દાહોદમાં મારી મુખ્ય કામગીરીમાં પ્રાંતના મહેસૂલી કામગીરી ઉપરાંત અછત રાહત સંચાલન માટે પાંચેય તાલુકાની અછત રાહત સમિતિઓની નિયમિત બેઠકો, કામોની મંજૂરી, તેનો અમલ, સમયસર ચૂકવણાંનું મોનીટરીંગ અને કામોનું ઈન્સ્પેક્શન મુખ્ય હતાં. આ ઉપરાંત તાલુકા આયોજન મંડળની બેઠકોમાં વિવેકાધીન અને પ્રોત્સાહક ગ્રાન્ટના કામોને જિલ્લા આયોજનમાં ભલામણ કરવાં તથા તાલુકા સંકલન સમિતિમાં તાલુકાનાં જુદા જુદા વિભાગોના પ્રશ્નોની ચર્ચા અને નિકાલ થતો. જિલ્લામાં જે કામ એક બેઠકમાં પૂરું થતું તે કામ મારે પાંચ તાલુકામાં જઈ પાંચ વાર કરવું પડતું. વળી RTS અપીલોની સુનાવણી હું તાલુકે કરતો તેથી તાલુકા ફેરણીમાં ઉપરના બધા કામો એક આખો દિવસ ફેરણીમાં અને બીજો દિવસ તાલુકા પ્રવાસ અને તપાસણીમાં પૂરો થાય તેમ માસિક કાર્યક્રમ બનતાં. અઠવાડિયા કે મહિનાના ચોક્કસ દિવસો ઠરાવેલા જેથી વારેવારે પત્રવ્યવહાર કરવો ન પડે. આ ઉપરાંત કુટુંબ નિયોજનના લક્ષ્યાંક પૂરા કરવા તેનું પણ સતત મોનિટરિંગ અને સમીક્ષા કરવા પડતી. વળી પુરવઠાની ફરિયાદો અનુસંધાને સસ્તા અનાજની દુકાનોની તપાસણી, ગામ મહેસૂલ દફતર ઈન્સ્પેક્શન, પોલીસ સ્ટેશન ઈન્સ્પેક્શન, જેલ મુલાકાત, વગેરે કામો ઉમેરતાં દિવસો, અઠવાડિયા અને મહિના કામમાં ક્યાં જતા રહેતાં તેની ખબર નહીં. કામ કામ અને કામ, સવારે નાહી ધોઈને નીકળીએ ત્યાંથી રાત્રે પાછા આવીએ ત્યારે ધૂળથી ભરાયેલા થઈ જતાં. દરરોજ રાત્રે નાહવું જ પડે. સરકારે જીપ આપી હતી અને તેને હુડ અને દરવાજો હતાં પરંતુ ખુલ્લા પવનની સાથે ધૂળનો પણ સામનો કરવો પડતો. આજના જેવો એરકન્ડીશન્ડ વાહનોનો જમાનો નહીં. પ્રાંતને શું, કલેકટરને ચેમ્બર કે ગાડીમાં એસી નહોતું મળતું.
અમારું સબડિવિઝન આદિવાસી વસ્તીનું, મુખ્યત્વે ભીલ લોકોની વસ્તી. તેમાં પટેલિયા પરમાર પણ ખરાં. તેમની જીવન શૈલી સાટા પદ્ધતિથી ચાલે તેથી નાણાંનું ચલન ઓછું. થોડા થોડા ગામના સમૂહ વચ્ચે અઠવાડિયાના ચોક્કસ દિવસે હાટ બજાર ભરાય તેમાં ગામમાંથી જ વેચનાર અને ખરીદનાર ભેળાં થાય અને પોતાને જરૂરી વસ્તુ લઈ તેમા બદલે પોતે લાવ્યા હોયતે વસ્તુ આપી દે અથવા વેચીને ચૂકવણું કરી દે.
હું પ્રાંતના કામ જે તે તાલુકાની મામલતદાર કચેરીમાં રાખતો જેથી પ્રજાને વધુ પ્રવાસ કરવો ન પડે. વળી આકસ્મિક મુલાકાત લેતો જેથી મામલતદાર કચેરીઓ લોકાભિમુખ છે કે નહીં તેની ખબર પડે. મને દરેક કચેરીમાં જાઉં ત્યારે તેના કમ્પાઉન્ડમાં આવી બેઠેલા આદિવાસીઓ ભાઈઓ બહેનો પર નજર જાય. તેમાંથી ઘણાં એકાદ બે કિલોની કોઈ પોટલી લઈ બેઠા હોય. સાહેબને મળવા જવાનું હોય કે તાલુકા કચેરીનું કામ હોય તો ઠાલા હાથે થોડી જવાય? તેથી પોતાની પાસે ખેતરની જે કંઈ વસ્તુ પકવેલી હોય તે સીઝન મુજબ લઈ હેતે આવતાં.
પ્રાંત કચેરીમાં કોઈ અપીલ આવે, અરજી આવે તો તે પહેલાં શિરસ્તેદારને રજૂ થાય. શિરસ્તેદાર તેને જોઈ પછી મને ટપાલમાં જોવા અને આગળ કાર્યવાહીની મંજૂરી માટે મૂકે. એકવાર અચાનક મારી નજર ટપાલ ફોલ્ડરમાં મૂકેલી એક ચાર પાંચ પાનાની અરજી વચ્ચે મૂકે રૂપિયા પાંચની નોટ પર ગઈ. મેં શિરસ્તેદારને બોલાવ્યા અને ધમકાવ્યા ત્યારે ખબર પડી કે અરજી સ્વીકારતી વખતે રિવાજ મુજબ તેની પાસે જે કંઈ બે પાંચ રૂપિયા હોય કે અરજીમાં વાળી મૂકે અને શિરસ્તેદાર કે તેમનાં કારકૂન લઈ લે. મેં મારા ડ્રાઈવર ભરત અને બીજા કર્મચારીની પૂછપરછ કરી અને જાણ્યું કે આ દૂષણ હજી વધુ ફેલાયું નહોતું તેથી કડકાઈથી બંધ કરાવી દીધું.
સબડિવિઝનનો એક તાલુકો દેવગઢ બારિયા. દેવગઢ બારિયા નગર નાનકડુ પરંતુ દેશી રજવાડાની રાજધાની. પૂર્વ રાજવી મહારાવલ જયદિપસિંહ બારીયા પ્રતિષ્ઠિત નામ અને સંસદ સભ્ય. તેમનું નવેમ્બર ૨૦, ૧૯૮૭ ના રોજ અવસાન થતાં તેમના પક્ષ તરફથી આવેલ ગુલામ નબી આઝાદને હું પહેલીવાર મળેલો. આઝાદ ઊંચા અને દેખાવે આકર્ષક, સાથે સાથે સુંદર તમીજવાળા. રાજા સાહેબનો પ્રોટોકોલ સન્માન સાથે અગ્નિ સંસ્કાર થયો. તેમના મૃત્યુ પછી તેમના પિતરાઈ ભાઈના સંતાનોએ કેટલીક વડીલોપાર્જિત જમીનોમાં ભાગ લેવાં RTS અપીલો દાખલ કરી. રાજાના વારસ તરીકે તેમના એકમાત્ર પુત્રી ઉર્વશી દેવી દેવગઢ બારિયામાં જ રહે. તેમનું વ્યક્તિત્વ પ્રભાવી અને અદબ જાજરમાન. ખાન સાહેબ ૧૯૬૭-૬૯માં પંચમહાલના કલેક્ટર ત્યારથી તેમનું નામ વહીવટી તંત્રમાં જાણીતું. હું RTS અપીલો તાલુકે સાંભળું તેથી બહેનશ્રી ફોન કરી સમય લઈ તાલુકે મળવા આવે અને સાથે બે આઇસ્ક્રીમ લેતાં આવે. એક કપ મારા માટે અને એક કપ તેમનો. બે એક મુલાકાતો પછી તેમણે સુનાવણીમાં આવેલી મિલકતોની વારસાઈ ઝઘડામાં તેમનો પક્ષ લેવા વિનંતી કરેલ. મારે ધર્મસંકટ આવ્યું. વડિલોપાર્જિત મિલકતોને રાજવી કુટુંબના એક જ પરિવારના નામે કરવા કોઈ કાયદાકીય રક્ષણ નહીં અને સીધી લીટીના વારસદારોને હિંદુ વારસાધારા મુજબ લાભ મળે. અધિકારી તરીકે હું કસોટીએ ચડ્યો. છેવટે મેં ન્યાયનો પક્ષ લીધો જેનું નુકસાન ૧૯૯૨માં ઉઠાવ્યું. ૧૯૯૨માં પંચમહાલ કલેક્ટર તરીકે મારી નિમણૂક લગભગ નક્કી હતી. મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે મહેસાણાના મારા સાથી કલેક્ટર યોગેન્દ્રભાઈ દીક્ષિત હતાં. તેમનો ફોન આવ્યો કે મુખ્ય સચિવ ખાન સાહેબે પંચમહાલ કલેક્ટર તરીકે મારું નામ સૂચવ્યું છે પરંતુ કહ્યું છે કે એકવાર મારે ઉર્વશીદેવી સાથે વાત કરી લેવી. હું ફરી અનાડી સાબિત થયો. દેવગઢ બારિયાનો નિર્ણય મેં કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ વિના લીધેલો તેથી તે વાત હું તો સાવ ભૂલી ગયેલો. મેં બહેનશ્રીને ફોન કર્યો. બહેનશ્રી ચેત્યા અને મારી પંચમહાલ કલેક્ટર તરીકેની થતી નિમણૂકને અટકાવી દીધી.
જેમ ઉત્તર ગુજરાતમાં ઉંઝા જીરાના ગંજ તરીકે પ્રસિદ્ધ તેમ દાહોદ પૂર્વ ગુજરાતમાં અનાજના ગંજ તરીકે પ્રસિદ્ધ. ગિરધરલાલ શેઠ અહીં મોટા આગેવાન. તેમની મિલો અને તેમના દાનથી બનેલી સાર્વજનિક બિલ્ડિંગો અને સેવાને કારણે પ્રતિષ્ઠિત નામ. તેમનાં ઉપરાંત મધ્યપ્રદેશ મૂળનાં ઘણાં વેપારીઓ. FPSમાં ઘંઉ મળે અને આદિવાસીઓ મકાઈ ખાય તેથી સસ્તા અનાજના ઘંઉ ગોડાઉનથી દુકાનદારને ફાળવણી થાય ત્યાંથી જ વગે થવાની ખૂબ ફરિયાદો. FPS દુકાનો નિયત દિવસોએ ખુલે નહીં અને ખુલે તો ઝડપી બંધ થાય તેથી રાશન ન મળવાની ફરિયાદો ઉઠે. જેને ઘંઉ ખાવા જ નથી તે શા માટે લેવા જાય કે ફરિયાદ કરે. પરિણામે તેમના ભાગના અને ક્યાંક ભૂતિયા કાર્ડ ચાલતાં હોય તે અનાજ બારોબાર જિલ્લાની અને બાજુના જિલ્લાની આટા મિલોમાં જવાની રજૂઆતો મળ્યા કરે. આ માટે જિલ્લા પુરવઠા અધિકારી અને તેમનાં ઈન્સ્પેકટરોની ટીમ. પરંતુ તાલુકા દીઠ એક ઈન્સ્પેકટર કેટલું પહોંચી વળે. મામલતદાર અને તેમના નાયબ મામલતદાર પુરવઠા પણ પરમીટ આપવા લેવામાંથી માંડ નવરાં થાય. તેથી ગેરરીતિઓ પર નિયંત્રણ લાવવા મેં દુકાનોની તપાસણી અને ગંજના બજારોની મુલાકાત અને રસ્તા પરની ટ્રકોની તપાસણી ચાલુ કરી. બજાર તો જેવું પ્રાંતનું વાહન દરવાજે દાખલ થાય એટલે કેટલીક દુકાનોના શટર પડવા લાગે. હાઈવે પર એક ટ્રક પકડીએ તો સમાચાર એવા પહોંચે કે પછી ચાર પાંચ કલાક સુધી તેવી ટ્રકોનું પરિવહન બંધ થઈ જાય. જિલ્લા પુરવઠા અધિકારી તરીકે બી એમ લેઉવાની બદલી પછી આવેલાં ચારી સાહેબે જબરી ધોંસ ઊભી કરેલી. તેમની કડક ઓફિસર તરીકેની છાપે મને વધુ પ્રેરિત કર્યો અને તેને કારણે મેં પણ તપાસણી વધારી અને કેસો કરવા માંડ્યા. ચારી સાહેબ તો મારા પર બહુ જ ખુશ. જિલ્લા સંકલનમાં મળીએ તો મારા વખાણ કરતાં થાકે નહીં. તેમની ગેરરીતિ ડામવાની વૃત્તિના દેખાવથી મારામાં રહેલો ગાંધી રાજી થાય. પછી કેટલાક મહિના પછી કલેક્ટર રજા પર કે તાલીમમાં જતાં મને બે-ત્રણ અઠવાડિયા માટે કલેક્ટરનો ચાર્જ મળ્યો. મને થયું લાવ ને તક છે, મેં કરેલાં પુરવઠાના કેસોમાં શી કાર્યવાહી થઈ તેની પૂછપરછ તો કરું? પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે ખબર પડી કે મારા દ્વારા તૈયાર કરેલા મજબૂત કેસો પુરવઠા કચેરી માટે ટંકશાળનું કામ કરતાં. મોટાભાગના કેસો નાનકડી સજા કરી બંધ કરી દેવાયેલા. મને એવો તો ગુસ્સો આવેલો કે ચાર્જમાં હતો છતાં પુરવઠા કચેરીમાં વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા કર્મચારીઓ અને તાલુકાઓના ઈન્સ્પેકટરોની બદલીઓ કરી દીધી. ચારી સાહેબ તે પછી મારી સામે આંખો મેળવતાં પણ સંકોચાતા. કડક અધિકારી તરીકેની છાપ ઊભી કરી કામ કરતાં અધિકારીઓની મેન્સરીયા પ્રત્યે ત્યારબાદ મને વધુ સભાન બનાવ્યો. દાહોદ ગોધરાના હાઈવે પર બકરાંની જેમ ભરાતા પેસેન્જરવાળી જીપોને પકડી હું આરટીઓને અહેવાલ કરતો અને આરટીઓ સાહેબ મારા પર રાજી રાજી થઈ જાય, તે તરફ પણ હું શંકાશીલ બન્યો. શું હું વ્યવસ્થા તંત્ર સુધારવાના અતિ ઉત્સાહમાં રેગ્યુલેટર સંસ્થાઓની કમાણીનું સાધન તો નથી ઊભો કરતો ને? મારી અંદરનો વિવેક જાગી મને સાવધાન કરવા લાગ્યો. હું દારૂના અડ્ડાઓના ચલાવનારાઓ સામે પોલીસના સહયોગથી exturnment કેસો ચલાવી તડીપારના હુકમો કરતો પરંતુ દારૂના દૂષણને સલામત ખૂણે જોતાં જ મારું મન મંથનમાં લાગી જતું.
જિલ્લા પંચાયત તંત્રના મોટાભાગના કાર્યક્રમોનો બોજ હું વહન કરતો. મારે જિલ્લા વિકાસ અધિકારી બનવાનું તેથી એક અભ્યાસ તરસી પણ હું તે કામો અતિ ઉત્સાહથી ઉપાડતો. અછત રાહતના કામોમાં મારા સબડિવિઝનનો હું સર્વેસર્વા. પાંચેય તાલુકા મોટા અને તાલુકા વિકાસ અધિકારી બધાં વર્ગ-૧ અધિકારીઓ. તાલુકા અછત રાહત સમિતિના ચેરમેન તરીકે મને અધિકારો તેથી પાંચેય તાલુકાની ઓનરશીપ રાખી દરેક તાલુકામાં જઈ પખવાડિયે બેઠકો કરું. એક જિલ્લા અછત રાહત સમિતિની બેઠક પહેલાં જેથી પૂરા તૈયારી કરી જિલ્લામાં જવાબ અપાય અને બીજી પછી જેમાં જિલ્લાની મળેલી સૂચનાઓનો અમલ થાય અને ફરિયાદ નિકાલ થાય. અને મોટેભાગે તાલુકા બેઠકોમાં પ્રશ્નો ઉકેલી લેતાં તેથી પીક મહિનામાં દોઢ લાખ મજૂરોનું સંચાલન કરી અમે જિલ્લાને રાજ્યમાં પ્રતિષ્ઠા અપાવતાં.
એવા જ આરોગ્યના બે કાર્યક્રમો કુટુંબ નિયોજન અને મહિલા બાળ વિકાસ (ICDS). આરોગ્ય મંત્રી વલ્લભભાઇ પટેલે રાજ્યમાં ૮૦૦થી વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખોલાવી પ્રાથમિક આરોગ્ય સેવાઓનો વ્યાપ મોટો કરી દીધેલ. પરંતુ નવા આરોગ્ય કેન્દ્રોના મકાનો બનવા અને મેડીકલ ઓફિસરોની જગ્યાઓ ભરવી એ સહેલું નહોતુ. પરંતુ તેમના એ કદમથી જિલ્લા પંચાયતમાં અને પ્રજાજનોમાં આરોગ્ય સેવાઓનું મહત્વ વધ્યું. તે વખતે વસ્તી નિયંત્રણ માટે તંત્ર ગંભીર. ડેમોગ્રાફિક ડિવિડન્ડને બદલે તેની જાહેર સંસાધનો પર વધી રહેલા બોજ પરની ચિંતા વધુ. કુટુંબ કલ્યાણ ઓપરેશનોમાં લેપ્રોસ્કોપી આવેલું તેથી તેનું ચલણ. પુરુષો તેમની નસબંધી ન કરાવે. કુટુંબ નિયોજનના વધુ કેમ્પ થાય. લાભાર્થીને પ્રોત્સાહિત કરવા સરકારી પ્રોત્સાહક રકમ ઉપરાંત દાતાઓ શોધી વાસણ - વસ્તુની વ્યવસ્થા કરાવતાં. કુટુંબ નિયોજન ઓપરેશનનાં લક્ષ્યાંકો સિદ્ધ થાય તે માટે ડોકટર્સ અને આરોગ્ય કર્મચારીઓની સમીક્ષા બેઠકો નિયમિત થતી. લક્ષ્યાંક સિદ્ધ ન કરી શકે તેવાં કર્મચારી અધિકારીઓની સ્થિતિની અમને દયા આવતી પરંતુ દબાણ ઊભું કરવું પડતું. દબાણ જ્યારે બહુ વધી જાય ત્યારે પાંચ-સાત વર્ષ પહેલાં ઓપરેશન થયેલાં કેસો પાછા ચોપડે આવી જવાના એકલદોકલ પ્રસંગો બનતાં. તે વખતે કેમ્પમાં ખાનગી ગાયનેક સર્જનનો દબદબો. તેમને મહેનતાણું પણ મળતું. અમારે કોટેજ હોસ્પિટલ દાહોદના સુપ્રિટેન્ડન્ટ ડો કમલેશ સોલંકી અને તેમના પત્ની ડો રાગેશ્વરી નિમાયેલા. ડો. સોલંકી પોતે ગાયનેક સર્જન પરંતુ કુટુંબ કલ્યાણના કેમ્પમાં તેમને કોઈ કામ ન આપે. તેમણે મારું ધ્યાન ખાનગી ડોક્ટર્સની મોનોપોલી પર દોર્યું. મેં ડો. સોલંકીને આગળ કરી તેમને પણ કુટુંબ નિયોજન ઓપરેશનોના કામમાં જોતર્યા. તેમણે તેમના કુશળ હાથથી એવો તો સરસ ભરોસો પેદા કર્યો કે ૧૯૯૦માં જિલ્લા વિકાસ અધિકારી મહેસાણા તરીકે જ્યારે હું સેવા બજાવતો ત્યારે ત્યાંથી દાહોદ આવી મારી પત્ની લક્ષ્મીનું લેપ્રોસ્કોપી નસબંધી ઓપરેશન કરાવેલ.
આંગણવાડી કેન્દ્રોની સંખ્યા વધતી ચાલી અને તેમની નિમણૂકો અને મુખ્ય સેવિકા દ્વારા સુપરવિઝનના પ્રશ્નો તાલુકા સંકલન બેઠકોમાં આવવા લાગ્યા. તેના બે મુખ્ય હેતુ પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૈકી મોટેભાગે પોષણ પર કામ થતું. બાળકો અને તેમની માતાઓ નાસ્તો લેવા આવે અને જતા રહે. ગર્ભવતી અને પ્રસુતા માતાઓના પોષણ અને હિમોગ્લોબિનની ઉણપની સમસ્યા વ્યાપક હતી. બાળકોનું કુપોષણ અને કૃમિનાી સમસ્યા વ્યાપક હતી. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ આવ્યો પરંતુ આ કામ રાતોરાત પૂરું થાય તેવું નહોતું. હજી દસકાઓ રાહ જોવાની હતી. પરંતુ ટીંપે ટીંપે સરોવર ભરાય તેમ તંત્રના પ્રયાસો શરૂ થઈ ગયા હતા.
મધ્યાહ્ન ભોજન યોજના તેની જડ જમાવી રહી હતીં. ભોજનમાં અનાજ, દાળ અને શાકભાજીની ગુણવત્તાના પ્રશ્નો થતાં. તેલ અને મસાલા ચોરીનું પ્રમાણ વધારે. જે ચોરી કરતાં તેના બીલો નાયબ મામલતદાર મધ્યાહ્ન ભોજન સરળતાથી પાસ કરતાં અને જે ચોરી ન કરે અને બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન આપતાં તે ભરાઈ પડતાં. દંડો ચલાવી થાય તેટલું રીપેરીંગ કર્યું.
આદિવાસી ક્ષેત્રોમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની જગ્યા પણ મહત્વની. હાથી સાહેબ ત્યારે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર. તેમની સાથે મને ટ્રાયબલ એરિયા સબ પ્લાન અને ગેપ ફંડીગના કામોની સમજ મળી.
મારા પંચાયત હસ્તકના કામોમાં ઘનિષ્ઠ જોડાણને કારણે મને તેની તાકાત, નબળાઈ, તકો અને જોખમો વિશે વધુ જાણતો થયો. મારી સમક્ષ બે જિલ્લા વિકાસ અધિકારીના નિયંત્રણ હેઠળનું પંચાયત તંત્ર તાદૃશ હતું. હું જિલ્લા મથકે બેઠકોમાં જાઉં ત્યારે ગોધરા ક્લબનો આંટો જરૂર લેતો. રમવાનો તો સમય હોય નહીં એટલે નિયમિત આવતાં ડો. આર.કે. પટેલ સાથે વાર્તાલાપ થાય. વાતવાતમાં બીજું શું હોય, વહીવટની વાતો થાય. તે પટેલ ખંધા અને આપણે અનાડી નવા તેથી બે જિલ્લા વિકાસ અધિકારીમાં કોનું તંત્ર સારું તે પૂછી લીધું. વર્તમાન જિલ્લા વિકાસ અધિકારી હોંશિયાર, મળતાવડા પરંતુ સંયમી તેથી કોઈનું અપમાન કરી કામ લેવામાં ન માને. તેમની પહેલાંના અધિકારીને ક્રોધ આવતો તેથી તેમના ડરથી કેટલાક કામ ઝડપી થતાં. ડો. પટેલે લાગ જોઈ મારી એ વાત નવા અધિકારી સમક્ષ વિપરીત રજૂ કરી જેને કારણે શાંત અને સંયમી મિત્ર એવા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ મારાથી નારાજ થયા અને દૂર થયાં. હાનિ લાભ વિધિ હાથ. અમારે બંનેએ જૂનાગઢમાં ત્રણ વર્ષ સાથે કામ કરવાનું થયું અને તેઓ મુખ્યમંત્રી સાથે હતાં ત્યારે અને મુખ્ય સચિવ તરીકે હતાં ત્યારે એ સંબંધોનો લાભાલાભ મળ્યો. જીવનની એ ઘટનાએ મને કૂથલી કેન્દ્રોથી દૂર રાખ્યો. હું ભલો અને મારું કામ ભલું.
મારે પાંચ મામલતદારોમાં દાહોદમાં ઈબ્રાહીમ બાંડી, ઝાલોદમાં ધનજીભાઈ પટેલ, લીમખેડામાં પિતાબર પટેલ, દેવગઢ બારિયામાં કડિયા અને સંતરામપુરમાં કે.ટી. કંસારા ટીમ કામગીરીમાં ખૂબ સરસ. ધનજીભાઈને જે કામ સોંપો તે પાર પડે પરંતુ સ્વભાવ આકરો તેથી તેમના વિશે કહેવાતું કે ગાય ગમે તેટલું દૂધ આપે પરંતુ લાત મારી દૂધ આપે તે શા કામનું? બાંડી અમારા ધ્વજવંદનના દિવસે કોઈને કોઈ બહાનું કરી ગેરહાજર રહે. ૧૯૮૯થી સબડિવિઝનના ધ્વજવંદન માટે રાજ્યથી ફાળવેલા મહાનુભાવ આવવાથી મામલતદાર કચેરીના ધ્વજવંદનમાં બાંડીએ મને આમંત્રણ આપ્યું. મને બીજા સ્ટાફે કહેલું કે સાહેબ જો જો તમને ધ્વજવંદન સોંપી તે ગુલ્લી મારશે. બાંડી મારી પાસે તે દિવસની હેડક્વાર્ટર રજા લેવા આવ્યા. મને તેમને વિશે કહેવાતી વાતનો પુરાવો જડી ગયો. તેમને હાજર પણ રાખ્યા અને ધ્વજને સલામી પણ અપાવી.
એ વખતે મનોરંજન કરનો જમાનો. તાલુકા મથકે નાના નાના થિયેટરોમાં ફિલ્મો બતાવે. કેબલ ટીવી નવું લવું આવ્યું હતું પરંતુ બધાને ઘેર ટીવી નહીં તેથી સિનેમા હોલ હજી લોકપ્રિય હતાં. ઝાલોદમાં મનોરંજન કરની ચોરીની ફરિયાદ કારણે ધનજીભાઈ અને તેમની ટીમે પ્રાંતની સૂચનાથી કડક ચેકિંગ કર્યું. અને કરચોરી પકડી પાડી. પ્રાંતમાં કેસ ચાલ્યો થિયેટર બંધ થયું. તે થિયેટરના માલિક તે વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ મુનિયાના પુત્ર હતાં. વળી તેઓ ગોધરા ધારાસભ્યના મિત્ર. ગોધરા ધારાસભ્ય અબ્દુલ રહીમ ખાલપા તાલુકા પંચાયત પ્રમુખથી મેં તાલીમ ચાર્જમાં કરેલી ચૂંટણીથી ગિન્નાયેલા હતાં એકની જોડે બે ભળ્યાં. બંને ધારાસભ્યોએ ગાંધીનગર જઈ મુખ્યમંત્રી અમરસિંહભાઈ સમક્ષ મારી ફરિયાદ કરી બદલી માટે દબાણ ઊભુ કર્યું. મને મુખ્યમંત્રીશ્રીનું કહેણ આવ્યું. હું ગયો ત્યારે મુખ્યમંત્રીશ્રીએ મને બે ધારાસભ્યોના નામ સહિત તેમણે કરેલી બદલી રજૂઆતનો હવાલો આપ્યો અને ખરેખર શી હકીકત છે તે જણાવવા કહ્યું. મેં બંને ઘટનાની વાત કરી. તેમણે કહ્યું કશો વાંધો નહીં, હું તે બાબત સંભાળી લઈશ, તમે ઉત્સાહથી તમારી કામગીરી બજાવતા રહો. મને હાશકારો થયો અને મુખ્યમંત્રી પ્રત્યે અહોભાવ કે તેમણે કાચા કાન ન રાખી એક તરફી વાત ન સાંભળી મને નુકસાન ન થવા દીધું. બાકી વહીવટમાં ‘ટેટો પડ્યો’ ક્યારે ‘બેટો મર્યો” થઈ જાય તેની ખબર ન પડે.
સબડિવિઝનનાં તે વર્ષોમાં ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીના ધ્વજવંદનો પ્રાંત અધિકારી હસ્તે થતાં. દાહોદ પોલીસ બેડા જિલ્લા મથક જેટલો જ મોટો અને SDPO એટલાં જ મહત્વના. મારા બેચમેટ અનુપ કુમાર સિંહ (IPS) SDPO. બેચમેટ એટલે અમે આત્મીય મિત્રો બન્યાં અને તેઓ એકલાં તેથી મારે ઘેર આવે, ઉજ્જવલ ધવલને રમાડે અને ક્યારેક ઘોડો લઈ આવ્યા હોય તો તેમને આંટો મરાવવા લઈ જાય. પરંતુ ૧૯૮૮ની ૨૬ જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્રમમાં તેમણે સબડિવિઝન દાહોદના કાર્યક્રમ નો હવાલો સર્કલ પોલીસ ઈન્સપેકટરને સોંપી પોતે ગોધરા જિલ્લા કાર્યક્રમમાં હાજરી આપવા જતાં રહ્યા. તેમની અગાઉના SDPO હાજર રહી પ્રોટોકોલ પાળતાં. વ્યક્તિગત રીતે મારો તેમની સાથે કોઈ દ્વેષ નહીં પરંતુ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટના પદની ગરિમા જાળવવા મેં તેમની ગેરહાજરીની જિલ્લે જાણ કરી. તેમને ગમ્યું નહીં પરંતું પછી ૧૫ ઓગસ્ટના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા અને પ્રોટોકોલ જાળવ્યો. IPS પર IASના સુપરવાઈઝરી નિયંત્રણનો મુદ્દો ત્યારે જિલ્લે સબડિવિઝને ગરમાયો રહેતો. હવે તો બંને સંવર્ગના અધિકારીઓ મોટેભાગે સ્વતંત્ર છે. સરકારી કામ એક તરફ અને મૈત્રી બીજી તરફ. અનુપ અને હું સારા મિત્રો બની રહ્યાં.
નાગણખેડીનો એક પ્રસંગ કેમ ભૂલાય? દાહોદને અડકીને મધ્યપ્રદેશનો જાબુઆ જિલ્લો. તેનું નાગણખેડી ગામ, ટેકરીઓમાં ફેલાયેલું. ૧૯૮૮ના અછત વર્ષમાં ગુજરાત તરફના પશુપાલકો ઘેટાં બકરાં લઈ આ તરફથી ચરાવતાં ચરાવતાં ક્યારે ગુજરાતની હદ પાર કરી મધ્યપ્રદેશની હદમાં દાખલ થઈ ગયા ખબર નહીં. રાડ આવી કે આદિવાસીઓએ તેમનાં ઘેટાં બકરાં લૂંટી લીધાં છે. દાહોદથી સર્કલ ઈન્સપેકટરની લીડરશિપમાં પોલીસની એક ટુકડી હથિયારો સાથે રવાના કરી. મધ્યપ્રદેશ પોલીસને પણ જોડી. પરંતુ પોલીસ નીચે મેદાનમાં અને આદિવાસીઓ તીર કામઠા સાથે ઉપર ટેકરીઓ પર. સનનન કરતાં તીર છૂટે. સર્કલ પોલીસ ઈન્સપેક્ટરની હેલ્મેટ વિંધી એક તીર નીકળી ગયેલું. તેઓ માંડ બચ્યાં. મોટાભાગના ઘેટાં બકરાં તો હલાલ થઈ ગયા. જે મળ્યાં તે અને પશુપાલકો લઈ અમારી પોલીસ પાછી ફરીં. ત્યાં મધ્યપ્રદેશમાં પોલીસ ફાયરિંગથી એક કે બે ઈસમના મોત થયેલ તેનો મુદ્દો મધ્યપ્રદેશ વિધાનસભામાં બહું ચગેલ.
પ્રાંત અધિકારીની સત્તા નગરપાલિકા પર પણ પહોંચે. નગરપાલિકાના સદસ્યને સસ્પેન્ડ કરવાના અધિકાર. દાહોદ નગરપાલિકામાં વીજળી કામોની ફરિયાદો મળે. ફીકચર્સ પૂરા લાગ્યા ન હોય કે નબળી ગુણવત્તાના હોય. તપાસ કરી પગેરુ પકડીએ તો કોન્ટ્રાક્ટરની લીંક નગરપાલિકાના કાઉન્સિલર સુધી પહોંચી જાય. ગેરરીતિના કારણોસર મેં લગભગ ૬ થી ૮ જેટલાં કાઉન્સિલરોને સસ્પેન્ડ કર્યા હતા જેને કારણે દાહોદની પ્રજાનો મારા પરનો વિશ્વાસ વધ્યો હતો.
દાહોદનું છાબ તળાવ પ્રસિદ્ધ. ગુજરાત (પાટણ) ના રાજા સિદ્ધરાજ સોલંકીએ સન ૧૧૩૦ આસપાસ માળવા ચઢાઈ કરી ત્યારે દાહોદમાં પડાવ નાંખ્યો હતો. તેમનું લશ્કર મોટું હતું અને બેઠા બેઠા રોટલા ખવડાવવાનો રિવાજ નહીં. સૈનિકોએ તળાવ ખોદી છાબ ભરી ભરીને માટી ઉપાડી તેથી તળાવનું નામ પડયું છાબ તળાવ અને જ્યાં લશ્કરનો પથારો હતો તે પડાવ નાકું આજે પણ ઐતિહાસિક સાક્ષી પૂરતાં ઊભા છે. આ છાબ તળાવને પાળી બાજુથી પૂરી તેની જમીન દબાણ કરી જમીન લાભ લેવાનો ખેલ ચાલે. નગરપાલિકાના ચીફ ઓફિસર દાણી હસી હસી હાડ ભાંગે. મેયર જૈનુદ્દીનભાઈને કોઈ સત્તા નહી તેથી બોલાવીએ ત્યારે મીટીંગમા હાજર રહે. છેવટે પ્રાંત અધિકારી તરીકે કડક થઈ મેં દબાણો હટાવ્યા અને તળાવની જમીનો બચાવી. મારો ઈરાદો તેને અમદાવાદના કાંકરિયા તળાવ જેમ બાંધવાનો હતો પરંતુ નગરપાલિકાની તિજોરી ખાલી અને સરકીરી કોઈ યોજના નહીં. ઘણાં વર્ષો પછી ૨૦૧૬માં અધિક મુખ્ય સચિવ શહેરી વિકાસ તરીકે ખાસ દિલ્હી જઈ મેં મારા ગમતાં દાહોદને સ્માર્ટ સીટી તરીકે પસંદ કરાવ્યું અને તેની મળેલ ગ્રાન્ટમાંથી નગરપાલિકાએ ₹૧૧૭ કરોડ ખર્ચીને આજે પાકા પાળા અને બગીચા સાથે સુંદર એક તળાવ બાંધી જગ્યાને રમણીય બનાવી દીધી છે.
દાહોદનું ઋણ ઉતારવા હું જ્યારે અધિક મુખ્ય સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ બન્યો ત્યારે બ્રાઉન ફીલ્ડ યોજના અંતર્ગત ૧૯૮૯માં Zydusના સહયોગથી મેડિકલ હોસ્પિટલ કમ મેડિકલ કોલેજની સ્થાપના કરી દીધી. જ્યાં ૨૦-૨૫નો સ્ટાફ અને પાંચ-સાત ડોક્ટરો હોય તેવી કોટેજ હોસ્પિટલને બદલે મેડિકલ કોલેજ કમ હોસ્પિટલ બનતાં ડોક્ટર્સ, Specialists, સ્ટાફ, સુવિધા, પ્રોસીજર, તપાસના સાધનો, વગેરે ખૂબ વધ્યા. આજે દાહોદ હોસ્પિટલ જિલ્લા એકલાની નહીં પરંતુ આજુબાજુના જિલ્લા અને બાજુના રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓની પણ સારવાર કરે છે.
એ જમાનો એસ. આર. રાવ અને જગદીશન બ્રાન્ડનો જેમણે અનુક્રમે આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે શહેરી ધોરી રોડના દબાણો દૂર કરી નામ કમાયેલા. હું પણ કેમ પાછળ રહું. દાહોદ એસ.ટી. બસ સ્ટેશન રોડ પરના બંને તરફના ઘણાં દબાણો હટાવ્યા હતાં. તે વખતે સુપરન્યુમરરી તરીકે ગોધરામાં તાલીમ દરમ્યાન જિલ્લા ન્યાયાધીશ અને અમારી સામે રહેતા અધિક જિલ્લા ન્યાયાધીશની દોસ્તી કામ આવતી જેથી દબાણદારો મનાઇ હુકમ ન લઈ શકતાં. છએક મહિના પહેલાં દાહોદ ગયો ત્યારે જોયું તો આપણે તો હવે સીનીયર સીટીઝન થયાં પરંતુ જે દબાણો હટાવી રોડની સાઈડો સાફ કરી હતી ત્યાં આજે પાકી દુકાનો બની ગઈ છે. દબાણો હટાવનાર હટી જાય પરંતુ દબાણો તો જ્યાં હોય ત્યાં પાછા આવી જાય.
દાહોદમાં હિંદુ મુસલમાન બંને વસ્તી તેથી ભાઈચારો જળવાઈ રહે. મુસલમાનોમાં શિયા વ્હોરા વેપારી અને શાંતિ પ્રિય કોમ. સુન્ની વસ્તી ગરીબ અને મધ્યમવર્ગીય. તેથી બંને ધર્મોના તહેવારો અહીં શાંતિપૂર્ણ ઉજવાય. આસીસ્ટન્ટ કલેકટર તરીકે મહેસૂલી RTS અપીલો ચલાવવાની તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે CrPC 109, 110, 133, 144 વગેરે કેસો ચલાવવાના થાય તેથી વકીલોનો પરિચય થાય અને કોઈક મિત્ર ભાવે સરકારી સિવાયનો વાર્તાલાપ કરી જાય. દાહોદના એક વકીલ ફકરૂદ્દીન ડો. તાહેરઅલીએ તેમની દીકરીના નિકાહમાં મને આમંત્રણ આપેલું. ત્યાં એમ જ વાતમાંથી વાત નીકળી અને તેઓ કહે કે મહમંદ અલી ઝીણાએ તેમની કોમને મોટું નુકસાન કરી દીધું. તે સાંભળી મારા કામ ઊભા થઈ ગયા. જન માન્યતાથી તે વિપરીત વાત હતી અને એક મુસલમાન ઝીણાની ટીકા કરે તે મારે માટે નવું હતું. મેં કારણ પૂછયું તો જણાવ્યું કે હિંદુસ્તાનના ભાગલા કરી ઝીણાએ મુસલમાન વસ્તીના ત્રણ ટૂકડા કરી નાંખ્યા. પરિણામે પશ્ચિમ અને પૂર્વના બે પ્રાંતોને સ્વતંત્ર દેશ મળ્યા પરંતુ એક કોમ તરીકે ભારતમાં વસ્તી કદ ઘટવાથી તેમનું મહત્ત્વ ઓછું થઈ ગયું. જે જુદા થયાં તે મુસલમાનોએ ૪૨ લાખ વર્ગ કિલોમીટરના અખંડ દેશમાં છૂટથી ફરવાના અને વિકસવાના તેમના અધિકારો ખોયાં. ફકરૂદ્દીનભાઈનો એ દૃષ્ટિકોણ મારા માટે ઇતિહાસના પાનાને વાંચવાની એક નવી દિશા બતાવી ગયો.
ભગુભાઈ દાહોદ પ્રાંત અધિકારી તરીકે આવ્યા ત્યારે પ્રાંત અધિકારીનું સ્વતંત્ર ઘર ન હતું. તેમણે જહેમત લઈ પીઓકમટીડીઓ અને મામલતદાર જ્યાં રહેતા હતા તે કમ્પાઉન્ડમાં જમીન પસંદ કરી, મકાન માટે બજેટ મેળવી સ્વદેખરેખ હેઠળ બે રૂમ, હોલ અને રસોડાનું નાનું પણ સુંદર ઘર બનાવેલ. ભગુભાઈ તો તેમાં માંડ ત્રણ ચાર મહિના રહ્યા અને તેમની બદલી થતાં એ મકાન અમારે ભાગે આવ્યું. પીસ્તા રંગનું એ મકાન અમને સ્વતંત્રતાનો અનુભવ કરાવતું અને અમારા પહેલાં સ્વતંત્ર આવાસ તરીકે નાનું નાનું પણ આજેય મનપસંદ છે.
અમારા એ કમ્પાઉન્ડમાં દાહોદ મામલતદાર ઈબ્રાહીમ બાંડી એકલાં રહેતાં અને વર્ગ-૧ અધિકારી તરીકે આદિવાસી વિસ્તાર હોવાથી પ્રોજેક્ટ ઓફિસર કમ તાલુકા વિકાસ અધિકારી તરકે છગનભાઈ બલાત અને તેમનું કુટુંબ રહેતાં. છગનભાઈને એક દીકરો અને ચાર દીકરીઓઃ પ્રફુલ્લ, મોનિકા, મિત્તલ, હેમાંગી, જલ્પા. તેમાં અમારા બે ઉમેરાયા ઉજ્જવલ અને ધવલ એટલે સાત બાળકોને રમવા કંપની બની ગઈ. એ વખતે ટીવી પર રામાયણ સીરિયલ લોકપ્રિયતાના શિખરો સર કરી રહી હતી. ટીવી પર રીલીઝ થતો રમેશભાઈ ઓઝાનો ભાગવત સંતસંગ પણ મનને જકડી રાખતો. એ જમાનો કેબલ ટીવીથી પ્રસારણનો. કેબલનો માલિક જે મૂકે તે જોવાનું. રજાના દિવસે હિન્દી પિક્ચર જોવા મળતું. અમારે ઘરમાં ટીવી નહીં તેથી સાંજ પડે લક્ષ્મી ટીવી જોવા છગનભાઈને ઘેર જતી. હું ઓફિસેથી સમયસર આવ્યો હોઉં તો તેમની સાથે જોડાઈ જતો. છગનભાઈ અને મંજુલાબેન એટલાં સીધા, સરળ અને પ્રેમાળ કે સાહેબ ગણી અમારું માન સન્માન જાળવે અને અમે બંને કુટુંબો રામાયણની લીલા અને રમેશભાઈ ઓઝાના ભાગવત ભક્તિ રસનો આનંદ લેતાં. રજાના દિવસે અરસપરસ એકબીજાના ઘેર જમવું, ચા-નાસ્તો કરવો સામાન્ય બની ગયું હતું. અમે તો છેક ૧૯૮૯માં ક્રાઉન બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી અને વોલ્ટાસનું ફ્રીઝ ખરીદી શક્યા.
હુનૈદ તેનાં બજાજ સ્કૂટર પર બેસાડી ઉજ્જવલ, ધવલને આંટો મારવા લઈ જાય અને મારા માટે ક્યારેક દાહોદનું પ્રસિદ્ધ પાન લઈ આવે. દાહોદમાં ઈંદોરના કંદોઈની દુકાન તેમાં ચવાણું મીઠું મીક્ષ્ચર અને દાળમૂઠ સ્વાદ લાવી દેતા.તેની માતા રબાબ અને પિતા નજમુદ્દીન મને દીકરા જેમ પ્રેમ કરતાં અને બહેન ઝબીન, હુનૈદના પત્ની નફીસા, ભાઈઓ કુટુંબના સભ્ય તરીકે રાખતા. હુનૈદે તે સંબંધો કાયમ જાળવી રાખ્યા. ૨૦૦૦ના કોવીડ કહેરમાં તે અને તેના પિતા ગુજરી ગયા પરંતુ વડોદરાની હોસ્પિટલની પથારીમાંથી ઓક્સિજનની પાઈપ સાથે મને બાય બાય કરતો તેનો ચહેરો હું ક્યારેય ભૂલી શકતો નથી.
ડો દિનેશ પંડ્યા અમારા જીગરીજાન. તેઓ અને તેમના પત્ની ડો ભારતીબેન બીએએમએસ પરંતુ એલોપથીની સરસ પ્રેક્ટિસ કરે. તેમનાં પિતા લક્ષ્મી નારાયણ પણ સુંદર સ્વભાવના, જૂના જમાનાની વાતો કરે. મારે તેમની જોડે પણ મિત્રતા બંધાઈ. દિનેશભાઈ મીઠા બોલાં અને મારી બાની જેમ વાતે વાતે કોઈને કોઈ સંસ્કૃત સુભાષિત અને શ્લોક ટાંકે. તેમનું ડોક્ટર મિત્ર વર્તુળ મોટું તેથી એલોપથીનું જ્ઞાન વધારતા રહે. તે અમારા ફેમીલી ફીઝીશીયન. નાની મોટી તકલીફો હોય તો દોડી સ્કૂટર લઈ ઘેર આવે અને ઉપચાર કરે. મોટું હોય તો ડો. ભરપોડાને બોલાવી લે. તેમણે મને ગ્લુટિયલ મસલ પર ઇંજેક્શન આપવાનું શીખવેલ. તેમણે મને સ્કૂટર શીખવવા પ્રયત્ન કરેલ પરંતુ મારી બીકે મને સ્કૂટરથી દૂર રાખ્યો. હું જીપનું ડ્રાઇવિંગ શીખવા લાગ્યો. મારો ડ્રાઇવર ભરતસિંહ મને જીપના ગિયર, સ્ટીયરિંગ, એક્સલ, બ્રેકની સમજ આપે. હું તેને ડ્રાઇવિંગ કરતાં જોઈ રહેતો અને પછી ધીમેધીમે ઘરથી કચેરી અને કચેરીથી ઘરના નાના ડ્રાઇવિંગથી કામ શરૂ કર્યું. એ જમાનામાં ડ્રાઈવિંગ લાયસન્સ લેવાનું સહેલું. ટેસ્ટ વગર સાહેબોનું કામ થઈ જતું. પછી તો અને ગોધરા મીટીંગમાં જઈએ કે ગાંધીનગર-અમદાવાદ તરફ, હું જીપ ચલાવવાનું સાહસ કરતો અને તેમ કરતાં કરતાં ડ્રાઇવિંગ શીખી ગયો. મેં જ્યારે પહેલીવાર લાંબા રૂટ પર જીપ લીધી ત્યારે મહેમદાવાદ નજીક બ્રેક મારવામાં જરાક મોડું થવાથી એક ગધેડું જરાક ધક્કો લાગતાં પડી ગયેલ. પછી તે તરત ઊભું થઈ ભાગ્યું પરંતુ લક્ષ્મીએ તે ઘટનાને મને ભૂલવા ન દીધી. તે એક ઘટના સિવાય હું કાયમ અકસ્માત વિનાનો કુશળ ચાલક બની રહ્યો.
૧૯૮૭ પહેલી નવરાત્રિમાં અમે સહકુટુંબ ગરબા જોવા નીકળ્યા. આંટો પૂરો કરી અમે મિત્ર ડો દિનેશ પંડ્યાને ત્યાં રોકાયા. અમે ઉપર મેડા પર બેઠા વાતો કરતાં હતાં અને બાળકો નીચે રમતા હતાં. અચાનક અમારું ધ્યાન ગયું કે ધવલ ક્યાં? ધવલ ત્યારે ચાર વર્ષનો. ત્યાં અને આસપાસ જોયું તો ધવલ નહીં. બધાં શોધવા લાગ્યા પરંતુ ધવલ ન મળે. અમે તો સાવ ડઘાઈ ગયા. જાતજાતના વિચારો શરૂ થયાં. હું કડકાઈથી પ્રાંત ચલાવતો તેથી બીજા પ્રકારનો અંદેશો આવવા લાગ્યો. મેં તરત જ મિત્ર અનુપ કુમાર સિંહને ફોન કરી જાણ કરી. અનુપે વાયરલેસ મારફત બધાં પેટ્રોલ વાહનો અને ચેકપોસ્ટોને ખબર કરી ચેકિંગ શરૂ કરાવી દીધું. અમારા મિત્ર ડો. દિનેશભાઈ પંડ્યાએ અંબે માંની બાધા રાખી. નાનકડું શહેર. બે-ત્રણ કલાકની શોધખોળ પછી ધવલ ન મળતાં અને નિરાશ વદને ઘેર આવી દરવાજો ખોલ્યો. પડોશમાં જઈ પીઓકમટીડીઓ છગનભાઈ બલાતને ઉઠાડી ઘટનાની જાણ કરી. તરતજ તેમના પત્ની બોલી ઉઠ્યાં કે ધવલ તો ક્યારનોય આવીને અમારે ઘેર સૂઈ રહ્યો છે. અમારી આંખોમાં અશ્રુધાર વહેવા લાગી. લાડકો ધવલ સલામત છે તેનો આનંદ વ્યાપ્યો. અનુપને ફોન કરી જાણ કરી અને તેમની ટીમના પ્રયત્નો બદલ આભાર માન્યો. ધવલને તે રાતે સૂવા દીધો. બીજા દિવસે સવારે તેને પૂછયુ કે ડો દિનેશ અંકલના ઘેરથી તું કેવી રીતે તું છગન અંકલના ઘેર આવ્યો? તો કહે, મને ત્યાં કંટાળો આવતો હતો તેથી રસ્તો થોડો થોડો ખબર તેથી ચાલીને ઘેર આવ્યો અને આપણું ઘર બંધ હતું તેથી બાજુમાં અંકલના ઘરે દરવાજો ખટખટાવી આન્ટી જોડે સૂઈ ગયો.
ધવલ સાથે ૧૯૮૯માં બીજી આફત આવી. અમે સહકુટુંબ લીમખેડા તાલુકાની મુલાકાતે હતાં. ત્યાં ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી સવારે રૂમમાં જ ચા નાસ્તો કરી રહ્યાં હતાં. તાલુકે કોઈ વ્યવસ્થા નહીં તેથી મામલતદાર પિતાંબર પટેલને ઘેરથી તેમનાં પત્નીએ ચા નાસ્તો બનાવી મોકલ્યો હતો. ઉજ્જવલ, ધવલ પણ ઉઠી બહાર રમી રહ્યાં હતાં. ઉજ્જવલ સાડા છ વર્ષનો અને ધવલ સાડા ચારનો. અમારી સાથે અમદાવાદથી આવેલો સત્તર વર્ષનો ભત્રીજો સુરેશ તેમની સાથે. એક પટાવાળો પણ તેમની સાથે. તેથી અમે બે નિશ્ચિત રૂમમાં ગપાટા મારીએ. ત્યાં થોડી જ વારમાં પટાવાળો દોડતો આવ્યો કહે જલ્દી ચાલો ધવલભાઈ પડી ગયા છે અને બેહોશ છે. સુરેશ બાળકો સાથે હતો પરંતુ ડરનો માર્યો તે ધવલ પડ્યો તે કહેવા ન આવ્યો. અમે દોડીને ગયા તો ધવલ ઊંધા માથે રેતી-કપચી વેરાયેલી જગ્યા પર પડેલો. તેને ઉઠાવી સીધો કર્યો તો બેહોશ, મોઢું એક તરફ ત્રાંસુ થઈ ગયેલું અને મોઢામાંથી પાણી જેવું પ્રવાહ વહે. પળનોય વિલંબ કર્યા વિના અમે દાહોદ પહોંચી બુરહાની હોસ્પિટલમાં તેને દાખલ કરી દીધો. ડો. દિનેશ પંડ્યાના મિત્ર ડો. ભરપોડા ત્યાં ફીજીશિયન. તેમણે તરત જ સારવાર શરૂ કરી દીધી, ઓક્સિજનની પાઈપ લગાવી અને ડેક્સામેથાઝોન વગેરે દવાઓના ઇન્જેક્શન શરૂ કરી દીધાં. મેં પૂછયું તો કહે ૩૬ કલાક સુધી કંઈ કહી શકાય નહીં. અમે ધવલની જોડે બેઠા રહ્યા. બીજા દિવસે ૩૬ કલાક પૂરા થવાના સમયે તે ભાનમાં આવ્યો, બેઠો થયો અને પાછો સૂઈ ગયો. ત્રીજા દિવસે સવારે તે ઉઠ્યો ત્યારે નોર્મલ, ઊભો થાય, ચાલે પરંતુ કંઈ પૂછીએ તો બોલે નહીં, બસ સામે જોઈ રહે. તેના સ્પીચ પોંઈટ તરફના મગજ પર વાગેલું તેથી સ્પીચ જતી રહ્યાની શંકા ડો ભરપોડાને ગઈ સાંજ સુધી રાહ જોઈ પછી અમદાવાદ ન્યૂરોલોજીસ્ટ ડો. પ્રદ્યોત ઠાકરને ત્યાં લઈ જવા સલાહ આપી. અમે તે રાત્રે દસ વાગ્યે પ્રાંતની ફાટેલા હુડવાળી જીપમાં ધવલને લઈને અમદાવાદ રવાના થયાં. હું આગળ બેઠો હતો. ધવલને મારા ખોળામાં લીધો અને મનમાં હનુમાન દાદાનું નામ લઈ ધવલની રક્ષાની પ્રાર્થના ચાલુ કરી દીધી. લક્ષ્મી પાછળની સીટ પર બેઠી ચિંતા કરતી. રાત્રિની ઠંડક અને જીપનાં ફાટેલાં હુડમાંથી આવતો ઠંડો પવન અમને જોરથી અથડાતો. એ ઠંડકમાં ધવલને ખૂબ જ સારી ઊંડી ઊંઘ આવી ગઈ. જેવા સવારે અમે પાલડી ડો. પ્રધોત ઠાકરના દવાખાને પહોંચ્યા અને ધવલને ઉઠાડ્યો તો તે બોલતો થઈ અમારી સાથે વાતો કરવા લાગ્યો. ડો ઠાકરે આવી તેને તપાસ્યો અને કહ્યું કે બધું નોર્મલ જણાય છે. હાલ કોઈ બીજી સારવારની જરૂર નથી. ભવિષ્યમાં કોઈ તકલીફ થાય તો લેતા આવજો. ભગવાનની કૃપા કે ધવલ બચી ગયો અને તે ઈજા સંબંધિત કોઈ તકલીફ પછી તેને થઈ નહીં. પરંતુ એ જાણવું તો રહી ગયું કે એ પડ્યો ક્યાંથી અને કઈ રીતે? ગેસ્ટ હાઉસના રૂમની બાજુમાં બહાર ઉપરના રૂમ તરફ જવાની સીડી અને તે સીડી પરથી નીચેના રૂમની બારી ઉપરના વેધર શેડ પર જઈ શકાય. ઉજ્જવલ અને ધવલ એકબીજાને પકડાપકડી રમતાં હતાં. ઉજ્જવલનું બેલેન્સ સારું તેથી તે બારીના વેધરશેડ પર ચડીને પાછો આવતો રહ્યો. પરંતુ તેની કોપી કરવા જતાં ધવલ ત્યાંથી પડી નીચે જમીન પર પટકાયો. નીચે કપચી અને રેતી વેરાયેલા હતાં તેથી બેઠો માર વાગ્યો. ગેસ્ટ હાઉસની પ્લીન્થ સારી એવી ઊંચી તેથી વેધર શેડથી નીચે આશરે નવથી દસ ફૂટની ઊંચાઈ હશે. બીજાના ભરોસે છોકરાં મૂકીએ તો આવું થાય તેવો બોધ અમને થયો. મારી બા કહેતી ચેતતા નર સદા સુખી. સાવધાની હટી દુર્ઘટના ઘટી.
એક બુઝુર્ગ વૈદ્ય શ્રીરામ શર્માને કેમ ભૂલાય. ત્યારે તેમની ઉંમર હશે ૮૭ વર્ષ, પાતળાં અને નીચા. પેન્ટ શર્ટ અને માથે સફેદ ટોપી પહેરે. ધીમે ચાલે પરંતુ મગજની સુરતા ઊંચી. મને આયુર્વેદ ગમે તેથી શુદ્ધ જડીબુટ્ટીની હું તેમની સાથે ચર્ચા કરતો અને તેમણે બનાવેલાં એક બે ચૂર્ણ લેતો. તેઓ કહેતાં કે હ્રદય રોગ એ વાયુનો રોગ અને વાયુ આપણો પ્રાણવાયુ. તે કહેતાં કે હ્રદયમાં જે વીજળીનો કરંટ છે તે જ રામનામ છે. તેથી જેના રામ રૂઠ્યા હોય તેને હ્રદયરોગ થાય. હ્રદયની સારવાર માતે તેઓ દવાઓ સાથે રામનામને રામબાણ ઈલાજ ગણતાં.
શહેરમાંથી પરિચય તો ઘણાંનો થયો પરંતુ ડો. દિનેશ પંડ્યા, હુનૈદ જાંબુઘોડાવાલા અને હસમુખભાઈ ચૌધરી મિત્રો તરીકે કાયમ રહ્યાં. હુનૈદ અને તેના અબ્બુ નજીમુદ્દીન તો કોવીડ ૨૦૨૦માં અલ્લાહને પ્યારા થઈ ગયા પરંતુ તેમના કુટુંબનો સંપર્ક જીવંત છે. હસમુખભાઈ વડોદરા રહેવા જતાં રહ્યાં તેથી હવે દાહોદ જઈએ તો દિનેશભાઈ અને હુનૈદના કુટુંબને મળવાનું થાય. આ ઉપરાંત હર્ષદ સોની, ફકરૂદ્દીન ઢીલાવાલા તેમની દીકરી ઈન્સીયા અને જમાઈ મોઈઝ, મારા વખતમાં શહેરના મેયર બનેલ ગોપાલભાઈ ધાનકા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ . કિશોરભાઈ તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય લલિતકુમાર પટેલ વગેરે સાથે આજે વાત કરીએ એટલે ચાલીસ વર્ષ પહેલાની યાદો તાજી થઈ જાય. નવી પેઢીના જશવંતસિંહ ભાભોર આજેય આદર જાળવે. બદિયાભાઈનો પુત્ર પ્રવીણ ગોંદીયા IPS થઈ સારી સેવા બજાવેલ. ફકરૂદ્દીનભાઈનો જમાઈ મોઈઝ દાળ મિલ ચલાવે છે તેથી દાહોદને યાદ કરી આજે તેની પાસે દાળ મંગાવું તો પૈસા ન લે. હસમુખભાઈની સાસરી ઈન્દોરમાં બનતું ગોળ કેરીનું અથાણું તો હવે ક્યારેય ખાવા નહીં મળે. કેરીનું એવું સ્વાદિષ્ટ અથાણું મેં બીજું કોઈ જોયું નથી.
દાહોદમાં અમે બે વર્ષ રહ્યા. ઉજ્જવલ ધવલ સેંટ સિટીફન્સ સ્કૂલમાં ભણ્યાં. આજે ૩૬ વર્ષ પછી ત્યાં જીવેલી પળેપળ એવીને એવી યાદ છે.
Nice
ReplyDelete