ગુજરાતમાં ગામડે જઈએ અને પૂછીએ કે કાન્તિભાઈ છે, તો એક સામટા દસ પંદર કાન્તિભાઈ મળી જાય. ગુજરાતની ફઈઓને ચાર પાંચ નામ બહુ ગમતાંઃ કાંતિ, અમૃત, ચંદુ, નારણ, પ્રહલાદ, વગેરે. બહુ મોર્ડન હોય તો જયંતી નામ પાડી દે. આવા જ એક કાન્તિભાઈ પટેલ અમારી સેંટ જોસેફ હાઈસ્કૂલના પીટી શિક્ષક. શનિવારની સવાર તેમનો દિવસ. એક કલાક સુધી સાવધાન, વિશ્રામ, હાથ ઊંચા નીચા, ડાબા જમણાં કરાવે અને કદમ તાલ કરાવે. કોઈક શનિવારે લેજીમ તો કોઈક શનિવારે ડંબેલ્સ કરાવે. એનસીસીવાળા વિદ્યાર્થીઓને વિશેષ તૈયારી કરવી પડતી. ચડ્ડી ખમીસ, ટોપી, પટ્ટો, લાંબા મોજાં અને ચાલીએ ત્યારે અવાજ કરે એવાં વજનદાર બૂટ પહેરી એનસીસી દળ ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરીએ પરેડ કરતું ત્યારે તેમનો વટ પડી જતો.
મારે પણ એનસીસી કેડેટ બનવું હતું. પરંતુ મન અડધું પડધું. નિશાળે ભણાવાનું અને ઘેર સીમેન્ટના કોથળા ફાડીને સાંધવાના. તેથી ત્રીજો સમય એનસીસીને આપવાનું મન ઓછું. વળી યુનિફોર્મ મર્યાદિત તેથી સાર્જન્ટ નક્કી કરે તે થાય. અમારે ત્યાં માઈકલ નામનો એર તેજ તડાક તરવરિયો એનસીસીનો કેપ્ટન. તેણે મને બે પગ ભેળાં કરી ઊભો રાખ્યો અને જોયું કે મારા બંને ઢીંચણ એકબીજાને અડકી જાય છે એટલે કહ્યું કે તું એનસીસીમાં નહીં ચાલે. મારે તો ભાવતું તું અને વૈદ્યે બતાવ્યું. સારું થયું છૂટ્યાં એમ કરી નીકળી ગયા.
પછી તો ચોપડી ને સીમેન્ટના કોથળાં ૮ થી ૧૧નું હાઈસ્કૂલ શિક્ષણ પસાર કરી લીધું. પરંતુ એ ચારેય વર્ષ દરમ્યાન સંસ્કૃતના શ્રીરમણ શર્મા સાહેબ અને પીટીના કાન્તિભાઈ વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય રહેતાં.
તે વર્ષે એક કરૂણાંતિકા સર્જાયેલી.દિવાળીના વેકેશન અગાઉ શાળાની એક પિકનિક વાત્રક નદીના પ્રવાસે ખેડા ગયેલી. મારી બા પૈસા આપે નહીં અને જવા દે નહીં તેથી હું તો નહોતો ગયો પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા પડ્યાં તેમાંથી માઈકલ કેમ કરી પાણીમાં આગળ ગયો અને ડૂબીને મરી ગયો. શાળાનો રમતવીર સિતારો અને એનસીસીનો કેપ્ટનની કરૂણાંતિકાથી શાળાના સૌ હચમચી ગયાં. તેની એક બહેન પણ શાળાએ આવતી. અમે સૌ તેના ઘેર બેસણાંમાં ગયેલા અને તેનો એક ફોટો શાળાની દિવાલ પર લગાડી તેને શ્રદ્ધાંજલિ આપી હતી.
શાળામાં શિક્ષક હોય અને તેમનું વિદ્યાર્થીઓ નામ ન પાડે તેમ કેમ બને? એકવાર નામ પડી જાય પછી નવા વિદ્યાર્થીઓ પણ જૂના પાસેથી સાંભળી વારસો આગળ ચલાવે. તેથી શિક્ષક શાળામાંથી નિવૃત્ત થાય ત્યાં સુધી ઉપનામ ચાલુ રહે. મજાની વાત એ કે વિદ્યાર્થીઓ શિક્ષક માટે જે ઉપનામ વાપરે તેની ખબર શિક્ષકને ક્યારેય ન પડતી. કાન્તિભાઈનું વતન અમદાવાદ નજીકનું વાંચ ગામ. તેથી કોઈક વિદ્યાથીએ તેમનું નામ પહેલાં વાંચો પાડ્યું હશે, જે પછીથી અપભ્રંશ થઈ રોંચો થઈ ગયું. પરંતુ મજબૂત મનોબળવાળા. અમારા શાળામાંથી આગળ અભ્યાસે નીકળી ગયાના ઘણાં વર્ષો પછી એક દિવસ તેઓ મણીનગર રેલવે સ્ટેશને ઊભા હતા અને ધક્કો લાગવાથી રેલના પાટા પર પડી ગયા અને તે જ વખતે ટ્રેન પસાર થઈ અને તેમનો પગ કપાઈ ગયો. તેઓ બચી ગયા. હાથમાં થેલી હતી. પળવારનો વિલંબ કર્યા વિના તેમણે લોકોની મદદથી ઊભા થયા અને કપાઈ દૂર પડેલો પગ થેલીમાં મૂક્યો અને સીધા હોસ્પિટલ પહોંચી ગયા. દાક્તરો પણ અચરજ પામ્યા. ઓપરેશન થિયેટરમાં લઈ પગને પુનઃ સાંધી દીધો. તેમને પગની ખોડ રહી ગઈ પરંતુ આજે ૮૫ વર્ષે પણ તેઓ પોતાના પગ પર ચાલીને પોતાનું સ્વાવલંબી જીવન ગુજારે છે. તેમનો દીકરો અમેરિકા છે અને પત્નીએ વિદાય લઈ લીધી. છતાં પોતાના ભાઈ ભત્રીજાની હૂંફ થકી આજે પણ હસતા મુખે પોતાનું સ્વતંત્ર જીવન વિતાવી રહ્યા છે.
આમ જુઓ તો શાળાના દરેક શિક્ષકની પોતાની વિશેષતા અને તે વિશેષતાની તેમની આગવી ઓળખાણ. સત્યભાષક સાહેબ તો મારા પહેલાં અંગ્રેજી શિક્ષક અને વર્ગ શિક્ષક. હું તેમનો ફેવરીટ વિદ્યાર્થી એટલે તેમનો મારો નાતો ઘનિષ્ઠ રહ્યો. બીજા વર્ષે ધોરણ ૯માં મૃદુલાબેન શાહ વર્ગ શિક્ષક બન્યાં. તે અમને હિન્દી ભાષા ભણાવતાં. નામ જેવો મૃદુ સ્વભાવ એટલે સૌને વ્હાલા. ભાવસાર સાહેબ ગુજરાતીના શિક્ષક, વિદ્વાન, મજાથી હસાવે અને ભણાવે. ઘેર નાના બાળકો તેડવા આપે અને ગૃહકાર્યમાં વિધ્ન આવે તો બાળકોને ચૂંટિયો ભરી રડાવી તેમની મા ને પકડાવી અભ્યાસમાં ધ્યાન વધુ આપવા સમજાવે. ગુજરાતીમાં બીજા શિક્ષક ચંપકભાઈ પરીખ, ઊંચા અને સારું ભણાવતા. પીટર સાહેબ બધાંમાં ઘરડાં, અમને ઈતિહાસ ભણાવતાં.
બાબુભાઈ વોરા સાહેબ ગણિત એવું ભણાવે કે એકવાર સમજાવે તો પણ પાકું થઈ જાય. તેઓ બંને હાથે બ્લેકબોર્ડ પર લખતાં અને ઝડપથી પોતાનો કોર્સ પૂરો કરાવતાં જેથી પરીક્ષા વખતે પુનરાવર્તનનો સમય રહે. મને તો તે મારવાડી જોતાં અને તેમની ઝડપ સાથે મારી ઝડપ મેચ કરે તે જોઈ તેમણે મારાંમાં રહેલાં તેજને જોઈ લીધું હતું. વોરા સાહેબ ગણિત ઉપરાંત સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ હોશિયાર. હિન્દી ફિલ્મ જગતના કલાકારોની માહિતીનો ભંડાર. દરરોજ ૨૦ કિલોમીટર (૧૦ આવવાના અને ૧૦ જવાના) સાયકલ ચલાવી સેંટ ઝેવિયર્સ કોલેજ નજીક તેમના ઘરથી ભણાવવા આવે. તેમના ગજવામાં પાઈ પણ ન હોય. જો રસ્તામાં આવતાં સાયકલમાં પંક્ચર પડે તો સાયકલવાળા પાસે ઉધાર કામ કરાવી બીજે દિવસે પૈસા આપતાં.
ધોરણ-૧૦માં અમારા વર્ગ શિક્ષક સંસ્કૃતના શર્મા સાહેબ. ઊંચાઈમાં ચાર ફૂટ પરંતુ તેમનો સંસ્કૃત પ્રેમ અને તે વિષયમાં વિદ્યાર્થીઓને સંસ્કૃત પ્રેમી બનાવવાનું તેમનું ગજું મોટું. ના આવડે તો મૂર્ખાનંદન કહે અને જરૂર પડે માથામાં આંગળીના વેઢાની ઉલટી બાજુથી ટપારી દેતાં. તેઓ હસે થોડું પરંતુ પરીક્ષામાં પાસ થવા અને વધુ માર્ક્સ કેવી રીતે આવે તેની ટ્રીક સમજવતાં. તેથી મારા જેવાં ઘણાએ ધોરણ ૧૧માં ટાઈપને બદલે સંસ્કૃત વિષય રાખેલો. પરંતુ સમય પત્રકમાં બીજા વિષય સાથે તે ક્રોસ થાય એટલે શર્મા સાહેબ રજાના દિવસે તેમાંના ઘેર સરસપુર બોલાવી અમને પાઠ પૂરાં કરાવતાં. તેમણે ધાર્મિક વિધિઓ દ્રારા દક્ષિણાની કમાણી અને પગાર થકી ઘાટલોડિયા સોસાયટીમાં પોતાનું મકાન બનાવી શકેલ. તેમની બે દીકરીઓ તો પરણી ગઈ પરંતુ
તેમનો અંત સમય કપરો ગયો. પડી જવાથી તેમનું ફીમર ભાંગી ગયુ્ં. પથારીમાં જ જાજરૂ પેશાબ કરવાની સ્થિતિમાં દીકરા વગેરેનો સાથ ઓછો મળ્યો અને ગુજરી ગયાં.
ધોરણ-૧૧માં ફરી અમારા વર્ગ શિક્ષક બન્યાં સત્યભાષક સાહેબ, પરંતુ અંગ્રેજી ભણાવ્યું તો ફાધર જેરીએ. અમારી બેંચ પર ચોપડી પડી હોત તો તેમની તરફથી ઉંધી રહે તો પણ લાઈનો વાંચતા જાય અને સમજાવતાં જાય.
ધોરણ ૧૦-૧૧માં ગુજરાતીમાં દિનેશભાઈ દવે સાહેબની સાહિત્યિક કથાનકોની વાર્તા અને કલ્પનામાં એવાં તો ડૂબી જતાં કે તેઓ શાળાના સૌથી લોકપ્રિય શિક્ષક બની ગયા. અમે ધોરણ ૧૧માં હતાં ત્યારે પ્રિનસીપાલ જેરી લોબોએ તેમને નોકરીમાંથી પાણીચું આપ્યું તો અમે બધાએ મહિના જેટલી હડતાલ પાડેલી જેને કારણે અમારું ભણતર બગડેલું અને ધાર્યું પરિણામ ન આવ્યું. દિનેશભાઈના વિવાદનું કારણ તેમની બે જગ્યાની નોકરી. તેઓ સેંટ જોસેફ શાળા ઉપરાંત પાલડી પ્રભુદાસ ઠક્કર કોલેજમાં સવારના વર્ગમાં ભણાવવા જતાં. સ્ટાફમાંથી કોઈકે ફાધરને ચાડી ખાધી. ફાધરે તેમને બોલાવી સમજાવ્યા કે શાળાના નિયમ મુજબ એક જ જગ્યાએ નોકરી કરાય. તેમણે બીજે નોકરી કરવાનો આરોપ નકાર્યો તો ફાધર જેરી શનિવારે કોલેજ જઈ કોલેજના પ્રિન્સિપાલ જોડેથી લખાવી આવેલાં કે દિનેશભાઈ ત્યાં વર્ગ લેવા આવે છે. છેવટે તેમને છૂટા થવું પડ્યું અને સરપ્લસ શિક્ષકોને બીજી શાળામાં સમાવવાની યોજના અંતર્ગત તેમને બીજે નોકરી મળી ગઈ. પરંતુ તેમનું પ્રકરણ અમારી મીઠી મધુર શાળા ખીરમાં એક ખટ્ટાઈનું કામ કરી ગઈ. ન દિનેશભાઈ પાછા આવ્યાં અને અમારું બોર્ડનુ પરિણામ દસેક ટકા જેટલું ઘટી ગયું હતું.
ચૌહાણ સાહેબ અમને ફીઝીક્સ ભણાવતા. ચૌહાણ સાહેબ પછીથી વ્યાખ્યાતા તરીકે પ્રભુદાસ ઠક્કર કોલેજમાં જોડાયેલાં અને પછી તેના પ્રિન્સિપાલ બનેલાં.બિપિનભાઈ શાહ સાહેબ કેમિસ્ટ્રી અને ભાનુબેન અમને શરીર વિજ્ઞાન અને ગણિત ભણાવતાં. જોસેફ સાહેબ અમને બીજ ગણિત અને ભૂમિતિ ભણાવતા. તેઓ ઓછાબોલા, શાંત અને સુશીલ. તેથી ભણાવવા સિવાય બીજી કોઈ લપ નહી. તેથી તેમનું ભણાવેલું ઊગી નીકળતું. ભાનુબેન હસમુખા અને રૂપાળા. તેમનો અવાજ પણ મધુર એટલે શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનાં માનીતા. હળવે હળવે ભણાવે અને ૩૦-૩૫ મિનિટનો પીરિયડ ક્યાં પૂરો થાય ખબર જ ન પડે. શાળા છૂટ્યા પછી ભાનુબેન અડધો કલાક રોકાઈ ગણિતના કલાસ ભાનુબેન લેતા અને જે વિદ્યાર્થી સૌથી પહેલા દાખલો ગણે તેને એક પેન્સિલ ભેટ આપતા.
સોની સાહેબ સંગીત શીખવવા પાછળથી જોડાયા. તેઓ પ્રજ્ઞાચક્ષુ પરંતુ સંગીતમાં રસ ભરી દેતાં. તેમણે ગવડાવેસું આવો બચ્ચો તુમ્હેં દિખાયે ઝાંખી હિન્દુસ્તાન કી, ઈસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી બલિદાન કી.. વંદે માતરમ. એ ગીતમાં એક તરફ બંદૂક ધનધનતી ગાતી વખતે અમારો અવાજ ગોળીઓની ગર્જના કરતો શૌર્ય રસથી ભરાઈ જતો.
ફાધર જેરી અને બ્રધર અમને અંગ્રેજી ભણાવતાં. ૮-૯-૧૦ બ્રધરે ભણાવ્યું અને ૧૧ ફાધરે. બ્રધર કાળા, જાડા અને ભારે તીણાં અવાજવાળા. મારવા ડસ્ટરનો ઉપયોગ કરે. વિદ્યાર્થીનીઓને તો તે વધુ મારતાં. સરખા વાળ કરીને રીબીન બાંધીને આવે એટલે કહેતાં નવીઓ થઈને આવવાની ખબર પડે છે પરંતુ ભણાવામાં પાછળ, હોમવર્ક કર્યા વગર આવે. તેમનાથી સેસીલ્યા, થેરેસ્યા, સાબીના, ઉર્મિલા, ઊષા, સુમિત્રા, ફ્લોમીના, મંજુલા, જશોદા વગેરે બચી જતાં પરંતુ લીલા, પુષ્પા, પ્રફુલબાલા, રંજનબાલા,એલીસા, કેટરીના, વિજયા, વગેરે હાથ લાગી જતાં.
ડ્રોઈંગના શિક્ષક એડવર્ડ સાહેબને કેમ ભૂલાય? તેમણે ઘણી કોશિશ કરી પરંતુ મને ડ્રોઈંગ ન જ આવડ્યું, તો પણ એક ગાય, ફ્રી હેન્ડ દોરી અને જવાબો લખી મને સૌથી વધુ માર્કસ મળ્યાં હતાં. ચિત્રકામ એટલે એક પશુની આકૃતિ, એક પક્ષીની આકૃતિ, ત્રણ-ચાર ફ્રી હેન્ડ, પાંદડાની ડાળી, કુદરતી સૌંદર્યના દૃશ્યો, વોટર કલરથી કાગળ ચિતરવાના એટલે પૂરું. છોકરાઓને તેઓ દોરાવે તે દોરવામાં ઓછો પરંતુ તેમને ચપટ કહી ખીજવવામાં વધુ રસ રહેતો.
શાળાના એક પટાવાળા બાલુભાઈ પછી કારકુન બન્યા હતાં પરંતુ સ્ટાફરૂમમાં કોઈ કામ હોય, કોઈ ફોર્મ ભરવું હોય, ફી ભરવી હોય, સ્કોલરશીપ લેવી હોય બધાં બાલુભાઈ પાસે જ જાય. ૩૦ નંબર તરીકે જાણીતા કારકુનની પાસે ઓછું જતાં.
તે વર્ષે ધોરણ ૧૦ અને ૧૧નું બોર્ડ હોવાથી શાળાએ સાંજે ૭.૩૦ થી ૧૦.૦૦ સુધી રાત્રિ વર્ગની વ્યવસ્થા કરી હતી. ૧૦x૧૦ની ઓરડીમાં રહેતાં કુટુંબોના બાળકો માટે આ આશીર્વાદરૂપ હતું. શાળા છ વાગે છૂટતી તેથી નજીક રહેતાં કેટલાંક વિદ્યાર્થીઓ ઘેર જઈ જમી પાછા લેસન વાંચન કરવાં શાળાએ આવી જતાં. ફાધર જેરી રાઉન્ડ લઈ શિસ્તભંગ ન થાય તેની કાળજી રાખતાં.
આજે ઉપર લખ્યાં તેમાંથી કાન્તિભાઈ હયાત છે. ૮૫ વર્ષ ઉંમર થઈ પરંતુ તંદુરસ્ત છે. વોરા સાહેબની ખબર નથી અને ભાનુબેન હયાત હશે. પરંતુ ફાધર જેરી, બ્રધર, સત્યભાષક સાહેબ, ભાવસાર સાહેબ, દિનેશ દવે સાહેબ, મૃદુલાબેન, શ્રીરમણ શર્મા સાહેબ, જોસેફ સાહેબ, બાલુભાઈ વગેરે બધાં દિવંગત થયા.
અમારા સહાધ્યાયીઓમાં ઉપર જણાવેલ વિદ્યાર્થીનીઓ ક્યાં છે તેની ખબર નથી. ભીખાભાઈ સોલંકી મિત્ર તરીકે આજે સંપર્કમાં છે. વિલ્સન જોડે કોઈંક દિવસ વાત થાય. પ્રવિણ સોનારા અને ચીમનભાઈની ખબર મળતી રહે. રમણભાઈ પ્રભુદાસનો સંપર્ક નથી. મારી બેંચનો સાથી માલા રાણાની કોઈ ખબર નથી. રમણભાઈ બબાભાઈ દસેક વર્ષ પહેલાં ગુજરી ગયો. અજીમુદ્દીન વીસેક વર્ષ પહેલાં મળ્યો હતો. તેને એલીસા તો ન મળી પરંતુ સરકારી યોજનાઓની અરજીઓ કરવા કરાવવાના કામો કરતો નબળી આર્થિક સ્થિતિમાં હતો.
મને ઘણીવાર થતું કે મારાં સહાધ્યાયીઓ અને શિક્ષકોનો એક મિલન સમારંભ કરું પરંતુ કોઈ રીતે મેળ ન જ પડ્યો. એકાદ બે સિવાય શિક્ષકો બધાં સ્વધામ સિધાવી ગયાં અને સહાધ્યાયીઓ બધાં સીનીયર સીટીઝન પોતાની દુનિયામાં વ્યસ્ત.
આજે કાન્તિભાઈ સાહેબ આવ્યાં, તો બધાંને સંભારવાનો મોકો મળ્યો. સૌને સલામ. સૌને નમસ્તે.
ડો. પૂનમચંદ પરમાર (IAS:1985)
ભૂતપૂર્વ વિદ્યાર્થી, સેંટ જોસેફ હાઈસ્કૂલ, રાજપુર-હીરપુર, અમદાવાદ-૩૮૦૦૨૧
પૂર્વ અધિક મુખ્ય સચિવ,
ગુજરાત સરકાર
૨૫ ઓગસ્ટ ૨૦૨૫