Sunday, March 22, 2026

ગામડું જીવતું ગામડું

ગામડું જીવતું ગામડું 

અમદાવાદનો એસ.જી. હાઈવે... જ્યાં રાત્રે પણ સૂરજ જેવો ઉજાસ હોય છે, પણ એ ઉજાસમાં હૃદયના ખૂણા ક્યાંક અંધારામાં રહી જતા હોય તેવું લાગે. અહીં દસ બંગલાઓના એક પોશ ગૃપમાં એક ઉચ્ચ આદિજાતિ આઈ.એ.એસ. અધિકારીનું નિવાસસ્થાન. જીવનની તમામ ભૌતિક સુખ-સાહ્યબીઓ વચ્ચે ગત ૧૫મી જાન્યુઆરીએ એક એવી ઘટના ઘટી, જેણે અહેસાસ કરાવ્યો કે શહેરના લોખંડી દરવાજા પાછળ માણસ કેટલો એકલો અટુલો છે.

પરિવારના લાડકવાયા દીકરાની વહુ અમીષા. સાડા ત્રણ વર્ષ સુધી તેણે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે જંગ લડ્યો. પણ આ જંગમાં અમીષા કોઈ હારેલી વ્યક્તિ નહોતી, તે તો એક ‘વીરાંગના’ જેવી લડવૈયા હતી. અમીષા માટે મૃત્યુ એ કોઈ ભયાવહ અંત નહોતો, પણ ઈશ્વરની પ્રકૃતિની એક શાશ્વત વ્યવસ્થા હતી. દસ-દસ કીમોથેરાપીના એ કષ્ટદાયક દિવસો અને અસહ્ય પીડા વચ્ચે પણ તેણે ક્યારેય વિધાતા સામે ફરિયાદનો સૂર નથી છેડ્યો.

સામાન્ય રીતે ગંભીર બીમારીમાં માણસ હતાશ થઈને આક્રમક થઈ હતાશ બની જતો હોય છે, પણ અમીષાએ ક્યારેય પોતાની પીડાની હતાશા બીજા પર નહોતી ઉતારી. તે પરિસ્થિતિથી પલાયન થવાને બદલે તેને ધૈર્યથી સ્વીકારવામાં માનતી હતી. તેના હોઠ પર સતત પરમાત્માનું સ્મરણ અને હૃદયમાં અતૂટ શ્રદ્ધા હતી. તે કહેતી કે, "જે ઈશ્વરે જીવન આપ્યું છે, તેની વ્યવસ્થામાં આપણે ડરવાનું શું હોય?" મરણની એ આખરી રાતે, જ્યારે લોહીનું દબાણ સીમા વટાવી રહ્યું હતું, ત્યારે તેની અર્ધજાગૃત આંખોમાં એક પ્રતીક્ષા હતી—બેંગ્લોરથી આવતા પોતાના ભાઈની. સવારે ભાઈ આવ્યો, બહેનના કાને ભાઈના આગમનના સમાચાર ગુંજ્યા અને જાણે મનની છેલ્લી ઈચ્છાનો મનોરથ પૂરો થયો હોય તેમ અમીષાએ આ નશ્વર જગતને કાયમ માટે 'અલવિદા' કહી દીધું.

અમદાવાદના એ આલીશાન બંગલામાં સન્નાટો છવાઈ ગયો. જ્ઞાતિના રિવાજ મુજબ અમીષાના દેહને હોસ્પિટલથી જ તેના વતન બિલડીયા (જિ. સાબરકાંઠા) લઈ જવાનું નક્કી થયું. અને ખરો પ્રવાસ તો અહીંથી શરૂ થયો—શહેરની કૃત્રિમતાથી ગામડાની અસલી સંવેદના તરફનો પ્રવાસ.

એમ્બ્યુલન્સ હજુ તો ગામની સીમમાં પ્રવેશી ત્યાં તો એક સંદેશાને માન આપી આખું ગામ ગોંદરે ઉમટી પડ્યું હતું. ત્યાં કોઈને વોટ્સએપ પર 'લોકેશન' મોકલવાની જરૂર નહોતી, ત્યાં તો હૈયાના લોકેશન એકબીજા સાથે જોડાયેલા હતા. શહેરના લોકો સ્મશાનમાં જતાં પહેલાં બે વાર ઘડિયાળ જુએ છે, પણ અહીં તો ગામના દરેક ઘરેથી એક-બે લાકડાં બહાર નીકળ્યા. આખું ટ્રેક્ટર ભરાઈને આ લાકડાં એકઠા થયા જે માત્ર બળતણ નહોતા, એ તો ગામના દરેક ઘરની સહાનુભૂતિ હતી.

અંતિમ વિદાય પૂર્વે સ્ત્રી-પુરુષોએ નશ્વર દેહની આરતી કરી પોતાની અશ્રુભીની શોકાંજલિ અર્પી. પિયર પક્ષના કાકા-મામાઓએ લાડકવાઈ દીકરીને અગણિત સાડીઓ ઓઢાડી ભીની આંખે છેલ્લી વિદાય આપી. નદી કિનારે આવેલ સ્મશાનમાં અગ્નિની જ્વાળાઓ સાથે એ રેશમી વસ્ત્રો રાખ થયા અને પંચમહાભૂતમાં વિલીન થયો એ દેહ... પણ એ દ્રશ્યમાં એકતાનો જે મજબૂત સંદેશ હતો, તે શહેરના કોઈ ‘કોન્ડોલન્સ મેસેજ’માં ક્યારેય ન મળી શકે.

ખરખરો થયો, બેસણું થયું. પણ ગામડાનું બેસણું એટલે માત્ર બેસી રહેવું નહીં. ત્યાં તો જ્ઞાતિના આગેવાનો ઊભા થઈને પરિવારના દરેક સભ્યના ખભે હાથ મૂકે અને હિંમતના શબ્દો વાવે. ત્યારબાદ અગિયાર દિવસ પછી ૨૫મી તારીખે 'બારમા'ની વિધિમાં વિશાળ જનમેદની વચ્ચે અમીષાને શ્રદ્ધાંજલિ અપાઈ. ત્યારે ગામના વડીલોએ એ શોકમગ્ન પરિવારના ખભે હાથ મૂકીને ગીતાનો સાર સમજાવતા અત્યંત ગંભીર અને મક્કમ અવાજે કહ્યું:

​"જેમ પંચમહાભૂતનો બનેલો આ દેહ આજે પંચતત્વમાં વિલીન થયો છે, તેમ આ સંસારનો નિયમ છે કે જેનું સર્જન છે તેનું વિસર્જન અટલ છે. મૃત્યુ એ અંત નથી, પણ આત્માનો નવો પ્રવાસ છે. હવે શોક ત્યજીને અમીષાની એ અડગ હિંમતને યાદ કરી હિંમત ધરો, કારણ કે ગયેલો જીવ ત્યારે જ શાંતિ પામે છે જ્યારે તેનું પરિવાર ધર્મ અને કર્મના પથ પર ફરી અગ્રેસર થાય."

​બુંદી અને લાડવાનો પ્રસાદ વહેંચાયો—જાણે વિધાતાને કહેતા હોય કે ભલે તેં વિયોગનું ઝેર આપ્યું, પણ અમે એકબીજાને સ્નેહની મીઠાશ આપીને આ સંસારચક્રમાં ફરી ગતિમાન થઈશું.

એ જ દિવસે મામા પક્ષના લોકોએ પરિવારને જે આ અગિયાર દિવસ શોક પાળી જમીન ઉપર સુતો હતો તેમને ખાટલે બેસાડીને આશ્વાસન આપ્યું કે, "હવે શોક ત્યજો અને હવે તમે ખાટલે બેસી શકો છો તમે સેવા-પૂજામાં મન પરોવી આગળના જીવન વ્યવહાર સંભાળો" એ જ રાત્રે ગામના ભક્તો અને દૂર-દૂરથી આવેલી મંડળીઓએ ભજન-કીર્તન દ્વારા અમીષાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

હોળીનો તહેવાર આવ્યો. જે ઘરમાં મરણ થયું હોય, એ પરિવાર માટે તહેવાર પહાડ જેવો લાગે. પણ ગામડાની સંસ્કૃતિની બલિહારી તો જુઓ! હોળી પ્રગટી એટલે ગામના બે આગેવાનો ખાસ ઘરે તેડવા આવ્યા. તેમને પરાણે ચોકમાં લઈ ગયા, હોળીની પ્રદક્ષિણા કરાવી અને આખા ગામની વચ્ચે સન્માન આપી પર્વમાં સાંકળ્યા. આ માત્ર એક પરિવાર માટે નહીં, પણ ગામમાં જે જે ઘરે મરણ થયા હોય એ દરેકને ગામ આ રીતે હૂંફ આપીને બેઠા કરે છે.

ત્યારબાદ જ્યારે પ્રથમ મોટો તહેવાર આવ્યો, ત્યારે 'ચૂલો પેટાવવાની' વિધિ થઈ. કાકા, મામા અને ફોઈઓએ ઘરે આવી નળિયામાં અંગારા રાખી ગોળનો હવન કર્યો. બીજા દિવસે આખું ગામ ઘરે આવ્યું અને વિધિવત રીતે જાહેર કર્યું કે, "હવે તમારા ઘરનો શોક પૂરો થયો, હવે તમે મંગળ કાર્યો કરી શકશો." આત્મીયતાની આ પરાકાષ્ઠા છે.

દિવસો વીત્યા પછી, જ્યારે એ અધિકારી મિત્ર સાથે વાત થઈ, ત્યારે મેં પૂછ્યું, "અમદાવાદમાં પડોશીઓએ કેવી સાંત્વના આપી?"

તેમણે નિસાસો નાખીને કહ્યું, "સાહેબ, પંદર વર્ષથી અહીં રહીએ છીએ. વહુના મરણના સમાચાર વોટ્સએપ પર મૂક્યા, તો વળતા 'ૐ શાંતિ'ના મેસેજ આવ્યા. પણ પડોશમાંથી કોઈ પાણી પીવડાવવા કે બે ઘડી માથે હાથ મૂકવા ન આવ્યું. મોબાઈલની સ્ક્રિન પર દુઃખ વ્યક્ત થયું, પણ હૃદય સુધી કોઈની હૂંફ ન પહોંચી."

આ સાંભળીને મને થયું કે, શું આપણે ખરેખર પ્રગતિ કરી છે? શહેરમાં માણસોની ભીડ છે, પણ એ 'શંભુમેળો' છે. ગામડામાં ભલે ઓછી વસ્તી હોય, પણ ત્યાં 'જીવતો સમાજ' છે. ગામડાના એ ભોળા લોકો, જેમના હાથમાં કદાચ સ્માર્ટફોન ન હોય, પણ એમના હૃદયમાં સામેવાળાનું દુઃખ પારખવાની ગજબની શક્તિ હોય છે.

મનુષ્ય સામાજિક પ્રાણી છે, અને એ સમાજની સાચી કિંમત તો આવા કપરા સમયે જ સમજાય છે. અમીષાની વિદાય વસમી છે, પણ તેની એ અડગ હિંમત અને બિલડીયા ગામના લોકોએ આપેલી આ દૈવી હૂંફ જોઈને ખાતરી થાય છે કે—

ગામડું એટલે સાચે જ જીવતું જાગતું ગામડું!

1 comment:

  1. ​"પરમાર સાહેબ, ખૂબ જ મનનશીલ અને હૃદયસ્પર્શી લેખ! અમીષાની વિદાયના આ વસમા સમયે તમે જે રીતે અમારા હૃદયની પીડા અને ગામડાની એ અતૂટ માણસાઈને વાચા આપી છે, તે બદલ તમારો આભાર માનું એટલો ઓછો છે. શહેરની એ ભૌતિક ચમક પાછળની એકલતા અને મારા વતનના ભોળા માનવીઓની એ હૂંફ—તમારી કલમે આ બે દુનિયા વચ્ચેનો તફાવત બહુ સુંદર રીતે સમજાવ્યો છે. અમીષાની અડગ હિંમત અને ઈશ્વર શ્રદ્ધા વિશેના તમારા શબ્દો અમારા પરિવાર માટે આશ્વાસનનું ભાથું બની રહેશે. સાચે જ, ગામડું એટલે જીવતું જાગતું માણસાઈનું સંભારણું!"

    ગીતાના સાર અને સંસારના અટલ સત્ય સાથે તમે આ લેખને જે ઊંચાઈ આપી છે તે પ્રશંસનીય છે. અમીષાના જીવનની એ વીરાંગના જેવી હિંમત અને ગામડાની પરંપરાગત આત્મીયતાનો આ સમન્વય અદભૂત છે. અમીષાની હિંમતવાન લડત અને બિલડીયા ગામના લોકોએ આપેલી દૈવી હૂંફનું વર્ણન ખરેખર લોકોની આંખ ખોલી નાખનારું છે. શહેરી ભીડમાં ખોવાયેલી માણસાઈને જગાડતો આ લેખ છે. સુંદર અને અર્થસભર રજૂઆત બદલ આભાર."

    ReplyDelete

Powered by Blogger.