જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી - ૨ (જૂનાગઢ)
હાલના જૂનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદરને ભેગા કરી જે જિલ્લો બનાવીએ તે અમારા સમયનો જૂનાગઢ. ૧૪ તાલુકા, બે સંસદ સભ્યો અને ૧૧ ધારાસભ્યોથી ધમધમતો પ્રદેશ.
આવા જૂનાગઢના મનોરંજન ગેસ્ટહાઉસમાં લક્ષ્મી અને હું મોટા મચ્છરોની કંપનીમાં રાત પસાર કરી સવારે ઉઠ્યાં છીએ. નાહી ધોઈને ચા નાસ્તો કરી જિલ્લા પંચાયત કચેરી તરફ જવાની હું તૈયારી કરું છું ત્યાં બરાબર ૯.૪૫ ના ટકોરે મુખ્ય સચિવ ખાન સાહેબનો ફોન રણકે છે. તેઓ ફોન પર આવી કહે છે, પરમાર હમણાં ચાર્જ લેવામાં થોભતો. બીજા અધિકારીને ત્યાં મૂકવા રજૂઆત આવી છે. મેં જવાબ આપ્યો, સાહેબ, CTC તો મેં રાત્રે ભરીને ચાર્જ લઈ લીધો. તેમણે કહ્યું, તો ભલે, મજા કરો.
મને હાશ થઈ અને હું કચેરી ગયો. શિષ્ટાચાર મુજબ અધિકારીઓ, આગેવાનોને મળ્યો. મહેસાણાથી વિપરીત જિલ્લા પંચાયતના પ્રમુખ સુકાભાઈ આંત્રોલિયા મને મળવાં આવ્યાં અને શુભેચ્છા પાઠવી. મારી શરૂઆત સારી થઈ. પરંતુ બીજા દિવસે સવારે સૌરાષ્ટ્ર સમાચારે છાપ્યું, ‘બકરૂં કાઢતા ઊંટ પેઠું’ અને હું સાવધાન થયો. મારા પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી સી. એમ. લેઉવા શાંત અને સરળ. અમારી વચ્ચે વાર્તાલાપનો સમય ઓછો રહ્યો એટલે વિશેષ બ્રીફિંગ નહોતું થયું પરંતુ તેમણે તે રાત્રે તરત જ CTC ભરી મને હાજર થવાની સરળતા કરી આપી તે તેમની ખાનદાની હતી. અમારા પંચમહાલના સાથી જે. એન. સિંહ કલેક્ટર હતાં. અમારા બંનેની ચેમ્બર એક જ બિલ્ડિંગમાં હતી. હું તેમને મળવા ગયો તો તેમના ચેમ્બરનો દરવાજો કાચનો પારદર્શી જોઈ મને તેનું અનુકરણ કરવાનું ગમ્યું અને તે જ અઠવાડિયે મારી ચેમ્બરનો દરવાજો કાચનો પારદર્શી કરી મેં મને જનતા સમક્ષ ખુલ્લો મૂકી દીધો.
પંચમહાલના અછતગ્રસ્ત જિલ્લાથી તદ્દન વિપરીત અહીં છતનો જિલ્લો. ચારેબાજુ લીલોતરી. મગફળી અને કપાસ ભરેલાં ખેતરો; આંબા નારિયેળીથી ભરેલાં બગીચાઓ. ના વરસાદની અછત કે માંગરોળ દરિયાકાંઠાના કેટલાક ગામો સિવાય ના પીવાના પાણીની સમસ્યા. સ્વાધ્યાય પરિવારની ઝુંબેશને કારણે અહી ખારા પાણીવાળા વિસ્તારોમાં મીઠા પાણીના તળ વધી રહ્યા હતાં. આખો જિલ્લો જ જાણે પર્યટન સ્થળોનું મહામથક.
ગરવો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે, પૌરાણિક મહાભારતનો રેવતાચળ અને પ્રાચીન ભારતનો ઉર્જાયત પર્વત આજનો ગિરનાર પશ્ચિમનો કૈલાસ; ધ્યાન, ઉપાસના અને ભક્તિનું મોટું કેન્દ્ર. મોર્યકાલીન સમયે યુનાની ગવર્નરોથી સંચાલિત યૂનાગઢ જૂનાગઢ બન્યું છે. સમ્રાટ અશોકનો શિલાલેખ અને પશ્ચિમમી ક્ષત્રપ નરેશ રૂદ્રદામન-૧નો શિલાલેખ તેના ઐતિહાસિક મહત્વની પુષ્ટિ કરે છે. પ્રાચીન સુવર્ણશીતકા અને પલાસિની બે નદીઓના પ્રવાહને પાણી રોકી બાંધેલો બંધ અને સુદર્શન તળાવ હવે તો પૂરા ન મળે પરંતુ તેના અંશરૂપ દામોદરો કુંડ અને વિષ્ણુ મંદિર હજી છે. અહીં પ્રાચીન બૌદ્ધ ગુફાઓ છે. ૨૨માં તીર્થંકર નેમીનાથ, અંબાજી મંદિરો અને ગુરૂ દત્તાત્રેયના પગલાં છે. ઉપરકોટનો કિલ્લો, અડીકડીવાવ અવે નવઘણ કૂવો છે. રા’ખેંગાર અને રાણકદેવી દંપતીની પ્રેમગાથામાં સિદ્ધરાજ જયસિંહનો પડકાર છે. ભવનાથ મંદિર, મૃગીકુંડ અને નાગાબાવા ભરપૂર છે. નરસિંહ મહેતાનું ભક્તિ નિવાસ, પ્રભાતિયાં અને ગાંધીને પ્રિય વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ભજનની ભૂમિ છે. ગાંધીજીની બા પૂતળીબાઈનું પિયર છે. આવી સોરઠ ધરાનો છેલ્લો રા’માંડલિક-૩ બેગડાથી હારી જહાનખા બની અમદાવાદની કબરમાં પોઢ્યો છે. ત્યાં મોગલ શાસનનો નવાબ જામનગરના રજવાડાઓની વેઠથી છૂટવા નાઠેલા કુટુંબોને ગીરમાં શરણું દે છે. સાસણની સાવજોના દેશમાં વીર કવિ ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા હાથમાં ડાંગ લઈ સાવજને હાકલ કરે છે, ઊભો રે જે, વનના કૂતરા ઊભો રે જે. ખમીરવંતી આ ધરામાં ભક્તોનો પાર નથી. શેઠ સગાળશા અને કેલૈયો કુંવર છે. અહીં રત્નાકર સાગર (અરબી સમુદ્ર) અફાટ છે. સોમનાથ જ્યોતિર્લિંગ, શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ, તુલસી શ્યામ, અહેમદપુર માંડવીનો દરિયાકિનારો, વેરાવળ, પોરબંદર અને માંગરોળ જેવા બંદરો, મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થાન અને મોસાળ, ચોરવાડ થી લઈ માધવપુર સુધીની લીલી નાઘેડ અને પછીનો ઘેડ વિસ્તાર. કુદરતે અહીં મન મૂકીને સૌંદર્ય વેર્યું છે. દરિયો, પર્વત, જંગલો અને વન્ય પ્રાણીઓથી સોહામણા સોરઠ ધરાંના નરબંકા માનવીઓના હ્રદય પ્રેમરસથી ભરેલાં છે જેમની પરોણાગત સ્વર્ગને પણ ભૂલાવી દે. સતાધાર અને પરબના અન્નક્ષેત્રો પ્રખ્યાત છે.
આવા સુંદર પ્રદેશમાં કામ કરવાનો મોકો કોઈ ભાગ્યશાળીને જ મળે. મેં પહેલા કલ્યાણ યોજનાઓ પર અને લોકાભિમુખ વહીવટ તરફ વધુ ધ્યાન આપ્યું. આપણે ઝડપ કરીએ તો નીચે પણ ઝડપ વધે તે ન્યાયે મારે ત્યાં આવેલી ફાઈલો તે જ દિવસે નિકાલ થતી. જિલ્લો ગ્રામીણ એટલે કામ કરતી ટીમ આવવાથી યોજનાઓનો અમલ ઝડપી બન્યો. જેને કારણે ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ મારા પ્રત્યે હકારાત્મક બનવા લાગ્યાં. ૧૪ તાલુકા તેથી કાર્યબોજ વધુ પરંતુ માયાળુ માનવી તેથી કામ કરવું બોજ ન લાગે. મેં મારી શુદ્ધિ છાપ અને ગાંધી મૂલ્યોને બરાબર પકડી રાખ્યા. પરિણામે રાજકીય આગેવાનો મને ખોટું કામ ચિંધતા કે તે માટે ફોન કરતાં ખમચાતા. પ્રજાનાં વિકાસલક્ષી કામો ઝડપથી થતાં રહે પછી નારાજગી પણ ન રહે. સંસદસભ્યઓ ગોવિંદભાઈ શેખડા અને પછી આવેલાં ભાવનાબેન ચિખલીયા સાલસ સ્વભાવના. ધારાસભ્યો મહેન્દ્રભાઈ, દેવાણંદભાઈ, પૂંજાભાઈ, જશુભાઈ બારડ, જવાહર ચાવડા, ચંદ્રિકાબેન ચુડાસમા, કુંવરજી ભેંસાણિયા, જેઠાભાઈ જોરા, હમીરભાઈ ધૂળા, વગેરે પ્રેમાળ અને પ્રજાલક્ષી. અહીંની બેઠકોમાં તકરાર ઓછી અને સંબંધો જાળવી કામ કઢાવી લેવાતાં. પ્રજાના પ્રતિનિધિઓ જોડે સંબંધો આત્મીય રહેતા અને જૂનાગઢ છોડ્યાને આજે ત્રણ દશક થયાં, સંબંધો એવાં ને એવા મૈત્રીપૂર્ણ અને આત્મીય. જેઓ ગયા તે પણ જીવ્યા ત્યાં લગી પ્રેમના તાંતણે બંધાયેલા રહ્યા.
અધિકારીઓની અમારી ટીમ સરસ બનેલી. પોલીસમાં રેન્જ DIG ભાર્ગવ સાહેબનો સ્વભાવ રોયલ. કલેક્ટર જે. એન. સિંહ પંચમહાલના અમારા સાથી અને સૌને સાથે લઈ ચાલનારા. DSP ગોપાલસિંહ પરમાર દાહોદના પોલીસ સજ્જન પુરુષ. CF પ્રદીપ ખન્ના મિલનસાર. DCF અશોક સક્સેના મૈત્રીભાવથી ભરેલાં. વારાફરતી બધાંને ઘેર પાર્ટી થાય અને અમે કૌટુંબિક આનંદ લેતા જઈએ અને વહીવટી સંકલન વધારતા જઈએ. ક્યારેક એ કંપનીમાં જિલ્લા ન્યાયાધીશ પણ ભળે. અમારી નીચેના GAS-1 ની ટીમ પણ સંકલન સાધીને રહેતી.
૧૯૯૦-૯૧ અમારું તૈયારીમાં ગયું પરંતુ ૧૯૯૧-૯૨ અને ૧૯૯૨-૯૩ વાર્ષિક કામગીરીમાં ઉત્તમ પરિણામો લાવનારા રહ્યાં. હવે તો જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને જુદા જુદા ગ્રૂપ બનાવી એકથી વધુ એવોર્ડ્ અપાય છે પરંતુ ત્યારે સમગ્ર રાજ્ય માટે શ્રેષ્ઠ કામગીરીનો એક અવોર્ડ પ્રથમ અને બીજા ક્રમ તરીકે અપાતો. કલેક્ટર જે. એન. સિંહ અને અમે બંને રાજ્ય સ્પર્ધામાં રેસમાં. કલેક્ટરોની સ્પર્ધામાં જે.એન. સિંહે તો મેદાન મારી લીધું પરંતુ ૭૫ માર્ક્સમાં આગળ અમરેલીના નાગોરી અને જૂનાગઢના હું કમિટીના ૨૫ માં ચૂક્યા. ૧૪ તાલુકાનો સંચાલક ઊભો રહ્યો અને એક તાલુકાવાળો પસંદ થયો. કમિટીને પોતાના નિર્ણયનો સંકોચ, તેથી આશ્વાસન ઈનામની ભલામણ કરી પરંતુ હું નિરાશ થયો. જો કે જે. એન. સિંહે તેમની સફળતાના ગુણ ગણતરીમાં જિલ્લા પંચાયતના વિષયો આવતા હોવાથી ક્રેડિટ શેર કરી તેનું આશ્વાસન રહ્યું. તે વર્ષે તેમણે મુખ્ય સચિવ ખાન સાહેબના સન્માનમાં યોજેલ અહેમદપુર માંડવીની પાર્ટીની ભવ્યતા અને રોકેટોની રંગોળીથી ભરેલું આકાશ આજે પણ યાદ છે.
જૂનાગઢનો ભવનાથનો મેળો અને બોરદેવી પરિક્રમા ખૂબ મશહૂર. ભવનાથ એ વખતે ગ્રામ પંચાયત તેથી મેળા સંચાલનની બધી જવાબદારી જિલ્લા પંચાયતની અને તે રીતે જિલ્લા વિકાસ અધિકારી મેળા સંચાલનમાં કેન્દ્ર સ્થાને આવી જતાં. કાયદો અને વ્યવસ્થા અને જનરલ સંકલન કલેક્ટર અને ડીએસપી સંભાળતા. સાંકડા રસ્તાઓ અને લાખોની જનમેદનીને સંભાળવાની, તેમનાં આરોગ્ય, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચ અને સુખાકારીની જાળવણી કરવી પડતી. ભોજન માટે તો ભંડારા લાગે તેથી પ્રશ્ન નહીં પરંતુ તીર્થયાત્રીઓની સુવિધા અને નાગા બાવાઓના રવેડી મેળાના દર્શન અને મૃગિકુંડ સ્નાન વગેરેની વ્યવસ્થા નિર્વિઘ્ને પાર પાડવાની થતી. સ્ટોલ પણ લાગે તેથી તેની હરાજી થતી. વ્યવસ્થા, લાઈટ, સાઉન્ડ, ડેકોરેશનમાં ઉત્તરોત્તર સુધારો થતો ગયો. તે દિવસોમાં ભજનિકોના ભજન અને ડાયરાઓની રંગત અને ભોળાનાથની ભક્તિના વાતાવરણથી ભવનાથ તરબતર થઈ જતું. અમે સફળતાપૂર્વક ત્રણ ઉત્સવો પાર પાડ્યાં અને ખૂબ સારી નામના મેળવી. ભવનાથના ૧૯૯૩ના મેળામાં મારા માતા પિતા આવેલાં. તેમને ભીડમાં વધુ અગવડતા ન પડે તેથી તળેટીમાં વહેલાં મોકલી દીધેલ. હું વ્યવસ્થામાં ગળાડૂબ તેથી તેમના સાંજના ભોજનની સ્થાનિક વ્યવસ્થાનું કહેવાનું ભૂલી ગયેલ. સ્થળ પરના અધિકારીઓ તો જેટલું કહીએ તેટલું કરે. વિવેકબુદ્ધિ ન વાપરે. પિતા મારા ભૂખ ન વેઠી શકે. મેં જેમ તેમ કરી જે મળ્યું તે આપી તેમને ઠાર્યાં પરંતુ તેમને પડેલી અગવડ મને કાયમ યાદ રહી.
૧૯૯૧ના લોકસભાની ચૂંટણી આવી. રાજીવ ગાંધી જૂનાગઢ આવ્યાં. રેલીમાં આખું ગામ ઉભરાયું. લક્ષ્મી કહે હું જાઉં. મેં કહ્યું, જાઓ તમે ક્યાં સરકારી કર્મચારી છો. તે ધવલને તેડીને રાજીવ ગાંધીના પસાર થવાના માર્ગે ઊભી રહી. ધવલે પીળો શર્ટ પહેરેલો. રાજીવ ગાંધીની નજર તેના પર પડી અને તેમણે તેમણે પહેરેલ ફૂલહાર તેના તરફ ફેંક્યો જે તેના ગળામાં જઈ પડ્યો. તે મુલાકાત પછી બે કે ત્રણ દિવસ પછી તેમની હત્યા થઈ. તે દિવસે સાત વર્ષનો ધવલ શૂન્યમનસ્ક બેસી રહેલો. તેમની એ મુલાકાત એક આકસ્મિક સંભારણું બની રહી. તે ચૂંટણીમાં મેં પોરબંદર લોકસભાના રિટર્નિંગ ઓફિસર તરીકે બજાવેલી જેમાં હાલના પોરબંદર જિલ્લા ઉપરાંત રાજકોટના ધોરાજી, ઉપલેટા વગેરે વિસ્તારોનો સમાવેશ થતો હતો. તે બેઠક ભાજપના હરિલાલ પટેલ જીતેલ અને કોંગ્રેસના બળવંત મનવર હારેલ.
જે તે વખતના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની એ પ્રસિદ્ધ ઉક્તિ કે દિલ્હીથી મોકલેલો રૂપિયો નીચે જતાં સુધી ૧૫ પૈસા થઈ જાય છે. તેમણે ગ્રામ પંચાયતોને યોજનાકીય ગ્રાંટની સીધી ફાળવણીની પહેલ કરેલ. તે પહેલાં ગામ પંચાયતની બેઠકમાં તલાટી કમ પંચાયત મંત્રી એજન્ડા મૂકે તે સિવાય સરપંચો કામ વિનાનાં નવરાધૂપ રહેતાં. વિવેકાધીન ગ્રાન્ટ અને પ્રોત્સાહક જોગવાઈનાં કામોનું આયોજન આવ્યું એટલે સક્રિયતા વધી પરંતુ સીધી નાણાં ગ્રામ પંચાયતને આવતાં તે વધુ સક્રિય બન્યાં. વળી રાજ્ય સરકારે રૂપિયા પાંચ લાખ સુધીના કામો ટેન્ડર વિના ગામ પંચાયતને આપવાની છૂટ આપતાં ગામ પંચાયતો અને તેના સરપંચો સક્રિય બન્યાં. નાણું આવે અનિયમિતતા લાવે એ માનવ સહજ પ્રક્રિયા તેથી શિસ્તનો દંડો પકડી રાખવો પડે. અધિકારીઓ કર્મચારીઓ પર તો અને દાબ રાખતાં પરંતુ પંચાયત ધારાની જોગવાઈઓનો ઉપયોગ કરી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરનાં નિયંત્રણો જૂજ અધિકારીઓ વાપરતા. મેં હાજર થયાના બીજા જ મહિને કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખને સસ્પેન્ડ કરી ઉપપ્રમુખને ચાર્જ આપી પંચાયતી રાજમાં શિસ્ત લાવવાના પ્રયાસો શરૂ કર્યા. ત્યારપછી લગભગ ત્રણ વર્ષના કાર્યકાળનાં ૪૬ જેટલાં સરપંચોને પંચાયત ધારાની જોગવાઈઓનું સસ્પેન્શન વેઠવું પડ્યું. બે-પાંચ ટકા પર કડપનો લાભ બીજા ૯૫% સારા ચાલે તે મળતો. અમારું પંચાયતી રાજ અસરદાર અને સફળ ચાલ્યું.
અધિકારીગણમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દલ સાહેબને સસ્પેન્શન વેઠવું પડેલ. તેઓ સીધા સામેલ નહીં. પરંતુ જે ચેક બુક પર તે સહી કરતાં તેના નીચેના ચેક પર તેમની બોલપેનના પ્રેશરથી પડતી છાપની કોપી કરી બીજા ચેકો ખાનગી ખાતે જમા કરાવી તેમનો એકાઉન્ટ ઓફિસર સરકારનું રૂપિયા એક કરોડથી વધુ રકમનું કરી ગયેલ. દલ સાહેબનો વાંક કે બીજીવાર ચેકબુક આવે તો પાછલા ચેકની ગતિવિધિ પર નજર ન કરે. જો તેઓ વધુ સતર્ક હોત તો ચોર વહેલો પકડાત અને સરકારના નાણાં બચત. તેમની તપાસનું શું થયું અને એકાઉન્ટ ઓફિસર ઉચાપત કરેલ નાણા પાછા આપ્યા કે નહીં તેની મને ખબર નહીં પરંતુ ઉચાપત કરનારના ખાતામાં જે કંઈ જમા હતું તે સીઝ કરી તેટલું વસૂલ લઈ લીધેલ.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને તેના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કાયદાએ જિલ્લા વિકાસ અધિકારીથી સ્વતંત્ર રાખેલ. તેમાંય જેની નિવૃત્તિ નજીક હોય તેવા પ્રાથમિક શિક્ષણાધિકારીને સી.આર. નો ડર ન રહે. તેમાંય સમીક્ષા અધિકારી સાથે તાલ બેઠો હોય તો નામક્કર જ જાય. અમારા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ નિયમો નેવે મૂકી બદલીઓના હુકમો કર્યા કરે. ફરિયાદ મારી પાસે આવી તેની તપાસ કરી મેં શિક્ષણ વિભાગને અધિકારી સામે પગલાં લેવાં અને તાત્કાલિક બદલી કરવા લખ્યું. પરંતુ પેલા ભાઈ તો ચાલ્યા જ કરે. મુખ્યમંત્રી ચીમનભાઈનો પોરબંદર જિલ્લાના એક ગામમાં લોક દરબાર. રજૂઆત થઈ તો તેમણે પૂછયું ડીડીઓ શું કરે છે. મેં પાધરું પકડાવ્યું સાહેબ શિક્ષણ વિભાગને લખ્યું પરંતુ કોઈ જવાબ દેતા નથી અને અધિકારી વંઠ્યો છે. પછી તો તે ભાઈની બદલી થઈ. સરકારે શિક્ષકોની બદલીની માર્ગદર્શિકા બહાર પાડી. નહીંતર રોડ પરની શાળાઓમાં વધ અને દૂરની અંતરિયાળ શાળાઓમાં ઘટની કહાની બધે વર્ષો રહી.
જૂનાગઢ જિલ્લાનું એક જાજરમાન વ્યક્તિત્વ એટલે પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શશીકાંત લાખાણી. શાંત, સરળ, પ્રામાણિક અને બુદ્ધિશાળી વ્યક્તિત્વ. કોઈને ખોટું કામ ચિંધે નહીં અને ખોટી વાતમાં ઊભા ન રહે. જૂના જમાનાના રતુભાઈ અદાણી સાથે જોડાયેલા એટલે સર્વોદયના વિચારો. ધાર્મિક તેથી પંડિત નથ્થુરામ શર્માના આનંદાશ્રમ બિલખાં સાથે જોડાયેલા. તે આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી મારા મિત્ર ગોપાલના પિતા અને નિવૃત્ત આઈએએસ હરિહરભાઈ જોષી. તેથી તે નાતે મારે શશીકાંતભાઈ સાથે આત્મીયતા કેળવાયેલી. મારા મોટાભાઈને મિલ બંધ થતાં બેરોજગારીને કારણે ઘરમાં મોટી અગવડ. તેમણે મારા ભત્રીજા સુરેશને તેમના કાર્યાલયમાં નોકરી આપી મોટી મદદ કરી હતી. તેઓ નિખાલસ પણ એટલાં. એક તબક્કે ચીમનભાઈની સરકારને અસ્થિર કરવાની વાત ચાલી. પ્રતિપક્ષ દ્વારા તેમને મુખ્યમંત્રી બનાવવાની ઓફર મૂકાઈ. પરંતુ ‘મારા ખૂનમાં દગો કરવાની વૃત્તિ નહીં’ તેમ કહી તેમણે તે દરખાસ્તનો સવિનય અસ્વીકાર કરેલ. ચીમનભાઈ પટેલ સરકારના એ રીતે તેઓ મજબૂત સ્તંભ બની રહ્યા.
અમારે જિલ્લા પંચાયતમાં ૧૦૦૦૦થી વધુ કર્મચારીઓ તેથી કામ ઘણાં. હવે આવડી મોટી જિલ્લા પંચાયત અને તેમાં તકરાર ન થાય એવું બને? તે સમયે જિલ્લા પંચાયતના પ્રમુખ જ કારોબારી સમિતિના પ્રમુખ. મહેસાણામાં ખેતી-બિનખેતીની ફાઈલોના ચક્કરમાં હું પડ્યો ન હતો. નિયમસરની ફાઈલો પાસ થતી અને ખામીવાળી પરત જતી. મહેસૂલ શાખા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી મારી ચોકખું કામ કરવાની પદ્ધતિથી વાકેફ હતાં. અહીં પહેલી બેઠકના એક દિવસ પહેલાં પ્રમુખ સૂકાભાઈ મને ચેમ્બરમાં મળવાં આવ્યાં અને કહે સાહેબ ખેતીમાંથી બિનખેતી જે ફાઈલો તેઓ સૂચવે તે મારે ક્લીયર કરવાની અને બદલામાં પૂર્વ અધિકારીઓની જેમ તેઓ મને સાચવી લેશે. મેં તેમની દરખાસ્તનો સવિનય અસ્વીકાર કર્યો અને જણાવ્યું કે નિયમસરની દરખાસ્તની મંજૂરીની તેમણે ચિંતા ન કરવી. જ્યાં ત્રૃટિ-ખામી હશે ત્યાં પૂર્તતા સુધી રોકાવું પડશે. મારો તેમની ગોઠવણમાં બેસવાનો ઈન્કાર તેમને ન ગમ્યો, પરંતુ ખામીયુક્ત દરખાસ્તોની મંજૂરી માટેના તેમના આગ્રહને કારણે અમારે મતભેદ શરૂ થયાં. પછી તો જિલ્લા પંચાયતની બેઠકો મીની વિધાનસભા બનવા લાગી અને મારે ફાઈલો સાથે હાજર રહી તેમની રજૂઆતો સામે જવાબો કરવા રહ્યા. સત્ય ક્યાંથી હારે? મિનિટ્સ જિલ્લા વિકાસ અધિકારીએ લખવાની તેથી કારોબારી ખામીવાળી દરખાસ્તો મંજૂર કરે તો જિલ્લા વિકાસ અધિકારીની નોંધ ઉમેરી ઠરાવોને પ્રતિષેધ કરવા વિકાસ કમિશ્નરને મોકલવાનો સિલસિલો શરૂ થયો અને કમિશનર કચેરી દ્વારા તેને પ્રતિષેધ કરાતાં અમારે જિલ્લા પંચાયતમાં ખટરાગ વધ્યો. શાંત એવાં અમારા પ્રમુખે છેલ્લો દાવ અજમાવ્યો. તેઓ તેમના સાથી લીલાભાઈ ખૂંટીને લઈ મારી ચેમ્બરમાં આવ્યાં. તેઓ મેર હોવાની વિશેષ ઓળખાણ આપી કહ્યું સાહેબ તમારે નાના બાળકો છે. માની જાઓને. તમને ફાયદો છે. તમારે ક્યાં કંઈ કરવાનું છે. અને જો ન માનો તો તમને ખબર છે ને? પોરબંદરમાં થતાં ખૂનોનો હવાલો આપી મને કહે તમંચાના ભડાકે તમેય ક્યાંય ખોવાઈ જશો ખબર નહિ પડે. મારો ચાલીનો યુવાન જાગી ઉઠ્યો. મેં બે બાંયના બટન ખોલી બાંય થોડી ઉપર કરી અને કહ્યું ભવિષ્ય કોણે જોયું છે, કોઈને પારખાં કરવાં હોય તો હાલો ઉતરો નીચે મેદાનમાં. તેઓ આમ તો ઘણાં વિવેકી. તેમનાંથી જાણે તેમને પોતાને ન ગમતું બોલી જવાયું હોય તેવું લાગ્યું. સાનમાં સમજી તેઓ ઉઠ્યા અને પરત ગયા અને ત્યારપછી મારી કામગીરીમાં તેઓએ એક બિનખેતી ફાઈલોના વિષચ સિવાય ક્યારેય દખલ ન કરી. બહુ પછી મને સમજાયું કે નીચેના અધિકારીઓ જોડે તેમનો મેળ સારો બેસી ગયેલ.
આ બાજુ વિકાસ કમિશ્નર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીની દરખાસ્તો અન્વયે જિલ્લા પંચાયતના પ્રમુખને સત્તાના દુરુપયોગ માટે પંચાયત ધારાની જોગવાઈ અંતર્ગત સસ્પેન્શનની ચાર નોટિસો ઈસ્યુ થયેલ. અમારા પ્રમુખ ખાનદાની એવાં કે વિકાસ કમિશ્નર સમક્ષની એક સુનાવણીમાં તેમણે વિકાસ કમિશ્નર સમક્ષ તેમણે મને કરેલ નાણાકીય લાભની ઓફર અને મારા સ્પષ્ટ નકારની વાત કબૂલ કરી. તેમના એ એકરારે મને તેમનાં પ્રત્યે વધુ માન ઉપજાવ્યું. અંદરથી અલગ અને બહારથી જુદા ડબલ ઢોલકી માણસો મને ન ગમતાં.
મારી ખુરશી સ્થિર થતાં બાળકોનું શિક્ષણ સ્થિર થયું. ઉજ્જવલ-ધવલ કેન્દ્રીય વિદ્યાલયમાં ભણવા લાગ્યા.અમારે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને રહેવાનું ઘર એક. જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટો રહેતાં તે ઘરમાં ભોંયતળિયાના માળે જિલ્લા વિકાસ અધિકારી અને ઉપરના પહેલાં માળે કલેક્ટર રહે. બાજુમાં એક નાનું પરંતુ સ્વતંત્ર ક્વાર્ટર નિવાસી નાયબ કલેક્ટરનું. કમ્પાઉન્ડ ખૂબ મોટું. બાળકોને રમવા ક્યાંય બહાર જવું ન પડે. કલેક્ટરનો દીકરો આદિત્ય, અમારાં ઉજ્જવલ-ધવલ, રાજેન્દ્રભાઈનો પીનલ અને હું દરરોજ સાંજે ક્રિકેટ રમીએ. અમે મેદાન જોઈ રન માટેના નિયમો બનાવેલા અને તે નિયમો મુજબ આદિત્ય રમવામાં એવો પાકો થઈ ગયો હતો કે એક દિવસ સદી ફટકારી દીધી પણ આઉટ ન થયો. એ ત્રણ વર્ષ તેના પિતા કરતાં તે મારી સાથે વધુ રમ્યો હશે.
પ્રવાસન જિલ્લો તેથી વીઆઈપી અને અધિકારીઓનો સંપર્ક બની રહેતો. વિકાસ કમિશ્નર એસ. ડી. શર્મા સાહેબના કુટુંબના લંડનના સભ્યો આવ્યા ત્યારે અને ગિરનાર સાથે ચડ્યા હતાં. દાતારનો મસાલા ઉકાળાનો સ્વાદ ન ભૂલાય. નામદાર આગાખાનની મુલાકાતે અને તેમને નજીકથી હસ્તધૂનન કરી મળતાં અને તેમના અનુયાયીઓ તેમની એક ઝલક જોવાં રોડની બંને બાજુ કેવાં લાલાયિત રહેતાં તે વ્યવહારિક જગત અને આસ્થાનાં જગતનો ભેદ મને સમજાતો.
બેએક વર્ષ પછી મહિલાઓએ પણ તેમનું નાનકડું એવું જૂથ બનાવી બેકરી બનાવવાનું શિખેલું અને જૂનાગઢ તળેટીમાં અંધશ્રદ્ધા ઉન્મૂલનના જાહેર વૈજ્ઞાનિક કાર્યક્રમમાં સાડી પહેરેલી લક્ષ્મીએ સળગતાં અંગારા પર ખુલ્લા પગે ચાલી અને ઉકળતા તેલમાં હાથ નાંખી પૂરીઓ બહાર કાઢી તેની હિંમતનો સૌને પરિચય કરાવેલ. લક્ષ્મી મારો વાઘ તેને હલકામાં ન લેવાય. એકવાર RDC રાજેન્દ્રભાઈ દવેના પત્ની રેણુકા અને લક્ષ્મી કડવાચોક શાક માર્કેટમાં શાક લેવાં ગયા હતા. ત્યાં કોઈ ટપોરીએ રેણુકાબેનની કમરમાં જોરથી ચૂંટીયો ભર્યો અને રેણુકાબેનથી રાડ પડી ગઈ, અરરર માડી. કમર પર કાળું ઝામું પડી ગયું. લક્ષ્મીનો પિત્તો ગયો. તેણે ટપોરીની પાછળ હડી કાઢી દોટ મૂકી. પેલો જાય ભાગ્યો. બીચ બજારે ટપોરી આગળ અને લક્ષ્મી પાછળ. શાળા દોડ હરિફાઈમાં તે જિલ્લે સુધી દોડી આવેલી, તેથી તેણે ટપોરીની બરાબર નજીક પહોંચી પોતાની જમણા હાથની મુઠ્ઠી બરાબર બંધ કરી જોર દઈને પેલાના બરડામાં મુક્કો જડી દીધો. બરડાની બરોબર મધ્યમાં મુક્કો વાગતાં પેલો ટપોરી કણસી ઉઠ્યો અને બેસી ગયો. લક્ષ્મીએ બીજી એક બે ધરી દીધી અને ત્યાં લોકો ભેગાં થઈ ગયા. ટપોરી સમજી ગયો કે હવે તો આવી બન્યું. તે બાકી હતું તે બળ લગાવી ઉભો થઈ નાઠો અને પછી તે માર્કેટમાં ક્યારેય ન દેખાયો. કેટલાક પ્રશ્નો ફોન કરીને કે પચીસ જણાને કહીને ન ઉકેલાય. સ્થળ પર જ ફેંસલ કરવા પડે.
આરોગ્યની સુવિધામાં અહીં સિવિલ હોસ્પિટલ અને તેના સિવિલ સર્જન ડો ગઢવી એક્સ સર્વિસ મેન તેથી ઉમંગ અને ખંતથી કામ કરે. ખાનગી ડોક્ટરો પણ ખરાં પરંતુ વિશેષ તપાસ કે ઈમરજન્સી માટે રાજકોટ જવું પડે. અમારા ડીસીએફ મિત્ર અશોક સક્સેનાના પત્ની પૂર્ણિમાને પહેલી પ્રેગ્નેન્સી. અશોક પ્રવાસમાં અને લેબર પેઈન ઉપડ્યું. ખાનગી મહિલા ગાયનેકોલોજીસ્ટ ફોરસેપ ડીલીવરી કરવા ગયા અને બાળક જોખમાયું. પુત્ર બાળકને ઈન્ક્યુબેટરની જરૂર ઊભી થઈ. મારતી કારે કલેક્ટરની કારમાં ડ્રાયવર વશરામે બાળકને રાજકોટ પહોંચાડ્યું પરંતુ બાળક ન બચ્યું. અમારો સિવિલ સર્જન પોતે કુશળ અને નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પરંતુ ખાનગી ડોક્ટરે સર્જેલી વક્રતાએ લાચાર બનાવ્યા. પછી તો કલેક્ટરને ઘેર સિદ્ધાર્થ જન્મ્યો અને આનંદ પાછો ફર્યો. પરંતુ અશોકને પડેલી એ ખોટ અમને જીવનભર યાદ રહી.
જિલ્લા પંચાયતના મારા વિરોધી તત્વો જ્યાં સુધી શશીકાંતભાઈ લાખાણી મારી સાથે હતાં ત્યાં સુધી તેમનાં હાથ હેઠાં રહ્યાં. મારે ત્રણ વર્ષ પૂરા થવા જઈ રહ્યા હતાં ત્યારે કદાચ કોઈક ત્રીજા પક્ષની કાનભંભેરણીથી છેવટે મંત્રીશ્રી મારી બદલી માટે સંમત થયાં. જિલ્લાના ધારાસભ્યોએ તેમનાથી થાય તેટલો પ્રયાસ કર્યો પરંતુ છેવટે મારી બદલીના હુકમો થયા. ક્યાં પંચમહાલ કલેક્ટર કે વલસાડ કલેક્ટર મૂકવાની ચાલતી દરખાસ્તો અને ક્યાં એક ન્યાયાધિશની નર્મદા પુનર્વસન સમિતિના સચિવ તરીકેની નિમણૂક? મુખ્યમંત્રી ચીમનભાઈ સાથે તેમના જિલ્લા પ્રવાસમા લોકદરબાર અને પોરબંદર સર્કિટ હાઉસમાં તેમની સાથે એકાંત વાર્તાલાપથી મેં તેમનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. તેઓ અમારા જિલ્લાના ધારાસભ્યો સમક્ષ મને ફાયટર જિલ્લા વિકાસ અધિકારી તરીકે ઓળખાવતા. હું સીધો પહોંચ્યો મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ પાસે. મારી વાત રજૂ કરી. તેમણે કહ્યુ ક્યાં જવું છે? મેં કહ્યું વલસાડ જિલ્લા વિકાસ અધિકારી તરીકે. તેઓ કહે વલસાડ જ શા માટે? મેં જવાબ આપ્યો કે ત્યાંના જિલ્લા વિકાસ અધિકારી ફારૂખભાઈ શેખ માર્ચ ૩૧, ૧૯૯૩ ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે તરત જ સચિવને બોલાવ્યા અને મારો જિલ્લા વિકાસ અધિકારી વલસાડ તરીકે બદલીનો ફેરફાર હુકમ કરી આપ્યો. હું વલસાડ જઈ હાજર થયો અને હરિયાળા દક્ષિણ ગુજરાતના ખટપટ વિહોણા સીધા અને સરળ જિલ્લામાં મારો પ્રવેશ થયો. પૂર્વમાં પંચમહાલથી શરૂ થઈ ઉત્તરે મહેસાણા અને પશ્ચિમે જૂનાગઢ થઈ મારી જિલ્લા સફર હવે દક્ષિણે વલસાડમાં આવી.
૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫
No comments:
Post a Comment