પ્રાર્થના
ગયા અઠવાડિયે આપણે લાલિયા અને મોતિયાની વાર્તા કરી. રાગ-દ્વેષ નામના કૂરકૂરિયાં આમ કાઢી નાંખવા એટલાં સહેલા નથી. આ જન્મમાં આ શરીર મળ્યું. ગયા જન્મમાં કયું હતું અને હવે પછી શું મળશે તેની ખબર નથી પરંતુ અહીં તો પૂરા જોરથી આપણાં અહંકારને હારવા દેતા નથી.
ગીતા સાતમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાનો મહિમા મંડન કરવાનું શરૂ કરે છે તેમાં પ્રાર્થનાના મહત્વ ઉપર જોર આપે છે. તેઓ કહે છે કે જેઓ જે માટે જેને ભજે તે તેને પ્રાપ્ત થાય છે. કોઈ દુઃખ નિવારણ માટે, કોઈ ધન માટે કોઈ જ્ઞાન માટે જે જે દેવોને ભજે છે તે તેને મેળવે છે. જેમકે આપણે વિધ્ન હરવા ગણપતિ. ધન માટે લક્ષ્મી, વિદ્યા માટે સરસ્વતીની પૂજા કરીએ છીએ. જે લોકો સાંસારિક પદાર્થો જેવી કે પુત્રેષ્ણા, ધનેષણા કે નામેષણા માટે દેવ ભજે છે તે ભજવું ખોટું નથી, તે તેને મેળવે પણ છે પરંતુ આત્મજ્ઞાન મેળવી મુક્તિ મેળવવાની ભગવાનને કરેલી પ્રાર્થના સામે તે સાવ ક્ષુલ્લક છે.
એક ભાઈ વરસાદમાં જતાં હતાં. તેમને તરસ લાગી તેથી પાણી માંગતા હતાં. તેને સામે મળેલ એક ભાઈએ કહ્યુ કે પાણી તારી સામે છે, તારે તો માત્ર હાથ લાંબા કરી ખોબો ભરવાનો છે. ભગવાનની કૃપા અહર્નિશ વરસી રહી છે. જરૂર છે માત્ર આપણે પ્રાર્થનાના હાથ ફેલાવવાની. પછી તે પ્રાર્થના મંદિરે થાય, મસ્જિદે થાય, દેવળે થાય કે પોતાના ઘેર થાય, ભાવ અગત્યનો છે. પરમાત્મા તો આપણી અંદર રહેલી દિવ્યતામાં કાયમ બિરાજમાન છે. બસ આપણે તેને ઓળખી શકતા નથી. કદાચ આપણી સમજણને ત્યાં સુધી પહોંચવાની સમજણ નથી. આપણી બુદ્ધિનો સંકોચ આપણને આપણાં સાંસારિક સંકોચનમાંથી બહાર આવવા દેતો નથી.
એક મંદ બાબા હતાં. ભિક્ષા લઈ પોતાનું ગુજરાન ચલાવતા. જે કોઈ સામે મળે તેની પાસે એક પૈસાની ભિક્ષા માંગે. એક વખતે એક ઉદાર અને દાની રાજા તે તરફથી પસાર થયો. મંદબાબા દોડ્યા અને માંગી એક પાઈ. રાજાએ પાઈ દઈ દીધી અને આગળ નીકળી ગયો. પરંતુ લોકોએ જોયું કે મંદબાબાએ જો બરાબર માંગ્યું હોત તો બાકીના સમય માટે તેનો પાઈનો રઝળપાટ મટી ગયો હોત.
આપણે પણ ભગવાનની કૃપાનો વરસાદ વરસી રહ્યો છે, હાથ આગળ કરી બસ પ્રાર્થના કરવાની છે અને આત્મજ્ઞાન માંગવાનું છે પરંતુ ભટકી રહ્યા છીએ. હ્રદયના ઊંડાણથી કરેલી કોઈની પ્રાર્થના ખાલી ગઈ નથી. હાં કોઈનું બૂરું કરવાની માંગણી નામંજૂર થઈ શકે પરંતુ પોતાનું અને જનકલ્યાણ માટેની પ્રાર્થના સ્વીકારાય છએ.
પસંદ આપણએ કરવાની છએ.
મંદબાબા બનવું કે મુક્તાત્મા?
૮ જુલાઈ ૨૦૨૫
0 comments:
Post a Comment