શહેરોની સફર (૩૨) પ્રમુખસ્વામી મહારાજની વિદાય
ગુજરાત રાજ્યની સ્થાપના પછીના બે દશક સુધી નીતિ ઘડતર અને રાજકારણ ગ્રામ્યલક્ષી રહ્યું પરંતુ ગુજરાતની શહેરીકરણની ઝડપે તેના વહીવટને શહેરીજનોની સુખાકારીના કામો પ્રત્યે વધુ સજગ કર્યો. ટાઉન પ્લાનિંગ અને વેલ્યુએશન નામે ઓછુ જાણીતો વિભાગ ૧૯૮૩માં શહેરી વિકાસ વિભાગ બન્યો અને તેમાં ગ્રામ્ય વસ્તીની સાથે શહેરી વસ્તીની કલ્યાણકારી યોજનાઓ પ્રત્યે રાજ્ય સરકાર વધુ સક્રિય બની. નગર એટલે નળ, ગટર અને રસ્તાનું કામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પોત પોતાનું ગાડું પોતાની મેળે હંકારે તે હવે પાલવે તેવું ન હતું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના આવકના સાધનો ટાંચા અને પ્રજાની વિકાસ ભૂખ વધારે તેથી સરકાર માત્ર નિયમન કરનારી એજન્સી ઉપરાંત કલ્યાણકારી એકમ તરીકે શહેરી વિસ્તારો માટે વધુ સક્રિય બની. શહેરી વિકાસ વિભાગ પછી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ બન્યો. પરિણામે નળ, ગટર, રસ્તા, વીજળીના થાંભલા, પાર્કસ અને ગાર્ડનથી આગળ વધી પ્રાથમિક આરોગ્ય, સ્વચ્છતા, ઘન-પ્રવાહી કચરા નિકાલ, કૌશલ્ય વર્ધન, હોકર્સ ઝોન, હાઉસિંગ, ફ્લાય ઓવરબ્રિજ, બાયપાસ, રીંગ રોડ, બીઆરટીએસ, મેટ્રો, એરપોર્ટ, સ્માર્ટ સિટી, શહેરોનું ભૌગોલિક વિસ્તરણ, નવા ટીપી-ટીપી, વગેરે કામે વિભાગ અને તેના મંત્રીનું મહત્વ વધતું ચાલ્યું.
૧ જુલાઈ ૨૦૧૬ના રોજ મારી બદલી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં થઈ. સરકારે મને અગ્ર સચિવમાંથી બઢતી આપી અધિક મુખ્ય સચિવ બનાવ્યો. IAS અધિકારી તરીકે Level 17 અમારું સૌથી ઉપર ટોચની કક્ષા છે. અધિક મુખ્ય સચિવ અને મુખ્ય સચિવનો પગાર સરખો તેથી અહીંથી જે મુખ્ય સચિવ બને તે બદલીથી બને. આ અમારી છેલ્લી બઢતી હોય છે.
મેં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનો હવાલો સંભાળ્યો ત્યારે વિભાગના મંત્રી તરીકે મુખ્યમંત્રી હોઈ અમારું કામ સીધું સટ જણાયું. સરકારમાં નિર્ણયોની ફાયનલ ઓથોરિટી મુખ્યમંત્રી એટલે અહીં “મેરા વચન હી મેરા શાસન હૈ” જેવો ફિલ્મી ડાયલોગ યાદ આવે. પરંતુ સરકારમાં Rules of Business અને Delegation of Powers હોય તેથી તેની મર્યાદામાં સૌએ ચાલવાનું હોય. જો કે મારી ખુશી તો માત્ર એક મહિનો જ ટકી. ૧ ઓગસ્ટ ૨૦૧૬ ના દિવસે મહિલા મુખ્યમંત્રીએ રાજીનામું આપતાં સરકાર બદલાઈ. વિજયભાઈ રૂપાણી નવા મુખ્યમંત્રી બન્યા અને શહેરી વિકાસ વિભાગનો હવાલો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તક આવ્યો. નીતિનભાઈને તે દિવસે હોઠે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવું ચર્ચાતું. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે? ૪ ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે તેમનું નામ નક્કી જેવું ગણાતું તે ૫ ઓગસ્ટની બપોરે બદલાયું અને જતા મુખ્યમંત્રીએ છેલ્લા પ્રયાસો કરી જોયા પરંતુ ૬ વાગ્યાથી બેઠકે ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ વિજયભાઈ રૂપાણીના શીરે મઢી દીધો. સીનીયોરીટી કે સમાધાન, નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી બન્યા અને તેમને નાણાં, માર્ગ અને મકાનો ઉપરાંત શહેરી વિકાસ વિભાગ જેવા મહત્વના વિભાગો મળ્યા. સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીની મોટી ચેમ્બર ત્રીજા માળે અને નાયબ મુખ્યમંત્રીની મોટી ચેમ્બર બીજા માળે. તેઓ પાંચ વર્ષ નાયબ મુખ્યમંત્રી રહ્યા પરંતુ કેબીનેટની બેઠકમાં મુખ્યમંત્રીની બાજુમાં head of the table પર બેસી પોતાને પ્રતિષ્ઠિત ન કરી શક્યા. હા, સરકારમાં સીનીયર મંત્રી તરીકે, નાણા મંત્રી તરીકે તેમનો અવાજ સૌથી મોટો હતો. વિધાનસભામાં એકલા હોય તો પણ વિપક્ષને ચાબખા મારવામાં તેમની બરોબરી કોઈ ન કરી શકે. પરંતુ તેમની ગયેલી તક અને વિજયભાઈને out of turn મળેલું ઈનામ, તેમની બંને વચ્ચેના સંકલનના પ્રશ્નો ક્યારેક છતાં થતા. મારે હિસ્સે બંને સાથે સંકલન રાખી કામ કરવાનું કામ આવ્યું. જે મેં બંનેને વિશ્વાસમાં રાખી પૂરું કર્યું.
મારી પાસે હવે ૮ મહાનગરપાલિકા, ૮ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ૧૬૨ નગરપાલિકાઓ મળી કુલ ૧૭૮ શહેરી એકમો, તેના મ્યુનિસિપલ કમિશનર્સ, ચીફ ઓફિસર્સ અને બીજા અધિકારીઓ પદાધિકારીઓ મળી એક મોટો સંઘ બનતો. ACS UDD ઉપરાંત મને Gujarat Urban Development Companyના ચેરમેન તરીકે, Gujarat Urban Development Missionના ચેરમેન તરીકે, GIFT Cityના બોર્ડમાં એક ડાયરેક્ટર સભ્ય તરીકે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના બોર્ડમાં એક ડાયરેક્ટર સભ્ય તરીકે, ચેરમેન DREAM City Project (Diamond Research and Mercantile City, Surar) વગેરે શહેરી વિકાસને લગતા હોદ્દાઓ પર કામ કરવાની તક મળી.
નવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને હું નવા વિભાગની કામગીરીમાં ઓતપ્રોત થઈએ દક્ષિણાયનમાં ત્યાં ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજનીય સંત પ્રમુખસ્વામી બાપા ધામમાં ગયા. મારી સિનિયોરીટી ઉથાપીને મને પ્રભારી સચિવ તરીકે બોટાદ જેવો નાનો જિલ્લો આપેલ. પરંતુ રાહત કમિશ્નર હતો ત્યારે ૨૦૧૨માં અમદાવાદ શાહીબાગ મંદિરે બાપાના દર્શને ગયેલો ત્યારે તેમના માટે એક ખાદી વસ્ત્ર લઈ ગયેલ. તેમણે તે લઈ શ્રીજી બાપા (ભગવાન સ્વામિનારાયણ) ને કોઈ દરજી ભક્તએ તેમના અંતિમ સમયે આપેલ વસ્ત્રની કોઈ કથા યાદ કરી મને જણાવેલ. તેમનું સ્વાસ્થ્ય સારું ન હતું તેથી અવાજ ખૂબ ધીમો તેથી મને પૂરું ન સમજાયુ પરંતુ સંકેત કહો કે નિયતિની વ્યવસ્થા, બાપાની અંતિમ વિદાયની વ્યવસ્થાની જવાબદારી ગુજરાત સરકાર તરફથી મને સોંપવામાં આવી. બાપાના અનુયાયી સંતગણ કુશળ ભણેલા અને કેળવાયેલાં. તેમણે બાપાના મૃત શરીરને એક કાચની કેબીનમાં બેસાડી તેમાં નાઈટ્રોજનનો પ્રવાહ અને તાપમાન જાળવી રાખવાની વ્યવસ્થા કરેલ જેથી બાપાની અંતિમ વિધિ સુધી મૃત શરીરમાં બગાડ ન પ્રસરે. હું તો સરકારે મોડી સાંજે જણાવ્યું કે તે રાત્રે જ સારંગપુર પ્રસ્થાન કરી લીધું. સાથે યાદ કરીને ઘરમાંથી એક તાજું ખાદી વસ્ત્ર લીધું. મોડી રાતે જઈ બાપાના મૃત શરીરના દર્શન કરી, વસ્ત્ર અર્પણ કરી વ્યવસ્થા સંચાલન માટે મારા ઘનિષ્ઠ પરિચયી મિત્ર સંત બ્રહ્મવિહારી સ્વામી સાથે પરામર્શ કરી સરકારી વ્યવસ્થા ઉભી કરવામાં લાગી ગયો. સંસ્થા બળવાન અને તેના અનુયાયીઓ ખમતીધર તેથી વ્યવસ્થા સંચાલનમાં સાધનોની ત્રુટિ ન રહે. કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને સમગ્ર સરકારી તંત્ર કામે લાગ્યુ. અમે આવનાર મહાનુભાવો અને શ્રદ્ધાળુઓ માટે આવવા જવાના માર્ગ, પાર્કિંગ વગેરે ગોઠવ્યા. પીવાના પાણીની વ્યવસ્થા અને મૂતરડીઓની વ્યવસ્થા કરાઈ. હેલીપેડ સજ્જ કર્યું. સરકારી મહાનુભાવો માટે વાહનો સજ્જ કર્યા. ૧૪ ઓગસ્ટનો આખો દિવસ અને રાત નદીના પ્રવાહની જેમ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. ૧૫ ઓગસ્ટ સવારે પ્રધાનમંત્રી આવવાના હતાં. તેઓએ દિલ્હી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કાર્યક્રમ પતાવી સીધા જ સારંગપુર આવી ગયા. એક હોલમાં બાપાનું શબ રાખેલું હતું. સંત ભક્તજનો ધીમા સ્વરે ભજન ગાઈ રહ્યા હતા. પ્રધાનમંત્રીની માથે સવારે બાંધેલ સાફાને કારણે કપાળમાં પડેલી ગુલાબી રંગની લીટી હજી સાફ થઈ ન હતી. તેઓ સીધા જ લાલ કિલ્લેથી સાળંગપુર આવ્યા હતા. તેઓ શ્વેત વસ્ત્ર પરિધાનમા એ હોલમાં દાખલ થયાં. બાપાના શબના દર્શન નમન કરી શ્રદ્ધાંજલિ વચન બોલવા પોડિયમ પર આવ્યા અને પહેલાં વાક્યે ‘બાપા મારે માટે પિતા સમાન હતા’ કહી એક ડૂસકું ભરી ગયા. બાજુમાં પાણીનો પ્યાલો હતો. તેમણે એક ઘૂંટ પાણી પીધું અને સામે નજર કરી અને મારી અને પ્રધાનમંત્રીની આંખો એકબીજાને મળી. તેમણે બાપા સાથેના તેમની જીવનયાત્રા દરમ્યાનના સંભારણા યાદ કર્યા અને બાપા કેવીરીતે તેમને જાહેર વક્તવ્યોમાં કેટલાક શબ્દો ન બોલવા ટકોરતા તે યાદ કર્યું. બાપા તેમને કહેતા કે તેમણે જાહેર જીવનમાં એક મોટી યાત્રા કરવાની છે તેથી જે બોલવું તે સાવધ રહીને બોલવું. તેમણે શ્રીનગર લાલચોકમાં ધ્વજવંદન કર્યું ત્યારે બાપાએ તેમને ફોન કરી લીધેલી સંભાળને યાદ કરી. ૧૬ ઓગસ્ટે તેમના ગુરૂભાઈ સોખડાના સંત હરિપ્રસાદ સ્વામી કેનેડાથી પ્રવાસ ટૂંકાવી પહોંચ્યા. બપોરે નિયત મુહૂર્તમાં બાપાના શબના હિંદુ વિધિ વિધાન મુજબ પવિત્ર મંત્રોચ્ચાર સાથે અગ્નિસંસ્કાર થયા. ચંદનના કાષ્ટની એ પવિત્ર અગ્નિ જ્વાળાઓમાં પ્રમુખસ્વામી મહારાજની કીર્તિ દસે દિશાઓમાં ઝળહળી રહી હતી. સૌ ભાવના અને લાગણી સભર નજરે એ વિદાયને નિહાળી ધન્ય થયાં. બાપાની ઘણી વાતો પરંતુ ત્રણ-ચાર વાતો મને સ્પર્શી ગઈ. તેમણે નાતજાતના વાડા બંધ કરી અઢારેય વર્ણો અને અન્ય ધર્મોના લોકોને આવકાર્યા. ભારતના રાષ્ટ્રપતિ બનેલાં મહામહિમ વૈજ્ઞાાનિક અબ્દુલ કલામ તેમના શિષ્ય હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ તેમને પુત્ર સમાન હતા. ઓર્લાન્ડો હરિમંદિરમા પૂજારી તરીકે હસમુખભાઈ પંચાલ OBC વર્ગના, તેમને જોઈ મારી પત્ની લક્ષ્મીને આશ્ચર્ય થયેલું. તેઓ કહેતાં જેનું એકાઉન્ટ સેક્શન ચોક્ખુ તે કચેરી અને તંત્ર ચોકખુ. હું જ્યાં બેસતો ત્યાં બાપાને યાદ કરી એકાઉન્ટ સેક્શનની શુદ્ધતા પર પહેલું ધ્યાન લઈ જતો. તેઓ સ્વચ્છતા અતિ આગ્રહી. મંદિર પરિસરની મૂતરડી ધોવા હાથમાં સાવરણી લેતાં તેઓ ન ખમચાય. તેમની ચીવટનો કોઈ જોટો ન જડે. કચ્છ ભૂકંપ રાહતમાં રાત્રે ૧૦.૩૦ કલાકે તેઓ ભૂજમાં રાહત કામે લાગેલા સંત બ્રહ્મવિહારી સ્વામીનો જે ફોનક્લાસ લેતાં તે તો મારી હાજરીમાં બનેલી ઘટનાઓ હતી. તેમણે શિખરબંધ અનેક મંદિરો અને હરિમંદિરો સ્થાપ્યા. હિંદુ ધર્મને દેશ ઉપરાંત વિદેશોમાં ફેલાવ્યો. ત્યાં રહેતા હિંદુ કુટુંબોની નવી પેઢીના સંસ્કારો સાચવવામાં અને કુટુંબોને એકસંપ રાખવા મોટું કામ કર્યું. છેલ્લે છેલ્લે અબુધાબી હિન્દુ મંદિરનો તેમનો સંકલ્પ પણ મૂર્તિમંત થયો. મુસ્લિમ દેશમાં હિંદુ મંદિર માટે ત્યાંની સરકાર જમીન અને પ્રોત્સાહન આપે તે વાત જ અચરજની કહેવાય. તેમની પવિત્રતા અને હરિભક્તિ તેમને અમર કરી ગઈ.
અમે પહેલી મોટી ઝૂંબેશ ઉપાડી સ્વચ્છતા અભિયાન અને ODF (Open Defecation Free Cities-Towns) ની અને સફળ થયા. શહેરોમાં લીલા સૂકા કચરાનું વિભાજન, door to door કલેક્શનનો અસરકારક અમલ કરવામાં આવ્યો. રસ્તાઓ ઉપરાંત શેરીઓ, જાહેર સ્થળોની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન અપાયું. જન જાગૃતિ કેળવાઈ. પ્રવાહી કચરાને ટ્રીટમેન્ટ પછી જ નદી, તળાવો તરફ વહાવવાનું સુનિશ્ચિત કરાયું. ઘન કચરાનો પ્રોડક્ટીવ યુઝ કરી વીજળી ઉત્પાદન કરવા જેવા પ્રોજેક્ટ વિચારાયા. શહેરી વસ્તીના ઘેર ઘેર toilet, બજારો અને જાહેર સ્થળોએ સુલભ શૌચાલયોના નેટવર્કનું અધૂરું બધું કામ પૂરું કરી રાજ્યના શહેરી વિસ્તારોને ODF જાહેર કરાયા. નગરપાલિકાઓમાં અન્ડર ગ્રાઉન્ડ ગટરના મોટા ભાગના પ્રોજેક્ટ મંદ ગતિએ ચાલતા હતાં તેમાં ૧૨૫થી વધુ નગરપાલિકાના પ્રોજેક્ટ પૂરા કરાવાયા અને જ્યાં નહોતાં ત્યાં ટેન્ડર પ્રકિયા કરી વર્કઓર્ડર અપાયા. પરિણામે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૭માં ગુજરાતને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મળ્યું. પહેલાં ૧૦માં ગુજરાતના બે મોટા શહેરો સુરત (૪) અને વડોદરા (૧૦) આવ્યા. ૧ થી ૧૦૦માં ૨૩ શહેરો નંબર લઈ આવ્યા.
LED વીજળી બીલ બચાવે છે તેથી કેન્દ્રીય મિશનની દોરવણી હેઠળ અને પણ ઉપાડી ઝૂંબેશ અને બધા મોટા શહેરોની રોડ લાઈટોને બદલી ત્વરાએ LEDમાં ફેરવી દીધી.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં અમદાવાદ, વડોદરા, સુરત મંજૂર થઈ ગયા હતા તેથી તેમના કમિશ્નરશ્રીઓ પ્રોજેક્ટના કામે લાગેલા હતાં. અમે રાજકોટ અને દાહોદનું દિલ્હી જઈ પ્રેઝન્ટેશન કર્યું અને બંને શહેરો માટે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ લઈ આવ્યા. શહેરોના સીસીટીવી કેમેરા, ઇન્ટરનેટ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, waste management, smart solutions, LED, સોલર પાવર, શિક્ષણ, આરોગ્ય વગેરે પ્રોજેક્ટ વર્કસ લેવાયા. દાહોદ જેવા શહેરોમાં સિદ્ધરાજ જયસિંહ તળાવ સુધારણા જેવા કામો હાથ ધરાયા. જેને કારણે શહેરીજનોની સુખાકારી, સુવિધા અને સુરક્ષામાં વધારો થયો. AMRUT (Atal Mission for Rejuvenation and Urban Transformation) પ્રોજેક્ટ હેઠળ શહેરોમાં માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરાયા.
અમદાવાદનો સરખેજ ગાંધીનગર હાઈવે બન્યો ત્યારે તે સાવ ખાલી રહેતો કારણકે શહેરનાં આશ્રમ રોડ અને સીજી રોડ તેનું મહત્વ જાળવી રહેલાં. પરંતુ જેવો સરદાર પટેલ રીંગ રોડ બન્યો એટલે SG હાઇવેનું મહત્વ વધ્યું અને જેવી ગાંધીનગર આસપાસનો ગ્રીન બેલ્ટ તૂટ્યો એટલે શહેર વસ્તી અને વાહનોથી ઉભરાવા લાગ્યું. અમે SG હાઇવે પર બાર જેટલા ફ્લાયઓવર મંજૂર કર્યા. બોપોલ અને ઘુમા ગ્રામ પંચાયતોની નગરપાલિકા બનાવી જે પછીથી અમદાવાદ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવી. અમદાવાદ ઉપરાંત અન્ય મહાનગરોની ભૌગોલિક સીમાઓ આજુબાજુ વિકસિત થઈ રહેલા ગામ વિસ્તારોને ભેળવી મોટી કરવામાં આવી અને તે પ્રજાને શહેરી જીવનના લાભો આપવા તંત્ર કામે લાગતું રહ્યું.
અમે ઉપાડી DP-TP ઝૂંબેશ. શહેરની DP (Development Plan) એકવાર બને પછી તેમાં સુધારો રોજરોજ ન આવે. પરંતુ DP અંતર્ગત TP (Town Planning) એટલે ઘણાંને ચાંદી અને ઘણાંને માથાનો દુઃખાવો. TP પ્રથમ સોપાન તરીકે Draft TP જે તે મહાનગરપાલિકા બનાવે તેથી તેની મોટાભાગની સગવડ ગોઠવણ બધું મહાનગરપાલિકા કક્ષાએ જ પાર પડી જાય. પરંતુ CTP (Chief Town Planner)ની ભલામણ લઈ જેવી Draft TP સરકાર મંજૂર કરે એટલે અમારી CTP અને TPOની બનેલી town planning કચેરીઓનું મહત્વ વધી જાય. બસ પછી ડ્રાફ્ટ ટીપીનું સ્ટેજ પાર કરી તેની Preliminary TP બનાવી રજૂ કરવામાં વર્ષો લાગે. Final TP તો કોઈ ક જ થાય. પડતર ડ્રાફ્ટ ટીપાનું લીસ્ટ વાંચીએ તો ૨ થી ૨૦ વર્ષ સુધી પડતરની યાદી આવે.
પરંતુ કોઈને પણ પ્રશ્ન થાય કે ડ્રાફ્ટ ટીપી આમ TPO (Town Planning Officer) આગળ પડતર પડી રહેવાનું કારણ શું? સરકારની ટાઉન પ્લાનિંગ સ્કીમ મુજબ જે તે પ્લોટ ધારકોની ૪૦ ટકા જમીન જાહેર કામો માટે કપાત કરી બાકી ૬૦ ટકાના FP (ફાયનલ પ્લોટ) ફાળવવાના. મોટાભાગના FP તો મહાનગરપાલિકાએ રજૂ કરેલી ડ્રાફ્ટ ટીપીમાં ફાળવાઈ ગયા હોય પરંતુ હવે માઈક્રો લેવલે તેમાં પ્રિલિમિનરી ટીપી સ્કીમ મંજૂર ન થાય ત્યાં સુધી CTPના પરામર્શમાં TPOને ફેરફાર કરવાની મોટી તક. પરિણામે વ્યક્તિગત પ્લોટ ધારક આવતા જાય અને તેમને અનુકૂળ ફેરફારો માંગતા જાય અને બંને પક્ષની અનુકૂળતા ગોઠવાય એટલે ફેરફાર મળી જાય. ૯૦ ફૂટ પરનો પ્લોટ ધારક ૧૮ ફૂટના રોડ પર આવી જાય અને ૧૮ ફૂટના રોડ પરનો ૯૦ ફૂટ પર. કોર્નર પ્લોટ પરનો ખસીને બીજે ગયો હોય અને ક્યાંક લાઈનમાં બંધ કોર્નર પ્લોટ પર આવી જાય. જેની જમીન રસ્તાઓમાં ગઈ હોય કે જાહેર સુવિધાઓ માટે રીઝર્વ રાખેલા પ્લોટોમાં ગઈ હોય તે બધા ફ્લોટિંગ સ્ટેજમાં. જેની જેની પહોંચ અને સમજાવી શકવાની ક્ષમતાને મુજબ ફેરફારો મળે.
વળી ડ્રાફ્ટ ટીપી આ કારણે વિલંબિત થવાથી પ્રિલિમિનરી ટીપી મંજૂરીમાં વર્ષો જાય તેથી TPOએ મંજૂર રાખેલ સુધારા અભિપ્રાય મુજબ મહાનગરપાલિકાઓ બાંધકામ મંજૂરી આપતી જાય. પરિણામે તે પ્લોટોના વેચાણ, હાથબદલા અને બાંધકામ ઝડપથી થતા જાય. પરિણામે બે-પાંચ-દસ વર્ષે જ્યારે પ્રિલિમિનરી ટીપી સ્કીમ મંજૂરી માટે દરખાસ્ત આવે ત્યારે તેમાં CTP-TPO દ્વારા કરેલી ચૂકો કે ભૂલો સુધારવાની કોઈ તક ન રહે.
એક કેસમાં એક મોટા પ્રોજેક્ટ સીટીને જોડતો રસ્તો ૬૦ મીટર કરવાની અમારે ચર્ચા ચાલે અને TPO-CRP જાણે છતાં જૂની ડ્રાફ્ટ સ્કીમમાં ૪૦ મીટરનો રોડ હોઈ તે મુજબ સંમતિ આપી એક મોટી સમસ્યા ઉભી કરેલ. વળી કેટલાક ૪૦ ટકા કપાત લેવાની હોય તે જગ્યાઓ સારી જગ્યાએ આવેલી હોય તેથી તેના પ્લોટ ધારકોને બીજે જગ્યા ખરીદી તે ખરીદેલી જગ્યા જાહેર કપાતમાં લઈ લે અને મૂળ પ્લોટની કપાત ટકાવારી ૪૦ ટકાથી ઘટાડી શૂન્ય સુધી લઈ જાય. એક બહુ ચર્ચિત ટીપી સ્કીમમાં સરકાર કક્ષાએથી આવી કોઈ છૂટ અપાયાનું ચર્ચાતું જેને ઢાલ બનાવી કેટલાક TPO high fly કરતાં. અમને એવી પણ ફરિયાદ મળતી કે કોઈ કોઈ તો પોતાની ખાનગી ઓફિસ ચલાવે છે અથવા પોઈ ફર્મના પાટિયા હેઠળ બેસી રજાના દિવસે તે સ્થળોનો વાટાઘાટો અને સમાધાન માટે ઉપયોગ કરેછે.
અમે વીકલી મીટિંગ મોનીટરીંગ શરૂ કર્યું. એક વોટ્સએપ ગ્રુપ બનાવી મોબાઇલ ગવર્નન્સ શરુ કર્યું. પરિણામે એક વર્ષમાં જ્યાં ૧૫-૨૦ ડ્રાફ્ટ ટીપીની પ્રિલિમિનરી ટીપી મંજૂર થતી ત્યાં તે વર્ષે અમે ૧૧૦ મંજૂર કરી એક નવો કીર્તિમાન બનાવ્યો જે રસ્તે આ જગ્યા પર મારી પછી આવનાર અધિકારીઓને ચાલવાનું હતું. એકાદ-બે TPO સામે સસ્પેન્શન, ખાતાકીય કાર્યવાહી હાથ ધરી પરિણામે બીજા TPO પર એક દબાવ અને રોક ઉભી થઈ.
પરંતુ હજી મૂળ રોગ જે કષ્ટસાધ્ય હતો તેને દૂર કરવા નસ્તર મારવાની જરૂર હતી. મને બાવાની લંગોટ અને ઉંદરની કૂદકો મારવાની ક્ષમતાવાળી વાત ખબર હતી. જ્યાં સુધી ઉંદરના કૂદવાના બળને શોધી તે દૂર કરવામાં ન આવે ત્યાં સુધી આ કૂદાકૂદ રોકાવાની ન હતી. મેં The Gujarat Town Planning and Urban Development Act 1976નો અભ્યાસ શરૂ કર્યો. માંડ ૫૦-૫૫ પાનાનો કાયદો અને તેમાં ૪૦ વર્ષથી કોઈ સુધારો થયો નહોતો. તેની કલમ ૪૯માં મળતા અધિકારોથી TPO original plotના final plot ફેરવી અભિપ્રાય આપતા તેને કારણે અરજદારો જે તે મહાનગરપાલિકામાંથી બાંધકામ મંજૂરી મેળવી લાભનો સોદો કરી લેતાં. અમે કાયદામાં સુધારો કરી જે કિસ્સાઓમાં ફાયનલ પ્લોટ ઓરીજીનલ પ્લોટથી અલગ હોય ત્યાં અભિપ્રાય આપવાની TPOની સત્તા લઈ લીધી. પરિણામે પ્લેટોની હેરાફેરીની ચાલતી એક મોટી દોડ રોકાઈ ગઈ. એક માર્ગદર્શિકા બહાર પાડી ડ્રાફ્ટ ટીપી અને પ્રિલિમિનરી ટીપી વખતે મૂળ પ્લોટ ધારકના મૂળ પ્લોટ પર જ અંતિમ પ્લોટ ફાળવાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું. જ્યાં પ્લોટ રસ્તામાં ગયો હોય કે જાહેર સુવિધાઓ માટે અનામત થયો હોય તેને તેના મૂળ પ્લોટની શક્ય તેટલી નજીક અંતિમ પ્લોટ આપવાના ધોરણો લાગુ કર્યા. પ્લોટ ધારકોને ન્યાય મળ્યો અને ભ્રષ્ટાચારનો એક પ્રકાર દૂર થયો.
તે વખતે ગુજરાતના ૮ મહાનગરપાલિકાઓ, ૮ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ૧૬૨ જેટલી નગરપાલિકાઓ. દરેકના GDCR (General Development Control Regulations) જુદા. અમદાવાદના બિલ્ડર્સને જે બિલ્ડીંગ હાઈટ, FSI, સેટબેક, લેન્ડ યુઝ અને પાર્કિંગ મળે તે સુરતના બિલ્ડર્સ માટે જુદા અને રાજકોટ માટે જુદા. પરિણામે, એકના જેવી છૂટછાટ લેવા અરજદારોની ગાંધીનગર લાઈન લાગે. મહાનગરપાલિકા કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાંથી જેવી અરજી ગાંધીનગર આવે એટલે નાયબ મુખ્યમંત્રી કાર્યાલય, અધિક મુખ્ય સચિવ કાર્યાલય, OSD કાર્યાલય અને ચીફ ટાઉન પ્લાનિંગ કાર્યાલયના વિઝિટર્સ વધી જાય. ક્યારેક તો ધસારો એવો હોય કે અમારે દૂર જવાનું છે તેમ કહી મુલાકાતીઓ મળતા જાય અને બપોરનું જમવાનું ચૂકી જવાય. અમે સમસ્યાનો અભ્યાસ કર્યો. તાંત્રિક અધિકારીઓ અને ક્ષેત્રીય અધિકારીઓ સાથે પરામર્શ કર્યો અને એક નવાં GDCRનું નિર્માણ કરી Gujarat Comprehensive GDCR 2017 બહાર પાડી રાજ્યના શહેરી એકમોને નવ ગ્રુપમાં વહેંચી દરેક ગ્રુપમાં એકસૂ્ત્રતા લાવી ન્યાયી વ્યવસ્થા લાગુ કરી દીધી. પરિણામે ઘણાં ધરમ ધક્કા ઓછા થયા.
હવે આવ્યા ગ્રાહકો. તેમના ease of housing માટે RERAની ગાઈડલાઈન આવી હતી પરંતુ ગુજરાત માટે કાયદો બનાવવાનો બાકી હતો. અમે કામ હાથ પર લીધું. વટહુકમથી The Gujarat RERA (Real Estate (Regulation and Development) Act, 2016 બહાર પાડી પછી તેને ૨૦૧૭માં મળેલી વિધાનસભામાં મંજૂર કરાવ્યો. રાજ્યને RERA Authority અને તેના નિર્ણયો સામે અપીલ કરવા RERA Tribunal મળી. આજે RERAને કારણે ગ્રાહકોના હિત સુરક્ષિત બન્યા છે અને સાથે સાથે બિલ્ડર્સને પણ કેટલીક ખાતરીઓ મળવાથી તેમને કરવી પડતી કાળા-ધોળા મેળવણીમાં રાહત થઈ હશે.
શહેરમાં લેઆઉટ પ્લાન રજૂ કરી બાંધકામ મંજૂરી મેળવવાનું કામ અઘરું ગણાતું. અમે બધી TP સ્કીમનું ડીજીટાઈઝેસન કર્યું. જો દરેક પ્લોટ ડીજીટાઈઝ થઈ જાય અને તેના GDCR હોય જ એટલે સરળતાથી CAD ડ્રોઈંગનું મેળવણું કરી બાંધકામ મંજૂરી online જ આપી શકાય. અને ટ્રાયલ રન પણ કરી જોયો. જો કે ગેરકાયદેસર બાંધકામ કરવાવાળા માટે આવી મંજૂરી માત્ર ઔપચારિકતા રહેવાની.
મુખ્યમંત્રીની ઈચ્છા હતી કે એકવાર ટીપી ફાયનલ થઈ જાય પછી શાની બિનખેતી મંજૂરી લેવાની? અરજદારોને બિનખેતી મંજૂરી લેવી એક ભારે કામ લાગતું. અમે મહેસૂલ વિભાગના સંકલનમાં જ્યાં ટીપી ફાયનલ થઈ ગઈ હોય ત્યાં જે તે જમીનનું પ્રીમિયમ વગેરે લેવાનું થાય છે કે કેમ? તે ચકાસી જો લેવાનું હોય તો તે લઈ કલેક્ટરોએ NOC આપવાનું તે NOCના આધારે શહેરી સત્તામંડળો બાંધકામ મંજૂરી આપી શકે તેવું ઠરાવ્યું. જો કે મહેસૂલ કચેરીઓમાંથી NOC લેવાનું કામ પણ બિન ખેતી મંજૂરી લેવાથી કોઈ કમ નહોતું. હવે શહેરી વિકાસ વિભાગે પ્રિલિમિનરી મંજૂર કરેલ ટીપી સ્કીમોને ફાયનલ કરવાનું કામ ઝડપથી કરવાનું હતું.
અહીં અમે સુધારા ગાડી ટોપ ગિયરમાં મૂકી હતી તે વર્ષે જોગાનુજોગ નોટબંધી આવી. ૮ નવેમ્બર ૨૦૧૬ની રાત્રિના ૮ કલાકની એ જાહેરાત ઘણાંને યાદ હશે. ₹૫૦૦ અને ₹૧૦૦૦ની નોટો તે રાતના ૧૨ કલાકેથી legal tender મટી ગઈ. દેશમાં તે વખતે ૧૭.૯૭ લાખ કરોડનું ચલણી નાણું ફરતું હતું. રિઝર્વ બેંકના નિર્ણયથી તેમાંથી ૮૬% એટલે કે ₹૧૫.૪૪ લાખ કરોડ નાણું લીગલ ટેન્ડર મટી ગયું. પહેલાં ૧૫ દિવસમાં દૈનિક ₹૪૦૦૦ લેખે over the counter નોટો બદલવાની છૂટ આવી. સમગ્ર દેશમાં ચલણી નાણાંની તંગી ઊભી થતાં બેંકોએ લાઈનો લાગવા માંડી. પછી ૫૦ દિવસ બેંકમાં પોતાના ખાતામાં નાણાં ભરવાની છૂટ મળી તેને કારણે બેંક બ્રાન્ચો મટી ગયેલાં નાણાંની વખારો બની ગઈ. કોઈ બેંક મેનેજરે નાણાની આવડી મોટી પસ્તી જોઈ નહિ હોય.
નોટબંધીના તે મહિનાઓમાં ખેતીમાં શિયાળુ શાકભાજીની આવક ચાલુ થઈ ગઈ. આમેય આ મહિનાઓમાં શાક બજાર, હાટ, ફેરિયાઓની લારીઓ તાજા લીલા શાકભાજીથી સોહાતી જ હોય. પરંતુ આપત્તિના સમયે સરકારી તંત્રને કંઈક કામ કરવું રહે. અમારા જિલ્લા પ્રશાસનોએ શહેરોમા મોકાની જગ્યાઓ પર મંડપ-માંડવો બાંધી ખેડૂતોને શહેરોમાં આવી શાકભાજી વેચાણ કરવાની વ્યવસ્થા ઉભી કરી. પરંતુ બજારમાં જ્યાં ખરીદ શક્તિ ન હોય ત્યાં ખેડૂતોને શું મળે? ગાંધીનગરના એક મંડપ બજારમાં હું જોવા ગયો તો ₹૧૦માં ચાર દડા કોબીજ (અંદાજે ત્રણ થી ચાર કિલો) મળતી હતી. નોટો વગરની શરૂઆતમાં આકરી લાગતી તે પરિસ્થિતિ છેવટે જૂન આવતા સુધી થાળે પડી. ભારતની વસ્તી તે વખતે ૧૩૪ કરોડની હતી તે વધી આજે ૧૪૫ કરોડ થઈ એટલે કે ૧૦ ટકા વધી. જ્યારે ચલણી ફરતું નાણું તે વખતે ૧૮ લાખ કરોડ જેટલું હતું તે વધી લગભગ ૩૮ લાખ કરોડ જેટલું થયું એટલે કે બમણાથી વધુ વધ્યું. લોકોના હાથમાં નાણાં આવ્યા, ખરીદ શક્તિ વધી, તેથી ઉત્પાદનો અને સેવાઓ વધી અને દેશનું અર્થતંત્ર ગતિશીલ બન્યું.
GUDCની એક બાબતે મને ચોંકાવી દીધો. તે કંપની દ્વારા નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટરના કામોના ટેન્ડર થાય, એજન્સી નક્કી થાય અને જેમ જેમ કામ પૂરા થાય તેમ તેમ તેના તબક્કાવાર બીલ ચૂકવણા થાય. અધિક મુખ્ય સચિવ તેના ચેરમેન અને બીજા એક IAS અધિકારી મેનેજીંગ ડિરેક્ટર. ટેન્ડર્સની કંપનીની બેઠકો આવે કે ગટર કામોની પ્રગતિની સમીક્ષા બેઠક આવે એટલે જે તે કામની ધીમી પ્રગતિ હોય કે ચૂકવણાની ફરિયાદો હોય કે સામે આવે. જેને અન્યાય થયો હોય તે અરજી કરી અવાજ ઉઠાવે. આવી એક અરજીનો અહેવાલ કરવામાં વાત ક્યાંક અટકી પડેલ. MD આવી મારી સાથે ચર્ચા કરી જાય પરંતુ અહેવાલ આવે નહીં. પછી નવા MD આવ્યા એટલે ફરી બાબત ઉપાડી ત્યારે ધ્યાને આવેલી બાબતે અમને ચોકાવી દીધા. કંપનીએ જે તે નગરની ભૂગર્ભ ગટર પરિયોજના તૈયાર કરવા ટેન્ડર સ્પેશિફીકેશન નક્કી કરવા, ટેન્ડર સ્ક્રૂટિની અને પીરીયોડિક રજૂ થતાં બીલોની ચકાસણી કરી અભિપ્રાય આપવાનું કામ એક આઉટસોર્સિંગ એજન્સીને આપેલું. તપાસમાં હકીકત એ નીકળી કે તે એજન્સીની માલિકીનો છેડો GUDCના એક તાંત્રિક અધિકારી જે ટેન્ડર ફાયનલ કરવાની અને બીલ ચૂકવણીની કામગીરી સાથે સંકળાયેલા તે તરફ નીકળતો હતો. તે અધિકારીની સીધી ભરતી અને પછી કોઈ બીજા રાજ્યના ડિગ્રી પ્રમાણપત્રથી (જે સાચું હોવા ન હોવાની ફરિયાદ ઉઠેલ) અપાયેલ બઢતી અંગે પણ પ્રશ્નાર્થ હતો. આઉટસોર્સિંગ કંપની અને અધિકારીની સાંઠગાંઠ પકડાઈ. અમે પગલાં લેવા આગળ વધ્યા એટલે ત્રણેક અધિકારીઓના ફોન આવ્યા. છેવટે તે તાંત્રિક અધિકારી કંપનીમાંથી રાજીનામું આપી છૂટા થઈ ગયા. મારે માથે ભલામણ કરનાર અધિકારીઓનું ન માન્યાનું આળ આવ્યું. પરંતુ બાબત એટલી ગંભીર હતી કે મને તેમાં આંખ આડા કાન કરવા શક્ય ન જણાયું. નગરપાલિકાઓ વતી તેમની માળખાકીય વ્યવસ્થા (જેવી કે ગટર વ્યવસ્થા)ના કામ કરતી સરકારી એજન્સી (કંપની) જો કરાર આધારિત કર્મચારીઓ અધિકારીઓથી ચાલતી હોય ત્યારે તેમની લાયકાત, તાંત્રિક ક્ષમતા, પ્રક્રિયાનું જ્ઞાન અને વ્યવસાયિક આચારસંહિતાનું પાલન પ્રશ્નાર્થ બની રહે.
સપ્ટેમ્બર ૨૦૧૬માં સરકારે મને તક આપી વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૭ના ભાગરૂપે દક્ષિણ આફ્રિકા અને કેન્યા મોકલેલ ડેલિગેશનના વડો બનાવી મોકલ્યો. અમે ત્યાં સેમિનાર સંવાદ કર્યા અને દક્ષિણ આફ્રિકા અને કેન્યાના ઔદ્યોગિક સાહસિકો અને અમારા ઔદ્યોગિક સાહસિકોનો સમન્વય થાય, ગુજરાત રાજ્યનું મેડીકલ ટુરિઝમ વિકસે અને બંને પક્ષે રોકાણોની તક વધે તે માટે પ્રયાસો કર્યા. અમે દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ (legislative capital), જોહાનિસબર્ગ, પ્રિટોરિયા (વહીવટી રાજધાની); કેન્યાના નૈરોબી (રાજધાની) જોવા મળ્યા અને મસાઈમારા અભ્યારણ્યમાં અમૂલ્ય વાઈલ્ડ લાઇફ જોવાનો અને તેમની સાથે કુદરતને માણવાનો મોકો મળ્યો. તે ઉપરાંત મહાત્મા મંદિર ખાતે અમે શહેરી વિસ્તારોમાં રોકાણ અને વિકાસની તકોની ચર્ચા પરિસંવાદ માટે એક સુંદર કાર્યશાળા સંપન્ન કરી.
બાવા ઉઠ્યાં બગલમાં હાથ. ૧૫ જૂન ૨૦૧૭ ના રોજ સરકારે મારી બદલી કરતાં શહેરી વિકાસ વિભાગ છોડી મેં અધિક મુખ્ય સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો. હવે મારે આરોગ્ય તંત્રને સુદૃઢ કરી તબીબો અને તબીબી સારવારનો વ્યાપ વધારવાનો હતો. પંચાયત અને આરોગ્ય મારે ભાગે લખાયેલા હતા. ત્યાં પણ ક્યાં હખવારો હતો?
૧૩ ઓક્ટોબર ૨૦૨૫
તા.ક. જોગાનુજોગ આજે ગુજરાત સમાચારને P.8) શું સૂઝ્યું કે સ્માઈલ ટીપ તરીકે છાપ્યુંઃ “રાવણે સોનાનું નગર બનાવ્યું હતું. હવે નેતાઓ અને અધિકારીઓ ટાઉન પ્લાનિંગ એટલે કે નગર-રચનામાંથી સોનું બનાવે છે”
0 comments:
Post a Comment