Sunday, March 29, 2026

ઘંટાકર્ણ બજારના સુરેશભાઈ: અગિયાર રૂપિયાથી લાખોની સફર


ઘંટાકર્ણ બજારના સુરેશભાઈ: અગિયાર રૂપિયાથી લાખોની સફર

ઉત્તર ગુજરાતનો થરાદ વિસ્તાર પછાત ગણાય છે, પરંતુ ત્યાંથી નીકળેલા વેપારીઓએ અમદાવાદના બજારોમાં પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે. થરાદીઆ જૈનો કહો એટલે અમદાવાદી વેપારીઓ સજાગ થઈ જાય. થરાદના ગૌતમભાઈ અદાણીની સફળતાથી કોણ વાકેફ નથી? આવી જ એક પ્રેરણાદાયી કહાણી છે સુરેશભાઈની, જેમણે માત્ર અગિયાર રૂપિયાથી શરૂ કરીને આજે સફળ વેપારી તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે.

૧૯૭૦ના દાયકામાં, સાતમા ધોરણ સુધી ભણેલા સુરેશભાઈ પોતાની માતાએ આપેલા અગિયાર રૂપિયાની મૂડી સાથે અમદાવાદ આવ્યા હતાં. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. પિતા આગેવાન ડોન જેવા. જાહેર જીવનમાં ફરે અને ચૂંટણીઓ પણ લડે. પરંતુ પત્ની સાથે ફાવ્યું નહીં. તેથી ઓરડીમાં એક દિવાલ ચણી પત્ની અને ત્રણ બાળકોને ભગવાન ભરોસે છોડી દીધા. માતાએ એ સ્થિતિ સ્વીકારી ગામમાં દૂધ-દહીં વેચીને બે પુત્ર અને એક પુત્રી મળી ત્રણ સંતાનોને ઉછેર્યા. સંજોગો કઠિન હતા, પરંતુ સંકલ્પ મજબૂત.

અમદાવાદ આવીએ એટલે ખાવા રોટલો અને રહેવા ઓટલો જોઈએ. સુરેશભાઈની અમદાવાદમાં શરૂઆત રતનપોળમાં કાપડની દુકાનમાં એક નાનકડી નોકરીથી થઈ. રતનપોળમાં કામ અને શાહપુરની ચાલીમાં રહેઠાણ—આજીવન સંઘર્ષની એ શરૂઆત હતી. પરંતુ કમાવું એ જ જીવન મંત્ર, તેથી વધારાની કમાણી માટે તેમણે ગોમતીપુરમાં ઉષા ટોકીઝ પાસે ફૂટપાથ પર દુકાનોના વધેલા કાપડના ટૂકડા વેચવાનું શરૂ કર્યું. દિવસ દરમિયાન નોકરી અને સાંજે વેપાર—સવારના સાતથી રાત્રે અગિયાર સુધી “ સાયકલ સવારી જિંદગી અમારી” રોજના ૧૬ કલાકની મહેનતે તેમને જીવન ઘડતરનો પાયો ચણ્યો.

કામ કરતાં કરતાં સુરેશભાઈએ સમજ્યું કે જે માલને મિલો “વેસ્ટ” ગણે છે, તેમાં જ વ્યવસાયની તક છે. ૧૯૮૬માં તેમણે નોકરી અને ઢગલા વેચવાનું કામ છોડી પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. મિલોમાંથી વેસ્ટ ગણાતો વધેલો છેલ્લો માલ સસ્તામાં ખરીદીને બજારમાં વેચવાની તેમની રીત સફળ રહી. આ વ્યવસાયમાં તેઓ ધીમે ધીમે સ્થિર થતા ગયા અને આગળ વધતા ગયા. 

આજે અમદાવાદના ઘંટાકર્ણ બજારમાં તેમની દુકાન એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગઈ છે. સોફાનું કપડું, પડદા, બેડશીટ, પિલો કવર, કાર્પેટ સહિત વિવિધ પ્રકારના કપડાં અહીં ઉપલબ્ધ છે. લાખેક જણસથી તેમની દુકાનો ઉભરાય છે. તાકા આવે અને જાય, અહીં ધંધાનો ધમધમાટ દેખાય છે. દેશની મોટી મિલો હોય, Reliance Industries હોય કે Welspun India, Indo Count Industries હોય કે Arvind, બધાં સાથે તેમને સીધો વેપારી સંબંધ. જાણીતી મિલોના સેલ્સ ડિપાર્ટમેન્ટના વડા તેમને ઓળખે અને વધેલો માલ વેચી જગ્યા કરવા મેનેજરોને તેમને ત્યાં મોકલે. જે માણસ અગિયાર રૂપિયાની મૂડી લઈ અમદાવાદ આવ્યો તે આજે મિનિટમાં પચાસ લાખના માલની ખરીદી કરી શકે. 

સુરેશભાઈના સફળતાના પાયામાં માત્ર મહેનત જ નહીં, પરંતુ સંબંધો પણ છે. ગ્રાહકો અને વેપારીઓ સાથેના તેમના સ્નેહભર્યા સંબંધો તેમને અલગ ઓળખ આપે છે. તેઓ મળનારને આદરથી મળવા અને આવકારવા માટે જાણીતા છે. તમે જાઓ તો ચા-કોફીની સાથે સેન્ડવીચનો આગ્રહ જરૂર કરે. તમે ના કહો તો કહે મારે સેન્ડવીચ ખાવી છે, એમ કહી તમને બાંધી લે. 

તેમનો વેપાર હોલસેલનો પરંતુ વ્યક્તિગત મિત્રો, ગ્રાહકોને અનુકૂળ થવા બાજુમાં જ એક રીટેઈલ દુકાન કરી નાની બહેન વર્ષાને સોંપી છે. વર્ષાબેન પણ ભાઈને વફાદાર. ભાભી બિમાર રહેતા તેથી સુરેશભાઈના બાળકોને ઉછેરવા તેમણે આજીવન કુંવારા રહેવાનો નિર્ણય લીધો અને નિભાવ્યો. મારી બહેનનો પગ કદી ફર્યો નથી તેમ કહી ભાઈ બહેનના ઊંચા ચારિત્ર્યના કાયમ વખાણ કરે. ભાભી તો બે ત્રણ વર્ષ પહેલા ગુજરી ગયા પરંતું સુરેશભાઈ, વર્ષાબેન અને બીજી પેઢીના બાળકોનું આ થરાદિયું પરિવાર આજે અમદાવાદી ભદ્ર સમાજનું સુખી પરિવાર ગણાય છે. 

અમદાવાદના સારંગપુર થી રાયપુર જતાં માર્ગ પર ડાબી બાજુએ આવેલ ન્યુ ક્લોથ માર્કેટની બાજુમાં ઘંટાકર્ણ માર્કેટ આવેલું છે. તેના બેઝમેન્ટ કોમ્પ્લેક્સમાં જવાનો નાનકડો રોડ ઉતરીએ એટલે બિલ્ડિંગના ગોળ ગોળ થાંભલાઓની લાઈનમાં બે બાજુ દુકાનોની હારમાળા છે. જીવન માટે જરૂરી તમામ પ્રકારનું કપડું ઉપલબ્ધ છે—દૈનિક ઉપયોગથી લઈને અંતિમ સંસ્કાર સુધીનું તમામ પ્રકારનું કપડું ઉપલબ્ધ છે. નવાં કપડાંથી લઈ ચીંદરીઓનો ઢગલો પણ મળે. 

અમદાવાદ જવાનું થાય અને બજાર કરતાં સસ્તા ભાવે બેડશીટ, પીલો કવર, પડદા કે સોફાનું કપડું, સિન્થેટિક કાર્પેટ, લૂછણિયા, ટૂકડા ખરીદવા હોય તો ઘંટાકર્ણ માર્કેટનો ઢાળ ઉતરી ડાબી લાઈનમાં છેલ્લે પહોંચી એસ. અંકિતકુમાર (I-17-22)નું શોધજો. તમે રાજી થઈ પરત ફરશો. 

સુરેશભાઈની સફર એ બતાવે છે કે સંજોગો ભલે કેટલા કઠિન હોય, મહેનત, સમજ અને સંકલ્પ હોય તો સફળતા મેળવી શકાય છે.

૨૯ માર્ચ ૨૦૨૬


0 comments:

Post a Comment

Powered by Blogger.