જૈનોનું સતત ચાલતું સમયચક્ર અનંત છે. એક સમય ચક્ર ઉત્સર્પિણી (ascending) અને અવસર્પિણી (regressing)થી ગણાય છે. એક સમય ચક્ર ૧૦ કરોડ કરોડ વર્ષ (1000 trillion). તેમાં સુખમ સુખમ ૪૦૦ ટ્રિલિયન, સુખમ ૩૦૦ ટ્રિલિયન, સુખમ દુ:ખમ ૨૦૦ ટ્રિલિયન, દુ:ખમ સુખમ ૧૦૦ ટ્રિલિયન માઈનસ ૪૨૦૦૦ વર્ષ, જે પૈકી ૨૧૦૦૦ વર્ષ દુ:ખમ અને ૨૧૦૦૦ વર્ષ દુ:ખમ દુ:ખમના ગણાય. હાલમાં અવસર્પિણી પાંચમાં આરાનું દુઃખમ ચક્ર ચાલે છે જેના ૨૫૪૯ વર્ષ પસાર થયા છે અને ૧૮૪૫૧ વર્ષ બાકી છે. તે પછી ૨૧૦૦૦ વર્ષનો વધુ કપરો કાળ દુ:ખમ દુ:ખમ આવવાનો છે જેમાં મનુષ્ય ૧૮ ઈંચનો અને ૨૫ વર્ષ આયુનો રહી જશે. ત્યારબાદ વળી પાછી ઉત્સર્પિણીની ઉત્ક્રાંતિ આવશે. મનુષ્ય પાછો વધતો વધતો ૧૦ કિલોમીટર જેટલો ઊંચો અને પહોળો થશે અને ગણી ન શકાય તેટલા વર્ષો જીવશે. મનુષ્યની ઉંચાઈ આ અવસર્પિણીના છ આરામાં અનુક્રમે ૧૦ કિલોમીટર, ૬.૪ કિલોમીટર, ૩.૨ કિલોમીટર, ૧૫૦૦ મીટર, ૧૦.૫ ફૂટ અને છેલ્લે ૧૮ ઈંચ રહેવાની. ભેજામાં ન જાય તેવી અતિશયોક્તિ જેવું લાગે.
હાલના સમયચક્રમાં ચોવીસ તીર્થંકરો થયા. નવા સમયચક્રમાં નવા ચોવીસ તીર્થંકરો થશે. પરંતુ હાલના સમયચક્રની તીર્થંકરોની કાલગણનામાં ૧૦ની ઉપરના મીંડા વાંચીએ તો જ્યારે પૃથ્વી કે સૂર્ય નહોતા તે પારના વર્ષો ગણાવે. જ્યારે માણસ નહોતો અને ભાષા નહોતી ત્યારે તેમનાં આટલાં સુંદર નામ કોણે પાડ્યાં?
એક તરફ ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ રાજા પ્રસેનજીતના જમાઈ તરીકે ગૌતમ બુદ્ધના સમકાલીન ગણાય અને ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામી તરત પછીના થાય. છતાં જૈન કાલ ગણનામાં ત્રેવીસ અને ચોવીસમાં તીર્થંકરો વચ્ચેનો સમયકાળ વધારે ગણાયો છે. વળી બાવીસમાં તીર્થંકર નેમીનાથના શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ ગણ્યા છે. જો તે સ્વીકારીએ તો શ્રીકૃષ્ણ અને મહાભારતની કાલગણના અતિ પ્રાચીન થઈ જાય. વળી તેમના સમયનો માણસ ૯૮ ફૂટ ઊંચો ગણ્યો છે. હજી પાછળ જઈએ તો પહેલા તીર્થંકર ઋષભદેવનો સમય બ્રહ્માંડની ઉત્પત્તિ પહેલાંનો થઈ જાય. તેમને હિંદુઓના મહાદેવ ગણવાની પણ એક રજૂઆત છે. તેમના પુત્રના નામે આ દેશનું નામ ભારત પડ્યું ગણાય છે.
જૈનો આજે પણ ઘીનો ચડાવો લખાવે ત્યારે બોલી સાંભળવા જેવી. એક રૂપિયાના ધડે એક મણ કે પાંચ મણ ઘી બોલાવે. તેથી જૈનદર્શન વાંચીએ ત્યારે કેટલીક જગ્યાએ અતિશયોક્તિનો ભાગ દૂર કરી સમજવું પડે. જૈન ધર્મની અનંત સમયચક્રની કલ્પના અંદાજે 6th century BCE જેટલી પ્રાચીન ગણી શકાય. પરંતુ તેમનું દર્શન સરળ અને સાત્વિક જીવન જીવવા માટે પ્રેરે તેવું છે.
તાજેતરમાં મહાવીર જયંતી નિમિત્તે પ્રધાનમંત્રીશ્રીએ જૈનોને ગમે તેવું સુંદર ભાષણ કર્યું. નવકાર મંત્ર પર વિશેષ બોલ્યાં. જૈન ધર્મ વ્યક્તિગત આત્મામાં માનતો હોઈ તપ અને ગુણ વિકાસ દ્વારા અરિહંત કે સિદ્ધની ઉંચાઇએ પહોંચવા તેના અનુયાયીઓને પ્રોત્સાહિત કરે છે. સામાન્ય માણસ સાધુ જીવન પસંદ કરે, તેના તપ નિયમ પાળે એટલે ચૈતન્ય વિજ્ઞાન સમજે અને બીજાને બોધ પિરસવા ઉપાધ્યાય બની શકે. ઉપાધ્યાય ગુણ વિકાસ અને જીવન સંદેશથી આચાર્ય બને. આચાર્ય અરિહંત બને અને અરિહંત સિદ્ધ. આ પંચ પરમેષ્ઠી પછી નવકાર મંત્રના બીજા ચાર કોણ તે પ્રશ્ન પૂછીએ તો ઘણાં જૈનને નહીં આવડે. કારણકે ત્યાં શ્રમણ કે સંસારી જીવનમાં કેળવવાના ચાર ગુણો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્ય અને સમ્યક આચરણનો મહિમા છે.
જૈન ધર્મમાં પણ મંત્ર છે, તંત્ર છે, ધાર્મિક વિધિઓ છે, અંધશ્રદ્ધા અને ભૂતપ્રેત છે, માતા અને મહાદેવ છે, ખગોળ અને જયોતિષ છે. પરંતુ સામાન્ય જન માટે જૈન ધર્મની અહિંસા, સૂર્યની હાજરીનો ચોવિહાર, સાત્વિક ભોજન, ઋતુ મુજબ વ્રત ઉપવાસ અને આયુર્વેદ તરફનો લગાવ આચરણમાં મૂકવાં જેવાં છે. ગાંધીજીએ જૈન સિદ્ધાંતોનું પાલન કરી સાધુ જીવનની સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી સત્ય અને અહિંસાના માર્ગે ભારતને આઝાદી અપાવી તેમ કહેવું ખોટું નહીં હોય.
પૂનમચંદ
૧૨ એપ્રિલ ૨૦૨૫
0 comments:
Post a Comment