ખેમાભાનો રઝળપાટ
ખેમાભા એટલે મારા પિતા ખેમચંદ વાલજી. તેમનો જન્મ સન ૧૯૨૦-૨૧ આસપાસ ભટારિયા ગામે થયેલો. વાલાભા અને સુંદરબાના એ પાંચમાં સંતાન. સન ૧૯૩૦માં તેમના પિતા વાલાભાનું ૪૫ વર્ષની ઉંમરે અવસાન થયું ત્યારે તેઓ આશરે નવ વર્ષના. કુટુંબનો મોભી મરી જતાં આખું કુટુંબ વેરવિખેર થઈ ગયેલું. પહેલાં તો તેમની ફૂઈ ડઈબા તેમને ગોકળપુરા લઈ ગયા પરંતુ ત્યાંનું પાણી માફક ન આવ્યું. ખારું પાણી પી પી તેમને ઝાડા થઈ જતાં તેથી બેએક વર્ષ રહી ભટારિયા પાછા આવ્યા. ગામમાં નિશાળ નહીં અને જોટાણાની નિશાળે કોઈ લે નહીં તેથી તેઓ નિરક્ષર રહી ગયેલ. વાસમાં તેમની ઉંમરના મેલા જોડે તેમને દોસ્તી. બાર વર્ષની ઉંમરે તેમણે બંને જાકાસણા ગામની સીમમાં કૂવીમાં બેસી બીડીનો સ્વાદ લીધેલો. મોટાભાઈ નરસિંહભા પરણેલાં તેથી તેમની વહુનું આણું થયું એટલે અમદાવાદ જઈ લક્ષ્મી કોટન મિલમાં ચડી ગયા. સોમાભા અને ખુશાલભાએ પણ ગામ છોડ્યું. ખેમાભા પણ ૧૪ વર્ષની કાચી ઉંમરે ૧૯૩૪માં અમદાવાદ ભેળાં થઈ ગયા. સુંદરબા અને બે દીકરા જેઠીબા અને સંતોકબા ગામડે રહ્યા.
તે જમાનામાં મફત કોઈ ખાય નહીં. જેવી આવડે તેવી મજૂરી કરે પરંતુ પોતાના સ્વમાનને ઠેસ ન પહોંચવા દે. ગામ હોય તો દહાડીએ જવાય પરંતુ આ તો શહેર. કેવોક વિચાર આવે? ખેમાભાએ છૂટક મજૂરી કરી એક આનો કમાઈ લીધો પછી પોલીશની એક ડબી અને એક બ્રશ ખરીદ્યું અને કાલુપુર રેલવે સ્ટેશનની સામે બુટપોલીશનિં કામ કરવા બેઠાં. પરંતુ જેવા પહેલાં જ ગ્રાહકનો બુટ પોલીશ કરવા હાથમાં લીધો કે તેમનાથી મોટો પિતરાઈ ભાઈ લવજીભા તેમને જોઈ ગયો. અલ્યા આપણાથી આવું કામ થાય? ઊભો રહેજે. તેમણે પગમાંથી જોડું કાઢી મારવા દોડ્યા અને ખેમાભા તો જાય ભાગ્યા. પછી તો એ પોલીશ અને બ્રશને ક્યારેય હાથ ન લગાડ્યો. મિલમાં આમ તો પુખ્ત ઉંમરે દાખલ થવાય પરંતુ ઓળખાણ શરમમાં નાની ઉંમરે પણ નાના કામમાં કોન્ટ્રાટી લઈ જાય. તેથી તેઓ મિલમાં કામે ચડ્યા. ચારેય ભાઈઓ હવે અમદાવાદમાં મિલ કામદાર હતાં. શરૂઆતમાં તેઓ મોટાભાઈ નરસિંહ ભેળું રહ્યા પરંતુ તેમની જોડે ન ફાવ્યું એટલે ચોરગલીમાં મગુનાવાળા તેમના ફોઈના દીકરા જેસિંગભા રહે તેમને ત્યાં વિશીમાં રહેવા જતા રહ્યા.
ખેમાભાને ગોકળપુરા ફોઈના દીકરા અંબારામભા જોડે ખૂબ સારું બનતું. અંબારામભાનું લગ્ન ગાંભુ ગામે ગુરૂ કાનપીર વૈષ્ણવ ગાદીના મહંત બેચરદાસની પુત્રી ચંચળ જોડે થયેલું. ગુરુ બેચરદાસ ઘોડી રાખે, પાઠ, માંગણીએ જાય અને ઊંચા ઢોલિયે બેસી સત્સંગ કરે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનું ચરોતર અને ભાવનગર સુધી તેમનાં શિષ્યો. સન ૧૯૩૯માં તેમનું દેહાવસાન થતાં તેમના મોટા પુત્ર મૂળદાસ ગુરૂ બન્યાં. તે વખતે મૂળદાસની મોટી પુત્રી પૂંજી ધોરણ પાંચનો અભ્યાસ પૂરો કરી શાળામાંથી ઉઠી ગયેલ તેની ઉંમર ૧૬ વર્ષની. આમ તો મારા પિતાનું પરગણું ચુંવાળ અને માતાનું પાટણવાડો તેથી સામાન્ય સંજોગોમાં આ સગપણ થાય નહીં. પરંતુ મારી બાની ફૂઈ ચંચળના લગ્ન ગોકળપુરા મારા પિતાની ફોઈના દીકરા અંબારામભા સાથે થયેલા તેથી અંબારામભા એ મારા માવતરનું સગપણ કરાવેલું. સંવત ૧૯૯૭ના વૈશાખ સુદ અગિયારસ તા. ૧૮/૫/૧૯૪૦ નારોજ તેમણે આપબળે કમાઈને લગ્ન કર્યા. એ જમાનામાં જાન પરણવાં જાય એટલે રસ્તામાં જે કોઈ સગાવહાલાના ઘર આવે ત્યાં રોકાતી જાય અને મહેમાનગતી કરતી જાય પરિણામે અઠવાડિયે પહોંચે. પરણવાના માંડવે પણ બે-ત્રણ દિવસના ઉતારા અને પછી વળતાં વાયણું ખાતા ખાતા પાછા ફરે એટલે કુલ આઠ-દસ દિવસનો પ્રવાસ થઈ જાય. મુરતિયો તો ગણેશ બેસાડી પીઠી કરી હોય ત્યાંથી પરણીને ઘેર આવે, વહુનો ગૃહપ્રવેશ થાય, પછી ગણેશ ઉઠાડે ત્યારે નાહ્યા ધોયા ભેળો થાય. પીઠીવાળુ પીળું શરીર, કાંડે મીંઢળ અને હાથમાં કટાર, શ્રીફળ લઈ મેલોઘેલો ફરતો મુરતિયો જોવા જેવો થતો. પરંતુ એ જમાનો બાહ્ય દેખાવનો ઓછો અને હેતના હરખનો વધુ તેથી હૈડાના હેતનો આનંદ લગ્નના પ્રસંગે હિલોળા લેતો.
મારી બા પરણી ત્યારે તેની ઉંમર સત્તર વર્ષ હતી અને મારા પિતાની ઉંમર ઓગણીસ. પરંતુ પિતા દેખાવે પાતળા અને ઊંચા તેથી ઉંમરમાં નાના જણાય. જાન પરણીને પાછી ફરી ત્યારે મહેસાણા રેલવે સ્ટેશને પોલીસે બાળ લગ્ન ગણી તેમની રોક કરેલ પછી સમજાવટથી જવા દીધેલ. ત્યારે લગ્નની કાયદેસરની વય પુરૂષ માટે ૧૮ વર્ષ અને સ્ત્રી માટે ૧૪ વર્ષ હતી.
હવે પરણ્યા એટલે જુદી ઓરડી જોઈએ. અને ૧૯૪૦માં મહિને આઠ આનાના ભાડે નટવરલાલ વકીલની ચાલીમાં ઓરડી ભાડે લઈ નવા જીવનની શરૂઆત કરી. મારા પિતા મિલમાં કામદાર તેથી મારી બા પણ મિલમાં કામે ચડી. મિલમાં ત્યારે કામના કલાકો ૧૨ હતાં. ડોફરનો પગાર માસિક ₹૩ અને પીસરનો ₹૭ હતો. પરંતુ રૂપિયો ત્યારે ગાડાના પૈડા જેવડો તેથી ગુજરાન ચાલી જતું. ખેમાભાની સાથે પૂંજીબા પણ મિલમાં કામે ચડી ગયા. ૧૯૪૧માં મારી બા ગર્ભવતી બની. મારા પિતાએ દેવું કરી સીમંતનો પ્રસંગ ઉજવ્યો. તે વખતે ડીલીવરી ઘરે થતી. બાની પહેલી સુવાવડ અને દાઈને ન ફાવ્યું તેથી પુત્ર મરેલો જન્મ્યો. તેમના જીવનમાં હવે દુઃખના વાવડ શરૂ થઈ ગયાં.
બીજું વિશ્વયુદ્ધ અને દેશ આખો “ભારત છોડો”, “કરેંગે યા મરેંગે” ના નારા હેઠળ આઝાદીનું આંદોલન ચલાવે. ૧૯૪૨માં ગાંધીજીની હાકલનો પ્રતિસાદ આપી અમદાવાદના મિલ મજૂરોએ પણ સાડા ત્રણ મહિનાની હડતાલ પાડી દીધી. મજૂરો જ્યાં રોજ પાશેર લાવીને ખાતાં તેમને વગર પગારે પેટ ટૂંકું કરી એ દિવસો કાઢવા ભારે વસમાં હતાં. પૂંજીબા અને ખેમાભાએ તે હડતાલમાં જોડાઈ દેશની આઝાદીની ચળવળમાં પોતાનો ફાળો આપ્યો હતો.
ખેમાભાના મોટાભાઈ સોમાભા મિલમાં જોબ્બર. શરીરે બળવાન, મોટી આંખો અને ગુસ્સે થાય તો મારવાડાના ગાડાનો એક્કો ઉપાડી મારવા દોડી શકે. ઢાળેલા ખાટલાના એક પાયાને પકડી ચારે પાયાને સમતોલ ઉઠાવવાની શરત તે જીતી લેતાં. તેમને મિલના સુપરવાઈઝર ભાલસાહેબની દોસ્તી. બંને અંગ્રેજી પીવાના શોખીન. સોમાભા ઈંગ્લીશ દારુની ચપટ બાટલી ગજવામાં રાખે અને થોડી થોડી વારે ઘૂંટ ભરી પીતા રહે એટલે મોટી આંખો લાલ રહે. તેઓ જેવા ખાતામાં દાખલ થાય તો બધાં શિસ્તબદ્ધ કામે લાગી જાય અને હાકોટો કરે તો ડરપોક કામદારો ખૂણે લપાઈ જાય. સોમાભાને નાના ભાઈની વહુ મિલમાં કામ કરે તે ન ગમે. તેમના કડપનો સ્વાદ નાનાભાઈ ખેમાને પણ મળેલો. તે વખતે થ્રોસલના મશીનોના પટ્ટા ચાલુ મશીને ચડતાં. મિલમાં રણજીત નામનો એક સુંદર યુવાન પટ્ટો ચડાવતાં પટ્ટામાં આવી જતાં મરી ગયેલ તેથી બધાં ભય પામે. પરંતુ કામમાં ભાઈ નહીં. સોમાભાના હુકમથી ખેમાભાએ મશીન પરના પટ્ટા ચડાવવા પડતાં.
૧૯૪૩માં પૂંજીબા બીજીવાર ગર્ભવતી થયાં, પૂરા મહિને જીવણભાઈનો જન્મ થયો. નાનું બાળક ઘેર મૂકી મિલમાં કેવી રીતે જવાય? તેથી લાઈનની છેલ્લી ઓરડીમાં રહેતાં મોતીબેનને મહિને એક રૂપિયો આપવાનો ઠરાવી જીવણભાઈને ત્યાં મૂકી મિલનું કામ ચાલુ રાખ્યું. પરંતુ સન ૧૯૪૪માં અંબાલાલ શેઠને કંઈક તકલીફ પડી અને તેમણે ધોળકા (બગીચા મિલ નં.૨) મિલ બંધ કરી દીધી. અહીં મિલ બંધ થતાં બેરોજગારી થઈ બીજી બાજુ નાની બહેન સંતોકનાં લગ્નનો ઝઘડો ઊભો થયો. દુકાળમાં અધિક માસ. પંચાતીયા દિવસે દહાડી કરે અને બપોરે રાત્રે રોટલા ખાવા અને ધબાડી કૂટવા આવે. ખેમાભાએ દેવું કરીને પણ બહેનના લગ્ન જીવનનું ભંગાણ અટકાવ્યું.
અમદાવાદ નટવરલાલની ચાલીના નાકે ગિરિરાજ શેઠનું લાકડાનું પીઠું. મારા પિતા લાકડાં ફાડે અને મારી બા તે પીઠામાં ગોઠવે. પીઠુ ગિરિરાજ ચલાવે પરંતુ તેમના પિતા ધર્મમય, ભગવત પાઠ કરે તે મારી બા કામ કરતી જાય અને સાંભળતી જાય. ગિરિરાજને બે પત્ની કસ્તુરી અને શીલા. પહેલી પત્નીને સંતાન ન થવાથી બીજી કરેલ. ગિરિરાજ અને કસ્તુરી બંને પૂંજીબા પર કરુણા રાખે. મિલમાં લાકડાંનું કામ કરતાં દૂરના મણિનગર તરફના કોઈ કોઈ ગ્રાહક આવે તો લાકડાનો ભારો માથે ઉપાડી બા ને તેમને ઘેર નાંખવા જવું પડતું. મારી બા કહેતી કે તેને પહેરવા એક જ સાડી રહેતી, તેથી રાત પડે એટલે ધોઈને સૂકવી દેતી અને સવારે પહેરી લેતી. મારા પિતા એકવાર તેના માટે બગલમાં સંતાડીને નવી સાડી લઈ આવ્યા પરંતુ ચાલીમાં તેમની ભાણી પાસેથી ઉછીના પૈસા લીધેલા તે અપમાન કરી લઈ ગઈ. ગરીબી અને અવમાનના એ સમયમાં મારા પિતાને તમાકુ અને બીડી પીવાની અને માતાને બીડી પીવાની લત લાગી. બા ભારો નાંખવા જાય ત્યારે રસ્તામાં અડધી પી ફેંકેલી બીડી વીણી લાવે અને પીએ જેને કારણે તેને બ્રોન્કાઈટીસનો રોગ થયો જેણે પછી પચાસ વર્ષ સુધી તેનો સાથ ન છોડ્યો.
મારી બાને ૧૯૪૦ થી ૧૯૫૪ના ચૌદ વર્ષના ગાળામાં કુલ નવ સુવાવડ આવી. શાહજહાંએ જેની યાદમાં તાજમહેલ બંધાવ્યો તે મુમતાઝ ૧૮ વર્ષમાં ચૌદ સંતાનો જણી ૩૮ વર્ષની નાની ઉંમરે ચૌદમા સંતાનના જન્મ વખતે મૃત્યુ પામી પરંતુ મારી બા દારૂણ ગરીબી વચ્ચે નવ સુવાવડો પછી પણ ટકી રહી કારણકે મારે હજી આવવાનું બાકી હતું. ભારતમાં બાળમૃત્યુ દર એટલો ઊંચો હતો કે વધુ બાળકો જણવાં એ ઘર ઘરની કહાની હતી.
ધોળકા મિલ પછીથી શેઠ જયંતીભાઈ ભીખાભાઈએ ૧૯૫૪માં ખરીદી ચાલુ કરી પરંતુ ૧૯૪૪ થી ૧૯૫૪નો એ બેરોજગારીનો દશકો મારા માતાપિતાને દારૂણ ગરીબીમાં લઈ ગયો અને તેઓ ૩૧-૩૨ વર્ષની યુવાન ઉંમરે વૃદ્ધ થઈ ગયાં. એ કાળ એટલો વસમો અને ભારે હતો કે પછી સુખી જીવનમાં પણ તેને યાદ કરતાં રહ્યા. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ તેમનો સમય ધીમો પડી ગયો હતો અને દસ વર્ષનો એ કપરો કાળ જાણે ત્રીસ-ચાલીસ વર્ષની પીડા મળી હોય તેમ યાદ રહ્યો.
૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫
0 comments:
Post a Comment