Thursday, September 18, 2025

ભારતીય વહીવટી સેવામાં મારો પ્રવેશ (૧૨)

ભારતીય વહીવટી સેવામાં મારો પ્રવેશ (૧૨)

(જાહેર સેવાઓનો મારો પ્રવાસ)

૧૯૭૮માં લગ્ન, ૧૯૭૯થી સચિવાલયમાં નોકરી, ૧૯૮૦માં બી.કોમ.માં ડિસ્ટિંકશન અને લક્ષ્મીના ત્રીજા આણાંથી જીવન પ્રવેશ પછી મારું સાંસારિક જીવન ગોઠવાઈ રહ્યું હતું. ત્યાં મારી નજર છાપામાં માર્ચ ૧૯૮૧માં આવેલી ગુજરાત જાહેર સેવા આયોગની એક જાહેરાત પર ગઈ. હજી મારે એકવીસ વર્ષ થયા નહોતા તેથી ગ્રેજ્યુએટ આધારિત પરીક્ષાઓ આપવાની વાર હતી તેથી હું જાહેરાતો ઓછાં ધ્યાનથી જોતો. પરંતુ તે દિવસે મેં ઉંમરની શરતમાં ૧ ઓગસ્ટ ૧૯૮૧ના રોજ એકવીસ પૂરા થતાં હોવાની શરત વાંચતાં જ મારી આંખોમાં ચમક આવી ગઈ. મારી રેકર્ડ જન્મ તારીખ ૨૮/૭/૧૯૬૦ હોવાથી ત્રણ દિવસના લાભથી હું અરજી કરવા લાયક ઠરતો હતો. મેં પછી જાહેરાત પૂરા ધ્યાનથી વાંચી. છ વિષયોની ત્રણ ત્રણ કલાકની લેખિત પરીક્ષા અને પછી ઈન્ટરવ્યુ. ગુજરાતી, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન ફરજિયાત. બાકીના ત્રણ વિષયો લીસ્ટમાંથી પસંદ કરવાના. આંકડાશાસ્ત્ર મારે પાકું હતું. એકાઉન્ટન્સી હું કોલેજમાં પ્રી અને ફર્સ્ટમાં ભણેલો. ત્રીજો વિેષય રાજ્યશાસ્ત્ર આઝાદી આંદોલન અને બંધારણનો મને ગમતો તેથી તેની પસંદગી કરી મેં ફોર્મ ભરી દીધું. વર્ગ-૧ની એક બિનઅનામત જગ્યા જિલ્લા રજિસ્ટ્રારની અને બીજી અનુસૂચિત જનજાતિ માટે અનામત હતી તેથી નાયબ કલેક્ટરનુ માંગણાપત્ર ન હતું. 

મુખ્ય ભરતી તો સચિવાલયમાં સેક્શન અધિકારી અને જિલ્લાઓમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓની જગ્યાઓ માટેની હતી. અમે સચિવાલયના કર્મચારી તેથી અમારી નજર સેક્શન અધિકારીની જગ્યા પર મંડાયેલી રહેતી. ડીસેમ્બર ૧૯૮૧માં પરીક્ષા લેવાઈ, મારો બેઠક નં ૨૭૦૩ (નં૩) મારા માટે લકી હતો. ૧૯૮૨ના ઉનાળામાં ઈન્ટરવ્યુ થયાં અને જુલાઈ-ઓગસ્ટમાં પરિણામ આવ્યું તો હું આશ્ચર્યચકિત થઈ ગયો. જનરલ મેરિટમાં હું રાજ્યમાં ત્રીજા ક્રમે પસંદ થયો હતો. ડીસેમ્બર ૧૯૮૨માં ગેઝેટ બહાર પડ્યું ત્યારે ૨૨ વર્ષની ઉંમરે હું રાજ્યપત્રિત અધિકારી બની રહ્યો હતો. મેં વિષયવાર માર્ક્સ જોવડાવ્યા તો મારા લેખિત પરીક્ષાના માર્ક્સ ખૂબ સારા હોવાથી ઈન્ટરવ્યુના માર્ક્સૈ મારી મેરીટને એકદમ ટોચના ક્રમમાં લાવી દીધી હતી અને સચિવાલયમાં જાણીતો ચહેરો બનાવી દીધો હતો. પરંતુ ઈન્ટરવ્યૂના માર્કસથી અસંતુષ્ટ કેટલાક ઉમેદવારો પૈકી એક જનક ભટ્ટ હાઈકોર્ટમાં ગયાં, જેને કારણે અમારી નિમણૂકમાં નવેક મહિનાનો વિલંબ થયો હતો. તે દરમ્યાન ગુજરાત જાહેર સેવા આયોગની મદદનીશ (હાલ નાયબ સેક્શન અધિકારી)ની પરીક્ષા મેં જનરલ મેરીટ પર પાસ કરી દીધી હતી. તેમાં નિમણૂક મળતા ફેબ્રુઆરી ૧૯૮૩માં સ્પીપાની તાલીમ લઈ સિંચાઇ વિભાગમાં મારી નોકરી ચાલુ થઈ. હવે વાટ તો માત્ર સેક્શન અધિકારી તરીકે નિમણૂકની જોવાતી હતી. છેવટે કોર્ટે પસંદગી યાદીને વિભાજિત કરી ટકોરાબંધ મેરીટવાળા ઉપરના ક્રમના ઉમેદવારોને નિમણૂક આપવા સંમતિ આપતાં સેક્શન અધિકારી (પ્રોબેશનર) તરીકે મારી નિમણૂક નર્મદા અને જળસંપત્તિ વિભાગમાં થતાં હું ૧૬ ઓગસ્ટ ૧૯૮૩ ના રોજ હાજર થઈ ગયો. 

અમારી તાલીમ સરદાર પરેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) અમદાવાદ (ન્યૂ મેન્ટલ)માં થઈ. તે વખતના સ્પીપાના નાયબ નિયામક ભાગ્યેશ જ્હા અમારા કોર્સ ડિરેક્ટર બન્યાં. તેમની સાથે ગુજરાત દર્શનના ભાગરૂપે કરેલ સાપુતારા પ્રવાસ યાદગાર રહ્યો. પ્રવાસ દરમ્યાન ઝાડેશ્વર ભરૂચમાં મેં જીવનમાં બટાટા પૌંઆનો પહેલીવાર સ્વાદ લીધો. પ્રવાસમાં ઉકાઈ સિંચાઇ ગેસ્ટ હાઉસનું રાત્રિ રોકાણ કેમ ભૂલાય? જેવા થાકેલા પાકેલા રાત્રે મચ્છરદાનીવાળા પલંગમાં ઘૂસ્યા તેવા મોટા ડાંસ જેવા મચ્છરોએ આખી રાત શરીર ફોલી ખાધું. સવારે તો ખુલ્લા એટલાં ભાગમાં ઢીમચા પડી ગયેલ. સાપુતારામાં શિક્ષણ સંસ્થા ઋતંભરાની મુલાકાત, નાગલીનાં પાપડ અને વાંસનાં અથાણાંનો સ્વાદ કેમ કરી ભૂલાય? 

મારી સચિવાલયની પહેલી નોકરી (૧૯૭૯-૧૯૮૨) ગૃહ વિભાગમાં અને ચંદ્રમૌલી સાહેબ અમારા સચિવ. બીજા એક ગોપાલાસ્વામી સાહેબ અને તેમની પછી આવેલાં આનંદ ભારદ્વાજ સાહેબ અમારાં સંયુક્ત સચિવ. તેમની ચેમ્બર બહાર લટકતી નેમ પ્લેટ જોઈ તેના પર નામ નીચે લખેલ આઈએએસ વાંચી શરૂ શરૂમાં મને પ્રશ્ન થતો કે એ શું હશે? હું બી.કોમ. થયેલો તેથી થતું કે શું બી.કોમ. જેવી કોઈ ડિગ્રી હશે? પરંતુ સચિવાલયમાં એકાદ બે જણ યુપીએસસી પ્રિલીમ પાસ થયાની વાતો થતી તેથી મારા બે સહાધ્યાયી એ.ડી. પટેલ અને કાન્તિ પ્રજાપતિ સાથે રહી યુપીએસસીની જાહેરાત આવતાં મેં ડિસેમ્બર ૧૯૮૧માં ફોર્મ ભરેલું. મારું ધ્યાન તે વખતે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પર હોવાથી યુપીએસસી પરીક્ષા માટે મારી કોઈ ગંભીરતા નહીં. ન તો પરીક્ષા વિશે કોઈ સમજ કે ન કોઈ તૈયારી. બધાં કહે બહું જ અઘરી પરીક્ષા તેથી આપણે ધ્યાન છોડી દીધેલું. પરંતુ એવાકમાં ૧૯૮૨ના મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક ઘટના બની. 

હાથીખાઈ પોઈંટની બસથી હું ગાંધીનગર જતો તેમાં એક હરિભાઈ પટેલ આવતાં. તેઓ બાપુનગર પોઈંટથી બેસે અને હું હાથીખાઈથી. બંનેનુ બેસવાનું અલગ અલગ જગ્યાએ તેથી અમારો પરિચય નહીં. પરંતુ તે દિવસે બધાં તેમને અભિનંદન આપવા લાગ્યા તેથી મેં પણ અભિનંદન આપ્યાં અને અભિનંદનનું કારણ પૂછ્યું તો ખબર પડી કે તેઓ યુપીએસસી પરીક્ષા પાસ કરી આઈએએસ થયા છે. તેઓ સામાન્ય વહીવટ વિભાગમાં પ્લાનિંગ શાખામાં સેક્શન અધિકારી. મેં માર્ગદર્શનની વાત કરી તો કહે પૂનમભાઈ બપોરે રિસેશના સમયે મારી જગ્યાએ આવજો. હું ગયો એટલે તેઓ વિશેષ કશું બોલ્યા વિના ટેબલનું ખાનું ખોલી મને Employment Newsની નકલ પકડાવી દીધી. કહે આમાં બધું જ છે. હું તે કોપી લઈ પાછો ફર્યો અને એકજ બેઠકે જાહેરાત, શરતો, વિષયોની યાદી, સીલેબસ બધું વાંચી ગયો. જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ થતું કે આ તો આપણે કોલેજમાં આપતાં હતાં તેવી એક પરીક્ષા છે. ચાલો આપી તો જોઈએ? 

મેં તે રવિવારે (૩૧/૫/૧૯૮૨) એક મિત્ર એ. કે. પરમારની મુલાકાત લીધી. તેમણે અગાઉ પરીક્ષા આપી હતી પરંતુ બેંકમાં ઓફિસરમાં પાસ થવાથી તેમને હવે યુપીએસસીની પરીક્ષામાં રસ નહોતો તેથી તેમણે તેમની પાસેની એક હિસ્ટ્રીની મલ્ટીપલ ચોંઈસના પ્રશ્નોની અપેક્ષિત હતી તે મને આપી દીધી. સોએક પાનાની બુકમાં મલ્ટીપલ ચોઈસના પ્રશ્નો હતા. ૧૦ જૂન ૧૯૮૨ ના રોજ પરીક્ષા હતી. મારી પાસે તૈયારી કરવાં ગણીને નવ દિવસ. મેં નવ દિવસની હક્ક રજા (EL) મૂકી અને કાંકરિયા નગીનાવાડી પહોંચી ગયો. ત્યાં યુપીએસસીની તૈયારી કરતાં ઉમેદવારો વાંચતાં. મારી પાસે એક માત્ર મિત્ર એ. કે. પરમારે આપેલી અપેક્ષિત. તે પ્રિલીમમાં મેં વૈકલ્પિક વિષય તરીકે બીજાનું જોઈ ઈતિહાસ રાખેલો. કોમર્સના સ્ટુડન્ટ તરીકે ઈતિહાસનો શાળામાં ભણ્યા પછીનો મારો આ બીજો ટકરાવ હતો. મારા નસીબે બે એક ભાઈઓ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણના પુસ્તકો લઈ વાંચવા આવે. મેં વિનંતી કરી કે તેઓ જે બુક વાંચે તે સિવાયની થેલામાં રહેલી બુક્સ મને વાંચવા આપે. તેમણે હા ભણી એટલે મેં રોજના તેર કલાક લેખે વાંચવાનું શરૂ કર્યું. લગભગ ઉપલબ્ધ થયાં તેટલાં પુસ્તકો વાંચી નાંખ્યાં. કલાકના પચાસ પાનાંની ઝડપે હું રોજના લગભગ ૬૫૦ પાનાં વાંચી જતો તે લેખે નવ દિવસમાં મારે સાત થી આઠ હજાર પાનાંનું વાંચન થયેલું. વળી ઘડતર તો શાળા કોલેજ જીવનથી હતું તેથી આગે આગે દેખા જાએગા, “યાહોમ કરીને પડો, ફતેહ છે આગે” કરીને આપણે તો ૧૦ જૂનની પરીક્ષા આપી દીધી. ઓગસ્ટમાં પરિણામ આવ્યું તો સૌના આશ્ચર્ય વચ્ચે આપણે પ્રિલીમ પાસ થઈ ગયેલાં. પછી ઓક્ટોબર-નવેમ્બરમાં ૧૯૮૨માં મેઈન પરીક્ષા આવી. બે વૈકલ્પિક વિષયોમાં ઈતિહાસનું તો ગાંડું ગબડાવી લેવાય પરંતુ હરિભાઈના વિષયોનું જાણી જે એકાઉન્ટન્સી વિષય રાખેલો તેનો કોર્સ કેમ કરી પૂરો કરવો? જોર કરી જોયું પણ જામ્યું નહીં અને તે વિષયની પરીક્ષા આપવા ગયો તો તે દિવસે વાવાઝોડું. પ્રભુદાસ ઠક્કર કોલેજની લોખંડની તૂટેલા કાચવાળી બારીઓ બંધ થાય નહીં અને શટર પવનના જોરથી જોર જોરથી ભટકાય અને મોટો અવાજ કરે. પવનના સુસવાટાને કારણે પેપર માંડ માંડ પકડી રાખીને લખાય. ઠંડી, પવન અને અવાજે મનને અસ્થિર અને વિચલિત કરી દીધું. તે દિવસના બંને પેપર્સ બગડ્યા અને પરિણામ આવ્યું ત્યારે આપણે થોડાક માર્ક્સના છેટાંથી ઈન્ટરવ્યુ માટે પસંદ ન થયાં. 

પરંતુ બેલેન્સશીટમાં હવે પ્રથમ પ્રયત્ને પ્રિલીમ પાસ થવાનો સ્વાદ હતો અને વિષય પસંદગીમાં ઓછી ગંભીરતા કેવું નુકસાન કરે તેનો અનુભવ. મેં એક મિત્રના મિત્ર મયંક પટેલને મળી તેમના પિતા પ્રોફેસર જશુભાઈ પટેલનો સંપર્ક કર્યો. તેઓ સ્વામિનારાયણ કોલેજમાં ઈતિહાસના પ્રાધ્યાપક. તેમણે મને સ્વામીનારાયણ કોલેજમાં ઉપલબ્ધ પુસ્તકો અપાવ્યાં. તેમણે લખેલા બેએક પુસ્તકો આપ્યાં. હું શેઠ મગળદાસ લાયબ્રેરીનો સભ્ય થઈ ત્યાંનું કાર્ડ લઈ આવ્યો. કેટલુંક રીચી રોડ અને વિક્ટોરિયા ગાર્ડનનું ગુજરી બજાર ફેંદી આવ્યો. આખા અભ્યાસક્રમનું એક જગ્યાએ મળે તેવો જમાનો નહીં. એ વખતનું ગૂગલ એટલે આપણું પોતાનું મગજ. જ્યાં ત્યાંથી જે મળે તે ટૂકડા સાંધી હું વાંચતો ગયો. નોકરીમાં બાની બીકે દહાડા પડાય નહીં. બસનો, રીસેસનો કે કામ ન હોય તેવાં કચેરીના સમય અને રજાના દિવસોનો વાંચનમાં ઉપયોગ કરવાનો હોય. GSRTCની પોઈંટની બસની સીટ એ જ આપણી લાયબ્રેરી અને આપણી તાલીમ એકેડમી. નર્મદા અને જળ સંપતિ વિભાગમાં સેક્શન અધિકારી દિલીપભાઈ રાવલ શાખા તાલીમ દરમ્યાન મને કચેરી સમયમાં વાંચવાની છૂટ કરી આપતાં તે કેમ ભૂલાય? 

મારું વાંચન વિશાળ પરંતુ ટૂકડાઓમાં. ઉધારના પુસ્તક પાછા આપવાના હોય અને પુસ્તક કે નોટ માટે પાઈનો પણ ખર્ચ કરવાનો નહીં. તેથી જે વાંચ્યું તેની નોંધ તૈયાર કરવી જરૂરી જણાઈ. અમારી જીપીએસસી પસંદગી કેસ સંદર્ભે હાઈકોર્ટ જઈએ ત્યારે વકીલ નિરંજન પંડ્યા અને સામે પક્ષે ભાસ્કર તન્ના જે બ્રીફ લઈ દલીલો કરે તે કાગળ વચ્ચેથી વાળેલો રાખે. કોર્ટના બધાં વકીલો તેમ જ કરતાં. મારા મોટા ભાઈ કનુભાઈ મિલ કામદારમાંથી રોજગાર વિનિમય કચેરીના એક ઇન્ટરવ્યૂમાં પાસ થઈ બેક ઓફ બરોડામાં પહેલાં પટાવાળા અને પછી બઢતીથી કારકુનની નોકરી કરતાં. તેઓ મારી મદદમાં આવ્યા. બેંક શાખામાં જે વેસ્ટ પેડ હોય તે મને લાવી આપતાં. હું વાંચુ અને તે કાગળોને ડબલ ફોલ્ડ કરી નોંધ-મુદ્દા ટપકાવતો જાઉં. જેવું વાંચન પૂરું થાય એટલે નોંધ પર ફરી એકવાર નજર મારી લઉ. પરીક્ષાના દિવસે પણ ઝડપથી એક નજરે વિહંગાવલોકન કરવાનું એ હાથવગુ સાધન હતું. મે જૂન ૧૯૮૩માં લેવાયેલ પ્રિલીમ પાસ કરી, પછી ઓક્ટોબર-નવેમ્બરની મેઈન આપી પાસ કરી અને એપ્રિલ ૧૯૮૪માં યુપીએસસી દિલ્હીમાં ઈન્ટરવ્યૂ આપી IRSમાં પસંદગી પામ્યો. મારી ઉંચાઈ ૧૬૩ સેમી તેથી IPS ભરેલું નહીં. પરંતુ મેરીટ મુજબ IPS પસંદગીનો અધિકારી હતો. તે ઈન્ટરવ્યુ આપવા દિલ્હીનો અને ગુજરાત ભવનનો એ મારો પહેલો પ્રવાસ હતો. ગુજરાત ભવનના ખીચડી કઢી બહું ભાવતાં. હું ચાર દિવસ પહેલાં ગયો હતો તેથી બે દિવસ ચાલીને ધોલપુર હાઉસ જઈ બહાર ઊભા રહી ઈન્ટરવ્યુ આપી બહાર નિકળતા ઉમેદવારોને પૂછી ઈન્ટરવ્યુ કેવું હોય તેનો અંદાજ કાઢતો. 

હું માતાપિતા સાથે સંયુક્ત કુટુંબમાં ખુશ હતો અને સચિવાલયની નોકરી સ્થાયી અને સ્થિર હતી તેથી IRSમાં નાગપુર તાલીમમાં હાજર ન થયો. એકવાર extension માટે અરજી કરી ખેંચ્યુ. વળી જીપીએસસી વર્ગ-૧ પસંદગીમા તક ઉભી હતી તેથી IAS અને ગુજરાત મળે તો જ જવું તેવું નક્કી કરી મેં તે તક છોડી દેવા નિર્ણય કર્યો. મેં જ્યારે ૧૯૮૩ મેઈન્સ પરીક્ષાની માર્કશીટ જોઈ તો ખબર પડી કે જો ત્રણ માર્કસ વધુ આવ્યા હોત તો IAS@1984 હોત. જે પેપર્સ સારા ગયા હતાં તેમાં મને ઓછા ગુણ મળ્યા હતાં, કારણકે પ્રશ્નપત્રમાં જવાબ આપવાની બાંધેલી શબ્દોની મર્યાદાને હું ગણી ગણીને વળગી રહ્યો હતો. કેટલાક જવાબો મને ખૂબ સારા આવડવા છતાં શબ્દોની મર્યાદાને ગણી મુદ્દાઓ લખી છોડતાં મેં માર્કસ ગુમાવ્યા હતાં તે ભૂલ દેખાણી. આવડે છતાં શબ્દ મર્યાદાની પાળમાં બંધાઈ હું અનાડી સાબિત થયો હતો. 

પછી આવી જૂન ૧૯૮૪ની પ્રિલીમ, ઓક્ટોબર-નવેમ્બરની મેઈન્સ, એપ્રિલ ૧૯૮૫માં ઈન્ટરવ્યુ. ત્રણેય કોઠા પાર કરી મે ૧૯૮૫માં IAS તરીકે પસંદગી મેળવી લીધી. આ વખતે તો મેં માત્ર પરીક્ષાના દિવસની આકસ્મિક રજા (CL) લઈ પરીક્ષા આપી હતી અને પરિણામમાં ચારસોથી વધુ રેન્કનો સુધારો કરી લીધો હતો. આ ઈન્ટરવ્યુ પહેલા મારી સાથે એક આશ્ચર્યજનક ઘટના બની. ઈન્ટરવ્યુ માટે તૈયાર થવા વાળ કપાવવા હું કાન્તિભાઈ શર્માની શોપ પર ગયો. ત્યાં લાઈન હતી તેથી દુકાન બહાર રાખેલ બાંકડા પર પ્રતિક્ષામાં બેઠો. બાજુમાં બે-ત્રણ જૂના મેગેઝિન પડ્યા હતાં. મેં નજર કરી તો સુભાષચંદ્ર બોઝના મૃત્યુ અંગેના જુદા જુદા કમીશનોના અહેવાલોનું વિશ્લેષણ કરતો એક લેખ હતો. હું ધ્યાનથી વાંચી ગયો. પચીસ મિનિટના એ ઈન્ટરવ્યુમાં સુભાષચંદ્ર બોઝ અને ગાંધીની સરખામણી અને તેમના મોત વિષેના પૂછાયેલા પ્રશ્નોએ મારી સફળતાને મહોર મારી દીધી.

તે વર્ષે સલામતી માટે મેં જીપીએસસી વર્ગ-૧ની પરીક્ષા આપી હતી તેમાં પણ જનરલ મેરીટ પર મારી વર્ગ-૧માં પસંદગી થઈ હતી. પરંતુ હવે IAS અને ગુજરાત કાડર મારી પાસેથી કોઈ છીનવી શકવાનું ન હતું. માત્ર ફોર્મ ભરવાના પોસ્ટલ ઓર્ડરના ખર્ચે મળેલી એ સફળતા મોટી હતી. 

૧૯૭૯ થી ૧૯૮૫ સુધીના એ છ વર્ષમાં મારા હાથમાં નોકરીના બાવીસ ઓર્ડર આવી ગયા હતા. બેંકીંગ સર્વિસ રિક્રૂટમેન્ટ બોર્ડની રમતાં રમતાં આપેલી પરીક્ષામાં પ્રોબેશનરી ઓફિસરની પસંદગી યાદીમાં વેસ્ટ ઝોન આખામાં મારો મેરીટ નંબર ત્રીજો હતો. સ્ટાફ સિલેક્શનમાં કસ્ટમ ઈન્સ્પેકટરની પરીક્ષા પાસ કરી ત્યારે વડોદરા જઈ સાયકલ ટેસ્ટ આપવાનો હતો. મને સાયકલ આવડે નહીં તેથી એક પટાવાળાભાઈની નીચી સાયકલ લઈ મેં હિંમત કરી સાયકલ ચલાવી તે નોકરીનો ઓર્ડર પણ મેળવી લીધો હતો. આ ઉપરાંત કેન્દ્રીયકૃત ભરતી, રેલવે, જીપીએસસી, યુપીએસસી, જે પણ નિમણૂક એજન્સીઓ હતી ત્યાં બધે જ સફળ થતો રહ્યો. 

મારી સફળતાથી હિતેચ્છુ સૌ રાજી હતાં. મારું નામ હવે સચિવાલયમાં ખૂબ જાણીતું નામ હતું. મારું દૃષ્ટાંત લઈ ઘણાં સહકર્મી જીપીએસસીની ૧-૨ અને યુપીએસસી અને બીજી પરીક્ષાઓમાં સફળ થયાં હતાં. પરંતુ મારી IASમાં પસંદગીની સફળતા અમારા સચિવાલયના એક સાથી મિત્રને ઈર્ષ્યા કરાવી ગઈ, જે આગળ જઈ મને અવરોધક સાબિત થવાની હતી. 

૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫

0 comments:

Post a Comment

Powered by Blogger.