મારો કચ્છડો બારે માસ
(કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ)
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પેલો કચ્છડો બારે માસ. ગુજરાતના ઈતિહાસમાં કચ્છનું અનોખું મહત્વ. અહીં અધિકારી આવતાં રડે અને જતાં પણ રડે. આવે ત્યારે અછતવાળા રણ પ્રદેશમાં આવવાનું દુઃખ લઈ રડે અને જાય ત્યારે અહીંના પ્રેમાળ, માયાળુ લોકોના પ્રેમથી એવા ભીંજાયા હોય કે જતાં પણ રડે. કચ્છી માંડું ભગવાન જેડા આય. તેઓ અચો કહે ત્યારે આત્મીય લાગે અને અચીજા કહે ત્યારે તેમની વધુ આત્મીયતા તેમને ફરી મળવા પ્રેરે. કચ્છનો જણ જ્યાં પણ વસતો હોય, મુંબઈમાં, કરાંચીમાં કે આફ્રિકા યુરોપમાં પોતાના વતનની યાદ કદી ન ભૂલે. કચ્છના પહેલાં વરસાદના સમાચાર સૌ લે અને વધામણાં કરે. ગુજરાતથી અલગ આષાઢી બીજના દિવસે તેઓ નવ વર્ષની ઉજવણી કરી એકબીજાનું અભિવાદન કરે. શિયાળાની ટાઢ અને ઉનાળાની ગરમી અહીં આકરી પડે. નર્મદાના પાણી નહોતા આવ્યાં ત્યાં લગી તો ઘણાં ગામો કાશ્મીરની જેમ ખારી ચા પીતાં. વલસાડના અનરાધાર વરસાદની સામે અહીં છાંટા પડે તો પણ લોકો રાજીના રેડ થઈ જાય. અહીં ઉનાળાની સાંજે પશ્ચિમથી વાતો મંદમંદ સમીર મનને પ્રસન્ન કરી દેતો. તનને ટાઢક હોય અને મનને પ્રસન્નતા પછી તે સાંજ હજી ચલતી રહે તેવો ભાવ સહજ થતો.
ભારતના નાના રાજ્યોથી મોટો કચ્છ જિલ્લો ઈઝરાયલ દેશ બરાબર ક્ષેત્રફળ ધરાવે છે. તેને અડકીને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ છે. કંડલા અને મુંદ્રા બે મોટા બંદરો ઉપરાંત જાણીતું જખો છે. રાત્રે જખૌના દરિયા કાંઠેથી કરાંચી બંદરની લાઈટો દેખાય. સિંધુ સંસ્કૃતિનું ધોલાવીરા છે. સફેદ રણની ચાંદની રોનક છે. ધોરડોના વ્યંજનો છે. કોટેશ્વર, નારાયણ સરોવર તીર્થો છે. સિંધુ નદીની નરા શાખા અહીં વહેતી ત્યારે ડાંગરની ખેતી થતી અને લાખ કોરીનો વેપાર કરતું લખપત ધીકતું બંદર હતું. ગુરૂ નાનકદેવજી અહીંથી મક્કાના પ્રવાસે ગયા હતા. જૈન તીર્થોમાં અહીં ભદ્રેશ્વર પ્રખ્યાત છે. માંડવીનો દરિયાકિનારો આહલાદક છે. માંડવીના ઘંઉ શક્તિવર્ધક અને ખડીર રાપરની બાજરીના રોટલા તો ખાવ અને ખૂટે. અહીંની ખારેક ખાઓ તો બીજી કોઈ ન અડકો. કેસર કેરી કચ્છની જૂનાગઢ અને વલસાડને પાછળ મૂકી દે. ડ્રેગન ફ્રૂટ હોય કે દાડમ, ફળોમાં કચ્છનો રસ ભળે એટલે મધુરા બની જાય. કચ્છનો પેલેસ, આયના મહેલ રજવાડી જીવનનો ઠાઠ બતાવે.
બ્રિટીશ સરકાર વખતે અહીં દેશી રજવાડાંનું રાજ હતું. કાચબા જેવા આકારવાળો આ પ્રદેશ ધોલાવીરાને કારણે સિંધુ ખીણ સંસ્કૃતિ સાથે પોતાનો ઈતિહાસ જોડે છે. મહંમદ ગઝનીએ ૧૦૨૫-૨૬માં સોમનાથ પર ચડાઈ કરી ત્યારે કહેવાય છે કે ગુજરાતનો નાથ ભીમદેવ-૧લો રાજધાની પાટણ છોડી અહીં કંથકોટમાં છૂપાયો હતો. કચ્છનું જાડેજા રાજની સ્થાપના સન ૧૧૪૭માં ચાવડાઓને હરાવી સિંધની સમાં જાતિના લાખા જાદાણીએ કરી હતી. તેની રાજધાની તેના જોડિયા ભાઈના નામે લખીરવીરો (નખત્રાણા) હતી. ઉત્તરાધિકારી તરીકે મોટા પુત્રની શાખા અને નાના પુત્રની શાખામાં તકરારો ઉભી થતાં નાની શાખાના જામ રાવલના પિતા લાખાજીનું લખીરવીરોમાં કતલ થતાં તેનો આરોપ લખીરવીરાના રાવ હમીરજી પર આવ્યો. જામ રાવલે સન ૧૫૩૭માં રાવ હમીરજીની હત્યા કરી બે દશક રાજ કર્યું. પરંતુ પછીથી હમીરજીના વંશજ રાવ ખેંગારજી-૧એ પોતાના અધિકારનું રાજ સન ૧૫૫૭માં જીતી લેતાં જામ રાવલે નવાનગર જઈ નવું રાજ સ્થાવવું. તેમના વંશજો જામનગર, રાજકોટ, ગોંડલ, ધ્રોલ, વીરપુરમાં વસ્યા. જ્યારે ખેંગારજીના કચ્છમાં ભૂજ રાજધાની બની. તેમના કુળદેવી માં આશાપુરા દેવી છે.
મેં કચ્છ કલેક્ટરનો હવાલો સંભાળ્યો ત્યારે નામમાત્રના રાજવંશના વારસ રાવ પ્રાગમલજી-૩ હતાં. તેઓને હું તેમના પેલેસ હાઉસમાં મળ્યો ત્યારે તેઓ મને મિલનસાર અને વિનમ્ર લાગ્યાં. તેમને પુત્ર સંતાન ન હોવાથી તેઓ તેમની મિલકતોના વાણિજ્યિક હેતુ ઉપયોગ માટે ખૂબ વિચારતાં અને તેમના પ્રોજેક્ટના લાંબી ચર્ચા કરતાં. તેમના પિતરાઈ કાકા હિંમતસિંહ મને નિયમિત કલેક્ટર નિવાસે આવી પખવાડિયે મહિને મળવાનું રાખતાં. મહારાવ કુટુંબના શિકારીભાઈ મને આદરપૂર્વક મળતાં અને કોઈક વાર રાજવી ટેસ્ટનાં અથાણાં લઈ આવતાં. કચ્છની વાતો કરતાં રામસિંહ રાઠોડને પણ યાદ કરવા પડે.
કચ્છ સરહદી જિલ્લો તેથી અહીં આર્મી, એરફોર્સ, બીએસએફ, આઈબી અને બીજી મહત્વપૂર્ણ કેન્દ્રીય સંસ્થાઓના મથકો. જેને કારણે આર્મીના બ્રિગેડિયર જે.પીં પાઠક, એરફોર્સના ભૂજ કમાન્ડના એર કોમોડોર જૈન, એરફોર્સ નલીયા કમાન્ડના એર કોમોડોર ત્યાગી,
બીએસએફ વડા મેનન, તેમના ડેપ્યુટી રાઠૌર વગેરે સાથે મારે મૈત્રીપૂર્ણ સંકલન સંબંધ રહેતો. તેમને ત્યાં get together હોય કે અમારે ત્યાં અમારે અરસપરસ અવરજવર રહેતી. મારે તેમને ત્યાં ડિનરમાં જવાનું થાય પહેલાં વિનંતી કરતો કે જમવાનું વહેલાં પીરસજો પછી તમ તમારે મોડી રાત સુધી મસ્ત રહેજો. ભારત સરકારની એજન્સીઓ સાથે મારી ઘનિષ્ઠ મૈત્રીનું એક કારણ મારા પુરોગામીના આર્મી સાથે ખાટા થયેલા સંબંધો હશે. બીએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ રાઠૌરે ડ્રાઈવિંગ અંગે આપેલી ટીપ્સ મને કાયમ કામ આવી.
ભૂજની નજીક માધાપર ગામ નજીક આર્મી કેન્ટોન્ટમેન્ટ અને તેમાં થઈ જવાનો લોકોને કાયમનો રસ્તો. આર્મીએ મારા પુરોગામીના સમયે એકવાર એ રસ્તો સદંતર બંધ કરી દીધો. કલેક્ટરે કહ્યું પણ આર્મી અધિકારીઓએ ન ગણકાર્યું એટલે કલેક્ટર પોતે ટ્રેક્ટર પર બેસી રસ્તો ખોલાવવા ગયા હતાં તેવી વાતો લોકો કરતાં. તેઓને પ્રવાસ અને ફોટોગ્રાફીનો શોખ તેથી તેમણે ત્રણ વર્ષ જેટલો લાંબો સમય એક મજબૂત યાદ તરીકે વિતાવેલ. કાસમ કલેકટરનો રસોઇયો. મારા પુરોગામીને વારેવારે ટાઈફોઈડ થાય પણ કારણ ન પકડાય. છેવટે કાસમનો ટાઇફોઈડ પકડાયો ત્યારે તેમનો મટ્યો.
મારા પુરોગામી સીટીસી પહેલેથી ભરી કદાચ વતનમાં નીકળી ગયા હતા પરંતુ તેમના પત્ની એકલાં રહે. વલસાડ અમે છોડી દીધેલું અને સરકીટ હાઉસમાં કેટલું રહેવાય? વળી ઉજ્જવલ ધવલની શાળાઓ શરૂ થાય તે પહેલાં તો ઘરમાં રહેવા જવું જ પડે. નસીબજોગે પુરોગામીએ ઘરનાં બે ભાગ કર્યા અને એક તરફના ભાગમાં તેમનો સામાન ખસેડ્યો અને એક તરફનો ભાગ અમને રહેવા આપ્યો. કલેક્ટર નિવાસ રજવાડા વખતનું ગેસ્ટ હાઉસ. બે બાજુ બે-બે રૂમો અને વચ્ચે રસોડું, ડાઇનિંગ અને બેઠક રૂમ. જમણી બાજુનું ઘર તો અમને છ મહિના પછી વાપરવા મળ્યું. પરંતુ છ મહિનામાં ડાબી બાજુની આદત એવી પડી હતી કે જમણી બાજુ પછી અતડી લાગવા માંડી. કમ્પાઉન્ડમાં આંબા, ગોરસઆંબલી, કોઠુંના ઝાડ. બગીચામાં એક ઝુમ્મર વેલ મને એવી તો ગમી કે અમદાવાદ પિતાજીને ઘેર લગાવી અને હાલ મારા ગાંધીનગર નિવાસે પણ છે. મકાનના દક્ષિણ દ્વારે રોડને અડકીને શિવજીનું મંદિર. શ્રાવણ મહિનામાં અને સોમવારે અમે શિવલિંગના દર્શન કરતાં અને પૂજારીના ખબરઅંતર પૂછતા.
કચેરીમાં બેસું ત્યારે મને ખ્યાલ હતો કે આપણે દેશી રજવાડાના ક્ષેત્રમાં છીએ અને કલેક્ટરનું સ્થાન અહીં સામંતી વારસ જેવું છે. કલેક્ટરના પટાવાળા તરીકે નાયક એક જોગીભાઈ. દેખાવે નીચા અને વૃદ્ધ જણાય. મને કહે સાહેબ હું નાયક તેથી રેન્ક મુજબ મને લાલ પટ્ટો મળે તે પહેરું? મને થયું નેકી ઓર પૂછપૂછ, એકલો પટ્ટો સારો ન લાગે, માથે પાઘડી અને પગમાં પોલિશવાળા કાળા બૂટ જોડી દો. કાકા ખુશ થઈ ગયા અને હું રહ્યો ત્યાં સુધી તેમણે તે યુનિફોર્મ જાળવી રાખ્યો. તેમની જોડે બીજા પટાવાળો સતુભા જાડેજા.
કચેરીમાં ભટ્ટીભાઈ હાજર હોય એટલે કલેક્ટરને કોઈ ચિંતા નહીં. તેમની મદદમાં વૈષ્ણવ પણ આજ્ઞાંકિત. આરડીસી જગદીશ પંડ્યા અને તે પછી આવેલા શંકરભાઈ પટેલ કચેરી સંભાળી લે. વર્ગ ૧-૨ ના અધિકારીઓ તેમની ક્ષમતા જેટલું કામ કરે. જિલ્લા વિકાસ અધિકારી તરીકે વસંતભાઈ ગઢવી અને પછી આવેલ સંજય નંદન તેમની જિલ્લા પંચાયત સુપેરે ચલાવે અને કલેક્ટર સાથે સંકલનમાં રહે. પ્રાંત અધિકારી તરીકે મારી પાસે નખત્રાણામાં સી. આર. ખરસાણ, ભૂજમાં એ.બી. પરમાર અને પછીથી નલીન ઉપાધ્યાય અને અંજારમાં દુષ્યંત દવે. ત્રણેય અસરદાર એટલે પ્રાંત અને તાલુકા કક્ષાના કામો તેઓ સુપેરે સંભાળી લેતાં. મામલતદારો કોઈ સારા, કોઈ મધ્યમ અને કોઈ નબળા પરંતુ જાહેર વહીવટમાં બધા ચાલી જાય.
બંગલે કાસમ રસોડુ સંભાળે. પાતળો નાનો અબ્દુલ કપડાંને ઈસ્ત્રી કરે અને નાના મોટા ટાંપા કરે. હુસેનભાઈ માળી બગીચો સંભાળે. મહમંદ રાત્રે આવે તે કમ્પાઉન્ડમાં આંટા માર્યા કરે. બે સિક્યુરીટી બંગલે રહે અને એક ગનમેન અશોક વાજા સાથે કચેરી અને પ્રવાસમાં સાથે રહે. શિફ્ટ લાંબી ચાલે તો બીજો આવી જાય. બધાં નિયમિત અને શિસ્તપાલનવાળા, કલેકટરની ગરિમાનું ધ્યાન રાખે. ડ્રાયવર તરીકે દામજી મકવાણા અને તેની સાથે કિશોર. બંને કુશળ એટલે જૂનાગઢના ડ્રાઇવરોની અકસ્માત કરવાની બીક જેવી બીક હવે ન રહી. ગાંધીનગર મિટિંગમાં જઈએ તો લાંબો પંથ કાપતાં કાપતાં થાકી જવાય. પરંતુ પાછા ફરીએ એટલે જાણે ઘેર જતાં હોઈએ તેવો હરખ જાગે.
મેં કચ્છનો હવાલો સંભાળ્યો ત્યારે અહીં અછત ચાલે. દાહોદ સબડિવિઝનમાં લાખ-દોઢ લાખ મજૂરો સંભાળ્યા હોય ત્યાં અહીંના અછત રાહત કામો સાવ સામાન્ય લાગે. પરંતુ મુખ્ય પ્રશ્ન ઢોરોને ઘાસચારાનો બંને. વિશાળ બન્ની પ્રદેશ અહીંનો ઘાસ વિસ્તાર જેમાં હજારોની સંખ્યામાં ગાય, ભેંસ, બકરાં, ઘેટાં નભે. રાજ્યમાં બીજા જિલ્લામાં અછત હોય તો અહીંની વીડીઓનું ઘાસ કામ આવે. સવારે કચેરીએ જાઓ તો બન્નીના માલધારીઓ જવાનો રસ્તો અને કચેરીનું નાકું બાંધીને બેઠા હોય. તેમનાં પ્રશ્નો સાંભળવા પડે અને ઉકેલવા પડે. પરંતુ અહીં અછત હોય ત્યારે ઘાસ મેળવવા જૂનાગઢ, ભાવનગર અને છેક પંચમહાલ સુધી નજર દોડાવવી પડે. પીવાનું પાણી એક વિશેષ સમસ્યા. જ્યાં સારા વર્ષમાં અઠવાડિયામાં બે-કે ત્રણવાર પાણી મળતું હોય તેવા ગામોમાં જો ટેન્કર ન પહોંચે તો ત્રાહિમામ થઈ જતો. મેં એક નિયમ રાખેલો. જે ગામની મોટી રાડ આવે કે ગામના નાકે બીજી સવારે મારી ગાડી ઊભી હોય. કચ્છની પ્રજાને તે અછતમાં ના કામની, ના ઘાસની કે ના પીવાના પાણીની તંગી પડવા દીધી.
તે વર્ષે અછત રાહત કામોની મુલાકાતે દેશના લીડર ઓફ ઓપોજીશન અટલ બિહારી વાજપેયી આવ્યા. ધોતી, ઝબ્બો અને બંડીની સાદગીમાં સજ્જ એક મોહક વ્યક્તિત્વ. હું નાનો હતો ત્યારે કટોકટીના વર્ષોમાં જ્યારે ૧૯૭૭ની ચૂંટણી જાહેર થઈ ત્યારે અમદાવાદ ખાનપુરની સભામાં તેમને સાંભળવા ગયો ત્યારે દૂરથી જોયેલા. આજે પ્રત્યક્ષ હતાં અને દિવસ દરમ્યાન તેમની સાથે વાતચીત કરવાનો અદ્ભુત મોકો. તેઓ અછત રાહતના અમારા કામથી સંતુષ્ટ થયા. કચ્છના વિકાસ માટે તે વખતે મારું રોમ રોમ અવાજ કરે. મેં કચ્છને ઈઝરાયલ સાથે સરખાવી તેને એક વિશેષ પ્રદેશ ગણી ઈઝરાયલના મોડલ પર જળ સંચય, સિંચાઈ, કૃષિ અને ઔદ્યોગિક વિકાસની રૂપરેખા સમજાવી. તેઓ એટલા તો રોમાંચિત થયા કે મને કહે, परमारजी, आप की कच्छ विकास की सोच उत्तम है. अपने को कच्छ देश का प्रमुख मानकर काम करो. અમે સાથે પ્રવાસમાં ગાંધીધામ ગયા. ત્યાં તેમને પરિચિત તેમના પક્ષના કોઈ સિંધી આગેવાન મળવા આવ્યા. તેઓ તેમની સાથે વાજપેયીજીની એક છબી લાવેલા અને અટલજીને વિનંતી કરી કે તેઓ તેમનો ઓટોગ્રાફ તેના પર આપે. અટલજીએ બે લાઈનો લખી જેમાં પહેલી મને કંઈક યાદ રહ્યું ढलती उम्र, बढ़ती परछाई, वो एक दौर था, आज नया दौर है. તેઓ જાણે તેમના જીવનપંથની યાત્રાને વર્ણવી રહ્યા હતા.
અહીં વરસાદ ઓછો પડે અને શહેરની વસ્તીને પાણીની તંગી ન પડે તેથી જે પણ વરસે તે બધું પાણી સંગ્રહ થાય તે રીતે પાણીના આવરાને જોઈ રાજાશાહીના વખતમાં તળાવોની રચના, તેના ઇનલેટ આઉટલેટ બનાવેલ. ભૂજનું હમીરસર તળાવ એટલે શહેરનું આભૂષણ. સહજાનંદ સ્વામી મહારાજ ભૂજમાં રહેલ અને હમીરસર તળાવમાં સ્નાન કરતાં તેથી તે પ્રસાદીના તળાવ તરીકે ઓળખાય. મને થયું લાવોને તળાવની સંગ્રહ શક્તિ વધારવા કંઈક કરીએ. મેં ધારાસભ્ય સહિત શહેરના આગેવાનો અને સ્વામિનારાયણ મંદિરના સંતોની બેઠક બોલાવી. મારી વાત રજૂ કરી અને હમીરસર તળાવના ખાણેત્રાના ફાળા પેટે મારો એક પગાર આપવાની જાહેરાત કરી. બેઠકમાં વીજળી દાખલ થઈ. ધારાસભ્ય પુષ્યદાન ગઢવીએ એમએલએ ગ્રાન્ટમાંથી ₹૧ લાખ લખાવ્યાં. પછી દાનનો પ્રવાહ શરૂ થયો અને એક કલાકમાં અમારી પાસે ₹૧૦ લાખ એકઠા થઈ ગયા. સ્વામીનારાયણ મંદિરના સંતોએ ખાણેત્રાના સુપરવિઝનની જવાબદારી લીધી. તેમના હરિભક્તોએ ડીઝલનો ખર્ચ નીકળે તેટલા દરે ટ્રેક્ટરો ખડકી દીધાં. સ્વયંસેવકો અને મજૂરોની લાઈન લાગી અને ખાણેત્રુ શરૂ થયું. ખોદકામમાં માટી નીકળતી કે અમે શહેરના રસ્તાઓની બંને બાજુ અને ખાડાઓમાં ઠાલવતાં. જોતજોતામાં હમીરસર તળાવની સંગ્રહ શક્તિમાં અંદાજે એક કરોડ લિટર પાણીનો વધારો કરી દીધો.
અસ્તિત્વને હું જીવંત જોતો તેથી સમૂહના સકારાત્મક સંકલ્પો સારા ફળ આપે તેવી મારી શ્રદ્ધા હતી. મેં ફરી તળાવમાં વિષ્ણુયાગ યજ્ઞ કરવાની ટહેલ નાખી. રાજપુરોહિત કુટુંબના હરેકૃષ્ણ ખેરા અમારાં પુરોહિત બન્યાં. યજમાન જોડાઓએ ખર્ચ ઉઠાવ્યો અને પૂજામાં બેઠા. ચારેબાજુ એક સકારાત્મક વિચારોનું વાતાવરણ બંધાયું. મેં ડીસીએફને એક લાખ રોપા તૈયાર રાખવા જણાવ્યું. સૌના આનંદ અને આશ્ચર્ય વચ્ચે તે વર્ષે (૧૯૯૪)માં સદીનો સૌથી વધુ વરસાદ નોંધાયો. નદી, નાળા, તળાવો બધું તરબતર થઈ છલકાયું અને કચ્છ અમારું આનંદના હિલોળે ચડ્યું. જ્યાં ૧૫-૨૫ રેઈની ડે નોંધાતા હોય તે મલકમાં ૭૫ રેઈની ડે નોંધાયા અને ભૂજ, નખત્રાણા, માંડવી જેવા ક્ષેત્રોમાં પાણીના તળ ખૂબ ઉપર આવ્યા. ભૂજમાં હમીરસર છલકાયું તે દિવસે આખું નગર ઘર છોડી તળાવે આવી ગયું. પરંપરા મુજબ બીજા દિવસે સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજા જાહેર કરી. હમીરસર ઉભરાય એટલે શહેરના પ્રથમ નાગરિક મેયર તેમની જમણાં હાથની કનિષ્ઠિકા (ટચલી આંગળી) નાં રક્તકણોથી તળાવનાં વધામણાં કરે. પરંતુ તે વર્ષે બધાને ભાવ થયો કે કલેક્ટર સાહેબે હેતે કરી ઘણું કામ કર્યું તેથી આ વર્ષે તેમના હાથે વધામણા કરીએ. પરંતુ એમ સીધું હાલે તો સમાજ ન કહેવાય. કેટલાક જાતિવાદી તત્વોએ ઊંબાડિયું કર્યું અને તળાવ વહીવટદાર તરીકે કામ કરતાં અમારા નાયબ કલેક્ટર બી. કે. ઠક્કરે વધાવ્યું. તેમના સંકોચને દૂર કરવાં મેં કાર્યક્રમમાં ગેરહાજર રહેવાનું પસંદ કર્યું. પછી તો અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉજવ્યો. ભૂજના બધાં રસ્તાઓને વાવેતરથી જડી દીધા. વૃક્ષની નજીક રહેનારને તેના રક્ષણ અને વર્ષાઋતુ પૂરી થાય પછી જળ સિંચનની જવાબદારી આપી. કેટલાં વૃક્ષો બચ્યાં તેની ખબર નહીં પરંતુ ભૂજના રસ્તાઓ પર અને હમીરસરની ફરતે ઊભેલાં ઘણાં વૃક્ષો અમારા કર્મયજ્ઞની સાક્ષી પૂરે છે.
એ વર્ષ સુરતમાં આવ્યો પ્લેગ (ઓગસ્ટ-ઓક્ટોબર ૧૯૯૪). એસ.આર.રાવ સાહેબે સુરત શહેર સફાઈ કર્યું પરંતુ ત્યાંથી પલાયન થઈ અમારા જિલ્લાના જે ઈસમો આવવા લાગ્યા તેનાથી અમારે સાવધાન થવાની જરૂર ઊભી થઈ. મારા ફીજીશિયન મિત્ર સિવિલ ભૂજના ડો કશ્યપ બૂચ અને જિલ્લાની ડોક્ટરો અને અધિકારીઓની ટીમ કામે લાગી. અમે વિષયને સમજાવતી, રોગ, રોગના લક્ષણો, સારવાર, રાખવાની તકેદારી વગેરે સાથે રેડિયો વાર્તાલાપ અને દ્રશ્ય શ્રાવ્ય કેસેટો તૈયાર કરી કેબલ ટીવી મારફત પ્રચાર કરવાનું શરૂ કરી દીધું. સદનસીબે અમે પ્લેગથી બચ્યાં.
આસો નવરાત્રિમાં આશાપુરા માતાના સ્થાનકે મેળો ભરાય. ગુજરાતમાં અંબાજીની જેમ હજારો લોકો પગપાળા દર્શન કરવા જાય. હું કાર લઈને ગયો. મને મચ્છરોએ ચાખ્યો. એકાદ બે અઠવાડિયામાં હું તાવમાં પટકાયો. લોહીના નમૂનાના સ્લાઈડ લીધી પરંતુ મેલેરિયા નેગેટિવ આવ્યો તેથી ડોક્ટર બીજી દવાઓ આપ્યા કરે. અહી તાન તૂટે નહીં. એક દિવસ થર્મોમીટરે ૧૦૪-૧૦૫નું રીડીંગ બતાવ્યું. તાન ન ઉતરવાથી અને ભોજન ન લેવાથી હું સાવ અશક્ત થઈ ગયેલો. તેમાં તાવની સ્પાઇક આવતાં મને મોત નજીક લાગ્યું. ચોરે તરફ અંધારું જણાય. કોઈ મળવા આવે તો તેમનો અવાજ સંભળાય. ડો કશ્યપ બૂચે ફરી સ્લાઈડ લેવડાવી. મેલેરિયા ફાલ્સીફેરમ પકડાયો. પછી તો તરત ઇંજેક્શન શરૂ થયા. મેલેરિયા વિરુદ્ધની દવાઓ શરીરમાં દાખલ થઈ અને હું બચ્યો.
ડિસેમ્બરમાં જિલ્લા, તાલુકા પંચાયત અને ગામ પંચાયતોની ચૂંટણીઓ આવી. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે અધિકારીઓની ટીમ સરસ હોવાથી સરળતાથી યોજી પાર કરી. પંચાયતી રાજની નવી ટીમ અમારા સંકલનમાં આવી.
મુખ્ય ચૂંટણી કમિશનર શેષાનના તાપનો એ જમાનો. ચૂંટણી ઓળખ કાર્ડ આવ્યા. ગામે ગામ અને વોર્ડે વોર્ડે જઈ મતદારોના ફોટા પડાવવાના અને મતદાતા સૂચિનો રેકર્ડ સુધારવાનો. રાજ્ય ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી ઓળખ કાર્ડનું છાપકામ કેન્દ્રીયકૃત કરી જિલ્લાઓને પ્રેસ ફાળવાયા. કચ્છને જામનગરનું પ્રેસ ફાળવ્યું જ્યાં જામનગરનું છાપકામ પહેલેથી ચાલતું હતું. પ્રેસ સ્થાનિક કલેક્ટરનું કામ પહેલું કરે તેથી અમે પાછળ રહીએ. તે કારણસર ગાંધીનગરમાં ઓળખ કાર્ડ છપામણી પ્રગતિની બેઠકમાં નાયબ રાજ્ય ચૂંટણી અધિકારી કૈલાસનાથન જોડે ચણભણ થઈ. મેં કહ્યું કે મને સ્વતંત્ર પ્રેસ આપો અથવા જામનગરનું કામ થોડા દિવસ અટકાવી મારો બેકલોગ પૂરો કરાવો. હું જામનગર જતો ત્યારે કલેક્ટર સંજયપ્રસાદને ઘેર જમતો. સદાવ્રત જેવું તેમનું ઘર. રસોઈઓ ડાઈનિંગ ટેબલ પર મોટો બાઉલ ભરીને પાલક પનીર મૂકી દે પછી જેને જેટલું ખાવું હોય તેટલું ખાય. સંગીતાને પાલક પનીર ખાતા જોઈ લક્ષ્મીને પાલક પનીરનો સ્વાદ જામી ગયો. આજે પણ પાલક પનીર બને ત્યારે સંગીતાને જરૂર યાદ કરે.
મુખ્યમંત્રી છબીલદાસ મહેતા અવારનવાર જિલ્લાની મુલાકાતે આવતા. તેઓ એક અમદાવાદ સાબરમતીના કોઈ પરંપરાથી તૈયાર થયેલ ઠાકોરનો કેમ્પ કરાવતાં. મહિલાઓને કમરમાં દુખાવો થાય તે આ ઠાકોર હાથથી ઠોકી દુખાવાવાળા બે મણકાનું અંતર વધારી મટાડી દેતાં. તે મહિનાઓમાં ડીએસપી પ્રમોદ કુમારની બદલી માટે એક વિશેષ ગ્રુપે બહુ બળ કર્યું. પરંતુ મારી ભલામણથી મુખ્યમંત્રીએ તેમની બદલી ન કરી. તે વર્ષે ચૂંટણી આચારસંહિતાને કારણે ૨૬મી જાન્યુઆરી ધ્વજવંદનનો કાર્યક્રમ કલેક્ટરનાં હસ્તે થયો. પરેડ સલામી બધું નિયમસર થયું પરંતુ કાર્યક્રમનો ચીફ ગેસ્ટનો પ્રોટોકોલ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને સોંપી પ્રમોદ કુમાર બેચનું વર્ષ ગણવા બેસી રહ્યા.
પછી આવી ફેબ્રુઆરી-માર્ચ ૧૯૯૫માં નવમી વિધાનસભાની ચૂંટણીઓ. અમારે અહીં આઠમી વિધાનસભાના ધારાસભ્યો ભૂજથી પુષ્પદાન ગઢવી, માંડવીથી સુરેશભાઈ મહેતા, અબડાસાથી તારાચંદ છેડા, અંજારથી નવીનભાઈ શાસ્ત્રી (કાયદામંત્રી), રાપરથી હરિલાલ પટેલ, મુંદ્રાથી પરબત સોધમની સરસ ટીમ હતી. નવમી વિધાનસભાની ચૂંટણીનું કામ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે મારે ભાંગ આવ્યું. છએ બેઠકોની મતદાર યાદીથી લઈને ચૂંટણી કરવાના સંશાધનો, વાહનો, અધિકારીઓ, કર્મચારીઓ, તેમની તાલીમો, આચારસંહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થા, ચૂંટણી, મત ગણતરી, પરિણામો, વગેરે કામગીરી તેના સમયપત્રક મુજબ પૂરી કરવાની. જિલ્લાનો વિસ્તાર ખૂબ મોટો. ત્રણ-ચાર જિલ્લા ભેગા કરીએ તેવો. દુર્ગમ વિસ્તારો જ્યાં રોડ રસ્તા ન હોય, રણ પ્રદેશ હોય ત્યાં પરિવહન માટે ઊંટને ઉપયોગમાં લેવા પડે. અમે તે કામ સફળતાપૂર્વક પાર પાડ્યું. ધારાસભ્યોની ટીમમાં થોડા ફેરફાર થયા. અબડાસાથી નીમાબેન આચાર્ય ચૂંટાયા. ભૂજથી મુકેશભાઇ ઝવેરી આવ્યા. અંજારથી વાસણભાઈ આહીર ચૂંટાયા. રાપરથી બાબુભાઈ મેઘજી શાહ જીત્યા. જૂનામાંથી સુરેશભાઈ મહેતા અને પરબત સોધમ બીજીવાર ચૂંટાઈ આવ્યા. પુષ્પદાન ગઢવી પછીથી ૧૯૯૬માં સંસદસભ્ય તરીકે ચૂંટાયા.
વિધાનસભાની ચુંટણીઓમાં સત્તાપક્ષ કોંગ્રેસની (૪૫) હાર થઈ. છબીલદાસ મહેતાએ રાજીનામું આપ્યું અને કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પક્ષની (૧૨૧) સરકાર બનાવી. કચ્છમાંથી સુરેશ મહેતા નંબર ૨ તરીકે ઉદ્યોગ મંત્રી બન્યા. જેવી નવી સરકાર બને અને સત્તાપક્ષ બદલાય એટલે અધિકારીઓની બદલીઓનો દોર શરૂ થાય. મારા સદનસીબે મુખ્યમંત્રી કેશુભાઈએ તેમનો પહેલો પ્રવાસ કચ્છ બોર્ડર એરિયાની મુલાકાતનો ગોઠવ્યો. હું તેમની સાથે રહ્યો એટલે સરકારી વાતચીત પૂરી થાય એટલે અંગત વાતોમાં દાખલ થયો. તેમણે રાજકોટમાં કોલસા તોલવાના તોલાટ તરીકે શરૂ કરેલી તેમની કારકિર્દી કેવી રીતે તેમની સેવાકીય ભાવના અને કર્મઠતાથી આગળ વધી તેની ગાથા ગાઈ. તેઓ જ્યારે વાજપેયી અને ખાસ કરીને લાલકૃષ્ણ અડવાણી આવે ત્યારે પોતે ડ્રાઈવર થઈ તેમની જીપ હંકારતા તે ઘટનાઓ વર્ણવી. એ સમયે કચ્છના ઔદ્યોગિક વિકાસ માટે સરકારનું ધ્યાન. કચ્છમાં સીમેન્ટ ઉદ્યોગને ૧૦૦ વર્ષ ચાલે તેટલો ચૂનો. સાંઘી સિમેન્ટની દરખાસ્ત પાછલી સરકારમાં ચાલી જેમાં આવનાર કંપનીને જમીન લાંબી લીઝ પર આપવાની કાર્યવાહી ચાલતી હતી. મને તેમાં સરકારનું અહિત જણાતા મુખ્યમંત્રીના કાને જાહેર સાહસ બનાવી સંયુક્ત સાહસ તરીકે પ્રોજેક્ટ હાથ ધરવા સૂચવ્યું. પરંતુ ઉદ્યોગ મંત્રી કચ્છના તેથી તેમનો અભિપ્રાય જાણ્યો હશે. ખનીજો ભરેલી જમીનો સાંઘી સિમેન્ટને મળી. મુખ્યમંત્રી મારા કામથી ખુશ હતાં અને ધારાસભ્યોની કોઈ વિશેષ ફરિયાદ ન હોઈ બીજા જિલ્લા કલેક્ટરો બદલાયા પરંતુ મને અને ડીએસપી પ્રમોદ કુમારને તેમણે કચ્છમાં ચાલુ રાખ્યા. સુરેશભાઈનો આગ્રહ ન સ્વીકારાતા તેઓ અમારાથી અને મુખ્યમંત્રીથી નારાજ થયા.
તે વખતે આર્મી, એરફોર્સ, બીએસએફની કંપની અને પાર્ટીઓ એક જુદો કેફ આપે. વિધાનસભાની ચૂંટણીઓ પતી એટલે અમને હળવા કરવાં અબડાસા નલીયા એરબેઝના હૂંફાળા એરકોમોડોર ત્યાગીજીએ પિંગલેશ્વરના ગોલ્ડન સેન્ડ માટે જાણીતા બીચ પર એક સાંજે ડિનર પાર્ટી રાખી. ડીએસપી અને હું પરિવાર સાથે જોડાયા. તેમને ડ્રિંક્સ પાર્ટી ચાલે તેથી હું તેમનાથી થોડેક દૂર ઉજ્જવલને લઈ દરિયા તરફ જઈ ઊભો રહ્યો અને લક્ષ્મી ધવલને લઈ મહિલાઓ જૂથમાં જોડાઈ ગઈ. દરિયામાં હજી ભરતી આવવાની તૈયારી થતી હશે પરંતુ ધીમે ધીમે અંધારું આવી રહ્યું હતું તેથી હું ઉજ્જવલની આંગળીઓ મારી આંગળીઓમાં ભરાવી મોજાંનું પાણી આવે ત્યાં સુધી અમે આગળ ગયા. અચાનક મોજાં મોટાં થવા લાગ્યા અને હજી અમે કંઈ વિચારીએ તે પહેલાં મોટા મોટા બે મોજાં આવી અમને તેમની લપેટમાં લઈ લીધા. મારા પગ નીચે રેતમાં લાગેલા પરંતુ ઉજ્જવલ જમીન પરથી ઉખડી ગયો અને દરિયાના પાણીમાં ખેંચાવા લાગ્યો. તેની આંગળીઓ મારી આંગળીઓમાં ભરાયેલી તેટલી જ પકડ રહી. જો જરાક વધુ બળથી દરિયો ખેંચે તો ગયો. હું પણ પાણીમાં ગળાડૂબ, આંખ આગળ પાણી સિવાય કશું ન દેખાય. હું ચેત્યો, સમય સમજ્યો અને બીજો હાથ ઝડપથી ઉપાડી ઉજ્જવલની તરફ ફેલાવી તેને ખેંચી છાતી સાથે ભીડી પહેલાં સલામત કર્યો. પછી દરિયાલાલને મનોમન પ્રાર્થના કરી કે હે દેવ, મારો પુત્ર તો તને નહિ આપું. તારે જોઈએ તો અમે બંને આહુતિ માટે તૈયાર છીએ. એટલું મનમાં બોલતાં જ ધબાક દઈ દરિયાનું પાણી નીચે ઉતરી ગયું. ત્યાં સુધી દૂરથી કંઈ મુશ્કેલી છે તેવું જણાતા પ્રમોદ કુમાર દોડીને આવ્યા. અમે કિનારે આવ્યા. ઉજ્જવલે તે દિવસે તેના નાનાએ આપેલી સોનાની ત્રણ-ચાર રતીની એક સોનાની વીંટી પહેરી હતી. તેના હાથમાં જોયું તો દરિયાએ તે વીંટી લઈ અમને જીવતદાન આપ્યું હતું.
સન ૧૯૯૫ના વર્ષમાં લગનસરાનો વૈશાખનો મહિનો આવ્યો. ભૂજ નજીક પટેલ ચોવીસીના ગામમાં દેવજી કરસન પટેલ નામનો એક સ્વામીનારાયણનો ભક્ત વચનામૃત વાંચે. તેની દીકરી તેણે બળદિયામાં પરણાવેલી. દીકરીના દિયરના લગ્ન. બે વેવાઈઓ વચ્ચે કોઈ બાબતે વાંકું પડ્યું તેથી દેવજીને લગ્નનું આમંત્રણ ન મળ્યું. અહીં વેવાઈને ત્યાં ઢોલ વાજિંત્ર સાથે જાન નિકળવાનો આગલો દિવસે ફૂલેકું ફેરવ્યું. વર, તેના ભાઈ-ભાભી, મિત્રો, સગા, બધા વાજતે ગાજતે ગામની કે પછી એક શેરીઓ પસાર કરતાં દેવજીની શેરીમાં આવી ગયા. દેવજીએ વચનામૃતની કોઈ લાઈન અંડરલાઈન કરી. એક ચિઠ્ઠી બનાવી તેમાં તેને ટાંકી તેના અર્થનો અનર્થ કર્યો. તેણે તેના ડેલાનો પતરાંનો દરવાજો બંધ રાખ્યો હતો પરંતુ એક મોટો કેરબો ભરી કેરોસીન લાવી દરવાજાના ખૂણે રાખી દીધું હતું. સંધ્યા ટાણું હશે. જેવું ફૂલેકું તેના ડેલે આવ્યું અને બધાં જ્યારે વાજિંત્રોના અવાજમાં નાચગાનમાં મસ્ત હતાં ત્યારે તેના ડેલાની દિવાલ પરથી કેરોસીનનો કેરબો તેણે વર અને તેના મિત્રો, કન્યાઓ બેઠા હતાં તે બળદગાડા પર ઠાલવી આગ ચાંપી દીધી. હાહાકાર મચી ગયો.વર સહિત ૨૩ જણ મરીને ભળથું થઈ ગયા. કેટલાય દાઝી ગયા. દેવજીનો જમાઈ માર્યો ગયો અને દીકરી ગંભીર દાઝી ગઈ. લગ્નગીતો મરસિયામાં પલટાઈ ગયા. મૃતકો અને દાઝેલાંઓને ભૂજ જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા અને જેઓ બચ્યા તેમની સારવાર શરૂ કરી અને વધારે બર્નવાળાને અમદાવાદ ખસેડ્યા. આ તરફ દેવજી રાતના અંધારાનો લાભ લઈ સાયકલ પર ભાગ્યો. પોલીસે આખી રાત શોધખોળ કરી. સવારે તે એક કૂવામાં પડી આત્મહત્યા કરેલી તેમાંથી તેની લાશ કમળી. તેના ઘેર સ્વામીનારાયણ વચનામૃતની એ ખુલ્લું પુસ્તક, તેના પરની કોઈક શિક્ષા કરવાની લાઈન પર રામજીએ પેનથી કરેલી અંડરલાઈન અને પોતાની લગ્નમાં આમંત્રણ ન આપવાથી અપમાનની મનોદશામાં કરેલું કૃત્યની ચિઠ્ઠી મારી સામે આજેય પ્રશ્ન ચિહ્ન ખડો કરી દે છે. ધાર્મિક અંધશ્રદ્ધાનું આવું ભયાનક પરિણામં તે દિવસે ભૂજ જનરલ હોસ્પિટલમાં મરેલાં માણસોનાં મળદાં અને તેમનાં બળેલાં શરીરની વાસથી મારો અંતરાત્મા કમકમી ઉઠ્યો. આજે પણ તે દ્રશ્ય અને બળેલા માનવ શરીરોની એ ગંધ યાદ આવતા મન ગ્લાનિથી ભરાઈ જાય છે.
હું હવે એક પછી એક કામના લોડથી થાકવા લાગ્યો. બળધિયાની ઘટનાએ મને આંતરિક હચમચાવી મૂક્યો. આ બધું શા માટે? વળી સુરેશભાઈ મહેતાનું મન કળવું હવે મને અઘરું થવા લાગ્યું. હું લક્ષ્મીને કાયમ કહેતો કે નોકરી મારી પહેલી પત્ની તેથી મને સરકારી કામમાં બાધક ન થવું અને ઘર પરિવાર પોતાની મેળે સાચવી લેવા. બે બાળકો હવે મોટા થઈ રહ્યા હતા. જિલ્લાઓની નોકરીમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવામાં ઉજ્જવલ-ધવલની વારેવારે શાળાઓ બદલાવાથી તેમના શિક્ષણને માઠી અસર થઈ હતી. ધવલને દિપ્તી સોની નામની ટ્યૂશન ટીચર મળી એટલે તેની ગાડી તો પાટા પર ચડી પરંતુ ઉજ્જવલ આઠમું પાસ થયો પરંતુ મને તેની શિક્ષાથી સંતોષ નહોતો. મને તેના ભાવિ જીવનની ચિંતા થવા લાગી. વળી તે પિંગલેશ્વર દરિયા કિનારાની દુર્ઘટનાથી બચ્યો પછી મારું ધ્યાન તેના તરફ વિશેષ જવા લાગ્યું. મેં મિત્રોની સલાહ લીધી અને આઠમું રીપીટ કરી ભણવા રાનીખેતની જીડી બિરલા મેમોરિયલ શાળામાં દાખલ કરી દીધો. તેની ઉંમર ત્યારે તેર વર્ષની. કલેક્ટરની નોકરીમાં જવાબદારીઓ વચ્ચે રજા ક્યાંથી લેવાય? અમે સાહસ કર્યું. ઉજ્જવલને અમદાવાદ ટ્રેન સુધી મૂકવા જવાનું અને ત્યાંથી તેણે એકલા જવાનું નક્કી કર્યું. એક પાના પર અગત્યના નંબરો લખી તેનો ઉપયોગ સમજાવી દીધો. પ્રવાસ ખર્ચ માટે નાનકડી રકમ આપી. જીડી બિરલા સ્કૂલના આચાર્ય રાજીવને તેના પ્રવાસ આયોજનની ફોન દ્વારા ખબર કરી. તેની ટ્રેન ટિકિટ લીધી. તેની બેગ, લગેજ, ટિફિન તૈયાર કરી આપી અમે તેને અમદાવાદ રેલવે સ્ટેશને મૂકવા ગયા. પછીની મુસાફરી તેણે એકલાંએ કરવાની હતી. મેં તેને સમજણ પાડી કે દિલ્હી રેલવે સ્ટેશને ઉતરી કેવીરીતે બસ અડ્ડા તરફના દરવાજા તરફથી બહાર નિકળવાનું અને બસ અડ્ડેથી રાનીખેત માટેની ઉત્તરાખંડ મંડલ વિકાસ નિગમની બસ પકડી તેમાં બેસી જવાનું. પછી રાનીખેત આવે ત્યારે જ ઉતરવાનું અને ઉતરીને તરત પીસીઓ પર જઈ પહોંચી ગયાનો મને ફોન કરવો. પછી સ્થાનિકેથી જે સાધન મળે તે કરી જીડી બિરલા મેમોરિયલ સ્કૂલ પહોંચી, રીપોર્ટ કરી, સામાન મૂકી મને ફરી ફોન કરવો. ઉજ્જવલે તેની ચતુરાઈ અને હિંમત પૂરવાર કર્યા. વિના વિધ્ને તે દિલ્હી પહોંચ્યો, ત્યાંથી બસ અડ્ડેથી બસ પકડી રાનીખેત પહોંચ્યો અને તેનો રાનીખેતથી ફોન આવ્યાની ઘંટી રણકી એટલે મને હાશ થઈ તથા પુત્ર પર ગર્વ થયો. ઉજ્જવલ પછીથી રાનીખેત આઠમું અને નવમું બે વર્ષ ભણ્યો પરંતુ હોસ્ટેલ જીવન તેને માફક ન આવ્યું એટલે ધોરણ-૧૦મા પછીથી તેને ગાંધીનગર પાછો બોલાવી લીધો.
ઉજ્જવલના રાનીખેત ગયા પછીની જુલાઈ મહિનાની વાત છે. કચ્છ ટાઉનહોલમાં કોઈ એક સાર્વજનિક કાર્યક્રમમાં સુરેશભાઈ મહેતા અને હું અગલબગલમાં બેઠા હતા. ત્યાં ગાંધીનગર બહુમતી સરકાર છતાં પક્ષમાં આંતરિક મતભેદોને કારણે કેશુભાઈ સરકારની અસ્થિરતાની વાતો ચાલતી. મારા ખાનગી સર્કલમાં હું જ્યોતિષ જાણું તેવી ખબર. હળવાશની એ પળોમાં સુરેશભાઈએ મને પૂછયું કે તમને આ રાજકીય પ્રવાહમાં કેવું લાગે છે? મેં તેમને તેમની જન્મ તારીખ, સ્થળ અને સમય પૂછ્યા. અભ્યાસ હતો તેથી અંદાજિત કુંડળી માંડી. ગ્રહોના ગોચરને જન્મના ગ્રહો સાથે મેળવી જોયું અને આકસ્મિક લાભના ઉદયના ગ્રહો જણાતા સૂચવ્યું કે તેઓ નંબર -૨ હોવાથી ઓક્ટોબર મહિનાની આસપાસ મુખ્ય મંત્રી તરીકે શપથ લેવાની તૈયારી કરો. ભવિષ્યવાણી અંતરિક્ષમાં ચાલી ગઈ.
મારી લોકપ્રિયતાનો ગ્રાફ ચડતો ગયો અને નવા ધારાસભ્ય નીમાબેન આચાર્ય તો ઉત્સાહિત થઈ જાહેરમાં કહેતા કે પરમાર સાહેબ કચ્છમાંથી ચૂંટણી લડે તો આરામથી જીતી જાય. પરંતુ આવી સફળતાની ક્ષણે મારો હાથ મધપૂડામાં પડી ગયો. તે વખતે મારે બે કારણોસર રાજકીય લોકો સાથે ઘર્ષણમાં આવવું પડયું. અમારા જિલ્લા પુરવઠા અધિકારી ભાસ્કર ભટ્ટ પર મારે કડક થવું પડ્યું. જિલ્લામાં પેટ્રોલ ડીઝલમાં મોટી ભેળસેળ ચાલે. પુરવઠાની ફરિયાદો આવે તો તેની તપાસ કરવા કરાવવાના બદલે બહાના બતાવે. પંચમહાલ જિલ્લાનો ખેલ મેં જોયેલો હતો. ચેતવણી છતાં તેમના વલણમાં ફેરફાર ન થતા જિલ્લા પુરવઠા અધિકારીના બધાં પુરવઠા નિરીક્ષકો મેં ત્રણ પ્રાંત અધિકારીઓના હવાલામાં મૂકી દીધા અને પ્રાંત અધિકારીઓના સુપરવિઝન હેઠળ પુરવઠાની ફરિયાદો અને ગેરરીતિની તપાસો હાથ ધરી. ભાસ્કરે સાંસદ અનંતભાઈ દવેને હાથ પર લીધા. બીજી તરફ લખપતમાં એક પેટ્રોલ પંપની તપાસમાં ભેળસેળની મોટી ચોરી પકડાઈ. પેટ્રોલપંપના માલિકના સંબંધો સંસદસભ્ય હરિલાલ પટેલ સાથે તેથી તે સામે આવ્યા. ત્યાં વળી આવી ભૂજની જમીનની એક રામાયણ. સાંથણીમાં એક દલિતને ફાળવેલ જમીન શરતભંગ કરી બીજાને વેચાઈ ગયેલી તેનું પ્રીમિયમ નક્કી કરી બિનખેતી મંજૂરી આપવાની હતી. તે જમીનમાં અનંતભાઈ કે તેમના કોઈ નજીકના માણસનું હિત હશે. તેઓએ આખરી હથિયાર ઉપાડ્યું, કલેક્ટર બદલીએ. મને ખબર કે મુખ્યમંત્રી મારા પક્ષે છે તેથી જ્યાં સુધી સુરેશભાઈ નહીં કહે ત્યાં સુધી ચિંતા નથી. જિલ્લા આયોજન મંડળની બેઠક હતી. સુરેશભાઈ અધ્યક્ષ તેથી તેઓ આવ્યા. સરકીટ હાઉસમાં બેસી બધી માંડીને વાત સમજાવી. તેમણે ખાતરી આપી કે તેમને સંતોષ છે અને હવે કોઈ વિરોધ નથી. મેં જિલ્લા પુરવઠા અધિકારીના નિરીક્ષકોને પ્રાંતના સીધા સુપરવિઝનથી મુક્ત કર્યા. તે દિવસની આયોજન મંડળની બેઠક ખૂબ ઉત્સાહથી ચલાવી. રાજ્યસભાના સભ્ય અનંતભાઈને આશ્ચર્ય થયું કે આ કલેક્ટર તો હવે જવામાં છે તોય કેવડો ઉત્સાહ. તેમણે કોમેન્ટ કરી કે પરમાર સાહેબ આજે તો બહુ ફોર્મમાં છો. સુરેશભાઈ કંઈ ન બોલ્યા. ૧૫ ઓગસ્ટનો ધ્વજવંદન કાર્યક્રમ નજીક આવી રહ્યો હતો. તેઓ ગાંધીનગર ગયા અને મારો બદલી હુકમ આવી ગયો. પુષ્પદાન ગઢવીને મારા પ્રત્યે ખૂબ લાગણી પરંતુ હવે તે ધારાસભ્ય ન હતા. તેમના પુત્રને માઈનીંગ લીઝનો લાભ થયો હતો પરંતુ તેમની ત્રણની ત્રિપુટી (સુરેશભાઈ, અનંતભાઈ અને પુષ્પદાન) હોય ત્યાં ચૂપ. જેવું જેટલું જેનું અન્ન જળ પાણી. મેં ચાર્જ આગંતુક અધિકારીને સોંપી ગાંધીનગર પ્રયાણ કર્યું. ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં જાહેર આરોગ્યની શાખાઓનો હવાલો રાજેશ કિશોર પાસેથી સંભાળી હું અશોક ભાટિયા સાહેબની આરોગ્ય ટીમમાં દાખલ થયો.
ગાંધીનગરમા શંકરસિંહ બાપુ વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેથી મુખ્યમંત્રી બનવાની મનોકામના, પરંતુ ન બની શક્યા. મંત્રીમંડળની રચનામાં તેમની પૃચ્છા ન થવાથી અથવા ઓછી થવાથી નારાજ. તેમાં વળી તેમના પરામર્શ વિના બોર્ડ કોર્પોરેશનના ચેરમેનની નિમણૂકના સમાચારે આગ પર ઘીનું કામ કર્યું. અસંતોષને ચિનગારી લાગી. અહીં એક તરફ રાજ્યમાં વિકાસ માટે વિદેશી મૂડીરોકાણ મેળવવા મુખ્યમંત્રી કેશુભાઈ મંત્રીઓનું એક ડેલિગેશન લઈ વિદેશ પ્રવાસે ઉપડ્યા અને બીજી તરફ શંકરસિંહ વાઘેલા તેમના ૪૮ સમર્થકો લઈ ખજૂરાહો પહોંચી ગયા. ગુજરાત ભાજપ ખજૂરિયા અને હજૂરિયામાં વહેંચાઈ ગયુ. જે બેમાંય ન દેખાય તે મજૂરિયા કહેવાયા. કેશુભાઈ સાથે ડેલિગેશનમાં રાજ્ય કક્ષાના મંત્રી વિપુલ ચૌધરી. તેઓ ત્યાંની ખબર ગાંધીનગર આપે અને ગાંધીનગરની ખબર લેતા રહે. ખેલ બરાબર ચાલ્યો અને છેવટે અડવાણી-વાજપેયીની મધ્યસ્થીથી સમાધાન થયું. કેશુભાઈએ રાજીનામું આપ્યું. શંકરસિંહને મુખ્યમંત્રી તરીકે ન સ્વીકાર્યા અને બંને પક્ષનો વિરોધ ન હોય તેવા સુરેશભાઈ મહેતાને મુખ્યમંત્રી પદ મળ્યું. બરાબર ઓક્ટોબર ૧૯૯૫માં.
સુરેશભાઈએ તેમના મિત્ર સાંસદ અનંતભાઈ દવેના કહેવાથી મારી કચ્છ કલેક્ટરમાંથી બદલી કરાવેલી તેથી હું તેમનાથી નારાજ. છતાં સત્તા આગળ શાણપણ નકામું એમ માની તેઓના નામની મુખ્યમંત્રી તરીકે જાહેરાત થતા હું તેમને અભિનંદન આપવાં તેમના નિવાસે ગયો. ત્યાં વિપુલ ચૌધરી અને બીજા ધારાસભ્યો હાજર. વિપુલે વાત ઉપાડી કે આ પરમાર સાહેબ તો ગજબનાં જ્યોતિષ છે, મારી જે વાત કરી તે સાચી નીકળી. સુરેશભાઈ મારી સામે જોઈ રહ્યા અને હસ્યા. અમારી ટાઉનહોલની ચર્ચા તાજી જ હતી. તેઓએ મંત્રીમંડળની રચનાનું મુહુર્ત પૂછયું. મેં મુહુર્ત કાઢી તે સમયમાં શપથવિધિ પતાવી લેવા આગ્રહ કર્યો. મંત્રીઓની સંખ્યા અંગે પણ સૂચન કર્યું. તેમણે બંને બાબતો સ્વીકારી તે મુજબ અમલ કર્યો. પરંતુ શપથવિધિના દિવસે કોઈ ધારાસભ્યને લેવા ન લેવાની ચર્ચા વચ્ચે રાજ્યપાલશ્રીને આવવામાં વિલંબ થયો. શરૂઆતના મંત્રીઓએ મારા મુહુર્ત સમયમાં શપથ ગ્રહણ કર્યા અને કેટલાક પાછળ રહી ગયા. અમે સાંજે ફરી તેમના ઘેર ગયા. વળી પાછા પહેલી બેઠકમાં હતાં તે બધા હાજર અને મહેસાણાના અરવિંદભાઈ પટેલ પૂછી બેઠા, પરમાર સાહેબ, આ સરકાર કેટલી લાંબી ચાલશે? મેં જવાબ આપવાનું ટાળ્યું પરંતુ અતિ આગ્રહ થતાં મારાથી બોલી પડાયું માંડ એક વર્ષ. જેણે મુહૂર્ત બહાર શપથ લીધા તે નિમિત્ત બનશે. શંકરસિંહ બાપુ ફરી ત્રાટક્યા. પાર્ટી તોડી નવો પક્ષ બનાવ્યો. ટૂંકા સમય માટે રાષ્ટ્રપતિ શાસન આવ્યું અને કોંગ્રેસના ટેકાથી બાપુએ સરકાર બનાવી મુખ્યમંત્રી બન્યા. સત્તા કાલ જતી હોય તો આજે જાય, જૂત્તે મારી. બાપુનો રીએક્ટીવ સ્વભાવ તેમને નડ્યો અને તેમને પણ એક વર્ષમાં જવું પડ્યું.
કચ્છમા મારે અધિકારી વર્ગ ઉપરાંત મિત્રવર્તુળ સરસ બન્યું હતું. નાનકડી ઓફિસર્સ ક્લબ પરંતુ નાના નાના સંગીત સંધ્યા કે કવિ સંમેલન કરવા કામ આવે. જિલ્લા પંચાયતના મેડિકલ ઓફિસર ડો રોહિત શ્યામ ચતુર્વેદી અને ડો કશ્યપ બુચ મારા મિત્રો બન્યા. ડો ચતુર્વેદી કવિતા વાંચન કરે અને તેમનો પુત્ર અક્ષતવિશાલ મિમિક્રી કરે અને મિથુન ચક્રવર્તીના અવાજની નકલ કરે. ડો. ચતુર્વેદીએ મારા યજ્ઞોપવિત સંસ્કાર પણ કરેલાં. ડો કશ્યપ બુચ ફીજીશિયન તરીકે ઉત્તમ જ્ઞાન ધરાવે. એનાટોમી ફીજીયોલોજી મોઢે અને દવાઓ તો લાંબુ લીસ્ટ બની જાય. તેમનાં પત્ની સ્ટેલા ઉત્તપમ સારા બનાવે અને આગ્રહ કરી ખવડાવે. નાનકડી મીમાંસા આજે તો કચ્છની youngest cardiologist છે પણ ત્યારે ગોદીમાં બેસી રમતી. ડો. મીસીસ રાજારામ કેમ ભૂલાય? જાપાનીઝ પરંતુ સિરમોર ભારતીય અને જાજરમાન વ્યક્તિત્વ. તેમની પરોણાગત ઉત્તમ. તેમની જોડે જમી અને વાતો કરવાનો મને આનંદ આવતો. શરદ ભટ્ટ અને શહેરના બીજા યુવાનો ઓર્કેસ્ટ્રા ચલાવે. ક્યારેક કલેકટર બંગલે કે ક્યારેક ટાઉનહોલમાં સંગીતની સરગમ માણવામાં તેમનો સહયોગ રહેતો. શહેરમાં કન્યા શિક્ષણની એક સંસ્થા સરસ ચાલતી. તેમના માણેકલાલ ગાંધી ગોળના લાડુ ખવડાવે તેને યાદ કરું તો આજેય તે સ્વાદ મોઢામાં આવી જાય છે. કાશ્મીર મૂળના અને કચ્છી ઠક્કર કન્યાને પરણેલા પંડિત દીનાનાથ જોડે મારે કાશ્મીરની ભૂગોળ ઈતિહાસ સમજવા તથા તેમની બે પુત્રીઓ અર્ચના અને બીના સાથે લક્ષ્મીને ફાવતું. અર્ચના ત્યારે સૃજનમાં કામ કરતી અને કચ્છી ભરતકામ, તેની ખૂબીઓ, વિવિધતાની સુંદર જાણકારી લક્ષ્મીને આપતી. પછીથી તેને જિલ્લા કોર્ટમાં નોકરી મળી ગઈ હતી અને નાની બીના શિક્ષિકા બની હતી. કીર્તિભાઈ ભાનુશાળી અને તેમના પત્ની એક પ્રેમાળ દંપતી. તેમનાં પત્ની તો ન રહ્યાં પરંતુ કીર્તિભાઈ સાહેબ તમે આવો ને, તમે આવો ને, રાજીપો વ્યક્ત કરી ફોન કરે અને યાદ કરે. ડો કમલના આંતરજ્ઞાતીય લગ્ન બચાવવા મદદ કરી હતી. તે અને તેનું કુટુંબ આદરભાવ રાખે છે. જથમની સાઉથ ઈન્ડિયન ડીસો માંગો ત્યારે મળતી. પ્રિન્સના પનીર ટિક્કા વલસાડના દારાના સ્વાદની બરોબરી ન કરે પરંતુ તોય સ્વાદિષ્ટ તેથી બાળકોને વારેવારે ખાવાનું મન થાય. કચ્છી જૈન મહાજનોને કેમ ભૂલાય? મુંબઈવાળા રવિભાઈ, શાંતિભાઈ મેકોની, દામજીભાઈ એન્કરવાલા, વીઆઈપી બેગવાળા સુમતિભાઈ વગેરે આજે પણ યાદ છે. બેલારપુર ઈન્ડસ્ટ્રીઝના જનરલ મેનેજર દેવેન્દ્રસિંહ ઝાલાએ બાંધેલો મૈત્રીનો પરિચય આજે પણ પ્રેમથી જળવાઈ રહ્યો છે. હવે તો તેમનો દેવ સોલ્ટ નામે મોટો મીઠા ઉદ્યોગ છે. મુંબઈના મિત્રો ધરમ પટેલ, ભચુભાઈ વગેરે આજે પણ મુંબઈ જઈએ તો એટલાં જ પ્રેમ અને ઉત્સાહથી મળે, ફેરવે અને જમાડે. ભાનુશાળીઓ પિઠુભાઈ અને તેમનું પરિવાર, આસુભાઈ, વલસાડ રહેતા અશોકભાઈ ભાનુશાળી, હર્ષદભાઈ કટારિયા આજે પણ સંબંધ સાચવે. ગાંધીધામના રમેશભાઈ શાહ ચૂક્યા વિના પ્રસંગ તહેવારે શુભકામનાના સંદેશ મોકલતા રહે. નખત્રાણાથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમલેશ બ્રહ્મક્ષત્રિય મારા કોલેજના સહાધ્યાયી. તેમના બા પુત્ર જેમ પ્રેમ કરે અને ભાઈઓ ભાઈ બનીને રહે. રાપરના જયેશભાઈ, હેમેન્દ્રભાઈ, નીતિન ઠક્કર અને તેમનો ભાઈ મુકેશ, હાકલ કરોને ઊભા રહે અને જે કામ આપો તે કરે.
કચ્છના કારીગરો કેમ ભૂલાય. અદ્ભુત હસ્તકલાના ધણી. ભરતકામમાં તો આંતરરાષ્ટ્રીય ઈનામો જીતી શકે તેવા. તેના સૂફ, જત, આહિર વગેરે ભરતોના કામ જોતાં જ અચરજ થાય. સૂફમાં તો કપડાંના તાર ગણી ગણી ભરતના દોરાની સોય મારી ડિઝાઇન ઉપસાવવાની. સૃજનના કાંતિલાલ શ્રોફ અને ચંદાબેન શ્રોફે કરછી કલાકારોની કલાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. ભૂજેડીના વણકરો પણ બેનમૂન. ધાબડીઓ, શાલ, સાદડીઓ, વગેરે એવી સુંદર બનાવે કે જોતાં જ લઈ લેવાનું મન થાય. સુથરીના તાળા લગાવો તો જાણકાર સિવાય બીજો કોઈ ખોલી ન શકે. ખાવડા જવાનું ક્યારેક જ થાય પરંતુ તેનો મૈસૂર/મૈસૂક મોઢામાં મૂકીએ તો તેના સ્વાદના કાયમ દીવાના થવાય. માનકૂવાની પટેલ આઇસ્ક્રીમ કેન્ડી ખાઈએ તો ઓહોહો શું સ્વાદ છે એવો ઉદ્ગાર નીકળી જાય. ગાંધીધામ ઈફ્કો ગેસ્ટહાઉસનું જમવાનું ફરી ત્યાં લઈ જાય. વિઘાકોટ બોર્ડર અને તેની આસપાસનો અફાટ રણપ્રદેશ કંઈક જુદી દુનિયામાં લઈ આવે. બન્નીના ધોરડો બાજુ જઈએ તો ભૂંગાના ભાતીગળ જીવનનો અહેસાસ થાય. ગુલામ હુસેને આપેલી ગોદડી આજે પણ મેં સાચવી રાખી છે. નિરોણાનું લેકર વર્ક સંખેડાથી આગળ જઈ શકે. પરંતુ માર્કેટ અને માર્ગદર્શનના અભાવે તે કળા બહુ આગળ ન આવી. તેના કારીગરોની લાકડા પર કોતરણી કરી બનાવેલી ટીપોય વગેરે સો વર્ષે પણ એવીને એવી રહે.
કચ્છની સેવા કરવા મારે ભૂકંપ વખતે ૨૦૦૧માં જવાનું થયું. તેની વાત માંડીને પછી કરીશું. પરંતુ એક વાત નક્કી જેણે કચ્છનું પાણી એકવાર પીધું તે કચ્છને કદી ભૂલી શકે નહીં. કચ્છડો બારેમાસ.
૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫
I am DrKashyap Maheshwar Prasad Buch, gone through Above-mentioned blog of Mr.PKParmar Sir and really I felt myself speechless since extreme sharp memory and A very lucid flow of description of events in a very much chronological orders gave me Thurston of joy and appreciation for Mr.Parmar Sir.at BhujKachchh Mr.PKParmar Sir's Tenure as DM and Collector of Kachchh was very much busy and eventful in all most all aspects,Salute to Sir for his skill and managerial and administrative skills to solve problems of Kachchh during that period,Regards to Smt.RajLaxmi madame, both children.May almighty God bless him abundantly to fulfill his desires and ambitions be filled with joy and peace in rest of his Life.A Very good narration,indeed about Kachchh.
ReplyDelete