એક બ્રહ્માનું આયુષ્ય ૧૦૦ વર્ષ (૧,૫૫,૫૨૦ કરોડ વર્ષ) જેમાં ૩૬૦ કલ્પ જાય. એક કલ્પ ૪૩૨ કરોડ વર્ષનો થાય. એક કલ્પમાં ૧૪ મનવન્તર થાય. એક મનવન્તર ૭૧ મહાયુગોનો બને. એક મહાયુગ ચાર યુગોનો બને. એક મહા યુગ ૪૩.૨૦ લાખ વર્ષનો થાય. યુગોમાં સત (ક્રત) યુગ ૧૭.૨૮ લાખ, ત્રેતા ૧૨.૯૬ લાખ, દ્વાપર ૮.૬૪ લાખ અને કલિયુગ ૪.૩૨ લાખ વર્ષનો થાય.
આપણો સૂર્ય અને પૃથ્વી ૪૫૦ કરોડ વર્ષના થયાં,
તેથી એમ કહેવાય કે વર્તમાન સમયે હજી બ્રહ્માનું પહેલું વર્ષ ચાલી રહ્યું છે, બીજો કલ્પ ચાલી રહ્યો છે. પંદરમું મન્વંતર, ૧૦૬૫મો મહાયુગ અને તેના ચતુર્યુગનો કલિયુગ ચાલી રહ્યો છે. પૃથ્વી પર જીવન આવ્યે ૪૩૨ કરોડ વર્ષ (એક કલ્પ) થયાં પરંતુ મનુષ્ય (Homo sapiens) આવ્યે ત્રણ લાખ વર્ષ થયાં તેમાંય બુદ્ધિશાળી થયાને ૬૦૦૦૦ વર્ષ થયાં, કોલોની બનાવતો થયાને ૬૦૦૦ વર્ષ થયાં, ઔધોગિક ક્રાંતિ કરે ૩૦૦ વર્ષ થયાં અને IT ક્રાંતિ કર્યે હજી ૩૦-૪૦ વર્ષ થયાં. એમ લાગે તે આપણે હજી બ્રહ્માના જીવનની સેંકડમાં છીએ. અસ્મિતત્વ એટલું પ્રાચીન છે કે તેનો આરંભ કોઈ ગણી શકે તેમ નથી. તેનો અંત પણ કોઈ ગણી શકશે નહીં. મનુષ્ય બુદ્ધિ બહારનું છે તેથી અતિન્દ્રીય છે.
હિંદુ કાલગણનાને આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંતનો પૂર્વજ ગણી શકાય પરંતુ તેણે આઈન્સ્ટાઈનએ આપેલી સૂત્રાત્ત્રક ફોર્મ્યુલા અને વૈોજ્ઞાનિક સાબિતી સામે એક કાલ્પનિક દૂરદર્શિતા ગણવી જોઈએ.
સમયના વિજ્ઞાનની વાત કરીએ તો પાછળ જવું પડે અને પગેરું છેક મેસેપોટેમીયા (ઈરાક), ઈજિપ્ત અને ગ્રીસ સુધી લંબાવવું પડે. આપણાં પુરાણો બીજી ત્રીજી સદીમાં લખાયા જ્યારે મેસોપોટેમિયા તરફ જઈએ તો ઈસવી સન પહેલાં ૩૫ સદી પાછળ જઈએ ત્યાં સુધીનું લખાણ, ટેબ્લેટ્સ, ગણિત સૂત્રો વગેરે મળી આવે.
જે ૪૩૨૦૦૦ (કલિયુગ)નો આંકડો અને તેના મલ્ટીપલમાં ચાર યુગોની ગણતરી કરીએ છીએ તેનું સ્થાપત્ય પિરામિડોમાં ઊભું છે. જે પૃથ્વી સામે ૧:૪૩૨૦૦ના સ્કેલ પર બનાવવામાં આવ્યું છે. પિરામિડની ઉંચાઇને ૪૩૨૦૦થી ગુણવાથી પૃથ્વીની ત્રિજ્યા નીકળે. પરંતુ આ ૪૩૨૦૦ આવ્યા ક્યાંથી? એક દિવસની સેકંડ થાય ૮૬૪૦૦. પૃથ્વી વિષુવવૃત્ત પર બે સેકન્ડ સ્પીન કરે તેટલી ઉંચાઇ પિરામિડની રખાઈ છે, તેથી ૮૬૪૦૦ને બે વડે ભાગી ૧ઃ૪૩૨૦૦નો સ્કેલ લેવાયો છે.
માણસ સમજતો થયો અને તેનું જીવન દિવસે જાગીને પોષણ કરવાનું અને રાત્રે આરામ કરવાનું તેથી અહોરાત્રના દિનમાન તરફ તેની પહેલી નજર ગઈ. પછી તેણે ઉગતા અને આથમતા સૂરજનો અભ્યાસ કર્યો અને પોતાના પડછાયાને જોઈ સમયપત્રક નોંધ્યું અને તે રીતે ઘડિયાળ બનાવી લીધી. પછી તેનું ધ્યાન ઋતુઓ તરફ ગયું. ટાઢ, તાપ અને વરસાદ. ભોજન અને પાણી માટે વરસાદ સારો તેથી એક વર્ષાથી બીજી વર્ષા સુધી વરસ ગણતો થયો. પછી તેણે રાત્રે સૂતાં સૂતાં આકાશ જોવાનું શરૂ કર્યું. ટમટમતા તારલાની વચ્ચે સતત પ્રવાસમાં રહેતા ચાંદા તરફ તેની નજર જવાની જ. પછી ચંદ્રની કળાઓ, તેની પાછળ રહેલાં તારા મંડળોના આકારો જોતાં જોતાં ગ્રહ, નક્ષત્રો અને રાશિ શોધી કાઢ્યાં. પછી સૂક્ષ્મ ગણિત કરતો ગયો અને વધુ ઉંડાણથી અભ્યાસ કરતો થયો.
પહેલાં આવા ગ્રહ નક્ષત્ર વખતે આમ થયું હતું તો તેવી સંરચના ફરી થાય તો તેનું પુનરાવર્તન થશે? તે અભ્યાસથી જ્યોતિષ અને ફળકથનની શરૂઆત થઈ. અને આ કામમાં પાયાની ભૂમિકા નિભાવી ગ્રીસના પંડિતોએ. આ બધું ઈસવી સન પૂર્વે બન્યું. તેઓ આપણે ત્યાં આવ્યા કે આપણે તેમના સંપર્કથી શીખ્યાં પરંતુ કાલગણના કરતાં કરતાં આપણે ખગોળ વિજ્ઞાનમાં અને જ્યોતિષમાં વિકસિત થયાં. જેનો લાભ છઠ્ઠી શતાબ્દીમાં આર્યભટ્ટ, તેમના શિષ્ય ભાસ્કરાચાર્ય અને પછી વરાહમિહિર મારફત આપણને મળ્યો. આર્યભટ્ટે અથવા તેમનું પહેલાં ઈ.સન ૨૮૫માં રચાયેલ ગુપ્તકાલીન સૂર્ય સિદ્ધાંત (સાયન વર્ષ)ને આપણે ઘણાં સૈકા ન માન્યો બલ્કિ પશ્ચિમના દેશોમાં સાયન વર્ષનું ચલણ વધુ રહ્યું. બની શકે આર્યભટ્ટે કોઈ ગ્રીક પાસેથી આ જ્ઞાન મેળવ્યું હોય. સૂર્ય દર વર્ષે ૨૦ મિનિટ વહેલાં તેનું દક્ષિણાયન બિંદુ પૂરું કરે છે જેને કારણે દર ૭૨ વર્ષે ઉત્તરાયણની તારીખ એક દિવસ પાછળ જાય છે. આજે ઉત્તરાયણ ૨૦ ડિસેમ્બરે આવતી હોવા છતાં આપણે નિરયન પકડી રાખી મકરસંક્રાંતિએ ઉત્તરાયણ મનાવીએ છીએ. એજ પ્રકારે વસંત સંપ્રાત, શરદ સંપ્રાત અને ઋતુઓની તારીખો બદલાઈ ગઈ છતાં નિરયન ચાલે રાખે છે. એ પણ નોંધવું રહ્યું કે આર્યભટ્ટૈ સાયન વર્ષની વાત કરી પરંતુ precession નો સુધારો ન દર્શાવ્યો.
હવે જેમ જેમ નવી પેઢી ખગોળ વિજ્ઞાનને વધુ સમજતી જાય છે તેમ તેમ સુધારા પકડતી જાય છે. કોમ્પ્યુટર સોફ્ટવેર આપણને હવે મહાભારત અને રામાયણના આકાશ વર્ણનોથી યુધિષ્ઠિર અને રામના સમય કાઢી આપે છે પરંતુ તે રામ ઈજીપ્તના રામસેક-૨ હતાં કે અબ્રાહમ તેવી ધારણા તરફ આપણે જોતાં પણ નથી. યુધિષ્ઠિર દિલ્હીનો રાજકુમાર હતો કે પાર્થ નામવાળો તેનો મંત્રભાઈ પાર્થિયન (ઈરાનીયન ટ્રાઈબ) મૂળનો હતો તેવું કોઈ કહે તો આપણને નહીં ગમે.
વસ્તી ક્યાં વધારે હતી. બુદ્ધ થયાં ત્યારે માંડ કરોડ લોકો હશે અને રામને તેમનાથી પ્રાચીન ગણીએ તો તેમનો કાળ લાખોમાં ગણાય. પુરાતત્વીય અવશેષો મેસોપોટેમિયા, બેબીલોન અને સિંધુ સંસ્કૃતિને ઓછી આંકતા નથી. પુરાણોનો કાળ ત્યારપછીનો છે. તેથી પૌરાણિક ઋષિઓને પશ્ચિમથી જ્ઞાન મળ્યું અથવા તેઓ પશ્ચિમના જ્ઞાની જ હતાં જે આવીને ભારત વસ્યા અને ભારતને મહાન ધરોહર આપી તેમ કહી શકાય. જો કે તેમનું જ્ઞાન સૂત્રાત્મક રહ્યું, ગુપ્ત રહ્યું, લોકભોગ્ય ન બન્યું તેથી પશ્ચિમની શોધખોળોએ જ્યારે વિશ્વનું ધરખમ પરિવર્તન કરીને માનવ જીવનધોરણને ઉર્દવ કર્યું ત્યારે આપણે સફાળા જાગ્યા અને જાહેર કરવા લાગ્યા કે આ તો અમે પહેલેથી જાણતા હતાં. બસ બહાર પાડવામાં વિલંબ થઈ ગયો.
પૂનમચંદ
૧૧ એપ્રિલ ૨૦૨૫
0 comments:
Post a Comment