આરોગ્ય વિભાગનું આરોગ્ય (૩૩)
શહેરી વિકાસ છોડી સરકારના આદેશથી મેં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો. મારા આરોગ્ય મંત્રી તરીકે ફરી પાછા નીતિનભાઈ પટેલ. તેમને જ્યારે તેઓ ૩૮ વર્ષના હતાં ત્યારે મુખ્યમંત્રી કેશુભાઈએ આરોગ્ય મંત્રી બનાવેલા ત્યારે હું વિભાગમાં નાયબ સચિવ હતો. મારે અને તેમને આરોગ્ય વિભાગ લમણે લખાયેલું તેથી મારે ત્રીજીવાર આ વિભાગમાં આવવું પડ્યું. જો કે પહેલી બે વારમાં તે વખતના અધિક મુખ્ય સચિવોની મુન્સફી પર મર્યાદિત વિેષયો પર કામ મળ્યું હતુ પરંતુ હવે તો અધિક મુખ્ય સચિવ તરીકે મને જ સમગ્ર વિભાગ મળી ગયો.
અમારે પ્રથમ છ મહિના રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી શંકરભાઈ ચૌધરી સાથે કામ કરવાનું થયું. તેઓ એક શિસ્તવાળા નેતા. ચર્ચા માટે જઈએ તો ધ્યાનથી વાત સાંભળે અને જેટલું જરૂર હોય તેટલું જ બોલે. તેમણે જાણે મોદી સાહેબના વ્યક્તિત્વનું અનુકરણ કર્યુ હોય તેવું જણાય. નાની ઉંમરે તેમણે રાજકીય પરિપક્વતા મેળવી લીધી હતી.
અમારે કેબિનેટ અને સચિવોની બેઠક વર્ષોની પ્રથા મુજબ દર બુધવારે સવારે મળતી. બે હોલ પૈકી એકમાં અધિકારીઓની બેઠક ચાલે અને બીજીમાં કેબિનેટ. પછી કેબિનેટમાંથી કહેણ આવે એટલે અધિકારીઓ કેબિનેટ સાથેની બેઠકમાં જોડાય. સચિવોની પોતાની બેઠક એક દોઢ કલાક ચાલે અને કેબિનેટ સાથેની અધિકારીઓની બેઠક કામની જરૂરિયાત જેટલી. મને સમગ્ર કારકિર્દી દરમ્યાન ૭૫૦થી વધુ એ બેઠકોમાં હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. કદાચ એ કીર્તિમાન હશે.
ઓગસ્ટ ૨૦૧૬માં મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ એકસાથે નવા આવતા તે બંને વચ્ચે તાલમેલ સારો. મુખ્ય સચિવે જુદા જુદા વિભાગોની મહત્વની કામગીરીની નોંધ બનાવી તે માહિતી કેબિનેટમાં વાંચવાનું શરૂ કરતા હાજર સૌને રાજ્યની એકત્રિત માહિતી મળતાં રસ પડવા લાગ્યો અને તે કારણે કેબીનેટની બેઠકોમાં અધિકારીઓની હાજરીનો સમય લંબાયો.
તે વર્ષે ડિસેમ્બર ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી ભારેરસાકસીપૂર્ણ રહી. પાટીદાર અનામત આંદોલન પછી EWS અનામત આવી છતાં તેના ઓછાયા ચાલુ હતા. લોકપ્રિય નેતાઓની લોકપ્રિયતાની કસોટીએ ચડી. સત્તા પક્ષ જીત્યો પરંતુ ડબલ ડીજીટ (૯૯)માં રહ્યો અને વિરોધ પક્ષ જેને ૨૨ વર્ષનો વનવાસ છોડી પાછા આવવાની એક તકનું વાતાવરણ હતું તેનો લાભ તે બીજા તબક્કાની ચૂંટણીમાં ન લઈ શક્યો.
ચૂંટણીઓ પછી નવા મંત્રીમંડળની રચના થઈ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી યથાવત રહ્યા. હવે મંત્રીમંડળની ખાતા વહેંચણીની વાટ જોવાતી હતી. તે દિવસે કેબિનેટ અને સચિવોની બેઠક સાંજે પાંચ વાગે થઈ. સચિવોનો બેઠક નિયત એજન્ડા મુજબ દોઢેક કલાકમાં પૂરી થાય અને કેબિનેટમાંથી કહેણ આવતું. પરંતુ તે સાંજે હજી બાજુના હોલમાંથી સચિવોને બોલાવવાની સૂચના નહોતી આવતી. ચા-નાસ્તો પત્યો હવે તો ડીનરનો વખત થયો. મંત્રીઓ વચ્ચે ખાતા વહેંચણી કે બીજી કોઈ બાબતે ક્યાંક કશુંક ગૂંચવાયેલું હતું. છેવટે વિભાગો વહેંચાયા. શહેરી વિકાસ વિભાગ મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખ્યો અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને નાણાં, માર્ગ અને મકાન અને આરોગ્ય પરિવાર કલ્યાણ વગેરે વિભાગો મળ્યા. મારે વળી પાછો નીતિનભાઈ પટેલ સાથે પનારો પડ્યો.
એકવાર અમારે વાત નીકળી કે પૂર્વ મુખ્યમંત્રી મોદી સાહેબના કાર્યાલયમાં જેણે કામ કર્યું તેમને સારા પદ, પ્રતિષ્ઠા મળ્યા અને નિવૃત્તિ પછી પણ ચાલ્યા. જેમ કે ડો. પી. કે. મિશ્રા, હસમુખ અઢિયા, કૈલાસનાથન, અનિલ મુકીમ, પંકજ કુમાર, અરવિંદ શર્મા, ગિરીશ મૂર્મૂ વગેરે. કોઈક તો મોદી સાહેબ સાથે રજત જયંતી ઉજવી રહ્યા હશે. નીતિનભાઈ કહે નોકરીમાં કોઈ રાજપુરૂષનો સંગ મળી જાય તો બહુ ફળે. મેં હસતા હસતા કહ્યુ કે મારે પણ એક રાજપુરૂષનો સંગ લમણે લખાયો છે પરંતુ ના એમનો સિક્કો ઉછળે કે ના મારો. એ દિવસે નીતિનભાઈ જે હસ્યા એવું ક્યારેય નહીં હસ્યા હોય. ફાઈલો પરની તેમની બુદ્ધિ પ્રતિભાને કોઈ પહોંચી ન શકે. ફાઈલનું થોથુ પડ્યુ હોય તેના પર નજર મારતા જ તેની હકીકત સમજતા અને તે પાછળના ઈરાદાને વાંચતા તેમને વાર ન લાગે. ફાઈલો ખડકાય પરંતુ જાતે વાંચ્યા વિના તેઓ ક્યારેય સહી ન કરે. તેમને ઉત્તર ગુજરાતની જીભ. તેથી બોલવાનો કારણે સંબંધો સાચવવામાં અગવડ રહે. પરંતુ મંત્રીની ખુરશી પરથી અને વિધાનસભાના ફ્લોર પર તેમણે સરકારની અને તેમના પક્ષની ઘણી સેવા કરી.
પ્રાથમિક આરોગ્યના વિષયો કમિશ્નર આરોગ્યને હોદ્દાની રૂએ અગ્રસચિવ તરીકે મળેલા હોઈ મારું કામ અધિક મુખ્ય સચિવ તરીકે તબીબી સેવીઓ, તબીબી શિક્ષણ, આયુષ, ખોરાક અને ઔષધ નિયમન, PIU, GMERS, GMSCL વગેરેના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. જિલ્લાઓની હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલો, મેડિકલ અને નર્સિંગ કોલેજો, સિવિલ સર્જનો, તબીબી નિષ્ણાતો, ડોકટર્સ, સામુહિક આરોગ્ય કેન્દ્રોના સુપ્રિન્ટેન્ડન્ટસ, પારા મેડીકલ સ્ટાફ, એક મહામોટી ફોજ હતી. સરકારી ૬ કોલેજોના સંચાલન ઉપરાંત GMERS ના ચેરમેન તરીકે તેની ૮ કોલેજોના સંચાલન વ્યવસ્થાનો હુ વડો હતો. GMSCLના ચેરમેન તરીકે મારે રાજ્યની હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને સાધનો સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવાનું હતું. PIUના વડા તરીકે અમારી પાસેની ચીફ એન્જિનિયર, સુપરિન્ટેન્ડેન્ટ એન્જીનિયર્સ, નાયબ ઈજનેરો વગેરેની સીવીલ, ઈલેક્ટ્રિકલ મિકેનિકલ વીંગના તાંત્રિક અધિકારીઓનો ઉપયોગ કરી નવા હોસ્પિટલ કોલેજ કેમ્પસ ઉભા કરવા, ચાલુ બાંધકામો પૂરા કરાવવા અને હયાતને જાળવણી રીપેરીંગ કરાવવાની કામગીરી લેવાની હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું કમિશનર સાથેનું સમગ્ર રાજ્યનું તંત્ર, આયુર્વેદ નિયામકથી લઈ તેની હોસ્પિટલો અને દવાખાનાઓ અને તેના વૈદ્યો, મેડીસીનલ પ્લાન્ટ બોર્ડ અને હોમિયોપેથિ સેવાના હોમિયોપેથિસ્ટ્સ હતા.યુએન મહેતા કાર્ડિયોલોજી ઈન્સ્ટિટ્યુટ અને ઈન્સ્ટિટ્યુટ ઓફ કીડની ડીસીઝ અને રીચર્સ સેન્ટર (કીડની હોસ્પિટલ)ના ગવર્નિંગ બોર્ડના ચેરમેન તરીકે તેને દિશા આપવાની હતી. ગુજરાત કેન્સર રીચર્સ ઈન્સ્ટિટ્યુટ (કેન્સર હોસ્પિટલ)ના ગવર્નિંગ બોર્ડના સભ્ય તરીકે સંચાલન વ્યવસ્થા સુધારણા ઉપરાંત રાજ્યના અધિક મુખ્ય સચિવ તરીકે મારે તેના નવા બિલ્ડિંગો પૂરા કરાવી લોકાર્પણ કરાવવાના હતા. પથારો મોટો હતો અને તંત્ર પણ મોટું.
અમે આરોગ્ય વિભાગનું આરોગ્ય સુધારવાનું કામ શરૂ કર્યુ. સરકારી હોસ્પિટલો, દવાખાના, આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરોની ઘટ એક કાયમી પ્રશ્ન રહેતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ ડોક્ટર ન મળે અને સામુહિક આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં નિષ્ણાત તબીબો ન મળે તો આરોગ્ય અને તબીબી સેવાઓ પર અસર પડે. સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં નિષ્ણાતોની ઘટ તો ૮૦ ટકા નજીક હશે. જે હોસ્પિટલો કોલેજ સાથે જોડાયેલી તેમાં કોલેજ ફેકલ્ટી અને રેસિડેન્ટ્સ ડોક્ટર્સને કારણે તબીબી સેવાઓ જળવાઈ રહેતી. ગુજરાત સરકારે મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજના અને ભારત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય (PMJAY) યોજનાથી ઓછી વાર્ષિક આવક ધરાવતા કુટુંબોને સરકારી ખર્ચે ખાનગી હોસ્પિટલમાં આરોગ્ય સારવારના દરવાજા ખોલ્યા તેથી સરકારી તંત્રમાં ડોક્ટર્સની તંગીની સમસ્યા વધવાની શક્યતા ઉભી થઈ. કૂવામાં હોય તો હવાડામાં આવે. દેશ સમગ્રમાં વસ્તીના ધોરણો મુજબ ૧૦૦૦ની વસ્તી સામે એક ડોક્ટરને બદલે કદાચ અડધો ડોક્ટર ઉપલબ્ધ હશે. તેથી ડોક્ટરની અછત દૂર કરવા તેનો પુરવઠો વધારવો એ નક્કર ઉકેલ હતો. બજાર ક્યાં સુધી સરકારી હોસ્પિટલોમાં તૈયાર થયેલા તબીબો આંચકી જવાનું? ક્યારેક તો સેવાનો સંદેશ જીતવાનો.
ગુજરાત સરકારની નવી મેડિકલ કોલેજ ખોલવા બ્રાઉન ફિલ્ડ અને ગ્રીન ફિલ્ડ નીતિ અમલમાં. બ્રાઉન ફિલ્ડ નીતિમાં સરકારની હયાત હોસ્પિટલ કેમ્પસનો ઉપયોગ કરી નવી મેડિકલ કોલેજ કમ હોસ્પિટલ સ્થાપવાની. ગ્રીન ફિલ્ડ નીતિમાં સાહસિક સંસ્થાએ બધું પોતાનું ઉભુ કરવાનું. ગ્રીન ફિલ્ડમાં વિદ્યાર્થી બેઠક દીઠ સરકારી સહાય ગ્રાન્ટ બ્રાઉન કરતાં બમણી મળે. અમે નવી કોલેજો મંજૂર કરવાનું શરૂ કર્યું. પરિણામે દાહોદ, પાલનપુર, અમરેલી, ભરૂચ, નડિયાદ, વિસનગર, વગેરે નવી મેડિકલ કોલેજો ખુલી અને ગોધરા, નવસારી, પોરબંદર, મોડાસા વગેરે સ્થાપિત કરવા સંસ્થાઓએ તૈયારીઓ શરૂ કરી.
દાહોદ જિલ્લો બન્યો પરંતુ તેની જૂની કોટેજ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ બની તેથી તબીબી સુવિધાઓ કંઈ બહુ વધી ન હતી. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ અને પેરામેડિકલ મળી ૧૦૦-૧૨૦નો સ્ટાફ. તેથી અહીં ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓને નફો વધુ. વળી મોટી સારવાર માટે તો વડોદરા લાંબુ થવું પડે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓને સારવાર મળે. તેથી મેડિકલ કોલેજ કમ હોસ્પિટલ માટે આદર્શ સ્થાન. વળી હજી થોડા મહિનાઓ પહેલાં મેં તેને smart city મંજૂર કરાવી લાવ્યો હતો. Zydus સંસ્થા આગળ આવી. અમારી પાસે આયુર્વેદિક હોસ્પિટલ તરીકે બનીને તૈયાર થયેલું એકમ બિનવપરાશી હાલતમાં પડ્યું પડ્યું ખરાબ થઈ રહ્યું હતું. જૂની કોટેજ અને તે કેમ્પસ મળી નવી મેડિકલ કોલેજ માટે વ્યવસ્થા તૈયાર હતી. સંસ્થા આયુર્વેદના કેમ્પસ બાંધકામનો બજાર ભાવે ખર્ચ આપવા તૈયાર થઈ. જમીન તો અમારે બ્રાઉન ફિલ્ડ સ્કીમમાં ઉપલબ્ધ કરાવવાની થતી હતી. સરકારે સંમતિ આપી એટલે કામ આગળ ચાલ્યું પરંતુ MCI નો અટકાવ આવ્યો એટલે બાબત સુપ્રીમ કોર્ટ સુધી ગઈ અને તેમાં જીતી જતાં દાહોદને મેડીકલ કોલેજ કમ હોસ્પિટલની ભેટ મળી. ત્યાં હવે ૨૦૦ જેટલા તબીબો-નિષ્ણાંતો, સારવારના મોર્ડન સાધનો, અદ્યતન લેબોરેટરી, CT Scan, X-ray, Sonogram વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થતાં તબીબી સેવાઓમાં એક મોટો કૂદકો આવ્યો જેનો લાભ આજે તે વિસ્તારની અને આજુબાજુના રાજ્યોની આદિજાતિ અને બીજી પ્રજાને મળી રહી છે.
નવી મેડિકલ કોલેજો ચાલુ કરવા અને જૂનીની માન્યતા ચાલુ રાખવા એક મોટી અડચણ MCIની હતી તે જાણે ધોરણો સેન્ટિમીટરમાં માપતી. કેન્દ્ર સરકારનું તે તરફ ધ્યાન જતાં સુધારાત્મક પગલાં લેવાયા અને તેની ફરિયાદો ઓછી થઈ. આમેય જો ફેકલ્ટીની ઘટને જોતાં તેમને આમથી તેમ ન ફેરવવામાં આવે તો દેશમાં ઘણી મેડિકલ કોલેજો બંધ થઈ જાય અને દેશમાં વધતી વસ્તી સામે ડોક્ટર્સની મોટી તંગી ઉભી થાય. તે બે સ્થિતિ વચ્ચે એક સમાધાન ખોળ્યા સિવાય કોઈનો છૂટકો ન હતો. પછી આવી EWS અનામત. હયાત મેડિકલ કોલેજોના અન્ય ઉમેદવારોની તકો ઓછી કર્યા સિવાય EWS બેઠકો માટે જગ્યા કરવાથી કોલેજની મંજૂર બેઠકોમાં ૩૩% જેટલો વધારો થયો. નવી કોલેજો અમે ખોલાવી રહ્યા હતા. પરિણામે જ્યારે મેં હવાલો સંભાળ્યો ત્યારે MBBSની બેઠકો ૨૯૦૦ હતી તે બે વર્ષ પછી ચાર્જ છોડ્યો ત્યારે ૫૫૦૦ થઈ ગઈ. PGની બેઠકો ૧૦૦૦થી વધી ૧૯૦૦ થઈ ગઈ.
જો ફીના માળખાની એક બાબત અસંદિગ્ધ રહી. બ્રાઉન ફિલ્ડ માટે બેઠક દીઠ સરકારી ગ્રાંટ વર્ષે ₹૭.૫૦ લાખ અને ગ્રીન ફિલ્ડમાં ₹૧૫ લાખ ગ્રાંટ અપાતી. દરેક કોલેજની સરેરાશ બેઠક ૧૫૦ હોય તેથી વર્ષે બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજને ₹૧૧.૨૫ કરોડ લેખે વિદ્યાર્થી દીઠ પાંચ વર્ષના ₹ ૫૬.૨૫ કરોડ સરકારી ગ્રાંટ મળે. ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજને વાર્ષિક ₹૨૨.૫૦ કરોડ લેખે ₹૧૧૨.૫૦ કરોડ ગ્રાન્ટ મળે. તેમાં વળી EWSને કારણે ૫૦-૫૦ બેઠકો વધતાં ઉપર્યુક્ત ગ્રાન્ટની રકમ અનુક્રમે ₹૭૫ કરોડ (પાંચ વર્ષની) અને ₹૧૫૦ કરોડ થાય. કમિશ્નરના અધ્યક્ષ સ્થાને રચાયેલ ફી નિર્ધારણ સમિતિએ વિભાગના ઠરાવની જોગવાઈ મુજબ કોલેજના આવક અને જાવકના ખર્ચની ગણતરી કરી ફીના દરો સૂચવવાના રહેતા. કોઈ કારણસર તે વર્ષે અધિક મુખ્ય સચિવને બાજુએ રાખી સમિતિની ભલામણો સીધી સરકારને રજૂ કરી ઠરાવ બહાર પડાયો. પછીથી જાણવા મળ્યું કે સંસ્થાને થતી આવકની ગણતરીમાં સરકાર તરફથી વિદ્યાર્થી દીઠ અપાતી ગ્રાન્ટ ધ્યાને લેવાઈ નહોતી. સીધો અર્થ એ થયો કે આ કોલેજોની ફી ખાનગી કોલેજો જેટલી થઈ અને વિદ્યાર્થી દીઠ તેમને મળતી સરકારી ગ્રાન્ટ સંસ્થાના લાભમાં પરિવર્તિત થઈ. સરકાર તરફથી સંસ્થાને વિદ્યાર્થી દીઠ અપાતી ગ્રાન્ટ સંસ્થાની આવક તરીકે ગણવી કે નહીં અને તેનો લાભ વિદ્યાર્થીઓને આપવો કે નહિ તે બાબતે વિભાગે નિર્ણય લેવાનો રહે. જો આવક ગણવામાં આવે તો તે કોલેજોના વિદ્યાર્થીઓની ફી ઘટી જાય. વધુમાં તે કોલેજોમાં જે અનામત વર્ગના ઉમેદવારોની ફી સરકાર ભરે છે તે બોજ સરકાર પર પડતો હોઈ તે પણ ઘટે.
અમારે પ્રધાનમંત્રીના વરદ્ હસ્તે આરોગ્ય સંકુલો લોકાર્પણ કરવાના બે જાહેર કાર્યક્રમો થયા. એક વડનગર ખાતે નવી મેડિકલ કોલેજના લોકાર્પણનો જેની સાથે હિંમતનગર હોસ્પિટલ અને જૂનાગઢ હોસ્પિટલનું લોકાર્પણ જોડી દેવામાં આવ્યું. જૂનાગઢ હોસ્પિટલના લોકાર્પણ પહેલાં તો એક કૌતુક થયું. ચોમાસુ હતું. ભારે વરસાદ પડ્યો અને હોસ્પિટલના ગ્રાઉન્ડ ફલોરમાં અંદરના ભાગે ધાર દદળતી હોય તેવી રીતે પડતા પાણીના વીડિયો સોશિયલ મીડિયામાં વહેતા થયા. છેક PMO સુધી વીડિયો સફર કરી આવ્યો. અમારા વિરોધીઓના ચહેરા ફૂલગુલાબી થયા. મારું માથું ચકરાયું. PIUના ચીફ એન્જિનિયરને તાબડતોબ બોલાવ્યા. પરાગભાઈ આવું તો કેમ બને? હોસ્પિટલ આઠ માળની. એના આઠ ધાબા ચીરી પાણી કેવી રીતે ગ્રાઉન્ડ ફ્લોર પર ધાર બનીને પડે? ટીમો દોડી તો ખબર પડી કે હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પરના પોર્ચની છતમાં પાણી નિકાલના છિદ્રો કોઈએ સાફ નહીં કર્યા હોય એટલે પાણી પાછું પડી બારીમાં થઈ અંદરના ભાગે ધાર બની પડ્યું હતું. છિદ્રોમાંથી જૂના જોડા પ્લાસ્ટિક બધું હટાવ્યું. બિલ્ડિંગને ફરી ઝીણવટથી જોવડાવ્યું અને પ્રધાનમંત્રી દ્વારા તે હોસ્પિટલનું લોકાર્પણ થયું.
અમદાવાદ મેડીસિટી એ પ્રધાનમંત્રીજીનું સ્વપ્ન. બધી સારવાર એક છત નીચે (All medical services under one roof)નો મંત્ર સાકાર કરવા એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ, અસારવા અમદાવાદના કેમ્પસને મેડીસિટીમાં રૂપાંતર કરવાની કામગીરી પ્રગતિમાં હતી. પરંતુ બંધ પડેલ કે મંદ ગતિએ ચાલતા પ્રોજેક્ટોને પૂરા કરવા એક મોટા ધક્કાની જરૂર હતી. મારા જવાથી એ ધક્કો મળી ગયો. મેં અઠવાડિક મોનીટરીંગ શરૂ કર્યું. ૧૨૦૦ બેડની હોસ્પિટલની ફ્રેમ ઉભી કરી ત્રણ ચાર વર્ષથી છોડી દીધેલ મકાનનું કામ પૂરું કરવાનું, ફ્લોરિંગથી લઈ જુદી જુદી સેવાઓ પૂરી પાડતા યુનિટો, OT, લેબ, ગેસ લાઈન્સ, ફર્નિચર, સાધનો, વગેરે ઊભુ કરવાનું કામ હાથ પર લીધુ અને પૂરું કર્યું. મહિલા અને બાળકોની સારવાર માટે ઉભી થયેલી આ ૧૨૦૦ બેડની હોસ્પિટલ તૈયાર થઈ જે કોવિડ સારવારમાં મોટી કામ આવી.
પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણના એ ભવ્ય કાર્યક્રમમાં ૧૨૦૦ બેડ MCH હોસ્પિટલ ઉપરાંત તે કેમ્પસમાં અમે પૂર્ણ કરેલ Eye Hospital, Dental Hospital અને કેન્સર હોસ્પિટલના પૂરા થયેલાં બે બ્લોક A & B લોકાર્પણ કરાયા. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કાર્યક્રમ કરવા અમારી PIUની ટીમોએ રાત દિવસ ખડે પગે રહી તૂટેલા મકાનો ઉતારવા અને તેની હજારો ટન ડેબરી નિકાલ કર્યો. જ્યારે મેદાન તૈયાર થયું ત્યારે એશિયાની એ સૌથી મોટી જાહેર હોસ્પિટલના ચાલુ કેમ્પસમાં અમે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ આયોજિત કર્યો તે બેનમૂન રહ્યો. ત્યાંના વિદ્યાર્થીઓ અને આવેલ લોકોની ઊર્જા એટલી બધી ચાર્જ થઈ ગયેલી કે મોદી મોદીના નારાથી બધું ગૂંજી ઉઠયુ હતું. સ્ટેજ પાછળ પીએમ સલામતી ટીમના વડા મને કહે કે તેમને તે અગાઉ પીએમ કાર્યક્રમમાં આટલી ચાર્જ ઊર્જાવાળુ ક્રાઉડ જોયું નહોતું. તે બપોરે કાર્યક્રમ પહેલાં અને પછી રસ્તાઓ પર માનવ મહેરામણ એટલું ઉમટ્યું હતું કે તે લોકાર્પણ એક યાદગાર પ્રસંગ બની રહ્યો.
મેડીસીટી કેમ્પસમાં યોજાયેલ એ લોકાર્પણ કાર્યક્રમમાં અમે અમારી કેમ્પસની બીજી બે હોસ્પિટલો જોડી શક્યા હોત. પરંતુ નવી કીડની હોસ્પિટલમાં OT તૈયાર થયા નહોતા અને યુએન મહેતા કાર્ડિયોલોજી ઈન્સ્ટિટ્યુટ તૈયાર હતી પરંતુ સાધનો ગોઠવવાનું અને છેલ્લું ટચીંગ નાનું મોટું કામ પૂરું કરવા થોડોક સમય જરૂરી હતો તેથી અને તેનું ઉદ્ઘાટન ૨ ઓક્ટોબર ૨૦૧૯ ના રોજ સ્વતંત્ર રાખવા વિચાર્યું.
યુએન મહેતા કાર્ડિયોલોજી ઈન્સ્ટિટ્યુટની એ નવી હ્રદયરોગની ૮૦૦ બેડની હોસ્પિટલ પૂરી કરવાનું કામ મારા જીવનનું ચિરસ્મરણીય સંભારણું બન્યું. તેના પાયા મે-૨૦૧૭માં ખોદાયા અને ચોમાસુ આવ્યું એટલે પાયામાં પાણી ભરાયા. આજુબાજુ બીજાં મકાનો તેના સ્ટ્રક્ચર જોખમાયા. પાયો લોખંડની ફ્રેમથી જડવો પડ્યો. પછી સતત બે વર્ષ સુધી પહેલા મહિને મહિને અને પછી દર મંગળવારે મીટીંગો કરી અમે હોસ્પિટલ ઉભી કરી. ટેન્ડરો ફાયનલ કરી અદ્યતન સાધનો સરંજામ પૂરા કરાવ્યા. પરંતુ અમે પ્રધાનમંત્રીજીના લોકાર્પણ કાર્યક્રમ માટે સમય મેળવવા આગળ વધ્યા ત્યાં મારી બદલી થઈ અને નવી હોસ્પિટલનું પછીથી લોકાર્પણ થતાં તેની ઉદ્ઘાટન તકતી પર મારા પછી આવેલાં અધિકારીનું નામ છપાઈ ગયું. યુએન મહેતા કાર્ડિયોલોજી ઈન્સ્ટિટ્યુટમાં ડો આર. કે. પટેલ તેમના પારદર્શી વહીવટ થકી ઠરાવેલ ઉંમરથી વધુ ચાલ્યા અને નામના મેળવી. તે વર્ષે યુએન મહેતા હ્રદયરોગ સારવારમાં ગુજરાત અને અમદાવાદમાં નંબર વન અને સમગ્ર દેશમાં નવમું સ્થાન ધરાવતી હતી. નવી ૮૦૦ બેડ ઉમેરાવાથી ૧૨૫૧ બેડની એ દેશની કે દુનિયાની સૌથી મોટી હ્રદયરોગ સારવાર ઈન્સ્ટિટ્યુટ બની ગઈ છે. ચીનની FUWAI-Beijing ૧૨૩૮ બેડ સાથે નંબર-૨ પર છે. તેને ઘણાં એવોર્ડ્સ પણ મળ્યાં. તેની પીજી અભ્યાસની સીટ વધારી. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની તૈયારી કરી, બસ તે એક ઈતિહાસ રચવાની નજીક પહોંચી ગઈ.
સિવિલ હોસ્પિટલનું સંચાલન ડો. પ્રભાકરે ખૂબ જ અસરકારક રીતે સફળતાપૂર્વક ચલાવ્યું. તેઓ ૧૬ વર્ષ સુપરિન્ટેન્ડેન્ટ રહ્યા અને સૌને સંતોષ આપ્યો. તેમને સિવિલ માટે ઘણાં એવોર્ડ્સ જીત્યા. તેઓ ઓર્થોપેડિક અને knee replacement સર્જરીમાં ઘણી નામના ધરાવતા. ભૂતકાળમાં સર્જરી માટે એક રોબોટ વસાવેલો પરંતુ ઘાટ કરતાં ઘડામણ વધારેની જેમ તેની બ્રાન્ડેડ કીટ મોંઘી પડતાં તે નહોતું ચાલ્યું. તેમની સેવા નિવૃત્તિ પછી તેમની સેવાઓ થોડોક સમય ચાલુ રહી પરંતુ છેવટે તેમની સેવાઓ લંબાવવામાં સરકારે કરકસર કરી અને તેમણે SMSમાં જઈ પોતાનું સ્થાન અંકિત કર્યું.
કેમ્પસની IKDRC (કીડની હોસ્પિટલ) ડો. એચ.એલ. ત્રિવેદી સાહેબના સેવાયજ્ઞની ફોરમથી રાષ્ટ્રીય નામના ધરાવે. સરકારે સરકારી એકમને ૧૯૮૬માં સોસાયટી એક્ટ હેઠળ નોંધાવી સ્વાયત્ત કરી. પરિણામે નિયામક તરીકે ડો. ત્રિવેદી સાહેબે સંસ્થાને પોતાના સેવા યજ્ઞથી મોટું નામ તો અપાવ્યું પરંતુ નિવૃત્તિની ઠરાવેલી ઉંમરે ૧૯૮૯માં નિવૃત્ત ન થઈ અંદાજે ૮૪ વર્ષની ઉંમરે છેક ૨૦૧૩-૧૪ આસપાસ સુધી જ્યારે શરીરે સાથ આપવાનું છોડ્યું ત્યાં સુધી ૨૪-૨૬ વર્ષ પૂરા પગારે સેવામાં જોડાયેલા રહ્યા. તેમનું જીપીએફ પણ કપાતું. તેઓએ પછીથી એક મહિલા અધિકારીને નિયામકનો હવાલો સોંપ્યો હતો અને તેઓને સરકારે કોલેજ વિનાની એક યુનિવર્સિટી બનાવી તેમને Vice Chancellor (Emeritus) નિયુક્ત કર્યા. પરંતુ તેઓ વધુ બિમાર થતા અને પછીથી વેન્ટિલેટર પર ચડતાં તેમના પેન્શનની વાત ઉઠી. સર્વિસ બુક હતી નહીં તેથી નવી સેવાપોથી લાવી તૈયાર કરવામાં આવી અને તેમની કાયદેસરની નિવૃત્તિની તારીખના આધારે પેન્શન બંધાયુ અને તેમનો ૮૪ વર્ષ સુધી લીધેલ પગારનો સમયગાળો બાદ કરી પેન્શન ચૂકવણી ગોઠવાઈ. ડો. ત્રિવેદી સાહેબ અને અમદાવાદ કીડની હોસ્પિટલ એકબીજાના પર્યાયવાચી નામ. સંકુલમાં એકમોના નામ અને તેમાં મૂકાતી અર્ધ પ્રતિમાઓ તેમની હોસ્પિટલ કેમ્પસ સાથેની આસક્તિ દર્શાવતા. તેમનો રૂમ એવોર્ડ્સની ટ્રોફીઓથી ભરેલો રહેતો. એક ગુજરાતી લેખક જેમણે ગુજરાતના એક મુખ્યમંત્રીની આત્મકથા લખેલી તેમને ₹૭૫,૦૦૦ના માસિક ઉચ્ચક પગારે રાખેલા. ચેમ્બર અને પટાવાળાની સુવિધા પણ ખરી. ત્રિવેદી સાહેબની આત્મકથા તો ન લખાઈ પરંતુ તેઓ કદાચ કીડની ટ્રાન્સપ્લાન્ટ થયેલા દર્દીઓને મળી વાતો કરી તેમના મન હળવા કરતાં. લગભગ પંદર વર્ષ ચાલ્યા હશે. મારા પછીના અધિકારીએ તેમના extensionની બાબત સરકાર સમક્ષ મૂકતાં તેમનાથી સંસ્થાનો છૂટકારો થયો. ડો. ત્રિવેદી સાહેબે જેમને નિયામકનો ચાર્જ સોંપેલો તે ઈન્ચાર્જ મહિલા નિયામક ત્રણ વર્ષ પછી નિવૃત્ત થતાં તેમની જગ્યાએ નવા નિયામકની પસંદગીની ખેંચતાણ ચાલી. છેવટે પ્રવરતાને ધ્યાને બોર્ડેની બેઠક કરી મે ડો. વિનિત મિશ્રાને તક આપી. તેમણે તેમની કુનેહથી સેવાઓની સુધારણા કરી, સંસ્થાનું નવું બિલ્ડિંગ પૂરું કરાવી કાર્યન્વિત કરવા યોગદાન આપ્યું અને service excellenceના એવોર્ડ્સ જીતી લાવ્યા. કીડનીની સાથે લીવર એન્ડ પેનક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટના કેસો વધારી સંસ્થાનું વિસ્તરણ થયું. રાજ્યમાં ડાયાલિસિસ સેન્ટર્સનો વધારો કરી કીડની ફેઈલ થયેલા દર્દીઓની જીવાદોરી લંબાવી. બહુ ઓછાને ખબર હશે કે IKDRCમાં કીડની અને લીવર રોગોની સારવાર ઉપરાંત એક સ્ત્રી રોગ અને બાળ કલ્યાણનું એકમ છે. અહીં IUI અને IVF સેવાઓ પ્રાપ્ત છે. ડિલીવરી કરનાર ટીમની કુશળતા જોઈ મારા બે પૌત્રો (૨૦૨૦, ૨૦૨૧) કોવિડના સમયે IKDRCના યુનિટમાં જન્મ્યા હતા. IKDRCમાં રોબોટિક સર્જરી પણ થાય છે. અહીં યુરોલોજી અને ઓટો ઈમ્યૂન સીસ્ટમને લગતાં નિષ્ણાત તબીબો પણ છે.
મૃત્યુ નજીક પહોંચેલા દર્દીઓની અંગોનુ દાન (cadaver donation) થાય અને તે અંગોનું ન્યાયી રીતે ઉપયોગ થાય તે માટે SOTTO (State Organ and Tissue Transplant Organisation)ની સ્થાપનાનું એક મોટું કામ થયું. સમયસર કેડેવર ડોનેશન મેળવી બીજી અનેક જિંદગીઓ બચાવવામાં આ વ્યવસ્થા કામ આવી.
કેમ્પસની બીજી એક પ્રસિદ્ધ હોસ્પિટલ GCRI Gujarat Cancer Research Institute). મુંબઈની ટાટા મેમોરિયલ જેવડું કે તેનાથી વડું તેનું નામ. કેન્સરની બધી સારવાર અહીં મળે. સંસ્થાએ ઘણાં જીવો બચાવ્યા છે અથવા તેમની જીવાદોરી લંબાવી વિદાયના દુઃખને હળવું કર્યું છે. તેની ગવર્નિંગ બોડીના ચેરમેન તરીકે એક ઉદ્યોગપતિ પરંતુ ACS બોર્ડ ઓફ ગવર્નન્સમાં હોવાથી અને બજેટ મોટું સરકારમાંથી આવતું હોઈ તેમનો અવાજ સંભળાય. મારા ટેન્યોરમાં નવી હોસ્પિટલના બે બ્લોક પૂર્ણ થયા. 3D Tesla MRI અને CT Scanના અદ્યતન મશીનો અને બીજા સાધનો આવ્યા. પ્રધાનમંત્રીએ સંકુલનું લોકાર્પણ કર્યું અને અહીંની સારવાર ઉત્કૃષ્ટ બની. અમે આગળ વધી પ્રોટોન રેડીએશન થેરાપીનું વિચાર્યું. તે ટ્યૂમરને ખૂબ જ ચોકસાઈથી લક્ષિત કરી આજુબાજુના ટિસ્યુને ઓછામાં ઓછુ નુકસાન કરી ટ્યૂમર દૂર કરવાની સારવાર છે. તેનો બીમ બહુ જ ખર્ચાળ છતાં સરકાર પ્રજા માટે તો છે તેથી તે વસાવવા અમે બજેટ જોગવાઈ કરી. તેનું સિદ્ધપુર યુનિટ તો ના ઊભું થયું પરંતુ રાજકોટમાં શરૂ કરેલું સેટેલાઇટ સેન્ટર સૌરાષ્ટ્રની પ્રજા માટે આશીર્વાદરૂપ રહ્યું.
અમદાવાદમાં તેના કેમ્પસ બાજુમાં આવેલ એક મેડિકલ સ્ટોરની ફરિયાદ મળતી. લોકોને પોતાના પરિજન દર્દી પર પ્રેમ હોય એટલે ડૂબતો તરણું ઝાલે તેમ કોઈ સૂચવે કે આ કે પેલું ઈન્જેક્શન કેન્સર ઝડપી મટાડી દેશે એટલે મોંઘા ઈન્જેક્શનો વપરાઈ જાય. મૃત્યુ વિશે તો કોઈ કહી ન શકે પરંતુ જેમનો અંત નજીક હોય તેમના સગાને કાઉન્સેલિંગ કરવામાં આવે તો સરકારી હોસ્પિટલો એ દૂષણ નથી પરંતું ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર પરના દર્દીઓની મુક્તિ અને મોંઘા ઈન્જેક્શનોથી દેવાદાર થતાં સગાઓને થોડી રાહત જરૂર આપી શકાય.
કેમ્પસની ડેન્ટલ હોસ્પિટલ અને બાજુના મંજુશ્રી મિલ કમ્પાઉન્ડની આંખની હોસ્પિટલો સરકારી છે. તેના તબીબો નિષ્ણાત હોઈ તેમની સારવાર ખાનગી એકમોથી સવાઈ થઈ વખણાય છે. અમદાવાદમાં AMC સંચાલિત નવી બનેલી સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચ (SVP Hospital)ની લગભગ ₹૮૦૦ કરોડ જેટલી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી.
મેડિસિટી સંકુલ અમદાવાદ આજે ૭૫૦૦થી વધુ બેડ સાથે, અદ્યતન સાધનો અને સારવાર સાથે દેશ અને દુનિયામાં અગ્રેસર છે. તે બે વર્ષમાં મેડીસિટી કેમ્પસની હોસ્પિટલોને એવોર્ડ્સ મળવા લાગ્યા. સ્વચ્છ ભારત મિશનનો કાયાકલ્પ એવોર્ડ (૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯), Best Multi Speciality Tertiary Care Govt Hospital (Civil) of the Year Aware (2018), IMA President Appreciation Award (2018), FICCI Healthcare Excellence Award for Service Excellence Govt Spine Institute (2018) અને IKDRC (2019) લઈ આવ્યા. UNM, IKDRC અને Govt Spine Institute અને બીજા NABH accreditation લઈ આવ્યા. બીજા એકમો પણ પોતપોતાના ક્ષેત્રના શ્રેષ્ઠતા એવોર્ડ લઈ આવ્યા.
મેડીસિટીનું સપનું અમે લગભગ પૂરું કરી દીધું. નવ એકમોના વડાની એક સંકલન સમિતિ બનાવી અને તેની અધિક મુખ્ય સચિવના અધ્યક્ષપદે સપ્ટેમ્બર ૨૦૧૭થી માસિક બેઠકો શરૂ કરી. દર મહિને એક પછી એક સંકુલને હોસ્ટ બનાવતા. ડોક્ટર્સ-સ્ટાફ માટે ડ્રેસ કોડ, પથારીઓની ચાદર રોજ બદલાય તે માટે દરેકવારના અલગ કલર કોડ કરી તે મુજબની બેડસીટ, ડોક્ટર - સ્ટાફને પ્રોત્સાહન મળે તે માટે doctor of the month, employee of the month જાહેર કરી સૌનું ધ્યાન જાય તે જગ્યાએ તેમના ફોટા મૂકાવાનું શરૂ થયું. દરેક સંસ્થાની alumni meet કરવાનું શરૂ કર્યું. પરિણામે સંઘ અને એક પરિવારની ભાવના વિકસી. ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીએ મેડીસિટીનો એક સંયુક્ત ધ્વજવંદન કાર્યક્રમ શરૂ કર્યો. મેડીસિટીનું ગીત બનાવ્યું અને એર પ્રતિજ્ઞાપત્ર બનાવ્યું જેનું ગાન અને વાંચન આ કાર્યક્રમોમાં થતું. સંકુલના હોલમાં કાર્યક્રમો યોજી સારી કામગીરી કરતાં કર્મચારીઓનું સન્માન કરી કેમ્પસમાં સેવાનો મંત્ર જીવંત કરી તેનું Organisational Culture બદલ્યું. હવે કેમ્પસમાં આવતાં અને જુદી જુદી હોસ્પિટલોમાં અરસપરસ સારવાર લઈ રહેલા દર્દીઓનો EHR (Electronic Health Record) બનાવવાનો હતો જેથી સારવારમાં સાતત્ય આવે અને પ્રોસીજરનું પુનરાવર્તન ઘટે. HIMSના મોડ્યુલ હતાં પરંતુ પેશન્ટ સંખ્યા ગણવા પૂરતા વપરાતા.
જાહેર ઇસ્પિતાલોમાં સેવા તો મળી રહે પરંતુ તેનો વેઈટિંગ ટાઈમ મોટો. કેસબારીએ લાઈન, ડોક્ટરની ઓપીડીમાં લાઈન, x-ray કરાવવાનો હોય તો ત્યાં લાઈન, લેબોરેટરીમાં લાઈન, ફાર્મસીમાં લાઈન. એક તપાસ અને દવા લઈ ઘેર જવામાં ચાર થી છ કલાક લાગે. અમે ટોકન સિસ્ટમ લાવી અને online એપોઈન્ટમેન્ટ સમય લેવાની પદ્ધતિ લાવી કંઈક રાહત તો કરી પરંતું બીમાર દર્દી અને તેના સગાનો અણગમો સ્વાભાવિક રહે. ડોક્ટર્સ પણ શું કરે? સિવિલ અમદાવાદ જેવા કેમ્પસમાં એક બેઠકે ૨૫૦ થી ૪૦૦ દર્દીઓ તપાસી દવા લખવાની હોય. અમે ડોક્ટર્સને લેપટોપ આપી તેનું નેટવર્ક કરી તેમાં x-ray, lab, ફાર્મસી જોડી પછી લેપટોપના મોડ્યુલમાંથી જ દવા, પ્રોસિજર સિલેક્ટ કરી ITનો ઉપયોગ કરી ઝડપ લાવવા પ્રયાસ કર્યો. પરંતુ ડોક્ટર્સ કહે કે તેમને કાગળ પર Rx લખી દવા લખવામાં ફાવટ આવી ગઈ છે તેથી જો લેપટોપ વાપરીએ તો તેમાં વધુ સમય બગડે. જો તેમને કોમ્પ્યુટર ઓપરેટરની સેવા ઉપલબ્ધ થાય તો કંઈક કામ બને. પરંતુ તેમાંય ઓપરેટર કોઈ ભૂલ કરે તો અર્થનો અનર્થ થઈ જાય. જેમ ચાલતું હતું તેમ ચાલ્યું.
મેડીસીટી અમદાવાદમાં રોજની વસ્તી ૫૦,૦૦૦ જેટલી થઈ જાય. એક નગર જ સમજો. એકમાંથી બીજે જતાં અને એક કોરીડોરમાંથી બીજે જતા ચાલી ચાલીને થાકી જવાય. અમારા ડોક્ટર્સ અને સ્ટાફ તેથી પાતળા જ રહે. અમે મીની બસ, ઈ-રીક્ષા શરૂ કરી, રીક્ષા સ્ટેન્ડ બનાવ્યા જેથી દર્દીઓ અને તેમના સગા તથા અમારા સ્ટાફને હેરફેરની સુવિધા રહે. કેમ્પસમાં સ્ટાફનું અને વાહનોનું પાર્કિંગ એલોટ કરી તેને નિયંત્રિત કર્યું. વળી પહેલાં તો રીક્ષાવાળા અને ખાનગી વાહનો બહારનો ટ્રાફિક જામ થાય એટલે સિવિલના અંદરના રોડ પર વાહનોની લંગાર લગાવી દેતાં. સાંજ પડે કેટલાક વ્યસની લોકો એક તરફના દરવાજે આવી રંજાડ કરતાં. કેટલાક લોકો ફૂટપાથ પર કબજો જમાવી બેઠા હતા. અમે ex service man અધિકારીની સેવા લીધી, દંડા સાથે ગેટ પર ચોકીદારો બેસાડ્યા અને તે અસામાજિક દૂષણ ડામ્યું. અમને એ પણ શીખવા મળ્યું કે જાહેર વ્યવસ્થાના મકાનો ઊભા થાય એટલે ચાલુ કરી દેવા. જો મહાનુભાવોના ઉદ્ઘાટનની તારીખ લેવા રોકાઈએ અને તેમાં વિલંબ થાય તો નળ, ચકલાં, સાધનો, ફીક્ચર્સ વગેરે લાંબો સમય સુરક્ષિત રાખવા મુશ્કેલ. આમેય ટ્રાયલ રન કરવાથી જે તે એકમની કોઈ ઘટ હોય તો સામે આવે અને પૂરી થાય.
રાત પડે એટલે સિવિલ અને બીજી હોસ્પિટલની ફૂટપાથો પર લોકો સૂતા જોવા મળે એ વધારે વસ્તીવાળા દેશમાં સ્વાભાવિક. દર્દી પાસે એક જણ રહે અને તે બદલાતું રહે તેથી સગાઓને આરામ અને ભોજનની મોટી તકલીફ રહે. અમે ગજીબો તૈયાર કરી આરામ પાણી, શૌચાલયની વ્યવસ્થા કરી. રેનબસેરા માટે ચર્ચા પરામર્શ કરી, એક જગ્યા પસંદ કરી, એક નવા બિલ્ડિંગનું બાંધકામ મંજૂર કર્યું. તેની ડિઝાઇન ફાયનલ કરી ટેન્ડર કર્યું. ભાવ પણ માર્ગ અને મકાનના SOR કરતાં નીચે આવ્યા પરંતુ કોઈ જગ્યાએ અટક્યું. અમે બદલાયા અને કોવીડ આવ્યું. હવે તો અમારા પછી આવેલી ટીમો દ્વારા રેનબસેરા બનાવી દીધું છે. વિલંબ થયો તેથી મોંઘુ પડ્યું હશે. ભોજન માટે દર્દીઓને હોસ્પિટલમાં અપાતું અને સગાઓ છૂટક બહાર જે મળે કે કોઈ દાતાએ છૂટક વ્યવસ્થા કરી હોય તેથી ચલાવી લેતા. અમે અક્ષયપાત્રને લાવી બંને સમય તાજો ગરમ ખોરાક નજીવી કિંમતે મળે તે સુનિશ્ચિત કર્યું. કોવિડને કારણે તેનું બાંધકામ વિલંબિત થયું આજે રેનબસેરા બનીને મૂર્તિમંત બની ઉભુ છે. બહારગામ અને ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશથી આવતાં દર્દીઓના સગા માટે વરદાન બની રહેવાનું છે. કેન્સર હોસ્પિટલમાં તો ટેસ્ટ કરાવ્યા પછી તેનો રીપોર્ટ આવવાનાં એક-બે દિવસ લાગે. તેથી દૂરના દર્દી પાછા જવાને બદદલે ત્યાંજ રોકાઈ જતા તેમને હવે રાહત થશે.
ગાંધીનગર સિવિલ પણ સેવા વધતી ચાલી અને અદ્યતન ઓછી રહે. ઈમરજન્સી અને ખાસ કરીને હ્રદયરોગના હુમલા વખતે ત્યા જતા ડર લાગે. જૂના મકાનો પણ મરામત અને નવસર્જન માંગે. તેનું કામ હાથ પર લીધું. એક સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે પ્રોજેક્ટ ડિઝાઇન બનાવી બજેટ જોગવાઈ કરી. મારા પછી આવેલા અધિકારીઓએ કામ આગળ વધાર્યું. આજે હોસ્પિટલ નવી અને મોટી થઈ રહી છે અને યુએન મહેતા ઈન્સ્ટિટ્યુટે હાર્ટ અને ન્યૂરો કેર માટે એક સ્વતંત્ર યુનિટ ઊભું કરી ગાંધીનગરની શાન વધારી છે.
સુરતમાં એક બિલ્ડિંગ સેન્ટ્રલી એરકંડીશન્ડ બનાવી ત્રણ માળ સુધી સાધનો, ફર્નિચર, ફીટીંગ્સ લગાવી પડતર પડી રહેલ. સ્ટેમ સેલ હોસ્પિટલ માટે તેનું સર્જન કરેલ પરંતુ પછી પ્રોજેક્ટનું બાળમરણ થતાં મકાન ત્યાં જ અટકી રહેલ. હવે જો તેને જનરલ હોસ્પિટલ તરીકે વાપરીએ તો સેન્ટ્રલી એરકંડીશન્ડ બિલ્ડીંગ ચાલે નહીં તેથી તેમાં તોડફોડ કરી નવી બારીઓ નાંખવી પડે. કોકડું ગૂંચવાયેલું એટલે કોઈ અડકે નહીં. અમે તૈયાર ત્રણ માળ યુએન મહેતા ઈન્સ્ટિટ્યુટ અને કેન્સર હોસ્પિટલને ફાળવી તેમના સેટેલાઇટ સેન્ટર શરૂ કરાવ્યા અને ઉપરના માળઓમાં ડિઝાઇનમાં થોડો ફેરફાર કરી બારી વગેરે વ્યવસ્થા કરી જનરલ હોસ્પિટલમાં ફેરવવા નિર્ણય લીધો.
રાજકોટમાં એક પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળની હોસ્પિટલનું બાંધકામ લાંબા સમયથી ચાલતું. તેમની સાથે સંકલન કરી તે પૂરું કરાયું અને લોકાર્પણ થયું. ત્યાંની જનાના હોસ્પિટલ નવેસરથી બાંધવાની જરૂર. પરંતુ ડિલીવરીનું કામ બીજે લઈ જઈ કરી શકાય. જનરલ હોસ્પિટલમાં સગવડ ઉભી કરી જૂનું બિલ્ડીંગ ઉતાર્યું અને નવાની ડિઝાઇન મુજબ બાંધકામ શરૂ કર્યું. તેના બાંધકામમાં એક વડલો આડે આવ્યો. રાજકોટના છાપા એટલે મુદ્દો સંવેદનશીલ બનાવે. પર્યાવરણના બહાને મુખ્યમંત્રીનું ગામ એટલે ડિઝાઇન બદલીને વડલો ઊભો રાખ્યો. આજે તેના છાંયડે લોકો બેસે ત્યારે તેમા રક્ષકો યાદ આવે છે. માતૃ-બાળ સારવારની એ હોસ્પિટલનું તે કેમ્પસ એટલું મોટું છે કે એક દૂર કરી બીજા પાંચ વડ વાવ્યા હોત તો આજે ઘટાટોપ થઈ ગયા હોત.
ગુજરાતમાં AIMS આવી. રાજકોટની પસંદગી થઈ. અમે આગળ રહી જમીનોની પસંદગી, સંપાદન અને AIMS પ્રોજેક્ટને ઝડપી પૂર્ણ કરવા સંકલનની જરૂરી તમામ કામગીરી કરી.
અમે પછી તો તે કેમ્પસમાં અને રાજ્યની બધી હોસ્પિટલોમાં કેસ ટોકન સિસ્ટમ શરૂ કરી જેથી દર્દીઓ અને તેમના સગાને લાંબો સમય લાઈનોમાં ઊભા ન રહેવું પડે. એકવાર હોસ્પિટલ ફાર્મસી પર એક ઘરડા માજીને દવા આપી મૌખિક ડોઝ સમજાવતા ફાર્માસિસ્ટને હું જોઈ ગયો. દર્દીને કેમ યાદ રહે. અને તરતજ દવાની સ્ટ્રીપ પર સ્ટીકર લગાડાવી સવાર-બપોર-સાંજ, જમ્યા પહેલાં પછી લખાવી દવાનું વિતરણ સુનિશ્ચિત કરાવ્યું જે કાયમી બન્યું. ડોક્ટરોનું તો જેમ ચાલતું હતુ તેમ ચાલ્યુ પરંતુ ટોકન સીસ્ટમ, પાણી-કેન્ટિન સુવિધા, જે તે યુનિટોનું સુપરવિઝન વધારી દર્દીઓને બની શકે તેટલી રાહત કરી આપી. ઈન્ડોર દર્દીઓ માટે પણ દરરોજ બેડસીટ બદલાય, વોર્ડની જાજરૂની સફાઈ બરાબર થાય, દર્દીઓને સમયસર સારવાર મળે, તેમને મળતા ભોજનની ગુણવત્તા જળવાય વગેરે બાબતોએ તકેદારી વધારી.
ભારત વિશ્વની ફાર્મસી અને ગુજરાત ભારતની ફાર્મસી. દવાઓનાં ૮૦ ટકાથી વધારે કેમિકલ્સ (API-Active Pharmaceutical Ingredient) કિંમતના ફાયદા અને મોટા ઉત્પાદનને કારણે ચીનથી આયાત થાય. પરંતુ તેનું ફોર્મ્યુલેશન કરવાનું દિમાગ ભારતીય એટલે અહીં દવાઓ સસ્તી બને. ત્રણ પ્રકારે દવાઓ બનેઃ જીનેરિક, બ્રાન્ડેડ જીનેરિક અને બ્રાન્ડેડ. દવાના ફીતા પર કેમીકલનું નામ નીચે ઝીણા અક્ષરે હોય છે અને કંપનીએ દવાની બ્રાન્ડ માટે આપેલું નામ મોટા અક્ષરે લખાયેલું હોય છે. જીનેરિક અને બ્રાન્ડેડની કિંમતનો તફાવત માનો કે ₹૧ સામે ₹૫૦ કે ૧૦૦. બ્રાન્ડેડની પોટેન્સી વધારે છે તેથી તે વધુ અસરકારક છે તેવા પ્રચાર થકી ખાનગી દવાખાના અને હોસ્પિટલમાં તેનો વપરાશ વધુ. વળી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ દવાની દુકાનોથી મળે નહીં તેથી દવાના ખર્ચનો બોજ દર્દી પર પડે અને સરકારી યોજના MA કે PMJAYના લાભાર્થી હોય તો રકમની મર્યાદામાં ત્યાં પડે. ડોક્ટરોને દવા કંપનીઓ વિદેશ ફરવા પેકેજ આપે કે તેમના મેળાવડાના ખર્ચ આપે તેમા તેના નેટવર્કનો ખ્યાલ આવે. આપણે લાલ ચીન સામે ગમે તેટલી લાલ આંખ કરીએ પરંતુ ચીનથી APIની આયાત બંધ કરીએ અને પ્રતિજ્ઞા કરીએ કે ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરીશું તો દવાઓ તો જાય પણ ઘણાના ધબકારા પણ.
રાજ્ય સરકારે ઓછી કિંમતની જીનેરિક દવાઓ દર્દીઓને મળી રહે તેવા શુભ આશયથી જન ઔષધિ કેન્દ્રો ખોલવાની શરૂઆત કરી. ભારત સરકારની દવાઓ ખરીદી વેચતા એક જાહેર સાહસ HAL (Hindustan Antibiotics Limited) સાથે કરાર કરી હોસ્પિટલના કેમ્પસમાં તેમના દ્રારા ચલાવવાના કેન્દ્રો ખોલ્યા. પરંતુ કરારમાં ખોટની જવાબદારી સરકારે પોતાને માથે લીધી. પરિણામે સ્ટોર ઉભો કરવાના ખર્ચ ઉપરાંત, સ્ટાફ ખર્ચ, વીજળી બિલ, ટેલિફોન બીલ, દવા ખર્ચ, ન વેચાઈ હોય તે expiry દવાઓ મળી જે ખર્ચ થાય તે સામે દવા વેચાણની કિંમત તેના તફાવતની ખોટ રાજ્ય સરકારે ભરવાની થતી. અમે કરારની તારીખ બાંધી તેને અટકાવ્યું અને ખાનગી સાહસિકો થકી જીનેરિક દવાઓના નવા જન ઔષધિ કેન્દ્રો ખોલાવ્યા. રાજ્ય સરકારની યોજનાની સાથે ભારત સરકારની પંડિત દીનદયાળ જનઔષધિ યોજના આવતાં તેના કેન્દ્રો પણ શરૂ થવા લાગ્યા. રાજ્યમાં લગભગ ૫૦૦ નજીક જન ઔષધિ કેન્દ્રો ખોલવા સુધી અમે પહોંચી ગયા હતા. પરિણામે દર્દીઓને સસ્તી દવાઓ ઉપલબ્ધ થઈ અને તેમના કરોડો રૂપિયા બચ્યા. અમારે સરકારી હોસ્પિટલોના સુપ્રિટેન્ડન્ટ્સ ઈમરજન્સી દવાને નામે કે GMSCLનો પુરવઠો મોડો પડ્યો હોય ત્યારે ખાનગી દવાની દુકાનો પાસેથી MRP આપી ખરીદી ખર્ચ કરતા હતા તેના પર પણ મોટુ નિયંત્રણ આવી ગયું. યોજનાની સફળતા તો ત્યારે થાય જ્યારે ખાનગી અને જાહેર, બધાં ડોક્ટર્સ જીનેરિક દવાઓ પ્રિસ્ક્રિાઈબ કરે. પરંતુ કરે ત્યારેને!
PIUએ નવા બાંધકામો, હોસ્પિટલોની મરામત અને જાળવણી માટે વધુ ચુસ્ત દુરસ્ત કર્યા. મકાન બાંધકામમાં તો તે રાજ્યના માર્ગ અને મકાન વિભાગથી કોઈ કમ નહી. કેટલાક દર્દીઓ અને સગા પણ કેવાં? ટોયલેટમાં ફ્લ્સ ન થાય કે કંઈક એવું નાંખી દે કે આખી લાઈન બંધ થઈ જાય. જાહેર મકાનોમાં કોણ કોનું ધ્યાન રાખે. કોઈ નળ તોડી જાય તો પાણી બંધ કરાવવા જહેમત ઉઠાવવી પડે. મર્યાદિત માણસો સાથે સમયસર મરામત જાળવણી કરવી PIUને અઘરી પડે પરંતુ તોય થતું.
સામુહિક આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ સુધારવા ડેન્ટિસ્ટની ભરતી કરી તેમના માટે ચેર ખરીદી ડેન્ટલ હેલ્થ કેર પર વિશેષ ધ્યાન અપાયું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં NHM અંતર્ગત આયુર્વેદિક manpower આવવાથી તેનું માનવબળ વધ્યું હતું પરંતુ મૂળ આયુર્વેદમાં મનને સંતોષ થાય તેવું કામ જામતું ન હતુ. અમે કોલવડા આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ કરાવી તેને ક્રિયાન્વિત કરાવી.
આયુર્વેદમાં પણ નવી ભરતી કરી નવા વૈદ્યો લઈ આવ્યાં. પરંતુ જૂનામાં ટોચના વેદ્યોમાં મને સંકલન કરવાની કઠિનાઈ જણાઈ. આયુર્વેદના વિકાસની ભૂમિકાને બદલે દરેક જણ ટીકુ કમિશન અને બીજા લાભો મેળવવા તથા આ જગ્યાનો ચાર્જ મને મળે અને બીજાને ન મળે તેવા દાવપેચ ચાલે. કોઈ વળી જુનિયર અધિકારી હોય તો પણ ઉપલી જગ્યાનો ચાર્જ લઈ સીનીયર્સને દુઃખી કરે. પરિણામે એલોપથીની જેમ આયુર્વેદને લોકપ્રિય કરવાનું મારું સપનું અધૂરું રહ્યું. નહિતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આવતાં દર્દીઓમાંથી ૯૦ ટકા દર્દીઓને આયુર્વેદિક સારવાર આપી ઠીક કરી તેમને કેમીકલ દવાઓથી દૂર રાખી શકાય તેમ છે. પરંતુ સારી ટીમ ન હોય, તેમાં સંકલન ન હોય, આયુર્વેદિક ઔષધો માટે પૂરતી જોગવાઈ ન હોય ત્યારે આ વિષયને કેરાલાની જેમ લોકભોગ્ય બનાવવો અઘરો રહ્યો. મારા ગાળામાં જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીને Institute of National Importance જાહેર કરાઈ. તેમ કરવામાં ભારત સરકારના આયુષ સચિવ વૈદ્ય રાકેશ કોટેચાનો પ્રમુખ ફાળો રહ્યો. હોમિયોપેથીમાં હજી લોકોને ઓછો ભરોસો છતાં આયુષ એકમ તરીકે તેને મજબુત કરવા અમે નવી ભરતી કરી પ્રાણ પૂર્યો.
બીજું યુનિટ અમારી ખોરાક અને ઔષધ નિયમન કમિશ્નરની કચેરી અને તેની સમગ્ર રાજ્યમાં ફેલાયેલી જિલ્લા કચેરીઓ. તેની એક વડોદરામાં આવેલી લેબ પણ પ્રસિદ્ધ. GMSCL દ્વારા ખરીદાતી દવાઓ લોટમાંથી રેન્ડમ સેમ્પલ લઈ FDCA તથા અન્ય માન્ય લેબોરેટરીમાં તપાસણી માટે જતી. આ ઉપરાંત ખોરાકમાં ભેળસેળ, દૂધ- ઘીમાં ભેળસેળ જેવી ફરિયાદો અને તપાસણીના નમૂના લેવાના અને તપાસવાના કામમાં આ સેટ અપ નિષ્પક્ષ હોવાની આબરૂ બંધાયેલી. આમ છતાં તે તંત્ર વિરુદ્ઘ શંકાની આંગળી ચિંધનારા નહોતા એમ ના કહેવાય. તેના કમિશ્નરની કાર્યક્ષમતા જોઈ તેમને નિવૃત્તિ પછી ૬ વર્ષ સુધી extension મળેલાં હતા. GMSCLની કામગીરીમાં ટેન્ડર સમિતિની બેઠકોમાં દવા સાધનોની તાંત્રિક બાબતો સમજવામાં, તેમાં આવતા નિષ્ણાત તબીબોના જ્ઞાનનો લાભ લેવામાં અને દવા-સાધનોની સાથે સાથે તંત્રને શી તકલીફ છે, ઈન્વેન્ટરી મેનેજમેન્ટ કેવું છે, સાધનો છે અને ટેકનિશિયન નથી અથવા ટેકનિશિયન છે અને સાધનો નથી, સમયસર AMC ના થયો હોય તો સેવાઓ અટકી પડે વગેરે નાના મોટા બધા પ્રશ્નોની જાણકારી મળતી અને તે આધારે સુધારાત્મક જેટલા પણ કામ કરવા પડે તે સમયસર થતા. એન્જિન ઝડપમાં આવે એટલે પાછળ ટ્રેનના ડબા દોડવાના.
સીનીયર સીટીઝનોને સારવાર માટે પડતી અગવડો તરફ અમારું ધ્યાન દોરાયું. શહેરોમાં સંતાનો અભ્યાસ કે નોકરી ધંધા માટે વિદેશ કે બીજે ગય હોય અને વૃદ્ધ સહન કે એકલાં અચાનક આરોગ્ય કથળે તો જાતે કરીને હોસ્પિટલમાં જઈ સારવાર ન લઈ શકે. અને ગાંધીનગરને પાયલોટ બનાવ્યો. રજીસ્ટ્રેશન શરૂ કર્યું. એક મોબાઇલ ડિસ્પેન્સરી બનાવી તેમા ડોક્ટર, નર્સની સેવા ઉપલબ્ધ કરાવી દર પંદર દિવસે સીનીયર સીટીઝનની મુલાકાત લેવાય, બીપી, હાર્ટ બીટ, ઓક્સિજન, સુગર વગેરે વાયટલ પેરામિટર ચકાસી જરૂરી દવા કે હોસ્પિટલ ભરતીની સલાહ અપાય. જ્યાં જરૂર જણાય ત્યાં ૧૦૮ બોલાવી તેમને હોસ્પિટલ પહોંચાડાય. પાયલોટ પ્રોજેક્ટ સારો ચાલ્યો. અમારી નેમ તો આખા રાજ્યમાં વિસ્તારવાની પરંતુ પછી તેનું બાળમરણ થયું કે તે ફેલાયું તે ખબર નહીં. આરોગ્ય તંત્રને સળંગ બે વર્ષ કોવીડ સામે ઝઝૂમવું પડ્યું હતું તેથી સ્ટાફની અછતમાં આવા પ્રોજેક્ટ લાંબુ ન જઈ શકે. સેક્ટર-માં રીટાયર્ડ AIS અધિકારીઓ વધુ. ત્યાંની સેક્ટર ડિસ્પેન્સરી સારી ચાલે. તેમાં હોમિયોપેથિક અને બીજી સેવાઓ ઉમેરી કેન્દ્રને વધુ ઉપયોગી થવા પ્રયત્નો કર્યાં.
૧૦૮ કોલ અને એમ્બ્યુલન્સ ૧૦-૨૦ મિનિટમાં હાજર, ગુજરાતના આરોગ્ય તંત્રની સફળતાની ૧૦૮ પારાશીશી હતી. પતિદેવો હવે તેમની પત્નીઓના ડિલીવરીના લેબર પેઈનની સૂચનાથી નિશ્ચિત રહેતા. ચિરંજીવી યોજના અને ઈન્સ્ટીટ્યુશન ડિલિવરીની ઝુંબેશે માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુદર ઘટાડી દીધો હતો. હાઈકોર્ટના એક જસ્ટિસને થયું કે જમીન પર ૧૦૮ તો કોઈ પણ મોકલે. અરબી સમુદ્રમાં ફિશીંગ કરવા ગયા હોય અને ઈમરજન્સી આવે તો તેવા દર્દીઓને સારવાર પહોંચાડવા ૧૦૮ જેવી બોટ એમ્બ્યુલન્સ પૂરી પાડે તે ખરો વહીવટ કહેવાય. તેમણે ડિરેક્શન આપી સમય બાંધ્યો. વાત માનવતાની તેથી બોટ ભાડે લઈ બોટ એમ્બ્યુલન્સ બનાવી, ડોક્ટર-નર્સ ફાળવ્યા અને દરિયામાં આરોગ્ય વિભાગની ૧૦૮ દોડાવી તેમને ખુશ કર્યા અને માછીમાર પ્રજાને પણ.
આ વિભાગમાં વિષયો વધારે અને મહેકમ વધુ તેથી ફાઈલોનો ઢગલો ઓછો થાય નહીં. વળી મેડિકલ યુનિયનોને જોશ વધારે. તેમને ખબર કે જે કોઈ છૂટ લેવી હોય તેઓ ફરજ પરથી ઉતર્યા એટલે દર્દીઓ અને તેમના સગાનો બળાપો સરકારને દઝાડવા પૂરતા છે. તેથી FD જે GR સામે ધરવો હોય તે ધરે પરંતુ એડહોક સેવાઓને નિયમિત કરવાની હોય કે, સરકારમાં લીયન પકડી રાખી GMERSની ઉપરની જગ્યાઓ પર ગયેલાં ડોક્ટર્સ મૂળ લીયનવાળા મહેકમમાં જવા તૈયાર ન હોય અથવા જાય તો GMERSના ઊંચા પગારનું પ્રોટેક્શન માંગે જેથી મૂળ સરકારમાં તેમના સીનીયર્સને ઓછો પગાર અને તેમને વધુ તેવી વિસંગતતા સર્જાય અને મેડિકલના કોકડાની થોડી દોરી ઉકેલાય અને વળી પાછા પિંડામાં પડી રહે.
અમારો વિભાગ અધિક મુખ્ય સચિવ અને કમિશ્નર આરોગ્યના સંકલન સમસ્યા માટે જાણીતો. આસપાસના અધિકારીઓ ફૂંકતા જાય અને અગ્નિ સળગતો રાખે. બાકી હું તો છેક એસટીના જમાનાથી અઠવાડિક બેઠક કરું. દર સોમવારે બધા મળીએ. બાકી કામોની ચર્ચા કરીએ. નવા આયોજન કરીએ અને ચા-પાણી પી છૂટા પડીએ. બુધવારની બપોરે સચિવોની સમીક્ષામાં અમારા કામની કોઈ ખોટ ન હોય.
પરંતુ અમારા સંકલનમાં પણ એક વાહને દવ દીધો. GMSCLના ચેરમેન તરીકે અધિક મુખ્ય સચિવ. પરંતુ તેના ચેરમેનની એક ઈનોવા કાર જે આરોગ્ય કમિશ્નર તેમને મળેલ કમિશ્નરના વાહન ઉપરાંત વાપરતા. અધિક મુખ્ય સચિવ પાસે સીયાઝ કાર તેથી ક્ષેત્રીય પ્રવાસમાં સિવીલ હોસ્પિટલની એક જૂની ઈનોવા સ્પેર હતી તે હું વાપરતો. શરૂઆતમાં તો ચાલ્યું પરંતુ વડનગર મેડીકલ કોલેજના પ્રધાનમંત્રીની વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ પતાવી પાછાં ફરતાં અમારી ઈનોવા કારને અકસ્માત નડ્યો. તેથી GMSCL ચેરમેનનું વાહન જે કમિશ્નર પાસે હતું તે મંગાવી મેં તેમને સિવિલવાળી ઈનોવા આપી. વધુમાં GMSCL બોર્ડમાં ઠરાવ કરી સભ્ય તરીકે તેમના માટે નવી ઈનોવા ખરીદવા નક્કી કર્યું. પરંતુ આવી સરળ મંજૂરી આપે તો તે નાણાં વિભાગ થોડું કહેવાય? FDની મંજૂરી ન મળી અને વાત ટ્વિસ્ટ થઈ મુખ્યમંત્રીના કાને એવી રીતે પહોંચી કે અધિક મુખ્ય સચિવે કમિશ્નરનું વાહન પડાવી લીધું. મુખ્યમંત્રી મને રૂબરૂમાં કહ્યું હતું તેથી hearsayનો પ્રશ્ન ન હતો. કમિશનર પાસે તેમનું સરકારી વાહન હતું જ. તકરાર વધારાના વાહનની હતી. મુખ્યમંત્રીને મેં માંડીને વાત સમજાવી. પછી ચાલ્યું GMSCL અને PIUનો વહીવટ અધિક મુખ્ય સચિવ પાસેથી લઈ કમિશ્નરને સોંપી દેવો. મને થતું બળતું ઘર કૃષ્ણાર્પણ કરીએ. પરંતુ મારી પછીથી આવનાર અધિકારીઓની આ પદ પ્રતિષ્ઠા ધ્યાને રાખી થઈ રહેલી આડોડાઈ સામે હવે હાથ પર હાથ ધરી બેસી રહેવું પાવલે તેમ નહોતું. નાયબ મુખ્યમંત્રીને આગળ કર્યા અને તે પ્રયાસો વિફળ કર્યા. શું મારી બદલી પછી તે પદે આવેલા અધિકારીઓએ તે કામગીરી તેમના કમિશ્નરને સોંપી દીધી?
GMSCL સમગ્ર રાજ્યની હોસ્પિટલો, CHCs, PHCs માટે દવાઓ અને સાધનો ખરીદતું કોર્પોરેશન. તેનો દવાનો પુરવઠો રોકાય તો પ્રજાની અને પ્રજાના પ્રતિનિધિઓની બૂમ ઉઠે. સમયસર સાધનો ન મળે તેના AMC ન થાય તો સાધનો વગર સ્ટાફ બેઠો રહે અને દર્દીઓની સુવિધા ઓછી થાય. જો તેમને x-ray કે CT Scan બહાર કરવો પડે તો મીડિયા સમાચારોમાં સરકારની ટીકા વધી જાય. ખરીદીની આ કામગીરી માટે દવાઓ ખરીદીમાં એક જનરલ મેનેજર અને સાધન સરંજામમાં બીજા જનરલ મેનેજર. અમારું કામ સરસ રીતે ચાલી રહ્યું હતું. દવાઓની ઇન્વેન્ટરીનું મોનીટરીંગ, ઈન્ડેન્ટિંગ, ટેન્ડર, ખરીદી, ઈન્સ્પેક્સન, સપ્લાય બધું બરોબર ગતિમાં આવી રહ્યું હતું ત્યાં સરકારના હુકમથી જનરલ મેનેજર નિમાયેલા તે અધિકારીને કમિશ્નરે અધિક નિયામક (કુટુંબ કલ્યાણ)નો વધારાનો હવાલો સોંપવાનો હુકમ કર્યો. અધિકારી મૂળ જાહેર આરોગ્યના તેથી તેમને સૂચના કમિશ્નર ઓફિસમાં બેસવાની પરિણામે અમારું દવા ખરીદી અને વિતરણનું કામ ભારે ભેરવાયું. મારે કડક થઈ તે અધિકારીને સરકારની સૂચના વિના GMSCL ન છોડવા અને દવાના પુરવઠાની ઈન્વેન્ટરી અને સપ્લાય બરાબર મેનેજ કરવા હુકમ કરવો પડ્યો. અધિકારી ઉત્તમ કેટેગરીના તેથી તેમણે પડતર ઘણાં બધાં ટેન્ડર ફાયનલ કરાવ્યા, સમગ્ર રાજ્યમાં દવાનો પુરવઠો નિયમિત કર્યો અને તેમની પ્રામાણિકતા, કામગીરીમાં નિયમિતતા અને સાતત્યને કારણે અમે ટેન્ડર નેગોશિયેશન થકી સરકારની ઘણી મોટી રકમની બચત કરતાં. GMSCLએ તે વર્ષોમાં નવા સીટી સ્કેન, x-ray, લેબોરેટરીઝ સાધનો, ડેન્ટલ ચેર્સ, વગેરે ખરીદી, સમયસર AMC કરી સમગ્ર રાજ્યની તબીબી સેવાઓને ધમધમતી રાખવામાં સિંહફાળો આપ્યો.
એક દિવસ ૧૫ ઓગસ્ટ, મને હળવો તાવ. હેલીપેડ ગાંધીનગર કાર્યક્રમમા હાજરી આપી હું અમદાવાદ મેડીસિટીમાં નિર્ધારિત ધ્વજવંદન કાર્યક્રમ માટે નીકળ્યો. એક અધિકારી મારી સાથે વઢવા બેઠા. હું સિવિલ હોસ્પિટલ ઉતર્યો ત્યારે તાવની સાથે માથાનો દુઃખાવો થઈ ગયો. કાર્યક્રમનો ઉત્સાહ ઘટ્યો. મારો ડ્રાઇવર કહે સાહેબ તમે મારી હાજરીમાં કેમ બધુ સાંભળી લીધું?
અમે સરકારી GR કરી મેડીસિટી ઓથોરિટીને રચના કરી. તેના રજીસ્ટ્રેશન ફોર્મમાં બધાની સહીઓ થઈ. પરંતુ એક અધિકારીને શું સૂઝ્યું કે રજીસ્ટ્રેશન માટે જતાં કર્મચારીને રોકી ફોર્મમાં કરેલી તેમની સહી છેકી નાંખી સંસ્થાના રજીસ્ટ્રેશનની કામગીરી ખોરંભે પાડી. પ્રથમ રજીસ્ટ્રેશન વખતે GR મુજબના સભ્યોની સહીઓ ફરજિયાત હતી. ખબર નહીં પછી એ ઓથોરિટીનું શું થયું? મારી ડિઝાઇન મુજબ મેડીસિટીને નોટીફાઈડ એરિયાની જેમ એક વિશિષ્ટ દરજ્જો આપી તેનું સીવીક અને મેડિકલ બંને વ્યવસ્થા તંત્ર મજબૂત કરવાના હતા.
પ્રધાનમંત્રી દ્વારા મેડીસિટી કેમ્પસના લોકાર્પણના કાર્યક્રમના દિવસે જામનગર મેડિકલ કોલેજ કેમ્પસ અને તેની હોસ્ટેલના મકાનોનું લોકાર્પણ પણ રાખેલું. બંને કાર્યક્રમોમાં પ્રધાનમંત્રીની હાજરી. તેથી અમદાવાદનો મુખ્ય સ્ટેજ કાર્યક્રમ અધિક મુખ્ય સચિવે સંભાળવાનો અને જામનગર વિઝીટ કાર્યક્રમમાં આરોગ્ય કમિશ્નરને મોકલવાનો નિર્ણય મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ અને મુખ્ય સચિવે લીધો અને તે મુજબ અમદાવાદ મેં સંભાળ્યું અને આરોગ્ય કમિશ્નરને જામનગર મોકલાયા. અહી અમદાવાદ સ્ટેજનો મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ, અધિકારીઓના નામ સહિત યાદી દિલ્હીથી મંજૂર થઈ આવેલી તેથી તેમાં કોઈ ફેરફાર થાય નહીં. ત્યાં કમિશ્નરને મુખ્યમંત્રી સાથે હેલિકોપ્ટરમાં જગા મળતાં તેઓ મુખ્યમંત્રી સાથે અમદાવાદ કાર્યક્રમમાં હાજરી આપવા આવી પહોંચ્યા. મહાનુભાવોને ફૂલહાર કરવાની યાદી દિલ્હીથી મંજૂર થઈ આવેલી તેમાં તેમનું નામ નહોતું તેથી સ્ટેજ પર on the spot ફેરફાર કરી તેમનું નામ ઉમેરણ ન થતાં તેઓ નારાજ થયાં.
એક ૧૯૭૨ બેચના નિવૃત્ત ACS અમારા તબીબો અને મેડિકલ સ્ટાફની વર્લ્ડ સ્ટાન્ડર્ડ સાથે ચકાસી તેને વિશ્વ કક્ષાની મેડિકલ ઈન્સ્ટિટ્યુટ સાથે સંકલન કરી તાલીમ આપવાની EYની એક પ્રોજેક્ટ પ્રપોઝલ લઈ આવ્યા. હજી અમે ચર્ચા સંવાદ કરીએ ત્યાં તો તેઓ અને હું મળી કોઈ મોટી ગેરરીતિ કરવાનું આયોજન કરી રહ્યા હોય તેવી અફવા મુખ્યમંત્રીના મોઢેથી સાંભળવા મળતા હું ચમક્યો. મેં મુખ્યમંત્રીને કહ્યું કે તે અધિકારીને તેઓ પોતે મળી તેમનું પ્રેઝન્ટેશન સાંભળી સમજી લે. તેઓએ વાત હસી ટાળી. અમેરિકાની એક સંસ્થા સાથે AIનો ઉપયોગ કરી ખાસ કરીને x-ray image dataનો કરી radiological diagnosisમાં ઉપયોગી થવા સંવાદ થયો. આમેય સરકારમાં radiologistsની તંગી તેથી વાત ઉપયોગી પરંતુ data ચોરીની વાત આવી એટલે વાત વિચારણામાં જ રહી. આજે પાંચ વર્ષ પછી AI revolution તબીબી સારવારમાં ક્રાંતિ લાવી રહેશે તેવું જણાય છે.
મુખ્યમંત્રી, સીએમ ઓફિસ અને જીએડીના અધિકારીઓ પાસેથી મારા વિરુદ્ધ થઈ રહેલી કાન ભંભેરણીની ખબરો મને મળતી રહી. કોઈક મારા ભૂતકાળને ખોદવા મથી રહ્યુ હતું. મુખ્ય સચિવને અગાઉ એકવાર મળી આવેલો તો કહે તુમ ઝેલો. ઉલટાનું તેમણે તો પોતાની મેળે રીપોર્ટિંગ અધિકારીમાંથી મારું નામ દૂર કરી મને સાવ કમજોર કરી દીધો. હવે મારે મારું સંભાળવાનું હતું. RO તરીકે હટાવ્યા પછીના તે ૧૨-૧૫ મહિના મને આકરા પડ્યા. આરોગ્ય વિભાગનું આરોગ્ય જાળવવા જતા મારું આરોગ્ય કથળ્યું. મેં ચિત્તને અભ્યાસ તરફ વાળ્યું. મારો બ્લોગ, આધ્યાત્મિક યાત્રા તો ચાલુ જ હતી છતાં નામ આગળ ડોક્ટર લખાવી લઈએ તેવા મોહે કરીને GTUમાં PhD અભ્યાસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં નિષ્ણાત તબીબોની ઘટ પૂરી કરવા અને ગ્રામ્ય પ્રજાને અદ્યતન સારવાર આપવા IT Solution આપવા સંશોધન અભ્યાસ શરૂ કર્યો.
આરોગ્યમાં હોવા અને આરોગ્ય બગડવાને સીધો સંબંધ. મને સ્વાઈન ફ્લુ થયો. જેણે શરીરને જીર્ણ કરી દીધું. તેમા એક વર્ષનું એક પ્રકારનું માનસિક ઉત્પીડન ઉમેરાયું. જૂન ૨૦૧૯માં હવામાનમાં વર્તાયેલ મુંખ્ય સચિવની ખુરશી જવાનો યોગ ગણો, કે મને નાણાં અને ગૃહને બદલે કૃષિ વિભાગમાં મૂક્યો ત્યારે ખટપટનો ખેલ સમજાયો. કૃષિ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે ૧૧ મહિના ફરજ બજાવી જ્યારે ૩૧ જુલાઈ ૨૦૨૦ ના રોજ નિવૃત્ત થયો તેના ચાર જ મહિનામાં હ્રદયે જવાબ આપ્યો. હાર્ટ ફેલ થયું, ત્રણ સ્ટેન્ટ મૂકાયા તેથી હું બચ્યો. પરંતુ તે પડાવે પહોંચતા પહેલાં મારે હજી એક છેલ્લી સફર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં કરી પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવવા ઉપરાંત સાત પગલાં ખેડૂત વિકાસના ઉઠાવવાના હતા અને તીડોનો સામનો કરવાનો હતો. કોવીડના કહેરને નિયંત્રણમાં લેવા પણ પોતાની એક ભૂમિકા ભજવવાની હતી.
૧૫ ઓક્ટોબર ૨૦૨૫
સાહેબ, દર્દ અને દર્દી બદલાય છે,પણ પીડા લગભગ સરખી જ હોય છે. એટલે જે આપે સહન કર્યું છે એવુ જ કંઈક અમારે ભાગે પણ આવ્યું જ છે,
ReplyDeleteઆ એ દેશ છે જયાં પરફોર્મન્સ થી વધારે જાતિ નું મહત્વ હોય છે.
Nofs Pulli stands out as a growing landmark that blends tradition with modernity. Although lesser known on the national map, it holds local significance and is rapidly gaining attention for its strategic location, cultural essence, and community-centered environment.
ReplyDelete