Wednesday, October 1, 2025

વતન વાપસી અને સ્થાન પ્રાપ્તિ મથામણ

વતન વાપસી અને સ્થાન પ્રાપ્તિ મથામણ 

લ્યુબ્લ્યાના યુનિવર્સિટી, સ્લોવેનિયાથી MBA અભ્યાસ પતાવી હું વતન ભારત પાછો ફર્યો. મેનેજમેન્ટ અને કોમ્પ્યુટરના જ્ઞાનથી મારી વહીવટી સ્કિલમાં વધારો થયો હતો. મનમાં હતું કે સરકારે આટલી મોટી ધનરાશિ ખર્ચી આપણને ભણાવ્યા છે તેથી તે વસૂલ કરવા કોઈ મેનેજમેન્ટને લગતી કાર્યપાલક જગ્યા કે બોર્ડ નિગમના એમડી બનાવશે. પરંતુ જેવા આવ્યા કે સંયુક્ત સચિવ (કલ્પસર યોજના), આયોજન પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગમાં નિમણૂક આપવામાં આવી. કોઈ નિવૃત્ત ચીફ એન્જીનિયર સી. કે. પટેલને કલ્પસર યોજનાના અભ્યાસ માટે OSD તરીકે મૂકેલા તેમની સાથે કામ કરવાનું અને રીપોર્ટિંગ ઓફિસર તરીકે આયોજન પ્રભાગના સચિવ ભગત સાહેબ. કલ્પસર તે વખતે એક કલ્પનાની નીપજ લાગતી. ઈજનેર સી. કે. પટેલ તેનો પ્રી ફિઝિબિલિટી અહેવાલ કોઈક નેધરલેન્ડની એજન્સી જોડે કરાવતા હતા તેથી ન તેમની પાસે કોઈ કામ હતું ના મારી પાસે. પ્રી ફિઝિબિલિટી અહેવાલ આવ્યા પછી તેની ભલામણોના અભ્યાસ પછી ફિઝિબિલિટી અહેવાલ બને પછી DPR બન્યા પછી યોજના થશે કે નહિ તેની ખબર પડવાની. વાત એટલી કે ખંભાતના અખાતમાં ૩૦ કિલોમીટર લાંબો ડેમ બાંધી એક કલ્પસર બનાવવું અને ડેમ પર ૧૦ લેનનો રોડ બનાવી સૌરાષ્ટ્રની ટ્રકો ટ્રાફિકને સુરત સુધીનો એક શોર્ટ ઊભો કરી આપવો. પરિણામે અરબી સમુદ્રમાં સાબરમતી અને મહીના ઠલવાતા મીઠા પાણીનું એક કલ્પસર બને તેની શરૂઆતના ભાંભરા પાણીમાં માછલાં પાકે અને ભાલ કાંઠાની જમીનો નવ સાધ્ય થાય. પરંતુ જ્યાં નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમ માટે નાણાં ઊભા કરવાની મુશ્કેલી ચાલતી હોય ત્યાં અંદાજે ૨૫,૦૦૦ કરોડની આ યોજનાનું ભવિષ્ય ધૂંધળું દેખાય. આમછતાં અભ્યાસ કરીએ તો ખબર પડે કે નવું સાહસ કરવું કે નહીં તેથી અમારું એકમ ચાલુ રહ્યું. ૨૭ વર્ષ પછી હવે તો અંદાજો એક લાખ કરોડ સુધી પહોંચી શકે. 

આ બાજુ રાજકીય વાતાવરણ ભૂકંપ આવે ત્યાં સુધી શાંત પડી ગયું હતું. સત્તા કાલ જતી હોય તો આજ જાય, જૂત્તે મારીના અંદાજમાં મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું સંકલન ઘર આંગણે તેમની સરકારને ટેકો આપતાં પક્ષ કોંગ્રેસના નેતા અમરસિંહ ચૌધરી અને કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ સીતારામ કેસરી જોડે તૂટ્યું અને એક વર્ષમા તેમની સરકાર ગઈ. દિલીપભાઈ પરીખને તો જાણે લોટરી લાગી પરંતુ તે પણ ચાર મહિના જ ચાલ્યા. વચગાળાની ચુંટણી આવી. શંકરસિંહે બનાવેલા રાષ્ટ્રીય જનતા પક્ષે બેઠકોની વહેંચણીમાં કોંગ્રેસ સાથે ઠીક ગઠબંધન ન કરતાં બીજેપી ફાવી ગઈ અને ૪૪.૮૮% મત સાથે ૧૧૫ બેઠકો જીતી સરકાર બનાવી દીધી. કોંગ્રેસ (૩૪.૯૦%) અને આરજેપી (૧૧.૬૯%) મળી બીજેપીથી વધારે ૪૬.૪૯% મત મળ્યા પરંતુ વિભાજિત તેઓ હારી ગયા. જૂનું જનતાદળ પણ ૨.૬૪% મત લઈ ગયુ. 

ભાજપની સરકાર હવે જાણે સ્થિર બની. મુખ્યમંત્રી કેશુભાઈની આ બીજી ટર્મ હતી તેથી સાવધાન બની સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યા હલ કરવા અને ગ્રામ વિકાસની ગોકુલગામ યોજના અને સમરસ પંચાયત બનાનવા સક્રિય બન્યા. આંતરિક ખટરાગ ઘટ્યો અને અધિકારીઓનો અવાજ સંભળાવા લાગ્યો. લાગતા વળગતા અને સગાવ્હાલા પણ સક્રિય થયા. 

કામ અને વાહન વિનાની જિંદગીથી કંટાળી મેં એક દિવસ જીએડીમાં કોઈ ફેરફારો આવે તો જોવા કહ્યુ તો તેમણે મને સમાજ કલ્યાણ નિયામક તરીકે મૂકી દીધો. કેડરમાં પણ કેડર, કેટલીક જગ્યાઓ અનામત હતી. 

OBC વર્ગ માટે અલગ નિયામક હોવાથી અને આદિજાતિ કલ્યાણ માટે અલગ કમિશ્નર હોવાથી મારે અહીં માત્ર અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓનું કામ આવ્યું. અમારા મંત્રી ફકીરભાઈ વાઘેલા. ઘડિયાળના કાંટે કામ કરે અને કરાવે. તેમની મિટિંગો નિર્ધારિત સમયે શરૂ થાય અને સમયસર પૂરી થાય જેથી બીજી મીટિંગ પણ તેના નિર્ધારિત સમયે શરૂ થઈ જાય. જો કોઈ વહેલા જાય તો બહાર બેસાડે અને મોડા પડે તો ખખડાવે. તેઓ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી તેથી SC અને OBC કલ્યાણની યોજનાઓની ઝીણવટભરી સમીક્ષા કરતાં. વિભાગોની બેઠકો કરી તેમના સચિવોને હાજર રખાવતા, ૭% બજેટ ફળવાય અને તે વપરાય તેનો આગ્રહ રાખતા અને નબળા કામ માટે ઠપકો આપતા. તેમના સમયે અમે ઘણાં રચનાત્મક કામ કરી શક્યા. નવી યોજનાઓ લાવ્યા. દલિત સાહિત્યમાં ઉમદા કામ માટે ડો. આંબેડકર એવોર્ડ લાવી દલિત સાહિત્યકારોને સન્માનિત કરવાનું શરૂ થયું. ગુજરાતમાં ડાંગ અને ઉંમરગામની મોચી જાતિ અસ્પૃશ્ય હોવાથી અનામતની હકદાર હતી પરંતુ ૧૯૭૭માં કેન્દ્ર સરકારે સમગ્ર મોચી જાતિને SC જાહેર કરતાં SCની અન્ય જાતિઓમાં અસંતોષ હતો. અમે તે વખતની વાજપેયી સરકારના સામાજિક ન્યાય મંત્રી મેનકા ગાંધીને મોચી જાતિને SC જાતિની યાદીમાંથી દૂર કરવા સમજાવી શક્યા. છેવટે મોચી જાતિને SC યાદીમાંથી દૂર કરાઈ. પછીથી મંડલ યાદીમાં તેમનો સમાવેશ થવાથી કોઈ વિશેષ અસંતોષ ન રહ્યો. 

અમારા અધિક મુખ્ય સચિવ તરીકે ડો. પી. કે. દાસ સાહેબ. અભ્યાસુ અને ભલા. વાતો ખૂબ કરે. ગુજરાતી બિંદૂબેન પરણેલા અને તેમને પણ મારી જેમ જ્યોતિષનો ચસ્કો તેથી મારે બહું સારું બને. તેમણે અમેરિકા રહી પીએચડી કરેલું અને તેમનો દીકરો પછીથી અમેરિકા સ્થાયી થયેલો પરંતુ તેની સાથે સંકલનના પ્રશ્નો થતાં. તેઓ કહેતા કે તેમના પિતા સરકારી ડોક્ટર તેથી તેઓ બચપનમા ગામડામાં રહી નબળા વર્ગના બાળકો સાથે રમેલાં તેથી કલ્યાણ યોજનાઓ માટે ભારે હમદર્દી ધરાવે. સરકારે પી.કે. દાસ સાહેબના અધ્યક્ષપણા હેઠળ જુદા જુદા વિભાગોની ચાલતી કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી ડુપ્લીકેશન દૂર કરી અસરકારક યોજનાઓ આગળ વધારવા સમિતિ બનાવી જેમાં મને સચિવ બનાવ્યો. મારું શૈક્ષણિક જ્ઞાન, વિશ્લેષણ શક્તિ, લ્યુબ્લ્યાનામાં શીખેલ કોમ્પ્યુટર કૌશલ્ય અહીં કામ આવ્યા અને એક સુંદર અહેવાલ તૈયાર થયો જેનો લાગતા વળગતા તમામ વિભાગોએ અમલ કર્યો. નાણાં વિભાગને ફાઈલોમાં ના-ના લખવાનું એક નવું હથિયાર મળ્યું. 

ડો. પી. કે. દાસ સાહેબની બદલી થતાં પછી એલ. માનસિંહ આવ્યા. એક ગજબ વ્યક્તિત્વ. મોટા અવાજે હસીને તેઓ આખા રૂમને હસતો રાખે. વાતમાંથી વાત એમની સરકારી બાબુઓની વાત ખતમ ન થાય. અમારે મૈત્રી જેવા સંબંધો બંધાયા. મારી પછી તે વિભાગમાંથી બદલી થઈ હતી પરંતુ અમે પાછા કચ્છ ભૂકંપ રાહતની કામે ભૂજમાં ભેગા થયા. તે વાતો હવે પછીના અંકે કરીશું. 

અનુસૂચિત જાતિ કલ્યાણની યોજનાઓ એટલે મુખ્યત્વે શૈક્ષણિક સ્કોલરશીપની, જે વર્ષોથી ચાલતી. બીજા રાજ્યોની સરેરાશ ૧૫%ની સરખામણીમાં ગુજરાતમાં SC વસ્તી માત્ર ૭%. એક કારણ તો બીજા રાજ્યોમાં SC ગણાતી ધોબી, દેવીપૂજક, વણઝારા, કોળી, માછીમાર વગેરે અહીં અસ્પૃશ્ય ન હોવાથી યાદીમાંથી બાકાત હતાં અને પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારમાં તેમની હાજરી ક્યાંક જ જોવા મળે તેથી ઓછા હતા. અમે અમલી યોજનાઓ સુદઢ કરી. આવાસ યોજનાને ડો. આંબેડકર આવાસ યોજના નામ આપી સહાયના ધોરણો સુધારી બજેટ અને લક્ષ્યાંકો વધાર્યા અને સ્વરોજગારને મજબૂત કરવા તરફ આગળ વધ્યા. 

સામાજિક સેવાઓના વિભાગોમાં કામ કરતાં કર્મચારીઓ અધિકારીઓને પ્રોત્સાહન જોઈએ નહિતર તેઓ ડિપ્રેશનમાં જાય અને કામ પણ. મેં પ્રથમ તો તેમની કામગીરી ઝડપ વધારવા દરેક શાખામાં નવા કોમ્પ્યુટર ઉપલબ્ધ કરાવ્યા, દરેક કર્મચારી અધિકારીને તાલીમ આપી અને કોમ્પ્યુટર પર કામ કરતાં કર્યા. બીજું કેટલાક કર્મચારી અધિકારી કામ પૂરું ન થાય તેંથી કચેરી સમય પછી રોકાતા. તે પ્રથા બંધ કરી બધું કામ કચેરી સમયમાં પૂરું કરવા ફરજ પાડી. તેમનામાં કર્મયોગી જાગે અને જળવાઈ રહે તે માટે શ્રી શ્રી રવિશંકર પ્રેરિત Art of Livingના કોર્સ કરાવ્યા. રીપોર્ટિંગના ઘણાં પત્રકો અને પદ્ધતિઓ બદલી. પરિણામે ટીમ એક નવા જોશથી કામ કરવા લાગી. 

અનુસૂચિત જાતિ વિકાસ માટે શિક્ષણ, સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતા મોટા હથિયાર. અમે તેઓ વિદેશ જઈ ભણી પટેલોની જેમ ડોલરમાં કમાઈ શકે તે માટે વિદેશ અભ્યાસની લોન સહાય ચાલુ કરી. માનવ ગરિમા યોજના ટુલકીટ દ્વારા સ્વરોજગારની તકો વધારી. દીકરીઓ કોલેજ શિક્ષણ સુધી પહોંચી શકે તે માટે અપર પ્રાઈમરીથી કન્યાઓને સાયકલ આપવાનું શરૂ કર્યું. મને યાદ છે તે યોજનાની ફાઈલ પર મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે સહી ડો આંબેડકર એવોર્ડ વિતરણના સમારંભમાં ટાગોર હોલ પાલડીની સ્ટેજ પર કરી હતી. પછીથી બહારગામ જતી કન્યાઓ પૂરતી યોજના સીમિત કરી તે યોજનાને સંકુચિત કરાઈ. કન્યાઓ સાયકલ ચલાવે તો તેમની ઊંચાઈ વધે, પાચન સુધરે, ભોજન સુધરે અને તેઓ એનીમીક અને કુપોષિત ન રહે તે ફાયદા તરફ જોવાનું જાણે ભૂલાઈ ગયું. મેં ૧૯૮૬માં ભારત દર્શનમાં તામિલનાડુના ગામડાઓમાં સાયકલ સવારી કરી ટોળાબંધ શાળાએ જતી કન્યાઓ જોયેલી. ગુજરાત મને તેમની સરખામણીમાં સંકુચિત લાગતું. 

અહીંની SC પ્રજા ધાર્મિક હિંદુ પરંતુ કર્મકાંડ સંસ્કાર માટે બ્રાહ્મણો ન મળે તેથી તેમનામાંથી બનેલી શ્રીમાળી ગરો પેટા જાતિ બ્રાહ્મણ કામ કરે. હજામ-વાળંદ તેમની હજામત ન કરે તેથી સેનમાં નામની પેટા જાતિ તે કામ કરે. તેમની જ પેટા જાતિના તૂરી તરગાડા ગામેગામ ફરી ભવાઈને વેશ કરી તેમની મનોરંજન જરૂરિયાતો પૂરી કરે. તેમના ઢોલી તો બધાને જોઈએ. દરેક ગામમાં સવર્ણ અને અવર્ણ (અસ્પૃશ્ય) એમ બે ભાગ અને સામાજિક જીવનમાં એક માનસિક દિવાલ રાખી જીવવાનું, પરંતુ પોતાની અંદર સ્વમાનભેર જીવવા એક આખી સ્વતંત્ર સામાજિક વ્યવસ્થા ઊભી કરી આ કોમ ટકી રહેલી. 

તેમની શ્રીમાળી ગરો પેટા જાતિના પુરુષો શિક્ષિત. જ્યોતિષ પંચાંગમાં હોશિયાર તેથી પટેલોના નામ જન્મ રાશિ પર ન મળે પરંતુ SC વર્ગમાં નામ અચૂક રાશિ મુજબ જ હોય. તેમનાં ઘરના ખાત, બાંધકામ, વાસ્તુ મુહુર્ત મુજબ જ થાય. તેમના લગ્નન માણેક સ્તંભ મુહૂર્તે રોપાય અને ગણેશ સ્થાપનથી લઈ, જાન જોડવી, ચોરી ફેરા, ગણેશ વિસર્જન બધુ નક્ષત્ર, વાર, તિથિ, ચોઘડિયું જોઈને જ થાય. શુભ પ્રસંગો, બહારગામ જવું, આણું પિયાણું કરવા પણ મુહૂર્ત જોવાતા. મૃતક પાછળ બારમા તેરમાની વિધિ અને શ્રાદ્ધ પિંડદાન પણ હિંદુ સમાજની જેમ જ થાય. ગરો સમાજની સ્ત્રીઓ બ્રાહ્મણ સ્ત્રીઓની જેમજ પ્રસંગોએ કંચુકી પહેર્યા વિના માત્ર સાડી લપેટી જમવાની પ્રથા છેક આઝાદી સુધી ચાલી. 

એક માત્ર મૃત્યુ સમયે અગ્નિ સંસ્કારને બદલે દફનવિધિ થાય પરંતુ હિંદુ રિવાજ મુજબ ડેડબોડીને જમીન પર કરવાની દિશાથી લઈ ઘોરમાં પણ મડદાંની ઉત્તર દક્ષિણ દિશાનું ભાન રખાતું. જેરૂસલેમનું પહેલું મંદિર બાંધનાર કિંગ સોલોમોન (970-932 BCE)ના વખતથી ચાલી આવતી પ્રથા મુજબ અહીં પૃથ્વી પર રોકાઈ ગયેલા આત્માઓ (spirit)ને પૂર્વજ તરીકે સ્થાપી તેનો દીવો કરી ધૂપિયામાં નૈવેધ ચડાવવાની પ્રથા હજી ચાલે છે. મૃતકને માટીના વાસણમાં ભાથું મૂકવું એ પ્રાચીન પરંપરા આજે ય નિભાવાય છે. પ્રથમ પુત્ર સંતાનના જન્મ માટે દૈવી શક્તિને પશુ બલિદાન આપવાની પ્રથા ઘણાં વર્ષો ચાલી અને હજી ક્યાંક ક્યાંક ચાલુ છે. 

વધતી વસ્તી અને ખૂટતા બ્રાહ્મણો જોઈ અમને શ્રીમાળી સમાજના યુવકોની કર્મકાંડ કૌશલ્ય સુધારી તેમને સારી આવક ઉપાર્જન કરાવવાનું સૂઝ્યું. વેકેશનમાં SC છાત્રાલયો ખાલી રહે તેથી એક પહેલ કરી કર્મકાંડ કરતાં યુવકો માટે કર્મકાંડ ભાસ્કરના તાલીમ કાર્યક્રમો યોજી તેમની સ્વરોજગાર ક્ષમતા વધારવાનું શરૂ કર્યું. 

હું નિયામક હતો ત્યારે મારા મોટા દીકરા ઉજ્જવલને આફત આવી. તે ધોરણ ૧૨ સાયન્સમાં ભણતો. અને સેકટર ૧૯ માં રહીએ અને તેનું ફીઝીક્સનું ટ્યૂશન સેકટર ૮ માં. એક વીકી લઈ આપેલું તેના પર તે દરરોજ સાંજે ટ્યૂશન જાય અને રાત્રે ૯.૩૦ કલાકે પાછો આવે. તે આવે પછી અમે સાથે જમતા. એક રાત્રે ૯.૪૫ થવા આવ્યા પરંતુ તે પહોંચ્યો નહીં તેથી મને ચિંતા થઈ. તે જમાનો મોબાઇલનો નહીં તેથી તે આવે તો ખબર પડે. ત્યાં લેન્ડલાઇન ફોનથી ઘંટડી વાગી અને મેં ફોન ઉપાડ્યો. સામે કોઈ પોલીસ કોન્સ્ટેબલ. કહે ઉજ્જવલ તમારો દીકરો? જલ્દી સિવિલ હોસ્પિટલ ગાંધીનગર આવો તેને ગંભીર અકસ્માત થયો છે. હું ધ્રૂજ્યો, લક્ષ્મી સામે હતી, કહે શું થયું. મેં કહ્યું, પર્સ લઈ, ઘરમાં જે હોય તે રૂપિયા લઈ કારમાં બેસી જા. અમે તાબડતોબ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જઈ જોયું તો ઉજ્જવલ બેભાન. મોઢામાંથી ફીણ નીકળે, માથાના પાછળના ભાગે ચીરો અને લોહી નીકળે. હું ગભરાયો અને જાણ્યું કે સેક્ટર ૮ થી પરત આવતાં સેક્ટર ૯ આગળ ગુજરાત અર્થશાસ્ત્ર અને આંકડા બ્યૂરોની કચેરી સામે આવેલ સચિવાલયના ગેટ નં- ૩થી  મંત્રીઓના વાહનો માટે જુદી એન્ટ્રી કરાવી હોઈ તે સામેના રોડ પર નવા બમ્પ બનાવ્યા છે અને તે પર ઝિબ્રા પટ્ટા કરવાના બાકી છે. બમ્પ તે જ દિવસે બનેલો. ઉજ્જવલ દરરોજ તે રસ્તે બમ્પ વગરના રસ્તે આવતો તેથી નવા બમ્પનું તેને ભાન નહીં તેથી તે તેની મસ્તીમાં. બમ્પ પર તે વીકી સાથે ઉછળ્યો અને રોડ પર પટકાયો. 

મને સિવિલ હોસ્પિટલ ગાંધીનગરની મર્યાદાનું ભાન હતું. મેં ક્ષણનોય વિલંબ કર્યા વિના એમ્બ્યુલન્સમાં ઉજ્જવલને ચડાવી ઓક્સિજન સિલિન્ડર, નર્સ અને ડોક્ટર સાથે અમદાવાદ સિવિલ તરફ હંકારી દીધું. ત્યાં પહોંચ્યા એટલે ડ્યુટી ડોક્ટર કહે સાહેબ સીટી સ્કેન વિના સારવાર ન થાય. હેડ ઈન્જરીમાં જો બ્રેઇનમાં સોજો હોય અને પહોળુ થતું હોય તો સંકોચનની દવા આપવી પડે. અને જો શોકને કારણે બ્રેઇન સંકોચાઈ ગયું હોય તો તેને વિસ્તારવાની દવા આપવી પડે. અહીં ઉજ્જવલ બેભાન અને સિવિલ હોસ્પિટલનું સીટી સ્કેન મશીન આઉટ ઓફ ઓર્ડર. મને ડર વધવા લાગ્યો. પછી તરત જ ઉજ્જવલને એમ્બ્યુલન્સ પર પાછો ચડાવી અને નવરંગપુરામાં આવેલ સામવેદ ઈમેજિંગ સેન્ટર તરફ હંકાર્યું. ટ્રાફિક તો નહિ પરંતુ સેન્ટર નજીક આવવા થયુ અને એક દારૂડિયો બાઈક લઈ અમારી એમ્બ્યુલન્સની આગળ થયો. તે ધીમે ચલાવે અને અમારી એમ્બ્યુલન્સને માર્ગ ન આપે. મને ગુસ્સો આવ્યો પરંતુ હોર્ન પર હોર્ન વગાડી જેમ તેમ અને ઈમેજિંગ સેન્ટરે પહોંચ્યાં. નોંધણી કરાવી ઉજ્જવલને સ્ટ્રેચર પર લઈ અમે સીટી સ્કેન રૂમ નજીક પહોંચ્યા અને ઉજ્જવલ ભાનમાં આવ્યો. અમને હવે હાશ થઈ. સીટી સ્કેન કરાવ્યો. રીપોર્ટ લઈ સિવિલ અમદાવાદ પાછા આવ્યા. દવા ઈન્જેક્શન શરૂ થયા. ઉજ્જવલ બચી ગયો. જો કે તે દોઢ મહિનો તેનો અભ્યાસ બગડ્યો. તે ૧૨ સાયન્સ પાસ થયો પરંતુ ગુણાંક ઘટવાથી અમારું તેના શૈક્ષણિક જીવન ટચનું આયોજન બદલાયું અને તેને કારણે તેના જીવનનો રાહ પણ. 

મારી પાસે એકનું એક કામ ક્યાં સુધી કરાવે રાખવું?સરકારને લાગ્યું હશે કે અધિકારીને હવે શિક્ષણના સેક્ટરમાં અજમાવીએ એટલે મારી બદલી કમિશ્નર સ્કૂલ્સ અને મધ્યાહ્ન યોજના તરીકે થઈ. 

મધ્યાહ્ન ભોજન યોજનામાં અમે નાગરિક પુરવઠાની વસ્તુઓની ગુણવત્તા તરફ ધ્યાન આપ્યું અને યોજનાની ગેરરીતિઓ અંકુશમાં લાવવા પ્રયત્નો શરૂ કર્યા. મેં યોજનાનો ૧૯૮૦નો જીઆર ઝીણવટથી વાંચ્યો. કોઈ કુશળ હાથે તેને લખ્યો હતો. મધ્યાહ્ન ભોજન યોજનાનો ઉદ્દેશ એક માત્ર શાળામાં બાળકોની હાજરી વધારવા પૂરતો સીમિત ન હતો. તેના ઉદ્દેશમાં બાળકોના પોષણ ઉપરાંત  સંચાલક, કૂક અને હેલ્પરને રોજગારી પૂરી પાડવાનો પણ ખરો. એક જીઆરથી એક લાખ રોજગારનું સર્જન ત્યારે મોટું ગણાતું. તેમજ કૂક હેલ્પર તરીકે નબળી આર્થિક સ્થિતિવાળાને લઈ તેમનાં પોષણની સરકારની સામાજિક જવાબદારીનું વહન થતું હતું. મધ્યાહ્ન ભોજનના રસોડે માત્ર શાળામાં ભણતાં બાળકો જ જમી શકે તેને બદલે કૂક હેલ્પરના કુટુંબના પેટનો ખાડો પૂરાય તેટલું રાંધેલું વપરાય તેમાં શાની ગેરરીતિ? એટલું મોટું રસોડુ ચાલતું હોય અને બે પેટ ભૂખ્યા રહે? 

હાઈસ્કૂલોમા કમિશ્નર તરીકે મારે ત્યાં શિક્ષકોના વધારાની દરખાસ્તો મંજૂર કરવા ભારે દબાણ રહેતું. ગ્રાન્ટ ઈન એઇડ શાળાઓમાં સંસ્થા શિક્ષક ભરતી કરે તેથી વિદ્યાર્થી સંખ્યા વધારી નવા શિક્ષકો માંગે. એક નવો શિક્ષક મળે એટલે સંસ્થાને ગુલાબી. વળી વધ્યા ઘટ્યા કોઈ સરપ્લસ પોતાનું સ્થાન ક્યાં તે ખોળતા ફરે. ક્યાંક તેઓ જવા તૈયાર ન હોય ક્યાંક સંસ્થા ગમાડે નહીં. એક તરફ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યા થાય નહીં અને લઘુત્તમ મહેકમ ચાલુ રહે અને બીજી તરફ વિદ્યાર્થી સંખ્યા જેવી ઠરાવેલ સંખ્યા પાર કરે એટલે વધારાનો પૂર્ણ શિક્ષક મંગાય. વળી વિદ્યાર્થીઓમાં કાયમ ગેરહાજર રહેતા અને ભૂતિયા કેટલા એ તો તટસ્થ તપાસથી જ ખબર પડે.

મેં હાઈસ્કૂલોના શૈક્ષણિક ધોરણોની તપાસ કરી તો શૈક્ષણિક કામના કલાકો આધાર તરીકે લેવાય. કામના કલાકોમાં સમૂહમાં દૈનિક પ્રાર્થના થાય અને અઠવાડિયે પીટી શિક્ષક પીટી કરાવે તે કલાકો બધા શિક્ષકોના શૈક્ષણિક કામમાં ઉમેરાય. એક અંદાજ પ્રમાણે પંદર મિનિટની પ્રાર્થના સરકારને મહિને ₹૫૫ કરોડમાં પડે. મેં ધોરણો સુધારી ખોટા વધારાના શિક્ષકોના બોજમાંથી સરકારને મુક્ત કરવા પ્રયત્નો આરંભ્યા. 

રાજ્યમાં મોટા ભાગની હાઈસ્કૂલો ગ્રાન્ટ ઈન એઈડ પરંતુ હજી ૧૬-૨૦ સરકારી હાઈસ્કૂલો ચાલતી હતી. પૂરા પગારના શિક્ષકો પરંતુ વિદ્યાર્થી સંખ્યા ઓછી અને પરિણામો નબળા. તેથી એવી વિચારણા થઈ કે કેમ આ શાળાઓનું સંચાલન કોઈ સફળ શૈક્ષણિક સંસ્થાઓને સોંપી તેની સુધારણા ન કરીએ? એ વખતે સ્વામીનારાયણ ગુરૂકુળ અને બીજી એક બે ધાર્મિક સંસ્થાઓ તરફથી ચાલતી શાળાઓ પંકાતી. પરંતુ હજી તો પાશેરામાં પૂણી, વિચાર વિચારણામાં હતો ત્યાં કોઈક ધાર્મિક સંસ્થા સરકારી હાઈસ્કૂલ હવે તેમની થઈ જવાની છે એમ માની સંકુલ તપાસવાના બહાને શાળાએ જઈ વિદ્યાર્થીઓને હરિ ઓમ અને જય સ્વામિનારાયણ બોલાવવા લાગ્યા હોવાની ફરિયાદ મળી. અમે ચેત્યા અને પ્રયોગનું પોટકું પડતું મૂક્યું. 

એ વખતે આઈટીવાળા નવા નિશાળિયા કોઈ એક નાનકડો સોફ્ટવેર બનાવે એટલે તેનો વેપલો કરવા નીકળી પડે. એવી એક ત્રિપુટી શાળામાં શિક્ષકોના હાજરી પત્રકનું સોફ્ટવેર બનાવી તેની સીડી ₹૩૦ લાખમાં વેચવા મારી પાસે પહોંચી ગઈ. મને થયું, શાળામાં ૧૫ શિક્ષક,  તેમની હાજરી એક પાનાંના હાજરી પત્રકમાં મહિનો આખી  પૂરાય ત્યાં આ ધોળો હાથી શું કરવા બાંધવો? વળી તે વખતે આખા રાજ્યની ઓનલાઈન હાજરી નોંધી તેનું મોનિટરિંગ કરવાની વ્યવસ્થા થાય તેવું ઈનેટરનેટ કે બીજું કોઈ માળખું નહીં. ઘણી શાળાઓમાં કોમ્પ્યુટર પણ હશે કે કેમ તે પ્રશ્ન. પરંતુ ત્રિપુટી જીએડીના એક અધિકારીની ભલામણથી આવી હતી તેથી તેમને એમ કે બસ હાજરીપત્રક વેચ્યુ અને રોકડા કરી નીકળ્યા. મેં ચોક્ખી ના ભણી દીધી. જણાવ્યું કે સરકારને જરૂર હશે તો ટેન્ડર બહાર પાડશે અને સ્પર્ધાત્મક ભાવો આવેથી યોગ્યની પસંદગી કરશે. તેઓ ગયા અને મારા નકારાત્મક વલણની તેમના મિત્રને જાણ કરી. તે ભાઈએ ફેબ્રુઆરી ૨૦૦૧માં મારી સચિવ સંવર્ગમાં બઢતી થઈ ત્યારે દાવ વાળ્યો અને મને ફીશરીઝ કમિશ્નર તરીકે મૂકી દીધો. હું કચ્છ ભૂકંપ રાહતની ડ્યુટી પર. મારી કાર અને ડ્રાયવર બદલાયા. 

રાજકીય પટ પર કેશુભાઈ પટેલની બીજી વખતની સરકાર આ વખતે ત્રણ વર્ષ અને સાત મહિના ચાલી પરંતુ કુદરતી અને માનવસર્જિત આફતોએ તેનો પીછો ન છોડે. કેશુભાઈ પહેલીવાર ૧૯૯૫માં મુખ્યમંત્રી બન્યા ત્યારે માનવસર્જિત આફતે તેમને પાડ્યા. માર્ચ ૧૯૯૮માં ફરી મુખ્યમંત્રી બન્યા તો જૂન ૧૯૯૮ના પોરબંદર સાયક્લોને તેમનું સ્વાગત કર્યું.  નવ જિલ્લાઓ અસરગ્રસ્ત થયા, ૧૧૭૩ માનવો હણાયા અને  માલ માળખાકીય નુકસાન અંદાજે ₹૨૦૦૦ કરોડ જેવું નુકસાન થયું. 

૨૦૦૧ની એ ૨૬ જાન્યુઆરી ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ હતો. અમે બધા ગાંધીનગર હેલીપેડ પર મુખ્યમંત્રીના આવવાની વાટ જોતાં હતા. તેઓ આવ્યા અને ધરતી ધણધણી. કંઈક અનહોની થયાનો અંદેશો આવ્યો ત્યાં તો ખબર આવવા લાગી કે કચ્છથી અમદાવાદ લગી ભૂકંપના આંચકાઓએ હજારો મકાનો ધરાશાયી કરી દીધા છે અને મોટી જાનહાનિ કરી છે.

હું હેલીપેડથી ઘેર ગયો તો સેક્ટર-૧૯ ના અમારા સરકારી મકાનમાં મકાનથી ગેરેજ સુધી જમીન ફાટવાની લાઈન, રૂમના ફ્લોરિંગની બે ત્રણ લાઈને ઉખડી ગયેલ અને મકાનની એક તરફની દિવાલ જાણે નમી પડી હોય તેમ જણાય. હું ગયો તો લક્ષ્મી અને બાળકો બહાર બેઠા હતા અને સ્થિતિ સામાન્ય બને તેની રાહ જોતા હતાં. અમે ઈન્કવાયરી પર જાણ કરી. તેઓનો માણસ આવ્યો, જોઈ વિગતો નોંધી જતો રહ્યો. હવે શુ કરીશું એમ વિચારતા હતા ત્યાં સી.કે. કોસી સાહેબના કાર્યાલયમાંથી ફોન આવ્યો કે મારે ભૂકંપ રાહત કામ માટે ભૂજ-કચ્છ રવાના થવાનું છે. મેં લક્ષ્મીને કહ્યું તું જાણે અને તારું ઘર, હું તો આ ચાલ્યો. સેક્ટર-૧૯ ઈન્કવાયરીમાં  ફોલોઅપ કરજે અને બની શકે તો ખાલી ઘર શોધી તેમાં ફેરફારની અરજી આપી આવજે. ત્યાં સુધી ઘરમાં ઠીક લાગે તો ઘરમાં નહિતર ગેરેજને ઘર બનાવજે. 

મેં બે જોડી કપડાં અને પાણીની એક બોટલ લીધી અને કારમાં બેસી ગયો. મને હજી પરિસ્થિતિની ગંભીરતાની ખબર ન હતી તેથી સાથે ખાદ્ય પદાર્થ લેવાનો કે લાંબુ રહેવું પડશે તો શું કરીશું એવું કંઈ વિચારેલ નહીં. પરંતુ અમારી કાર જેવું રાધનપુર છોડી ભચાઉના રસ્તા તરફ આગળ વધવા લાગી, વાતાવરણની ગમગીની મારા મન મસ્તિકને પકડમાં લેવા લાગી. ત્યાં આવ્યું ભચાઉ અને હું થોભ્યો. 

૧ ઓક્ટોબર ૨૦૨૫

0 comments:

Post a Comment

Powered by Blogger.