Sunday, September 14, 2025

મારું કુળ - ૨

 મારું કુળ -૨

મૂળાભાને બે દીકરા, ભુદરભા અને ડોસલભા. ભુદરભાના પત્ની શ્યામબા. તેમને છ સંતાનો, ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ. દીકરાઓમાં મોટાં વાલાભા તે મારા દાદા. તેમના જન્મનું વર્ષ અંદાજે ૧૮૮૫. છપ્પનિયા કાળના ચોથા વર્ષે એટલે કે સન ૧૯૦૪માં વાલાભાના લગ્ન કરણનગર સુંદરબા જોડે થયેલા.

તે જમાનામાં જમીનોના રેકર્ડે પરના કબજેદારો તો કટોસણના દરબારો પરંતુ જમીનનો કબજો ભોગવટો ખેડૂતોનો. વાલાભાને તે રીતે ખેતીમાં ૮૦ વીઘા જમીન. ખેતી હોય તો પશુપાલન હોય જ તેથી ગાય, બળદ, ભેંસ, વાછરડાં, પાડી વગેરે ઢોરઢાંખર ઘણા. ચોમાસું ખેતી પરંતુ વરસાદ ખેંચાય અને ઢોરઢાંખર માટે ઘાસ માટે સિંચાઈની જરૂર. તેથી ગામ નજીકના ખેતરમાં કૂવો ગળાવી તેઓ બળદ અને કોસથી મદદથી સિંચાઇ કરતાં. સુખી ઘર. અનાજ, દૂધ, ઘીની છૂટ તેથી ઘર આંગણે કુળ કુંવાસી, મહેમાન પરોણાં કાયમ હોય અને ગોરગામોટ, તૂરી, બારોટ, નાયક બધાં પોસાય. તેમને સાત સંતાનો. તેમના બે ભાઈ ગોવાભા અને રામાભા નાની ઉંમરે ગુજરી જતાં તેમના કુટુંબો સહિત સંયુક્ત કુટુંબનો બધો ભાર, કાર વહેવાર, લગ્નો, મામેરાં તેમનાં ભાગ પડેલાં જે તેમણે સારી રીતે નિભાવેલા. તેમના બાપા ભુદરભાના મરણ પાછળ કળશિયો ભરી તેમણે સામાજિક પ્રતિષ્ઠા મેળવેલી.

વાલોભા શરીરે કદાવર, મોટી મોટી જંઘા અને ભુજાઓ. નીચે ધોતી અને ઉપર રબારીઓ પહેરે તેવી આંગળી. માથે મોટી પાઘડી, કાનોમાં સોનાની મરચી પહેરી હાથમાં મોટી ડાંગ લઈ ચાલે એટલે એક પડછંદ પ્રતિભાનાં દર્શન થાય. ગામ ગામેતરા તેઓ ચાલીને જ જતાં. સાસરી કરણનગર પચીસ ગાઉ ચાલીને જાય. રાત્રે નીકળી સવારે પહોંચે. આખો દિવસ રોકાઈ રાત્રે પાછા વળે અને સવારે ભટારિયા પહોંચી જાય. 

તેઓ મેલડીના ભુવા તેથી નિયમ પાલન કરે અને જ્યાં બહારનું ખાય પીએ નહીં. દારૂથી તેમણે તેમનો કોઠો અભડાવ્યો નહોતો. બહારગામ જાય તો કાયમ જોડે દોરી લોટો સાથે રાખે. માર્ગમાં તરસ લાગે તો કૂવામાં લોટો નાંખી પાણી ખેંચી હાથ ધરીને પી લેતાં. મેલડીના મઢે રમણ હોય કે નૈવેદ્ય-પૂજા, ડાબા અંગૂઠાની દોરી છોડતાં વેંત તેમની કુંડલિની શક્તિ જાગૃત થઈ જતી. માતાના મઢ પર બેસી શક્તિ આરાધના કરી ધૂણવાની પ્રથા કુંડલિની જાગરણની એક તાંત્રિક વિધિ છે. જેમાં નિયમ પાલન, શિસ્ત, સંયમ અને ભક્તિ અતિ મહત્વના છે. આજકાલ તો હાકોટા કરી શરીર હલાવનારા ઝાઝા અને શક્તિ જગાવનારા ઓછા જણાય છે. દેવી ઉપાસનાની શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રેખા સાન પાતળી તેથી અંધશ્રદ્ધાળઓને વધતાં વાર નથી લાગતી. 

વાલાભાની દેવી ઉપાસનાની શક્તિની વાત કરતાં મારા પિતા જણાવતાં કે તેમના હાલનાં ખેતરની બાજુમાં કાશીરામ પટેલનું ખેતર. સેઢા ભેળા થાય ત્યાં તકરાર રહેવાની. તમારો બળદ મારું ખેતર ભેળી ગયો એવી ફરિયાદ કરી કાશીરામે વાલાભાનો માનીતો રેલ્લો એકવાર ગામના ઢોર ડબામાં પૂરાવેલો. વાલોભા છોડાવવા ગયા તો કાશીરામે ગાળો બોલી સોટું માર્યું. જેને કારણે વાલાભાની પાઘડી ગામ વચ્ચે પડી ગઈ. એ વખતે પાઘડી પડવી તે ભારે અપમાન ગણાતું. વાલાભાએ પડેલી પાઘડી લાવી માતાના મઢે મૂકી અપમાનનો બદલો માંગ્યો. કહેવાય છે ત્યારબાદ કાશીરામ પટેલના બે પગ ત્રાંસા થઈ ગયેલાં અને ખૂબ હેરાન થયેલાં. કાશીરામ પટેલના સંતાનોએ પછી તેમના ખેતરમાં મેલડી બેસાડી તેનું નૈવેદ્ય કરતાં. એ ઘટના પછી ગામમાંથી કોઈએ પણ વાલાભા કે તેમના કુંટુંબને ક્યારેય રંજાડ્યુ્ નહીં. 

વાલાભા અને સુંદરબાને સંતાનોમાં ચાર દીકરા અને ત્રણ દીકરીઓ; અનુક્રમે માણેકબા, નરસિંહભા, ખુશાલભા, સોમાભા, ખેમાભા, જેઠીબા, સંતોકબા. સંતાનોમાં પાંચમા અને ચાર દીકરાઓમાં સૌથી નાના ખેમાભા મારા પિતા. તેમની હયાતીમાં સાત સંતાનો પૈકી તેમણે સન ૧૯૨૭મા મોટી દીકરી માણેકબાને બાન્ટય ખોડાભાઈ સાથે અને સન ૧૯૨૯માં મોટા પુત્ર નરસિંહભાને કરસનપુરા પૂંજીબા સાથે પરણાવેલાં. જાન ચાલતાં ભટારિયાથી કટોસણરોડ અને ત્યાંથી વિરમગામવાળી ટ્રેનમાં કરસનપુરા પહોંચેલી. મારા પિતા ખેમાભાની ઉંમર તે વખતે આઠ નવ વર્ષની હશે તેથી વાલાભાએ તેમને ખભે બેસાડી કટોસણરોડ સુધી તેડેલા. પિતાનો એ સ્પર્શ  ખેમાભાને જીવનભર યાદ રહ્યો.  તેઓ સન ૧૯૩૦માં ગુજરી ગયા ત્યારે મારા પિતાની ઉંમર નવેક વર્ષની. તેમને તેમના પિતાની આછી પાતળી ઝાંખી. તેમને એટલી ખબર કે તેઓ પડછંદ અને મજબૂત કાયા ધરાવતા તેમના પિતા ભારે ઉદ્યમી અને પ્રેમાળ હ્રદયના હતાં. તેઓ તેમના બચપણને યાદ કરી કહેતા કે એકવાર ખેતરે રમતાં રમતાં કોષના ડબાનું પતરું તેમને જમણાં હાથના અંગૂઠાની અંદરની બાજુ વાગી જતાં લોહીની ધાર થયેલી. વાલાભાએ તરત જ પાઘડીનો છેડો ફાડી પાટો કરી બાંધી દીધેલો. અંગૂઠાની અંદર ઘાના નિશાનને જોઈ પિતાના કોમળ હ્રદયની સ્મૃતિ યાદ કરી તેઓ ઘણીવાર રોઈ પડતાં. 

એક સરખા દિવસ સુખના કોઈના જતાં નથી. વાલાભાને કુટુંબની જવાબદારી મોટી તેથી ખર્ચ પૂરો કરવાં સિંચાઈ કરી અને પશુપાલનનો ટેકો રાખેલો. પશુપાલન કરતાં વધારાનાં ઢોર વેચી દેતાં. આવા જ એક પ્રસંગે તેઓ બળદ વેચવા ચાલતા સરસપુર અમદાવાદ આવેલાં. રાત્રે બહાર સૂતાં તેથી તેમને પગે જૂવા કરડી ગયા હતાં. પછીથી પગ પાક્યો અને ન મટ્યો. દિવસે દિવસે રોગ વધતો ગયો અને તેઓ ખાટલાવશ થઈ ગયા. કદાચ ગેંગરીન થઈ ગયું હશે. તેઓ પથારીમાંથી ફરી પાછા ઊભા ન થઈ શક્યાં. સન ૧૯૩૦માં ૪૫ વર્ષની સાવ નાની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યાં. માતા, પત્ની, ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓનુ્ ભર્યુ્ભાદર્યુ્ ઘર આમ અચાનક નંદવાઈ ગયું. સુખી વાલાભાના સંતાનોની ખરી જીવન કસોટી અને કરમની કઠણાઈ હવે શરૂ થવાની હતી.

૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫

1 comment:

  1. બહુ સરસ લેખનકળા છે

    ReplyDelete

Powered by Blogger.