Saturday, October 4, 2025

સલામત સવારી એસટી અમારી

સલામત સવારી એસટી અમારી 

હાથ ઊંચો કરી બસમાં બેસો

બોર્ડ નિગમમાં પોસ્ટિંગ મળે એટલે અધિકારીઓ રાજી થતાં. સરકારી નિયમોના બંધનમાંથી થોડી છૂટ મળતી. હોટલોના બીલ ઉધરતા અને પેલેસ ઓન વ્હીલ્સ જેવી સફરનો સ્વાદ રહેતો. પરંતુ અહીં પણ હજૂરિયા મજૂરિયાનો ઘાટ હતો. મારે ભાગે મજૂરી આવી. મારી પહેલાંના ચાર એમડીનો ટેન્યોર અનુક્રમે ૭ મહિના, ૨ મહિના, ૭ મહિના અને ત્રણ મહિના હતો. ૧૯૮૫માં એમડીના ટેબલ પર ચડી કાચ ફોડી નાખવાની ઘટનામાં તે વખતના એમડી દોઢ મહિનામાં નીકળી ગયા હતા. ૧૯૯૮-૨૦૦૧ના અઢી વર્ષના એક ટેન્યોરમાં દેવું કરી નવી બસો ખરીદી સારું ચાલ્યું પરંતુ દેવાની પરત ચૂકવણી, તેના પર ચઢતું વ્યાજ અને ખર્ચ સામે આવકની પડતી દૈનિક ₹ ૧ કરોડની ઘટને કારણે નિગમની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હતી.

મેં હવાલો સંભાળ્યો અને કચેરીમાં બેઠો એટલે લેણદારોની લાઈન લાગી. મને થયું જાણે તેઓ મારા બાપાનું દેવું માંગતા હોય. સમાચાર પત્રો વાંચો તો એસટીની બસોના બ્રેકડાઉનના સમાચારો રોજની રામાયણ. ૫૮,૦૦૦નો સ્ટાફ અને ૧૦,૦૦૦ જેટલી બસો. 

બસો ઉંમર પૂરી કરી ચૂકેલી અને કર્મચારીગણનું ધ્યાન પગાર લાભો અને ડીએ વધારા તરફ. આવક વધારવાના બધા પ્રયત્નો ડીઝલનો ભાવ વધારો અને કર્મચારીઓનો ડીએ વધારો ખર્ચ વધારી ધોઈ નાખે. નિગમની સરેરાશ વાર્ષિક ખોટ હવે ₹૪૦૦ કરોડથી વધુ થવાની હતી અને એકત્રિત ખોટ ₹ ૨૮૦૦ કરોડે પહોંચી ચૂકી હતી. તેમાંય વળી એસટી નિગમ તેના યુનિયનોની અક્કડ માટે જાણીતું હતું. કર્મચારીઓ પર અંકુશ આવે એટલે આંદોલન કરવા વ્યક્તિદીઠ ₹૧૦૦-૨૦૦ ઉઘરાવે અને હંફાવે. કંડક્ટર ડ્રાઈવરને ૧૫-૨૦ કિલોમીટરના ફેરે બ્રેક મળે તેથી આઠ કલાકના કામમાં માંડ ત્રણ-ચાર કલાકનું કામ મળે. અહી ગુજરાત સરકારના પગાર ધોરણો અને યુનિયન સેટલમેન્ટ, જે વધુ હોય તે કર્મચારી અધિકારી લે તેથી નિગમને ખોટની તાણ એકલા એમડીને રહે બાકી બધાને તો જાણે આપણે શું? નિગમની આ હાલત મને હતોત્સાહ કરવા પૂરતી હતી પરંતુ પાણીમાં ઉતર્યા વિના તેનું માપ કેમ લેવું? 

મેં પિતાજીના વખતમાં મિલ કામદાર યુનિયનો અને તેના ખેલ જોયેલા તેથી મારે યુનિયનોથી ડરવાનું કોઈ કારણ નહોતું. એસટીમાં સમસ્યા ઝાઝી પરંતુ તેમાં સારું કામ કરી દેખાડવાની એક મોટી તક હતી. એસટી પ્રત્યે મને વિશેષ પ્રેમ. તેની ઉંમર મારા જેટલી. તેનો અને મારો જન્મદિવસ નજીક નજીક. તેમાંય જાણ્યું કે મુખ્યમંત્રી તેમની યુવાવયની શરૂઆતમાં અહીંની એસ. ટી. કેન્ટિનના ચાના કાઉન્ટર પર ઊભા રહી ખાડિયા મણીનગરના રાજનેતાઓ પાસેથી રાજકારણના પાઠ ભણેલા તેથી આ એસટીને ઠીક કરી ચલાવવી જ રહી. વળી ૧૯૭૯ થી ૧૯૮૫ સુધી છ વર્ષ મેં તેની બેઠક પર બેસી પંદરસો કલાકથી વધારે વાંચન કરી મોટી નોકરીઓ મેળવેલ તેથી તે ઋણ ઉતારવાની અને નિગમને બચાવવાની તક હતી. સરકારી હુકમ એટલે આપણે એસટી હંકારી.

હા, મારી સામે ઉભેલા પડકારોને જોઈ મને તેનો મુકાબલો કરવા પહેલા મારી પોતાની કિલ્લેબંધી કરવાનું સૂઝ્યું. આમેય આપણે બચપનથી કરકસરથી જીવવા ટેવાયેલા. હું મારા પીવાના પાણીની બોટલ ઘેરથી લઈ જતો અને પટાવાળાને પાણી આપવાના કામથી મુક્ત રાખતો. ચા પણ ચાડી ના ખાય તેથી મેં ચા બંધ કરી દીધી. ઘેરથી ટિફિન લાવું તેથી નાસ્તાની કોઈ રામાયણ નહીં. બે ગુજરાતી છાપા સિવાય શોભાના મેગેઝિન્સ અને બીજા સમાચાર પત્રો મેં બંધ કરાવી દીધા. જે વાંચીએ નહીં તેના રૂપિયા કેમ બગાડાય? મારી અને કુટુંબના સભ્યોની તંદુરસ્તી જાળવી હું મેડીકલ બીલ મૂકવાથી કાયમ દૂર રહેતો. કચેરી કામે દિલ્હી હવાઇ પ્રવાસ કર્યો હોય તે સિવાય ડીએ લેવાનું હું ટાળતો. મારા સંતાનો બસમાં મુસાફરી કરતાં તેથી તેમની સુવિધા માટે મારે નમવું પડે તેમ ન હતું. તેથી હવે હાથમાં નિયમનો દંડો લઈ ST ચલાવવા મને પૂરતી આઝાદી હતી. 

તેમાં જાપાનની JICA sponsored ત્રણ અઠવાડિયાની જેન્ડર ડેવલપમેન્ટ ઈન ફીશરીઝ કોમ્યુનિટિની તાલીમમાં ભણેલ લેશન મને ભારે કામ આવ્યા. મારી તે તાલીમ માટે પસંદગી હું જ્યારે મત્સ્યોદ્યોગ કમિશ્નર હતો ત્યારે થયેલી પરંતુ જવાનું થયું ત્યારે એસટીનો એમડી હતો. અમારા વાહન વ્યવહાર સચિવ મને કહે પરમાર તુમ અબ ફીશરીઝમેં નહીં હો ઇસલિએ મૈં તુમ્હે જાને નહીં દૂંગી. મેં કહ્યું મેડમ ભારત સરકારે તાલીમ માટે પસંદ કર્યો છે, પૂરો ખર્ચ JICA જાપાન આપે છે. વળી એસટીની નોકરી કાયમી નથી. ફરી પાછો ફીશરીઝ કમિશ્નર કે સચિવ થઈશ તો તાલીમનો દૃષ્ટિકોણ કામે લાગશે તેથી જવા દો.  પરંતુ તેમણે તો ના લખી દીધી. પરંતુ તેઓ ફાયનલ ઓથોરિટી નહોતા. પીએમઓમાંથી સાઈકિયા સાહેબે મને તાલીમમાં મોકલવા કરેલી મહેનત એળે કેમ જવા દેવાય? હું મુખ્યમંત્રી કાર્યાલય જઈ પી. કે. મિશ્રા સાહેબને મળ્યો. તેમણે મંજૂરી આપી અને આપણે જાપાનની પહેલી મુલાકાત લઈ તાલીમ લઈ આવ્યાં. લક્ષ્મીને પણ સાથે લઈ ગયેલો પરંતુ ત્યાંની મોંઘવારીનો માર સહન ન થતા તેને લોસ એન્જલસના કાંઠેથી એકલી અમેરિકા રવાના કરી દીધેલ જ્યાં તેનો પ્રવાસ ફરી એકવાર સાહસિક રહ્યો. 

જાપાનની તાલીમમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેટ્રિક્સ (PDM)ની પદ્ધતિ હું શીખી લાવેલો તે STને turnaround કરવા મને ઘણી કામ આવી. મેં એસટીના પ્રશ્નોની યાદી બનાવી એક Problem Tree બનાવ્યું અને તેના why - because કારણોનું વિશ્લેષણ કરવા અધિકારીઓનું બ્રેઈન સ્ટોર્મિંગ સેશન ગોઠવું ત્યાં એક આફત આવી. 

અમારે આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયાનો ઘાટ. માલસામાનના અભાવે હજાર જેટલી બસો ઓફ રોડ અને બજાર શાખ નબળી તેથી કોઈ ઉધાર આપે નહીં. રોજનો સરેરાશ ત્રણ કરોડનો ખર્ચ અને બે કરોડની આવક તેથી રોજ એક કરોડ રૂપિયાની ઘટ પડે. એક સાંધો અને તેર તૂટેનો ઘાટ. વળી મારા પૂર્વજો દેવું મૂકી ગયેલ તેથી તેનું વ્યાજ અને મૂડી ભરવા રૂપિયા જોઈએ તે વધારાના. ત્યાં સરકારમાં નાણાં વિભાગમાંથી વિદ્યાર્થી કન્સેશન વગેરે ગ્રાંટ મળે તે ફરજિયાત દેવામાં ભરાવે જેથી રાજ્યનું ક્રેડિટ રેટિંગ નીચું ન આવે. હાથપગ બાંધીને કોઈ તરવાનું કહે તો શું કરવું? કન્યાની બાપના કેડે ભાર એમ અમારે આંતરિક સુધારણા અને કરકસરનાં પગલાં લીધા સિવાય છૂટકો ન હતો. અમે ખોટા ખર્ચા બધા બંધ કરવાનું શરૂ કર્યું. કામ ન કરતા અને ફાલતુ ફરતાં લોકોને ડ્યુટી પર ચડાવ્યા અને કામના કલાકો વધારવા ટૂંકા રૂટને લાંબા કરવાનું શરૂ કર્યું. નાણાં વિભાગના કરકસરના ઠરાવોનો સખતાઈથી અમલ શરૂ કર્યો. તેથી ચુનિયનો ચેતી ગયા. તેમને સમજાયું કે એમડી ભારે આવ્યો છે. તેથી ડરાવવા એક દિવસ બપોરે એસટી સેન્ટ્રલ બસ સ્ટેશને બ્રેક પડે તે સમયે મોટી સંખ્યામાં ડ્રાઇવર બસ કંડક્ટરનો સમૂહ બનાવી મોટા ધાડાના સ્વરૂપે એમડીની કેબીન અને બહારની આખી લોબી ભરી ખડકાઈ ગયા. ભારે કોલાહલ થયો. સૂત્રોચાર ચાલુ થયો અને જાતિગત ગાળોનો વરસાદ વરસ્યો. હું ચેમ્બરમાં એકલો તેમનાથી ઘેરાયેલો નિઃસહાય. બસ હવે શારીરિક હુમલો થવાનો બાકી હતો. મારા પીએએ ફોન કર્યો તેથી બાજુના પોલીસ સ્ટેશનથી પીઆઈ આવી ગયા. તેમણે જોયું કે ટોળું એમડી સાહેબને ઈજા પહોંચાડશે તેથી મને ફાયરિંગ કરવાની છૂટ આપવા કહ્યું. મેં ના કહી. ચૂપચાપ શાંતિથી સામેની ઘડિયાળને જોતો રહ્યો અને વચ્ચે વચ્ચે બોટલમાંથી પાણી લઈ એક બે ઘૂંટ ભરતો રહ્યો. લગભગ સૂત્રોનો એ આતંક એક કલાક ચાલ્યો પછી કોઈક આગેવાનને સમજણ આવી કે તેઓ બધાને લઈ બહાર નીકળી ગયાં બીજા દિવસે ત્રણેય યુનિયનના આગેવાનો હાથમાં ફૂલના બુકે લઈ ગળુ બેસી ગયેલા અવાજે મને સોરી કહેવા આવ્યા. મેં હસીને તેમને ગરમ પાણીમાં મીઠું નાંખી કોગળા કરી જલ્દી ઠીક થઈ જવાની સલાહ આપી અને મારી એસટીને પુનર્જીવન આપવાના પગલાંઓની ઝડપ વધારી દીધી. 

મેં PDM આગળ વધાર્યું. નિગમની જુદી જુદી વિંગના વડા, કેટલાક ડિવિઝનલ કંટ્રોલર, ડેપો મેનેજર્સનું એક ગ્રુપ બનાવી બ્રેઈન સ્ટોર્મિંગ સેશન કર્યું. પ્રોબ્લેમ ટ્રી ફરી બનાવ્યું. પછી એક પછી એક પ્રશ્ન લેતાં જઈએ અને why -becauseની ચાવી લગાવતા જઈએ જેથી તે પ્રશ્નોના કારણોને અમે ચોપડે ચડાવ્યા. હવે કારણો મળ્યા એટલે ઉપાય પણ જડે. ઉપાયો પૈકી જે ઉપાયો અમારા હાથમાં હતા તેની યાદી બનાવી જુદા તારવ્યા અને જે ઉપાયોમાં બીજાઓને સહયોગ કે નાણાકીય જરૂરિયાત હોત તે અલગ કર્યા. તેના અમલીકરણ અને કાર્ય વિભાજનની રૂપરેખા તૈયાર કરી અમે એક બુકલેટ બનાવી બધાં અમલીકરણ અધિકારીઓને વહેંચી દીધી. 

અમારા હાથ પગ તો ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફ તેથી તેમનામાં સુધારા પગલાંઓ પ્રત્યે હકારાત્મકતા કેળવવા, ST પ્રત્યે તેમની માલિકીપણાની ભાવના વધે, STની સમસ્યા એ મારી સમસ્યા તેવી સમજ કેળવવા તેમને જોડવા જરૂરી હતાં. તેથી મેં એમડી થી સીધા ડ્રાઇવર કંડક્ટરને સંબોધી પત્રો લખવાનું શરૂ કર્યું. EPKM અને CPKMની ગેપ ઘટાડવા “એક રૂપિયામાં મુક્તિ” નો પત્ર અસરદાર બન્યો. ધીમે ધીમે સૌ જાગૃત થયા અને નિગમને ખોટના ખાડામાંથી બહાર કાઢવાના યજ્ઞમાં જોડાયા. તેમનું organisational culture બદલાયું. 

કુશળ સેનાપતિઓ વિનાની સેના કેવી રીતે જીતે? અમે ટાગોર હોલમાં એક મોટીવેશન સ્પીચનો કાર્યક્રમ ગોઠવ્યો. ST મુખ્ય મથકના અધિકારીઓ કર્મચારીઓ ઉપરાંત ક્ષેત્રિય ડિવિઝન અને ડેપોના અધિકારીઓ બોલાવ્યા. એ દિવસે સ્ટેજ ખાલી રાખ્યું. માત્ર “એક માઈક એક એમડી અને એક અવાજ”. હું લગભગ નેવું મિનિટ જેટલું બોલ્યો હોઈશ. હાઉસફૂલ હોલ પીન ડ્રોપ સાયલન્સથી મને સાંભળતો રહ્યો અને જ્યારે હું અટક્યો ત્યારે તાળીઓના ગડગડાટ વચ્ચે સૌએ ઊભા થઈ મને વધાવી લીધો. હવે અમારા ST બચાવ અભિયાનનું સૈન્ય અને સેનાપતિઓ તૈયાર થઈ ગયા હતા. 

એક તરફ મારા પત્રો લોકપ્રિય થતા ગયા અને કર્મચારી સમૂહ ST બચાવ યજ્ઞમાં લાગી ગયો એટલે મે રોજમેળ રોજ વાંચી અને ખર્ચની એકએક આઈટમ પર ઝીણવટથી નજર નાંખવાનું શરૂ કર્યું. ₹૨૮૦૦ કરોડની એકત્રિત ખોટ અને દર વર્ષે તેમાં સરેરાશ ₹૪૦૦ કરોડનો વધારો. અમે ગુજરાત સરકાર સામે બેઠા. વર્ષોથી ન આપેલો હિસાબ લીધો. વાહન વ્યવહાર મંત્રી અમિતભાઈ શાહ અને નાણામંત્રી વજુભાઈ શાહ અમારી પડખે હતા તેથી નાણાં વિભાગના અધિકારીઓ માન્યા. અહીં સચિવાલય અને જિલ્લા તાલુકા કચેરીઓના સરકારી કર્મચારીઓ અધિકારીઓને ઉત્પાદકતાના કોઈ મોટા માપદંડ વિના સમય વેતન અને લાભો મળતા રહે. તેઓ આજની ફાઈલ કાલે કરે તો ચાલે પરંતુ અમારે પરિવહનના પૈડા ૨૪x૭ ફરતા રાખવાના. અમે સરકારની સામાજિક જવાબદારી વહન કરવાના ભાગ રૂપ પરિવહન ચલાવીએ જેનો બસભાડા દર સરકાર નક્કી કરે, ટિકિટ પર ટેક્ષ સરકાર લે, ડીઝલ પર વેચાણ વેરો વસૂલ કરે અને અમને બાંધી રાખે તે કેમ ચાલે? સરકારે હિસાબો આપ્યા અને અમારા એકત્રિત ખોટના ખાડા પૂરાયા. 

અમારા સુધારા, કરકસરના પગલાં, ખોટા ખર્ચા નાબૂદી, આવક વધારવાના પગલાં, CPKM (cost per kilometre) ઘટાડવા અને EPKM (earning per kilometre) વધારવાના પગલાં સફળ થયા. એસટીમાં દંડાછાપ ગણાતા કર્મચારીઓના હાથમાં અમે દંડો આપી અમે મુખ્ય બસ સ્ટેશનો પર ઊભા રાખી ખાનગી વાહનોને ખદેડવાનું ચાલુ કર્યું. ટૂંકા રૂટ કાપી crew rationalise કરી, રૂટ લંબાઈ વધારી ૫૦૦ કિલોમીટર સુધી લંબાવવાનું શરૂ કર્યું. ખોટ કરતી અને ખાલી ફરતી ટ્રીપો રદ કરી. પરિણામે ઉત્પાદક કિલોમીટરનો વધારો થયો. પરચેઝ અને સ્ટોર અલગ અલગ અધિકારી સંભાળે. એકને જોઈએ તે બીજો ખરીદે નહીં અને જેની જરૂર ન હોય અથવા ઈન્વેન્ટરી પડી હોય તે નવું આવે. ઈન્વેન્ટરી મેનેજમેન્ટ સુધારવા અને જરૂરિયાતના પાર્ટ્સ સાધનો સમયસર ઉપલબ્ધ થાય તે માટે મેં પરચેઝ અને સ્ટોરને ભેગા કરી એક જ HoD હસ્તક મૂકી દીધા. જેના પરિણામો ખૂબ સારા આવ્યા. 

નવી બસ ખરીદવા નાણાં નહીં અને સરકાર આપે નહીં તેથી અમે જૂના એંજિનો રીમેક કરી એસટીના પૈડા ફરતા રાખ્યા. સફાઈ ઝૂંબેશ આદરી. વર્ષોથી ગંધાતા દેખાતા બસસ્ટેશનો અને તેના જાજરૂ ચોકખા થયા. પેસેન્જર સુવિધા તરફ ધ્યાન આપ્યું. લાઉડ સ્પીકર પર એનાઉન્સમેન્ટ સીસ્ટમ ચાલુ કરી. પૂછપરછ કેન્દ્રમાં સ્ટાફનું બેસવાનું નિયમિત કરી દરવાજે તાળા મરાવ્યા અને બારીઓ ખુલ્લી કરી. જ્યાં વોમીટના ડાઘ સૂકાયે ગરીને મટે ત્યાં બસો નિયમિત ધોઈ મૂકવાનું શરૂ થયું. દેવું લેણદારોને બોલાવી રીસેટલ કરાવી ચડત વ્યાજ માફ કરાવ્યા અને વ્યાજના દર ઘટાડાયા. એસ ટી બસો પર સૂત્રો લખી આંદોલનને લોક ઝૂંબેશમાં બદલવા આગળ વધ્યા. એસટીનો પેસેન્જર લોડ વધારવા “હાથ ઊંચો કરો બસમાં બેસો” સફળ થયું. લોકોને ઘર આંગણે, રસ્તે જ્યાં જોઈએ એસટી ઊભી રહેતી તેથી પેસેન્જર વધ્યા અને આવક પણ વધી. એક્સપ્રેસ બસોને શહેરો-નગરોની અંદરના બસ સ્ટેશનોમાં જઈ સમય બગાડતા અટકાવવા હાઈવે બસ સ્ટેશનો પ્રમોટ કર્યાં. જીએમના અધ્યક્ષ પદે ઓક્સન કમિટી બનાવી વર્ષો જૂનો ભંગાર નિકાલ કરાવી જગ્યા ખુલ્લી કરી અને એસટી માટે નાણાં ઉભા કર્યા. એક પછી એક સુધારા પગલાંઓનો ઢગલો થઈ ગયો. 

મારે રોજ સવારે વહેલા ઉઠવાની ટેવ. મેં મોબાઇલ મેનેજમેન્ટ શરૂ કર્યું. સવારે ૪.૩૦ કલાકે મારા ડિવિઝનલ કંટ્રોલર અને ડેપો મેનેજરના ફોનમાં મારા મેસેજ ઉતરવા લાગ્યા. તેમની સવાર એમડીના મેસેજથી થતી અને રાત હિસાબ આપીને પૂરી થતી. અમે ખર્ચના આંકડાને સ્થિર કર્યો અને આવકનું મીટર વધાર્યું એટલે પહેલાં જ વર્ષે વાર્ષિક અંદાજી ₹૪૨૦ કરોડની ખોટ ₹૧૧૯ કરોડ પર લાવી દીધી. નિગમની એકત્રિત ખોટ જે ₹૨૮૦૦ કરોડે પહોંચતી તે ૧૧૦૦ કરોડે આવી ઉભી રહી જે પછી ઘટી ₹૩૦૧ કરોડ થઈ. અમે વધુ મહેનત કરી. ડીઝલ ભાવ વધારો અને ડીએ ચૂકવણીમાં ખોટ વધે પરંતુ અને એસટી નિગમને શૂન્ય કેશ લોસ પર લાવી દીધું. બસ હવે ઘસારાની ખોટ પૂરી કરવાની હતી અને નફાકારક નિગમ તરીકે આગળ વધવાનું બાકી હતું. 

બસ ચલાવવાથી લઈ બસની મરામતની સૂઝ ઉભી કરતાં ઘરડી બસો છતાં અમે દેશમાં ડિઝલ KMPL ઓછી લાવવામાં સમગ્ર દેશમાં પ્રથમ આવ્યા અને દેશના પરિવહન મંત્રી હસ્તે અવોર્ડ લઈ આવ્યા. મારી દેશના ૧૬ રાજ્યોના એસટી નિગમથી બનેલી સંસ્થા ASRTU (Association of State Road Transport Undertakings)માં પહેલા પરચેઝ કમિટીના ચેરમેન તરીકે નિમાયો અને પછી વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયો. પૂના ખાતે ચાલતી CIRT (Central Institute of Road Transport) સંસ્થાનો પણ ચેરમેન બન્યો. અમારો યુરોપ પ્રવાસ પણ થયો. વોલ્વો ફેક્ટરી પણ જોઈ અને દેશ તથા વિશ્વ ફલક પર ચાલતી પરિવહન સંચાલન પદ્ધતિથી માહિતગાર થયો. 

એ વખતે ડીઝલ સપ્લાય IOCનો. બજારમાં રીલાયન્સ આવ્યું. અમને વાટાઘાટોની તક મળી ગઈ. તે દિવસોમાં ચોમાસું આવે એટલે ગાંધીનગર પથિકાશ્રમનું બસ સ્ટેશન ખાડા જ ખાડા. બસો પણ ધૂબાકા લે અને પેસેન્જર પર. સ્કૂટર મૂકવા જનાર પણ કૂદતા કૂદતા બહાર નીકળતા. અમે IOC પાસેથી ડીઝલ ખર્ચમાં રાહત લીધી અને કોન્ટ્રાક્ટ રીન્યુ કરવાના ઈનામ પેટે ગુજરાતની રાજધાની ગાંધીનગરના એસ ટી બસ સ્ટેશનના ફ્લોર-રોડને ₹૨.૫ કરોડના ખર્ચે IOCએ વિમાનના રન વે જેવો આરસીસીનો બનાવી આપ્યો. આજે વીસ વર્ષે તે રોડની એક કાંકરી પણ ખરી નથી. 

અમારે એસટી સેન્ટ્રલ બસ ટર્મિનસ ગીતામંદિરમાં કેમ્પસની ખુલ્લી જગ્યામાં એક કોઈ નોન ગુજરાતી બાવો દબાણ કરી જામી પડ્યો હતો. તેનું દબાણ હટાવવાથી બધા ડરે અને ધર્મનો રંગ સામે આવે તેથી વધુ ડરે. વળી કોર્ટની અડચણ ક્યારે આવી ઉભી રહે ખબર નહીં. અમે વ્યૂહાત્મક રીતે શુક્રવારની સાંજ પસંદ કરી દબાણ હટાવ્યું અને બાવાને પણ. પછી તો એ મેદાની જગ્યાનો મોટો વિકાસ કર્યો. જૂના કોટમાં બાકોરું તો હતું, પહોળું કરી રસ્તો પાળી દીધો અને એક નવા ટર્મિનસની શરૂઆત કરી એક્સપ્રેસ સેવાઓનું સુદૃઢીકરણ કર્યું. 

ગીતા મંદિર સેન્ટ્રલ બસ ટર્મિનસ્ રોજ સ્ટાફ, બસ ડ્રાઇવર, કંડક્ટરનો જમાવડો ઘડીકમાં થઈ જાય તેથી યુનિયનોને ખટપટ કરાવાનો મોકો વધારે મળે. તેથી અગમચેતી વાપરી મેં મારી અને મુખ્ય અધિકારીઓની ચેમ્બર્સ નરોડા સેન્ટ્રલ વર્કશોપમાં ખસેડી મુખ્ય કચેરી ખસેડવાની કાર્યવાહી આરંભી દીધી. 

બસ એક જગ્યાએ ન ફાવ્યા. મફતિયા મુસાફરો નિયંત્રિત કરવા અભિયાન ચલાવ્યું. ફ્લાઈંગ સ્કવાડ વધાર્યા. STના ઓન ડ્યુટી ન હોય તેવા સ્ટાફ અને તેમના સગાની મફત મુસાફરી રોકી પરંતુ પોલીસ કર્મચારીઓ પાસેથી ટિકિટ વસૂલ કરવામાં પાછા પડ્યા. જો કડક થઈએ તો MACTનું શું થાય? અમારે મોટું ધર્મસંકટ. એસટીનો ડ્રાઇવર અકસ્માત કરે તો જો તેની સામે પગલાં લઈએ તો મોટો MACT ક્લેઈમ ચૂકવવો પડે. જો MACT જવાબદારી ઘટાડવા જઈએ તો ભૂલ કરેલો ડ્રાઇવર છૂટી જાય. અમારો મોટો બહુમતી સ્ટાફ સારો પરંતુ કેટલાક રત્નો. એકવાર એક બેફામ બસ હંકારતા ડ્રાઇવરને મેં રસ્તે રોક્યો તો તે ઉતરી મને રૂટ બોર્ડનું પતરું લઈ મારવા ધસ્યો. કંઈક સૂઝ્યું અને તે થોભ્યો નહિતર તે દિવસે ગરદન કપાઈ જવાની હતી. એક દિવસે ચોમાસાની સંધ્યાએ મારા સરદારજી ડ્રાઇવરે ગાંધીનગરથી અમદાવાદ જતાં રસ્તામાં મરેલી પડેલી ભેંસ પરથી ફૂલ સ્પીડમાં કાર દોડાવી ત્યારે હું મરતાં બચ્યો. વળી પાછો તે જ કર્મચારીને માનવતાના ભાવે કોર્ટમાં બચાવની મારે જુબાની પણ આપવી પડી. 

હવે અમારા તરફ મુખ્યમંત્રીનું ધ્યાન ખેંચાયું. તે દિવસોમાં તેઓ વિભાગવાર બેઠકો કરતા, તેમના પ્રશ્નો સમજતા અને હલ કરવા મદદ કરતા. તેમણે વહીવટને વધુ લોકાભિમુખ કરવા અને મહત્વના પ્રશ્નો અને સમસ્યાઓ હલ કરવા તથા રાજ્યની આગાળની દિશા નક્કી કરવા ચિંતન શિબિરો શરૂ કરેલ. પ્રથમ ચિંતન શિબિરમાં બોર્ડ નિગમના MD નહોતા બોલાવ્યા પરંતુ બીજી ચિંતન શિબિરમાં તેમની સાથે રહી અમને કર્મયોગી બનવાનું વધુ બળ મળ્યું. તેમણે અમને બોલાવ્યા. મેં બે દિવસ, પહેલા દિવસ પાંચ કલાક અને બીજા દિવસ બે કલાક કુલ સાત કલાક પ્રેઝન્ટેશન કર્યું. ક્યા મુખ્યમંત્રી આટલો લાંબો સમય એક એમડીને આટલા ધ્યાનપૂર્વક સાંભળી શકે? માત્ર મોદી સાહેબ જ આમ કરી શકે. તેમના કારણે નાણા વિભાગ અમારા પ્રત્યે કૂણું પડ્યું અને લોન સહાય પેટે દર વર્ષે ૧૦૦૦ નવી બસો લેવાના બજેટની આઈટમ મંજૂર કરી. ૪૨ વર્ષના GSRTCના ઈતિહાસમાં તે એક મોટો વિજય હતો. 

મુખ્યમંત્રી પર્યાવરણ સુધારણાના આગ્રહી તેથી તેમના સૂચનથી અમે ૧૫ CNG બસોની પહેલી ખેપ ખરીદી અમદાવાદ ગાંધીનગર બસ રૂટ પર મૂકી. બસની બેઝિક કિંમતનો તફાવત અમને ફાયદાકારક ન લાગ્યો પરંતુ પર્યાવરણ સુધાર માટે જરૂરી લાગ્યું. તેવો બીજો પ્રયોગ જોજોબા સીડ્સમાંથી બાયોડીઝલ મેળવી પાંચ ટકા બ્લેન્ડિંગનો હતો. સેલ્સ ટેક્સ વિનાનું બાયોડીઝલ કાગળ પર સસ્તું લાગે. જો તે છૂટ અમને ડીઝલમાં મળે તો તો અમે નફો કરતું નિગમ બની જઈએ. પરંતુ પર્યાવરણ સુરક્ષા એટલી જ મહત્વની. જો કે બાયોડીઝલ બહુ લાંબુ ન ચાલ્યું. 

અહીં અમે અમારું સુધારા કામ ચાલુ રાખ્યુ. ઝીરો કેશલોસ પછી અમારું ધ્યાન ઘસારા લોસને દૂર કરવાનું હતું. કારણ કે જો તેમ ન કરીએ તો નિગમ નફાકારક થાય નહિ અને નફો ન રળીએ ત્યાં સુધી બજારમાંથી અમને નવી બસો લેવા કે નવી મિલકતો ઊભી કરવા કોઈ બેંક નાણા ન ધીરે. સરકાર નવી બસો આપે ત્યારે ખરી પરંતુ અમારો બસ કાફલો ઉંમર પૂરી થઈ ગયેલ ઘરડી બસોથી ભરેલો હતો જેમાંની ઘણી ૭.૫ લાખ કિલોમીટર ચાલી ચૂકી હતી અને મોટાભાગની ૫ લાખ કિલોમીટર ઉપરની. ક્યાં સુધી જૂના એન્જિન રીમેક કરી ચલાવીએ? બ્રેકડાઉન વધવા લાગ્યા અને નાણાં વિભાગના આર્થિક બાબતોના સચિવ નાણાંની કોથળીને તાળુ મારી બેઠા. કોઈ લોન ન મળે, સરકારી સહાય ન મળે તો એસટી બસો હવે એક પછી એક બંધ કરવાનો વારો આવે અને સ્ટાફ લે-ઓફ પર જાય તેવી પરિસ્થિતિ નજીક લાગી. અમે ફરી એકવાર ખર્ચની આઈટમો પર નજર કરી. ત્યાં એક ખર્ચ પર મારી આંખો આવીને સ્થિર થઈ. જોયું તો એસટી યુનિયન સાથે સેટલમેન્ટ મુજબ પીએફની કપાત ૧૦ ટકા થાય અને સામે એટલા જ એસટી નિગમને ભરવા પડે. કાયદા મુજબ ખોટ કરતા એકમોને ૮.૩૩ ટકાથી આગળ વધવાની જરૂર નહીં તેથી પીએફ કપાત ૮.૩૩ ટકા કરવાથી નિગમને વાર્ષિક ₹ ૫૪ કરોડની બચત થતી હતી. નિર્ણય કાયદેસરનો હતો. યુનિયનોએ રાજ્યવ્યાપી એક દિવસની હડતાલ પાડી. મુખ્ય સચિવની હાજરીમાં અને મારી ગેરહાજરીમાં વાટાઘાટો થઈ. વહનવ્યવહાર મંત્રીએ વાહનવ્યવહાર સચિવ મારફત મને sorryનો સંદેશો મોકલ્યો અને મારી બદલી થઈ. મારી જગ્યાએ સુરતથી મ્યુનિસિપલ કમિશ્નર અલોરિયા આવ્યા અને મને કુટિર ઉદ્યોગના કમિશ્નર તરીકે ગુજરાતી જગ્યા પર મોકલી દીધો.

ગુજરાત એસટી ચલાવવાનો એ ૨૭ મહિનાનો સમયગાળો મારા વહીવટી જીવનમાં મહત્ત્વનો રહ્યો. તેણે મને ૫૮,૦૦૦ કર્મચારીઓ, ઉંમર પૂરી કરી ગયેલ બસો અને દેવાના ડુંગર નીચે દબાયેલા એક ખોટ કરતાં નિગમને નફાના દ્વારે લાવવામાં સફળ બનાવ્યો. તેને વર્ષે કાયમી ધોરણે ૧૦૦૦ બસો સરકારી બજેટથી મેળવવાની ભેંટ આપી મેં તેની વિદાય લીધી. મને તેને turnaround કરવાના કામનો થાક નહીં પરંતુ કર્મયોગી બન્યાનો સંતોષ મળ્યો.

બદલામાં શું મળ્યું? કુટિર ઉદ્યોગમાં સામાજિક સેવાની એક સૌથી લાંબી ઈનિંગ મારે હવે રમવાની હતી. 

“कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन"

૪ ઓક્ટોબર ૨૦૨૫

વિજયચંદ્ર બિહારીલાલ ગાંધી

શ્રી વિજયચંદ્ર બિહારીલાલ ગાંધી 

સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૫ ના રોજ તેમનું આ પૃથ્વીલોકથી જવું એ દુઃખદ સમાચાર છે.

હજી તો લંડન જતી વેળાએ મને ફોન પર કહ્યું હતું કેમ આ વખતે ઈન્ડિયા આવું અને તેમને કંઈ તકલીફ થાય તો બચાવી લેશો ને? મને થતું કે આ વખતે પહેલીવાર બચવા ના બચવાની વાત કેમ કરી હશે?

આ વર્ષે છેલ્લે ભારત આવ્યા ત્યારે તો તેમનું આરોગ્ય વધુ સારું હતું. તેઓ મારે ત્યાં આવ્યા, જમ્યા, ઝાડ નીચે ખાટલો ઢાળી આરામ કર્યો અને ફરી આવવાનો કોલ દઈ પ્રસન્ન વદને પરત ફર્યા હતાં. આ વર્ષે અમારે દિવાળી ભેળા કરવાની હતી. પરંતુ તે પહેલાં લંડન-યુરોપનો પ્રવાસ બન્યો. લંડન જવું કે નહીં તેની તેમને અસમંજસ હતી. મને પૂછયું ય ખરું કે જઉં કે ન જાઉં? પરંતું ટિકિટો બુક થઈ ગઈ હતી અને જુવાનિયા દેખભાળ કરવાના હતા અને સ્વભાવે સાહસિક જીવ તેથી તેમણે હિંમત કરી. સાહસ જોખમી નિવડ્યું અને તેઓ આપણી વચ્ચે ન રહ્યા. 

તેમને ૬૨ વર્ષની વયે બાયપાસ સર્જરી કરાવેલ તેને ૨૨ વર્ષ થયા. તેમની અવસ્થા થઈ હતી તેથી પ્રભુને ગમ્યું તે ખરું કહી તેમની વિદાય સ્વીકારવી રહી. 

૨૦૧૮-૧૯માં તેમને ફેફસાં કફથી ભરાઈ જવાની તકલીફ થઈ તો યુએન મહેતા કાર્ડિયોલોજી ઈન્સ્ટિટ્યુટમાં ભરતી કરી મુસીબતમાંથી બહાર કાઢ્યા હતા. બીજે વર્ષે તેઓ પાછા ફર્યાં ત્યારે પ્લેનમાં તકલીફ પડી. પાયલોટના ઓક્સિજન સિલિન્ડરે અને અમેરિકાની હોસ્પિટલે તેમને બચાવ્યા. ત્યારબાદની ઈન્ડિયા આવવાની તેમની બે મુલાકાતો વિના વિઘ્ને પસાર થઈ. તેઓ અમદાવાદ આવે ત્યારે અર્બન કંપની પાસે ધૂળનો એક એક કણ સાફ કરાવે પછી જ ઘરમાં પ્રવેશતા. તેમનો ફ્લેટ તેમને નવો દેખાય તે બહું ગમતું.

હું જે કચ્છ જિલ્લાનો કલેક્ટર (૧૯૯૪-૯૫) હતો તે તેમનું વતન તેથી મને તેમના પ્રત્યે વિશેષ સ્નેહ. તેમને પહેલીવાર અમે માણસા ખાતે તેજસભાઈ દવેના નિવાસસ્થાને મળ્યા હતા. તેઓ વ્યક્તિના પગ અને ચહેરો જોઈ તે ક્યા પ્રાણીના ગુણો ધરાવે છે તેવું કહી દેતા તેથી હું શું છું? એવો પ્રશ્ન પૂછવાનું દરેકને ગમતું. અમારા યુએન મહેતા હોસ્પિટલના ડો આર. કે. પટેલનો પગ જોઈ તેમણે કહેલું કે ડોક્ટર તમારે છેલ્લું એક વર્ષ છે. જેટલું દોડાય એટલું દોડી લો. વરસમાં જ તેમને મોટી સર્જરી આવી અને પછી ઉંમર પૂરી થતાં યુએન મહેતા હોસ્પિટલમાંથી નિવૃત્ત થવાનું થયું. 

તેમણે તેમના જીવનની સાહસ કથા મને કહેલ. તેઓ મધ્યમ વર્ગ કુટુંબમાંથી આવે. તેઓ જ્યારે કોલેજમાં ભણતા ત્યારે ગણેશપુરી ભગવાન નિત્યાનંદ બાબાના દર્શને ગયેલ ત્યારે લાઈનમાં પસાર થયેલા. બાબા સૂતા એટલે તેમની જોડે વાત કરવાનું કંઈ જામ્યું નહીં તેથી બીજીવાર લાઈનમાં લાગ્યા અને જેના બાબાજી નજીક આવ્યા એટલે તેમના પેટ પર આંગળી અડાડી જગાડવાનો પ્રયત્ન કર્યો. બાબાએ આંખો ખોલી કહ્યું એ વિજય, તેરે પિતાજી કા નામ બિહારીલાલ, તેરી માતાજી કા નામ યે.. બોલ તુજે ક્યા ચાહિએ? તેઓ તો અચરજ પામ્યા કે આ બાબાજી મારું અને મારા માતા પિતાનું નામ કેવી રીતે જાણી ગયા? તેઓ ગ્રેજ્યુએશન શિક્ષણમા કોલેજની છેલ્લા વર્ષની પરીક્ષા આપીને આવેલા. પાસ થઈશું કે નહીં તેનો અંદેશો એટલે માંગ્યું કે તેઓ ગ્રેજ્યુએશન પરીક્ષામાં પાસ થઈ જાય. બાબાએ આશીર્વાદ આપ્યા અને તેઓ તેમની કોલેજમાં ફર્સ્ટ આવ્યા. પછી તેઓ લંડન ટેક્સટાઈલ્સનો ડિપ્લોમા ભણવા ગયા અને તે ડિગ્રી લઈ પાછા આવ્યા એટલે ઉદ્યોગ સાહસિક બનવાનું નક્કી કર્યું. તે વખતે સરકાર ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન આપતી. તેઓને ટેક્સટાઈલ મિલ નાંખવી હતી. ધનરાશિ માટે તેઓ કસ્તુરભાઈ શેઠને મળ્યા. તેમણે તેમને ઉદ્યોગ મંત્રી મનુભાઈ શાહને મળવા મોકલ્યા. મનુભાઈએ ગુજરાત સરકારની લોન કમ સહાય યોજનાનો લાભ આપ્યો એટલે તેમણે કચ્છમાં શેડ બનાવી, સ્પિન્ડલો લગાવી મિલ ચાલુ કરી દીધી. પહેલા વર્ષે જ તેઓ સારું કમાણા. હજી જ્યાં પાંચ પચીસ ભેળાં કરવાની તકલીફ પડતી ત્યાં તેમના હાથમાં લાખ રૂપિયા આવી ગયા. 

તેમના લગ્ન કરવાનો વખત આવે ત્યારે તેઓ કોઈ કન્યા ન ગમાડતા. એક કન્યા તો મુંબઈના એક ધનાઢ્ય પરિવારની એકની એક સ્વરૂપવાન દીકરી. સગાઈ પણ થઈ પરંતુ તેની સાથે આહારભેદ અને વિચારભેદ મોટો રહેતા તે વાત પડતી મૂકાણી. પછી તો તેમના મામા (અતુલ?) કે કોઈ બીજા સગા વાત લઈ આવ્યા તેથી બેએક મુલાકાત પછી ના હા કરતાં કરતાં પછી ઉષાબેન જોડે પરણી ઠેકાણે પડ્યા. ઉષાબેન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતાં તેથી વિજયભાઈને તેમનો ભારે ટેકો મળ્યો. તેમના બદ્રીનાથવાળા ગુરૂની આજ્ઞાથી તેમણે મિલ તો બે ત્રણ વર્ષ ચલાવી વેચી દીધેલ અને વીલ બનાવવાની કળા શીખી તે થકી પોતાના ખર્ચનો જોગ કરી લેતા. પરંતુ દીકરા સ્મિતને ભણાવ્યો અને તેના થકી દંપતી અમેરિકા જઈ અમેરિકામાં પણ નામના મેળવી શક્યું. 

તેમની મિલ બંધ કરવા પાછળ આધ્યાત્મિક જીવન એક મોટું કારણ હતું. નિત્યાનંદ બાબાને મળ્યા પછી તેમને આધ્યાત્મનો ચસ્કો લાગેલો. તેઓ તીર્થ સ્થાનો કરતાં અને બાવાઓને મળતાં. તેમ કરતાં એકવાર બદ્રીનાથ પહોંચ્યા અને ત્યાં માના ગામમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજમાંથી સાધુ બનેલા સાઉથ ઈન્ડિયન બાબાના પરિચયમાં થયો જેમને તેમણે પોતાના ગુરૂ બનાવેલ. તેઓ બંને વચ્ચે એવો સંબંધ બંધાયો કે તેઓ બાબાને મળવાનો સંકલ્પ કરે, ટિકિટ બુક કરાવી જાય ત્યારે બાબા અચૂક મળતાં. તેમની પાસેથી તેઓ વ્યક્તિનું ભવિષ્ય જોવાની અને મંત્રના બળે સંતાન પ્રાપ્તિ અને બીજા કામોમાં મદદરૂપ થવાની વિદ્યા શીખેલા. તેમને ગુરુએ જણાવેલું કે માનવ મસ્તિષ્કમાં સેન્ટ્રલ હેમિસ્પિયરમાં બદામ આકારનો એક ભાગ છે જે આપણી લાગણીઓ અને ઘણા બધા આધ્યાત્મિક રહસ્યોનું કેન્દ્ર છે. 

તેઓ દર ગુરુવારે મધ્ય રાત્રિએ ૧૨ કલાકે કુંભક કરી તેમના ગુરુને સ્મરી ધ્યાન ધરતાં અને પોતાના આજ્ઞા ચક્રમાં જે કલર દેખાય તેને આધારે તેમણે મૂકેલ પ્રશ્નના હકારાત્મક કે નકારાત્મક પરિણામ અને અવધી જણાવતાં. તેમના ગુરુજીએ આપેલ શાલિગ્રામ પત્થરોથી તેઓ વૈષ્ણવ જન તેથી ભગવાન શ્રીકૃષ્ણની બે સુંદર મૂર્તિઓ બનાવી અને અમદાવાદ ઘરમાં રાખી છે અને ગુરુએ આપેલ નાની ડબીમાં મૂકેલ નાગ ચિહ્ન તેઓ ગુરુવાર રાત્રિ ધ્યાનમાં ગુરૂ અનુસંધાન કરવા ઉપયોગમાં લેતાં. તેઓ માનતા કે તેમના ગુરૂ દેહ છોડ્યા પછી સૂક્ષ્મરૂપે તેમને માર્ગદર્શન કરે છે. 

મારે તેમની સાથે ઘણો સંવાદ થતો અને તેમના અંતરમનની ઈચ્છા કે તેમની એ મંત્ર વિદ્યાનો વારસો તેઓ મારા પુત્ર ધવલને સોંપે. પરંતુ વળી કહેતા કે તેને ક્યાં આ જવાબદારીમાં નાંખવો? પાઈ લેવાની નહી અને જીવનભર નિયમમાં બંધાઈ રહેવાનું. 

મારા ઘેર પણ બે વહુઓ ગર્ભવતી થઈ ત્યારે ગર્ભાધાન બાળકોના સંસ્કાર અને વિકાસ માટે ફોનથી બંને વહુઓને સંકલ્પ કરાવતા, મંત્ર બોલતા અને બંને પૌત્રો તેજસ્વી બને તેવી કામના કરતાં. આ વર્ષે નવેમ્બરમાં એકના પાંચ પૂરા થશે અને બીજાના આવતા વર્ષ એપ્રિલમાં. તેમને પાંચ પૂરા થયે મંત્ર બોલવાનો તેમનો વાયદો હવે અધૂરો રહ્યો. મારી એક પૌત્રી ૨૦૨૩માં ગંભીર બિમાર પડી ત્યારે પણ તેમણે મંત્ર પ્રયાસો કર્યા પણ સફળ ન રહ્યા. દીકરી હોસ્પિટલમાં લાંબી સારવાર પછી મુસીબતમાંથી બહાર આવી. 

તેમનામાં પ્રામાણિકતા ભરી પડેલી. કોઈનો ય અણઘટતો રૂપિયો ન લેવો તેવી તેમની ભાવના. એક કલકત્તાના મારવાડી શેઠે તેમનું કોઈ કામ થયેલું તેથી તેમના ઘેર લગ્નમા આમંત્રિત કરી તેઓ તેમના પત્નીને સોનાનો હાર ભેંટ કરેલો તે તેમને નહોતું ગમ્યું. હમણાં ગયા જ વર્ષે કોઈ લગ્ન પ્રસંગે ભારત આવ્યા ત્યારે તેમના પત્નીના ગળામાંથી સોનાનો એક દાગીનો સરકી ગયો હતો. શોધ્યો પરંતુ ના જડ્યો એટલે વિજયભાઈએ સંકલ્પ કર્યો કે જો દાગીનો જડશે તો તે વેચી આવે તે રકમનું દાન કરી દેશે. ત્રીજા દિવસે કોઈ મારવાડી કારીગર તેને નીચે પડેલ દાગીનો મળેલ તે પાછો આપવા આવ્યો. તેમણે તે ભાઈને ઈનામ આપ્યું, દાગીનો વેચી મોટી પાર્ટી કરી બધાને જમાડ્યા અને વધ્યા તે રૂપિયા દાનમાં આપ્યા. હતાં ને અદ્ભુત વ્યક્તિત્વ?

તેમના જવાથી મારે એક મિત્ર ગયા અને એક સંવાદ ગયો. વિધાતા આગળ કોનું ચાલે? પરમ કૃપાળુ પરમાત્મા તેમના પવિત્ર આત્માને સદ્ગતિ અર્પે તેની પ્રાર્થના અને તેમના પત્ની, પુત્ર, પરિવારજનોને તેમની વિદાય સહન કરવાની શક્તિ આપે તે જ અભ્યર્થના. 

અચીજા (આવજો) વિજયભાઈ🙏

🕉️ શાંતિ શાંતિ શાંતિ: ॥

ડો. પૂનમચંદ પરમાર (IAS:1985)

(પૂર્વ અધિક મુખ્ય સચિવ, ગુજરાત સરકાર) 

અને પરિવાર.

Friday, October 3, 2025

મારે મત્સ્યોદ્યોગ અને નવા મુખ્યમંત્રીનું આગમન

મારે મત્સ્યોદ્યોગ અને નવા મુખ્યમંત્રીનું આગમન

કચ્છ ભૂકંપ રાહતના કામથી પરત આવી હું મારી નવી કચેરી મત્સ્યોધોગ કમિશ્નરના કામમાં જોતરાયો. શાકાહારી કમિશ્નરને જોઈ અધિકારીઓ માછલાં પીરસવાની સેવા તો ન કરી શકે પરંતુ હજારો માછીમાર કુટુંબોની રોજગારી, જીડીપી વૃદ્ધિ અને વિદેશી હૂંડિયામણની કમાણીના સાધન તરીકે મત્સ્યોદ્યોગ વિકાસના કામે અમે લાગ્યા. 

ગુજરાતનો દરિયા કિનારો દેશમાં સૌથી લાંબો અંદાજે ૨૫૪૧ કિલોમીટર. અરબી સમુદ્ર એટલે કવિ નર્મદ કેરો રત્નાકર સાગર. ગુજરાત અહીંથી વિશ્વના દરિયાઈ દેશો સાથે જોડાયેલું તેથી ગુજરાત પ્રદેશનો આંતરરાષ્ટ્રીય વિકાસ થયેલો. અહીંના બે તીર્થો સોમનાથ અને દ્વારકા ઐતિહાસિક અને હિંદુઓની આસ્થાના પવિત્ર ધામ. સોમનાથના મંદિર કિનારે દરિયા તરફનું તીર તો છેક દક્ષિણ ધ્રુવ સુધીના પાણીના પથને ઇંગિત કરતું. સાગરખેડુ પાર વગરના. ગાંધીજી હોય કે શામજી કૃષ્ણ વર્મા અરબી સમુદ્રની સફર કરી તેમણે તેમના અને મુલ્કના ભવિષ્ય બદલેલાં. ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બહાદુર શાહ પોર્ટુગીઝોના દગાથી દીવના દરિયામાં હણાયો અને ડૂબાણો. અહીંનો રામજીલાલ દરિયાલાલ ઝાંઝીબાર જઈ ગુલામોની ખેપ કરતો કરતો તેમનો મસીહા બનેલો. અહીંના દરિયામાં હાજી કાસમની પ્રખ્યાત વીજળી (પેસેન્જર જહાજ) માંગરોળનો દરિયાકિનારો સામો દેખાય અને ડૂબાણી. અહીંના કાંઠે કંડલા, મુંદ્રા, વેરાવળ, પોરબંદર, માંગરોળ જેવા બંદરો અને માંડવી, શિવરાજપુર, અહેમદપુર માંડવી, દીવ, દાંડી, તીથલ, ઉમરગામ વગેરે રમણીય દરિયા કિનારા. જખૌ, પોરબંદર, માંગરોળ, વેરાવળ, જાફરાબાદ, વલસાડ ઉમરગામની માછીમાર જેટીઓ અહીં માછીમારો અને માછલાંઓથી ઉભરાતી. 

સૌરાષ્ટ્ર કાંઠાની પોમ્ફ્રેટ અને લોબસ્ટર જગ વિખ્યાત હતી. 
વળી ધોલ, બુમલા, રીબન વગેરેનો પાર નહીં. જાફરાબાદમાં તો માછલાં એટલાં સૂકાય કે તેની જમીન માછલીના ખનીજ દ્રવ્યોથી અમીર થવાથી તેનો બાજરો સ્વાદમાં અનેરો પાકે જેને શાકાહારી સૌ હોંશે હોંશે માંગીને ખાય. તે વર્ષે જખૌ બંદરને કેન્દ્ર સરકારની પર્યાવરણીય મંજૂરી મેળવી EEZ (Exclusive Economic Zone) તરીકે વિકસાવવાની મહત્વની મંજૂરી મળી. મીઠા પાણીના માછલાંમાં રોહુ, કટલા અને મૃગલ વધુ પ્રચલિત અને કુદરતે કેવું ગોઠવ્યું કે તેઓ ત્રણેય પાણીના સ્તર બનાવી એકબીજા ઉપર વીતે રહે જેથી તેમની કોલોનીના વિકાસમાં કોઈ અગવડ ન રહે. અહીં નર્મદા નદીમાં દરિયાનું પાણી મીઠા પાણીમાં ભળે તેવા ભાંભરા પાણીમાં હિલ્સા મળે અને તેમાંય ભરૂચના ટાઈગર પ્રોન તો ઝીંગા ખાનારની મોટી ડેલીકસી. જોકે નર્મદા એવોર્ડની સમજૂતી અંતર્ગત સરદાર સરોવરમાંથી મત્સ્ય ઉત્પાદન લેવાનો હજી પ્રતિબંધ હતો. તે વર્ષે ઘર આંગણે જૈનોના દબાવમાં મુખ્યમંત્રી કેશુભાઈએ એક વર્ષ માટે ઈનલેન્ડ માછીમારી પર પ્રતિબંધ મૂકતાં તેથી ઈજારદારોને મફતમાં માલ મળ્યો. 

દરિયાઈ માછલીના ઉત્પાદન સામે મીઠા પાણીની ઈન્લેન્ડ ફીશીંગ પણ મહત્વની. કુલ ઉત્પાદનમાં તેનો ફાળો લગભગ ૧૫ થી ૨૦ ટકા. આમ છતાં અમદાવાદ શહેરમાં આંધ્રની ટ્રકોમાં માછલાં રોજ ઉતરતા. તે દિવસોમાં મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાત એક નંબર પરંતુ મત્સ્ય પેદાશોના મૂલ્યમાં કેરાલા નંબર લઈ જાય. અહીંનું મોટું અચરજ એ કે આવડો લાંબો દરિયાકિનારો, માછલાંઓનો પાર નહીં છતાં બહુમતી પ્રજા અહીં શાકાહારી રહેવાનું પસંદ કરતી. 

હું જુનાગઢ હતો ત્યારે પ્રભાસ પાટણ બાજુ જઈએ તો સામે મળતી સૂકાં માછલા ભરેલી ટ્રકો પસાર થાય તો તેની ગંધ ન સહન થતી અહીં તો હવે માછલાં અને માછીમારોના વિકાસનું કામ હાથ આવ્યું. મારી શાકાહારી યાત્રાની કસોટી આવી. ગાંધીજી યાદ આવ્યા. માછીમારો માટે મત્સ્ય પેદાશ તેમની ખેતી છે. આવા સમૃદ્ધ કાંઠે સામાન્ય માછીમારોની આર્થિક સ્થિતિ ગરીબ. તેમાં કેટલાક બોટ માલિકો થઈ વિકાસ પામેલા પરંતુ ખેત ઉત્પાદનની જેમ વધારે નફો તો વેપારીઓ ખાય. અમે મત્સ્ય ઉછેર અને માછીમાર કુટુંબોના વિકાસની યોજનાઓના અસરકારક અમલ અને ગેરરીતિઓના નિયંત્રણ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. ચોમાસામાં હવામાન ફેરફારો વચ્ચે કેટલાક માછીમારો દરિયો ખેડવાનું ચાલુ રાખે અને દરિયો ગાંડો થાય એટલે આફતમાં પડે અને મરણ થાય. અમે ચોમાસામાં માછીમારી પ્રતિબંધને અસરકારક બનાવ્યો અને તેની મુદત ૧૫ દિવસ વધુ લંબાવી. આમેય મત્સ્ય મેટીંગ અને બ્રિડીંગ ચોમાસામાં થાય તેથી પ્રતિબંધનો અમલ મત્સ્ય ઉત્પાદનના વધારામાં પરિણમતો. 

એ વખતે મોટરથી ચાલતી ટ્રોલર બોટોને સરકાર વેચાણવેરા મુક્ત રાહત દરે ડીઝલ આપતી. IOCમાંથી ડીઝલ સીધું GFFC અને બીજી સહકારી મંડળીઓના ડીઝલ પંપો મારફત બોટધારકોને સસ્તુ ડીઝલ અપાતું. તે માટે રાશન કાર્ડની જેમ અમારી જિલ્લા કચેરીઓ ડીઝલ કાર્ડ આપતી. સબસિડી હોય એટલે ચોરીની ફરિયાદ રહેવાની. કેટલાક માછીમાર બોટ ધારકો ટ્રેલર્સની જોડે ટ્રકો ધરાવતા તેથી ટ્રેલરનું ડીઝલ ટ્રકોમાં વપરાવા લાગ્યું. ટ્રોલર હોય જ નહીં અને ભૂતિયા ડીઝલ કાર્ડથી ડીઝલ વગે થવાની ફરિયાદો જાણીતી હતી. મેં વિષય અભ્યાસ કર્યો. GFFCના પ્રમુખ સાથે ચર્ચા કરી આખું ઓપરેશન સમજ્યું. માંગરોળ, પોરબંદર, વેરાવળ પ્રવાસ કરી માછીમારોના પ્રતિનિધિઓને સાંભળ્યા અને ડીઝલ ચોરી રોકવા એક વ્યૂહરચના ઘડી કાઢી. ડીઝલ કાર્ડ પર સીધુ સબસીડાઈઝ્ડ ડીઝલ આપવાને બદલે અમે રીએમ્બર્સમેન્ટ સ્કીમ લાગુ કરી. બોટ ધારકોએ હવે પૂરા પૈસા ચૂકવી ડીઝલ ખરીદવાનું અને માસિક બીલ બનાવી જિલ્લા કચેરીએ રીએમ્બર્સમેન્ટ ક્લેઈમ કરવાના. અમે તેમના બોટ રજિસ્ટ્રેશન નંબર ચકાસવાનું શરૂ કરી દીધું અને તેને ક્લેઈમ સાથે જોડી દીધા. પરિણામે એક એક ટ્રોલર ઓળખાયા અને તેની ટ્રીપ ક્ષમતાને જોઈ ડીઝલ વપરાશ પર મોટું નિયંત્રણ આવ્યું જેને કારણે સરકારના કરોડો રૂપિયા બચ્યાં. ગેરરીતિ કરનારાઓએ શરૂઆતમાં હોબાળો મચાવ્યો પરંતુ અને મક્કમ રહ્યા અને મિંશન ગેરરીતિ નિવારણ પાર પાડ્યું. કલમના એક ગોદે અનિયમિતતાનો રાફડો તોડી પડાયો. 

એ વખતે ભારત સરકાર મારફત ફ્રાંસની એક ફીશરીઝ કોઓપરેટિવ કોફપોસ દ્વારા ઇનલેન્ડ ફીશરીઝના વિકાસ માટે ગુજરાતમાં એક અને મહારાષ્ટ્રમાં એક એક યુનિટમાં ટેકનોલોજી ટ્રાન્સફર અને લોન સહાય સાધનોનો પ્રોજેક્ટ મંજૂર થયો. ગુજરાતમાં અંકલેશ્વર નજીક ઉમરવાડામાં એક ફીશ પોન્ડ પસંદ કરી હેચરી વિકાસનો પ્રોજેક્ટ શરૂ કર્યો. હેચરીમાં તંદુરસ્ત સીડ્સ વિકસાવી પછી તળાવોમાં છોડવાના. ટેકનોલોજી ટ્રાન્સફરને બહાને ફ્રાંસના અધિકારીઓનું પર્યટન શરૂ થયું અને ત્યાંથી આવેલા સાધનો અને ટેકનોલોજી સાથે ગુજરાતી બુદ્ધિનું મિસમેચ થતાં પ્રોજેક્ટ નિષ્ફળ ગયો. મને ઈતિહાસ યાદ આવ્યો. ૧૮મી સદીમાં ભારતીય બુદ્ધિ અંગ્રેજો સાથે મેચ કરી ગઈ અને ફ્રેન્ચ સાથે મીસમેચ તેથી અંગ્રેજોનું રાજ સ્થપાયું અને ફ્રેન્ચોએ જવું પડયું. 

આપણો રત્નાકર સાગર મત્સ્ય પેદાશોથી ભરપૂર. તેમાંય જ્યાં ભારત અને પાકિસ્તાનની સરહદ ભેળી થાય ત્યાં તો પ્રોમ્ફ્રેટનો ભંડાર. એક ફેરો પાર પડે તો લાખોનો ફાયદો તેથી પકડાવાની બીક લાગે તો પણ અહીંના માછીમારો તે હદમાં પ્રવેશવાનું ન ભૂલતાં. તેમને રોકવા અને જાગૃત રાખવા અને વાયરલેસ સેટ ઉભા કર્યા. GPRS સાથે જોડ્યા. પરંતુ તેઓ જાય તો ખરાં. ન જાય તો પોમ્ફ્ર્ટનો ખજાનો અને દરિયાની લહેરો તેમને ખેંચી જાય. પકડાય એટલે પાકિસ્તાનની જેલોમાં છ મહિના કે બાર મહિના વિતાવવા પડે અને અહીં અમારે તેમના કુટુંબને ભરણપોષણ માટે કેશડોલ સહાયની વ્યવસ્થા કરવી પડે. પછી આપણે પણ પાકિસ્તાની માછીમારો પકડ્યા હોય તેથી બંને દેશનાં ડેલિગેશનો પરસ્પર આવે જાય અને એકબીજાના માછીમારો છોડાવી લાવે. હવે તો દરિયો એટલો લૂંટાયો છે કે કિલોમાં મળતી પોમ્ફ્રેટ માછલીઓ ગ્રામમાં આવી ગઈ અને લોબસ્ટર જીંગો ઘટવા કે અદૃશ્ય થવા લાગ્યો. ઉત્તરોત્તર દરિયામાંથી માછલી-ઝીંગા પકડવાનું ખર્ચ વધતાં માછીમારો હવે દરિયા કાંઠાની વેસ્ટ લેન્ડમાં ઝીંગા ઉછેર તરફ વળ્યા છે જેને કારણે આજે ઝીંગા ઉછેરમાં ગુજરાત દેશમાં અગ્રસ્થાન મેળવી રહ્યું છે. જો કે તે વર્ષોમાં મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે હતુ, આજે હવે બીજા ક્રમે છે.

માછીમારોને તે સમયે ૯૦% સહાયથી માછલી પકડવાની નાયલોન નેટ અપાતી. નળ સરોવરના માછીમારો તે નોટનો ઉપયોગ પક્ષીઓ પકડવા કરતાં હોવાનું ધ્યાને આવતાં અને તે સહાય તે વિસ્તારમાં બંધ કરી દીધી હતી. તે સાઈટને પછીથી ૨૦૧૨માં રામસર સાઈટ તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા મળેલી છે. એક લઈ બીજું આપ્યું. ત્યાંના નાના કઠેચી, રાણાગઢ, શાહપુર વગેરે ગામોમાં માછીમાર આવાસ યોજના અંતર્ગત આવાસો મંજૂર કરી તેમને યોજનાકીય લાભ પહોંચાડ્યા. 

૨૦૦૧ના વર્ષમાં રાજ્ય તંત્ર જ્યારે ભૂકંપ રાહત અને પુનર્વસનના કામમાં જોતરાયુ હતું ત્યારે સ્વાભાવિક રીતે લોકો આવડી મોટી કુદરતી આપદાથી પીડાયા હોય તેથી સરકાર વિરુદ્ધ આક્રોશ રાખે. એવામાં સાબરમતી અને સાબરકાંઠા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી આવી. સત્તાપક્ષ તે બે બેઠકો હારતાં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ વિરુદ્ધ તેમના પક્ષમાં ચાલતાં ગ્રુપને બળ મળ્યું. ૨૧ ધારાસભ્યોએ સહી કરી મુખ્યમંત્રી વિરુદ્ધ આવેદનપત્ર તૈયાર કરી હાઈકમાન્ડને મોકલ્યું. દિલ્હીમાં બેઠક થઈ. રજૂઆત કરનાર કેટલાકને મુખ્યમંત્રીની ખુરશી તેમની તરફ આવતી દેખાઈ તેથી બળુકા બન્યા. મુખ્યમંત્રીને ઠપકો આપી ઠારવાની બેઠક તેમને બદલવા તરફ આગળ વધી. હું નહીં તો તે નહીંની તકરારમાં એકવાર ફરી ૧૯૯૫ની જેમ કચ્છના એમએલએ તરફ ધ્યાન ગયું પરંતુ આ વખતે નામ સુરેશભાઈનું નહીં પરંતુ વિધાનસભાના સ્પીકર ધીરુભાઈ શાહનું હતું. પરંતુ ત્યાં આશ્ચર્ય સર્જાયું. હાઈકમાન્ડે નરેન્દ્રભાઈ મોદીને પસંદ કરી પ્રસ્તુત કર્યા. તે એક ઐતિહાસિક ઘડી હતી જેણે આગળ જઈ મોદી સાહેબ, ગુજરાત અને ભારત દેશનું ભાવિ પલટ્યું. તેઓ ટૂંકી બાંયનો ઝબ્બો, લેંઘો અને ચપ્પલ પહેરી ખભે એક લાંબો બગલથેલો ભરાવી સરકીટ હાઉસની રૂમ નં.૮માં પ્રવેશ્યા અને ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ શપથવિધિ ગ્રહણ કરી ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી બન્યાં. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય અને નાણામંત્રી વજુભાઈ વાળાએ તેમના માટે ધારાસભ્યની બેઠક ખાલી કરતાં ફેબ્રુઆરી ૨૦૦૨માં પેટા ચૂંટણી લડ્યા. તે વખતે ગુજરાતમાં બીજી બે પેટાચૂંટણી વડોદરા અને સુરતમાં લડાણી. ૨૪ ફેબ્રુઆરી ૨૦૦૨ ના રોજ પરિણામ આવ્યા તો બીજેપી માત્ર રાજકોટ જીત્યું. 

નવા મુખ્યમંત્રી તો ખુરશી પર નવા હતા પરંતુ બીજેપી સંગઠન પાંખ પર ૧૯૮૬થી કાર્યરત હતાં. કેશુભાઈ પટેલની પહેલી સરકાર (૧૯૯૫)માં તેમની સરકારમાં હાજરીની ચર્ચા અધિકારી વર્ગમાં થતી. મેં તેમને પહેલીવાર ટીવી પર મધ્યપ્રદેશ વિધાનસભાની (૧૯૯૮)ની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરતાં જોયા હતાં. હું ત્યારે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી નિરીક્ષક તરીકે ફરજ પર હતો. બીજેપી ૧૯૯૩ની જેમ માત્ર ૧ ટકા વોટના માર્જિનથી ચૂંટણી હારી હતી પરંતુ જે પ્રકારે તેણે કોંગ્રેસના મુકાબલા માટે તેના સંગઠનની તાકાત મજબૂત કરી અને ચૂંટણી પ્રચારની અસરકારકતા વધારી તે મહત્વનું હતું. તે તાકાતથી બીજેપી પછી મધ્યપ્રદેશ વિધાનસભાની ૨૦૦૩, ૨૦૦૮, ૨૦૧૩, ૨૦૨૩ ચૂંટણીઓ અને લોકસભા સરળતાથી જીતતી રહી. તેમની સંગઠનાત્મક તાકાત અને ઈવેન્ટ મેનેજમેન્ટની કુશળતાના લાલકૃષ્ણ અડવાણીજી પણ વખાણ કરતાં. બીજાને સાંભળી તેમની બુદ્ધિને ગ્રહણ કરવાની તેમની ક્ષમતા અદ્ભુત હતી. 

તેમની રાજકોટ ધારાસભાની પેટાચૂંટણી વખતે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ હતી. ચૂંટણી પંચે મને બાગપત વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી નિરીક્ષક તરીકે ફરજ સોંપી હતી તેથી હું યુપી ક્ષેત્રમાં હતો. ત્યાંના સમાચાર પત્રોમાં ગુજરાતથી આવેલા કારસેવકોની ક્યાંક ટચુકડી નોંધ સિવાય વિશેષ ચર્ચા ન હતી. ૨૪મી ફેબ્રુઆરીના રોજ ઘોષિત થયેલ યુપી ચૂંટણીના પરિણામો માયાવતીના પક્ષે આવ્યા અને કારસેવકો ૨૫ એપ્રિલે લખનૌથી સાબરમતી ટ્રેનમાં બેસી જય શ્રી રામના નારા સાથે વતન પરત આવવા રવાના થયા. ૨૬ એપ્રિલની તે રાતે ટ્રેન મોડી ચાલી રહી હતી. ૨૭ એપ્રિલ વહેલી સવારે ગુજરાત પહોંચી જેવી દાહોદ સ્ટેશને ઉભી રહી તો પ્લેટફોર્મ પર કહેવાય છે કે ચાની એક લારીના વેન્ડર અને કેટલાક પેસેન્જર વચ્ચે થોડી ચણભણ થઈ. ત્યાંથી ઉપડી ટ્રેન સવારે પોણા આઠે ગોધરા પહોંચી ઉભી રહી. ફરી પાછી પ્લેટફોર્મ પર કોઈ માથાકૂટ થઈ. વાતાવરણ ગરમાયું અને ટ્રેને પ્લેટફોર્મ છોડ્યું પરંતુ સિગ્નલ ફળિયે કોઈકે ચેઈન પુલિંગ કરતાં ટ્રેનના છેલ્લા ડબે હજી પ્લેટફોર્મનો છેડો છોડ્યો હતો અને ઉભી રહી. બાજુના ફળિયાથી પથરાવ શરૂ થયો અને થોડીક વારમાં S-6 ડબામાં આગ લાગી ગઈ. ૨૭ મહિલા, ૧૦ બાળકો, ૨૨ પુરૂષો મળી કુલ ૫૯ મુસાફરો ભડથું થઈ ગયા અને ૪૮ ઘવાયા. ગુજરાત આખું કંપી ઉઠ્યું. તે દિવસ આખો ભારેલા અગ્નિની જેમ પસાર થયો અને ૨૮ ફેબ્રુઆરીએ બદલાની આગમાં રાજ્યમાં કોમી રમખાણો ભભૂકી ઉઠ્યા. VHP દ્વારા ગુજરાત બંધનું એલાન થયું અને તેને ટેકો મળ્યો. તોફાનો ફેલાયા અને ૨૭ શહેરો/નગરોમાં કર્ફ્યૂ લાગ્યો. આર્મી બોલાવી પરંતુ તોફાનોના પહેલાં ત્રણ દિવસોમાં ઘણું તબાહ થયું. તોફાનોમાં વિસ્થાપિત થયેલાં લોકો માટે રાહત કેમ્પો ખોલાયા. મે ૨૦૦૨ સુધી જઈ ગુજરાત શાંત પડ્યું. રમખાણોએ ૧૦૪૪ માનવોનો ભોગ લીધો, ૨૨૩ લાપત્તા ગણાયા. ૨૫૦૦ જેટલાં ઘાયલ થયાં અને માલસામાન, ઘરો, ઈમારતોનું નુકસાન કરોડોમાં થયું. 

હું ઉત્તર પ્રદેશની ચૂંટણી ફરજ પરથી પાછો ફર્યો. લક્ષ્મી પિતાજીના દાણીલીમડા અમદાવાદના મકાને નાનકડુ રીપેરીંગ કરાવવા ગઈ હતી. મેં ૨૮ ફેબ્રુઆરીના દિવસે પરિસ્થિતિની ગંભીરતા જોઈ. દાણીલીમડા વિસ્તાર જે જમાલપુર અને શાહઆલમની વચ્ચે આવેલો તેથી તેની સંવેદનશીલતા વધારે. હું લક્ષમીને લેવાં અમદાવાદ ભાગ્યો. અમે એ ટોળાઓ, તેમના તોફાનો અને પોલીસ ફોર્સનું રીએક્સન બધું નજરોનજર જોયું અને ચૂપચાપ ગાંધીનગર ભેગા થઈ ગયા. અમારે તે સમયે ઉજ્જવલ વલ્લભવિદ્યાનગર અને ધવલ નડિયાદ અક્ષર પુરૂષોત્તમ છાત્રાલયમાં રહી કોલેજ શિક્ષણ ભણે. અમે તેમને ત્યાં જ રોકી દીધા અને ત્રણ મહિના પછી છેક જૂનમાં ગાંધીનગર ઘેર આવવાની છૂટ આપી. 

૧૦મી ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ ફેબ્રુઆરી ૧૯૯૮માં થયેલી અને કેશુભાઈ પટેલની સરકાર ૪ માર્ચ ૧૯૯૮ના રોજ બનેલ તેથી વિધાનસભાની મુદત ફેબ્રુઆરી-માર્ચ ૨૦૦૩માં પૂરી થતી હતી. પરંતુ સરકારે રાજીનામું આપ્યું અને જૂન-જુલાઈ ૨૦૦૨માં ચૂંટણીઓ યોજાય તે માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ. તે વખતે દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર જેમ્સ માઈકલ લિંગદોહ ચૂંટણીની તારીખ નક્કી કરવાના વિવાદના ઘેરામાં આવ્યા પરંતુ તેઓ ચૂંટણી ડિસેમ્બર ૨૦૦૨માં કરાવવા મક્કમ રહ્યા. સત્તા પક્ષને પ્રચાર માટે વધારાના છ મહિના મળ્યા. ત્યાં સપ્ટેમ્બર ૨૪, ૨૦૦૨ અક્ષરધામ આતંકવાદી હુમલામાં ૩૧ નિર્દોષ લોકો માર્યા ગયા. સંતો અને સ્વયંસેવકોએ મુખ્ય મંદિર અને પ્રદર્શન હોલોના દરવાજા બંધ કરી દીધા જ હતાં પરંતુ એક 
પ્રદર્શન હોલના દરવાજાને અઢેલી ઊભેલી એક મહિલાએ પેનિકમાં મને બહુ ગભરામણ થાય છે એવી બહુ મોટેથી ચીસો પાડતાં દરવાજો જરૂર ખોલ્યો ત્યાં બહાર જ ઉભેલા ત્રાસવાદીઓએ ૩૧ ઈસમોને ગોળીઓથી વીંધી દીધા અને બીજા ઘાયલ કર્યા. પોલીસ આવી, કમાન્ડો આવ્યા અને એન્કાઉન્ટરમાં બે ત્રાસવાદી પણ માર્યા ગયા. હવે ચૂંટણીના પરિણામો દિવાલ પર લખાઈ ગયા હતાં. મોદી સાહેબની આગેવાનીમાં બીજેપી ૧૨૭/૧૮૨ બેઠકો જીતી વિજયી બની. આ વિજય રથ હવે કોઈથી રોકાવાનો નહોતો. 

મત્સ્યોદ્યોગ કમિશ્નર તરીકેની મારી કામગીરીની ભારત સરકારમાં નોંધ લેવાણી. JICA અંતર્ગત ત્રણ અઠવાડિયાની તાલીમ માટે કૃષિ મંત્રાલયે મારી પસંદગી કરી. બે પૈકી એકની પસંદગી વખતે PMOમાંથી અશોક સાઈકિયા સાહેબ મદદે આવ્યા અને મારા નામ પર મહોર મરાવી. પરંતુ હજી હું તાલીમ માટે જાઉં ત્યાં મોટી ઘટનાઓના એ વર્ષમાં મારી બદલી થઈ. મારે જાપાન જવાનું અને સરકારે મને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે નિમણૂક આપી એક સીમાચિહ્નરૂપ કામ કરવાની તક ઊભી કરી. મેં મુખ્યમંત્રી મોદી સાહેબને એક વર્ષ પૂરા થયાની તારીખે (૭ ઓક્ટોબર ૨૦૦૨) ગુજરાત એસટીનો ચાર્જ સંભાળ્યો. 

૩ ઓક્ટોબર ૨૦૨૫

Thursday, October 2, 2025

કચ્છ ભૂકંપ બચાવ રાહત કામગીરી (૨૦૦૧)

 કચ્છ ભૂકંપની બચાવ રાહત કામગીરી (૨૦૦૧)

૨૭ જાન્યુઆરી ૨૦૦૧ ના રોજ અમે ભચાઉમાં દાખલ થયા તો ચારે બાજુ તબાહીનો મંજર. મકાનો બહુ બધા જમીનદોસ્ત. ધરા હજી વારેવારે ધ્રુજી હ્રદયોને ધ્રુજાવી રહી હતી. હું એક ધ્વસ્ત થયેલા મકાન આગળ આવી ઊભો. નીચે ખૂબ ઊંડાણમાંથી કોઈકના કણસવાની કે મદદની પોકારનો અવાજ મલબો ચીરી ધીમેથી આવી રહ્યો હતો. બેએક માળની ઈમારતના કાટમાળ નીચે તે દબાયા હતા. મને થયું અબ ઘડી કાટમાળ હટાવી તેમને બહાર કાઢી લઉ. પરંતુ આરસીસીના ગચિયા મારાથી ન હલ્યા. મેં એક કોન્સ્ટેબલને જોયો, બૂમ પાડી બોલાવ્યો અને કહ્યું આમને બચાવી બહાર કાઢો. કહે સાહેબ આ મલબો માનવીય હાથથી ઉઠે એવો નથી. આ એક નહીં આવા તો અનેક મકાનોમાં માણસો દબાયા છે પરંતુ મલકો હટાવવો કેવી રીતે? ના જેસીબી છે ના કોઈ બીજા સાધનો. ડ્રાયવરો મજૂરો કોઈ નથી. વીજળી પણ બંધ. બધું થંભી ગયુ છે. કુદરતી કહેર સામે માણસની લાચારી જોઈ મારી આંખોમાં અશ્રુ વહ્યા. હું બીજા થોડાક મકાનોની ગલીમાંથી પસાર થયો. ભૂકંપ ટ્રેમર્સ ચાલુ હતા. મરતાં માણસ કેમ બચાવવા? મારે ભૂજ પહોંચવાનો આદેશ હતો તેથી થયું જિલ્લા કચેરીએ જઈ રાવ નાંખીશું. દુઃખી હ્રદયે મેં ભચાઉ છોડ્યું. 

ભૂજ પહોંચી પહેલાં કલેક્ટર કચેરીએ પગ દીધો. મારી ૬-૭ વર્ષ જૂની કચેરી, કેમ જાણે આજે ખંડેર જણાઈ. કલેક્ટર કમલ દયાનીને જોયાં જાણે અવાચક, સાવ ડઘાઈ ગયેલા. મેં પૂછપરછ કરી તો કહ્યું ગાંધીનગરથી જી સુબ્બારાવ સાહેબ આવ્યા છે અને સામે RDCની રૂમમાં બેઠા છે. ત્યાં RDC આર. એસ. નિનામા મળ્યા. તેની બોડીમાં મેં કરંટ જોયો. હું જઈ જી સુબ્બારાવ સાહેબને મળ્યો અને જણાવ્યું કે મને આપની સાથે ભૂકંપ બચાવ રાહતની કામગીરી માટે મોકલ્યો છે. ગાંધીનગરથી એક ટીમ સરકારી હવાઈ જહાજથી પહોંચી ચૂકી હતી. ભૂજ આર્મી, એરફોર્સ, બીએસએફનું મથક તેથી બચાવ કામગીરીમાં તેઓ અને પોલીસ, યુનિફોર્મ ફોર્સ કામે લાગી ગયો હતો. ઘાયલને ભૂજ સિવિલમાં અને અતિ ઘાયલને અમદાવાદ કે બીજી મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. 

જી સુબ્બારાવ સાહેબ અને મેં જુદાજુદા વિભાગના અધિકારીઓને કામગીરી સોંપવા અને તેનું દૈનિક સંકલન મીટીંગ થાય તેવી રૂપરેખા ઘડી. પરંતુ બધા પાસે પહોંચવું કેવી રીતે? વીજળી નહી. ટેલીફોનના થાંભલાઓ ધરાશાયી તેથી ફોન બધા બંધ. ભૂજની ટ્રકો, સરકારી વાહનો બધા ઊભા. ડ્રાઇવર બધા ગાયબ. કોઈ વાહન ચાલે તો વીજળી વિના ડીઝલ પેટ્રોલ ક્યાંથી મળે? મને કોઈક ટેબલના ખાનામાંથી છૂટા થોડા કાગળ હાથ લાગ્યા, એક બે કાર્બન પેપર મળ્યા. ૧૯૭૯ના ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ગુજરાત કોલેજના હેડક્લાર્કે આપેલું મુસદ્દા કોપી કરવાનું યાદ આવ્યું. પેન ખોલી સૂચના મુસદ્દા લખ્યા અને જે અધિકારી સાહેબો મળવા આવે તેમને સૂચના પકડાવવાનું શરૂ કર્યું. 

આરોગ્ય કમિશનર આર. એમ. પટેલ સાહેબે હસતા હસતા કહ્યું કે પૂનમભાઈ તમારે અમને સૂચના આપવાની છે? મેં હળવેથી જવાબ આપ્યો સાહેબ આ ઘડી કોઈ અધિકારી નાનો નથી કે મોટો નથી. કુદરતી આપત્તિ સામે એક ટીમ બની આફતમાંથી પ્રજાને બહાર લાવવાની છે. કચ્છના પૂર્વ કલેક્ટર તરીકે મને મારી પ્રજાની પીડા સતાવી રહી હતી. 

ભૂકંપમાં ભૂજ હોસ્પિટલ ભાંગી પડી હતી અને ચારસોથી વધુ દર્દીઓ અને હાજર સ્ટાફ દટાઈ મર્યા હતા તેથી મેડીકલ ટીમો ઉભી કરી ઈજાગ્રસ્તોની સારવાર કરવું અતિ કપરું કામ હતુ. શરૂના ચાર દિવસ તો આર્મી બેઝ હોસ્પિટલ મોટી કામમાં આવી. પૂણેથી પણ તેમની એક બીજી ટીમ આવી પહોંચી હતી. દરમ્યાન જ્યુબિલી ગ્રાઉન્ડ પર IMAના સહયોગથી એક કામચલાઉ ટેન્ટ હોસ્પિટલ ઊભી કરી કામ આરંભાયું હતું. લાલન કોલેજમાં રેડક્રોસની ટીમો કામે લાગી સારવાર કેન્દ્રો શરૂ કરી દીધા હતા. જે ઉપલબ્ધ હતું તે ગોઠવી રેસ્ક્યુ થયેલાને સારવાર આપવા અને જરૂર જણાય ત્યાં મોટી હોસ્પિટલોમાં ખસેડવા ટીમો ખડે પગે કામ કરી રહી હતી. બીજા જિલ્લાઓમાંથી બોલાવેલા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ આવી કામે લાગવા માંડયો. પછી તો બીજા દેશો, રાજ્યોમાંથી મેડીકલ એઈડ આવવી શરૂ થઈ. બીલ ક્લિન્ટન અને બીજા એનજીઓ જોડાયા અને સ્થાનિક પટેલ હોસ્પિટલમાં બનેલ ઈઝરાયલની ટેન્ટ હોસ્પિટલમાં પહેલી ડીલીવરી થઈ ત્યારે થયું કે આરોગ્ય સેવાઓ પાટે ચડી. રેસ્ક્યુ સારવાર કામ ચાવતી હતી ત્યાં એપેડેમીક કંટ્રોલના કામે બધા લાગ્યા. આરોગ્ય કમિશ્નર આર એમ પટેલ સાહેબ અને આરોગ્ય મંત્રી અશોક ભટ્ટે સંકલનથી બેનમૂન કામ કર્યું. 

મેં ભચાઉ જોયું હતું તેવા હાલ ભૂજમાં હતા. લોકો મલબા નીચે પરંતુ મલબો હટાવવાના સાધનો અને મજૂરો નહીં. હું શહેરમાં ફર્યો અને માનવ મડદાં ખાઈ શક્તિહીન બનેલાં કૂતરાઓને જોઈ અરેરાટી ઉપજી. માનવ જીવનની આ નશ્વર હાલત મને હચમચાવી ગઈ. માનવ મડદાની દુર્ગંધ વચ્ચે પણ ડેડ બોડીઓ કાઢી તેમની સન્માનભેર અંતિમ વિધિમાં લાગેલા સ્વયંસેવકોને જોઈ માનવતાની ગંધ અનુભવી.  

એટલામાં ખબર આવી કે રીલાયન્સના જેસીબી રવાના થઈ ગયા છે. ૧૨-૧૫ કલાકે પહોંચી ડેબરી ખસેડવાનું ચાલુ થઈ જશે. અમે આશાના કિરણની જેમ તે મશીનોની રાહ જોતા હતાં ત્યાં ખબર પડી કે સૂરજબારીનો પુલ તૂટી ગયો હોવાથી હવે મશીનો મહેસાણા રાધનપુરના રસ્તે થઈ આવશે. તેને આવવામાં બે દિવસ બગડ્યા. 

અહીં અમારું ધ્યાન વીજળી અને ટેલિફોન સેવાઓ ચાલુ કરવા તરફ. વીજળી ચાલુ થાય તો પીવાના પાણીના ટ્યુબવેલ ચાલુ થાય, ઘંટીઓ ચાલુ થાય તો અનાજ દળાય અને લોકોનો રોટલો ચાલુ થાય, પેટ્રોલ-ડીઝલ પંપો ચાલુ થાય તો વાહનો ચાલુ થાય, વાહનો ચાલુ થાય તો બચાવ રાહત કામગીરી ઝડપી બને. જીઈબી, પાણી પુરવઠા અને ટેલિફોન ખાતાના અધિકારીઓ ખડે પગે લાગી ગયા અને પોત પોતાના યુનિટોનું સંકલન કરી સબ સ્ટેશનો, પંપીંગ સ્ટેશનો ચાલુ થાય તે માટે મચી પડ્યા. પાણી પુરવઠાના રાધાકાંત ત્રિપાઠી સાહેબ તો આવતાં જ કામે ચડ્યા અને તેઓ ફીલ્ડમાં જ રહે તેથી અમને ન મળે પરંતુ તેમનું કામ તરત બોલવા લાગ્યું. જીઈબીના અધિકારીઓએ તૂટેલા સબ સ્ટેશનો ફરી ઉભા થાય ત્યાં સુધી આડી ઊભી લાઈનો જોડી પાવર સપ્લાય ચાલુ કરાવ્યો તે તંત્રની મોટી જીત હતી. 

ધીમે ધીમે બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલી ટીમો સાથે સંકલન ગોઠવાવા લાગ્યું. સુરેશભાઈ સક્રિય થયા. ત્યાં દિલ્હીથી પ્રધાનમંત્રી આવી રહ્યા છે તેવો મેસેજ મળતાં પ્રધાનમંત્રીને નુકસાનનો શું અંદાજ આપવો તેની ચર્ચા થઈ. કચ્છની વસ્તી તે વખતે ૧૫ લાખ તેથી અંદાજે ત્રણ લાખ મકાનો ગણી તેના ૫૦% લેખે ૭.૫ લાખ મકાનો નાશ પામ્યાનું અને ભચાઉ, ભૂજ, અંજારની જાનહાનિની જે વાતો સાંભળી હતી તે ધ્યાને રાખી અંદાજે વીસેક હજાર જેટલા માનવ મૃત્યુ, તેનાથી ત્રણ ગણા પશુ મૃત્યુ, લાખેક ઈજાગ્રસ્ત ગણી તથા જાહેર ઈમારતો, અસ્પતાલો, શાળાઓ, રસ્તા, સબસ્ટેશનો, ટેલિફોન, વગેરેના નુકસાનના અંદાજો બાંધી અમે એક આવેદનપત્ર બનાવી દીધું. સુરેશભાઈ મહેતાને બતાવ્યું તો તેમને ઓછુ જણાયું પરંતુ સર્વે અંદાજો મેળવવાનો સમય કે સગવડ ક્યાં હતી? તેમણે મોઢું બગાડ્યું પરંતુ હાથે ચડ્યું એ હથિયાર અમે નુકસાનથી પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા. તેમણે લોકોના દુઃખ દર્દ જાણ્યા અને દિલ્હી જઈ તરત જ બચાવ રાહત ટીમો, રાહત સામગ્રી, વોટર કુલર મશીન વગેરે રવાના કર્યાં. ભૂજ જનરલ હોસ્પિટલ નવી બાંધી અદ્યતન કરવા હુકમો છોડ્યા. 

ભૂકંપનું એ પહેલું અઠવાડિયું કપરું હતું. ભૂકંપ હજી સમાપ્ત નહોતો થયો. ટ્રેમર્સ ચાલુ તેથી શહેર આખું બહાર ઊંઘે. કડકડતી શિયાળાની રાતો. અમે કચેરી છોડીએ ત્યારે રાતના ૧૧–૧૨ થઈ જતાં. વળી પાછા સવારે ૬-૭ વાગે કચેરીમાં આવી જઈએ. પરંતુ રાત્રે સૂવા ક્યાં જઈએ? લેઉવા પટેલ સમાજવાડીના ગેસ્ટ હાઉસમાં મર્યાદિત રૂમ તેથી સીનીયર સાહેબો મંત્રીઓ ઉપલબ્ધ રૂમોમાં અને મેં કંપાઉન્ડમાં ખુલ્લામાં ગોદડા પાથરેલા તેમાં એકની ભેળાં બે થઈ જ્યાં થોડું ઓઢવાનું મળે ત્યાં ઘૂસી ત્રણ રાત પસાર કરી. જીસુબ્બારાવ અને હું મોડી રાતે કચેરી છોડતાં. સાહેબને મારી રાત્રે સૂવાની તકલીફની ખબર પડી એટલે ચોથે દિવસે તેમની રૂમમાં મને રૂમ શેરિંગની જગા કરી. વીજળી તો હતી નહિ તેથી ડોલ ભરી જે પાણી મળે તેનાથી અમે નાહતા. હું ચાર દિવસે નાહ્યો. પછી તો પાણી બહાર ગરમ કરી એક એક ડોલ પાણી ગરમ મળે તેવી સ્વયંસેવકોએ વ્યવસ્થા કરતાં રાહત થઈ. એક નાહી રહે અને બીજાની ચિંતા કરે. મંત્રી અશોક ભટ્ટ પણ ડોલ ઉચકી એકબીજાને પહોંચાડવા અમારી સાથે લાગી જતા. 

મારી પાસે પોતાનું ખાવાનું તો કશું હતું નહીં. તેથી RDC અમારે માટે ક્યાંય થી જે કંઈ બિસ્કિટનું પેકેટ લઈ આવે તે ખાઈ અને પાણી જે મળે તેવું પી પહેલાં બે દિવસ ચલાવ્યું. ત્યાં સુધીમાં સામાજિક સંસ્થાઓના રસોડા ચાલુ થતાં અને અછત રાહત સામગ્રીમાં પાણીની બોટલો આવતા અમારી તકલીફો ઓછી થઈ. 

મુખ્યમંત્રી આવી ગયા હતાં. પરંતુ તે દિવસે અમને મુખ્યમંત્રી અને નાણામંત્રીના સંકલનમાં તફાવત દેખાયો. પ્રધાનમંત્રીની મુલાકાત પછી ખબર નહીં સુરેશભાઈને શું વાંકુ પડ્યું જી સુબ્બારાવ સાહેબને પરત બોલાવી સરકારે એલ. માનસિંહ સાહેબને ચીફ કોઓર્ડિનેટર બનાવી મોકલ્યા. જીસુબ્બારાવ સાહેબ ખૂબ ખંતથી કામ કરતાં અને જે રીતે તેમને પાછા બોલાવ્યા તે મને ન ગમ્યું. પરંતુ સરકારી હુકમ એટલે સરકારી હુકમ. તેઓ ગાંધીનગર ગયા પરંતુ નિયતિ તેમના મારફત મારી એક મોટી મદદ કરવાની હતી. 

તેમના સ્થાને આવ્યાં તે મારા જૂના બોસ એલ. માનસિંહ સાહેબ. ત્યાં અંજારમાં મારા બેચમેટ સંજય ગુપ્તા અને ભચાઉમાં બેચમેટ અતનુ ચક્રવર્તી જોડાયા. કલેક્ટર કચ્છ બદલાયા. હું ઊર્જાથી ભરેલો હાજર પરંતુ સુરેશભાઈ પણ હાજર તેથી મારી પર નજર શાની પડે? મારા બેચમેટ અનિલ મુકીમને કલેક્ટર બનાવી મોકલ્યા. ૧૯૮૫ની બેચ આમ ભૂકંપ રાહત કામમાં લાગી પડી. ત્યાં વળી હુકમ આવ્યો કે મારે ભૂજ છોડી રાપર એકમનો ચાર્જ લઈ બચત રાહતની કામગીરી સંભાળવાની છે. પરતું એલ. માનસિંહ સાહેબે ગાંધીનગર વાત કરી મને રોકી લીધો. રાપરમાં અરવિંદ શર્મા કામે લાગ્યા.

એલ. માનસિંહ સાહેબ રીસોર્સફૂલ એટલે તેમણે ક્યાંકથી બે લેપટોપ લાવી દીધાં. મને એક લેપટોપ મળતાં મેં ડેટા અને થઈ રહેલી બચાવ રાહતની કામગીરી નોંધવાનું અને રીપોર્ટ બનાવવાનું શરૂ કરી દીધુ. બેટરીમાં દમ હતો ત્યાં સુધી કામ કરવાનું હતું. વીજળી જલ્દી ચાલુ થવાની ઉમેદ હતી. જીઈબીની ટીમ સફળ રહી. સાતમા દિવસે વીજળી ચાલુ થતાં જીવન ધમધમતું થવા લાગ્યું. મુખ્ય સચિવ મુકુન્દન સાહેબ અધિકારીઓની ટીમ લઈ આવી પહોંચ્યા. અમે માહિતી રજૂ કરી. તેમને આશ્ચર્ય થયું કે આટલી ઝીણવટભરી માહિતી ભેગી કેવી રીતે થઈ. વીજળી, પાણી, ટેલિફોન, વાહનવ્યવહાર, સાર્વજનિક રસોડા અને રાહત સામગ્રી વિતરણ અમારી પ્રાથમિકતા બની. 

અહીં ગાંધીનગરમાં લક્ષ્મી, ઉજ્જવલ, ધવલ ભૂકંપગ્રસ્ત ઘરમાં દિવસો કાપે. લક્ષ્મીએ સ્કૂટર લઈ સેક્ટર-૧૯ અને પછી સેકટર-૨૦નું ચક્કર લગાવી આમતેમ પૂછપરછ કરી એક ખાલી ઘર શોધી કાઢ્યું. મેં તેને ફીશરીઝ કમિશનર કચેરીમાં જઈ મકાન ફેરફારની અરજી તૈયાર કરાવી તેમાં સહી કરી એક અરજી માર્ગ અને મકાન વિભાગના સચિવ જામદાર સાહેબને અને બીજી અરજી નાણાં વિભાગમાં સુબ્બારાવ સાહેબને આપવા કહ્યું. તેણે તેમ કર્યું. મારી ૧૯૮૯માં સીનીયર સ્કેલમાં બઢતી વખતે નાયબ સચિવ માર્ગ અને મકાન વિભાગ તરીકે નિમણૂક થઈ ત્યારે જામદાર સાહેબ ત્યાં સંયુક્ત સચિવ હતાં. જીસુબ્બારાવ સાહેબ અને હું તો હજી હમણાં જ ભેળાં હતાં. મુખ્યમંત્રી કચ્છ આવ્યા ત્યારે મારા પરિવારને મકાનની અગવડની વાત મેં કરી રાખી હતી. સંજોગે અમને મદદ કરી અને સેક્ટર ૨૦માં મકાન ફાળવણી થતાં લક્ષ્મી, ઉજ્જવલ અને ધવલ ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૧ના રોજ કબજો લઈ મકાનમાં રહેવા ગયા જ્યાં હવે પછી અમે બીજા ૧૫ વર્ષ રહેવાના હતા અને તે દરમ્યાન બંને પુત્રોના લગ્ન પ્રસંગો પૂરા કરવાના હતા. એ અમારું સુંદર અને છેલ્લું સરકારી નિવાસસ્થાન હતું. 

આ તરફ કચ્છમાં રાહત સામગ્રીના વહન માટે મહેસાણા તરફથી રસ્તો ચાલુ તેથી રાહત સામગ્રીની ટ્રકોની લંગાર શરૂ થઈ. અધિકારીઓ પણ ફોજની જેમ ખડકાવા લાગ્યા. તે રાહત કામમાં મદદે આવે તે પહેલાં તેમના રહેવા જમવાની સગવડની રાહતના પ્રશ્નો થયાં. એરપોર્ટ પર પણ રાહત સામગ્રીનો ખડકલો ચાલુ થયો. જો એરપોર્ટ ખાલી ન થાય તો બીજી ખેપો રોકાઈ જાય તેથી રાહત સામગ્રીને યોગ્ય જગ્યાએ સ્ટોર કરી, શોર્ટિંગ કરી તેના વિતરણના તંત્રની ગોઠવણની જરૂર ઊભી થઈ. પછીથી સુરજબારી પુલ ચાલુ થતાં તે માર્ગ પણ ખુલ્યો એટલે ધસારો વધ્યો. 

અમે અધિકારીઓ અને કર્મચારીઓ લગાવ્યા. વાહનો જોડ્યા. કેટલાક એનજીઓને જોડ્યા અને રાહત સામગ્રીનું વિતરણ ચાલું કરાવ્યું. પરંતુ કામ ધારીએ તેવું સહેલું ન હતું. ભૂજ એકલામાં પાંચ લાખ ધાબળા વહેંચ્યા પરંતુ ધાબળા લેનારની લાઈનો ટૂંકી થાય નહી. પછીથી ખબર પડી કે કેટલાક કુટુંબો ઘરના દરેક સભ્યને લાઈનમાં ઊભા કરે. ધાબળા લઈ જાય અને ઘેર મૂકી ફરી લાઈનમાં લાગી જાય. જેને વિતરણ કર્યું તે ફરી ન આવે તેવી નોંધ રાખવાનું અને અમલ કરવાનું ક્યાં શક્ય હતું? વિતરણ માટે જે એનજીઓની મદદ લીધી તે પણ જબરા નીકળ્યા. તેમની સંસ્થાના બેનરો બાંધી જાણે તેમની સંસ્થા રાહત સામગ્રી વિતરણ કરી રહી છે તેવી છાપ ઊભી કરવા લાગ્યા. પરિણામે સરકારને કામની ટીકાનો વરસાદ મળે અને સંસ્થાને ત્યાં અનુયાયીઓના દાનની સરવાણી ફૂટે. માંડ માંડ બધાને કાબૂમાં લાવ્યા. 

કચ્છ ભૂકંપ રાહતમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાની બેનમૂન કામગીરીની નોંધ લેવી જ પડે. સંસ્થાએ બ્રહ્મવિહારી સ્વામીને ઉતાર્યા. અમદાવાદ થી પ્રમુખસ્વામી તેમની દરરોજ વહેલી સવારે અને મોડી રાત્રે સમીક્ષા કરે અને રાહત કેન્દ્ર અને રસોડુ કેવી રીતે ચલાવવું તેનું આયોજન અને અમલ કરે. લોકોને આપવની રાહત કીટમાં મીણબત્તી, મેચબોક્ષ, ટોર્ચ, ટોર્ચ સેલ જેવી નાની નાની વસ્તુઓની વિચારણા કરી યાદી બને. રાહત સામગ્રી કીટ બની આવે અને સ્વયં સેવકો વિતરણમાં લાગી જાય. તેમણે એક મોટું રસોડું શરૂ કરેલું. અન્નક્ષેત્રની જેમ રસોડે  મોટી સંખ્યામાં લોકો જમે પરંતુ સારા ઘરના લોકો જાહેરમાં જમવા આવતા સંકોચ કરે અને તેઓ ભૂખ્યા ન રહી જાય તે માટે ટીફીન સેવાની સગવડ કરેલ. મુંદ્રા રોડ પર ખુલ્લી જમીનમાં એક મોટો પતરાનો શેડ બનાવી શિયાળાની ઠંડી સામે અસરગ્રસ્તોને આશ્રયની મોટી વ્યવસ્થા ઊભી કરેલ. અમે પણ ક્યાં પાછળ રહેતાં. રસોડા માટે જરૂરી અનાજ ઘંઉ, ચોખા વગેરે FCIના ગોડાઉનમાં ઉપલબ્ધ હતું તે સંસ્થાને આપી રસોડાને ધમધમતું રાખવા સહયોગ કર્યો. પ્રધાનમંત્રીએ આપેલું મોટું વોટર કુલર આવ્યું તો તે સંસ્થાને આપી જનસેવાના કામમાં લીધું. બ્રહ્મવિહારી સ્વામી સાથે મિત્રતા બંધાઈ અને જીવનભર ટકી રહી.

એલ. માનસિંહ સાહેબને આ વખતે સરકારે આઈટેમ દીઠ રૂપિયા પાંચ કરોડના ખર્ચ મંજૂરીના અધિકારો આપ્યા હતા. તેથી બચાવ રાહત કામમાં એજન્સીઓને જોડવાનો રસ્તો સરળ બન્યો હતો. રૂપિયાની કોથળી ખુલે એટલે તે લેનારા આવી જ જાય. વિના ટેન્ડરે કામ મળવાનું. અંદાજો અંદાજિત, કામ અંદાજિત અને રૂપિયા અંદાજિત. આઈટમ દીઠ પાંચ કરોડની સત્તા એટલે ડેબરી નિકાલની ફાઈલો લાખમાં શેની આવે? દલા તરવાડી જેવી સ્થિતિ. ફેરા લખું ચાર પાંચ ત્યાં લખે દસ બાર. એલ. માનસિંહ સાહેબ કહે પીકે મંજૂરી આપી દઈએ? પરંતુ કયા કામનો કયો રેટ મંજૂર કરવો, કેટલી રકમ મંજૂર કરવી તેનો તાગ કેવી રીતે કાઢવો? અમે વ્યૂહ રચના બનાવી. ભાવોને SORના માન્ય દરો પર બાંધ્યા. કાર્યપાલક ઈજનેરને ફેરાની સંખ્યા અને મલબાના હિસાબને સર્ટિફાય કરવાની જવાબદારી સોંપી અને કરોડની ફાઈલોને લાખમાં મંજૂરી આપી કામગીરીના શ્રીગણેશ કર્યા. બીજા વિભાગોમાં સંબંધિત વિભાગના બજેટ ઉપરાંત ખૂટતી રકમ જોડવા સત્તાનો ઉપયોગ કરતાં. આ ઉપરાંત કામચલાઉ શેડ-કોલોની બનાવવાના કામે અનુભવી અધિકારીઓ હોવાથી ખર્ચ મંજૂરીમાં કોઈ તકલીફ ન પડી. ભૂજમાં જગદીશન આવી ગયા હતા તેઓ નગરપાલિકાના સંકલન થકી મોટું મેદાન શોધી, પ્લોટિંગ કરી ટીન શેડની કોલોની ઉભી કરવા જોતરાયા. 

જુદા જુદા રાજ્યોમાંથી મંત્રી, અધિકારીઓના ડેલિગેશન ઉતરવા શરૂ થયા. વિદેશી ટીમો ઉતરવા વાગી. UNDPની ટીમ લઈ મારા બેચમેટ પ્રવીણ પરદેશી જોડાયા. જાપાનની ટીમ ટેન્ટનો ઢગલો અને આરોગ્ય ટીમ લઈ ઉતરી. તેમની આરોગ્ય ટીમને ગાંધીધામ મોકલી. બીજા કેટલાક દેશોની ટીમ આરસીસી કટરના સામાનો લઈ આવી હતી તે કામે લાગી. પરંતુ સમય પસાર થયો હતો તેથી દટાયેલા જીવતા નીકળવાની સંભાવના નહિવત્ હતી. જે જે ટીમો આવતી ગઈ તેઓને અસરગ્રસ્ત શહેર, ગામોની યાદી આપતાં અને તેમના બજેટની મર્યાદામાં પુનર્વસન એકમ પસંદ કરવાનું કહેતા તેઓ કામે લાગ્યા. આ પ્રયોગ સફળ થયો. આપણાં ચોપડે મદદ લઈ પુનર્વસનનું કામ આપણી ટીમ દ્વારા કરવાને બદલે જે તે એજન્સી, સરકારો દ્વારા તેમની ટીમો કામે લાગવાથી અમારો બોજ હળવો થયો. 

ક્યાંક ક્યાંક કોઈક રાજકીય આગેવાનો આવી અમારી સાથે જીભાજોડી કરી જાય તો અમે તેમના ચોકખા કપડાં તરફ આંગળી ચિંધી અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ કામ કરી મેલાં કરી માનવસેવાનું પુણ્ય કમાવા જણાવતા. 

પછી આવ્યું સર્વેનું અને કેશડોલ વિતરણનું કામ. તંત્રએ કર્મચારી અધિકારીઓની ટીમો બનાવી સર્વે માહિતી મેળવવાનું શરૂ કરી દીધું. 

અહીં એક પ્રસંગ નોંધવો રહ્યો. પ્રધાનમંત્રીની મુલાકાત પછી પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી તેમના સચિવ અશોક સાઈકિયા કચ્છની મુલાકાતે આવ્યા. તેઓ માનસિંહ સાહેબના મિત્ર. તેમનું પખવાડિયાનું રોકાણ. ભૂજમાં અમે રોકાયેલ તે લેઉવા પટેલ સમાજવાડીના મકાન સિવાય બીજે કોઈ વ્યવસ્થા નહીં. પ્રશ્ન થયો સાઈકિયા સાહેબને રાત ક્યાં રોકવા? ત્યાં સમાજવાડી મકાનમાં માનસિંહ સાહેબ અને હું એક જ રૂમમાં રહીએ. બાકીની રૂમોમાં બીજા અધિકારીઓ અને તે પણ શેરિંગમાં. મેં સાઈકિયા સાહેબ માટે રૂમ ખાલી કર્યો અને બહાર લોબીમાં સૂતો. વાવેલું એળે ન જાય. સાઈકિયા સાહેબે એ goodwill યાદ રાખી અને ભવિષ્યમાં મારી જાપાન જવાની એક તાલીમમાં પસંદ કરી વાળી આપી. 

મને રાહત કામગીરી સંચાલનમાં બે મહિનાથી વધુ સમય થયો હતો. ૩૧ માર્ચ ૨૦૦૧ના રોજ ઘેરથી ફોન આવ્યો કે મારા સાળા વિનોદને બ્રેઈનની મોટી તકલીફ થઈ છે અને સારવાર માટે મારી મદદની જરૂર છે. કચ્છમાં ગાડી હવે પાટે ચડી ગઈ હતી. મારી પાસે ત્રણ જોડી કપડાં જે હું ધોઈ સૂકવી વાપરતો તેથી થયું ગાંધીનગર એક આંટો મારતો આવું. માનસિંહ સાહેબની રજા લઈ હું નીકળ્યો. વિનોદની બ્રેઈન સર્જરી થઈ પરંતુ તે ન બચ્યો. ૬ એપ્રિલ ૨૦૦૧ તેનો દેહાંત થયો અને તે જ દિવસે મારા પિતાની કેટરેકટ સર્જરી થઈ. ૧૦ એપ્રિલ ૨૦૦૧ તેમને એન્જાયના દુખાવો ઉપડ્યો અને ૧૨ એપ્રિલ ૨૦૦૧ હાર્ટ એટેકથી તેઓ ૮૧ વર્ષની ઉંમરે વી. એસ હોસ્પિટલમાં ગુજરી ગયા. હજી તેમની અંતિમ ક્રિયા, બેસણું બારમું પતાવ્યું ત્યાં મારી બા બિમાર થઈ. તેને હોસ્પિટલ લઈ ગયા, વેન્ટિલેટર પર મૂકી પરંતુ તે પણ ન બચી. ૨૩ મે ૨૦૦૧ ના રોજ ૭૮ વર્ષની વયે મારા પિતાનો સંગાથ કરવા સ્વધામ પહોંચી ગઈ. છત્ર જવાથી હું સાવ ખાલી થઈ ગયો. તેમના આપેલા સંસ્કાર હવે મારી દીવાદાંડી હતાં. 

૨ ઓક્ટોબર ૨૦૨૫

Wednesday, October 1, 2025

વતન વાપસી અને સ્થાન પ્રાપ્તિ મથામણ

વતન વાપસી અને સ્થાન પ્રાપ્તિ મથામણ 

લ્યુબ્લ્યાના યુનિવર્સિટી, સ્લોવેનિયાથી MBA અભ્યાસ પતાવી હું વતન ભારત પાછો ફર્યો. મેનેજમેન્ટ અને કોમ્પ્યુટરના જ્ઞાનથી મારી વહીવટી સ્કિલમાં વધારો થયો હતો. મનમાં હતું કે સરકારે આટલી મોટી ધનરાશિ ખર્ચી આપણને ભણાવ્યા છે તેથી તે વસૂલ કરવા કોઈ મેનેજમેન્ટને લગતી કાર્યપાલક જગ્યા કે બોર્ડ નિગમના એમડી બનાવશે. પરંતુ જેવા આવ્યા કે સંયુક્ત સચિવ (કલ્પસર યોજના), આયોજન પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગમાં નિમણૂક આપવામાં આવી. કોઈ નિવૃત્ત ચીફ એન્જીનિયર સી. કે. પટેલને કલ્પસર યોજનાના અભ્યાસ માટે OSD તરીકે મૂકેલા તેમની સાથે કામ કરવાનું અને રીપોર્ટિંગ ઓફિસર તરીકે આયોજન પ્રભાગના સચિવ ભગત સાહેબ. કલ્પસર તે વખતે એક કલ્પનાની નીપજ લાગતી. ઈજનેર સી. કે. પટેલ તેનો પ્રી ફિઝિબિલિટી અહેવાલ કોઈક નેધરલેન્ડની એજન્સી જોડે કરાવતા હતા તેથી ન તેમની પાસે કોઈ કામ હતું ના મારી પાસે. પ્રી ફિઝિબિલિટી અહેવાલ આવ્યા પછી તેની ભલામણોના અભ્યાસ પછી ફિઝિબિલિટી અહેવાલ બને પછી DPR બન્યા પછી યોજના થશે કે નહિ તેની ખબર પડવાની. વાત એટલી કે ખંભાતના અખાતમાં ૩૦ કિલોમીટર લાંબો ડેમ બાંધી એક કલ્પસર બનાવવું અને ડેમ પર ૧૦ લેનનો રોડ બનાવી સૌરાષ્ટ્રની ટ્રકો ટ્રાફિકને સુરત સુધીનો એક શોર્ટ ઊભો કરી આપવો. પરિણામે અરબી સમુદ્રમાં સાબરમતી અને મહીના ઠલવાતા મીઠા પાણીનું એક કલ્પસર બને તેની શરૂઆતના ભાંભરા પાણીમાં માછલાં પાકે અને ભાલ કાંઠાની જમીનો નવ સાધ્ય થાય. પરંતુ જ્યાં નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમ માટે નાણાં ઊભા કરવાની મુશ્કેલી ચાલતી હોય ત્યાં અંદાજે ૨૫,૦૦૦ કરોડની આ યોજનાનું ભવિષ્ય ધૂંધળું દેખાય. આમછતાં અભ્યાસ કરીએ તો ખબર પડે કે નવું સાહસ કરવું કે નહીં તેથી અમારું એકમ ચાલુ રહ્યું. ૨૭ વર્ષ પછી હવે તો અંદાજો એક લાખ કરોડ સુધી પહોંચી શકે. 

આ બાજુ રાજકીય વાતાવરણ ભૂકંપ આવે ત્યાં સુધી શાંત પડી ગયું હતું. સત્તા કાલ જતી હોય તો આજ જાય, જૂત્તે મારીના અંદાજમાં મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું સંકલન ઘર આંગણે તેમની સરકારને ટેકો આપતાં પક્ષ કોંગ્રેસના નેતા અમરસિંહ ચૌધરી અને કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ સીતારામ કેસરી જોડે તૂટ્યું અને એક વર્ષમા તેમની સરકાર ગઈ. દિલીપભાઈ પરીખને તો જાણે લોટરી લાગી પરંતુ તે પણ ચાર મહિના જ ચાલ્યા. વચગાળાની ચુંટણી આવી. શંકરસિંહે બનાવેલા રાષ્ટ્રીય જનતા પક્ષે બેઠકોની વહેંચણીમાં કોંગ્રેસ સાથે ઠીક ગઠબંધન ન કરતાં બીજેપી ફાવી ગઈ અને ૪૪.૮૮% મત સાથે ૧૧૫ બેઠકો જીતી સરકાર બનાવી દીધી. કોંગ્રેસ (૩૪.૯૦%) અને આરજેપી (૧૧.૬૯%) મળી બીજેપીથી વધારે ૪૬.૪૯% મત મળ્યા પરંતુ વિભાજિત તેઓ હારી ગયા. જૂનું જનતાદળ પણ ૨.૬૪% મત લઈ ગયુ. 

ભાજપની સરકાર હવે જાણે સ્થિર બની. મુખ્યમંત્રી કેશુભાઈની આ બીજી ટર્મ હતી તેથી સાવધાન બની સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યા હલ કરવા અને ગ્રામ વિકાસની ગોકુલગામ યોજના અને સમરસ પંચાયત બનાનવા સક્રિય બન્યા. આંતરિક ખટરાગ ઘટ્યો અને અધિકારીઓનો અવાજ સંભળાવા લાગ્યો. લાગતા વળગતા અને સગાવ્હાલા પણ સક્રિય થયા. 

કામ અને વાહન વિનાની જિંદગીથી કંટાળી મેં એક દિવસ જીએડીમાં કોઈ ફેરફારો આવે તો જોવા કહ્યુ તો તેમણે મને સમાજ કલ્યાણ નિયામક તરીકે મૂકી દીધો. કેડરમાં પણ કેડર, કેટલીક જગ્યાઓ અનામત હતી. 

OBC વર્ગ માટે અલગ નિયામક હોવાથી અને આદિજાતિ કલ્યાણ માટે અલગ કમિશ્નર હોવાથી મારે અહીં માત્ર અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓનું કામ આવ્યું. અમારા મંત્રી ફકીરભાઈ વાઘેલા. ઘડિયાળના કાંટે કામ કરે અને કરાવે. તેમની મિટિંગો નિર્ધારિત સમયે શરૂ થાય અને સમયસર પૂરી થાય જેથી બીજી મીટિંગ પણ તેના નિર્ધારિત સમયે શરૂ થઈ જાય. જો કોઈ વહેલા જાય તો બહાર બેસાડે અને મોડા પડે તો ખખડાવે. તેઓ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી તેથી SC અને OBC કલ્યાણની યોજનાઓની ઝીણવટભરી સમીક્ષા કરતાં. વિભાગોની બેઠકો કરી તેમના સચિવોને હાજર રખાવતા, ૭% બજેટ ફળવાય અને તે વપરાય તેનો આગ્રહ રાખતા અને નબળા કામ માટે ઠપકો આપતા. તેમના સમયે અમે ઘણાં રચનાત્મક કામ કરી શક્યા. નવી યોજનાઓ લાવ્યા. દલિત સાહિત્યમાં ઉમદા કામ માટે ડો. આંબેડકર એવોર્ડ લાવી દલિત સાહિત્યકારોને સન્માનિત કરવાનું શરૂ થયું. ગુજરાતમાં ડાંગ અને ઉંમરગામની મોચી જાતિ અસ્પૃશ્ય હોવાથી અનામતની હકદાર હતી પરંતુ ૧૯૭૭માં કેન્દ્ર સરકારે સમગ્ર મોચી જાતિને SC જાહેર કરતાં SCની અન્ય જાતિઓમાં અસંતોષ હતો. અમે તે વખતની વાજપેયી સરકારના સામાજિક ન્યાય મંત્રી મેનકા ગાંધીને મોચી જાતિને SC જાતિની યાદીમાંથી દૂર કરવા સમજાવી શક્યા. છેવટે મોચી જાતિને SC યાદીમાંથી દૂર કરાઈ. પછીથી મંડલ યાદીમાં તેમનો સમાવેશ થવાથી કોઈ વિશેષ અસંતોષ ન રહ્યો. 

અમારા અધિક મુખ્ય સચિવ તરીકે ડો. પી. કે. દાસ સાહેબ. અભ્યાસુ અને ભલા. વાતો ખૂબ કરે. ગુજરાતી બિંદૂબેન પરણેલા અને તેમને પણ મારી જેમ જ્યોતિષનો ચસ્કો તેથી મારે બહું સારું બને. તેમણે અમેરિકા રહી પીએચડી કરેલું અને તેમનો દીકરો પછીથી અમેરિકા સ્થાયી થયેલો પરંતુ તેની સાથે સંકલનના પ્રશ્નો થતાં. તેઓ કહેતા કે તેમના પિતા સરકારી ડોક્ટર તેથી તેઓ બચપનમા ગામડામાં રહી નબળા વર્ગના બાળકો સાથે રમેલાં તેથી કલ્યાણ યોજનાઓ માટે ભારે હમદર્દી ધરાવે. સરકારે પી.કે. દાસ સાહેબના અધ્યક્ષપણા હેઠળ જુદા જુદા વિભાગોની ચાલતી કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી ડુપ્લીકેશન દૂર કરી અસરકારક યોજનાઓ આગળ વધારવા સમિતિ બનાવી જેમાં મને સચિવ બનાવ્યો. મારું શૈક્ષણિક જ્ઞાન, વિશ્લેષણ શક્તિ, લ્યુબ્લ્યાનામાં શીખેલ કોમ્પ્યુટર કૌશલ્ય અહીં કામ આવ્યા અને એક સુંદર અહેવાલ તૈયાર થયો જેનો લાગતા વળગતા તમામ વિભાગોએ અમલ કર્યો. નાણાં વિભાગને ફાઈલોમાં ના-ના લખવાનું એક નવું હથિયાર મળ્યું. 

ડો. પી. કે. દાસ સાહેબની બદલી થતાં પછી એલ. માનસિંહ આવ્યા. એક ગજબ વ્યક્તિત્વ. મોટા અવાજે હસીને તેઓ આખા રૂમને હસતો રાખે. વાતમાંથી વાત એમની સરકારી બાબુઓની વાત ખતમ ન થાય. અમારે મૈત્રી જેવા સંબંધો બંધાયા. મારી પછી તે વિભાગમાંથી બદલી થઈ હતી પરંતુ અમે પાછા કચ્છ ભૂકંપ રાહતની કામે ભૂજમાં ભેગા થયા. તે વાતો હવે પછીના અંકે કરીશું. 

અનુસૂચિત જાતિ કલ્યાણની યોજનાઓ એટલે મુખ્યત્વે શૈક્ષણિક સ્કોલરશીપની, જે વર્ષોથી ચાલતી. બીજા રાજ્યોની સરેરાશ ૧૫%ની સરખામણીમાં ગુજરાતમાં SC વસ્તી માત્ર ૭%. એક કારણ તો બીજા રાજ્યોમાં SC ગણાતી ધોબી, દેવીપૂજક, વણઝારા, કોળી, માછીમાર વગેરે અહીં અસ્પૃશ્ય ન હોવાથી યાદીમાંથી બાકાત હતાં અને પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારમાં તેમની હાજરી ક્યાંક જ જોવા મળે તેથી ઓછા હતા. અમે અમલી યોજનાઓ સુદઢ કરી. આવાસ યોજનાને ડો. આંબેડકર આવાસ યોજના નામ આપી સહાયના ધોરણો સુધારી બજેટ અને લક્ષ્યાંકો વધાર્યા અને સ્વરોજગારને મજબૂત કરવા તરફ આગળ વધ્યા. 

સામાજિક સેવાઓના વિભાગોમાં કામ કરતાં કર્મચારીઓ અધિકારીઓને પ્રોત્સાહન જોઈએ નહિતર તેઓ ડિપ્રેશનમાં જાય અને કામ પણ. મેં પ્રથમ તો તેમની કામગીરી ઝડપ વધારવા દરેક શાખામાં નવા કોમ્પ્યુટર ઉપલબ્ધ કરાવ્યા, દરેક કર્મચારી અધિકારીને તાલીમ આપી અને કોમ્પ્યુટર પર કામ કરતાં કર્યા. બીજું કેટલાક કર્મચારી અધિકારી કામ પૂરું ન થાય તેંથી કચેરી સમય પછી રોકાતા. તે પ્રથા બંધ કરી બધું કામ કચેરી સમયમાં પૂરું કરવા ફરજ પાડી. તેમનામાં કર્મયોગી જાગે અને જળવાઈ રહે તે માટે શ્રી શ્રી રવિશંકર પ્રેરિત Art of Livingના કોર્સ કરાવ્યા. રીપોર્ટિંગના ઘણાં પત્રકો અને પદ્ધતિઓ બદલી. પરિણામે ટીમ એક નવા જોશથી કામ કરવા લાગી. 

અનુસૂચિત જાતિ વિકાસ માટે શિક્ષણ, સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતા મોટા હથિયાર. અમે તેઓ વિદેશ જઈ ભણી પટેલોની જેમ ડોલરમાં કમાઈ શકે તે માટે વિદેશ અભ્યાસની લોન સહાય ચાલુ કરી. માનવ ગરિમા યોજના ટુલકીટ દ્વારા સ્વરોજગારની તકો વધારી. દીકરીઓ કોલેજ શિક્ષણ સુધી પહોંચી શકે તે માટે અપર પ્રાઈમરીથી કન્યાઓને સાયકલ આપવાનું શરૂ કર્યું. મને યાદ છે તે યોજનાની ફાઈલ પર મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે સહી ડો આંબેડકર એવોર્ડ વિતરણના સમારંભમાં ટાગોર હોલ પાલડીની સ્ટેજ પર કરી હતી. પછીથી બહારગામ જતી કન્યાઓ પૂરતી યોજના સીમિત કરી તે યોજનાને સંકુચિત કરાઈ. કન્યાઓ સાયકલ ચલાવે તો તેમની ઊંચાઈ વધે, પાચન સુધરે, ભોજન સુધરે અને તેઓ એનીમીક અને કુપોષિત ન રહે તે ફાયદા તરફ જોવાનું જાણે ભૂલાઈ ગયું. મેં ૧૯૮૬માં ભારત દર્શનમાં તામિલનાડુના ગામડાઓમાં સાયકલ સવારી કરી ટોળાબંધ શાળાએ જતી કન્યાઓ જોયેલી. ગુજરાત મને તેમની સરખામણીમાં સંકુચિત લાગતું. 

અહીંની SC પ્રજા ધાર્મિક હિંદુ પરંતુ કર્મકાંડ સંસ્કાર માટે બ્રાહ્મણો ન મળે તેથી તેમનામાંથી બનેલી શ્રીમાળી ગરો પેટા જાતિ બ્રાહ્મણ કામ કરે. હજામ-વાળંદ તેમની હજામત ન કરે તેથી સેનમાં નામની પેટા જાતિ તે કામ કરે. તેમની જ પેટા જાતિના તૂરી તરગાડા ગામેગામ ફરી ભવાઈને વેશ કરી તેમની મનોરંજન જરૂરિયાતો પૂરી કરે. તેમના ઢોલી તો બધાને જોઈએ. દરેક ગામમાં સવર્ણ અને અવર્ણ (અસ્પૃશ્ય) એમ બે ભાગ અને સામાજિક જીવનમાં એક માનસિક દિવાલ રાખી જીવવાનું, પરંતુ પોતાની અંદર સ્વમાનભેર જીવવા એક આખી સ્વતંત્ર સામાજિક વ્યવસ્થા ઊભી કરી આ કોમ ટકી રહેલી. 

તેમની શ્રીમાળી ગરો પેટા જાતિના પુરુષો શિક્ષિત. જ્યોતિષ પંચાંગમાં હોશિયાર તેથી પટેલોના નામ જન્મ રાશિ પર ન મળે પરંતુ SC વર્ગમાં નામ અચૂક રાશિ મુજબ જ હોય. તેમનાં ઘરના ખાત, બાંધકામ, વાસ્તુ મુહુર્ત મુજબ જ થાય. તેમના લગ્નન માણેક સ્તંભ મુહૂર્તે રોપાય અને ગણેશ સ્થાપનથી લઈ, જાન જોડવી, ચોરી ફેરા, ગણેશ વિસર્જન બધુ નક્ષત્ર, વાર, તિથિ, ચોઘડિયું જોઈને જ થાય. શુભ પ્રસંગો, બહારગામ જવું, આણું પિયાણું કરવા પણ મુહૂર્ત જોવાતા. મૃતક પાછળ બારમા તેરમાની વિધિ અને શ્રાદ્ધ પિંડદાન પણ હિંદુ સમાજની જેમ જ થાય. ગરો સમાજની સ્ત્રીઓ બ્રાહ્મણ સ્ત્રીઓની જેમજ પ્રસંગોએ કંચુકી પહેર્યા વિના માત્ર સાડી લપેટી જમવાની પ્રથા છેક આઝાદી સુધી ચાલી. 

એક માત્ર મૃત્યુ સમયે અગ્નિ સંસ્કારને બદલે દફનવિધિ થાય પરંતુ હિંદુ રિવાજ મુજબ ડેડબોડીને જમીન પર કરવાની દિશાથી લઈ ઘોરમાં પણ મડદાંની ઉત્તર દક્ષિણ દિશાનું ભાન રખાતું. જેરૂસલેમનું પહેલું મંદિર બાંધનાર કિંગ સોલોમોન (970-932 BCE)ના વખતથી ચાલી આવતી પ્રથા મુજબ અહીં પૃથ્વી પર રોકાઈ ગયેલા આત્માઓ (spirit)ને પૂર્વજ તરીકે સ્થાપી તેનો દીવો કરી ધૂપિયામાં નૈવેધ ચડાવવાની પ્રથા હજી ચાલે છે. મૃતકને માટીના વાસણમાં ભાથું મૂકવું એ પ્રાચીન પરંપરા આજે ય નિભાવાય છે. પ્રથમ પુત્ર સંતાનના જન્મ માટે દૈવી શક્તિને પશુ બલિદાન આપવાની પ્રથા ઘણાં વર્ષો ચાલી અને હજી ક્યાંક ક્યાંક ચાલુ છે. 

વધતી વસ્તી અને ખૂટતા બ્રાહ્મણો જોઈ અમને શ્રીમાળી સમાજના યુવકોની કર્મકાંડ કૌશલ્ય સુધારી તેમને સારી આવક ઉપાર્જન કરાવવાનું સૂઝ્યું. વેકેશનમાં SC છાત્રાલયો ખાલી રહે તેથી એક પહેલ કરી કર્મકાંડ કરતાં યુવકો માટે કર્મકાંડ ભાસ્કરના તાલીમ કાર્યક્રમો યોજી તેમની સ્વરોજગાર ક્ષમતા વધારવાનું શરૂ કર્યું. 

હું નિયામક હતો ત્યારે મારા મોટા દીકરા ઉજ્જવલને આફત આવી. તે ધોરણ ૧૨ સાયન્સમાં ભણતો. અને સેકટર ૧૯ માં રહીએ અને તેનું ફીઝીક્સનું ટ્યૂશન સેકટર ૮ માં. એક વીકી લઈ આપેલું તેના પર તે દરરોજ સાંજે ટ્યૂશન જાય અને રાત્રે ૯.૩૦ કલાકે પાછો આવે. તે આવે પછી અમે સાથે જમતા. એક રાત્રે ૯.૪૫ થવા આવ્યા પરંતુ તે પહોંચ્યો નહીં તેથી મને ચિંતા થઈ. તે જમાનો મોબાઇલનો નહીં તેથી તે આવે તો ખબર પડે. ત્યાં લેન્ડલાઇન ફોનથી ઘંટડી વાગી અને મેં ફોન ઉપાડ્યો. સામે કોઈ પોલીસ કોન્સ્ટેબલ. કહે ઉજ્જવલ તમારો દીકરો? જલ્દી સિવિલ હોસ્પિટલ ગાંધીનગર આવો તેને ગંભીર અકસ્માત થયો છે. હું ધ્રૂજ્યો, લક્ષ્મી સામે હતી, કહે શું થયું. મેં કહ્યું, પર્સ લઈ, ઘરમાં જે હોય તે રૂપિયા લઈ કારમાં બેસી જા. અમે તાબડતોબ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જઈ જોયું તો ઉજ્જવલ બેભાન. મોઢામાંથી ફીણ નીકળે, માથાના પાછળના ભાગે ચીરો અને લોહી નીકળે. હું ગભરાયો અને જાણ્યું કે સેક્ટર ૮ થી પરત આવતાં સેક્ટર ૯ આગળ ગુજરાત અર્થશાસ્ત્ર અને આંકડા બ્યૂરોની કચેરી સામે આવેલ સચિવાલયના ગેટ નં- ૩થી  મંત્રીઓના વાહનો માટે જુદી એન્ટ્રી કરાવી હોઈ તે સામેના રોડ પર નવા બમ્પ બનાવ્યા છે અને તે પર ઝિબ્રા પટ્ટા કરવાના બાકી છે. બમ્પ તે જ દિવસે બનેલો. ઉજ્જવલ દરરોજ તે રસ્તે બમ્પ વગરના રસ્તે આવતો તેથી નવા બમ્પનું તેને ભાન નહીં તેથી તે તેની મસ્તીમાં. બમ્પ પર તે વીકી સાથે ઉછળ્યો અને રોડ પર પટકાયો. 

મને સિવિલ હોસ્પિટલ ગાંધીનગરની મર્યાદાનું ભાન હતું. મેં ક્ષણનોય વિલંબ કર્યા વિના એમ્બ્યુલન્સમાં ઉજ્જવલને ચડાવી ઓક્સિજન સિલિન્ડર, નર્સ અને ડોક્ટર સાથે અમદાવાદ સિવિલ તરફ હંકારી દીધું. ત્યાં પહોંચ્યા એટલે ડ્યુટી ડોક્ટર કહે સાહેબ સીટી સ્કેન વિના સારવાર ન થાય. હેડ ઈન્જરીમાં જો બ્રેઇનમાં સોજો હોય અને પહોળુ થતું હોય તો સંકોચનની દવા આપવી પડે. અને જો શોકને કારણે બ્રેઇન સંકોચાઈ ગયું હોય તો તેને વિસ્તારવાની દવા આપવી પડે. અહીં ઉજ્જવલ બેભાન અને સિવિલ હોસ્પિટલનું સીટી સ્કેન મશીન આઉટ ઓફ ઓર્ડર. મને ડર વધવા લાગ્યો. પછી તરત જ ઉજ્જવલને એમ્બ્યુલન્સ પર પાછો ચડાવી અને નવરંગપુરામાં આવેલ સામવેદ ઈમેજિંગ સેન્ટર તરફ હંકાર્યું. ટ્રાફિક તો નહિ પરંતુ સેન્ટર નજીક આવવા થયુ અને એક દારૂડિયો બાઈક લઈ અમારી એમ્બ્યુલન્સની આગળ થયો. તે ધીમે ચલાવે અને અમારી એમ્બ્યુલન્સને માર્ગ ન આપે. મને ગુસ્સો આવ્યો પરંતુ હોર્ન પર હોર્ન વગાડી જેમ તેમ અને ઈમેજિંગ સેન્ટરે પહોંચ્યાં. નોંધણી કરાવી ઉજ્જવલને સ્ટ્રેચર પર લઈ અમે સીટી સ્કેન રૂમ નજીક પહોંચ્યા અને ઉજ્જવલ ભાનમાં આવ્યો. અમને હવે હાશ થઈ. સીટી સ્કેન કરાવ્યો. રીપોર્ટ લઈ સિવિલ અમદાવાદ પાછા આવ્યા. દવા ઈન્જેક્શન શરૂ થયા. ઉજ્જવલ બચી ગયો. જો કે તે દોઢ મહિનો તેનો અભ્યાસ બગડ્યો. તે ૧૨ સાયન્સ પાસ થયો પરંતુ ગુણાંક ઘટવાથી અમારું તેના શૈક્ષણિક જીવન ટચનું આયોજન બદલાયું અને તેને કારણે તેના જીવનનો રાહ પણ. 

મારી પાસે એકનું એક કામ ક્યાં સુધી કરાવે રાખવું?સરકારને લાગ્યું હશે કે અધિકારીને હવે શિક્ષણના સેક્ટરમાં અજમાવીએ એટલે મારી બદલી કમિશ્નર સ્કૂલ્સ અને મધ્યાહ્ન યોજના તરીકે થઈ. 

મધ્યાહ્ન ભોજન યોજનામાં અમે નાગરિક પુરવઠાની વસ્તુઓની ગુણવત્તા તરફ ધ્યાન આપ્યું અને યોજનાની ગેરરીતિઓ અંકુશમાં લાવવા પ્રયત્નો શરૂ કર્યા. મેં યોજનાનો ૧૯૮૦નો જીઆર ઝીણવટથી વાંચ્યો. કોઈ કુશળ હાથે તેને લખ્યો હતો. મધ્યાહ્ન ભોજન યોજનાનો ઉદ્દેશ એક માત્ર શાળામાં બાળકોની હાજરી વધારવા પૂરતો સીમિત ન હતો. તેના ઉદ્દેશમાં બાળકોના પોષણ ઉપરાંત  સંચાલક, કૂક અને હેલ્પરને રોજગારી પૂરી પાડવાનો પણ ખરો. એક જીઆરથી એક લાખ રોજગારનું સર્જન ત્યારે મોટું ગણાતું. તેમજ કૂક હેલ્પર તરીકે નબળી આર્થિક સ્થિતિવાળાને લઈ તેમનાં પોષણની સરકારની સામાજિક જવાબદારીનું વહન થતું હતું. મધ્યાહ્ન ભોજનના રસોડે માત્ર શાળામાં ભણતાં બાળકો જ જમી શકે તેને બદલે કૂક હેલ્પરના કુટુંબના પેટનો ખાડો પૂરાય તેટલું રાંધેલું વપરાય તેમાં શાની ગેરરીતિ? એટલું મોટું રસોડુ ચાલતું હોય અને બે પેટ ભૂખ્યા રહે? 

હાઈસ્કૂલોમા કમિશ્નર તરીકે મારે ત્યાં શિક્ષકોના વધારાની દરખાસ્તો મંજૂર કરવા ભારે દબાણ રહેતું. ગ્રાન્ટ ઈન એઇડ શાળાઓમાં સંસ્થા શિક્ષક ભરતી કરે તેથી વિદ્યાર્થી સંખ્યા વધારી નવા શિક્ષકો માંગે. એક નવો શિક્ષક મળે એટલે સંસ્થાને ગુલાબી. વળી વધ્યા ઘટ્યા કોઈ સરપ્લસ પોતાનું સ્થાન ક્યાં તે ખોળતા ફરે. ક્યાંક તેઓ જવા તૈયાર ન હોય ક્યાંક સંસ્થા ગમાડે નહીં. એક તરફ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યા થાય નહીં અને લઘુત્તમ મહેકમ ચાલુ રહે અને બીજી તરફ વિદ્યાર્થી સંખ્યા જેવી ઠરાવેલ સંખ્યા પાર કરે એટલે વધારાનો પૂર્ણ શિક્ષક મંગાય. વળી વિદ્યાર્થીઓમાં કાયમ ગેરહાજર રહેતા અને ભૂતિયા કેટલા એ તો તટસ્થ તપાસથી જ ખબર પડે.

મેં હાઈસ્કૂલોના શૈક્ષણિક ધોરણોની તપાસ કરી તો શૈક્ષણિક કામના કલાકો આધાર તરીકે લેવાય. કામના કલાકોમાં સમૂહમાં દૈનિક પ્રાર્થના થાય અને અઠવાડિયે પીટી શિક્ષક પીટી કરાવે તે કલાકો બધા શિક્ષકોના શૈક્ષણિક કામમાં ઉમેરાય. એક અંદાજ પ્રમાણે પંદર મિનિટની પ્રાર્થના સરકારને મહિને ₹૫૫ કરોડમાં પડે. મેં ધોરણો સુધારી ખોટા વધારાના શિક્ષકોના બોજમાંથી સરકારને મુક્ત કરવા પ્રયત્નો આરંભ્યા. 

રાજ્યમાં મોટા ભાગની હાઈસ્કૂલો ગ્રાન્ટ ઈન એઈડ પરંતુ હજી ૧૬-૨૦ સરકારી હાઈસ્કૂલો ચાલતી હતી. પૂરા પગારના શિક્ષકો પરંતુ વિદ્યાર્થી સંખ્યા ઓછી અને પરિણામો નબળા. તેથી એવી વિચારણા થઈ કે કેમ આ શાળાઓનું સંચાલન કોઈ સફળ શૈક્ષણિક સંસ્થાઓને સોંપી તેની સુધારણા ન કરીએ? એ વખતે સ્વામીનારાયણ ગુરૂકુળ અને બીજી એક બે ધાર્મિક સંસ્થાઓ તરફથી ચાલતી શાળાઓ પંકાતી. પરંતુ હજી તો પાશેરામાં પૂણી, વિચાર વિચારણામાં હતો ત્યાં કોઈક ધાર્મિક સંસ્થા સરકારી હાઈસ્કૂલ હવે તેમની થઈ જવાની છે એમ માની સંકુલ તપાસવાના બહાને શાળાએ જઈ વિદ્યાર્થીઓને હરિ ઓમ અને જય સ્વામિનારાયણ બોલાવવા લાગ્યા હોવાની ફરિયાદ મળી. અમે ચેત્યા અને પ્રયોગનું પોટકું પડતું મૂક્યું. 

એ વખતે આઈટીવાળા નવા નિશાળિયા કોઈ એક નાનકડો સોફ્ટવેર બનાવે એટલે તેનો વેપલો કરવા નીકળી પડે. એવી એક ત્રિપુટી શાળામાં શિક્ષકોના હાજરી પત્રકનું સોફ્ટવેર બનાવી તેની સીડી ₹૩૦ લાખમાં વેચવા મારી પાસે પહોંચી ગઈ. મને થયું, શાળામાં ૧૫ શિક્ષક,  તેમની હાજરી એક પાનાંના હાજરી પત્રકમાં મહિનો આખી  પૂરાય ત્યાં આ ધોળો હાથી શું કરવા બાંધવો? વળી તે વખતે આખા રાજ્યની ઓનલાઈન હાજરી નોંધી તેનું મોનિટરિંગ કરવાની વ્યવસ્થા થાય તેવું ઈનેટરનેટ કે બીજું કોઈ માળખું નહીં. ઘણી શાળાઓમાં કોમ્પ્યુટર પણ હશે કે કેમ તે પ્રશ્ન. પરંતુ ત્રિપુટી જીએડીના એક અધિકારીની ભલામણથી આવી હતી તેથી તેમને એમ કે બસ હાજરીપત્રક વેચ્યુ અને રોકડા કરી નીકળ્યા. મેં ચોક્ખી ના ભણી દીધી. જણાવ્યું કે સરકારને જરૂર હશે તો ટેન્ડર બહાર પાડશે અને સ્પર્ધાત્મક ભાવો આવેથી યોગ્યની પસંદગી કરશે. તેઓ ગયા અને મારા નકારાત્મક વલણની તેમના મિત્રને જાણ કરી. તે ભાઈએ ફેબ્રુઆરી ૨૦૦૧માં મારી સચિવ સંવર્ગમાં બઢતી થઈ ત્યારે દાવ વાળ્યો અને મને ફીશરીઝ કમિશ્નર તરીકે મૂકી દીધો. હું કચ્છ ભૂકંપ રાહતની ડ્યુટી પર. મારી કાર અને ડ્રાયવર બદલાયા. 

રાજકીય પટ પર કેશુભાઈ પટેલની બીજી વખતની સરકાર આ વખતે ત્રણ વર્ષ અને સાત મહિના ચાલી પરંતુ કુદરતી અને માનવસર્જિત આફતોએ તેનો પીછો ન છોડે. કેશુભાઈ પહેલીવાર ૧૯૯૫માં મુખ્યમંત્રી બન્યા ત્યારે માનવસર્જિત આફતે તેમને પાડ્યા. માર્ચ ૧૯૯૮માં ફરી મુખ્યમંત્રી બન્યા તો જૂન ૧૯૯૮ના પોરબંદર સાયક્લોને તેમનું સ્વાગત કર્યું.  નવ જિલ્લાઓ અસરગ્રસ્ત થયા, ૧૧૭૩ માનવો હણાયા અને  માલ માળખાકીય નુકસાન અંદાજે ₹૨૦૦૦ કરોડ જેવું નુકસાન થયું. 

૨૦૦૧ની એ ૨૬ જાન્યુઆરી ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ હતો. અમે બધા ગાંધીનગર હેલીપેડ પર મુખ્યમંત્રીના આવવાની વાટ જોતાં હતા. તેઓ આવ્યા અને ધરતી ધણધણી. કંઈક અનહોની થયાનો અંદેશો આવ્યો ત્યાં તો ખબર આવવા લાગી કે કચ્છથી અમદાવાદ લગી ભૂકંપના આંચકાઓએ હજારો મકાનો ધરાશાયી કરી દીધા છે અને મોટી જાનહાનિ કરી છે.

હું હેલીપેડથી ઘેર ગયો તો સેક્ટર-૧૯ ના અમારા સરકારી મકાનમાં મકાનથી ગેરેજ સુધી જમીન ફાટવાની લાઈન, રૂમના ફ્લોરિંગની બે ત્રણ લાઈને ઉખડી ગયેલ અને મકાનની એક તરફની દિવાલ જાણે નમી પડી હોય તેમ જણાય. હું ગયો તો લક્ષ્મી અને બાળકો બહાર બેઠા હતા અને સ્થિતિ સામાન્ય બને તેની રાહ જોતા હતાં. અમે ઈન્કવાયરી પર જાણ કરી. તેઓનો માણસ આવ્યો, જોઈ વિગતો નોંધી જતો રહ્યો. હવે શુ કરીશું એમ વિચારતા હતા ત્યાં સી.કે. કોસી સાહેબના કાર્યાલયમાંથી ફોન આવ્યો કે મારે ભૂકંપ રાહત કામ માટે ભૂજ-કચ્છ રવાના થવાનું છે. મેં લક્ષ્મીને કહ્યું તું જાણે અને તારું ઘર, હું તો આ ચાલ્યો. સેક્ટર-૧૯ ઈન્કવાયરીમાં  ફોલોઅપ કરજે અને બની શકે તો ખાલી ઘર શોધી તેમાં ફેરફારની અરજી આપી આવજે. ત્યાં સુધી ઘરમાં ઠીક લાગે તો ઘરમાં નહિતર ગેરેજને ઘર બનાવજે. 

મેં બે જોડી કપડાં અને પાણીની એક બોટલ લીધી અને કારમાં બેસી ગયો. મને હજી પરિસ્થિતિની ગંભીરતાની ખબર ન હતી તેથી સાથે ખાદ્ય પદાર્થ લેવાનો કે લાંબુ રહેવું પડશે તો શું કરીશું એવું કંઈ વિચારેલ નહીં. પરંતુ અમારી કાર જેવું રાધનપુર છોડી ભચાઉના રસ્તા તરફ આગળ વધવા લાગી, વાતાવરણની ગમગીની મારા મન મસ્તિકને પકડમાં લેવા લાગી. ત્યાં આવ્યું ભચાઉ અને હું થોભ્યો. 

૧ ઓક્ટોબર ૨૦૨૫

Tuesday, September 30, 2025

અમેરિકાની મારી પહેલી યાદગાર સફર

અમેરિકાની મારી પહેલી યાદગાર સફર 

(નાતાલ વેકેશનઃ ૨૫ ડિસેમ્બર ૧૯૯૭ થી ૪ જાન્યુઆરી ૧૯૯૮)

અમારે લ્યુબ્લ્યાના યુનિવર્સિટીમાં નાતાલનું વેકેશન આવી રહ્યું હતું. મને જાણવા મળ્યું કે અમેરિકાના વિઝા જે ભારતથી લેવા અઘરાં છે તે અહીં સ્ટુડન્ટ તરીકે સરળતાથી મળી જશે. તેથી નાતાલ વેકેશનમાં અમેરિકા જવાનો વિચાર આવ્યો. પરંતુ જવું ક્યાં? કદી ગયેલો નહીં. મને ન્યુજર્સીમાં રહેતા બકુલભાઈ પંડ્યા યાદ આવ્યા. તેમનો મિલનસાર સ્વભાવ મને ગમતો. તેઓએ કહ્યું હતું કે જ્યારે અમેરિકા આવવાનુ્ થાય ત્યારે અમારે ત્યાં આવજો. બકુલભાઈ આસારામ આશ્રમ સાથે જોડાયેલા તેથી તેમનો પરિચય મને મોટેરા આશ્રમ અમદાવાદમાં થયેલો. તેમનો એક પુત્ર દિપલ આસારામ બાપુનો સાધક જેનો પરિચય મને સુરત થયેલો. તેથી મેં બકુલભાઈને લ્યુબ્લ્યાનાથી ફોન જોડ્યો અને આવવાની પરવાનગી માંગી. તેમણે ખૂબ જ ઉમળકાભેર કહ્યું કે કોઈ ચિંતા કર્યા વિના આવી જાઓ.

મેં લ્યુબ્લ્યામાં આવેલી અમેરિકન કોન્સ્યુલેટ કચેરીમાં અમેરિકન વીઝા માટે અરજી કરી. તેમણે મારું ઈન્ટરવ્યુ લીધું અને મને છ મહિનાના વિઝા મળી ગયા. અશ્વિનની મદદથી લુફ્થાન્સા એરલાઇન્સમાં રાઉન્ડ ટ્રીપ ટિકિટ બુક કરાવી અને નાતાલના દિવસે ૨૫ ડિસેમ્બર ૧૯૯૭ ના રોજ ન્યુજર્સી અમેરિકા જવા રવાના થઈ ગયો. 

બીજા દિવસે પહોંચ્યો ત્યારે ન્યુજર્સી એરપોર્ટ પર બકુલભાઈ મને લેવા આવ્યા. તેઓ મને એક્ઝીટ ગેટ પર સરળતાથી મળી ગયા. અમે ન્યુજર્સીમાં આવેલા તેમને ઘેર પહોંચ્યા. તેમનાં પત્ની ગીતાબેન અને બહેન વર્ષાબેને આવકાર્યાં. રસોઈ બનાવી મને જમાડ્યો. રાત થઈ એટલે ડ્રોઈંગ રૂમમાં એક ગાદલું પાથરી આપ્યું અને સમજાવી દીધું કે સવારે ઉઠીને મારે ગાદલું વાળી ક્યાં મૂકવું અને કયો બાથરૂમ વાપરવો. બીજા દિવસે સવારે દૂધ, નાસ્તો બન્યો અને વાત કરતા કરતા તેમણે પૂછી લીધુ કે મારે ત્યાંથી પાછા જવાનો શો પ્રોગ્રામ છે? હું તો અમેરિકામા સાવ નવો હતો. હજી તો બેસી ક્યાં જવું, તેનું આયોજન કરવાનું હતું ત્યાં આ પ્રશ્નએ મને સક્રિય કર્યો. બકુલભાઈ મારો ચહેરો જોઈ સમજી ગયા અને બોલ્યા કે સાંજે જોઈશુ. હાલ તો ચાલો આ કાળુ વિંડચીટર જેકેટ પહેરી લો અને આ કાળી ટોપી લઈલો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકાદ બે બીજા સ્થળો જોઈ આવીએ છીએ. હું તો બેઠો તેમની કારમાં. 

પહેલાં અમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોયું. ફ્રાંસની પ્રજા દ્વારા અમેરિકન પ્રજાને ભેટ અપાયેલ આ સ્ટેચ્યુ ન્યૂયોર્ક બંદર પર કંઈ કેટલાય લાખો ઇમિગ્રન્ટ્સના સપના પૂરા કરવાનું સાક્ષી છે. અમેરિકામાં જ્યાં જાઓ ત્યાં ટિકિટ. સ્ટેચ્યુ જોવાની ટિકિટ અને કાર પાર્કિંગની ટિકિટ એટલે ઘડિયાળ પકડી ચાલવું પડે. ટિકિટ અને પાર્કિંગનો ખર્ચ બકુલભાઈએ આપ્યો. ત્યાંથી અમે WTCના બે ટાવર (જે પછીથી 9/11ના ત્રાસવાદી એટેકમાં ધ્વસ્ત થયા હતા) જોવા ગયા પરંતુ રજા હોવાથી બંધ હતાં તેથી કારમાંથી રાઉન્ડ લઈ બહારથી જ જોઈ અમે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જોવા ગયા. ૧૯૩૧માં બનેલી ૧૦૨ માળની તે ઈમારત તે વખતની વિશ્વની ઊંચી ઈમારતો પૈકીની એક હતી. મેં જીવનમાં આટલી ઊંચી ઈમારત પહેલીવાર જોઈ. તેના ૮૦માં માળ સુધી લીફ્ટ લઈ ગઈ. અમે ઉપર ગયા, લોબીમાં સર્કલ ફર્યા અને પાછા નીચે આવ્યા. અમેરિકામાં બપોરે જમવાનો રિવાજ નહીં. સવારે બરાબર નાસ્તો કરવાનો પછી કામે જવાનું અને રાત્રે આવી જમવાનું. મને તો બપોરે જમવાની આદત મુજબ ભૂખ લાગી. બકુલભાઈ સમજી ગયા. અમે એક સ્ટોરમાં ઊભા રહી કોફી અને ફ્રેંચ ફ્રાય લઈ લંચ જેવું કરી લીધું. વચ્ચે વચ્ચે બકુલભાઈએ તેમના રીલવાળા કેમેરામાં મારા ફોટા લીધા. 

ન્યુયોર્ક શહેરોની ગલીઓમાં ફરી અમે સાંજે ઘેર આવ્યા ત્યારે ગીતાબેને રાતનું ડિનર તૈયાર રાખ્યું હતું. અમે જમ્યા ત્યાં તેમણે ફરી પૂછયું કે તમારે ક્યારે જવાનું છે? મેં કહ્યું અહી મારો એક મિત્ર યોગેશ પટેલ રહે છે તેથી તેનો સંપર્ક કરી તેને ત્યાં જતો રહીશ. મેં યોગેશને ફોન કર્યો તો કહે તારી ભાભીને પૂછીને કહું. હવે મારો મૂંઝારો વધવા લાગ્યો. હજી તો બીજો દિવસ છે. હે ભગવાન, કંઇક રસ્તો સુજાડ. ક્યાં જવું? કેવી રીતે જવું? ગીતાબેન આસારામ બાપુના સત્સંગની કેસેટોની કોપી કરે અને સાધકોને વેચે. અમે બાપુના સત્સંગ અને જીવનની વાતો કરતા હતા અને મારે મનોમન ભગવાનની પ્રાર્થના ચાલતી હતી ત્યાં રાતના ૮.૩૦ કલાકે બકુલભાઈના એક સ્વામીનારાયણી પટેલ મિત્ર તેમને મળવા આવ્યા. સામાન્ય રીતે આટલાં મોડા કોઈ આવે નહીં પરંતુ નિયતિનું ધારેલું હશે. તેમણે મારો પરિચય લીધો અને પછી મારી મૂંઝવણ દૂર કરવા મારો અમેરિકા દર્શનનો કાર્યક્રમ સૂચવવા લાગ્યા. મને કહે ડીઝનીલેન્ડ તો દૂર પડશે પરંતુ ઓરલાન્ડોમાં ડીઝનીવર્લ્ડ અને યુનિવર્સલ સ્ટુડિયો છે તે જોઈ આવો. ત્યાં એક ચર્ચ ખરીદી હરિમંદિર બનાવ્યું છે અને કનુભાઈ પટેલ સંચાલક છે તેથી તમારી રહેવા જમવાની સગવડ કરી આપશે. તેઓ તેમને ફોન કરી દેશે. તેમણે મને કનુભાઈનો નંબર લખાવી દીધો. અમે ચર્ચા કરી પાછા વળતા રસ્તામાં વોશિંગ્ટન ડીસી આવે ત્યાં એક બ્રેક લઈ તે પણ જોઈ લેવાશે તેવું આયોજન રાખ્યુ. મારે અમેરિકા જમીનથી જોવું હતું. સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા. મેં ગ્રેહાઉન્ડની બસમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું. 

લાંબા અંતરે જવાનું હોવાથી બીજા દિવસે અમે વહેલી સવારે ઉઠ્યા. મારા દક્ષિણ પ્રવાસમાં જરૂરી જેટલાં કપડાં લગેજ શોલ્ડર બેગમાં નાખી હું બકુલભાઈ સાથે સવારે ૬ કલાકે બસ અડ્ડે પહોંચ્યો. ન્યુજર્સીથી જેક્સન વીલે અને જેક્સન વીલેથી ઓરલાન્ડોની બસ ટિકિટ $૧૧૬ ચૂકવી મેં ટિકિટ લીધી. ઓરલાન્ડોમાં બે રાત રહી વળતા વોશિંગટન ડીસી એક બ્રેક લઈ ન્યુજર્સી પરત આવવાનું ગોઠવ્યું હતું તેથી તે મુજબ પરત આવતા બકુલભાઈને મને લેવા આવશે તેવી વિનંતી કરી જેક્સન વીલેની બસ મૂકાતા હું તેમાં બેસી ગયો. બારીમાંથી બકુલભાઈને હેતથી વંદન કરી મેં વિદાય લીધી. બારીમાંથી અમેરિકાની ભૂમિ, તેના કાળા અને ગોરા લોકોને જોતો હું આગળ વધતો રહ્યો. વચ્ચે બસ બ્રેક લે એટલે જે તે રેસ્ટોરન્ટના વ્યંજન પર નજર કરીએ પરંતુ ઉપવાસ કરવાના આદી એટલે ભૂખ્યા ચાલ્યા કરીએ. વચ્ચે એક જગ્યાએ કોફી અને ફ્રેંચ ફ્રાય લઈ ચલાવ્યું. ૨૦ કલાકની મુસાફરી પછી રાત્રે બે વાગે જેક્સન વીલે આવતાં મેં બસ બદલી અને બીજા ચાર કલાક સફર કરી સવારે ઓરલાન્ડો બસ અડ્ડે ઉતરી ગયો. ૨૪ કલાકની બસ મુસાફરી કરી નવા સ્થાનકે આવ્યો પણ થાક નહોતો લાગ્યો. બસમાં નિંદર લઈ લીધી હતી. 

કનુભાઈને ફોન કર્યો તો કહે બસ સ્ટેશનેથી કોઈ ટેક્સી કરી સરનામું ડ્રાઈવરને કહેશો એટલે અહીં લાવી દેશે. મેં ટેક્સી કરી. એક વેસ્ટ ઇન્ડિયન ડ્રાઇવર હતો, ડેવિડ નામ. મેં તેની બાજુ આગળની સીટ પર બેઠક લીધી અને વાર્તાલાપ કરી તેના આવવાની અને કુટુંબની સ્થિતિનો અંદાજ લીધો. તે પરણેલો હતો અને પાંચ વર્ષ થયાં દંપતિ સંતાનની ચાહ રાખી બેઠા હતા. મેં તેને આશીર્વાદ આપ્યા, $૧૫ભાડુ ચૂકવ્યું અને હરિમંદિરના સરનામે ઉતરી ગયો. 

કનુભાઈએ મને વેલકમ કરી પૂછયું કે સાહેબ બે વિકલ્પ છે. કહો તો મોટેલમાં રૂમ ખોલી દઉં અને બાકી અહીં હરિમંદિરમાં વ્યવસ્થા થઈ જશે. અહીં અમારે પટેલ દીકરીઓની ત્રણ દિવસની સાંસ્કૃતિક શિબિર છે તેથી તમને જમવાની કોઈ મુશ્કેલી નહીં પડે અને સવારે તમને જોવાના સ્થળે મૂકી સાંજે પાછા લાવવાની વ્યવસ્થા પણ થઈ જશે. મેં કહ્યું મારી જરૂરિયાત સૂવાનું એક ગાદલું અને બાજુમાં એક ટોયલેટ બાથરૂમ તેથી હરિમંદિર બરાબર છે. વળી અહીં બધાને મળી શકાશે. મારી વ્યવસ્થા હરિમંદિરમાં થઈ ગઈ. હું નાહ્યો અને સવારનો ગરમ ગરમ નાસ્તો તૈયાર હતો તે પતાવી દિવસના પર્યટન માટે તૈયાર થયો. 

એક પટેલભાઈ કાર સાથે તૈયાર હતા, તેમની કારમાં બેસી અમે ડીઝનીવર્લ્ડ પહોંચ્યા. તેમણે આખા દિવસની ટિકિટ લીધી અને મને એક સ્પોટ બતાવી કહ્યુ કે સાંજે આઠ વાગે તેઓ મને લેવા આવશે. જો વહેલા આવવાનું થાય તો કનુભાઇને ફોન કરી દેજો. 

હું ડીઝનીવર્લ્ડની અંદર દાખલ થયો અને એક પછી એક ફ્રી રાઇડની લાઇનમાં ગોઠવાતો ગયો અને રાઇડનો આનંદ લેતો ગયો. કેવો આનંદ આવે? લાઈનમાં અડધો કલાક-કલાક ઊભા રહેવાનું અને રાઈડ મિનિટોમાં પતી જાય એટલે થાકી જવાય. મીકી માઉસને મળી તેની સાથે હસ્તધૂનન કર્યું. ત્યારે આપણી પાસે કેમેરો નહીં તેથી આપણી આંખો એ જ આપણો કેમેરો. લાઈનોમાં વિશ્વના જુદા જુદા દેશોના સહેલાણીઓ. હું કોઈકની જોડે ક્ષણિક મિત્રતા થાય એટલે અમે એકબીજાના દેશના નામ, દેશ જણાવીએ પરંતુ ઈન્ડિયા વિશે જાણે લોકો ઓછું જાણતા એવું લાગતું. 

સાંજે આઠ વાગે હું નિયત કરેલ સ્પોટ પર ગયો તો ભાઈ કાર સાથે ઊભા જ હતા. મને બેસાડી હરિમંદિર લઈ ગયા. દીકરીઓની શિબિરનું ગરમાગરમ ડિનર તૈયાર હતું. હું ધરાઈને જમ્યો અને બે-પાંચ દીકરીઓ જોડે પ્રાથમિક વાતચીત કરી. તેઓ અંગ્રેજી અમેરિકન અને ગુજરાતી અમારી મેહાણાની માતૃભાષા ચ્યમ હો માં જ બોલતાં. પહેલા દિવસની જેમ મેં બીજા દિવસે યુનિવર્સલ  સ્ટુડિયોની વિઝિટ કરી અને ત્રીજા દિવસે બધાનો આભાર માની વોશિંગ્ટન ડીસી આવવા નીકળ્યો. ફરી બસમાં ૨૦-૨૨ કલાકની સફર કરવાની હતી. દિવસ અને રાત બસમાં ગઈ. બીજા દિવસે સવારે વોશિંગ્ટન ડીસી બસ અડ્ડે ઉતરી મારી શોલ્ડર બેગ લોકરમાં મૂકી. ત્યાંથી હોપ ઓન હોપ ઓન હોપ ઓફ બસની ટિકિટ લીધી અને શહેર દર્શન માટે નીકળી પડ્યો. તે દિવસે પવન ઘણો હતો તેથી શહેર જોવાનો આનંદ ઓછો રહ્યો પરંતુ બપોરના ત્રણ સુધી વ્હાઇટ હાઉસ, કેપીટોલ, લિંકન મેમોરિયલ, એક સીમેટ્રી અને એક મ્યુઝિયમ વગેરે મહત્વના સ્થળો જોઈ હું બસ સ્ટેશને પાછો ફર્યો. ત્યાંથી ન્યુજર્સીની ટિકિટ લીધી અને બકુલભાઈને ફોન કરી દીધો. રાત્રે સાડા આઠ વાગે બકુલભાઈએ મને બસ સ્ટેશનથી પીક અપ કર્યો અને કારમાં જ કહ્યું કે પરમાર સાહેબ સવારે તમારા મિત્ર તમને લેવા આવે તેવું ચોક્કસ કરી લેજો. અમે ઘેર ગયા. મેં યોગેશને ફોન કર્યો અને કહ્યું કે હવે મારા ભાભી હા પાડે કે ના તારે મને સવારે લેવા આવવાનું છે. બકુલભાઈને ત્યાં રાત વિતાવી સવારે દૂધ નાસ્તો કર્યો ત્યાં યોગેશ આવી ગયો. અમે લગેજ કારમાં મૂક્યું. તે સવારે મારે બકુલભાઈના બીજા પુત્ર જપન જોડે મારે વાર્તાલાપ થયો. દિપલને તો હું ઓળખું પરંતુ તે સુરત ઈન્ડિયા હતો. અમેરિકાની મારી પ્રથમ મુલાકાતના સૂત્રધાર બકુલભાઈ હતાં. મેં તેમનો અને ગીતાબેનનો અંત:કરણ પૂર્વક આભાર માન્યો અને યોગેશ સાથે કારમાં બેસી રવાના થયો. યોગેશ અમારો સચિવાલયનો મિત્ર. મદદનીશ (નાયબ સેક્શન અધિકારી) તરીકે ૧૯૮૩માં અમે સાથે તાલીમ લીધી ત્યારે મિત્રો બનેલા. 

યોગેશનું ઘર એડીસનમાં. એક ટુ બીએચકેનો ફ્લેટ. પતિ પત્ની અને બે નાના બાળકો. કાશ્મીરા ભાભીએ આવકાર આપ્યો અને તાજા શાકભાજી લાવી બપોરનું ગરમા ગરમ ભોજન દાળ ભાત રોટલી શાક બનાવી મને જમાડ્યો. યોગેશ ઘેર અને ભાભી કામ પર જાય. બાળકો કાલુકાલુ બોલે એને રામાયણની વાર્તાના મને પ્રશ્નો પૂછે. યોગેશ મને સ્વામીનારાયણ મંદિરે લઈ ગયો. મને અમેરિકામાં હિંદુ મંદિર જોઈ આનંદ થયો. યોગેશ ઘેર અને ભાભી કામ પર જાય તે જોઈ મને ઘરની આર્થિક સ્થિતિનો અંદેશો આવી ગયો. ભાભી કોઈ ડંકી ડોનટના સ્ટોરમાં કામ કરે. મારા માટે બીજા દિવસે ડોનટ લઈ આવી. મને અમેરિકામાં આવે સાતમો દિવસ હતો, પહેલીવાર ગળ્યા ડોનટનો સ્વાદ લીધો. સ્વાદિષ્ટ વધુ એટલે લાગ્યું કે તેમાં કાશ્મીરા ભાભીનો પ્રેમ હતો. તેમણે બીજા દિવસે પણ ગરમ ગરમ લંચ અને ડીનર કરાવ્યા. હું યોગેશને લઈ બજાર જઈ મારે લઈ જવાના આટા, દાળ, ચોંખા, હળદર, મરચું, મસાલા વગેરે ખરીદી આવ્યો. એક ટુ ઈન વન રેડિયો કમ કેસેટ પ્લેયર અને સોનીનો કેમકોર્ડર ખરીદ્યો. મનમાં થતું આવીને તરત ખરીદ્યું હોત તો ન્યુયોર્ક, ઓરલાન્ડો અને વોશિંગ્ટન ડીસીના ફોટા પડ્યા હોત. યોગેશે તેની આપવીતી કહી. કેવી રીતે તેની પરસેવાની કમાણી શેરબજારમાં લૂંટાઈ ગઈ તે જણાવ્યું. નોકરી કરતો ત્યારે ભારે વજન ઉચકવાની કારણે તેને કમરનો દુઃખાવો થતો હતો. તેણે તેની કંપની તરફથી અપાતા પટ્ટામાંથી એક પટ્ટો મને ભેટ કર્યો. તે સાંજે મેં ચોગેશના ઘેરથી લક્ષ્મી જોડે ફોન પર વાત કરી. તેને મેં અમેરિકાની મારી આખી ટુરની વાત કરી અને હાલ યોગેશના ઘેર રોકાયો છું એ જણાવી ફોન મૂકી દીધો. કાશ્મીરા કાન ધરી સાંભળી રહી હતી. જેવો ફોન મૂક્યો કે એ તો ભડકી. તમે કેમ લક્ષ્મીભાભીને એ ન કહ્યું કે કાશ્મીરા ભાભી મારી સારી સંભાળ રાખે છે. મને તાજી શાકભાજી લઈ બંને ટાઈમ ગરમ ગરમ જમાડે છે. હું તો ડઘાઈ ગયો. ઘણો બચાવ કર્યો. બીજી વાર વાત કરી કહી દઉં એમ કહ્યું પણ ભાભી તો રિસાઈ ગઈ. અમે રાત્રે ન્યૂયોર્ક ટાઈમ સ્ક્વેર પર નવ વર્ષની રોશની જોવા નીકળ્યા પરંતુ મનની મજા ઓછી પડી. બીજા દિવસે ઉઠ્યો ત્યારે અમારે અબોલા જેવું રહ્યું. હું બજાર ગયો, તેના માટે એક જીન્સ, ઘર વપરાશની થોડી વસ્તુઓ લાવી મૂક્યા અને તે રાત પસાર કરી. ત્રીજા દિવસે યોગેશ મને એરપોર્ટ પર મૂકવા આવ્યો. ૫૬ કિલો લગેજની બેગો સાથે મેં ફ્લાઇટ પકડી અને વાયા ફ્રેન્કફર્ટ મુસાફરી કરી રવિવારે ૪ જાન્યુઆરી ના રોજ લ્યુબ્લ્યાના ઉતર્યો અને અમારી ICPE હોસ્ટેલ (ઘર)માં દાખલ થઈ ગયો. બીજા દિવસથી સવારથી અમારું શૈક્ષણિક કાર્ય આરંભ થવાનું હતું.

કોઈ પણ પૂર્વ આયોજન કે તૈયારી વિનાની મારી એ અમેરિકાની એક અઠવાડિયાની પહેલી મુલાકાત આમ યાદગાર રહી. 

૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫
Powered by Blogger.