Pages

Friday, September 19, 2025

માતા પિતાને શ્રદ્ધાંજલિ

 માતા પિતાને શ્રદ્ધાંજલિ 

પિતાજી મારા ભણેલાં નહીં પરંતુ જીવનના અનુભવે બહું ગણેલાં. તેઓ ૧૯૫૪માં મજૂર મહાજન સંઘના મેમ્બર બન્યા પછી ૩૪ વર્ષની ઉંમરે તેમણે બા પાસેથી અક્ષરજ્ઞાન મેળવું. બા પાંચ ધોરણ ભણેલી પરંતુ હોંશિયાર. પિતા અમારા ઘરના રાષ્ટ્રપતિ અને બા પ્રધાનમંત્રી. ઘરમાં બાનું ચાલે અને બહાર પિતાજીનું. અમારા ઘડતરમાં પિતાની ઉદાર દૃષ્ટિ અને માતાની કેળવણીનો મોટો ફાળો. દલદલ જેવી દૂષણોથી ભરેલી જગ્યાએથી સાચવીને અમને દુર્ગુણોથી દૂર રાખ્યાં અને શિસ્તવાળા, સંસ્કારી, વિદ્યાપ્રેમી, પ્રામાણિક, ચરિત્રવાન, સત્યવાદી, નિષ્ઠાવાન, પરદુ:ખભંજક, ઉદ્યમશીલ, ન્યાયપ્રેમી, સ્વમાની, દેશપ્રેમી બનાવી સમાજને ધર્યા. 

બા ભગવાન શ્રીકૃષ્ણની ભક્ત, શૈક્ષણિક કેળવાયેલી પરંતુ ગરીબીને કારણે કંજુસ અને અંતર્મુખ તેથી મારા પિતાના બહિર્મુખ અને ઉદાર સ્વભાવ જોડે તેને ન બનતું. બા ને કોઈ બહેનપણી નહીં પિતાને મિત્રો ઓળખીતાનો પાર નહીં. 

પિતાની મેમ્બરી તેમના સૌને સાથે રાખવાના સ્વભાવ ઉપરાંત ઘસારો વેઠવાની તૈયારીને કારણે સફળ રહી. મિલ હોય કે નગરી મિલનો ઝાંપો, બાદશાહી ચાનો ઓર્ડર થાય અને બિલ તો મેમ્બર જ ચૂકવે. રમણપુરાના નાકે હોલાંની કીટલીની ચા મેમ્બરે ખૂબ પીધી અને પીવડાવી. 

પિતા વાતો કરવામાં એકદમ પાકા. ઓઠું કે વાર્તા કરે તો બધાં બસ એમને સાંભળતા રહે. સમૂહ બેઠકમાં તેઓ કહેતાં કે એવી જગ્યાએ બેસવું કે ત્યાંથી ઉઠવું ન પડે.  તેઓ જ્યાં બેસે ત્યાં આજુબાજુ મંધપૂડાના જેમ ટોળાનો જમાવડો થઈ જાય. ઘસાઈને પણ સંબંધો જાળવવામાં તેમનો જોટો ન જડે. તે બેઠા હોય ત્યારે ચા આવે કે નાસ્તો તેમનું જ વોલેટ ખુલે અને તે જ બીલ ચૂકવે. બીજાનો હાથ ગજવા સુધી ક્યારેય જવા જ ન દે. તેમણે કોઈ બીજાએ ચૂકવેલ બીલનું ખાધું પીધું હોય તેવો કોઈ પ્રસંગ મેં જોયો નહોતો. તે મિલમાં જમવા બેસે તો તેમનાં ટિફિનમાંથી અડધા જેટલું શાક તેમની સાથે બેઠેલાં કરસન, ભગવાનદાસ, બબાભાઈના ડબામાં ઠલવી દે. શેરીંગ એન્ડ કેરીંગ તેમનો સ્વભાવ હતો. 

મિલમાં લવાજમ ઉઘરાવે અને પક્ષીઓની જુવારની પાવલી કે અધેલી જે આપે તેની લે. બાકી ખૂટતાં ઉમેરી કબૂતરોને દરરોજ જુવાર નાંખવાનું તે ક્યારેય ચૂક્યા નહોતા. 
ચોમાસામાં ચાલીનું ચોગાન ભરાય કે જાજરૂ ઉભરાવાથી ચાલી આખી કીચડ અને ગંદકીથી ભરાઈ જાય તો તેઓ જાતે પાવડો લઈ નીક કરવા લાગે એટલે શરમના માર્યા યુવાનો આવી મેમ્બરના હાથમાંથી પાવડો લઈ બાકીનું કામ પૂરું કરી લે. તેમને કોઢીઓ રમવાનો શોખ. ચાલીના યુવાનો સાથે રમી તેમની સાથેનો આનંદ લેતાં અને સંપર્ક જાળવી રાખતા. 

બહિર્મુખી તેમનું વ્યક્તિત્વ આકર્ષક બની રહેતું. તેઓ ખાદીના વસ્ત્રો બગબગાટ ઝભ્ભો, ધોતી અને ટોપી પહેરી પગમાં પોલિશવાળી બાટાની મોજડી પહેરી ઉંચી ગરદન રાખી ચાલે એટલે પ્રતિષ્ઠિત આગેવાન છે તેવી છાપ બની રહે. 

પોતાના કુટુંબ, ભાઈઓ, બહેનો, ગામ પર તેમને ભારે હેત. કુળ કુંવાસી તો તેમને બહું જ ગમે. બધી બહેન દીકરીઓ જોડે તેમનાં હેતનાં સંબંધ. ભટારિયા ગામ નામે મામેરાંનો ટહુકો પડે તો ખેમો મેમ્બર હાજર ન હોય તેવું ક્યારેય ન બને. તેમને માટે ગામ અને કુટુંબની આબરૂની કિંમત મોટી. તેમણે ગરીબી છતાં ઉધાર લઈને પણ બહેનોના યથાશક્તિ ૩૬ મામેરાં કર્યા હતાં. 

દીકરીઓ તેમને ખૂબ વ્હાલી તેથી પોતાના માટે રણુજાના રામાપીરની બાધા રાખી રમિલાબેનને માંગી લીધેલ.  પોતાની બહેનો ઉપરાંત ભાઈઓ ખુશાલભા, સોમાભા, નરસિંહભા, બેચરભા, અમરાભા, છગનભાની દીકરીઓ પર સરખું જ હેત રાખતાં. ખુશાલભાની દીકરી હીરાબેનના એક મામેરાંમાં પોતાની વીંટીને કપાવી કાપડું અને જીવનદોરીની વ્યવસ્થા કરેલી. એકવાર તે જમવા આવ્યા ત્યારે ઘરમાં ઘી નહીં તેથી મારી બા એ લાપશીમાં તેલ આપ્યું. બહેન ગયા પછી મારા બાપાને ખબર પડી તો મારતી રીક્ષાએ પાછી લઈ આવ્યાં અને ઘી લાવી ઘીવાળી લાપશી ખવડાવી ત્યારે જપ્યાં હતા. તે બેઠા હોય અને કોઈ ઓળખીતો પસાર થાય તો ઓપ એવો મોટો અવાજ કરી તેમને ઊભા રાખે, બોલાવે અને બાદશાહી ચા પીવડાવે ત્યારે જ છોડે. 

૧૯૭૨માં સુંદરબા ગુજરી ગયા તો મરણ પાછળ ચોક્ખા ઘીના શીરાની કાણ સાચવી. પરંતુ જેવું તેરમું પત્યું કે ૪૨ વર્ષ પહેલાં ગુજરી ગયેલાં પોતાના પિતા વાલાભાને સંભાળ્યા અને તેમના નામનો કળશિયો જાહેર કરી દીધો. તડ અને સગાવહાલા સૌ કુટુંબ સહિત મન ભરીને શીરો જમી ગયા. કળશિયામાં સાગર ઘીના ૧૬ ડબા વપરાયા હતાં. ખૂબ મોટા કડાયામાં લસલસતો શીરો બનતો અને ઉપર બીજા વધારાના ઘીનો દોરો દેવાતો. કળશિયા પછી મોદનો શીરો મે મહિનો શેકી શેકીને ખાધો જેનો સ્વાદ આજે પણ યાદ છે. દેવું કરીને પણ રિવાજો સાચવવા અને કુટુંબ તથા ગામનું નામ ઊંચું રાખવું તેમને મન વધુ મહત્વનું હતું. 

પિતા અતિ ઉદાર તેથી મા કંજૂસી ન કરે તો ઘર કેમ ચાલે. જેવો ૭નો પગાર થાય કે ૨૨ની ખર્ચી થાય, ઉધાર માંગનારા આવી જ જાય. પતિ દારૂડિયો હોય એટલે પત્નીને બાળકો તેડી મોકલે અને ખેમાભા જાણે કે આપેલી રકમ પાછી નહીં આવે તો પણ જાણીને છેતરાય. કોઈ તેમની સામે હાથ લંબાવે તો તેમને ના કહેતા આવડે નહીં. તેમનો હાથ પાકીટ પર જાય અને જે હોય તે આપે. કોઈને ઠાલા હાથે પાછો ન જવાદે. તેમનો પગાર એકવાર મારી બા પાસે જાય એટલે સીલબંધ થઈ જાય. તેથી પછી કોઈ ઉછીના લેનારો આવે તો બીજાનું કાંધું કરીને પણ તેને આપે પણ ખાલી હાથે પાછો ન જવા દે. 

માગણ, વહીવંચા, બાવા, નટ, વગેરે આવે એટલે તેમના વતી આખી ચાલીમાં ફરી ઊધરાણું કરે અને તેમને રાજી કરી મોકલે. ખેમા મેમ્બર તમે રાખી ખરી ટેક, દર અગિયારસે રૂપિયો આલ્યો એક એ સાંભળવા તેમનાં કાન તરસતા. હાથ પાકીટમાં જતો જ રહે. ચાલીમાં કોઈ બાવાજી આવે તો તેમને બેસાડી તેમના વતી તે ઓરડીઓ અને દુકાનોમાં ફરી દક્ષિણા માંગી લાવે અને બાવાજીને ખુશ કરી મોકલે. 

તેમને વ્યસનમાં કોઈક દિવસ છાંટો પાણી થઈ જાય પરંતુ તે પણ પોતાના પૈસે. સાઠ પછી તે પણ છૂટી ગયું. એક તમાકુ પીવાનું ગુજરીયું ઘણાં વરસ ચાલ્યું. તેમણે ચાંદીનો હોકો બનાવડાવ્યો હતો તે કોઈ મહેમાન આવે કે લગ્ન સીમંત પ્રસંગ હોય ત્યારે ભરાવતાં. પાછલી વયે ગુજરિયું ભરવાની ભાંજગડથી છૂટવા મોઢામાં મૂકવાની તમાકુએ ચલાવ્યું. તેમના જવાના છેલ્લા બે દિવસ મેં તમાકુ ચુનાની ડબ્બા લઈ લીધી હતી તેનો રંજ મને પછીથી રહી ગયો. તેમને નાહકના નારાજ કર્યા હતાં. 

તેઓ એકદમ તંદુરસ્ત, ક્યારેય બીમાર ન પડતાં. મારી બા બીમાર રહેતી તેથી ઘર આખાનું ધ્યાન તેના તરફ રહેતું. પરંતુ ૧૯૮૪માં મિલ બંધ થતાં માનસિક લાચારી આવી. હું મસુરી ફેઝ-૨ તાલીમમાં અને તેઓ ગામડે ખેતી કરવા ગયા અને ૧૯૮૭માં જુલાઈ મહિનામાં વાડ કરવા મોટાં મોટાં થોર ખેંચતાં તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો. બાપુનગર કામદાર રાજ્ય વીમા યોજનાની હોસ્પિટલમાં પંદર દિવસ ICUમાં રાખ્યા પરંતુ મને દુઃખ ન પહોંચે તેથી જાણ ન કરી. હું ઓગસ્ટમાં મસૂરીથી પાછો આવ્યો ત્યારે ખબર પડી. પછી તો નિયમિત તપાસ અને નિયમિત દવાથી તેમની ગાડી બરાબર ચાલી પરંતુ તેમની ઉંમર તેમનાથી આગળ થવા લાગી. 

મારી આઈએએસ તરીકેની નોકરીમાં ક્ષેત્રીય નિમણૂકો જિલ્લામાં રહે. તેમના મિત્રો અને સગા અમદાવાદમાં તેથી તેમને અમારી સાથે જિલ્લાની ઘરેલું જિંદગીમાં રહેવાનું ન ફાવે. તેથી એકાદ બે દિવસ રહી પરત ફરી જાય. તેમની દેખભાળ સરસ રીતે થાય તેથી મયૂર પાર્કમાં તેમનાં જ બનાવેલાં ઘરમાં જુદા રાખી જીવણભાઈના મોટા પુત્ર સુરેશ અને તેની પત્ની કુસુમને સેવામાં રાખેલ. પરંતુ તેમણે નવયુગલની દેખભાળ વધુ કરવી પડતી. એક ફોન કનેક્શન લઈ આપેલ જેથી રાત મધરાત્રે ઈમરજન્સી હોય તો જાણ થાય અને મદદ પહોંચાડી શકાય. 

પિતા સ્વાશ્રયી તેથી નિવૃત્તિ પછી ગાંધીજીની જેમ પોતાના કપડાં જાતે ધોઈ લે. બજારનું હટાણું જાતે કરી લે. તે વર્ષે કચ્છ ભૂકંપ થતાં ૨૭/૧/૨૦૦૧થી હું જિલ્લા મથક ભૂજમાં ચીફ કોઓર્ડિનેટર પહેલાં જી સુબ્બારાવ સાહેબ સાથે અને પછી એલ. માનસિંહ સાહેબ સાથે ભૂકંપ રાહત કામોમાં લાગેલો. પરંતુ એપ્રિલના પહેલાં અઠવાડિયામાં મારા સાળા વિનોદને મગજની ગાંઠની તકલીફ થતાં તેની સારવાર માટે હું અમદાવાદ આવ્યો. વિનોદની સર્જરી કરાવી છતાં ન બચ્યો પરંતુ તે જ અઠવાડિયે મારા પિતાને આરોગ્ય તકલીફો શરૂ થઈ ગઈ. 

તેમને નવેમ્બર ૨૦૨૦માં પ્રોસ્ટેટની બીમારી થઈ હતી. તેમને તકલીફ ઘણાં સમયથી હશે પરંતુ જાહેર ન કરી. પરંતુ પેશાબ અટક્યો તેથી તેમને થયું કે હવે ગયા. પહેલીવાર ડિપ્રેસ થયાં. ડો. દિલીપભાઈ શાહની સલાહ મુજબ પ્રોસ્ટેટના ઓપરેશનને બદલે orchidectomy કરાવી તેમની તકલીફ હળવી કરી આપી. હ્રદયરોગને કારણે તેમને લાંબો વખત એનેસ્થેસિયા આપી ઘેનમાં રાખવાની ડોક્ટરની તૈયારી ન હતી. ચારેક મહિના પછી છેક ૮૦ વર્ષે તેમને મોતિયાનું ઓપરેશન કરાવ્યું. તે શુક્રવારે (૬/૪/૨૦૦૧) નગરી હોસ્પિટલમાં તેમની જમણી આંખનો મોતિયો ઉતરાવ્યો. હોસ્પિટલમાં તેમનાં બોઘસ (રંગીન ચશ્મા) કોઈ ચોરી ગયુ. તે પાછા આવ્યાના હજી ત્રણ દિવસ થયાં ત્યાં પાછળ રહેતાં પશાભાઈના છોકરાંએ તોફાન કર્યું તેથી તેઓ હેબતાઈ ગયા. વળી પાછું કુસુમ (સુરેશની પત્ની) અથાણું ન લઈ ગઈ તેથી તેના પર બગડ્યાં. મયૂર પાર્ક સોસાયટીમાં નળ પાણીનો ફોર્સ ઓછો તેથી પાણીનો નળ ખાડામાં જ રાખવો પડે. મંગળવારે (૧૦/૪) સવારે ૧૦-૧૧ વાગે ખાડાની કુંડીમાંથી પાણીનો ઘડો ઉપાડતાં તેમને ડાબા પડખામાં દુખાવો થયો. થોડાં બેઠાં પણ દુખાવો શાંત ન થયો એટલે મને ફોન કરાવ્યો. અમે સીધાં ડોક્ટર તેજસ પટેલ પાસે લઈ ગયા. તેઓ દવાખાને પહોંચી સરળતાથી ડોક્ટરની ચેમ્બરમાં પહોંચ્યા. ડો તેજસ પટેલે તેમને તપાસ્યા પછી કહ્યું કે એન્જાઈના પેઈન છે, પંપીંગ ઓછું છે તેથી બે-ત્રણ દિવસ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખીએ. તે મારા પિતાને ઓળખે તેથી કહે કાકા ચિંતા ન કરતાં હજી સાતેક વરસ સુધી વાંધો નહીં આવે. મને કહે સર્જરી કરવાની જરૂર નથી. એન્જાઈના સેટલ કરવા વીએસ લઈ જાઓ ત્યાં તેમના મદદનીશ ડો. સંજય આવે છે તેથી ધ્યાન રાખશે. પિતાજીની હોસ્પિટલમાં દાખલ થવાની ઈચ્છા નહીં છતાં મેં ડો. તેજસ પટેલની સલાહ મુજબ તેમની મરજી વિરુદ્ધ વીએસ હોસ્પિટલમાં દાખલ કરી દીધાં. હોસ્પિટલમાં દાખલ થતાં જ મને જાણે પિતા મારા હાથમાંથી દૂર જઈ રહ્યા હોવાનો અંદેશો થયો. સ્ટ્રેચર પર તેમને લઈ જતી વખતે કોઈ મારું હ્રદય કોરીને તેમને યમદ્વારે લઈ જતું હોય તેવો અનુભવ થયો. 

હોસ્પિટલના ICUમાં ખૂણા પરની પાંચ નંબરની પથારીમાં તેમને સૂવડાવ્યા. હોસ્પિટલના દર્દીના કપડાં પહેરવાની તેમણે ના કહી દીધી. ઇન્ટ્રાવીનસ દવા માટે વીગો લગાડી હતી તે તેમણે કઢાવી નાંખી. ICUમાં સેન્ટ્રલાઈઝ એસી તેથી તેમને ભારે ઠંડી લાગે. ધાબળો ઓઢાડ્યો તોય ફરિયાદ ચાલુ રહી. એસી બંધ થાય નહીં તેથી હવાની જાળીઓ પર છાપા લગાવી અમે ઠંડી રોકવાનો પ્રયત્ન કર્યો. 

વીએસ હોસ્પિટલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવે. તેથી મારા પિતાની બગડતી હાલત જોઈ મેં અમદાવાદના તે વખતના કમિશનરને ફોન કરી તેમની સારવારમાં મદદ માંગી. પરંતુ તેમને જુનિયર આઈએએસ અધિકારી લાગ્યા કે ગુજરાતી, ધ્યાને ન લીધું. પિતાનો સતત ઘેર જવાનો હઠાગ્રહ જોઈ બુધવારે મેં તેમને ઘેર પાછા લઈ જવા નક્કી કર્યું પરંતુ ડો. ભદ્રેશ શાહે કહ્યું કે દર્દી સ્ટેબલ નથી તેથી પાછા લઈ જવામાં જીવનું જોખમ છે. હજી એક દિવસ રાહ જોઈએ. મેં હા કહી પરંતુ મારા બાપાને ન ગમ્યું. તે સાંજે જીવણભાઈના ઘેરથી ટિફિન આવ્યું. બાપાએ તેમની કાયમની આદત મુજબ મને કોળિયો ધરી કહ્યું લો તમે જમો. હું પ્રસાદના એ હાથને ઓળખી ન શક્યો. મને ક્યાં ખબર હતી તે તેમનું છેલ્લું ભોજન છે. મેં ના કહી એટલે તેમણે પાંચ-સાત કોળિયા જમી ડીનર પૂરું કર્યું. તમાકુની ડબી મેં તે દિવસે લઈ લીધી હતી તેથી પાણી પી તેમણે પલંગ પર લંબાવ્યું. 

હું બે દિવસથી સતત ખડે પગે ઊભો હતો તેથી રાત્રે ૧૦ વાગે મને કમરનો દુઃખાવો ઉપડ્યો. ભૂખ્યો પણ હતો. કાલે ગવારનું શાક અને ઓરેન્જ જ્યુસ લેતાં આવજો તેવી તેમની આખરી ઈચ્છા લઈ હું રાતની જવાબદારીનો હવાલો સુરેશને સોંપી ગાંધીનગર આવવા વળ્યો. સૂચના પણ આપી કે કોઈ અરજન્સી ઊભી થાય તો મને ફોન કરવો. હું જાગતો જ છું. અહીં સુરેશ વળી તેના ભાઈ રાજેન્દ્ર (મંગો) અને પ્રકાશને હવાલો સોંપી ઘેર જતો રહ્યો અને ત્યાં હોસ્પિટલમાં ખેમાભાએ ઉઠીને ઘેર આવવા બળપૂર્વક ઉધામા ચાલુ કર્યા. ખેંચતાણમાં તેમની પાસે જીવવાની જે કોઈ શક્તિ બચી હતી તે તેમણે વેડફી નાખી. નાસમજ બે યુવાનો શું કરતાં? કનુભાઈ અને રૂક્ષ્મણીને બોલાવ્યાં. તેમણે ડ્યુટી પરનાં ડોક્ટર બોલાવ્યા, જેમણે વગર વિચાર્યે ઘેનનું ઇન્જેક્શન ઠપકારી દીધું. બાપા સૂઈ ગયા. સવારે ૭.૩૦ કલાકે જાગ્યા પછી ફરી ઘેર આવવાની લત ઉપાડી. તેમને ના સવારની દવા આપી ના ચા. ફરી ડ્યુટી ડોક્ટર બોલાવ્યા અને ઘેનનું બીજું ઇન્જેક્શન ઠપકાવી દીધું. હું તદ્દન અજાણ. સવારે દસ વાગે ગુવારનું શાક અને ઓરેન્જ જ્યુસ લઈ પહોંચ્યો ત્યારે ખેમાભા બેહોશીમાં. ડોક્ટરોને પૂછ્યું તો કહે કે સવારે ઘેનનું ઈંજેકશન આપ્યું છે તેથી દોઢેક વાગે ભાનમાં આવશે. તેમને પ્રોસ્ટેટની સર્જરી વખતે કોમામાં ઘૂસી જવાની બીકને કારણે રાખેલી બધી સાવધાની વીએસ હોસ્પિટલના ડૉક્ટરોએ મારી ગેરહાજરીમાં નષ્ટ કરી દીધી. હવે નિયતિના ભરોસે વાટ જોવાની હતી. 

બપોરનો દોઢ થયો, બે થયાં પરંતુ ખેમાભા ભાનમાં ન આવ્યાં. ડો સલીમ બેઠો બેઠો પુસ્તક વાંચે. પૂછું તો કહે દોડી દોડીને થાકી જઈ પડી ગયેલા ઘોડા જેવી તેમની સ્થિતિ છે. બીજા સીનીયર ડોક્ટરો ઓપરેશન થિયેટરમાં. મારી પાસે લાચારીથી જોઈ રહેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. લગભગ અઢી વાગ્યા હશે, તે સળવળ્યાં. મેં કહ્યું બાપા ઉઠો, સવાર પડી, ચા પીએ. મને પૂછ્યું તમે કોણ? મેં કહ્યું પૂનમ. સાંભળી પાછા કોમામાં સરકી ગયા. પછી ઘેનમાં જ જાણે નાહ્યા હોય અને કપડાં બદલી તૈયાર થતાં હોય તેવી હાથથી એક્સન કરી જરાક મલક્યાં અને મને ધ્રાસકો પડી ગયો. ૧૯૭૨ની મહા વદ બીજને મંગળવારની રાત્રે મારી દાદી સુંદરબા આવી જ રીતે મલક્યા હતા અને પછી તરતની ક્ષણે ગુજરી ગયાં હતાં. તે ક્ષણ સુધી મને તેમના મૃત્યુનો જરા પણ અંદેશો ન હતો પરંતુ એ મલકાટે એક ધ્રુજારી આખા શરીરે વ્યાપી ગઈ અને હું ડરી ગયો. 

ઘડિયાળમાં બપોરના ત્રણ થયાં હતાં. કનુભાઈ, લક્ષ્મી, સુરેશ હાજર હતાં. ત્યાં મોટાભાઈ જીવણભાઈ આવ્યાં. તેમની હાજરીમાં અમે મોતિયાવાળી આંખમાં ટીંપા નાંખ્યા. જીવણભાઈએ બાપાની આંખો લૂછી બોલાવ્યા. બાપાએ પૂછ્યું કોણ? કહ્યું જીવણભાઈ. બસ સાંભળી અંદર ઉતરી ગયા. આ બાજુ કનુભાઈ અને લક્ષ્મી જરાક આઘા ખસ્યાં અને પળવારમાં તેમનું શરીર છાતીથી ઊંચું થયું, ડાબી આંખ ક્લોકવાઈઝ એક ચક્કર ફરી અને તેમણે શરીર છોડી દીધું. ડો સલીમને ચોપડી વાંચતો ઉઠાડ્યો. તેણે દોડીને આવી છાતીમાં એક ઇંજેક્શન આપ્યું. બૂમ પડી એટલે બીજ ડોક્ટર્સ આવ્યા. તેમણે ફેફસામાં બલૂનથી કૃત્રિમ શ્વાસનું પંપીંગ ચાલુ કરાવ્યું અને વીજળીનો કરંટ આપ્યો પણ તે પાછા ન આવ્યા. આ વખતે એવા રિસાયા કે બસ કાયમ માટે જતાં રહ્યાં. 

ધવલને તે દિવસ ધોરણ ૧૨નું મેથ્સ-૨ પેપર હતું. એક મિત્ર નિકસન તેને લઈ આવી રહ્યાં હતાં ત્યારે રસ્તામાં ફોનથી સમાચાર જાણ્યા અને સીધા મયૂર પાર્ક પહોંચી ગયા. તે ગુરુવારે વાતાવરણ વાદળછાયું. અમીછાંટણા કરી કુદરતે મારા પિતાને અંજલી આપી. બીજા દિવસે ગુડ ફ્રાઈડે. બપોરે તેમના અગ્નિસંસ્કાર કર્યા ત્યારે તેમનો ચહેરો શાંત, હાથ નરમ અને લચીલા હતાં. 

મારી બા તેમના જવાથી શૂન્યમનસ્ક થઈ ગઈ. જાહેરાત કરી કે બરાબર એક મહિના પછી ૧૨ મે ના રોજ તે પણ વિદાય લેશે. થોડાક દિવસ પછી તેની તબિયત બગડી. પ્રથમ કાકડિયા હોસ્પિટલ બાપુનગરમાં દાખલ કરી પરંતુ વેન્ટિલેટર સારવારની જરૂર માટે સિવિલમાં મશીન ખાલી ન હોવાથી શ્રેય હોસ્પિટલ લઈ ગયા. પલ્મોનોલોજીસ્ટ ડો. પાર્થિવ મહેતાએ બાયપેપ મશીન લગાવ્યું પરંતુ જેવી ૧૨ મે આવી કે લાગેલું બાયપેપ મશીન બંધ થઈ ગયું. બાની મરજી વિરુદ્ધ તેને વેન્ટિલેટર પર ચડાવવામાં આવી. તેની સ્થિતિમાં સહેજ સુધારો જણાતા જુનિયર પલ્મોનોલોજીસ્ટે ડો. મુકેશ પટેલે ડીવેન્ટ કરવાની ઉતાવળ કરી અને બા કોમામાં જતી રહી. પછી તેને કોમામાંથી બહાર કાઢવા એક મહિલા ડોક્ટરે તેની છાતી પર જોરથી મુક્કા મારતાં તેની પાંસળીમાં ફેક્ચર થઈ ગયું. મારું ચિત્ત ડામાડોળ થઈ ગયુ અને તબિયત લથડી. ખાનગી હોસ્પિટલનું દર્દીના સગાની લાગણીને નિચોવવાનું એકમ મને ન સહેવાયું. તેનું ફેફસાંનું ઈન્જેક્શન ઘટવાને બદલે વધતું ચાલ્યું. આ વખતે ડો. ગૌતમ ભગતની મદદ ન હતી. બાને ન્યુમોનિયા થઈ ગયો. મોંઘા ઈન્જેક્શન લખાય પરંતુ ઈન્ફેશન અટકે નહીં અને વધે તે મને ન સમજાયું. પછી ખબર પડી કે મોંઘા મોંઘા ઇન્જેક્શનો લખાય અને નર્સ આપવા જાય ત્યારે સગાને બહાર કાઢી ગજવામાં પાછા લઈ જાય. વળી પાછા તે જ ઈંજેકશન ફાર્મસીમાંથી બીજા દિવસના બિલમાં ચડી બહાર આવે. લક્ષ્મીની નજર ચકોર, તેણે નર્સોને પકડી પાડી. બીજું દર્દી મરણ પથારીએ હોય, શરીરમાં લોહી ઓછું થતું હોય તોપણ સવાર સાંજ બે વાર લેબોરેટરી કરવાના બહાને લોહીના સેમ્પલ લેવાતાં જાય અને બિલમાં ચઢતા જાય. ખાનગી હોસ્પિટલની નજર દર્દી સાજો થાય તેના કરતાં તેનું સારવાર ખર્ચ બીલ વધે તે તરફ વધુ હોવાની. તેમાયં જેનું મરણ નક્કી જેવું હોય તો તેમાં શી કસર છોડવાની? 

છેવટે તેમની જીવનસાથી સંગ જવાની જીદ સામે અમે હાર્યા અને અગિયારમા દિવસે વેન્ટિલેટર હટાવી બાને ઘેર લાવ્યા અને થોડા જ કલાકમાં ૨૩/૫/૨૦૦૧ની રાત્રે આઠ વાગે તેમણે આ ફાની દુનિયાની વિદાય લઈ લીધી. તેમણે આખી જિંદગી બહું દુઃખ વેઠ્યું હતું. પરણીને આવ્યા ત્યારથી ૧૯૪૦થી મૃત્યુ ૨૦૦૧ સુધી બસ દુ:ખ જ નસીબ થયું. પહેલાં મજૂરીનું દુઃખ, સંતાનો જણવાનું અને તેમના મરણનું દુઃખ, પિતાના તાપનું દુઃખ અને નબળા શરીર સાથે પચાસ વર્ષ ક્રોનિક બ્રોન્કાઈટીસ સાથે જીવવાનું દુઃખ. 

બાનું મનોબળ મજબૂત. ૧૯૯૪માં એકવાર તે ખુરસી પર બેઠી છાપું વાંચતી હતી ત્યારે મેહુલના પડ્યો એવા મારા પિતાના અવાજથી તે પાછળ ફરી જોવા જતાં ખુરસી પલટાઈ ગઈ અને તે ખુરશીમાંથી પડી જતાં તેનું ફીમરનું હાડકું ભાંગી ગયું. ઓર્થોપેડિક સર્જન ડો. નવીન ઠક્કરે સળિયા નાંખી તેને બેઠી કરી. એ ઉંમરે તેણે સ્ટેન્ડીંગ સાયકલ પર કસરત કરી નવજીવન પ્રાપ્ત કર્યું. ફરી પાછી ૧૯૯૬માં આફત આવી. તેની તબિયત બહુ જ લથડી. ફેફસું ચેપથી ભરાઈ ગયું. મારી નિમણૂક તે વખતે નાયબ સચિવ તરીકે આરોગ્ય વિભાગમાં હતી. તેને સિવીલ હોસ્પિટલમાં દાખલ કરી. એન્ટીબાયોટિક શરૂ કરાયાં પરંતુ એક સવારે ચારેક વાગે તેની તબિયત લથડતાં સુરેશે મને ફોન કર્યો. મેં તાબડતોબ ડો. ગૌતમ ભગત અને ડો. તેજસ પટેલનો સંપર્ક કર્યો. ડો તેજસ પટેલ સીધા સિવિલ આવવા નીકળ્યા અને ડો. ગૌતમ ભગતને મેં તેમનાં પાલડી નિવાસ સ્થાને જઈ મારી સાથે લીધાં. ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે બાનો શ્વાસ પળ પહેલાં જ બંધ થઈ ગયો હતો. બંને ડોક્ટરોએ મને બાના મૃત્યુ અને વિદાયની શાંતવના આપી. કહે મૃત્યુ દરેકના જીવનમાં એકવાર તો આવવાનું જ. પરંતુ મારું મન માન્યું નહીં. મેં કહ્યું હજી હાલ જ ઘટના બની છે. મોતનું કારણ તો હશે જ. ડો ભગત કહે ફેફસાં ઈન્ફેકશનથી ભરાઈ જવાથી મૃત્યુ થયું. મેં કહ્યું ફેફસાંમાંથી ઈન્ફેકશન ખાલી કરાવો, તેને વેન્ટિલેટર પર ચડાવી શ્વાસ લેવામાં મદદ ઊભી કરો. કંઈક તો કરો. ડો. ભગત પીગળ્યાં, તેમણે બાનું શરીર અડકી જોયું તો તેમને હજી વોર્મ જણાયું. જાંઘ પર ઈંજેકશન મારી આર્ટરીમાંથી ખૂન લઈ કલર જોયો. ડો પ્રફુલ્લા દોડીને વેન્ટિલેટર લાવ્યાં અને બાના શરીરને વેન્ટિલેટરના સપોર્ટ પર ચડાવી દીધું. તેમણે સક્શન પંપ લગાડી બાના ફેફસાંમાંથી ચેપ ખેંચવાનું શરૂ કર્યું. દવા ફેફસાંમાં પણ ઉતારવામાં આવી. પછી વીગો ચાલુ થઈ એટલે વીગો મારફતે દવા ઉમેરી. પરંતુ માત્ર મશીન જ ચાલતું હતું. પેંશટ તરફથી મશીનની સામે અપાતો પ્રતિભાવ શૂન્ય હતો. અમે લડત ટકાવી રાખી. સિવિલ હોસ્પિટલની ટીમ ખડેપગે રહી. યુદ્ધ બાર દિવસ ચાલ્યું. તેરમા દિવસે બા પાછી ફરી. મશીનને જવાબ દીધો અને બે દિવસમાં તો વેન્ટિલેટર હટી ગયું અને અમે ઘેર આવ્યાં. તે પછી તે પૂરા પાંચ વર્ષ જીવ્યાં. મેં પૂછયું, બા વેન્ટિલેટર પર બાર દિવસ રહ્યાં તે યાદ છે? તે કહેતાં કે તેઓને સુદર્શનધારી શ્રીકૃષ્ણના દર્શન સિવાય બીજું કશુંય યાદ નથી. તેમણે મને કહ્યું હતું કે જીવનમાં ફરી બીજીવાર આવી બિમારી આવે તો તેમને વેન્ટિલેટર પર ન ચડાવવા અને જવા દેવાં. મેં હા કહી પરંતુ માતૃપ્રેમના મોહમાં તેમની વાત હું માનવાનો ન હતો તેની મને ખબર હતી. ૧૯૯૬નો ગણેલો એ દાખલો ૨૦૦૧માં ખોટો પડયો. આ વખતે ૧૨ એપ્રિલ ૨૦૦૧ના રોજ પતિના અચાનક મૃત્યુથી તેને ભારે આઘાત પહોંચ્યો હતો. શરીર વધુ નબળું  અને કૃશ થઈ ગયું હતું. છેવટે પતિને સાથ આપવા ૨૦૦૧ ના મે મહિનાની ૨૩ તારીખે તેણે પૃથ્વીલોક છોડી દીધો. 

એક મહાન જીવનકથાનો અહીં અંત આવ્યો. એકાવન વર્ષના જીવન સંઘર્ષમાં વિજેતા રહેલી એ જોડી આમ એક જ મહિનામાં અદૃશ્ય થઈ ગઈ. તેમના જવાથી અમને એટલું દુઃખ ઉત્પન્ન થયું કે આજે ૨૪ વર્ષે પણ તેમનો વિરહ સહેવાતો નથી. તેમણે વેઠેલી યાતનાઓ, કરેલી મજૂરી, કમાયેલી આબરૂની ઈમારત પર અમે આજે સુખી અને સમૃદ્ધ છીએ. પિતાની મહાનતાને યાદ રાખવા તેમની હયાતીમાં જ અમે અમારા બાળકોની અટક પરમારથી બદલી ખેમ કરી દીધી હતી. અમારા વંશના બાળકો હવે પરમાર નહીં પરંતુ ખેમવંશ તરીકે તેમનું નામ અમર કરશે. ત્રીજી પેઢીના અમારા કુટુંબના અધિકારી બનેલા સંતાનો તેમની કચેરીઓમાં આજે ખેમ સાહેબ તરીકે જ ઓળખાય છે. તેમને કોઈ ખેમ સાહેબ કહી બોલાવે તે સાંભળી અમને શાંતિ અને સંતોષની અનુભૂતિ થાય છે. 

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫

No comments:

Post a Comment