Friday, September 26, 2025

જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી-૩ (વલસાડ)

જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી-૩ (વલસાડ)

વાપીથી તાપીનું જમણ અને કાશીનું મરણ દેશ આખામાં જાણીતું. અહીંની પ્રજા શાંત અને સાદગી પ્રિય. પોતાની રોજીરોટી કમાય અને મનને ગમે તેવું સુપાચ્ય ભોજન કરી લાંબુ જીવે. ગાંધીજીએ દાંડીથી મીઠા સત્યાગ્રહ કરેલો પરંતુ પ્રજા અહીંની મોળું એટલે કે ઓછા મીઠાવાળુ ખાય. ચોખાના રોટલા તો મોળા જ બને. પારસીઓની સંગત મળી એટલે બાફેલું અને શેકેલું વધારે વપરાય. અહીં કાઠિયાવાડી તળેલાં ફાફડા, ગાંઠિયા ઓછા વપરાય પરંતુ આથેલો ખમણનો લોચો અને ઊંબાડિયું બહુ ખવાય. ભાતની જોડે લોચો દાળ પીરસાય અને પછી તેમાં કઢી ઉમેરી ખાઈએ એટલે ખીચડી-કઢીના ગુજરાતી સ્વાદ કરતાં જુદો અને અનેરો સ્વાદ આવે. નાણાંને પૈહા કહે અને સંતાનોને પોયરા પોયરી. 

માણસો અહીંના ઊંચાઈમાં નીચા પરંતુ સ્વમાનમાં ઊંચા. સ્વાશ્રયી અને સ્વાવલંબી. શિક્ષકની નોકરી કરતા હોય તો પણ ખેતરે કામ કરવા જતાં સંકોચ ન કરે. અહીં નિવૃત્ત કર્મચારીઓ અમલદારો નિવૃત્તિ પછી હાથમાં દાતરડું કે ખુરપી લઈ ખેતરમાં કાપવા કે નીંદવાનું કામ કરવા જતા મળે. અહીં સરેરાશ આયુષ્ય લાંબુ. મોટા પેટવાળા ઓછા. 
ભાષા અહીંની પોચી અને હલકી. ગામમાં જઈએ તો સાહેબ અહીં આવની, તું બેસની, એમ કહી આવકાર આપે. કર્મચારીઓ અહીં રજા વધુ લે. કંઈ પણ કામ હોય, મહેમાન આવી જાય તો રજા મૂકતાં વાર ન કરે. તેથી એસટીની બસો નિયમિત ચલાવવા અહીં કાયમ પ્રશ્નો રહેતાં. લાંબી નોંધો લખી કાયદાની અને જીઆરની મથામણ કરવાને બદલે અહીં તો કામ થઈ જાય એટલે બધું કાયદેસર એવું માનનારો વર્ગ મોટો. સાહેબ ક્યાંનો છે? શું કરે છે? કોની જોડે ખાય છે, પીએ છે તેની તેમને કોઈ પંચાત નહીં. 

પરંતુ ન્યાય અને અધિકારની વાત આવે તો ચમરબંધીની પણ શરમ ન કરે. ભારતના પહેલાં બિનકોંગ્રેસી પ્રધાનમંત્રી મોરારજીભાઈ દેસાઇનું જન્મ સ્થળ એટલે વલસાડ નજીકનું ભદેલી. ગાંધીયુગની અસરમાં અહીં આઝાદી આંદોલનની સાથે વ્યસન મુક્તિ અને જમીન સુધારણાના કામો થયેલાં. દાંડી સત્યાગ્રહ અને ધરાસણા મીઠા સત્યાગ્રહ પ્રસિદ્ધ છે. મોરારજીભાઈએ આદિવાસીઓને તાડીના કેફથી બચાવવા અહીં મોટી સંખ્યામાં તાડીના ઝાડ કપાવડાવી ખેતરો ચોકખા કરાવેલા. મુંબઈ રાજ્યના મંત્રી તરીકે તેમણે પાસ કરાવેલો ખેડે તેની જમીનનો જમીન સુધારણા ધારો ઘણાં દેસાઇઓની જમીન છીનવી ગયેલ જેને કારણે મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી એવા મોરારજીભાઈ વિધાનસભાની ચૂંટણી હારી જતાં પછી ખાડિયામાંથી પેટા ચૂંટણી જીતી પોતાનું રાજકીય જીવન બચાવી શકેલ. 

આવો સરળ અને સીધો પ્રદેશ એટલે પહેલી પસંદ સુરત અને બીજી નવસારી-વલસાડ મળે તો અધિકારીઓ હરખથી દોડીને હાજર થઈ જતાં. પછી તેમને ખસેડી કોઈ બીજો બેસવાવાળો આવી ખસેડે નહીં તો લાંબુ ટકી રહેતાં. આવા દક્ષિણ પ્રદેશમાં પૂર્વની પિંજણ, ઉત્તરની પંચાત અને પશ્ચિમની પીઠ પાછળ વારથી વિપરીત સાવ સરળ અને હળવી જિંદગીમાં ઝેડ.એ. શેખ નિવૃત્ત થતાં મારો આકસ્મિક પ્રવેશ થયો. તે વખતે વલસાડ જિલ્લો હાલના વલસાડ અને નવસારી મળી બનેલો. ધરમપુર, પારડી, ઉમરગામ, વલસાડ, ગણદેવી, ચીખલી, વાંસદા તાલુકાઓ. હવે તો જિલ્લા વિભાજન ઉપરાંત તાલુકા વધ્યા છે. 

જિલ્લા પંચાયતના અમારા પ્રમુખ રમણભાઈ પટેલ. ઘર અમારા એક જ કમ્પાઉન્ડમાં પરંતુ તેઓ વલસાડ કચેરીમાં આવે ત્યારે જ રહે. કોઈ ફાઈલનો આગ્રહ નહીં કે દુરાગ્રહ નહીં. તંત્ર કર્મચારી કામની જરૂરિયાત મુજબ ગોઠવવા પૂરો સહયોગ આપે. સંસદસભ્ય લાલ ટોપીવાળા ઉત્તમભાઈ પટેલ નખશિખ પ્રામાણિક અને આદિવાસી કલ્યાણ માટે સતત સક્રિય. પરંપરાગત ગામના ઘરમાં રહે અને ગામજનોના પોતાના થઈને રહે. અવાજ બુલંદ પણ આદર મેળવેલો તેથી અધિકારીઓ તેમને બીજી વાર કહેવું ન પડે તેમ કામ કરતાં. જલાલપોર નવસારીના ધારાસભ્ય સીડી પટેલ કોંગ્રેસના મોટા આગેવાન સો ટચનું સોનું જાણે. ગૃહમંત્રી હતાં પરંતુ વિભાગની કામગીરી બાબતે મુખ્યમંત્રી ચીમનભાઈ સાથે મતભેદને કારણે તેમનું ગૃહખાતુ લેવાતા રાજીનામું આપી નીકળી ગયા. તેમને ક્યારેય મંત્રીના રૂઆબમાં ન જોયા. તેઓ હંમેશાં અધિકારીઓના પક્ષે રહેતાં. ચીખલીના ધારાસભ્ય કાનજીભાઈ અભ્યાસુ અને તાર્કિક રજૂઆતવાળા તેથી જેમ તેમ જવાબ કરી ન ચલાવાય. નવસારીના ધારાસભ્ય મંગુભાઈ પટેલ (હાલ મધ્યપ્રદેશ ગવર્નર) પ્રામાણિક રજૂઆતમાં માનતાં. વાઘલધરાના વતની વલસાડના ધારાસભ્ય દોલતભાઈ દેસાઇનું દીલ તેમની દોલત. વાઘ જેવા મોટા અવાજે અસરકારક રજૂઆત કરે અને કામ ન થાય ત્યાં સુધી પીછો રાખે પરંતુ વ્યક્તિગત સંબંધોમાં અતિ આદરવાળા અને પ્રેમાળ. તેઓ થોડો સમય વિધાનસભાના સ્પીકર પણ બનેલ. ધરમપુરના ધારાસભ્ય મણીભાઈ સરળ પરંતુ નાનાપોંઢાના ધારાસભ્ય બરજુલભાઈ તેજ રજૂઆત કરી શકતા. પારડીના ધારાસભ્ય રમણભાઈ પટેલ અને ઉમરગામના છોટુભાઈ પટેલ તેમના વિસ્તારના કામો પ્રત્યે સજાગ રહેતા. 

તાલુકા પંચાયતના પ્રમુખો પણ જનસેવા કાર્યોમાં સક્રિય. વલસાડથી વિજય દેસાઇ ઉંમરમાં નાના પરંતુ જનસેવા માટે મોટા અને મહત્વાકાંક્ષી, કાયમ વિનયપૂર્વક રજુઆત અને લોકભાગીદારીવાળા કાર્યક્રમોમાં આગળ રહે. વાંસદાના ઠાકોરભાઈ ગામ છેવાડાના પ્રશ્નોથી માહિતગાર કરતા રહે અને તંત્રને જાગરૂક રાખે. સાક્ષરતાની એ વખતે ઝૂંબેશ ચાલે. પૌઢ શિક્ષણ ઘર અને ગામ ગામનો નારો. તેમાં મોટર સાયકલ રેલીમાં તાલુકા પંચાયતના પ્રમુખ જોડાય તેથી શિક્ષકોના રાત્રિવાસ થાય અને તરૂણ મહોત્સવનું આયોજન પાકા જમણની વ્યવસ્થા સાથે થાય એ તો વલસાડ જ કરી શકે. બીજા તાલુકાના પ્રમુખો પણ જનસેવાના કાર્યો અને કાર્યક્રમોમાં પાછળ ન રહેતા. પછી આવેલી સરકારોના સમગ્ર રાજ્ય માટે કરેલ જન ભાગીદારી દ્વારા વિકાસના પ્રયોગો અમે વલસાડમાં ૧૯૯૩-૯૪માં કરી શકેલ. 

અમારી જિલ્લા ટીમમાં કલેક્ટર સી. એલ. મીના, જિલ્લા વિકાસ અધિકારી હું, જિલ્લા પોલીસ વડા એકે શર્મા અને પછી અતુલ કરવાલ, જિલ્લા વન સંરક્ષક રામકુમાર, એક બે કેન્દ્રીય સેવાના અધિકારીઓ વગેરે મળી એક ગ્રુપ બનેલું. અમે વારાફરતી હોસ્ટ થઈએ અને પરિવાર સાથે કામ કમ પીકનીકનો આનંદ લઈએ. 

દમણગંગા નદી અને તેનો ડેમ જોવાલાયક સ્થળ. નદીઓ અહીં ઘણી પરંતુ દરિયો નજીક તેથી ભારે વરસાદથી ઉભરાય અને દરિયામાં વહી જાય. મને થતું ગુજરાતમાં ગંગા (દમણગંગા) અને ઉત્તર ગુજરાતની સરસ્વતીને જોડતી યોજના બને તો રાજ્યને પાણીની તંગી ક્યારેક ન રહે. 

અહીંના તિથલ અને ઉમરગામ પ્રસિદ્ધ. અડકીને દમણ અને દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશો. આઠમી સદીમાં સંજાણ બંદરેથી પ્રવેશ કરી પારસીઓ ઈરાન છોડી આવી આ પ્રદેશને તેમનું ઘર બનાવી દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયેલ. નવસારી દાદાભાઈ નવરોજીનું વતન. અહીં ઉદવાડાનો આતશ બહેરામ પવિત્ર. ઉદવાડામાં ઈંદિરા ગાંધીના નણંદનું એક ઘર જ્યાં તેઓ આવેલાં. પારસી ભોજન ઓછું તીખું અને બાફેલું શેકેલું તેથી તેનાં ખાદ્ય વ્યંજનો આરોગ્યપ્રદ. પારસીઓના મકાનો, રાચરચીલું, ભરતકામ વગેરે વિશિષ્ટતા ધરાવે. તેમની ગુજરાતી પોચી અને પહોળી. તેમની અટકો તેમના ધંધા સાથે જોડાયેલી તેથી બાટલીવીળા મળે અને બૂચવાળા પણ. દમણ આમ કેન્દ્ર શાસિત પણ પાડોશી રાહે વલસાડ નું બંધુ કહેવાય.  ત્યાંના કવિ અરદેશર ખબરદાર ગુજરાત ગૌરવના કવિ હતા. વલસાડના શ્રી પારડીવાળા હાલ સુપ્રીમ કોર્ટ ના જજ છે. દુનિયાભરમાં ફેલાયેલા પારસીઓને દક્ષિણ ગુજરાતમાં મૂળ હોવાનું ગૌરવ રહેતું હોવાનું અનુભવ્યું છે અને તેથી અંગત વહેવારમાં કાલી કાલી (colloquial) ગુજરાતી બોલવાનો આગ્રહ રાખે છે. રૂઢિચુસ્ત પારસીઓએ તેમની Udwada ની ઓળખ જાળવી રાખી છે.

અહીંની કેસર અને આફૂસ કેરી અનુક્રમે જૂનાગઢની કેસર અને રત્નાગિરિની આેફુસ સાથે સ્પર્ધા કરે. ચીકુ તો મધ જેવાં મીઠા. માંસાહારી માટે માછલી અને કોન્ટીનેન્ટલ ફુડનો તોટો નહીં. વાપી ગેલેક્સીમાં જાઓ તો મેનેજર પઠાણભાઈ પરોણાગત એવી કરે કે ભૂલાય નહીં. વાપી અહીંની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત. જળ, જંગલ, જમીન, ઉદ્યોગનો સમૂહ એટલે વલસાડ. 

મેં બે મોટા મોટા જિલ્લા ચલાવેલા તેથી વલસાડ જિલ્લા પંચાયત ચલાવવી સાવ રમત વાત. મારી મદદમાં ત્રણ મહારથી GAS અધિકારીઓ ધનજીભાઈ ઝાલાવાડિયા, મારૂતિ કોટવાળ અને જગદીશ ત્રિવેદી હોય, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ઈન્દ્રીશ વોરા હોય, સક્ષમ કાર્યપાલક ઈજનેરો હોય, ડો. ભાષા જેવા અનુભવી જિલ્લા આરોગ્ય અધિકારી અને બીજા શાખા વડાઓ હોય પછી જિલ્લા વિકાસ અધિકારીને શાનો બોજ? આર.ડી.સી એમ.બી. પરમાર મારા પૂર્વ પરિચિત અને રવિ પછી આવેલ કલેક્ટર સી.એલ. મીનાનો મળતાવડો સ્વભાવ સાનુકૂળ તેથી અહીં શાંતિ હતી. 

તે વખતે રેવન્યુ ઈન્સપેક્શન કમિશ્નર સિંહા સાહેબનું ઈન્સપેક્શન આવ્યું. તેઓ આવે એટલે તંત્ર ગભરાટમાં આવી જાય તેવી તેમની ધાક. અમારે જિલ્લા પંચાયતમાં પણ મહેસૂલી કામગીરી થાય તેથી તેમની કલેક્ટર કચેરી પછી જિલ્લા પંચાયતની વિઝિટ. આપણું કામ ચોકખું તેથી ડર શાનો? વળી નિર્ભય મારો સ્વભાવ. મારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઝાલાવાડિયા કહે કે સાહેબ અમને સાહેબનો અનુભવ છે. તમ તમારે સાહેબ આવે એટલે તેમને રીસીવ કરવા પોર્ચમાં ઊભા રહેજો, બુકે આપી સાહેબને વેલકમ કરજે અને પછી શાંતિથી તેમની જોડે ચેમ્બરમાં વાતો કરજો બાકી બધું અમે સંભાળી લઈશું. ઝાલાવાડિયાએ પૂરી તૈયારી કરી લીધીં પોર્ચથી લઈ જિલ્લા વિકાસ અધિકારીની પહેલાં માળ પરની ચેમ્બર સુધી રસ્તામાં મહિલા કર્મચારીઓને ફૂલછડી સાથે ઊભા રાખી દીધા. સાહેબ આવ્યાં. મેં બુકે આપી વેલકમ કર્યું અને રસ્તામાં મહિલા કર્મચારીઓએ તેમને ફૂલછડી ધરી તેમનું અભિવાદન કર્યું. ચેમ્બરમાં ડ્રાય ફ્રૂટની ટ્રે મૂકી દીધી હતી. સાહેબ પ્રસન્ન ચિત્ત રહ્યા. અમે નાનકડી મહેસૂલી વાતો કરી અને કેટલીક અંગત. તેઓ કહે કે એકવાર તેમને હાર્ટની તકલીફ થઈ. સ્ટેન્ટ મૂકવા ₹૮૦૦૦૦ જોઈએ. તેમણે એડવાન્સ માટે સરકારમાં અરજી કરી. જો એડવાન્સ મળે તો જ સ્ટેન્ટ મૂકાવું તેવો તેમનો નિશ્ચય. સરકાર પણ જાણે, તરત જ એડવાન્સ મંજૂર કરી દીધું. તે દિવસે પણ તેઓ અડધી સીએલ મૂકી હોસ્પિટલ ગયેલ.

મને તે ગાળામાં જિલ્લા પંચાયત ડાંગનો વધારાનો હવાલો મળતાં ડાંગ જિલ્લાનો પરિચય થયેલો. આયુર્વેદમાં રસ અને વળી એસ. કે. નંદા સાહેબે જિલ્લો દત્તક રાખી અહીં ડાંગ ફાર્મસી બનાવેલી તેથી તેના પાયોનિયર વૈદ્ય અમૃતભાઈ પરમાર સાથે મારે આયુર્વેદની ઘણી ચર્ચા થતી. ધારાસભ્ય માધુભાઈ ભોઈ સામાન્ય હિંદુ કરતાં પણ વધુ ધાર્મિક. સાહેબ સાહેબ કહેતા જાય અને પ્રજાના કામ કરાવતા જાય. ડાંગમાં મેં બંગાળા નામની ચોખાની જાતની ફોરમનો સ્વાદ લીધો.

અધિકારીઓની ટીમ અમારી સંગીન તેથી વાર્ષિક લક્ષ્યાંકોથી સવાયું કામ થયું. ઈનામની આશા હવે મેં રાખી નહોતી અને તેમાંય વિકાસ કમિશ્નર તરીકે હવે શર્મા સાહેબ જેવા તટસ્થ અધિકારી હવે રહ્યા નહોતા. 
કામો, યોજનાઓ અહીં સુપેરે પૂરા થાય એટલે અધિકારીની જિંદગીમાં દોડ દોડ ન મળે. દોડાવે પણ કેવી રીતે? બહું દોડવું પડે, તો કર્મચારી રજા પર ઉતરી જાય. અહીં કાર્ય ઝડપ વાતાવરણથી પ્રભાવિત. અડકીને જ અરબી સમુદ્ર એટલે ભેજવાળી આબોહવા, ધીમા કરી દે. જિલ્લાનું નામ જ વલસાડ એટલે વરસાદ જ વરસાદ. જ્યાં કચ્છમાં ૩૦૦-૪૦૦ મીમી આવતાં વરૂણદેવને મનામણા કરવાં પડે ત્યાં અહીં ૩૦૦૦ મીમી થતાં વાર ન લાગે. એક શનિવારે વરસાદ ચાલુ થાય તો બીજો શનિવાર ન આવે ત્યાં સુધી ના વિરામે. દરિયાની ખારી હવાની અસર અહીંના જનજીવન અને મકાનો પર થતી. અંગ્રેજોના વખતની મોટા ઢોળાવવાળી છતના મકાનો અડીખમ ઊભા હોય અને સુધારાવાદી ફ્લેટ છતવાળા પાકા આરસીસીના ધાબાવાળા મકાનોમાં વોટર પ્રુફિંગના કામો કરાવતા રહે તો પણ ધાબા ગળવાના બંધ ન થાય. 

કર્મચારીઓ આજ્ઞાંકિત અને સેવાભાવી. સાંજે થાકી આવીએ એટલે નગીન સાયકલ લઈ લકીની લસ્સી લઈ આવે. જરૂર જણાય તો પગમાં હળવો તેલ મસાજ કરી દે. ડાહ્યાકાકા રસોઈ બનાવી દે. રામસિંહ બહારનું લાવવા મૂકવાનું કરે. એ વખતે દારા પારડીવાલાના પનીર ટીક્કા એવા તો સરસ બને કે ચસ્કો લાગે. બાળકો અઠવાડિયે-પખવાડિયે ફરમાઈશ કરે. લક્ષ્મી, ઉજ્જવલ-ધવલ અને સુપેરે ગોઠવાઈ ગયાં હતાં. ઉજ્જવલ કોન્વેન્ટમાં ધોરણ-૭ અને ધવલ બાઈ આવાબાઈમાં ધોરણ-૫માં દાખલ થયો. ઉજ્જવલને કોન્વેન્ટમાં ધવલ-ઉજ્જવલની બીજી જોડી મળી. અમારા એકાઉન્ટ ઓફિસર એ.જે. શાહના બે પુત્રો. ઉજ્જવલ પછીથી કોન્વેન્ટ છોડી ધવલ સાથે બાઈ આવાબાઈમાં આવતો રહ્યો. 

મારે જિલ્લા વિકાસ અધિકારી તરીકેનું ચાર વર્ષ પૂરા કરી પાંચમું વર્ષ ચાલતું હતું. વલસાડ કલેકટર રવિની બદલી વખતે મને વલસાડ મળવાની એક તક હતી પણ ન મળી. પરંતુ હું વલસાડના જીવનથી ખુશ તેથી સરકાર બીજો હુકમ જ્યારે કરે ત્યારે ખરો, ‘થોભો અને રાહ જુઓ’ ની નીતિ પર ચાલી મારી વલસાડ છોડવાની કોઈ તમન્ના ન હતી. 

ફેબ્રુઆરી ૧૯૯૪માં ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની બહુચર્ચિત ચૂંટણી આવી. કોંગ્રેસ અને બીજેપીને બે-બે બેઠકો મળવાની શક્યતા પરંતુ ક્રોસ વોટિંગનો લાભ મળશે તો ત્રીજો જીતી જશે એ ગણતરીએ ચીમનભાઈએ જયંતીભાઈ શાહ/પટેલ નામના ત્રીજા ઉમેદવારને ઊભા કરી દીધા. પરંતુ તેને કારણે પ્રથમ પસંદના ઉમેદવાર માધવસિંહ સોલંકીને હારી જવાનો ભય ઊભો થયો. માધવસિંહ અને ચીમનભાઈ બે દસકાથી પ્રતિસ્પર્ધી. ૧૯૮૫માં મુખ્યમંત્રીની ગાદી છોડવાના કારણોથી માધવસિંહ માહિતગાર. તેથી જો ચીમનભાઈ તેમને ફાળવેલ મતોમાંથી ક્રોસ વોટિંગ કરાવે તો કોંગ્રેસના ત્રીજા ઉમેદવાર જીતી જાય અને તેઓ હારી જાય. તત્કાલિન પ્રધાનમંત્રી નરસિંહરાવે ચીમનભાઈને તેમની જીત પાકી કરવા તાકીદ હતી. બે દાયકાથી એકબીજાના પ્રતિસ્પર્ધી એક જ પક્ષમાં ફરી તનાવમાં આવ્યાં. રાજકીય તનાવના એ વાતાવરણમાં ચીમનભાઈએ તેમના આરોગ્યને અવગણ્યું. સચિવાલયમાં તેમની ચેમ્બરમાં જ ઉલટી થઈ પરંતુ એ ગંભીર ચેતવણીને અવગણી અને સામાન્ય શરદી કફ ગણી ચલાવે રાખ્યું. પરિણામે સમયસર સાચી સારવાર મળી નહીં અને તે જ રાતે દર્દીની હઠ કહો કે ડોક્ટરોની ભૂલ નિયતિએ કામ કરી લીધું. અર્થશાસ્ત્રના જ્ઞાતા, મોરારજીભાઈ દેસાઇના હનુમાન ગણાતા, ઊર્મિલાબેન સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરનાર, ભારતના પ્રતાપી વડાપ્રધાન ઈંદિરા ગાંધીને સામે થનાર, ૧૯૭૪માં સાવ રાજકીય મૃત્યુ જેવી હાલતમાંથી પોતાને ફરી ઉઠાવનાર, વહીવટમાં નિષ્ણાત અને રાજકારણના અઠંગ ખેલાડી ચીમનભાઈ પટેલ હ્રદયરોગના હુમલાથી ૬૪ વર્ષની ઉંમરે ફેબ્રુઆરી ૧૭, ૧૯૯૪ ના રોજ તેઓ ગુજરી ગયા. મને એકવાર રાજકોટમાં તેમની સૌરાષ્ટ્રના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાઓની સંયુકત કોન્ફરન્સમાં તેમણે કહેલાં શબ્દો યાદ આવ્યા. ‘આ ચીમનભાઈ જીવાભાઈ પટેલ જ્યાં સુધી મુખ્યમંત્રી છે ત્યાં સુધી તેના શબ્દો જ કાયદો બની રહેવાના’. હવે તે શબ્દો ખાક થઈ ગયા. 

સીધી ભરતીના આઈએએસથી તેમને અણગમો કે કેમ ૧૯૯૨ થી ૧૯૯૫ તેમણે IASના માંગણા પત્રો ન મોકલતા ત્રણ વર્ષો ગુજરાત નવા IAS અધિકારીઓથી વંચિત રહ્યું અને અશોક પરમાર (J&K), રવિ પરમાર (બિહાર), બીપીન શ્રીમાળી (મહારાષ્ટ્ર) જેવા IAS થયેલા SC ઉમેદવારોને ગુજરાત બહારની કેડરમાં જવું પડ્યું. ચીમનભાઈને લઘુમતી જેવી સરકાર ટકાવી રાખવાની અને તેમાંય તેમનો સામેનો પક્ષ તેમના પક્ષમાંથી બીજા આગેવાન ટપારતો જાય એટલે ધારાસભ્યો સાચવીને રાખવા પડે. તેમના ઘરે લગ્ન પ્રસંગો હોય તો હાજરી આપે અને મદદ પણ કરે. નિર્ણયોની અનુકૂળતા માટે જેમ તેમણે સી. ડી. પટેલ પાસેથી ગૃહ ખાતું લઈ લીધુ હતુ તેમ તેમણે મુખ્ય સચિવને બદલી નવા મુખ્ય સચિવ ખાન સાહેબ લઈ આવેલા. ભાવનગરની ધારાસભાની એક પેટા ચૂંટણીના પ્રચાર દરમ્યાન મારા બેચમેટ ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી સંજય ગુપ્તા તેમના પરિચયમાં આવ્યાં. તેમને તેઓ સચિવ તરીકે લઈ ગયા. સંજય અમારો વીઝનરી, કુશળ સીવીલ એન્જિનિયર અને પ્રોજેક્ટ પ્લાનિંગમાં શ્રેષ્ઠ. તેણે જ પછીથી સાયન્સ સીટી અને GSPLના નવા સુંદર બિલ્ડીંગ ઊભા કર્યા હતા. વન મેન પાર્ટી એવાં ચીમનભાઈએ કહેવાય છે કે ખૂબ મોટું પાર્ટી -રાજકીય ફંડ ઊભું કરેલ પરંતુ ખબર નહીં તેમના ગયા પછી તેનું શું થયું? લોકો કહેતા કે તેમના દીકરા સિદ્ધાર્થભાઈના ભાગમાં કંઈ ન આવ્યું. 

ખેર, તે ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી રાજ્યસભાના ઉમેદવારો માધવસિંહ સોલંકી અને રાજુભાઇ પરમાર અને બીજેપી તરફથી પ્રફુલ્લભાઈ ગોરડિયા અને આનંદીબેન પટેલ ચૂંટાઈ આવ્યા. 

ચીમનભાઈ પટેલના આકસ્મિક નિધન પછી હવે કોંગ્રેસમાંથી કોણ બનશે મુખ્યમંત્રી એ મોટો પ્રશ્ન બન્યો. જૂના જનતા પક્ષવાળા આગેવાનો કોંગ્રેસ મૂળનાને પસંદ કરે નહીં. સી.ડી. પટેલનું સામાન્ય હાર્ટ ચેક અપ માટે જવું અને એન્જિયોગ્રાફી વખતે જ દેહાંત થઈ જવાની પાછલી ઘટનાનું નુકસાન મૂળ કોંગ્રેસીઓને હવે સમજાયું. છેવટે સમાધાન સધાયું. જૂના પીએસપી આગેવાન છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા અને નરહરી અમીન નાયબ મુખ્યમંત્રી. 

સરકાર બદલાય એટલે કેટલાક બદલી હુકમો થાય તેવો સામાન્ય શિરસ્તો. એકવાર ફરી જિલ્લા કલેક્ટરોની બદલીના હુકમો થયાં. ઓગણીસ જિલ્લા અને તેમાં ગોઠવાયેલા અધિકારીઓ એક જિલ્લો છોડી બીજે જઈ ખો રમતાં જાય અને નીચેનાનો વારો રોકી રાખે. પરંતુ આ વખતે મારી જુનિયર બેચના અધિકારી દેખાણાં. મારા સીનીયર પંચમહાલ કલેક્ટરમાંથી વડોદરા કલેક્ટર થઈ અને બંને કાર્યકાળ સફળ પૂર્ણ કરી પાછા કચ્છ કલેક્ટર બન્યાં. વલસાડ કલેક્ટર પંચમહાલનો કાર્યકાળ પૂરો કરી આવ્યાં હતાં. આમાં આપણે ક્યાં? જીએડીમાં બેઠેલો કહેવાતો મારો મિત્ર અંતરાય બનીને ઊભો હતો. મેં થોભો અને રાહ જુઓનો માર્ગ અપનાવ્યો. 

આમ પણ જિલ્લા પંચાયત મને ગમતું ક્ષેત્ર. ૧૦,૦૦૦ થી વધુ કર્મચારીઓ અધિકારીઓનું મોટું તંત્ર. ગ્રામજન કંઈક માંગે તો મીની સચિવાલય ચલાવતા જિલ્લા વિકાસ અધિકારી તરત મદદ કરી શકે. વળી વહીવટી રીતે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સમકક્ષ અને બંનેના ઉપરી અને વિભાગો અલગ અલગ તેથી આ પદ કે પેલું પદ એવો વિવાદ ઓછો. તે સમયે જિલ્લા પંચાયતોનું મોટું મહત્વ રહેતું. જિલ્લા વિકાસ અધિકારીના ૧૦,૦૦૦ કર્મચારીઓ- અધિકારીઓના તંત્ર સામે કલેક્ટર પાસે માંડ ૮૦૦-૧૦૦૦ કર્મચારી અધિકારી. પરંતુ લાલ લાઇટવાળી ગાડી, રેગ્યુલેટરી ઓથોરિટી, મહેસૂલી અધિકારો તથા જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકેની જિલ્લાના કેન્દ્ર સમીમમોભાવાળી જગ્યા તેથી દરેક અધિકારીને જીવનમાં એકવાર કલેક્ટર બનવાની તમન્ના રહેતી. 

ચાર મળે ચોટલા ભાગે ઘરના ઓટલાં. મહિલાઓના એક ગ્રુપની નાનકડી કીટી જેવી પાર્ટીમાં એક ઉચ્ચ અધિકારીના પત્ની મારી કલેક્ટર તરીકેની વરણી ન થવા અંગે થોડું ઘસાતું બોલી ગયા. દિવાલને પણ કાન હોય છે. વાત મારે કાને અથડાઈ. મને મહેણું હાડોહાડ લાગ્યું અને મારી ચિત્ત શાંતિ વિક્ષેપ પામી. થયું હવે તો નેવાંના પાણી મોભે ચડ્યા. ડ્રાઇવર સુરેશભાઈને કહ્યું ગાડી લગાવો પંચાયત મંત્રીના પીએ બબાજી ઠાકોર પાસેથી પંચાયત મંત્રીને મળવાનો સમય લીધો. 

લીલાધર વાઘેલા ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક. કદ કાઠીમાં નાના પરંતુ વક્તા તરીકે અનોખા. ઉચ્ચારણની એક પણ ભૂલ વિના અને કહેવતો રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તે તેમના વક્તવ્યમાં કોથળામાં પાંચશેરી રાખી વિરોધીઓને મારતાં. તે કહેતાં કે મહેણાંની મારી ઉત્તર ગુજરાતની કૂતરી ભંઠ ખઈને મરી જાય પરંતુ તેની ડેલીએ પગ ન મૂકે. મને પણ મહેણું વાગ્યું હતું. લીલાધરભાઈ ધારાસભ્ય તરીકે પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ ત્યારથી મારે તેમનો પરિચય. મારી જવાબોની તૈયારી અને હાજરજવાબીની તે મીટિંગોમાં આનંદથી નોંધ લેતાં અને બીજાઓને જણાવતા. હું પહોંચ્યો મંત્રીસંકુલના તેમના નિવાસસ્થાને અને માંડીને બધી વાત કરી. તેઓએ મુખ્યમંત્રીને ફોન કરી મળવાની રજા લીધી. મુખ્યમંત્રી નિવાસસ્થાન નજીક જ હતું. અમે બંને પહોંચ્યા. મુખ્યમંત્રી છબીલદાસ મહેતા સાથે મારો સીધો પરિચય નહીં પરંતુ તેઓનાણામંત્રી હતા ત્યારથી મને નામથી ઓળખે. પરમાર કેમ આવવું થયું? લીલાધરભાઈએ માંડીને વાત કરી. મુખ્યમંત્રીએ ફોન ઉઠાવ્યો, સૂચના આપી અને બપોર સુધીમાં કચ્છ કલેક્ટર જેમને મૂકેલા તેમનો હુકમ રદ થયો અને મારા હાથમાં કચ્છ કલેક્ટરનો હુકમ આવી ગયો. 

હવે પળનોય વિલંબ ના કરાય. મારી જગ્યાએ વલસાડ જિલ્લા અધિકારી તરીકે મૂકેલા અપર્ણાનો મેં સંપર્ક કર્યો. તેમને અમદાવાદના મારા પિતાજીના નિવાસસ્થાન મયૂર પાર્ક સોસાયટી (દાણીલીમડા)ના મકાને બોલાવ્યા. હું સચિવાલયથી સીટીસી ફોર્મ લઈ આવ્યો હતો. વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના ચાર્જ છોડવાના સીટીસીમાં મેં સહી કરી અપર્ણાને વલસાડ જિલ્લાની જિલ્લા વિકાસ અધિકારીની ખુરશી સોંપી હું કચ્છ રવાના થઈ ગયો. 

હું ભૂજ પહોંચ્યો. તત્કાલીન કલેકટરની બદલીઓ અગાઉ હુકમ થયો હતો તેથી ચાર્જ લેવાની કોઈ અગવડ ન પડી પરંતુ ઘર લેવામાં હજી અગવડ પડવાની હતી તેનો અંદેશો મને પ્રાથમિક વાર્તાલાપમાં આવી ગયો. આપણે હવે કચ્છના નવા કલેક્ટર, જ્યાં જીવન કથામાં એક મહત્વના કાર્યભારની નોંધ ઉમેરાવાની હતી. 

૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫

2 comments:

  1. બહુ જ સરસ. વલસાડ થી કચ્છ પહોંચ્યા સુધીની સફર ને ખુબ જ ટૂંકા છતાં દરેક પાસાને આવરી ને વાંચનારને છેલ્લે સુધી ઝકડી રાખે, કંટાળો નહીં આવે એવી રીતે લખેલ છે. જાણે સામે કોઈ પિક્ચરની સ્ક્રીન પર દ્રશ્ય ચાલતું હોય..

    ReplyDelete
  2. Mr. Punamchand Parmar, IAS, was an enthusiastic administrator, dedicated and pro-poor man. At that time I was Personal Secretary to the Minister, Panchayat so we have worked together as a family team. Inspite of being a senior IAS officer, he was chating forthrightly with me. Even after retirement, nostalgically he has quoted me in this topic. That's his broadmindedness and generosity. He is now an Yoga expert. May God keep him happy and healthy to serve the society. Thank you.

    ReplyDelete

Powered by Blogger.