જૂન ૧૯૬૫નું બીજું અઠવાડિયું, મારે હજી પાંચ વર્ષની ઉંમર પૂરી થવામાં દોઢ મહિનો બાકી હતો. મારો ચાલી મિત્ર રમણ પરસોત્તમ તે દિવસે માથે તિલક અને નવા નક્કોર કપડાં પહેરી તેના પિતાની આંગળી પહેરી નરવેલા તરફથી તેના ઘર તરફ જઈ રહ્યો હતો. તેના પિતાએ પણ નવો લેંઘો, ખમીસ અને માથે કાળી ટોપી પહેરી હતી. હું મારા ઘરનાં આંગણામાં બે ગબી ગાળી તે વચ્ચે નીચેથી હોલ કરી પાણી એક ગબીમાંથી નાંખી બીજી ગબીમાં જાય તેવી રમત રમી રહ્યો હતો. મારા પિતા ખાટલીમાં બેઠા ગુજરીયું પી રહ્યા હતાં. મેં મોટેથી પૂછયું રમણ, આજે નવાં કપડાં પહેરી ક્યાં જઈ આવ્યો? તેનાં પિતાએ જવાબ આપ્યો કે તેનું આજે શાળામાં નામ લખાવ્યું. મેં મારા પિતા તરફ જોઈ કહ્યું, કાકા મારું પણ શાળામાં નામ લખાવોને. કુટુંબમાં પિતાને મોટાભાઈઓ હોય તેમને સંતાનો કાકા કહેતાં. મારા પિતાએ મારી વાતનું બહું ધ્યાન ન આપ્યું પરંતુ જેવું મેં રોવાનું શરૂ કર્યું એટલે અમારી લાઈનમાં ચોથા ઘરે અમારી કૌટુંબિક બહેન સોનીબેનના બીજો દીકરા નારણને બોલાવી કહ્યું કે આને ભણવું છે, શાળાએ જઈ નામ લખાવી આવજે. નારણે મારા ઘેરથી મારા જન્મનો દાખલો લીધો અને મને લીધો. અમે રસ્તામાં વાતો કરતાં કરતાં શાળાએ પહોંચ્યા. મેં કહ્યું કે મારું નામ પૂનમભાઈ ખેમાભાઈ ના લખાવતાં પરંતુ પૂનમચંદ ખેમચંદ લખાવવાનું છે. સામાન્ય નામ મારે ન ચાલે. મારે વિશિષ્ટ અને મોટા બનવાનું છે. વાતો કરતાં કરતાં અમે બંને રાજપુર શાળા નં.૧ પર પહોંચ્યા અને જેવો લાઈનમાં વારો આવ્યો એટલે નામ નોંધણી કરનાર સાહેબે મારો જન્મનો દાખલો જોઈ મને હજી પાંચ વર્ષ પૂરાં થયાં નથી તેથી પ્રવેશ ન મળે તેવું કહી અમને પાછા મોકલી દીધાં. આમ ગુરુવારે ધક્કો થયો. મેં ઘેર આવી રડવાનું શરૂ કર્યું એટલે નક્કી થયું કે કાલે ફરી જવું અને સાહેબને વિનંતી કરવી. અમે બીજા દિવસે ગયાં. નામ નોંધણી કરનાર સાહેબે ફરી ના કહી એટલે અમે આચાર્ય પુરુષોત્તમ પરમાર સાહેબની રૂમમાં ગયાં. મારી ભણવાની ઉત્કંઠા જોઈ તેમણે કહ્યું કે હાલ તુરંત મને ધોરણ-૧માં મેનાબેનના વર્ગમાં બેસાડવો. મને પહેલી હરોળમાં પાથરણાં પર બેઠક મળી ગઈ.
ધોરણ ૧ના વર્ગખંડની દિવાલ પર પ્લાસ્ટરથી બનેલું બ્લેક બોર્ડ અને તેની ઉપરના ભાગે દિવાલ પર બે બિલાડીઓની વચ્ચે ત્રાજવું પકડીને રોટલો તોલવા બેઠેલો એક વાંદરો. અમારા વર્ગ શિક્ષક મેનાબેન પ્રેમાળ અને તેમનો અવાજ જાણે કોકિલ કંઠ. તે ભણાવે એટલે આનંદ આવે અને બધું યાદ રહી જાય. એ વખતે વર્ગશિક્ષક જ અંકો, અક્ષરો, બારાક્ષરી અને વાંચન લેખન કરાવતાં. પાટી પેનથી ભણાવાનું. દરરોજ બપોરે બાર વાગ્યાથી શાળા. શાળાના પટાંગણમાં પહેલાં ધોરણ મુજબ લાઈન થાય, સમૂહ પ્રાર્થના થાય અને પછી પોતપોતાના વર્ગ ખંડમાં જવાનું. મારો વર્ગખંડ ગ્રાઉન્ડ ફ્લોરમાં જમણી બાજુ છેલ્લેથી બીજો હતો. મેનાબેન દરરોજ વિદ્યાર્થીઓની નામ દઈ હાજરી પૂરે અને જેનું નામ આવે કે જય હિંદ કે જય ભારત બોલે. પરંતુ મારું નામ ન આવે તેથી દિવસની શરૂઆતમાં જ મારું મોઢું ફિક્કું પડી જાય. હાજરીમાં નામ ન બોલાય તો પણ હું શાળાએ નિયમિત જતો અને ધ્યાન દઈને ભણતો. થોડા જ દિવસોમાં હું મારા વર્ગ શિક્ષકનો ફેવરીટ વિદ્યાર્થી બની ગયો. હાજરી વગરનું શિક્ષણ આમ દોઢ બે મહિના ચાલ્યું હશે ત્યાં એક દિવસ હાજરી પૂરતાં મેનાબેન હસીને બોલ્યાં પૂનમચંદ ખેમચંદ પરમાર. હું રોજ બધાંના નામ સાંભળતો. મારાં કાન અચાનક સરવાં થયાં, આંખોમાં એક તેજ કિરણ ચમક્યું અને શરીરમાં વીજળી પસાર થઈ ગઈ. હું પૂરું જોર દઈ મોટેથી બોલ્યો જય હિંદ. પૂરો વર્ગખંડ મારા “જય હિંદ” અવાજથી ગૂંજી ઉઠ્યો. મારું નામ હાજરી પત્રકમાં આવવાથી મેનાબેન અને સહાધ્યાયીઓ સૌ રાજી થયાં.
પહેલું ધોરણ પૂરું થતાં હું બીજા ધોરણમાં આવ્યો. મારો વર્ગ ખંડ પહેલાં માળે હતો. મારા વર્ગશિક્ષક ક્રિશ્ચિયન બહેન ગળામાં દાઝી ગયાના નિશાનવાળા હતાં અને તેમનો અવાજ પણ રૂક્ષ. તેઓ તેમનાં ગોરા અને રૂપાળાં પુત્રને લઈ શાળાએ આવતાં અને વચ્ચે રાખેલાં ટેબલ પર બેસાડતાં અને થોડી થોડી વારે બાટલીનું દૂધ ચૂસવા આપે. અમારું ધ્યાન તેથી બ્લેક બોર્ડના ભણતર પર ઓછું અને બાળકની હરકતો પર વધુ રહેતું. વચ્ચે વચ્ચે તે રડે એટલે તેની ક્રિશ્ચિયનને તેને ધમકાવે, મારે, રડાવે તેથી વર્ગખંડનું વાતાવરણ સાવ બગડી જતું. હું મનોમન ભગવાનને પ્રાર્થના કરતો કે હે ભગવાન પેલા બાળકને તેની માંના ત્રાસમાંથી છોડાવ અને કોઈ એવો રસ્તો કાઢ કે અમે પહેલાં ધોરણમાં ભણ્યા તેવું બીજામાં ભણી શકીએ.
ધોરણ બીજામાં એક દિવસ સમૂહ પ્રાર્થના પછી મારા શાળામિત્ર જશુની પાછળ દોડી શાળાની સીડી ચડતાં મારો પગ તૂટેલા પગથિયાંની ધારે અથડાયો અને પડ્યો. મારી ડાબી આંખના ખૂણે પગથિયાંની ધાર વાગી ગઈ. લોહી નીકળવા લાગ્યું. ગજવામાં રૂમાલ નહીં. શાળામાં ફર્સ્ટ એઇડ નહીં. મેં પાટી-પેન રાખતો તે થેલી કાઢી લમણે દબાવી અને સીધો ઘેર પહોંચ્યો. હજી માં કંઈ પૂછે કે ક્યાં વાગ્યું, તેટલીવારમાં ESI દવાખાનાનું મફત સારવારનુ કાર્ડ લઈ હું દોડ્યો ડી-૨૫ દવાખાને. દવાખાનું અમારા ઘરથી બે કિલોમીટર જેટલું દૂર અને બપોરે બાર એક વાગે બંધ થઈ જાય. મેં ઝડપથી કેસબારીથી કેસ કઢાવી ક્લિનિકમાં બેઠેલા ડોક્ટર પાસેથી દવા લખાવી પછી પહોંચ્યો પાટા-પીંડીવાળી રૂમમાં. કચરાભાઈ કમ્પાઉન્ડરે તરત જ બળતરા થાય તેવું કોઈ પ્રવાહી લગાડી ઘા સાફ કર્યો. દવા લગાડી, પેડ લગાવી માથા ફરતો પાટો બાંધી દીધો. બાજુમાં જ સફેદ, ગુલાબી રંગની ગોળીઓના ભરેલા ડબા હતાં, તેમાંથી સફેદ ગોળીઓ લઈ કાગળમાં બાંધી મને આપી દીધી. દવાખાનેથી પાછા ફરી મેં કાર્ડ ઘેર મૂક્યું અને પાછો બાંધેલા પાટે સ્કૂલમાં જઈ મારી જગ્યાએ બેસી ગયો. વર્ગ શિક્ષક કહે વાગ્યું હતું તેથી આજે ન આવ્યો હોત તો ચાલત. પરંતુ નિશાળમાં દહાડો થોડો પડાય? ગેરહાજરીમાં મારું નામ આવે તે મને ન ગમે.
પિતાજી મજૂર મહાજન સંઘના મેમ્બર અને રાજકીય ઘટનાઓથી ઘર માહિતગાર તેથી આઝાદીની ચળવળ, ગાંધીજી, પંડિત નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ વગેરેના દૃષ્ટાંતો અમને પ્રેરણા આપતા. ૧૯૬૫ના ભારત પાકિસ્તાનનું યુદ્ધ, અઠવાડિયે એક ઉપવાસ, તાશ્કંદ કરાર પછી લાલ બહાદુર શાસ્ત્રીજીનું અચાનક અવસાન થતાં જાહેર રજા અને દેશમાં શોકના વાતાવરણનો દિવસો મને હજી યાદ છે. એ બંને વર્ષ હું શાળાએ આવતાં જતાં રસ્તાની બંને બાજુએ આવેલી દુકાનોના બોર્ડ વાંચી મારું વાંચન પાકું કરતો અને શાળામાં સંભળાવેલી પાંચ વાર્તાઓને જીવન ઘડતરમાં ઉપયોગમાં લેવા ચિંતન કરતો.
છ વાર્તાઓએ મારા જીવતરનો રાહ ઘડેલો. પહેલી તો અમારા વર્ગખંડની દિવાલ પરની બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી જવાની વાત જેમાંથી એકતા અને સંપનું મહત્ત્વ સમજાયુ. બીજી વાર્તા રાજા સત્યવાદી રાજા હરીશયંદ્રની. વચન અને સત્યની રક્ષા કાજે તેમણે પોતાની પત્ની અને પુત્રને વેચ્યાં અને ફરજનું પાલન કરતાં પોતાના પુત્રના અગ્નિદાહની ફી માંગવાથી પણ ન ચૂક્યા. ત્રીજી વાર્તા શ્રવણની. શ્રવણ કાવડ લઈને ફરતો, સેવા માતપિતાની કરતો. પોતાના અંધ માબાપને કાવડમાં બેસાડી તીર્થયાત્રા કરાવવા નિકળેલો શ્રવણ રાજા દશરથના શબ્દવેધી બાણથી હણાય છે અને મરતાં મરતાં રાજા દશરથને પોતાના માતાપિતાને તેનાં મરણના સમાચાર ન આપવા અને તેમની સેવા કરવાનું કહી માતૃ પિતૃ ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. મારા માતાપિતા જીવ્યાં ત્યાં સુધી તેમની ભાવથી ખડે પગે સેવા કરવામાં મેં પાછીપાની ન કરી. તેમના આશીર્વાદ અને કુટુંબની ગરીબી નિવારવાની ધગશે જ મને ભારતીય વહીવટી સેવામાં દાખલ થવાનો મોકો આપ્યો. ચોથી વાર્તા ગુરૂ દ્રોણે લીધેલી પાંડવો કૌરવોની પરીક્ષા જેમાં એક અર્જુન જ પાસ થયો જેને પક્ષીની જમણી આંખ જ દેખાતી હતી. લક્ષ્યવેધ કરવા ધ્યાન માત્ર લક્ષ્ય પર જ રાખવું તે સમજાયું. પાંચમી વાર્તા લાવરી અને તેના બચ્ચાંની. જ્યાં સુધી ખેડૂત બીજાની આશાએ પાકને લણવાની તૈયારી કરતો રહ્યો ત્યાં સુધી તેનાં બચ્ચાં ગભરાતાં પરંતુ લાવરી નિશ્ચિંત રહેતી. પરંતુ જેવું ખેડૂતે જાતે પાક લણવાનું નક્કી કર્યું કે લાવરીએ તેનો મુકામ ઉઠાવી લીધો. પારકી આશા સદા નિરાશનો એ મંત્ર જીવનભર કામ આવ્યો. હૈયું બાળવા કરતાં હાથ બાળવાં સારાં. તે બોધને કારણે વન મેન આર્મી તરીકે હું કોઈ પંણ કામ કે ચેલેન્જ ઉપાડવા સક્ષમ બન્યો. છઠ્ઠી વાર્તા ગાંધી બાપુની. તેઓ નાના હતાં ત્યારે અંધારાથી ડરતાં. તેમના ઘરમાં કામવાળા બેન રમાબેને તેમને રામનામનો મંત્ર આપેલો જેથી ભય લાગે તો રામનામ મંત્ર બોલી તે ભય હટાવતાં. મને પણ અંધારામાં ડર લાગતો. વળી ચાલીના મોટા છોકરાઓ રોજ ભેળાં થાય એટલે ભૂત, પ્રેત, જીન, ચુડેલની વાતો કરે એટલે ભયની સાથે ધ્રુજારી આવી જાય. ગાંધી બાપુમાંથી પ્રેરણા લઈ મેં પણ ભગવન નામ સ્મરણને મારો જીવનમંત્ર બનાવ્યો જેને કારણે અંધારું અને અવરોધો બધું પાર કર્યા.
જેવું બીજું પૂરું થયું એટલે ત્રીજામાં અમને કહી દીધું કે તમારે પોપટીયાવડની નવી શાળા રાજપુર શાળા નં. ૩માં જવાનું છે. શાળા બદલાઈ તે મને ન ગમ્યું, પરંતુ જેવા નવી શાળામાં જનકબેનના વર્ગમાં ભણવા બેઠા તો રાજી થઈ ગયા. એક તો ક્રિશ્ચિયનબેનના કકળાટમાંથી છૂટ્યા અને બીજી તરફ કાળા પણ કામણગારા જનકબેન વર્ગ શિક્ષક તરીકે મળ્યા. ત્રીજું ધોરણ સરસ રીતે પૂરું કર્યું. લેખન, વાંચન અને ગણન એવું મજબૂત થઈ ગયું હતું કે મારા પિતા જે કોઈ મહેમાન આવે તેની સામે મને ચોપડી વાંચી સંભળાવા કહે અને મને પોરસ ચડાવે કે મારો દીકરો બહું હોંશિયાર, કડકડાટ વાંચે છે.
પછી આવ્યું ચોથું ધોરણ. ફરી શાળા બદલાઈ કારણકે ધોરણ-૩ની શાળામાં એક જ ધોરણ હતું. ચોથા માટે હવે હું રાજપુર શાળા નં.૫માં આવ્યો. મારા વર્ગ શિક્ષક હતાં પ્રદીપભાઈ પરમાર. તેમણે મારી હોશિયારી જોઈ મને ઘડવાનું શરૂ કર્યું. એકા અને અગિયારા મને મોઢે. કેમ ન થાય? મારી બાને પા, અડધા, પોણા, એકા, અગિયારા, એકવીસા બધું કડકડાટ આવડે. હું ચોથા ધોરણમાં પ્રથમ આવ્યો અને વિશેષ હોવાનો ખ્યાલ મારામાં પ્રવેશ્યો.
ધોરણ પાંચમાં મારા બે વર્ગ શિક્ષક થયાં પહેલાં સત્રમાં જશોદાબેન અને બીજા સત્રમાં નારણભાઈ પટેલ. જશોદાબેન બરાબર ભણાવે નહીં અને નારણભાઈનો સ્વભાવ નબળો. ગુસ્સે થાય તો જોડું છૂટું મારે. તે વર્ષે અમદાવાદમાં કોમી હુલ્લડોનું વર્ષ. અમારો વિસ્તાર તોફાનો કરવામાં અને કર્ફ્યૂ ભોગવવામાં અગ્રેસર. તેથી પાંચમું ધોરણ પરીક્ષા વગર સમૂહ બઢતીથી બધા પાસ થયાં.
ધોરણ છઠ્ઠાંમાં શાળાનું મકાન ન બદલાયું પરંતુ નંબર બદલાયો કારણકે આચાર્ય અને શિક્ષકગણ અલગ હતાં. શાળા હતી રાજપુર શાળા નં ૭. હું બંને વર્ષે શાળામાં પ્રથમ આવ્યો. ધોરણ ૬ અને ૭ વિષય શિક્ષકો ભણાવતા તેથી તેમાં શિક્ષણના સ્તરમાં મોટો સુધારો થયો. પહેલીવાર પાટી-પેનમાંથી છૂટી નોટ પેન્સિલથી નોટમાં લખવાનું શરૂ થયું. શિક્ષણ સમિતિ તરફથી અપાતાં મફત પુસ્તકો તો વરસ પૂરું થવા આવે ત્યારે આવતાં તેથી સાહેબો જે ભણાવે તે અમારાં પુસ્તકો. અમૃતભાઈ પરમાર સાહેબે અમને અંકગણિત અને ભૂમિતિ એવાં તો ભણાવ્યાં કે તે પાયા પર આજે પણ મજબૂત ઈમારત તરીકે હું ઊભો છું. પ્રેમાનંદ પરમાર સાહેબ અમારા વર્ગ શિક્ષક અને આચાર્ય પણ. તેઓ ગુજરાતી ખૂબ સરસ ભણાવતાં. મારી બા હવે મારા શિક્ષણમાં દાખલ થઈ. મને રોજ પાઠ વંચાવે પછી ઊંઘવા દે. તે પાંચ પાઠ પૂરા થાય ત્યાં સુધી હોંકારો દેતી રહે પરંતુ દૈનિક વાંચનથી મારી યાદશક્તિ અને સમજણ શક્તિ વધતી ચાલી.
મારે ઘેર દર વર્ષે શ્રાવણ મહિનામાં મહાભારત વંચાતું. દિવસપાળી હોય તો બપોરે ચાર વાગે અને રાતપાળી હોય તો સવારે નવ વાગે મહાભારત વંચાય. વૈશંપાયન એણીપેર બોલ્યાં સુણ જનમેજય રાય, વિસ્તારી તુજને સંભળાવું શાંતિ પર્વ મહિમાય. હું પહેલાં સાંભળતો પછી વારામાં વાંચતો થયો. વલ્લભકૃત મહાભારતની વાર્તા કરૂણ, રૌદ્ર, શ્રૃગાંર, શાંતિ, અદ્ભુત, વીર, ભયાનક રસોથી ભરપૂર. તેથી તેના રસસાગરમાં તરબોળ થઈ જવાય. તેથી જેવું સમૂહ વાંચન પૂરું થાય એટલે હું ઘરના ખૂણામાં બેસી આગળ શું થયું તે જાણવા એકલો વાંચતો અને તેમ કરતાં તે વર્ષે આખી મહાભારત મેં વાંચી લીધી હતી જેને કારણે તેની વાર્તાઓ અને પેટાવાર્તાઓ મને યાદ રહી ગયેલી. મારી બા વૈષ્ણવ, ગુરૂ કાનપીરની ગાદીના સંત બેચરદાસની પૌત્રી અને ગુરૂ મૂળદાસની દીકરી તેથી નિયમિત વલ્લભ રચિત શ્રીમદ્ ભાગવત વાંચે. તેથી વૈષ્ણવ સંસ્કાર અને શિસ્ત મને બચપણથી મળેલાં. મારી બા અમારી ચાલીની સામે આવેલ ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસરમાં દર રવિવારે પૂજા માટે નિયમિત જતી. તેના પિયર ગાંભુમાં ગંભીરા પાર્શ્વનાથ જૈન દેરાસર તેથી તેને જૈન સંસ્કારનું સાતત્ય રહ્યું. તે રવિવારે કાયમ શ્વેત સાડી પહેરતી. ચિંતામણિ પાર્શ્વનાથ જૈન દેરાસર મારી શાળાને અડકીને તેથી જૈન ધર્મ અને તેના સંસ્કારો પ્રત્યે મને રૂચિ રહેતી.
જેવું ધોરણ સાત પૂરું થયું કે શાળાના આચાર્ય પ્રેમાનંદ સાહેબે મારું લીવીંગ સર્ટિફિકેટ રોકી રાખ્યું. મને કહે તારું નામ ખાડિયાની હાઈસ્કૂલમાં લખાવ્યું છે તેથી તેઓ લીવીંગ સર્ટિફિકેટ તે શાળાએ મોકલી આપશે. તે વખતે અમારા વિસ્તારની હાઈસ્કૂલમાં ડેમોક્રેટિક અને સેંટ જોસેફ હાઈસ્કૂલના સારાં નામ. સેંટ જોસેફ હાઈસ્કૂલ મારા ઘરની નજીક તેથી મારી રૂચિ ઘરની નજીક રહેવાની જેથી શાળાએ જવાય અને સમય બચે તો ઘરકામમાં બા અને ભાભીને મદદરૂપ થવાય. બીજું ખાડિયા શાળામાં મારા મોટાભાઈ કનુભાઈ અને તેમના બે મિત્રો અંબાલાલ અને મૂળજીભાઈ ભણવા ગયેલાં અને તેમનું શિક્ષણ સાવ કથળી ગયેલું મેં જોયેલું. તેથી કોઈ પણ કિંમતે ખાડિયા હાઈસ્કૂલમાં જવાની તૈયારી નહીં. તેથી મારા માનીતા છતાં અન્યાય કરતાં સાહેબ સામે મેં અવાજ ઉઠાવ્યો. સાહેબ મને મારું લિવિંગ સર્ટિફિકેટ આપો, મારે સેંટ જોસેફ હાઈસ્કૂલમાં નામ નોંધાવવાનું છે. સાહેબે બહું આનાકાની કરી અને જ્યારે મેં મારો રસ્તો રોકાતો જોયો એટલે દાણાપીઠ જઈ શિક્ષણ સમિતિમાં ફરિયાદ કરવાની ધમકી આપી. સાહેબ સમસમી ગયા અને ગુસ્સે થઈ મારું લિવિંગ સર્ટિફિકેટ કાઢી આપ્યું. આમ અમદાવાદ પ્રાથમિક શિક્ષણ સમિતિની ચાર શાળાઓમાં ધોરણ સાત સુધીનું પ્રાથમિક શિક્ષણ મેળવી મેં હાઈસ્કૂલ શિક્ષણ માટે સેંટ જોસેફ હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. જ્યાં મને ઘડનારા ધોરણ આઠના વર્ગશિક્ષક સત્યભાષક સાહેબ, બાબુભાઈ વોરા, મૃદુલાબેન શાહ, શ્રીરમણ શર્મા, બ્રધર, આચાર્ય ફાધર જેરી લોબો વગેરે તૈયાર બેઠાં હતાં. હવે નોટમાં લખવા ઈન્કપેન મળવાની હતી. સસ્તી પેન, તેની તૂટતી નિબ, પેનનો સાંધો લીક થવાથી બગડતી આંગળી અને કંપાસને બદલે કોઈ દિવસ ગજવામાં ભેરવીએ તો ગજવા પર પડતાં વાદળી ઝાબાની મજા જ કંઈક ઓર હતી.
ધોરણ પાંચ થી સાત તો એબીસીડી ચાલ્યું પરંતુ ધોરણ આઠથી એક વિષય તરીકે અમારું અંગ્રેજી શિક્ષણ શરૂ થયું. સત્યભાષક સાહેબ બ્લેક બોર્ડ પર વાક્ય લખે અને એક પછી એક બધાને ઊભા કરી વંચાવે. મારો દેખાવ સારો રહેતો તેથી મારો દાખલો આપી બીજાને પ્રોત્સાહિત કરતાં. તેમના પ્રોત્સાહનથી મારી વિશેષ બની રહેવાની વૃત્તિને બળ મળ્યું અને તે બળથી હાઈસ્કૂલમાં ૮-૯-૧૦માં પ્રથમ અને ૧૧માં બીજો ક્રમે મારી હોશિયાર વિદ્યાર્થી તરીકેની મારી છાપ મેં જાળવી રાખી.
૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫