સચિવાલય થી સ્લોવેનિયા
૧૯૮૫માં IAS થયા પછી મસૂરી તાલીમમાં જવા સચિવાલયની વિદાય લીધી હતી તેમાં ત્રણેક મહિના ૧૯૮૯માં નાયબ સચિવ માર્ગ અને મકાન વિભાગમાં નિમણૂક થઈ હતી ફરી પાછી પુનઃ નાયબ સચિવ આરોગ્ય તરીકે ૧૯૯૫ના ઓગસ્ટમાં પ્રવેશ થયો. વિઠ્ઠલ કૌલગી સાહેબ અમારા અગ્ર સચિવ. રાજેશ કિશોર પાસેથી મેં ચાર્જ સંભાળ્યો તેથી જાહેર આરોગ્યની શાખાઓ મને વારસામાં મળી.
એ વખતે સચિવો બોસ ગણાતા. કૌલગી સાહેબ પ્રમાણમાં શાંત પરંતુ બોલવાનું શરૂ કરે તો અટકાવવા કાઠા. ગુજરાતમાં બીજેપીની સ્વતંત્ર સરકાર પહેલીવાર બની. મંત્રીઓ ઉત્સાહમાં. ફાઈલોની ચર્ચા કરવા સચિવોને વારેવારે બોલાવવા ન પડે એટલે નાયબ/સંયુક્ત સચિવોને બોલાવે. એકવાર કૌલગી સાહેબ તેમના કોઈ અધિકારીને મંત્રીશ્રીની કેબીનની લોબીમાં જોઈ ગયા. તેમણે લંચ સમયે અધિકારીઓની બેઠક બોલાવી અને લાંબુંલચ ભાષણ કર્યું. જો ભાઈ મંત્રી જોડે ચર્ચા કરવાનું થાય તો તેમને જણાવ્યા સિવાય નહીં જવાનું. સીઆરની બીક એ વખતે મોટી તેથી સાહેબો કહે એ બધું અધિકારીઓ સાંભળી લેતા.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાસ કરીને કોમ્યુનીટી હેલ્થ સેન્ટરોને અદ્યતન સાધનો, તેમાંય મુખ્યત્વે એક્સ રે મશીનો મેળવવાનો ORET પ્રોજેક્ટ આવ્યો. યોજનાની શરતો સારી હતી પરંતુ નેધરલેન્ડમાં obsolete સાધનો અહીં પધરાવવાનો અને currency exchange risk અમારા પક્ષે રાખવાની બાબતે વિભાગના અગ્ર સચિવ કૌલગી સાહેબ અને હું એક થયા. તેમના સેક્ટર-૧૯ના ઘેર બેસી પ્રોજેક્ટની શરતો સુધારવા નોંધ તૈયાર કરી આરોગ્ય મંત્રીને રજૂ કરી. પરંતુ આરોગ્ય મંત્રી ઓરેટ પ્રોજેક્ટ સ્વીકારવા ઉત્સાહિત હોઈ મૂળ ઓફર મુજબ તે દરખાસ્ત મંજૂર થઈ અને ગુજરાતના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં અદ્યતન સંસાધનો આવ્યા. એ અલગ વાત છે કે જ્યાં એક્સ રે મશીન હોય અને ટેકનીશ્યન ન હોય એટલે કેટલાક એક્સ રે મશીનો વપરાયા વિનાના પડી રહે. કોઈક કેન્દ્રોમાં અઠવાડિયે માંડ પાંચ પચીસ એક્સ રે પડતા હોય ત્યાં કલાકના હજારની ક્ષમતાવાળા મશીનો શોભા અભિવૃદ્ધિ કરતા રહે. પરંતુ ઓરેટ પ્રોજેક્ટના સાધનોએ ગુજરાતના આરોગ્ય કેન્દ્રોને બીજા રાજ્યોથી ચડિયાતા કર્યા.
કૌલગી સાહેબ પછી અશોક ભાટિયા સાહેબ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા. વિભાગની મહત્વની શાખાઓ તબીબી શિક્ષણની ગણાતી પરંતુ ત્યાં સંયુકત સચિવ ક્રિશ્ચિયનની કામગીરીથી ભાટિયા સાહેબ ખુશ તેથી તેમને મારી શાખાઓમાં ફેરફાર કરવાનું મુનાસિબ ના લાગ્યું. એ સમયે આરોગ્ય સેવાઓ સુધારણાના ભાગરૂપ સરકારે એક સમિતિ બનાવી જેમાં વિભાગના બે અગ્ર સચિવો, આરોગ્ય કમીશ્નર સાથે કમીશ્નર કચેરીમાંથી અધિક નિયામક ડો. ઘાસુરા અને મારે સહભાગી થવાનું થયું. મારો જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો લગભગ પાંચ વર્ષનો અનુભવ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરોનો વહીવટ જિલ્લા પંચાયતો જોડે તેથી નબળી વ્યવસ્થાના કારણો માટે હું સુપેરે પરિચિત. મારા અનુભવ કામ આવ્યાં અને ઘણાં સુધારાત્મક પગલાંઓમાં મેં સૂચવેલા ફેરફારો લેવાયા. ડ્રાફ્ટ રીપોર્ટ તૈયાર થયો પરંતુ ભાટિયા સાહેબે તેને સુધારી નવો તૈયાર કર્યો. ડ્રાફ્ટ રીપોર્ટની પ્રસ્તાવનામાં મારું નામ હતું તે દૂર થયું. પરંતુ રીપોર્ટ પ્રિન્ટિંગમાં જતા પહેલા ભાટિયા સાહેબની બદલી સામાન્ય વહીવટ વિભાગમાં થતાં વિભાગના બીજા અગ્ર સચિવ પ્રબીર બાસુ સાહેબ ચાર્જમાં આવ્યા હતા તેઓ મારા કામના સાક્ષી તેથી પ્રસ્તાવનામાં મારું નામ ઉમેરી અહેવાલની પ્રિન્ટ કોપીમાં તે ભૂલ તેમણે સુધારી લીધી હતી.
આ ગાળામાં જીએડીએ મને ટુરિઝમ કોર્પોરેશનના એમડીનો વધારાનો ચાર્જ સોંપ્યો. ત્યાં ત્રણ Jનું સામ્રાજ્ય. MD આવે અને જાય, તે ત્રણ કરે તે થાય. ટુરિઝમને કારણે વાહન, જરૂર પડે ત્યારે કૂક વગેરે સપોર્ટની મદદ ઊભી થઈ એટલે હું રાજી થયો. મેં નિગમને નિયમોની ફ્રેમમાં લાવવાનો અને અનિયમિત નિર્ણયોમાંથી નિયમિત વ્યવસ્થા સ્થાપિત કરવાની કામગીરીનો આરંભ કર્યો. પરંતુ મારો હરખ બહું લાંબું ન ટક્યો. દિલ્હી ડેપ્યુટેશનમાંથી પ્રવીણભાઈ લહેરી સાહેબને સરકારે પાછા બોલાવતા તેમને ટુરિઝમ એમડીનો ચાર્જ સોંપી હું તે કામથી ફારેગ થયો. ગાંધર્વ મહેલની જેમ મળેલી સુવિધાઓ અદ્રશ્ય થઈ. સુરેશભાઈ ઉદ્યોગમંત્રી તેથી તેમના કહેવાથી ચાર્જ છોડાવ્યો હશે તેવી ધારણાથી મને તેમની પર ફરી એકવાર ખીજ ચડી.
વળી પાછા રાજકીય મેદાનમાં ખજૂરિયા - હજૂરિયા ચાલ્યું અને તે વર્ષે ઓક્ટોબરમાં (૧૯૯૫) સુરેશભાઈ મહેતા મુખ્યમંત્રી બની ગયા. તેમને કારણે મારે સચિવાલય આવવું પડ્યું તેથી હવે જિલ્લામાં પાછા જવાની કોઈ ઉમેદ ન રહી. પરંતુ તેમણે ચીમનભાઈ પટેલ સાથે સચિવ રહેલા મારા બેચમેટ સંજય ગુપ્તાને તેમના સચિવ તરીકે પસંદ કર્યા તેનું મારી સાથે ઘણાને આશ્ચર્ય થયું. પછીથી સંજ્ય જ્યારે ૨૦૦૨માં IASમાથી રાજીનામું આપી અદાણીમાં જોડાયા ત્યારે થોડુંક અનુમાન બેઠુ પરંતુ તોય સાચુ ખોટું તો રામ જાણે.
તે વર્ષે મુખ્ય સચિવ તરીકે ગુજરાતી આવ્યા જેને કારણે અમારા જીએડીના મિત્રનું જોર વધ્યું. મારે એક નવું વિધ્ન આવ્યું. તે સમયે દિલ્હી સરકારમાં ડેપ્યુટેશનમાં નામો મોકલવાના હોય ત્યારે અનૌપચારિક રીતે અધિકારીઓને પૂછવાની પ્રથા હતી. પરંતુ મને પૂછ્યા વિના મારું નામ દિલ્હી ડેપ્યુટેશન માટે ગયું અને દિલ્હીથી મારો નાયબ સચિવ કૃષિ મંત્રાલયનો હુકમ આવી ગયો. અહીં અમદાવાદ મારી બાને પડી જવાથી ફીમર ભાંગી ગયેલું. તેના પગમાં સર્જરી કરી સળિયા નાંખેલા. વયોવૃદ્ધ માતા પિતા. આખું જીવન મજૂરી કરી ઉપર આવેલાં તેથી તેમની દેખભાળ મારી પહેલી પ્રાથમિકતા. તેમને ન છોડવા પડે તે માટે મેં ૧૯૮૪માં IRS છોડી દીધેલું. તેથી દિલ્હી ડેપ્યુટેશન કેરીયર એડવાન્સમેન્ટની તક કહેવાય પરંતુ તે છોડવા મેં પ્રયત્નો આદર્યા. હું સંજયને મળ્યો અને તેમના મારફત મુખ્યમંત્રીને સંમત કરી ડેપ્યુટેશન રદ કરવા દિલ્હી પત્ર લખવાનો જોગ કર્યો. બીજી તરફ દિલ્હી જઈ DoPTમાં ગુજરાત કેડરના વિલાસીની રામચંદ્રન મેડમને મળ્યો. તેમણે કહ્યું કે પાંચ વર્ષનું ડીબારમેન્ટ આવશે. મારી સમક્ષ માતા પિતાની સારવાર પહેલી પ્રાથમિકતા, તેથી ડીબારમેન્ટ તો ડીબારમેન્ટ મેં વિનંતી ચાલુ રાખી. અહીં ગાંધીનગરથી પત્ર ગયો અને ત્યાંથી મારો ડેપ્યુટેશનનો હુકમ રદ થયો. પરંતુ દિલના ભલા વિલાસીની મેડમે મારું ડીબારમેન્ટ કોઈક રીતે ટાળ્યું તો જરૂર હશે કારણકે બીજે જ વર્ષે મને લાંબાગાળાની વિદેશ તાલીમનો લાભ મળવાનો હતો.
સંજય ગુપ્તા તેમના અનુભવ, હોશિયારી અને વિઝનને કારણે ચીમનભાઈની અત્યંત નજીક હતા અને હવે તેઓ સુરેશભાઈ મહેતાની પણ નજીક પહોંચી ગયા. ચીમનભાઈના વખતમાં ચીમનભાઈ બહાર પ્રવાસમાં હોય ત્યારે તેમના સહી કરેલા કોરાં કાગળો તેની પાસે રહેતા જેથી ઈમરજન્સીમાં તેનો ઉપયોગ કરી મુખ્યમંત્રીનો નિર્ણય સંબંધિતોને જણાવી શકે. સુરેશભાઈ વખતે પણ તેનો દબદબો કાયમ રહ્યો. તેણે સરકારના ઘણાં નિર્ણયોમાં મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો હશે, પરંતુ વહીવટી તંત્રના સંદર્ભે બનેલી બે ઘટનાઓની નોંધ લેવી રહી.
સામાન્ય વહીવટ વિભાગમાં એક ઉપસચિવ હાઈ ફ્લાયર. મદદનીશથી શરૂ કરી સળંગ પંદર વર્ષથી એક જ શાખા (IAS establishment) નું કામ કરે. તેમનાથી ઘણાં રાજી અને ઘણાં નારાજ. જેને લાભ થાય તે વખાણ કરે અને જેને નુકસાન પહોચ્યું હોય તે ઘસાતું બોલે. અંગ્રેજી નોંધ લેખન સારું હોવાથી અને સતત એક જ જગ્યાએ લાંબો સમય રહેવાથી અદ્યતન નિયમો GRsની જાણકારી વિશેષ રાખે. તેમના પર નાયબ સચિવ તરીકે એક આઈએએસ મૂકાતા નિયંત્રણ ઊભું તો થયું પરંતુ હજી રીપેરીંગ જરૂરી હતું તેવુ ઘણાંને લાગતું. અમારી બેચ સાથે તે ભાઈને પહેલાથી વાંધો પડેલો, અને સંજયને લગભગ કાર એડવાન્સ કે કોઈ બીજી બાબતે વધુ વાંધો પડેલ. વળી હોઈ શકે મુખ્યમંત્રી કાર્યાલયની સૂચનાઓના અમલ ન કરવામાં તે અને મુખ્ય સચિવ એક થયા હોય. મુખ્યમંત્રીને વિશ્વાસમાં લઈ તે અધિકારીની જીએડી બહાર બદલીના હુકમો થયા. કહેવાય છે કે તે વખતના મુખ્ય સચિવે હુકમના અમલને વિલંબિત કરવાનો પ્રયાસ કરતાં ઈન્ડિયન એક્સપ્રેસે હેડલાઇનથી સમાચાર છાપ્યા તેથી તે બદલી હુકમનો અમલ ઝટ થયો. સુરેશભાઈ મુખ્યમંત્રી તરીકે માંડ એક વરસ રહ્યા અને તેમના પછી નવા મુખ્યમંત્રી શંકરસિંહ વખતે જીએડીના એક અગ્ર સચિવે કહેવાય છે કે તે અધિકારી સામે ખાતાકીય પગલાંની વિચારણા કરેલ પરંતુ નવા આવેલ મુખ્ય સચિવે તેમનું રક્ષણ કરતા પ્રકરણ ત્યાં જ બંધ રહેલ. પછી રાજકીય પરિસ્થિતિ તેમને સાનુકૂળ થતાં તે પાછા આવી ગયા અને નિવૃત્તિ સુધી બઢતી મેળવતા રહ્યા અને ટકી રહ્યા.
સંજયની બીજી એક સ્ટ્રાઈકમાં યુએન મહેતા હોસ્પિટલમાં હ્રદયરોગના એક દર્દીની સારવારમાં વિલંબના મુદ્દે વિવાદ થતા ત્યાંની ટીમ બદલાઈ ગઈ અને ડો. આર. કે. પટેલનો પ્રવેશ થયો. ડો. પટેલ સંસ્થામાં ત્રણ દસક જેટલું રહ્યા અને તેમણે તેમનું તથા સંસ્થાનું નામ રોશન કર્યું.
અહીં હવે મને સચિવાલયમાં કામથી વિરક્તિ આવવા લાગી. મને થયું અહીં તો આવું ઉપર નીચે ચાલ્યા કરશે, ચાલો, થોડું પર્યટન કરીએ. પિથૌરાગઢ જિલ્લો ઉત્તરપ્રદેશ (હાલ ઉત્તરાખંડ)માં તે વખતના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે મારા બેચમેટ અને મિત્ર સીતારામ મીના. બીજું ઉજ્જવલ રાનીખેત હતો તેથી તેને મળવા જવાનું હતું. બંને કારણો ભેગાં કરી લક્ષ્મી અને હું પ્રવાસે નિકળ્યા. ઉજ્જવલને રાનીખેતથી લઈ અમે પિથૌરાગઢ પહોંચ્યા. સીતારામે મને એક સરકારી જીપ અને ડ્રાઇવર મોહન જોષીની સેવાઓ આપી. અમે રોજ સવારે ચા-નાસ્તો કરી નીકળીએ, રસ્તામાં ક્યાંક લંચ કરીએ અને સાંજે મુખ્ય મથકે આવી ડીનર કરી સૂઈ રહીએ. આવું ચાર પાંચ દિવસ ચાલ્યુ. ડ્રાઇવર જોષી હવે અકળાયો. મને કહે સાહેબ આપ ક્યા યહ જગહ વો જગહ, યહ મંદિર વો મંદિર ભટક રહે હો, ભગવાન તો હમારે ભીતર હૈ, બસ ઉસે દેખને કી સમજ ચાહિયે. મારા કાન ચમક્યા. મેં વળતું પૂછયું આપ કો આધ્યાત્મ કી ક્યા સમજ હૈ? તેણે કહ્યું કે તેના ગુરૂ બાબા જયગુરૂ દેવ છે. તેઓ કંતાન પહેરે છે. તેમના ઉપદેશથી તે તેના ભીતરના ચૈતન્ય રૂપનો અનુભવ કરે છે. આ તો કુટુંબ પાળવા તેને ડ્રાઇવરની સરકારી નોકરી કરવી પડે છે નહિતર જેનું સ્વરૂપ અજર અવિનાશી હોય તે આમતેમ થોડો ભટકે? મને તેની વાત હ્રદય સોંસરવી ઉતરી ગઈ. આધ્યાત્મિક ખેડાણ મારું બચપણથી પરંતુ મોહનની વાતે મારામાં હજી કંઈ ખૂટતું હોવાનું ભાન કરાવ્યું. અમે નિર્ધારિત પ્રવાસ પૂરો કરી ગાંધીનગર આવ્યાં. મારું તન સચિવાલયના કામમાં અને મન અધ્યાત્મ વિચારોમાં ખોવાયું.
એક દિવસ મને મળવા મારા જૂના સાથી મિત્ર કાળુજી વણઝારા આવ્યા. મેં કાળુજીને કહ્યું કે મારે સત્સંગ સાંભળવો છે. નજીકમાં કોઈ આધ્યાત્મિક સંત હોય તો તેમનું નામ જણાવો ને. કાળુજી કહે, એ તો સાવ ઢૂંકડું છે. તેમનો ભાઈ ડાહ્યાજી વણઝારા મોટેરા આસારામ આશ્રમવાળા આસારામ બાપુનો ભક્ત છે, તે તમને લઈ જશે. તેમણે તેમના ભાઈને ફોન કર્યો અને એક સાંજે બાપુના સત્સંગ પૂરો થવાના સાંજના સમયે અમે મોટેરા આશ્રમ પહોચી ગયા. મને આગળની હરોળમાં બેસાડ્યો અને જેવો સત્સંગ પૂરો થયો એટલે દર્શનની લઈન લાગી એટલે મને બાજુમાં એક ખૂણે ઊભો રહેવા જણાવ્યું. ભીડ ઓછી થઈ એટલે ડાહ્યાજીએ મારો પરિચય કરાવ્યો. બાપુએ હાથ લાંબો કરી મારો હાથ મિલાવી મને પ્રેમપૂર્વક આવકાર આપ્યો. પછી ચાલ્યો મારો સત્સંગ સાંભળવાનો સિલસિલો. આસારામ બાપુ સ્વામી રામસુખદાસજીનું સાહિત્ય વધુ વાપરે. તેમના સત્સંગ ટીમના પ્રેમજી વગેરે કદાચ મુદ્દા નોંધ બનાવી આપતા હશે. પરંતુ બાપુ ભૂલ વગર સત્સંગ કરે. એક વાર્તામાંથી બીજી વાર્તા, બીજીમાંથી ત્રીજી અને પાછી મૂળ પહેલી વાર્તાનો તંતુ પકડી ટ્રેક પર એટલા સહજતાથી આવે કે રસ ભંગ થાય નહીં. બોલતા કોઈવાર ખાંસી જેવું આવે તો સાઈડમાં રહેલી માઈકની સ્વીચ બંધ કરી ખાંસે તેવી સજગતા. યોગ વશિષ્ઠનું વાંચન અને તેનું અર્થઘટન ડિનર પછીની સાધકોની બેઠકોમાં થતું. અદ્વૈત વેદાંતમાં એટલી સરળ સમજ આપતા એ વખતે ખૂબ ઓછા સંતગણમાં તે શિરમોર. તેઓના ગુરૂ લીલાશાહ બાપુ પરંતુ તેઓની આધ્યાત્મિક પ્રગતિમાં ગણેશપુરીના સ્વામી મુક્તાનંદ અને હાલોલના નારાયણ બાપુનો ફાળો. તેમના કહેવા પ્રમાણે તેમને સાક્ષાત્કાર અનુભવ ગણેશપુરી આશ્રમમાં થયેલ. ભારતના ભાગલા વખતે હાથેપગે થઈ ગયેલા કુટુંબો પાકિસ્તાનથી નિરાશ્રિત થઈ આવેલા તેમાનું તેમનું એક કુટુંબ. તેઓની વય ત્યારે નાની. તેઓ પરિણિત અને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર. કાલુપુર લાટબજારમાં તેમના ભાઈની ખાંડની દુકાન આજે પણ છે. તે દુકાન પર તેઓ બેસતા અને ભાઈના ત્રાસથી ઘર છોડી આધ્યાત્મિક માર્ગે ફંટાઈ ગયેલા. તેમના વિશે કહેવાતું કે તેઓ અનેક વર્ષોની સાધના થકી કુંડલિની યોગના જાણકાર અને શક્તિપાત વિદ્યાના ધની બન્યા હતા. મને પણ તંત્રની કુંડલિની જાગરણ વિધિનું માર્ગદર્શન અને અદ્વૈત આધ્યાત્મની શરૂઆતની સમજ કેળવવામાં તેમના સત્સંગોથી લાભ થયેલ.
ગાંધીનગર સુરેશભાઈ મહેતાની સરકાર લાંબુ ન ટકી. શંકરસિંહ વાઘેલાએ બળવો કરી તેમની વગના ધારાસભ્યો લઈ બીજેપીમાંથી છૂટા પડ્યા. ઓક્ટોબર ૧૯૯૬માં ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું. રાજ્યપાલ કૃષ્ણપાલ સિંહ સત્તાધીશ બન્યા. તેમના કાર્યાલયમાં એક સચિવ તરીકે અવિનાશ કુમાર હતા બીજા અધિક સચિવ મૂકાયા. રાજકારણ અને વહીવટ બંનેનું કેન્દ્ર રાજ્યપાલ બન્યા. રાજ્યપાલ કાર્યાલયમાંથી બદલી હુકમો શરૂ થયા. કેટલાક કલેક્ટર બદલાયા. મને પણ નાયબ સચિવ (જમીન) તરીકે ફેરફાર મળ્યો.
કોંગ્રેસ પક્ષે બહારથી ટેકો આપતાં નવેમ્બર ૧૯૯૬માં મુખ્યમંત્રી તરીકે શંકરસિંહ વાઘેલાની વરણી થઈ અને તેમની સરકાર બની. મહેસાણાના આત્મારામ પટેલ મહેસૂલ મંત્રી બન્યા અને કચ્છના ધારાસભ્ય બાબુભાઈ મેઘજી શાહ નાણા મંત્રી બન્યા.
શંકરસિંહ મુખ્યમંત્રી બન્યા ત્યારે ધારાસભ્ય નહોતા તેથી રાધનપુરની બેઠક પરથી પેટા ચૂંટણી લડ્યા. તે વખતે મુખ્ય સચિવ એવા ગુજરાતી અધિકારીના એક્સટેન્શનનું નક્કી મનાતુ પરંતુ દરખાસ્ત ન થઈ કે દિલ્હીની યુપીએ સરકારે ન સ્વીકાર્યુ, તેમની પછીના ક્રમે આવતા અધિકારી મુખ્ય સચિવ બન્યા. તેઓ નસીબદાર પણ એટલાં કે તેમના સમયમાં ભારત સરકારે નિવૃત્તિ વય ૫૮ થી વધારી ૬૦ કરતાં તેમને વધારાના બીજા બે વર્ષ મળ્યા.
અમારા મહેસૂલ સચિવ તરીકે એની પ્રસાદ મેડમ. એકદમ ભલાં. મને કહે કે તેઓને રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર રખડતાં ભટકતાં આશ્રય વિહોણા ગરીબ અને લાચાર માણસો માટે કોઈ યોજના બનાવવી છે. મેં “કસ્તુરબા આશ્રય યોજના” ઘડી કાઢી. તેનો મુસદ્દો મારા મિત્ર કાન્તિ પ્રજાપતિ પાસે સુદૃઢ કરાવ્યો અને નિરાશ્રિત એવાં રખડતાં ભટકતાં લોકોની ભોજન, આશ્રય, તાલીમ અને પુનર્વસનની યોજના લાગુ થઈ.
સરકાર તે વખતે ફાસ્ટ ટ્રેક પર ચાલતી. વહીવટી નિર્ણયો ઝડપી લેવાતા. સચિવાલય કેમ્પસમાં મુલાકાતીઓની ભીડ વધવા લાગી. નવા મુખ્યમંત્રી કહે તેમને બધું એક નંબર જોઈએ છે. એક નંબર વહીવટ. એક નંબર અધિકારીઓ. એક નંબર... બધું એક નંબર. એક દિવસ માધવસિંહ સરકાર વખતની એક સમિતિનો રાજ્યના જિલ્લા તાલુ્કા વિભાજનનો એક અહેવાલ બન્યો હતો તે મંગાવ્યો. હજી કંઈ લાંબી ચર્ચા વિચારણા થાય ત્યાં સુધીમાં ૧૯ જિલ્લા વધી ૩૩ જિલ્લા અને ૧૮૪ તાલુકા વધી ૨૨૫ તાલુકાની જાહેરાત થઈ ગઈ. તે નિર્ણયના અમલનો GR થયો. એ વખતે દરેક ખેડૂતને નવી ખેડૂત ખાતાવહી આપવાનો નિર્ણય થયો. તે બુકલેટ છપામણી અને વિતરણનો મુદ્દો પછીથી ખૂબ ચગ્યો. સંજય પ્રસાદ તે સમયે વિભાગમાં આ કાર્યવાહી સંભાળતા. મંત્રી આત્મારામ કાકા સમીક્ષા કરે ત્યારે તેમની કડવી જીભ પ્રગટ કરતા.
મહેસૂલ વિભાગમાં મારી પાસેનું સરકારી જમીનોના ફાળવણી અને દબાણો નિયમબદ્ધ કરવાનું ટેબલ સંવેદનશીલ. મહેસૂલ મંત્રી અને કેબિનેટને નાણાંકીય મર્યાદા મુજબ અધિકારો. વચ્ચે ખાસ કિસ્સામાં નિર્ણય લેવાનો હોય ત્યારે મુખ્યમંત્રીની સહી લેવાતી. માંગણીદારો તેમને ઓછામાં ઓછી કિંમતે લાભ મળે તેવા પ્રયાસ કરતા. વળી જિલ્લા અને રાજ્ય મૂલ્યાંકન સમિતિના મૂલ્યાંકન રકમની અવધી છ મહિનાની તેથી ફરી પાછી મૂલ્યાંકનમાં જતી દરખાસ્તો વિલંબિત થતી. તેથી જૂના મૂલ્યાંકન પર ૧૨ ટકા સાદું વ્યાજ ચડાવી દરખાસ્તો મંજૂર કરવાની પ્રથા અમલી બની. દબાણ નિયમબદ્ધ કરવું હોય તો GR મુજબ જમીનની બજારકિમતની અઢી ગણી કિંમત ભરવી પડતી, તેથી ક્યાંક ખાસ કિસ્સામાં એકવડી કિંમતે દબાણ નિયમબદ્ધ થવાના નિર્ણયો આવે. જ્યાં જમીન માંગણીદાર સંસ્થા હોય ત્યાં GR મુજબ ૫૦% બજાર કિંમતે અને જ્યાં મહેસૂલ માફીની જોગવાઈ હોય તો તે મુજબ થતું.
નવી સરકાર બહારના ટેકાથી બનેલી તેથી આંતરિક રીતે અસ્થિર ગણાતી. અમારા મહેસૂલ મંત્રીના પણ મોટા અભરખા સંભાળાતા. તેમનું અને નાણામંત્રીનું સંકલન સરસ થઈ ગયેલું. તેથી મહેસૂલ અને નાણાં વિભાગના અધિકારીઓ જે પણ નોંધ લખે, ધાર્યુ તેઓનું થતું. નાણાં સચિવને રીટર્નમાં ફાઈલ મોકલીએ તો તેઓ ટૂંકી સહી કરી પરત કરે તેથી સરકારનું ધાર્યું થાય. પછીથી એક સંસ્થાને ઓછી કિંમતની ફાળવેલ જમીન સામે બદલી બીજે મોંઘી કિંમતની જમીન સામે અદલાબદલી કરવાનો એક નિર્ણય લોકાયુક્તની ચકાસણી સુધી ગયેલ.
આ બાજુ આસારામ આશ્રમ મોટેરા અને સુરતની આસપાસ દબાણ કરેલ સરકારી જમીનો નિયમિત કરવાની ફાઈલો શરૂ થઈ. અમારા મહેસૂલ મંત્રી ધાર્મિક સ્વભાવના અને રાજકીય મહત્વાકાંક્ષી તેથી તેઓનું વલણ આશ્રમના દબાણની જમીનો નિયમબદ્ધ કરવા હકારાત્મક હતું. આસારામ બાપુના સત્સંગમાં ત્યારે જે તે રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, રાજકીય મોટા આગેવાનોનું વગેરેનું આવવું સહજ હતું. અમારા મહેસૂલ મંત્રી પણ તેમને મળવા મોટેરા આશ્રમ જઈ આવેલા. તેમાં વળી હું આશ્રમથી પરિચિત ઉમેરાયો એટલે સાધકોના આંટા સચિવાલયમાં વધી ગયા. મોટેરા અને સુરત આશ્રમમાં બાપુ વિશે મેં જાતજાતની વાતો સાંભળેલ. તેમાંય વળી તેમના ત્રણેક દાયકાના સાથી શિવલાલ કાકાએ કેટલીક ખાનગી વાતો કરી તો મારી શંકા વધી ગઈ. તેવામાં એકવાર મેં આધ્યાત્મિક પ્રશ્ન કર્યો તો કહે વો સબ મેં સંભાલ લૂંગા તુમ આશ્રમ કી ફાઈલો કે નિકાલમેં ધ્યાન દો. મારું મન ચકરાવે ચડ્યું. અમારે સંસારીઓને સંસાર અને બાવાઓને આશ્રમોનો સંસાર. આમાં વિવેક અને વૈરાગ્ય ક્યાંથી આવે? વિવેક અને વૈરાગ્ય વિના જ્ઞાન થાય નહીં અને જ્ઞાન વિના અવિદ્યાનું અંધારું જાય નહીં. ખેર! મહેસૂલ મંત્રી અને નાણામંત્રી બંને એક હતાં, તેથી બજાર કિંમતની અઢી ગણી કિંમત એકવડી થઈ જાય અને પુનર્મૂલ્યાંકનની દરખાસ્તો મૂળ મૂલ્યાંકન પર સાદું વ્યાજ ઉમેરી મંજૂર થઈ જતી.
ફાસ્ટ ટ્રેક સરકારના ફાસ્ટ ટ્રેક મુખ્યમંત્રીએ લોકોના પ્રશ્નોના ઝડપી નિકાલ અર્થે મુખ્યમંત્રી નિવાસે લોક દરબાર શરૂ કર્યો. તેમાં વિષય સંબંધિત જે તે વિભાગના નાયબ/સંયુક્ત સચિવ હાજર રહેતા. મારે પણ એક દિવસ હાજર રહેવાનું થયું. સવારે દસ વાગે શરૂ થયેલી બેઠક બપોર સુધી ચાલી. મારા વિભાગનો મુદ્દો આવ્યો અને પતી ગયો. એવામાં કોઈક આવ્યું. મુખ્યમંત્રી કહે, પરમાર તમે બેસજો, હું પાછો આવું છું તેમ કહી બપોરના ૧ કલાકે તેઓ ગયા. અહીં બપોરના બે થયા અને મને પેટમાં બિલાડા બોલે. મુખ્યમંત્રી આવાસે કોઈ વ્યવસ્થા ન હતી. મેં ૨.૩૦ સુધી રાહ જોઈ પરંતુ મુખ્યમંત્રી ન આવ્યા તેથી હું ઉઠીને ઘેર જમવા આવ્યો. પાછળથી ત્રણ વાગ્યા પછી મુખ્યમંત્રી આવ્યા તો મને ન જોવાથી તેઓ નારાજ થયા.
અહી મારા ટેબલે કચ્છમાં જે સાંથણીની ફાઇલની મારે તકરાર પડી હતી તે જ ફાઇલ આવી. નિયમ વિરુદ્ધ નિયમબદ્ધ કરવાની નોંધ હું કેવી રીતે લખતો? નિયમસર નોંધ મૂકાઈ એટલે તેના હિતધારકો ચેત્યા. જઈ કચ્છના મંત્રી બાબુભાઈ શાહને પકડ્યા અને મારી મહેસૂલ વિભાગમાંથી બદલી આરોગ્ય વિભાગમાં થઈ. હું મહેસૂલ મંત્રીને મળ્યો પરંતુ તેમણે નાણાંમંત્રીનું બહાનું ધર્યું. મહેસૂલ મંત્રીના અંગત સચિવ નલીન ઉપાધ્યાયે કાકાને સમજાવવા પ્રયાસ કરી જોયો પરંતુ તેમનો પનો ટૂંકો પડ્યો. નાણામંત્રી મારા કચ્છના પરિચિત અને મારા પક્ષધર. તેથી મેં તેમનો સંપર્ક કર્યો તો તેમનો બોલ બદલાયો. મેં મુખ્યમંત્રીના સચિવને ફોન કરી સમય લઈ તેમની ચેમ્બરમાં જઈ વાત કરી. મેં તેમને યાદ કરાવ્યું કે કલેક્ટરોના હુકમો થયાં તેમાં મારું નામ લીધું હોત તો આ ઘડી ન આવત. તેઓ કહે તેમને એમ કે DS (Land)ની કામગીરી મહત્ત્વની છે અને તે કામથી હું ખુશ છું તેવા ભ્રમથી તેમનું ધ્યાન ન રહ્યું. અન્યથા થઈ જાત. મેં આશ્વાસનથી મન મનાવ્યું. મારી હાજરીમાં તેમણે નાણામંત્રી સાથે વાત કરી. સામે મંત્રી શું બોલ્યા તે મને ખબર નહીં પરંતુ બંનેની મોઘમ વાતો પૂરી થઈ અને હું પાછો આરોગ્ય વિભાગમાં પહોંચી ગયો. મુખ્ય સચિવને મળ્યો તો કહે there is a silver line that your ACS Health is happy with your posting. મહેસૂલ વિભાગની મારી એ સફર માત્ર સાત મહિનાની રહી પરંતુ યાદગાર રહી.
હું મે ૩૦, ૧૯૯૭ના રોજ આરોગ્ય વિભાગમાં સંયુક્ત સચિવ (ICDS અને જાહેર આરોગ્ય) તરીકે હાજર થયો. વિભાગના કાર્ય વિભાજન મુજબ અશોક કોસી સાહેબ અમારા ઉગ્ર સચિવ. તેમની જોડે સીએલ લેવી હોય તો પણ તકરાર કરવી પડે. પણ પડ્યું પાનું નિભાવવું રહ્યુ.
જેને રામ રાખે તેને કોણ ચાખે? આસારામ આશ્રમના સાનિધ્યમાં હું એક સરસ્વતી મંત્ર શીખેલો. મને થયું જોઈએ શું અસર થાય છે મંત્રની. મેં જાપ શરૂ કર્યા. ધવલ અને મેં બંને જણે ચાંદ્રાયણ વ્રત પૂરું કર્યું હતું તેથી કહેવાતી માનસિક શુદ્ધિ મારી સાથે હતી.
હજી મને નવી જગ્યાએ માંડ મહિનો થયો હશે. એક દિવસ બપોરે ઘેરથી લંચ કરી વિભાગમાં મારી ચેમ્બરમાં પ્રવેશ્યો તો મારા ટેબલ પર મારા નામજોગ ભારત સરકારનું કવર પડ્યું હતું. મને થયું, ભારત સરકારનો પત્ર મારા નામ જોગ? શું હશે? કવર ખોલ્યું તો જાણી સાનંદાશ્ચર્ય થયું. UNDP અંતર્ગત લ્યુબ્લ્યાના યુનિવર્સિટી સ્લોવેનિયામાં એમ.બી.એ. અભ્યાસ માટે મારી પસંદગી થઈ હતી. પગાર ચાલુ, પ્રવાસનો બધો ખર્ચ સરકારી, દૈનિક ભથ્થુ ડોલરમાં, જાણે લોટરી લાગી. મેં જરૂરી ફોર્મ ભરી વિઝા, ટિકિટ બુકિંગ વગેરે કામગીરી આરંભી દીધી. લાંબા ગાળાની આવી તાલીમનો લાભ દરેક સીધી ભરતીના આઈએએસ અધિકારીને મળતો જ હોય છે તેથી તેમાં કંઈ નવું નહોતું. પરંતુ મને સચિવાલય છોડવામાં તે સાનુકુળ હતું. તાલીમ પૂરી કર્યા પછી હું પાછો આવ્યો ત્યારે એક અજ્ઞાત મદદની ખબર પડી. એ વખતે GADમાંથી ARTD છૂટું પડેલું. ARTDમાં તે વખતે મારી ચાલીના ઉપસચિવ ભલજીભાઈ સોલંકી ફરજ બજાવતા. તેમણે તાલીમ માટે અધિકારીઓના નામ ભારત સરકારને મોકલવાની યાદીમાં મારું નામ ઉમેરેલું તેનું આ પરિણામ હતું. બાકી પેલા ભાઈ હોત તો આપણે આટલા વહેલા અને સરળતાથી ન જઈ શકત.
હવે જીવનમાં એક નવો અનુભવ ઉમેરાવાનો હતો. એક તરફ યુરોપ ખંડ, તેનું શિક્ષણ, તેના લોકો, જોવાલાયક સ્થળો વગેરેનો એક રોમાંચક અનુભવ મારે કરવાનો હતો અને બીજી તરફ માતાપિતાને એક કનડગત થવાની હતી.
૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫
0 comments:
Post a Comment