કુટિરનો અજ્ઞાતવાસ (૨૮)
કુટિર અને ગ્રામોદ્યોગ કમિશ્નર તરીકે હું હાજર થયો.
૩૧ માર્ચ ૨૦૦૫ ના રોજ મુખ્ય સચિવ બદલાયા. પ્રવીણભાઈ લહેરી સાહેબના સ્થાને સુધીર માંકડ સાહેબ આવ્યાં. મુખ્યમંત્રીએ તેમના નિવાસસ્થાને એકની વિદાય અને બીજાના વેલકમની ડીનર પાર્ટી રાખી. વજુભાઈ વાળાએ સ્વભાવ મુજબ રમૂજ કરી. તેમને માથાના કાળા સફેદ વાળને બુદ્ધિ સાથે સરખાવી તેમના તો બધા સફેદ થઈ ગયેલ હોઈ તેમનો સ્ટોક પૂરો થયો પરંતુ લહેરી સાહેબને હજી કાળા હોવાથી તેના બાકી સ્ટોકના ઉપયોગનું સૂચન કર્યું.
જમતી વખતે મુખ્યમંત્રી નાના નામ જૂથ નજીક જઈ ઈન્ફોર્મલ ચર્ચા કરતાં અને સૂચન લેતાં. તેઓ અમે જ્યાં જમતા હતાં તે ગ્રુપ પાસે આવી વાતે વળગ્યા. તેમણે ત્રણ મહાપુરુષોની જીવનની બાબતો તેમને આકર્ષી ગઈ તે જણાવ્યું. તેમના જીવન ઘડતરમાં અને વિકાસમાં એ વાતોને પ્રભાવ રહ્યો હશે તેવું મને જણાતું. તેમણે ગાંધીજીનું દૃષ્ટાંત આપી કેવી રીતે ગાંધીજી થેલો સીધો નહીં પરંતુ ત્રાંસો પટ્ટો રાખી ખભા ભરાવતા, હાથમાં પહેરવાની ઘડિયાળને બદલે કમરે ઘડિયાળ બાંધતા અને આડી પટ્ટીને બદલે ઊભી પટ્ટીના ચપ્પલ પહેરી odd man out બની બધાનું ધ્યાન આકર્ષિત કરતાં તે જણાવ્યું. બીજી વાત તેમણે રજનીશ ઓશોની કરી. ભગવાન રજનીશ તરીકે તેમના પ્રવચનની વિડીયો જ્યારે આવી તેની શરૂઆતની ફૂટેજમાં એક વિશાળ આકાશ અને તેમા વિહરતા પક્ષીઓ અને તેમાં એક નવાં સ્વપ્નની ચાહ માટે દોડતા મનુષ્યનું ચિત્ર તેમને આકર્ષિત કરતું. લોકોને તે વિષયમાં રસ લેવા પ્રેરવા અને જોડી રાખવા સપનાંથી શરૂઆત તેમને અસરકારક લાગી. તેમને તે નાના સ્ક્રીને મોટા વિચાર કરતા કરી દીધા. તેઓ હંમેશાં કોઈ વિચાર કે ઘટનાને મોટી કરી આગળ વધવામાં માનતા. ત્રીજું આપ્યું સૌરવ ગાંગુલીનું દૃષ્ટાંત. તે ભારતનો પહેલો મોટો સફળ કપ્તાન જે મેચની શરૂઆતમાં તેની ટીમનો ગોળાકાર બનાવી એક ટીમ સ્પિરિટનું સિંચન કરી તેની વ્યૂહરચના રજુ કરી સમગ્ર ટીમને તે મુજબ ચલાવી જીત હાંસલ કરતો. તેણે લોર્ડ્સના મેદાનમાં ઈંગ્લેંડને ODIમાં હરાવી તેની ઉજવણી લીજેન્ડરી ટી શર્ટ કાઢી ગોળ ગોળ ફેરવી હવામાં ઉછાળી (2002) અગાઉ ભારતમાં એન્ડ્ર્યુ ફલીન્ટોફે કરેલી ચેષ્ટાનો tit for tat થી જે જવાબ આપ્યો તેને તેમણે વખાણ્યો હતો. તે વખતે ગુજરાતમાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ વેગ પકડી ચૂક્યો હતો અને મુખ્યમંત્રી તેની સફળતાથી પ્રભાવિત હતા. પરંતુ મારે તેમને ન ગમતુ કહેવું પડ્યું કે પ્રવેશ એક સફળતા છે પરંતુ ઉપરના ધોરણોનો ડ્રોપ આઉટ ઘટાડવો અને શિક્ષણની ગુણવત્તા સુધારવી તેનાથી મહાભગીરથ કાર્ય છે. તે વર્ષોમાં મોટી સંખ્યામાં કન્યાઓ ધોરણ ૭ ભણી અભ્યાસ છોડી દેતી. કુમારો ધોરણ ૧૦થી આગળ ન જતાં. વાંચન, લેખન અને ગણનમાં ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ નબળું પડતાં તે વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં નબળા પડતાં. ગુજરાત સરકારે પછીથી ગુણોત્સવ શરૂ કર્યો. એકવાર સાંભળીને ભૂલી જાય તેવા અમારા મુખ્યમંત્રી નહોતા.
મુખ્યમંત્રી એક ભીખારીની વાત અચૂક કરતા. એક ભીખારીને તે દિવસે ભીખ ન મળતા અને જમવાનો સમય થઈ ગયો એટલે ડાબા હાથમાં જમણા હાથથી બોળી કંઈક ખાઈ રહ્યો હોય તેવી ચેષ્ટા કરી પછી પાણી પીતો જોઈ એક વટેમાર્ગુએ તે ચેષ્ટાનો અર્થ જાણવા પ્રશ્ન કર્યો. ભીખારીએ જવાબ આપ્યો કે તેને ભીખમાં કંઈ મળ્યું નહીં તેથી એક હાથમાં રોટલી અને બીજા હાથમાં મીઠાની કલ્પના કરી, રોટલી મોળી ન લાગે તેથી મીઠાનો સ્વાદ ઉમેરી ભોજનની ચેષ્ટા કરી. હવે હાથમાં જ્યાં કંઈક નથી અને કોરી કલ્પના જ કરવાની છે તો પછી કલ્પના પણ ગરીબ કેમ ચાલે? વટેમાર્ગુએ સલાહ આવી કે તેણે કલ્પના જ કરવી હતી તો પછી મીઠાને બદલે કોઈ અથાણું કે બીજા કોઈ સ્વાદિષ્ટ વ્યંજનની કલ્પના કરવી જોઈતી હતી. સપનામાં ગરીબી સાથે ન રાખવાની સલાહ હતી. દિવસના સપના ક્યારેય મહાન સિદ્ધિમાં પરિવર્તિત થતા હોય છે.
પછી આવી ભરૂચની ચિંતન શિબિર આવી. મુખ્યમંત્રી અને મંત્રીઓ સતત અમારી સાથે રહ્યા અને સહભાગી બની દરેક સેશનમાં હાજર રહ્યા. મુખ્યમંત્રીની ત્રણ બાબતો મને યાદ રહી. તેઓ કહેતા કે પ્રજા કલ્યાણના કામ કરતાં કોઈ ભૂલ થાય તો ડરતા નહીં તેમનું અભય વચન છે. બીજું કે જેને જ્યાં નિમણૂક મળી તેને ત્યાં કામ કરવાનું. પસંદ તેમની કે આનંદિત થઈ ફરજ બજાવે કે હતાશ થઈ. ત્રીજું તેમને તેં શિબિરમાં વ્યક્તિગત મુલાકાતની છૂટ આપી કોઈને પીડા હોય તો તેમને જણાવવા કહ્યું અને વચન આપ્યું કે એકવાર તે માફી આપશે. તેમણે નાના નાના ગ્રુપ બનાવી ભોજન બેઠકમાં તેમની સાથે વ્યક્તિગત વાર્તાલાપની તક આપી. અમારા એક ક્ષેત્રીય અધિકારીએ તેમને મળી માફી વચનનો લાભ લીધો. મેં તેમને અમારા ઘેર જમવા આવવા આમંત્રણ આપ્યું. તેમણે સ્વીકાર્યું પરંતુ પછીથી તેમની વ્યસ્તતા વધતાં તે પૂરું કરી ન શક્યા.
મેં હવે મારું લક્ષ્ય કારીગરોના હુન્નરના વિકાસ, તે હુન્નરના નાણાં તેમના ગજવામાં આવે જેને કારણે તેમની આવક વધતાં તેમનું જીવન ધોરણ વધે તે પર કેન્દ્રિત કર્યું. મારે પહેલાં અમારા બોર્ડ કોર્પોરેશનને સુગ્રથિત કરી તેની એક મજબૂત ટીમ બનાવવાની હતી. હું છ સંસ્થાઓનો ચેરમેન બન્યોઃ ગુજરાત રાજ્ય હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ કોર્પોરેશન, GRIMCO, ગુજરાત રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ, ગ્રામ ટેકનોલોજી સંસ્થા (RTI), માટીકામ કલાકારી બોર્ડ અને INDEX-C. મુખ્ય સચિવ સુધીર માંકડ સાહેબે મારો હોદ્દો કમીશ્નર કમ સચિવ કરી મારી સચિવાલયમાં સચિવની ખુરશી ઉમેરી. પરિણામે હું એક સાથે આઠ હોદ્દાઓ પર કામ કરતો થઈ ગયો. તેમાંય ભારત સરકારે મને Central Silk Boardનો સભ્ય બનાવી એક છોગુ ઉમેર્યું.
હોદ્દા વધે એટલે જવાબદારી વધે. સત્તા ને બદલે સહકારિતા મહત્વની બને. અમારે શ્રેષ્ઠ સંકલનથી પરિણામો લાવવાના હતા અને સ્વરોજગારની અસરકારક તકો વધારવાની હતી. અમે સુધારા ઝુંબેશ શરૂ કરી.
તે સમયમાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત લગભગ ૩૫ જેટલા નાના વ્યવસાયો માટે નાનકડી રકમની ટુલકીટ ગ્રીમકો મારફત ખરીદી અપાતી. ટેન્ડર L-1 પર મંજૂર થાય એટલે નબળી ગુણવત્તાવાળા સાધનો આવે. જેને ટુલકીટ મળે તે વાપરી ન શકે અને વાપરે તો થોડા દિવસોમાં તૂટી જાય. અને પહેલાં ટ્રેડ સંખ્યા વધારી ૧૧૩ કરી. પછી અધિકારીઓને કારીગરોને મળી બજાર સર્વે કરવાનું કામ સોંપ્યું. તે સર્વે અભ્યાસ થકી કામદારો વાપરતા હોય તેવા સ્ટાન્ડર્ડ ટુલ્સની યાદી તૈયાર કરી તેમા બ્રાન્ડેડ ટુલ્સ ઉમેર્યા. ત્યારપછી ગ્રીમકો ખરીદી કરતું. અમે ટુલકીટની સહાય કિંમત વધારી અને બજેટ વધારી લાભાર્થી સંખ્યા વધારી. પછીથી સરકારે ગરીબ કલ્યાણ મેળા શરૂ કરતાં અમારી આ સ્ટાન્ડર્ડ અને બ્રાન્ડેડ ટુલ કીટ્સ જાહેર વિતરણ કાર્યક્રમોનો ભાગ બની. તેમાં પછી નબળી ગુણવત્તાવાળા સાધનો મળ્યા તેવી ફરિયાદ ક્યારેય ન ઊઠી. સરકારની અને સરકારી તંત્રની શાખ વધી. ગ્રીમકો પારદર્શી બનાવ્યું. એમડી કિરીટ દૂધાત અને મનોજ કોઠારીએ સરસ કામ કર્યું. ખોટ કરતું નિગમ નફો કરતું અને ડિવિડન્ડ ચૂકવતું થયું.
ટુલકીટની સાથે અમે તાલીમ કાર્યક્રમો તરફ ધ્યાન આપ્યું. કુટિર ખાતા હસ્તક ITIની જેમ કેટલાક તાલીમ એકમો ચાલે. જૂના વખતના તાલીમ આપવાના સાધનો, જૂનો સીલેબસ અને જૂના કર્મચારીઓ. બજાર તો આગળ ભાગે અને આ જગત પ્લેટફોર્મ પર ત્યાંનું ત્યાં ઊભું હોય. અમે તાલીમ કેન્દ્રો અદ્યતન કર્યા. તાલીમ સાધનો બદલ્યા. તાલીમ આપનારને તાલીમ આપી વધુ કુશળ બનાવ્યા. ત્યારબાદ ‘Train and Toolkit’ ના વિચારને અમલમાં મૂકી તાલીમાર્થી તાલીમ પૂરી કરે એટલે માનવ કલ્યાણ યોજનાની ટુલકીટ મળી જાય તેવું સંકલન કર્યું. અમારા પ્રયાસોના અવાજે ITIમાં સુધારા થયા અને કુશળ ગુજરાત અભિયાન અંતર્ગત કૌશલ્ય વર્ધનના કાર્યક્રમનો પાયો નંખાયો.
અમે કારીગરોના ઉત્થાન માટે એક મહત્વાકાંક્ષી આયોજન કર્યું. રાજ્યના શહેરોના બધા નાકાઓ જ્યાં રોજ સવારે કારીગરો કામ માટે ઉભા રહે છે ત્યાં જઈ તેમની સર્વે નોંધણી શરૂ કરી. તેમાંથી કુશળ અને અકુશળ અલગ કરી અકુશળને તાલીમ આપી તેમને કુશળ બનાવવાની રૂપરેખા તૈયાર કરી. કારીગરોના ABC ગ્રેડિંગ કરી તેમનું સર્ટિફિકેશન થાય, તેમનાં કોન્ટેક્ટ લીસ્ટના yellow page directory બને, તેમના કામનો રેટ ચાર્ટ નક્કી થાય અને ગ્રાહક જ્યારે જરૂર પડે ત્યારે સીધા ફોન કરી બોલાવી શકે તેવી વ્યવસ્થા વિચારી. નાકા પર કારીગરોને પ્રાથમિક આરોગ્ય સેવા અને બાથરૂમ સુવિધા મળી રહે તે માટે એક નાનકડુ કેન્દ્ર બાંધી તે સેવાઓ ઉપલબ્ધ કરવા વિચાર્યું. એક સરસ મજાનો પ્રોજેક્ટ રીપોર્ટ અને પ્રેઝન્ટેશન બનાવી કમીટી ઓફ સેક્રેટરીઝમાં રજૂ કર્યું. મુખ્યમંત્રીનો સમય માંગ્યો. તે દિવસે ઉજ્જવલના લગ્ન તેથી મારે બદલે અમારા વિભાગના અધિક મુખ્ય સચિવ રાજગોપાલન સાહેબે પ્રેઝન્ટેશન રજૂ કર્યું. સાહેબ મુખ્ય સચિવ બન્યા અને અમારો પ્રોજેક્ટ રોજગાર અને તાલીમ નિયામકને તબદીલ થયો. પછીથી બાંધકામ કારીગર કલ્યાણ ફંડમાંથી ₹૧૦માં લંચ અને બીજી કલ્યાણકારી યોજનાઓ ઘડાઈ પરંતુ કારીગર સર્ટિફિકેશન, અકુશળને વધુ તાલીમ, train and toolkit, કોન્ટેક્ટ ડિરેક્ટરી, રેટ ચાર્ટ, નાકા પર આરોગ્ય સુવિધા કેન્દ્ર, ધંધાકીય વિકાસ માટે ધિરાણ સહાય વગેરેનું SEPC (Self Employed Promotion Centre) અભરાઈએ ચડ્યું.
અસંગઠિત ક્ષેત્રની સમસ્યા સમજવા રાજગોપાલન સાહેબ અને હું શાહપુરની એક ચાલીમાં ગયા. એક બહેન કામ કરે અને પુરુષ નશો કરી ખાટલામાં સૂતો જણાયો. પૂછપરછ કરી તો ₹૫૦૦૦ માસિક આવકમાં તેમનું જીવન ગુજરાન ચાલે. પતિ દારૂડિયો તેથી પત્નીને કામે જવું પડે. અમે પતિ પર કડક થવા સૂચન કર્યુ તો કહે કે તે ધમાલ કરી ચાલી ભેગી કરે. ગેસના સિલિન્ડરની પાઈપ ખેંચી સળગાવી દેવાની ધમકી આપે. આ તો રોજનું થયું. મુસીબતથી છૂટકારો મેળવવા તે તેના પતિને દરરોજ ₹૨૦ હસ્બન્ડ મેઈન્ટેનન્સ એલાઉન્સ આપતી. તે કોથળી પીતો અને શાંત પડી રહેતો. ચાલીઓમાં વિધવાઓની સંખ્યા અને તેમની જીવન સમસ્યા ડરામણી હતી. અને અસંગઠિત ક્ષેત્રને મજબૂત કરવા કમર કસી. હોકર્સ ઝોન બનાવ્યા. તેમની ઓળખપત્રો અને તેમની સમસ્યાઓ રજૂ કરનારી સમિતિઓનું ગઠન કર્યું. ભારત સરકારના એક વર્કિંગ ગ્રુપમાં જોડાઈ તેના નીતિ મુસદ્દા ઘડતરમાં મેં ફાળો આપ્યો.
અમારી ગ્રામ ટેકનોલોજી સંસ્થા સાચા અર્થમાં ગ્રામ ટેકનોલોજીને પ્રમોટ કરવા આગળ આવી. માટી કામ કલાકારી બોર્ડ અને ગ્રામ ટેકનોલોજી સંસ્થાને ભેગા કરી સંસ્થાને વધુ મજબૂત બનાવી.
સ્વરોજગાર માટે વાજપેયી બેંકેબલ યોજના અમલમાં. અરજદારોના લોન-સહાય અરજી ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ભરાય, ચકાસણી થાય અને બેંકને સ્પોન્સર થાય. બેંક લોન આપે અને સરકાર સબસીડી. અમે લોનની સીલીંગ સુધારી, સહાયના ધોરણો સુધાર્યા, બેંકો સાથે સંકલન વધાર્યું અને તાલુકાએ BLCC, જિલ્લાએ DLCC અને રાજ્ય લેવલે SLBCમાં અમારા અધિકારીઓની હાજરી નિયમિત કરી. અમે ફરજિયાત દરેક SLBCમાં હાજરી આપી સ્પોન્સર કરેલી અરજીઓ મંજૂર થાય, ખોટા કારણોસર નામંજૂર થાય તેની રજૂઆત કરી કેન્સલેસન રેટ ઘટાડાવી યોજનાના પરિણામો સુધાર્યા. પછી આવી જ્યોતિર્ગ્રામ. જીઈબી દ્વારા ગામડાઓમાં ખેતી અને રહેણાંકના વીજળી સપ્લાય ગ્રીડ અલગ કરતાં ગામડાંઓને રહેણાંક વીજળી પુરવઠો ૨૪x૭ ઉપલબ્ધ થયો પરિણામે સ્વરોજગાર, ગૃહઉદ્યોગ વિકાસની તકો વધી. અમે નવી જ્યોતિર્ગ્રામ બેંકેબલ યોજના બનાવી તેમાં લોન સહાયની રકમ વધારી દીધી. પછીથી બંને યોજનાઓ ભેગી થઈ. ભારત સરકારે અમારી જ્યોતિર્ગ્રામ યોજનાના ઢાંચા મુજબ તેમની પ્રધાનમંત્રી બેંકેબલ યોજનાનો મુસદ્દો ઘડવા મારો સહયોગ લીધો અને દેશના રાજ્ય અને કેન્દ્રીય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા તે યોજનાનો અસરકારક અમલ સમગ્ર દેશમાં થયો.
હસ્તકલા કારીગરોને માલસામાન (કપડું, દોરા, રંગ, વગેરે) નબળા હોય કે સબળા સમય તો સરખો જ જવાનો. પરંતુ જો માલસામાન નબળો હોય તો તેમને તેમની પ્રોડક્ટનું મૂલ્ય ઓછું મળવાનું. અમે તેમના માલસામાનની ગુણવત્તા, ડીઝાઈન અને તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. Cluster Development Programme બનાવ્યો. ૭૮ જેટલા ક્લસ્ટર્સ બનાવી, નિષ્ણાતોની મદદથી તેમને તાલીમ આપી, ડિઝાઇન વેરાઈટી વધારી, ભરતકામમાં જેમકે કપડું દોરીની ગુણવત્તા સુધારી અને સરવાળે દરેક ક્લસ્ટર્સની સુંદર વસ્તુઓ અને બજાર માટે તૈયાર કરી.
ગુજરાત રાજ્ય હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટ કોર્પોરેશનમાં હું ચેરમેન અને મને એમડી તરીકે મળ્યા IFS સુધીર ચતુર્વેદી. કોર્પોરેશન નુકસાનમા ચાલે. અમે વર્ષો જૂનો માલ ડીસ્કાઉન્ટ રેટથી નિકાલ કરી શો રૂમમાં નવા માલની જગ્યા કરી. નિગમનો માર્ક અપ ઘટાડી ભાવોને ગ્રાહકને પરવડે તેવા કર્યાં. વેચાણ વધાર્યું. તાલીમ અને ક્લસ્ટર ડેવલપમેન્ટના કામો નિગમને આપ્યા પરિણામે નિગમના ઈતિહાસમાં પહેલીવાર અમે નફો કર્યો. ૧૮૦ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચના લાભ તેમને મળવાપાત્ર તારીખથી આપ્યા અને તેમને એરિયર્સ પણ ચૂકવ્યું.
હવે કારીગરોનો માલ બને અને બજાર ન હોય તો કેમ ચાલે. તે વખતે હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટ કોર્પોરેશન પોતાની મર્યાદિત જરૂરિયાત જેટલી પ્રોડક્ટ ખરીદે અને તેના મોટા શહેરોમાં લાગેલા ૧૨ જેટલા શોરૂમ થકી માલ વેચે. કારીગરોના માલસામાન વેચાણ પ્રમોશન માટે સરકારે INDEX-C બનાવેલું પરંતુ તે વર્ષે દહાડે માંડ ૧૦-૧૧ મેળા કરે. અમે મેળા સંખ્યા વધારતા ગયા અને વર્ષે ૧૦૦થી વધુ પ્સીરદ કમ સેલ મેળા થવા લાગ્યા. કારીગરોની વસ્તુની માંગ જોઈ સ્ટોલ સંખ્યા વધારી અને રોટેશન પદ્ધતિથી બધાને તક મળે તેવી વ્યવસ્થા ગોઠવી. ભારત સરકારના ગ્રામીણ વિકાસ અને બીજા મંત્રાલયો દ્વારા યોજાતા અને બીજા રાજ્યો દ્વારા આયોજિત મેળાઓમાં દેશમાં અને દેશ બહાર અમારા કારીગરોની હાજરી વધારી. કારીગરોની હસ્તકલા વસ્તુઓનો પ્રચાર થાય અને ઓનલાઇન ઓર્ડર થકી વેચાણની તકો વધે તે માટે એક વેબસાઇટ બનાવી તેમાં રાજ્યના ચુનંદા કારીગરોની હસ્તકળા વસ્તુઓના ફોટા, કિંમત, સંપર્ક માહિતી રજૂ કરી ગ્રાહક અને વિક્રેતાનો સીધો સંપર્ક ઉભો કર્યો. અમારા ખાતાના બધાજ બોર્ડ કોર્પોરેશનોને સક્રિય કરી તેમને પ્રોડક્ટ વિકાસ, પ્રમોશન અને વેચાણમાં જોડ્યા. પરિણામે કારીગરોની હસ્તકલા વસ્તુઓની ગુણવત્તા સુધરી અને વેચાણ વધ્યું. તેં મેળાઓમાં લાગતી ભીડ અને બીજા મેળાની રાહ જોતા ગ્રાહકો તેની સફળતાના દ્યોતક હતા. પ્રવીણ પ્રજાપતિનું માટીનું ફ્રીજ વેચાવા લાગ્યું. મારી સફળતા મને ઉત્તર ગુજરાતના એક પ્રજાપતિ સોમાભાઈએ કહ્યું કે સાહેબ સારું થજો તમારું, તમારા આયોજિત મેળામાં થકી તેમની બે દીકરીઓના લગ્ન કરાવવા જેટલો જોગ થઈ ગયો. લીમખેડાના દોણી, તવા, માટલા, વેચતા જમનાબેનને જ્યારે એક મેળા પછી બીજા મેળામાં આવતા માલ ખૂટવા લાગ્યો ત્યારે અમે સફળ થયાં. દાહોદમાં મારી પ્રાંત અધિકારી તરીકેની નોકરીમાં માટીની દોણીમાં રાંધેલી દાળનો સ્વાદ મને એવો ભાવે કે મને થતું આખું ગુજરાત આ દોણીની દાળ ખાય. તેમને દાળનો સ્વાદ મળે અને અમારા કારીગરોને રોજગાર.
અમદાવાદ વસ્ત્રાપુરમાં એક હાટ બજાર બનાવવા કોન્ટ્રાક્ટ અપાયેલો. કોન્ટ્રાક્ટર કામ છોડી ગયેલો અને જગ્યા ખંડેર હાલતમાં પડતર. ઢોર ચરે અને દબાણ થવાની તૈયારીમાં. પૂર્વના અધિકારીઓએ તે પ્રોજેક્ટ જે તે સ્ટેજે છોડી દીધેલ. અમે ટેન્ડરની શરતો વાંચી, કોન્ટ્રાક્ટરને નોટિસ આપી અને તેના ખર્ચે અને જોખમે નવું ટેન્ડર કરી આખો પ્રોજેક્ટ પૂરો કર્યો અને શહેરને એમ્ફીથિયેટર સાથે એક સુંદર હાટબજારની ભેટ આપી. એવું જ અમે બીજું હાટ બજાર મુંદ્રા રોડ ભૂજમાં બાંધ્યું જે કારીગરોના રોટેશનમાં મૂકી તેમને વેચાણનો મોકો આપે છે અને દેશી વિદેશી પ્રવાસીઓને કચ્છની હસ્તકલાની વસ્તુઓ ખરીદવાનું બજાર.
૨૦૦૭ની વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં મહાત્મા મંદિર ખાતે સમિટની સાથે થીમ બેઝ પ્રદર્શન મેળાનું આયોજન થયેલ. અમે કુટિર ઉદ્યોગના ટેન્ટને શણગાર્યો. તેનો લેઆઉટ ખૂબ સુંદર બન્યો હતો. અને તેમાં પ્રવેશદ્વારે ટેન્ટની ઉપર એક વીજળીના કરંટે ફરતો ચરખો લગાવેલો જે સૌને આકર્ષિત કરતો. મુખ્યમંત્રી આવ્યા, તેમને અમારું પ્રદર્શન ગમ્યું. અમારી માટીકામ કપ રકાબી સેટ તેમને એટલા પસંદ આવ્યા કે એક કપ ઉઠાવી તેનો મોટો પ્રચાર કરી બજાર વિકસાવવાની શીખ આપી. તેમણે ટેન્ટ ઉપર ફરતો ગાંધી ચરખો જોયો. તેમને એ વિચાર પસંદ આવ્યો જે ભવિષ્યમાં મહાત્મા મંદિરના મોટા ચરખાના વિચારમાં મૂર્તિમંત થયો.
૨૦૦૭ની ચિંતન શિબિર કચ્છ ધોરડોમાં થઈ. ત્યાંથી રણોત્સવ શરૂ થયો જે આજે વિશ્વ પ્રસિદ્ધ છે. તે સમયે રજૂ થયેલો સાંસ્કૃતિક કાર્યક્રમ જે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ વરૂણ માયરા સાહેબે સ્ટેજ પર જીવતાં ઘેટાં લાવીને પસાર કરી એવો તો જીવંત બનાવ્યો કે ચિરસ્મરણીય બન્યો. તે શિબિરમાં અમે શિયાળાની ઠંડી સવારે મુખ્યમંત્રી સાથે વોક કરતાં. મને જોઈ તેમણે મંત્રી રમણભાઈને કહેલું કે આ પરમાર કંઈ જુદી માટીના બનેલા છે. તેમના અધિકારી સમૂહથી નોખા. તે દિવસે મેં તેમની બાજુમાં ઉભા રહી ફોટો પડાવેલો.
૨૦૦૯ની ચિંતન શિબિર ગાંધીનગરમાં થઈ. સવારની સભા પૂરી થતાં લંચ બ્રેક પડ્યો. કેટલાક અધિકારીઓ બહાર નીકળતા મને કહે કે પરમાર સાહેબ તમે કેમ કંઈ બોલતા નથી અને સંવાદમાં ભાગ લેતા નથી. તમારી પાસે તો વિકાસના વિચારોનો ખજાનો છે. મારાથી બોલાઈ ગયું કે “આ સભામાં ના બોલ્યામાં નવ ગુણ છે”. અમારી પાછળ જ મુખ્યમંત્રી. તેઓ વળતો વારો ન આપે તે કેમ બને? તેઓ કહે કે “બોલે તેના બોર વેચાય”. આપણે બોલીએ તો વાત જાહેર થાય અને સારી હોય તો અમલ થાય. મેં કબૂલ રાખ્યું અને કહ્યું કે હવેથી બોલીશું. હું જ્યારે પણ જે કોઈ મિટિંગમાં બોલતો તેઓ મારી વાત ધ્યાન દઈને સાંભળતા.
કારીગરોની વસ્તુઓના વેચાણ અને પ્રમોશનના અમારા પ્રયાસોમાં એકવાર ખીર ખાટી થઈ ગઈ. લેઈસ્ટર ઈંગ્લેંડમાં એક ભાઈ અશોક પટેલ. ત્યાં ગુજરાતીઓની એક મોટી કોલોની. દર વર્ષે તેઓ ગુજરાતી ગાયક કલાકારોને આમંત્રી સંગીત કાર્યક્રમનું આયોજન કરે. કોઈકે સૂચવ્યું કે પછી તેમના આયોજનનો ખર્ચો કાઢવા તેમણે તે વર્ષે (સપ્ટેમ્બર ૨૦૦૯) સંગીત કાર્યક્રમની સાથે ગુજરાતના હસ્તકલા કારીગરોના પ્રમોશન માટે Village India- Experience Gujarat Festival in Leicesterના ચાર દિવસના મેળાનું આયોજન કર્યું અને તેનું ઉદ્ઘાટન કરવા મંત્રીશ્રીને નોતર્યા. અમારે ૨૫ કારીગરો માલસામાન સાથે મોકલવાના અને પ્રદર્શનમાં ભાગ લેવા માટે અંદાજે ₹ ૨૫ લાખ જેટલી રકમ ચૂકવવાની. સરકારે ઠરાવ કરી ૨૫ કારીગરોને (માલસામાન સાથે) એક મંત્રી, સચિવ અને ઈન્ડેક્ષ-સીના કાર્યવાહક નિયામકને જવાની મંજૂરી આપી. પરંતુ પચીસ કારીગરોના નામની પસંદગીમાં કુટિર ઉદ્યોગ મંત્રીએ પંદર દિવસથી વધુ સમય લીધો પરિણામે કારીગરોના પાસપોર્ટ અને પછી વિઝા મેળવવામાં સમય ઓછો રહ્યો. અરજીઓ કરી. યુકે એમ્બેસીના ડેપ્યુટી હાઈ કમિશ્નર જોડે સતત ફોલોઅપ કરાયું. ઈંગ્લેંડથી સાંસદોએ પત્ર લખ્યા પરંતુ યુકે હાઈકમીશ્નર મોળી પડી. એક જ વિઝા આવ્યા. કારીગરોનો સામાન કન્ટેનર ભરી ઈંગ્લેંડ રવાના થઈ ગયો હતો તેમને વિઝા આવે તરત રવાના કરવા ગાંધીનગર તૈયાર રખાયા. બીજા દિવસે જેવા વિઝા આવે તો બધાં પહોંચી શકે તે માટે કાર્યવાહક નિયામક રોકાયા અને કાર્યક્રમના ઉદઘાટનની તારીખ સાચવવા મંત્રીશ્રી અને હું લેઈસ્ટર પહોંચ્યા.
અમે લેઈસ્ટર જઈ જોયું તો એક હોલમાં સંગીત કાર્યક્રમ અને બહાર કમ્પાઉન્ડમાં પ્રદર્શન મેળો. જોનારા ત્યાં કોલોનીમાં રહે તે ૨૦૦-૫૦૦. મને થયું છેતરાયા. મેં અશોકભાઈને કહ્યું કે અહીં તો કોઈ ફેસ્ટિવલ કે કારીગરોને બિઝનેસ મળે તેવું કંઈ જણાતુ નથી. જો તમારી ઉભી કરેલી આ માયાજાળમાં મારા કારીગરો નહીં પહોંચે તો હું તમને પ્રદર્શન ભાડાનો રૂપિયો દેવાનો નથી. તે દિવસનો ઉદ્ધાટન કાર્યક્રમ મને ન ગમ્યો. ઓડિયન્સ એવું કે તેમને પ્રવચનને બદલે ગાયકવૃંદને સાંભળવામાં રસ તેથી મંમીશ્રી બહેને પ્રવચન ટૂંકાવ્યું અને તેમનો સંગીત કાર્યક્રમ શરૂ થયો. તે કાર્યક્રમમાં ગુજરાતી ગાયકો ભજનિક હેમંત ચૌહાણ, પાર્થિવ ગોહિલ, ઐશ્વર્યા મજમુદાર વગેરે આવેલા.
ત્યાં મને સરકારી ફોન આવ્યો કે મંત્રીશ્રી આનંદીબેનના પેરિસ જવા ફ્રાંસના વિઝા તાત્કાલિક કરાવવાના છે. મેં તરત online ફોર્મ મેળવી અરજી તૈયાર કરી બહેનની સહી લીધી અને લંડન જઈ ફ્રેન્ચ એમ્બેસીમાં રજૂ કરી. પરંતુ એમ્બેસીના અધિકારીએ તે સ્વીકારવાની ના કહી અને કહ્યું કે અમારે country of origin એટલે કે ભારતમાંથી અરજી કરવી પડે. મેં અમારા લંડન ખાતેના ભારતીય હાઈ કમીશ્નર કચેરીનો સંપર્ક કરી મદદ માંગી તો તેમણે કહ્યું કે ફ્રેન્ચ એમ્બેસી માટે રાજ્ય સરકારના મંત્રી હોવાથી તેમના નિયમોમાં બાંધછોડ કરે તેવું નહીં બને. તમારે ભારતથી આવતા વિઝા લઈને આવવું જોઈતું હતું. અમારો પ્રવાસ માંડ ચાર દિવસનો અને તેમાં મંત્રીનો ડિપ્લોમેટ પાસપોર્ટ જમા થઈ જાય તો તેમને ભારત પરત આવવાનો મોટો પ્રશ્ન થાય. અમે મંત્રીશ્રીને મુશ્કેલી સમજાવી અને તેમનો પેરિસ જવાનો પ્રવાસ પડતો મૂકાયો. અશોકભાઈએ તેમને સ્થાનિકે ઇંગ્લેંડમાં થોડાક ફેરવી દીધા. મુલાકાતીઓ તો હતાં નહીં તેથી અમારા આવેલા કારીગરનું કંઈ ખાસ ન વેચાણું. જે નહોતા આવ્યા તેમના પોટકા ઉપાડી પાછા અમદાવાદ ઉતારવા પડ્યા. ફેરો અમારો સાવ નિષ્ફળ ગયો. થોડાક દિવસોમાં મારે મુખ્યમંત્રીને મળવાનું થયું. ફ્રાંસના વિઝાની વાત નીકળી. ચાર જ દિવસનો પ્રવાસ. બીજા દેશમાં જઈ ત્રીજા દેશના વિઝા લેવાના. કૂતરાને વિઝા મળે અને મંત્રીને નહીં? વિઝા અરજી country of originથી કરવી પડે તે નિયમ તેમને ગળે ન ઉતર્યો.
કોણ કયો ખેલ પાડી ગયું એ ખબર ન પડી પરંતુ તે ઘટનાના બે મહિના પછી મારી બદલી ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સચિવ કમ ચેરમેન તરીકે થઈ. તે હોદ્દો મારી પાસેના ચાલુ આઠ હોદ્દા પૈકીનો એક હતો. મારા સાત હોદ્દા ગયા. આશ્રમ રોડ વાડજ પરની ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગની એ કચેરી, નજીક ગાંધી આશ્રમ એટલે લાગે ભદ્ર વિસ્તાર, પરંતુ તેની બાજુમાં શહેરી સ્લમની વિશાળ ઝૂંપડપટ્ટી અને અમારી કચેરીના પ્રવેશદ્વારે જનતા જાજરૂની લાંબી લાઈન. જે જનતા જાજરૂની દુર્ગંધથી ભાગવા હું IAS થયો હતો તે દુર્ગંધ સચિવ બન્યા પછી ફરી સામે આવીને ઊભી રહી. મુખ્ય દરવાજાની જમણી ફૂટપાથે જનતા જાજરૂ અને ડાબી ફૂટપાથે નનામી વેચવાનો ઓટલો. ઓછામાં પૂરું અમારી કચેરીના કોટની ફૂટપાથે મરેલાં મડદાંની નનામીનો વિસામો તેથી રોજના બે-ત્રણ મડદાંના વિસામા તો થાય. પરંતુ હારે તેના હાડ ભાંગે. મેં કચેરીના મકાનની લોબીની દક્ષિણ તરફની દિવાલ ખોલી, તે તરફ પગથિયાં બનાવી મકાનમાં પ્રવેશ માર્ગ બદલી દીધો અને પછી કચેરીનો તે તરફનો પાછળનો દરવાજો ખોલી તેને મુખ્ય દરવાજો બનાવી દીધો. એક અંગ્રેજોના વખતનો ફૂવારો હતો તે રીપેર કરાવી ચાલુ કરી દીધો. અમારા કર્મચારી નટુભાઈ ખૂબ કામ આવ્યા. કેમ્પસમાં બીજા બે બિલ્ડીંગ ખાલી હતા. એકમાં ભારત સરકારના Weavers Service Centerને ભાડે આપી તે કચેરી લાવી દીધી અને બીજા મકાનમાં શહેરના સ્લમ્સની મહિલાઓને સ્વરોજગારની તાલીમ આપવા એક તાલીમ કેન્દ્ર શરૂ કરી દીધું. બનાવી દીધું અમારું કેમ્પસ ધમધમાટ.
પછી ખાદી સંસ્થાઓ તેમનો ગાંધીવાદી વિકાસ, તેમનું વિચલન સમજવાનો પ્રયત્ન શરૂ કર્યો. હિંમતનગરની એક સંસ્થાની મુલાકાત દરમ્યાન તેમના રક્તપિત્તના દર્દીઓ માટેના રો-હાઉસ અને તેમને અપાતી સગવડો માટે સંસ્થાના વડા સમક્ષ મારો રાજીપો વ્યક્ત કર્યો તો કહે સાહેબ આ લોકોને બતાવીને તો અમને સારા દાન મળે છે. તેથી તેમની સેવા અને નહી તેઓ અમારી સેવા કરે છે.
મને હજી ત્રણ મહિના થયા ત્યાં ફેબ્રુઆરી ૨૦૧૦માં ખાદી બોર્ડના ચેરમેન તરીકે રાજકીય નિમણૂક થઈ. વાડીભાઈ પટેલ અમારા ચેરમેન બન્યા અને હું બોર્ડનો સચિવ. પિતા ખાદીધારી ગાંધીવાદી તેથી ખાદી અને ગ્રામોદ્યોગ પ્રત્યે મને પ્રેમ તેથી નવી વ્યવસ્થામાં સરળતાથી ગોઠવાતા મને વાર ન લાગી. અમારે ભારત સરકારના ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમીશન જેનું મુખ્ય મથક મુંબઈ તેનું સંકલન વધ્યું. તેના ચેરપર્સન ગુજરાત ગણદેવીના પૂર્વ આંધ્રપ્રદેશના ગવર્નર કુમુદબેન જોષી. ભારત સરકારની બેંકેબલ યોજનાના અમલમાં અને ખાદી ઉત્પાદનોના કિંમત નિર્ધારણમાં મજૂરી અને માર્કઅપ નક્કી કરવાના ચર્ચા પરિસંવાદ ઘણાં કામ આવ્યા. ખાદી સંસ્થાના આગેવાનો ઉચ્ચ વર્ણના અને ઘણાં કારીગરો શુદ્ર વર્ણના. ગાંધીયુગની એ ધરોહર હતી. સંસ્થાના પ્રમુખો માર્ક અપ વધે તે માટે મને ઉત્સાહી જણાયા અને મજૂરીના દર વધારવા સામાન્ય. ખાદી વસ્તુઓની કિંમતો વધે તો વેચાણ ઘટી જવાની ચિંતા. અહીંયા પણ અમે ક્લસ્ટર ડેવલપમેન્ટ એપ્રોચ થકી ખાદી ઉત્પાદનોના કાપડ, કલર, સિલાઈ, ફીટીંગ, વગેરે ગુણવત્તા પર ધ્યાન આપી ખાદી ઉત્પાદનો સુધાર્યા અને ખાદી દુકાનો ઉપરાંત મેળાઓનું આયોજન કરી તેનું વેચાણ વધારવા પ્રયાસો કર્યા. મારા પહેરેલા વસ્ત્રના કપડે એક ગરીબ ખાદી કારીગરના હાથનો સ્પર્શ છે તે ભાવના જનજનમાં જાગે નહીં ત્યાં સુધી ગાંધીજીનું સ્વદેશી ફાવે નહીં. મુખ્યમંત્રીએ પણ Khadi for Nation Khadi for Fashionનું સ્લોગન આપી ખાદી ક્ષેત્રને પ્રમોટ કર્યું.
કુટિર ઉદ્યોગ સચિવ અને કમિશ્નરની મારી સાડા ચાર વર્ષની સફર સફળ રહી. કારીગરોની સેવા કરી તેમની કલાને વિકસાવવા, બજાર વધારવા અને આવક વધારી જીવનધોરણમાં સુધારો લાવવા કરેલો કર્મયોગે સંતોષ આપ્યો. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રાઝીલ અને યુકેના પ્રવાસ થયા. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, કેરાલા રાજ્યોમાં ચૂંટણી નિરીક્ષક તરીકે ફરજ બજાવવાની તક મળી. પ્રભારી સચિવ વલસાડ અને પ્રભારી સચિવ રાપર વિકાસશીલ તાલુકા તરીકે બંને જિલ્લાની ટીમો સાથે કામ કરવાનો મોકો મળ્યો. મારે ઘેર ૨૦૦૮માં મોટા પુત્ર ઉજ્જવલના લગ્ન થયા. રીસેપ્શનમાં રાજ્યપાલ મહોદય નવલકિશોર શર્મા પધાર્યા. મંત્રીઓ આવ્યા. ૨૦૦૯માં પૌત્રી કાવ્યાનો જન્મ થતાં હું દાદા બન્યો. ઉજ્જવલને બેંકમાં ઓફિસરની નોકરી મળી. નાના પુત્ર ધવલનું MTech IIT Mumbaiમાં પૂરું થયું અને સારા પેકેજની નોકરી મળી. હું કુટીરમાંથી ખાદીમા આવ્યો ત્યાં નવા મિત્રો મળ્યા. ભારત સરકારના ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમીશન (KVIC) સાથે કામ કરવાનો મોકો મળ્યો. તેના ચેરપર્સન કુમુદબેન જોષીનો નવો પરિચય થયો. તેમની ઈચ્છા તો મને ભારત સરકારના ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમીશનમાં (KVIC) લઈ જવાની. મારે ભારત સરકારના ગુજરાત KVICના નિયામક એ. ડી. ચૌધરી સાહેબ સાથે મિત્રતા થઈ જે મારા અંગત કામમાં ઘણું આવ્યા. પરિસ્થિતિએ મને આધ્યાત્મિક ખેડ કરવામાં મોટી મદદ કરી.
અમારા GKVBના ચેરમેન વાડીભાઈ પટેલ સજ્જન પુરુષ. મારે એક ને પણ ઓછું પડે તેટલું કામ અને તેમાં ચેરમેન ઉમેરાયા. તેમને મળવાપાત્ર સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. તેઓ માણસ તરીકે ઉમદા, પેટ છૂટી વાત કરે. ૨૦૦૧માં કેશુભાઈ પટેલ સરકાર વિરુદ્ધ રજૂઆત માટે દિલ્હી કરનાર ડેલિગેશનમાં તેઓ હતા. તેમણે મને અથ થી ઈતિ સુધીની કથા કહી. તેમની એક દિલગીરી મને સ્પર્શી ગઈ. કહે પરમાર સાહેબ, તે સાંજે અમે દિલ્હી એરપોર્ટથી અમદાવાદ આવવા નીકળ્યા ત્યારે અમારા ચહેરે હરખ નહીં. બધાને થતું કે તેમના હાથે કોઈ ખોટું કામ થઈ ગયું. ખેર, ભાવિના ગર્ભમાં શું છૂપાયેલું છે તેની કોઈને ખબર નથી. ગુજરાત બ્રાન્ડ અને તેના એક ગુજરાતીના રાષ્ટ્રીય અને પછી આંતરરાષ્ટ્રીય પ્રભાવનો એક નવો અધ્યાય શરૂ થઈ ગયો હતો.
ગાંધીનગર થી અમદાવાદ અને અમદાવાદ થી ગાંધીનગર, ખાદીનો મને થાક લાગ્યો. જીએડીનાં જઈ કહી આવ્યો કે કામ વિના કંટાળો છે કંઈક વધારાનું કામ આપો. તેમણે મને રાજ્યના રીલીફ કમિશનરનો વધારાનો ચાર્જ આપ્યો અને ફરી એકવાર મને મેદાનમાં ઉતરવાનો એક દાવ આપી દીધો.
૬ ઓક્ટોબર ૨૦૨૫
સર, સચિવશ્રી, કુટીરઉદ્ધોગ તરીકે આપે તમામ સંસ્થાઓમાં ખુબ જ કામ કર્યું હતું. ગ્રીમકોમા મેનેજીંગ ડીરેકટર તરીકે આપના માર્ગદર્શન નીચે સરળતાથી પડકારજનક કામગીરી કર્યાનો સંતોષ મળ્યો. વર્ષ ૨૦૦૮ -૦૯માં ગરીબકલ્યાણ મેળામાં તમામ વિભાગો માટેની ગુણવત્તાયુક્ત લગભગ ૧૪૦ જેટલા વ્યવસાયો માટેના અંદાજીત ૧૦૦૦ થી વધુ સાધનોની સમયસરની ખરીદી, તેની કીટ બનાવી રાજ્યના તમામ તાલુકાઓમાં સમયસર પહોંચાડવાની કામગીરી આપના માર્ગદર્શન, સહકાર અને ત્વરિત નિર્ણયશક્તિ ને કારણે સરળ બની હતી અને વિનાવિધ્ને પાર પડી હતી. તે સિવાય પણ ગ્રીમકો દ્વારા ઓફીસ રીનોવેશન, ચર્મઉદ્ધોગ વિકાસ વગેરે અન્ય ઘણી કામગીરી કરવામાં આવી. ગ્રીમકોને નવી ઊંચાઈ આપના સમયગાળા દરમિયાન પ્રાપ્ત થઈ. ખોટ કરતું જાહેર સાહસ નફો કરતું અને ડિવિડન્ડ ચુકવતું એકમ બન્યું .
ReplyDelete100% सहमत छु, आप श्री ना वडपण हेठळ अने मार्गदर्शन धी gujrat state handloom and handicraft corporations Ltd ma काम करवानी तक મળી તે મારું સદ્દભાગ્ય માનું છું
ReplyDeleteનિગમ નફો કરતું થયું અને 6th pay arriers નું payment પણ તમામ કર્મચારીઓ ने મળ્યું.,આપ્નો ખૂબ ખૂબ આભાર વ્યકત કરું છું અભિનંદન ધન્યવાદ કરું છું અને કામ કરવાની તક મળી તે માટે હું ધન્યતા અનુભવું છું.
C d shah નિવૃત્ત મેનેજર
ગુજરાત સ્ટેટ handloom and handicraft corporations
G59 merch becomes a statement: you’re aligning with an underground culture, a rebellious mindset, and a musical community that prizes authenticity over mainstream conformity.
ReplyDeleteThe Chrome Hearts cross is more than just a piece of jewelry—it’s a statement. Worn by celebrities, artists, and streetwear enthusiasts alike, the iconic cross represents a blend of gothic style, luxury fashion, and countercultural edge. As part of the broader Chrome Hearts brand, this emblem has become synonymous with bold individuality and a distinctly rebellious aesthetic.
ReplyDelete