નવ વર્ષની નાની ઉંમરે મારી ગામડાની એ પહેલી મુલાકાત. ભટારિયામાં પહેલી સવારે મોરલાના ટહુકાર, મંદિરની ઘંટડી અને બળદના ગળામાં બાંધેલી ઘૂઘરીના અવાજે મારું મન મોહી લીધું હતું. લીમડાનું દાતણ કરી ઝટપટ ચા પી ગામ જોવા મારું મન તલપાપડ થઈ રહ્યું હતું. મેં મારી ઉંમરના બાબુને શોધી લીધો. બાબુ અમારા કુટુંબમાં ભા બેચરભાની મોટી દીકરી પાલીબેનનો બીજા નંબરનો દીકરો. બનેવી ભલદા ચુંવાળના ગામ શિહોરના પરંતુ ઘર જમાઈ થઈ વાસના ખૂણે એક છાપરું બાંધીને રહેતાં.
બાબુને લઈ હું તો ચાલ્યો. કુંવરમાં એ અવાજ કર્યો, ભઈ સંભાળીને જજો. શિવીમા બોલ્યા કોઈને અડતા નહીં. મને આ સૂચનાની કંઈ ગમ ન પડી. ગામમાં જવું એટલે પટેલવાસમાં જવું. ગામમાં જાતિ મુજબ બધાંના રહેવાના જુદા જુદા વાડા જેને વાસ કહેવાય. જન્મથી જાતિ અને ભોજનની ગંધથી વાસ નામ પડ્યાં હશે. વાંસમાં પેસતાં જ બાલસાસણીયા ઘરોમાં પહેલો ખુમચો કાન્તિ પટેલનો. સામે રામજી મંદિરના ખૂણે બીજો લાડોલા કાંતિ શેઠનો. ૨૦૦-૩૦૦ની વસ્તીનું નાનું ગામ એટલે બીડી, બાકસ, મીઠું જેવું કંઈક મળે બાકી તો ખાલી ખુમચા દેખાણાં. બાબુએ દૂર ઉભા રહી અમૃતમામા એવો સાદ કર્યો એટલે હા એવો પ્ર્રતિભાવ મળ્યો. આ છોકરો કોણ? એ તો ખેમાભાનો પૂનમ. સૌથી નાનો. બાબુએ પછી મને રણછોડ મુખીનું ડેલું દૂરથી બતાવ્યું. પછી અમારા ઘરાક મોતીરામનું ઘર બતાવ્યું. મારા દાદાનું દૂધિયું ખેતર જેમની પાસે જતું રહ્યું તે મગનદાને જોયા. પાછા વળતાં મેં કહ્યું મંદિરે જઈએ. બાબુએ કહ્યું આપણાથી ન જવાય. મેં કહ્યું કે અને તો અમદાવાદ રાજપુર ટોલનાકાનામજૈન દેરાસરમાં દર રવિવારે જઈએ છીએ, કોઈ રોકતું નથી. બાબુ કહે, તમે નહીં ખબર પડે. આમાં ન જવાય. મેં કહ્યું કે આપણે વણાટનો વ્યવસાય, ક્યાંથી અશુદ્ધ ગણાય? મારા બાળ મનમાં પ્રશ્નો ઉઠ્યાં. આ કે કેવું ગામ? કોઈ બોલાવે નહીં, બેસાડે નહીં, પાણીનો ભાવ ન પૂછે, મંદિરમાં જવાય નહીં. માનવ સંબંધોની દિવાલને જોઈ મારો ગામ જોવાનો હરખ જે ખીલ્યો હતો તે કરમાઈ ગયો.
અમે પાછા આવ્યાં. અમદાવાદના હુલ્લડો શમે ત્યાં સુધી થોડા દિવસ અહીં જ થાણું હતું. બાબુની સાથે રહી વાણી વ્યવહાર સમજી લીધો હતો. એકવાર બા ની બીડી થઈ રહી. મને કહે એક પૈસાની બીજી લઈ આવ. મેં કહ્યું ૧૫૧? ૧૫૧ મારી બાની ફેવરેટ બીડી. ૧૦ પૈસાની ઘડી આવી જાય. બા કહે અહીં નહીં મળે. જે આપે તે લઈ લેજે. હું પૈસો લઈ ગયો કાન્તિભાઈના ખૂમચે. પરંતુ જેવો નજીક ગયો એટલે કાન્તિભાઈ બોલ્યાં છેટો ઉભો રહેજે. શું લેવું છે? મેં કહ્યું બીડી એક પૈસાની. તેણે ખુમચાના પાટિયાનો ખૂણો બતાવી કહ્યું અહીં મૂક. મેં પૈસો મૂક્યો એટલે તેમણે લોટો હતો તેમાંથી તેના પર પાણી છાંટી પૈસો લઈ લીધો અને બે બીડી જમીન પર છૂટ્ટી ફેંકીં મેં ચૂપચાપ ઉઠાવી લાવી બા ને આપી દીધી. પરંતુ આભડછેટના વ્યવહારે મારાં મનમાં એવો તે ખેદ જન્મ્યો કે પછી ક્યારેય કોઈ વસ્તુ લેવા તે ખૂમચે મેં પગ ન દીધો.
મારે ગામ પશુપાલન મોટેભાગે પટેલો કરે અને તેમનાં ઘેર મહિલાઓનું જીવન દુષ્કર. ખેતી, પશુપાલન, રસોઈ, ઘરકામ અને બાળકો ઉછેરવાના બોજમાં તેઓ નાની ઉંમરે ઘરડાં થઈ જાય. વલોણાંવાળા તો બ્રાહ્મ મુહૂર્તમાં સાડા ત્રણે ઉઠી સાડા ચાર પાંચ થતાં સુધીમાં વલોણું પતાવી દે. બાકી બીજા પાંચ વાગતા પહેલાં તો ઉઠી જ જાય. પછી ભેંસ દોવાની અને ઢોરોનાં છાણના ટોપલાં માથે ઉપાડી ઉકરડા ભરવાના. પછી નાહી ચા-દૂધ-સીરામણ-રોટલા બનાવે, વાસણ કરે, ખેતરે જાય, જો ખેતરમાં માણસ રાખ્યા હોય તો તેનું રોટલો - ગોળ ભાથું ભરીને જાય, બપોરે ઘેર આવી હાથની ઘંટી ચલાવી દળણું દળે. બપોરની રસોઇ (દાળ-રોટલાં) બનાવે, વાસણ કરે, કપડાં ધુએ ત્યાં સુધી સાંજની વેળા થાય એટલે ભેંસો દોઈ સાંજની રસોઈ બનાવવામાં લાગી જાય. બધાં જમી રહે એટલે વાસણ વગેરે કરી જ્યારે સૂવાનો વારો આવે એટલે રાતના દસ વાગી ગયા હોય. એક નિંદરે વ્હાણું લઈ જાય અને પરોઢ થતાં સત્તર કલાકની મંજૂરીનો દહાડો ચાલુ થઈ જાય. તેમને માથે છાણ લઈ જતાં જોઈ મને થતું આમનું માથે મેલું ઉપાડવાનું કોણ છોડાવશે?
ગામમાં તે સમયે વીજળી નહીં અને પાણી ભરવા કોઈ સામુહિક બોર નહીં. સૌના પાણી લેવાના સ્રોત જુદા જુદા. અમારા બાજુમાં નાડિયાવાસ. તેમનો પાણીનો કૂવો મોટો, ઊંડો અને ગામની વચોવચ. તેમના વાંસના વહુઆરુઓ માટલા, ઘડો અને રાંઢવું લઈ પાણી ભરવા જાય. ઘડાને માથે રાંઢવું (રસ્સી) બાંધી કૂવામાં નાંખવાનો અને પાણીમાં ડૂબે એટલે બુડબુડ ભરાય એટલે બે હાથે ખેંચી બહાર કાઢી માટલામાં રેડવાનો. ૧૫-૨૦ લીટર પાણીનું આખું માટલું ભરાય પછી ઘડો ભરી માથે ઈંઢોણી મૂકી માથે માટલું ઉપાડી તેના પર ઘડો ચડાવી ઘેર આવવાનું. કોઈ છોકરું સાથે આવ્યું હોય તો રાંઢવું ઉપાડી લે નહીંતર ખભે લટકાવી લાવવાનું. મેં કૂવાની પાળે ઊભા રહી નીચે નજર કરી તો પડવાની બીકે ડરી ગયો. પાણીથી ભરપૂર ભરેલો મોટો કૂવો મેં પહેલીવાર જોયો.
અમારે કૂવો નહીં. અમારાં ખેતરમા વાલાભાએ ગાળેલો કૂવો પરંતુ ખાસ ઊંડો નહીં તેથી પાણી સૂકાઈ ગયેલાં. તેથી ઘરની મહિલાઓ દૂર દૂર ખેતરોમાં જેને બોર કૂવો હોય અને ડીઝલ એંજિન ચાલતાં હોય ત્યાંથી ભરી લાવે. ખેતરે જેવું ડીઝલ એંજિન ચાલે અને ટુંક ટુંક અવાજ આવે એટલે બધાં ઘરમાં કરંટ આવી જાય. એંજિન કલાકેક ચાલવાનું હોય એટલે ઝડપથી પહોંચી પાણી ભરી લાવવાનું હોય એટલે માટલું, બેડું, ઘડો જે હાથ આવે તે લઈ બધાં ભાગે. વળી બોર કૂવાવાળા બે-પાંચ જણ હોય તેમાં એક બે તો કડવા અને કાંઠા એટલે તેનું સાંભળવાનું ટાળવા બધા ટાળો કરે. જે ભરવા દે તેમાં પણ ઘરનો જણ બદલાય તો કડવું સાંભળવું પડે. પરંતુ જે હોય તે બોરકૂવાની કુંડીથી ખેતરમાં જતાં પાણીના રેસામાંથી પાણી ભરવા દે. પાણી ભરી માથે પાણી ભરેલું માટલું કે બેડું ઉપાડી એકાદ બે કિલોમીટર કાચા રસ્તે ચાલી ઘેર આવવામાં તો શરીર અને મનની કસોટી થઈ થાય.
કુતૂહલવશ નાનો ઘડો ઉપાડી હું પણ પાણી ભરવા જતો. મને મનમાં થતું ગામ વચ્ચે અમારા વાસની નજીક પાણીથી ભરપૂર આટલ મોટો નાડિયાવાસનો કૂવો છે તેમાંથી પાણી ભરવાને બદલે અને બધાં આટલે દૂર કેમ આવીએ છીએ, લોકોના મહેણાં ટોણા સાંભળીએ છીએ અને માથે ભાર ઉપડાવી વહુઓ મહિલાઓને હેરાન કરીએ છીએ? મે મારી બાને પ્રશ્ન કર્યો. ખુશાલભાના ઘેરથી કુંવરમાં બાજુમાં બેઠાં હતાં. કહે, નાડિયા આપણાંથી નીચા એટલે એમના કૂવાનું પાણી આપણાંથી ના પીવાય. મને હવે ખ્યાલ આવ્યો કે નાડિયા અમારા વાસમાં આવે તો દૂર નીચે બેસી વાત કરતાં અને તેમને બીડી આપે તો છૂટ્ટી નાંખીને આપતાં. તે સામાન્ય રીતે પાણી - ચા માંગે નહીં પરંતુ તરસના કારણે પાણી પીવું હોય તો ઉપરથી રેડીએ એટલે ખોબેથી પી લેતાં. ચા માટે તેમના જુદી રકાબી ઘરના કરે મૂકી હોય કે ધોઈ પી પાછાં ધોઈ મૂકી દે. મને મનમાં થયું પટેલોનો અમારા સાથેનો અને અમારો નાડિયા સાથેના વ્યવહારમાં કોઈ ભિન્નતા નથી. બંને આભડછેટ પાડે છે માત્ર ગ્રુપ બદલાય છે. પટેલો દલિત બધાંની આભડછેટ પાળે અને દલિતો અંદરોઅંદર ઊંચ નીચ કરીને બેઠેલાં. ગામડું આમ સંકોચની ગંધથી ભરેલું મને લાગ્યું.
ગ્રામ્ય જીવનનો આનંદ પણ ખરો. હું ખરવાડની બાજુમાં આવેલા મગનભાઈ શીવાભાઈ પટેલના ખેતરમાં એકવાર ચેમડુ (કમરપરૂ) ચૂંટવા ગયેલો. દહાડી તો યાદ નહીં પરંતુ મોટાને પાંચ રૂપિયા અને નાનાને અઢી રૂપિયા હશે તેવું યાદ છે. કમરપરૂ લાલ જુવારનો એક પ્રકાર જેનો સાંઠો જાડો અને મીઠો મધ જેવો. તે ચૂસ્યાનો આનંદ આજેય યાદ છે. તે દિવસે મે પહેલીવાર ખેતમજૂર તરીકે રઈબેન પટલાણીના હાથના રોટલા અને શાકનો સ્વાદ લીધો હતો.
અમારું સહિયારું ખેતર અમારા મોટા બાપાના જમાઈ દેવજીભાઈને વાવવા આપેલું. બાજરો સો મણથી વધારે થયેલો. બાજરિયાં લણીને ઢગલો થતો અને પછી બળદથી પીલવાનાં અને બાજરો લેવાનો. ખેતરમાં બાજરિયાના ઢગલા પર ગોળગોળ ફરી બાજરી પીલતાં બળદને જોઈ મને થયું ચાલો આપણે પણ શીખીએ. મેં તો જેવું જોયું હતું તેમ બળદ ચલાવવો શરૂ કર્યો. બળદ ચાલે નહીં એટલે પૂંછડું આમળું અને નાની આર આપેલી તે લગાવું. બળદભાઈએ બે ત્રણ રાઉન્ડ તો બાજરો બરાબર પીલ્યો પરંતુ મારું વારેવારે તેમનું પૂંછડું આમળવાને કારણે ગિન્નાયા અને પાછલા પગે એક લાત દઈ દીધી. લાત બરાબર એક પગના ઢીંચણની ઢાંકણી પર લાગી. ઓય માડી કહી આપણે તો એ કામ મૂક્યું પડતું. નસીબજોગે ઢાંકણી ભાંગી નહીં અને આપણે ફરી કદી બળદનો એ ખેલ કર્યો નહીં.
એ વખતે ખરવાડમાં અનાજ આવે એટલે જમીન વગરના જે કોઈ માંગવા આવે તેને સૂપડા ભરી ભરીને આપવાનો રિવાજ. ગામમાં કોઈ ભૂખ્યું રહે તેની આ રીતે તકેદારી લેવાતી.
હું શરદ પૂનમની તે રાતે પહેલીવાર રાતના અજવાળામાં પત્તા (કોટ) રમતાં શીખેલો. ખેતરમાં ખુલ્લામાં સૂતા હોય અને વિશાળ એવા આકાશમાં ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વીણાય નહીં એવા તારા મંડળોને જોઈ અચરજ થતું. આકાશની મધ્યમાંથી જાણે નદી પસાર થતી હોય તેવો દૂધ જેવો જોયેલો પટ્ટો ચિરસ્મરણીય રહ્યો. રાત્રે તારા ગણતાં ગણતા નિંદર ક્યારે આવી જાય તેની ખબર ન પડે અને સવારે મોરલો ટહુકે, મંદરની નાની ઘંટડી ખખડે અને વહુઆરુઓના ગાય-ભેંસ દોવાના બોઘરણાંનો અવાજ આવે એટલે એકી ઊંઘે વ્હાણું લઈ જાય.
ગામમાં દરેકના ઘેર માટીની કોઠીઓ અને કોઠીઓમાં અનાજ ભરેલાં. જેને ખેતર હોય તેને પોતાનું અનાજ અને ખેતર ન હોય તેની પાસે મજૂરી, ખળું માંગેલું કે હળોતરાનુ્ અનાજ. શાકભાજી તો નામની. ચોમાસામાં દેશી ગવાર વાવ્યો હોય તો ખાવા મળે. બાકી મોટે ભાગે બપોરે મગની દાળ અને બાજરીના રોટલા. ગામમાં એ વખતે ડેરી નહીં એટલે પશુપાલકોના ઘેર વલોણા થતાં. વલોણાની છાસ ઘરમાં કેટલી વપરાય? તેથી ઢોળી દેવાને બદલે જેને પશુપાલન ન હોય તેવા કુટુંબો દોણી ભરી લઈ જાય. દરેકને ઘરાક બાંધેલા તેથી જે આપણું ઘરાક હોય તેના ઘેર છાશ લેવા જઈએ તો ના ન કહે. તેમને ઘેર છાશ ન હોય અને બીજા ઘેર લેવા જવું પડે તો વિનંતી કરવી પડે. આમ ગામમાં દોણી લઈ જવાનું અને છાશ લઈ આવવાનું કામ માંગવાનું કામ હોવાથી ઓછું ગણાતું. મને પેલી કહેવત યાદ આવી ગઈ. છાશ લેવા જવું અને દોણી સંતાડવી. તે તેમ પાલવે? દોણી સંતાડી રાખીએ તો છાશ ન મળે. ઘેર કઢી થાય નહીં અને કોરાં રોટલાં ખાવા પડે.
તે વખત ઘેર ઘેર માટીનાં ચૂલા. બળતણ ખર્ચ શૂન્ય. ચોમાસામાં ઝાડ કાપી ગોળવાં સૂકવેલાં હોય પરંતુ તે આખું વર્ષ ન ચાલે. વળી લગ્ન બીજા પ્રસંગ માટે કેટલોક સંગ્રહ કરી રાખવાનો તેથી રોજબરોજની જરૂરતો માટે એંધરા વીણવા જવું પડે. તેથી વહુઆરુંઓ અને દીકરીઓ જેવી બપોરે ઘરકામથી નવરી પડે એટલે એક બે બહેનપણીનો સાથ કરી એંધરા વીણવા નીકળી પડે. આજુબાજુના ગામના રસ્તે ચાલવાનું અને રસ્તે પડેલાં લાકડાનાં ટુકડાં, સળીઓ, છાણનાં સૂકાયેલા પોદરાં તગારાં કે સુંડલીમાં ભરવાના અને તે ભરાઈ જાય એટલે માથે મૂકી આવવાનું. હું પણ એક દિવસ તેમની સાથે તગારું લઈ સાંથળના રસ્તે એંધરા વીણવા ગયેલો. રસ્તામાં મેં શેળો પહેલીવાર જોયો. સૂકી ડાળીઓ, ટુકડા, પોદરાંથી મારું નાનું તગારું ભરાઈ તો ગયું પણ ઉપાડવું કેવી રીતે? મારે લેવામાં વાર થઈ એટલે મહિલાદળ તો દૂર થઈ નીકળી ગયેલું. અહીં આપણે ફસાણાં. તગારું ઉપડે નહીં અને ભરેલું બધું ઠલવાય નહીં. તેથી તગારાની ધાર પકડી ખેંચીને જેમ તેમ કરી ઘેર પહોંચેલો. પરંતુ જાતે શ્રમ કરવાથી શ્રમની કિંમત અને મહત્વ મને નાની ઉંમરે સમજાઈ ગયેલા.
અમારું ગામ સાવ નાનું, ગરીબ અને વીજળી વગરનું. ઘેર ઘેર હાથે દળવાની ઘંટીઓ ખરી પરંતુ હવે પાંચ કિલોમીટર દૂર જોટાણામાં વીજળીથી ચાલતી ઘંટી આવી ગઈ હતી. આમેય દસ પંદર દિવસે હટાણું કરવા જવાનું હોય એટલે દળણું પણ લઈ જવાય. એ વખતે નાણાંનું ચલણ ઓછું તેથી દળઈમાં આટો (લોટ) કપાઈ જાય. અનાજની આભડછેટ નહીં તેથી આટો કોના ભાગે ગયો તેની ખબર નહીં. પરંતુ ગરમ ગરમ આટો થેલીમાં લઈ માથે ઉપાડી ઘેર આવતાં હોઈએ એટલે પહેલી પંદર વીસ મિનિટ માથું શેકાઈ જાય. મને પણ દળણું દળાવવાનો અનુભવ મળેલો.
એ વર્ષે મારી પહેલી દિવાળી ગામડે થઈ. અમદાવાદમાં તો મારે ઘેર લાલ, લીલાં, પીળાં રંગનાં બલ્બનું તોરણ લટકે. કુંભાર આપે તે દીવડાની જ્યોત પ્રગટે. ટેટી, સાપોલિયાં, તારામંડળ લાવ્યાં હોય તેને સળગાવી તેનો આનંદ લેવાનો મળે. કંદોઈની દુકાનેથી એક પેકેટ મીક્સ મિઠાઇ આવી હોય તે ખાવા મળે અને વરસ સારું હોય તો એકાદ નવી ચડ્ડી કે બુશર્ટ મળે તેથી દિવાળીનો આનંદ આવે. તેમાંય કાળી ચૌદશે નરસિંહ સાહેબનો પાઠ હોય અને નવા વર્ષે ચાલીમાં ઘેર ઘેર જઈ સાલમુબારક કરવાનો આનંદ જ અનેરો. પરંતુ અહીં ગામડે એવી કોઈ ચમક દમક નહીં. ઘરમાં દાળ, રોટલાં અને કઢીનો જોય હોય ત્યાં મેવાં મિઠાઇની કલ્પના કેમ કરવી. દિવાળી નિસ્તેજ ગઈ. બીજા દિવસે અમારા ઘરાક પટેલની ત્યાંથી કહેણ આવ્યું, ભાણું લઈ જાઓ. મારી બા પિત્તળની થાળી લઈને ભાણું લઈ આવી. મને થયું શું હશે? પરંતુ બાએ થાળી ખોલી ત્યારે ખબર પડી કે દિવાળીમાં તેમને ઘેર જે બનાવ્યું હોય તેના વધેલાં ઘટેલાં વ્યંજનોના ટૂકડા જોવા મળ્યાં. મારા મને ના કહી અને મેં તે મિઠાઇ ખાવાની ના ભણી દીધી.
એક દિવસ બાબુ સાથે બાજુનાં ગામ બાલસાસણ જવાનું થયું. અમે કોઈ મહોલ્લાથી પસાર થયાં. એ પગમાંથી ચપ્પલ કાઢી બગલમાં નાંખ. માથું કેમ ઉઘાડું છે. કપડું બાંધ. એક કરડો અવાજ કાને ટકરાયો. બાબુએ મોઢે આંગળી મૂકી મને શાંત રહેવા કહ્યું અને અમે કંઈ બોલ્યા વિના ત્યાંથી સરકી ગયાં. મેં પૂછયું, તે કોણ? આપણને આમ ટોકનાર કોણ? બાબુ કહે ઠાકેડા અને દરબારોનાં છોકરાં આવા જ હોય છે. તેમના દ્વારા ચોરીની બીક રહેતી. અમારા મહોલ્લામાં ચોરીના એક પ્રસંગે થયેલાં ચાર ખૂનની વાત પછી ક્યારેક લખીશ પરંતુ ચુંવાળમાં ચોરી અને લૂંટનો ભય આઝાદી પહેલાં સામાન્ય ગણાતો. અમદાવાદથી ટ્રેનમાં ખરા બપોરે ઉતરી કટોસણરોડ થી ભટારિયા દસ કિલોમીટર ચાલીને આવતા પ્રવાસીને બંગલી આવે એટલે લૂંટાઈ જવાનો ભય રહેતો. ગજવામાં એક બે રૂપિયા હોય તે એક નાનું એવું છોકરું ચપ્પાની અણી દેખાડી પડાવી લે.
મારું ધ્યાન તરત જ નવી પરણી આવેલી વહુઆરુંઓ અને ઉઘાડા પગે ગામમાં જતી મહિલાઓ તરફ ગયું. નવી વહુ પરણીને આવે અને અંધારુ થયે લોટે (જાજરૂ) જાય તો મોટિયાર ભાભા બેઠા હોય તેમની સામે ચપ્પલ પહેરીને પસાર ન થવાય. ચપ્પલ કાઢીને બગલમાં મૂકવાના અને ડબલું કે લોટો ભરેલો હોય તે સાડીના પાલવ ઓઠે સંતાડવાનો. એકદમ કુંઠિત સમાજનું એ વરવું દ્રશ્ય.
અમદાવાદમાં ભાદરવામાં શરૂ થયેલાં હુલ્લડો હવે શાંત થયા હતાં. મારા ભાભી તો પૂરા મહિને હતાં તેથી મધરના દવાખાને ડીલીવરી કરવાં જવાનું હતું. તેથી દેવ દિવાળી પતી એટલે અમે અમદાવાદ ભેગાં થઈ ગયા. મારી બા અને બહેન રમિલા ભટારિયે જ રહ્યાં અને ૧૬ ડિસેમ્બર ૧૯૬૯ના રોજ સુરેશનો જન્મ થયો ત્યારે તેની ટેક છોડવાં એક વર્ષના વનવાસ પછી તે અમદાવાદ પાછી ફરી.
૧૯૬૯ના એ કોમી રમખાણો અને ગામડાની મારી પહેલી મુલાકાતે મને બહારની દુનિયાનો પૂરો પરિચય કરાવી દીધો. કોમી વેરઝેર, ઊંચ નીચ જાતિ ભેદ, મહિલાઓનું સામાજિક અસન્માન આ દેશની સંસ્કૃતિ બની છે તેનો મારે જીવનભર સામનો કરવો જ રહ્યો.
૬ સપ્ટેમ્બર ૨૦૨૫
0 comments:
Post a Comment