Friday, September 26, 2025

જિલ્લા વિકાસ અધિકારી (વલસાડ) (૧૮)

જિલ્લા વિકાસ અધિકારી-૩ (વલસાડ)(૧૮)

સાદા પણ સ્વમાની લોકો 

માણસો અહીંના ઊંચાઈમાં નીચા પરંતુ સ્વમાનમાં ઊંચા. સ્વાશ્રયી અને સ્વાવલંબી. શિક્ષકની નોકરી કરતા હોય તો પણ ખેતરે કામ કરવા જતાં સંકોચ ન કરે. અહીં નિવૃત્ત કર્મચારીઓ અમલદારો નિવૃત્તિ પછી હાથમાં દાતરડું કે ખુરપી લઈ ખેતરમાં કાપવા કે નીંદવાનું કામ કરવા જતા મળે. અહીં સરેરાશ આયુષ્ય લાંબુ. મોટા પેટવાળા ઓછા. 
ભાષા અહીંની પોચી અને હલકી. ગામમાં જઈએ તો સાહેબ અહીં આવની, તું બેસની, એમ કહી આવકાર આપે. કર્મચારીઓ અહીં રજા વધુ લે. કંઈ પણ કામ હોય, મહેમાન આવી જાય તો રજા મૂકતાં વાર ન કરે. તેથી એસટીની બસો નિયમિત ચલાવવા અહીં કાયમ પ્રશ્નો રહેતાં. લાંબી નોંધો લખી કાયદાની અને જીઆરની મથામણ કરવાને બદલે અહીં તો કામ થઈ જાય એટલે બધું કાયદેસર એવું માનનારો વર્ગ મોટો. સાહેબ ક્યાંનો છે? શું કરે છે? કોની જોડે ખાય છે, પીએ છે તેની તેમને કોઈ પંચાત નહીં. 

પરંતુ ન્યાય અને અધિકારની વાત આવે તો ચમરબંધીની પણ શરમ ન કરે. ભારતના પહેલાં બિનકોંગ્રેસી પ્રધાનમંત્રી મોરારજીભાઈ દેસાઇનું જન્મ સ્થળ એટલે વલસાડ નજીકનું ભદેલી. ગાંધીયુગની અસરમાં અહીં આઝાદી આંદોલનની સાથે વ્યસન મુક્તિ અને જમીન સુધારણાના કામો થયેલાં. દાંડી સત્યાગ્રહ અને ધરાસણા મીઠા સત્યાગ્રહ પ્રસિદ્ધ છે. મોરારજીભાઈએ આદિવાસીઓને તાડીના કેફથી બચાવવા અહીં મોટી સંખ્યામાં તાડીના ઝાડ કપાવડાવી ખેતરો ચોકખા કરાવેલા. મુંબઈ રાજ્યના મહેસૂલ મંત્રી તરીકે (૧૯૪૬) તેમણે પાસ કરાવેલો ગણોત હકના સુધારા જેને કારણે પછીથી ખેડે તેની જમીનનો જમીન સુધારણા ધારો આવેલો જેને કારણે ઘણાં દેસાઇઓની જમીન છીનવી ગયેલ. પરિણામે મોરારજીભાઈ વતનમાં વલસાડ વિધાનસભાની ચૂંટણી હારી જતાં પછી ખાડિયામાંથી પેટા ચૂંટણી જીતી પોતાનું રાજકીય જીવન બચાવી શકેલ અને ૧૯૫૨માં મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બનેલ. 

પારસીઓનું વતન 

આઠમી સદીમાં સંજાણ બંદરેથી પ્રવેશ કરી પારસીઓ ઈરાન છોડી આવી આ પ્રદેશને તેમનું ઘર બનાવી દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયેલ. નવસારી દાદાભાઈ નવરોજીનું વતન. અહીં ઉદવાડાનો આતશ બહેરામ પવિત્ર. ઉદવાડામાં ઈંદિરા ગાંધીના નણંદનું એક ઘર જ્યાં તેઓ આવેલાં. પારસી ભોજન ઓછું તીખું અને બાફેલું શેકેલું તેથી તેનાં ખાદ્ય વ્યંજનો આરોગ્યપ્રદ. પારસીઓના મકાનો, રાચરચીલું, ભરતકામ વગેરે વિશિષ્ટતા ધરાવે. તેમની ગુજરાતી પોચી અને પહોળી. તેમની અટકો તેમના ધંધા સાથે જોડાયેલી તેથી બાટલીવીળા મળે અને બૂચવાળા પણ. દમણ આમ કેન્દ્ર શાસિત પણ પાડોશી રાહે વલસાડ નું બંધુ કહેવાય.  ત્યાંના કવિ અરદેશર ખબરદાર ગુજરાત ગૌરવના કવિ હતા. વલસાડના શ્રી પારડીવાળા હાલ સુપ્રીમ કોર્ટ ના જજ છે. દુનિયાભરમાં ફેલાયેલા પારસીઓને દક્ષિણ ગુજરાતમાં મૂળ હોવાનું ગૌરવ રહેતું હોવાનું અનુભવ્યું છે અને તેથી અંગત વહેવારમાં કાલી કાલી (colloquial) ગુજરાતી બોલવાનો આગ્રહ રાખે છે. રૂઢિચુસ્ત પારસીઓએ તેમની Udwada ની ઓળખ જાળવી રાખી છે.

સુપાચ્ય ભોજન

વાપીથી તાપીનું જમણ અને કાશીનું મરણ દેશ આખામાં જાણીતું. અહીંની પ્રજા શાંત અને સાદગી પ્રિય. પોતાની રોજીરોટી કમાય અને મનને ગમે તેવું સુપાચ્ય ભોજન કરી લાંબુ જીવે. ગાંધીજીએ દાંડીથી મીઠા સત્યાગ્રહ કરેલો પરંતુ પ્રજા અહીંની મોળું એટલે કે ઓછા મીઠાવાળુ ખાય. ચોખાના રોટલા તો મોળા જ બને. પારસીઓની સંગત મળી એટલે બાફેલું અને શેકેલું વધારે વપરાય. અહીં કાઠિયાવાડી તળેલાં ફાફડા, ગાંઠિયા ઓછા વપરાય પરંતુ આથેલો ખમણનો લોચો અને ઊંબાડિયું બહુ ખવાય. ભાતની જોડે લોચો દાળ પીરસાય અને પછી તેમાં કઢી ઉમેરી ખાઈએ એટલે ખીચડી-કઢીના ગુજરાતી સ્વાદ કરતાં જુદો અને અનેરો સ્વાદ આવે. નાણાંને પૈહા કહે અને સંતાનોને પોયરા પોયરી. 

કેસર કેરી 

અહીંની કેસર અને આફૂસ કેરી અનુક્રમે જૂનાગઢની કેસર અને રત્નાગિરિની આેફુસ સાથે સ્પર્ધા કરે. ચીકુ તો મધ જેવાં મીઠા. માંસાહારી માટે માછલી અને કોન્ટીનેન્ટલ ફુડનો તોટો નહીં. વાપી ગેલેક્સીમાં જાઓ તો મેનેજર પઠાણભાઈ પરોણાગત એવી કરે કે ભૂલાય નહીં. વાપી અહીંની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત. જળ, જંગલ, જમીન, ઉદ્યોગનો સમૂહ એટલે વલસાડ. 

અધિકારીઓની પહેલી પસંદ દક્ષિણ ગુજરાત 

આવો સરળ અને સીધો પ્રદેશ એટલે પહેલી પસંદ સુરત અને બીજી નવસારી-વલસાડ મળે તો અધિકારીઓ હરખથી દોડીને હાજર થઈ જતાં. પછી તેમને ખસેડી કોઈ બીજો બેસવાવાળો આવી ખસેડે નહીં તો લાંબુ ટકી રહેતાં. આવા દક્ષિણ પ્રદેશમાં પૂર્વની પિંજણ, ઉત્તરની પંચાત અને પશ્ચિમની પીઠ પાછળ વારથી વિપરીત સાવ સરળ અને હળવી જિંદગીમાં ઝેડ.એ. શેખ નિવૃત્ત થતાં મારો આકસ્મિક પ્રવેશ થયો. તે વખતે વલસાડ જિલ્લો હાલના વલસાડ અને નવસારી મળી બનેલો. ધરમપુર, પારડી, ઉમરગામ, વલસાડ, ગણદેવી, ચીખલી, વાંસદા તાલુકાઓ. હવે તો જિલ્લા વિભાજન ઉપરાંત તાલુકા વધ્યા છે. 

પ્રજાના પ્રતિનિધિઓ 

જિલ્લા પંચાયતના અમારા પ્રમુખ રમણભાઈ પટેલ. ઘર અમારા એક જ કમ્પાઉન્ડમાં પરંતુ તેઓ વલસાડ કચેરીમાં આવે ત્યારે જ રહે. કોઈ ફાઈલનો આગ્રહ નહીં કે દુરાગ્રહ નહીં. તંત્ર કર્મચારી કામની જરૂરિયાત મુજબ ગોઠવવા પૂરો સહયોગ આપે. સંસદસભ્ય લાલ ટોપીવાળા ઉત્તમભાઈ પટેલ નખશિખ પ્રામાણિક અને આદિવાસી કલ્યાણ માટે સતત સક્રિય. પરંપરાગત ગામના ઘરમાં રહે અને ગામજનોના પોતાના થઈને રહે. અવાજ બુલંદ પણ આદર મેળવેલો તેથી અધિકારીઓ તેમને બીજી વાર કહેવું ન પડે તેમ કામ કરતાં. જલાલપોર નવસારીના ધારાસભ્ય સીડી પટેલ કોંગ્રેસના મોટા આગેવાન સો ટચનું સોનું જાણે. ગૃહમંત્રી હતાં પરંતુ વિભાગની કામગીરી બાબતે મુખ્યમંત્રી ચીમનભાઈ સાથે મતભેદને કારણે તેમનું ગૃહખાતુ લેવાતા રાજીનામું આપી નીકળી ગયા. તેમને ક્યારેય મંત્રીના રૂઆબમાં ન જોયા. તેઓ હંમેશાં અધિકારીઓના પક્ષે રહેતાં. ચીખલીના ધારાસભ્ય કાનજીભાઈ અભ્યાસુ અને તાર્કિક રજૂઆતવાળા તેથી જેમ તેમ જવાબ કરી ન ચલાવાય. નવસારીના ધારાસભ્ય મંગુભાઈ પટેલ (હાલ મધ્યપ્રદેશ ગવર્નર) પ્રામાણિક રજૂઆતમાં માનતાં. વાઘલધરાના વતની વલસાડના ધારાસભ્ય દોલતભાઈ દેસાઇનું દીલ તેમની દોલત. વાઘ જેવા મોટા અવાજે અસરકારક રજૂઆત કરે અને કામ ન થાય ત્યાં સુધી પીછો રાખે પરંતુ વ્યક્તિગત સંબંધોમાં અતિ આદરવાળા અને પ્રેમાળ. તેઓ થોડો સમય વિધાનસભાના સ્પીકર પણ બનેલ. ધરમપુરના ધારાસભ્ય મણીભાઈ સરળ પરંતુ નાનાપોંઢાના ધારાસભ્ય બરજુલભાઈ તેજ રજૂઆત કરી શકતા. પારડીના ધારાસભ્ય રમણભાઈ પટેલ અને ઉમરગામના છોટુભાઈ પટેલ તેમના વિસ્તારના કામો પ્રત્યે સજાગ રહેતા. 

તાલુકા પંચાયતના પ્રમુખો પણ જનસેવા કાર્યોમાં સક્રિય. વલસાડથી વિજય દેસાઇ ઉંમરમાં નાના પરંતુ જનસેવા માટે મોટા અને મહત્વાકાંક્ષી, કાયમ વિનયપૂર્વક રજુઆત અને લોકભાગીદારીવાળા કાર્યક્રમોમાં આગળ રહે. વાંસદાના ઠાકોરભાઈ ગામ છેવાડાના પ્રશ્નોથી માહિતગાર કરતા રહે અને તંત્રને જાગરૂક રાખે. સાક્ષરતાની એ વખતે ઝૂંબેશ ચાલે. પૌઢ શિક્ષણ ઘર અને ગામ ગામનો નારો. તેમાં મોટર સાયકલ રેલીમાં તાલુકા પંચાયતના પ્રમુખ જોડાય તેથી શિક્ષકોના રાત્રિવાસ થાય અને તરૂણ મહોત્સવનું આયોજન પાકા જમણની વ્યવસ્થા સાથે થાય એ તો વલસાડ જ કરી શકે. બીજા તાલુકાના પ્રમુખો પણ જનસેવાના કાર્યો અને કાર્યક્રમોમાં પાછળ ન રહેતા. પછી આવેલી સરકારોના સમગ્ર રાજ્ય માટે કરેલ જન ભાગીદારી દ્વારા વિકાસના પ્રયોગો અમે વલસાડમાં ૧૯૯૩-૯૪માં કરી શકેલ. 

ઉચ્ચ અધિકારી ટીમ 

અમારી જિલ્લા ટીમમાં કલેક્ટર સી. એલ. મીના, જિલ્લા વિકાસ અધિકારી હું, જિલ્લા પોલીસ વડા એકે શર્મા અને પછી અતુલ કરવાલ, જિલ્લા વન સંરક્ષક રામકુમાર, એક બે કેન્દ્રીય સેવાના અધિકારીઓ વગેરે મળી એક ગ્રુપ બનેલું. અમે વારાફરતી હોસ્ટ થઈએ અને પરિવાર સાથે કામ કમ પીકનીકનો આનંદ લઈએ. 

અહીંના તિથલ અને ઉમરગામ પ્રસિદ્ધ. અડકીને દમણ અને દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશો. 

દમણગંગા નદી અને તેનો ડેમ જોવાલાયક સ્થળ. નદીઓ અહીં ઘણી પરંતુ દરિયો નજીક તેથી ભારે વરસાદથી ઉભરાય અને દરિયામાં વહી જાય. મને થતું ગુજરાતમાં ગંગા (દમણગંગા) અને ઉત્તર ગુજરાતની સરસ્વતીને જોડતી યોજના બને તો રાજ્યને પાણીની તંગી ક્યારેક ન રહે. 

મને રાહત આપતી  પંચાયત 

મેં બે મોટા મોટા જિલ્લા ચલાવેલા તેથી વલસાડ જિલ્લા પંચાયત ચલાવવી સાવ રમત વાત. મારી મદદમાં ત્રણ મહારથી GAS અધિકારીઓ ધનજીભાઈ ઝાલાવાડિયા, મારૂતિ કોટવાળ અને જગદીશ ત્રિવેદી હોય, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ઈન્દ્રીશ વોરા હોય, સક્ષમ કાર્યપાલક ઈજનેરો હોય, ડો. ભાષા જેવા અનુભવી જિલ્લા આરોગ્ય અધિકારી અને બીજા શાખા વડાઓ હોય પછી જિલ્લા વિકાસ અધિકારીને શાનો બોજ? આર.ડી.સી એમ.બી. પરમાર મારા પૂર્વ પરિચિત અને રવિ પછી આવેલ કલેક્ટર સી.એલ. મીનાનો મળતાવડો સ્વભાવ સાનુકૂળ તેથી અહીં શાંતિ હતી. 

અધિકારીઓની ટીમ અમારી સંગીન તેથી વાર્ષિક લક્ષ્યાંકોથી સવાયું કામ થયું. ઈનામની આશા હવે મેં રાખી નહોતી અને તેમાંય વિકાસ કમિશ્નર તરીકે હવે શર્મા સાહેબ જેવા તટસ્થ અધિકારી હવે રહ્યા નહોતા. 
કામો, યોજનાઓ અહીં સુપેરે પૂરા થાય એટલે અધિકારીની જિંદગીમાં દોડ દોડ ન મળે. દોડાવે પણ કેવી રીતે? બહું દોડવું પડે, તો કર્મચારી રજા પર ઉતરી જાય. અહીં કાર્ય ઝડપ વાતાવરણથી પ્રભાવિત. અડકીને જ અરબી સમુદ્ર એટલે ભેજવાળી આબોહવા, ધીમા કરી દે. જિલ્લાનું નામ જ વલસાડ એટલે વરસાદ જ વરસાદ. જ્યાં કચ્છમાં ૩૦૦-૪૦૦ મીમી આવતાં વરૂણદેવને મનામણા કરવાં પડે ત્યાં અહીં ૩૦૦૦ મીમી થતાં વાર ન લાગે. એક શનિવારે વરસાદ ચાલુ થાય તો બીજો શનિવાર ન આવે ત્યાં સુધી ના વિરામે. દરિયાની ખારી હવાની અસર અહીંના જનજીવન અને મકાનો પર થતી. અંગ્રેજોના વખતની મોટા ઢોળાવવાળી છતના મકાનો અડીખમ ઊભા હોય અને સુધારાવાદી ફ્લેટ છતવાળા પાકા આરસીસીના ધાબાવાળા મકાનોમાં વોટર પ્રુફિંગના કામો કરાવતા રહે તો પણ ધાબા ગળવાના બંધ ન થાય. 

RIC તપાસણી

તે વખતે રેવન્યુ ઈન્સપેક્શન કમિશ્નર સિંહા સાહેબનું ઈન્સપેક્શન આવ્યું. તેઓ આવે એટલે તંત્ર ગભરાટમાં આવી જાય તેવી તેમની ધાક. અમારે જિલ્લા પંચાયતમાં પણ મહેસૂલી કામગીરી થાય તેથી તેમની કલેક્ટર કચેરી પછી જિલ્લા પંચાયતની વિઝિટ. આપણું કામ ચોકખું તેથી ડર શાનો? વળી નિર્ભય મારો સ્વભાવ. મારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઝાલાવાડિયા કહે કે સાહેબ અમને સાહેબનો અનુભવ છે. તમ તમારે સાહેબ આવે એટલે તેમને રીસીવ કરવા પોર્ચમાં ઊભા રહેજો, બુકે આપી સાહેબને વેલકમ કરજે અને પછી શાંતિથી તેમની જોડે ચેમ્બરમાં વાતો કરજો બાકી બધું અમે સંભાળી લઈશું. ઝાલાવાડિયાએ પૂરી તૈયારી કરી લીધીં પોર્ચથી લઈ જિલ્લા વિકાસ અધિકારીની પહેલાં માળ પરની ચેમ્બર સુધી રસ્તામાં મહિલા કર્મચારીઓને ફૂલછડી સાથે ઊભા રાખી દીધા. સાહેબ આવ્યાં. મેં બુકે આપી વેલકમ કર્યું અને રસ્તામાં મહિલા કર્મચારીઓએ તેમને ફૂલછડી ધરી તેમનું અભિવાદન કર્યું. ચેમ્બરમાં ડ્રાય ફ્રૂટની ટ્રે મૂકી દીધી હતી. સાહેબ પ્રસન્ન ચિત્ત રહ્યા. અમે નાનકડી મહેસૂલી વાતો કરી અને કેટલીક અંગત. તેઓ કહે કે એકવાર તેમને હાર્ટની તકલીફ થઈ. સ્ટેન્ટ મૂકવા ₹૮૦૦૦૦ જોઈએ. તેમણે એડવાન્સ માટે સરકારમાં અરજી કરી. જો એડવાન્સ મળે તો જ સ્ટેન્ટ મૂકાવું તેવો તેમનો નિશ્ચય. સરકાર પણ જાણે, તરત જ એડવાન્સ મંજૂર કરી દીધું. તે દિવસે પણ તેઓ અડધી સીએલ મૂકી હોસ્પિટલ ગયેલ.

ડાંગ પરિચય

મને તે ગાળામાં જિલ્લા પંચાયત ડાંગનો વધારાનો હવાલો મળતાં ડાંગ જિલ્લાનો પરિચય થયેલો. આયુર્વેદમાં રસ અને વળી એસ. કે. નંદા સાહેબે જિલ્લો દત્તક રાખી અહીં ડાંગ ફાર્મસી બનાવેલી તેથી તેના પાયોનિયર વૈદ્ય અમૃતભાઈ પરમાર સાથે મારે આયુર્વેદની ઘણી ચર્ચા થતી. ધારાસભ્ય માધુભાઈ ભોઈ સામાન્ય હિંદુ કરતાં પણ વધુ ધાર્મિક. સાહેબ સાહેબ કહેતા જાય અને પ્રજાના કામ કરાવતા જાય. ડાંગમાં મેં બંગાળા નામની ચોખાની જાતની ફોરમનો સ્વાદ લીધો.

સુખી જીવન 

કર્મચારીઓ આજ્ઞાંકિત અને સેવાભાવી. સાંજે થાકી આવીએ એટલે નગીન સાયકલ લઈ લકીની લસ્સી લઈ આવે. જરૂર જણાય તો પગમાં હળવો તેલ મસાજ કરી દે. ડાહ્યાકાકા રસોઈ બનાવી દે. રામસિંહ બહારનું લાવવા મૂકવાનું કરે. એ વખતે દારા પારડીવાલાના પનીર ટીક્કા એવા તો સરસ બને કે ચસ્કો લાગે. બાળકો અઠવાડિયે-પખવાડિયે ફરમાઈશ કરે. લક્ષ્મી, ઉજ્જવલ-ધવલ અને સુપેરે ગોઠવાઈ ગયાં હતાં. ઉજ્જવલ કોન્વેન્ટમાં ધોરણ-૭ અને ધવલ બાઈ આવાબાઈમાં ધોરણ-૫માં દાખલ થયો. ઉજ્જવલને કોન્વેન્ટમાં ધવલ-ઉજ્જવલની બીજી જોડી મળી. અમારા એકાઉન્ટ ઓફિસર એ.જે. શાહના બે પુત્રો. ઉજ્જવલ પછીથી કોન્વેન્ટ છોડી ધવલ સાથે બાઈ આવાબાઈમાં આવતો રહ્યો. 

મારે જિલ્લા વિકાસ અધિકારી તરીકેનું ચાર વર્ષ પૂરા કરી પાંચમું વર્ષ ચાલતું હતું. વલસાડ કલેકટર રવિની બદલી વખતે મને વલસાડ મળવાની એક તક હતી પણ ન મળી. પરંતુ હું વલસાડના જીવનથી ખુશ તેથી સરકાર બીજો હુકમ જ્યારે કરે ત્યારે ખરો, ‘થોભો અને રાહ જુઓ’ ની નીતિ પર ચાલી મારી વલસાડ છોડવાની કોઈ તમન્ના ન હતી. નવેમ્બર ૧૩, ૧૯૯૩ની ના રોજ આવેલી દિવાળી અને નવા વર્ષ નવેમ્બર ૧૪, ૧૯૯૩ની મુલાકાતો રોમાંચક રહી. 

મહત્વાકાંક્ષી મુખ્યમંત્રીનું અચાનક અવસાન 

ફેબ્રુઆરી ૧૯૯૪માં ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની બહુચર્ચિત ચૂંટણી આવી. કોંગ્રેસ અને બીજેપીને બે-બે બેઠકો મળવાની શક્યતા પરંતુ ક્રોસ વોટિંગનો લાભ મળશે તો ત્રીજો જીતી જશે એ ગણતરીએ ચીમનભાઈએ જયંતીભાઈ શાહ/પટેલ નામના ત્રીજા ઉમેદવારને ઊભા કરી દીધા. પરંતુ તેને કારણે પ્રથમ પસંદના ઉમેદવાર માધવસિંહ સોલંકીને હારી જવાનો ભય ઊભો થયો. માધવસિંહ અને ચીમનભાઈ બે દસકાથી પ્રતિસ્પર્ધી. ૧૯૮૫માં મુખ્યમંત્રીની ગાદી છોડવાના કારણોથી માધવસિંહ માહિતગાર. તેથી જો ચીમનભાઈ તેમને ફાળવેલ મતોમાંથી ક્રોસ વોટિંગ કરાવે તો કોંગ્રેસના ત્રીજા ઉમેદવાર જીતી જાય અને તેઓ હારી જાય. તત્કાલિન પ્રધાનમંત્રી નરસિંહરાવે ચીમનભાઈને તેમની જીત પાકી કરવા તાકીદ હતી. બે દાયકાથી એકબીજાના પ્રતિસ્પર્ધી એક જ પક્ષમાં ફરી તનાવમાં આવ્યાં. 

રાજકીય તનાવના એ વાતાવરણમાં ચીમનભાઈએ તેમના આરોગ્યને અવગણ્યું. સચિવાલયમાં તેમની ચેમ્બરમાં જ ઉલટી થઈ પરંતુ એ ગંભીર ચેતવણીને અવગણી અને સામાન્ય શરદી કફ ગણી ચલાવે રાખ્યું. પરિણામે સમયસર સાચી સારવાર મળી નહીં અને તે જ રાતે દર્દીની હઠ કહો કે ડોક્ટરોની ભૂલ નિયતિએ કામ કરી લીધું. અર્થશાસ્ત્રના જ્ઞાતા, મોરારજીભાઈ દેસાઇના હનુમાન ગણાતા, ઊર્મિલાબેન સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરનાર, ભારતના પ્રતાપી વડાપ્રધાન ઈંદિરા ગાંધીને સામે થનાર, ૧૯૭૪માં સાવ રાજકીય મૃત્યુ જેવી હાલતમાંથી પોતાને ફરી ઉઠાવનાર, વહીવટમાં નિષ્ણાત અને રાજકારણના અઠંગ ખેલાડી ચીમનભાઈ પટેલ હ્રદયરોગના હુમલાથી ૬૪ વર્ષની ઉંમરે ફેબ્રુઆરી ૧૭, ૧૯૯૪ ના રોજ તેઓ ગુજરી ગયા. 

મને એકવાર રાજકોટમાં તેમની સૌરાષ્ટ્રના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાઓની સંયુકત કોન્ફરન્સમાં તેમણે કહેલાં શબ્દો યાદ આવ્યા. ‘આ ચીમનભાઈ જીવાભાઈ પટેલ જ્યાં સુધી મુખ્યમંત્રી છે ત્યાં સુધી તેના શબ્દો જ કાયદો બની રહેવાના’. હવે તે શબ્દો ખાક થઈ ગયા. 

સીધી ભરતીના આઈએએસથી તેમને અણગમો કે કેમ ૧૯૯૨ થી ૧૯૯૫ તેમણે IASના માંગણા પત્રો ન મોકલતા ત્રણ વર્ષો ગુજરાત નવા IAS અધિકારીઓથી વંચિત રહ્યું અને અશોક પરમાર (J&K), રવિ પરમાર (બિહાર), બીપીન શ્રીમાળી (મહારાષ્ટ્ર) જેવા IAS થયેલા SC ઉમેદવારોને ગુજરાત બહારની કેડરમાં જવું પડ્યું. ચીમનભાઈને લઘુમતી જેવી સરકાર ટકાવી રાખવાની અને તેમાંય તેમનો સામેનો પક્ષ તેમના પક્ષમાંથી બીજા આગેવાન ટપારતો જાય એટલે ધારાસભ્યો સાચવીને રાખવા પડે. તેમના ઘરે લગ્ન પ્રસંગો હોય તો હાજરી આપે અને મદદ પણ કરે. 

નિર્ણયોની અનુકૂળતા માટે જેમ તેમણે સી. ડી. પટેલ પાસેથી ગૃહ ખાતું લઈ લીધુ હતુ તેમ તેમણે મુખ્ય સચિવને બદલી નવા મુખ્ય સચિવ ખાન સાહેબ લઈ આવેલા. 

ભાવનગરની ધારાસભાની એક પેટા ચૂંટણીના પ્રચાર દરમ્યાન મારા બેચમેટ ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી સંજય ગુપ્તા તેમના પરિચયમાં આવ્યાં. તેમને તેઓ સચિવ તરીકે લઈ ગયા. સંજય અમારો વીઝનરી, કુશળ સીવીલ એન્જિનિયર અને પ્રોજેક્ટ પ્લાનિંગમાં શ્રેષ્ઠ. તેણે જ પછીથી સાયન્સ સીટી અને GSPLના નવા સુંદર બિલ્ડીંગ ઊભા કર્યા હતા. 

વન મેન પાર્ટી એવાં ચીમનભાઈએ કહેવાય છે કે ખૂબ મોટું પાર્ટી -રાજકીય ફંડ ઊભું કરેલ પરંતુ ખબર નહીં તેમના ગયા પછી તેનું શું થયું? લોકો કહેતા કે તેમના દીકરા સિદ્ધાર્થભાઈના ભાગમાં કંઈ ન આવ્યું. 

ખેર, તે ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી રાજ્યસભાના ઉમેદવારો માધવસિંહ સોલંકી અને રાજુભાઇ પરમાર અને બીજેપી તરફથી પ્રફુલ્લભાઈ ગોરડિયા અને આનંદીબેન પટેલ ચૂંટાઈ આવ્યા. 

નવા મુખ્યમંત્રી 

ચીમનભાઈ પટેલના આકસ્મિક નિધન પછી હવે કોંગ્રેસમાંથી કોણ બનશે મુખ્યમંત્રી એ મોટો પ્રશ્ન બન્યો. જૂના જનતા પક્ષવાળા આગેવાનો કોંગ્રેસ મૂળનાને પસંદ કરે નહીં. સી.ડી. પટેલનું સામાન્ય હાર્ટ ચેક અપ માટે જવું અને એન્જિયોગ્રાફી વખતે જ દેહાંત થઈ જવાની પાછલી ઘટનાનું નુકસાન મૂળ કોંગ્રેસીઓને હવે સમજાયું. છેવટે સમાધાન સધાયું. જૂના પીએસપી આગેવાન છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા અને નરહરી અમીન નાયબ મુખ્યમંત્રી. 

મારી પ્રતીક્ષા ક્યાં સુધી? 

સરકાર બદલાય એટલે કેટલાક બદલી હુકમો થાય તેવો સામાન્ય શિરસ્તો. એકવાર ફરી જિલ્લા કલેક્ટરોની બદલીના હુકમો થયાં. ઓગણીસ જિલ્લા અને તેમાં ગોઠવાયેલા અધિકારીઓ એક જિલ્લો છોડી બીજે જઈ ખો રમતાં જાય અને નીચેનાનો વારો રોકી રાખે. પરંતુ આ વખતે મારી જુનિયર બેચના અધિકારી દેખાણાં. મારા સીનીયર પંચમહાલ કલેક્ટરમાંથી વડોદરા કલેક્ટર થઈ અને બંને કાર્યકાળ સફળ પૂર્ણ કરી પાછા કચ્છ કલેક્ટર બન્યાં. વલસાડ કલેક્ટર પંચમહાલનો કાર્યકાળ પૂરો કરી આવ્યાં હતાં. આમાં આપણે ક્યાં? જીએડીમાં બેઠેલો કહેવાતો મારો મિત્ર અંતરાય બનીને ઊભો હતો. મેં થોભો અને રાહ જુઓનો માર્ગ અપનાવ્યો. 

આમ પણ જિલ્લા પંચાયત મને ગમતું ક્ષેત્ર. ૧૦,૦૦૦ થી વધુ કર્મચારીઓ અધિકારીઓનું મોટું તંત્ર. ગ્રામજન કંઈક માંગે તો મીની સચિવાલય ચલાવતા જિલ્લા વિકાસ અધિકારી તરત મદદ કરી શકે. વળી વહીવટી રીતે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સમકક્ષ અને બંનેના ઉપરી અને વિભાગો અલગ અલગ તેથી આ પદ કે પેલું પદ એવો વિવાદ ઓછો. તે સમયે જિલ્લા પંચાયતોનું મોટું મહત્વ રહેતું. જિલ્લા વિકાસ અધિકારીના ૧૦,૦૦૦ કર્મચારીઓ- અધિકારીઓના તંત્ર સામે કલેક્ટર પાસે માંડ ૮૦૦-૧૦૦૦ કર્મચારી અધિકારી. પરંતુ લાલ લાઇટવાળી ગાડી, રેગ્યુલેટરી ઓથોરિટી, મહેસૂલી અધિકારો તથા જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકેની જિલ્લાના કેન્દ્ર સમીમમોભાવાળી જગ્યા તેથી દરેક અધિકારીને જીવનમાં એકવાર કલેક્ટર બનવાની તમન્ના રહેતી. 

ચોટનું કારણ

ચાર મળે ચોટલા ભાગે ઘરના ઓટલાં. મહિલાઓના એક ગ્રુપની નાનકડી કીટી જેવી પાર્ટીમાં એક ઉચ્ચ અધિકારીના પત્ની મારી કલેક્ટર તરીકેની વરણી ન થવા અંગે થોડું ઘસાતું બોલી ગયા. દિવાલને પણ કાન હોય છે. વાત મારે કાને અથડાઈ. મને મહેણું હાડોહાડ લાગ્યું અને મારી ચિત્ત શાંતિ વિક્ષેપ પામી. થયું હવે તો નેવાંના પાણી મોભે ચડ્યા. ડ્રાઇવર સુરેશભાઈને કહ્યું ગાડી લગાવો પંચાયત મંત્રીના પીએ બબાજી ઠાકોર પાસેથી પંચાયત મંત્રીને મળવાનો સમય લીધો. 

કલેક્ટર કચ્છ તરીકે બદલી અને પ્રયાણ

લીલાધર વાઘેલા ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક. કદ કાઠીમાં નાના પરંતુ વક્તા તરીકે અનોખા. ઉચ્ચારણની એક પણ ભૂલ વિના અને કહેવતો રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તે તેમના વક્તવ્યમાં કોથળામાં પાંચશેરી રાખી વિરોધીઓને મારતાં. તે કહેતાં કે મહેણાંની મારી ઉત્તર ગુજરાતની કૂતરી ભંઠ ખઈને મરી જાય પરંતુ તેની ડેલીએ પગ ન મૂકે. મને પણ મહેણું વાગ્યું હતું. લીલાધરભાઈ ધારાસભ્ય તરીકે પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ ત્યારથી મારે તેમનો પરિચય. મારી જવાબોની તૈયારી અને હાજરજવાબીની તે મીટિંગોમાં આનંદથી નોંધ લેતાં અને બીજાઓને જણાવતા. હું પહોંચ્યો મંત્રીસંકુલના તેમના નિવાસસ્થાને અને માંડીને બધી વાત કરી. તેઓએ મુખ્યમંત્રીને ફોન કરી મળવાની રજા લીધી. મુખ્યમંત્રી નિવાસસ્થાન નજીક જ હતું. અમે બંને પહોંચ્યા. મુખ્યમંત્રી છબીલદાસ મહેતા સાથે મારો સીધો પરિચય નહીં પરંતુ તેઓનાણામંત્રી હતા ત્યારથી મને નામથી ઓળખે. પરમાર કેમ આવવું થયું? લીલાધરભાઈએ માંડીને વાત કરી. મુખ્યમંત્રીએ ફોન ઉઠાવ્યો, સૂચના આપી અને બપોર સુધીમાં કચ્છ કલેક્ટર જેમને મૂકેલા તેમનો હુકમ રદ થયો અને મારા હાથમાં કચ્છ કલેક્ટરનો હુકમ આવી ગયો. 

હવે પળનોય વિલંબ ના કરાય. મારી જગ્યાએ વલસાડ જિલ્લા અધિકારી તરીકે મૂકેલા અપર્ણાનો મેં સંપર્ક કર્યો. તેમને અમદાવાદના મારા પિતાજીના નિવાસસ્થાન મયૂર પાર્ક સોસાયટી (દાણીલીમડા)ના મકાને બોલાવ્યા. હું સચિવાલયથી સીટીસી ફોર્મ લઈ આવ્યો હતો. વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના ચાર્જ છોડવાના સીટીસીમાં મેં સહી કરી અપર્ણાને વલસાડ જિલ્લાની જિલ્લા વિકાસ અધિકારીની ખુરશી સોંપી હું કચ્છ રવાના થઈ ગયો. 

હું ભૂજ પહોંચ્યો. તત્કાલીન કલેકટરની બદલીઓ અગાઉ હુકમ થયો હતો તેથી ચાર્જ લેવાની કોઈ અગવડ ન પડી પરંતુ ઘર લેવામાં હજી અગવડ પડવાની હતી તેનો અંદેશો મને પ્રાથમિક વાર્તાલાપમાં આવી ગયો. આપણે હવે કચ્છના નવા કલેક્ટર, જ્યાં જીવન કથામાં એક મહત્વના કાર્યભારની નોંધ ઉમેરાવાની હતી. 

૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫

Thursday, September 25, 2025

જિલ્લા વિકાસ અધિકારી-જૂનાગઢ (૧૭)

જિલ્લા વિકાસ અધિકારી - ૨ (જૂનાગઢ) (૧૭)

હાલના જૂનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદરને ભેગા કરી જે જિલ્લો બનાવીએ તે અમારા સમયનો જૂનાગઢ. ૧૪ તાલુકા, બે સંસદ સભ્યો અને ૧૧ ધારાસભ્યોથી ધમધમતો પ્રદેશ. 

આવા જૂનાગઢના મનોરંજન ગેસ્ટહાઉસમાં લક્ષ્મી અને હું મોટા મચ્છરોની કંપનીમાં રાત પસાર કરી સવારે ઉઠ્યાં છીએ. નાહી ધોઈને ચા નાસ્તો કરી જિલ્લા પંચાયત કચેરી તરફ જવાની હું તૈયારી કરું છું ત્યાં બરાબર ૯.૪૫ ના ટકોરે મુખ્ય સચિવ ખાન સાહેબનો ફોન રણકે છે. તેઓ ફોન પર આવી કહે છે, પરમાર હમણાં ચાર્જ લેવામાં થોભજો. બીજા અધિકારીને ત્યાં મૂકવા રજૂઆત આવી છે. મેં જવાબ આપ્યો, સાહેબ, CTC તો મેં રાત્રે ભરીને ચાર્જ લઈ લીધો. તેમણે કહ્યું, તો ભલે, મજા કરો. 

મને હાશ થઈ અને હું કચેરી ગયો. શિષ્ટાચાર મુજબ અધિકારીઓ, આગેવાનોને મળ્યો. મહેસાણાથી વિપરીત જિલ્લા પંચાયતના પ્રમુખ સુકાભાઈ આંત્રોલિયા મને મળવાં આવ્યાં અને શુભેચ્છા પાઠવી. મારી શરૂઆત સારી થઈ. પરંતુ બીજા દિવસે સવારે સૌરાષ્ટ્ર સમાચારે છાપ્યું, ‘બકરૂં કાઢતા ઊંટ પેઠું’ અને હું સાવધાન થયો. મારા પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી સી. એમ. લેઉવા શાંત અને સરળ. અમારી વચ્ચે વાર્તાલાપનો સમય ઓછો રહ્યો એટલે વિશેષ બ્રીફિંગ નહોતું થયું પરંતુ તેમણે તે રાત્રે તરત જ CTC ભરી મને હાજર થવાની સરળતા કરી આપી તે તેમની ખાનદાની હતી. અમારા પંચમહાલના સાથી જે. એન. સિંહ કલેક્ટર હતાં. અમારા બંનેની ચેમ્બર એક જ બિલ્ડિંગમાં હતી. હું તેમને મળવા ગયો તો તેમના ચેમ્બરનો દરવાજો કાચનો પારદર્શી જોઈ મને તેનું અનુકરણ કરવાનું ગમ્યું અને તે જ અઠવાડિયે મારી ચેમ્બરનો દરવાજો કાચનો પારદર્શી કરી મેં મને જનતા સમક્ષ ખુલ્લો મૂકી દીધો. 

ઐતિહાસિક અને આકર્ષક જિલ્લો 

પંચમહાલના અછતગ્રસ્ત જિલ્લાથી તદ્દન વિપરીત અહીં છતનો જિલ્લો. ચારેબાજુ લીલોતરી. મગફળી અને કપાસ ભરેલાં ખેતરો; આંબા નારિયેળીથી ભરેલાં બગીચાઓ. ના વરસાદની અછત કે માંગરોળ દરિયાકાંઠાના કેટલાક ગામો સિવાય ના પીવાના પાણીની સમસ્યા. સ્વાધ્યાય પરિવારની ઝુંબેશને કારણે અહી ખારા પાણીવાળા વિસ્તારોમાં મીઠા પાણીના તળ વધી રહ્યા હતાં. આખો જિલ્લો જ જાણે પર્યટન સ્થળોનું મહામથક. 

ગરવો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે, પૌરાણિક મહાભારતનો રેવતાચળ અને પ્રાચીન ભારતનો ઉર્જાયત પર્વત આજનો ગિરનાર પશ્ચિમનો કૈલાસ; ધ્યાન, ઉપાસના અને ભક્તિનું મોટું કેન્દ્ર. મોર્યકાલીન સમયે યુનાની ગવર્નરોથી સંચાલિત યૂનાગઢ જૂનાગઢ બન્યું છે. સમ્રાટ અશોકનો શિલાલેખ અને પશ્ચિમમી ક્ષત્રપ નરેશ રૂદ્રદામન-૧નો શિલાલેખ તેના ઐતિહાસિક મહત્વની પુષ્ટિ કરે છે. પ્રાચીન સુવર્ણશીતકા અને પલાસિની બે નદીઓના પ્રવાહને પાણી રોકી બાંધેલો બંધ અને સુદર્શન તળાવ હવે તો પૂરા ન મળે પરંતુ તેના અંશરૂપ દામોદરો કુંડ અને વિષ્ણુ મંદિર હજી છે. અહીં પ્રાચીન બૌદ્ધ ગુફાઓ છે. ૨૨માં તીર્થંકર નેમીનાથ, અંબાજી મંદિરો અને ગુરૂ દત્તાત્રેયના પગલાં છે. ઉપરકોટનો કિલ્લો, અડીકડીવાવ અવે નવઘણ કૂવો છે. રા’ખેંગાર અને રાણકદેવી દંપતીની પ્રેમગાથામાં સિદ્ધરાજ જયસિંહનો પડકાર છે. ભવનાથ મંદિર, મૃગીકુંડ અને નાગાબાવા ભરપૂર છે. નરસિંહ મહેતાનું ભક્તિ નિવાસ, પ્રભાતિયાં અને ગાંધીને પ્રિય વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ભજનની ભૂમિ છે. ગાંધીજીની બા પૂતળીબાઈનું પિયર છે. આવી સોરઠ ધરાનો છેલ્લો રા’માંડલિક-૩ બેગડાથી હારી જહાનખા બની અમદાવાદની કબરમાં પોઢ્યો છે. ત્યાં મોગલ શાસનનો નવાબ જામનગરના રજવાડાઓની વેઠથી છૂટવા નાઠેલા કુટુંબોને ગીરમાં શરણું દે છે. સાસણની સાવજોના દેશમાં વીર કવિ ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા હાથમાં ડાંગ લઈ સાવજને હાકલ કરે છે, ઊભો રે જે, વનના કૂતરા ઊભો રે જે. ખમીરવંતી આ ધરામાં ભક્તોનો પાર નથી. શેઠ સગાળશા અને કેલૈયો કુંવર છે. અહીં રત્નાકર સાગર (અરબી સમુદ્ર) અફાટ છે. સોમનાથ જ્યોતિર્લિંગ, શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ, તુલસી શ્યામ, અહેમદપુર માંડવીનો દરિયાકિનારો, વેરાવળ, પોરબંદર અને માંગરોળ જેવા બંદરો, મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થાન અને મોસાળ, ચોરવાડ થી લઈ માધવપુર સુધીની લીલી નાઘેડ અને પછીનો ઘેડ વિસ્તાર. કુદરતે અહીં મન મૂકીને સૌંદર્ય વેર્યું છે. દરિયો, પર્વત, જંગલો અને વન્ય પ્રાણીઓથી સોહામણા સોરઠ ધરાંના નરબંકા માનવીઓના હ્રદય પ્રેમરસથી ભરેલાં છે જેમની પરોણાગત સ્વર્ગને પણ ભૂલાવી દે. સતાધાર અને પરબના અન્નક્ષેત્રો પ્રખ્યાત છે. કેસર કેરીના રસાસ્વાદને કેમ ભૂલાય? 

આવા સુંદર પ્રદેશમાં કામ કરવાનો મોકો કોઈ ભાગ્યશાળીને જ મળે. મેં પહેલા કલ્યાણ યોજનાઓ પર અને લોકાભિમુખ વહીવટ તરફ વધુ ધ્યાન આપ્યું. આપણે ઝડપ કરીએ તો નીચે પણ ઝડપ વધે તે ન્યાયે મારે ત્યાં આવેલી ફાઈલો તે જ દિવસે નિકાલ થતી. જિલ્લો ગ્રામીણ એટલે કામ કરતી ટીમ આવવાથી યોજનાઓનો અમલ ઝડપી બન્યો. જેને કારણે ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ મારા પ્રત્યે હકારાત્મક બનવા લાગ્યાં. ૧૪ તાલુકા તેથી કાર્યબોજ વધુ પરંતુ માયાળુ માનવી તેથી કામ કરવું બોજ ન લાગે. મેં મારી શુદ્ધિ છાપ અને ગાંધી મૂલ્યોને બરાબર પકડી રાખ્યા. પરિણામે રાજકીય આગેવાનો મને ખોટું કામ ચિંધતા કે તે માટે ફોન કરતાં ખમચાતા. પ્રજાનાં વિકાસલક્ષી કામો ઝડપથી થતાં રહે પછી નારાજગી પણ ન રહે. 

પ્રજાના પ્રતિનિધિઓ 

સંસદસભ્યો ગોવિંદભાઈ શેખડા અને પછી આવેલાં ભાવનાબેન ચિખલીયા સાલસ સ્વભાવના. ગોવિંદભાઈ એવા સજ્જન કે તેમણે કેવી રીતે વીપી સિંહ સરકાર ગબડવામાં અને ચંદ્રશેખર સરકાર બનાવવામાં તેઓ ખરીદાયા અને ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે કેવો મોટો રોલ અદા કર્યો તેની ખાનગી વાતો કરી હતી. ભાવનાબેન વિશે એવું કહેવાતું કે બહેન ફોટો પડાવવા ઊભા હોય છે પરંતુ સંસદ સભ્ય બન્યા પછી તેમણે લોકોના પ્રશ્નો સતત ઉઠાવી અને કામો કરાવી લોકપ્રિયતા હાંસલ કરી હતી. તેમના પતિ લોકપ્રિય ડોક્ટર તેથી તેમની ગુડવીલ પણ તેમને મળતી. તેઓ અને અમારા માંગરોળ ધારાસભ્ય ચંદ્રિકાબેન ચુડાસમા બંને અમદાવાદ મૂળના તેથી મારા પ્રત્યે તેમનો વિશેષ સ્નેહ રહેતો. 

ધારાસભ્યો મહેન્દ્રભાઈ, દેવાણંદભાઈ, પૂંજાભાઈ, જશુભાઈ બારડ, જવાહર ચાવડા, ચંદ્રિકાબેન ચુડાસમા, કુંવરજી ભેંસાણિયા, જેઠાભાઈ જોરા, હમીરભાઈ ધૂળા, વગેરે પ્રેમાળ અને પ્રજાલક્ષી. ચંદ્રિકાબેનની જીભ સાહેબ સાહેબ અને મારા ભાઈ મારા ભાઈ કહેતા થાકે નહીં અને પ્રજાના કામ થતા જાય. જશુભાઈ બારડ બોલકા અને બુદ્ધિશાળી. સાચની પડખે ઉભા રહે. જવાહર નાનકડો, youngest MLA of the assembly, જીવનને સ્વાદથી જીવે. તેની ચશ્માની ફેરમાંથી ઝીણી આંખો કરી જુએ અને ચહેરા પર મુસ્કાન હોય એટલે તે રજૂ કરે બધાં કામ તરત થઈ જાય. તેના બેડરૂમના સફેદ રંગની દિવાલોમાં રંગની લાલ લાઈનો મને તેના ટેસ્ટ તરફ આકર્ષિત કરતી. તે મારા blind supporter બની રહ્યા. કૂરજીભાઈ ભેંસાણિયા તો અમારા આદર્શ MLA. ઘરના ખેતીના કામ કરતાં જાય અને લોકોના દુઃખ દર્દ પ્રશ્નો લઈ કચેરીઓ સાહેબોની મુલાકાતો લેતા જાય. તેઓનો લોકસંપર્ક એવો અદ્ભુત કે લોકો કહેતાં કે માત્ર માનવ મરણ નહીં તેમના મત વિસ્તારમાં પશુ મરણ થાય તો પણ કૂરજીભાઈ બેસણે જતાં. દેવાણંદભાઈનો ઊંચો અવાજ અને તેમાં સોરઠની મીઠાશ આજે પણ કાન ધરું તો સંભળાય. પૂંજાભાઈ અદના સેવક. તેમના જેટલા પ્રશ્નો જિલ્લે અને વિધાનસભામાં કોઈએ નહીં ઉઠાવ્યા હોય. તે રજૂઆત કરવા બેસે ઓ અમે થાકી જઈએ પણ તે ન થાકતાં. જેઠાભાઈ અને હમીરભાઈ અમારે સાદા, લોકાની રજૂઆત લઈ આવે, શાંતિથી રજૂ કરે અને ખબર કે કામ થઈ જવાના તેથી ક્યારેય બળાપો ન કરે. 

તાલુકા પંચાયતના પ્રમુખો પણ સક્રિય. તેમાં માંગરોળના શરદભાઈ પંડ્યા, માંગરોળના વેલજીભાઈ મછાણી, પોરબંદરના સાજણભાઈ મેરામણ કેમ વિસરાય? ચૌદેય તાલુકાના પ્રમુખો સક્રિય રીતે પંચાયતી રાજના વિકાસ કામોમાં જોતરાયેલી રહેતાં. મહેસાણાથી વિપરીત તાલુકા વિકાસ અધિકારી અને પ્રમુખો અહીં સંપીને રહેતા સિવાય કે વેરાવળમાં અમારે ટીડીઓને તકલીફ થતી. 

અહીંની બેઠકોમાં તકરાર ઓછી અને સંબંધો જાળવી કામ કઢાવી લેવાતાં. પ્રજાના પ્રતિનિધિઓ જોડે સંબંધો આત્મીય રહેતા અને જૂનાગઢ છોડ્યાને આજે ત્રણ દશક થયાં, સંબંધો એવાં ને એવા મૈત્રીપૂર્ણ અને આત્મીય. જેઓ ગયા તે પણ જીવ્યા ત્યાં લગી પ્રેમના તાંતણે બંધાયેલા રહ્યા. 

અધિકારી ટીમ

અધિકારીઓની અમારી ટીમ સરસ બનેલી. પોલીસમાં રેન્જ DIG ભાર્ગવ સાહેબનો સ્વભાવ રોયલ. કલેક્ટર જે. એન. સિંહ પંચમહાલના અમારા સાથી અને સૌને સાથે લઈ ચાલનારા. DSP ગોપાલસિંહ પરમાર દાહોદના પોલીસ સજ્જન પુરુષ. CF પ્રદીપ ખન્ના મિલનસાર. DCF અશોક સક્સેના મૈત્રીભાવથી ભરેલાં. વારાફરતી બધાંને ઘેર પાર્ટી થાય અને અમે કૌટુંબિક આનંદ લેતા જઈએ અને વહીવટી સંકલન વધારતા જઈએ. ક્યારેક એ કંપનીમાં જિલ્લા ન્યાયાધીશ પણ ભળે. અમારી નીચેના GAS-1 ની ટીમ પણ સંકલન સાધીને રહેતી. 

એવોર્ડ ગુમાવ્યો 

૧૯૯૦-૯૧ અમારું તૈયારીમાં ગયું પરંતુ ૧૯૯૧-૯૨ અને ૧૯૯૨-૯૩ વાર્ષિક કામગીરીમાં ઉત્તમ પરિણામો લાવનારા રહ્યાં. હવે તો જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને જુદા જુદા ગ્રૂપ બનાવી એકથી વધુ એવોર્ડ્ અપાય છે પરંતુ ત્યારે સમગ્ર રાજ્ય માટે શ્રેષ્ઠ કામગીરીનો એક અવોર્ડ પ્રથમ અને બીજા ક્રમ તરીકે અપાતો. કલેક્ટર જે. એન. સિંહ અને અમે બંને રાજ્ય સ્પર્ધામાં રેસમાં. કલેક્ટરોની સ્પર્ધામાં જે.એન. સિંહે તો મેદાન મારી લીધું પરંતુ ૭૫ માર્ક્સમાં આગળ અમરેલીના નાગોરી અને જૂનાગઢના હું કમિટીના ૨૫ માં ચૂક્યા. ૧૪ તાલુકાનો સંચાલક ઊભો રહ્યો અને એક તાલુકાવાળો પસંદ થયો. કમિટીને પોતાના નિર્ણયનો સંકોચ, તેથી આશ્વાસન ઈનામની ભલામણ કરી પરંતુ હું નિરાશ થયો. જો કે જે. એન. સિંહે તેમની સફળતાના ગુણ ગણતરીમાં જિલ્લા પંચાયતના વિષયો આવતા હોવાથી ક્રેડિટ શેર કરી તેનું આશ્વાસન રહ્યું. તે વર્ષે તેમણે મુખ્ય સચિવ ખાન સાહેબના સન્માનમાં યોજેલ અહેમદપુર માંડવીની પાર્ટીની ભવ્યતા અને રોકેટોની રંગોળીથી ભરેલું આકાશ આજે પણ યાદ છે. 

ભવનાથ નાગાબાવા મેળો 

જૂનાગઢનો ભવનાથનો મેળો અને બોરદેવી પરિક્રમા ખૂબ મશહૂર. ભવનાથ એ વખતે ગ્રામ પંચાયત તેથી મેળા સંચાલનની બધી જવાબદારી જિલ્લા પંચાયતની અને તે રીતે જિલ્લા વિકાસ અધિકારી મેળા સંચાલનમાં કેન્દ્ર સ્થાને આવી જતાં. કાયદો અને વ્યવસ્થા અને જનરલ સંકલન કલેક્ટર અને ડીએસપી સંભાળતા. સાંકડા રસ્તાઓ અને લાખોની જનમેદનીને સંભાળવાની, તેમનાં આરોગ્ય, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચ અને સુખાકારીની જાળવણી કરવી પડતી. ભોજન માટે તો ભંડારા લાગે તેથી પ્રશ્ન નહીં પરંતુ તીર્થયાત્રીઓની સુવિધા અને નાગા બાવાઓના રવેડી મેળાના દર્શન અને મૃગિકુંડ સ્નાન વગેરેની વ્યવસ્થા નિર્વિઘ્ને પાર પાડવાની થતી. સ્ટોલ પણ લાગે તેથી તેની હરાજી થતી. વ્યવસ્થા, લાઈટ, સાઉન્ડ, ડેકોરેશનમાં ઉત્તરોત્તર સુધારો થતો ગયો. તે દિવસોમાં ભજનિકોના ભજન અને ડાયરાઓની રંગત અને ભોળાનાથની ભક્તિના વાતાવરણથી ભવનાથ તરબતર થઈ જતું. અમે સફળતાપૂર્વક ત્રણ ઉત્સવો પાર પાડ્યાં અને ખૂબ સારી નામના મેળવી. ભવનાથના ૧૯૯૩ના મેળામાં મારા માતા પિતા આવેલાં. તેમને ભીડમાં વધુ અગવડતા ન પડે તેથી તળેટીમાં વહેલાં મોકલી દીધેલ. હું વ્યવસ્થામાં ગળાડૂબ તેથી તેમના સાંજના ભોજનની સ્થાનિક વ્યવસ્થાનું કહેવાનું ભૂલી ગયેલ. સ્થળ પરના અધિકારીઓ તો જેટલું કહીએ તેટલું કરે. વિવેકબુદ્ધિ ન વાપરે. પિતા મારા ભૂખ ન વેઠી શકે. મેં જેમ તેમ કરી જે મળ્યું તે આપી તેમને ઠાર્યાં પરંતુ તેમને પડેલી અગવડ મને કાયમ યાદ રહી. 

લોકસભા ચૂંટણી ૧૯૯૧

૧૯૯૧ના લોકસભાની ચૂંટણી આવી. રાજીવ ગાંધી જૂનાગઢ આવ્યાં. રેલીમાં આખું ગામ ઉભરાયું. લક્ષ્મી કહે હું જાઉં. મેં કહ્યું, જાઓ તમે ક્યાં સરકારી કર્મચારી છો. તે ધવલને તેડીને રાજીવ ગાંધીના પસાર થવાના માર્ગે ઊભી રહી. ધવલે પીળો શર્ટ પહેરેલો. રાજીવ ગાંધીની નજર તેના પર પડી અને તેમણે તેમણે પહેરેલ ફૂલહાર તેના તરફ ફેંક્યો જે તેના ગળામાં જઈ પડ્યો. તે મુલાકાત પછી બે કે ત્રણ દિવસ પછી તેમની હત્યા થઈ. તે દિવસે સાત વર્ષનો ધવલ શૂન્યમનસ્ક બેસી રહેલો. તેમની એ મુલાકાત એક આકસ્મિક સંભારણું બની રહી. તે ચૂંટણીમાં મેં પોરબંદર લોકસભાના રિટર્નિંગ ઓફિસર તરીકે બજાવેલી જેમાં હાલના પોરબંદર જિલ્લા ઉપરાંત રાજકોટના ધોરાજી, ઉપલેટા વગેરે વિસ્તારોનો સમાવેશ થતો હતો. તે બેઠક ભાજપના હરિલાલ પટેલ જીતેલ અને કોંગ્રેસના બળવંત મનવર હારેલ. 

પંચાયતોની શિસ્ત 

જે તે વખતના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની એ પ્રસિદ્ધ ઉક્તિ કે દિલ્હીથી મોકલેલો રૂપિયો નીચે જતાં સુધી ૧૫ પૈસા થઈ જાય છે. તેમણે ગ્રામ પંચાયતોને યોજનાકીય ગ્રાંટની સીધી ફાળવણીની પહેલ કરેલ. તે પહેલાં ગામ પંચાયતની બેઠકમાં તલાટી કમ પંચાયત મંત્રી એજન્ડા મૂકે તે સિવાય સરપંચો કામ વિનાનાં નવરાધૂપ રહેતાં. વિવેકાધીન ગ્રાન્ટ અને પ્રોત્સાહક જોગવાઈનાં કામોનું આયોજન આવ્યું એટલે સક્રિયતા વધી પરંતુ સીધી નાણાં ગ્રામ પંચાયતને આવતાં તે વધુ સક્રિય બન્યાં. વળી રાજ્ય સરકારે રૂપિયા પાંચ લાખ સુધીના કામો ટેન્ડર વિના ગામ પંચાયતને આપવાની છૂટ આપતાં ગામ પંચાયતો અને તેના સરપંચો સક્રિય બન્યાં. નાણું આવે અનિયમિતતા લાવે એ માનવ સહજ પ્રક્રિયા તેથી શિસ્તનો દંડો પકડી રાખવો પડે. અધિકારીઓ કર્મચારીઓ પર તો અને દાબ રાખતાં પરંતુ પંચાયત ધારાની જોગવાઈઓનો ઉપયોગ કરી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરનાં નિયંત્રણો જૂજ અધિકારીઓ વાપરતા. મેં હાજર થયાના બીજા જ મહિને કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખને સસ્પેન્ડ કરી ઉપપ્રમુખને ચાર્જ આપી પંચાયતી રાજમાં શિસ્ત લાવવાના પ્રયાસો શરૂ કર્યા. ત્યારપછી લગભગ ત્રણ વર્ષના કાર્યકાળનાં ૪૬ જેટલાં સરપંચોને પંચાયત ધારાની જોગવાઈઓનું સસ્પેન્શન વેઠવું પડ્યું. બે-પાંચ ટકા પર કડપનો લાભ બીજા ૯૫% સારા ચાલે તે મળતો. અમારું પંચાયતી રાજ અસરદાર અને સફળ ચાલ્યું. 

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી 

અધિકારીગણમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દલ સાહેબને સસ્પેન્શન વેઠવું પડેલ. તેઓ સીધા સામેલ નહીં. પરંતુ જે ચેક બુક પર તે સહી કરતાં તેના નીચેના ચેક પર તેમની બોલપેનના પ્રેશરથી પડતી છાપની કોપી કરી બીજા ચેકો ખાનગી ખાતે જમા કરાવી તેમનો એકાઉન્ટ ઓફિસર સરકારનું રૂપિયા એક કરોડથી વધુ રકમનું કરી ગયેલ. દલ સાહેબનો વાંક કે બીજીવાર ચેકબુક આવે તો પાછલા ચેકની ગતિવિધિ પર નજર ન કરે. જો તેઓ વધુ સતર્ક હોત તો ચોર વહેલો પકડાત અને સરકારના નાણાં બચત. તેમની તપાસનું શું થયું અને એકાઉન્ટ ઓફિસર ઉચાપત કરેલ નાણા પાછા આપ્યા કે નહીં તેની મને ખબર નહીં પરંતુ ઉચાપત કરનારના ખાતામાં જે કંઈ જમા હતું તે સીઝ કરી તેટલું વસૂલ લઈ લીધેલ. 

પ્રાથમિક શિક્ષણ 

જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને તેના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કાયદાએ જિલ્લા વિકાસ અધિકારીથી સ્વતંત્ર રાખેલ. તેમાંય જેની નિવૃત્તિ નજીક હોય તેવા પ્રાથમિક શિક્ષણાધિકારીને સી.આર. નો ડર ન રહે. તેમાંય સમીક્ષા અધિકારી સાથે તાલ બેઠો હોય તો નામક્કર જ જાય. અમારા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ નિયમો નેવે મૂકી બદલીઓના હુકમો કર્યા કરે. ફરિયાદ મારી પાસે આવી તેની તપાસ કરી મેં શિક્ષણ વિભાગને અધિકારી સામે પગલાં લેવાં અને તાત્કાલિક બદલી કરવા લખ્યું. પરંતુ પેલા ભાઈ તો ચાલ્યા જ કરે. મુખ્યમંત્રી ચીમનભાઈનો પોરબંદર જિલ્લાના એક ગામમાં લોક દરબાર. રજૂઆત થઈ તો તેમણે પૂછયું ડીડીઓ શું કરે છે. મેં પાધરું પકડાવ્યું સાહેબ શિક્ષણ વિભાગને લખ્યું પરંતુ કોઈ જવાબ દેતા નથી અને અધિકારી વંઠ્યો છે. પછી તો તે ભાઈની બદલી થઈ. સરકારે શિક્ષકોની બદલીની માર્ગદર્શિકા બહાર પાડી. નહીંતર રોડ પરની શાળાઓમાં વધ અને દૂરની અંતરિયાળ શાળાઓમાં ઘટની કહાની બધે વર્ષો રહી. 

શશીકાંત લાખાણી 

જૂનાગઢ જિલ્લાનું એક જાજરમાન વ્યક્તિત્વ એટલે પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શશીકાંત લાખાણી. શાંત, સરળ, પ્રામાણિક અને બુદ્ધિશાળી વ્યક્તિત્વ. કોઈને ખોટું કામ ચિંધે નહીં અને ખોટી વાતમાં ઊભા ન રહે. જૂના જમાનાના રતુભાઈ અદાણી સાથે જોડાયેલા એટલે સર્વોદયના વિચારો. ધાર્મિક તેથી પંડિત નથ્થુરામ શર્માના આનંદાશ્રમ બિલખાં સાથે જોડાયેલા. તે આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી મારા મિત્ર ગોપાલના પિતા અને નિવૃત્ત આઈએએસ હરિહરભાઈ જોષી. તેથી તે નાતે મારે શશીકાંતભાઈ સાથે આત્મીયતા કેળવાયેલી. મારા મોટાભાઈને મિલ બંધ થતાં બેરોજગારીને કારણે ઘરમાં મોટી અગવડ. તેમણે મારા ભત્રીજા સુરેશને તેમના કાર્યાલયમાં નોકરી આપી મોટી મદદ કરી હતી. તેઓ નિખાલસ પણ એટલાં. એક તબક્કે ચીમનભાઈની સરકારને અસ્થિર કરવાની વાત ચાલી. પ્રતિપક્ષ દ્વારા તેમને મુખ્યમંત્રી બનાવવાની ઓફર મૂકાઈ. પરંતુ ‘મારા ખૂનમાં દગો કરવાની વૃત્તિ નહીં’ તેમ કહી તેમણે તે દરખાસ્તનો સવિનય અસ્વીકાર કરેલ. ચીમનભાઈ પટેલ સરકારના એ રીતે તેઓ મજબૂત સ્તંભ બની રહ્યા. 

અમારા પ્રમુખ 

અમારે જિલ્લા પંચાયતમાં ૧૦૦૦૦થી વધુ કર્મચારીઓ તેથી કામ ઘણાં. હવે આવડી મોટી જિલ્લા પંચાયત અને તેમાં તકરાર ન થાય એવું બને? તે સમયે જિલ્લા પંચાયતના પ્રમુખ જ કારોબારી સમિતિના પ્રમુખ. મહેસાણામાં ખેતી-બિનખેતીની ફાઈલોના ચક્કરમાં હું પડ્યો ન હતો. નિયમસરની ફાઈલો પાસ થતી અને ખામીવાળી પરત જતી. મહેસૂલ શાખા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી મારી ચોકખું કામ કરવાની પદ્ધતિથી વાકેફ હતાં. અહીં પહેલી બેઠકના એક દિવસ પહેલાં પ્રમુખ સૂકાભાઈ મને ચેમ્બરમાં મળવાં આવ્યાં અને કહે સાહેબ ખેતીમાંથી બિનખેતી જે ફાઈલો તેઓ સૂચવે તે મારે ક્લીયર કરવાની અને બદલામાં પૂર્વ અધિકારીઓની જેમ તેઓ મને સાચવી લેશે. મેં તેમની દરખાસ્તનો સવિનય અસ્વીકાર કર્યો અને જણાવ્યું કે નિયમસરની દરખાસ્તની મંજૂરીની તેમણે ચિંતા ન કરવી. જ્યાં ત્રૃટિ-ખામી હશે ત્યાં પૂર્તતા સુધી રોકાવું પડશે. મારો તેમની ગોઠવણમાં બેસવાનો ઈન્કાર તેમને ન ગમ્યો, પરંતુ ખામીયુક્ત દરખાસ્તોની મંજૂરી માટેના તેમના આગ્રહને કારણે અમારે મતભેદ શરૂ થયાં. પછી તો જિલ્લા પંચાયતની બેઠકો મીની વિધાનસભા બનવા લાગી અને મારે ફાઈલો સાથે હાજર રહી તેમની રજૂઆતો સામે જવાબો કરવા રહ્યા. સત્ય ક્યાંથી હારે? મિનિટ્સ જિલ્લા વિકાસ અધિકારીએ લખવાની તેથી કારોબારી ખામીવાળી દરખાસ્તો મંજૂર કરે તો જિલ્લા વિકાસ અધિકારીની નોંધ ઉમેરી ઠરાવોને પ્રતિષેધ કરવા વિકાસ કમિશ્નરને મોકલવાનો સિલસિલો શરૂ થયો અને કમિશનર કચેરી દ્વારા તેને પ્રતિષેધ કરાતાં અમારે જિલ્લા પંચાયતમાં ખટરાગ વધ્યો. શાંત એવાં અમારા પ્રમુખે છેલ્લો દાવ અજમાવ્યો. તેઓ તેમના સાથી લીલાભાઈ ખૂંટીને લઈ મારી ચેમ્બરમાં આવ્યાં. તેઓ મેર હોવાની વિશેષ ઓળખાણ આપી કહ્યું સાહેબ તમારે નાના બાળકો છે. માની જાઓને. તમને ફાયદો છે. તમારે ક્યાં કંઈ કરવાનું છે. અને જો ન માનો તો તમને ખબર છે ને? પોરબંદરમાં થતાં ખૂનોનો હવાલો આપી મને કહે તમંચાના ભડાકે તમેય ક્યાંય ખોવાઈ જશો ખબર નહિ પડે. મારો ચાલીનો યુવાન જાગી ઉઠ્યો. મેં બે બાંયના બટન ખોલી બાંય થોડી ઉપર કરી અને કહ્યું ભવિષ્ય કોણે જોયું છે, કોઈને પારખાં કરવાં હોય તો હાલો ઉતરો નીચે મેદાનમાં. તેઓ આમ તો ઘણાં વિવેકી. તેમનાંથી જાણે તેમને પોતાને ન ગમતું બોલી જવાયું હોય તેવું લાગ્યું. સાનમાં સમજી તેઓ ઉઠ્યા અને પરત ગયા અને ત્યારપછી મારી કામગીરીમાં તેઓએ એક બિનખેતી ફાઈલોના વિષચ સિવાય ક્યારેય દખલ ન કરી. બહુ પછી મને સમજાયું કે નીચેના અધિકારીઓ જોડે તેમનો મેળ સારો બેસી ગયેલ. 

આ બાજુ વિકાસ કમિશ્નર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીની દરખાસ્તો અન્વયે જિલ્લા પંચાયતના પ્રમુખને સત્તાના દુરુપયોગ માટે પંચાયત ધારાની જોગવાઈ અંતર્ગત સસ્પેન્શનની ચાર નોટિસો ઈસ્યુ થયેલ. અમારા પ્રમુખ ખાનદાની એવાં કે વિકાસ કમિશ્નર સમક્ષની એક સુનાવણીમાં તેમણે વિકાસ કમિશ્નર સમક્ષ તેમણે મને કરેલ નાણાકીય લાભની ઓફર અને મારા સ્પષ્ટ નકારની વાત કબૂલ કરી. તેમના એ એકરારે મને તેમનાં પ્રત્યે વધુ માન ઉપજાવ્યું. અંદરથી અલગ અને બહારથી જુદા ડબલ ઢોલકી માણસો મને ન ગમતાં. 

અંગત જીવન 

મારી ખુરશી સ્થિર થતાં બાળકોનું શિક્ષણ સ્થિર થયું. ઉજ્જવલ-ધવલ કેન્દ્રીય વિદ્યાલયમાં ભણવા લાગ્યા.અમારે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને રહેવાનું ઘર એક. જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટો રહેતાં તે ઘરમાં ભોંયતળિયાના માળે જિલ્લા વિકાસ અધિકારી અને ઉપરના પહેલાં માળે કલેક્ટર રહે. બાજુમાં એક નાનું પરંતુ સ્વતંત્ર ક્વાર્ટર નિવાસી નાયબ કલેક્ટરનું. કમ્પાઉન્ડ ખૂબ મોટું. બાળકોને રમવા ક્યાંય બહાર જવું ન પડે. કલેક્ટરનો દીકરો આદિત્ય, અમારાં ઉજ્જવલ-ધવલ, રાજેન્દ્રભાઈનો પીનલ અને હું દરરોજ સાંજે ક્રિકેટ રમીએ. અમે મેદાન જોઈ રન માટેના નિયમો બનાવેલા અને તે નિયમો મુજબ આદિત્ય રમવામાં એવો પાકો થઈ ગયો હતો કે એક દિવસ સદી ફટકારી દીધી પણ આઉટ ન થયો. એ ત્રણ વર્ષ તેના પિતા કરતાં તે મારી સાથે વધુ રમ્યો હશે. 

પ્રવાસન જિલ્લો તેથી વીઆઈપી અને અધિકારીઓનો સંપર્ક બની રહેતો. વિકાસ કમિશ્નર એસ. ડી. શર્મા સાહેબના કુટુંબના લંડનના સભ્યો આવ્યા ત્યારે અને ગિરનાર સાથે ચડ્યા હતાં. દાતારનો મસાલા ઉકાળાનો સ્વાદ ન ભૂલાય. નામદાર આગાખાનની મુલાકાતે અને તેમને નજીકથી હસ્તધૂનન કરી મળતાં અને તેમના અનુયાયીઓ તેમની એક ઝલક જોવાં રોડની બંને બાજુ કેવાં લાલાયિત રહેતાં તે વ્યવહારિક જગત અને આસ્થાનાં જગતનો ભેદ મને સમજાતો. 

લક્ષ્મીની બહાદુરી 

બેએક વર્ષ પછી મહિલાઓએ પણ તેમનું નાનકડું એવું જૂથ બનાવી બેકરી બનાવવાનું શિખેલું અને જૂનાગઢ તળેટીમાં અંધશ્રદ્ધા ઉન્મૂલનના જાહેર વૈજ્ઞાનિક કાર્યક્રમમાં સાડી પહેરેલી લક્ષ્મીએ સળગતાં અંગારા પર ખુલ્લા પગે ચાલી અને ઉકળતા તેલમાં હાથ નાંખી પૂરીઓ બહાર કાઢી તેની હિંમતનો સૌને પરિચય કરાવેલ. લક્ષ્મી મારો વાઘ તેને હલકામાં ન લેવાય. એકવાર RDC રાજેન્દ્રભાઈ દવેના પત્ની રેણુકા અને લક્ષ્મી કડિયાવાડ શાક માર્કેટમાં શાક લેવાં ગયા હતા. ત્યાં કોઈ ટપોરીએ રેણુકાબેનની કમરમાં જોરથી ચૂંટીયો ભર્યો અને રેણુકાબેનથી રાડ પડી ગઈ, અરરર માડી. કમર પર કાળું ઝામું પડી ગયું. લક્ષ્મીનો પિત્તો ગયો. તેણે ટપોરીની પાછળ હડી કાઢી દોટ મૂકી. પેલો જાય ભાગ્યો. બીચ બજારે ટપોરી આગળ અને લક્ષ્મી પાછળ. શાળા દોડ હરિફાઈમાં તે જિલ્લે સુધી દોડી આવેલી, તેથી તેણે ટપોરીની બરાબર નજીક પહોંચી પોતાની જમણા હાથની મુઠ્ઠી બરાબર બંધ કરી જોર દઈને પેલાના બરડામાં મુક્કો જડી દીધો. બરડાની બરોબર મધ્યમાં મુક્કો વાગતાં પેલો ટપોરી કણસી ઉઠ્યો અને બેવડ વળી બેસી ગયો. લક્ષ્મીએ બીજી એક બે ધરી દીધી અને ત્યાં લોકો ભેગાં થઈ ગયા. ટપોરી સમજી ગયો કે હવે તો આવી બન્યું. તે બાકી હતું તે બળ લગાવી ઉભો થઈ નાઠો અને પછી તે માર્કેટમાં ક્યારેય ન દેખાયો. કેટલાક પ્રશ્નો ફોન કરીને કે પચીસ જણાને કહીને ન ઉકેલાય. સ્થળ પર જ ફેંસલ કરવા પડે. 

લક્ષ્મી જૂનાગઢમાં સાયકલ, સ્કૂટર અને કાર ચલાવતા શીખી સ્વાવલંબી બનેલ. સ્કૂટર શીખતાં તો તેણે તેનાં પગને ગંભીર ઈજા પહોંચાડેલ પરંતુ ડર્યા વિના સીધી હોસ્પિટલ જઈ સારવાર લઈ આવેલ. 

કાર અકસ્માત 

૧૯૯૨માં ગોધરા એક કોર્ટ કેસમાં જવાનું થતાં અને પરિવાર સહિત ગયેલ. બપોરે જમ્યા પછી પાછા ફરતાં નડિયાદ નજીક અમારી મારુતિ કારને નડિયાદ નજીક અકસ્માત થયેલ. નડિયાદ તરફથી આવતાં વાહનોથી રોડ ભરેલો હતો. અચાનક એક દૂધના રેન ભરેલી ટ્રક લાઈનમાંથી બહાર નીકળી અમારી ગાડીની સામે આવી. ડ્રાઇવર રમેશે બચવા કાર ડાબી બાજુ દબાવી છતાં જમણી સાઈડની આખી બોડી ક્રશ થઈ ગઈ. સદનસીબ્ અને સૌ બચી ગયાં. રમેશ ત્રીજો ડ્રાઇવર. પહેલાં ઘરડા ગોવિંદભાઈ, ઓછું દેખાય એટલે વરસાદ હોત ત્યારે વારાફરતી બે ચશ્માં બદલતા જાય અને કાર હંકારતા જાય. તેઓ નિવૃત્ત થયા એટલે આવ્યાં ઝીણાભાઈ. જૂનાગઢથી અમદાવાદ આવીએ ત્યાં સુધી ટુ લેન રોડ અને વચ્ચે વચ્ચે ભારે અકસ્માતનાં ક્ષેત્રો આવે. જ્યારે રાતમાં કાર ચલાવવાની આવે ત્યારે મારે ઝીણાભાઈની ચોકી રાખવી પડે. સીધી લીટીમાં જતી કારમાં તેઓ એકાદ ઝપકી ઊંઘી જાય. એકવાર તો રોડ વચ્ચે પડેલાં મોટાં પ્હાણાને ઠોકી દીધેલ. એ ઝપકીમાં હું સાદ કરું કે ઝીણાભાઈ જોગો છો? જવાબ દેતાં હા, સાહેબ. 

મિત્રને ઘેર શોક પ્રસંગ 

આરોગ્યની સુવિધામાં અહીં સિવિલ હોસ્પિટલ અને તેના સિવિલ સર્જન ડો ચંદ્રભાણ ગઢવી એક્સ સર્વિસ મેન તેથી ઉમંગ અને ખંતથી કામ કરે. ખાનગી ડોક્ટરો પણ ખરાં પરંતુ વિશેષ તપાસ કે ઈમરજન્સી માટે રાજકોટ જવું પડે. અમારા ડીસીએફ મિત્ર અશોક સક્સેનાના પત્ની પૂર્ણિમાને પહેલી પ્રેગ્નેન્સી. અશોક પ્રવાસમાં અને લેબર પેઈન ઉપડ્યું. ખાનગી મહિલા ગાયનેકોલોજીસ્ટ ફોરસેપ ડીલીવરી કરવા ગયા અને બાળક જોખમાયું. પુત્ર બાળકને ઈન્ક્યુબેટરની જરૂર ઊભી થઈ. મારતી કારે કલેક્ટરની કારમાં ડ્રાયવર વશરામે બાળકને રાજકોટ પહોંચાડ્યું પરંતુ બાળક ન બચ્યું. અમારો સિવિલ સર્જન પોતે કુશળ અને નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પરંતુ ખાનગી ડોક્ટરે સર્જેલી વક્રતાએ લાચાર બનાવ્યા. પછી તો કલેક્ટરને ઘેર સિદ્ધાર્થ જન્મ્યો અને આનંદ પાછો ફર્યો. પરંતુ અશોકને પડેલી એ ખોટ અમને જીવનભર યાદ રહી. 

મારી બદલી 

જિલ્લા પંચાયતના મારા વિરોધી તત્વો જ્યાં સુધી શશીકાંતભાઈ લાખાણી મારી સાથે હતાં ત્યાં સુધી તેમનાં હાથ હેઠાં રહ્યાં. મારે ત્રણ વર્ષ પૂરા થવા જઈ રહ્યા હતાં ત્યારે કદાચ કોઈક ત્રીજા પક્ષની કાનભંભેરણીથી છેવટે મંત્રીશ્રી મારી બદલી માટે સંમત થયાં. જિલ્લાના ધારાસભ્યોએ તેમનાથી થાય તેટલો પ્રયાસ કર્યો પરંતુ છેવટે મારી બદલીના હુકમો થયા. ક્યાં પંચમહાલ કલેક્ટર કે વલસાડ કલેક્ટર મૂકવાની ચાલતી દરખાસ્તો અને ક્યાં એક ન્યાયાધિશની નર્મદા પુનર્વસન સમિતિના સચિવ તરીકેની નિમણૂક? મુખ્યમંત્રી ચીમનભાઈ સાથે તેમના જિલ્લા પ્રવાસમા લોકદરબાર અને પોરબંદર સર્કિટ હાઉસમાં તેમની સાથે એકાંત વાર્તાલાપથી મેં તેમનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. તેઓ અમારા જિલ્લાના ધારાસભ્યો સમક્ષ મને ફાયટર જિલ્લા વિકાસ અધિકારી તરીકે ઓળખાવતા. હું સીધો પહોંચ્યો મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ પાસે. મારી વાત રજૂ કરી. તેમણે કહ્યુ ક્યાં જવું છે? મેં કહ્યું વલસાડ જિલ્લા વિકાસ અધિકારી તરીકે. તેઓ કહે વલસાડ જ શા માટે? મેં જવાબ આપ્યો કે ત્યાંના જિલ્લા વિકાસ અધિકારી ઝેડ.એ. શેખ માર્ચ ૩૧, ૧૯૯૩ ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે તરત જ સચિવને બોલાવ્યા અને મારો જિલ્લા વિકાસ અધિકારી વલસાડ તરીકે બદલીનો ફેરફાર હુકમ કરી આપ્યો. હું વલસાડ જઈ હાજર થયો અને હરિયાળા દક્ષિણ ગુજરાતના ખટપટ વિહોણા સીધા અને સરળ જિલ્લામાં મારો પ્રવેશ થયો. પૂર્વમાં પંચમહાલથી શરૂ થઈ ઉત્તરે મહેસાણા અને પશ્ચિમે જૂનાગઢ થઈ મારી જિલ્લા સફર હવે દક્ષિણે વલસાડમાં આવી. 

૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫

Wednesday, September 24, 2025

જિલ્લા વિકાસ અધિકારી - મહેસાણા (૧૬)

૧૮. જિલ્લા વિકાસ અધિકારી-૧ (મહેસાણા) (૧૬)

ઓગસ્ટ ૧૯૮૯ નજીક આવી રહ્યો હતો. અમે પ્રથા મુજબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતીના હુકમોની વાટ જોઈ રહ્યા હતા. બીજી તરફ અમરસિંહ ચૌધરીની સરકાર પોતાના પક્ષ અને વિપક્ષના નિશાના પર હતી. સતત ત્રણ અછતના વર્ષોએ સરકારી તિજોરીને કમજોર કરી દીધી હતી. રફળિયા ઢોરવાડાની ગેરરીતિ ચગાવી સરકારની આબરૂનું હનન થઈ રહ્યું હતું. ૧૯૮૭માં નર્મદા ડેમનું કામ શરૂ થયું પરંતુ તેનો યશ સરકારને જોઈએ તેવો મળ્યો ન હતો. સરકારી તિજોરીમાંથી ખર્ચ કરી પક્ષને ફાયદો થાય તેવો પ્રચાર કરવાનું ચલણ હજી ચાલુ થયું ન હતું. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીની રેલી-સંમેલન યોજ્યું તેનાથી પણ તેમનું બળ ન વધ્યું. ઉલટું ૫૦ કે ૧૦૦ બસ એસટીની બસો એ રેલીમાં ગ્રામલોકો લાવવા વપરાઈ તેની ખૂબ મોટી ટીકા થઈ. એવામાં ૧૯ જિલ્લા પંચાયતોની અને ૧૮૪ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ આવી. જાણે જિલ્લા વિકાસ અધિકારીથી ચુંટણી જીતાતી હોય, સરકારે જે તે સમયના જિલ્લા વિકાસ અધિકારીઓને ચાલુ રાખી અમારી બેંચને બઢતી આપી સચિવાલયમાં નાયબ સચિવ તરીકે મૂકવા નિર્ણય લીધો. અમારા એક બેચમેટને થરાદ પ્રાંત અધિકારીથી બદલી કરી છ-આઠ મહિના પહેલાં જ સચિવાલયમાં ઉપસચિવ તરીકે બેસાડી દીધેલ હતાં. અમે નવેય જણ નાયબ સચિવ બન્યાં. 

નાયબ સચિવ (કેપિટલ પ્રોજેક્ટ)

મારી સીનીયર સ્કેલમાં બઢતી નિમણૂક નાયબ સચિવ તરકી માર્ગ અને મકાન વિભાગમાં થઈ. સજ્જન એવાં વિનય કામદાર અમારા સચિવ. તેમણે મને વિભાગનું મહેકમ અને કેપીટલ પ્રોજેક્ટની શાખાઓ આપી. પરંતુ તે ઉંમરે જિલ્લો છોડી સચિવાલયમાં બેસવું કોને ગમે? મહેકમને કારણે વિભાગમાં અને કેપીટલ પ્રોજેક્ટને કારણે ગાંધીનગર R&B સર્કલમાં મારું મહત્વ વધ્યું. નાયબ સચિવને મળેલી સત્તાનો ઉપયોગ કરીને મેં બીજા જ મહિને ત્રણ વર્ષથી વધુ સમય થયેલા મદદનીશ, કારકુનોની શાખાઓ બદલી નાખી. પટાવાળાઓને વોશીંગ એલાઉન્સ લેવું હોય તો યુનિફોર્મ પહેરવું પડશે તેમ જણાવી યુનિફોર્મ પહેરતાં કરી દીધા. કર્મચારી-અધિકારીઓને જમીન પ્લોટ આપવાનો ઠરાવ બહાર પડી ગયો હતો પરંતુ તેને આનુષંગિક પૃચ્છા પૂર્તતાને કારણે હિતધારકોમાં પણ મારું નામ પરિચિત થવા લાગ્યું. 
ગાંધીનગરમાં BAPSનું અક્ષરધામ બને. તેના સ્વામીઓ જોડીમાં આવે તેમની સાથે સંસ્થાનો પ્રથમ પરિચય થયો. મારા કાર્યકાળમાં ગાંધીનગર અક્ષરધામને એક જમીન ફાળવણીનો ઠરાવ થયો. અમરસિંહભાઈની સરકારના લાભો સર્વેને મળી રહ્યા હતાં પરંતુ વાતાવરણ જાણે તેમનું દોહન કરી તેમની વિરુદ્ધ કામ કરી રહ્યું હતું. કોઈક પ્રસંગે મારે મુખ્યમંત્રીને મળવાનું થયું ત્યારે અમસ્તું પૂછયું કે તેમણે અમારી બેચને સચિવાલયમાં કેમ નાંખી? તેમણે પંચાયતોની ચૂંટણીનું કારણ ધર્યું અને કહ્યું કે ચૂંટણીઓ પછી બધાંને જિલ્લા વિકાસ અધિકારી તરીકે મૂકી દેવાશે. 

મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક 

આ તરફ કોંગ્રેસ પક્ષને ૧૯૯૦ના માર્ચમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં હારી જવાની દહેશત વધી ગઈ. ચીમનભાઈ સક્રિય અને પોતાના રાજકીય પુનરાગમનની તકો પર કામ કરે. બીજેપી તેનું સંગઠન મજબૂત કરી લાંબાગાળાના આયોજન પર કામ કરે. કોંગ્રેસનું એક મોટું જૂથ માધવસિંહનો ૧૯૮૦ અને ૧૯૮૫નો કરિશ્મા પાછો લાવવા અમરસિંહભાઈને મુખ્યમંત્રી તરીકે ખસેડવા જોર કરે. અસંતુષ્ટો અને મુખ્યમંત્રી વચ્ચે સમાધાન કાઢવા દિલ્હીમાં તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ઉપસ્થિતિમાં એક બેઠક થઈ. મુખ્યમંત્રી વિરુદ્ધની રજૂઆતો પૈકીની એક રજૂઆત અધિકારીઓ તેમના પક્ષને બદલે વિપક્ષના આગેવાનોનું કહ્યું વધારે કરે છે તે હતી. રજૂઆત કરનાર ઈશ્વરસિંહ ચાવડા મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તેથી દિલ્હીથી તરત જ મુખ્યમંત્રીનો દિલ્હીથી તેમના સચિવને ફોન ગયો અને સાંજના ૬.૧૦એ  કચેરી છોડવા હું ઉભો જ થયો ત્યાં મુખ્યમંત્રીના સચિવ પ્રવીણભાઈ લહેરી સાહેબનો ફોન આવ્યો. કહ્યું પરમાર તમે મારી ચેમ્બરમાં આવી જાઓ. હું ગયો તો મને સામે CTC ધર્યું કે આમાં સહી કરો, તમારી નિમણૂક જિલ્લા વિકાસ અધિકારી મહેસાણા તરીકે કરી છે અને તમારે તરત જ ચાર્જ સંભાળી લેવાનો છે. તમને લેવા જિલ્લા પંચાયતમાંથી કાર આવી જશે. 

મહેસાણા એટલે આભડછેટનો જિલ્લો અને મારું ગામ ત્યાંથી બસ ૨૫ કિલોમીટર દૂર. મારો તાલુકો તે વખતે વિરમગામ અને જિલ્લો અમદાવાદ પરંતુ મારા ગામના સીમાડે બધાં ગામ મહેસાણાના. હું ૧૯૬૯ના જાતિવાદી માનસિકતાના અનુભવને ભૂલ્યો ન હતો તેથી અસમંજસમાં પડ્યો. પરંતુ બીજો વિકલ્પ પણ ક્યાં હતો? સરકારી હુકમ, આપણે ચાલ્યા થઈ જિલ્લા વિકાસ અધિકારી મહેસાણા. 

મહેસાણા જિલ્લો એ સમયે ખૂબ મોટો. હાલનો પાટણ જિલ્લો અને ગાંધીનગરના હાલના તાલુકાઓમાંથી કલોલ, માણસા તાલુકા મહેસાણાનો ભાગ. તેના સંસદસભ્યો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખો, એક એકથી ચડિયાતા બોલકા અને કોઈની પણ શેહ શરમ ન રાખે. પ્રમુખ ઈશ્વરસિંહ ચાવડાની પણ મોટી ધાક ચાલે. પચાસ કિલો વજન અને પાંચ ફૂટ ત્રણ ઈંચ ઊંચાઈનો હું જિલ્લા વિકાસ અધિકારી મહેસાણાની ચેમ્બરમાં પ્રવેશ્યો. અંગત સચિવ સથવારાએ મને પ્રાથમિક માહિતી આપી અને અધિકારીઓએ વારાફરતી આવી તેમનો પરિચય આપ્યો. ડીડીઓને વાહનમાં ફિયાટ કાર પરંતુ હજી પૂર્વ અધિકારી પાસે. ફાઈલોની વાત નિકળી તો મેં સહજ કહ્યું કે ફાઈલો સરકીટ હાઉસ મોકલી દેજો ત્યાં રાત્રે જોઈ લઈશ. 

સરકીટ હાઉસ મહેસાણા 

દિવસ આખાની ઔપચારિક મુલાકાતો અને કામગીરી પરિચય પછી હું સરકીટ હાઉસમાં મને ફાળવેલ એક રૂમમાં પ્રવેશ્યો. પરંતુ આ શું, ચારેબાજુ ફાઈલોના ઢેર. રૂમની ચારેય દિવાલોને અઢેલીને ફાઈલો ખડકી દેવામાં આવેલી. વચ્ચે પથારી પર જવા પણ ફાઈલો  કૂદી જવું પડે તેવું દ્રશ્ય. મેં પીએને ફોન જોડી કહ્યું, ભલાદમી આટલી બધી ફાઈલો મોકલાય? તેણે હી હી હી કરી જવાબ આપ્યો, સાહેબ તમે નહોતું કહ્યું કે તમારે જોવાની બધી ફાઈલો સરકીટ હાઉસ મોકલો. અહીં ઝઘડામાં જી.ડી. વ્યાસ સાહેબે સાડા ત્રણ મહિનાથી બધું મૂકી રાખ્યું છે. 
ચોમાસાની ભેજવાળી ઋતુ અને કબાડીખાના જેવા ફાઈલોના ઢગલા. સ્લમમાં રહેલાં તેથી બેક્ટેરિયાની કોઈ બીક નહીં પરંતુ કામનો ભરાવો જોઈ મને ચકક્રર આવી ગયા. પરંતુ રણ છોડે એવા આપણે રણછોડ નહીં. દાહોદમાં પંચાયતોનો વહીવટ ધગશથી શીખ્યો હતો. મેં કલમ ઉપાડી ખૂણાં સાફ કરવાનું ચાલું કર્યું. રાત્રે મોડે સુધી અને વહેલી સવારથી નવ વાગ્યા સુધી ફાઈલોનો નિકાલ ચાલુ કર્યો. સાતેક દિવસમાં સફાઈ પૂરી થઈ પરંતુ, તે સાત દિવસમાં જિલ્લા પંચાયત મને મોઢે થઈ ગયું અને વહીવટનો એવો પાકો બની ગયો કે નિવૃતિ સુધી કામ આવ્યું. મહેસાણાના કાગળોને તો જીત્યા પરંતુ ખરો જંગ તો હજી બાકી હતો. 

હું હાજર તો થયો, પંદર દિવસ થયાં પરંતુ પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓની ફીયાટ ન આપે. મેં મંગાવી તો કહે તેમણે નાંખેલું પેટ્રોલ પતે નહીં ત્યાં સુધી નહીં મળે. જો વહેલી જોઈતી હોય તો ટાંકીમાં પેટ્રોલ જે હોય તેના પૈસા ચૂકવી લઈ જાઓ. મેં ટાંકીનું તેલ મપાવ્યું, ₹૨૩૯ ચૂકવ્યા અને કારનો હવાલો લીધો. 

અહીં અધિકારીઓની અમારી ટીમ સારી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શર્મા શાંત અને કાગળો પર સ્પષ્ટ. ડીઆરડીએના ડાયરેક્ટર કે. ડી. ઉપાધ્યાયના કામમાં કંઈ જોવું ન પડે. જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડો. કસ્વેકર અને પછી આવેલા ડો. રાણાવત અસરદાર. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રણછોડ પટેલ પણ કામના. કાર્યપાલક ઈજનેરો સોંપ્યા કામ પૂરા કરે. તાલુકા વિકાસ અધિકારીઓ પંચાયતની પંચાતમાં પડી પહોંચી વળે તેવા થયેલા. જિલ્લા પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના પ્રમુખો કોઈક બોલકા તો કોઈ વિવેકી. અહીં શંકરો અને ઈશ્વરો વધારે તેથી તેમના નામ પાછળ ઉપનામથી ઓળખાય. શંકર ગુરુ હોય ત્યાં શંકર ફાલતું અને શંકર ટીલવો પણ હોય. ઈશ્વરમાં ઈશ્વરસિંહ ખરા પણ ઈશ્વર બાગડો પણ પંકાય. અમારા ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈના દીકરા પંચમહાલમાં અમારી સાથે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર હતા. 

લોકસભાની ચૂંટણી અને દિલ્હીમાં તખ્તા પલટ 

એવું કહેવાય છે કે દિલ્હીમાં બે કોર્પોરેટની લડાઈમાં રાજકીય નેતાઓ સપડાયા. રીલાયન્સની મશીનરી આયાતમાં ટેરીફ ચોરી (custom duty)ની વાડિયા હાઉસની રજૂઆત પર નાણાં મંત્રી વી. પી. સિંહ કડક રૂખ અપનાવી રિલાયન્સ વિરુદ્ધ પગલાં લેવાનું શરૂ કર્યું. ધીરૂભાઈ અંબાણીએ પ્રધાનમંત્રીનું શરણ લીધું. જાન્યુઆરી ૧૯૮૭માં વી. પી. સિંહને નાણાંમાંથી બદલી ડીફેન્સ મિનિસ્ટર બનાવાયા. પરંતુ તે જ સમયે સ્વિસ રેડિયો પરની એક ખબરથી બોફોર્સનું ભૂત ધૂણ્યું અને વીપી સિંહને મોકો મળી ગયો. દોસ્ત દોસ્ત ના રહા. ચાર મહિના થાય તેટલી રાજીવ ગાંધીની બદનામી થઈ અને તેમણે એપ્રિલ ૧૯૮૭માં મંત્રીમંડળ અને પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને જનતા પક્ષમાં જોડાઈ ગયા. વિપક્ષોએ ગઠબંધન કર્યું અને રાજીવ ગાંધીની સ્વચ્છ છબીને બોફોર્સની કાલિમાથી રંગી દીધી. મીડિયાને વીપી સિંહ નવા હીરો મળી ગયા. રાજકીય નુકસાન રોકવા રાજીવ ગાંધીએ નવમી લોકસભાની ચુંટણી એક મહિનો વહેલી કરાવી. પરંતુ તોય મોડું થયું. ૧૯૮૪માં ૪૧૪/૫૪૧ બેઠકો જીતનાર નેતા ધરાશાયી થયા. ૨૨-૨૬ નવેમ્બર ૧૯૮૯માં યોજાયેલી ચૂંટણીમાં ૧૯૮/૫૪૧ સીટો જીતી હારી ગયા અને ૧૪૩ બેઠક મેળવનાર વીપી સિંહ અન્ય વિપક્ષના ટેકાથી પ્રધાનમંત્રી બની ગયા. સમાજવાદી, સામ્યવાદી અને બીજેપી, કોંગ્રેસ સામે એક થયા. 
લોકસભાની એ ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક પર મને રિટર્નિંગ ઑફિસર તરીકે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો. કલેક્ટર યોગેન્દ્ર દિક્ષિત મહેસાણા બેઠકના રિટર્નિંગ ઓફિસર હતાં. કોંગ્રેસના કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી રહેલાં યોગેન્દ્ર મકવાણા જનતા પક્ષના ખેમચંદ ચાવડા સામે એક લાખથી વધુ મતોથી હારી ગયા. 

ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા અને વિધાનસભાની ચૂંટણી 

ગુજરાતની ગાદી બચાવવા ગાંધીનગરમાં અહીં અમરસિંહભાઈને બદલવાનું દબાણ ચાલુ રહ્યું. ૧૯૮૫માં ૧૪૯/૧૮૨ બેઠકો જીતનાર માધવસિંહને એક સુનિયોજિત સ્ટેબીંગ કાવતરાંથી જવું પડ્યું હતું. તેમણે પસંદ કરેલ અમરસિંહ ચૌધરી કેન્દ્રીય નેતૃત્વનાં ટેકાથી ટકી રહ્યા. માધવસિંહને શાંત રાખવા દેશના આયોજન મંત્રી બનાવાયા પરંતુ તેમનું તેજ ત્યાં ન ઝળક્યું. છેવટે ગુજરાતમાંથી અમરસિંહ ચૌધરી બદલાયા અને ૧૦ ડીસેમ્બર ૧૯૮૯ના રોજ જૂના મહારથી માધવસિંહ સોલંકીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેઓની પ્રતિષ્ઠા હવે દાવ પર લાગી હતી કારણકે વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં હતી પરંતુ સમય થોડો હતો. ત્રણ મહિનાનો સમય અને તેમાં ચૂંટણી આચારસંહિતા લાગી હોય ત્યાં કોઈ કેટલું કાંઠુ કાઢી શકે? તેમને KHAM જમાવવા સમય ન રહ્યો. 

બીજી તરફ વી.પી. સિંહની પ્રામાણિક છબીની ઓથે ગુજરાત જનતા પક્ષમાં ચીમનભાઈ પોતાનો દાવ બરાબર જમાવી રહ્યા હતાં અને તેમની સાથે હતાં કેશુભાઈ અને તેમના સહાયકો જે ૧૯૮૬થી સંગઠનમાં સક્રિય હતાં. આઠમી વિધાનસભાની એ ચૂંટણી કોંગ્રેસ માટે વોટરલૂ બની. ૧૯૮૫માં ૧૪૯ બેઠક જીતનાર માધવસિંહની નેતાગીરીને માત્ર ૩૩ બેઠકો મળી. સાબરમતી, નર્મદા, તાપી, મહી, ભાદરમાં ઘણાં પાણી વહી ગયાં હતાં. 
અમરસિંહભાઈની નબળી નેતાગીરીથી કોંગ્રેસ કાર્યકરો કમજોર પડ્યાં, અને માધવસિંહના સસરા ઈશ્વરભાઈ ચાવડાએ વાસદની કોઈ એક ગામસભામાં બોલેલું વાક્ય માધવસિંહના નામે ચઢાવી રાજકીય ચગાવાયુ. ઈશ્વરભાઈએ અતિ ઉત્સાહથી તેમની ઓબીસી વર્ગની ઠાકરડા કોમના વિકાસ માટે એવું બોલાઈ ગયું કે હવે તો પટેલોની સ્ત્રીઓને શીશીમાં તેલ લેતી કરવી છે. માધવસિંહ વગર વાંકે કૂટાયા અને પટેલ સમુદાય તેમનાથી વિમુખ થતાં ચૂંટણી હારી ગયા. 

દસમી લોકસભાની ચૂંટણી વચ્ચે જ LTTEના આત્મઘાતી બોંબર મહિલાએ પેરૂમ્બુદૂરમાં રાજીવ ગાંધીની હત્યા થઈ અને નવા પ્રધાનમંત્રી નરસિંહરાવે માધવસિંહને જૂન ૧૯૯૧માં વિદેશ મંત્રી બનાવ્યાં પરંતુ બોફોર્સની એક ચિઠ્ઠીના વિવાદે માર્ચ ૧૯૯૨માં તેમણે રાજીનામું આપવું પડયું. તેમનો પછી રાજકીય સંન્યાસ રહ્યો. 

મુખ્યમંત્રી સાથે ઘર્ષણ 

માધવસિંહના એ ટૂંકા ૭૫ દિવસના શાસનકાળમાં મારે પણ તેમની સાથે ખટરાગ થયો. માધવસિંહ સરકારમાં કાસમબાપુ પંચાયત મંત્રી બન્યાં. તેમની કચેરીમાંથી ફોન આવ્યો કે મંત્રીશ્રી તમને યાદ કરે છે. હું ગયો તો મને એન્ટી ચેમ્બરમાં લઈ ગયા. ત્યાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ ઈશ્વરસિંહ ચાવડા હાજર હતાં. કાસમબાપુએ તેમના હાથમાંથી લઈ એક લાંબી યાદી મને આપતાં કહ્યું કે પરમાર તમારે આ હુકમો આજે કરવાના છે તેવો મુખ્યમંત્રીનો આદેશ છે. મેં યાદી પર એક નજર નાખી અને વિચાર્યું કે દરેક કર્મચારીના સર્વિસ કાર્ડ, હાલની જગ્યાનો ટેન્યોર, તેની છાપ, પ્રામાણિકતા વગેરે પાસા જોયા વિના જિલ્લા પંચાયતના વહીવટી વડા તરીકે મારાથી આવો હુકમ આજે જ કેવી રીતે કરાય? મેં કહ્યું હું યાદીને ચકાસી જે વાજબી જણાશે તે હુકમો કરી દઈશ. પરંતુ તેઓ બંનેએ બધાં હુકમો તે જ દિવસે કરવાના આગ્રહને કારણે હું સીધો પંચાયત સચિવ નિરંજન સિંહ પાસે પહોંચ્યો. તેમને ઘટનાથી માહિતગાર કર્યા અને પંચાયત મંત્રી પાસે મારી સાથે આવવા કહ્યું. અને બંને પંચાયત મંત્રી પાસે ગયા અને સચિવશ્રીએ મારી વાતને ટેકો આપ્યો. તે વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ જતા રહ્યા હતાં. કાસમબાપુએ નિખાલસ થઈ જણાવ્યું કે મુખ્ય દબાણ ઈશ્વરસિંહનું છે. હું મક્કમ રહ્યો. બદલી યાદીનો અમલ ન કર્યો અને એટલામાં ઈલેકશન કમીશન ઓફ ઈન્ડિયાએ વિધાનસભાની ચૂંટણી જાહેર કરી દીધી એટલે બદલીનો તે વિવાદ ત્યાં અટક્યો. પરંતુ બીજી એક બદલીએ મને મુખ્યમંત્રી સામે લાવી ઊભો કરી દીધો. 
વિજાપુર વિધાનસભા બેઠક પર નરેશભાઈ રાવલ ઉમેદવાર. તેમના મત વિસ્તારમાં કોઈ એક ડિસ્પેન્સરી પર મેડિકલ ઓફિસરની ખાલી જગ્યા. ગામનાં મત વધુ તેથી જો મેડિકલ ઓફિસર મૂકાય તો તેમની જીતવાની તકો વધે. તેમણે ચાણસ્મા તાલુકાના એક મોટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. પટેલની માગણી કરી. 

આરોગ્ય સેવાઓ અને કુટુંબ નિયોજન બે મહતવના કાર્યક્મો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અતિ મહત્વના. વળી જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરોની જગ્યાઓ ખાલી હોય ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાલી કરી ડિસ્પેન્સરીની જગ્યા ચાલુ આચારસંહિતા વચ્ચે ભરવા કોણ તૈયાર થાય? મેં ધારાસભ્યને ના કહી એટલે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી. 

મુખ્યમંત્રીને ત્યાંથી સચિવ કુલીન ચંદ્ર કપૂર સાહેબનો ફોન આવ્યો. પરમાર, આ ડોક્ટરને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ખસેડી વિજાપુરની ડિસેપેન્સરીમાં મૂકવાનો હુકમ કરવાનો મુખ્યમંત્રીનો આદેશ છે. મેં ના કહી અને આચાર સંહિતાનું કારણ આગળ ધરી ગાંધીનગરથી આરોગ્ય કમિશનર દ્વારા બદલી હુકમ કરવા દલીલ કરી. તેમણે ફોન મૂકી મુખ્યમંત્રીને અવગત કર્યા. ફરી ફોન આવ્યો અને કહ્યું કે મુખ્યમંત્રી ચૂંટણી પત્યા પછી તમને જોઈ લેશે. મેં જવાબ દીધો, પાછા આવશે ત્યારે જોશું! 
નરેશભાઈ હાર્યા અને કોંગ્રેસ પણ હારી તેથી અમારો એ વિવાદ ત્યાં વિરમી ગયો. ચૂંટણી દરમ્યાન મુખ્યમંત્રીશ્રીનો મહેસાણા કાર્યક્રમ નક્કી થયો. વાત હજી તાજી હતી. મેં વિકાસ કમિશ્નર શર્મા સાહેબને વિનંતી કરી. તેમણે મારી તે દિવસે સીએલ મંજૂર કરી અને તે રીતે સીધા ઘર્ષણથી હું દૂર રહ્યો.

ક્ષેત્રીય પ્રવાસ

હું શહેરનો તેથી ગામડા મને બહુ ગમે. ગામ પંચાયત, શાળા, આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો, પેટા કચેરીઓ, તાલુકા પંચાયતો ની ખૂબ મુલાકાતો લેતો. વળી કુટુંબ નિયોજનનો લક્ષ્યાંક પૂરો કરવા આરોગ્ય ઉપરાંત બીજા સંવર્ગના કર્મચારીઓ અને અધિકારીઓને લક્ષ્યાંક આપવો પડતો. જો સમીક્ષા બેઠકો ન કરો તો કોઈ કામ થાય નહીં તેવું મને સમજાઈ ગયેલું. ફાઈલ વર્ક મારે માટે એકાદ કલાકનું કામ. તેથી હું પ્રવાસ ખૂબ કરતો. મહિને સરેરાશ ૫૫ ગામોની મુલાકાતોની ડાયરી રહેતી. 

આરોગ્ય કર્મચારીઓની સીધી ભરતી 

એ સમયે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય કર્મચારીઓની ભરતીની જાહેરાત આવી. પંચાયત સેવાઓના ઈન્ટરવ્યૂ જિલ્લે થતાં. રાજ્ય મંડળના સભ્ય જિલ્લા સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી બે સભ્યો. એક નિષ્ણાત અધિકારી સમિતિને આસીસ્ટ કરે. ચેરમેનના ૩૪ માર્ક્સ, પ્રમુખના ૩૩ અને જિલ્લા વિકાસ અધિકારીના ૩૩. તેને આધારે ઉમેદવારોની મેરીટ કમ રિઝર્વેશનની પસંદગી યાદી બને. કંઈ કેટલાય ખેલ થઈ જાય. 

ભૂતકાળમાં અગાઉના પ્રમુખના સમયે અંદાજે ૨૬ ઓબીસી અને ૪ એસસી અનામતની સાથે ૯ સામાન્ય બેઠકોની એક ભરતીમાં જિલ્લા પંચાયત પસંદગી સમિતિએ અંદાજે ૭૦૦ જેટલા ઉમેદવારોની લાંબી પસંદગી યાદી બનાવેલ. અનામત સંવર્ગના ઉમેદવારો યાદીમાં છેલ્લે રહ્યા અને એક ઉમેદવાર કોર્ટમાં જઈ હુકમ લઈ આવ્યો કે ક્રમ તોડી નિમણૂક આપી ન શકાય. તેથી નીચેના ક્રમના ૩૦ જણની નોકરી આપવા ઉપરના ક્રમનાં સામાન્ય કેટેગરીના ૭૦૦ ઉમેદવારો ભરતી થઈ ગયા. છે ને અજબ ગજબ? 

અમારી સમિતિના ચેરમેન નિવૃત્ત આઈએએસ ઝવેરભાઈ ચાવડા. તેઓ અને અમારા પ્રમુખ ઈશ્વરસિંહ રાજકીય પક્ષની રીતે એકજૂથ. એવું ચર્ચાય કે ઝવેરભાઈને ભવિષ્યમાં વિધાનસભાની જોટાણા અનામત સીટ મેળવવાની ચાહ. બજારમાં જાત જાતની અને ભાતભાતની અફવા ચાલે. જગ્યાઓ તો બધી વેચાઈ ગઈ છે, ઈન્ટરવ્યુ તો બસ ઠપ્પો છે. 

ઈન્ટરવ્યુની અગાઉની તે રાત મારે નિંદર વેરણ થઈ. અંતરાત્માને પ્રાર્થના કરું કે કોઈ ઉપાય દેખાડ. લાઠી ભાંગે નહીં અને સાપ મરે તેવો રસ્તો બતાવ. સવારે ઉઠ્યો ત્યારે રસ્તો જડી ગયો. એ ઈન્ટરવ્યુમાં નિષ્ણાત સહાયક તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બેસવાનું. મેં ડૉ રાણાવતને બોલાવ્યા અને કહ્યું કે તેમણે જે તે સંવર્ગની જગ્યાની લાયકાત અને તે સંબંધિત ઉમેદવારોના જ્ઞાનને ચકાસવાના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું જેથી ઉમેદવારોનું સટીક મૂલ્યાંકન થઈ શકે. ઉમેદવારોની બાકી બધી માહિતી અમારી પાસે હતી તેથી જનરલ પ્રકારના પ્રશ્નો અમે ત્રણ પૂછવાના હતા. 

ઈન્ટરવ્યુ ચાલતાં ગયાં, પ્રશ્નો પૂછાતા ગયા અને અમે માર્ક્સ મૂકતાં ગયા. મારી પાસે માત્ર ૩૩ ગુણનું બળ અને સામે ૬૭. વળી ઉમેદવાર લઘુત્તમ સ્કોર મેળવે એટલે મેરિટ લીસ્ટમાં દાખલ થઈ જ જાય. મેં આત્યંતિક વલણ લીધું. જે સારાં હતાં તેમને વધુ અને નબળા હતાં તેમને ઓછા ગુણ આપ્યાં. પરિણામ તૈયાર થયું ત્યારે મારી વ્યૂહરચના સફળ રહી કારણકે પસંદગી યાદી અમારી પસંદગીથી ભરેલી હતી. ઈશ્વરસિંહે બળાપો કાઢ્યો, પરમાર તમે જબરા નિકળ્યા. 

ભૂતકાળમાં તેમના કોઈ એક સંબંધીના ઈન્ટરવ્યુ લેનાર સમિતિમાં તેઓ હાજર હતાં તેવી અરજી થતાં વિકાસ કમિશનર એસ. ડી. શર્મા સાહેબે જિલ્લા વિકાસ અધિકારીના અહેવાલને આધારે તેમને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શા માટે સસ્પેન્ડ ન કરવા તેવી નોટિસ ફટકારેલ જેનો વસવસો તેઓ વર્ષો સુધી જ્યારે મળતાં ત્યારે કરતાં. આખા બોલા એમની પ્રામાણિકતા પર કોઈ શંકા ન કરતું અને તેમની પ્રજા માટેની કામ કરવાની તત્પરતાની કોઈ બરાબરી ન કરી શકતું. બસ એકમાત્ર તેમની વાણી તેમની લોકપ્રિયતાને રોકતી.

બલરામની અકાળે વિદાય 

૧૯૮૬ બેચના બલરામ દિક્ષિતની એક કરૂણાંતિકા નોંધવી રહી. તે ખેરાલુ પ્રાંત અધિકારી. ત્રીજા શનિવારની સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપવાં તે આવેલા. મીટીંગ પછી તે મારે ઘેર આવ્યા. અમારા નિવાસે કૂક બબાજી ઠાકોર અને તેમનાં પત્નીએ સરસ રસોઈ બનાવી હતી. અમે સાથે જમ્યાં અને ખૂબ વાતો કરી. પછી તે સાંજે પાંચ વાગ્યાની કલેકટરની બેઠકમાં હાજરી આપવા ગયા. બેઠક પતી એટલે સંધ્યા ટાણે તે ખેરાલુ જવા રવાના થયા. 

પ્રાંતનું પહેલું પોસ્ટીંગ આઈએએસ અધિકારીને ડ્રાઇવિંગ શીખવા કામ લાગતું. હું પણ દાહોદમાં ડ્રાઇવિંગ શીખેલો. બલરામે તે દિવસે મહેસાણાથી જેવી જીપ બહાર નિકળી એટલે ડ્રાઇવરને પાછળ બેસાડી પોતે હંકારવાનું ચાલું કર્યું. 

એ વખતે રોડ પર ટ્રાફિક ઓછો પરંતુ સંધ્યાથી આગળનો સમય હોવાથી અંધારું આવી રહ્યું હતું. તેમની આગળ એક ઊંટલારી ધીમેધીમે આગળ જાય. બલરામને થયું ઓવરટેક કરી લઉં. તેણે ઊંટલારી ઓવરટેક કરી પરંતુ આ શું, ઊંટલારીની આગળ બીજી ઊંટલારી, ધીમેધીમે ચાલે. તેમને માટે વચ્ચે ઘૂસવાનો રસ્તો નહીં અને બરાબર એ જ વખતે સામેથી એક પીળા રંગની ટ્રક હેડલાઈટ મારતી સામે આવી ગઈ. બલરામે જેમ તેમ પ્રયાસ કરી ઊંટલારી અને ટ્રક વચ્ચેથી નિકળવા પ્રયાસ કર્યો અને ૯૦ ટકા સફળ રહ્યો પરંતુ ટુ લેન રોડ તેથી ટ્ર્કે પસાર થતાં સહેજ રાઈટ દબાવ્યું તેથી બલરામની જીપને પાછળના ભાગે રાઈટ સાઈડમાં ધક્કો લાગ્યો અને જીપ પલટી ખાઈને રોડની જમણી બાજુ ઊંધી થઈ ગઈ. 

બલરામને ગરદન અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ તેનું બ્રેઇન સ્ટેમ ફાટી ગયું હતું. તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લઈ ગયા. હું આખી રાત ખડેપગે રહ્યો પરંતુ બચવાની કોઈ ઉમેદ ન દેખાતા અને સૌ નિરાશ થયાં. બીજા દિવસે તેનો દેહાંત થયો. 

મુખ્યમંત્રી ચીમનભાઈએ ખાસ કેસમાં ગુજરાત સરકારનું ભાડે રાખેલું હવાઈ જહાજ આપી તેના મૃતદેહને તેના વતન ઓરિસ્સા પહોંચાડ્યો. એક આશાસ્પદ જિંદગીનો એક નાનકડી ઓવરટેકે ભોગ લીધો. 

મારી અકળામણ 

માર્ચ ૧૯૯૦માં ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. અમારા કલેક્ટર યોગેન્દ્ર દિક્ષિત તેમનાં સચિવ બન્યાં. બલરામ ભગવાનને પ્યારો થયો. મારી કંપની તૂટી ગઈ. ઈશ્વરસિંહ સાથેના ઘર્ષણમાં અને કેટલાક જાતિવાદી હલકા આક્રમણોથી મારો આત્મવિશ્વાસ ડગ્યો. મારી પત્ની લક્ષ્મી સાથે ભણતો મુદરડાનો મુસલમાન યુવાન મહંમદ પછીથી જિલ્લા પંચાયતનો સભ્ય બનેલો અને તે જાણે જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બર તેનું ઘર હોય તેમ વર્તન કરતાં તેણે ધમકાવી બહાર કાઢેલ તેણે કાવતરું કર્યું. મને તુલસીદાસનો દોહો યાદ આવ્યો, “તુલસી વહાં ન જઈયો, જહાં બાપકો દેશ”. મારું ગામ  અને સાસરી ૨૫ કિલોમીટર ત્રિજ્યામાં, સાસરી તો મહેસાણામાં જ. 

બદલી

હું યોગેન્દ્રભાઈને મળ્યો, કહ્યું તમે તો આવતાં રહ્યાં, મારું કંઈક કરો. તેમણે મુખ્યમંત્રીને વાત કરી. તેઓ સંમત થયા પરંતુ જીએડીનો એક અધિકારી દાવ ખેલી ગયો મારી નિમણૂક નાયબ સચિવ તરીકે ઉદ્યોગ અને ખાણ વિભાગમાં કરી દીધી. 

હું ઉદ્યોગ સચિવ સુરેશભાઈ શેલતને મળ્યો તો પહેલાં નામ અટક વાંચી પછી કહે કે તેમણે કોઈ બીજા અધિકારીની માંગણી કરી છે, તમે રાહ જુઓ. 

હું મુખ્ય સચિવ એચ. કે. ખાન સાહેબને મળ્યો અને વિનંતી કરી કે મને બીજો કોઈ જિલ્લો આપો. તેમણે હા કહી અને મારી નિમણૂક જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢ તરીકે થઈ.

હું મારી મારુતિ ૮૦૦ કાર લઈ બાજુમાં પાણીની બોટલ લઈ લક્ષ્મીને બેસાડી કાર ચલાવતો રાત્રે ૯.૩૦ કલાકે જૂનાગઢ પહોંચ્યો. એ મારું પહેલું સ્વતંત્ર ડ્રાઇવિંગ હતું. મેં પહેલું કામ ૯.૪૫ કલાકે સીટીસી ભર્યું અને પછી જમ્યો. મને એ સમયનો બોધ હતો કે રાત ગઈ તો બાત ગઈ. એક રાતમાં રામ રાજા મટી રંક થઈ ગયા હતા. 

૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫

Tuesday, September 23, 2025

દાહોદ મદદનીશ કલેક્ટર અને SDM (૧૫)

મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દાહોદ (૧૫)

પંચમહાલ જિલ્લાને બે સબડિવિઝનઃ ગોધરા અને દાહોદ. તેમાં દાહોદ મુખ્ય મથકથી દૂરનું સબડિવિઝન હોવાથી અને સંપૂર્ણ આદિવાસી વિસ્તાર હોવાથી મહત્વનું ગણાતું. 

માળવા અને ગુજરાતના રાજાઓની હદ અહી મળે તેથી દો-હદ અને અપભ્રંશ થઈ દાહોદ નામ પડ્યું. 

ઋષિ દધીચિના આશ્રમ સ્થાન તરીકે તેનું પૌરાણિક અને પાટણ-ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના પડાવનાકા તરીકે તથા મોગલ બાદશાહ ઔરંગઝેબના જન્મ સ્થાન તરીકે તેનું ઐતિહાસિક મહત્વ. 

૧૮૫૭ના પહેલાં સ્વાતંત્ર્ય સંગ્રામનો સેનાપતિ તાત્યા ટોપે અહીં મોટી ખોરજના જંગલોમાં છૂપાયેલ. 

લોર્ડ કર્ઝને ભીલોને ભારતીય સેનામાં દાખલ કરવાં અહીં મિલિટરી એકેડમીની સ્થાપના કરેલ. ભારતીય રેલ માટે કોચ બનાવવા અંગ્રેજોએ નાંખેલ યાર્ડ આજે વિકસિત પરેલ વિસ્તાર તરીકે જાણીતો છે. 

ભાઈકાકાએ અહીં ગાંધીવાદી વિચારધારા મુજબ આદિવાસી ઉત્થાન માટેના રચનાત્મક કામો કરેલાં. તેમનાં વખતનાં એક ગાંધીવાદી ભીલ સેવા મંડળના જાહ્યાભાઈ નાયકને હું દાહોદ નજીકના ગામમાં મળેલ. 

કેવા હશે ગાંધીજી? જેમના એક કોલ પર બધાં સંસારના સુખ ત્યજીને દેશ સેવા, જનસેવા અને આદિવાસી સેવાનો ભેખ લેતાં.

તે વખતે કાળીડેમ પાસે તો અમને ડાયનોસોરસના ઈંડા અને પાષાણ થઈ ગયેલા હાડકાં મળેલ. જેને જે મળ્યું તે લઈ ગયા તેથી બાલાસિનોરની જેમ ડાયનોસોરસ પાર્ક બનાવવાની એક તક જતી રહી. 

દાહોદ પ્રાંત પાંચ મોટા તાલુકાઓનો બનેલો મોટો પ્રદેશ, તેમા દાહોદ ઉપરાંત લીમખેડા, દેવગઢ બારિયા, ઝાલોદ અને સંતરામપુર તાલુકા. દાહોદના પ્રાંત અધિકારીને લોકો દાહોદ કલેક્ટર તરકે જ સન્માન આપતાં. 

હવે તો દાહોદ સ્વતંત્ર જિલ્લો છે અને તેને સાત તાલુકા છે. 

મારો પ્રોબેશન પીરિયડ ઓગસ્ટ ૧૯૮૭માં પૂરો થતાં મારી પહેલી નિમણૂક દાહોદ મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે થઈ. નિમણૂક પહેલાં તાલીમ દરમ્યાન મેં દાહોદ અને સબડિવિઝનના તાલુકાઓનો પ્રવાસ કરેલ હતો તથા મારી પૂર્વના પ્રાંત અધિકારી ભગુભાઈ ચૌધરી જોડે મિત્રતા બંધાયેલી તેથી તેમની જોડેથી ચાર્જ સંભાળવાનું અને કામગીરી સમજવાનું સહેલું રહ્યું. ALT મામલતદાર મુકુંદભાઈ દેસાઇએ ટેનન્સી એક્ટ મને ખૂબ સરસ રીતે સમજાવી પાકો કરાવી દીધેલ. 

કામ કરીએ તેટલું ઓછું 

દાહોદમાં મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે મારી મુખ્ય કામગીરીમાં પ્રાંતના મહેસૂલી કામગીરી ઉપરાંત અછત રાહત સંચાલન માટે પાંચેય તાલુકાની અછત રાહત સમિતિઓની નિયમિત બેઠકો, કામોની મંજૂરી, તેનો અમલ, સમયસર ચૂકવણાંનું મોનીટરીંગ અને કામોનું ઈન્સ્પેક્શન મુખ્ય હતાં.

આ ઉપરાંત તાલુકા આયોજન મંડળની બેઠકોમાં વિવેકાધીન અને પ્રોત્સાહક ગ્રાન્ટના કામોને જિલ્લા આયોજનમાં ભલામણ કરવાં તથા તાલુકા સંકલન સમિતિમાં તાલુકાનાં જુદા જુદા વિભાગોના પ્રશ્નોની ચર્ચા અને નિકાલ થતો. 

જિલ્લામાં જે કામ એક બેઠકમાં પૂરું થતું તે કામ મારે પાંચ તાલુકામાં જઈ પાંચ વાર કરવું પડતું. 

વળી RTS અપીલોની સુનાવણી હું તાલુકે કરતો તેથી તાલુકા ફેરણીમાં ઉપરના બધા કામો એક આખો દિવસ ફેરણીમાં અને બીજો દિવસ તાલુકા પ્રવાસ અને તપાસણીમાં પૂરો થાય તેમ માસિક કાર્યક્રમ બનતાં. અઠવાડિયા કે મહિનાના ચોક્કસ દિવસો ઠરાવેલા જેથી વારેવારે પત્રવ્યવહાર કરવો ન પડે.

આ ઉપરાંત કુટુંબ નિયોજનના લક્ષ્યાંક પૂરા કરવા તેનું પણ સતત મોનિટરિંગ અને સમીક્ષા કરવા પડતી. વળી પુરવઠાની ફરિયાદો અનુસંધાને સસ્તા અનાજની દુકાનોની તપાસણી, ગામ મહેસૂલ દફતર ઈન્સ્પેક્શન, પોલીસ સ્ટેશન ઈન્સ્પેક્શન, જેલ મુલાકાત, વગેરે કામો ઉમેરતાં દિવસો, અઠવાડિયા અને મહિના કામમાં ક્યાં જતા રહેતાં તેની ખબર નહીં. કામ કામ અને કામ, 

સવારે નાહી ધોઈને નીકળીએ ત્યાંથી રાત્રે પાછા આવીએ ત્યારે ધૂળથી ભરાયેલા થઈ જતાં. દરરોજ રાત્રે નાહવું જ પડે. સરકારે જીપ આપી હતી અને તેને હુડ અને દરવાજો હતાં પરંતુ ખુલ્લા પવનની સાથે ધૂળનો પણ સામનો કરવો પડતો. આજના જેવો એરકન્ડીશન્ડ વાહનોનો જમાનો નહીં. પ્રાંતને શું, કલેકટરને ચેમ્બર કે ગાડીમાં એસી નહોતું મળતું. 

લોકો અને સંસ્કૃતિ

દાહોદ સબડિવિઝન મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતું હતું, જેમાં મુખ્યત્વે ભીલ લોકોનો સમાવેશ થતો, જોકે તેમાં થોડા પટેલિયા પણ હતા. આદિવાસીઓ સાદા અને નિર્દોષ સ્વભાવના લોકો છે. ગુજરાતના માર્ગ અને મકાનો નિર્માણનો તે મુખ્ય શ્રમિકવર્ગ છે. તેમના પૈકી ઘણા લોકો કૃષિ મજૂરો તરીકે પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખેતરોમાં કામ કરે છે. 

તેમનું જીવન મુખ્યત્વે સાટા પદ્ધતિ પર આધારિત હતું, તેથી નાણાંનો ઉપયોગ ઓછો હતો. અઠવાડિયામાં નક્કી કરેલ એક દિવસે આજુબાજુના ગામોનો એક સાપ્તાહિક હાટ બજાર થતું. ક્યાંક બુધવાર, ક્યાંક ગુરુવાર, અઠવાડિયાના દિવસો વહેંચી તે વિસ્તારના લોકોની નાની નાની ખરીદીની જરૂરિયાતો આ હાટ પૂરતાં. મુખ્યત્વે તો સાટું ચાલતું જેમાં પોતાની પાસે હોય તે આપી જરૂરિયાતનું લેવાતું. પરંતુ સાટુ ન ચાલે ત્યાં નાણાંમાં વ્યવહાર થતો. 

આદિવાસી સમુદાયોમાં મુખ્ય ખોરાક અડદની દાળ અને મકાઈની રોટલી હતો. ઘણાં લોકો મરઘાં પાળતા, તેથી ઈંડાં અને મરઘા માંસાહાર તરીકે વપરાતા. મરઘાં તો મોટેભાગે તહેવારો કે સામાજિક મીટીંગ, કે કોઈ વિશેષ પ્રસંગે ખવાતા. 

જો કોઈ અધિકારી તેમના ગામે આવે અને ભોજન વ્યવસ્થા કરવાની હોય તો , વિકાસ યોજના હેઠળ અંતર્ગતઅપાયેલા મરઘાંમાંથી કેટલાક તેમના માનમાં શહીદ થતા. 

રતનમહાલની પહાડીઓમાં આદિવાસીઓ આંકડાના પાંદડામાં શેકી મકાઈના લોટના “પાનિયા” બનાવે તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ પેટના રોગ માટે ઉત્તમ ઔષધિ ગણાય છે. માંસાહારીને મુરઘી અને પાનિયા મળે એટલે મજા પડી જાય. 

ગોળ ગધેડા મેળો દર વર્ષે ફાગણ મહિનામાં હોળી તહેવાર દરમ્યાન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવડા ગામે યોજાય છે. આ મેળો તેના અનોખા “સાથી પસંદગી” સંગમ માટે પ્રસિદ્ધ છે, જેને લોકપ્રિય રીતે “ગોળ ગધેડા મેળો” કહેવામાં આવે છે. હજારો લોકો અહીં ભેગા થઈ ઢોલ-નગારા, નૃત્ય અને લોકગીતોનો આનંદ માણે છે.

મેળાના મેદાનના મધ્યમાં ૨૦-૨૫ ફૂટ ઊંચો એક થાંભલો ઉભો કરવામાં આવે છે અને તેના ટોચે ગોળની પોટકી બાંધવામાં આવે છે. તેની આજુબાજુ અવિવાહિત આદિવાસી યુવતીઓ વાંસની લાકડી લઈને ઢોલના તાલે વર્તુળમાં નાચે છે અને લોકગીતો ગાય છે.

કોઈ યુવક જો કોઈ પસંદગીની યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છે, તો તે થાંભલો ચડવાનો પ્રયત્ન કરે છે. યુવતીઓ તેને લાકડીઓથી મારતી જાય અને તે થાંભલો ચડતો જાય. જો તે યુવક ટોચે પહોંચવામાં સફળ થાય અને પોટલીનો ગોળ ખાઈ લે અને બાકીનો ભાગ ભીડ પર ફેંકી દે, તો તેને તે યુવતીઓમાંથી એકને જીવનસાથી તરીકે પસંદ કરવાનો અધિકાર મળતો. મનપસંદ કન્યા સાથે લગ્ન કરવા ગોળ ખાઈ ગધેડો બનવાનું કોને ન ગમે? 

આ રીતે આ મેળો પ્રેમ અને લગ્ન માટે સામાજિક રીતે સ્વીકાર્ય માધ્યમ તરીકે કાર્ય કરતો — જ્યાં યુગલો ખુલ્લેઆમ પોતાના સંબંધને માન્યતા અપાવી શકતા.

આદિવાસી સમાજમાં “બેટી બચાવો” જેવી ઝુંબેશની જરૂર નહોતી કારણ કે અહીં સ્ત્રીઓ સંપત્તિ ગણાતી હોવાથી પુરુષોની સંખ્યા સામે વધુ રહેતી. 

પિતાના ઘરમાં તેઓ ખેતરમાં કામ કરીને પરિવારને મદદ કરતી; અને લગ્ન પછી, વરપક્ષને. તેથી વરપક્ષવાળા કન્યાપક્ષવાળાને દહેજ ચૂકવતા. 

લીમખેડાના કેટલાક પછાત ગામોમાં, જો કોઈ સ્ત્રીને ગામ લોકો “ડાકણ” જાહેર કરે, તો પછી તેને પથ્થર મારી મારીને મારી નાખતા. અંધશ્રદ્ધાનો પ્રભાવ એટલો હતો કે જો કોઈ બાળક બીમાર પડે કે અચાનક મરી જાય, તો તેનો દોષ કોઈ નિર્દોષ સ્ત્રી પર મૂકાતો અને તેને ડાકણ જાહેર કરી મરાતી. સદીઓથી અજ્ઞાનના અંધકારમાં કેટલી નિર્દોષ સ્ત્રીઓએ જીવ ગુમાવ્યો હશે તે વિચારી આ પ્રથા પર ઘૃણા થાય. 

અહીં લગ્ન નાની ઉંમરે થતા પરિણામે છોકરીઓ કિશોરાવસ્થામાં જ માતા બનતી. જેના કારણે સમય પહેલાં અને કુપોષિત ઓછા વજનવાળા બાળકોનો જન્મ થતો. માતાઓમાં રક્તાલ્પતા (એનિમિયા) અને બાળકોમાં આંતરડા ના કૃમિ સામાન્ય હતા.

દાહોદના ગરબાડા નજીક એક ગામ એવું હતું, જેને “અપરાધી ગામ” તરીકે ઓળખવામાં આવતું. ત્યાં પોલીસ પણ ભારે બંદોબસ્ત વિના જવાની હિંમત ન કરતી.

કેટલીક જગ્યાએ પડોશી રાજ્ય તરફ જતા રસ્તાઓ-હાઇવે રાત્રે જોખમી મનાતા. લૂંટ કરનારા રસ્તા પર ખીલા ગોડતા. જેનાથી વાહનોના ટાયર પંચર થાય, પછી વાહન રોકાય એટલે મુસાફરોને માર મારી તેઓ લૂંટતા.

આ લૂંટારાઓમાં પણ એક અજબ નૈતિકતા હતી. તેમને કોઈનું “મફત” ન ખપે, એટલે કે “માર મારીને કમાયેલી વસ્તુ” જ લઈ જતા!

તાલુકા ઓફિસ 

હું પ્રાંતના કામ જે તે તાલુકાની મામલતદાર કચેરીમાં રાખતો જેથી પ્રજાને વધુ પ્રવાસ કરવો ન પડે. વળી આકસ્મિક મુલાકાત લેતો જેથી મામલતદાર કચેરીઓ લોકાભિમુખ છે કે નહીં તેની ખબર પડે. મને દરેક કચેરીમાં જાઉં ત્યારે તેના કમ્પાઉન્ડમાં આવી બેઠેલા આદિવાસીઓ ભાઈઓ બહેનો પર નજર જાય. તેમાંથી ઘણાં એકાદ બે કિલોની કોઈ પોટલી લઈ બેઠા હોય. સાહેબને મળવા જવાનું હોય કે તાલુકા કચેરીનું કામ હોય તો ઠાલા હાથે થોડી જવાય? તેથી પોતાની પાસે ખેતરની જે કંઈ વસ્તુ પકવેલી હોય તે સીઝન મુજબ લઈ હેતે આવતાં. 

પ્રાંત કચેરીમાં કોઈ અપીલ આવે, અરજી આવે તો તે પહેલાં શિરસ્તેદારને રજૂ થાય. શિરસ્તેદાર તેને જોઈ પછી મને ટપાલમાં જોવા અને આગળ કાર્યવાહીની મંજૂરી માટે મૂકે. એકવાર અચાનક મારી નજર ટપાલ ફોલ્ડરમાં મૂકેલી એક ચાર પાંચ પાનાની અરજી વચ્ચે મૂકે રૂપિયા પાંચની નોટ પર ગઈ. મેં શિરસ્તેદારને બોલાવ્યા અને ધમકાવ્યા ત્યારે ખબર પડી કે અરજી સ્વીકારતી વખતે રિવાજ મુજબ તેની પાસે જે કંઈ બે પાંચ રૂપિયા હોય કે અરજીમાં વાળી મૂકે અને શિરસ્તેદાર કે તેમનાં કારકૂન લઈ લે. મેં મારા ડ્રાઈવર ભરત અને બીજા કર્મચારીની પૂછપરછ કરી અને જાણ્યું કે આ દૂષણ હજી વધુ ફેલાયું નહોતું તેથી કડકાઈથી બંધ કરાવી દીધું. 

રાજવી કુટુંબોના વારસાઈ વિવાદ

સબડિવિઝનનો એક તાલુકો દેવગઢ બારિયા. દેવગઢ બારિયા નગર નાનકડુ પરંતુ દેશી રજવાડાની રાજધાની. પૂર્વ રાજવી મહારાવલ જયદિપસિંહ બારીયા પ્રતિષ્ઠિત નામ અને સંસદ સભ્ય. તેમનું નવેમ્બર ૨૦, ૧૯૮૭ ના રોજ અવસાન થતાં તેમના પક્ષ તરફથી આવેલ ગુલામ નબી આઝાદને હું પહેલીવાર મળેલો. આઝાદ ઊંચા અને દેખાવે આકર્ષક, સાથે સાથે સુંદર તમીજવાળા. રાજા સાહેબનો પ્રોટોકોલ સન્માન સાથે અગ્નિ સંસ્કાર થયો. 

તેમના મૃત્યુ પછી તેમના પિતરાઈ ભાઈના સંતાનોએ કેટલીક વડીલોપાર્જિત જમીનોમાં ભાગ લેવાં RTS અપીલો દાખલ કરી. રાજાના વારસ તરીકે તેમના એકમાત્ર પુત્રી ઉર્વશી દેવી દેવગઢ બારિયામાં જ રહે. તેમનું વ્યક્તિત્વ પ્રભાવી અને અદબ જાજરમાન. ખાન સાહેબ ૧૯૬૭-૬૯માં પંચમહાલના કલેક્ટર ત્યારથી તેમનું નામ વહીવટી તંત્રમાં જાણીતું. હું RTS અપીલો તાલુકે સાંભળું તેથી બહેનશ્રી ફોન કરી સમય લઈ તાલુકે મળવા આવે અને સાથે બે આઇસ્ક્રીમ લેતાં આવે. એક કપ મારા માટે અને એક કપ તેમનો. બે એક મુલાકાતો પછી તેમણે સુનાવણીમાં આવેલી મિલકતોની વારસાઈ ઝઘડામાં તેમનો પક્ષ લેવા વિનંતી કરેલ. 

મારે ધર્મસંકટ આવ્યું. 

વડિલોપાર્જિત મિલકતોને રાજવી કુટુંબના એક જ પરિવારના નામે કરવા કોઈ કાયદાકીય રક્ષણ નહીં અને સીધી લીટીના વારસદારોને હિંદુ વારસાધારા મુજબ લાભ મળે. અધિકારી તરીકે હું કસોટીએ ચડ્યો. છેવટે મેં ન્યાયનો પક્ષ લીધો જેનું નુકસાન ૧૯૯૨માં ઉઠાવ્યું. 

૧૯૯૨માં પંચમહાલ કલેક્ટર તરીકે મારી નિમણૂક લગભગ નક્કી હતી. મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે મહેસાણાના મારા સાથી કલેક્ટર યોગેન્દ્રભાઈ દીક્ષિત હતાં. તેમનો ફોન આવ્યો કે મુખ્ય સચિવ ખાન સાહેબે પંચમહાલ કલેક્ટર તરીકે મારું નામ સૂચવ્યું છે પરંતુ કહ્યું છે કે એકવાર મારે ઉર્વશીદેવી સાથે વાત કરી લેવી. હું ફરી અનાડી સાબિત થયો. દેવગઢ બારિયાનો નિર્ણય મેં કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ વિના લીધેલો તેથી તે વાત હું તો સાવ ભૂલી ગયેલો. મેં બહેનશ્રીને ફોન કર્યો. બહેનશ્રી ચેત્યા અને મારી પંચમહાલ કલેક્ટર તરીકેની થતી નિમણૂકને અટકાવી દીધી. 

પુરવઠાનો પુરવઠો 

જેમ ઉત્તર ગુજરાતમાં ઉંઝા જીરાના ગંજ તરીકે પ્રસિદ્ધ તેમ દાહોદ પૂર્વ ગુજરાતમાં અનાજના ગંજ તરીકે પ્રસિદ્ધ. ગિરધરલાલ શેઠ અહીં મોટા આગેવાન. તેમની મિલો અને  તેમના દાનથી બનેલી સાર્વજનિક બિલ્ડિંગો અને સેવાને કારણે પ્રતિષ્ઠિત નામ. તેમનાં ઉપરાંત મધ્યપ્રદેશ મૂળનાં ઘણાં વેપારીઓ. 

FPSમાં ઘંઉ મળે અને આદિવાસીઓ મકાઈ ખાય તેથી સસ્તા અનાજના ઘંઉ ગોડાઉનથી દુકાનદારને ફાળવણી થાય ત્યાંથી જ વગે થવાની ખૂબ ફરિયાદો. FPS દુકાનો નિયત દિવસોએ ખુલે નહીં અને ખુલે તો ઝડપી બંધ થાય તેથી રાશન ન મળવાની ફરિયાદો ઉઠે. 

જેને ઘંઉ ખાવા જ નથી તે શા માટે લેવા જાય કે ફરિયાદ કરે. પરિણામે તેમના ભાગના અને ક્યાંક ભૂતિયા કાર્ડ ચાલતાં હોય તે અનાજ બારોબાર જિલ્લાની અને બાજુના જિલ્લાની આટા મિલોમાં જવાની રજૂઆતો મળ્યા કરે. 

આ માટે જિલ્લા પુરવઠા અધિકારી અને તેમનાં ઈન્સ્પેકટરોની ટીમ. પરંતુ તાલુકા દીઠ એક ઈન્સ્પેકટર કેટલું પહોંચી વળે. મામલતદાર અને તેમના નાયબ મામલતદાર પુરવઠા પણ પરમીટ આપવા લેવામાંથી માંડ નવરાં થાય. 

તેથી ગેરરીતિઓ પર નિયંત્રણ લાવવા મેં દુકાનોની તપાસણી અને ગંજના બજારોની મુલાકાત અને રસ્તા પરની ટ્રકોની તપાસણી ચાલુ કરી. બજાર તો જેવું પ્રાંતનું વાહન દરવાજે દાખલ થાય એટલે કેટલીક દુકાનોના શટર પડવા લાગે. હાઈવે પર એક ટ્રક પકડીએ તો સમાચાર એવા પહોંચે કે પછી ચાર પાંચ કલાક સુધી તેવી ટ્રકોનું પરિવહન બંધ થઈ જાય. 

જિલ્લા પુરવઠા અધિકારી તરીકે બી એમ લેઉવાની બદલી પછી આવેલાં ચારી સાહેબે જબરી ધોંસ ઊભી કરેલી. તેમની કડક ઓફિસર તરીકેની છાપે મને વધુ પ્રેરિત કર્યો અને તેને કારણે મેં પણ તપાસણી વધારી અને કેસો કરવા માંડ્યા. 
ચારી સાહેબ તો મારા પર બહુ જ ખુશ. જિલ્લા સંકલનમાં મળીએ તો મારા વખાણ કરતાં થાકે નહીં. તેમની ગેરરીતિ ડામવાની વૃત્તિના દેખાવથી મારામાં રહેલો ગાંધી રાજી થાય. 
પછી કેટલાક મહિના પછી કલેક્ટર રજા પર કે તાલીમમાં જતાં મને બે-ત્રણ અઠવાડિયા માટે કલેક્ટરનો ચાર્જ મળ્યો. મને થયું લાવ ને તક છે, મેં કરેલાં પુરવઠાના કેસોમાં શી કાર્યવાહી થઈ તેની પૂછપરછ તો કરું? પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે ખબર પડી કે મારા દ્વારા તૈયાર કરેલા મજબૂત કેસો પુરવઠા કચેરી માટે ટંકશાળનું કામ કરતાં. મોટાભાગના કેસો નાનકડી સજા કરી બંધ કરી દેવાયેલા. 

મને એવો તો ગુસ્સો આવેલો કે ચાર્જમાં હતો છતાં પુરવઠા કચેરીમાં વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા કર્મચારીઓ અને તાલુકાઓના ઈન્સ્પેકટરોની બદલીઓ કરી દીધી. ચારી સાહેબ તે પછી મારી સામે આંખો મેળવતાં પણ સંકોચાતા. કડક અધિકારી તરીકેની છાપ ઊભી કરી કામ કરતાં અધિકારીઓની મેન્સરીયા પ્રત્યે ત્યારબાદ મને વધુ સભાન બનાવ્યો. 

ખાનગી પરિવહન 

દાહોદ ગોધરાના હાઈવે પર બકરાંની જેમ ભરાતા પેસેન્જરવાળી જીપોને પકડી હું આરટીઓને અહેવાલ કરતો અને આરટીઓ સાહેબ મારા પર રાજી રાજી થઈ જાય, તે તરફ પણ હું શંકાશીલ બન્યો. શું હું વ્યવસ્થા તંત્ર સુધારવાના અતિ ઉત્સાહમાં રેગ્યુલેટર સંસ્થાઓની કમાણીનું સાધન તો નથી ઊભો કરતો ને? મારી અંદરનો વિવેક જાગી મને સાવધાન કરવા લાગ્યો. હું દારૂના અડ્ડાઓના ચલાવનારાઓ સામે પોલીસના સહયોગથી exturnment કેસો ચલાવી તડીપારના હુકમો કરતો પરંતુ દારૂના દૂષણને સલામત ખૂણે જોતાં જ મારું મન મંથનમાં લાગી જતું. 

પંચાયતના કામો

જિલ્લા પંચાયત તંત્રના મોટાભાગના કાર્યક્રમોનો બોજ હું વહન કરતો. મારે જિલ્લા વિકાસ અધિકારી બનવાનું તેથી એક અભ્યાસ તરસી પણ હું તે કામો અતિ ઉત્સાહથી ઉપાડતો. અછત રાહતના કામોમાં મારા સબડિવિઝનનો હું સર્વેસર્વા. પાંચેય તાલુકા મોટા અને તાલુકા વિકાસ અધિકારી બધાં વર્ગ-૧ અધિકારીઓ. તાલુકા અછત રાહત સમિતિના ચેરમેન તરીકે મને અધિકારો તેથી પાંચેય તાલુકાની ઓનરશીપ રાખી દરેક તાલુકામાં જઈ પખવાડિયે બેઠકો કરું. એક જિલ્લા અછત રાહત સમિતિની બેઠક પહેલાં જેથી પૂરા તૈયારી કરી જિલ્લામાં જવાબ અપાય અને બીજી પછી જેમાં જિલ્લાની મળેલી સૂચનાઓનો અમલ થાય અને ફરિયાદ નિકાલ થાય. અને મોટેભાગે તાલુકા બેઠકોમાં પ્રશ્નો ઉકેલી લેતાં તેથી પીક મહિનામાં દોઢ લાખ મજૂરોનું સંચાલન કરી અમે જિલ્લાને રાજ્યમાં પ્રતિષ્ઠા અપાવતાં.

કુટુંબ નિયોજન 

એવા જ આરોગ્યના બે કાર્યક્રમો કુટુંબ નિયોજન અને મહિલા બાળ વિકાસ (ICDS). આરોગ્ય મંત્રી વલ્લભભાઇ પટેલે રાજ્યમાં ૮૦૦થી વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખોલાવી પ્રાથમિક આરોગ્ય સેવાઓનો વ્યાપ મોટો કરી દીધેલ. પરંતુ નવા આરોગ્ય કેન્દ્રોના મકાનો બનવા અને મેડીકલ ઓફિસરોની જગ્યાઓ ભરવી એ સહેલું નહોતુ. પરંતુ તેમના એ કદમથી જિલ્લા પંચાયતમાં અને પ્રજાજનોમાં આરોગ્ય સેવાઓનું મહત્વ વધ્યું. તે વખતે વસ્તી નિયંત્રણ માટે તંત્ર ગંભીર. ડેમોગ્રાફિક ડિવિડન્ડને બદલે તેની જાહેર સંસાધનો પર વધી રહેલા બોજ પરની ચિંતા વધુ. 

કુટુંબ કલ્યાણ ઓપરેશનોમાં લેપ્રોસ્કોપી આવેલું તેથી તેનું ચલણ. પુરુષો તેમની નસબંધી ન કરાવે. કુટુંબ નિયોજનના વધુ કેમ્પ થાય. લાભાર્થીને પ્રોત્સાહિત કરવા સરકારી પ્રોત્સાહક રકમ ઉપરાંત દાતાઓ શોધી વાસણ - વસ્તુની વ્યવસ્થા કરાવતાં. કુટુંબ નિયોજન ઓપરેશનનાં લક્ષ્યાંકો સિદ્ધ થાય તે માટે ડોકટર્સ અને આરોગ્ય કર્મચારીઓની સમીક્ષા બેઠકો નિયમિત થતી. 

લક્ષ્યાંક સિદ્ધ ન કરી શકે તેવાં કર્મચારી અધિકારીઓની સ્થિતિની અમને દયા આવતી પરંતુ દબાણ ઊભું કરવું પડતું. દબાણ જ્યારે બહુ વધી જાય ત્યારે પાંચ-સાત વર્ષ પહેલાં ઓપરેશન થયેલાં કેસો પાછા ચોપડે આવી જવાના એકલદોકલ પ્રસંગો બનતાં. 

તે વખતે કેમ્પમાં ખાનગી ગાયનેક સર્જનનો દબદબો. તેમને મહેનતાણું પણ મળતું. અમારે કોટેજ હોસ્પિટલ દાહોદના સુપ્રિટેન્ડન્ટ ડો કમલેશ સોલંકી અને તેમના પત્ની ડો રાગેશ્વરી નિમાયેલા. ડો. સોલંકી પોતે ગાયનેક સર્જન પરંતુ કુટુંબ કલ્યાણના કેમ્પમાં તેમને કોઈ કામ ન આપે. તેમણે મારું ધ્યાન ખાનગી ડોક્ટર્સની મોનોપોલી પર દોર્યું. મેં ડો. સોલંકીને આગળ કરી તેમને પણ કુટુંબ નિયોજન ઓપરેશનોના કામમાં જોતર્યા. 

તેમણે તેમના કુશળ હાથથી એવો તો સરસ ભરોસો પેદા કર્યો કે ૧૯૯૦માં જિલ્લા વિકાસ અધિકારી મહેસાણા તરીકે જ્યારે હું સેવા બજાવતો ત્યારે ત્યાંથી દાહોદ આવી મારી પત્ની લક્ષ્મીનું લેપ્રોસ્કોપી નસબંધી ઓપરેશન કરાવેલ. 

આંગણવાડી 

આંગણવાડી કેન્દ્રોની સંખ્યા વધતી ચાલી અને તેમની નિમણૂકો અને મુખ્ય સેવિકા દ્વારા સુપરવિઝનના પ્રશ્નો તાલુકા સંકલન બેઠકોમાં આવવા લાગ્યા. તેના બે મુખ્ય હેતુ પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૈકી મોટેભાગે પોષણ પર કામ થતું. બાળકો અને તેમની માતાઓ નાસ્તો લેવા આવે અને જતા રહે. ગર્ભવતી અને પ્રસુતા માતાઓના પોષણ અને હિમોગ્લોબિનની ઉણપની સમસ્યા વ્યાપક હતી. બાળકોનું કુપોષણ અને કૃમિનાી સમસ્યા વ્યાપક હતી. 

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ આવ્યો પરંતુ આ કામ રાતોરાત પૂરું થાય તેવું નહોતું. હજી દસકાઓ રાહ જોવાની હતી. પરંતુ ટીંપે ટીંપે સરોવર ભરાય તેમ તંત્રના પ્રયાસો શરૂ થઈ ગયા હતા. 

મધ્યાહ્ન ભોજન

મધ્યાહ્ન ભોજન યોજના તેની જડ જમાવી રહી હતીં. ભોજનમાં અનાજ, દાળ અને શાકભાજીની ગુણવત્તાના પ્રશ્નો થતાં. તેલ અને મસાલા ચોરીનું પ્રમાણ વધારે. જે ચોરી કરતાં તેના બીલો નાયબ મામલતદાર મધ્યાહ્ન ભોજન સરળતાથી પાસ કરતાં અને જે ચોરી ન કરે અને બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન આપતાં તે ભરાઈ પડતાં. દંડો ચલાવી થાય તેટલું રીપેરીંગ કર્યું. 

પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર 

આદિવાસી ક્ષેત્રોમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટરની જગ્યા પણ મહત્વની. હાથી સાહેબ ત્યારે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર. તેમની સાથે મને ટ્રાયબલ એરિયા સબ પ્લાન અને ગેપ ફંડીગના કામોની સમજ મળી. ડીસીએફમાં ચૌહાણ સાહેબ ગોધરાથી પાછા આવતાં દાહોદ નજીકના જોખમી રામપુરા વળાંક પર તેમની જીપ પલટાઈ જતાં ગુજરી ગયેલ. દેવગઢ બારિયાના ડીસીએફ ત્યાગી અને આઈએફએસ અધિકારી શ્યામલ ટિકાદારનો પરિચય થયેલ અને મિત્રતા બનેલ. 

સમજફેરની કાયમી અસર 

મારા પંચાયત હસ્તકના કામોમાં ઘનિષ્ઠ જોડાણને કારણે મને તેની તાકાત, નબળાઈ, તકો અને જોખમો વિશે વધુ જાણતો થયો. મારી સમક્ષ બે જિલ્લા વિકાસ અધિકારીના નિયંત્રણ હેઠળનું પંચાયત તંત્ર તાદૃશ હતું. હું જિલ્લા મથકે બેઠકોમાં જાઉં ત્યારે ગોધરા ક્લબનો આંટો જરૂર લેતો. રમવાનો તો સમય હોય નહીં એટલે નિયમિત આવતાં ડો. આર.કે. પટેલ સાથે વાર્તાલાપ થાય. વાતવાતમાં બીજું શું હોય, વહીવટની વાતો થાય. તે પટેલ ખંધા અને આપણે અનાડી નવા તેથી બે જિલ્લા વિકાસ અધિકારીમાં કોનું તંત્ર સારું તે પૂછી લીધું. 

વર્તમાન જિલ્લા વિકાસ અધિકારી હોંશિયાર, મળતાવડા પરંતુ સંયમી તેથી કોઈનું અપમાન કરી કામ લેવામાં ન માને. તેમની પહેલાંના અધિકારીને ક્રોધ આવતો તેથી તેમના ડરથી કેટલાક કામ ઝડપી થતાં. 

ડો. પટેલે લાગ જોઈ મારી એ વાત નવા અધિકારી સમક્ષ વિપરીત રજૂ કરી જેને કારણે શાંત અને સંયમી મિત્ર એવા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ મારાથી નારાજ થયા અને દૂર થયાં. હાનિ લાભ વિધિ હાથ. અમારે બંનેએ જૂનાગઢમાં ત્રણ વર્ષ સાથે કામ કરવાનું થયું અને તેઓ મુખ્યમંત્રી સાથે હતાં ત્યારે અને મુખ્ય સચિવ તરીકે હતાં ત્યારે એ સંબંધોનો લાભાલાભ મળ્યો. જીવનની એ ઘટનાએ મને કૂથલી કેન્દ્રોથી દૂર રાખ્યો. હું ભલો અને મારું કામ ભલું. 

મામલતદારો

મારે પાંચ મામલતદારોમાં દાહોદમાં ઈબ્રાહીમ બાંડી, ઝાલોદમાં ધનજીભાઈ પટેલ, લીમખેડામાં પિતાબર પટેલ, દેવગઢ બારિયામાં કડિયા અને સંતરામપુરમાં કે.ટી. કંસારા ટીમ કામગીરીમાં ખૂબ સરસ. 

ધનજીભાઈને જે કામ સોંપો તે પાર પડે પરંતુ સ્વભાવ આકરો તેથી તેમના વિશે કહેવાતું કે ગાય ગમે તેટલું દૂધ આપે પરંતુ લાત મારી દૂધ આપે તે શા કામનું? 

બાંડી અમારા ધ્વજવંદનના દિવસે કોઈને કોઈ બહાનું કરી ગેરહાજર રહે. ૧૯૮૯થી સબડિવિઝનના ધ્વજવંદન માટે રાજ્યથી ફાળવેલા મહાનુભાવ આવવાથી મામલતદાર કચેરીના ધ્વજવંદનમાં બાંડીએ મને આમંત્રણ આપ્યું. મને બીજા સ્ટાફે કહેલું કે સાહેબ જો જો તમને ધ્વજવંદન સોંપી તે ગુલ્લી મારશે. બાંડી મારી પાસે તે દિવસની હેડક્વાર્ટર રજા લેવા આવ્યા. મને તેમને વિશે કહેવાતી વાતનો પુરાવો જડી ગયો. તેમને હાજર પણ રાખ્યા અને ધ્વજને સલામી પણ અપાવી. 

મનોરંજન કર

એ વખતે મનોરંજન કરનો જમાનો. તાલુકા મથકે નાના નાના થિયેટરોમાં ફિલ્મો બતાવે. કેબલ ટીવી નવું લવું આવ્યું હતું પરંતુ બધાને ઘેર ટીવી નહીં તેથી સિનેમા હોલ હજી લોકપ્રિય હતાં. ઝાલોદમાં મનોરંજન કરની ચોરીની ફરિયાદ કારણે ધનજીભાઈ અને તેમની ટીમે પ્રાંતની સૂચનાથી કડક ચેકિંગ કર્યું. અને કરચોરી પકડી પાડી. પ્રાંતમાં કેસ ચાલ્યો થિયેટર બંધ થયું. તે થિયેટરના માલિક તે વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ મુનિયાના પુત્ર હતાં. વળી તેઓ ગોધરા ધારાસભ્યના મિત્ર. ગોધરા ધારાસભ્ય અબ્દુલ રહીમ ખાલપા તાલુકા પંચાયત પ્રમુખથી મેં તાલીમ ચાર્જમાં કરેલી ચૂંટણીથી ગિન્નાયેલા હતાં એકની જોડે બે ભળ્યાં. 

બંને ધારાસભ્યોએ ગાંધીનગર જઈ મુખ્યમંત્રી અમરસિંહભાઈ સમક્ષ મારી ફરિયાદ કરી બદલી માટે દબાણ ઊભુ કર્યું. 

મને મુખ્યમંત્રીશ્રીનું કહેણ આવ્યું. હું ગયો ત્યારે મુખ્યમંત્રીશ્રીએ મને બે ધારાસભ્યોના નામ સહિત તેમણે કરેલી બદલી રજૂઆતનો હવાલો આપ્યો અને ખરેખર શી હકીકત છે તે જણાવવા કહ્યું. મેં બંને ઘટનાની વાત કરી. 

તેમણે કહ્યું કશો વાંધો નહીં, હું તે બાબત સંભાળી લઈશ, તમે ઉત્સાહથી તમારી કામગીરી બજાવતા રહો. મને હાશકારો થયો અને મુખ્યમંત્રી પ્રત્યે અહોભાવ કે તેમણે કાચા કાન ન રાખી એક તરફી વાત ન સાંભળી મને નુકસાન ન થવા દીધું. બાકી વહીવટમાં ‘ટેટો પડ્યો’ ક્યારે ‘બેટો મર્યો” થઈ જાય તેની ખબર ન પડે. 

નાગણખેડીમાં ઘેટાં બકરાં લૂંટ 

નાગણખેડીનો એક પ્રસંગ કેમ ભૂલાય? દાહોદને અડકીને મધ્યપ્રદેશનો જાબુઆ જિલ્લો. તેનું નાગણખેડી ગામ, ટેકરીઓમાં ફેલાયેલું. ૧૯૮૮ના અછત વર્ષમાં ગુજરાત તરફના પશુપાલકો ઘેટાં બકરાં લઈ આ તરફથી ચરાવતાં ચરાવતાં ક્યારે ગુજરાતની હદ પાર કરી મધ્યપ્રદેશની હદમાં દાખલ થઈ ગયા ખબર નહીં. રાડ આવી કે આદિવાસીઓએ તેમનાં ઘેટાં બકરાં લૂંટી લીધાં છે. 

દાહોદથી સર્કલ ઈન્સપેકટરની લીડરશિપમાં પોલીસની એક ટુકડી હથિયારો સાથે રવાના કરી. મધ્યપ્રદેશ પોલીસને પણ જોડી. પરંતુ પોલીસ નીચે મેદાનમાં અને આદિવાસીઓ તીર કામઠા સાથે ઉપર ટેકરીઓ પર. સનનન કરતાં તીર છૂટે. સર્કલ પોલીસ ઈન્સપેક્ટરની હેલ્મેટ વિંધી એક તીર નીકળી ગયેલું. તેઓ માંડ બચ્યાં. 

મોટાભાગના ઘેટાં બકરાં તો હલાલ થઈ ગયા. જે મળ્યાં તે અને પશુપાલકો લઈ અમારી પોલીસ પાછી ફરીં. ત્યાં મધ્યપ્રદેશમાં પોલીસ ફાયરિંગથી એક કે બે ઈસમના મોત થયેલ તેનો મુદ્દો મધ્યપ્રદેશ વિધાનસભામાં બહું ચગેલ. 

નગરપાલિકાનું સુપરવિઝન 

પ્રાંત અધિકારીની સત્તા નગરપાલિકા પર પણ પહોંચે. નગરપાલિકાના સદસ્યને સસ્પેન્ડ કરવાના અધિકાર. દાહોદ નગરપાલિકામાં વીજળી કામોની ફરિયાદો મળે. ફીકચર્સ પૂરા લાગ્યા ન હોય કે નબળી ગુણવત્તાના હોય. તપાસ કરી પગેરુ પકડીએ તો કોન્ટ્રાક્ટરની લીંક નગરપાલિકાના કાઉન્સિલર સુધી પહોંચી જાય. ગેરરીતિના કારણોસર મેં લગભગ ૬ થી ૮ જેટલાં કાઉન્સિલરોને સસ્પેન્ડ કર્યા હતા જેને કારણે દાહોદની પ્રજાનો મારા પરનો વિશ્વાસ વધ્યો હતો. 

દાહોદનું છાબ તળાવ પ્રસિદ્ધ. ગુજરાત (પાટણ) ના રાજા સિદ્ધરાજ સોલંકીએ સન ૧૧૩૦ આસપાસ માળવા ચઢાઈ કરી ત્યારે દાહોદમાં પડાવ નાંખ્યો હતો. તેમનું લશ્કર મોટું હતું અને બેઠા બેઠા રોટલા ખવડાવવાનો રિવાજ નહીં. સૈનિકોએ તળાવ ખોદી છાબ ભરી ભરીને માટી ઉપાડી તેથી તળાવનું નામ પડયું છાબ તળાવ અને જ્યાં લશ્કરનો પથારો હતો તે પડાવ નાકું આજે પણ ઐતિહાસિક સાક્ષી પૂરતાં ઊભા છે. 

આ છાબ તળાવને પાળી બાજુથી પૂરી તેની જમીન દબાણ કરી જમીન લાભ લેવાનો ખેલ ચાલે. નગરપાલિકાના ચીફ ઓફિસર દાણી હસી હસી હાડ ભાંગે. મેયર જૈનુદ્દીનભાઈને કોઈ સત્તા નહી તેથી બોલાવીએ ત્યારે મીટીંગમા હાજર રહે. છેવટે પ્રાંત અધિકારી તરીકે કડક થઈ મેં દબાણો હટાવ્યા અને તળાવની જમીનો બચાવી. મારો ઈરાદો તેને અમદાવાદના કાંકરિયા તળાવ જેમ બાંધવાનો હતો પરંતુ નગરપાલિકાની તિજોરી ખાલી અને સરકીરી કોઈ યોજના નહીં. 

દબાણ હટાવ

એ જમાનો એસ. આર. રાવ અને જગદીશન બ્રાન્ડનો જેમણે અનુક્રમે આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે શહેરી ધોરી રોડના દબાણો દૂર કરી નામ કમાયેલા. હું પણ કેમ પાછળ રહું. દાહોદ એસ.ટી. બસ સ્ટેશન રોડ પરના બંને તરફના ઘણાં દબાણો હટાવ્યા હતાં. તે વખતે સુપરન્યુમરરી તરીકે ગોધરામાં તાલીમ દરમ્યાન જિલ્લા ન્યાયાધીશ અને અમારી સામે રહેતા અધિક જિલ્લા ન્યાયાધીશની દોસ્તી કામ આવતી જેથી દબાણદારો મનાઇ હુકમ ન લઈ શકતાં. છએક મહિના પહેલાં દાહોદ ગયો ત્યારે જોયું તો આપણે તો હવે સીનીયર સીટીઝન થયાં પરંતુ જે દબાણો હટાવી રોડની સાઈડો સાફ કરી હતી ત્યાં આજે પાકી દુકાનો બની ગઈ છે. દબાણો હટાવનાર હટી જાય પરંતુ દબાણો તો જ્યાં હોય ત્યાં પાછા આવી જાય. 

સરકારી જમીન હડપવી 

પડતર જમીનો હોય ત્યાં ગેરરીતિને અવકાશ રહેવાનો. ઝાલોદ રોડ પર દાહોદની એક મોટી ખુલ્લી સરકારી પડતર જમીન પર કોઈ વિક્રમસિંહ નામનો ઈસમ પોતાના નામે દસ્તાવેજ કરાવી લાવેલો અને નમૂના નં૬માં કાચી નોંધ પડાવી આવેલો. નોંધ પ્રમાણિત થવામાં અને બાબત મારા ધ્યાને આવી. મેં સ્વતઃ સંજ્ઞાન (suo moto) લઈ ઝડપી કાર્યવાહી હાથ ધરી આખી કાર્યવાહી રદ કરી જમીન સરકારી પડતર હેડે જાળવી રાખી. તે ઈસમ પર અમે લેન્ડ ગ્રેબિંગનો પાસા કેસ પણ તૈયાર કરેલો પરંતુ તે પછી ભાગી છૂટેલો. 

પરંતુ થયું કે એકાદ બે મહિનામાં મારી બઢતી સાથે બદલી થવાની તેથી જમીનનો ફરી કળદો થઈ જવાનો. તેથી સાવચેતીના ભાગરૂપે તે જમીન મેં વન ખાતાના કબજામાં સોંપી દીધેલ. મને ખબર હતી કે એકવાર વન ખાતાના અધિકારીઓ જમીન પર આવી જાય પછી બીજા કોઈને તેના પર ટાંકણી પર મૂકવા ન દે. આજે ત્યાં વન ખાતાની કચેરીઓ અને લીલુંછમ સંકુલ ઊભા છે. 

કોમી એખલાસ 

દાહોદમાં હિંદુ મુસલમાન બંને વસ્તી તેથી ભાઈચારો જળવાઈ રહે. મુસલમાનોમાં શિયા વ્હોરા વેપારી અને શાંતિ પ્રિય કોમ. સુન્ની વસ્તી ગરીબ અને મધ્યમવર્ગીય. તેથી બંને ધર્મોના તહેવારો અહીં શાંતિપૂર્ણ ઉજવાય. આસીસ્ટન્ટ કલેકટર તરીકે મહેસૂલી RTS અપીલો ચલાવવાની તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે CrPC 109, 110, 133, 144 વગેરે કેસો ચલાવવાના થાય તેથી વકીલોનો પરિચય થાય અને કોઈક મિત્ર ભાવે સરકારી સિવાયનો વાર્તાલાપ કરી જાય. 

દાહોદના એક વકીલ ફકરૂદ્દીન ડો. તાહેરઅલીએ તેમની દીકરીના નિકાહમાં મને આમંત્રણ આપેલું. ત્યાં એમ જ વાતમાંથી વાત નીકળી અને તેઓ કહે કે મહમંદ અલી ઝીણાએ તેમની કોમને મોટું નુકસાન કરી દીધું. તે સાંભળી મારા કામ ઊભા થઈ ગયા. જન માન્યતાથી તે વિપરીત વાત હતી અને એક મુસલમાન ઝીણાની ટીકા કરે તે મારે માટે નવું હતું. 

મેં કારણ પૂછયું તો જણાવ્યું કે હિંદુસ્તાનના ભાગલા કરી ઝીણાએ મુસલમાન વસ્તીના ત્રણ ટૂકડા કરી નાંખ્યા. પરિણામે પશ્ચિમ અને પૂર્વના બે પ્રાંતોને સ્વતંત્ર દેશ મળ્યા પરંતુ એક કોમ તરીકે ભારતમાં વસ્તી કદ ઘટવાથી તેમનું મહત્ત્વ ઓછું થઈ ગયું. જે જુદા થયાં તે મુસલમાનોએ ૪૨ લાખ વર્ગ કિલોમીટરના અખંડ દેશમાં છૂટથી ફરવાના અને વિકસવાના તેમના અધિકારો ખોયાં. ફકરૂદ્દીનભાઈનો એ દૃષ્ટિકોણ મારા માટે ઇતિહાસના પાનાને વાંચવાની એક નવી દિશા બતાવી ગયો. 

પ્રાંત આવાસ 

ભગુભાઈ દાહોદ પ્રાંત અધિકારી તરીકે આવ્યા ત્યારે પ્રાંત અધિકારીનું સ્વતંત્ર ઘર ન હતું. તેમણે જહેમત લઈ પીઓકમટીડીઓ અને મામલતદાર જ્યાં રહેતા હતા તે કમ્પાઉન્ડમાં જમીન પસંદ કરી, મકાન માટે બજેટ મેળવી સ્વદેખરેખ હેઠળ બે રૂમ, હોલ અને રસોડાનું નાનું પણ સુંદર ઘર બનાવેલ. ભગુભાઈ તો તેમાં માંડ ત્રણ ચાર મહિના રહ્યા અને તેમની બદલી થતાં એ મકાન અમારે ભાગે આવ્યું. પીસ્તા રંગનું એ મકાન અમને સ્વતંત્રતાનો અનુભવ કરાવતું અને અમારા પહેલાં સ્વતંત્ર આવાસ તરીકે નાનું નાનું પણ આજેય મનપસંદ છે. 

અગમચેતી 

અમારા એ કમ્પાઉન્ડમાં દાહોદ મામલતદાર ઈબ્રાહીમ બાંડી એકલાં રહેતાં અને વર્ગ-૧ અધિકારી તરીકે આદિવાસી વિસ્તાર હોવાથી પ્રોજેક્ટ ઓફિસર કમ તાલુકા વિકાસ અધિકારી તરકે છગનભાઈ બલાત અને તેમનું કુટુંબ રહેતાં. છગનભાઈને એક દીકરો અને ચાર દીકરીઓઃ પ્રફુલ્લ, મોનિકા, મિત્તલ, હેમાંગી, જલ્પા. તેમાં અમારા બે ઉમેરાયા ઉજ્જવલ અને ધવલ એટલે સાત બાળકોને રમવા કંપની બની ગઈ. અમારે ઘરની બાજુમાં ખુલ્લો અવાવરો પ્લોટ. લક્ષ્મી એક દિવસ ઘરમાં અને નાના ઉજ્જવલ ધવલ રમતાં રમતાં દડો ઉછળવાથી તે લેવા ત્યાં જઈ ચડ્યાં. અહીં લક્ષ્મીને રસોડામાં અંતરમનથી અવાજ આવ્યો ત્યાં તારા દીકરા જોખમમાં અને તું અહીં શું કરે છે? તે ઉઠી બહાર આવી જોયું તો ઉજ્જવલ ધવલ નહીં. તારની બાજુના પ્લોટ પર નજર કરી તો એક કૂવી. જઈ જોયું તો કૂવીની અંદરની બીજી ધાર પર ઉજ્જવલ ધવલ ઊભા હતા. નીચે કૂવી પાણીથી ભરેલી અને દડો પાણીમાં. જરાક ચૂક્યા હોત તો બાળકો પાણીમાં ડૂબી ગયા હોત. લક્ષ્મીએ ત્વરાએ તેમને ખેંચીને બહાર કાઢ્યા અને એક આફત ટળી. 

રામાયણ સીરિયલ અને અમારું નવું ટીવી 

એ વખતે ટીવી પર રામાયણ સીરિયલ લોકપ્રિયતાના શિખરો સર કરી રહી હતી. ટીવી પર રીલીઝ થતો રમેશભાઈ ઓઝાનો ભાગવત સંતસંગ પણ મનને જકડી રાખતો. એ જમાનો કેબલ ટીવીથી પ્રસારણનો. કેબલનો માલિક જે મૂકે તે જોવાનું. રજાના દિવસે હિન્દી પિક્ચર જોવા મળતું. અમારે ઘરમાં ટીવી નહીં તેથી સાંજ પડે લક્ષ્મી ટીવી જોવા છગનભાઈને ઘેર જતી. હું ઓફિસેથી સમયસર આવ્યો હોઉં તો તેમની સાથે જોડાઈ જતો. 

છગનભાઈ અને મંજુલાબેન એટલાં સીધા, સરળ અને પ્રેમાળ કે સાહેબ ગણી અમારું માન સન્માન જાળવે અને અમે બંને કુટુંબો રામાયણની લીલા અને રમેશભાઈ ઓઝાના ભાગવત ભક્તિ રસનો આનંદ લેતાં. રજાના દિવસે અરસપરસ એકબીજાના ઘેર જમવું, ચા-નાસ્તો કરવો સામાન્ય બની ગયું હતું. અમે તો છેક ૧૯૮૯માં ક્રાઉન બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી અને વોલ્ટાસનું ફ્રીઝ ખરીદી શક્યા. 

નવરાત્રિમાં ધવલની ખોજ

૧૯૮૭ પહેલી નવરાત્રિમાં અમે સહકુટુંબ ગરબા જોવા નીકળ્યા. આંટો પૂરો કરી અમે મિત્ર ડો દિનેશ પંડ્યાને ત્યાં રોકાયા. અમે ઉપર મેડા પર બેઠા વાતો કરતાં હતાં અને બાળકો નીચે રમતા હતાં. અચાનક અમારું ધ્યાન ગયું કે ધવલ ક્યાં? ધવલ ત્યારે ચાર વર્ષનો. ત્યાં અને આસપાસ જોયું તો ધવલ નહીં. 

બધાં શોધવા લાગ્યા પરંતુ ધવલ ન મળે. અમે તો સાવ ડઘાઈ ગયા. જાતજાતના વિચારો શરૂ થયાં. હું કડકાઈથી પ્રાંત ચલાવતો તેથી બીજા પ્રકારનો અંદેશો આવવા લાગ્યો. 

મેં તરત જ મિત્ર અનુપ કુમાર સિંહને ફોન કરી જાણ કરી. અનુપે વાયરલેસ મારફત બધાં પેટ્રોલ વાહનો અને ચેકપોસ્ટોને ખબર કરી ચેકિંગ શરૂ કરાવી દીધું. 

અમારા મિત્ર ડો. દિનેશભાઈ પંડ્યાએ અંબે માંની બાધા રાખી. નાનકડું શહેર. બે-ત્રણ કલાકની શોધખોળ પછી ધવલ ન મળતાં અને નિરાશ વદને ઘેર આવી દરવાજો ખોલ્યો. પડોશમાં જઈ પીઓકમટીડીઓ છગનભાઈ બલાતને ઉઠાડી ઘટનાની જાણ કરી. તરતજ તેમના પત્ની બોલી ઉઠ્યાં કે ધવલ તો ક્યારનોય આવીને અમારે ઘેર સૂઈ રહ્યો છે. 

અમારી આંખોમાં અશ્રુધાર વહેવા લાગી. લાડકો ધવલ સલામત છે તેનો આનંદ વ્યાપ્યો. અનુપને ફોન કરી જાણ કરી અને તેમની ટીમના પ્રયત્નો બદલ આભાર માન્યો. ધવલને તે રાતે સૂવા દીધો. 

બીજા દિવસે સવારે તેને પૂછયુ કે ડો દિનેશ અંકલના ઘેરથી તું કેવી રીતે તું છગન અંકલના ઘેર આવ્યો? તો કહે, મને ત્યાં કંટાળો આવતો હતો તેથી રસ્તો થોડો થોડો ખબર તેથી ચાલીને ઘેર આવ્યો અને આપણું ઘર બંધ હતું તેથી બાજુમાં અંકલના ઘરે દરવાજો ખટખટાવી આન્ટી જોડે સૂઈ ગયો. 

ધવલનું લીમખેડામાં પડવું 

ધવલ સાથે ૧૯૮૯માં બીજી આફત આવી. અમે સહકુટુંબ લીમખેડા તાલુકાની મુલાકાતે હતાં. ત્યાં ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી સવારે રૂમમાં જ ચા નાસ્તો કરી રહ્યાં હતાં. તાલુકે કોઈ વ્યવસ્થા નહીં તેથી મામલતદાર પિતાંબર પટેલને ઘેરથી તેમનાં પત્નીએ ચા નાસ્તો બનાવી મોકલ્યો હતો. ઉજ્જવલ, ધવલ પણ ઉઠી બહાર રમી રહ્યાં હતાં. ઉજ્જવલ સાડા છ વર્ષનો અને ધવલ સાડા ચારનો. અમારી સાથે અમદાવાદથી આવેલો સત્તર વર્ષનો ભત્રીજો સુરેશ તેમની સાથે. એક પટાવાળો પણ તેમની સાથે. તેથી અમે બે નિશ્ચિત રૂમમાં ગપાટા મારીએ. 

ત્યાં થોડી જ વારમાં પટાવાળો દોડતો આવ્યો કહે જલ્દી ચાલો ધવલભાઈ પડી ગયા છે અને બેહોશ છે. સુરેશ બાળકો સાથે હતો પરંતુ ડરનો માર્યો તે ધવલ પડ્યો તે કહેવા ન આવ્યો. અમે દોડીને ગયા તો ધવલ ઊંધા માથે રેતી-કપચી વેરાયેલી જગ્યા પર પડેલો. તેને ઉઠાવી સીધો કર્યો તો બેહોશ, મોઢું એક તરફ ત્રાંસુ થઈ ગયેલું અને મોઢામાંથી પાણી જેવું પ્રવાહ વહે. 

પળનોય વિલંબ કર્યા વિના અમે દાહોદ પહોંચી બુરહાની હોસ્પિટલમાં તેને દાખલ કરી દીધો. ડો. દિનેશ પંડ્યાના મિત્ર ડો. ભરપોડા ત્યાં ફીજીશિયન. તેમણે તરત જ સારવાર શરૂ કરી દીધી, ઓક્સિજનની પાઈપ લગાવી અને ડેક્સામેથાઝોન વગેરે દવાઓના ઇન્જેક્શન શરૂ કરી દીધાં. 

મેં પૂછયું તો કહે ૩૬ કલાક સુધી કંઈ કહી શકાય નહીં. અમે ધવલની જોડે બેઠા રહ્યા. 

બીજા દિવસે ૩૬ કલાક પૂરા થવાના સમયે તે ભાનમાં આવ્યો, બેઠો થયો અને પાછો સૂઈ ગયો. ત્રીજા દિવસે સવારે તે ઉઠ્યો ત્યારે નોર્મલ, ઊભો થાય, ચાલે પરંતુ કંઈ પૂછીએ તો બોલે નહીં, બસ સામે જોઈ રહે. તેના સ્પીચ પોંઈટ તરફના મગજ પર વાગેલું તેથી સ્પીચ જતી રહ્યાની શંકા ડો ભરપોડાને ગઈ સાંજ સુધી રાહ જોઈ પછી અમદાવાદ ન્યૂરોલોજીસ્ટ ડો. પ્રદ્યોત ઠાકરને ત્યાં લઈ જવા સલાહ આપી. 

અમે તે રાત્રે દસ વાગ્યે પ્રાંતની ફાટેલા હુડવાળી જીપમાં ધવલને લઈને અમદાવાદ રવાના થયાં. હું આગળ બેઠો હતો. ધવલને મારા ખોળામાં લીધો અને મનમાં હનુમાન દાદાનું નામ લઈ ધવલની રક્ષાની પ્રાર્થના ચાલુ કરી દીધી. લક્ષ્મી પાછળની સીટ પર બેઠી ચિંતા કરતી. રાત્રિની ઠંડક અને જીપનાં ફાટેલાં હુડમાંથી આવતો ઠંડો પવન અમને જોરથી અથડાતો. એ ઠંડકમાં ધવલને ખૂબ જ સારી ઊંડી ઊંઘ આવી ગઈ. જેવા સવારે અમે પાલડી ડો. પ્રધોત ઠાકરના દવાખાને પહોંચ્યા અને ધવલને ઉઠાડ્યો તો તે બોલતો થઈ અમારી સાથે વાતો કરવા લાગ્યો. 

ડો ઠાકરે આવી તેને તપાસ્યો અને કહ્યું કે બધું નોર્મલ જણાય છે. હાલ કોઈ બીજી સારવારની જરૂર નથી. ભવિષ્યમાં કોઈ તકલીફ થાય તો લેતા આવજો. ભગવાનની કૃપા કે ધવલ બચી ગયો અને તે ઈજા સંબંધિત કોઈ તકલીફ પછી તેને થઈ નહીં. 

પરંતુ એ જાણવું તો રહી ગયું કે એ પડ્યો ક્યાંથી અને કઈ રીતે? 

ગેસ્ટ હાઉસના રૂમની બાજુમાં બહાર ઉપરના રૂમ તરફ જવાની સીડી અને તે સીડી પરથી નીચેના રૂમની બારી ઉપરના વેધર શેડ પર જઈ શકાય. ઉજ્જવલ અને ધવલ એકબીજાને પકડાપકડી રમતાં હતાં. ઉજ્જવલનું બેલેન્સ સારું તેથી તે બારીના વેધરશેડ પર ચડીને પાછો આવતો રહ્યો. પરંતુ તેની કોપી કરવા જતાં ધવલ ત્યાંથી પડી નીચે જમીન પર પટકાયો. 

નીચે કપચી અને રેતી વેરાયેલા હતાં તેથી બેઠો માર વાગ્યો. ગેસ્ટ હાઉસની પ્લીન્થ સારી એવી ઊંચી તેથી વેધર શેડથી નીચે આશરે નવથી દસ ફૂટની ઊંચાઈ હશે. બીજાના ભરોસે છોકરાં મૂકીએ તો આવું થાય તેવો બોધ અમને થયો. મારી બા કહેતી ચેતતા નર સદા સુખી. સાવધાની હટી દુર્ઘટના ઘટી. 

હું જીપ ડ્રાઇવિંગ શીખ્યો

હું જીપનું ડ્રાઇવિંગ શીખવા લાગ્યો. મારો ડ્રાઇવર ભરતસિંહ મને જીપના ગિયર, સ્ટીયરિંગ, એક્સલ, બ્રેકની સમજ આપે. હું તેને ડ્રાઇવિંગ કરતાં જોઈ રહેતો અને પછી ધીમેધીમે ઘરથી કચેરી અને કચેરીથી ઘરના નાના ડ્રાઇવિંગથી કામ શરૂ કર્યું. એ જમાનામાં ડ્રાઈવિંગ લાયસન્સ લેવાનું સહેલું. ટેસ્ટ વગર સાહેબોનું કામ થઈ જતું. પછી તો અને ગોધરા મીટીંગમાં જઈએ કે ગાંધીનગર-અમદાવાદ તરફ, હું જીપ ચલાવવાનું સાહસ કરતો અને તેમ કરતાં કરતાં ડ્રાઇવિંગ શીખી ગયો. મેં જ્યારે પહેલીવાર લાંબા રૂટ પર જીપ લીધી ત્યારે મહેમદાવાદ નજીક બ્રેક મારવામાં જરાક મોડું થવાથી એક ગધેડું જરાક ધક્કો લાગતાં પડી ગયેલ. પછી તે તરત ઊભું થઈ ભાગ્યું પરંતુ લક્ષ્મીએ તે ઘટનાને મને ભૂલવા ન દીધી. તે એક ઘટના સિવાય હું કાયમ અકસ્માત વિનાનો કુશળ ચાલક બની રહ્યો. 

મિત્રો

અનુપ કુમાર સિંહ, IPS, SDPO Dahod, ક્યારેક ઘોડો લઈ આવી જતા અને ઉજ્જવલ ધવલને બેસાડી રાઈડ કરાવતા. અમારી દાહોદથી બનેલી મૈત્રી અતૂટ રહી.

હુનૈદ તેનાં બજાજ સ્કૂટર પર બેસાડી ઉજ્જવલ, ધવલને આંટો મારવા લઈ જાય અને મારા માટે ક્યારેક દાહોદનું પ્રસિદ્ધ પાન લઈ આવે. દાહોદમાં ઈંદોરના કંદોઈની દુકાન તેમાં ચવાણું મીઠું મીક્ષ્ચર અને દાળમૂઠ સ્વાદ લાવી દેતા.તેની માતા રબાબ અને પિતા નજમુદ્દીન મને દીકરા જેમ પ્રેમ કરતાં અને બહેન ઝબીન, હુનૈદના પત્ની નફીસા, ભાઈઓ કુટુંબના સભ્ય તરીકે રાખતા. હુનૈદે તે સંબંધો કાયમ જાળવી રાખ્યા. ૨૦૦૦ના કોવીડ કહેરમાં તે અને તેના પિતા ગુજરી ગયા પરંતુ વડોદરાની હોસ્પિટલની પથારીમાંથી ઓક્સિજનની પાઈપ સાથે મને બાય બાય કરતો તેનો ચહેરો હું ક્યારેય ભૂલી શકતો નથી. 

ડો દિનેશ પંડ્યા અમારા જીગરીજાન. તેઓ અને તેમના પત્ની ડો ભારતીબેન બીએએમએસ પરંતુ એલોપથીની સરસ પ્રેક્ટિસ કરે. તેમનાં પિતા લક્ષ્મી નારાયણ પણ સુંદર સ્વભાવના, જૂના જમાનાની વાતો કરે. મારે તેમની જોડે પણ મિત્રતા બંધાઈ. દિનેશભાઈ મીઠા બોલાં અને મારી બાની જેમ વાતે વાતે કોઈને કોઈ સંસ્કૃત સુભાષિત અને શ્લોક ટાંકે. તેમનું ડોક્ટર મિત્ર વર્તુળ મોટું તેથી એલોપથીનું જ્ઞાન વધારતા રહે. તે અમારા ફેમીલી ફીઝીશીયન. નાની મોટી તકલીફો હોય તો દોડી સ્કૂટર લઈ ઘેર આવે અને ઉપચાર કરે. મોટું હોય તો ડો. ભરપોડાને બોલાવી લે. તેમણે મને ગ્લુટિયલ મસલ પર ઇંજેક્શન આપવાનું શીખવેલ. તેમણે મને સ્કૂટર શીખવવા પ્રયત્ન કરેલ પરંતુ મારી બીકે મને સ્કૂટરથી દૂર રાખ્યો. 

એક બુઝુર્ગ વૈદ્ય શ્રીરામ શર્માને કેમ ભૂલાય. ત્યારે તેમની ઉંમર હશે ૮૭ વર્ષ, પાતળાં અને નીચા. પેન્ટ શર્ટ અને માથે સફેદ ટોપી પહેરે. ધીમે ચાલે પરંતુ મગજની સુરતા ઊંચી. મને આયુર્વેદ ગમે તેથી શુદ્ધ જડીબુટ્ટીની હું તેમની સાથે ચર્ચા કરતો અને તેમણે બનાવેલાં એક બે ચૂર્ણ લેતો. તેઓ કહેતાં કે હ્રદય રોગ એ વાયુનો રોગ અને વાયુ આપણો પ્રાણવાયુ. તે કહેતાં કે હ્રદયમાં જે વીજળીનો કરંટ છે તે જ રામનામ છે. તેથી જેના રામ રૂઠ્યા હોય તેને હ્રદયરોગ થાય. હ્રદયની સારવાર માતે તેઓ દવાઓ સાથે રામનામને રામબાણ ઈલાજ ગણતાં. 

અતૂટ જોડાણ 

શહેરમાંથી પરિચય તો ઘણાંનો થયો પરંતુ ડો. દિનેશ પંડ્યા, હુનૈદ જાંબુઘોડાવાલા અને હસમુખભાઈ ચૌધરી મિત્રો તરીકે કાયમ રહ્યાં. હુનૈદ અને તેના અબ્બુ નજીમુદ્દીન તો કોવીડ ૨૦૨૦માં અલ્લાહને પ્યારા થઈ ગયા પરંતુ તેમના કુટુંબનો સંપર્ક જીવંત છે. હસમુખભાઈ વડોદરા રહેવા જતાં રહ્યાં તેથી હવે દાહોદ જઈએ તો દિનેશભાઈ અને હુનૈદના કુટુંબને મળવાનું થાય. આ ઉપરાંત હર્ષદ સોની, ફકરૂદ્દીન ઢીલાવાલા તેમની દીકરી ઈન્સીયા અને જમાઈ મોઈઝ, મારા વખતમાં શહેરના મેયર બનેલ ગોપાલભાઈ ધાનકા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ. કિશોરભાઈ તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય લલિતકુમાર પટેલ વગેરે સાથે આજે વાત કરીએ એટલે ચાલીસ વર્ષ પહેલાની યાદો તાજી થઈ જાય. 

નવી પેઢીના જશવંતસિંહ ભાભોર આજેય આદર જાળવે. બદિયાભાઈનો પુત્ર પ્રવીણ ગોંદીયા IPS થઈ સારી સેવા બજાવેલ. ફકરૂદ્દીનભાઈનો જમાઈ મોઈઝ દાળ મિલ ચલાવે છે તેથી દાહોદને યાદ કરી આજે તેની પાસે દાળ મંગાવું તો પૈસા ન લે. હસમુખભાઈની સાસરી ઈન્દોરમાં બનતું ગોળ કેરીનું અથાણું તો હવે ક્યારેય ખાવા નહીં મળે. કેરીનું એવું સ્વાદિષ્ટ અથાણું મેં બીજું કોઈ જોયું નથી. 

દાહોદમાં અમે બે વર્ષ રહ્યા. ઉજ્જવલ ધવલ સેંટ સિટીફન્સ સ્કૂલમાં ભણ્યાં. પ્રેમાળ દંપતી નરગિસ શિક્ષિકા અને તેમના પતિ ઉજ્જ્વલના શિક્ષણના વિકાસ માટે ઉત્તમ પ્રોત્સાહક સાબિત થયા હતા.

ઋણ ઉતાર 

દાહોદનું ઋણ ઉતારવા, વર્ષો પછી ૨૦૧૬માં અધિક મુખ્ય સચિવ શહેરી વિકાસ તરીકે ખાસ દિલ્હી જઈ મેં મારા ગમતાં દાહોદને સ્માર્ટ સીટી તરીકે પસંદ કરાવ્યું અને તેની મળેલ ગ્રાન્ટમાંથી નગરપાલિકાએ ₹૧૧૭ કરોડ ખર્ચીને આજે પાકા પાળા અને બગીચા સાથે સુંદર એક તળાવ બાંધી જગ્યાને રમણીય બનાવી દીધી છે. 

હું જ્યારે અધિક મુખ્ય સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ બન્યો ત્યારે બ્રાઉન ફીલ્ડ યોજના અંતર્ગત ૧૯૮૯માં  Zydusના સહયોગથી મેડિકલ હોસ્પિટલ કમ મેડિકલ કોલેજની સ્થાપના કરી દીધી. જ્યાં ૨૦-૨૫નો સ્ટાફ અને પાંચ-સાત ડોક્ટરો હોય તેવી કોટેજ હોસ્પિટલને બદલે મેડિકલ કોલેજ કમ હોસ્પિટલ બનતાં ડોક્ટર્સ, Specialists, સ્ટાફ, સુવિધા, પ્રોસીજર, તપાસના સાધનો, વગેરે ખૂબ વધ્યા. આજે દાહોદ હોસ્પિટલ જિલ્લા એકલાની નહીં પરંતુ આજુબાજુના જિલ્લા અને બાજુના રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓની પણ સારવાર કરે છે. 

આજે ૩૬ વર્ષ પછી ત્યાં જીવેલી પળેપળ એવીને એવી યાદ છે. 

૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫

Powered by Blogger.