મારા પિતા અમને અમારાં વડવાઓની વાતો કહેતા. ૧૯૬૯ની મારી પ્રથમ ગામ મુલાકાત પછી મેં તે વાતો ધ્યાન દઈને સાંભળવાનું શરૂ કર્યું. મને પ્રશ્ન ઉઠતો કે જે જીવન અત્યારે વિષમ છે તેમાં મારા પૂર્વજો કેમ કરી જીવ્યા હશે? પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે તેમનો ઈતિહાસ ગૌરવપૂર્ણ હતો. મને અચરજ ત્યારે થતું જ્યારે બે-ત્રણ વર્ષે અમારા કુટુંબમાં વંશાવળી અદ્યતન કરવા વહીવંચો (બારોટ) આવે તે ઉપલા વર્ણથી આવે.
મારા પિતા કહે ભટારિયા આપણું મૂળગામ નથી. અહીં આવે હજી સો વર્ષ જેવું થયું હશે પરંતુ તે પહેલાં તેમના પરદાદા મૂળોભા ૧૮૫૭ના બળવા આસપાસ ડિંગુચા ગામ છોડી તેલાવી આવેલાં અને પછી ભટારિયે વસેલાં. ડિંગુચા પહેલાં તેમનાં પૂર્વજોનું સ્થળાંતર ધાર, રતલામ, આબુ, મૂળી થઈ આ તરફ થયું હતું. મૂળીમાં કોઈક વર્ષે ધિંગાણું થયું તેમાં પરમાર રાજા માંડણરાય મરાણો પછી જે બચ્યાં તે જીવ બચાવીને નાઠા અને દૂર દૂરના ગામોમાં પોતાની ઓળખ છૂપાવીને રહ્યાં. તેમાંથી અમારા એક પૂર્વજે આંતરજ્ઞાતીય લગ્ન કર્યું અને તે પેઢીથી જાતિ પરિવર્તન થઈ ગયું. જાતિનું લેબલ બદલાયું પરંતુ Y ફેક્ટરના ખાનદાની લક્ષણો આજે પણ ન મટ્યા. નીડરતા, ન્યાય માટે લડવાનું, અન્યાય સામે અવાજ ઉઠાવવાનો, નબળાનું રક્ષણ કરવું, જરૂરિયાતમંદને મદદ કરવી, દાન ધર્મ કરવું, હાથ આપવા લંબાવવો પરંતું માંગવા નહીં એ અમારા વંશના લક્ષણો રહ્યાં.
એ જમાનામાં સ્વરક્ષા માટે અને સિદ્ધિ માટે કેટલાક પુરુષો તંત્ર શીખતાં. મૂળોભા કામરૂ દેશ આસામમાં જઈ તંત્ર વિદ્યા શીખી લાવેલાં. તે તાંત્રિકોનો જમાનો. એકબીજાને લાડવા-પૂરી પ્રસાદની ભરેલી માટલીઓ આકાશ માર્ગે મોકલતા. પાટણના ખવીની ચરોતર પ્રદેશમાં જતી માટલી જેવી અમારા ગામ પરથી પસાર થાય એટલે મૂળોભા ઉતારી લેતાં અને તેમાંથી લાડુ પૂરી વગેરે હોય તે કાઢી બધાં ભેળાં થઈ ઝાપટી લેતાં અને ખાલી માટલીમાં માટી કાંકરા ભરી મંત્ર ભણી પાછી આકાશ માર્ગે રવાના કરી દેતા. એકવાર પાટણના ખવીની નડિયાદ બાજુ જતી એક માટલી ઉતારી લેતાં ખવીને કરતૂતની ખબર પડતાં કોણ છે તે શોધતાં શોધતાં ભટારિયા આવેલો. ખવી મૂળાભાને વાસની બહાર લઈ ગયો. પછી બંને વચ્ચે ચડસાચડસી થઈ. ખવી મૂઠમાર વિદ્યામાં પારંગત તેથી મૂળાભા જેવા ગામ તરફ પાછા વળ્યા કે તરત મૂઠ મારી અડધા જમીનમાં ઉતારી દીધાં. મૂળાભા કેમ પાછા પડે? તેમણે કમરથી શરીર પાછળ વાળી વળતી મૂઠ મારી ખવીને આખોય ભોયંમાં ઉતારી દીધેલો. તે જગ્યાએ (હાલ દરબારોની ઓરડીઓ છે) પછી લીમડો ઉગેલ અને ઘણાં વર્ષો સુધી મૂળાભાના પરાક્રમની સાક્ષી પૂરતો ઉભેલ. મૂળાભાની જેમ તેમના નાના પુત્ર ડોસલનો પુત્ર હરિ પણ કામરું દેશમાં મેલી વિદ્યા શીખી આવેલો અને કુટુંબ ગામમાં તેના નામની મોટી બીક રહેતી. મારા પિતા જ્યારે અગિયારેક વર્ષના હતાં ત્યારે ૧૯૩૧માં સ્મશાનમાં લઈ જઈ તેમણે કોઈ પ્રયોગ કરવો હતો પરંતુ મારા પિતા રટ્ટી મારી ભાગી આવેલાં. હું નાનો પરંતુ નિશાળ જાઉં તેથી પ્રશ્ન કરું. એવું તો હોતું હશે કે લાડવા પૂરી માટલીમાં ભરી આકાશ માર્ગે ગમન થાય? મૂઠ મારે એટલે માણસ મરી જાય? મારા પિતાના ફોઈના દીકરા અંબારામભા જૂની પેઢીના તેથી કહેતાં તે વાત સાવ સાચી કારણ કે ઉતારેલી માટલીના લાડવા તેમણે પણ ખાધા હતાં.
મૂળોભા એકવાર દેત્રોજ રહેતી તેમની ફોઈને મળવાં ગયેલાં. ફઈ ભૂખ લાગી છે કંઈક ખાવાનું આપ. ફઈએ કહ્યું કે કોઠીમાં ઘેંસ પડી છે, લઈને ખાઈ લે. મૂળોભા એકલો ઘરમાં પેંઠો. કોઠી ખોલી ઘેંસ લીધી પરંતુ કોઠીની ખીંટી પર ટીંગાડેલી ચાંદીની હાંસડી પર નજર પડી ગઈ અને તેનું મન બગડ્યું. હાંસડી ઉતારી ડાબા પગની જાંઘ પર ચડાવી દીધી. ઘેંસ પતાવી, ફોઈની રજા લઈ તે ભટારિયા રવાના થઈ ગયો. થોડાક દિવસો પછી કોઈ પ્રસંગે ફોઈને તેની હાંસડી યાદ આવી. કોઠીમાં જઈ જોયું તો હાંસડી ખીંટી પર ન હતી. કોઈ આવતું જતું નથી પછી કોણ લઈ ગયું હશે? છેલ્લે મૂળો આવ્યો હતો. ફોઈ મૂળા પાસે આવ્યા અને હાસળીનું પૂછયું. મૂળાએ ચોરી ન માની. એ જમાનામાં માણસને કોઈ રસ્તો ન જડે તો માતાજીના મઢે જઈ ધા કરતાં. ફોઈએ પણ મેલડીના મઢે જઈ ઘા કરી કે હે માં મેલડી મારી હાંસડી લીધી હોય તેને જોજે અને પાછી લાવજે. મઢનું દેવ શક્તિશાળી, મેલડી આવી પહોંચી ભટારિયાના ગોંદરે. મૂળાભા કામરૂ દેશની વિદ્યાથી ભરપૂર તેથી વાસ આખાની ચોકી બાંધી રાખેલી તેથી મેલડી વાસમાં પ્રવેશી ન શકે. પરંતુ જેવા એ દિશાએ જવા કે કોઈ બીજા કામે બહાર નીકળે કે મેલડી તેને પાડી દે. મૂળો ગડમથલ કરી જેમ તેમ પાછા વાસમાં પાછા આવી જાય પરંતુ મેલડીને મચક ન આપે. આવું ઘણાં દિવસ ચાલ્યું. બંને મમતે ચડ્યાં. મેલડી કહે હાંસડી લીધા વિના જાઉં નહીં અને મૂળો કહે કે હાંસડી આપું તો ચોર ઠરું એટલે આપું નહીં. આખરે બંને હાર્યા. વચલો રસ્તો કાઢ્યો. મેલડી કહે જો હાંસડી પાછી ન આપે તો મને બેસાડીને પૂજા કર. મૂળો કહે મને શો ફાયદો? મેલડી કહે કે તું તંત્ર વિદ્યા છોડી મને પૂજીશ તો હું તારી અને તારા કુટુંબની રક્ષા કરીશ અને પેઢીનું કલ્યાણ કરીશ. મૂળાભાએ રાજી થઈ તંત્ર વિદ્યા છોડી અને ઉગતા ભાણની મેલડી મા ને મઢે સ્થાપિત કરી. ત્રણ ગોખ બનાવ્યાં. વચલા ગોખમાં મેલડીની સ્થાપના કરી અને આજુબાજુ બે ગોખમાં કુટુંબના વંશ પરંપરાગત ચાલતાં દેવ અને પૂર્વજ સ્થાપ્યાં. કુટુંબના વંશપરંપરાગત દેવમાં ડિંગુચાની કુળદેવી મહાકાળી અને તેની પલોટમાં સધી અને વીર કાળભૈરવ હોઈ શકે. અહી દર વર્ષે ચૈત્રમાં પલ્લી (નૈવેદ્ય) ભરાય છે અને કુટુંબના મોટા પુત્રની બાબરી ઉતારી રમેલ ઉજવી નૈવેદ્ય કરાય છે. લગ્ન પછી વરવધૂના છેડા મઢે છોડવાનો રિવાજ પણ કાયમ છે. દૈવના સાચ જૂઠ તો શ્રદ્ધાનો વિષય છે પરંતુ તેમની હાજરીથી બીજી કોમોના રંજાડ સામે આ દૈવી કવચ કામ જરૂર આવતું. લોકો દૈવી વડગાડની બીકે અત્યાચાર ન કરતાં.
આમ ભટારિયાવાળા ભારે જબરાં. તેમની સાથે કોઈથી હોડ થાય નહીં. સમાજમાં દરેક ગામમાં કંઠીગુરૂની પ્રથા પરંતુ આ કુટુંબ બહારથી આવી વસેલું તેથી કોઈ કંઠીગુરૂ નહીં. પરંતુ બાજુના ગામ જાકાસણાથી બાબરીવાળા બાવા આવેતાં તેમને ગાદીપતિ હોવાથી આવકાર આપતાં. એક દિવસ ગુરૂ જેરામદા આવ્યાં પરંતુ ઠંડા આવકારથી તેઓ ચિડાઈ ગયાં અને ઉશ્કેરાઈને જેમ તેમ બોલવા લાગ્યાં. મારા પિતાના કાકા રામાભાથી સહન ન થયું. ગુરૂને કહ્યું માપમાં રહેજો, બાવા છો તેથી આમન્યા તોડી નથી. બાવાને ઘણું સમજાવ્યું પરંતુ બાવાની અક્કડ ઓછી ન થઈ. આમ કરી દઈશ, કેમ કરી દઈશ, વગેરે ધમકી આપવા માંડ્યા. રામોભા ઉઠ્યાં, અરે ઓ બાવા, બહું થયું, ચાલો હોડમાં ઉતરો, જમવાં ઉઠો. જો દોઢ કોળિયો ખાઈ બતાવો તો ગુરૂ, જે કહેશો તે સેવા કરીશું. પરંતુ જો દોઢ કોળિયે ઉઠી જાવ તો આ ગામમાં ક્યારેય પગ ન દેવો. બાવાજી ગુસ્સામાં હતાં. અલ્યા હેંડ, આ ખાઈ બતાવું, બાબરીવાળાનું હાચ તેં હજી જોયું નથી. બાવો જમવા બેઠાં. શીરો પીરસાયો. એક કોળિયો મોઢામાં મૂક્યો અને રામાભાએ નજર બાંધી દીધી. બાવાએ બીજો કોળિયો ભર્યો પણ પહેલો કેમે કરી ગળેથી ઉતરે નહીં. બીજો હાથમાં જ રહી ગયો. બાવાજી સમજી ગયાં. નત મસ્તક થઈ જતાં રહ્યાં. જાકાસણાના ગુરૂ-ચેલા સંબંધ ત્યારથી પૂરાં થયાં. પરંતુ સમાજમાં બીજા ગામોનું જોઈ પાછળથી નરસિંહ પાઠ કરીએ ત્યારે જાકાસણાના બાવાને બોલાવવાની પ્રથા શરૂ કરવામાં આવી. રામાભા નિઃસંતાન રહ્યા પરંતુ કુટુંબની તેમણે મોટી સેવા કરેલ. મૂળાભાની બધી મેલી વિદ્યા, ટામણટૂમણ બધું કમઠાણ બાટલામાં ભરી મેલડીના મઢની બાજુના લીમડાની ભોંયમાં દાટી આખા કુટુંબને મેલી વિદ્યાના ચુંગાલમાંથી છોડાવેલું.
મૂળાભાના મોટાં દીકરા ભુદરભાના દીકરા વાલાભા અને વાલાભાના દીકરા તે મારા પિતા ખેમાભા-ખેમચંદ. પુરૂષો બધાં પંજાપૂર. આપણાં પગ જેવાં તેમનાં હાથ. સરેરાશ છ ફૂટ નજીકની ઉંચાઇ. એક દિવસમાં પચાસ સાઠ કિલોમીટર ચાલી નાંખવું તેમને મન રમત વાત. હાથમાં મોટી અને મજબૂત લાકડી રાખે. ૨૦-૨૫ જણના હુમલાનો સામનો કરી શકે તેવી તાકાત. ખેતી અને પશુપાલન મોટું તેથી દેશી અનાજનાં રોટલાં અને ઘી-દૂધના ખોરાકે તેમને મજબૂત રાખેલાં. બહારગામ જાય ત્યારે લાકડી અને દોરી લોટો લઈ નીકળે. તરસ લાગે તો જે કૂવો મળે તેમાંથી દોરી લોટાથી પાણી લઈ તરસ છિપાવે. આમ શરીરબળ, દૈવબળને કારણે તેમણે તેમની જિંદગી સ્વમાનભેર જીવી હતી. સામાજિક રિવાજો મુજબ લગ્ન, મામેરાં અને મરણ પાછળ કાણ કળશિયા ભરતાં અને તેથી ગામ, તડ, પરગણામાં તેમની પ્રતિષ્ઠા રહેતી.
૭ સપ્ટેમ્બર ૨૦૨૫
0 comments:
Post a Comment