ભાવતું ભોજન (શાકાહારી)
શિયાળો એટલે સ્વાદની ઋતુ. અત્યારે બધા જ શાકભાજીમાં અમૃત જેવો સ્વાદ આવે છે. શિયાળામાં આપણી પાચનશક્તિ તીવ્ર હોય છે, એટલે ખાધેલું સહેલાઈથી પચી જાય છે અને શરીર એવો સંગ્રહ પણ કરી લે છે કે જે બાકીના નવ મહિના સુધી કામ આવે. ઉનાળામાં પ્રવાહી વધારે જોઈએ અને ચોમાસામાં પાચન મંદ હોય એટલે ઘન અને પ્રવાહી—બંને પ્રકારના ખોરાક ઓછા લેવાય. તેથી ડિસેમ્બર–જાન્યુઆરી–ફેબ્રુઆરીનો ઉત્તમ ઉપયોગ કરવો જોઈએ.
૧) દરરોજ એક ચમચી કચરિયું અને એક ચમચી ચ્યવનપ્રાશ ખાવો.
૨) લાલચટ્ટા ગાજરનું શાક, સલાડ અને હલવો—બધું જ ખાવા જેવું. રોજ ખવડાવો. ગાજર-મેથી, ગાજર-મટર, ગાજર-ફૂલકોબી, ગાજર-રીંગણ. ગાજરનો રસ આંખો માટે ઉત્તમ છે. ગાજરનો હલવો તો રોજ પણ ખાઈ શકાય.
૩) મેથી વાયુહર છે અને કાર્યશક્તિ વધારે છે. મેથી-રીંગણ, મેથી-વંતાક, મેથી-બટાકા, મેથી-ગાજર, મેથી-મટર—થોડી કડવી હોવા છતાં સ્વાદિષ્ટ લાગે. મેથીના ગોટા તો બસ ટેસડા પડી જાય.
૪) લીલી હળદરનું શાક દર રવિવારે મળે તો મજા પડી જાય.
૫) રીંગણનો ઓળો, ભરેલાં રીંગણ, રીંગણ-બટાકા, મિક્સ વેજિટેબલ્સ—શિયાળામાં જેટલા ખવાય તેટલા ખાઈ લો. રીંગણ, રીંગણાં અને વંતાક શિયાળામાં રાજાનું પદ ધરાવે છે.
૬) પાલક આંખો માટે લાભદાયક છે અને હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. પાલકનો સૂપ, પાલક-દાળ, પાલક-પનીર—કોને ન ભાવે? અઠવાડિયામાં બે વાર તો પાલક હોવો જ જોઈએ.
૭) લીલા મરચાં—ગમે તેટલા તીખા હોય, પણ વિટામિન Cથી ભરપૂર. આથેલાં મરચાં તો લંચમાં ચાર-પાંચ સરળતાથી ખવાઈ જાય.
૮) ટામેટાં પણ શિયાળામાં ભરપૂર મળે. લાલચટ્ટાં ટામેટાં પોટેશિયમથી સમૃદ્ધ હોય છે અને યાદશક્તિને તરોતાજી રાખે છે. સફરજન ન ખવાય તો ચાલે, નારિયેળનું પાણી ક્યારેક પીવાય, પરંતુ પાકાં ટામેટાં તો રોજ ખવાય. શાકમાં છેલ્લે એક ટામેટું ઉમેરો તો સ્વાદ વધે.
૯) પાપડી, વટાણા અને તુવેરને કેમ ભૂલાય? એ ચેતાતંત્રને સક્રિય કરે છે. એકલા બનાવો કે અન્ય શાક સાથે—સ્વાદ અનોખો જ હોય. ભાત-વટાણા કોને ન ભાવે? પરંતુ વટાણા વેરી ન નાખતા!
૧૦) બટાકા, શક્કરિયા, રતાળુ, ગરાડુ વગેરે કંદ શાકમાં ભળે છે. ઊંધિયું કે ઊંબાડિયું બન્યું હોય તો બસ, ખાતાં જ રહીએ.
૧૧) દૂધી, સરગવો, કોળું, આદુ, લીંબુ, કોથમીર, લીલું લસણ, લીલી ડુંગળી—જે ઉમેરવું હોય તે ઉમેરજો.
૧૨) બાજરીનો રોટલો, ઘી અને લીલું લસણ નરણા કોઠે પંદર દિવસ ખાવાથી વરસ આખું સારું જાય.
૧૩) કોથમીરની ચટણી તો રોજ ભોજનને શણગારે.
૧૪) મનગમતું મોળું કે તીખું મરચું, રાજાપુરી કે સેલમ હળદર, જીરુ-રાઈ-હિંગનો વઘાર, સપ્રમાણ મીઠું અને સાથે ગરમાગરમ બાજરી કે ઘઉંના રોટલા—ખાવામાં કોણ પાછળ રહે?
૧૫) શિયાળામાં ચોખાની ખીચડી તો સૌ ખાય, પરંતુ બાજરાની, કોદરીની કે મિક્સ ધાનની ખીચડી ખાવાવાળો સાચે શિયાળો માણે. ખીચડીમાં લસબસ ઘી તો હોવું જ જોઇએ.
૧૬) જમવામાં ગાયનું ઘી હોય કે ભેંસનું—પણ મગ, બટાકા અને રીંગણ જો ઘીમાં વઘાર્યા હોય તો પછી કોઈ તેલને હાથ ન લગાડે.
૧૭) વઘારમાં તલનું તેલ અને તળવામાં મગફળીનું તેલ વાપરે તે જ રસોડાનો સાચો રાજા કે રાણી બની શકે.
૧૮) તલના તેલની માલિશ કરી રોજ ઊના પાણીથી નહાવાવાળો માણસ હજારોમાં પણ ચમકીલો દેખાય.
૧૯) પંજાબના કીનીયા અને નાસિકના સંતરા, રોજ એક ગ્લાસ સરબત પીવાનો આનંદ ન ચૂકતા.
શિયાળો આવ્યો છે—ચાલો, ઝટપટ તેનો સ્વાદ અને આનંદ માણીએ. માર્ચ-એપ્રિલ આવતા જ ઘણું બધું મોંઘું થઈ જશે અને ગાયબ થઈ જશે.
૧૮ ડિસેમ્બર ૨૦૨૫
0 comments:
Post a Comment