Sunday, May 31, 2026

રાજેન્દ્રની વિદાય

રાજેન્દ્રની વિદાય 
(૭.૧.૧૯૭૫ - ૩૦.૫.૨૦૨૬)

મારા મોટાભાઈનો એ ત્રીજા નંબરનો પુત્ર. તેના બે મોટાભાઈ સુરેશ (૧૯૬૯) અને કિરીટ (૧૯૭૨) પછી ૭ જાન્યુઆરી ૧૯૭૫ના દિવસે તેનો જન્મ થયેલો. 

તે જન્મ્યો ત્યારે મંગળવાર એટલે તેનું હુલામણું નામ મંગો રાખેલું. તે ઉજળા ખોળિયે અને રૂપાળો એટલે નજર લાગી જાય તેવો તેથી તેના કાને કે કપાળના ખૂણે મેંશનો ચાંદલો જરૂર કરતાં. તેના પિતા જીવણભાઈને તેના પર હેત એટલું બધું કે સવારે ઉઠે ત્યારથી લઈ મિલમાં જઈ પાછા આવે ત્યારે બસ રાજેન્દ્રનું જ પૂછે. રાજી ભઈ ઉઠ્યો અચૂક બોલે. હું તેનાથી ૧૪ વર્ષ જ મોટો પરંતુ તેનું બાળપણ શરૂ થયું અને મારી પુખ્તતા. તેથી આ અતિ “ભઈ ઉઠ્યો” મને વધુ લાગતું. તેથી એકવાર મારા ભાભીના આણાના ટંકને રંગ કરતાં મેં તેની નીચે ખાસ લાલ રંગથી લખ્યું હતું “ભઈ ઉઠ્યો”. 

ખેમાભાના સંયુક્ત કુટુંબમા તેમની રમિલા (૧૯૬૬) અને કનુભાઇની મીનાક્ષી (૧૯૭૪) પછી ઘરનું એ પાંચમું બાળક એટલે તેના પર સૌનું હેત ઘણું. પછી તો તેમાં ગીતા (૧૯૭૭), પ્રકાશ (૧૯૭૯), તરૂલત્તા (૧૯૮૧), ઉજ્જવલ (૧૯૮૧), ધવલ (૧૯૮૩), રાજન (૧૯૮૭) જોડાતા ખેમાભાના ઘરમાં ચાર પગારની જાહોજલાલીમાં બાળકોને ચાલીમાં પરંતુ બીજા ઘરો કરતાં કંઈક સારું કહી શકાય તેવું બાળપણ મળેલું.

અમારા ત્રણ ભાઈઓના ૧૦ સંતાનો અને બહેન રમિલા મળી અગિયાર જણની એ ટીમ ઘરને હર્યું ભર્યું અને કિલ્લોલ કરતું રાખતી. 

જેમ મારા પર મારી બા પૂંજીબા અને મોટાભાઈ જીવણભાઈનો તાપ રહેતો તેમ મારો તાપ આ બાળકોની ટીમ પર રહેતો. ચાલીની ગંદકીમાં ક્યાંય પણ રમતા હોય પરંતુ સાંજે નોકરીથી હું ઘેર આવું ત્યારે બધા ફટાફટ ઘરભેગા થઈ જતા. અમને તેમને ગંદી સોબત ન લાગી જાય તેનો ડર સતાવતી અને એ પાકી ખબર કે સારી રીતે ભણે તો નોકરી મળે અને નોકરી મળે એટલે જીવન સુખી બને. પરંતુ એક દિવસે જીવણભાઈએ મને તેમના બાળકોને રમવાનું છોડી ભણવાનું કહેતાં ઊંચા અવાજે ટોક્યો એટલે મેં મારો દાબ તેમના પરથી હટાવી લીધો. જો કે મારી બા જમાદાર ઘરડી હતી પરંતુ ઊભી હતી. 

બસ બધું બરાબર ચાલતું હતું. નટવરલાલ વકીલની ચાલીનું અમારું ઘર બાળકોની ચિચિયારીઓથી અને તોફાન મસ્તીથી મસ્ત હતું. ખેમાભા અને જીવણભાઈ મિલમાં જતાં. કનુભાઈ બેંકમાં અને હું સચિવાલય ગાંધીનગરમાં. 

રાજેન્દ્ર ભણાવામાં હોંશિયાર અને ગુજરાતી ગદ્ય પર તેનું સારું એવું પ્રભુત્વ. તે ઘણીવાર ગીતા અને પ્રકાશને ભણવામાં મદદ કરતો. તેથી તેને જોઈને મારા મોટાભાઈ મારી બાને કહેતા પૂંજી તારા સંતાન (પૂનમીયા)ની સામે મારા સંતાનોને હું તેનાથી હોશિયાર બનાવી બતાવીશ. ચેલેન્જ હકારાત્મક હતી તેથી એ વ્યંગ પણ તકરારને બદલે સંયુક્ત કુટુંબની મીઠાશમાં ખટમીઠો સ્વાદ ઉમેરતી. પરંતુ જીવણભાઈને એ ક્યાં ખબર કે બજાર માત્ર ડિગ્રીના ભણતર પૂરતું મર્યાદિત નથી પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાની દોડમાંથી પાર નીકળવાની એક ભારે મથામણ. 

૧૯૮૫માં હું IAS થયો એટલે હું મસૂરી રવાના થયો અને ૧૯૮૬માં મને ગોધરા સરકારી આવાસ મળતાં લક્ષ્મી, ઉજ્જવલ, ધવલની ટીમ સંયુક્ત કુટુંબમાંથી છૂટી પડી. પછીથી ૧૯૯૦માં મયૂર પાર્કનું ઘર મળતાં કનુભાઈનું કુટુંબ અને ખેમાભા અને પૂંજીબા મયૂર પાર્ક આવી ગયા. હવે ચાલીની એ સૌથી લાંબી હવેલી જેવી લાગતી ઓરડી જીવણભાઈ, રઈભાભી અને તેમના ત્રણ પુત્રોના હવાલે હતી. પરંતુ ચાલીમાં વસ્તી વધી રહી હતી. જીવણભાઈની મિલ ૧૯૮૪માત્ર બંધ થઈ પછી પાછળથી બે મિલો ભેગી કરી કેટલાક કામદારો છૂટા કરી ફરી બેએક વર્ષ ચાલી પરંતુ ફરી પાછી બંધ પડી એટલે આવક વિના જીવન વિતાવવાનું કષ્ટ શરૂ થઈ ગયું હતું. જો કે નસીબે સાથ આપ્યો એટલે સુરેશને પહેલાં ઉદ્યોગ મંત્રીના કાર્યાલયમાં લગાવ્યો, પછીથી એ જી કચેરીમાં અપર ડીવીઝન કલાર્કની નોકરી મળી ગઈ અને જીવન ફરી પાછું પાટે ચડવા લાગ્યું. પરંતુ ચાલીની એ ગંદકી, દારૂ અને રોજની ગાળો કજિયાના કંકાસના વાતાવરણમાંથી અને બધાં બહાર આવી ગયાં તેથી ભાઈ જીવણને ક્યાં સુધી દૂર રખાય? 

એ વખતે ચાલીની બે ઓરડી અને મયૂરનું એક મકાન તેથી ત્રણ ભાઈઓને એક એક ઘર મળી રહે તેથી ૫૫% કનુભાઈની બેંક લોન અને ૪૫% ઘરની મદદ ભેગી કરી ૧૨, તેજવીર પાર્કનું ઘર ખરીદ્યું. પરંતુ કનુભાઈને ત્યાં ફાવ્યું નહી તેથી તે મને વેચી તેમણે ૨૦ મયૂર પાર્કનું ઘર લીધું અને મેં તેમનું ૧૨, તેજવીર મોટાભાઈ જીવણભાઈ માટે પકડી રાખ્યું. પછીથી ૧૯૯૩માં જીવણભાઈ અને રઈભાભીને સમજાવી તેમને તેજવીર પાર્કમાં એ શરતે લઈ આવ્યો કે ન ફાવે તો ચાલીમાં પાછા જતા રહેજો. પરંતુ ચાલી છોડી સોસાયટીનું જીવન કોને ન ફાવે? જીવણભાઈને સર્વિસના નાણાં આવ્યા એટલે મારી બાકી ચૂકવી દીધી અને તેજવીર પાર્કમાં ગોઠવાઈ ગયા. પછી એક પછી એક એમ નટવરલાલ વકીલની ચાલીની બંને ઓરડી તેમણે વેચી દીધી. 

જીવણભાઈ અને રઈભાભીને સગાવહાલાં આવે તે બહુ ગમે તેથી તેમને ત્યાં મોબતી સોબતીની અવરજવર ચાલુ રહેતી. જીવણભાઈને પાંચ સાળીઓ અને એક જ સાળો ભીખાભાઈ. તેના જન્મ સમયે તેના પિતા ગુજરી જતાં તેની બા ધનીબાએ તેને લાડકોડથી ઉછેરેલો અને એકનો એક ભાઈ તેથી બહેનોનો ખૂબ લાડકવાયો. તેને રેલવેમાં નાનકડી નોકરી તેથી નાની સોબતમાં તેને દારૂની લત લાગી. તે રઈભાભીને ઘેર આવે તો પણ પીવાનું ન ચૂકે. તે વખતે જીવણભાઈના ઘરની રખવાળી કરવા ન પૂંજીબા કે ન હું એટલે મામાએ સુરેશ તો હાથ ન આવે એટલે નાના કિરીટ અને રાજેન્દ્રનો બોટાડવાનું ચાલુ કર્યુ. ત્યાં વળી જીવણભાઈને શું સૂઝ્યું કે તેમના સાળા (કાકાજીના દીકરા)નું સગપણ અમારા કૌટુંબિક ભાઈ બબાભાઈના દીકરા જોડે કરાવી દીધું. બબાભાઈના બે લગ્ન મારા પિતાએ કરાવેલા તેથી તેથી બબાભાઈના દીકરાઓના સગપણની બાબત મારા ભાઈ કેમ મૂકે? પછી શરૂ થઈ જીવણભાઈના રાજેન્દ્ર અને બબાભાઈના મહેશની અવરજવર અને એક મામો હતો અને બીજો ભાઈ ઉમેરાયો. 

હજી તો શરૂઆત હતી ત્યાં રાજેન્દ્ર માટે તેના જેવી જ ઉજળા ખોળિયે કન્યાને પસંદ કરી જીવણભાઈએ તેને પરણાવી દીધો. પરણીને પહેલીવાર જમાઈને ઘેર બેસાડવા જાકાસણા ગામડે બોલાવ્યા અને અમને ખબર મળી કે જમાઈએ એટલો પીધો કે મહોલ્લા આખાને ખબર પડી ગઈ. બસ ખેમા મેમ્બર અને જીવણ મેમ્બરની આબરૂ પર પાણી ફેરવવાનું આ વ્યસને કામ શરૂ કરી દીધું. 

તેને રમિલા, હું, જીવણભાઈ અને આખા કુટુંબે સમજાવ્યો પરંતુ તે સામો જવાબ ન આપે અને ડરીને જતો રહે. હું જિલ્લેથી જ્યારે આવું એટલે જેવો મને જુએ એટલે બહાર જતો રહે તેથી મને તેની સાથે વાત કરવાની કે તેને સમજાવવાની તક જતી રહે. એકવાર હારી થાકીને મેં મારા ધવલને તેની પાસે બેસાડ્યો અને સમજાવવા પ્રયાસ આદર્યો. પરંતુ તેણે જે દારૂ પીવા માટે કૌટુંબિક કારણ આગળ ધર્યું તે મારા ગળે ન ઉતર્યું. ખેર, અમે દૂર અમારી દુનિયામાં અને રાજેન્દ્ર અહીં દૂધવાળીની સોબતમાં તેની લત વધતી ચાલી. 

દારૂ માટે પૈસા તો જોઈએ. ઘરમાંથી ઝઘડીને તેની મા રઈબા પાસેથી પીવાનાં પૈસા માંગે અને ન આપે તો ઉછીના ઉધાર લે. તેના ઉછીના ઉધારનું દેવું એકવાર મેં ચૂકવ્યું અને બીજીવાર સુરેશે. 

તે હવે સ્પર્ધાત્મક પરીક્ષાનો જંગ જીતવા કાબેલ રહ્યો ન હતો તેથી મધ્યાહ્ન ભોજન કેન્દ્રમાં સંચાલક બનાવ્યો. બધું બરાબર ચાલતું હતું ત્યાં અક્ષયપાત્ર આવ્યું અને સંચાલકો છૂટા કરાતા તે બેરોજગાર થયો. હું શિક્ષણ કમિશનર તરીકે હતો ત્યારે ભરતભાઈ બાંટયા જે સંસ્થામાં કામ કરતાં તે ગ્રાન્ટ ઈન એઈડમાં પટાવાળામાં લેવાની વાત ચાલી અને સંચાલક સંમત પણ થયા પરંતુ જેવી મારી બદલી થઈ એટલે વાત અભરાઈએ મૂકાઈ ગઈ. વળી પાછો અશોક લેલન્ડના ઓટોમોટીવ મેન્યુફેક્ચરરને ભલામણ કરી ત્યાં કારકૂન બનાવ્યો તો કચેરીમાં જવા આવવા અનિયમિતતાની ફરિયાદો વધી. પગાર મળે એટલે દારૂનો ખર્ચ નીકળે તેથી દારૂનું બંધાણું થઈ ગયું. તેને શું સૂઝ્યું કે કોઈને પૂછ્યા વિના તેણે તે નોકરીમાંથી રાજીનામું આપ્યું અને તેને મૂકવા જતો હતો તે ભાઈબંધને એ નોકરી ભેટ આપી દીધી. 

બેએક વાર તે સ્ટાફ સિલેક્શનની ગ્રેડ-૪ની નોકરીની લેખિતમાં ઉતીર્ણ થયો પરંતુ જેવો પ્રેકટિકલ ટેસ્ટ આવે એટલે નાપાસ થાય. એકવાર માત્ર ૪૦૦ મીટર દોડી જવાનું હતું. અમે બુટ લાવી આપ્યા, પંદર દિવસ પ્રેક્ટિસ કરાવી પરંતુ જેવી પરીક્ષાની દોડ લગાવી કે તેનો રાઉન્ડ પૂરો ન કરી શક્યો. અધિકારીઓ વીડીયો રેકોર્ડિંગ કેવી રીતે બદલી શકે? 

હવે ઉંમર પણ વધતી ચાલી અને દારૂથી શરીર તૂટતું ચાલ્યું એટલે બીજું શું કરી શકે? બાલવાટિકામાં આઉટ સોર્સિંગમાં સુપરવાઈઝર બનાવ્યો. પરંતુ ત્યાં પણ અનિયમિત રહેવાથી છૂટો કર્યો. મારા ભાઈ જીવણભાઈની મારી સામે ફરિયાદ કાયમ રહી કે મેં તેમના રાજેન્દ્રને કોઈ સારી સરકારી નોકરી ન અપાવી. એમને સરકારી નોકરી મેળવવા જે વૈતરણી પાર કરવાની તેની ખબર નહીં. 

બસ પછી સૌ સૌના ઘેર. રાજેન્દ્ર બેરોજગાર અને દારૂનો બંધાણી. તેના પિતા તેને દરરોજ બોલે. રમિલાફૂઈ, કનુકાકા કે પૂનમકાકા કે સગા વહાલાં, જે આવે તે રાજેન્દ્રને દારૂ છોડવા બોલે, વઢે અને વીનવે પરંતુ તે ન માન્યો. 

ઓછામાં પૂરું પુત્ર સંતાન ન હોવાનું સામાજિક દબાણ. તેને ચારેય દીકરીઓ રૂપાળી. તેની પત્નીએ એક પુત્ર પણ જણ્યો હતો પરંતુ ગામડાની મીડવાઈફની ડિલિવરી કરવાની અણઆવડત અને બાળકને સમયસર ઈન્ક્યુબેટરમાં મૂકવા મહેસાણા કે અમદાવાદ હોસ્પિટલમાં ન લઈ જવાની ભૂલે તે પુત્ર રત્ન ખોવાણું અને રાજેન્દ્ર બોલી ન શક્યો પરંતુ તે દુઃખદ પ્રસંગ પછી તે દારૂડિયો બની ગયો. ઓછામાં પૂરું તેની સૌથી મોટી દીકરી તેના કહ્યામાં ન રહી અને તેના પ્રેમનો ગેરલાભ ઉઠાવી તેને વધુ દુઃખી કરી ગઈ. 

મેં જીવણભાઈ અને રઈભાભીને ઘણીવાર સમજાવ્યા કે તેઓ સુરેશ ભેળા જતા રહે અને રાજેન્દ્રને સ્વતંત્ર જીવન જીવવાની એક તક આપે. પરંતુ આવા દુઃખ અને વ્યસનમાં પોતાના પુત્રને એકલો મૂકી દે તે માવતર તેઓ કેમ બની શકે? બંને જણાં તેના જીવનના રક્ષક બની તેની સાથે જ રહ્યા. મારી રઈભાભીને તો કેટલીય પૂનમો ભરી. બાધા આખડીઓ રાખી. જીવણભાઈને કેટલાય ભૂવા ધૂતી ગયા. પરંતુ રાજેન્દ્રથી વ્યસન ન છૂટ્યું. એકવાર તો મેં તેને સીવીલ હોસ્પિટલમાં ભરતી કરી બહાર ચોવીસ કલાકનો પહેરો બેસાડ્યો જેથી કરીને સતત પંદર દિવસ તેને દારૂથી દૂર રાખી તેને જે દારૂ ન પીવાથી જે પીડા ઊભી થાય તેના શમનના પ્રયાસો થાય. પરંતુ તેરમા દિવસે ક્યાંકથી બારી મળી અને તે હોસ્પિટલમાંથી રવાના થઈ ગયો અને વળી પાછો લતે લાગી ગયો. માવતર શું કરે? ઘરમાં કજિયા ન થાય એટલે ૨૦-૫૦ રૂપિયા હાથમાં આપી દે. 

તેના દારૂડિયા મિત્રો તેનો પીછો ન છોડે. તેઓ પણ દારૂ ન છોડે અને રાજેન્દ્રને પણ ન છોડવા દે. ઋણં કૃત્વા દારૂ પીબેતમાંથી તે ક્યારેય મુક્ત ન થયો. બે પગ ચાલવાના બંધ થયા, વ્હીલચેર પર આવી ગયો પરંતુ તેની દારૂની પરબે જવાનું સમયચક્ર ક્યારેય સમાપ્ત ન થયું. 

બીજી તરફ તેના પિતાને દુર્બળ અને અપંગ પુત્રને જોઈ દયા અને કરૂણા ન ઉપજી. તેને તો એકાવન વર્ષના, પોતાના પગે ન ચાલી શકતા પુત્રને નોકરીએ ચડાવવો હતો જેથી કરીને તે સુખી થાય. તેઓ પોતે પણ મિલ બંધ થઈ ત્યારે ચાલીસ વર્ષના હતા. પછીથી મિલ ફરી ચાલુ થઈ એટલે બે-ચાર વર્ષ કામ કર્યું પરંતુ પછીથી શારીરિક સશકત હોવા છતા બેરોજગાર રહ્યા તે બાબત તેમને યાદ ન રહી અને પડી રહેલા પોતાના વહાલા દીકરાને બોલવાનું બંધ ન કર્યુ. તેમને ગુસ્સો ચડે એટલે ગામડે જતા રહે. વળી પાછા આવે એટલે બોલવાનું ચાલુ. તેમને હજી પણ આશાનું એક કિરણ દેખાય કે તેમના જીવતાજીવત તેમનો દીકરો કામે લાગી સ્થિર થઈ જાય. 

પરંતુ દારૂ દારૂનું કામ કરે. દારૂડિયો દારૂને શું પીવાનો, દારૂ જ દારૂડિયાને પી જાય છે. દક્ષિણ ગુજરાતમાં હળપતિ સમાજમાં વિધવાઓની વધુ સંખ્યા દારૂના દૈત્યને કારણે છે. દારૂની સાથે ખોરાક ન હોય તો તે વ્યસનીનું આયુષ્ય ૪૫-૫૫ માં પૂરું થઈ જાય. રાજેન્દ્રનું પણ તેમ થયું. તેની દીકરીઓ તેનો સમય પસાર કરવાં વ્હીલચેર પર ચાર રસ્તે તેના ભાઈબંધો પાસે બે વાર મૂકી આવે અને બે વાર લઈ આવે. તેની પત્ની અરૂણા પણ શું કરે? લાજ મર્યાદાને કારણે હજી મેં તેમનું મોઢું જોયું નથી. તેણે હામ રાખી છૂટક કામે લાગી જેથી ઘરનું ભરણપોષણ થઈ રહે. બહારની મદદ કેટલાં દિવસ ચાલે?

રાજેન્દ્ર એક વ્યક્તિ તરીકે ઉમદા અને લાગણીશીલ ઈસમ. બધાં આટલું બધું બોલી જાય પરંતુ શાંતિથી સાંભળી લેતો. બધાંને વિનયથી બોલાવે. પગે લાગે. કોઈનું અપમાન કર્યું હોય તેવું સાંભળ્યું નથી. હમણાંથી તો તેનો સ્વભાવ ખાસ્સો સુધરી ગયો હતો. તે તેની દીકરીઓના સુખે ટકી રહ્યો હતો. જો કે તેની પત્ની અને દીકરીઓને તેની ભાષાનો રંજાડ ખરો. 

જીવણભાઈ પંચાયતોની ચૂંટણીમાં ભટારિયા ગયા હતા તે મંગળવારે પાછા આવ્યા. આવીને બોલવાનું શરૂ કરી દીધું. રાજેન્દ્રએ છેલ્લા એક મહિનાથી ભોજન છોડી દીધું હતું પરંતુ દારૂ નહીં. તે આ દારૂની લત ન છોડી શકવાથી તથા કામે ન લાગવાની રોજની રામાયણથી તંગ આવી ગયો હતો. ગયા મંગળવારે જ્યારે તેના પિતા તેને બોલ્યા તો મનમાં સંકલ્પ કરી લીધો કે તેની દીકરીનો ૨૭ મેના રોજ જન્મદિવસ ઉજવ્યા પછી આ ફાની દુનિયા તેણે છોડી દેવી છે. પરંતુ હજી બે દિવસ પહેલાં જ સુરેશને કહ્યું કે મંગળવારે હોસ્પિટલમાં દાખલ થવું છે. ડો પ્રભાકર જોડે વાત પણ કરી છે. તેનાં શરીરના અંદર થઈ રહેલા ફેરફારોનો અંદેશો તેને આવી ગયો હતો. 

ગઈકાલે શનિવાર હતો. પુરુષોત્તમ અધિક જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમા બપોરથી શરૂ થઈ ગઈ હતી. તે મહિનાથી જમતો ન હતો. દીકરીઓને કહી આઇસ્ક્રીમ મંગાવી ખાધી. તેણે અરૂણાને કહ્યું હતુ કે આજે લાપસી બનાવી આપજે. તેણે તેને ફોન કરી કહ્યું કે તું પાંચ વાગે પાછી આવી જજે. દરરોજ સાડા પાંચ વાગે અરૂણા આવે તેને ટોયલેટ બેસાડે અને પછી નવડાવે. પરંતુ આજે તે ટોયલેટ અને બાથરૂમ માટે પાંચ વાગે ઊભો થયો. અરૂણા હજી બસમાં આવી રહી હતી તેથી દીકરીઓને સૂચના આપી. તેના પિતા જીવણભાઈ મંદિરે બેસવા ગયા. ગઈ. તેની દીકરી તેને પકડી બાજુમાં જ ટોયલેટ છે તેના પર ખુરશી મૂકી અને ટોયલેટનો દરવાજો આડો કર્યો. રાજેન્દ્રએ દરવાજાની તાળી બંધ કરી અને અને ખુરશીમાં બેસવા ગયો ત્યારે સમતુલન ખોરવાયું અને તે પડી ગયો. પડવાનો અવાજ થયો અને તેણે બૂમ પાડી હશે પરંતુ  દીકરીઓ તેને મૂકી અંદર જતી રહી તેથી ખબર ન પડી. પંદર મિનિટ થઈ અને દરવાજો ન ખૂલ્યો એટલે દીકરીઓ પાછી આવી અને બહારથી સ્કૂટર પર ચડી બારીમાંથી દંડો નાંખી તાળી ખોલી નાખી તો રાજેન્દ્ર ઊંધો પડી ગયેલો અને તેનું માથું ટોયલેટની પાણી ભરેલી ડોલમાં. અરૂણા આવી ત્યારે બધા દરવાજો ખોલવાની મથામણમાં. તેના બે પગ કામ કરતા ન હોવાથી ઊઠી ન શક્યો અને શ્વાસ રૂંધાઈ જવાથી હ્રદય બંધ પડી ગયું. દીકરીઓએ દરવાજો ખોલી દુપટ્ટો બાંધી તેને ખેંચીને બહાર કાઢ્યો પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. ડોક્ટરે આવી તપાસી જાહેર કર્યું કે પ્રાણ પંખેરૂ ઉડી ગયું છે. છતાંય તેને ૧૦૮ બોલાવી એલજી હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેણે મૃત લાવ્યાનું જાહેર કર્યું. અરૂણાએ તેની ખૂબ સેવા કરી પરંતુ તેને પૂરો સાથ આપ્યા વિના આમ અચાનક ચાલી નીકળ્યો. 

બસ પળવારમાં રાજેન્દ્ર હતા ન હતા થઈ ગયા. એક મહિનો અનાજથી દૂર રહેવાથી અથવા ઓછા પોષણને કારણે તેની કૃષ થઈ ગયેલી કાયાને લોહી પંપ કરવા હવે તેનું હ્રદય થાકી ગયું હતું. ટોયલેટમાં બેસીને ઊભા થવામાં તેનું હ્રદય જાણે કે થંભી ગયું. Heart arrest થવાથી ૫૧ વર્ષના અમારા નોકરીભિલાષી રાજેન્દ્ર તેમની પત્ની અરૂણા, ચાર દીકરીઓ અને ખેમ પરિવારને મૂકી રવાના થઈ ગયા. તેમના મૃત શરીરની શાંતિ જોઈ થતું કે તેમણે કોઈ ફરિયાદ વિના આ દુનિયા અને આ કુટુંબ છોડી દીધા. 

તેમનો દેહ ગઈ રાત્રે પૂર્ણ ચંદ્રની ચાંદનીના અજવાળે રાત્રે સવા અગિયાર વાગે અગ્નિદેવને આહુતિ થઈ ગયો. મધરાત હતી છતાં તેમની અંતિમ યાત્રામાં ૧૦૦થી વધુ પુરુષો જોડાયા. ઘેર પચાસથી વધુ મહિલાઓ આવી. ભટારિયા કુટુંબ, તેમની સાસરી, મોસાળ, માસિયાઈ, બે સોસાયટી, સૌ ભેળાં થઈ ગયા. પરંતુ તેમના પ્રત્યેનો આ પ્રેમ અને લાગણી જોવા તે હવે ન રહ્યા. જીવણભાઈને ઘેર જઈશું ત્યારે આશાની આંખે જોતી એ બે આંખો છેવટે બુઝાઈ ગઈ. ધાર્યું એનું જ થયું.

પ્રિય રાજેન્દ્રને ભાવભીની શ્રદ્ધાંજલિ. ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ અર્પે અને જો પુનર્જન્મ હોય તો ક્યાંક એવી જગ્યાએ સ્થાન આપે જ્યાં સુખ, ખુશહાલી અને શાંતિ હોય. 

પૂનમકાકા
૩૧ મે ૨૦૨૬

0 comments:

Post a Comment

Powered by Blogger.