કચ્છ ભૂકંપની બચાવ રાહત કામગીરી (૨૦૦૧)
૨૭ જાન્યુઆરી ૨૦૦૧ ના રોજ અમે ભચાઉમાં દાખલ થયા તો ચારે બાજુ તબાહીનો મંજર. મકાનો બહુ બધા જમીનદોસ્ત. ધરા હજી વારેવારે ધ્રુજી હ્રદયોને ધ્રુજાવી રહી હતી. હું એક ધ્વસ્ત થયેલા મકાન આગળ આવી ઊભો. નીચે ખૂબ ઊંડાણમાંથી કોઈકના કણસવાની કે મદદની પોકારનો અવાજ મલબો ચીરી ધીમેથી આવી રહ્યો હતો. બેએક માળની ઈમારતના કાટમાળ નીચે તે દબાયા હતા. મને થયું અબ ઘડી કાટમાળ હટાવી તેમને બહાર કાઢી લઉ. પરંતુ આરસીસીના ગચિયા મારાથી ન હલ્યા. મેં એક કોન્સ્ટેબલને જોયો, બૂમ પાડી બોલાવ્યો અને કહ્યું આમને બચાવી બહાર કાઢો. કહે સાહેબ આ મલબો માનવીય હાથથી ઉઠે એવો નથી. આ એક નહીં આવા તો અનેક મકાનોમાં માણસો દબાયા છે પરંતુ મલકો હટાવવો કેવી રીતે? ના જેસીબી છે ના કોઈ બીજા સાધનો. ડ્રાયવરો મજૂરો કોઈ નથી. વીજળી પણ બંધ. બધું થંભી ગયુ છે. કુદરતી કહેર સામે માણસની લાચારી જોઈ મારી આંખોમાં અશ્રુ વહ્યા. હું બીજા થોડાક મકાનોની ગલીમાંથી પસાર થયો. ભૂકંપ ટ્રેમર્સ ચાલુ હતા. મરતાં માણસ કેમ બચાવવા? મારે ભૂજ પહોંચવાનો આદેશ હતો તેથી થયું જિલ્લા કચેરીએ જઈ રાવ નાંખીશું. દુઃખી હ્રદયે મેં ભચાઉ છોડ્યું.
ભૂજ પહોંચી પહેલાં કલેક્ટર કચેરીએ પગ દીધો. મારી ૬-૭ વર્ષ જૂની કચેરી, કેમ જાણે આજે ખંડેર જણાઈ. કલેક્ટર કમલ દયાનીને જોયાં જાણે અવાચક, સાવ ડઘાઈ ગયેલા. મેં પૂછપરછ કરી તો કહ્યું ગાંધીનગરથી જી સુબ્બારાવ સાહેબ આવ્યા છે અને સામે RDCની રૂમમાં બેઠા છે. ત્યાં RDC આર. એસ. નિનામા મળ્યા. તેની બોડીમાં મેં કરંટ જોયો. હું જઈ જી સુબ્બારાવ સાહેબને મળ્યો અને જણાવ્યું કે મને આપની સાથે ભૂકંપ બચાવ રાહતની કામગીરી માટે મોકલ્યો છે. ગાંધીનગરથી એક ટીમ સરકારી હવાઈ જહાજથી પહોંચી ચૂકી હતી. ભૂજ આર્મી, એરફોર્સ, બીએસએફનું મથક તેથી બચાવ કામગીરીમાં તેઓ અને પોલીસ, યુનિફોર્મ ફોર્સ કામે લાગી ગયો હતો. ઘાયલને ભૂજ સિવિલમાં અને અતિ ઘાયલને અમદાવાદ કે બીજી મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા.
જી સુબ્બારાવ સાહેબ અને મેં જુદાજુદા વિભાગના અધિકારીઓને કામગીરી સોંપવા અને તેનું દૈનિક સંકલન મીટીંગ થાય તેવી રૂપરેખા ઘડી. પરંતુ બધા પાસે પહોંચવું કેવી રીતે? વીજળી નહી. ટેલીફોનના થાંભલાઓ ધરાશાયી તેથી ફોન બધા બંધ. ભૂજની ટ્રકો, સરકારી વાહનો બધા ઊભા. ડ્રાઇવર બધા ગાયબ. કોઈ વાહન ચાલે તો વીજળી વિના ડીઝલ પેટ્રોલ ક્યાંથી મળે? મને કોઈક ટેબલના ખાનામાંથી છૂટા થોડા કાગળ હાથ લાગ્યા, એક બે કાર્બન પેપર મળ્યા. ૧૯૭૯ના ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ગુજરાત કોલેજના હેડક્લાર્કે આપેલું મુસદ્દા કોપી કરવાનું યાદ આવ્યું. પેન ખોલી સૂચના મુસદ્દા લખ્યા અને જે અધિકારી સાહેબો મળવા આવે તેમને સૂચના પકડાવવાનું શરૂ કર્યું.
આરોગ્ય કમિશનર આર. એમ. પટેલ સાહેબે હસતા હસતા કહ્યું કે પૂનમભાઈ તમારે અમને સૂચના આપવાની છે? મેં હળવેથી જવાબ આપ્યો સાહેબ આ ઘડી કોઈ અધિકારી નાનો નથી કે મોટો નથી. કુદરતી આપત્તિ સામે એક ટીમ બની આફતમાંથી પ્રજાને બહાર લાવવાની છે. કચ્છના પૂર્વ કલેક્ટર તરીકે મને મારી પ્રજાની પીડા સતાવી રહી હતી.
ભૂકંપમાં ભૂજ હોસ્પિટલ ભાંગી પડી હતી અને ચારસોથી વધુ દર્દીઓ અને હાજર સ્ટાફ દટાઈ મર્યા હતા તેથી મેડીકલ ટીમો ઉભી કરી ઈજાગ્રસ્તોની સારવાર કરવું અતિ કપરું કામ હતુ. શરૂના ચાર દિવસ તો આર્મી બેઝ હોસ્પિટલ મોટી કામમાં આવી. પૂણેથી પણ તેમની એક બીજી ટીમ આવી પહોંચી હતી. દરમ્યાન જ્યુબિલી ગ્રાઉન્ડ પર IMAના સહયોગથી એક કામચલાઉ ટેન્ટ હોસ્પિટલ ઊભી કરી કામ આરંભાયું હતું. લાલન કોલેજમાં રેડક્રોસની ટીમો કામે લાગી સારવાર કેન્દ્રો શરૂ કરી દીધા હતા. જે ઉપલબ્ધ હતું તે ગોઠવી રેસ્ક્યુ થયેલાને સારવાર આપવા અને જરૂર જણાય ત્યાં મોટી હોસ્પિટલોમાં ખસેડવા ટીમો ખડે પગે કામ કરી રહી હતી. બીજા જિલ્લાઓમાંથી બોલાવેલા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ આવી કામે લાગવા માંડયો. પછી તો બીજા દેશો, રાજ્યોમાંથી મેડીકલ એઈડ આવવી શરૂ થઈ. બીલ ક્લિન્ટન અને બીજા એનજીઓ જોડાયા અને સ્થાનિક પટેલ હોસ્પિટલમાં બનેલ ઈઝરાયલની ટેન્ટ હોસ્પિટલમાં પહેલી ડીલીવરી થઈ ત્યારે થયું કે આરોગ્ય સેવાઓ પાટે ચડી. રેસ્ક્યુ સારવાર કામ ચાવતી હતી ત્યાં એપેડેમીક કંટ્રોલના કામે બધા લાગ્યા. આરોગ્ય કમિશ્નર આર એમ પટેલ સાહેબ અને આરોગ્ય મંત્રી અશોક ભટ્ટે સંકલનથી બેનમૂન કામ કર્યું.
મેં ભચાઉ જોયું હતું તેવા હાલ ભૂજમાં હતા. લોકો મલબા નીચે પરંતુ મલબો હટાવવાના સાધનો અને મજૂરો નહીં. હું શહેરમાં ફર્યો અને માનવ મડદાં ખાઈ શક્તિહીન બનેલાં કૂતરાઓને જોઈ અરેરાટી ઉપજી. માનવ જીવનની આ નશ્વર હાલત મને હચમચાવી ગઈ. માનવ મડદાની દુર્ગંધ વચ્ચે પણ ડેડ બોડીઓ કાઢી તેમની સન્માનભેર અંતિમ વિધિમાં લાગેલા સ્વયંસેવકોને જોઈ માનવતાની ગંધ અનુભવી.
એટલામાં ખબર આવી કે રીલાયન્સના જેસીબી રવાના થઈ ગયા છે. ૧૨-૧૫ કલાકે પહોંચી ડેબરી ખસેડવાનું ચાલુ થઈ જશે. અમે આશાના કિરણની જેમ તે મશીનોની રાહ જોતા હતાં ત્યાં ખબર પડી કે સૂરજબારીનો પુલ તૂટી ગયો હોવાથી હવે મશીનો મહેસાણા રાધનપુરના રસ્તે થઈ આવશે. તેને આવવામાં બે દિવસ બગડ્યા.
અહીં અમારું ધ્યાન વીજળી અને ટેલિફોન સેવાઓ ચાલુ કરવા તરફ. વીજળી ચાલુ થાય તો પીવાના પાણીના ટ્યુબવેલ ચાલુ થાય, ઘંટીઓ ચાલુ થાય તો અનાજ દળાય અને લોકોનો રોટલો ચાલુ થાય, પેટ્રોલ-ડીઝલ પંપો ચાલુ થાય તો વાહનો ચાલુ થાય, વાહનો ચાલુ થાય તો બચાવ રાહત કામગીરી ઝડપી બને. જીઈબી, પાણી પુરવઠા અને ટેલિફોન ખાતાના અધિકારીઓ ખડે પગે લાગી ગયા અને પોત પોતાના યુનિટોનું સંકલન કરી સબ સ્ટેશનો, પંપીંગ સ્ટેશનો ચાલુ થાય તે માટે મચી પડ્યા. પાણી પુરવઠાના રાધાકાંત ત્રિપાઠી સાહેબ તો આવતાં જ કામે ચડ્યા અને તેઓ ફીલ્ડમાં જ રહે તેથી અમને ન મળે પરંતુ તેમનું કામ તરત બોલવા લાગ્યું. જીઈબીના અધિકારીઓએ તૂટેલા સબ સ્ટેશનો ફરી ઉભા થાય ત્યાં સુધી આડી ઊભી લાઈનો જોડી પાવર સપ્લાય ચાલુ કરાવ્યો તે તંત્રની મોટી જીત હતી.
ધીમે ધીમે બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલી ટીમો સાથે સંકલન ગોઠવાવા લાગ્યું. સુરેશભાઈ સક્રિય થયા. ત્યાં દિલ્હીથી પ્રધાનમંત્રી આવી રહ્યા છે તેવો મેસેજ મળતાં પ્રધાનમંત્રીને નુકસાનનો શું અંદાજ આપવો તેની ચર્ચા થઈ. કચ્છની વસ્તી તે વખતે ૧૫ લાખ તેથી અંદાજે ત્રણ લાખ મકાનો ગણી તેના ૫૦% લેખે ૭.૫ લાખ મકાનો નાશ પામ્યાનું અને ભચાઉ, ભૂજ, અંજારની જાનહાનિની જે વાતો સાંભળી હતી તે ધ્યાને રાખી અંદાજે વીસેક હજાર જેટલા માનવ મૃત્યુ, તેનાથી ત્રણ ગણા પશુ મૃત્યુ, લાખેક ઈજાગ્રસ્ત ગણી તથા જાહેર ઈમારતો, અસ્પતાલો, શાળાઓ, રસ્તા, સબસ્ટેશનો, ટેલિફોન, વગેરેના નુકસાનના અંદાજો બાંધી અમે એક આવેદનપત્ર બનાવી દીધું. સુરેશભાઈ મહેતાને બતાવ્યું તો તેમને ઓછુ જણાયું પરંતુ સર્વે અંદાજો મેળવવાનો સમય કે સગવડ ક્યાં હતી? તેમણે મોઢું બગાડ્યું પરંતુ હાથે ચડ્યું એ હથિયાર અમે નુકસાનથી પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા. તેમણે લોકોના દુઃખ દર્દ જાણ્યા અને દિલ્હી જઈ તરત જ બચાવ રાહત ટીમો, રાહત સામગ્રી, વોટર કુલર મશીન વગેરે રવાના કર્યાં. ભૂજ જનરલ હોસ્પિટલ નવી બાંધી અદ્યતન કરવા હુકમો છોડ્યા.
ભૂકંપનું એ પહેલું અઠવાડિયું કપરું હતું. ભૂકંપ હજી સમાપ્ત નહોતો થયો. ટ્રેમર્સ ચાલુ તેથી શહેર આખું બહાર ઊંઘે. કડકડતી શિયાળાની રાતો. અમે કચેરી છોડીએ ત્યારે રાતના ૧૧–૧૨ થઈ જતાં. વળી પાછા સવારે ૬-૭ વાગે કચેરીમાં આવી જઈએ. પરંતુ રાત્રે સૂવા ક્યાં જઈએ? લેઉવા પટેલ સમાજવાડીના ગેસ્ટ હાઉસમાં મર્યાદિત રૂમ તેથી સીનીયર સાહેબો મંત્રીઓ ઉપલબ્ધ રૂમોમાં અને મેં કંપાઉન્ડમાં ખુલ્લામાં ગોદડા પાથરેલા તેમાં એકની ભેળાં બે થઈ જ્યાં થોડું ઓઢવાનું મળે ત્યાં ઘૂસી ત્રણ રાત પસાર કરી. જીસુબ્બારાવ અને હું મોડી રાતે કચેરી છોડતાં. સાહેબને મારી રાત્રે સૂવાની તકલીફની ખબર પડી એટલે ચોથે દિવસે તેમની રૂમમાં મને રૂમ શેરિંગની જગા કરી. વીજળી તો હતી નહિ તેથી ડોલ ભરી જે પાણી મળે તેનાથી અમે નાહતા. હું ચાર દિવસે નાહ્યો. પછી તો પાણી બહાર ગરમ કરી એક એક ડોલ પાણી ગરમ મળે તેવી સ્વયંસેવકોએ વ્યવસ્થા કરતાં રાહત થઈ. એક નાહી રહે અને બીજાની ચિંતા કરે. મંત્રી અશોક ભટ્ટ પણ ડોલ ઉચકી એકબીજાને પહોંચાડવા અમારી સાથે લાગી જતા.
મારી પાસે પોતાનું ખાવાનું તો કશું હતું નહીં. તેથી RDC અમારે માટે ક્યાંય થી જે કંઈ બિસ્કિટનું પેકેટ લઈ આવે તે ખાઈ અને પાણી જે મળે તેવું પી પહેલાં બે દિવસ ચલાવ્યું. ત્યાં સુધીમાં સામાજિક સંસ્થાઓના રસોડા ચાલુ થતાં અને અછત રાહત સામગ્રીમાં પાણીની બોટલો આવતા અમારી તકલીફો ઓછી થઈ.
મુખ્યમંત્રી આવી ગયા હતાં. પરંતુ તે દિવસે અમને મુખ્યમંત્રી અને નાણામંત્રીના સંકલનમાં તફાવત દેખાયો. પ્રધાનમંત્રીની મુલાકાત પછી ખબર નહીં સુરેશભાઈને શું વાંકુ પડ્યું જી સુબ્બારાવ સાહેબને પરત બોલાવી સરકારે એલ. માનસિંહ સાહેબને ચીફ કોઓર્ડિનેટર બનાવી મોકલ્યા. જીસુબ્બારાવ સાહેબ ખૂબ ખંતથી કામ કરતાં અને જે રીતે તેમને પાછા બોલાવ્યા તે મને ન ગમ્યું. પરંતુ સરકારી હુકમ એટલે સરકારી હુકમ. તેઓ ગાંધીનગર ગયા પરંતુ નિયતિ તેમના મારફત મારી એક મોટી મદદ કરવાની હતી.
તેમના સ્થાને આવ્યાં તે મારા જૂના બોસ એલ. માનસિંહ સાહેબ. ત્યાં અંજારમાં મારા બેચમેટ સંજય ગુપ્તા અને ભચાઉમાં બેચમેટ અતનુ ચક્રવર્તી જોડાયા. કલેક્ટર કચ્છ બદલાયા. હું ઊર્જાથી ભરેલો હાજર પરંતુ સુરેશભાઈ પણ હાજર તેથી મારી પર નજર શાની પડે? મારા બેચમેટ અનિલ મુકીમને કલેક્ટર બનાવી મોકલ્યા. ૧૯૮૫ની બેચ આમ ભૂકંપ રાહત કામમાં લાગી પડી. ત્યાં વળી હુકમ આવ્યો કે મારે ભૂજ છોડી રાપર એકમનો ચાર્જ લઈ બચત રાહતની કામગીરી સંભાળવાની છે. પરતું એલ. માનસિંહ સાહેબે ગાંધીનગર વાત કરી મને રોકી લીધો. રાપરમાં અરવિંદ શર્મા કામે લાગ્યા.
એલ. માનસિંહ સાહેબ રીસોર્સફૂલ એટલે તેમણે ક્યાંકથી બે લેપટોપ લાવી દીધાં. મને એક લેપટોપ મળતાં મેં ડેટા અને થઈ રહેલી બચાવ રાહતની કામગીરી નોંધવાનું અને રીપોર્ટ બનાવવાનું શરૂ કરી દીધુ. બેટરીમાં દમ હતો ત્યાં સુધી કામ કરવાનું હતું. વીજળી જલ્દી ચાલુ થવાની ઉમેદ હતી. જીઈબીની ટીમ સફળ રહી. સાતમા દિવસે વીજળી ચાલુ થતાં જીવન ધમધમતું થવા લાગ્યું. મુખ્ય સચિવ મુકુન્દન સાહેબ અધિકારીઓની ટીમ લઈ આવી પહોંચ્યા. અમે માહિતી રજૂ કરી. તેમને આશ્ચર્ય થયું કે આટલી ઝીણવટભરી માહિતી ભેગી કેવી રીતે થઈ. વીજળી, પાણી, ટેલિફોન, વાહનવ્યવહાર, સાર્વજનિક રસોડા અને રાહત સામગ્રી વિતરણ અમારી પ્રાથમિકતા બની.
અહીં ગાંધીનગરમાં લક્ષ્મી, ઉજ્જવલ, ધવલ ભૂકંપગ્રસ્ત ઘરમાં દિવસો કાપે. લક્ષ્મીએ સ્કૂટર લઈ સેક્ટર-૧૯ અને પછી સેકટર-૨૦નું ચક્કર લગાવી આમતેમ પૂછપરછ કરી એક ખાલી ઘર શોધી કાઢ્યું. મેં તેને ફીશરીઝ કમિશનર કચેરીમાં જઈ મકાન ફેરફારની અરજી તૈયાર કરાવી તેમાં સહી કરી એક અરજી માર્ગ અને મકાન વિભાગના સચિવ જામદાર સાહેબને અને બીજી અરજી નાણાં વિભાગમાં સુબ્બારાવ સાહેબને આપવા કહ્યું. તેણે તેમ કર્યું. મારી ૧૯૮૯માં સીનીયર સ્કેલમાં બઢતી વખતે નાયબ સચિવ માર્ગ અને મકાન વિભાગ તરીકે નિમણૂક થઈ ત્યારે જામદાર સાહેબ ત્યાં સંયુક્ત સચિવ હતાં. જીસુબ્બારાવ સાહેબ અને હું તો હજી હમણાં જ ભેળાં હતાં. મુખ્યમંત્રી કચ્છ આવ્યા ત્યારે મારા પરિવારને મકાનની અગવડની વાત મેં કરી રાખી હતી. સંજોગે અમને મદદ કરી અને સેક્ટર ૨૦માં મકાન ફાળવણી થતાં લક્ષ્મી, ઉજ્જવલ અને ધવલ ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૧ના રોજ કબજો લઈ મકાનમાં રહેવા ગયા જ્યાં હવે પછી અમે બીજા ૧૫ વર્ષ રહેવાના હતા અને તે દરમ્યાન બંને પુત્રોના લગ્ન પ્રસંગો પૂરા કરવાના હતા. એ અમારું સુંદર અને છેલ્લું સરકારી નિવાસસ્થાન હતું.
આ તરફ કચ્છમાં રાહત સામગ્રીના વહન માટે મહેસાણા તરફથી રસ્તો ચાલુ તેથી રાહત સામગ્રીની ટ્રકોની લંગાર શરૂ થઈ. અધિકારીઓ પણ ફોજની જેમ ખડકાવા લાગ્યા. તે રાહત કામમાં મદદે આવે તે પહેલાં તેમના રહેવા જમવાની સગવડની રાહતના પ્રશ્નો થયાં. એરપોર્ટ પર પણ રાહત સામગ્રીનો ખડકલો ચાલુ થયો. જો એરપોર્ટ ખાલી ન થાય તો બીજી ખેપો રોકાઈ જાય તેથી રાહત સામગ્રીને યોગ્ય જગ્યાએ સ્ટોર કરી, શોર્ટિંગ કરી તેના વિતરણના તંત્રની ગોઠવણની જરૂર ઊભી થઈ. પછીથી સુરજબારી પુલ ચાલુ થતાં તે માર્ગ પણ ખુલ્યો એટલે ધસારો વધ્યો.
અમે અધિકારીઓ અને કર્મચારીઓ લગાવ્યા. વાહનો જોડ્યા. કેટલાક એનજીઓને જોડ્યા અને રાહત સામગ્રીનું વિતરણ ચાલું કરાવ્યું. પરંતુ કામ ધારીએ તેવું સહેલું ન હતું. ભૂજ એકલામાં પાંચ લાખ ધાબળા વહેંચ્યા પરંતુ ધાબળા લેનારની લાઈનો ટૂંકી થાય નહી. પછીથી ખબર પડી કે કેટલાક કુટુંબો ઘરના દરેક સભ્યને લાઈનમાં ઊભા કરે. ધાબળા લઈ જાય અને ઘેર મૂકી ફરી લાઈનમાં લાગી જાય. જેને વિતરણ કર્યું તે ફરી ન આવે તેવી નોંધ રાખવાનું અને અમલ કરવાનું ક્યાં શક્ય હતું? વિતરણ માટે જે એનજીઓની મદદ લીધી તે પણ જબરા નીકળ્યા. તેમની સંસ્થાના બેનરો બાંધી જાણે તેમની સંસ્થા રાહત સામગ્રી વિતરણ કરી રહી છે તેવી છાપ ઊભી કરવા લાગ્યા. પરિણામે સરકારને કામની ટીકાનો વરસાદ મળે અને સંસ્થાને ત્યાં અનુયાયીઓના દાનની સરવાણી ફૂટે. માંડ માંડ બધાને કાબૂમાં લાવ્યા.
કચ્છ ભૂકંપ રાહતમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાની બેનમૂન કામગીરીની નોંધ લેવી જ પડે. સંસ્થાએ બ્રહ્મવિહારી સ્વામીને ઉતાર્યા. અમદાવાદ થી પ્રમુખસ્વામી તેમની દરરોજ વહેલી સવારે અને મોડી રાત્રે સમીક્ષા કરે અને રાહત કેન્દ્ર અને રસોડુ કેવી રીતે ચલાવવું તેનું આયોજન અને અમલ કરે. લોકોને આપવની રાહત કીટમાં મીણબત્તી, મેચબોક્ષ, ટોર્ચ, ટોર્ચ સેલ જેવી નાની નાની વસ્તુઓની વિચારણા કરી યાદી બને. રાહત સામગ્રી કીટ બની આવે અને સ્વયં સેવકો વિતરણમાં લાગી જાય. તેમણે એક મોટું રસોડું શરૂ કરેલું. અન્નક્ષેત્રની જેમ રસોડે મોટી સંખ્યામાં લોકો જમે પરંતુ સારા ઘરના લોકો જાહેરમાં જમવા આવતા સંકોચ કરે અને તેઓ ભૂખ્યા ન રહી જાય તે માટે ટીફીન સેવાની સગવડ કરેલ. મુંદ્રા રોડ પર ખુલ્લી જમીનમાં એક મોટો પતરાનો શેડ બનાવી શિયાળાની ઠંડી સામે અસરગ્રસ્તોને આશ્રયની મોટી વ્યવસ્થા ઊભી કરેલ. અમે પણ ક્યાં પાછળ રહેતાં. રસોડા માટે જરૂરી અનાજ ઘંઉ, ચોખા વગેરે FCIના ગોડાઉનમાં ઉપલબ્ધ હતું તે સંસ્થાને આપી રસોડાને ધમધમતું રાખવા સહયોગ કર્યો. પ્રધાનમંત્રીએ આપેલું મોટું વોટર કુલર આવ્યું તો તે સંસ્થાને આપી જનસેવાના કામમાં લીધું. બ્રહ્મવિહારી સ્વામી સાથે મિત્રતા બંધાઈ અને જીવનભર ટકી રહી.
એલ. માનસિંહ સાહેબને આ વખતે સરકારે આઈટેમ દીઠ રૂપિયા પાંચ કરોડના ખર્ચ મંજૂરીના અધિકારો આપ્યા હતા. તેથી બચાવ રાહત કામમાં એજન્સીઓને જોડવાનો રસ્તો સરળ બન્યો હતો. રૂપિયાની કોથળી ખુલે એટલે તે લેનારા આવી જ જાય. વિના ટેન્ડરે કામ મળવાનું. અંદાજો અંદાજિત, કામ અંદાજિત અને રૂપિયા અંદાજિત. આઈટમ દીઠ પાંચ કરોડની સત્તા એટલે ડેબરી નિકાલની ફાઈલો લાખમાં શેની આવે? દલા તરવાડી જેવી સ્થિતિ. ફેરા લખું ચાર પાંચ ત્યાં લખે દસ બાર. એલ. માનસિંહ સાહેબ કહે પીકે મંજૂરી આપી દઈએ? પરંતુ કયા કામનો કયો રેટ મંજૂર કરવો, કેટલી રકમ મંજૂર કરવી તેનો તાગ કેવી રીતે કાઢવો? અમે વ્યૂહ રચના બનાવી. ભાવોને SORના માન્ય દરો પર બાંધ્યા. કાર્યપાલક ઈજનેરને ફેરાની સંખ્યા અને મલબાના હિસાબને સર્ટિફાય કરવાની જવાબદારી સોંપી અને કરોડની ફાઈલોને લાખમાં મંજૂરી આપી કામગીરીના શ્રીગણેશ કર્યા. બીજા વિભાગોમાં સંબંધિત વિભાગના બજેટ ઉપરાંત ખૂટતી રકમ જોડવા સત્તાનો ઉપયોગ કરતાં. આ ઉપરાંત કામચલાઉ શેડ-કોલોની બનાવવાના કામે અનુભવી અધિકારીઓ હોવાથી ખર્ચ મંજૂરીમાં કોઈ તકલીફ ન પડી. ભૂજમાં જગદીશન આવી ગયા હતા તેઓ નગરપાલિકાના સંકલન થકી મોટું મેદાન શોધી, પ્લોટિંગ કરી ટીન શેડની કોલોની ઉભી કરવા જોતરાયા.
જુદા જુદા રાજ્યોમાંથી મંત્રી, અધિકારીઓના ડેલિગેશન ઉતરવા શરૂ થયા. વિદેશી ટીમો ઉતરવા વાગી. UNDPની ટીમ લઈ મારા બેચમેટ પ્રવીણ પરદેશી જોડાયા. જાપાનની ટીમ ટેન્ટનો ઢગલો અને આરોગ્ય ટીમ લઈ ઉતરી. તેમની આરોગ્ય ટીમને ગાંધીધામ મોકલી. બીજા કેટલાક દેશોની ટીમ આરસીસી કટરના સામાનો લઈ આવી હતી તે કામે લાગી. પરંતુ સમય પસાર થયો હતો તેથી દટાયેલા જીવતા નીકળવાની સંભાવના નહિવત્ હતી. જે જે ટીમો આવતી ગઈ તેઓને અસરગ્રસ્ત શહેર, ગામોની યાદી આપતાં અને તેમના બજેટની મર્યાદામાં પુનર્વસન એકમ પસંદ કરવાનું કહેતા તેઓ કામે લાગ્યા. આ પ્રયોગ સફળ થયો. આપણાં ચોપડે મદદ લઈ પુનર્વસનનું કામ આપણી ટીમ દ્વારા કરવાને બદલે જે તે એજન્સી, સરકારો દ્વારા તેમની ટીમો કામે લાગવાથી અમારો બોજ હળવો થયો.
ક્યાંક ક્યાંક કોઈક રાજકીય આગેવાનો આવી અમારી સાથે જીભાજોડી કરી જાય તો અમે તેમના ચોકખા કપડાં તરફ આંગળી ચિંધી અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ કામ કરી મેલાં કરી માનવસેવાનું પુણ્ય કમાવા જણાવતા.
પછી આવ્યું સર્વેનું અને કેશડોલ વિતરણનું કામ. તંત્રએ કર્મચારી અધિકારીઓની ટીમો બનાવી સર્વે માહિતી મેળવવાનું શરૂ કરી દીધું.
મને રાહત કામગીરી સંચાલનમાં બે મહિનાથી વધુ સમય થયો હતો. ૩૧ માર્ચ ૨૦૦૧ના રોજ ઘેરથી ફોન આવ્યો કે મારા સાળા વિનોદને બ્રેઈનની મોટી તકલીફ થઈ છે અને સારવાર માટે મારી મદદની જરૂર છે. કચ્છમાં ગાડી હવે પાટે ચડી ગઈ હતી. મારી પાસે ત્રણ જોડી કપડાં જે હું ધોઈ સૂકવી વાપરતો તેથી થયું ગાંધીનગર એક આંટો મારતો આવું. માનસિંહ સાહેબની રજા લઈ હું નીકળ્યો. વિનોદની બ્રેઈન સર્જરી થઈ પરંતુ તે ન બચ્યો. ૬ એપ્રિલ ૨૦૦૧ તેનો દેહાંત થયો અને તે જ દિવસે મારા પિતાની કેટરેકટ સર્જરી થઈ. ૧૦ એપ્રિલ ૨૦૦૧ તેમને એન્જાયના દુખાવો ઉપડ્યો અને ૧૨ એપ્રિલ ૨૦૦૧ હાર્ટ એટેકથી તેઓ ૮૧ વર્ષની ઉંમરે વી. એસ હોસ્પિટલમાં ગુજરી ગયા. હજી તેમની અંતિમ ક્રિયા, બેસણું બારમું પતાવ્યું ત્યાં મારી બા બિમાર થઈ. તેને હોસ્પિટલ લઈ ગયા, વેન્ટિલેટર પર મૂકી પરંતુ તે પણ ન બચી. ૨૩ મે ૨૦૦૧ ના રોજ ૭૮ વર્ષની વયે મારા પિતાનો સંગાથ કરવા સ્વધામ પહોંચી ગઈ. છત્ર જવાથી હું સાવ ખાલી થઈ ગયો. તેમના આપેલા સંસ્કાર હવે મારી દીવાદાંડી હતાં.
૨ ઓક્ટોબર ૨૦૨૫