IAS@1985ની બેચના અમે ૧૬૦ અધિકારીઓ. ઓગસ્ટ થી ડિસેમ્બર ૧૯૮૫માં ફાઉન્ડેશન તાલીમ, પંદર દિવસનું ભારત દર્શન, દિલ્હીમાં રાષ્ટ્રપતિ ઝૈલસિંહને રાષ્ટ્રપતિ ભવનમાં અને પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને ૭, રેસકોર્સ રોડ પરના નિવાસે મળી સંસદભવનની મુલાકાત અને સંસદની કાર્ય પદ્ધતિની જાણકારી મેળવી અમે ફેઝ-૧ની તાલીમ માટે ફરી મસૂરી એકડમી પહોંચ્યા અને ફેઝ-૧ તાલીમ પતાવી જૂન ૧૦, ૧૯૮૬થી અમને ફાળવેલા રાજ્યો અને જિલ્લામાં સુપરનુમરરી મદદનીશ કલેક્ટર તરીકે હાજર થયાં.
મસૂરીમાં તાલીમ માટે તારીખ ૨૬ ઓગસ્ટ ૧૯૮૫ નારોજ હાજર થયા તે તારીખથી અમારી IASમાં નિમણૂક થઈ. બધાં કાડર એલોટમેન્ટની રાહ જોતાં હતાં. અમે યુપીએસસી ફોર્મ ભર્યું ત્યારે ઝોન પસંદગી મુજબ જેમને ઇન્સાઈડર બેઠક નહોતી મળવાની તેઓ પોતપોતાની પસંદગીના ઝોનનો ઓપ્શન આપેલો તેથી તેમને મળનાર સંભવિત રાજ્યની ચર્ચામાં તેઓ વ્યસ્ત રહેતાં. બરાબર એ જ સમયે ૨૧ સપ્ટેમ્બર ૧૯૮૫ ના રોજ મીનીસ્ટ્રી ઓફ પર્સોનેલમાં રાજ્ય મંત્રી તરીકે પી. ચિદમ્બરમ જોડાયા જેમણે અમારા ઘણાં બેચમેટ્સનું ભાગ્ય પલટી નાખ્યું. તેઓ એક નવી ફોર્મ્યુલા લાવ્યા. બધાં રાજ્યોને સારી મેરિટવાળા ઉમેદવારો મળવા જોઈએ તેવા તર્કથી તેમણે ઝોન પસંદગી પ્રથા રદ કરી નાંખી. એકવાર ઈન્સાઈડર કોટાની ફાળવણી થઈ જાય પછી બાકી બધાને એક તરફ મેરીટ નંબરની યાદી અને બીજી તરફ એબીસીડી મુજબ રાજ્યોની યાદી બનાવી એક પછી એક જેનો વારો જ્યાં આવે ત્યાં ગોઠવી દેવાના.
૧૨ ઓક્ટોબર ૧૯૮૫ના રોજ જ્યારે કાડર એલોટમેન્ટની યાદી આવી ત્યારે ભારે અસંતોષ વ્યાપ્યો. અસરગ્રસ્તોએ રજૂઆત કરી પણ નિષ્ફળ રહ્યા. ઘણાંનો IAS થવાનો આનંદ ખાટો થઈ ગયો. ૩૩ નંબર મેરીટવાળા મારા બેચમેટ, મસૂરી નર્મદા હોસ્ટેલમાં પડોશી અને મિત્ર લિંગમ વેંકટ રેડ્ડીને નાગાલેંડ કાડર મળી. જયાં પછીથી ૧૯૯૫માં તેઓ કોહિમા નાયબ કમિશ્નર (કલેકટર) હતાં ત્યારે તેમના સરકારી નિવાસના પોર્ચમાં ઊભેલી કારમાં બેસી નવી બદલીના સ્થળે હાજર થવા બસ નીકળતા જ હતાં ત્યાં મીલીટન્ટોએ આવી તેમની હત્યા કરી નાંખી. એ ફાળવણી ફેરફારની મોટી કરૂણાંતિકા હતી.
ગુજરાત કાડરમાં અમે બાર અધિકારીઓ ફાળવાયા હતા. અનિલ મુકીમ અને હું તો ઇન્સાઈડર તરીકે ગોઠવાયા. પરંતુ બાકી દસ પૈકી સુસ્મિત કુમારે ફેઝ-૧માં જ તાલીમમાંથી રાજીનામું આપી દીધું અને બીજા કેટલાક વ્યથિત રહ્યાં. અમે આવી પહેલાં અમારા ફાળવણી જિલ્લામાં હાજર થઈ સ્પીપાની તાલીમ સૂચિમાં જોડાયા.
અમે સ્પીપા તાલીમમાં આવ્યા એટલે અનિલ અને હું અમદાવાદી તેથી અમે બંને અમારે ઘેર રહ્યા પરંતુ અમારા બાકી નવ બેચમેટ વિશ્રામ ગૃહ, અમદાવાદ ખાતે રોકાયા જ્યાં તેમનો ઘણો સમય કેડર એલોટનેન્ટના અન્યાયની ચર્ચામાં જતો. વિશ્રામ ગૃહ અમદાવાદમાં જમવામાં તેમને વિનોદ થતો. ત્યાંનો રસોયો તેમને ભાત ટી-સ્પૂનથી પીરસતો જાણે હીરા-મોતી પીરસતો હોય. તેને ટોક્યો એટલે વાટકો ભરી મૂકવા માંડ્યો. ગુજરાત નબળી કાડર છે અને જમવાનું બધું ગળ્યું હોય છે તે એવું તો ચાલ્યું કે પછીથી બાર્બરા મારવીન જિલ્લા તાલીમમાંથી રાજીનામું આપી જતા રહ્યા અને અનીતા ભટ્ટનાગરે પછીથી ઉત્તર પ્રદેશ કાડરનો ફેરફાર લઈ લીધો. હું મારે ઘેર રહું તેથી મારા બેચમેટ રોજ મને કહે ઘર બતાવ, ઘર બતાવ; તેથી અતિ સંકોચ સાથે હું તેમને ચાલીના સ્લમ્સમાં લઈ ગયો હતો. બે-ત્રણ જણ સિવાય તેઓ આવ્યા. ખબર નહીં તેમના મનસ્થિતિ પર તે મુલાકાતે કેવી અસર ઊભી કરી હશે? પરંતુ તેમણે ક્યારેય એની ચર્ચા ન કરી.
અમે રાજ્યપાલ આર. કે. ત્રિવેદીને કોલ ઓન કરવા ગયા ત્યારે પ્રથમગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયેલો. અમે સૌ બંધ ગળાનો કોટ-સુટ-બુટ પહેરી ગયેલાં પરંતુ અમારામાંથી એક અધિકારી પેન્ટ-શર્ટ-ચપ્પલ પહેરી આવેલ. સામેથી ઠપકો આવ્યો તો બચાવમાં કહે બટનઅપ સીવડાવવા સરકારે ક્યાં રૂપિયા આપ્યા છે? અમે વિવેક મુલાકાતના ભાગરૂપે મુખ્ય સચિવ આર.વીં. ચંદ્રમૌલિ અને મહેસૂલ સચિવ એન. ગોપાલસ્વામીને મળ્યાં. ગોપાલસ્વામી સાહેબે તેમના સેક્ટર-૧૯નાં નિવાસસ્થાને અમારી બેંચને ભોજન કરાવ્યું હતું. અમને પ્લેટ આપવા સાહેબ સ્વયં ઉભા રહ્યાં હતાં.
સ્પીપામાં અમને આમંત્રિત વક્તામાં એન. વિઠ્ઠલ સાહેબને સાંભળવા મળ્યાં. તેઓ જીએનએફસીના મેનેજીંગ ડિરેક્ટર. તેઓએ નિખાલસ રીતે સ્પીપાની શરૂઆત GITA (Gujarat Institute of Training and Administration) તરીકે કરી હતી જે હિંદુ ધર્મ પુસ્તક ગીતાથી પ્રેરિત હતું. સંયોગથી તેમની પત્નીનું નામ પણ ગીતા હતું. તેમણે GNFCની સફળતાની સાથે ગિરનાર સ્કૂટરના સાહસ (Gujarat Narmada Auto Limited) અને તેની નિષ્ફળતાની પણ વાત કરી. પરંતુ વધુ મહત્વનું ગુજરાત સરકારનું શિરમોર રત્ન જેવું જીએનએફસી તેમણે ખડું કર્યું તે કહાની રોચક હતી. અમારી ક્ષેત્રીય મુલાકાતમા જીએનએફસીની મુલાકાત અસરદાર રહી અને તેનું કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ભોજન યાદ રહ્યાં. બીજા એક આઈએએસ વક્તા આખાબોલા હતાં. અમારામાંથી એકે પૂછયું, ગુજરાત કાડરમાં આઈએએસ અધિકારીઓમાં ભાઈચારો કેવો? તેમના મોઢેથી ગાળ નીકળી ગઈ. કહે, અહીં કોઈ કોઈનું નથી. જ્યારે મુસીબતમાં આવો તો પોતાનો બચાવ પોતે જ કરવાનો.
સ્પીપાની તાલીમમાં વર્ગખંડમાં મને કંટાળો આવે. અમારી સાથે GASના અધિકારીઓ. અનીસ માંકડ અને અમે બે જોડે બેસીએ. મારી બાને રાશિ ભવિષ્યમાં બહુ રસ. મને દર રવિવારે રાશિ ભવિષ્યની કોલમ વંચાવતી. તેની અને મારી રાશિ એક એટલે હું પણ રસ લેતો થયો પરંતુ કોનો સ્વામી ક્યાં શું કરે છે અને તેની આપણાં જીવન પર શી અસર થાય છે તેની ગતાગમ ન પડે. અનીસભાઈ ખૂબ સારું જ્યોતિષ જાણે તેથી એક બાજુ વર્ગ ચાલે અને અમે ચોકડી દોરી પૃથ્વી ઉપરના ગ્લોબના ગોળાને ૩૬૦ અંશ પર ચઢાવી તેના બાર ભાગ કરી જ્યોતિષ ચલાવીએ. હું દરેક રાશિના માલિકો, ઉચ્ચ-નીચ-સ્વગૃહી થતાં ગ્રહો, તેમની શુભાશુભ દૃષ્ટિ, શુભ સ્થાનો, ત્રિકોણ, ત્રિક, શુભ-અશુભ-ક્રૂર ગ્રહો, તેમની વચ્ચે મૈત્રી-શત્રુત્વ, વિશોત્તરી મહાદશા, નવાંશ, વગેરે પરિભાષાઓ સમજતો ગયો અને ઘેડ બેસાડતો ગયો. આપણે આંકડાશાસ્ત્રના વિદ્યાર્થી તેથી બાકીનું કામ મારા મગજે સંભાળી લીધું અને હ્રદયમાં શુદ્ધિકરણ જાળવેલું તેથી જ્યોતિષ વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ. તાલીમ સમયનો આટલો ઉત્પાદક ઉપયોગ કોણે કર્યો હશે?
કાડરના એક મહારથી હમીદ કબીરુલ્લા ખાન સાહેબનો (popularity known as HK Khan) પરિચય અમને અમદાવાદની કામા હોટલમાં થયો. તેઓ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ. IAS પ્રોબેશ્નરોને કાડરના અધિકારીઓને પરિચય થાય અને સારું વ્યંજન જમવા મળે તે મારે get togetherની એ પ્રથા મુજબ તેમના સૂચિત કોઈ એકમ દ્વારા (probably GIIC) એક સાંજે કામા હોટલમાં પાર્ટી હતી. ફિલ્મી હીરો ફિરોઝખાન જેવા દેખાતા ખાન સાહેબ બંધ ગળાની આખી બાંયવાળી ટીશર્ટ અને જીન્સ પહેરી અમારી સાથે ડીનરમાં જોડાયા ત્યારે આકર્ષક વ્યક્તિત્વ તરીકે તેઓ સૌનું ધ્યાન ખેંચતા. ખાન સાહેબને ટી શર્ટ -જીન્સમાં જોઈ મને રાજ્યપાલની મુલાકાતવાળો અમારા બેચમેટનો પેન્ટ-ચપ્પલવાળો પ્રસંગ યાદ આવી ગયો. થયું કે સીનીયર થઈશું એટલે છૂટછાટો લઈશું. બાકી એકેડમીમાં તો બધું ઠાંસીને ભરેલું, ક્યા પ્રસંગે શું પહેરાય, શું ન પહેરાય, ફોર્મલ ભોજનમાં ચમચી કાંટા કેમ પકડાય વગેરે વગેરે. પાંચ આંગળીના ચમચે જમતાં ભારતીયોના વહીવટ માટે શીખવાતી અંગ્રેજી રીતભાતો મને આશ્ચર્ય જન્માવતી.
ગુજરાત દર્શનના ભાગરૂપ અમે અમુલ આણંદની મુલાકાત લીધી. એક વ્યક્તિ કુરિયન અને તેમના વિચારની સાથે ઊભેલા ખેડા જિલ્લાના પટેલ આગેવાનો ખાસ કરીને ત્રિભુવનદાસ પટેલે અંગ્રેજી પોલ્શનમાંથી છૂટી અમૂલનું સુંદર નજરાણું દેશને ભેંટ ધર્યું તેની કહાની રોચક હતી. જોકે તેમનો ધારા સીંગતેલ પ્રયોગ સફળ ન થયો. કુરિયન સાહેબ સાથે વાર્તાલાપ કરતાં તેમનો આઈએએસ અધિકારીઓ પ્રત્યેનો અણગમો અછાનો નહોતો રહ્યો.
ગુજરાત એક અછતગ્રસ્ત રાજ્ય. અમારો કાડર પ્રવેશ પણ અછતના વર્ષથી થયો. ૧૯૬૦માં ગુજરાત બન્યું ત્યારથી સરકારોએ નદીઓના પાણી રોકવા બંધ બનાવી બહુહેતુક યોજનાઓ બનાવી અમલ કર્યો હતો. એ વખતે ઉકાઈ સૌથી મોટો ડેમ અને યોજના હતી. તે ઉપરાંત પાનમ, કડાણા જાણીતાં હતાં. નર્મદા યોજનાનો ચુકાદો આવી ગયો હતો પરંતુ બંધની ઊંચાઈ અને મધ્યપ્રદેશના વિસ્થાપિતોના પ્રશ્ને તેના અમલમાં હજી આડખીલીઓ આવી રહી હતી. અમે ધરોઈ ડેમની મુલાકાત લીધી. ત્યાં એક લારીમાં ઠંડી જલેબી જોઈ અમારા બેચમેટ દીનાનાથ પાંડેએ જલેબીવાળાને પૂછયું શું જલેબી તાજી છે? પેલાં ભાઈએ કહ્યું, હા તાજી છે. ત્રણ-ચાર દિવસ પહેલાંની જ બનાવેલી છે. અમે પાનમ યોજનાનો અભ્યાસ કરવા તેના ગેસ્ટ હાઉસમાં એક રાત રોકાયા હતાં. તે રાત્રે મારી મોડે સુધી વાતો કરવાની આદતને કારણે મારા એક બેચમેટ કોઈ મોકો ચૂકી ગયાનો વસવસો મારી સમક્ષ વ્યક્ત કરતાં. ઉકાઈની મુલાકાતમાં અમને નર્મદા યોજનાના વિસ્થાપિતોના પ્રશ્નોના ઉકેલ દેખાયા. એકવાર દાખલો ગણેલો છે તેથી બીજીવાર સરળતાથી અમલ કરી શકાય, જો તેના ભાગીદારો સંમત હોય. અમારી વલસાડની મુલાકાતમાં ત્યાંના જિલ્લા વિકાસ અધિકારી અરૂણકુમાર સુતરિયા સાહેબ અને તેમની પત્નીએ અમને સૌને જમાડેલા. તીથલનો પહેલીવાર જોયેલો દરિયાકિનારો મને સુંદર લાગ્યો.
વર્ગખંડની તાલીમ, સચિવાલયની શાખા મુલાકાત, ગુજરાત દર્શન, મહેસૂલી હાયરગ્રેડ પરીક્ષા પછી અમે અમારા પોતપોતાના જિલ્લાની તાલીમમાં પાછા ફર્યા. હું પણ ગોધરા ભેળો થયો. મને સુપરન્યુમરરી આસીસ્ટન્ટ કલેકટર તરીકે તાલીમ માટે પંચમહાલ જિલ્લો મળ્યો હતો.
ગોધરા તાલુકાના એક ગામમાં તલાટી સાથેની તાલીમમાં મને એક જાણીતી કહેવતની ખબર પડી જે મહેસૂલી તંત્રમાં તલાટીનું મહત્વ નક્કી કરતી હતી. “કલેક્ટર કરે કકળાટ, મામલતદાર મૂંઝાય, સર્કલ બિચારો શું કરે? તલાટી કરે તે થાય”. શાળાના આચાર્ય પછી તલાટીનું ગામમાં બહું મોટું માન. તેમને જરૂરી દાણોપાણી ઘીની વ્યવસ્થા ગામ જ કરી આપે. સરપંચનું મુખ્ય કામ જ તલાટી સાહેબને સાચવવાના. એન્ડરસનના નમૂના મુજબનું મહેસૂલી રેકર્ડ ત્યારે તલાટી નિભાવતા અને તેમની જોડે રહેતું. ચૂંટાયેલો સરપંચ તે રેકર્ડનું પોટકું પકડી ચાલે તેને તે અહોભાવ ગણતો અને પોલીસ પટેલ તો જાણે તેની આજ્ઞામાં રહી કામ કરતો પટાવાળો.
તલાટી પાસે એક થી વધુ ગામો રહેતાં તેથી તે ક્યાં ગામમાં હોય તેની તલાટી સિવાય કોઈને ખબર ન પડે. જે દિવસે પંચાયત ઘર હોય અને તેનું તાળું ખુલે અથવા સરપંચના ઘેર કે ગામના ચોરે તલાટી આવ્યાની ખબર પહોંચે એટલે જેને તેમની જરૂર હોય તે હમધા બધા કામ, ઘર, ખેતર, જ્યાં હોય ત્યાંથી દોડીને પહોંચી જાય. તલાટી ધારે તો જ ૭/૧૨ના ઉતારાની નકલ મળે. નકલ મળે તો બેંકવાળા લોન આપવા ન આપવાનું વિચારે ને? તે ધારે તો વારસાઈ, વેચાણની ફેરફાર નોંધ થાય. તે હોય તો જન્મ મરણ નોંધાય. તે ધારે તો રાશનકાર્ડ છૂટું થવાની પ્રકિયા આગળ વધે. દર દસ વર્ષે મહેસૂલી ૭/૧૨ના ચોપડા નવા લખાય ત્યારે પ્રમોલગેશન રેકર્ડમાં તલાટી ક્યારે કોની જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવી દે, ગધા કલમ ૪૩નું નિયંત્રણ હટાવી લે, ૭૩AA ભૂંસી નાંખે, કે પછી વાડા પત્રકમાં વધઘટ કરી નાંખે, તલાટી સિવાય કોઈને ખબર ન પડે. સાહેબોને તો ક્યાંક કોઈક એપેન્ડીક્ષ-એ ભરવા જાય અને ઝીણવટપૂર્વક તપાસે ત્યારે ખબર પડે. નહીંતર આરટીએસ અપીલોમાં તલાટી સાહેબ બતાવે તે પાનાં જોવાના અને નમૂના ૬ની નોંધો વાંચવાની. હવે તો બધું ઈ-રેકોર્ડ થઈ ગયું છે. પરંતુ જ્યારે ઈ-ધરા આવ્યું ત્યારે ઘણાં નાયબ મામલતદારોના અંગૂઠાઓએ જે કામ તલાટીઓ ચાલીસ વર્ષમાં ન કરી શક્યા તે તેમણે ચાલીસ મહિનામાં કરી બતાવ્યું હોવાની અફવા ચાલતી. વીજળીના ચમકારે ફેરફાર થઈ જાય.
મારે ગોધરા નજીકના જે ગામની તાલીમ હતી તેનો તલાટી અનુભવી. તેણે રેવન્યુ રેકર્ડ બારીકાઈથી સમજાવ્યું તો ખરું પરંતુ તેમાં થઈ રહેલી ગેરરીતિને કેવીરીતે પકડવી તેના હથિયારો પણ સમજાવી દીધા. ૭/૧૨ પરની માહિતીનું નમૂના નં૬ની નોંધો સાથે મેળવણું, કાયમ ખરડો અને ડીઆઈએલઆરનું કમીજાસ્તી પત્રક, ગણોત ધારાના નિયંત્રણો વગેરે સરસ સમજાવ્યા. તે વખતે રેવન્યુ કમ પંચાયત તલાટી, તેથી પંચાયત રેકર્ડ અને પંચાયતી રાજ સીસ્ટમની સમજ પણ આપી. જે બધું મને પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર અને મહેસૂલ વિભાગની સેવાઓમાં કામ આવ્યું.
કલેકટર કચેરીમાં RDC પદ અતિ મહત્વનું. કલેક્ટર સાહેબને મળવું બધાને ડર લાગે. જે મળવા જાય તેને બેસી રહેવું પડે અને વારો આવે ત્યારે ટૂંકમાં શિષ્ટાચાર પૂર્વક વાત કરી નીકળી જવાનું તેથી મુલાકાતનો ભાર લાગે. પરંતુ નિવાસી નાયબ કલેક્ટરની ચેમ્બરમાં બધાં હળવાશ અનુભવે. ધારાસભ્યો અને સંસદસભ્ય RDCને જ સાધે. મહેસૂલી શાખા, તેનો ચીટનીસ, નાયબ મામલતદાર બધું RDCના કબજામાં તેથી કલેક્ટર સાહેબને પણ કોઈ કામ કરાવવું હોય તો કદાચ તેમને ભલામણ કરવી પડે. અમારે પંચમહાલમાં RDC તરીકે દિલીપભાઈ ધારૈયા પછી કનુભાઈ પટેલ આવેલાં. તે વખતે નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાના કલેક્ટરના અધિકારો પ્રાંત ભોગવે. ૭૩ AAની આદિવાસી થી આદિવાસી વેચાણની મંજૂરી પણ ડેલીગેટ થયેલી. હું મસૂરી ફેઝ-૨ તાલીમમાં હતો. તે દરમ્યાન દાહોદ પ્રાંત અધિકારી ભગુભાઈ ચૌધરીની બદલી નજીક આવી કે કોઈ ફરિયાદ થઈ, કલેક્ટરની સૂચનાથી કે પછી RDCના શુદ્ધ-અશુદ્ધ આશયથી, પ્રાંત અધિકારીના ઉપર્યુક્ત મહેસુલી અધિકારો પાછા ખેંચી લેવાયા. તેને કારણે પ્રાંત કચેરીનું મહેસુલી મહત્વ ઘટેલ. એક તરફ વ્યક્તિગત કારણોસર કલેકટર સાહેબ જેમ જેમ પ્રજાતંત્રથી દૂર થતાં ગયા તેમ તેમ RDCનું મહત્વ વધ્યું અને પંચમહાલ જિલ્લો તેમને ફળ્યો.
તે વખતે પણ નવી શરતમાંથી જૂની શરત કરવી, બિનખેતી કરવી, ૭૩ AAના કેસો, વગેરે આજ જેવી જ કથા. ફર્ક એટલો કે ત્યારે સોંઘવારી અને અત્યારે મોંઘવારી. પુરવઠા ખાતુ ત્યારે રેગ્યુલેટરી એટલે મહત્વનું. આદિવાસીઓ ઘઉં ખાય નહીં તેથી રેશનીંગના ઘઉં આટામિલોમાં જવાની ફરિયાદો ઉઠતી. જેટલી ફરિયાદો એટલો ફાયદો. લેન્ડ ગ્રેબિંગની સાથે કાળાબજારના પાસા કેસો ચર્ચાએ ચડતા. જમીન સુધારણા એક ત્રીજી કચેરી. ગણોતધારાના જૂના કેસો તો પૂરા થઈ ગયેલ પણ ક્યાંક કંઈક રહી ગયું હોય તે ચાલે. ઈવેક્યુ મિલ્કતો હવે બહુ રહી ન હતી તેથી તે વિષય ક્યારેક જ આવતો. મધ્યાહ્ન ભોજન અને તેના મસાલા તેલના બિલો હવે જાહેર ચર્ચામાં આવી રહ્યા હતાં. પરંતુ સંકલન, અછત રાહત પછી ત્રીજી સૌથી મહત્ત્વની બેઠકો જિલ્લા અને તાલુકા આયોજનોની રહેતી. વિવેકાધીન અને પ્રોત્સાહક ગ્રાન્ટનો વિચાર લોકતંત્રને ગામ સુધી લઈ ગયો હતો.
કલેક્ટર કચેરીમાં ત્રીજા શનિવારે થતી સંકલન સમિતિની બેઠક જાણે મીની એસેમ્બલી. મહારથી એવા ધારાસભ્યશ્રીઓ શાંતિભાઈ પટેલ, પ્રભાતસિંહ ચૌહાણ, અબ્દુલ રહીમ ખાલપા, વિરજી મુનિયા, હરગોવિંદ ઉપાધ્યાય, પ્રબોધ પંડ્યા, ઉદેસિંહ બારીયા, જશવંતસિંહ પરમાર, રમણ પટેલ,, લલિતકુમાર પટેલ, દીતાભાઈ મછાર, માલસિહ ડામોર, બદિયાભાઈ ગોંદિયા વગેરેનો સામનો કરવાં અધિકારીઓએ ખૂબ તૈયારી કરવી પડતી. મીટીંગ પૂરી થાય ત્યારે તેમને હાશ છૂટ્યાનો અનુભવ થતો. જિલ્લા પંચાયતના એ વખતના પ્રમુખ કિશોરભાઈ ભૂલાભાઈ પટેલ સરળ અને સાદાં. તેમના પછી આવેલાં ડો. કિશોર તાવિયાડ પણ સજ્જન પુરુષ. જિલ્લા સંકલન સમિતિ ઉપરાંત આયોજન મંડળની પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાતી જિલ્લા આયોજન મંડળની અને અછત હોવાથી જિલ્લા અછત રાહત સમિતિની બેઠકો મહત્વપૂર્ણ રહેતી. આખો જિલ્લો અને જિલ્લાના પ્રશ્નો એક જ ઠેકાણે જાણવા મળી જાય. હેન્ડ પંપનો જમાનો. કેટલાં નવાં બન્યાં અને કેટલાં ફેઈલ ગયાની મોટી ચર્ચા થાય. તેમાંય રીપેરીંગ કર્યા વગરના હેંડ પંપ લોકો ટેંકર પાછળ દોડે અને બીજી બાજુ કોન્ટ્રાક્ટરના ફેરા વધે.
ગોધરા તાલીમ દરમ્યાન મારી પહેલી રાજકીય કસોટી થઈ. ઈન્ચાર્જ પ્રાંત અધિકારી તરીકે તાલુકા પંચાયત ગોધરાના પ્રમુખની ચૂંટણી કરવા હું ચૂંટણી અધિકારી બન્યો. કોઈ પક્ષને બહુમતી નહીં. સ્થાનિક, સક્રિય અને બોલકા ધારાસભ્ય ખાલપાની ઈચ્છા કે હું ચૂંટણીમાં વિક્ષેપનું બહાનું કરી મુલતવી રાખું. મેં શિસ્ત અને સંયમથી ચૂંટણી કાર્યનું સંચાલન કર્યું અને એક મતની બહુમતીથી અપક્ષ સભ્ય સી. કે. રાઉલજી તાલુકા પંચાયત ગોધરાના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. રાજકીય દબાણો વચ્ચે નિષ્પક્ષ રહેવાનો પહેલો પાઠ મેં ખરો કર્યો.
ગોધરાની અમારી ઓફિસર્સ ક્લબ સક્રિય. એક ચોકીદાર કાળુભાઈ સંભાળ રાખે. અમે શટલ કોક તોડીએ એટલે નવું કાઢી આપે. દરરોજ સાંજ પડે ડો. આર. કે. પટેલ અને તેમનાં પત્ની, આરટીઓ શાહ, સિવિલમાંથી સિવિલ સર્જન ડો. ડામોર, ડો. આર. એમ. મકવાણા (મહેતા) અને તેમના પત્ની શશી, જૂના ગોધરા સ્ટેટના રાઉલજી અને તેમની દીકરી, વગેરે પૈકી પાંચ સાત જણ તો ભેળાં થઈ જતાં. કલેક્ટર અને ડીડીઓ સાહેબ કોઈક દિવસ આવે. મને સાંજે સફેદ ચડ્ડી અને ટી શર્ટ પહેરી હાથમાં બેડમિંટનનું રેકેટ ઘુમાવતા સરકીટ હાઉસથી ચાલતાં ક્લબ જવાનો આનંદ આવતો. બેડમિંટન કેવું આવડે છે તે પ્રશ્ન અસ્થાને હતો. ક્લબમાં એક બિલિયર્ડનું ટેબલ પણ હતું. બંને રમતો મેં મસૂરીમાં પહેલીવાર જોએલી અને શીખેલી તેથી આપણું ગાડું ગબડતું.
કલેક્ટર અમારા રાજા સાહેબ, આકર્ષક દેખાવ અને કુંવારા. મોઢામાં જર્દાવાળું પાન અને પોતાના અલગ અંદાજમા રહે. તેઓ ધીમા અવાજે ઓછું બોલે. તેઓ ઉશ્કેરાઈને કદી ગુસ્સે ન થાય. બસ તેમનો ચહેરો અને આંખોનો હાવભાવ સામેનાને ધૂ્જવવા પૂરતો થઈ જાય. કલેક્ટરનું નિવાસ સ્થાન કચેરીને અડકીને તેથી તેઓ અનુકૂળતા મુજબ કચેરીમાં આવે. મુલાકાતીઓને મળે, મિટિંગો કરે અને જતા રહે. તેમના ટેબલ પર એકપણ ફાઈલ ન જોવા મળે કેમકે ફાઈલોનું કામ તેઓ નિવાસસ્થાનેથી કરતાં. મારી તાલીમ નિયત શિડ્યુલ મુજબ ચાલતી. કલેક્ટર કચેરીની લગભગ બધી મહત્ત્વની બેઠકોમાં હું હાજર રહેતો. કલેકટર સાહેબ સાથેના અટેચમેન્ટમાં તેમની ચેમ્બરમાં જઈ ટેબલને અડકીને મૂકેલી જમણી તરફની ખુરશીમાં બેસી જતો. મારું કામ માત્ર સાહેબ બધાંને મળે, રજૂઆતો સાંભળે, તેમને તેઓ જવાબ આપે, અપીલ કેસોનું હીયરીંગ કરે, સભાખંડમાં બેઠકો કરે તેનું અવલોકન કરવાનું અને છૂટા પડવાનું.
તેઓ મિતભાષી અને અંતર્મુખ. કોઈનું બૂરું કરવાની વૃત્તિ નહીં. પરંતુ ન તો મને તાલીમ સંબંધી કોઈ શિખામણ આપે, ન સાથે ભોજન માટે આમંત્રણ આપે. તેમણે મારી સગવડ-અગવડનું કંઈ પણ પૂછયું નહીં પરંતુ જે રીતે RDC અને બીજાં બધાં દોડીને મદદ કરતાં, તેમની સૂચના હોવાની. ગોધરામાં જેવાં નવાં ફલેટ્સનું યુનિટ તૈયાર થયું કે તરત જ જિલ્લા મકાન એલોટમેન્ટ સમિતિની બેઠકના એજન્ડામાં મને એક ફ્લેટ ફાળવવાની દરખાસ્ત તેમણે તરત જ મંજૂર કરી દીધી. મારુ કુટુંબ મારી સાથે આવી ગયું.
તેમના અંગત જીવનની કંઈ ખબર ન પડે.,એકાદ વારના અંતરંગ વાર્તાલાપમાં એટલી વાત તો ખબર પડી કે યુવાનીમાં તેઓ ફૂટબોલ અને બાસ્કેટબોલના સારાં ખેલાડી હતાં અને રાજ્ય ચેમ્પિયન હતાં. બાકી તો એ મને કંઈ ન પૂછે, અને વિવ્નક મર્યાદાને કારણે હું મોઢું ખોલી શકું. એમનો સ્વભાવ અંતર્મુખ અને મારો બહિર્મુખ તેથી અમારી વચ્ચે એક પ્રકારની અજ્ઞાત દિવાલનો અમે બંને અનુભવ કરતાં.
તેમના વિશે લોકો ભાતભાતની વાતો (hearsay) અફવા ફેલાવે. સાહેબ દિલના તેઓ સાવ ભોળા. એવા ભોળા કે નીચેના અધિકારીઓ સાહેબને ભોળવી તેમની સહીઓ કરાવી કમાઈ લેતાંની વાતો ઉડતી. તેમની સાથેનો મારો યોગ તાલીમ વર્ષ અને પછી પ્રાંત અધિકારી દાહોદ તરીકે બીજા છ-સાત મહિના કામ કરવાનો રહ્યો.
તે ગાળાના બનેલ બેએક પ્રસંગોની નોંધ લેવી ઘટે.
એ વખતે સળંગ ત્રણ વર્ષ અછત આવી. રાહતકામો અને તેનું સંચાલન પ્રશ્નો તો જિલ્લા વિકાસ અધિકારી અને તેમના તાલુકા વિકાસ અધિકારીઓ કરે પરંતુ અછતનું તંત્ર કલેક્ટરના માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ ચાલે તેથી માત્ર રાહતકામો એકલા જ નહીં, પીવાના પાણીની સમસ્યા, ઢોરવાડા, મજૂરોને ચૂકવણી, મજૂરોના કામના સ્થળે વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા, વગેરે બધી બાબતોની સમીક્ષા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા અછત રાહત સમિતિમાં થતી. જિલ્લાના દરેક ખાતાના ટોચના અધિકારીઓ ઉપરાંત તેમાં સંસદ સભ્ય અને ધારાસભ્યશ્રીઓ આવે એટલે બેઠક હાઈ વોલ્ટેજ બની જાય. પંચમહાલ જિલ્લો બે લાખ જેટલા મજૂરોને અછત રાહત કામથી રોજગારી આપી રાજ્યમાં અગ્રેસર રહેતો. આટલું મોટું સંચાલન હોય તો નાની નાની ફરિયાદો તો રહેવાની, પરંતુ એ સંચાલન અને તેના સંચાલકો સફળ રહ્યાં. સૌને યશ મળ્યો.
તે સમયે રાજ્યમાં અછત રાહતનું રાજ્ય કક્ષાનું મોનીટરીંગ, નિયંત્રણ, સૂચના આપવાનું કામ રાહત કમિશનર કરતાં. રાહત મેન્યુઅલ તેમનું હથિયાર. એક વખતે જિલ્લા અછત રાહત સમિતિની બેઠકમાં તે વખતના રાહત કમિશનર સ્વર્ણ લતા વર્મા મેડમ આવેલા. શિષ્ટાચાર મુજબ સ્વાભાવિક છે કે તેઓ હાજર હોય તે જિલ્લા અછત રાહત સમિતિની બેઠકના અધ્યક્ષની ખુરશીમાં તેઓ બેસે. પરંતુ તેમને અને અમારા કલેક્ટર સાહેબને ખબર નહી કેવો સંબંધ? બેઠકની શરૂઆતમાં એક ધારાસભ્ય મારફત અધ્યક્ષની ખુરશી પર તો કલેકટર સાહેબ જ બેસે તેવો રજૂઆત થઈ જેથી ખુરશી અદલાબદલી કરી કલેક્ટર વચ્ચેની ચેર પર બેઠા અને રાહત કમિશનર બહેન બાજુની. બહેનશ્રી એક વખતના પંચમહાલ કલેક્ટર અને ગોધરાના કર્ફ્યૂ માટે જાણીતું નામ તેથી જોનારા સૌએ તે દિવસની બેઠકનો સ્વાદ તૂરો અનુભવ્યો.
સાહેબ કુંવારા અને દેખાવડા તેથી પંચમહાલ કલેકટરીમાં તેમનો સૂરજ સોળે કળાએ ખીલ્યો હતો. તેથી તેમની ચાલીસીમાં કોઈ હિતેચ્છુએ વડોદરાથી એક સગપણ લાવી તેમનાં લગ્ન કરાવ્યા. પરંતુ પતિ પત્નીમાં મનમેળ ઓછો અને ઝઘડા વધુ રહ્યા. તેથી તેમનો સંસાર માંડ ચાર-છ મહિનામાં ચાલ્યો. એક સવારે તેમના પત્ની તેમને છોડી ગોધરા બસ સ્ટેશનથી બસ પકડી રિસામણે તેમના પિયર વડોદરા જતાં રહ્યા. માનસિક સંઘર્ષ અને એકલતાના એ દિવસોમાં તેમનું વ્યસન વધ્યું. શું ધ્વજવંદન કે શું કચેરી તેમની જાહેર શિસ્તમાં ફેરબદલ આવ્યો. ડિપ્રેશનના એ સમયે તેમણે લીધેલી એક પિસ્તોલે તેમની કારકિર્દીને રોળી નાંખી.
૧૯૮૮ના શિયાળામાં તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની અધ્યક્ષતામાં વહીવટી સુધારણા કાર્યક્રમના ભાગરૂપ NIRD હૈદરાબાદમાં કલેક્ટર કોન્ફરન્સ યોજાયેલ. અમારા કલેક્ટર સાહેબનો તે વખતે જિલ્લામાં શાહી મિજાજ અને પત્ની સાથેના કજિયાને કારણે કદાચ ડિપ્રેશનમાં. તેમને શું સૂઝ્યું કે પોતાને માટે બંદૂક લાયસન્સ લીધું અને દાહોદના મહેશભાઈ બંદૂકવાળાએ તેમને માટે એક નાનકડી પિસ્તોલની વ્યવસ્થા કરી આપી. હજી પિસ્તોલ તેમની પાસે આવ્યાને એકાદ બે મહિના જ થયા હશે, ત્યાં હૈદરાબાદની આ કોન્ફરન્સ આવી. સાહેબ તો પિસ્તોલ લઈ પહોંચી ગયા કોન્ફરન્સમાં. સિક્યુરીટી ચેકિંગમાં હથિયાર પકડાયું તો લાયસન્સ હોવાની દલીલ કરી. પરંતુ બાબત મોટી થઈ. દિલ્હીથી ઈન્કવાયરી થઈ. થોડો સમય ફરજમૌકૂફી થઈ પછી આદિવાસી મુખ્યમંત્રીએ તેમનું પ્રકરણ સમેટી આપ્યું. પરંતુ ત્યારબાદ તેમની કારકિર્દીનો સૂર્ય અસ્ત જેવો જ રહ્યો. તેમની ત્યાર પછીની જિંદગી અજ્ઞાતવાસ જેવી રહેલ અને જર્દા અને વ્યસનની લતે તેમની જિંદગીનો નાની ઉંમરે ભોગ લીધો. એક આકર્ષક વ્યક્તિત્વનો એ કરૂણ અંત હ્રદયદ્રાવક હતો.
ખેર, માર્ચ ૨૧, ૧૯૮૮થી મને નવા કલેક્ટર તપન રે મળ્યા. તેઓ સ્વાવલંબી અને નિર્વયસની, પોતાના કામ જાતે કરે. તેઓ કલેક્ટર નિવાસસ્થાને રહેવા આવતાં જ ડીએસપી, ડીડીઓ સહિત મને જમાડ્યો ત્યારે મેં પહેલીવાર કલેક્ટર આવાસ જોયું. તે દિવસે તપન રે સાહેબે પોતાના હાથથી બનાવેલું કંપાઉન્ડના આંબાની કાચી કેરીનું શરબત વેલકમ ડ્રીંક તરીકે અમૃતનો સ્વાદ આપી ગયું.
૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫
No comments:
Post a Comment