અદેખાઈ
અદેખાઈ
લાલિયો અને મોતિયો બે પડોશીઓ હતા. લાલિયો તેની પત્ની, દીકરાઓ, વહુઓ બધાં સંસ્કારી, પરિશ્રમી, ઉદ્યમી અને ધર્મના રસ્તે ચાલનારા. સંપ અને સહકારથી તેમના કુટુંબની ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી હતી. ભાગ્ય પણ તેમને સાથ આપતું. ખેતરમાં જે પણ વાવે ઉતાર આખા ગામ કરતાં વધારે આવે. કૂવામાં પાણી પણ ન સુકાતા. તેમણે રહેવા માટે પાકા ઘર પણ બનાવી લીધાં હતાં. સંસ્કારી કુટુંબ એટલે ભગવાનમાં શ્રદ્ધા રાખે અને નિયમિત ભક્તિ કરે. લાલિયાની સામે પડોશી મોતિયો ગરીબ, વ્યસની. ઘરમાં કજિયા કંકાસ બંધ ન થાય. ઘરમાં કુસંપ હોવાથી ખેતીકામમાં કે ધંધા રોજગારમાં કંઈ ભલીવાર ન પડે અને ગરીબી જાય નહીં. તેને લાલિયાના ઘરની ઈર્ષ્યા અને અદેખાઈ રહેતી. તેના કાન લાલિયાના ઘરના માઠા સમાચાર સાંભળતા લાલાયિત રહેતા પરંતુ તેને કાયમ નિરાશા મળતી. તેને થયું લાવ ભગવાનની ભક્તિ કરી જોવું. જો ભગવાન રાજી થાય અને વરદાન આપે તો બધાં કામ સરળ થઈ જાય. તેણે ભગવાનની ભક્તિ ચાલુ કરી દીધી. પૂજા અર્ચના કરે, મંદિરે જાય, પૂનમો ભરે અને ભગવાનને આજીજી કરે.
ભગવાનને થયું મોતિયો પહેલીવાર મારી ભક્તિ કરે છે. જો તેના પર પ્રસન્ન થઈ વરદાન નહીં આપું તો પાછો ખોટા કામમાં પડી જશે. તેથી મોતિયાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને દર્શન દીધાં અને વરદાન માંગવાનું કીધું. મોતિયાને થયું એક વરદાન માગું અને માંગવામાં ભૂલ રહી જાય તો? તેથી તેણે ચાર વરદાન માંગ્યા. ભગવાને કહ્યું વરદાનો તો આપું પરંતુ મારી એક શરત છે. તું જે માંગે તેનું બમણું લાલિયાને મળશે. મોતિયો મનમાં બોલ્યો, હાલ તો આપણી ગરીબી દૂર કરવી અગત્યની છે. લાલિયાને બમણું મળે તેની હાલ ક્યાં સમસ્યા છે? તેણે શરત કબૂલી એટલે ભગવાન તથાસ્તુ કહી ચાર વરદાન આપી અતંર્ધ્યાન થઈ ગયા.
મોતિયો ખૂબ ખુશ થઈ ઘેર આવ્યો. ખેડૂત માણસ એટલે પહેલાં વરદાનમાં તેણે ૧૦૦ વીઘા જમીન માંગી લીધી. તરત જ તેના ખેતરો મોટા થઈ ૧૦૦ વીઘા થઈ ગયા. પરંતુ આ શું? લાલિયાના ખેતરો ૨૦૦ વીઘા થઈ ગયા. મોતિયાને બળતરા તો થઈ પરંતુ થયું હશે, આપણા પાસે ૧૦૦ વીઘા જમીન તો આવી ગઈ. પછી તેણે ૧૦ કૂવા માંગ્યા. દર દસ વીઘા જમીને એક એક કૂવા આવી ગયાં. પરંતુ લાલિયાના ખેતરમાં પણ ૨૦ કૂવા ગળાઈ ગયા. મોતિયાનો હરખ ઓછો થયો. તેને થયું, માટીના ઘરમાં ક્યાં સુધી રહીશું? તેણે એક પેલેસ જેવું મકાન માંગી લીધું. તેનું મકાન પેલેસ જેવું બની ગયું. પરંતુ પડોશમાં લાલિયાને ત્યાં પેલેસ જેવાં બે મકાન બની ગયા. મોતિયાથી હવે ન જીરવાયું. તેને થયું, ભક્તિ તેણે કરી, ભગવાન તેના પર પ્રસન્ન થયાં, વરદાન પણ તેનાં અને આ લાલિયો ડબલ લાભ લઈ જાય?
તેનો મૂળ સ્વભાવ અદેખાઈનો ઈર્ષાની આગમાં તેનું તન અને મન બળવા લાગ્યું. તેને ૧૦૦ વીઘા જમીન, કૂવાની સિંચાઈ, મબલખ પાક અને પેલેસ જેવા ઘરમાં રહેવાનો આનંદ ન આવ્યો. તેનુ મન ચકરાવે ચડ્યું. હવે માત્ર એક જ વરદાન બાકી છે. એવું તો શું માંગું કે તેનો લાલિયાને લાભ નહીં પણ ગેરલાભ થાય. અદેખાઈએ તેના મન મસ્તિષ્કનો કબજો લઈ લીધો હતો. રાત દિવસ વિચારતાં વિચારતાં તેને એક ઉપાય જડી ગયો. તે સવારે ઉઠ્યો અને ભગવાનને યાદ કરી ચોથું અને છેલ્લું વરદાન માંગ્યું કે, હે ભગવાન મારી એક આંખ ફોડી નાંખ. તેને હતું કે તેની એક આંખ જવાથી કે બીજી આંખથી જોઈ શકશે પરંતુ લાલિયાની બે આંખો ફૂટી જશે તેથી તે આંધળો થઈ જશે. ભગવાન વચને બંધાયા હતાં. મોતિયો કાણો થયો અને લાલિયો આંધળો. પરંતુ લાલિયો સંસ્કારી, તેણે અંધાપાને ભગવાનની મરજી માની સ્વીકારી લીધો. ધીમે ધીમે ધ્યાન ભજનથી તેની અંતઃદૃષ્ટિ ખુલતી ગઈ અને તેને સ્વરૂપનો સાક્ષાત્કાર થયો. વિષયાનંદથી તે મુક્ત થયો અને સ્વરૂપાનંદમાં મસ્ત થયો. તેના સંતાનો સંસ્કારી હતાં તેથી તેમણે લાલિયાની સારી સારસંભાળ રાખી. પરંતુ આ તરફ મોતિયાની કાણી આંખના કારનામા બધાંને ખબર પડી ગયા. ઘરમાં, ગામમાં અને સમાજમાં તેની આબરૂ ઘટી ગઈ. બધાં તેનાથી બધાં દૂર થતાં ગયા. તેનું ઘડપણ કરૂણ સ્થિતિમાં વીત્યું અને તેને મનનું કે તનનું સુખ ન મળ્યું. ભગવાનના ચાર ચાર વરદાને પણ તે ઈર્ષ્યા અને અદેખાઈની આગમાં તે બળતો રહ્યો.
અદેખાઈ કે ઈર્ષ્યાથી આપણે કોઈનું બૂરું કરવા ધારીએ પરંતુ ખરાબ કર્મના ફળ પોતાને ભોગવવા પડે છે. બીજાને તેના સારા કર્મનું સારું ફળ મળવાનું છે તેથી લાલિયાની જેમ તેનું બૂરું ઈચ્છીએ પરંતુ તેનું શુભ થવાનું. તેથી રાગ અને દ્વેષ નામના બે કૂરકૂરિયાં આપણી અંદર પડ્યાં છે તેને દૂર કરી નિર્મળ થઈએ. સફાઈ નહાવા ધોવાની નહીં પરંતુ અંતઃકરણની કરવાની છે.
પસંદગી આપણી પોતાની છે. લાલિયો થવું કે મોતિયો.
ડો. પૂનમચંદ
૨ જુલાઈ ૨૦૨૫
0 comments:
Post a Comment