૨૯. રાહતની ચાહત
કેબીનેટ બેઠકમાં પ્રવેશ
મને કુટિર ઉદ્યોગ સચિવ તરીકે કમિટી ઓફ સેક્રેટરીઝમાં જવાનો મોકો રહેતો પરંતુ કેબિનેટ બેઠકમાં મર્યાદિત અધિકારીઓ જતાં. પરંતુ ખાદી બોર્ડના સચિવ ઉપરાંત રાહત કમિશનરનો વધારાનો હવાલો મળતાં અને ચોમાસાની ઋતુ હતી તેથી રાહત કમિશ્નરની હાજરી કેબિનેટની બેઠકમાં ફરજિયાત હોવાથી કેબિનેટમા જવાનો મોકો મળ્યો.
મેં પહેલી બેઠકમાં હાજરી આપી. અમારા મહેસૂલ વિભાગના અગ્ર સચિવ જગદીશ પાંડીયને મારો પરિચય કરાવ્યો અને પોતે દર અઠવાડિયે હવામાન ખાતાની આગાહી અને વરસાદની સ્થિતિ વિશે જે માહિતી આપતા હતા તે ટૂંકમાં વાંચી સંભળાવી. મેં તે બેઠકમાં અવલોકન કર્યું. અમારા તરફ અધિકારીઓનું અને સામેની તરફ મંત્રીમંડળનું અને મારું સ્થાન કેમ ગોઠવાશે તે વિચારી જોયું. હવે પછીના બુધવારથી મારે બોલવાનું છે.
હું કચેરીમાં બેઠો. બ્લોક નં.૨ના ભોંયતળિયે ભંડારમાં એક ચેમ્બર રાહત કમિશ્નરની અને તેની મદદમાં એક નાયબ કલેક્ટર, એક મામલતદાર, બે નાયબ મામલતદાર, બે-ત્રણ ક્લાર્ક. અધિકારી કર્મચારીઓ જે ક્ષેત્રીય કચેરીમાં ન ચાલ્યા હોય અથવા ગાંધીનગર માંગીને આવ્યા હોય. કોમ્પ્યુટર કે અદ્યતન ટેકનોલોજીથી ઓછા માહિતગાર પરંતુ સોલર ફોન કે બીજા સાધન સરંજામ ક્યાં પડ્યા છે તેની ખબર. પૂર આવે તો તરવૈયાની યાદી હોય અને અછત આવે તો રાહત મેન્યુઅલ મુજબ સૂચનાઓ તૈયાર હોય. સ્ટિરીયો ટાઈપનું કંટાળાજનક કામ એટલે તેમના તન અને મનમાં ઉત્સાહનો અભાવ વર્તાય. મારે હવે નવો પ્રાણ પૂરવાનો હતો.
મેં એક નજર મુખ્યમંત્રી, મંત્રીઓ, સચિવોને જતાં દૈનિક વરસાદી પત્રક પર નજર કરી. Abcd ક્રમમાં જિલ્લાના નામ અને છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ અને તે તારીખ સુધીના કુલ વરસાદના આંકડા. ક્યાં શું વાંચવું, પત્રકનો શું ઉપયોગ કરવો ખબર ન પડે. જે તે વાંચનાર પોતાના જિલ્લા તાલુકા પર નજર કરી બાજુમાં મૂકી દે.
મેં પત્રકનું સ્વરૂપ બદલી નાખ્યું. રાજ્યમા વરસાદની વિષમતા. વલસાડ ૩૦૦૦ મીમી વરસતું હોત ત્યાં કચ્છ માત્ર ૩૦૦ મીમી. મેં રાજ્યને વરસાદની સરેરાશ જોઈ પાંચ ઝોનમાં વહેંચી નાંખ્યોઃ કચ્છ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત. પત્રકમાં ગત વર્ષના વરસાદની અને જે તે તાલુકા-જિલ્લા-ઝોનના સરેરાશ વરસાદના આંકડા જોડ્યા અને એક જીવતું પત્રક રજૂ કરી દીધું.
અમારું એ પત્રક પ્રેસને ઉપલબ્ધ થતાં તેમની રીપોર્ટિંગ અને સમાચારોની ગુણવત્તા સુધારી અને વાચકોને પણ માહિતીમાં રસ આવવા લાગ્યો.
દર મંગળવારે અમે અગત્યના વિભાગોના સચિવો, HoDsની મીટીંગ કરતાં અને રાહત, બચાવ કાર્યો માટે એલર્ટ રહેતાં અને રાજ્યની અમારા વિષયની માહિતીથી અદ્યતન રહેતા.
બુધવારની બપોર
હવે આવ્યો મારો બુધવાર. મેં સરસ્વતી દેવીને સંભાર્યા અને હાથમાં વાંચવાના કાગળ વિના કેબીનેટ ખંડમાં પ્રવેશ કર્યો. જેવો નિયમિત એજન્ડા પૂરો થયો જે માત્ર કેટલીક મિનિટ ચાલતો મારો વારો આવ્યો.
મેં ૧૫ મિનિટ સમગ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિ, હવામાન ખાતાની આગાહી, ડેમોમાં પાણીની ઉપલબ્ધિ, ખેતીવાડી વાવેતરની વાત કરી અટક્યો ત્યારે મુખ્યમંત્રી બોલ્યા “આજ કા બુલેટીન યહાં સમાપ્ત હુઆ”. તેમણે મારા રજૂ કરેલા વરસાદી પત્રકની નોંધ લઈ રજૂઆતના વખાણ કર્યા.
બસ પછી જોઈએ શું?
મેં નારદ સંહિતાનો અભ્યાસ ચાલુ કર્યો. જેટલા વર્ષોના મળ્યા તે વરસાદી આંકડાઓનું વિશ્લેષણ કર્યું. જ્યોતિષ આધારિત ગ્રહો નક્ષત્રોમી ગણતરી કરી અંદાજો બાંધી હવામાન ખાતાની સાથે મારા વરસાદી અનુમાનો ગુજરાતી ભાષાના વાઘા પહેરાવી રજૂ કરવાનું શરૂ કર્યું અને કેબિનેટની એ બેઠકો પછી મારી વાર્તા સાંભળવા આતુર બનતી કરી દીધી.
વરસાદી સીઝનમાં વીજળી પડે, પૂર આવે એટલે માનવહાની, પશુહાની થાય, લોકોને ખસેડવા પડે, તેમને માટે રાહતની વ્યવસ્થા કરવી પડે, તંત્રને સજાગ રાખવું પડે, NDRF અને બીજી કેન્દ્રીય સંસ્થાઓ સાથે સંકલન રાખવું પડે અને અગમચેતીના પગલાં રૂપે આપત્તિ આવે કે પહેલાં તેના નુકસાનને નિવારવા કે ઘટાડવાની તૈયારી રાખવી પડે.
સાવ નિરસ અને નિષ્ક્રિય લાગતી રાહત કમિશ્નરની જગ્યા હવે રોમાંચક થઈ ગઈ હતી અને બુધવારની સભામાં ભારે વખણાઈ.
મોબાઇલ ગવર્નન્સ તો હું એસટીમાં કરી ચૂક્યો હતો અહીં તેની ઝડપ અને વ્યાપ વધી ગયો. પછીથી મારી નિયમિત નિમણૂક રાહત કમિશ્નર તરીકે થતાં નવેમ્બર ૨૦૧૧માં મેં ખાદી બોર્ડ છોડ્યું.
૨૦૧૨ની અછત રાહત
૨૦૧૨ ચૂંટણીનું વર્ષ અને જૂન જુલાઈ કોરાં જેવા ગયા. અને સપ્ટેમ્બરની આશ લગાવીને બેઠા અને આશ ફળી. સપ્ટેમ્બર વરસ્યો તેથી પીવાના પાણીની રાહત થઈ પરંતુ પાક નિષ્ફળ ગયો હતો.
કેન્દ્રીય મંત્રી શરદ પવાર અને જયરામ રમેશ સહિત અધિકારીઓ સહિતની સેન્ટ્રલ ટીમ ગુજરાત આવી.
અમારે હું, બાવો અને મંગળદાસનો ઘાટ.
અંગ્રેજી કોઈને આવડે નહીં અને મેમોરેન્ડમ કેમ બનાવવું ગતાગમ નહી. સ્ટાફ સતત બદલાતો રહે તેથી જૂની કોઈ કોપી મળે નહીં. વિભાગો પાસેથી માહિતી એકઠી કરી.
હું જાતે કોમ્પ્યુટર પર બેઠો, આંકડા પત્રકોનું વિશ્લેષણ કર્યુ અને ભારત સરકાર પાસેથી માંગણીનું મેમોરેન્ડમ બનાવ્યું. તેનું સેન્ટ્રલ ટીમ સમક્ષ મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રીઓની હાજરીમાં પ્રેઝન્ટેશન કર્યું અને ક્રેડિટ પોઈન્ટ મેળવ્યા.
અમે પછીથી State Emergency Operation Centreનું બિલ્ડિંગ તૈયાર થતાં તેને સક્રિય કર્યું. આજે રાહત કમિશ્નર કચેરીના પત્રકો, અહેવાલો, સંચાલન વ્યવસ્થા, દસકા ઉપરાંતથી મારી ધરોહર બનીને ચાલી રહી છે.
સેન્ટ્રલ ટીમની મુલાકાત પછી એક દિવસ મુખ્યમંત્રીના સચિવ કૈલાસનાથને મને બોલાવી કહ્યું કે મુખ્યમંત્રીએ તમને sorry કહ્યું છે અને જણાવ્યું છે કે તેમનાંથી પૂનમચંદને અન્યાય થઈ ગયો. મારે જે જગ્યા જોઈએ તે આપવા સામેથી કહ્યું છે.
નેકી ઔર પૂછપૂછ. હું ત્યારે રાહત કમિશનર અને અગ્ર સચિવ (આપત્તિ વ્યવસ્થાપન)ના પદ પર હતો. મેં કહ્યું આપવું જ હોય તો મારું હાલનું પોસ્ટિંગ મહેસૂલ વિભાગમાં હોઈ મહેસૂલ વિભાગ આપો જેથી રાહતની કામગીરી ચાલુ રહે અને મહેસૂલી તંત્રના સુધારા તરફ હું કામ કરી શકું.
પરંતુ કૈલાસનાથન એમ કોઠું આપે ખરાં?
પંચાયત અધિક મુખ્ય સચિવ આર.એમ. પટેલ સાહેબ નિવૃત્તિ નજીક હતા. ગરીબ કલ્યાણ મેળાના આયોજનથી તેઓ ગુડબુકમાં હતા અને સપ્ટેમ્બર ૨૦૧૨માં સરદાર આવાસ યોજનાના ચાર લાખથી વધારે નવા લાભાર્થીઓને DBTથી પહેલો એડવાન્સ હપ્તો ચૂકવી રહ્યા હતા. સત્તાપક્ષે વિધાનસભાની ડિસેમ્બર ૨૦૧૨ની ચૂંટણીમાં અસારવા મતવિસ્તારના ધારાસભાના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરી. તેમણે નિવૃત્તિના બે મહિના પહેલાં VRS લીધું અને સરકારે મને પંચાયત ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનો વધારાનો હવાલો રાહત કમિશનરની જગ્યા ઉપરાંત આપી દીધો.
મને થયું ચાલો, મુખ્ય પ્રવાહમાં આવ્યા તે વધારે મહત્વનું છે. ત્રણ જિલ્લામાં લગભગ પાંચ વર્ષ જેટલો સમય જિલ્લા વિકાસ અધિકારી રહેલો તેથી પંચાયતી રાજથી મારો પનારો એમ ઝટ છૂટવાનો ન હતો. પછી ૧ મે ૨૦૧૩થી પોસ્ટિંગ અરસપરસ ફેરવી અગ્ર સચિવ પંચાયત ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણની નિયમિત નિમણૂક અને રાહત કમિશનરનો હવાલો વધારાનો કર્યો.
કેદારનાથ આપત્તિ વ્યવસ્થાપન
તે વર્ષે કેદારનાથ આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીએ મને જાણીતો કર્યો. જૂન ૨૦૧૩માં કેદારનાથની પહાડીઓમાં સતત અઠવાડિયાથી વરસતા વરસાદ વચ્ચે યાત્રાળુઓ દર્શનાર્થે આગળ વધી રહ્યાં હતાં ત્યાં મંદિર ઉપરની એક પહાડી પરનું ચારાબારી તળાવ સવારે તૂટ્યું અને જાણે પાણીનો ધોધ પડતો હોય તેમ લાખો ગેલન પાણીનો એ પ્રવાહ બિલ્ડિંગો તોડતો હજારો (૬૦૫૪) માણસોને તબાહ કરી ગયો.
એ ધોધ પ્રવાહ પડ્યો તો હતો ૪૦ મિનિટ. ડૂબ્યા તે તો મર્યા ઉપરાંત મોતની બીકે જે પહાડોમાં જંગલના રસ્તે ભાગ્યા તેવા લોકો પણ ઠંડી અને ઓક્સિજનના અભાવે પહાડોના ઝાડોમાં દોડી મરણ શરણ થયાં.
બાકી જે બચ્યા તેવા ત્રણ લાખ જેટલા યાત્રાળુઓ ત્રણ ધામોના (કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી) પર્વતોમાં ફસાયેલા હતા તેમને સુરક્ષિત બહાર કાઢી વતન પરત લાવવાની જરૂરિયાત ઊભી થઈ.
ગુજરાત સરકારે મને ટીમ લીડર બનાવી બીજા IAS-GAS અધિકારીઓ અને ડોક્ટર્સ-નર્સની ટીમ બનાવી ગુજરાતી યાત્રાળુઓને રેસ્ક્યુ કરી ગુજરાત લાવવા રવાના કર્યો.
મુખ્યમંત્રીએ જાતે રસ લઈ શાંતિકુંજ હરિદ્વારમાં ડો. પ્રણવ પંડ્યાને કહી અમારી પ્રાથમિક વ્યવસ્થા કરાવી. બસ પછી જોઈએ શું?
અમે જઈ તરત જ હેલ્પલાઈન નંબરો લઈ તેની જાહેરાત ચાલુ કરી દીધી અને જેની જ્યાંથી માહિતી મળે તે ઈસમોને રેસ્ક્યુ કરવા આર્મી, એરફોર્સ, પારા મીલીટરી, ઉત્તરાખંડ પ્રશાસન, વગેરે સાથે સંકલન કરી ગુજરાતી પ્રવાસીઓને સલામત સ્થળે લાવવા લાગ્યા.
યુનિફોર્મ ફોર્સ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી એક લાખથી વધુ યાત્રિકોને બચાવી બહાર લઈ આવ્યા. ઉત્તરાખંડ પ્રશાસનમાં મુખ્ય સચિવ સુભાષ કુમાર. ભલા અને શાંત તેથી અધિકારીઓ ઓછુ સાંભળે. આમેય તે સંવર્ગ નાનો તેથી જે બોલે તેના જ બોર વેચાય.
બીજા દિવસે મુખ્યમંત્રીશ્રીએ મારી સાથે ફોન ચર્ચા કરી વ્યવસ્થાની પૂરી માહિતી પછી જાતે કેદારનાથ આવવા નિર્ણય લીધો. તેઓ આવ્યા એટલે તંત્ર વધુ સક્રિય બન્યું. ત્યાંના ટીવીમાં ગુજરાત ટીમના વખાણ થતાં તેથી રાજ્ય પ્રશાસને મુખ્યમંત્રીની મુલાકાતને વધારે ગંભીરતાથી લીધી.
મુખ્યમંત્રીએ દેહરાદૂન હવાઈ અડ્ડે ઉતરી મારી પાસેથી બ્રીફિંગ લઈ પત્રકારોને બાઈટ આપી. મારી તૈયારી અને ગોઠવેલ વ્યવસ્થા તંત્રથી જોઈ થઈ કહે ૨૪ કલાકમાં આટલું ઝડપી બધું ગોઠવી દીધું? ત્યાંથી સરકીટ હાઉસ થઈ અમે કેદારનાથ જવા હેલિકોપ્ટરમાં બેઠા.
એકતરફની બે બેઠકો પર આમનેસામને મુખ્યમંત્રી અને તેમના સચિવ અરવિંદ શર્મા ગોઠવાયા અને બીજી તરફ ઉત્તરાખંડના માજી મુખ્યમંત્રી બી.સી. ખંડૂરી અને હું ગોઠવાયા. જગાના અભાવે માહિતી ખાતાના જગદીશભાઈ ઠક્કર ન બેસી શક્યા તેથી માહિતીનો વીડિયો મારા હાથમાં આવ્યો.
હું મુખ્યમંત્રીથી સામેના ખૂણે બેઠેલો તેથી મુખ્યમંત્રીની છબી તો આવે પરંતુ પાછળનું પહાડો અને નીચેનું દૃશ્ય ઝિલાય નહીં. પરંતુ અરવિંદ વારેવારે વીડિયોનો આગ્રહ કરે તેથી વીડિયોની પેનડ્રાઈવની બધી જગ્યા એમ જ વપરાય ગઈ.
હેલિકોપ્ટરમાં ભારે અવાજ પરંતુ એ અવાજમાં મેં મુખ્યમંત્રીને પૂછયું કે હેલિકોપ્ટરમાં ઉડવું શું પક્ષીઓના અનુભવની નજીક ગણાય? તેમણે કહ્યું કે પેરા ગ્લાઇડિંગમાં વધુ સારો અનુભવ થાય.
અરવિંદ શર્મા અને તે એકબીજાની સામે નજીક બેઠેલા અને વાતો કરે તેથી હું તેમની વચ્ચેના સમન્વયનું અવલોકન કરતો. જાણે બે ભાઈઓ વાતો કરતા હોય તેવું લાગે. અરવિંદ પણ જેવું હેલિકોપ્ટરનો કેપ્ટન જણાવે કે નીચે હનુમાનજીનું દેવસ્થાનક આવ્યુ એટલે બે હાથ જોડી ભક્તિભાવપૂર્વક નમન કરી લે. તેણે રંગ બરાબર પકડી લીધો હતો.
અમારા મુખ્યમંત્રી કેદારનાથ ઉતરે તો બચાવ કાર્યની ટીકા વધે, કે ખરેખર હવામાન ખરાબ હોય, તે દિવસે ખરાબ હવામાનનું બહાનું આગળ કરી સત્તાવાળાઓએ અમારા હેલિકોપ્ટરને કેદારનાથ મંદિર પટાંગણમાં નીચે ઉતરવા મનાઈ કરી.
અમે સોનપ્રયાગ ઉતર્યા. ત્યાં સિંચાઇ ખાતાના એક ગેસ્ટ હાઉસમાં બપોરનું લંચ તૈયાર હતું. બધાં જમ્યા. પાછા હેલિકોપ્ટરમાં બેઠાં અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીના નિવાસે બેઠકનો સમય થઈ રહ્યો હતો એટલે દહેરાદૂન આવી પહોંચ્યાં. ત્યાં ઓ.પી. સિંહ મુખ્યમંત્રીએ બદલવાના કપડાં લઈ તૈયાર ઉભો હતો પરંતુ બેઠકનો સમય થઈ ગયો હોવાથી અમે સીધુ હંકારી દીધું. કોડ્રોયનું પેન્ટ અને આખી બાંયના ટી શર્ટમાં મુખ્યમંત્રીએ એટેન્ટ કરેલી તે એકમાત્ર બેઠક હશે.
ત્યાંના મુખ્યમંત્રી અશોક બહુગુણા જાણે પહેલેથી જ અમારા મુખ્યમંત્રીના સૂચનો પ્રત્યે નકાર લઈને બેઠા હોય તેવું લાગ્યું. અમારા મુખ્યમંત્રીએ કેદારનાથ કેમ્પસને ગુજરાતના ખર્ચે વિકસાવી યાત્રી સુવિધાઓ અને સુરક્ષા વધારવાની કામગીરીની દરખાસ્ત મૂકી તો તરત જ ના કહી દીધી. મુખ્યમંત્રીએ પછી સ્થાનિકે રાહત કેમ્પોની મુલાકાત લઈ ગાંધીનગર પરત આવ્યા.
મુખ્યમંત્રીએ ઉત્તરાખંડ આવી જાતે જાણકારી લીધી હતી તેથી ગાંધીનગર જઈ બચાવ કામગીરી માટે મને ખાનગી વિમાન અને હેલિકોપ્ટર ભાડે લેવાનો બેરર અધિકાર આપી દીધો.
અમે નાનકડી ટેન્ટ હોસ્પિટલ બનાવી અમારી સાથેના મેડિકલ સ્ટાફ થકી સામાન્ય સારવાર આપતાં અને વધુ ઘાયલ હોય કે શ્વાસની કે હ્રદયની કોઈ તકલીફ થઈ હોય તેમને સ્થાનિકે અથવા જરૂર જણાય તો વિમાન દ્વારા અમદાવાદ હોસ્પિટલ મોકલવાની વ્યવસ્થા કરતા. મૃતકોના શબ તેમના સગાઓને સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરી. ખાનગી વિમાનો ભાડે રાખવાના અધિકારનો અમે વાજબી ઉપયોગ કર્યો.
અમે કેદારનાથ બચાવ અને રાહતની કામગીરી પતાવી ગુજરાત આવ્યાં. ગુજરાતી પ્રજાએ એ આપત્તિમાં સરકાર દ્વારા તેમના સગા સંબંધીઓની સંભાળ લેવાની કામગીરીની સરાહના કરી. મેં કેબિનેટ બેઠકમાં પ્રેઝન્ટેશન કર્યું ત્યારે આપત્તિના વિશ્લેષણની મારી માહિતી માટે મને અભિનંદન મળ્યા.
અમારા મુખ્યમંત્રીની લોકપ્રિયતા અને તેમના નીડર સ્વભાવની બે વાતો નોંધવી રહી. ત્યાં દેહરાદૂન હેલિકોપ્ટરમાં બેસતાં પહેલાં તેઓ નાનકડાં એક વેઈટિંગ રૂમમાં બેઠાં હતાં ત્યારે તેમની તસવીરો લેવા પત્રકારો પડાપડી કરતા. સરકીટ હાઉસમાં સવારે કોઈ એક જાજરમાન મહિલા નેતા તેમને મળવા આવ્યા અને તેમની સુરક્ષાનું વધુ ધ્યાન આપવા કહ્યું અમારા મુખ્યમંત્રીએ જવાબ આપ્યો હતો કે ‘ડર’ નામનો શબ્દ તેમની ડિક્શનરીમાં નથી. તેઓએ આગળનાં વર્ષોમાં નિર્ભય થઈ ગુજરાતનું રાજ ચલાવ્યું અને પછી દેશનું રાજ ચલાવી તે પૂરવાર કર્યું.
મીડિયા સંવેદનશીલતા
રાહત કમિશ્નરની કામગીરીએ મને તંત્રની મીડીયા પ્રત્યે સેન્સીટીવીટીને વધુ સમજાવી. અમારે કંટ્રોલ રૂમમાં ૨૪x૭ સ્ટાફ રહેતો તેથી ટીવી સતત ચાલુ રાખીને ટીવી પર આવતા સમાચારો જોવાનું અને જ્યાં કુદરતી કે માનવસર્જિત આપત્તિની વાત આવે તો જિલ્લા વહીવટી તંત્રને સજાગ કરી વહીવટને રીસ્પોન્સીવ બનાવવાનું કરતાં.
અમે જો બેધ્યાન રહીએ તો મુખ્યમંત્રી સાહેબ સજાગ બેઠા હતા.
જીવનની આદત એવી પડી ગઈ હતી કે વહેલી સવાર હોય કે મોડી રાત, મોબાઇલના મેસેજ જોઈ જવાના અને ટીવી-૯ ચાલુ કરી સમાચારોની હેડલાઇન્સ સાંભળી લેવાની. ટીવી સમાચારો અમને અમારું સરકારી તંત્ર માહિતી આપે તે પહેલાં ઘટનાની જાણ ઉપરાંત સ્થાનિક માહિતીનો ચિતાર આપતું હોવાથી વધુ ઉપયોગી થઈ પડતું.
ઓગસ્ટની એક પરોઢ
ઓગસ્ટ ૨૦૧૩માં એક વહેલી પરોઢે હું ઉઠ્યો. બહાર હજી અંધારું. રોજની આદત મુજબ ટીવી ચાલુ કર્યું તો ભારે વરસાદને કારણે વડોદરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં બે બ્લોક ધરાશાયી થયાના અને માનવહાનિના સમાચાર હતા. મેં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને જગાડી આપત્તિ વ્યવસ્થાપનના કામે લગાડ્યા.
ગુજરાત હાઉસિંગ બોર્ડ નામ આવે એટલે તેના બાંધકામ અંગે સરકાર ચિત્રમાં આવે એમ સમજી મેં તરત જ મુખ્યમંત્રી નિવાસે ફોન કર્યો.
મારા આશ્ચર્ય વચ્ચે મુખ્યમંત્રી લાઈન પર આવ્યા તેમણે વિગતો જાણી અને હજી ફરી સવારે ૮ કલાકે સ્થિતિની વિશેષ માહિતી લઉં ત્યાં સુધીમાં તો ગુજરાત સરકારના મંત્રી કોલોનીમાં પહોંચી સ્થળ નિરીક્ષણ કરી રહ્યા હતા. આટલું તેજ રીસ્પોન્સીવ તંત્ર કોણ આપી શકે?
રાહતમાંથી મુક્તિ
ગુજરાતમાં તે વર્ષે સારો વરસાદ થયો. પૂરની પરિસ્થિતિમાં એક દિવસે મુખ્યમંત્રી બહાર હતા. સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સંકલન કરી અમે લોકોને સલામત સ્થળે ખસેડી, રાહત કેમ્પની વ્યવસ્થા થાય અને જાનમાલની હાનિ ટળે તેવી વ્યવસ્થા સંચાલનમાં સફળ રહ્યા. મુખ્યમંત્રીએ આવી લીધેલી સમીક્ષા બેઠકમાં અમારી કામગીરીની સરાહના કરી પરંતુ GSDMAના CEOને ઠપકો મળ્યો.
તે વર્ષે ફેબ્રુઆરી ૨૦૧૩માં મારે ઘેર નાના પુત્ર ધવલના લગ્ન લેવાયા. તેના રીસેપ્શનમાં મુખ્યમંત્રી મોદી સાહેબે પધારી પ્રસંગની શોભા વધારી. તે લગ્નમાં માજી મુખ્યમંત્રીનો સુરેશ મહેતા અને શંકરસિંહ વાઘેલા આવ્યા અને ધણા મંત્રીઓ પણ.
પછીથી મારે પંચાયત ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનો સ્વતંત્ર હવાલો હોઈ તથા ગરીબ કલ્યાણ મેળાઓ ઉપર ધ્યાન આપવાનું હોઈ રાહત કમિશ્નરની વધારાની કામગીરીમાંથી સરકારે મને ૨૦૧૪માં મુક્ત કર્યો.
One man army તરીકે મારો વિકાસ કરવા રાહત કમિશ્નર અને અગ્ર સચિવ (આપત્તિ વ્યવસ્થાપન)ના લગભગ ત્રણેક વર્ષના એ કામે મને તક આપી. અમારા મિત્ર પંકજકુમાર કહેતા કે રાહત કમિશ્નર જેવી સાઈડ પોસ્ટને આટલી ચમકમાં લાવવાનું કોઈ તમારી પાસેથી શીખે. તેમણે કોવીડ વખતે મહેસૂલ સચિવ તરીકે આ ખુરશીનો એટલો સરસ ઉપયોગ કર્યો કે જે તેમને મુખ્ય સચિવની ખુરશી સુધી દોરી ગઈ.
૭ ઓક્ટોબર ૨૦૨૫
0 comments:
Post a Comment