A refreshing look at Life by Dr. Punamchand Parmar [IAS:1985] former Additional Chief Secretary to Govt of Gujarat
Pages
▼
Thursday, May 15, 2025
પાડાના શિંગડા એક ઓઠું
ઉત્તર ગુજરાતના સમાજનો ૧૯મી અને ૨૦મી સદીનો ઈતિહાસ જોઈએ તો નાનકડી ખેતી અને મજૂરીકામની વચ્ચે જે દિવસો બચે તેમાં તહેવારો, લગ્ન જેના શુભ પ્રસંગો અને વસ્તી, તડ, પરગણાંનાં જમણનાં પ્રસંગો ઉજવાતા. સ્ત્રીઓ તો બધાં પ્રસંગના કામોમાં લાગી જાય પરંતુ પુરુષો નવરાધૂપ એટલે પંચાતીમાં લાગી જાય. બધાંને બીજાની વાત કરવામાં અને સાંભળવામાં ઘણો આનંદ આવે. તેમાંય ઓઠું માંડીને વાત કરાય તો તેમાં રસ વધુ પડે અને જીવનની શીખ મળે.
એક ગામની વાત છે. ગામમાં એક તળાવ. તળાવમાં ઢોર બધાં પાણી પીવા જાય અને પાણિયારીઓ પણ ઘરના પાણી માટે માટલાં અને બેડાં ભરી લાવે. એ ગામમાં હીરા પટેલનો પાડો બહુ જબરો. સતાધારના પાડા જેવો મોટો અને વિશાળકાય. તે કાયમ તળાવના રસ્તે જતાં વચ્ચે સાંકડી કેડી પડે એમાં બેસી જાય. તે મારકણો તેથી તેને હટાવવાનું ગજું કોઈનું નહીં. કોઈક છોકરો પછી દોડીને હીરા પટેલને બોલાવવા જાય અને પટેલ આવે ત્યારે પાડો ખસે. પાડો જ્યાં બેસતો તે ખેતરના સેઢે એક ખેડૂત પશાભાઈનું ખેતર. તેમને ખેતર જતાં આ પાડાનો અટકાવ એટલે હીરો પટેલ આવે ત્યાં સુધી એકાદ કલાક જેવી તેમને વાટ જોવી પડે. આ તો રોજનું થયું. કેમ કરીને રસ્તો કાઢવો? તે પાડાની સામે જોઈ રહે અને ડાબેથી નીકળું કે જમણેથી મારગ વિચારે. પરંતુ પગદંડી તસોતસ અને બંને બાજુ કાંટાળી વાડ એટલે પાડો કૂદીને જવા સિવાય કોઈ રસ્તો ન જડે. જો જરાક આગળ વધે તો પાડો પાડી દે. એમ જોતાં જોતાં તેમની નજર પાડાના વાંકા શિંગડા તરફ પડી. બે શિંગડા સરસ મજાનાં, અર્ધ ચંદ્રાકારે એકબીજાને જોડાયેલાં જેની વચ્ચે એક માણસ પસાર થાય તેટલું બાકોરું દેખાય. પશાભાઈ રોજ પાડાને જુએ અને શિંગડાનું બાકોરું જુએ અને પોતાના શરીર સામે અમે વિચારે કે આ બાકોરાંથી પાડાને ઓળંગી જવાય કે નહીં. એક દિવસ, બે દિવસ નહીં પરંતુ આખી એક સીઝન વિચાર્યું. પછી એક દિવસ મન મક્કમ કરીને તેમણે નિર્ણય કરી લીધો. ઘેરથી ખેતરે જવાં નીકળ્યાં અને પાડાની સામે આવીને ઊભા રહ્યાં. આજ તો બસ પાડો પાર કરવો જ છે. એમણે તો હડી કાઢીને દોટ મૂકી અને જેવો પાડાના શિંગડામાં દાખલ થવા પ્રયત્ન કર્યો કે પાડો ભડકીને ઊભો થયો અને શિંગડામાં ભરાયેલા પશાભાઈના ભુક્કા કાઢી નાંખ્યા. ગામલોકો દોડીને ભેંગા થઈ ગયા. માંડમાંડ પાડાના શિંગડામાંથી પશાભાઈ ને બહાર કાઢ્યા અને દવાખાને લઈ ગયા. દાખલ કરવા પડ્યાં. પાટાપિંડી થઈ. ચારેક દિવસ પછી ઘેર લાવ્યા. અડોશીપડોશી અને સગાવ્હાલાંનો ખબર કાઢવા તાંતો લાગ્યો. જે આવે તે બધાં એક જ વાત પૂછે, પશાભાઈ કંઈક વિચાર તો કરવો હતો? ભલાદમી પાડાના શિંગડામાંથી તે કંઈક નિકળાય? પશોભાઈ પહેલાં તો મૌન રહ્યાં પરંતુ જે આવે તે એક જ વાત પૂછે તેથી અકળાઈ ઉઠ્યાં અને બોલ્યાં, મેં એક આખું વરસ વિચારીને આ પગલું ભર્યું છે. રોજ પાડાને અને તેનાં શિંગડાંને જોતો અને વિચારતો કે તેમાંથી કેવી રીતે બહાર જવાય? મેં કંઈ વિચાર્યા વિના પગલું ભર્યું નથી.
આપણું પડોશી પાકિસ્તાન ચાર વાર હાર્યું છતાં તેનો પાડાના શિંગડામાંથી બહાર નીકળવાનો વિચાર જતો નથી. આ વખતે પાંચમીવાર પણ તેનો ભુક્કો નીકળી ગયો. આ વાર્તાના પશાભાઈ આપણામાંથી પણ ઘણાં હશે. જીવનમાં ક્યારેક તો પશાભાઈના જેવો પાડાના શિંગડામાંથી નીકળવાનો અખતરો જરૂર કર્યો હશે. જો ના કર્યો હોય તો ના કરતાં, નહિતર ભુક્કા બોલી જવાના એ નક્કી. 😂
No comments:
Post a Comment