શ્રી વિજયચંદ્ર બિહારીલાલ ગાંધી
સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૫ ના રોજ તેમનું આ પૃથ્વીલોકથી જવું એ દુઃખદ સમાચાર છે.
હજી તો લંડન જતી વેળાએ મને ફોન પર કહ્યું હતું કેમ આ વખતે ઈન્ડિયા આવું અને તેમને કંઈ તકલીફ થાય તો બચાવી લેશો ને? મને થતું કે આ વખતે પહેલીવાર બચવા ના બચવાની વાત કેમ કરી હશે?
આ વર્ષે છેલ્લે ભારત આવ્યા ત્યારે તો તેમનું આરોગ્ય વધુ સારું હતું. તેઓ મારે ત્યાં આવ્યા, જમ્યા, ઝાડ નીચે ખાટલો ઢાળી આરામ કર્યો અને ફરી આવવાનો કોલ દઈ પ્રસન્ન વદને પરત ફર્યા હતાં. આ વર્ષે અમારે દિવાળી ભેળા કરવાની હતી. પરંતુ તે પહેલાં લંડન-યુરોપનો પ્રવાસ બન્યો. લંડન જવું કે નહીં તેની તેમને અસમંજસ હતી. મને પૂછયું ય ખરું કે જઉં કે ન જાઉં? પરંતું ટિકિટો બુક થઈ ગઈ હતી અને જુવાનિયા દેખભાળ કરવાના હતા અને સ્વભાવે સાહસિક જીવ તેથી તેમણે હિંમત કરી. સાહસ જોખમી નિવડ્યું અને તેઓ આપણી વચ્ચે ન રહ્યા.
તેમને ૬૨ વર્ષની વયે બાયપાસ સર્જરી કરાવેલ તેને ૨૨ વર્ષ થયા. તેમની અવસ્થા થઈ હતી તેથી પ્રભુને ગમ્યું તે ખરું કહી તેમની વિદાય સ્વીકારવી રહી.
૨૦૧૮-૧૯માં તેમને ફેફસાં કફથી ભરાઈ જવાની તકલીફ થઈ તો યુએન મહેતા કાર્ડિયોલોજી ઈન્સ્ટિટ્યુટમાં ભરતી કરી મુસીબતમાંથી બહાર કાઢ્યા હતા. બીજે વર્ષે તેઓ પાછા ફર્યાં ત્યારે પ્લેનમાં તકલીફ પડી. પાયલોટના ઓક્સિજન સિલિન્ડરે અને અમેરિકાની હોસ્પિટલે તેમને બચાવ્યા. ત્યારબાદની ઈન્ડિયા આવવાની તેમની બે મુલાકાતો વિના વિઘ્ને પસાર થઈ. તેઓ અમદાવાદ આવે ત્યારે અર્બન કંપની પાસે ધૂળનો એક એક કણ સાફ કરાવે પછી જ ઘરમાં પ્રવેશતા. તેમનો ફ્લેટ તેમને નવો દેખાય તે બહું ગમતું.
હું જે કચ્છ જિલ્લાનો કલેક્ટર (૧૯૯૪-૯૫) હતો તે તેમનું વતન તેથી મને તેમના પ્રત્યે વિશેષ સ્નેહ. તેમને પહેલીવાર અમે માણસા ખાતે તેજસભાઈ દવેના નિવાસસ્થાને મળ્યા હતા. તેઓ વ્યક્તિના પગ અને ચહેરો જોઈ તે ક્યા પ્રાણીના ગુણો ધરાવે છે તેવું કહી દેતા તેથી હું શું છું? એવો પ્રશ્ન પૂછવાનું દરેકને ગમતું. અમારા યુએન મહેતા હોસ્પિટલના ડો આર. કે. પટેલનો પગ જોઈ તેમણે કહેલું કે ડોક્ટર તમારે છેલ્લું એક વર્ષ છે. જેટલું દોડાય એટલું દોડી લો. વરસમાં જ તેમને મોટી સર્જરી આવી અને પછી ઉંમર પૂરી થતાં યુએન મહેતા હોસ્પિટલમાંથી નિવૃત્ત થવાનું થયું.
તેમણે તેમના જીવનની સાહસ કથા મને કહેલ. તેઓ મધ્યમ વર્ગ કુટુંબમાંથી આવે. તેઓ જ્યારે કોલેજમાં ભણતા ત્યારે ગણેશપુરી ભગવાન નિત્યાનંદ બાબાના દર્શને ગયેલ ત્યારે લાઈનમાં પસાર થયેલા. બાબા સૂતા એટલે તેમની જોડે વાત કરવાનું કંઈ જામ્યું નહીં તેથી બીજીવાર લાઈનમાં લાગ્યા અને જેના બાબાજી નજીક આવ્યા એટલે તેમના પેટ પર આંગળી અડાડી જગાડવાનો પ્રયત્ન કર્યો. બાબાએ આંખો ખોલી કહ્યું એ વિજય, તેરે પિતાજી કા નામ બિહારીલાલ, તેરી માતાજી કા નામ યે.. બોલ તુજે ક્યા ચાહિએ? તેઓ તો અચરજ પામ્યા કે આ બાબાજી મારું અને મારા માતા પિતાનું નામ કેવી રીતે જાણી ગયા? તેઓ ગ્રેજ્યુએશન શિક્ષણમા કોલેજની છેલ્લા વર્ષની પરીક્ષા આપીને આવેલા. પાસ થઈશું કે નહીં તેનો અંદેશો એટલે માંગ્યું કે તેઓ ગ્રેજ્યુએશન પરીક્ષામાં પાસ થઈ જાય. બાબાએ આશીર્વાદ આપ્યા અને તેઓ તેમની કોલેજમાં ફર્સ્ટ આવ્યા. પછી તેઓ લંડન ટેક્સટાઈલ્સનો ડિપ્લોમા ભણવા ગયા અને તે ડિગ્રી લઈ પાછા આવ્યા એટલે ઉદ્યોગ સાહસિક બનવાનું નક્કી કર્યું. તે વખતે સરકાર ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન આપતી. તેઓને ટેક્સટાઈલ મિલ નાંખવી હતી. ધનરાશિ માટે તેઓ કસ્તુરભાઈ શેઠને મળ્યા. તેમણે તેમને ઉદ્યોગ મંત્રી મનુભાઈ શાહને મળવા મોકલ્યા. મનુભાઈએ ગુજરાત સરકારની લોન કમ સહાય યોજનાનો લાભ આપ્યો એટલે તેમણે કચ્છમાં શેડ બનાવી, સ્પિન્ડલો લગાવી મિલ ચાલુ કરી દીધી. પહેલા વર્ષે જ તેઓ સારું કમાણા. હજી જ્યાં પાંચ પચીસ ભેળાં કરવાની તકલીફ પડતી ત્યાં તેમના હાથમાં લાખ રૂપિયા આવી ગયા.
તેમના લગ્ન કરવાનો વખત આવે ત્યારે તેઓ કોઈ કન્યા ન ગમાડતા. એક કન્યા તો મુંબઈના એક ધનાઢ્ય પરિવારની એકની એક સ્વરૂપવાન દીકરી. સગાઈ પણ થઈ પરંતુ તેની સાથે આહારભેદ અને વિચારભેદ મોટો રહેતા તે વાત પડતી મૂકાણી. પછી તો તેમના મામા (અતુલ?) કે કોઈ બીજા સગા વાત લઈ આવ્યા તેથી બેએક મુલાકાત પછી ના હા કરતાં કરતાં પછી ઉષાબેન જોડે પરણી ઠેકાણે પડ્યા. ઉષાબેન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતાં તેથી વિજયભાઈને તેમનો ભારે ટેકો મળ્યો. તેમના બદ્રીનાથવાળા ગુરૂની આજ્ઞાથી તેમણે મિલ તો બે ત્રણ વર્ષ ચલાવી વેચી દીધેલ અને વીલ બનાવવાની કળા શીખી તે થકી પોતાના ખર્ચનો જોગ કરી લેતા. પરંતુ દીકરા સ્મિતને ભણાવ્યો અને તેના થકી દંપતી અમેરિકા જઈ અમેરિકામાં પણ નામના મેળવી શક્યું.
તેમની મિલ બંધ કરવા પાછળ આધ્યાત્મિક જીવન એક મોટું કારણ હતું. નિત્યાનંદ બાબાને મળ્યા પછી તેમને આધ્યાત્મનો ચસ્કો લાગેલો. તેઓ તીર્થ સ્થાનો કરતાં અને બાવાઓને મળતાં. તેમ કરતાં એકવાર બદ્રીનાથ પહોંચ્યા અને ત્યાં માના ગામમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજમાંથી સાધુ બનેલા સાઉથ ઈન્ડિયન બાબાના પરિચયમાં થયો જેમને તેમણે પોતાના ગુરૂ બનાવેલ. તેઓ બંને વચ્ચે એવો સંબંધ બંધાયો કે તેઓ બાબાને મળવાનો સંકલ્પ કરે, ટિકિટ બુક કરાવી જાય ત્યારે બાબા અચૂક મળતાં. તેમની પાસેથી તેઓ વ્યક્તિનું ભવિષ્ય જોવાની અને મંત્રના બળે સંતાન પ્રાપ્તિ અને બીજા કામોમાં મદદરૂપ થવાની વિદ્યા શીખેલા. તેમને ગુરુએ જણાવેલું કે માનવ મસ્તિષ્કમાં સેન્ટ્રલ હેમિસ્પિયરમાં બદામ આકારનો એક ભાગ છે જે આપણી લાગણીઓ અને ઘણા બધા આધ્યાત્મિક રહસ્યોનું કેન્દ્ર છે.
તેઓ દર ગુરુવારે મધ્ય રાત્રિએ ૧૨ કલાકે કુંભક કરી તેમના ગુરુને સ્મરી ધ્યાન ધરતાં અને પોતાના આજ્ઞા ચક્રમાં જે કલર દેખાય તેને આધારે તેમણે મૂકેલ પ્રશ્નના હકારાત્મક કે નકારાત્મક પરિણામ અને અવધી જણાવતાં. તેમના ગુરુજીએ આપેલ શાલિગ્રામ પત્થરોથી તેઓ વૈષ્ણવ જન તેથી ભગવાન શ્રીકૃષ્ણની બે સુંદર મૂર્તિઓ બનાવી અને અમદાવાદ ઘરમાં રાખી છે અને ગુરુએ આપેલ નાની ડબીમાં મૂકેલ નાગ ચિહ્ન તેઓ ગુરુવાર રાત્રિ ધ્યાનમાં ગુરૂ અનુસંધાન કરવા ઉપયોગમાં લેતાં. તેઓ માનતા કે તેમના ગુરૂ દેહ છોડ્યા પછી સૂક્ષ્મરૂપે તેમને માર્ગદર્શન કરે છે.
મારે તેમની સાથે ઘણો સંવાદ થતો અને તેમના અંતરમનની ઈચ્છા કે તેમની એ મંત્ર વિદ્યાનો વારસો તેઓ મારા પુત્ર ધવલને સોંપે. પરંતુ વળી કહેતા કે તેને ક્યાં આ જવાબદારીમાં નાંખવો? પાઈ લેવાની નહી અને જીવનભર નિયમમાં બંધાઈ રહેવાનું.
મારા ઘેર પણ બે વહુઓ ગર્ભવતી થઈ ત્યારે ગર્ભાધાન બાળકોના સંસ્કાર અને વિકાસ માટે ફોનથી બંને વહુઓને સંકલ્પ કરાવતા, મંત્ર બોલતા અને બંને પૌત્રો તેજસ્વી બને તેવી કામના કરતાં. આ વર્ષે નવેમ્બરમાં એકના પાંચ પૂરા થશે અને બીજાના આવતા વર્ષ એપ્રિલમાં. તેમને પાંચ પૂરા થયે મંત્ર બોલવાનો તેમનો વાયદો હવે અધૂરો રહ્યો. મારી એક પૌત્રી ૨૦૨૩માં ગંભીર બિમાર પડી ત્યારે પણ તેમણે મંત્ર પ્રયાસો કર્યા પણ સફળ ન રહ્યા. દીકરી હોસ્પિટલમાં લાંબી સારવાર પછી મુસીબતમાંથી બહાર આવી.
તેમનામાં પ્રામાણિકતા ભરી પડેલી. કોઈનો ય અણઘટતો રૂપિયો ન લેવો તેવી તેમની ભાવના. એક કલકત્તાના મારવાડી શેઠે તેમનું કોઈ કામ થયેલું તેથી તેમના ઘેર લગ્નમા આમંત્રિત કરી તેઓ તેમના પત્નીને સોનાનો હાર ભેંટ કરેલો તે તેમને નહોતું ગમ્યું. હમણાં ગયા જ વર્ષે કોઈ લગ્ન પ્રસંગે ભારત આવ્યા ત્યારે તેમના પત્નીના ગળામાંથી સોનાનો એક દાગીનો સરકી ગયો હતો. શોધ્યો પરંતુ ના જડ્યો એટલે વિજયભાઈએ સંકલ્પ કર્યો કે જો દાગીનો જડશે તો તે વેચી આવે તે રકમનું દાન કરી દેશે. ત્રીજા દિવસે કોઈ મારવાડી કારીગર તેને નીચે પડેલ દાગીનો મળેલ તે પાછો આપવા આવ્યો. તેમણે તે ભાઈને ઈનામ આપ્યું, દાગીનો વેચી મોટી પાર્ટી કરી બધાને જમાડ્યા અને વધ્યા તે રૂપિયા દાનમાં આપ્યા. હતાં ને અદ્ભુત વ્યક્તિત્વ?
તેમના જવાથી મારે એક મિત્ર ગયા અને એક સંવાદ ગયો. વિધાતા આગળ કોનું ચાલે? પરમ કૃપાળુ પરમાત્મા તેમના પવિત્ર આત્માને સદ્ગતિ અર્પે તેની પ્રાર્થના અને તેમના પત્ની, પુત્ર, પરિવારજનોને તેમની વિદાય સહન કરવાની શક્તિ આપે તે જ અભ્યર્થના.
અચીજા (આવજો) વિજયભાઈ🙏
🕉️ શાંતિ શાંતિ શાંતિ: ॥
ડો. પૂનમચંદ પરમાર (IAS:1985)
(પૂર્વ અધિક મુખ્ય સચિવ, ગુજરાત સરકાર)
અને પરિવાર.
0 comments:
Post a Comment