જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી-૧
ઓગસ્ટ ૧૯૮૯ નજીક આવી રહ્યો હતો. અમે પ્રથા મુજબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતીના હુકમોની વાટ જોઈ રહ્યા હતા. બીજી તરફ અમરસિંહ ચૌધરીની સરકાર પોતાના પક્ષ અને વિપક્ષના નિશાના પર હતી. સતત ત્રણ અછતના વર્ષોએ સરકારી તિજોરીને કમજોર કરી દીધી હતી. રફળિયા ઢોરવાડાની ગેરરીતિ ચગાવી સરકારની આબરૂનું હનન થઈ રહ્યું હતું. ૧૯૮૭માં નર્મદા ડેમનું કામ શરૂ થયું પરંતુ તેનો યશ સરકારને જોઈએ તેવો મળ્યો ન હતો. સરકારી તિજોરીમાંથી ખર્ચ કરી પક્ષને ફાયદો થાય તેવો પ્રચાર કરવાનું ચલણ હજી ચાલુ થયું ન હતું. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીની રેલી-સંમેલન યોજ્યું તેનાથી પણ તેમનું બળ ન વધ્યું. ઉલટું ૫૦ કે ૧૦૦ બસ એસટીની બસો એ રેલીમાં ગ્રામલોકો લાવવા વપરાઈ તેની ખૂબ મોટી ટીકા થઈ. એવામાં ૧૯ જિલ્લા પંચાયતોની અને ૧૮૪ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ આવી. જાણે જિલ્લા વિકાસ અધિકારીથી ચુંટણી જીતાતી હોય, સરકારે જે તે સમયના જિલ્લા વિકાસ અધિકારીઓને ચાલુ રાખી અમારી બેંચને બઢતી આપી સચિવાલયમાં નાયબ સચિવ તરીકે મૂકવા નિર્ણય લીધો. અમારા એક બેચમેટને થરાદ પ્રાંત અધિકારીથી બદલી કરી છ-આઠ મહિના પહેલાં જ સચિવાલયમાં ઉપસચિવ તરીકે બેસાડી દીધેલ હતાં. અમે નવેય જણ નાયબ સચિવ બન્યાં.
મારી સીનીયર સ્કેલમાં બઢતી નિમણૂક નાયબ સચિવ તરકી રસ્તા અને બાંધકામ વિભાગમાં થઈ. સજ્જન એવાં વિનય કામદાર અમારા સચિવ. તેમણે મને લોકલ એસ્ટાબ્લિશમેન્ટ અને કેપીટલ પ્રોજેક્ટની શાખાઓ આપી. પરંતુ તે ઉંમરે જિલ્લો છોડી સચિવાલયમાં બેસવું કોને ગમે? મહેકમને કારણે વિભાગમાં અને કેપીટલ પ્રોજેક્ટને કારણે ગાંધીનગર R&B સર્કલમાં મારું મહત્વ વધ્યું. નાયબ સચિવને મળેલી સત્તાનો ઉપયોગ કરીને મેં બીજા જ મહિને ત્રણ વર્ષથી વધુ સમય થયેલા મદદનીશ, કારકુનોની શાખાઓ બદલી નાખી. પટાવાળાઓને વોશીંગ એલાઉન્સ લેવું હોય તો યુનિફોર્મ પહેરવું પડશે તેમ જણાવી યુનિફોર્મ પહેરતાં કરી દીધા. કર્મચારી-અધિકારીઓને જમીન પ્લોટ આપવાનો GR બહાર પડી ગયો હતો પરંતુ તેને આનુષંગિક પૃચ્છા પૂર્તતાને કારણે હિતધારકોમાં પણ મારું નામ પરિચિત થવા લાગ્યું. ગાંધીનગરમાં BAPSનું અક્ષરધામ બને. તેના સ્વામીઓ જોડીમાં આવે તેમની સાથે સંસ્થાનો પ્રથમ પરિચય થયો. મારા કાર્યકાળમાં ગાંધીનગર અક્ષરધામને એક જમીન ફાળવણીનો ઠરાવ થયો. અમરસિંહભાઈની સરકારના લાભો સર્વેને મળી રહ્યા હતાં પરંતુ વાતાવરણ જાણે તેમનું દોહન કરી તેમની વિરુદ્ધ કામ કરી રહ્યું હતું. કોઈક પ્રસંગે મારે મુખ્યમંત્રીને મળવાનું થયું ત્યારે અમસ્તું પૂછયું કે તેમણે અમારી બેચને સચિવાલયમાં કેમ નાંખી? તેમણે પંચાયતોની ચૂંટણીનું કારણ ધર્યું અને કહ્યું કે ચૂંટણીઓ પછી બધાંને જિલ્લા વિકાસ અધિકારી તરીકે મૂકી દેવાશે.
આ તરફ કોંગ્રેસ પક્ષને ૧૯૯૦ના માર્ચમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં હારી જવાની દહેશત વધી ગઈ. ચીમનભાઈ સક્રિય અને પોતાના રાજકીય પુનરાગમનની તકો પર કામ કરે. બીજેપી તેનું સંગઠન મજબૂત કરી લાંબાગાળાના આયોજન પર કામ કરે. કોંગ્રેસનું એક મોટું જૂથ માધવસિંહનો ૧૯૮૦ અને ૧૯૮૫નો કરિશ્મા પાછો લાવવા અમરસિંહભાઈને મુખ્યમંત્રી તરીકે ખસેડવા જોર કરે. અસંતુષ્ટો અને મુખ્યમંત્રી વચ્ચે સમાધાન કાઢવા દિલ્હીમાં તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ઉપસ્થિતિમાં એક બેઠક થઈ. મુખ્યમંત્રી વિરુદ્ધની રજૂઆતો પૈકીની એક રજૂઆત અધિકારીઓ તેમના પક્ષને બદલે વિપક્ષના આગેવાનોનું કહ્યું વધારે કરે છે તે હતી. રજૂઆત કરનાર ઈશ્વરસિંહ ચાવડા મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તેથી દિલ્હીથી તરત જ મુખ્યમંત્રીનો દિલ્હીચી તેમના સચિવને ફોન ગયો અને સાંજના ૬.૧૦એ કચેરી છોડવા હું ઉભો જ થયો ત્યાં મુખ્યમંત્રીના સચિવ પ્રવીણભાઈ લહેરી સાહેબનો ફોન આવ્યો. કહ્યું પરમાર તમે મારી ચેમ્બરમાં આવી જાઓ. હું ગયો તો મને સામે CTC ધર્યું કે આમાં સહી કરો, તમારી નિમણૂક જિલ્લા વિકાસ અધિકારી મહેસાણા તરીકે કરી છે અને તમારે તરત જ ચાર્જ સંભાળી લેવાનો છે. તમને લેવા જિલ્લા પંચાયતમાંથી કાર આવી જશે. મહેસાણા એટલે આભડછેટનો જિલ્લો અને મારું ગામ ત્યાંથી બસ ૨૫ કિલોમીટર દૂર. મારો તાલુકો તે વખતે વિરમગામ અને જિલ્લો અમદાવાદ પરંતુ મારા ગામના સીમાડે બધાં ગામ મહેસાણાના. હું ૧૯૬૯ના જાતિવાદી માનસિકતાના અનુભવને ભૂલ્યો ન હતો તેથી અસમંજસમાં પડ્યો. પરંતુ બીજો વિકલ્પ પણ ક્યાં હતો? સરકારી હુકમ, આપણે ચાલ્યા થઈ જિલ્લા વિકાસ અધિકારી મહેસાણા.
મહેસાણા જિલ્લો એ સમયે ખૂબ મોટો. હાલનો પાટણ જિલ્લો અને ગાંધીનગરના હાલના તાલુકાઓમાંથી કલોલ, માણસા તાલુકા મહેસાણાનો ભાગ. તેના સંસદસભ્યો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખો, એક એકથી ચડિયાતા બોલકા અને કોઈની પણ શેહ શરમ ન રાખે. પ્રમુખ ઈશ્વરસિંહ ચાવડાની પણ મોટી ધાક ચાલે. પચાસ કિલો વજન અને પાંચ ફૂટ ત્રણ ઈંચ ઊંચાઈનો હું જિલ્લા વિકાસ અધિકારી મહેસાણાની ચેમ્બરમાં પ્રવેશ્યો. પીએ સથવારાએ મને પ્રાથમિક માહિતી આપી અને અધિકારીઓએ વારાફરતી આવી તેમનો પરિચય આપ્યો. ડીડીઓને વાહનમાં ફિયાટ કાર પરંતુ હજી પૂર્વ અધિકારી પાસે. ફાઈલોની વાત નિકળી તો મેં સહજ કહ્યું કે ફાઈલો સરકીટ હાઉસ મોકલી દેજો ત્યાં રાત્રે જોઈ લઈશ. દિવસ આખાની ઔપચારિક મુલાકાતો અને કામગીરી પરિચય પછી હું સરકીટ હાઉસમાં મને ફાળવેલ એક રૂમમાં પ્રવેશ્યો. પરંતુ આ શું, ચારેબાજુ ફાઈલોના ઢેર. રૂમની ચારેય દિવાલોને અઢેલીને ફાઈલો ખડકી દેવામાં આવેલી. વચ્ચે પથારી પર જવા પણ ફાઈલો કૂદી જવું પડે તેવું દ્રશ્ય. મેં પીએને ફોન જોડી કહ્યું, ભલાદમી આટલી બધી ફાઈલો મોકલાય? તેણે હી હી હી કરી જવાબ આપ્યો, સાહેબ તમે નહોતું કહ્યું કે તમારે જોવાની બધી ફાઈલો સરકીટ હાઉસ મોકલો. અહીં ઝઘડામાં જી.ડી. વ્યાસ સાહેબે સાડા ત્રણ મહિનાથી બધું મૂકી રાખ્યું છે. ચોમાસાની ભેજવાળી ઋતુ અને કબાડીખાના જેવા ફાઈલોના ઢગલા. સ્લમમાં રહેલાં તેથી બેક્ટેરિયાની કોઈ બીક નહીં પરંતુ કામનો ભરાવો જોઈ મને ચકક્રર આવી ગયા. પરંતુ રણ છોડે એવા આપણે રણછોડ નહીં. દાહોદમાં પંચાયતોનો વહીવટ ધગશથી શીખ્યો હતો. મેં કલમ ઉપાડી ખૂણાં સાફ કરવાનું ચાલું કર્યું. રાત્રે મોડે સુધી અને વહેલી સવારથી નવ વાગ્યા સુધી ફાઈલોનો નિકાલ ચાલુ કર્યો. સાતેક દિવસમાં સફાઈ પૂરી થઈ પરંતુ, તે સાત દિવસમાં જિલ્લા પંચાયત મને મોઢે થઈ ગયું અને વહીવટનો એવો પાકો બની ગયો કે નિવૃતિ સુધી કામ આવ્યું. મહેસાણાના કાગળોને તો જીત્યા પરંતુ ખરો જંગ તો હજી બાકી હતો.
હું હાજર તો થયો, પંદર દિવસ થયાં પરંતુ પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓની ફીયાટ ન આપે. મેં મંગાવી તો કહે તેમણે નાંખેલું પેટ્રોલ પતે નહીં ત્યાં સુધી નહીં મળે. જો વહેલી જોઈતી હોય તો ટાંકીમાં પેટ્રોલ જે હોય તેના પૈસા ચૂકવી લઈ જાઓ. મેં ટાંકીનું તેલ મપાવ્યું, ₹૨૩૯ ચૂકવ્યા અને કારનો હવાલો લીધો.
એવું કહેવાય છે કે દિલ્હીમાં બે કોર્પોરેટની લડાઈમાં રાજકીય નેતાઓ સપડાયા. રીલાયન્સની મશીનરી આયાતમાં ટેરીફ ચોરી (custom duty)ની વાડિયા હાઉસની રજૂઆત પર નાણાં મંત્રી વી. પી. સિંહ કડક રૂખ અપનાવી રિલાયન્સ વિરુદ્ધ પગલાં લેવાનું શરૂ કર્યું. ધીરૂભાઈ અંબાણીએ પ્રધાનમંત્રીનું શરણ લીધું. જાન્યુઆરી ૧૯૮૭માં વી. પી. સિંહને નાણાંમાંથી બદલી ડીફેન્સ મિનિસ્ટર બનાવાયા. પરંતુ તે જ સમયે સ્વિસ રેડિયો પરની એક ખબરથી બોફોર્સનું ભૂત ધૂણ્યું અને વીપી સિંહને મોકો મળી ગયો. દોસ્ત દોસ્ત ના રહા. ચાર મહિના થાય તેટલી રાજીવ ગાંધીની બદનામી થઈ અને તેમણે એપ્રિલ ૧૯૮૭માં મંત્રીમંડળ અને પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને જનતા પક્ષમાં જોડાઈ ગયા. વિપક્ષોએ ગઠબંધન કર્યું અને રાજીવ ગાંધીની સ્વચ્છ છબીને બોફોર્સની કાલિમાથી રંગી દીધી. મીડિયાને વીપી સિંહ નવા હીરો મળી ગયા. રાજકીય નુકસાન રોકવા રાજીવ ગાંધીએ નવમી લોકસભાની ચુંટણી એક મહિનો વહેલી કરાવી. પરંતુ તોય મોડું થયું. ૧૯૮૪માં ૪૧૪/૫૪૧ બેઠકો જીતનાર નેતા ધરાશાયી થયા. ૨૨-૨૬ નવેમ્બર ૧૯૮૯માં યોજાયેલી ચૂંટણીમાં ૧૯૮/૫૪૧ સીટો જીતી હારી ગયા અને ૧૪૩ બેઠક મેળવનાર વીપી સિંહ અન્ય વિપક્ષના ટેકાથી પ્રધાનમંત્રી બની ગયા. સમાજવાદી, સામ્યવાદી અને બીજેપી, કોંગ્રેસ સામે એક થયા. લોકસભાની એ ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક પર મને રિટર્નિંગ ઑફિસર તરીકે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો. કલેક્ટર યોગેન્દ્ર દિક્ષિત મહેસાણા બેઠકના રિટર્નિંગ ઓફિસર હતાં. કોંગ્રેસના કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી રહેલાં યોગેન્દ્ર મકવાણા જનતા પક્ષના ખેમચંદ ચાવડા સામે એક લાખથી વધુ મતોથી હારી ગયા.
ગુજરાતની ગાદી બચાવવા ગાંધીનગરમાં અહીં અમરસિંહભાઈને બદલવાનું દબાણ ચાલુ રહ્યું. ૧૯૮૫માં ૧૪૯/૧૮૨ બેઠકો જીતનાર માધવસિંહને એક સુનિયોજિત સ્ટેબીંગ કાવતરાંથી જવું પડ્યું હતું. તેમણે પસંદ કરેલ અમરસિંહ ચૌધરી કેન્દ્રીય નેતૃત્વનાં ટેકાથી ટકી રહ્યા. માધવસિંહને શાંત રાખવા દેશના આયોજન મંત્રી બનાવાયા પરંતુ તેમનું તેજ ત્યાં ન ઝળક્યું. છેવટે ગુજરાતમાંથી અમરસિંહ ચૌધરી બદલાયા અને ૧૦ ડીસેમ્બર ૧૯૮૯ના રોજ જૂના મહારથી માધવસિંહ સોલંકીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેઓની પ્રતિષ્ઠા હવે દાવ પર લાગી હતી કારણકે વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં હતી પરંતુ સમય થોડો હતો. ત્રણ મહિનાનો સમય અને તેમાં ચૂંટણી આચારસંહિતા લાગી હોય ત્યાં કોઈ કેટલું કાંઠુ કાઢી શકે? તેમને KHAM જમાવવા સમય ન રહ્યો. બીજી તરફ વી.પી. સિંહની પ્રામાણિક છબીની ઓથે ગુજરાત જનતા પક્ષમાં ચીમનભાઈ પોતાનો દાવ બરાબર જમાવી રહ્યા હતાં અને તેમની સાથે હતાં કેશુભાઈ અને તેમના સહાયકો જે ૧૯૮૬થી સંગઠનમાં સક્રિય હતાં. આઠમી વિધાનસભાની એ ચૂંટણી કોંગ્રેસ માટે વોટરલૂ બની. ૧૯૮૫માં ૧૪૯ બેઠક જીતનાર માધવસિંહની નેતાગીરીને માત્ર ૩૩ બેઠકો મળી. સાબરમતી, નર્મદા, તાપી, મહી, ભાદરમાં ઘણાં પાણી વહી ગયાં હતાં. અમરસિંહભાઈની નબળી નેતાગીરીથી કોંગ્રેસ કાર્યકરો કમજોર પડ્યાં, અને માધવસિંહના સસરા ઈશ્વરભાઈ ચાવડાએ વાસદની કોઈ એક ગામસભામાં બોલેલું વાક્ય માધવસિંહના નામે ચઢાવી રાજકીય ચગાવાયુ. ઈશ્વરભાઈએ અતિ ઉત્સાહથી તેમની ઓબીસી વર્ગની ઠાકરડા કોમના વિકાસ માટે એવું બોલાઈ ગયું કે હવે તો પટેલોની સ્ત્રીઓને શીશીમાં તેલ લેતી કરવી છે. માધવસિંહ વગર વાંકે કૂટાયા અને પટેલ સમુદાય તેમનાથી વિમુખ થતાં ચૂંટણી હારી ગયા. દસમી લોકસભાની ચૂંટણી વચ્ચે જ LTTEના આત્મઘાતી બોંબર મહિલાએ પેરૂમ્બુદૂરમાં રાજીવ ગાંધીની હત્યા થઈ અને નવા પ્રધાનમંત્રી નરસિંહરાવે માધવસિંહને જૂન ૧૯૯૧માં વિદેશ મંત્રી બનાવ્યાં પરંતુ બોફોર્સની એક ચિઠ્ઠીના વિવાદે માર્ચ ૧૯૯૨માં તેમણે રાજીનામું આપવું પડયું. તેમનો પછી રાજકીય સંન્યાસ રહ્યો.
માધવસિંહના એ ટૂંકા ૭૫ દિવસના શાસનકાળમાં મારે પણ તેમની સાથે ટકરામણ થઈ. માધવસિંહ સરકારમાં કાસમબાપુ પંચાયત મંત્રી બન્યાં. તેમની કચેરીમાંથી ફોન આવ્યો કે મંત્રીશ્રી તમને યાદ કરે છે. હું ગયો તો મને એન્ટી ચેમ્બરમાં લઈ ગયા. ત્યાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ ઈશ્વરસિંહ ચાવડા હાજર હતાં. કાસમબાપુએ તેમના હાથમાંથી લઈ એક યાદી મને આપતાં કહ્યું કે પરમાર તમારે આ હુકમો આજે કરવાના છે તેવો મુખ્યમંત્રીનો આદેશ છે. મેં યાદી પર એક નજર નાખી અને વિચાર્યું કે દરેક કર્મચારીના સર્વિસ કાર્ડ, હાલની જગ્યાનો ટેન્યોર, તેની છાપ, પ્રામાણિકતા વગેરે પાસા જોયા વિના જિલ્લા પંચાયતના વહીવટી વડા તરીકે મારાથી આવો હુકમ આજે જ કેવી રીતે કરાય? મેં કહ્યું હું યાદીને ચકાસી જે વાજબી હશે કે હુકમો કરી દઈશ. પરંતુ તેઓ બંનેએ બધાં હુકમો તે જ દિવસે કરવાના આગ્રહને કારણે હું સીધો પંચાયત સચિવ નિરંજન સિંહ પાસે પહોંચ્યો. તેમને ઘટનાથી માહિતગાર કર્યા અને પંચાયત મંત્રી પાસે મારી સાથે આવવા કહ્યું. અને બંને પંચાયત મંત્રી પાસે ગયા અને સચિવશ્રીએ મારી વાતને ટેકો આપ્યો. તે વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ જતા રહ્યા હતાં. કાસમબાપુએ નિખાલસ થઈ જણાવ્યું કે મુખ્ય દબાણ ઈશ્વરસિંહનું છે. હું મક્કમ રહ્યો. બદલી યાદીનો અમલ ન કર્યો અને એટલામાં ઈલેકશન કમીશન ઓફ ઈન્ડિયાએ વિધાનસભાની ચૂંટણી જાહેર કરી દીધી એટલે બદલીનો તે વિવાદ ત્યાં અટક્યો. પરંતુ બીજી એક બદલીએ મને મુખ્યમંત્રી સામે લાવી ઊભો કરી દીધો. વિજાપુર વિધાનસભા બેઠક પર નરેશભાઈ રાવલ ઉમેદવાર. તેમના મત વિસ્તારમાં કોઈ એક ડિસ્પેન્સરી પર મેડિકલ ઓફિસરની ખાલી જગ્યા. ગામનાં મત વધુ તેથી જો મેડિકલ ઓફિસર મૂકાય તો તેમની જીતવાની તકો વધે. તેમણે ચાણસ્મા તાલુકાના એક મોટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. પટેલની માગણી કરી. આરોગ્ય સેવાઓ અને કુટુંબ નિયોજન બે મહતવના કાર્યક્મો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અતિ મહત્વના. વળી જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરોની જગ્યાઓ ખાલી હોય ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાલી કરી ડિસ્પેન્સરીની જગ્યા ચાલુ આચારસંહિતા વચ્ચે ભરવા કોણ તૈયાર થાય? મેં ધારાસભ્યને ના કહી એટલે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી. મુખ્યમંત્રીને ત્યાંથી સચિવ કુલીન ચંદ્ર કપૂર સાહેબનો ફોન આવ્યો. પરમાર, આ ડોક્ટરને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ખસેડી વિજાપુરની ડિસેપેન્સરીમાં મૂકવાનો હુકમ કરવાનો મુખ્યમંત્રીનો આદેશ છે. મેં ના કહી અને આચાર સંહિતાનું કારણ આગળ ધરી ગાંધીનગરથી આરોગ્ય કમિશનર દ્વારા બદલી હુકમ કરવા દલીલ કરી. તેમણે ફોન મૂકી મુખ્યમંત્રીને અવગત કર્યા. ફરી ફોન આવ્યો અને કહ્યું કે મુખ્યમંત્રી ચૂંટણી પત્યા પછી તમને જોઈ લેશે. મેં જવાબ દીધો, પાછા આવશે ત્યારે જોશું! નરેશભાઈ હાર્યા અને કોંગ્રેસ પણ હારી તેથી અમારો એ વિવાદ ત્યાં વિરમી ગયો. ચૂંટણી દરમ્યાન મુખ્યમંત્રીશ્રીનો મહેસાણા કાર્યક્રમ નક્કી થયો. વાત હજી તાજી હતી. મેં વિકાસ કમિશ્નર શર્મા સાહેબને વિનંતી કરી. તેમણે મારી તે દિવસે સીએલ મંજૂર કરી અને તે રીતે સીધા ઘર્ષણથી હું દૂર રહ્યો.
હું શહેરનો તેથી ગામડા મને બહુ ગમે. ગામ પંચાયત, શાળા, આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો, પેટા કચેરીઓ, તાલુકા પંચાયતો ની ખૂબ મુલાકાતો લેતો. વળી કુટુંબ નિયોજનનો લક્ષ્યાંક પૂરો કરવા આરોગ્ય ઉપરાંત બીજા સંવર્ગના કર્મચારીઓ અને અધિકારીઓને લક્ષ્યાંક આપવો પડતો. જો સમીક્ષા બેઠકો ન કરો તો કોઈ કામ થાય નહીં તેવું મને સમજાઈ ગયેલું. ફાઈલ વર્ક મારે માટે એકાદ કલાકનું કામ. તેથી હું પ્રવાસ ખૂબ કરતો. મહિને સરેરાશ ૫૫ ગામોની મુલાકાતોની ડાયરી રહેતી.
એ સમયે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય કર્મચારીઓની ભરતીની જાહેરાત આવી. પંચાયત સેવાઓના ઈન્ટરવ્યૂ જિલ્લે થતાં. રાજ્ય મંડળના સભ્ય જિલ્લા સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી બે સભ્યો. એક નિષ્ણાત અધિકારી સમિતિને આસીસ્ટ કરે. ચેરમેનના ૩૪ માર્ક્સ, પ્રમુખના ૩૩ અને જિલ્લા વિકાસ અધિકારીના ૩૩. તેને આધારે ઉમેદવારોની મેરીટ કમ રિઝર્વેશનની પસંદગી યાદી બને. કંઈ કેટલાય ખેલ થઈ જાય. ભૂતકાળમાં અગાઉના પ્રમુખના સમયે અંદાજે ૨૬ ઓબીસી અને ૪ એસસી અનામતની સાથે ૯ સામાન્ય બેઠકોની એક ભરતીમાં જિલ્લા પંચાયત પસંદગી સમિતિએ અંદાજે ૭૦૦ જેટલા ઉમેદવારોની લાંબી પસંદગી યાદી બનાવેલ. અનામત સંવર્ગના ઉમેદવારો યાદીમાં છેલ્લે રહ્યા અને એક ઉમેદવાર કોર્ટમાં જઈ હુકમ લઈ આવ્યો કે ક્રમ તોડી નિમણૂક આપી ન શકાય. તેથી નીચેના ક્રમના ૩૦ જણની નોકરી આપવા ઉપરના ક્રમનાં સામાન્ય કેટેગરીના ૭૦૦ ઉમેદવારો ભરતી થઈ ગયા. છે ને અજબ ગજબ?
અમારી સમિતિના ચેરમેન નિવૃત્ત આઈએએસ ઝવેરભાઈ ચાવડા. તેઓ અને અમારા પ્રમુખ ઈશ્વરસિંહ રાજકીય પક્ષની રીતે એકજૂથ. ઝવેરભાઈને ભવિષ્યમાં વિધાનસભાની જોટાણા અનામત સીટ મેળવવાની ચાહ. બજારમાં જાત જાતની અને ભાતભાતની અફવા ચાલે. જગ્યાઓ તો ઓલરેડી વેચાઈ ગઈ છે, ઈન્ટરવ્યુ તો બસ ઠપ્પો છે. ઈન્ટરવ્યુની તે પાછલી રાત મારે નિંદર વેરણ થઈ. અંતરાત્માને પ્રાર્થના કરું કે કોઈ ઉપાય દેખાડ. લાઠી ભાંગે નહીં અને સાપ મરે તેવો રસ્તો બતાવ. સવારે ઉઠ્યો ત્યારે રસ્તો જડી ગયો. એ ઈન્ટરવ્યુમાં નિષ્ણાત સહાયક તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બેસવાનું. મેં ડૉ રાણાવતને બોલાવ્યા અને કહ્યું કે તેમણે જે તે સંવર્ગની જગ્યાની લાયકાત અને તે સંબંધિત ઉમેદવારોના જ્ઞાનને ચકાસવાના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું જેથી ઉમેદવારોનું સટીક મૂલ્યાંકન થઈ શકે. ઉમેદવારોની બાકી બધી માહિતી અમારી પાસે હતી તેથી જનરલ પ્રકારના પ્રશ્નો અમે ત્રણ પૂછવાના હતા. ઈન્ટરવ્યુ ચાલતાં ગયાં, પ્રશ્નો પૂછાતા ગયા અને અમે માર્ક્સ મૂકતાં ગયા. મારી પાસે માત્ર ૩૩ ગુણનું બળ અને સામે ૬૭. વળી ઉમેદવાર લઘુત્તમ સ્કોર મેળવે એટલે મેરિટ લીસ્ટમાં દાખલ થઈ જ જાય. મેં આત્યંતિક વલણ લીધું. જે સારાં હતાં તેમને વધુ અને નબળા હતાં તેમને ઓછા ગુણ આપ્યાં. પરિણામ તૈયાર થયું ત્યારે મારી વ્યૂહરચના સફળ રહી કારણકે પસંદગી યાદી અમારી પસંદગીથી ભરેલી હતી. ઈશ્વરસિંહે બળાપો કાઢ્યો, પરમાર તમે જબરા નિકળ્યા. તેમના કોઈ એક સંબંધીના ઈન્ટરવ્યુ લેનાર સમિતિમાં તેઓ હાજર હતાં તેવી અરજી થતાં વિકાસ કમિશનર એસ. ડી. શર્મા સાહેબે જિલ્લા વિકાસ અધિકારીના અહેવાલને આધારે તેમને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શા માટે સસ્પેન્ડ ન કરવા તેવી નોટિસ ફટકારેલ જેનો વસવસો તેઓ વર્ષો સુધી જ્યારે મળતાં ત્યારે કરતાં. આખા બોલા એમની પ્રામાણિકતા પર કોઈ શંકા ન કરતું અને તેમની પ્રજા માટેની કામ કરવાની તત્પરતાની કોઈ બરાબરી ન કરી શકતું. બસ એકમાત્ર તેમની વાણી તેમની લોકપ્રિયતાને રોકતી.
૧૯૮૬ બેચના બલરામ દિક્ષિતની એક કરૂણાંતિકા નોંધવી રહી. તે ખેરાલુ પ્રાંત અધિકારી. ત્રીજા શનિવારની સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપવાં તે આવેલા. મીટીંગ પછી તે મારે ઘેર આવ્યા. અમારા નિવાસે કૂક બબાજી ઠાકોર અને તેમનાં પત્નીએ સરસ રસોઈ બનાવી હતી. અમે સાથે જમ્યાં અને ખૂબ વાતો કરી. પછી તે સાંજે પાંચ વાગ્યાની કલેકટરની બેઠકમાં હાજરી આપવા ગયા. બેઠક પતી એટલે સંધ્યા ટાણે તે ખેરાલુ જવા રવાના થયા. પ્રાંતનું પહેલું પોસ્ટીંગ આઈએએસ અધિકારીને ડ્રાઇવિંગ શીખવા કામ લાગતું. હું પણ દાહોદમાં ડ્રાઇવિંગ શીખેલો. બલરામે તે દિવસે મહેસાણાથી જેવી જીપ બહાર નિકળી એટલે ડ્રાઇવરને પાછળ બેસાડી પોતે હંકારવાનું ચાલું કર્યું. એ વખતે રોડ પર ટ્રાફિક ઓછો પરંતુ સંધ્યાથી આગળનો સમય હોવાથી અંધારું આવી રહ્યું હતું. તેમની આગળ એક ઊંટલારી ધીમેધીમે આગળ જાય. બલરામને થયું ઓવરટેક કરી લઉં. તેમણે ઊંટલારી ઓવરટેક કરી પરંતુ આ શું, ઊંટલારીની આગળ બીજી ઊંટલારી, ધીમેધીમે ચાલે. તેમને માટે વચ્ચે ઘૂસવાનો રસ્તો નહીં અને બરાબર એ જ વખતે સામેથી એક પીળા રંગની ટ્રક હેડલાઈટ મારતી સામે આવી ગઈ. બલરામે જેમ તેમ પ્રયાસ કરી ઊંટલારી અને ટ્રક વચ્ચેથી નિકળવા પ્રયાસ કર્યો અને ૯૦ ટકા સફળ રહ્યો પરંતુ ટુ લેન રોડ તેથી ટ્ર્કે પસાર થતાં સહેજ રાઈટ દબાવ્યું તેથી બલરામની જીપને પાછળના ભાગે રાઈટ સાઈડમાં ધક્કો લાગ્યો અને જીપ પલટી ખાઈને રોડની જમણી બાજુ ઊંધી થઈ ગઈ. બલરામને ગરદન અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ તેનું બ્રેઇન સ્ટેમ ફાટી ગયું હતું. તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લઈ ગયા. હું આખી રાત ખડેપગે રહ્યો પરંતુ બચવાની કોઈ ઉમેદ ન દેખાતા અને સૌ નિરાશ થયાં. બીજા દિવસે તેનો દેહાંત થયો. મુખ્યમંત્રી ચીમનભાઈએ ખાસ કેસમાં ગુજરાત સરકારનું ભાડે રાખેલું હવાઈ જહાજ આપી તેના મૃતદેહને તેના વતન ઓરિસ્સા પહોંચાડ્યો. એક આશાસ્પદ જિંદગીનો એક નાનકડી ઓવરટેકે ભોગ લીધો.
માર્ચ ૧૯૯૦માં ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. અમારા કલેક્ટર યોગેન્દ્ર દિક્ષિત તેમનાં સચિવ બન્યાં. બલરામ ભગવાનને પ્યારો થયો. મારી કંપની તૂટી ગઈ. ઈશ્વરસિંહ સાથેના ઘર્ષણમાં અને કેટલાક જાતિવાદી હલકા આક્રમણોથી મારો આત્મવિશ્વાસ ડગ્યો. મારી પત્ની લક્ષ્મી સાથે ભણતો મુદરડાનો મુસલમાન યુવાન મહંમદ પછીથી જિલ્લા પંચાયતનો સભ્ય બનેલો અને તે જાણે જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બર તેનું ઘર હોય તેમ વર્તન કરતાં તેણે ધમકાવી બહાર કાઢેલ તેણે કાવતરું કર્યું. મને તુલસીદાસનો દોહો યાદ આવ્યો, તુલસી વહાં ન જઈયો, જહાં બાપકો દેશ. મારું ગામ અને સાસરી ૨૫ કિલોમીટર ત્રિજ્યામાં, સાસરી તો મહેસાણામાં જ. હું યોગેન્દ્રભાઈને મળ્યો, કહ્યું તમે તો આવતાં રહ્યાં, મારું કંઈક કરો. તેમણે મુખ્યમંત્રીને વાત કરી. તેઓ સંમત થયા પરંતુ જીએડીનો એક અધિકારી દાવ ખેલી ગયો મારી નિમણૂક નાયબ સચિવ તરીકે ઉદ્યોગ અને ખાણ વિભાગમાં કરી દીધી. હું ઉદ્યોગ સચિવ સુરેશભાઈ શેલતને મળ્યો તો પહેલાં નામ અટક વાંચી પછી કહે કે તેમણે કોઈ બીજા અધિકારીની માંગણી કરી છે, તમે રાહ જુઓ. હું મુખ્ય સચિવ એચ. કે. ખાન સાહેબને મળ્યો અને વિનંતી કરી કે મને બીજો કોઈ જિલ્લો આપો. તેમણે હા કહી અને મારી નિમણૂક જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢ તરીકે થતાં હું મારી મારુતિ ૮૦૦ કાર લઈ બાજુમાં પાણીની બોટલ લઈ લક્ષ્મીને બેસાડી કાર ચલાવતો રાત્રે ૯.૩૦ કલાકે જૂનાગઢ પહોંચ્યો. એ મારું પહેલું સ્વતંત્ર ડ્રાઇવિંગ હતું. મેં પહેલું કામ ૯.૪૫ કલાકે સીટીસી ભર્યું અને પછી જમ્યો. મને એ સમયનો બોધ હતો કે રાત ગઈ તો બાત ગઈ. એક રાતમાં રામ રાજા મટી રંક થઈ ગયા હતા.
૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫
No comments:
Post a Comment