પિતાની મેમ્બરી અને મારો જાહેર વિકાસ
૧૯૫૪માં ધોળકા મિલ શરૂ થઈ અને બહુમતી મજૂરો ગાંભુ ગુરૂ ગાદીના શિષ્યો હોવાથી મારા પિતાની મજૂર મહાજન સંઘના પ્રતિનિધિ તરીકે બિનહરીફ પસંદગી થઈ ગઈ. પછી તો તેમનું ખેમો મેમ્બર એવું લેબલ જીવનપર્યંત બની રહ્યું. બગબગાટ ખાદીનો ઝભ્ભો, ધોતી, ટોપી અને પોલિશવાળી કાળી મોજડી તેમનો પહેરવેશ જીવનભર રહ્યો. ૧૯૫૪ થી ૧૯૮૪ મિલ બંધ થઈ ત્યાં સુધી સળંગ ત્રીસ વર્ષ તે મેમ્બર રહ્યાં. મેનેજમેન્ટમાં કામદારોની ભાગીદારીના સુધારાથી જોઈન્ટ મેનેજમેન્ટ કાઉન્સિલની ચૂંટણી આવી તો તે પણ તેઓ મોટી બહુમતીથી સૌથી વધુ મતો લાવી જીતી ગયેલાં. તેઓ નિરક્ષર પરંતુ મારી બાએ તેમને અક્ષરજ્ઞાન આપ્યું હતું. તેથી અરજીઓ અને હિસાબો લખવાં, અગત્યની નોંધો રાખવામાં તેઓ નિયમિત. તેમની મજૂર મહાજન સંઘની ડાયરીઓમાં નોંધેલી ઘણી માહિતી મને કુટુંબના ઈતિહાસના સાંધા જોડવા કામ લાગેલી.
પિતાની આગેવાનીને કારણે મને નવ વર્ષે ૧૯૬૯ના હુલ્લડના વર્ષથી જ માનસિક પુખ્તતા મળતી ચાલી. ૧૯૭૧ના ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે અને રાત્રે ચાલીઓમાં ફરતાં અને ઘેર ઘેર લાઈટો બંધ કરાવતાં. ૧૯૭૧ની ચુંટણી વખતે કોંગ્રેસના ભાગલા થયેલાં હતાં. લોકસભાની ચૂંટણીમાં સંસ્થા કોંગ્રેસ અને ઈંદિરા કોંગ્રેસ સામસામે હતાં. મજૂર મહાજન સંઘે સંસ્થા મોરારજી દેસાઈ સાથે તેથી અમદાવાદ લોકસભા બેઠક પર સંસ્થા કોંગ્રેસના ઉમેદવાર તરીકે મિલ માલિક શેઠ જયકૃષ્ણ હરિવલ્લભદાસ ઊભા રહેલ. પિતાને કારણે તે વખતે વોર્ડ બુથની વ્યવસ્થા ઉપરાંત કામદાર મેદાન પોલીંગ બુથના એજન્ટ તરીકે મેં સેવા આપેલ અને આવતાં મતદારોની ઓળખનું ધ્યાન રાખી બોગસ વોટર આવે તો પ્રીસાઈડીંગ ઓફિસરનું ધ્યાન દોરી તેમ કરતાં અટકાવેલ. આમ અગિયાર વર્ષે ચૂંટણીની કામગીરીનો મને જાત અભ્યાસ થયેલ. ઈંદુચાચા સામે શેઠ જયકૃષ્ણ તે હારી ગયા પરંતુ મને રાજનીતિમાં રસ પડવા લાગ્યો. ૧૯૭૨માં ઈંદુચાચાનું નિધન થતાં પેટા ચૂંટણી થઈ તેમાં અપક્ષ ઉમેદવાર પુરૂષોત્તમ ગણેશ માવલંકરના પ્રવચનો લોકપ્રિય. હું તેમના પ્રવચનો સાંભળવા તેમના કાફલા સાથે ફરતો જેને કારણે તે પણ મને ઓળખતા. તેઓ પેટા ચૂંટણી જીતી સંસદ સભ્ય બન્યાં. પછી ફરીથી ઈમરજન્સી પછીની ૧૯૭૭ની ચૂંટણી તેમણે ગાંધીનગર બેઠક પરથી જનતા પક્ષના ઉમેદવાર તરીકે જીતેલ પરંતુ ૧૯૮૦માં હારી ગયેલ.
મારા શિક્ષણની સાથે કેળવણીમાં માતાને પણ મોટો ફાળો. ચર્ચા સંવાદમાં સુભાષિતો કહેતી જાય અને જીવનનો બોધપાઠ મળતો રહે. બા પાંચ ધોરણ ભણેલી અને વાંચનમાં હોંશિયાર. શબ્દ અને વાક્યનો અર્થ બરાબર કરી જાણે. ઘડિયા તો પા, અડધા, પોણા, એકા, અગિયારા, એકવીસા સુધી આવડે. તે છાપું વાંચે તો તેનો ખૂણે ખૂણો વાંચી લે. વૈષ્ણવ સંસ્કાર તેથી કામની સાથે શ્રીકૃષ્ણની ભક્તિ અને શ્રીમદ્ ભાગવતનું વાંચન તેની દિનચર્યા રહેતી. સુભાષિતોનો તે ખજાનોં રોજબરોજની જીવનની ઘટમાળમાં પ્રસંગને અનુરૂપ સુભાષિત કોટ કરવાનું તે ક્યારેય ન ચૂકે. બાળકો સંસ્કારી અને આજ્ઞાંકિત રહે તેથી કહેતી કહ્યું કરો મા બાપનું દો મોટાને માન, ગુરૂની શિક્ષા માનીએ તો કરે પ્રભુ લીલા લહેર. તે વિચારની ગુણવત્તા પર ભાર દેતી. વિચાર બડો સાર છે તેના રૂપિયા એક હજાર છે. જીવનમાં નિયમિતતા માટે કહેતી વહેલા જે સૂઈ રહે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. ગરીબીને કર્મના સિદ્ધાંત સાથે જોડી તાદૃશ કરતી કે, કરમમા લખ્યું કરસનિયા, જાને કોની જાવું, કરમમાં લખ્યું ડોળિયું, તો ઘી ક્યાંથી પીવું? સત્તા સામે શાણપણ નકામું તેથી કહેતી કે જિસકે રાજમેં રહેના ઉસકી હાંજી હા કરના. જીવનમાં સાવધાની રાખવું તેને ગમે તેથી હંમેશાં કહેતી ચેતતા નર સદા સુખી.
ગરીબીમાં મહિનો પૂરો થવાના સમયે બધાંને નાણાંભીડ થાય. તેમાંય કોઈ બીમાર થાય, વાસણ ખરીદવું હોય, લગ્ન, મામેરાં જેવો પ્રસંગ હોય એટલે નાણાં ઉધાર લેવા હાથ લંબાવવો પડે. ઉછીના લેવા જાઓ તો રૂપિયાના ચાર આના વ્યાજ એટલે કે મહિને ૨૪% વ્યાજ. જો ચૂકવણીમાં મોડુ થઈ જાય તો ઘરમાં હોય તે દાગીનો વેચવાનો વારો આવે. ૧૯૭૧માં મે બચત મંડળનો ખ્યાલ મૂક્યો. અગિયાર જેટલાં સભાસદ કર્યાં. મહિને દસ રૂપિયાનો ફાળો નક્કી કર્યો. વ્યાજ દોકડો એટલે મહિને ૧% રાખ્યું. લોન પરત કરવાનો સમય માસિક દસ સરખા હપ્તે દસ મહિનાનો. મને વિદ્યાની દેવી સરસ્વતી પ્રત્યે અપાર શ્રદ્ધા તેથી મંડળનું નામ આપ્યું સરસ્વતી બચત મંડળ. હું રીચી રોડ જઈ એક ચોપડો લઈ આવ્યો. તેમાં સભાસદના નામ, મંડળની શરતો લખી બધાંનાં સહી અંગૂઠા કરાવ્યા અને પછી દર મહિને ₹૧૧૦ ભેળાં થાય તેને સભ્યો વત્તા વારાફરતી ધીરવાનું ચાલું કર્યું. પછી તો નવા સભ્ય ઉમેરતાં ગયાં અને માસિક ફાળાની રકમ ₹૨૫ કરી ધિરાણની રકમ મોટી કરતાં ગયાં. મંડળ લગભગ દસ વર્ષ ચાલ્યું અને તેને કારણે મને ધીરધાર, વ્યાજ ગણન, વસૂલાત, હિસાબ લખવાં વગેરે મહાવરો થઈ ગયાં.
૧૯૭૫ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે શહેરકોટડાની બેઠક જનતા મોરચા વતી મજૂર મહાજન સંઘના ફાળે આવેલી તેમાં ખેમાભાને ઉમેદવાર બનાવવાનું સૂચન થયેલ પરંતુ તેમનાં મિત્ર નારણભાઈ રણછોડભાઈની તરફેણમાં તેમણે તે તક જતી કરી હતી. જો કે નારણભાઈ ચૂંટણીમાં કોંગ્રેસના નરસિંહભાઈ મકવાણા સામે હારી ગયા હતાં. જોકે સરકાર તો જનતા મોરચાની બનેલ. તેમાં મજૂર ખાતાના મંત્રી તરીકે મજૂર મહાજનના નવીનચંદ્ર બારોટ બનેલ. તેમણે ચાલીઓનાં જીવનમાંથી મજૂરોને મુક્ત કરવા ચાલીઓમાં આવી સ્લમ રીડેવલપમેન્ટની મીટિંગો કરેલ. મારી ઉંમર એ વખતે પંદર વર્ષ પણ હું ખૂબ સક્રિય. પિતાને કારણે મને મજૂર મહાજન સંઘના આગેવાનો અરવિંદ બુચ, શાંતિલાલ શાહ, મનહર શુક્લ અને નવીનચંદ્ર બારોટનો પરિચય રહેતો. મેં પણ તે બેઠકોમાં ઉપસ્થિત રહી યોજનાને ટેકો જાહેર કરેલ અને ચાલીમાં રહેતાં મજૂરોને સમજાવવા પ્રયત્ન કરેલ. પરંતુ અમારી છત પર બીજા ફલેટ બને અને તે પર કોઈ રહેવા આવે તેથી અમારા આકાશી અધિકારનું શું? તેવા સંકુચિત ખ્યાલથી તે યોજના ભાંગી પડી અને કટોકટીના થોડાક મહિના પછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગતાં સ્લમ રિડેવલપમેન્ટમાં તે ઉમદા વિચારનું બાળમરણ થયેલ. હજી બીજો એક દશકો મારે અર્બન સ્લમ્સની એ ગંદકીમાં વિતાવવાનો હતો.
મજૂર મહાજન સંઘ અને મોરારજી દેસાઇને કારણે અમે પણ કટોકટીનો વિરોધ કર્યો. તે વખતે છાપા પર તો સેન્સર તેથી સંવેદનશીલ સમાચારો વાંચવા હોય તો ફરતી પત્રિકાઓ પર નજર કરવી પડે. તે વખતે પ્રેસના નામ વગરની પત્રિકાઓ કોઈક ખાનગીમાં છપાવી મહોલ્લે મહોલ્લે અને ચાલીએ ચાલીએ વિતરણ કરાવતું. આખી ચાલી વચ્ચે એકાદ બે પત્રિકા ભાગ આવે. અને ચોકમાં ઊભા રહી એકબીજા પાસેથી લઈ વાંચીએ. તેમાંય જ્યોર્જ ફર્નાન્ડીઝ અને સુબ્રમણ્યમ સ્વામીને મળેલી જેલ અને યાતનાઓની દર્દનાક કહાનીના વર્ણનથી જેઓ વર્ષોથી કોંગ્રેસી હતાં તે પણ પલટાવા માંડયા. જો કે કોંગ્રેસની વોટ બેંક એટલી ઊંચી કે શહેર કોટડાની બેઠક પરથી કોંગ્રેસનો ઉમેદવાર કદી ન હારે.
મારી પડોશમાં જ દારૂનો વેપાર. તેથી દારૂ, દારૂડિયો, જુગાર, પોલીસ અને વ્યસનોથી થતી પાયમાલી સમજવા જાણે કુદરતે મને તેવાં જ ઠેકાણે બેસાડી દીધો હતો.
ચાલીનું જીવન એટલે પૃથ્વી પરનું નર્ક. ૮૦ ઓરડી અને ૨૫ છાપરાંઓ વચ્ચે દસ જાહેર જાજરૂ. પુરુષો બધા સવારે જાય અને મહિલાઓ રાત્રે. મહિલાઓની રાત્રિસભા તો ખુલ્લામાં થતી. પુરુષો સવારે ૨૦૦ એમએલ પાણીના ચંબા ભરી આવે અને લાઈનમાં લાગી જાય. જાજરૂ માટે એક કુંડી પરંતુ નગરપાલિકાનું પાણી સાવ ધીમું અને અડધો કલાક આવે તેથી કુંડી ભરાય નહીં અને જાજરૂની નીક સાફ થાય નહી. તેમાંય ઉપરની બેઠકનો પત્થર કોઈ બગાડી જાય તો જુગુપ્સા વધી જાય. જેમ તેમ કરી વારો આવે એટલે એ દુર્ગંધના નર્કમાં બેસવાનું અને ભાગીને બહાર આવી જવાનું. ચોમાસામાં તો કીડા પડે. બે-ત્રણ મિનિટ બેઠાં હોય તો કીડા પગ પર ચડી જાય અને તન મનમાં અરેરાટી વ્યાપી જાય. એ નર્ક જેવાં જાજરૂ અને કીડા મને ચાલી છોડવા જોર જોરથી ધક્કો મારી રહ્યા હતાં. મને ભારતીય વહીવટી સેવામાં મોકલવા કદાચ એ તેમનો સૌથી મોટો ધક્કો હતો.
પિતા ગાંધીવાદી તેથી મારું ગાંધી વાંચન ખૂબ સારું. પિતાએ ૧૯૬૧માં મજૂર મહાજનના પ્રતિનિધિ મંડળમાં ભાવનગર સેશનમાં ભાગ લીધો હતો અને પંડિત નહેરુને મળ્યા હતાં. ગાંધીજી બે વર્ષનું ભારત દર્શન કરી ૧૯૧૭માં કોંગ્રેસ અધિવેશનમાં કલકત્તા ગયા ત્યારે તેમણે પાયખાના સાફ કરેલાં તે મેં વાંચેલું. તેઓ જેલમાં હતાં ત્યારે પણ પાયખાના સાફ કરતાં. હું દરરોજ જનતા જાજરૂની એ ગંદકી જોતો અને તે સાફ કરવા આવતાં એક વાલ્મિકી યુવક ભીખાને જોતો. તેણે ભણવાનું છોડી ચાલી વાળવાનું અને જાજરૂ ધોવાનું કામ અપનાવી લીધેલું. તેને લોકોની ગંદકી સાફ કરતાં જોઈ મને તેના પર કરૂણા ઉપજતી. હું તેને જોતો અને મનથી ગાંધીને અને પછી મનોમય નિશ્ચય કરી તેની વેદનાને વહેંચવા એકવાર તેની સાથે પાયખાના ધોવા લાગી ગયો. તે ઘટનાએ મને લોકોને પડતાં દુઃખ દર્દને સમજવાં એક મોટી સમજણ આપી દીધી.
મને ભણવાનો અને ભણાવવાનો શોખ. તેથી સચિવાલયની નોકરીથી છૂટી ઘેર આવું એટલે રાત્રિશાળા ચલાવું. ચાલીના ચોગાનમાં ડેલાની દિવાલે પ્લાસ્ટર અને કાળો કલર કરી નોટિસ લખવાં એક કાળું પાટિયું બનાવેલ હતું અને મ્યુનિસિપાલિટીનો સ્ટ્રીટ લાઇટનો થાંભલો આવી ગયેલ તેથી તેના અજવાળે હું પ્રાથમિક શાળાના બાળકોને ભણાવતો. પાઠ વંચાવું, તેનો અર્થ સમજાવું, ગણિત અને ઘડિયા કરાવું અને તે રીતે તેમનાં વાંચન, લેખન અને ગણનને મજબૂત કરતો. નાનકડી બોધ વાર્તાઓ કરી તેમને જીવન મૂલ્યોનું સિંચન કરતો. મહાપુરુષોની વાર્તા કરી તેમનામાં દેશભક્તિ જગવતો.
મને ક્યાં ખબર હતી કે જીવનની આ પાઠશાળા મને કોઈ મોટી જાહેર સેવા માટે તૈયાર કરી રહી હતી.
૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫
0 comments:
Post a Comment