સત્વ શુદ્ધિ
આધુનિક વિજ્ઞાન આ વિશ્વની રચનાને અણુ પરમાણુ સંયોજન અને કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં તે સંયોજનમાં ચૈતન્યતા પ્રકટે છે તેમ જણાવી સર્જનનો કોયડો ઉકેલવા પ્રયત્ન કરે છે. બીગ બેંગથી બધું શરૂ થયું પરંતુ બીગ બેંગ પહેલાં શું અને કેમ? તેની કાર્યકારણની શૃંખલા બાબતે તે મૌન થઈ જાય છે. હિંદુસ્તાનના દર્શનોમાં સર્જન માટે પુરૂષ અને પ્રકૃતિને જવાબદાર ઠેરવ્યા છે. સર્જન અહીંયા સાયકલિક છે, જેથી તેનો પ્રારંભ મધ્ય કે અંત નથી પરંતુ સર્જન, સંવર્ધન અને વિસર્જનની એક શૃંખલા અવિરત ચાલે છે. એક નિરાકાર સાકારમાં પ્રકટ થાય છે અને તે માટે તે પોતાની સૃજન શક્તિ એવી પ્રકૃતિ સાથે જોડાઈ અભિવ્યક્ત થાય છે. આ અભિવ્યક્તિ આપણને જડ અને ચેતન સ્વરૂપે વિશ્વમાં દેખાય છે.
પુરૂષની પ્રકૃતિ એ ત્રણ ગુણો છેઃ સત્વ, રજસ અને તમસ. સત્વ તેજનું પ્રતીક છે, રજસ ક્રિયાશીલતાનું પ્રતીક છે અને તમસ જડતા અને અંધકારનું પ્રતીક છે. ભગવદ્ગીતામાં ત્રણ પ્રકરણો ૧૪, ૧૬,૧૭ સત્વ, રજસ અને તમસની ચર્ચા કરે છે. આપણું ભૌતિક શરીર તમસનું બનેલું છે. તેમાં પ્રાણ રજસ છે અને મન, બુદ્ધિ સત્વના બનેલા છે. ત્રિગુણ માત્ર શરીર રચનામાં જ નહીં આપણી દરેક પ્રવૃત્તિમાં જોડાયેલા છે. આપણું ભોજન, આપણી પૂજા, આપણું દાન, આપણું તપ, આપણું કર્મ, બધું જ આ ત્રિગુણની વધઘટ પર ચાલે. પરિણામે આપણું વ્યક્તિત્વ સત્વ પ્રધાન છે કે રજસ પ્રધાન કે તમસ પ્રધાન તે નક્કી થાય અને તે આધારે પહેલાના જમાનાની વર્ણ વ્યવસ્થામાં સત્ત્વગુણીને બ્રાહ્મણ, રજોગુણીને ક્ષત્રિય અને તમસગુણીને શુદ્ર કહ્યો અને રજસ-તમસ મિશ્રિતને વૈશ્ય કહ્યો. ગીતાના એક ઉદાહરણ મુજબ સત્વગુણી ભગવાનને ભજે, રજોગુણી યક્ષ-રાક્ષસને ભજે અને તમોગુણી ભૂત-પ્રેતની પૂજા કરે. જૈસા અન્ન વૈસા મન. અન્નનું સૂક્ષ્મરૂપ આપણું મન છે તેથી ગમે તેવું ભોજન, મનને ગમે તે દિશામાં લઈ જવાનું. કોઈને અન્ન માટે દાન કરીએ અને કોઈને વ્યસન માટે, તેનો ફર્ક તો પડવાનો. તપમાં હિંસક તપ કરવું કે અહિંસક કે મધ્યમાં રહેવું તેની પણ ગતિ હોય છે. જો કે સંસારમાંથી ત્રિગુણ મટી જાય અથવા કોઈ એક જ રહે તો સંસાર નાશ પામવાનો. તેથી દરેક ગુણ અને ગુણ પ્રધાન વ્યક્તિઓ તો રહેવાના પરંતુ આપણે શું જોઈએ છે તે મુજબ આપણાં જીવનની રાહ નક્કી કરવા આ બોધ કામ આવી શકે.
આમ તો દરેકની અંદર ત્રણેય ગુણ હોય, ત્રણ ગુણો ન હોય તો સંરચના પૂરી ન થાય પરંતુ તેની જીવન શૈલીમાં કોઈ એક ગુણ પ્રધાનતા પ્રાપ્ત કરે અને તે મુજબ તેની ઓળખ ઊભી થાય. આ ઓળખ માત્ર જન્મથી પ્રાપ્ત નથી. પુનર્જન્મની થીયરી મુજબ જીવ પૂર્વ જન્મના સંસ્કાર લઈ આવે છે તેથી તેમાં કોઈ એક ગુણ પ્રધાન હોય પરંતુ તેના માતા પિતાના સંસ્કાર, શિક્ષણ, વાતાવરણ અને સંગ તેમાં વધારો ઘટાડો કરે અને તે મુજબ જ્યારે વ્યક્તિત્વ બંધાય ત્યારે તે સત્વગુણ પ્રધાન, રજસગુણ પ્રધાન કે તમસગુણ પ્રધાન બને. સત્વવાળો જ્ઞાન તરફ આકર્ષિત રહેવાનો. રજસવાળો સત્તા, ધન સંપત્તિ ભેળી કરવા તરફ દોડવાનો અને તમસવાળો વ્યસનગ્રસ્ત થઈ મોહ અંધકારમાં પડી રહેવાનો. સાત્વિક જીવન શાંતિ આપે, રાજસિક જીવન દુઃખ આપે અને તામસિક જીવન અજ્ઞાન અને અંધકાર આપે. શું મેળવવું તેની પસંદગી આપણાં હાથમાં છે.
આયુર્વેદ પણ પ્રકૃતિના આ ત્રણ ગુણો થકી આપણા શરીરની પ્રકૃતિને ઓળખી તેને પિત્ત પ્રધાન, વાત પ્રધાન કે કફ પ્રધાન છે તે નક્કી કરી તેની સમતુલા કરી આરોગ્ય સુધારી આયુષ્ય વધારી આપે છે. પિત્ત પ્રધાન જણ હૂંફાળો પરંતુ ક્રોધી હોવાનો, વાયુ પ્રધાન જણ વાતોડિયો અને કફ પ્રધાન જણ આળસુ હોવાનો.
મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ ગુણ વિકાસ કરી, સત્વગુણ વિકાસ કરી પોતાના સ્વ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાનો છે. એકવાર સાક્ષાત્કાર થાય એટલે સાચું ખોટું અલગ થઈ જાય અને સાચાની ખબર પડે એટલે દુઃખોથી મુક્તિ મળી જાય અને જીવ નિર્વાણ- મોક્ષને પ્રાપ્ત થઈ જાય. પરંતુ જે રજસની ખેતી કરે છે તેને દુઃખ જ પ્રાપ્ત થવાનું. જે તમસની ખેતી કરે છે તેનો અંધકાર નથી જવાનો.
આત્માને ઓળખ્યા વિના રે આ લખચોરાશી નહિ તો ટળે હોજી, આ ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહિ તો મટે હોજી. જીવનનો ઉદ્દેશ સમજીએ અને તે મુજબ આપણી જીવન નૌકાને હાંકીએ.
૨૬/૮/૨૦૨૫
0 comments:
Post a Comment