અમેરિકાની મારી પહેલી યાદગાર સફર
(નાતાલ વેકેશનઃ ૨૫ ડિસેમ્બર ૧૯૯૭ થી ૪ જાન્યુઆરી ૧૯૯૮)
અમારે લ્યુબ્લ્યાના યુનિવર્સિટીમાં નાતાલનું વેકેશન આવી રહ્યું હતું. મને જાણવા મળ્યું કે અમેરિકાના વિઝા જે ભારતથી લેવા અઘરાં છે તે અહીં સ્ટુડન્ટ તરીકે સરળતાથી મળી જશે. તેથી નાતાલ વેકેશનમાં અમેરિકા જવાનો વિચાર આવ્યો. પરંતુ જવું ક્યાં? કદી ગયેલો નહીં. મને ન્યુજર્સીમાં રહેતા બકુલભાઈ પંડ્યા યાદ આવ્યા. તેમનો મિલનસાર સ્વભાવ મને ગમતો. તેઓએ કહ્યું હતું કે જ્યારે અમેરિકા આવવાનુ્ થાય ત્યારે અમારે ત્યાં આવજો. બકુલભાઈ આસારામ આશ્રમ સાથે જોડાયેલા તેથી તેમનો પરિચય મને મોટેરા આશ્રમ અમદાવાદમાં થયેલો. તેમનો એક પુત્ર દિપલ આસારામ બાપુનો સાધક જેનો પરિચય મને સુરત થયેલો. તેથી મેં બકુલભાઈને લ્યુબ્લ્યાનાથી ફોન જોડ્યો અને આવવાની પરવાનગી માંગી. તેમણે ખૂબ જ ઉમળકાભેર કહ્યું કે કોઈ ચિંતા કર્યા વિના આવી જાઓ.
મેં લ્યુબ્લ્યામાં આવેલી અમેરિકન કોન્સ્યુલેટ કચેરીમાં અમેરિકન વીઝા માટે અરજી કરી. તેમણે મારું ઈન્ટરવ્યુ લીધું અને મને છ મહિનાના વિઝા મળી ગયા. અશ્વિનની મદદથી લુફ્થાન્સા એરલાઇન્સમાં રાઉન્ડ ટ્રીપ ટિકિટ બુક કરાવી અને નાતાલના દિવસે ૨૫ ડિસેમ્બર ૧૯૯૭ ના રોજ ન્યુજર્સી અમેરિકા જવા રવાના થઈ ગયો.
બીજા દિવસે પહોંચ્યો ત્યારે ન્યુજર્સી એરપોર્ટ પર બકુલભાઈ મને લેવા આવ્યા. તેઓ મને એક્ઝીટ ગેટ પર સરળતાથી મળી ગયા. અમે ન્યુજર્સીમાં આવેલા તેમને ઘેર પહોંચ્યા. તેમનાં પત્ની ગીતાબેન અને બહેન વર્ષાબેને આવકાર્યાં. રસોઈ બનાવી મને જમાડ્યો. રાત થઈ એટલે ડ્રોઈંગ રૂમમાં એક ગાદલું પાથરી આપ્યું અને સમજાવી દીધું કે સવારે ઉઠીને મારે ગાદલું વાળી ક્યાં મૂકવું અને કયો બાથરૂમ વાપરવો. બીજા દિવસે સવારે દૂધ, નાસ્તો બન્યો અને વાત કરતા કરતા તેમણે પૂછી લીધુ કે મારે ત્યાંથી પાછા જવાનો શો પ્રોગ્રામ છે? હું તો અમેરિકામા સાવ નવો હતો. હજી તો બેસી ક્યાં જવું, તેનું આયોજન કરવાનું હતું ત્યાં આ પ્રશ્નએ મને સક્રિય કર્યો. બકુલભાઈ મારો ચહેરો જોઈ સમજી ગયા અને બોલ્યા કે સાંજે જોઈશુ. હાલ તો ચાલો આ કાળુ વિંડચીટર જેકેટ પહેરી લો અને આ કાળી ટોપી લઈલો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકાદ બે બીજા સ્થળો જોઈ આવીએ છીએ. હું તો બેઠો તેમની કારમાં.
પહેલાં અમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોયું. ફ્રાંસની પ્રજા દ્વારા અમેરિકન પ્રજાને ભેટ અપાયેલ આ સ્ટેચ્યુ ન્યૂયોર્ક બંદર પર કંઈ કેટલાય લાખો ઇમિગ્રન્ટ્સના સપના પૂરા કરવાનું સાક્ષી છે. અમેરિકામાં જ્યાં જાઓ ત્યાં ટિકિટ. સ્ટેચ્યુ જોવાની ટિકિટ અને કાર પાર્કિંગની ટિકિટ એટલે ઘડિયાળ પકડી ચાલવું પડે. ટિકિટ અને પાર્કિંગનો ખર્ચ બકુલભાઈએ આપ્યો. ત્યાંથી અમે WTCના બે ટાવર (જે પછીથી 9/11ના ત્રાસવાદી એટેકમાં ધ્વસ્ત થયા હતા) જોવા ગયા પરંતુ રજા હોવાથી બંધ હતાં તેથી કારમાંથી રાઉન્ડ લઈ બહારથી જ જોઈ અમે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જોવા ગયા. ૧૯૩૧માં બનેલી ૧૦૨ માળની તે ઈમારત તે વખતની વિશ્વની ઊંચી ઈમારતો પૈકીની એક હતી. મેં જીવનમાં આટલી ઊંચી ઈમારત પહેલીવાર જોઈ. તેના ૮૦માં માળ સુધી લીફ્ટ લઈ ગઈ. અમે ઉપર ગયા, લોબીમાં સર્કલ ફર્યા અને પાછા નીચે આવ્યા. અમેરિકામાં બપોરે જમવાનો રિવાજ નહીં. સવારે બરાબર નાસ્તો કરવાનો પછી કામે જવાનું અને રાત્રે આવી જમવાનું. મને તો બપોરે જમવાની આદત મુજબ ભૂખ લાગી. બકુલભાઈ સમજી ગયા. અમે એક સ્ટોરમાં ઊભા રહી કોફી અને ફ્રેંચ ફ્રાય લઈ લંચ જેવું કરી લીધું. વચ્ચે વચ્ચે બકુલભાઈએ તેમના રીલવાળા કેમેરામાં મારા ફોટા લીધા.
ન્યુયોર્ક શહેરોની ગલીઓમાં ફરી અમે સાંજે ઘેર આવ્યા ત્યારે ગીતાબેને રાતનું ડિનર તૈયાર રાખ્યું હતું. અમે જમ્યા ત્યાં તેમણે ફરી પૂછયું કે તમારે ક્યારે જવાનું છે? મેં કહ્યું અહી મારો એક મિત્ર યોગેશ પટેલ રહે છે તેથી તેનો સંપર્ક કરી તેને ત્યાં જતો રહીશ. મેં યોગેશને ફોન કર્યો તો કહે તારી ભાભીને પૂછીને કહું. હવે મારો મૂંઝારો વધવા લાગ્યો. હજી તો બીજો દિવસ છે. હે ભગવાન, કંઇક રસ્તો સુજાડ. ક્યાં જવું? કેવી રીતે જવું? ગીતાબેન આસારામ બાપુના સત્સંગની કેસેટોની કોપી કરે અને સાધકોને વેચે. અમે બાપુના સત્સંગ અને જીવનની વાતો કરતા હતા અને મારે મનોમન ભગવાનની પ્રાર્થના ચાલતી હતી ત્યાં રાતના ૮.૩૦ કલાકે બકુલભાઈના એક સ્વામીનારાયણી પટેલ મિત્ર તેમને મળવા આવ્યા. સામાન્ય રીતે આટલાં મોડા કોઈ આવે નહીં પરંતુ નિયતિનું ધારેલું હશે. તેમણે મારો પરિચય લીધો અને પછી મારી મૂંઝવણ દૂર કરવા મારો અમેરિકા દર્શનનો કાર્યક્રમ સૂચવવા લાગ્યા. મને કહે ડીઝનીલેન્ડ તો દૂર પડશે પરંતુ ઓરલાન્ડોમાં ડીઝનીવર્લ્ડ અને યુનિવર્સલ સ્ટુડિયો છે તે જોઈ આવો. ત્યાં એક ચર્ચ ખરીદી હરિમંદિર બનાવ્યું છે અને કનુભાઈ પટેલ સંચાલક છે તેથી તમારી રહેવા જમવાની સગવડ કરી આપશે. તેઓ તેમને ફોન કરી દેશે. તેમણે મને કનુભાઈનો નંબર લખાવી દીધો. અમે ચર્ચા કરી પાછા વળતા રસ્તામાં વોશિંગ્ટન ડીસી આવે ત્યાં એક બ્રેક લઈ તે પણ જોઈ લેવાશે તેવું આયોજન રાખ્યુ. મારે અમેરિકા જમીનથી જોવું હતું. સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા. મેં ગ્રેહાઉન્ડની બસમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું.
લાંબા અંતરે જવાનું હોવાથી બીજા દિવસે અમે વહેલી સવારે ઉઠ્યા. મારા દક્ષિણ પ્રવાસમાં જરૂરી જેટલાં કપડાં લગેજ શોલ્ડર બેગમાં નાખી હું બકુલભાઈ સાથે સવારે ૬ કલાકે બસ અડ્ડે પહોંચ્યો. ન્યુજર્સીથી જેક્સન વીલે અને જેક્સન વીલેથી ઓરલાન્ડોની બસ ટિકિટ $૧૧૬ ચૂકવી મેં ટિકિટ લીધી. ઓરલાન્ડોમાં બે રાત રહી વળતા વોશિંગટન ડીસી એક બ્રેક લઈ ન્યુજર્સી પરત આવવાનું ગોઠવ્યું હતું તેથી તે મુજબ પરત આવતા બકુલભાઈને મને લેવા આવશે તેવી વિનંતી કરી જેક્સન વીલેની બસ મૂકાતા હું તેમાં બેસી ગયો. બારીમાંથી બકુલભાઈને હેતથી વંદન કરી મેં વિદાય લીધી. બારીમાંથી અમેરિકાની ભૂમિ, તેના કાળા અને ગોરા લોકોને જોતો હું આગળ વધતો રહ્યો. વચ્ચે બસ બ્રેક લે એટલે જે તે રેસ્ટોરન્ટના વ્યંજન પર નજર કરીએ પરંતુ ઉપવાસ કરવાના આદી એટલે ભૂખ્યા ચાલ્યા કરીએ. વચ્ચે એક જગ્યાએ કોફી અને ફ્રેંચ ફ્રાય લઈ ચલાવ્યું. ૨૦ કલાકની મુસાફરી પછી રાત્રે બે વાગે જેક્સન વીલે આવતાં મેં બસ બદલી અને બીજા ચાર કલાક સફર કરી સવારે ઓરલાન્ડો બસ અડ્ડે ઉતરી ગયો. ૨૪ કલાકની બસ મુસાફરી કરી નવા સ્થાનકે આવ્યો પણ થાક નહોતો લાગ્યો. બસમાં નિંદર લઈ લીધી હતી.
કનુભાઈને ફોન કર્યો તો કહે બસ સ્ટેશનેથી કોઈ ટેક્સી કરી સરનામું ડ્રાઈવરને કહેશો એટલે અહીં લાવી દેશે. મેં ટેક્સી કરી. એક વેસ્ટ ઇન્ડિયન ડ્રાઇવર હતો, ડેવિડ નામ. મેં તેની બાજુ આગળની સીટ પર બેઠક લીધી અને વાર્તાલાપ કરી તેના આવવાની અને કુટુંબની સ્થિતિનો અંદાજ લીધો. તે પરણેલો હતો અને પાંચ વર્ષ થયાં દંપતિ સંતાનની ચાહ રાખી બેઠા હતા. મેં તેને આશીર્વાદ આપ્યા, $૧૫ભાડુ ચૂકવ્યું અને હરિમંદિરના સરનામે ઉતરી ગયો.
કનુભાઈએ મને વેલકમ કરી પૂછયું કે સાહેબ બે વિકલ્પ છે. કહો તો મોટેલમાં રૂમ ખોલી દઉં અને બાકી અહીં હરિમંદિરમાં વ્યવસ્થા થઈ જશે. અહીં અમારે પટેલ દીકરીઓની ત્રણ દિવસની સાંસ્કૃતિક શિબિર છે તેથી તમને જમવાની કોઈ મુશ્કેલી નહીં પડે અને સવારે તમને જોવાના સ્થળે મૂકી સાંજે પાછા લાવવાની વ્યવસ્થા પણ થઈ જશે. મેં કહ્યું મારી જરૂરિયાત સૂવાનું એક ગાદલું અને બાજુમાં એક ટોયલેટ બાથરૂમ તેથી હરિમંદિર બરાબર છે. વળી અહીં બધાને મળી શકાશે. મારી વ્યવસ્થા હરિમંદિરમાં થઈ ગઈ. હું નાહ્યો અને સવારનો ગરમ ગરમ નાસ્તો તૈયાર હતો તે પતાવી દિવસના પર્યટન માટે તૈયાર થયો.
એક પટેલભાઈ કાર સાથે તૈયાર હતા, તેમની કારમાં બેસી અમે ડીઝનીવર્લ્ડ પહોંચ્યા. તેમણે આખા દિવસની ટિકિટ લીધી અને મને એક સ્પોટ બતાવી કહ્યુ કે સાંજે આઠ વાગે તેઓ મને લેવા આવશે. જો વહેલા આવવાનું થાય તો કનુભાઇને ફોન કરી દેજો.
હું ડીઝનીવર્લ્ડની અંદર દાખલ થયો અને એક પછી એક ફ્રી રાઇડની લાઇનમાં ગોઠવાતો ગયો અને રાઇડનો આનંદ લેતો ગયો. કેવો આનંદ આવે? લાઈનમાં અડધો કલાક-કલાક ઊભા રહેવાનું અને રાઈડ મિનિટોમાં પતી જાય એટલે થાકી જવાય. મીકી માઉસને મળી તેની સાથે હસ્તધૂનન કર્યું. ત્યારે આપણી પાસે કેમેરો નહીં તેથી આપણી આંખો એ જ આપણો કેમેરો. લાઈનોમાં વિશ્વના જુદા જુદા દેશોના સહેલાણીઓ. હું કોઈકની જોડે ક્ષણિક મિત્રતા થાય એટલે અમે એકબીજાના દેશના નામ, દેશ જણાવીએ પરંતુ ઈન્ડિયા વિશે જાણે લોકો ઓછું જાણતા એવું લાગતું.
સાંજે આઠ વાગે હું નિયત કરેલ સ્પોટ પર ગયો તો ભાઈ કાર સાથે ઊભા જ હતા. મને બેસાડી હરિમંદિર લઈ ગયા. દીકરીઓની શિબિરનું ગરમાગરમ ડિનર તૈયાર હતું. હું ધરાઈને જમ્યો અને બે-પાંચ દીકરીઓ જોડે પ્રાથમિક વાતચીત કરી. તેઓ અંગ્રેજી અમેરિકન અને ગુજરાતી અમારી મેહાણાની માતૃભાષા ચ્યમ હો માં જ બોલતાં. પહેલા દિવસની જેમ મેં બીજા દિવસે યુનિવર્સલ સ્ટુડિયોની વિઝિટ કરી અને ત્રીજા દિવસે બધાનો આભાર માની વોશિંગ્ટન ડીસી આવવા નીકળ્યો. ફરી બસમાં ૨૦-૨૨ કલાકની સફર કરવાની હતી. દિવસ અને રાત બસમાં ગઈ. બીજા દિવસે સવારે વોશિંગ્ટન ડીસી બસ અડ્ડે ઉતરી મારી શોલ્ડર બેગ લોકરમાં મૂકી. ત્યાંથી હોપ ઓન હોપ ઓન હોપ ઓફ બસની ટિકિટ લીધી અને શહેર દર્શન માટે નીકળી પડ્યો. તે દિવસે પવન ઘણો હતો તેથી શહેર જોવાનો આનંદ ઓછો રહ્યો પરંતુ બપોરના ત્રણ સુધી વ્હાઇટ હાઉસ, કેપીટોલ, લિંકન મેમોરિયલ, એક સીમેટ્રી અને એક મ્યુઝિયમ વગેરે મહત્વના સ્થળો જોઈ હું બસ સ્ટેશને પાછો ફર્યો. ત્યાંથી ન્યુજર્સીની ટિકિટ લીધી અને બકુલભાઈને ફોન કરી દીધો. રાત્રે સાડા આઠ વાગે બકુલભાઈએ મને બસ સ્ટેશનથી પીક અપ કર્યો અને કારમાં જ કહ્યું કે પરમાર સાહેબ સવારે તમારા મિત્ર તમને લેવા આવે તેવું ચોક્કસ કરી લેજો. અમે ઘેર ગયા. મેં યોગેશને ફોન કર્યો અને કહ્યું કે હવે મારા ભાભી હા પાડે કે ના તારે મને સવારે લેવા આવવાનું છે. બકુલભાઈને ત્યાં રાત વિતાવી સવારે દૂધ નાસ્તો કર્યો ત્યાં યોગેશ આવી ગયો. અમે લગેજ કારમાં મૂક્યું. તે સવારે મારે બકુલભાઈના બીજા પુત્ર જપન જોડે મારે વાર્તાલાપ થયો. દિપલને તો હું ઓળખું પરંતુ તે સુરત ઈન્ડિયા હતો. અમેરિકાની મારી પ્રથમ મુલાકાતના સૂત્રધાર બકુલભાઈ હતાં. મેં તેમનો અને ગીતાબેનનો અંત:કરણ પૂર્વક આભાર માન્યો અને યોગેશ સાથે કારમાં બેસી રવાના થયો. યોગેશ અમારો સચિવાલયનો મિત્ર. મદદનીશ (નાયબ સેક્શન અધિકારી) તરીકે ૧૯૮૩માં અમે સાથે તાલીમ લીધી ત્યારે મિત્રો બનેલા.
યોગેશનું ઘર એડીસનમાં. એક ટુ બીએચકેનો ફ્લેટ. પતિ પત્ની અને બે નાના બાળકો. કાશ્મીરા ભાભીએ આવકાર આપ્યો અને તાજા શાકભાજી લાવી બપોરનું ગરમા ગરમ ભોજન દાળ ભાત રોટલી શાક બનાવી મને જમાડ્યો. યોગેશ ઘેર અને ભાભી કામ પર જાય. બાળકો કાલુકાલુ બોલે એને રામાયણની વાર્તાના મને પ્રશ્નો પૂછે. યોગેશ મને સ્વામીનારાયણ મંદિરે લઈ ગયો. મને અમેરિકામાં હિંદુ મંદિર જોઈ આનંદ થયો. યોગેશ ઘેર અને ભાભી કામ પર જાય તે જોઈ મને ઘરની આર્થિક સ્થિતિનો અંદેશો આવી ગયો. ભાભી કોઈ ડંકી ડોનટના સ્ટોરમાં કામ કરે. મારા માટે બીજા દિવસે ડોનટ લઈ આવી. મને અમેરિકામાં આવે સાતમો દિવસ હતો, પહેલીવાર ગળ્યા ડોનટનો સ્વાદ લીધો. સ્વાદિષ્ટ વધુ એટલે લાગ્યું કે તેમાં કાશ્મીરા ભાભીનો પ્રેમ હતો. તેમણે બીજા દિવસે પણ ગરમ ગરમ લંચ અને ડીનર કરાવ્યા. હું યોગેશને લઈ બજાર જઈ મારે લઈ જવાના આટા, દાળ, ચોંખા, હળદર, મરચું, મસાલા વગેરે ખરીદી આવ્યો. એક ટુ ઈન વન રેડિયો કમ કેસેટ પ્લેયર અને સોનીનો કેમકોર્ડર ખરીદ્યો. મનમાં થતું આવીને તરત ખરીદ્યું હોત તો ન્યુયોર્ક, ઓરલાન્ડો અને વોશિંગ્ટન ડીસીના ફોટા પડ્યા હોત. યોગેશે તેની આપવીતી કહી. કેવી રીતે તેની પરસેવાની કમાણી શેરબજારમાં લૂંટાઈ ગઈ તે જણાવ્યું. નોકરી કરતો ત્યારે ભારે વજન ઉચકવાની કારણે તેને કમરનો દુઃખાવો થતો હતો. તેણે તેની કંપની તરફથી અપાતા પટ્ટામાંથી એક પટ્ટો મને ભેટ કર્યો. તે સાંજે મેં ચોગેશના ઘેરથી લક્ષ્મી જોડે ફોન પર વાત કરી. તેને મેં અમેરિકાની મારી આખી ટુરની વાત કરી અને હાલ યોગેશના ઘેર રોકાયો છું એ જણાવી ફોન મૂકી દીધો. કાશ્મીરા કાન ધરી સાંભળી રહી હતી. જેવો ફોન મૂક્યો કે એ તો ભડકી. તમે કેમ લક્ષ્મીભાભીને એ ન કહ્યું કે કાશ્મીરા ભાભી મારી સારી સંભાળ રાખે છે. મને તાજી શાકભાજી લઈ બંને ટાઈમ ગરમ ગરમ જમાડે છે. હું તો ડઘાઈ ગયો. ઘણો બચાવ કર્યો. બીજી વાર વાત કરી કહી દઉં એમ કહ્યું પણ ભાભી તો રિસાઈ ગઈ. અમે રાત્રે ન્યૂયોર્ક ટાઈમ સ્ક્વેર પર નવ વર્ષની રોશની જોવા નીકળ્યા પરંતુ મનની મજા ઓછી પડી. બીજા દિવસે ઉઠ્યો ત્યારે અમારે અબોલા જેવું રહ્યું. હું બજાર ગયો, તેના માટે એક જીન્સ, ઘર વપરાશની થોડી વસ્તુઓ લાવી મૂક્યા અને તે રાત પસાર કરી. ત્રીજા દિવસે યોગેશ મને એરપોર્ટ પર મૂકવા આવ્યો. ૫૬ કિલો લગેજની બેગો સાથે મેં ફ્લાઇટ પકડી અને વાયા ફ્રેન્કફર્ટ મુસાફરી કરી રવિવારે ૪ જાન્યુઆરી ના રોજ લ્યુબ્લ્યાના ઉતર્યો અને અમારી ICPE હોસ્ટેલ (ઘર)માં દાખલ થઈ ગયો. બીજા દિવસથી સવારથી અમારું શૈક્ષણિક કાર્ય આરંભ થવાનું હતું.
કોઈ પણ પૂર્વ આયોજન કે તૈયારી વિનાની મારી એ અમેરિકાની એક અઠવાડિયાની પહેલી મુલાકાત આમ યાદગાર રહી.
૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫
0 comments:
Post a Comment