Pages

Sunday, September 21, 2025

શ્રદ્ધાવાનમ્ લભતે

શ્રદ્ધાવાનમ્ લભતે


મારા માતા પિતા ખેમાભા અને પૂંજીબાને ૧૯૫૩ની સાલનું વર્ષ કરૂણ રહ્યું. રુદન અને વેદનાઓથી ભરપૂર પરંતુ તેમાં એક અમી ઝરણું પણ વહ્યું. 

માર્ચ એપ્રિલના તાપનો ચૈત્ર મહિનો હશે. રૂપાળો વિઠ્ઠલ જે ૧ ડિસેમ્બરે ૧૯૫૨ના દિવસે જન્મ્યો હતો તે હજી ચાર પાંચ મહિનાનો છે. એકાએક તેનાથી ત્રણેક વર્ષ મોટા માવજીને તાવ આવ્યો અને તે મરી ગયો. હજી તેને સ્મશાનમાં ભંડારી ઘેર પાછા આવ્યા ત્યાં તો ઘોડિયામાં પોઢેલાં માવજીને અચાનક આંચકીનો ઊથલો આવ્યો અને તે મરી ગયો. એક દિવસમાં બે દીકરાના મરણથી માથે આભ ફાટ્યું. શ્રીકૃષ્ણની ભક્તિમાં દિવાના તેમણે તેમનાં નામ માવજી અને વિઠ્ઠલ શ્રીકૃષ્ણના નામ પરથી જ પાડ્યાં હતાં. જીવણભાઈ પછીનો બીજો પુત્ર ગાંડો જેનો અને જીવણભાઈનો જન્મદિવસ એક હતો. બંને ૨૩ નવેમ્બરના દિવસે જન્મેલા. જીવણભાઈ ૧૯૪૪માં અને ગાંડાભાઈ આઝાદ ભારતમાં ૧૯૪૭માં. તેને માતા પર બહું ભારે હેત. માતાને મજૂરી કરતી જોઈ તેનું બાળ હ્રદય વેદના અનુભવતું. બા ને કહેતો મને મોટો થવા દે હું તારાં બધાં કામ કરી લઈશ. તું દુઃખી ના થતી. પરંતુ કરમની કઠણાઈ કે લાઈનમાં રહેતાં ઈશ્વરિયાએ કૂતરાને મારવાં બાવળનું ફાચરું માર્યું અને તે નજીક ઊભેલાં ગાંડાને વાગી ગયું. ઘા પડ્યો, લોહી વહ્યું. કંઈક ઊંટવૈદ્યુ કર્યું હશે. ઘા ન રૂઝાયો અને ધનુર ઉપડ્યું અને ડાહ્યો ડમરો માતૃભક્ત ગાંડો પ્રભુ શરણ થઈ ગયો. એક સાથે ત્રણ પુત્રોના કમોત ક્યાં માતા પિતા સહન કરી શકે?

મારી બાને તેમના ગુરૂ પિતા મૂળદાસે દુઃખમાં દિલાસો આપવાં વલ્લભ રચિત બે પુસ્તકો આપેલાં. એક શ્રીમદ્ ભાગવત અને બીજું મહાભારત. દર વર્ષે શ્રાવણમાં મારી બા ઉપવાસ કરે અને ભાગવતનું વાંચન કરે. મારા પિતાથી ઉપવાસ થાય નહીં તેથી મહાભારતનું સમૂહ વાંચન રાખે. પહેલી પાળીમાં બપોરે સાડા ત્રણે મિલમાંથી છૂટી ઘેર આવે એટલે ચારેક વાગે મહાભારતની વૈશંપાયન એણી પેરે બોલ્યાં સુણ જનમેજય રાય, વિસ્તારી તુજને સંભળાવું કથાતણો મહિમાય .. શરૂ થઈ જાય અને વાર્તાનો તંતુ ગઈ કાલે જ્યાં અટક્યો હોય ત્યાંથી આગળ વધે. વચ્ચે બ્રેક પડે એટલે ચા-પાણી થાય. કેટલાક કથારસ માટે આવે અને કેટલાક ચા-બીડી રસ માટે. રજાના દિવસે સવારે બેઠક જામે. 

પરંતુ ૧૯૫૩નું આ વર્ષ ત્રણ દીકરા હાથમાંથી છીનવી લઈ ગયું હતું. ખેમાભા અને પૂંજીબાના હદય વેદનાઓથી ભરેલાં હતાં. મિલ બંધ અને આવકમાં પીઠામાં લાકડાં ફાડવાં અને ભારા માથે ઉઠાવી ખરીદનારને ઘેર બે ત્રણ કિલોમીટર મૂકી આવવાની મજૂરી. એક રૂમની ઓરડી, પતરાંની છત અને ખુલ્લી ઓસરીમાં ધણીધણિયાણી વિલાપ કરતાં કરતાં તેમના કૃષ્ણ કનૈયાંને સંભારે. હે વાલુડાં તું ક્યાં ગયો? અમારી સંભાળ લેવાં આવને ભુદરાં. મારા બાપા શામળિયાલાલ શામળિયાલાલ ભજ્યા કરે. 

શ્રાવણનો મહિનો છે. ૩૧ ઓગસ્ટ સોમવારે જન્માષ્ટમી આવવાને હજી ત્રણ દિવસની વાર છે. આજે ૨૮ જુલાઈ ૧૯૫૩ને શુક્રવાર છે. બપોરના ત્રણ આસપાસનો સમય છે. પૂંજીબાને શ્રાવણનો ઉપવાસ છે. કરૂણ વદને કનૈયાને તે ભક્તિભાવથી સંભારે છે અને ખેમાભા લમણે હાથ દઈ દુઃખના દહાડા ક્યારે જશે તેની ચિંતામાં છે. શ્રાવણના સળવળિયાં, ધીમો ઝરમર મેઘ વરસી રહ્યો છે. અચાનક સફેદ વસ્ત્રો પહેરેલ એક ઊંચો પડછંદ બાવો ઘર સામે આવી ઊભો અને કહે બચ્ચા અલખ નિરંજન. બંને પતિ પત્ની હડફ કરીને ઊભા થઈ ગયાં અને બે હાથ જોડી નમન કર્યાં. બચ્ચા ચાય પિલાયેગા? પૂંજીએ ચૂલો પેટાવ્યો અને ચાની તપેલી મૂકી. દૂધ લઈ આવ્યાં. ગરમા ગરમ ચા બનાવી બાવાજીને પિત્તળના ગ્લાસમાં ચા આપી. બાવો એક જ ઘૂંટમાં ગરમ ચા ગટગટાવી ગયાં. ખેમાને અચરજ થયું. માનો ન માનો આ કોઈ દેવ પુરૂષ લાગે છે. તેમણે તરત પૂછયું બાપુ બીજી શી સેવા કરું? એક વસ્ત્ર લેશો? બચ્ચા તુજે આજ નહીં મિલેગા. મારા બાપા કહે, ના શું મળે? આ ગયો અને આવ્યો. 

તે તો બાવાજીને ઘેર બેસાડી લાંબી ફલાંગ ભરતાં ભરતાં પહોંચી ગયા કામદાર મેદાન ધોળકા મિલના નાકે અંબાલાલની કપડાંની દુકાને. પરંતુ આજે શુક્રવારની રજા હતી તેથી દુકાન બંધ તેથી ખાલી હાથે ઘેર પાછા આવ્યા. બાવા બોલ્યાં, મૈને કહા થા ન બચ્ચા કે તુજે આજ નહીં મિલેગા. પરંતુ હાર માને તે ખેમાભા નહીં. તરત યાદ આવ્યું. ખાદી મંદિરમાંથી લાવેલો એક ખાદીનો ન્હાવાનો રૂમાલ હજી વાપરવા ખોલ્યો નથી. તરત જ અંદર જઈ લઈ આવ્યાં અને બાવાજીને ઓઢાડી દીધો. બાવાજી બંનેના ભક્તિભાવથી પ્રસન્ન થયાં અને આશીર્વાદ આપ્યાં, બેટાં તુમ દુખી મત હો. સબ અચ્છા હો જાયેગા. ઈશ્વર તુમ પર કૃપા કરેગા. એટલું કહી બાવાજી અમારી ઓરડીની બાજુ નરવેલાં તરફ વળ્યાં. 

ખેમાભાને અચાનક મનમાં સવાલો શરૂ થયાં, આ બાવાજી પહેલીવાર જોયાં. કોણ હશે? વરસાદ હતો છતાં તેમનાં કપડાં કેમ કોરાં? આટલી ગરમ ચા એક ઘૂંટમાં કેવી રીતે પી ગયા? તેમને કેમ ખબર કે હું દુકાનથી ખાલી હાથે પાછો આવીશ? હિંદી બોલે છે એટલે બહારના હશે. તેઓ તો દોડ્યા બાવાને શોધવાં. પરંતુ આ શું? ન પાછળની લાઈનમાં, ન ચોગાનમાં, ન બહાર જવાની ગલીમાં. દોડી દોડી આખી ચાલી અને બહારનો રોડ ખૂંદી વળ્યાં પરંતુ બાવાજી ન મળ્યાં. તેમના પૂર્ણ ભરોસો થઈ ગયો કે ભગવાન શ્રીકૃષ્ણ સદેહે આવી તેમને આશીર્વાદ આપી અંતર્દ્યાન થઈ ગયાં. તે સોમવારે આવેલી જન્માષ્ટમી તેઓએ પૂરાં ભક્તિભાવથી ઉજવી. દુઃખ હળવું થયું, નવી આશાઓ બંધાઈ અને મન ડિપ્રેશનમાંથી બહાર આવ્યા. ચાલીના ચોગાનમાં મહિલાવૃંદ ગોળ કોરસમાં ગાઈ રહ્યું હતું પડવે સુખડિયા મહાદેવ, બીજે કહું છું બીજી વાત કે ગોકુળ આવજો રે મહારાજ. 

એ સમય હતો જ્યારે માતાને પહેરવા એક સાડી અને રોજનું કમાઈ રોજ ખાવાનું. એકવાર ઘરમાં અનાજ નહીં એટલે પિતાએ કાંસાની તાંસળી ફોડી ઘર ચલાવેલું. મેં આગળના વર્ષોમાં પિતાને પૂછયું હતું કે તમે તાંસળી તોડીને વેચી તેના કરતાં આખી વેચી હોત તો વધુ નાણાં મળત. તે કહે આખી વેચત તો એકાદ રૂપિયો વધારે મળત પરંતુ મારી આબરૂ જાત તે ક્યારેય પાછી ન આવત. વિચારો અને આત્મ સન્માનની અદ્ભુત સાવધાની! 

બાવાજીના આશીર્વાદ પછી પરિસ્થિતિએ ચાર-છ મહિનામાં જ પલટો લીધો. ફેબ્રુઆરી ૧૯૫૪માં મારી બાએ ગર્ભ ધર્યો. જુલાઈ ૧૯૫૪માં ધોળકા મિલ ચાલુ થઈ ગઈ. ઓક્ટોબર ૧૯૫૪માં ખેમાભા મજૂર મહાજનના મેમ્બર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યાં અને નવેમ્બરની ૧૪મી એ પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિવસે ખેમાભાને ખોરડે પૂંજીબાએ પુત્ર રત્નને જન્મ આપ્યો. નંદઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી. બાળક શ્રીકૃષ્ણની કૃપાથી જન્મ્યો અને નામ રાશિ પણ આવી મિથુન એટલે નામ પાડ્યું કનૈયો- કનુ. ૧૯૫૪માં કનુભાઈના જન્મ પછી છ વર્ષે ૧૯૬૦માં પૂનમ અને તેના છ વર્ષ પછી ૧૯૬૬માં રામાપીરની બાધાની આવી બહેન રમિલા. 

પૂંજીબાએ નવા ઉત્સાહથી ચાની કીટલી શરૂ કરી. એક રકાબી ચાના બે પૈસા અને કપ જેમાં ચાર રકાબી ચા આવે તેનો એક આનો (૬ પૈસા). મોટો પુત્ર જીવણ ચા આપવાના ફેરા કરવામાં થાકી જાય તેથી રાત્રે ઊંઘે ત્યારે પગમાં કળતરની પિતાને ફરિયાદ કરે. પિતા સાંભળે, અને તેમની આંખો ભીની થાય, પરંતુ કર્મની કઠણાઈ સહન કરવી જ રહી. વહુ આવે તો સાસુને ટેકો મળે. તેથી ૧૯૬૦ના ફેબ્રુઆરી મહિનામાં જીવણભાઈ માટે કુળદેવીની રમેલ કરી તેમનાં બાજુના ગામ મેમદપુરમાં રઈબેન સંગ લગ્ન કર્યાં. તેમને છઠ્ઠા ધોરણમાંથી ઉઠાવી પહેલાં બદલીવાળા તરીકે અમે પછી પુખ્ત ઉંમરે પહોંચતાં ૧૯૬૨માં મિલ કામદાર તરીકે દાખલ કરી દીધાં. 

ઘરમાં હવે બે પગારની આવક ચાલુ થતાં, પિતાજીએ ૧૯૬૪માં વીજળી કનેક્શન લીધું અને ૧૯૬૫માં બોસનો એક રેડિયો ખરીદ્યો. તેનાથી સવારે આવતાં પ્રાચીન ભજનોના કાર્યક્રમ “વંદના” એ ઘરની ઓરા બદલી નાખી. મારી સવાર એ બોધ વાર્તાલાપ અને ભજનોથી સોનેરી બનતી. પિતા પણ ભજન રસ પીને કામે જતાં. મારો વચેટભાઈ મોટો થઈ મિલમાંથી આવે એટલે ઓલ ઈન્ડિયા રેડિયોના ફિલ્મી ગીતો અને દર બુધવારે રાત્રે બિનાકા ગીતમાલોનો રસિયો. અમીન સયાનીનો અવાજ અને તેની ગીતોની રજૂઆત મન આહલાદિત કરી દેતી. મને રેડિયોના ભજનો, લોકગીતો, ક્રિકેટ કોમેન્ટ્રી અને પછીથી બીબીસી સમાચાર સાંભળવાની મજા પડતી. 

પિતાજી ખાદી મંદિર પાનકોર નાકાથી ખાદી વસ્ત્ર લાવી વેચાણ ફેરી કરતાં અને તે બચતમાંથી તેમણે ૧૯૬૬માં ગામડે પાટલા ઈંટો અને વિલાયતી નળિયાંનું પાકું ઘર બંધાવ્યું. ૧૯૬૯માં કનુભાઈને નબળા ભણતરને કારણે નવમા ધોરણમાંથી ઉઠાવી લીધા અને મિલમાં કામદાર તરીકે જોડી દીધા. ઘરમાં હવે મહિને ત્રણ પગારની આવક ચાલુ થઈ. મારા ભાભીઓ અને હું સીમેન્ટની થેલીઓ લાવી સીવતાં તેથી ઘર ખર્ચની છૂટી આવક તેમાંથી નીકળતી. ઘરની આવક વધી એટલે ભોજનની અછત ઓછી થઈ. ખેમાભાએ મોટા દિકરા જીવણભાઈ માટે એક નવી હર્ક્યુલસ સાયકલ ખરીદી અને પોતાના માટે સેન્ડો ઘડિયાળ. તે વખતની કાંડા ઘડિયાળઓમાં રોજ સવારે ચાવી ભરવી પડતી. પછી ઘર માટે એક લોલકવાળી ઘડિયાળ આવી જેને એવી રીતે ટાંગી કે લાઈન આખાના સમય જોઈ જતાં. 

દાદી સુંદરબા વારાફરતી ત્રણ દીકરીઓને ત્યાં ચાર ચાર મહિના રહેતાં. ૧૯૭૧માં તેમનો છેલ્લો વારો અમારે ત્યાં આવ્યો અને તે લાંબો ચાલ્યો. તેઓની ઉંમર તે વખતે ૮૫થી ઉપર. શરીર કૃશ અને માનસિક ભાન સામાન્ય. તેઓ ૧૯૭૨ના શિયાળામાં બિમાર પડયા અને તે વર્ષે મહા વદ બીજને મંગળવારની રાત્રે સ્વધામ ગયા. પરંતુ તેમની ચાકરી કરવાનો જે મોકો મળ્યો તેમાં તેમની આંતરડી ઠરી અને તેમણે આપેલા આશીર્વાદે તો જાણે બધું જ બદલી દીધું.

અમારી રો-હાઉસ ઓરડી પચ્છિમાભિમુખ. દાદીના અવસાન પછી તરત જ અમારી પાછળની ઓરડી વેચાણની ₹૨૭૦૦માં ઓફર આવી. બાએ તેની ખાનગી બચતમાંથી ઓરડી ખરીદવાના નાણાં ગણી દીધા. બે ઓરડી વચ્ચેનો બંધ દરવાજો ખૂલ્યો અને જાણે પૂર્વ દિશા ખુલવાથી ભાગ્યોદય થયો હોય તેમ ભાગ્યના દ્વાર ખુલી ગયા. બે રૂમ અને બે ઓસરીની બનેલું અમારું એ ૪૨ ફૂટ લાંબુ રો હાઉસ ચાલીઓમાં સૌથી મોટું હતું. જાણે વાસ્તુ સુધર્યું અને ઘરનાં દુઃખ દરિદ્ર જતાં રહ્યાં. જીવન ઉંચાઇ પકડવા લાગ્યું. પિતા અને બે ભાઈઓ કામ કરતાં હતાં તેથી મારે માટે ભણતરનો માર્ગ મોકળો થયો. ભણવામાં હોંશિયાર તેથી પિતાજીએ મારા શિક્ષણને ખલેલ ન પહોંચાડી. 

હું તો સાત વર્ષનો થયો ત્યારથી જ કામે લાગ્યો હતો. ઘરનાં ટાંપા કરવાં, બાને પીઠામાં લાકડાં ઉપાડવા અને ગોઠવવામાં મદદ કરવી, મિલમાં ટિફિન આપવા જવું, રિસેશ પહેલાં ભાઈ જમી લે એટલે થ્રોસલનો સંચામાં ચાલુ સંચે દોરો લગાડતા શીખી ભાઈને જમવા છોડાવવા, વેકેશનમાં મિલમાં કામે જવું, ઘેર દરરોજ સીમેન્ટના થેલાં ફાડવાં અને સીવવા વગેરે કામ કરી લેતો. ઘરનાં જનરલ કામ જેવાં કે લાકડાં ફાડવા, ભૂસાની સગડી ભરવી, રંગકામ, સુથારીકામ, કડિયાકામ, વાયરમેન, વગેરે બધું કરી લેતો. મને કામ શીખવાનો અને તેનો તર્ક સમજવાનો આનંદ આવતો. બા મારી આઉટડોર રમતો રમવા ન દે, સાયકલ શીખવા ન દે એટલે ચાલીની ઇન્ડોર રમાતી પત્તાની રમી રમતમાં હું પાવરધો  થઈ ગયેલો. પરંતુ તેનો ઉપયોગ આનંદ અને જીતવાના દાવપેચ શીખવા માટે જ રાખ્યો. મને કદીપણ જુગાર તરીકે રમવાની ઈચ્છા ન જ થઈ. ૧૯૭૯માં મને સરકારી નોકરી મળતાં ઘરમાં ચોથો પગાર ચાલુ થયો. ઘરની ગરીબી ગઈ અને ઉજ્જવળ ભવિષ્યનો દરવાજો ખુલ્લો થયો. 

આર્ત હ્રદયનો પોકાર અને દૈવી શક્તિનો પ્રસાદ આનાથી મોટો શું હોય? શ્રદ્ધા એ હ્રદયગમ્ય છે ત્યાં મગજ બાજુએ મૂકીને ચાલવામાં જ મજા છે. 

૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫

No comments:

Post a Comment