Friday, September 19, 2025

લક્ષ્મીનો સંગાથ અને અમારો પંચમહાલ પડાવ

લક્ષ્મીનો સંગાથ અને અમારો પંચમહાલ પડાવ

લક્ષ્મી સાથે મારા લગ્ન થયાં તા. ૧૮/૫/૧૯૭૮ના રોજ પરંતુ સામાજિક રિવાજ મુજબ બે આણાં પૂરા થયા પછી ત્રીજા આણે તે દશેરા ૧૯૮૦માં આવી સ્થાયી થઈ ત્યારે અમારા લગ્નજીવનની શરૂઆત થઈ. તેના આવ્યા અગાઉ ઘરનાં મોટાં મારી ઉપર હુકમ ચલાવતાં હવે મારો હુકમ માનનાર કોઈ આવી ગયું. તેણે મારા વતીના બધાં કામ ઉપાડી લીધા. ફરર ફૂદડીની જેમ ફરે અને કામ કરે. મારી બા, બાપા, ભાઈઓ, ભાભી, હું, જે કંઈ કામ આપીએ તે વિના વિરોધે કરી લેતી. પિયરમાં તેણે કોઈ ઘરકામ કરેલું નહીં પરંતુ તેની માંએ કહ્યું હતું કે “બેટા, હવેથી તે ઘર તારું અને તે વર. કોઈને વખો ના પાડતી. કન્યા પિયરથી ઊભી જાય પરંતુ આડી થાય નહીં ત્યાં સુધી એ ઘર અને એ વર છોડે નહીં”. તેણે અનેક વિષમ પરિસ્થિતિઓ છતાં તેની માતાની આજ્ઞાનું પાલન કર્યું અને અમારા જીવનમાં સાચા અર્થમાં લક્ષ્મી બનીને આવી અને રહી.

અમારે ઘરમાં બે જણ મિલ કામદાર અને બે નોકરિયાત. મિલવાળાને સવારપાળી હોય ત્યારે સાડા છ વાગે ચા તૈયાર કરી દેવી પડે. ચા કેરોસીનવાળા પ્રાયમસ પર બને. તપેલી મધ્યમ કદની હોય અને ઘર આખાની ઓછા દૂધની પાણી જેવી ચા બનાવે એટલે તપેલી છલોછલ ભરાઈ જાય. તેમાં વળી ચાનો ઊભરો આવે એટલે સાણસી લઈ સાવધાન રહેવું પડે નહીંતર ઊભરો ઢોળવાથી પ્રાયમસ ઓલવાઈ જાય. લક્ષ્મી નવી સવી. એક સવારે ચા બનાવતાં તેને મોડું થયું અને મારા ભાઈ જીવણે ચા માટે ચીસ પાડી, તેથી ડરીને તે પ્રાયમસને જોર કરીને પંપ મારવા લાગી. પરંતુ પ્રાયમસ હઠીલો તેજી ન પકડે. ત્રણ પગનો પ્રાયમસ અને ઉપર ઉકળતી તપેલી, પંપ મારવાના ધક્કે ઉપરથી ઉલળી અને ઉકળતી ચા બધી લક્ષ્મીના કોમળ હાથ પર પડી. તેનો ડાબો હાથ આખો દાઝી ગયો. પરંતુ તે માનસિક સાવધાન, તેથી તરત જ દાઝેલો હાથ પાણી ભરેલી ડોલમાં નાંખી તેને હાથ અને ચામડીને થતું મોટું નુકસાન અટકાવી દીધેલ. 

તેના આવવાથી મને મોટી મદદ થઈ. વાંચનમાં સહયોગ મળ્યો. હું માંગુ ત્યારે ચા બનાવી દે. જમવા બેસું ત્યારે ગરમ ગરમ રોટલી બનાવી દે. હવે તે મારું ટિફિન બનાવતી તેથી મારા એકટાણાં છૂટ્યાં. નોકરી કરતાં કરતાં સ્પર્ધાત્મક પરીક્ષા આપવામાં અનુકૂળતા વધી. 

હું છાપાં નિયમિત વાંચતો. સામાન્ય જ્ઞાનની કસોટી ભરું અને જીતું. આયુર્વેદનો મને ભારે ચસ્કો. લાંભશંકર ઠાકરની નાનકડી કોલમ નિયમિત વાંચુ અને પછી રીચીરોડ વ્રજલાલ ગાંધીની દુકાને જઈ ઔષધ લઈ આવું પછી લક્ષ્મી જોડે ખંડાવું અને મારા પર પ્રયોગ કરું. સતત એક જગ્યાએ એકજ મુદ્રામાં લાંબા કલાકો બેસી રહેવાની મારી આદતને કારણે તથા ઋતુ ધ્યાન વિના આયુર્વેદના ગરમ ઔષધોનું સેવન કરવાથી મને ભગંદરની બીમારી લાગી. તેને મટાડવા ૧૯૮૩માં કરેલો અમદાવાદના વૈદ્ય ઈંદુભાઈ દવેનો આયુર્વેદિક ક્ષારસૂત્ર પ્રયોગ નિષ્ફળ ગયો. તેમણે દવાવાળો દોરો ભગંદરની ભૂંગળીને બદલે બાજુમાં પરોવી દીધો હતો, તેથી દોરો ચામડી કાપી બહાર તો નીકળ્યો પરંતુ ભગંદરની ભૂંગળી જેમની તેમ રહી ગઈ. પછીથી આઈએએસ પ્રોબેશ્નર તરીકે ગોધરામાં તાલીમ દરમ્યાન ૧૯૮૬માં સિવિલ હોસ્પિટલમાં ડો. ડામોર પાસે સર્જરી કરાવી ત્યારે તે રોગમાંથી મારો છૂટકારો થયો.

લક્ષ્મી દરરોજ સવારે વહેલી ઉઠે અને આખો દિવસ ઘરનાં નાના મોટા કામ કરી રાત્રે આખા ઘરનાં વાસણ કરી લે પછી છેલ્લે સૂતી. નાની વહુને જમવાનું એટલે છેલ્લે તેથી જે વધ્યું ઘટ્યું હોય તે ખાવું પડે. મોટેભાગે શાકમાં જરાક રસો વધ્યો હોય અને રોટલીના ટૂકડા, તેનાથી પતાવવાનું. મોટા ભાભી રસોઈકામ સંભાળે એટલે લક્ષ્મીને ભાંગે બીજા બધા કામ, કચરાં, પોતાં. ચા, વાસણ, કપડાં, લાકડાં ફાડવાં, સગડી, પિતા માટે ગુજરિયું ભરવું, કપડાંને ઈસ્ત્રી કરવી વગેરે અનેક કામ રહેતાં. શરીરે તે પાતળી અને બેતાલીસ કિલો વજન છતાં ફરિયાદ વિના કામ કરે. સ્લમ્સની એ ગરીબ જિંદગીમાં વધુ કામ અને અપૂરતા પોષણથી તેનું શરીર વધુ ધોવાયું અને તેને જીર્ણ તાવ રહેવા લાગ્યો. મેં ગાંધીનગર સિવિલ લાવી તપાસ કરાવી તો ખબર પડી કે પહેલાં સ્ટેજનો ફેફસાંનો ટીબી થયો છે. હું સચેત થયો, સાવધાન થયો. તેના માટે દવાની વ્યવસ્થા કરી. તેના ભોજન પ્રત્યે સાવધાન થયો. તેના પર કામ સંબંધિત ઘરમાં થતાં અત્યાચારનો વિરોધ કરી તેનું રક્ષણ કરવાનું શરૂ કર્યું. માતા અને ભાઈઓને મારું આ ઉપરાણું લેવાનું ન ગમ્યું પરંતુ બીજાને થતાં અન્યાય સામે અવાજ ઉપાડતો હું મારી જીવનસાથી માટે કેમ કરીને ચૂપ રહું? 

ફેબ્રુઆરી ૧૯૮૧માં તે ગર્ભવતી થઈ. સાતમો મહિનો બેસતાં સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં શ્રાદ્ઘ પક્ષ બેસે તે પહેલાં તેનું સીમંત થયું. પહેલી સુવાવડ તેથી રિવાજ મુજબ તે તેના પિયર ગામ ગઈ અને હજી ગર્ભને સાત મહિના પૂરાં થયાં હતાં ને લેબર પેઇન આવ્યું અને ઘેર જ સુવાવડ થઈ ગઈ. માતા કુપોષિત હતી એટલે બાળક કુપોષિત જન્મ્યું. પ્રીમેચ્યોર બર્થ તેથી બાળક ઓછા વજનનું પરંતુ સુરક્ષિત રહ્યું. તેના નાનાએ તેનું નામ રાખ્યું હતું વિષ્ણુ પરંતુ તે જ્યારે અઢી મહિનાનો થયો ત્યારે મેં તેને પહેલીવાર જોયો અને તેનાથી આકર્ષિત થયો અને તેનું નામ બદલી રાખી દીધું ઉજ્જવલ. લક્ષ્મીની ઉંમર વીસ અને મારી એકવીસ, અમે મા-બાપ બની ગયા. પછી જાન્યુઆરી ૧૯૮૩માં તે ફરી ગર્ભવતી થઈ. ઉજ્જવલ હજી પંદર મહિનાનો હતો અને નબળો હતો. અમે ડો હસમુખ શાહના પત્ની જે પણ ડોક્ટર હતાં તેમને મળ્યાં અને તેમની સલાહ માની. સપ્ટેમ્બર ૧૯૮૩માં અમારે ઘેર બીજા પુત્ર રત્ન ધવલનો જન્મ થયો. તેનું નામ મારા અમેરિકન મિત્ર જયંતી પટેલે સૂચવ્યું હતું. પૂનમનો ચાંદ હવે ઉજ્જવલ અને ધવલ બન્યો. જીવનમાં હવે લક્ષ્મી, ઉજજ્વલ અને ધવલના ભાગ્યબળ મારા ભાગ્યબળમાં જોડાયાં હતાં. લક્ષ્મી જોડે લગ્ન પછી મારી નોકરી લાગી. ઉજ્જવલના જન્મ પછી હું અધિકારી બન્યો અને ધવલના જન્મ પછી આઈએએસ. 

હું ચાલીની સ્ટ્રીટ લાઇટના ઝાંખા અજવાળામાં વાંચવા બેસું ત્યારે ડાબી સાથળે ધવલ અને જમણીએ ઉજ્જવલ બેઠા હોય અને તેમની બંનેની વચ્ચે હું મારી ચોપડી પકડી યુપીએસસીની તૈયારી કરતો તે એક સુંદર દૃશ્ય જોવા જેવું બનતું. એ વખતે ડીઝીટલનો જમાનો હોત તો એકાદ ફોટો સ્મૃતિ તરીકે મળ્યો હોત. 

૧૯૮૪માં અમદાવાદમાં મિલો બંધ થઈ. મારા પિતા અને એક મોટાભાઈ બેરોજગાર થયાં. હું સેક્શન અધિકારી હતો અને મારાથી મોટા વચેટ ભાઈ બેંકમાં કારકૂન એટલે ઘરમાં કોઈ આર્થિક સમસ્યા ન હતી. વળી બંને કામદારોના સર્વિસના નાણાં મળ્યા હતા. પરંતુ ૧૯૮૫માં મારી પસંદગી IASમાં થતાં જેવી ખબર પડી કે મારે હાલની નોકરી છોડી બીજી નોકરીની તાલીમમાં એક વર્ષ મસૂરી જવાનું છે, ઘરનાં બધા નારાજ થઈ ગયા. બા કહે, નથી જવું. મારે તો છોકરો જાય અને છોકરાની રોળ પણ જાય. અહીંની નોકરી શું ખોટી છે? તે વખતે અમારા વિસ્તારના યુવાનોએ રમણપુરાના નાકે મારો સત્કાર સમારંભ યોજેલો તેમાં પિતાજી આવેલાં તેથી તેમને IAS વિષે તો કંઈ ખબર નહીં, પરંતુ મને કોઈ મોટી નોકરી મળી છે તેવી ખબર. મોટા બે ભાઈઓમાં એકની મિલ બંધ તેથી તે ચૂપ અને બીજાને એમ કે હવે ઘર આખાનો ભાર તેના માથે આવવાનો છે તેવી ઓછી સમજણને કારણે તેનું વર્તન બદલાયું. 

હું સચિવાલયમાંથી ૨૩ ઓગસ્ટ ૧૯૮૫ના રોજ ફરજમુક્ત થયો. એક સુટકેસ ખરીદી, બે જોડી કપડાં, મારા અમેરિકન મિત્ર જયંતીએ આપેલી એક પીળી ટાઈ, એક ચાદર અને પિતાએ લાવી આપેલી રેમન્ડની ગરમ શાલ મૂકી ૨૪ ઓગસ્ટે સર્વોદય ટ્રેન પકડી હું અમદાવાદથી રવાના થયો. મારું કુટુંબ, ભાઈ-ભાભી, બહેન-બનેવી, ભત્રીજાવૃંદ, ચાલીના અને રાજપુરના જુવાનિયા, ગંગારામ ભગત, સોમાભા, સાળા, મિત્ર વર્તુળ વગેરે સૌ અમદાવાદ રેલવે સ્ટેશને મૂકવા આવ્યા. તેમાં આવેલી લાજ કાઢેલી લક્ષ્મી અને નાનકડાં ઉજજ્વલ, ધવલ નોખા તરવરતા. મારા સેક્શન અધિકારી બેચમેટ જશવંત આચાર્ય, અમૃત ભગત, હરીશ મડિયા આવ્યા. મિત્રોમાં ભીખાભાઈ અને એ.ડી. પટેલ સહકુટુંબ આવ્યા. મારા બસ મિત્ર રમણ મહેરિયા, તેમના મોટાભાઈ, બિપિન જોડાયા. બીજા મિત્રો મૂળચંદ રાણા, કમલેશ ગોરડિયા, કિરીટ અધ્વર્યુ પણ આવ્યા. છ દિવસ પછી ૩૦ ઓગસ્ટે રક્ષાબંધન હતી તેથી બહેન રમીલાએ રેલવે સ્ટેશને રાખડી બાંધી ભાઈને વિદાય આપી. કન્યા સાસરે જતી હોય અને પાધર ગામ આખું મૂકવા આવ્યું હોય તેવો માહોલ થયો. રડીને મેં સૌની વિદાય લીધી. 

ટ્રેનમાં મને મજૂર મહાજનના મનહરભાઈ શુક્લનો ભેટો થયો. સમાજ વિકાસની ઘણી વાતો કરી. બીજા દિવસે સવારે દિલ્હી રેલવે સ્ટેશને ઉતરી બસ અડ્ડાથી દેહરાદૂનની બસ પકડી બપોર પછી દેહરાદૂન પહોંચ્યો. ત્યાં એકેડમી તરફથી લાયઝનની વ્યવસ્થા હતી તેથી સંકલન કરી શેરીંગ ટેક્ષીમાં બેસી સંધ્યા ટાણે અમે મસૂરી પહોંચ્યા. મને નર્મદા હોસ્ટેલમાં રૂમ ફાળવેલ હતો તેથી ચાવી લઈ રૂમમાં સામાન મૂક્યો. રાત્રે ઠંડીનો અનુભવ કરતાં કરતાં મેસમાં જમ્યો અને બીજા દિવસે ૨૬ ઓગસ્ટ ૧૯૮૫ના રોજ રજીસ્ટ્રેશન કરાવી ભારતીય વહીવટી સેવામાં દાખલ થઈ ગયો. 

બીજી તરફ જેવું મેં અમદાવાદનું રેલવે સ્ટેશન છોડ્યું અને ઘેર લક્ષ્મીને મહેણાં ટોણાંનો સામનો શરૂ થયો. મારો સચિવાલયનો પગાર બંધ થયો અને મસૂરીથી પગારની શરૂઆત ઓક્ટોબરથી થઈ તેથી વચ્ચે એક મહિનાની ગેપ પડી ગઈ. મારે બટન અપ બનાવવા, મેસ બીલ ભરવાં અને બીજા પરચુરણ ખર્ચ માટે નાણાંની જરૂર તેથી ખર્ચ કાઢી પહેલું મનીઓર્ડર હું ઓક્ટોબરમાં જ કરી શક્યો. બસ ઘરના સભ્યોએ મોકાનો લાભ ઉઠાવ્યો. લક્ષ્મીથી ન સહેવાયું. તે રિસાઈને બે દીકરા લઈ તેના પિયર જતી રહી. મારી બા જઈ તેને પાછી તેડી લાવી અને એક અઠવાડિયુ અમદાવાદ રહી તેઓ ભટારિયા રહેવા ગયા. ચારેક મહિના મારા માતા પિતા, લક્ષ્મી અને ઉજ્જવલ, ધવલ ભટારિયા રહ્યાં. અહીં એક તરફ હું મસૂરીની વાદીઓ, લબાસનાની તાલીમ, ટ્રેકિંગની મસ્તીમાં ખોવાયો અને લક્ષ્મી ખેતરના સેઢે બે બાળકોને બેસાડી બાજરી વાઢવામાં અને પાટલી ભરડી એરંડા કાઢવામાં વ્યસ્ત રહેતી. 

પરંતુ ગામમાં પણ ક્યાં સુખ હતું? ખેતરનું કામ અને ગામમાં જાઓ તો અસ્પૃશ્યતાનો સામનો કરવાનો. ગામમાં પંચાયતનો બોરવેલ ડીઝલ એંજિનથી ચાલે પરંતુ પીવાનું પાણી ભરવાની રોજની રામાયણ. ગામ આખું બોરકૂવાના નળેથી તાજું પાણી ભરી લે પછી છેલ્લે કુંડીમાં જૂનું નવું ભેગું થાય તેમાંથી પાણી ભરવાનું. કપડાં ધોવાના ઘાટે ઉપલી વર્ણની મહિલાઓ સાથે બેસી કપડાં ધોવાય નહીં. લક્ષ્મીએ આ અન્યાયનો મોટા અવાજે વિરોધ કર્યો, ગામ આખા સામે થઈ અને સામાજિક અસમાનતા સામે લડવા ગામમાં તેણે પહેલ કરી. મારી બા તેને સૌથી ભાગ્યશાળી ગણતી અને તેની નીડરતા અને હિંમત જોઈ કહેતી કે તે “મારા ઘરનો વાઘ” છે. 

૧૯૮૬માં મને પંચમહાલ જિલ્લો મળતાં જિલ્લા તાલીમમાં જોડાયો પરંતુ સરકારી કોઈ ક્વાર્ટર હતું નહીં. ખાનગીમાં કલેક્ટર કચેરી નજીક ભાડાનું ઘર મેળવવા પ્રયત્ન કર્યો  પરંતુ જાતિ આડી આવી. એક પત્રકાર ટપુભાઈ પરમાર ક્યાંક એક રૂમ શોધી લાવ્યાં પરંતુ રૂમમાં પંખો, લાઈટ, પલંગ કશું જ નહીં. તેના કરતાં તો અમારું સરકારી ગેસ્ટ હાઉસ શું ખોટું? સરકારી ગેસ્ટ હાઉસમાં સળંગ પંદર દિવસ રહી શકવાનો નિયમ તેથી જેવા પંદર દિવસ પૂરા થાય એટલે એક દિવસનો બ્રેક કરી ફરી એન્ટ્રી કરી ચલાવ્યું. મેનેજર જોશી અને રસોડે મહારાજે મારી સારી સારસંભાળ રાખી. વાહન તો હતું નહીં અને ગેસ્ટ હાઉસ કલેક્ટર કચેરી નજીક તેથી ચાલતાં કામ ચાલતું. 

આરડીસી દિલીપભાઈ ધારૈયાએ મને મદદમાં એક નવો પટાવાળો ૧૯ વર્ષનો રૂપો ચારેલ આપી દીધો હતો. અમારા કલેકટર હરેશ પાત્ર સાહેબ એટલે રાજા માણસ. તેમની વાત કરવી હોય તો વિગતે માંડીને કરવી પડે. તેમના પીએ અરવિંદ પટેલથી અમે કામ પતાવી લેતાં. જિલ્લા વિકાસ અધિકારી મહેશ્વર શાહુ સાહેબને ત્યાં ક્યારેક પાર્ટી હોય ત્યારે જમવાનો જોગ થતો. પ્રાંત અધિકારી રીટા તેઓટિયાની સાથે તેમની જીપમાં ગાંધીનગર આવવાનો મોકો મળ્યો પછી તેમને બઢતી મળતાં તેમની જગ્યાએ નવા પ્રાંત અધિકારી આવ્યાં. 

વચ્ચે સ્પીપાની તાલીમ થઈ. વર્ગખંડમાં કંટાળો આવે. અમારી સાથે GASના અધિકારીઓ. અનીસ માંકડ અને અમે બે જોડે બેસીએ. મારી બાને રાશિ ભવિષ્યમાં બહુ રસ. મને દર રવિવારે રાશિ ભવિષ્યની કોલમ વંચાવતી. તેની અને મારી રાશિ એક એટલે હું પણ રસ લેતો થયો પરંતુ કોનો સ્વામી ક્યાં શું કરે છે અને તેની આપણાં જીવન પર શી અસર થાય છે તેની ગતાગમ ન પડે. અનીસભાઈ ખૂબ સારું જ્યોતિષ જાણે તેથી એક બાજુ વર્ગ ચાલે અને અમે ચોકડી દોરી પૃથ્વી ઉપરના ગ્લોબના ગોળાને ૩૬૦ અંશ પર ચઢાવી તેના બાર ભાગ કરી જ્યોતિષ ચલાવીએ. હું દરેક રાશિના માલિકો, ઉચ્ચ-નીચ-સ્વગૃહી થતાં ગ્રહો, તેમની શુભાશુભ દૃષ્ટિ, શુભ સ્થાનો, ત્રિકોણ, ત્રિક, શુભ-અશુભ-ક્રૂર ગ્રહો, તેમની વચ્ચે મૈત્રી-શત્રુત્વ, વિશોત્તરી મહાદશા, નવાંશ, વગેરે પરિભાષાઓ સમજતો ગયો અને ઘેડ બેસાડતો ગયો. આપણે આંકડાશાસ્ત્રના વિદ્યાર્થી તેથી બાકીનું કામ મારા મગજે સંભાળી લીધું અને હ્રદયમાં શુદ્ધિકરણ જાળવેલું તેથી જ્યોતિષ વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ. તાલીમ સમયનો આટલો ઉત્પાદક ઉપયોગ કોણે કર્યો હશે? 

કલેક્ટર કચેરીમાં ત્રીજા શનિવારે થતી સંકલન સમિતિની બેઠક જાણે મીની એસેમ્બલી. મહારથી એવા ધારાસભ્યશ્રીઓ શાંતિભાઈ પટેલ, પ્રભાતસિંહ ચૌહાણ, અબ્દુલ રહીમ ખાલપા, વિરજી મુનિયા, હરગોવિંદ ઉપાધ્યાય, પ્રબોધ પંડ્યા, ઉદેસિંહ બારીયા, જશવંતસિંહ પરમાર, રમણ પટેલ,, લલિતકુમાર પટેલ, દીતાભાઈ મછાર, માલસિહ ડામોર, બદિયાભાઈ ગોંદિયા વગેરેનો સામનો કરવાં અધિકારીઓએ ખૂબ તૈયારી કરવી પડતી. મીટીંગ પૂરી થાય ત્યારે તેમને હાશ છૂટ્યાનો અનુભવ થતો. જિલ્લા પંચાયતના એ વખતના પ્રમુખ કિશોરભાઈ ભૂલાભાઈ પટેલ સરળ અને સાદાં. તેમના પછી આવેલાં ડો. કિશોર તાવિયાડ પણ સજ્જન પુરુષ. જિલ્લા સંકલન સમિતિ ઉપરાંત આયોજન મંડળની પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાતી જિલ્લા આયોજન મંડળની અને અછત હોવાથી જિલ્લા અછત રાહત સમિતિની બેઠકો મહત્વપૂર્ણ રહેતી. આખો જિલ્લો અને જિલ્લાના પ્રશ્નો એક જ ઠેકાણે જાણવા મળી જાય. હેન્ડ પંપનો જમાનો. કેટલાં નવાં બન્યાં અને કેટલાં ફેઈલ ગયાની મોટી ચર્ચા થાય. તેમાંય રીપેરીંગ કર્યા વગરના હેંડ પંપ લોકો ટેંકર પાછળ દોડે અને બીજી બાજુ કોન્ટ્રાક્ટરના ફેરા વધે. 

ગોધરા તાલીમ દરમ્યાન મારી પહેલી રાજકીય કસોટી થઈ. ઈન્ચાર્જ પ્રાંત અધિકારી તરીકે તાલુકા પંચાયત ગોધરાના પ્રમુખની ચૂંટણી કરવા હું ચૂંટણી અધિકારી બન્યો. કોઈ પક્ષને બહુમતી નહીં. સ્થાનિક, સક્રિય અને બોલકા ધારાસભ્ય ખાલપાની ઈચ્છા કે હું ચૂંટણીમાં વિક્ષેપનું બહાનું કરી મુલતવી રાખું. મેં શિસ્ત અને સંયમથી ચૂંટણી કાર્યનું સંચાલન કર્યું અને બહુમતી ટેકાથી અપક્ષ સભ્ય સી. કે. રાઉલજી તાલુકા પંચાયત ગોધરાના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. રાજકીય દબાણો વચ્ચે નિષ્પક્ષ રહેવાનો પહેલો પાઠ મેં ખરો કર્યો. 

ગોધરાની અમારી ઓફિસર્સ ક્લબ સક્રિય. એક ચોકીદાર કાળુભાઈ સંભાળ રાખે. અમે શટલ કોક તોડીએ એટલે નવું કાઢી આપે. દરરોજ સાંજ પડે ડો. આર. કે. પટેલ અને તેમનાં પત્ની, આરટીઓ શાહ, સિવિલમાંથી સિવિલ સર્જન ડો. ડામોર,  ડો. આર. એમ. મકવાણા (મહેતા) અને તેમના પત્ની શશી, જૂના ગોધરા સ્ટેટના રાઉલજી અને તેમની દીકરી, વગેરે પૈકી પાંચ સાત જણ તો ભેળાં થઈ જતાં. કલેક્ટર અને ડીડીઓ સાહેબ કોઈક દિવસ આવે. મને સાંજે સફેદ ચડ્ડી અને ટી શર્ટ પહેરી હાથમાં બેડમિંટનનું રેકેટ ઘુમાવતા સરકીટ હાઉસથી ચાલતાં ક્લબ જવાનો આનંદ આવતો. બેડમિંટન કેવું આવડે છે તે પ્રશ્ન અસ્થાને હતો. ક્લબમાં એક બિલિયર્ડનું ટેબલ પણ હતું. બંને રમતો મેં મસૂરીમાં પહેલીવાર જોએલી અને શીખેલી તેથી આપણું ગાડું ગબડતું. 

અમારા નસીબે આરડીસી કંપાઉન્ડમાં જે સરકારી ફ્લેટ બનતાં હતાં તે ઓક્ટોબર ૧૯૮૬માં પૂરાં થયાં અને મને ભોંયતળિયાનો એક ફ્લેટ એલોટ થયો. જેવો સરકારી ફ્લેટ મળ્યો કે હું લક્ષ્મી, ઉજ્જવલ, ધવલને ગોધરા લઈ આવ્યો. રસ્તામાં ડાકોરથી રસોડું ચાલુ કરવાની વસ્તુઓ સાણસી, તપેલી, ચમચા, ઝાડુ, વગેરે જરૂરી સામાન ખરીદ્યો અને શહેરી સ્લમની જિંદગીથી છૂટી એક નવી જિંદગીની શરૂઆત કરી.

ફ્લેટમાં અમને નવી કંપની મળી. અમારી સામે એડીશનલ ડિસ્ટ્રિક્ટ જજ ગિરીશભાઈ કાપડિયા અને તેમના પત્ની ભાવનાબેન, ઉપર પહેલાં માળે પ્રાંત અધિકારી જોષી સાહેબ અને તેમના પત્ની ઊર્મિલા માસી, બાજુના ફલેટમાં રહેતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રજનીકાંત પટેલ અને તેમના પત્ની રંજનબેન, આરડીસી કનુભાઈ અને તેમના પત્ની કોકિલાબેન વગેરેનું એક નવું ગ્રુપ બન્યું. જજ ગિરીશભાઈની વડોદરા બદલી થતાં નવી કંપનીમાં જહાંગીરભાઈ અને ભગવતીબહેન જોડાયા. જોષી સાહેબ નિવૃત્ત થતાં નવાં પ્રાંત અધિકારી ગામેતી અને તેમનાં પત્ની  સવિતાબેન જોડાયા. બાળકોમાં ઉજ્જવલ ધવલને સાથે રમવાં પીનસ, ફાલ્ગુની, પૂર્વી, ડિંગલ, મિલી, ચિરાગ, વગેરેનું ગ્રુપ મળ્યું. ઉજ્જવલ સેંટ આર્નોલ્ડ સ્કૂલમા દાખલ થયો અને ધવલ તેનો શાળા યુનિફોર્મ પહેરી આ બાજુના દરવાજેથી બસમાં ચડી બીજી બાજુના દરવાજે ઉતરતો થયો. નર્ક જેવા સ્લમથી દૂર ક્ષિતિજે અમારાં એક નવા સામાજિક જીવનની અને ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત થઈ. 

એક વ્યક્તિની સફળતા તેની એકલાની નથી, તેના ઘણાં ભાગીદાર હોય છે. લક્ષ્મી મારી કારકિર્દીની સફળતાનો મોટો ભાગીદાર. મારા જીવનરથનો એ મજબૂત આધાર. મારાથી રથ હાલકડોલક થાય તો રાશ પકડી મજબૂતીથી સંભાળી લે. તેના સંગ ૪૭ વર્ષ પસાર કર્યા. હજી તો તેના સંગ માણેલી જીવનની ખાટી મીઠી યાદો અને ઉતાર ચડાવ વિષે લખવાનું ઘણું બાકી છે.

૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫

0 comments:

Post a Comment

Powered by Blogger.