વિજય રંચન સાહેબનો જન્મ દિવસ 1 ઓકટોબર 1942. આજે આપણી વચ્ચે હોત તો, ૮૪ વર્ષના થયા હોત અને, આપણે તેમનો ૮૫મો જન્મ દિવસ ઉજવતા હોત.
શબ્દ દેહે તેઓ ૧૮ પુસ્તકોમાં જીવિત છે. તેમનું છેલ્લું પુસ્તક “કોરા હાંસિયામાં” વિમોચન થયુ, ગુજરાતીમાં આ તેમનું કંકુ થી કસુંબો પછીનું બીજુ પુસ્તક.
હિન્દી ફિલ્મ જગતના ઈતિહાસમાં હાંસિયમાં રહેલા પાત્રોને તેમણે એમના ફિલ્મી વિવેચન દ્વારા અથવા તેમના પુસ્તક થકી અવાજ આપ્યો પરંતુ અહીં કોરા હાંસિયામાં રહી ગયેલા ગુજરાતી વર્ગ માટે લખવાની તેમને ભારે ઉત્કંઠા હતી જે થોડેક અંશે પૂરી થઈ.
જ્યારે હાંસિયો જ કોરો હોય ત્યારે શું લખે?
આ પુસ્તકમાં તેમણે ૨૧ જેટલી ફિલ્મોની સમીક્ષા કરી છે. પરંતુ જે વિષયની તેમને ખોજ હતી તે તો માંડ ૭-૮ ફિલ્મોમાં મળી હશે. ઢોલી, ધબકારો, હેલ્લારો, ભવની ભવાઇ, તમે કેવા, કરસનદાસ પે એન્ડ યુજ, લાખોવણજારો, હીરોસલાટ કે સંત રોહિદાસ, કથાનક દલિત વિષય પર ઓછું જ રહેવાનુ.
નિર્માતા પણ શું કરે? ખોટ ખાય? બોક્સ ઓફિસને પણ આભડછેટ નડે. તેથી સાહસ કરનાર ઓછા મળ્યા છે.
અહી તો કર્ણને કુંતીપુત્ર તરીકે ક્ષત્રિય ધોષિત કરવો પડે. મેઘમયો પણ રાજાનો ખોવાયેલો પુત્ર હોય, કે કબીરને બ્રાહણ્મ માતાનું સંતાન હોય; શિવાજીને ક્ષત્રિય જાહેર કરીને જ રાજતિલક થઈ શકે. તો જ બધુ ચાલે. "હાંસિયો મુખ્યવહીમાં લાવવો જ પડે."
અમે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે પાટીમાં અને પછીથી મધ્યમ શાળામાં નોટોમાં હાંસિયા રખાતા.
પરીક્ષામાં તો જવાબવહીમાં ખાસ કરીને હાંસિયો જોવાતો. જો હાંસિયો જ ન હોય તો માર્કસ કેવી રીતે આપો?
ગુજરાતી સમાજના કોરા હાંસિયાએ હજી સમરસતાની પરીક્ષા પાસ કરી નથી.
આમ છતાં આ રંગમંચ પર ટમટમતા તારલા જેવા, ત્રણ રાઠોડ કાનજી - કીર્તિ અને કેશવ;
ગુજરાતી ફિલ્મોના ચાર પૈડાંમાનું
એક પૈડું પટકથા સંવાદ લેખક રામજીભાઇ વાણીયા; ,
લોકપ્રિય બંધુ બેલડી મહેશ-નરેશ કનોડિયા; ઉભરતી બહેનો હીરાબાઈ અને તરબાઇ સોલંકીની નોંધ
લેવાઈ તે આનંદદાયક છે.
ઉપેન્દ્ર ત્રિવેદીના જમાનામાં હીરો તરીકે નરેશ કનોડિયા અને અવિનાશ વ્યાસના જમાનામાં મહેશ-નરેશના સંગીતે હાંસિયામાંથી જગ્યા કરી તો લીધી જ।
મહાજન v/s હરિજન કે બહુજનની ચર્ચા થાય છે.
સામાજિક સુધારા માટે ગાંધીજી અને આંબેડકરના વિચારોની તુલના થાય છે.
પરંતુ આ કામ ૨૦મી સદીમાં કંઈ સહેલું નહોતું ! આભડછેટ તીવ્ર હતી અને વડોદરા ના રાજાએ ટ્રેન શરૂ કરી તો "ઢેડનો ડબો" એવું બોર્ડ મારી અછૂતોને જુદા બેસાડવા ફરજ પડી.
નરસિંહ મહેતાના પ્રસિદ્ધ ભજન વૈષ્ણવજન તો તેને કહીએમાંથી ગાંધીજી વૈષ્ણવજનોના હદય પરીવર્તન માટે વંચીતો માટે હરીજન શબ્દ લઈ આવ્યા તો તે શબ્દ પણ અછૂત થઈ ગયો. દરિદ્ર નારાયણ નો દરિદ્ર રહી ગયો અને નારાયણ અલોપ થઈ ગયા.
૧૯૦૯ ના ગાંધી અને ૧૯૪૭ના ગાંધી. મોટું પરીવર્તન છે. તેઓ જેમ જેમ સામાજિક વ્યવસ્થાના વધુ પરિચયમાં આવતા ગયા તેમ તેમ હરિજન કલ્યાણની જોડાતા ગયા. ૧૯૩૨ પછી તો હરીજન કલ્યાણનું મોટું આંદોલન ચલાવ્યું. લોકોનો તિરસ્કાર સહયો અને તેમની હત્યાનો પ્રયાસ પણ થયો. તેમની રચનાત્મક પ્રવૃત્તિએ સમાજને જગાડ્યો.
તેમના ગાંધીવાદી કાર્યકરોમાં ભાઈકાકા, ડાહ્યાભાઇ નાયક, રતુભાઈ અદાણી વગેરે અનેક આગેવાનો હરિજન સેવામાં લાગી ગયા હતાં. રતુભાઈ તો ચર્મકામમાં જોડતા કેટલાક લોકો તેમને ચામડિયો કહેતા. ગાંધીજીની દોરવણીમાં અનસૂયાબેન સારાભાઇએ મજૂર મહાજન સંઘ ઊભું કર્યું. જે મજૂર કલ્યાણ ની સાથે ઔદ્યોગિક શાંતિની ઢાલ બન્યું.
ગાંધીજીએ શરુઆતમાં આંતરિક વિરોધ છતા દૂધાભાઈ વણકર અને તેમના કુટુંબ ને કોચરબ આશ્રમમાં પ્રવેશ આપ્યો અને તેમની પુત્રી લક્ષ્મી ને દત્તક લીધી. તેઓ આશ્રમ પાછળની ચાલીઓમાં પછાત વર્ગના બાળકોને ભણાવવા જતાં. તેમણે જે મંદિરો ના દરવાજા હરિજનો માટે બંધ હોય તેમાં જવાનો ઇનકાર કરી દીધો અને આંતરજાતિ લગ્નોનું સમર્થન કર્યું.
પરિણામ એ આવ્યું કે ૧૯૮૦ સુધી ગુજરાતમાં
ગાંધી પ્રભાવ પ્રમુખ રહ્યો અને સમાન અધિકારની આંબેડકરની વિચારધારા ગૌણ.
૧૯૭૪માં દલિત પેન્થર બન્યું. ૧૯૮૧ના અનામત વિરોધી આંદોલને સ્થિતિ બદલી નાખી. ૧૯૬૯ના કોમી તોફાનોમાં બળૂકા બની અગ્રેસર રહેલા લોકો દાજયા અને વાસ્તવિક્તા સામે ટકરાયાં. હવે સહાનુભૂતિ નહીં પરંતુ આંબેડકરવાદની સમાનતા, ન્યાય, અધિકારની લડત હતી. Reservation નહીં પરંતુ Representation નો અવાજ.
૧૯૭૮માં બક્ષીપંચ, ૧૯૯૦માં બૌદ્ધોને અનામત, ૧૯૯0માં મંડલ અનામત આવી અને ૨૦૧૯માં EWS. હવે બધુ જ અનામત છે એટલે અનામત વિરોધી દ્વેષથી સમાજ મુક્ત થઈ રહ્યો છે, તેમ તો કહેવાય.
પરંતુ હજી પેલું તો ઊભું જ છે "તમે કેવા"?
આઝાદીના પહેલા ત્રણ દાયકા શિક્ષણનો પાયો નાખવામાં ગયા પરંતુ હવે શિક્ષિત અને નોકરિયાત વર્ગ ઊભો થઈ રહ્યો હતો અને તેનો અવાજ આંબેડકર અધિકારવાદમાં પ્રકટ થવા લાગ્યો. દલિત સાહિત્યના પગરણ થયા. આ "પગ તો દીયોર હેંડતો થયો". હરીશ મંગલમના પુસ્તકો અને દલિત સાહિત્ય અકાદમીની કામગીરીને બિરદાવવી જ પડે.
"એ તો જેને પડી હોય તે તેની પીડા જાણે".
નિલેષ કથડની "વલોરી" હોય કે જોસેફ મેકવાનની "આંગળીયાત" અને "વ્યથાના વીતક" કે પછી દલપત ચૌહાણની "ગીધ', ભૂખ અને તરસથી પીડાતો આ સમાજ કેમ કરીને ટકી ગયો તેનું આશ્ચર્ય થવાનું.
પરંતુ ઝઝૂમવું એ તો તેનું શસ્ત્ર છે. તેથી તે ગમે તેવી આકરી પરિસ્થિતિમાં ટકી રહેવાનો અને ઝઝૂમવાનો.
સમાજમાં હાંસિયામાથી અંદર લેવાના પ્રયાસો થાય છે. હમણાં અખિલ ભારતીય અખાડા પંચાયત પરીષદે દલિત સમાજના ગુરુ પીઠના મહંતોને 1008 મહામંડ્લેશ્વર ધોષિત કરવાનું ચાલુ કર્યું છે. સમાજને એક કરવા કે વર્ણ સમાજ ને મજબૂત કરવા તે તો સમય જણાવશે.
21મી સદીના ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કરવા માટે કદાચ બીજા ગાંધીની જરૂર નથી, બંધારણ ઘડવા આંબેડકરની જરૂર ના જણાય; પરંતુ ગાંધીજી અને આંબેડકર જેવી ભાવના અને ચેતનાની ચોક્કસ જરૂર છે—એવી વ્યક્તિની, જે આંતરિક પરિવર્તન, સામાજિક જવાબદારી અને વધુ સમૃદ્ધ માનવતાની ભાવનાને પ્રેરિત કરી શકે.
વિજય રંચન સાહેબના જન્મ દિવસે તેમનું ૧૯મુ પુસ્તક "કોરા હાંસિયામાં" પ્રગટ થયું ત્યારે લેખકો અને તેમના પરિવારને અભિનંદન ઘટે અને રંચન સાહેબને શ્રદ્ધા સુમન.
જેમને સમજાય, સંવેદના થાય, તે હાંસિયો ભરે ત્યારે આ પુસ્તક લખ્યું સાર્થક થશે.
ખૂબ સરસ સર. એ લોકાર્પણમાં આપે આપેલ વક્તવ્યને જાણે પુન: સાંભળી રહ્યો હોઉં તેવી અનુભૂતિ મને થઈ રહી છે.ગુજરાતી ફિલ્મોમાં દલિતવિમર્શને આપે મુખર થઈને ખોલી આપ્યો છે. આપના ઊંડા અભ્યાસ અને તર્કબધ્ધ રજૂઆતના અમે વાચકો કાયમના કાયલ રહ્યા છીએ. અભિનંદન. (નટુભાઈ પરમાર-ગાંધીનગર)
ReplyDelete