. એમ. મકવાણા (મહેતા) અને તેમના પત્ની શશી, જૂના ગોધરા સ્ટેટના રાઉલજી અને તેમની દીકરી, વગેરે પૈકી પાંચ સાત જણ તો ભેળાં થઈ જતાં. કલેક્ટર અને ડીડીઓ સાહેબ કોઈક દિવસ આવે. મને સાંજે સફેદ ચડ્ડી અને ટી શર્ટ પહેરી હાથમાં બેડમિંટનનું રેકેટ ઘુમાવતા સરકીટ હાઉસથી ચાલતાં ક્લબ જવાનો આનંદ આવતો. બેડમિંટન કેવું આવડે છે તે પ્રશ્ન અસ્થાને હતો. ક્લબમાં એક બિલિયર્ડનું ટેબલ પણ હતું. બંને રમતો મેં મસૂરીમાં પહેલીવાર જોએલી અને શીખેલી તેથી આપણું ગાડું ગબડતું. 

કલેક્ટર અમારા રાજા સાહેબ, આકર્ષક દેખાવ અને કુંવારા. મોઢામાં જર્દાવાળું પાન અને પોતાના અલગ અંદાજમા રહે. તેઓ ધીમા અવાજે ઓછું બોલે. તેઓ ઉશ્કેરાઈને કદી ગુસ્સે ન થાય. બસ તેમનો ચહેરો અને આંખોનો હાવભાવ સામેનાને ધૂ્જવવા પૂરતો થઈ જાય. કલેક્ટરનું નિવાસ સ્થાન કચેરીને અડકીને તેથી તેઓ અનુકૂળતા મુજબ કચેરીમાં આવે. મુલાકાતીઓને મળે, મિટિંગો કરે અને જતા રહે. તેમના ટેબલ પર એકપણ ફાઈલ ન જોવા મળે કેમકે ફાઈલોનું કામ તેઓ નિવાસસ્થાનેથી કરતાં. મારી તાલીમ નિયત શિડ્યુલ મુજબ ચાલતી. કલેક્ટર કચેરીની લગભગ બધી મહત્ત્વની બેઠકોમાં હું હાજર રહેતો. કલેકટર સાહેબ સાથેના અટેચમેન્ટમાં તેમની ચેમ્બરમાં જઈ ટેબલને અડકીને મૂકેલી જમણી તરફની ખુરશીમાં બેસી જતો. મારું કામ માત્ર સાહેબ બધાંને મળે, રજૂઆતો સાંભળે, તેમને તેઓ જવાબ આપે, અપીલ કેસોનું હીયરીંગ કરે, સભાખંડમાં બેઠકો કરે તેનું અવલોકન કરવાનું અને છૂટા પડવાનું. 

તેઓ મિતભાષી અને અંતર્મુખ. કોઈનું બૂરું કરવાની વૃત્તિ નહીં. પરંતુ ન તો મને તાલીમ સંબંધી કોઈ શિખામણ આપે, ન સાથે ભોજન માટે આમંત્રણ આપે. તેમણે મારી સગવડ-અગવડનું કંઈ પણ પૂછયું નહીં પરંતુ જે રીતે RDC અને બીજાં બધાં દોડીને મદદ કરતાં, તેમની સૂચના હોવાની. ગોધરામાં જેવાં નવાં ફલેટ્સનું યુનિટ તૈયાર થયું કે તરત જ જિલ્લા મકાન એલોટમેન્ટ સમિતિની બેઠકના એજન્ડામાં મને એક ફ્લેટ ફાળવવાની દરખાસ્ત તેમણે તરત જ મંજૂર કરી દીધી. મારુ કુટુંબ મારી સાથે આવી ગયું. 

તેમના અંગત જીવનની કંઈ ખબર ન પડે.,એકાદ વારના અંતરંગ વાર્તાલાપમાં એટલી વાત તો ખબર પડી કે યુવાનીમાં તેઓ ફૂટબોલ અને બાસ્કેટબોલના સારાં ખેલાડી હતાં અને રાજ્ય ચેમ્પિયન હતાં. બાકી તો એ મને કંઈ ન પૂછે, અને વિવ્નક મર્યાદાને કારણે હું મોઢું ખોલી શકું. એમનો સ્વભાવ અંતર્મુખ અને મારો બહિર્મુખ તેથી અમારી વચ્ચે એક પ્રકારની અજ્ઞાત દિવાલનો અમે બંને અનુભવ કરતાં. 

તેમના વિશે લોકો ભાતભાતની વાતો (hearsay) અફવા ફેલાવે. સાહેબ દિલના તેઓ સાવ ભોળા. એવા ભોળા કે નીચેના અધિકારીઓ સાહેબને ભોળવી તેમની સહીઓ કરાવી કમાઈ લેતાંની વાતો ઉડતી. તેમની સાથેનો મારો યોગ તાલીમ વર્ષ અને પછી પ્રાંત અધિકારી દાહોદ તરીકે બીજા છ-સાત મહિના કામ કરવાનો રહ્યો. 

તે ગાળાના બનેલ બેએક પ્રસંગોની નોંધ લેવી ઘટે.

એ વખતે સળંગ ત્રણ વર્ષ અછત આવી. રાહતકામો અને તેનું સંચાલન પ્રશ્નો તો જિલ્લા વિકાસ અધિકારી અને તેમના તાલુકા વિકાસ અધિકારીઓ કરે પરંતુ અછતનું તંત્ર કલેક્ટરના માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ ચાલે તેથી માત્ર રાહતકામો એકલા જ નહીં, પીવાના પાણીની સમસ્યા, ઢોરવાડા, મજૂરોને ચૂકવણી, મજૂરોના કામના સ્થળે વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા, વગેરે બધી બાબતોની સમીક્ષા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા અછત રાહત સમિતિમાં થતી. જિલ્લાના દરેક ખાતાના ટોચના અધિકારીઓ ઉપરાંત તેમાં સંસદ સભ્ય અને ધારાસભ્યશ્રીઓ આવે એટલે બેઠક હાઈ વોલ્ટેજ બની જાય. પંચમહાલ જિલ્લો બે લાખ જેટલા મજૂરોને અછત રાહત કામથી રોજગારી આપી રાજ્યમાં અગ્રેસર રહેતો. આટલું મોટું સંચાલન હોય તો નાની નાની ફરિયાદો તો રહેવાની, પરંતુ એ સંચાલન અને તેના સંચાલકો સફળ રહ્યાં. સૌને યશ મળ્યો. 

તે સમયે રાજ્યમાં અછત રાહતનું રાજ્ય કક્ષાનું મોનીટરીંગ, નિયંત્રણ, સૂચના આપવાનું કામ રાહત કમિશનર કરતાં. રાહત મેન્યુઅલ તેમનું હથિયાર. એક વખતે જિલ્લા અછત રાહત સમિતિની બેઠકમાં તે વખતના રાહત કમિશનર સ્વર્ણ લતા વર્મા મેડમ આવેલા. શિષ્ટાચાર મુજબ સ્વાભાવિક છે કે તેઓ હાજર હોય તે જિલ્લા અછત રાહત સમિતિની બેઠકના અધ્યક્ષની ખુરશીમાં તેઓ બેસે. પરંતુ તેમને અને અમારા કલેક્ટર સાહેબને ખબર નહી કેવો સંબંધ? બેઠકની શરૂઆતમાં એક ધારાસભ્ય મારફત અધ્યક્ષની ખુરશી પર તો કલેકટર સાહેબ જ બેસે તેવો રજૂઆત થઈ જેથી ખુરશી અદલાબદલી કરી કલેક્ટર વચ્ચેની ચેર પર બેઠા અને રાહત કમિશનર બહેન બાજુની. બહેનશ્રી એક વખતના પંચમહાલ કલેક્ટર અને ગોધરાના કર્ફ્યૂ માટે જાણીતું નામ તેથી જોનારા સૌએ તે દિવસની બેઠકનો સ્વાદ તૂરો અનુભવ્યો. 

સાહેબ કુંવારા અને દેખાવડા તેથી પંચમહાલ કલેકટરીમાં તેમનો સૂરજ સોળે કળાએ ખીલ્યો હતો. તેથી તેમની ચાલીસીમાં કોઈ હિતેચ્છુએ વડોદરાથી એક સગપણ લાવી તેમનાં લગ્ન કરાવ્યા. પરંતુ પતિ પત્નીમાં મનમેળ ઓછો અને ઝઘડા વધુ રહ્યા. તેથી તેમનો સંસાર માંડ ચાર-છ મહિનામાં ચાલ્યો. એક સવારે તેમના પત્ની તેમને છોડી ગોધરા બસ સ્ટેશનથી બસ પકડી રિસામણે તેમના પિયર વડોદરા જતાં રહ્યા. માનસિક સંઘર્ષ અને એકલતાના એ દિવસોમાં તેમનું વ્યસન વધ્યું. શું ધ્વજવંદન કે શું કચેરી તેમની જાહેર શિસ્તમાં ફેરબદલ આવ્યો. ડિપ્રેશનના એ સમયે તેમણે લીધેલી એક પિસ્તોલે તેમની કારકિર્દીને રોળી નાંખી. 

૧૯૮૮ના શિયાળામાં તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની અધ્યક્ષતામાં વહીવટી સુધારણા કાર્યક્રમના ભાગરૂપ NIRD હૈદરાબાદમાં કલેક્ટર કોન્ફરન્સ યોજાયેલ. અમારા કલેક્ટર સાહેબનો તે વખતે જિલ્લામાં શાહી મિજાજ અને પત્ની સાથેના કજિયાને કારણે કદાચ ડિપ્રેશનમાં. તેમને શું સૂઝ્યું કે પોતાને માટે બંદૂક લાયસન્સ લીધું અને દાહોદના મહેશભાઈ બંદૂકવાળાએ તેમને માટે એક નાનકડી પિસ્તોલની વ્યવસ્થા કરી આપી. હજી પિસ્તોલ તેમની પાસે આવ્યાને એકાદ બે મહિના જ થયા હશે, ત્યાં હૈદરાબાદની આ કોન્ફરન્સ આવી. સાહેબ તો પિસ્તોલ લઈ પહોંચી ગયા કોન્ફરન્સમાં. સિક્યુરીટી ચેકિંગમાં હથિયાર પકડાયું તો લાયસન્સ હોવાની દલીલ કરી. પરંતુ બાબત મોટી થઈ. દિલ્હીથી ઈન્કવાયરી થઈ. થોડો સમય ફરજમૌકૂફી થઈ પછી આદિવાસી મુખ્યમંત્રીએ તેમનું પ્રકરણ સમેટી આપ્યું. પરંતુ ત્યારબાદ તેમની કારકિર્દીનો સૂર્ય અસ્ત જેવો જ રહ્યો. તેમની ત્યાર પછીની જિંદગી અજ્ઞાતવાસ જેવી રહેલ અને જર્દા અને વ્યસનની લતે તેમની જિંદગીનો નાની ઉંમરે ભોગ લીધો. એક આકર્ષક વ્યક્તિત્વનો એ કરૂણ અંત હ્રદયદ્રાવક હતો.

ખેર, માર્ચ ૨૧, ૧૯૮૮થી મને નવા કલેક્ટર તપન રે મળ્યા. તેઓ સ્વાવલંબી અને નિર્વયસની, પોતાના કામ જાતે કરે. તેઓ કલેક્ટર નિવાસસ્થાને રહેવા આવતાં જ ડીએસપી, ડીડીઓ સહિત મને જમાડ્યો ત્યારે મેં પહેલીવાર કલેક્ટર આવાસ જોયું. તે દિવસે તપન રે સાહેબે પોતાના હાથથી બનાવેલું કંપાઉન્ડના આંબાની કાચી કેરીનું શરબત વેલકમ ડ્રીંક તરીકે અમૃતનો સ્વાદ આપી ગયું. 

૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫

Sunday, September 21, 2025

શ્રદ્ધાવાનમ્ લભતે

શ્રદ્ધાવાનમ્ લભતે


મારા માતા પિતા ખેમાભા અને પૂંજીબાને ૧૯૫૩ની સાલનું વર્ષ કરૂણ રહ્યું. રુદન અને વેદનાઓથી ભરપૂર પરંતુ તેમાં એક અમી ઝરણું પણ વહ્યું. 

માર્ચ એપ્રિલના તાપનો ચૈત્ર મહિનો હશે. રૂપાળો વિઠ્ઠલ જે ૧ ડિસેમ્બરે ૧૯૫૨ના દિવસે જન્મ્યો હતો તે હજી ચાર પાંચ મહિનાનો છે. એકાએક તેનાથી ત્રણેક વર્ષ મોટા માવજીને તાવ આવ્યો અને તે મરી ગયો. હજી તેને સ્મશાનમાં ભંડારી ઘેર પાછા આવ્યા ત્યાં તો ઘોડિયામાં પોઢેલાં માવજીને અચાનક આંચકીનો ઊથલો આવ્યો અને તે મરી ગયો. એક દિવસમાં બે દીકરાના મરણથી માથે આભ ફાટ્યું. શ્રીકૃષ્ણની ભક્તિમાં દિવાના તેમણે તેમનાં નામ માવજી અને વિઠ્ઠલ શ્રીકૃષ્ણના નામ પરથી જ પાડ્યાં હતાં. જીવણભાઈ પછીનો બીજો પુત્ર ગાંડો જેનો અને જીવણભાઈનો જન્મદિવસ એક હતો. બંને ૨૩ નવેમ્બરના દિવસે જન્મેલા. જીવણભાઈ ૧૯૪૪માં અને ગાંડાભાઈ આઝાદ ભારતમાં ૧૯૪૭માં. તેને માતા પર બહું ભારે હેત. માતાને મજૂરી કરતી જોઈ તેનું બાળ હ્રદય વેદના અનુભવતું. બા ને કહેતો મને મોટો થવા દે હું તારાં બધાં કામ કરી લઈશ. તું દુઃખી ના થતી. પરંતુ કરમની કઠણાઈ કે લાઈનમાં રહેતાં ઈશ્વરિયાએ કૂતરાને મારવાં બાવળનું ફાચરું માર્યું અને તે નજીક ઊભેલાં ગાંડાને વાગી ગયું. ઘા પડ્યો, લોહી વહ્યું. કંઈક ઊંટવૈદ્યુ કર્યું હશે. ઘા ન રૂઝાયો અને ધનુર ઉપડ્યું અને ડાહ્યો ડમરો માતૃભક્ત ગાંડો પ્રભુ શરણ થઈ ગયો. એક સાથે ત્રણ પુત્રોના કમોત ક્યાં માતા પિતા સહન કરી શકે?

મારી બાને તેમના ગુરૂ પિતા મૂળદાસે દુઃખમાં દિલાસો આપવાં વલ્લભ રચિત બે પુસ્તકો આપેલાં. એક શ્રીમદ્ ભાગવત અને બીજું મહાભારત. દર વર્ષે શ્રાવણમાં મારી બા ઉપવાસ કરે અને ભાગવતનું વાંચન કરે. મારા પિતાથી ઉપવાસ થાય નહીં તેથી મહાભારતનું સમૂહ વાંચન રાખે. પહેલી પાળીમાં બપોરે સાડા ત્રણે મિલમાંથી છૂટી ઘેર આવે એટલે ચારેક વાગે મહાભારતની વૈશંપાયન એણી પેરે બોલ્યાં સુણ જનમેજય રાય, વિસ્તારી તુજને સંભળાવું કથાતણો મહિમાય .. શરૂ થઈ જાય અને વાર્તાનો તંતુ ગઈ કાલે જ્યાં અટક્યો હોય ત્યાંથી આગળ વધે. વચ્ચે બ્રેક પડે એટલે ચા-પાણી થાય. કેટલાક કથારસ માટે આવે અને કેટલાક ચા-બીડી રસ માટે. રજાના દિવસે સવારે બેઠક જામે. 

પરંતુ ૧૯૫૩નું આ વર્ષ ત્રણ દીકરા હાથમાંથી છીનવી લઈ ગયું હતું. ખેમાભા અને પૂંજીબાના હદય વેદનાઓથી ભરેલાં હતાં. મિલ બંધ અને આવકમાં પીઠામાં લાકડાં ફાડવાં અને ભારા માથે ઉઠાવી ખરીદનારને ઘેર બે ત્રણ કિલોમીટર મૂકી આવવાની મજૂરી. એક રૂમની ઓરડી, પતરાંની છત અને ખુલ્લી ઓસરીમાં ધણીધણિયાણી વિલાપ કરતાં કરતાં તેમના કૃષ્ણ કનૈયાંને સંભારે. હે વાલુડાં તું ક્યાં ગયો? અમારી સંભાળ લેવાં આવને ભુદરાં. મારા બાપા શામળિયાલાલ શામળિયાલાલ ભજ્યા કરે. 

શ્રાવણનો મહિનો છે. ૩૧ ઓગસ્ટ સોમવારે જન્માષ્ટમી આવવાને હજી ત્રણ દિવસની વાર છે. આજે ૨૮ જુલાઈ ૧૯૫૩ને શુક્રવાર છે. બપોરના ત્રણ આસપાસનો સમય છે. પૂંજીબાને શ્રાવણનો ઉપવાસ છે. કરૂણ વદને કનૈયાને તે ભક્તિભાવથી સંભારે છે અને ખેમાભા લમણે હાથ દઈ દુઃખના દહાડા ક્યારે જશે તેની ચિંતામાં છે. શ્રાવણના સળવળિયાં, ધીમો ઝરમર મેઘ વરસી રહ્યો છે. અચાનક સફેદ વસ્ત્રો પહેરેલ એક ઊંચો પડછંદ બાવો ઘર સામે આવી ઊભો અને કહે બચ્ચા અલખ નિરંજન. બંને પતિ પત્ની હડફ કરીને ઊભા થઈ ગયાં અને બે હાથ જોડી નમન કર્યાં. બચ્ચા ચાય પિલાયેગા? પૂંજીએ ચૂલો પેટાવ્યો અને ચાની તપેલી મૂકી. દૂધ લઈ આવ્યાં. ગરમા ગરમ ચા બનાવી બાવાજીને પિત્તળના ગ્લાસમાં ચા આપી. બાવો એક જ ઘૂંટમાં ગરમ ચા ગટગટાવી ગયાં. ખેમાને અચરજ થયું. માનો ન માનો આ કોઈ દેવ પુરૂષ લાગે છે. તેમણે તરત પૂછયું બાપુ બીજી શી સેવા કરું? એક વસ્ત્ર લેશો? બચ્ચા તુજે આજ નહીં મિલેગા. મારા બાપા કહે, ના શું મળે? આ ગયો અને આવ્યો. 

તે તો બાવાજીને ઘેર બેસાડી લાંબી ફલાંગ ભરતાં ભરતાં પહોંચી ગયા કામદાર મેદાન ધોળકા મિલના નાકે અંબાલાલની કપડાંની દુકાને. પરંતુ આજે શુક્રવારની રજા હતી તેથી દુકાન બંધ તેથી ખાલી હાથે ઘેર પાછા આવ્યા. બાવા બોલ્યાં, મૈને કહા થા ન બચ્ચા કે તુજે આજ નહીં મિલેગા. પરંતુ હાર માને તે ખેમાભા નહીં. તરત યાદ આવ્યું. ખાદી મંદિરમાંથી લાવેલો એક ખાદીનો ન્હાવાનો રૂમાલ હજી વાપરવા ખોલ્યો નથી. તરત જ અંદર જઈ લઈ આવ્યાં અને બાવાજીને ઓઢાડી દીધો. બાવાજી બંનેના ભક્તિભાવથી પ્રસન્ન થયાં અને આશીર્વાદ આપ્યાં, બેટાં તુમ દુખી મત હો. સબ અચ્છા હો જાયેગા. ઈશ્વર તુમ પર કૃપા કરેગા. એટલું કહી બાવાજી અમારી ઓરડીની બાજુ નરવેલાં તરફ વળ્યાં. 

ખેમાભાને અચાનક મનમાં સવાલો શરૂ થયાં, આ બાવાજી પહેલીવાર જોયાં. કોણ હશે? વરસાદ હતો છતાં તેમનાં કપડાં કેમ કોરાં? આટલી ગરમ ચા એક ઘૂંટમાં કેવી રીતે પી ગયા? તેમને કેમ ખબર કે હું દુકાનથી ખાલી હાથે પાછો આવીશ? હિંદી બોલે છે એટલે બહારના હશે. તેઓ તો દોડ્યા બાવાને શોધવાં. પરંતુ આ શું? ન પાછળની લાઈનમાં, ન ચોગાનમાં, ન બહાર જવાની ગલીમાં. દોડી દોડી આખી ચાલી અને બહારનો રોડ ખૂંદી વળ્યાં પરંતુ બાવાજી ન મળ્યાં. તેમના પૂર્ણ ભરોસો થઈ ગયો કે ભગવાન શ્રીકૃષ્ણ સદેહે આવી તેમને આશીર્વાદ આપી અંતર્દ્યાન થઈ ગયાં. તે સોમવારે આવેલી જન્માષ્ટમી તેઓએ પૂરાં ભક્તિભાવથી ઉજવી. દુઃખ હળવું થયું, નવી આશાઓ બંધાઈ અને મન ડિપ્રેશનમાંથી બહાર આવ્યા. ચાલીના ચોગાનમાં મહિલાવૃંદ ગોળ કોરસમાં ગાઈ રહ્યું હતું પડવે સુખડિયા મહાદેવ, બીજે કહું છું બીજી વાત કે ગોકુળ આવજો રે મહારાજ. 

એ સમય હતો જ્યારે માતાને પહેરવા એક સાડી અને રોજનું કમાઈ રોજ ખાવાનું. એકવાર ઘરમાં અનાજ નહીં એટલે પિતાએ કાંસાની તાંસળી ફોડી ઘર ચલાવેલું. મેં આગળના વર્ષોમાં પિતાને પૂછયું હતું કે તમે તાંસળી તોડીને વેચી તેના કરતાં આખી વેચી હોત તો વધુ નાણાં મળત. તે કહે આખી વેચત તો એકાદ રૂપિયો વધારે મળત પરંતુ મારી આબરૂ જાત તે ક્યારેય પાછી ન આવત. વિચારો અને આત્મ સન્માનની અદ્ભુત સાવધાની! 

બાવાજીના આશીર્વાદ પછી પરિસ્થિતિએ ચાર-છ મહિનામાં જ પલટો લીધો. ફેબ્રુઆરી ૧૯૫૪માં મારી બાએ ગર્ભ ધર્યો. જુલાઈ ૧૯૫૪માં ધોળકા મિલ ચાલુ થઈ ગઈ. ઓક્ટોબર ૧૯૫૪માં ખેમાભા મજૂર મહાજનના મેમ્બર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યાં અને નવેમ્બરની ૧૪મી એ પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિવસે ખેમાભાને ખોરડે પૂંજીબાએ પુત્ર રત્નને જન્મ આપ્યો. નંદઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી. બાળક શ્રીકૃષ્ણની કૃપાથી જન્મ્યો અને નામ રાશિ પણ આવી મિથુન એટલે નામ પાડ્યું કનૈયો- કનુ. ૧૯૫૪માં કનુભાઈના જન્મ પછી છ વર્ષે ૧૯૬૦માં પૂનમ અને તેના છ વર્ષ પછી ૧૯૬૬માં રામાપીરની બાધાની આવી બહેન રમિલા. 

પૂંજીબાએ નવા ઉત્સાહથી ચાની કીટલી શરૂ કરી. એક રકાબી ચાના બે પૈસા અને કપ જેમાં ચાર રકાબી ચા આવે તેનો એક આનો (૬ પૈસા). મોટો પુત્ર જીવણ ચા આપવાના ફેરા કરવામાં થાકી જાય તેથી રાત્રે ઊંઘે ત્યારે પગમાં કળતરની પિતાને ફરિયાદ કરે. પિતા સાંભળે, અને તેમની આંખો ભીની થાય, પરંતુ કર્મની કઠણાઈ સહન કરવી જ રહી. વહુ આવે તો સાસુને ટેકો મળે. તેથી ૧૯૬૦ના ફેબ્રુઆરી મહિનામાં જીવણભાઈ માટે કુળદેવીની રમેલ કરી તેમનાં બાજુના ગામ મેમદપુરમાં રઈબેન સંગ લગ્ન કર્યાં. તેમને છઠ્ઠા ધોરણમાંથી ઉઠાવી પહેલાં બદલીવાળા તરીકે અમે પછી પુખ્ત ઉંમરે પહોંચતાં ૧૯૬૨માં મિલ કામદાર તરીકે દાખલ કરી દીધાં. 

ઘરમાં હવે બે પગારની આવક ચાલુ થતાં, પિતાજીએ ૧૯૬૪માં વીજળી કનેક્શન લીધું અને ૧૯૬૫માં બોસનો એક રેડિયો ખરીદ્યો. તેનાથી સવારે આવતાં પ્રાચીન ભજનોના કાર્યક્રમ “વંદના” એ ઘરની ઓરા બદલી નાખી. મારી સવાર એ બોધ વાર્તાલાપ અને ભજનોથી સોનેરી બનતી. પિતા પણ ભજન રસ પીને કામે જતાં. મારો વચેટભાઈ મોટો થઈ મિલમાંથી આવે એટલે ઓલ ઈન્ડિયા રેડિયોના ફિલ્મી ગીતો અને દર બુધવારે રાત્રે બિનાકા ગીતમાલોનો રસિયો. અમીન સયાનીનો અવાજ અને તેની ગીતોની રજૂઆત મન આહલાદિત કરી દેતી. મને રેડિયોના ભજનો, લોકગીતો, ક્રિકેટ કોમેન્ટ્રી અને પછીથી બીબીસી સમાચાર સાંભળવાની મજા પડતી. 

પિતાજી ખાદી મંદિર પાનકોર નાકાથી ખાદી વસ્ત્ર લાવી વેચાણ ફેરી કરતાં અને તે બચતમાંથી તેમણે ૧૯૬૬માં ગામડે પાટલા ઈંટો અને વિલાયતી નળિયાંનું પાકું ઘર બંધાવ્યું. ૧૯૬૯માં કનુભાઈને નબળા ભણતરને કારણે નવમા ધોરણમાંથી ઉઠાવી લીધા અને મિલમાં કામદાર તરીકે જોડી દીધા. ઘરમાં હવે મહિને ત્રણ પગારની આવક ચાલુ થઈ. મારા ભાભીઓ અને હું સીમેન્ટની થેલીઓ લાવી સીવતાં તેથી ઘર ખર્ચની છૂટી આવક તેમાંથી નીકળતી. ઘરની આવક વધી એટલે ભોજનની અછત ઓછી થઈ. ખેમાભાએ મોટા દિકરા જીવણભાઈ માટે એક નવી હર્ક્યુલસ સાયકલ ખરીદી અને પોતાના માટે સેન્ડો ઘડિયાળ. તે વખતની કાંડા ઘડિયાળઓમાં રોજ સવારે ચાવી ભરવી પડતી. પછી ઘર માટે એક લોલકવાળી ઘડિયાળ આવી જેને એવી રીતે ટાંગી કે લાઈન આખાના સમય જોઈ જતાં. 

દાદી સુંદરબા વારાફરતી ત્રણ દીકરીઓને ત્યાં ચાર ચાર મહિના રહેતાં. ૧૯૭૧માં તેમનો છેલ્લો વારો અમારે ત્યાં આવ્યો અને તે લાંબો ચાલ્યો. તેઓની ઉંમર તે વખતે ૮૫થી ઉપર. શરીર કૃશ અને માનસિક ભાન સામાન્ય. તેઓ ૧૯૭૨ના શિયાળામાં બિમાર પડયા અને તે વર્ષે મહા વદ બીજને મંગળવારની રાત્રે સ્વધામ ગયા. પરંતુ તેમની ચાકરી કરવાનો જે મોકો મળ્યો તેમાં તેમની આંતરડી ઠરી અને તેમણે આપેલા આશીર્વાદે તો જાણે બધું જ બદલી દીધું.

અમારી રો-હાઉસ ઓરડી પચ્છિમાભિમુખ. દાદીના અવસાન પછી તરત જ અમારી પાછળની ઓરડી વેચાણની ₹૨૭૦૦માં ઓફર આવી. બાએ તેની ખાનગી બચતમાંથી ઓરડી ખરીદવાના નાણાં ગણી દીધા. બે ઓરડી વચ્ચેનો બંધ દરવાજો ખૂલ્યો અને જાણે પૂર્વ દિશા ખુલવાથી ભાગ્યોદય થયો હોય તેમ ભાગ્યના દ્વાર ખુલી ગયા. બે રૂમ અને બે ઓસરીની બનેલું અમારું એ ૪૨ ફૂટ લાંબુ રો હાઉસ ચાલીઓમાં સૌથી મોટું હતું. જાણે વાસ્તુ સુધર્યું અને ઘરનાં દુઃખ દરિદ્ર જતાં રહ્યાં. જીવન ઉંચાઇ પકડવા લાગ્યું. પિતા અને બે ભાઈઓ કામ કરતાં હતાં તેથી મારે માટે ભણતરનો માર્ગ મોકળો થયો. ભણવામાં હોંશિયાર તેથી પિતાજીએ મારા શિક્ષણને ખલેલ ન પહોંચાડી. 

હું તો સાત વર્ષનો થયો ત્યારથી જ કામે લાગ્યો હતો. ઘરનાં ટાંપા કરવાં, બાને પીઠામાં લાકડાં ઉપાડવા અને ગોઠવવામાં મદદ કરવી, મિલમાં ટિફિન આપવા જવું, રિસેશ પહેલાં ભાઈ જમી લે એટલે થ્રોસલનો સંચામાં ચાલુ સંચે દોરો લગાડતા શીખી ભાઈને જમવા છોડાવવા, વેકેશનમાં મિલમાં કામે જવું, ઘેર દરરોજ સીમેન્ટના થેલાં ફાડવાં અને સીવવા વગેરે કામ કરી લેતો. ઘરનાં જનરલ કામ જેવાં કે લાકડાં ફાડવા, ભૂસાની સગડી ભરવી, રંગકામ, સુથારીકામ, કડિયાકામ, વાયરમેન, વગેરે બધું કરી લેતો. મને કામ શીખવાનો અને તેનો તર્ક સમજવાનો આનંદ આવતો. બા મારી આઉટડોર રમતો રમવા ન દે, સાયકલ શીખવા ન દે એટલે ચાલીની ઇન્ડોર રમાતી પત્તાની રમી રમતમાં હું પાવરધો  થઈ ગયેલો. પરંતુ તેનો ઉપયોગ આનંદ અને જીતવાના દાવપેચ શીખવા માટે જ રાખ્યો. મને કદીપણ જુગાર તરીકે રમવાની ઈચ્છા ન જ થઈ. ૧૯૭૯માં મને સરકારી નોકરી મળતાં ઘરમાં ચોથો પગાર ચાલુ થયો. ઘરની ગરીબી ગઈ અને ઉજ્જવળ ભવિષ્યનો દરવાજો ખુલ્લો થયો. 

આર્ત હ્રદયનો પોકાર અને દૈવી શક્તિનો પ્રસાદ આનાથી મોટો શું હોય? શ્રદ્ધા એ હ્રદયગમ્ય છે ત્યાં મગજ બાજુએ મૂકીને ચાલવામાં જ મજા છે. 

૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫