Monday, September 29, 2025

એમબીએ ઈન યુરોપ

એમબીએ ઈન યુરોપ 

૧૯૯૭નું વર્ષ. મારી ઉંમર ૩૭ વર્ષ. અમદાવાદથી દિલ્હી, દિલ્હીથી ફ્રેંકફર્ટ અને ફ્રેંકફર્ટથી લ્યૂબ્લ્યાના હું પહોંચી ગયો યુરોપ. મધ્ય યુરોપનું એ રમણીય શહેર. આલ્પ્સની પર્વતમાળા પૂરી થાય ત્યાં સ્લોવેનિયા શરૂ થાય. શિયાળામાં અહીં માઈનસ ૧૫ ડિગ્રી સુધી તાપમાન નીચું જતું રહે. ઠંડી કરતાં સુસવાટા મારતો પવન વાગે તો હાડ ભાંગી નાખે એટલે અહીં બહાર નિકળવું હોય ત્યારે વિન્ડચીટર અને ટોપી જોડે રાખવી પડે. શિયાળામાં બરફ વર્ષા થાય એટલે આખો દેશ ધોળી ચાદરથી ઢંકાઈ જાય. બ્લેદનું તળાવ એવું થીજી જાય કે તેના પર સ્પોર્ટ્સ રમાય.

લ્યૂબ્લ્યાના એરપોર્ટ પર અને જે તાલીમ સંસ્થા ICPEમાં જોડાઈ રહ્યાં હતાં તેના બે પૈકીના એક નેપાળી મૂળના અશ્વિન હાજર હતાં. તેમણે મને આસીસ્ટ કર્યો, પાસપોર્ટમાં જરૂરી એન્ટ્રી થઈ અને કારની વ્યવસ્થા હતી તેમાં બેસી હું દુનાસ્કા સેસ્તા 104 પર આવેલ ICPE (International Centre for Promotion of Enterprises) પહોંચ્યો. મને સાતમા માળે રૂમ નંબર ૭૦૩ ફાળવેલ હતો, તેની ચાવી લઈ હું રૂમમાં દાખલ થયો. 

આ હોસ્ટેલનું મકાન હતું. દરેક માળ પર મુલાકાતી, તાલીમી વગેરેને રહેવાના રૂમ. રૂમ એટલે એક રૂમ અને જાજરૂ બાથરૂમ. રૂમમાં એક ડબલ બેડનો પલંગ આવે એટલે ભરાઈ જાય. જરૂરિયાત જેટલો બાથરૂમ અને વોર્ડરોબ. રૂમમાં પાઈપીંગથી ગરમ પાણીથી રૂમ હીટિંગની વ્યવસ્થા એટલે અહીં મોટા પથારીની જરૂર ન હતી. મેં કપડાં બધાં હેંગર પર લટકાવી વોર્ડરોબમાં ગોઠવ્યા. બેગની વસ્તુઓ જગ્યા શોધી મૂકી પછી રસોડુ જોવા ચાલ્યો. અમને નીચે બ્રિફિંગમાં કહેવાયું હતું કે દરેક માળે એક રસોડુ છે જેમાં ચાર બર્નર છે, બે ડાબે બે જમણે. અમારે એકબીજાના સમયનું સંકલન કરી તેના પર રાંધવાનું. વોશીંગ મશીન નીચે બેઝમેન્ટમાં હતું. અઠવાડિયાના કપડાં ભેગી કરી ધોઈ નાખવાના. 

અમે ઓગસ્ટ અંતમાં ગયેલા તેથી વાતાવરણ ખુશનુમા. જમવાનું બગડે નહીં. શરૂઆતમાં જાતે રાંધવાનું જોર આવે એટલે ચાર-પાંચ દિવસ ચાલે તેટલું શાક વઘારી તપેલું ફ્રીઝમાં મૂકી દઈએ અને રોજ જેટલું ખાવું હોય તેટલું લઈ ગરમ કરી વાપરીએ. રોટલીઓ બનાવીએ તો જુદા જુદા રાજ્યોના નકશા બને તેથી પહેલાં પખવાડિયામાં ભાત અને ખીચડી પર જોર રાખ્યું. પરંતુ ચોખો જલ્દી પચી જાય અને આખો દિવસ ભણવામાંથી છૂટીએ ત્યાં સુધી ચલાવવાનું એટલે પછી ધીમે ધીમે મોણની, અટામણની, વાળવાની, શેકવાની ખબર પડતી ગઈ તેમ તેમ રોટલી બનાવતા થઈ ગયા. શાકની જેમ રોટલામાં પણ બે-ત્રણ દિવસનો લોટ ભેળો બાંધી રાખીએ. વિદ્યાર્થી કુપન મર્યાદિત અને દમડી કાઢવાની ઈચ્છા નહીં, વળી બહાર સુસવાટા મારતો પવન વાય એટલે બધો પોશાક પહેરી એક કલાક દૂર મેકડોનાલ્ડ્સ કે બીજે દઈ જંક ફૂડ ખાવાને બદલે આપણું ભારતીય ખાણું ચાલુ રહ્યું અને તે રીતે તન યુરોપમાં પણ મનથી ભારત છૂટું ન પડ્યું. ત્યાં પાણી કરતાં બીયર સસ્તું અને બાથરૂમનું પાણી આપણાં નળમાં આવે તેના કરતાં ઘણું ચોકખુ તેથી તરસ લાગે એટલે વોશબેશીનમાંથી લઈ પી લઈએ. વર્ગખંડમાં તો પાણીની વ્યવસ્થા હોય. 

અહીં સવાર પડે એટલે ગોરા ગોરા પુંજનો પ્રવાહ પસાર થતો હોય એવા યુવકો અને યુવતીઓથી યુનિવર્સિટીની શેરીઓ ભરાઈ જાય. કેટલાક શહેરમાં રહે તે બસ પાસનો ઉપયોગ કરી દરરોજ આવે. જે યુનિવર્સિટી હોસ્ટેલમાં રહે તે ત્યાંથી આવે. યુનિવર્સિટી હોસ્ટેલમાં ગર્લ્સ અને બોયઝ એવું વિભાજન નહીં. જેને જે રૂમ પાર્ટનર, મહિલા કે પુરુષ પસંદ હોય તે તેની સાથે રહે. યુનિવર્સિટીનો અભ્યાસ દિવસ પૂરો થાય એટલે કેમ્પસ બધું શાંત થઈ જતું. જેમ આપણી વાર્તામાં ગાંધર્વો રાત્રે આવી નાચી જતા રહે તેમ અહી રૂપયૌવન દિવસે ઉભરાય અને રાત્રે અદ્રશ્ય થઈ જાય. રાત પડે અહીં બધુ શાંત થઈ જાય. સાંજે રાંધી, જમી, લોંજમાં રાખેલ ટીવી થોડો સમય જોઈ રાત્રે સૂવા આડા પડીએ એટલે અમારી બિલ્ડીંગને અડકીને આવેલ ધોરી માર્ગ પર જેમ ગોફણમાંથી ગોળીઓ છૂટતી હોય તેમ છમ છમ કરતા વાહનો અતિ તેજ ગતિથી પસાર થાય. એ અવાજનું અનુસંધાન કરતો હું નિરાંતે પછી સૂઈ જતો. 

અમારાં વર્ગખંડમાં અમે કુલ ૧૮ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હતાં. દરેકને બેસવાનું એક ટેબલ અને ખુરશી આપેલી. સવારે આવી જેને જ્યાં બેસવું હોય ત્યાં બેસે. અમે ભારતમાંથી મારા ઉપરાંત Indian Accounts Serviceના સુધાંશુ મોહન્તી, ONGCના મોહન વર્ગિસ ચેરીયન અને પાછળથી જોડાયેલ IAS દિનેશ કુમાર હતા. પાકિસ્તાનથી રફાતુલ્લાહ બરકી, બાંગ્લાદેશથી ખલીલુર રહમાન ખાન અને સફીઉલ્લા, શ્રીલંકાથી દેશપ્રિય આવેલા. બલ્ગેરિયાથી યુલી કાલ્કાનોવ, અલ્બેનિયાથી એસ્ટોનિયા ટોરો જોડાયા. સ્લોવેનિયાથી પુરુષોમાં માર્કો બહોર, મિત્યા ક્રેગર, એન્ટોન લેન્કો, અને મિહા રોઝમાન તથા સ્લાવકો અને મહિલાઓમાં દુન્યા બુદેર, આન્યા કોકજાન્કિક, તાન્યા તુર્ક, મતાયા ઝોંક, વેસ્ના સ્ટેર.  યુગાન્ડાથી જોલી ઝરીબવેન્દે બેંક ઓફિસર પરંતુ અભ્યાસે વેટરનરી ડોક્ટર. 

ભારતથી ગયો ત્યારે થતું યુરોપનું અંગ્રેજી કેવું ટોપ ક્લાસ હશે. આપણું કેમ ચાલશે? પરંતુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને મળ્યા પછી ખબર પડી કે અહીં પણ આપણાં જેવું છે. આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા. અમે આઠ એશિયન, એક આફ્રિકન અને બાકીના સ્થાનિક સ્લોવેનિયન અને યુરોપિયન. ત્યાંની માતૃભાષા સ્લોવેનિયન તેથી તેઓ અંગ્રેજીમાં આપણા કરતાં નબળાં. 

અમારે ચુનિવર્સિટિ જોડે કે તેની ફેકલ્ટી સાથે કામ પડે તો પાકિસ્તાન મૂળના મનસુર અલી અને નેપાળી મૂળના અશ્વિન અમારા કોર્સ ડાયરેક્ટર, તેમના મારફત આગળ વધી શકીએ. ICPE સંસ્થાના Director General એક ભારતીય અધિકારી. તે અને તેમના પત્ની જાહેર કાર્યક્રમો હોય ત્યારે મળતાં અને એકાદ વાર અમને જમાડેલ. અશ્વિન અને મનસુરના પત્ની સ્લોવેનિયાના. અશ્વિને તો ઘર ન બતાવ્યું પરંતુ મનસૂરે એકવાર જમાડેલ. મનસુરને એક દીકરી તે તેના બોય ફ્રેન્ડ સાથે તેમની સાથે જ ઉપરના માળે રહે. 

અમે આટો, શાક, ચોખા, મસાલા થઈ રહે એટલે વીકએન્ડમા ચાલીને શોપિંગ કોમ્પ્લેક્ષમાં જતાં અને થેલા ઉપાડી ઘેર આવતાં. બજારમાં ભાષાની અગવડને કારણે દુકાનદાર સાથે વાતચીતનું અનુસંધાન ન જામે અને ઈશારે બધું પતાવતા. બસોના રૂટ અને સ્ટેન્ડ સમજાય નહીં. વળી મોટાભાગના પાસ કે કાર્ડથી ચડે ઉતરે અમારે રોકડા આપવા લેવાની ઝંઝટ, તેથી ચાર પૈડાંવાળી બસ છોડી અમે બે પૈડાંવાળી ૧૧ નંબરની બસ (બે પગ)થી જ ચલાવી લેતા. રસ્તો ઓળંગીએ તો કારવાળા ઉભા રહી જવા દે. આપણાં જેવું નહીં કે તેમને આપણે જવા દેવા પડે. 

અમે ચાલતાં બજાર જઈએ તો છોકરા-છોકરીઓના જોડા એકબીજાને કમરમાં હાથ નાખી ઊભેલા અને એકબીજાના હોઠમાં હોઠ પરોવી ચુંબનો લેતાં દેખાય. મને તેમને જોઈ ભારે સંકોચ થતો અને પહેલાં દિવસે તો ઉબકા જેવું આવે. આ લોકો કેમે કરી એકબીજાનું થૂંક ચાટતા હશે? મેં એકવાર જોલીને પૂછયું કે છોકરીઓ તો હોઠ પર લિપસ્ટિક લગાડે પછી શું છોકરાઓ લિપસ્ટિક પણ ખાઈ જતા હશે? જોલી કહે લિપસ્ટિક ખાદ્ય હોય છે. પછી તો રોજનું થયું. અહીં ભૌતિક શરીરનું વળગણ. જ્યાં સુધી એકબીજાને રસ મળે ત્યાં સુધી વળગી રહે. જેવું બગડે એટલે તું કોણ અને હું કોણ? અમારા સ્લોવેનિયન ગ્રુપના ત્રણેક યુવકો અને યુવતીઓએ કોઈક એકના ઘેર ન્યૂડ પાર્ટી કરેલ. દુન્યા મને બધાના સમાચાર કહેતી રહેતી. તેની માં સ્લોવેનિયાની અને પિતા તુર્ક મુસ્લિમ. 

ત્યાંના સહાધ્યાયીઓને મેં પાણી પીતા જોયેલા નહી. બિયર જ તેમનું પીણું. બહાર નિકળે એટલીવાર બિયર પીતા હોય. જવમાંથી બનતો બીયર, પાણી અને ઓરેન્જ જ્યુસ કરતાં સસ્તો મળે. તેઓ સમૂહમાં પીએ-ખાય તો કોઈ એક પેમેન્ટ ન કરે. દરેક પોતપોતાનું પાકીટ ખોલે અને પોતાના ભાગના ઓર્ડર મુજબના નાણાં આપી દે. અહી સોલ્જરી ચાલે. આપણાં જેવું નહિ કે એક જણો ટણીમાં ઉભો થાય અને માનમાં લૂંટાય. તેઓ તીખું ખાઈ ન શકે અને રસાવાળુ શાક જુએ તો ઓ કરી મોઢું બગાડે. સામાજિક સંકોચ એવો કે કોઈ તેમના ઘેર જમવા ન બોલાવે કે ન તેમની કારમાં ફરવા લઈ જવાનું કહે. એક ક્રેગર પરણેલો તેથી ઉદાર હ્રદયનો. અમારે વરસ જેવું થવાનું થયું ત્યારે ક્રેગરે તેના ઘેર પાર્ટી રાખેલી, ત્યારે અમે બધા પરિવાર સાથે ગયેલા. ક્રેગરે દારુ રેડીને ચીકન ટિક્કા બનાવેલ. અમારે શાકાહારી લેબલ એટલે શેકેલા બટાટાથી ચલાવવું પડેલ. 

સ્લોવેનિયામાં નાણું હાલ તો યુરો છે પરંતુ તે વખતે ટોલર. સરેરાશ પાંચ રૂપિયાનો એક ટોલર થાય. અમારે રીસેપ્શન પર ઘડિયાળ મિનિટમાં ચાલે એટલે ટોલર બચાવવા અમે મિનિટ કાંટો ૧૨ પર આવે ત્યારે કોલ લાગે તે રીતે ડાયલ કરીએ અને તેને વાત કરતાં કરતાં જોઈ રહીએ અને ૧૨ ક્રોસ કરે તે પહેલા ફોન મૂકી દઈએ અને તેમ કરી એક મિનિટ બચાવીએ. તે વખતે ફોન ખર્ચ મોંઘો. એક મિનિટની વાત સો રૂપિયામાં પડે. અમે બજાર શોપિંગ કરવા જઈએ તો દરેક વસ્તુ ખરીદતા પહેલાં તેના ભાવની ચિઠ્ઠી ટોલરમાં વાંચીએ અને પછી મનમાં રૂપિયામાં ભાવ ગણી સસ્તું હોય તે ખરીદીએ. એ વખતે સસ્તામાં સસ્તા બટાટા, ૨૮-૩૦ ટોલરમાં કિલો મળે. બાકી રીંગણું લેવા જઈએ તો રૂપિયાના ભાવે ૪૦૦ રૂપિયે કિલો થાય. મેં સેલરી પહેલીવાર જોઈ. મને થયું આવડા મોટા લીલા ધાણા? મોંઘા હતા તોય સ્વાદ માટે લીધા. પરંતુ શાકમાં નાખ્યા તો કંઈક વિચિત્ર સ્વાદ આવ્યો. પછીથી ખબર પડી કે તે લીલા ધાણા નહીં પરંતુ તેના જેવી દેખાતી સેલરી છે. ત્યાં લોકો બધાં બેકરીના કડક પાઉ ખાય તેથી આપણાં જેવો ઘઉંનો આંટો મળે નહીં. અમે આંટા વેચનાર બહેનોના સ્ટોલ પર જઈ બે ત્રણ પ્રકારના ફાઈન, ઓછા ફાઈન એવા બે-ત્રણ આટા મીક્સ કરાવી લઈએ અને પછી આવડે તેવો આટો બાંધીએ, તેની આવડે તેવી રોટલી વણીએ અને કાચી પાકી શેકી શાકમાં બોળી ખાઈ જઈએ. ગોળ થઈ કે ના થઈ, પેટમાં જઈ આમેય બધું ભેગુ થઈ જવાનું. ચોખા અહીં જાડા અને ચીકણા મળે. તેથી તેને પર પાણીનું માપ ફેરવતા ફેરવતા મેળમાં લાવીએ અને સાંજે ખીચડીમાં વાપરીએ અને રજાના દિવસે મોજ હોય તો દાળ-ભાત કરીએ. મારે રસોઈમાં કાંઈ સાવ કોરું નહોતું ગયું. બચપણ આખું રઈભાભીને રસોઈ કરતી જોઈ હતી. મારા બાપાને ભજીયા તળતા અને મારી બાને આખી જિંદગી રસોઈ કમખોડીને ખાતા જોઈ હતી. તેથી પહેલાં પંદર જ દિવસમાં મેં રસોઈ બનાવવાનું શીખી લીધેલું. 

ત્યાંની મોંઘવારી જોઈ ડીસેમ્બર ૧૯૯૭માં જ્યારે હું અમેરિકા ફરવા ગયો તો ત્યાંથી આટો, દાળ, ચોખા, મસાલા, શાકભાજી, જે સસ્તું મળ્યું તે ઉઠાવી લાવેલો અને લગભગ બે ચેક ઈન બેગ્સ અને હેન્ડલોડ મળી ૯૭ કિલો લગેજ ઉપાડી લાવેલ. બીજીવાર જ્યારે લક્ષ્મી મે ૧૯૯૮ના ઉનાળુ શાળા વેકેશનમાં બાળકોને લઈ સ્લોવેનિયા આવી ત્યારે તેની પાસે ખાસ યાદ કરાવીને આંટો, દાળ, ચોખા, હળદર, મરચું, મસાલા, વગેરે મંગાવેલા. એ ત્રણ જણનું લગેજ પણ ૧૦૦ કિલોથી વધુ થયું હશે. 

એક દિવસ લ્યુબ્લ્યાનાના બજારમાં મને અમદાવાદના શ્રેણિકભાઈ શેઠ કુટુંબનો (લાલભાઈ ગ્રૂપ) એક આધેડ વયનો નબીરો જયસુખ મળી ગયો. તેણે મને ઈસ્કોનનું સેન્ટર બતાવેલું. લ્યુબ્લ્યાનામાં ઢોલકી વગાડતા વગાડતા હરે કૃષ્ણા હરે રામા ગાતા ગોરા યુવકો અને યુવતીઓને જોઈ મને સાનંદાશ્ચર્ય થતું. જયસુખ અમદાવાદમાં પત્ની અને પુત્ર છોડી સ્લોવેનિયન કન્યા સાથે લગ્ન કરી વસેલો. દંપતીને સંતાન નહોતું. પહેલાં તો કામે જતો પરંતુ હવે સ્લોવેનિયન પત્નીના રોટલે નભતો તેથી રવિવારે સેન્ટર પર બપોરનું લંચ ફ્રી મળે તે જમવા આવે. તેનું પરિવાર અમદાવાદમાં ધનાઢ્ય અને અહીં તે લાચાર. તેના દીકરાએ તેની સહીઓ કરી તેના ભાગની બધી મિલકતો હડપ કરેલ તેવું તે માનતો તેથી તે કોઈ સારો વકીલ શોધી આપવા અને મિલકતનો ભાગ મળે તે માટે મદદ કરવા મને વિનંતી કરતો. આપણે ત્યાં લાંબુ રોકાણ તેથી અમદાવાદ પરત જઈશ ત્યારે જોઈશું તેમ કહી હું તેને આશ્વાસન આપતો અને કહેતો આવી લાચારી છોડી તે પોતે કેમ અમદાવાદ પાછો નથી ફરી જતો? તે કહે તેને ૫૫ વર્ષ થયા અને ત્યાં તેને વીસેક વર્ષ થઈ ગયા હતા. હવે ક્યાં પાછાં જાઉં? અમદાવાદ બધી તકરારો છે. વરસ પછી હું અમદાવાદ પાછો આવ્યો ત્યારે શ્રેણિકભાઈને ફોન કરી વાતનું અનુસંધાન જોડવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમણે તેને ઓળખવાનો ઈન્કાર કરેલ. 

ભણવાનું આવે ત્યાં આપણે એક્કા. ગણવાના વિષયોમાં તેઓ કેલ્ક્યુલેટર પકડી હિસાબ માંડે અને આપણે મોઢે જવાબ માંડી દઈએ. મારી ઝડપ અને ત્વરિત જવાબોની ચર્ચા યુનિવર્સિટી સ્ટાફમાં થવા લાગી કે એક ઈન્ડિયન ભારે હોંશિયાર આવ્યો છે. ફેકલ્ટી સ્થાનિક હોય કે બહારની હું તેમનો માનીતો રહેતો. 

તે અભ્યાસમાં અમારે કોમ્પ્યુટર ફરજિયાત શીખવું પડ્યુ. અહીં હતા ત્યારે કાગળ પર પેન ખોલી સાદર રજૂની દુનિયાથી ટેવાયેલા. અમારા સરકારી કોમ્પ્યુટર તો શોભા માટે અને ખાસ કરીને ચેમ્બરમાં એસીનો લાભ લેવો હોય તો મૂકાતા. સચિવોને કોમ્પ્યુટર આવડે નહિ પરંતુ સ્ટેટસ સીમ્બોલ તરીકે કોમ્પ્યુટર તેમની ચેમ્બરના દ્રશ્યનો ભાગ બનતું. 

યુનિવર્સિટીમાં અમને પ્રોજેક્ટ વર્ક આપે તે વર્ડ ફાઇલમાં રજૂ કરવું પડતું અને માંગે ત્યારે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કરવું પડતું. અમે મોટાભાગના શિખાઉ તેથી શરૂ શરૂમાં ડોક્યુમેન્ટ સેવ કરવાનું ભૂલી જઈએ તો ફરી મથવાનું થાય. કોમ્પ્યુટર રૂમ અમારો ૨૪x૭ ઉઘાડો અને તે વખતે પાસવર્ડની ગતાગમ નહીં. જેને જ્યાં મન બેસે તે મશીન પર કામ કરે. ભણવાના ટોળામાં મારા જેવા મજૂરિયા ભેળાં સ્માર્ટ લોટ પણ હોવાનો. હું સાંજે મારું પ્રોજેક્ટ વર્ક પતાવી પાછો આવું એટલે કોઈ કોઈ જઈ મારા ફોલ્ડરને ખોલી કોપી કરી જાય. હું મારા જેવું બીજાનું પ્રેઝન્ટેશન જોઈ અચરજ પામતો. ક્યારેક તો વહેમ થાય કે ક્યાંક મેં તેમની કોપી તો નથી કરી!  કોપી માસ્ટરો હું કામ કરતો હોય ત્યારે કયા કોમ્પ્યુટર પર બેઠો શું તે જોઈ લીધું હોય પછી કોપી કરી જાય. પછી તો ફાઈલો અને ફોલ્ડર વધતાં ગયા અને અમારા પોત પોતાના કોમ્પ્યુટર હવે નિયત થઈ ગયા હતા. 

મારી શાખ મારા સહાધ્યાયીઓ ઉપરાંત ફેકલ્ટીમાં ઊંચી હતી. કેટલાક સહાધ્યાયીઓને અઘરા વિષયોની પરીક્ષા, પ્રોજેક્ટ રીપોર્ટ, થીસીસ પ્રપોઝલ, સીનોપ્સીસ વગેરે બનાવવું અઘરું પડે. તેમને મદદ કરું અને અઘરા વિષયો વધુ સ્પષ્ટ કરવા વર્ગ પૂરો થયે રોકાઈને તેમનું કોચીંગ કરું. છોકરીઓમાં જોલી, આન્યા, વેસ્નાને વાંધો ન આવે. મતૈયા થોડી મદદથી પહોંચી વળે. તાન્યાને મદદ મળે એટલે પાસ થઈ જાય પરંતુ દુન્યાને ભણાવવી અને પાસ કરાવવી અઘરી બની જાય. પરીક્ષાખંડમાં ચિઠ્ઠી લઈ આવનાર પણ ખરાં. તેમાંય જો સુપરવાઈઝર કડક આવી જાય તો ગભરાટમાં આવડતું ભૂલી જાય અને બીજા પ્રયત્ને પાસ થાય. યુનિવર્સિટીના એક પ્રોફેસર ડેનિયલ પુચકોની બધાંને બહુ બીક લાગે. સ્વભાવે કડક અને પરીક્ષા માટે કેોઈ imp ન આપે કે લાગવગ કોઈનું માને નહી. તે Strategic Management ભણાવે. તેમની બીકનો કારણે દુન્યાને ન સમજણ પડે ન યાદ રહે. તેમના વિષયની પરીક્ષામાં દુન્યા ખાસ સ્કર્ટ પહેરે અને આંતરિક આભૂષણોની જેમ ચિઠ્ઠીઓ ભરાવી દે. કઈ ચિઠ્ઠી ક્યાં ભરાવી છે તેની પણ એક અનુક્રમણિકા બનાવી તેની પણ ચિઠ્ઠી બનાવે. પરંતુ જેવી પરીક્ષા શરૂ થાય એટલે ચિઠ્ઠીઓ ભૂલી જાય. Strategic Management ના વિષયમાં તેને ખૂબ ભણાવી છતાં સતત ત્રણવાર નાપાસ થઈ. હું તૈયારી કરાવી થાક્યો પરંતુ તેનો ડર તેના પર હાવી થઈ ગયો હતો. તેનું ધ્યાન હંમેશાં પરીક્ષાની ચિઠ્ઠી બનાવવામાં વધુ અને વિષયને સમજવામાં ઓછું. હવે ચોથી વાર નાપાસ થાય તો તેનું વર્ષ બગડે. તે મારી પાસે આવી મોટે મોટેથી રડવા લાગી. મને કહે પીકે તારે પ્રો. પુચકો સાથે સારું બને છે. મારી ભલામણ કરી મને પાસ કરાવી દે, તેનાથી આમ પરીક્ષા આપી નહીં પાસ થવાય. મારી હોશિયારીને કારણે પ્રો. પુચકોની દિલમાં મારું સારું સ્થાન. મને તેમની પાસે ભલામણ લઈ જતા સંકોચ થયો પરંતુ સહાધ્યાયીને તેની કંપનીએ સ્પોન્સર કરેલી તેથી જે નાપાસ થાય તો ખર્ચો બધો તેની સેલેરીમાંથી વસૂલ થાય. હું યુનિવર્સિટી સ્ટાફ રૂમમાં જઈ પ્રો. પુચકોની મળવાનો સમય લીધો. માનવતાની ટહેલ નાંખી. તે મારી સામે બે ઘડી જોઈ રહ્યા. મારા પ્રત્યે તેમને આદર તેથી માન્યા અને તે પ્રયત્નમાં દુન્યા પાસ થઈ ગઈ. 

ડેન્માર્કથી આવેલા એક પ્રોફેસર એવું ઝડપી ભણાવે કે કોઈને ખબર ન પડે. વિષયના ટેકનિકલ શબ્દોની પરિભાષા ન આવડે અને કેટલીક અટપટી ગણતરી પકડાય નહીં તેથી કેટલાકને બધું ઉપરથી જાય. હું આંકડાશાસ્ત્રી એટલે મને સાવ સરળ સમજાય. તેઓનો વર્ગ પૂરો થાય એટલે મારે કલાક રોકાઈને જેને ન સમજાયું હોય તેને સમજાવવું પડે. તેઓ ગેસ્ટ ફેકલ્ટી તરીકે અમારી હોસ્ટેલમાં જ રહે તેથી બધાને તેમનો વિષય હું સરળ કરી ભણાવું તે જોઈ રહે. અમારી પરીક્ષા થઈ. તેમના વિષયમાં પરિણામો સારા આવતાં તેઓ ખુશીમાં તેમના પૈસે બધા માટે બીયરના કેન અને મારા માટે ખાસ ઓરેન્જ ડ્રીંક લઈ આવ્યા. દિલ્હી IITથી પ્રો. પી.કે. જૈન પણ મારાથી પ્રભાવિત રહ્યા મને મને દિલ્હીથી IIT PhD કરવાનું આમંત્રણ આપી મારા ગાઈડ બનવાની તૈયારી બતાવી. 

મારા થીસીસના મટીરીયલ માટે લક્ષ્મીએ મારી ઈન્ડિયાથી મદદ કરી. તે વખતે વાયફાયનો જમાનો નહીં. મોબાઇલ વોટ્સઅપ ન મળે. ઈ-મેઈલનું ચલણ નહોતું. તેથી મટીરીયલ ટપાલથી મંગાવવું પડે. લક્ષ્મી કહું તે કચેરીમાં જાય અને જે મળે તે ટપાલથી મોકલી આપે. 

એમબીએમાં અમે કુલ ૧૬ વિષયો ભણ્યાં. મારે પરિણામમાં ૧૧ વિષયોમાં A ગ્રેડ, ૪ વિષયોમાં A- ગ્રેડ અને એક વિષયમાં B+ ગ્રેડ આવ્યો. વિષય પરિણામ અને થીસીસ મળી ઓવરઓલ પરિણામમાં મને ડિસ્ટિંકશન સાથે ફર્સ્ટ રેન્ક મળી અને આપણાં કોલર ઊંચા રહ્યા. 

સચિવાલય એટલે સંકુચિત સંકુલ. ફોન માટેની બે ઘટના નોંધવી રહી. એ વખતે સચિવાલયમાં ISD ફોનની સુવિધા માત્ર સચિવ પાસે અને કોઈક જ સંયુક્ત સચિવ પાસે. મારા નસીબે મારા વિભાગના ફોનમાં ISD કોલ લાગે તેથી લક્ષ્મીને કહેલું કે તેને અગત્યની જરૂર હોય તો વિભાગમાં જઈ મને ફોન કરવો. સમય મેં તેને સમજાવી રાખેલો. સ્લોવેનિયાની ઘડિયાળ ૩ કલાક ૩૦ મિનિટ પાછળ ચાલે તેથી અહીંથી બપોર પહેલાં વાત કરી લે તો મારો સંપર્ક થઈ જાય. મારી જગ્યાએ મારા બેચ મેટ આવેલા તેથી અમે બંને નિશ્ચિત. એક સવારે લક્ષ્મી તો પહોંચી ગઈ વિભાગમાં અને જેવું મારા બેચમેટના નામનું બોર્ડ જોયું એટલે તેમની ચેમ્બરમાં તેમને મળવા ગઈ. મારા બેચમેટે તેના આવવાનું કારણ જાણ્યું અને જેવી ખબર પડી કે ISD ફોન કરવા આવી છે ઘસીને ના કહી દીધી અને તેને મીટીંગ છે તેવું કહી બહાર નીકળી ગયો. લક્ષ્મી ધોયેલા મોઢે પાછી આવી. આજે ૨૮ વર્ષે તે અધિકારીને જુએ એટલે તેને પેલી ફોન ન કરવા દેવાવાળી વાત યાદ આવે. 

તેની ફોન રામાયણ આટલેથી ના અટકી. હું જેવો સ્લોવેનિયા ગયો અને મારી જગ્યાએ નવા અધિકારી હાજર થયા કે તરત જ વિભાગની મહેકમ શાખાએ ટેલીફોન ખાતાને પત્ર લખી અમારા ગાંધીનગર નિવાસસ્થાનનું ફોન કનેક્શન કપાવી નાખ્યું. લક્ષ્મી અને બાળકો સંપર્ક વિહોણા થઈ ગયા. મારું તો ઠીક પરંતુ અમદાવાદ બા-બાપુને તકલીફ પડે તો શું કરે? ઉજ્જવલ-ધવલને કોઈ ઈમરજન્સી આવે તો શું કરે? તેણે મને એસટીડી પીસીઓ પરથી ફોન કરી જાણ કરી તો મેં તેને અધિક મુખ્ય સચિવ અશોક ભાટિયા સાહેબને મળવા જવા કહ્યું. ભાટિયા સાહેબ સેક્ટર-૧૯માં અમારા ઘરથી નજીક રહે. લક્ષ્મી અંદરથી ઉકળી ગયેલી કે આ કેવું તંત્ર? તેનો પતિ સરકારી હુકમથી વિદેશ ગયો છે, કાંઈ નોકરી છોડી ગયો નથી. કનેક્શન કાપે જ કેમ? ભાટિયા સાહેબ વિનમ્ર, તેથી તેમણે તેને સાંભળી અને બીજે દિવસે ટેલીફોન ખાતાને પત્ર લખાવી કનેક્શન ચાલુ કરાવી આપ્યુ. 

લક્ષ્મીની ઉજ્જવલ ધવલને લઈ એકલા યુરોપ પ્રવાસ કરી મારી સુધી લ્યુબ્લ્યાના પહોંચવાની યાત્રા એડવેન્ચર્સ રહી. મેં તેને પત્ર લખી પ્રકિયા સ્ટેપ્સ લખી સમજાવી દીધી હતી. તેમનાં ત્રણેયના પાસપોર્ટ હતાં તેથી તેમાં માત્ર શેંગેન વિઝા લેવાના હતા. મેં તેને સમજાવ્યું તેમ અરજી કરી તે બંને દીકરાઓને લઈ મુંબઈ જર્મન કોન્સ્યુલેટ ઓફિસમાં જઈ વિઝા લઈ આવી. પછી લુફ્થાન્સા એકલાઈન્સમાં વાયા ફ્રેન્કફર્ટ ટિકિટો બુક કરાવી. પાછા આવવાનું સેકટર ઓપન રખાવ્યું. તેને અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી ફ્રેન્કફર્ટ સુધી પ્રવાસની તકલીફ ન પડી. પરંતુ ફ્રેન્કફર્ટ જઈ લ્યુબ્લ્યાનાની ફ્લાઇટ નાની તેથી બીજા ટર્મિનલથી મળે ત્યાં કેવી રીતે પહોંચવું તેની તેને મૂંઝવણ થયેલી. પહેલીવાર હતું. તેમને કે નજીક ક્યાંક હશે. વિશ્વના સૌથી મોટા પૈકીના એક એવા વિેશાળ ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર બે બાળકો અને ત્રણ હેન્ડ લોડ સાથે મુવ કરવાનું. અંગ્રેજી આવડે નહીં. તેથી તેણે કોઈ ઈન્ડિયન ફેસ જોઈ હિન્દીમાં પૂછપરછ કરી. ઉપર લાગેલા ટીવી સ્ક્રીનમાં ફલાઈટ અને ટર્મિનલ શોધવાનું સમજી. પછી જેવી સમજણ પડી કે જ્યાં જવાનું છે તે ટર્મિનલ તો ક્યાંક બહુ દૂર છે અને સબ વે ટ્રેન પકડી જવાનું છે. પહેલી ટ્રામમાં બેસી જ્યાં પહોંચ્યા ત્યાં તેમનું ઠેકાણું નહીં. ભાંગ્યા તૂટ્યા અંગ્રેજીમાં ફરી પૂછી ઉપર બીજા માળેથી બીજી ટ્રામ લીધી ત્યારે માંડ જવાના ટર્મિનલે પહોંચાયુ. સમય ઘણો વેડફાયો હતો પરંતુ નસીબજોગે ફ્લાઇટ હજી ઉપડી ન હતી. સ્ટાફ તેમની રાહ જોતો હતો. જેવા તેમને દૂરથી જોયા ફ્લાઇટ સ્ટાફે તેમના હેન્ડલોડ ઉચકી લીધા અને હાથ પકડી ફલાઈટમાં ચડાવી દીધા. બસ પછી બાકી શું રહ્યું. લ્યુબ્લ્યાના એરપોર્ટ પર હું રાહ જોતો હતો. તેમને રિસીવ કરી અમે પહોંચ્યા અમારે ઘેર ICPE હોસ્ટેલ. 

મારે હવે રાહત થઈ ગઈ હતી. રસોઈ, લોન્ડ્રી, ઇસ્ત્રી, રૂમ જાળવણી, બધું લક્ષ્મી કરી લેતી. રૂમ નાનો હતો પરંતુ અમે ચારેય સમાઈ રહ્યા. 

પછી આવી અમારી યુરોપ સ્ટડી ટુર. અમારા શૈક્ષણિક કાર્યક્રમના ભાગરૂપ ૧૫ દિવસનો યુરોપ પ્રવાસ કરવાનો હતો. એકેડેમીએ લક્ઝરી બસ કરાવી હતી. અમે ૧૮ અને બે કોર્સ ડાયરેક્ટર તેથી બાકીની સીટો ખાલી. અમારો ખર્ચ તો કોર્સ ફીમાં આવી ગયો હતો પરંતુ અમારા પરિવારને સાથે લઈ જવા એક મોકો હતો. અમે દરખાસ્ત મૂકી કે આમેય બસ ખાલી જવાની તો પછી શા માટે અડધી કિંમતે તેમને સાથે ન લઈ જવા. અમે પાકા તેથી બાળકો માટે ૨૫% રેટે માંગણી કરી. આયોજકોને તો વકરો એટલો નફો હતો તેથી શિષ્ટાચાર પૂરતાં ના હા કરતાં કરતાં તૈયાર થઈ ગયા. અમે સહાધ્યાયીઓ અને જેમના પરિવાર હતાં તે પરિવાર સહિત ઉપડી ગયા યુરોપના પ્રવાસે. 

પંદર દિવસનો એ પ્રવાસ યાદગાર રહ્યો. તેમાં અમે ઈટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાંસ, યુકે, બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની અને ઓસ્ટ્રિયા વગેરે થઈ કુલ અગિયાર દેશોના પ્રખ્યાત શહેરોમાં ફર્યા અને જોવાલાયક બધાં સ્થળો જોયા. તેમાં મિલાનો, જીનિવા, પેરિસ, લંડન, બ્રસેલ્સ, આર્મસ્ટરડમ, હેગ, બોન, મ્યૂનિક, સાલ્સબર્ગ વગેરે સમાવેશ થઈ જાય. યુરોપ પ્રવાસની બે-ત્રણ ઘટનાઓ નોંધવી રહી. 

લંડનની બંકિમહામ પેલેસ અને તેની પરેડ જોવા જેવા. લંડન ટાવર અને તેની ઘડિયાળના ટકોરા ના સાંભળ્યા હોય તો મુલાકાત અધૂરી ગણાય. લંડનમાં બસવાળાએ અમને કોઈ મોંઘી હોટલના દરવાજે ઉતાર્યા. મેનુ તો સરસ હતું પરંતુ પાઉન્ડમાં ભાવ વાંચી હું તો હેબતાયો. એક લંચમાં ૬૫ પાઉન્ડનું ખર્ચ કરવાનું? અમે તો બાજુના ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગયા ત્યાંથી બ્રેડ, બટર, ટામેટાં, કાકડી લીધી અને સરસ મજાની સેન્ડવીચ બનાવી ૧૦ પાઉન્ડમાં લંચ કરી લીધુ. વળી આગળ ઉપર તકલીફ થાય તો વ્યવસ્થા માટે પાકિસ્તાની બાસમતીનું એક પેકેટ મળતું હતું તે લઈ લીધું. જે પછી અમને હેગમાં કામ લાગ્યું. લક્ષ્મી હોટલના રસોડે જઈ ત્યાંના મસાલા તેલ ઉમેરી તેને પુલાવ રાંધી આવેલી. અમારી સાથે બે બાળકો એટલે કોઈ ના કહે નહીં. 

પેરિસમાં એફિલ ટાવર જોયો ત્યારે મને ગાંધીજી યાદ આવ્યા. તેમણે આ ટાવરને માણસના શાણપણનું નહીં પરંતુ મૂર્ખાઇનું સ્મારક ગણ્યું હતું. લૂવર મ્યુઝિયમમાં અમે સ્કલ્પચર અને પેઇન્ટિંગ્સ જોયા. તેમાંય લિયોનાર્ડો દા વિન્ચીના પ્રસિદ્ધ પેઇન્ટિંગ્સ અને ખાસ કરીને મોનાલિસા અવિસ્મરણીય રહ્યા. 

આર્મસ્ટડમમાં બસવાળાએ અમને રાત થઈ રહી હતી એટલે પ્રોસ્ટીટ્યુટ બજારમાં ઉતાર્યા. અમારી સાથેના સ્લોવેનિયન સીંગલ યુવક યુવતીઓ તો રાજીના રેડ થઈ ગયા અને પોતાને મન ગમતા થિયેટરના શો જોવા ભાગી નીકળ્યા. અમારામાંથી એક કપલ પણ છૂટુ પડ્યું. હું, લક્ષ્મી, ઉજ્જવલ અને ધવલ શું કરીએ? મોટા બજારમાં શો રૂમમાં કપડાં- ડ્રેસ લટકાવી જેમ વેપારી શો કરે તેમ અહી દુકાને દુકાને સજી ધજીને રૂપલલનાઓ શરીર વેચવા ઉભી હતી. જાતજાતના ગીતો વાગે અને એવા ઘોંઘાટ વચ્ચે બજારમાં તો ચિક્કાર ગિરદી. અમારે બીજા પાછા આવે ત્યાં સુધી સમય કાપવાનો હતો. ફૂટપાથ બજાર પરથી કંઈક લઈ અમે હળવો નાસ્તો કર્યો પછી ફૂટપાથ પકડી બજારમાં ચાલ્યા. હવે પલાળ્યુ છે એટલે મૂંડાએ છૂટકો. અભ્યાસ પ્રવાસ છે ચાલો આનો પણ અભ્યાસ કરી લઈએ. હું અને લક્ષ્મી એક દુકાને ઉભા રહ્યા. લલના કહે ૭૫ ડોલર. પાછી લક્ષ્મી તરફ ઈશારો કરી કહે તેની પાસે છે તે જ છે બીજું કંઈ નવું નથી તેથી ચાલતી પકડ. હું હજી તેની સામાજિક પૃષ્ઠભૂમિ પર ઉતરું ત્યાં રોકડું પરખાવ્યું કે વાતો કરવી હોય તો પણ કલાકના ૭૫ ડોલર આપવા પડે. અમે તો ચાલતી પકડી. મોડી રાત્રે જેઓ બજારમાં ઉતર્યા હતા તે પાછા ફર્યા એટલે અમે સૌ બસમાં બેસી શહેર બહાર બુક કરેલ કોઈ હોટલમાં પહોંચી નિદ્રાધીન થયા. 

યુરોપના આ પ્રવાસ ઉપરાંત અમે અંગત ટુર કરી રોમ, પોમ્પે, ફ્લોરેન્સ, પીસા, નેપલ જોયા હતાં. મેં વધારામાં વેનિસનો પ્રવાસ કર્યો હતો. દરેકનું લખવા રહીએ તો પાનાં ભરાય. એટલું સમજાય કે જીવ્યા કરતાં જોયું ભલું. જે ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે. 

મારે ડોલર બચ્યા. સરકારે ગાંધીનગર પ્લોટ આપ્યો અને લોન મંજૂર કરી. એટલે ગાંધીનગરમાં પોતાનું ઘર બન્યું જેનું અમે નામ રાખ્યું લ્યુબ્લ્યાના. તે શહેરે મને ડિગ્રી આપી અને તેની બચતે ઘર બંધાયુ. 

લ્યુબ્લ્યાનાથી નાતાલ વેકેશનમાં હું પહેલીવાર અમેરિકા ગયેલો તેની વાત હવે પછીના અંકમાં. 

૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫

1 comment:

  1. Excellent description of how you went to Slovenia for your MBA and the various adventures associated with it. Laxmi’s trip was also quite memorable. Very absorbing indeed.
    JN Singh

    ReplyDelete

Powered by Blogger.