નિષ્ઠા (જય સ્વામિનારાયણ)
હું મંદિરમાં બે રાત રોકાયો અને દર્શન આરતીનો લાભ લીધો. મંદિરની નજીક મહાનગરપાલિકાનું ઘન કચરા ડંપિંગ ગ્રાઉન્ડ હોઈ તથા ડ્રેનેજ લાઈન તૂટેલી હોવાથી વિસ્તાર દુર્ગંધગ્રસ્ત રહેવાથી તેની અસર મંદિર પરિસરમાં પણ વર્તાય છે. મેં સ્થાનિક કલેક્ટર અને કમિશનરનું ધ્યાન દોર્યું છે અને ભારત સરકારના મંત્રી તાકડે આવ્યા હતા તેથી તેમનું ધ્યાન દોર્યું છે. જોઈએ કેમનું થાય છે.
મહાનગરપાલિકા પાસે કામ કઢાવવું સહેલું નથી. વરસ પહેલાં મંદિર જમીન નજીકની જમીનના માલિકે ડ્રેનેજ બ્લોક કરતાં ભારે ગંદકી અને મુસીબત વેઠવી પડી હતી તેવું દર્શન સ્વામીએ જણાવ્યું તેથી તેમનો કલેક્ટર સાથે સંપર્ક બની રહે તેમ કરાવી આપ્યું છે.
સંજોગોવશાત એક સ્વામી આવ્યા હતા તેથી તેમની સાથે વાર્તાલાપનો અવસર મળ્યો. તેમણે પ્રમુખ સ્વામી બાપા સાથે રહી પત્રવ્યવહારનું કામ સંભાળ્યું હતું.
મેં પ્રશ્ન કર્યો કે તેમનો બાપા સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
તેમણે જણાવ્યું કે તેઓ તો ઓછુ ભણેલાં પરંતુ બાપાની કૃપા થકી સેવા મળી. સરેરાશ પંદર-વીસ પત્રો આવે તે વાંચવાના, તેમાંથી અગત્યના હોય કે ખાનગી હોય તે બાપાને રજૂ કરવાના અને બાપા જણાવે તેમ જવાબ લખી તેમને મૂકવાના. બાપા તેમાં વળી ઉમેરણ કરી સહી કરે કે રવાના કરવાના. બાપા પોતે પાંચ ચોપડી ભણેલાં પરંતુ યાદ શક્તિ ભારે તેથી ચોકસાઈથી જવાબ લખાવે અને કંઈક રહી ગયું લાગે તો પોતે પણ લખતા.
લોકો શું લખી પૂછતા? મે પુનઃ પ્રશ્ન કર્યો.
બીજું શું હોય, કોઈને ધંધો મંદો ચાલતો હોય, સંતાન ન થતા હોય, સંતાન હોય પરંતુ ભણવામાં નબળા હોય કે નોકરી મળતી ન હોય, કોઈકના લગ્ન કરવાના હોય તો લગ્ન થયેલાને રાગ ન આવતો હોય, કોઈને બીમારી હોય, વગેરે સંસારી જીવનના પ્રશ્નોના ઉકેલ અને આશીર્વાદ માટે લોકો લખતાં.
આ તો સંસાર છોડીને સાધુ થયા અને બીજાના સંસારના પ્રશ્નો ઉકેલવામાં લાગ્યા. મેં શંકા કરી.
વાત તો સાચી. એકવાર ડૉક્ટર સ્વામીને કોઈએ પૂછયું કે તમને સંસારથી વૈરાગ્ય કેવી રીતે થયો?
સ્વામીએ જવાબ આપ્યો હતો કે અમને સંસારથી વૈરાગ્ય થયો તેથી સાધુ બન્યા એવું નહોતું પરંતુ યોગીજી મહારાજના હેતે કરી સાધુ બન્યા. પરંતુ પછી જેમ જેમ આ સંસારીઓના પ્રશ્નો વાંચતા ગયા તેમ તેમ વૈરાગ્ય દૃઢ થતો ગયો. ડૉક્ટર સ્વામી અગાઉ પત્રવ્યવહારનું કામ જોતાં હતાં.
કોઈ તત્વજ્ઞાન, સાધના, ધ્યાનના પ્રશ્ન પૂછાય છે?
મોટેભાગે નહીં. લોકોને સંસારની સમસ્યાઓ ઉકેલવામાં વધુ રસ જણાય છે.
મંદિરમાં આરતી પૂરી થાય એટલે જય બોલાય. તેમાં સ્વામીનારાયણ ભગવાનની જય, અક્ષર પુરૂષોત્તમની જય, ઘનશ્યામ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય.
મેં પ્રશ્ન કર્યો કે સ્વામિનારાયણ ભગવાન એટલે સહજાનંદ સ્વામી, અક્ષર પુરુષોત્તમમાં પુરુષોત્તમ એટલે પણ સહજાનંદ સ્વામી અને ઘનશ્યામ મહારાજ એટલે પણ સહજાનંદ સ્વામી તો પછી એક જ જય ત્રણવાર જુદી કરીને કેમ બોલાય? શું વિશિષ્ટાદ્વૈત મત મુજબ સ્વામિનારાયણ પરમાત્માનું નામ છે અને બાકી મનુષ્ય દેહધારી નામોની જય છે.
તેમણે જવાબ કર્યો કે સ્વામિનારાયણ ભગવાન એટલે પરમાત્મા પરંતુ તે સહજાનંદ સ્વામી જ તો. પુરૂષોત્તમ પણ તેઓ અને ઘનશ્યામ મહારાજ તેમનું દીક્ષા પહેલાનું નામ અને તેમની મૂર્તિ પધરાવેલી તેથી તેમના નામની જય બોલાય છે.
આ અક્ષર કોણ?
જવાબ મળ્યો ગુણાતીતાનંદ સ્વામી.
શાસ્ત્રીજી મહારાજ નાની વયે સાધુ થયેલાં. તેમના ગુરુ વિજ્ઞાનંદ. વિજ્ઞાનંદ સહજાનંદ સ્વામી મહારાજના શિષ્ય તેથી તેમને સમર્થ ગુરુનું સાનિધ્ય. પરંતુ શાસ્ત્રીજી મહારાજને એકવાર સુરત સત્સંગ મહોત્સવમાં ભગતજી મહારાજ સાથે ભેંટ થઈ. ભગતજી મહારાજ મહોત્સવમાં આવેલાં, દરજીકામ કરતાં જાય, હાથીની ઝૂલ સીવતા જાય અને સત્સંગ કરતા જાય. ભગતજી મહારાજ સંસારી, તેમને સંતાનમાં એક પુત્ર. પરંતુ “જૂનાગઢના જોગી”ગુણાતીતાનંદ સ્વામી તેમના ગુરુ. શાસ્ત્રીજી મહારાજ તેમનો સત્સંગ સાંભળી તેમના તરફ આકર્ષાયા. તે જમાનો જાતિવાદનો. તેમને થયું જાતે દરજી અને જ્ઞાન અદ્ભુત.
ભગતજી મહારાજને તેઓ મળ્યા એટલે ભગતજી મહારાજે તેમને પ્રશ્ન કર્યો, નિષ્ઠા થઈ?
હા. સ્વામિનારાયણ ભગવાનમાં અતૂટ નિષ્ઠા છે.
અક્ષરની નિષ્ઠા છે?
તે વળી જુદી નિષ્ઠા શાની? અમારા ગુરૂએ સ્વામિનારાયણ ભગવાનની એક નિષ્ઠાનો બોધ આપ્યો છે પૂરતો છે.
અક્ષર અને પુરૂષોત્તમ એમ બંનેની નિષ્ઠા ન હોય તો તે નિષ્ઠા પૂરી થઈ ન કહેવાય. ભગતજી મહારાજે જવાબ આપ્યો.
એવું તો મારા ગુરૂએ કહ્યું નથી તેથી ગુરૂ કહે નહીં ત્યાં સુધી ન મનાય.
સારું તમારા ગુરૂ કહે તો માનશો? હું તમારા ગુરૂ પાસે આવીશ અને તેમના મોઢે કહેવડાવીશ.
થોડાક સમય પછી, ભગતજી મહારાજ વિજ્ઞાનંદ સ્વામી પાસે મળવા ગયા. શાસ્ત્રીજી મહારાજ નાના, રૂમમાં ખાટલા નીચે સંતાઈ ગયા. બંને મહાપુરુષોનો વાર્તાલાપ શરૂ થયો.
ભગતજી મહારાજે પૂછયું કે શું એ સાચું કે સહજાનંદ સ્વામી મહારાજે તેમના સ્વમુખે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એવું કહેલું?
વિજ્ઞાનંદ સ્વામીએ રૂમમાં જોઈ કોઈ નથી તેની ખરાઈ કરી હા કહી. શાસ્ત્રીજી મહારાજે ખાટલા નીચે સંતાયેલા ત્યાંથી બહાર આવી વિજ્ઞાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે તેમણે આ વાત કેમ છુપાવી?
વિજ્ઞાનંદ સ્વામીએ જવાબ આપ્યો કે સહજાનંદ સ્વામી મહારાજના જીવનકાળમાં જ્યાં તેમને ભગવાન માનવા લોકો તૈયાર નહોતા ત્યારે અક્ષરને એટલે કે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર માનવા કોણ તૈયાર થાય? એટલે એ વાત છૂપાવી. તેમણે શાસ્ત્રીજીને કહ્યું કે આ વાત અહીં જ રહેવા દેજો.
પરંતુ એમ શાસ્ત્રીજી માને ખરાં? તેમણે કહ્યું કે હવે તો આ વાત છાપરે ચડી બોલશે. તેમણે વડતાલ અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિ પધરાવવા પ્રયાસ કરી જોયો પરંતુ સફળતા ન મળતા સંસ્થા સાથે ઘર્ષણમાં છેવટે વડતાલ છોડ્યું (૧૯૦૫) અને બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ની સ્થાપના કરી (સન ૧૯૦૭). આમ ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી તેમના ભાઈના પુત્રોની સંસારી આચાર્ય પરંપરાથી છૂટા પડી તેમણે ગુરૂ પરંપરાની તે રીતે શરૂઆત કરી.
શાસ્ત્રીજી મહારાજે પછીથી તેમના થકી બનતા મંદિરમા અક્ષર અને પુરુષોત્તમની બે મૂર્તિઓ સ્થાપિત કરવાનો નિશ્ચય કર્યો અને તેની શરૂઆત વઢવાણથી થઈ. સંચાલકોએ વઢવાણ મંદિરમાં બે મૂર્તિઓ સ્થાપિત કરી પરંતુ મધ્યમાં નહીં પરંતુ બાજુમાં અને પછીથી તેમના નામ નર-નારાયણ રાખ્યાં. સહજાનંદ સ્વામી મહારાજે પણ પોતાના જીવતાં પોતાની મૂર્તિ હરેકૃષ્ણ તરીકે વડતાલ મંદિરમાં પધરાવેલી. જેનો મુક્તાનંદ સ્વામીએ પણ વિરોધ કરેલો.
મુખ્ય સંસ્થાથી છૂટા થવાથી શાસ્ત્રીજી મહારાજે હવે સાવ શૂન્યમાંથી સર્જન કરવાનું હતું. BAPS સંસ્થાના મંદિરો બનવા શરૂ થયા. પહેલાં બોચાસણ, પછી સારંગપુર, ગોંડલ, એક પછી એક મંદિરો બનતા ગયા. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જોડાયા.
પરંતુ ૧૯૬૨માં સોખડાવાળા હરિપ્રસાદસ્વામી ૪૦ સંતોને લઈ છૂટા પડ્યા તેથી સંસ્થાને મોટો ફટકો પડ્યો. સો દોઢસો સંતો હોય અને તેમાંથી ચાલીસ જતા રહે તો મોટું નુકસાન ગણાય.
સોખડાવાળા કેમ છૂટા થયા?
મુંબઈમાં બે હરિભક્તો સક્રિય. તેમણે સંપ્રદાયના નિયમોથી વિરુદ્ધ જઈ સ્ત્રીઓની સંગત અને સત્સંગ વધારતાં તેમને સંસ્થામાંથી બરખાસ્ત કરતાં તેમના સમર્થનમાં તે સંતો ગયેલા.
BAPS સંસ્થાનો વિકાસ ધીમો શરૂ થયો. સંસ્થા ૧૯૪૭માં રજિસ્ટર્ડ થઈ અને ૧૯૫૦માં નારાયણસ્વરૂપદાસ સંસ્થાના પ્રમુખ બન્યા પછી પ્રમુખસ્વામી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયાં. પ્રમુખસ્વામી મહારાજના સમયમાં અનેક શિખર મંદિરો અને હરિમંદિરો થકી સંસ્થાની નામના દેશ વિદેશમાં ફેલાઈ અને એક ઈતિહાસ સર્જાયો.
એક સાધુએ શું કરવાનું? શું ધ્યાન વગેરે થાય છે?
સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ઠરાવ્યું છે તેમ સાધુએ દિનચર્યા કરી જીવન જીવવાનું. તેમાં બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું, નાહી ધોઈ પૂજા કરવી, મંત્રજાપ માળા કરવી, દેવ દર્શન કરવાં, આરતી પછી સંસ્થાએ સોંપેલા કાર્યોમાં લાગી જવું. અક્ષર પુરષોત્તમમાં નિષ્ઠા દૃઢ રાખવી.
નિષ્ઠા એટલે નિષ્ઠા. પછી દૃઢ એટલે કેવી?
જેમ આપણે લીમડો જોઈ તેને લીમડો દૃઢ રીતે માની લીધો પછી કોઈ આવી કહે કે આ પીપળો છે, વડ છે, તો આપણે માનીએ ખરાં?
એકવાર અક્ષર પુરૂષોત્તમનાં નિષ્ઠા દૃઢ થઈ અને તે સ્વામિનારાયણ ભગવાન પોતે જ છે તેમ કબૂલ થયું પછી તેમના નામની માળા અને સેવા કાર્ય એજ સાધના છે.
મેં સત્સંગ વાર્તા માટે સ્વામીનો આભાર માન્યો અને વિદાય લીધી.
વાર્તાલાપથી એટલું સમજાયું કે સ્વામિનારાયણ સંપ્રદાયોમાં BAPSનો મુખ્ય ભેદ “અક્ષર પુરૂષોત્તમ” છે. પુરુષોત્તમ એટલે પરમાત્મા, સર્વોપરી સત્તા, નારાયણ; અને અક્ષર એટલે અક્ષર બ્રહ્મ જે સદેહે આપણી વચ્ચે વિચરણ કરે. સ્વામિનારાયણમાં સ્વામી એટલે દેહધારી ગુરુ, અક્ષર; અને નારાયણ એટલે પુરુષોત્તમ. મૂળે રાધા અને કૃષ્ણ, લક્ષ્મી અને નારાયણ, નર અને નારાયણ, ગુરૂ અને ગોવિંદ, ભક્ત અને ભગવાનના વિશિષ્ટાદ્વૈત દર્શન નજીકનું દર્શન ગણી શકાય.
અહીં દેહધારી સહજાનંદ સ્વામી મહારાજને ભગવાન-પરમાત્મા, પુરૂષોત્તમ તરીકે સ્વીકૃતિ છે. શ્રીરામ અને શ્રીકૃષ્ણ ભગવાન પણ દેહધારી હોવા છતાં ભગવાન-પુરૂષોત્તમ તરીકે આપણાં દેશમાં પૂજાય છે.
અહીં પુરૂષોત્તમ ભગવાન, અક્ષરધામ, માયા, ઈશ્વર અને જીવ સનાતન-શાશ્વત મનાયા છે.
ભગવાન સ્વામિનારાયણ (પુરૂષોત્તમ) પોતે એક અક્ષર-ગુરુનો દેહાંત થતાં તરત નવા વરાયેલા ગુરુમાં પ્રકટ થઈ જીવોનું કલ્યાણ કરતા રહે તે સંપ્રદાયની શ્રદ્ધાની મુખ્ય ચાવી છે. મનુષ્ય દેહે અક્ષર (ગુરૂ) મોક્ષદાતા છે. ભૌતિક દેહ જતાં અક્ષર, અક્ષરધામમાં રહે; પરંતુ પૃથ્વી પર સદેહે તે પુરૂષોત્તમનું સાકારરૂપ ગણાય, જેના થકી તેમને સમર્પિત જીવો મોક્ષની ગતિ કરે.
અક્ષરધામ તો દરેક જીવના હ્રદયમાં છે જ્યાં અધિદૈવ વિરાજમાન છે. બસ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો શોધવો રહ્યો. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અધ્યાય ૮માં કહે છે કે બ્રહ્માના દિવસે જીવોના જન્મ થકી બનતી વ્યક્ત સૃષ્ટિ અને બ્રહ્માની રાત્રિમાં તેમનો વિલય થતાં અવ્યક્ત સૃષ્ટિની પેલે પાર જે અવ્યક્ત છે જેની સત્તાનો કદી લોપ થતો નથી તે પરમ ધામને પામનારો જીવ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે.
ભગવાન સ્વામિનારાયણ જન્મ્યા એપ્રિલ ૩, ૧૭૮૧માં અને અક્ષરધામ ગયા જૂન ૧, ૧૯૩૦. ૪૯ વર્ષની આયુમાં તેમણે વચનામૃત અને શિક્ષાપત્રી થકી સ્વામિનારાયણ સંપ્રદાયને અમરતા બક્ષી.
સ્વામી નારાયણ મંદિર
નાગપુર
૨૧ નવેમ્બર ૨૦૨૫
તા.ક.
૧) સહજાનંદ સ્વામી (મૂળ નામ ઘનશ્યામ પાંડે, જન્મઃ છપૈયા, ઉત્તરપ્રદેશ; તા. ૩ એપ્રિલ ૧૭૮૧; મૃત્યુઃ ગઢડા, તા. ૧ જૂન ૧૮૩૦)
૨) ગુણાતીતાનંદ સ્વામી (મૂળ નામ મૂળજી જાની/શર્મા, જન્મઃ ભાદરા, ગુજરાત, તા. ૨૮ સપ્ટેમ્બર ૧૭૮૪; મૃત્યુઃ ગોંડલ તા. ૧૭ ઓક્ટોબર ૧૮૬૭)
૩) ભગતજી મહારાજ (મૂળ નામ પ્રાગજી દરજી, જન્મઃ મહુવા, ગુજરાત, તા. ૨૦ માર્ચ ૧૮૨૯; મૃત્યુઃ મહુવા તા. ૭ નવેમ્બર ૧૮૯૮)
૪) શાસ્ત્રીજી મહારાજ (મૂળ નામ ડુંગરભાઈ પટેલ, જન્મઃ મહેલાવ, ગુજરાત, તા. ૩૧ જાન્યુઆરી ૧૮૬૫; મૃત્યુઃ સારંગપુર તા. ૧૦ મે ૧૯૫૧)
૫) યોગીજી મહારાજ (મૂળ નામ ઝીણાભાઈ વસાણી, જન્મઃ ધારી, ગુજરાત, તા. ૨૩ મે ૧૮૯૨; મૃત્યુઃ મુંબઈ તા. ૨૩ જાન્યુઆરી ૧૯૭૧)
૬) પ્રમુખ સ્વામી મહારાજ (મૂળ નામ શાંતિલાલ પટેલ, દીક્ષાંત નામ નારાયણસ્વરૂપદાસ; જન્મઃ ચાંસદ, ગુજરાત, તા. ૭ ડિસેમ્બર ૧૯૨૧; મૃત્યુઃ સારંગપુર, તા. ૧૩ ઓગસ્ટ ૨૦૧૬)
૭) મહંત સ્વામી મહારાજ; સંસ્થાના વર્તમાન વડા (મૂળ નામ વિનુભાઈ પટેલ, દીક્ષાંત નામ કેશવજીવનદાસ, જન્મઃ જબલપુર, મધ્યપ્રદેશ, તા. ૧૩ સપ્ટેમ્બર ૧૯૩૩.
0 comments:
Post a Comment