Tuesday, June 24, 2025

મૃત્યુ

ભગવાન બુદ્ધના જીવનની કથા ઘણાંએ સાંભળી હશે. એક માતાનો એકનો એક પુત્ર ગુજરી ગયો. તે દિવસે ગામના પાદરેથી ભગવાન બુદ્ધ પસાર થતાં હતા. રડતી માતા દોડીને બુદ્ધ પાસે ગઈ અને પ્રાર્થના કરી કે તેના પુત્રને તેઓ જીવનદાન આપે. બુદ્ધ કુદરતના નિયમને જાણતા હતાં. તેમણે માતાને સમજાવી પરંતુ તેણે હઠ પકડી રાખી. છેવટે બુદ્ધે કહ્યું કે તે એવા ઘરેથી રાઈ લઈ આવે જ્યાં કોઈનું મૃત્યુ થયું ન હોય. મહિલા આખા ગામમાં ઘેર ઘેર ભટકી પરંતુ મૃત્યુ વિનાનું કોઈ ઘર તેને ન મળ્યું. ભટકતા ભટકતા તેને જીવનનો બોધ સમજાઈ ગયો. મૃત્યુ અવશ્યં ભાવિ છે. તેણે ખૂબ પોક મૂકીને રડી લીધું પરંતુ પુત્રના મૃત્યુને સ્વીકારી તેના અંતિમ સંસ્કાર કર્યા. ૧૨ જૂન ૨૦૨૫ની બપોર, કોને ખબર હતી કે પળમાં શું થવાનું છે. લંડન જવાનું હોય અને તે પણ હવાઈ જહાજમાં. જનારને આનંદ હોય તેનાથી વિશેષ મૂકવા જનારને હોય. વળી જ્યાં જવાના હોય ત્યાં પણ વાટ જોઈને કોઈ હરખાતું હોય. હવાઈ જહાજના ઉડવાના સમયથી બે-ત્રણ કલાક વહેલાં આવી ચેક ઈન કર્યું હોય, એરપોર્ટની લોબીમાં ટહેલ્યા હોય અને જેવો વિમાનમાં પ્રવેશ મળે એર હોસ્ટેસના સ્મિત સ્વાગતને સ્વીકારી પોતાની સીટ પર બેસી સીટ બેલ્ટ બાંધ્યો હોય ત્યારે મનમાં તો બસ હવે ઉડ્યા અને લંડનની સફરે ચાલ્યા સમજો એવો ભાવ હોય. એર હોસ્ટેસ સ્વાગત કરે, સૂચનાઓ સંભળાવે અને કેપ્ટનનો નામ સહિત પરિચય આપે એટલે બસ હવે લંડનનું અંતર ઘટવાનું શરૂ થઈ જાય. જેવું પ્લેન પાર્કિંગમાંથી રન વે પર આવી અને રોલ કરવાનું શરૂ કરે એટલે હ્રદયનો એક ધબકારો અટકી જાય પરંતુ જેવું વિમાન ઉડાન ભરી હવામાં લહેરાય એટલે હાશકારો વર્તાય. પરંતુ આ શું? અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈમથકેથી બોઈંગ ડ્રીમલાઈનર ૭૮૭-૮ દિલ્હીથી સવારે આવ્યું છે. પાછલી કાલે તે પેરિસથી દિલ્હી આવીને દિલ્હીમાં રાતવાસો કરી આવ્યું છે. વિમાન છેલ્લે બે વાર ઉડ્યું અને તેના ઉડાન પહેલાં થતી બધી ચકાસણી પાર કરી લીધી છે. પાકિસ્તાન તરફથી એરસ્પેસ બંધ થવાથી વિમાને દરિયાના રસ્તે વધુ રસ્તો કાપવાનો હોઈ વિમાનની બંને પાંખો નીચે રહેલી ટાંકીઓમાં સવા લાખ લીટર જેટલું કેરોસીન બેઝ જેટ-એ ફ્યૂલ ભરેલું છે. ૨૩૦ યાત્રીઓ અને ૧૨ ક્રૂ મેમ્બર સહિત ૨૪૨ માનવો સવાર છે. એક વૃદ્ધ યાત્રી આવ્યા નથી અને એક દીકરી આવવામાં મોડી પડી તેથી રહી ગઈ. ગુજરાતીઓ લંડન જાય એટલે દરેકનું સરેરાશ ૪૬ કિલો ચેકિંગ લગેજ અને સાતેક કિલો હેન્ડલોડ મળી ૫૦-૫૫ કિલો વજનનો લોડ થયો છે. વિમાનની બોડી તો ફાયબર પોલીમરની બનેલી છે પરંતુ વિમાન ૫૭ મીટર (૧૮૬ ફૂટ) લાંબુ, ૧૭ મીટર (૫૬ ફૂટ) ઊંચું અને પાંખો સહિત ૬૦ મીટર (૧૯૭ ફૂટ) પહોળું છે તેથી ખાલી વિમાનનું વજન ૧,૨૦,૦૦૦ કિલો થાય. આમ ૨૪૨ યાત્રીઓ (ક્રૂ મેમ્બર સહિત), તેમનું લગેજ, બળતણ અને વિમાનનું વજન મળી પોણા ત્રણ લાખ કિલો જેટલો ભાર થયો છે. ગૂગલમાં વિમાનનું મહત્તમ ટેકઓફ વજન ૨,૨૭,૯૩૦ કિલોગ્રામ હોય તે સામે વજન વધ્યું જણાય છે. ઉનાળાની ખરા બપોરનો સમય (૧.૩૮) છે. હજી પૂર્ણિમા પૂરી થઈ જેઠ વદ પડવો શરૂ થયો છે. અમૃત ચોઘડિયું છે. રાહુકાલ શરૂ થવાને હજી વીસ મિનિટની વાર છે. બહાર વાતાવરણમાં ઉનાળાની બપોર હોવાથી ઉકળાટ છે. વિમાન મોટું અને ભારવાળું હોવાથી પાયલોટે પૂરા રનવેનો ઉપયોગ કરી દોડાવી જરૂરી ૨૫૦-૩૦૦ કિલોમીટરની ઝડપ પકડી વિમાનને હવામાં ઉપર લીધું છે. વિમાનનું નાક (નોઝ) પણ ઉપર તરફ દિશા રાખી ગતિ મેળવી રહ્યું છે. હજી તો રન વે છોડે માંડ દસ સેકન્ડ થઈ છે, વિમાન હજી માંડ સમુદ્રતલથી ૬૧૪ ફૂટની ઊંચાઈએ પહોંચ્યું છે; અમદાવાદ ૧૭૪ ફૂટની ઊંચાઈએ છે તેથી ૪૪૦ ફૂટ ઊંચું ચઢ્યું છે; ત્યાં જાણે વિમાન હવામાં થંભી ગયું હોય તેવું કેમ જણાય છે? અહીં મેઘાણીનગરના સરસ્વતીનગરની ઓરડીના છાપરે પહેલીવાર અમદાવાદ આવેલો ૧૭ વર્ષનો આર્યન અસારી તેના મિત્રોને વિમાન કેવું ઉડે તે બતાવવા તેનો સ્માર્ટફોન લઈ ઉપર ચઢી સાવ નીચે જઈ રહેલાં વિમાનનો વીડિયોને શૂટ કરી રહ્યો છે. નીચે જનાર રાહદારીઓ માટે વિમાનનું ઉડવું નવાઈ નથી પરંતુ સાવ નીચું જણાતું વિમાન જોઈ તેમની નજરો પણ ઉપર ઉઠી રહી હતી. વિમાનની અંદર હજી યાત્રિકોમાં કંઈક શંકા કુશંકા જન્મે ત્યાં તો ૨૫મી સેકન્ડે અંદર લીલી-સફેદ લાઈટો ઝળહળી ઉઠી, મોટા અવાજે જાણે કંઈક ખોલ્યું હોય તેવો અવાજ થયો, વિમાનમાં કંઈક થરથરાટ થવા લાગ્યો, ૩૫ સેકન્ડે તો કેપ્ટનનો અવાજ ઉઠ્યો મેડે મેડે મેડે, જોર-ધક્કો (થ્રષ્ટ) નથી, શક્તિ (પાવર) ઓછી થઈ રહી છે, વિમાન ઉડી શકતું નથી, હવે નહીં બચીએ. ૪૫મી સેકન્ડે તો વિમાન ધડામ દઈને મેડીકલ સ્ટુડન્ટની હોસ્ટેલ બિલ્ડિંગના ધાબે જઈ ટકરાયું અને મોટી આગ સાથે તૂટી પડ્યું. જાણે કોઈક બોંબ પડ્યો હોય તેવો અવાજ થયો, ભૂકંપ આવ્યો હોય તેવી ધ્રૂજારી થઈ અને બધુંજ આગ અને ધુમાડાના ગોટામાં ફેરવાઈ ગયું. લાયબંબા આવી આગને ઓલવે તે પહેલાં ૨૪૧ હસતી ખેલતી તંદુરસ્ત જિંદગી પળમાં ભસ્મીભૂત થઈ ગઈ. એક ઈસમ ૧૧-એ ઈમરજન્સી દરવાજાની બાજુમાં બેઠો હતો. તેના પર કુદરત મહેરબાન થઈ. જેવું વિમાન ભટકાઈને ભાંગ્યું તે ઘડીએ તેની સીટ બાજુનો ઈમરજન્સી દરવાજો ખુલ્યો અને તે સીટ સમેત બહાર બે બિલ્ડીંગમાં વચમાં પડેલા રેતના ઢગલા પર જઈ પડ્યો. તેને જેવું ભાન થયું એટલે તેણે સીટબેલ્ટની બકલ ખોલી સામે નજર કરી તો બહાર નીકળવાનો રસ્તો તેની સામે હતો. જ્યાં પાછળ ૨૪૧ જિંદગી ભડકે બળી રહી હતી ત્યારે વિશ્વાસકુમાર રમેશ હાથમાં મોબાઇલ લઈ હોસ્ટેલના દરવાજાથી બહાર આવી ગયો. જેને રામ રાખે તેને કોણ ચાખે? પરંતુ બીજી બાજુ કેમ્પસના નાકે ચા વેચનાર પંદર વર્ષના યુવાનનું અને તેની ચા પીનારા બીજાઓના પ્રાણ પંખેરાં વિમાનની પાંખ પડતાં જ ઉડી ગયા. તે યુવાનની માએ દોટ મૂકી એટલે બચી ગઈ. પરંતુ હોસ્ટેલ બિલ્ડિંગમાં જમી રહેલ ચારેક મેડિકલ છાત્રો અને તેમને મળવા આવેલાં છએક સગાવહાલા માર્યા ગયા. જે કુટુંબ મેડિકલ છાત્રોને રસોઇ બનાવી જમાડતું હતું તેમના માજી અને તેમની નાની પૌત્રી પણ આ અગન જ્વાળાઓમાં હોમાઈ ગઈ. બીજાં ત્યાંથી પસાર થતાં કોઈ સ્કૂટર ચાલક કે રાહદારી પણ હોમાયા. પૂરા ડીએનએ મળશે ત્યારે સાચો આંકડો ખબર પડશે પરંતુ ૨૬૦ મૃત્યુ તો નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જેમની સાથે મેં ચાર વર્ષ નજીક રહીને કામ કર્યું તે પણ ન બચ્યાં. તેઓ તો કોઈ રાજ્યના ગવર્નર થવાની નજીકમાં હતાં અથવા કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ સમાયા હોત પરંતુ મોત તેમને આંબી ગયું. કેપ્ટન સુમિત સબરવાલે મૃત્યુ સામે હતું છતાં પૂરી સભાનતા રાખી અને બનતું બધું કરી જોયું અને તે અંતિમ ૧૦ સેકન્ડમાં વિમાનને એવી દિશા તરફ વાળ્યું કે જ્યાં ઓછામાં ઓછી જાન હાનિ થાય. અન્યથા મેઘાણીનગરની કોઈ ચાલી કે સોસાયટી નીચે આવી ગઈ હોત તો મૃત્યુ આંક ઘણો મોટો થાત. રન વે પર વિમાને દોટ મૂકી અને ૪૫ સેકન્ડમાં બધું જ ખત્મ. એક પળ એક મિનિટની થાય. અહીં તો મિનિટ (પળ) પણ ન મળી. જીવન અકસ્માત હોઈ શકે મૃત્યુ નિશ્ચિત છે. જે જન્મ્યું તેણે જવાનું છે. તેથી નાહકની દોડભાગમાંથી બહાર નીકળી કંઈક માણસાઈ સાથે જીવાય તેવા પ્રયત્નો કરીએ. વિજયભાઈની અંતિમયાત્રા રાજકોટમાં નીકળી ત્યારે વરસાદ ચાલુ હતો પરંતુ ૨૦ લાખ વસ્તીનું આખું શહેર રોડ પર આવીને તેમના વ્હાલા નેતાને વિદાય આપી રહ્યું હતું. રાજકોટથી ગુજરાતને ત્રણ મુખ્યમંત્રી મળ્યા પરંતુ વિજયભાઈએ પૂરા પાંચ વર્ષ રાજ્યની સેવાની સાથે તેમના રાજકોટની વિશેષ કાળજી લઈ અભૂતપૂર્વ લોકચાહના મેળવી. તેમનું ભૌતિક શરીર તો પંચતત્વોમાં વિલીન થયું અને સૂક્ષ્મ શરીર અરિહંત શરણે ગયું પરંતુ તેમને મળેલી કીર્તિ અને લોકચાહના તેમણે જીવનમાં કેળવેલા સાત્વિકતા, સજ્જનતા, દયા, કરૂણા અને બીજાને મદદ કરવાની ભાવના જેવા ઉત્તમ ગુણો મૃત્યુ પછી શું આપી જાય છે તેનું દૃષ્ટાંત બની રહ્યાં. આ વર્ષ આકરું બની રહ્યું છે. યુક્રેન-રશિયાની લડાઈ ચાલુ હતી હતી; ઈઝરાયલ પેલેસ્ટાઇન જંગ થંભ્યો નથી; ભારત-પાકિસ્તાન થતાં થતાં રહી ગયું; ત્યાં ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ ચાલુ થઈ ગયું. ઓછામાં પૂરું અમેરિકાએ ‘ઓપરેશન મીડનાઈટ હેમર’ ના નામે તેમાં દાખલ થઈ તેના બી-૨ સ્ટીલ્થ બોંબર બંકર બ્રસ્ટર લઈ ઈરાનની અણુબોંબ બનાવવાની જગ્યાઓ ઉપર ચડાઈ કરી તેના ભૂક્કા બોલાવી દીધા. પરંતુ ઈરાન અણુબોંબ બનાવવા વપરાતું યુરેનિયમ ક્યાં સંતાડી આવ્યું તેની ખબર નથી. તેનો અણુબોંબ ઈઝરાયેલ પર પડશે કે અમેરિકા પર તેની ખબર નહીં પરંતુ રશિયા વ્હારે ન આવે તો તેનો ઘડો લાડવો થઈ જવાનો એ તો નક્કી જણાય છે. જો રશિયા આગળ થયું તો ત્રીજું વિશ્વયુદ્ધ થવાનું. વખત (કાલ) જાણે બોંબર વિમાનો, હથિયારો, બોંબગોળાઓ, રાડાર, જામર, સુરક્ષા ડોમ વગેરે સંસાધનોના પ્રદર્શન અને વેચવાનો અને માનવતાને મારવાનો જણાય છે. નેતાઓના અહંકારમાં અને હથિયારો બોંબ અને બોંબરો બનાવનારી કંપનીના સોના સોનામાં હજારો નિર્દોષ માણસો અને માનવતા મરી જશે. રાજને મેળવવા રાજા હોમાઈ જશે. મનુષ્ય કેટલો મોટો થાય, કેવડોક અહંકાર કરે પરંતુ કુદરત સામે તે એક તણખલું માત્ર છે. આ જીવન ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. તેનો આદર કરીએ અને પરમાર્થમાં વાપરવામાં જ શાણપણ છે. નાના નાના ઝઘડા કરીને, અબોલા લઈને કે એકબીજાને પાડી દઈને શું સાથે લઈ જઈશું? શોક ન કરીએ. ભગવાનના આભારી થઈ જીવનને સકારાત્મક રીતે જીવી લઈએ. કાલ કોણે જોઈ છે? ડો. પૂનમચંદ પરમાર ૨૪ જૂન ૨૦૨૫ તા.ક. ઈઝરાયલ-ઈરાન યુદ્ધવિરામની ઘોષણા થયાના સારા સમાચાર આવ્યા છે.

0 comments:

Post a Comment

Powered by Blogger.