Tuesday, June 24, 2025

મૃત્યુ

ભગવાન બુદ્ધના જીવનની કથા ઘણાંએ સાંભળી હશે. એક માતાનો એકનો એક પુત્ર ગુજરી ગયો. તે દિવસે ગામના પાદરેથી ભગવાન બુદ્ધ પસાર થતાં હતા. રડતી માતા દોડીને બુદ્ધ પાસે ગઈ અને પ્રાર્થના કરી કે તેના પુત્રને તેઓ જીવનદાન આપે. બુદ્ધ કુદરતના નિયમને જાણતા હતાં. તેમણે માતાને સમજાવી પરંતુ તેણે હઠ પકડી રાખી. છેવટે બુદ્ધે કહ્યું કે તે એવા ઘરેથી રાઈ લઈ આવે જ્યાં કોઈનું મૃત્યુ થયું ન હોય. મહિલા આખા ગામમાં ઘેર ઘેર ભટકી પરંતુ મૃત્યુ વિનાનું કોઈ ઘર તેને ન મળ્યું. ભટકતા ભટકતા તેને જીવનનો બોધ સમજાઈ ગયો. મૃત્યુ અવશ્યં ભાવિ છે. તેણે ખૂબ પોક મૂકીને રડી લીધું પરંતુ પુત્રના મૃત્યુને સ્વીકારી તેના અંતિમ સંસ્કાર કર્યા. 

૧૨ જૂન ૨૦૨૫ની બપોર, કોને ખબર હતી કે પળમાં શું થવાનું છે. લંડન જવાનું હોય અને તે પણ હવાઈ જહાજમાં. જનારને આનંદ હોય તેનાથી વિશેષ મૂકવા જનારને હોય. વળી જ્યાં જવાના હોય ત્યાં પણ વાટ જોઈને કોઈ હરખાતું હોય. હવાઈ જહાજના ઉડવાના સમયથી બે-ત્રણ કલાક વહેલાં આવી ચેક ઈન કર્યું હોય, એરપોર્ટની લોબીમાં ટહેલ્યા હોય અને જેવો વિમાનમાં પ્રવેશ મળે એર હોસ્ટેસના સ્મિત સ્વાગતને સ્વીકારી પોતાની સીટ પર બેસી સીટ બેલ્ટ બાંધ્યો હોય ત્યારે મનમાં તો બસ હવે ઉડ્યા અને લંડનની સફરે ચાલ્યા સમજો એવો ભાવ હોય. એર હોસ્ટેસ સ્વાગત કરે, સૂચનાઓ સંભળાવે અને કેપ્ટનનો નામ સહિત પરિચય આપે એટલે બસ હવે લંડનનું અંતર ઘટવાનું શરૂ થઈ જાય. જેવું પ્લેન પાર્કિંગમાંથી રન વે પર આવી અને રોલ કરવાનું શરૂ કરે એટલે હ્રદયનો એક ધબકારો અટકી જાય પરંતુ જેવું વિમાન ઉડાન ભરી હવામાં લહેરાય એટલે હાશકારો વર્તાય. 

પરંતુ આ શું? અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈમથકેથી બોઈંગ ડ્રીમલાઈનર ૭૮૭-૮ દિલ્હીથી સવારે આવ્યું છે. પાછલી કાલે તે પેરિસથી દિલ્હી આવીને દિલ્હીમાં રાતવાસો કરી આવ્યું છે. વિમાન છેલ્લે બે વાર ઉડ્યું અને તેના ઉડાન પહેલાં થતી બધી ચકાસણી પાર કરી લીધી છે. પાકિસ્તાન તરફથી એરસ્પેસ બંધ થવાથી વિમાને દરિયાના રસ્તે વધુ રસ્તો કાપવાનો હોઈ વિમાનની બંને પાંખો નીચે રહેલી ટાંકીઓમાં સવા લાખ લીટર જેટલું કેરોસીન બેઝ જેટ-એ ફ્યૂલ ભરેલું છે. ૨૩૦ યાત્રીઓ અને ૧૨ ક્રૂ મેમ્બર સહિત ૨૪૨ માનવો સવાર છે. એક વૃદ્ધ યાત્રી આવ્યા નથી અને એક દીકરી આવવામાં મોડી પડી તેથી રહી ગઈ. ગુજરાતીઓ લંડન જાય એટલે દરેકનું સરેરાશ ૪૬ કિલો ચેકિંગ લગેજ અને સાતેક કિલો હેન્ડલોડ મળી ૫૦-૫૫ કિલો વજનનો લોડ થયો છે. વિમાનની બોડી તો ફાયબર પોલીમરની બનેલી છે પરંતુ વિમાન ૫૭ મીટર (૧૮૬ ફૂટ) લાંબુ, ૧૭ મીટર (૫૬ ફૂટ) ઊંચું અને પાંખો સહિત ૬૦ મીટર (૧૯૭ ફૂટ) પહોળું છે તેથી ખાલી વિમાનનું વજન ૧,૨૦,૦૦૦ કિલો થાય. આમ ૨૪૨ યાત્રીઓ (ક્રૂ મેમ્બર સહિત), તેમનું લગેજ, બળતણ અને વિમાનનું વજન મળી પોણા ત્રણ લાખ કિલો જેટલો ભાર થયો છે. ગૂગલમાં વિમાનનું મહત્તમ ટેકઓફ વજન વધ્યું પણ હોઈ શકે. પણ તેવી ભૂલ થાય નહીં. ઉનાળાની ખરા બપોરનો સમય (૧.૩૮) છે. હજી પૂર્ણિમા પૂરી થઈ જેઠ વદ પડવો શરૂ થયો છે. અમૃત ચોઘડિયું છે. રાહુકાલ શરૂ થવાને હજી વીસ મિનિટની વાર છે. બહાર વાતાવરણમાં ઉનાળાની બપોર હોવાથી ઉકળાટ છે. 

વિમાન મોટું અને ભારવાળું હોવાથી પાયલોટે પૂરા રનવેનો ઉપયોગ કરી દોડાવી જરૂરી ૨૫૦-૩૦૦ કિલોમીટરની ઝડપ પકડી વિમાનને હવામાં ઉપર લીધું છે. વિમાનનું નાક (નોઝ) પણ ઉપર તરફ દિશા રાખી ગતિ મેળવી રહ્યું છે. હજી તો રન વે છોડે માંડ દસ સેકન્ડ થઈ છે, વિમાન હજી માંડ સમુદ્રતલથી ૬૧૪ ફૂટની ઊંચાઈએ પહોંચ્યું છે; અમદાવાદ ૧૭૪ ફૂટની ઊંચાઈએ છે તેથી ૪૪૦ ફૂટ ઊંચું ચઢ્યું છે; ત્યાં જાણે વિમાન હવામાં થંભી ગયું હોય તેવું કેમ જણાય છે? અહીં મેઘાણીનગરના સરસ્વતીનગરની ઓરડીના છાપરે પહેલીવાર અમદાવાદ આવેલો ૧૭ વર્ષનો આર્યન અસારી તેના મિત્રોને વિમાન કેવું ઉડે તે બતાવવા તેનો સ્માર્ટફોન લઈ ઉપર ચઢી સાવ નીચે જઈ રહેલાં વિમાનનો વીડિયોને શૂટ કરી રહ્યો છે. નીચે જનાર રાહદારીઓ માટે વિમાનનું ઉડવું નવાઈ નથી પરંતુ સાવ નીચું જણાતું વિમાન જોઈ તેમની નજરો પણ ઉપર ઉઠી રહી હતી. વિમાનની અંદર હજી યાત્રિકોમાં કંઈક શંકા કુશંકા જન્મે ત્યાં તો ૨૫મી સેકન્ડે અંદર લીલી-સફેદ લાઈટો ઝળહળી ઉઠી, મોટા અવાજે જાણે કંઈક ખોલ્યું હોય તેવો અવાજ થયો, વિમાનમાં કંઈક થરથરાટ થવા લાગ્યો, ૩૫ સેકન્ડે તો કેપ્ટનનો અવાજ ઉઠ્યો મેડે મેડે મેડે, જોર-ધક્કો (થ્રષ્ટ) નથી, શક્તિ (પાવર) ઓછી થઈ રહી છે, વિમાન ઉડી શકતું નથી, હવે નહીં બચીએ. ૪૫મી સેકન્ડે તો વિમાન ધડામ દઈને મેડીકલ સ્ટુડન્ટની હોસ્ટેલ બિલ્ડિંગના ધાબે જઈ ટકરાયું અને મોટી આગ સાથે તૂટી પડ્યું. જાણે કોઈક બોંબ પડ્યો હોય તેવો અવાજ થયો, ભૂકંપ આવ્યો હોય તેવી ધ્રૂજારી થઈ અને બધુંજ આગ અને ધુમાડાના ગોટામાં ફેરવાઈ ગયું. 

લાયબંબા આવી આગને ઓલવે તે પહેલાં ૨૪૧ હસતી ખેલતી તંદુરસ્ત જિંદગી પળમાં ભસ્મીભૂત થઈ ગઈ. એક ઈસમ ૧૧-એ ઈમરજન્સી દરવાજાની બાજુમાં બેઠો હતો. તેના પર કુદરત મહેરબાન થઈ. જેવું વિમાન ભટકાઈને ભાંગ્યું તે ઘડીએ તેની સીટ બાજુનો ઈમરજન્સી દરવાજો ખુલ્યો અને તે સીટ સમેત બહાર બે બિલ્ડીંગમાં વચમાં પડેલા રેતના ઢગલા પર જઈ પડ્યો. તેને જેવું ભાન થયું એટલે તેણે સીટબેલ્ટની બકલ ખોલી સામે નજર કરી તો બહાર નીકળવાનો રસ્તો તેની સામે હતો. જ્યાં પાછળ ૨૪૧ જિંદગી ભડકે બળી રહી હતી ત્યારે વિશ્વાસકુમાર રમેશ હાથમાં મોબાઇલ લઈ હોસ્ટેલના દરવાજાથી બહાર આવી ગયો. જેને રામ રાખે તેને કોણ ચાખે? 

પરંતુ બીજી બાજુ કેમ્પસના નાકે ચા વેચનાર પંદર વર્ષના યુવાનનું અને તેની ચા પીનારા બીજાઓના પ્રાણ પંખેરાં વિમાનની પાંખ પડતાં જ ઉડી ગયા. તે યુવાનની માએ દોટ મૂકી એટલે બચી ગઈ. પરંતુ હોસ્ટેલ બિલ્ડિંગમાં જમી રહેલ ચારેક મેડિકલ છાત્રો અને તેમને મળવા આવેલાં છએક સગાવહાલા માર્યા ગયા. જે કુટુંબ મેડિકલ છાત્રોને રસોઇ બનાવી જમાડતું હતું તેમના માજી અને તેમની નાની પૌત્રી પણ આ અગન જ્વાળાઓમાં હોમાઈ ગઈ. બીજાં ત્યાંથી પસાર થતાં કોઈ સ્કૂટર ચાલક કે રાહદારી પણ હોમાયા. પૂરા ડીએનએ મળશે ત્યારે સાચો આંકડો ખબર પડશે પરંતુ ૨૬૦ મૃત્યુ તો નોંધાઈ ચૂક્યા છે. 

ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જેમની સાથે મેં ચાર વર્ષ નજીક રહીને કામ કર્યું તે પણ ન બચ્યાં. તેઓ તો કોઈ રાજ્યના ગવર્નર થવાની નજીકમાં હતાં અથવા કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ સમાયા હોત પરંતુ મોત તેમને આંબી ગયું. કેપ્ટન સુમિત સબરવાલે મૃત્યુ સામે હતું છતાં પૂરી સભાનતા રાખી અને બનતું બધું કરી જોયું હશે અને તે અંતિમ ૧૦ સેકન્ડમાં વિમાનને એવી દિશા તરફ વાળ્યું કે જ્યાં ઓછામાં ઓછી જાન હાનિ થાય. અન્યથા મેઘાણીનગરની કોઈ ચાલી કે સોસાયટી નીચે આવી ગઈ હોત તો મૃત્યુ આંક ઘણો મોટો થાત. રન વે પર વિમાને દોટ મૂકી અને ૪૫ સેકન્ડમાં બધું જ ખત્મ. એક પળ એક મિનિટની થાય. અહીં તો મિનિટ (પળ) પણ ન મળી. 

જીવન અકસ્માત હોઈ શકે મૃત્યુ નિશ્ચિત છે. જે જન્મ્યું તેણે જવાનું છે. તેથી નાહકની દોડભાગમાંથી બહાર નીકળી કંઈક માણસાઈ સાથે જીવાય તેવા પ્રયત્નો કરીએ. 

વિજયભાઈની અંતિમયાત્રા રાજકોટમાં નીકળી ત્યારે વરસાદ ચાલુ હતો પરંતુ ૨૦ લાખ વસ્તીનું આખું શહેર રોડ પર આવીને તેમના વ્હાલા નેતાને વિદાય આપી રહ્યું હતું. રાજકોટથી ગુજરાતને ત્રણ મુખ્યમંત્રી મળ્યા પરંતુ વિજયભાઈએ પૂરા પાંચ વર્ષ રાજ્યની સેવાની સાથે તેમના રાજકોટની વિશેષ કાળજી લઈ અભૂતપૂર્વ લોકચાહના મેળવી. 

તેમનું ભૌતિક શરીર તો પંચતત્વોમાં વિલીન થયું અને સૂક્ષ્મ શરીર અરિહંત શરણે ગયું પરંતુ તેમને મળેલી કીર્તિ અને લોકચાહના તેમણે જીવનમાં કેળવેલા સાત્વિકતા, સજ્જનતા, દયા, કરૂણા અને બીજાને મદદ કરવાની ભાવના જેવા ઉત્તમ ગુણો મૃત્યુ પછી શું આપી જાય છે તેનું દૃષ્ટાંત બની રહ્યાં. 

 આ વર્ષ આકરું બની રહ્યું છે. યુક્રેન-રશિયાની લડાઈ ચાલુ હતી હતી; ઈઝરાયલ પેલેસ્ટાઇન જંગ થંભ્યો નથી; ભારત-પાકિસ્તાન થતાં થતાં રહી ગયું; ત્યાં ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ ચાલુ થઈ ગયું. ઓછામાં પૂરું અમેરિકાએ ‘ઓપરેશન મીડનાઈટ હેમર’ ના નામે તેમાં દાખલ થઈ તેના બી-૨ સ્ટીલ્થ બોંબર બંકર બ્રસ્ટર લઈ ઈરાનની અણુબોંબ બનાવવાની જગ્યાઓ ઉપર ચડાઈ કરી તેના ભૂક્કા બોલાવી દીધા. પરંતુ ઈરાન અણુબોંબ બનાવવા વપરાતું યુરેનિયમ ક્યાં સંતાડી આવ્યું તેની ખબર નથી. તેનો અણુબોંબ ઈઝરાયેલ પર પડશે કે અમેરિકા પર તેની ખબર નહીં પરંતુ રશિયા વ્હારે ન આવે તો તેનો ઘડો લાડવો થઈ જવાનો એ તો નક્કી જણાય છે. જો રશિયા આગળ થયું તો ત્રીજું વિશ્વયુદ્ધ થવાનું. વખત (કાલ) જાણે બોંબર વિમાનો, હથિયારો, બોંબગોળાઓ, રાડાર, જામર, સુરક્ષા ડોમ વગેરે સંસાધનોના પ્રદર્શન અને વેચવાનો અને માનવતાને મારવાનો જણાય છે. 

નેતાઓના અહંકારમાં અને હથિયારો બોંબ અને બોંબરો બનાવનારી કંપનીના સોના સોનામાં હજારો નિર્દોષ માણસો અને માનવતા મરી જશે. રાજને મેળવવા રાજા હોમાઈ જશે. મનુષ્ય કેટલો મોટો થાય, કેવડોક અહંકાર કરે પરંતુ કુદરત સામે તે એક તણખલું માત્ર છે. આ જીવન ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. તેનો આદર કરીએ અને પરમાર્થમાં વાપરવામાં જ શાણપણ છે. નાના નાના ઝઘડા કરીને, અબોલા લઈને કે એકબીજાને પાડી દઈને શું સાથે લઈ જઈશું? શોક ન કરીએ. ભગવાનના આભારી થઈ જીવનને સકારાત્મક રીતે જીવી લઈએ. કાલ કોણે જોઈ છે? 

 ડો. પૂનમચંદ પરમાર ૨૪ જૂન ૨૦૨૫ 
 તા.ક. ઈઝરાયલ-ઈરાન યુદ્ધવિરામની ઘોષણા થયાના સારા સમાચાર આવ્યા છે.

Thursday, June 12, 2025

પરમ આદરણીય શ્રી વિજયભાઈને શ્રધ્ધાંજલિ

૨ ઓગસ્ટ ૧૯૫૬ ના રોજ તેમનો જન્મ રંગૂનમાં થયો હતો. બર્મામાં રાજકીય અસ્થિરતા થતાં તેમનું પરિવાર ૧૯૬૦માં ગુજરાત પાછું ફર્યું. તેમણે અભ્યાસની સાથે રાજકોટમાંથી જાહેર જીવનનો આરંભ કર્યો. ૧૯૭૫માં દેશમાં કટોકટી લાદવામાં આવી ત્યારે ૧૯૭૬માં ૧૮ વર્ષના એક યુવાનને પોલીસ મીસામાં પકડી જાય તે જ તેમની રાજકીય અગ્રતા દર્શાવે છે. તેમનો ૧૧ મહિનાનો ભૂજ-ભાવનગરનો જેલવાસ તેમને રાજકીય મિત્રો બનાવવામાં અને જાહેર જીવનમાં વિકસવામાં ઘણો કામ આવ્યો. તેમના પાર્ટી સંગઠનના સાથી કાર્યકર અંજલીબેન જીવનસાથી મળ્યા. રાજકોટ કર્મભૂમિ રહી, ગાંધીનગરમાં રાજ્યાધિકાર મળ્યો અને છેલ્લે અમદાવાદથી આજે વિદાય લીધી. એક સરળ સાલસ સજ્જન પુરુષને આજે ગુજરાતે ખોઈ દીધાં. ૬૮ વર્ષ અને ૧૦ મહિનાની એમની જીવન યાત્રા અને જાહેર જીવન નમૂના રૂપ રહ્યા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે શરૂ કરી મહાપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને પછી મેયર તરીકે શરૂ કરેલી તેમની રાજકીય સફર છેક ટોચે મુખ્યમંત્રી બની પૂરી થઈ હતી. 

ગુજરાતના એ ત્રીજા મુખ્યમંત્રી જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. શ્રી વજુભાઈ વાળા ૨૦૧૪માં કર્ણાટકના ગવર્નર બનતાં વિજયભાઈનો રાજકીય સૂર્ય ઝળહળી ઉઠ્યો હતો. પેટા ચૂંટણીમાં ૨૦૧૪માં પ્રથમ વાર વિધાનસભ્ય બનતાં જ મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલે તેમને વાહનવ્યવહાર, રોજગાર, મજૂર, પાણી પુરવઠા ખાતાના મંત્રી બનાવી દીધાં હતાં. એક રાત્રે તેઓ સરકારી બંગલામાં યુરીન માટે ઉઠ્યા અને બાથરૂમની પાળી પર પડી જતાં તેમને માથામાં પાછળના ભાગે વાગ્યું હતું, લોહીલુહાણ હાલતમાં તેઓ સીવીલ અમદાવાદ જઈ અને પાટીપિંડી કરાવી આવ્યા અને માથા પર બાંધેલા પાટા સાથે બીજા દિવસે બુધવારની કેબીનેટ મીટિંગમાં હાજર થઈ તેમણે સાચા કર્મયોગી હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 

કુદરતને તેમની પાસે કામ લેવું હશે. તેઓ ફેબ્રુઆરી ૨૦૧૬માં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યાં. શ્રીમતી આનંદીબેન પંચોતેર વર્ષ નજીક પહોચતાં ઓગસ્ટ ૨૦૧૬માં તેમની જગ્યાએ શ્રી નીતિનભાઈ પટેલનું નામ નક્કી જેવું સંભળાતું હતું પરંતુ બીજા દિવસની બપોર બદલાઈ ગઈ અને સાંજની બેઠકમાં વિજયભાઈનો વિજય રથ આગળ નીકળી ગયો અને ગુજરાતને એક ન્યાય પ્રિય, ગરીબોના હમદર્દી મુખ્યમંત્રીની ભેટ મળી ગઈ. 

શ્રી વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા અને શ્રી નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી. વડીલ તરીકે સંકલન પાર પાડવાનું કામ તેમના ભાગે આવ્યું. સંગઠનના માણસ તેથી માથે બરફની પાટ અને જીભ પર સંયમ રાખી તેમણે સંકલન સાધ્યું અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી કટોકટની બની ત્યારે બીજેપીને જીતાડી બીજીવાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બની પાંચ વર્ષ પૂરાં કર્યા હતાં. 

 જ્યારે એક જ સપાટે ધારાસભ્ય, મંત્રી, પક્ષ પ્રમુખ અને મુખ્યમંત્રી બન્યા ત્યારે વજુભાઈ હસતાં હસતાં કહેતાં આમણે કેવા દેવ પૂજ્યા છે? અમારે તો આગળ વધવા આખું આયખું નીકળી ગયું અને આમને કોઈ અટકાવ વિના નસીબની દેવી હાર પહેરાવી રહી છે. 

રાજકોટમાંથી ગુજરાતને ત્રણ મુખ્યમંત્રીઓ મળ્યા; શ્રી કેશુભાઈ પટેલ, શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી વિજયભાઈ રૂપાણી. શ્રી વિજયભાઈએ રાજકોટને વિકાસની હરણફાળ આપી. રાજકોટ શહેરનું વિસ્તરણ થયું, આધુનિક સુવિધાઓથી સજ્જ થયું, નવું એરપોર્ટ આવ્યું, એઈમ્સ આવી અને અમદાવાદથી રાજકોટને જોડતો છ લેન રાજમાર્ગ અપાવ્યો. તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારથી પાણી સંગ્રહવા અને નર્મદા જળના મહત્તમ ઉપયોગના આગ્રહી રહ્યા જેને કારણે ગુજરાતનો કૃષિ વિકાસ તેની ગતિ જાળવી રહ્યો. પીવાના પાણીની કોઈ તકલીફ પડી નહીં. બનાસમાં પૂર આવ્યું તો બનાસકાંઠા જિલ્લામાં પખવાડિયું કેમ્પ કરી તેમણે કેશડોલ્સ ચૂકવણીથી માંડી રાહતની વ્યવસ્થા કરી દીધી હતી. 
તેમના પાંચ વર્ષના શાસનમાં ગુજરાત સુખી, સમૃદ્ધ અને વિકસિત બન્યું. તેઓ કેબિનેટ મીટિંગ લેતાં હોય કે બીજી વિભાગીય બેઠકો, અધિકારીઓને તેમની વાત પૂરી કરવાનો મોકો આપતાં અને તેમનાં સાચા સૂચનો સ્વીકારતાં. મીટિંગમાં તેઓ કોઈ વાતે તેમનો વાંધો વિચાર હોય તો સહજ રીતે મોઢે લાવી દેતાં. 

નોટબંધી થઈ ત્યારે રોકડા નાણાંની વહેંચણીમાં શરૂઆતમાં ભારત સરકાર પહોંચી ન વળતાં તેઓ કહેતાં અટક્યાં નહતા કે સાહેબને સલાહ આપનારાઓએ નવી નોટો છાપવાની પૂરી તૈયારી કરી નોટબંધી કરાવવી જોઈતી હતી. 

તેઓ મુખ્યમંત્રી તરીકે ઓગસ્ટ ૨૦૧૬માં આવ્યા ત્યારે હું પણ નવોસવો શહેરી વિકાસ વિભાગનો અધિક મુખ્ય સચિવ હતો. અમે પડતર ટીપી મંજૂરીઓમાં ઝડપ લાવી, શહેરો માટે કોમન જીડીસીઆર, રેરાની સ્થાપના, સ્માર્ટ સીટી, સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં પ્રથમ સ્થાન લાવવા જેવાં મહત્વના કામો કરી શક્યાં. શહેરી વિકાસ પછી આરોગ્ય વિભાગમાં પણ ઈનિંગ તેજસ્વી રહી. અમે નવી મેડિકલ કોલેજો ખોલી મેડીકલ એજ્યુકેશનની સીટો વધારી શક્યા, અમદાવાદ સિવિલમાં મેડીસીટીનું સપનું સાકાર કરી શક્યા. યુએન મહેતાની નવી હોસ્પિટલ બનાવી. ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સેવાઓ પૂરી કરી જીવ પૂર્યો. ડેન્ટલ અને આઈ હોસ્પિટલો પૂરી થઈ. કેન્સર હોસ્પિટલના બે બ્લોક પૂરા કરાવ્યા. કીડની હોસ્પિટલ પૂર્ણતા નજીક પહોંચાડી. રાજકોટમાં પ્રધાનમંત્રી યોજનાની હોસ્પિટલ ઉપરાંત એઈમ્સ મંજૂર કરાવી. હોસ્પિટલોના અને કોલેજોનાં નવા બિલ્ડીંગો અને સેવાકીય સાધનો અપગ્રેડ કરી આરોગ્ય સેવાઓની બાબતે ઊંચી બજારશાખ ઊભી કરી શક્યાં. આરોગ્યમાં એક ઘરેલું વિધ્ન આડું આવ્યું અને મારે સેવાના છેલ્લા દશ મહિના કૃષિ વિભાગમાં કરવાં પડ્યાં. જો કે જ્યાં જરૂર હોય ત્યાં કુદરત લઈ જાય. વિઘ્નકર્તા કરતાં વિઘ્નહર્તા વધુ મદદ કરે. ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય સાથે કામ કરી પ્રાકૃતિક કૃષિના અભિયાનનો પાયો નાંખવામાં અને ખેડૂત કલ્યાણનાં સાત પગલાં ઉઠાવવામાં આ તક ઉત્તમ બની રહી. 

૨૦૨૦ના બજેટ તૈયાર કરવાની અધિકારીઓની બેઠકોમાં સામાજિક સેક્ટરની યોજનાઓનોની ચર્ચામાં મેં વિશેષ ભાગ લીધો જેને કારણે કેટલીક લાંબા સમયથી સફળ રહેલી સ્કીમ બચી ઉપરાંત નવી યોજનાઓ આપી શક્યાં. બજેટની હેડલાઇન્સ જ્યારે છાપીમાં આવી ત્યારે વિજયભાઈ મને કહે પરમાર છાપામાં આજે તમે જ દેખાવ છો. 

કૃષિ વિભાગમાં ભારત સરકારની કિસાન ફસલ વીમા યોજનામાં રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં પ્રીમીયમ ભર્યે રાખ્યું અને વીમા કંપનીઓ ટેકનીકલ વાંધા કાઢી ગુજરાતના ખેડૂતોને પૂરતું વળતર આપતી ન હતી. ખોટનો સોદો હતો. અમે અસરદાર પ્રેઝન્ટેશન બનાવ્યું, વિકલ્પો રજૂ કરી રાજ્ય સરકારને ભારત સરકારની યોજનામાંથી બહાર કાઢી રાજ્યની પોતાની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના દાખલ કરી દીધી. આ યોજનાથી દર વર્ષે હજારો ખેડૂત સહાયના લાભાર્થી બન્યાં અને તેમને ચૂકવણી કર્યા બાદ પણ પ્રીમિયમની સંભવિત રકમ સામે રાજ્યને બચત પણ થઈ. બીએસસી કૃષિમાં સરકારી કોલેજોની મોનોપોલીને કારણે ૬૦% ગ્રામ્ય વસ્તીના રાજ્યમાં કૃષિ સ્નાતકોની સંખ્યા માંગ કરતાં ઓછી હોવાથી કૃષિ સ્નાતકોની સંખ્યા વધારવા ખાનગી કોલેજોની ભાગીદારી વધારવાના તેમના સૂચન મુજબ અમે આગળ વધી શક્યા. 

 તેમનો પહેલો પરિચય તો અમને ૧૯૯૮માં જ્યારે શ્રી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતાં ત્યારે તેઓ ઢંઢેરા સમિતિના અને કદાય ૨૦ મુદ્દા સમિતિના અધ્યક્ષ બન્યાં ત્યારે યોજનાની સમીક્ષા કરવાં તેઓ અધિકારીઓને જાતે ફોન કરતાં અને લક્ષ્યાંકો સિદ્ધ કરવાં પ્રોત્સાહિત કરતાં તે વખતથી હતો. 

તેઓ રાજ્ય સરકારના મંત્રી અને મુખ્યમંત્રી બન્યા તે પહેલાં છ વર્ષ રાજ્યસભાના સભ્ય હતાં. ગુજરાત પ્રવાસન નિગમના અધ્યક્ષ અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન બની તે જવાબદારી પણ તેઓએ સરસ રીતે નિભાવી હતી. 

એક વખત હતો જ્યારે જે. એન. સિંહની મુખ્ય સચિવની મુદત પૂરી થવામાં હતી ત્યારે ક્રમ મુજબ શ્રી અરવિંદ અગ્રવાલનો નંબર હતો. મારા બેચમેટ શ્રી અનિલ મુકીમ તે વખતે દિલ્હીમાં સચિવ હતાં. તેથી ભૂતકાળમાં શ્રી પી. કે. લહેરી, શ્રી જગદીશ પાંડિયન, શ્રી જી. આર. અલોરિયા, શ્રી જે. એન. સિંહને તેમના સીનીયર હોવા છતાં મુખ્ય સચિવ બનવાની તક મળી હતી તેમ જો શ્રી અરવિંદ અગ્રવાલ ન પસંદ થાય અને શ્રી અનિલ મુકીમ દિલ્હીથી ન આવે તો મારી તક ખુલતી હતી. અરવિંદ અગ્રવાલને તો તેમણે કહ્યું હતું કે સીનીયોરીટીનો ક્રમ તોડી આગળ વધવામાં તેમને રસ નથી પરંતુ નક્કી તો દિલ્હીમાં થશે. મેં પણ એક વખત મારા વિશે પૂછી લીધું તો એટલી સરળતાથી જણાવ્યું, પરમાર તમે તો જાણો છો, દિલ્હી જઈ શ્રી પી. કે. મિશ્રાજીને મળી આવો. આનંદીબહેન જેવી ભૂલ મારે નથી કરવી. નિખાલસતાથી અને કોઈ પણ પ્રકારના કપટ વિના વાત કરતાં આવા મુખ્યમંત્રી અમે ક્યારેય જોયાં નથી. 

૨૦૧૦ના માર્ચમાં કોવીડનું લોકડાઉન આવતાં કોવીડના ગંભીર દર્દીઓની લાઈન ઓફ ટ્રીટમેન્ટની મોનીટરીંગની ગંભીર જવાબદારી ઉપાડવાનું કામ મારા ભાગે આવ્યું. તંત્ર ત્યારે લોકડાઉન, હોસ્પિટલ વ્યવસ્થા અને પોઝિટિવ પરંતુ વિપરીત અસર ન થઈ હોય તેવા દર્દીઓને એડમીટ કરી તેની હોસ્પિટાલિટીના ભારમાં વ્યસ્ત થઈ રહ્યું હતું ત્યારે કોવીડ કેસોનું વીડીયો બેઠકથી દૈનિક મોનીટરીંગ અને ડેથ ઓડીટ કરાવી લાઈન ઓફ ટ્રીટમેન્ટમાં નક્કી કરવા અમને સફળતા મળી હતી. 

૩૫ વર્ષની ભારતીય વહીવટી સેવાની નોકરીમાંથી કોવીડના વર્ષે ૩૧ જુલાઈ ૨૦૨૦ નારોજ હું નિવૃત્ત થયો ત્યારે વિજયભાઈનું અંતરમન મને નિવૃત્તિ પછી સેવામાં રોકવા તત્પર હતું પરંતુ કોઈ અજ્ઞાત રોકને કારણે તેમ ન કરી શકવાથી તેમની નિરાશા તેમના ચહેરા પર મેં વાંચી હતી. તેમણે મને નિવૃત્તિ પહેલાં પાંચેક વાર કહ્યુ હતું કે પરમાર તમારી સેવા લેવાનું નક્કી જ છે પરંતું તેઓ પાછા પડ્યાં. ત્રણેક મહિના પછી તેમણે મને ત્રણ વર્ષ માટે ગુજરાત પોલીસ કમ્પલેઈન ઓથોરિટીનો મેમ્બર બનાવ્યો હતો. પરંતુ તેમને એ ખબર ન હતી કે તેમાં મારે વર્ષે એકાદ વખત મળતી બેઠકમાં ₹૧૫૦૦ના મહેનતાણાંથી હાજર રહેવા માત્રનું કામ હતું. મને થયું મુખ્યમંત્રીનું વચન છે, આજે નહીં તો કાલે પૂરું કરશે. પરંતુ તેમ વાટ જોવામાં રહ્યા અને તેમની બદલીની તારીખ આવી ગઈ. 
આમ તેમનો અને મારો સાથે કામ કરવાનો તબક્કો પૂરો થયો. પરંતુ જેટલું સાથે રહ્યાં ચિરસ્મરણીય રહ્યું. કર્મયોગી તરીકે કામ કર્યું. તેમનાં દીકરા ઋષભના લગ્નમાં તેમણે યાદ કરી અમને કંકોત્રી મોકલાવી અને અમે ગયાં તો હરખથી આવકારી ફોટા પડાવ્યા હતાં. તેઓ મુખ્યમંત્રી હતાં ત્યારે તેમના દીકરા ઋષભને તેમણે અમેરિકા ભણવા મોકલી દીધો અને તે પણ અન્ય વિદ્યાર્થીઓના જેવા સામાન્ય જીવનશૈલીમાં રહી ભણ્યો. શ્રી વિજયભાઈ સાથે આત્મીયતા એટલી કે તેમને કંઈ કહેવું હોય, સૂચન કરવું હોય તો હું બેધડક SMS કરી શકતો. તેઓ અચૂક જવાબ આપતાં. રાજ્યના હિતમાં મહત્વપૂર્ણ સૂચન કરવાની કે મહત્વની વાત ધ્યાને લાવવા આ માધ્યમ ઝડપી રહેતું. તેઓ હંમેશાં પ્રેમથી બોલાવતાં અને શાંતિથી વાત કરતાં. કોઈ દંભ નહીં, કોઈ અભિનય નહીં. નિવૃત્તિ પછી મેં પીએચડીનો અભ્યાસ પૂરો કર્યો તો હરખીને અભિનંદન આપેલાં. કોઈ અમારે બંનેના કોમન મિત્ર તેમને મંળતાં તો મારા વિશે ઉત્તમ અભિપ્રાય વ્યક્ત કરતાં. 

ક્યાંક કોઈનું ખોદીને કે નિંદા કરી તે તેમનું અંતઃકરણ ન બગાડતાં. મુખ્યમંત્રી બન્યાં પરંતુ હોદ્દાનું અભિમાન તેમના પર ક્યારેય ન ચડ્યુ. કેટલાક નેતા એવા પણ હોય છે કે તેમને ન ગમતો માણસ આવે તો તેની સામું પણ ન જુએ. પરંતુ વિજયભાઈ સજ્જન તેથી કોઈ પણ માનવી આવે તેમની માનવતા તેમનાં ચહેરા પર છલકી ઉઠે. 

પછાત વર્ગ અને ખાસ કરીને અનુસૂચિત જાતિ પ્રત્યે તેમને વિશેષ લાગણી રહેતી. તેમની એક બિન સરકારી સંસ્થા રાજકોટમાં પછાત વર્ગોના કલ્યાણ માટે વર્ષોથી કાર્યરત છે. કેટલાક વર્ષો અગાઉ તેમનો એક પુત્ર પૂજીત ઉત્તરાયણના દિવસે અમદાવાદ તેમના સાસરીના ઘરનાં ધાબા પરથી પડી જતાં ગુજરી ગયેલ, તેના નામ પરથી આ સંસ્થા પૂજીત મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ વંચિતોના વિકાસ માટે અવ્વલ કામ કરતી. તેમને ૨૦૧૬માં બાથરૂમમાં પડી જવાથી માથામાં વાગ્યું ત્યારે સિવિલ હોસ્પિટલ અમદાવાદ જઈ સારવાર લઈ મુખ્યમંત્રી બન્યાં હતાં. 

તેમના મોટા પુત્રએ અમદાવાદથી અકસ્માતે વિદાય લીધી હતી. આજે વિમાન દુર્ઘટનાએ તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદથી જ ઉપર બોલાવી લીધા. જિન શાસનની સિદ્ધશિલા પર તેમને માટે પરમાત્માને કોઈ કામ શોધી રાખ્યું હશે. ગુજરાતની ભૂમિ પરથી એક નર રત્નની આમ કવેળાની વિદાયથી ગુજરાતની ૭ કરોડ પ્રજા સાથે આજે અમારું પરિવાર પણ દુઃખની લાગણી અનુભવી રહ્યું છે. અમારી અંતરની પ્રાર્થના છે કે પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચિરઃ શાંતિ અને સદ્ગતિ અર્પે. વ્હાલા વિજયભાઈ, તમે અમને હંમેશાં યાદ આવશો. ઓમ નમો અરિહંતાણં. 🙏 

 લિ. ડો. પૂનમચંદ પરમાર (IAS:1985) 
પૂર્વ અધિક મુખ્ય સચિવ (ગુજરાત સરકાર) 
 ૧૨ જૂન ૨૦૨૫


A Tribute to Shri Vijaybhai Rupani (Part 1)

Shri Vijaybhai Rupani was born on 2 August 1956 in Rangoon (Yangon), Burma. Following political instability in Burma, his family returned to Gujarat in 1960. Alongside his education, he began his public life in Rajkot. During the Emergency imposed in 1975, he was arrested under the MISA (Maintenance of Internal Security Act) in 1976 at the age of just eighteen—a reflection of his early political commitment. His eleven-month imprisonment in Bhuj and Bhavnagar became a formative period, helping him build lifelong political friendships and mature as a public figure. It was during his organisational work in the party that he met his future wife, Anjaliben, who was also a dedicated party worker.

Rajkot remained the field of his public service, Gandhinagar became the seat of his political authority, and ultimately Ahmedabad became the city from which he bid his final farewell. Gujarat today has lost a simple, gentle, and dignified gentleman. His journey of 68 years and 10 months, both in life and in public service, stands as an inspiring example.

His political career began as a Councillor in the Rajkot Municipal Corporation. He later became Chairman of the Standing Committee, then Mayor of Rajkot, and eventually rose to the highest office in the state as the Chief Minister of Gujarat.

He became the third Chief Minister of Gujarat to complete a full five-year term. When Shri Vajubhai Vala was appointed Governor of Karnataka in 2014, Vijaybhai’s political fortunes took a decisive turn. Immediately after winning the 2014 by-election and entering the Legislative Assembly for the first time, Chief Minister Smt. Anandiben Patel entrusted him with important portfolios including Transport, Labour and Employment, and Water Supply.

Once, during his tenure as a minister, he woke up at night to use the washroom, slipped, and struck the back of his head on the bathroom ledge. Bleeding heavily, he quietly went to Ahmedabad Civil Hospital, received stitches, and returned home. The very next morning, with his head bandaged, he attended the Wednesday Cabinet meeting as usual. It was a striking example of his dedication and work ethic.

Perhaps destiny still had greater responsibilities in store for him. In February 2016, he became the President of the Gujarat unit of the Bharatiya Janata Party. As Chief Minister Anandiben Patel approached the party’s informal age limit of seventy-five years, political circles widely believed that Shri Nitinbhai Patel would succeed her. However, the political situation changed dramatically within a day, and by the evening meeting, Vijaybhai Rupani emerged as the chosen leader. Gujarat thus received a Chief Minister known for his sense of justice, humility, and concern for the poor.

Vijaybhai became Chief Minister while Shri Nitinbhai Patel assumed office as Deputy Chief Minister. As the senior leader, Vijaybhai bore the responsibility of maintaining coordination within the government and the party. A lifelong organisation man, he approached this task with remarkable patience, restraint, and composure—keeping “ice on his head and restraint on his tongue.” His calm leadership helped the party navigate the fiercely contested 2017 Gujarat Assembly election, after which he returned to office for a second consecutive term as Chief Minister, completing a full five-year tenure.

Vajubhai Vala would often joke with affection, saying, “What divine blessings has this man received? It took us a lifetime to climb the political ladder, while fortune keeps placing garlands around his neck without obstruction.”

Rajkot has given Gujarat three Chief Ministers—Keshubhai Patel, Narendra Modi, and Vijaybhai Rupani. Vijaybhai played a major role in Rajkot’s transformation. The city expanded rapidly, acquired modern infrastructure, received a new airport, an AIIMS, and a six-lane highway connecting Ahmedabad and Rajkot.

From the day he became Chief Minister, he remained a strong advocate of water conservation and the maximum utilisation of Narmada waters, helping Gujarat sustain its agricultural growth while ensuring that drinking water shortages did not arise. During the severe floods in Banaskantha, he camped in the district for nearly two weeks, personally supervising relief operations, compensation payments through direct benefit transfers, and rehabilitation measures.

During his five years as Chief Minister, Gujarat continued to grow in prosperity, stability, and development. Whether presiding over Cabinet meetings or departmental reviews, Shri Vijaybhai Rupani patiently allowed officers to present their views in full and readily accepted sound suggestions. Whenever he disagreed with a proposal, he expressed his reservations naturally and courteously, without causing embarrassment to anyone.

During the demonetisation of 2016, when the Government of India initially struggled to supply sufficient new currency notes, he openly remarked that those advising the Prime Minister should have ensured that an adequate stock of new notes had been printed before implementing such a major decision.

When Shri Vijaybhai assumed office as Chief Minister in August 2016, I had only recently taken charge as Additional Chief Secretary, Urban Development Department. During that period, we were able to accelerate long-pending Town Planning Scheme approvals, introduce a Common General Development Control Regulations (GDCR) for urban local bodies, establish RERA in Gujarat, advance the Smart Cities Mission, and help Gujarat achieve the top national ranking in the Swachh Survekshan.

Later, when I was transferred to the Health Department, our work continued with equal vigour. We established new medical colleges, significantly increased medical education seats, and realised the vision of a comprehensive Medical City at Ahmedabad Civil Hospital. We built the new U.N. Mehta Institute of Cardiology, operationalised its 1,200-bed hospital, completed new Dental and Eye Hospitals, finished two major blocks of the Cancer Hospital, and brought the Kidney Hospital close to completion. In Rajkot, besides strengthening hospitals under the Prime Minister’s schemes, we also secured approval for AIIMS Rajkot. Through new buildings, modern equipment, and upgraded healthcare services, Gujarat substantially enhanced the quality and reputation of its public health system.

A domestic circumstance interrupted my tenure in Health, and I spent the final ten months of my service in the Agriculture Department. Looking back, I believe that destiny places us where we are most needed. Under the guidance of Governor Shri Devvrat Acharya, I had the opportunity to help lay the foundation for Gujarat’s Natural Farming Movement and implement the state’s Seven Steps for Farmers’ Welfare, making that assignment equally rewarding.

During the preparation of the 2020 State Budget, I actively participated in discussions relating to social sector schemes. As a result, several successful long-standing welfare programmes were retained while new initiatives were introduced. When newspaper headlines highlighted these achievements, Vijaybhai smilingly remarked to me, “Parmar, today it is you who is appearing in all the newspapers.”

While serving in the Agriculture Department, we found that under the Government of India’s Pradhan Mantri Fasal Bima Yojana, the State Government had been paying substantial insurance premiums for years, yet insurance companies often denied Gujarat’s farmers adequate compensation on technical grounds. It had become an unfavourable arrangement. We prepared a detailed presentation, examined various alternatives, and persuaded the State Government to withdraw from the central scheme and introduce Gujarat’s own Mukhyamantri Kisan Sahay Yojana. The new scheme benefited thousands of farmers every year and, even after making compensation payments, resulted in considerable savings compared with the premiums previously paid.

Recognising that government agricultural colleges alone could not meet the demand for agricultural graduates in a state where nearly sixty percent of the population lived in rural areas, Vijaybhai encouraged greater participation by private institutions. Acting on his guidance, we expanded opportunities for agricultural education.

My first professional interaction with him, however, dated back much earlier. Around 1998, when Shri Keshubhai Patel was Chief Minister, Vijaybhai chaired the Election Manifesto Committee and, later, the Twenty-Point Programme Committee. Even then, he personally telephoned officers to review progress and encouraged them to achieve development targets.

Before becoming a minister and later Chief Minister, he had served for six years as a Member of the Rajya Sabha. He also discharged his responsibilities effectively as Chairman of the Gujarat Tourism Corporation and Chairman of the Gujarat Municipal Finance Board, earning respect for his administrative abilities.

There was a time when the tenure of Chief Secretary Shri J. N. Singh was nearing its end. According to seniority, Shri Arvind Agrawal was next in line. My batchmate, Shri Anil Mukim, was then serving as Secretary to the Government of India in New Delhi. In the past, officers such as Shri P. K. Laheri, Shri Jagdish Pandian, Shri G. R. Aloria, and Shri J. N. Singh had all become Chief Secretary despite the presence of officers senior to them. Therefore, if Shri Arvind Agrawal was not selected and Shri Anil Mukim did not return from Delhi, an opportunity might have opened up for me.

Vijaybhai had candidly told Shri Arvind Agrawal that he was not inclined to disregard the principle of seniority, but that the final decision would ultimately be made in Delhi. When I once asked him about my own prospects, he replied with characteristic simplicity: “Parmar, you know how these matters work. Go and meet Shri P. K. Mishra in Delhi. I do not wish to repeat the mistake made during Anandiben’s time.” Never before had we seen a Chief Minister speak with such openness, honesty, and complete absence of political pretence.

When the COVID-19 pandemic and nationwide lockdown began in March 2020, I was entrusted with the critical responsibility of monitoring the treatment protocols for seriously ill COVID patients. While the administration was occupied with enforcing lockdowns, expanding hospital infrastructure, and admitting positive patients, we focused on conducting daily video conferences, reviewing every COVID death through systematic death audits, and continuously refining treatment protocols. This approach helped improve clinical outcomes during an extraordinarily difficult period.

After completing thirty-five years in the Indian Administrative Service, I retired on 31 July 2020, during the height of the pandemic. I could sense that Vijaybhai genuinely wished to retain my services after retirement, but for reasons beyond his control, he was unable to do so. The disappointment on his face was evident. Before my retirement, he had told me on several occasions, “Parmar, we have certainly decided to utilise your services.” Unfortunately, circumstances changed.

A few months later, he appointed me for a three-year term as a Member of the Gujarat Police Complaints Authority. He perhaps did not realise that the assignment involved only one or two meetings a year with an honorarium of merely ₹1,500 per sitting. I believed that, given his word, he would eventually entrust me with a more meaningful responsibility. But before that could happen, his tenure as Chief Minister came to an end.

Thus, our period of working together concluded. Yet the years we spent together remain among the most memorable of my career. He truly lived the ideal of a Karmayogi. He personally remembered to send us an invitation to the wedding of his son, Rishabh, and when we attended, he welcomed us warmly and happily posed for photographs.

While serving as Chief Minister, he sent his son Rishabh to the United States for higher education, where he lived the simple life of an ordinary student rather than enjoying the privileges often associated with the children of powerful politicians.

Our relationship was marked by unusual warmth and openness. Whenever I wished to offer a suggestion or draw his attention to an important matter concerning the state’s interests, I could send him an SMS without hesitation. He invariably replied. This proved to be an efficient way of communicating important issues directly. He always spoke with affection, listened patiently, and never displayed arrogance or affectation. After my retirement, when I completed my Ph.D., he warmly congratulated me. Whenever mutual friends met him, he spoke highly of me.

He never indulged in criticising others or advancing himself by pulling others down. Although he occupied the highest office in the state, the pride of power never touched him. Some political leaders avoid even looking at those they dislike. Vijaybhai was entirely different. Whoever came before him was received with genuine warmth and humanity that naturally shone through his face.

He had a deep concern for the welfare of the backward classes, particularly the Scheduled Castes. A charitable organisation associated with his family in Rajkot has long worked for the upliftment of disadvantaged communities. Years earlier, his son Pujit tragically lost his life after falling from the terrace of his in-laws’ house in Ahmedabad during the Uttarayan festival. In his memory, the Pujit Memorial Charitable Trust has continued to perform exemplary service for the underprivileged.

Ironically, after suffering a head injury in a bathroom fall in 2016, he received treatment at Ahmedabad Civil Hospital before assuming office as Chief Minister. Years later, following the tragic air crash, fate seemed to call him once again through the same Civil Hospital in Ahmedabad on his final journey.

Perhaps the Almighty had reserved a noble task for him on the Siddhashila, the liberated realm described in Jain philosophy. With his untimely departure, Gujarat has lost one of its finest sons. Along with the seven crore people of Gujarat, our own family also deeply mourns this loss.

Our heartfelt prayer is that the Supreme Lord may bless his soul with eternal peace and the highest spiritual destination.

Dear Vijaybhai, you will always remain in our memories.

Om Namo Arihantanam.

Dr. Punamchand Parmar (IAS:1985)
Former Additional Chief Secretary, Government of Gujarat
12 June 2025


Powered by Blogger.