વિદાય વેળાએ (૩૫)
૧૯૭૯થી જે સરકારમાં ૪૧ વર્ષ સેવા કરી તેની વિદાયનો સમય આવી ગયો. ૩૦ જુલાઈ ૧૯૭૯ની સવારે નોકરીએ ચડેલો હું ૩૧ જુલાઈ ૨૦૨૦ની સાંજે નિવૃત્ત થયો. જૂના સચિવાલય, નવા સચિવાલય, જિલ્લાઓ, ખાતાના વડાઓની કચેરીઓ ફરી વળી પાછા સચિવાલય કેમ્પસમાં પૂરા થયા. સચિવાલયના આ કેમ્પસની કચેરીઓમાં ચેમ્બરોમાં બેસી જીવનના વીસેક વર્ષ પસાર કર્યા હતા. અહીં કેટલાયના ઉતાર અને ચડાવ જોયા છે. માધવસિંહ સોલંકીથી લઈ વિજયભાઈ રૂપાણી સુધીના મુખ્યમંત્રીઓ અને અનેક મંત્રીઓ સાથે રહી રાજ્યની પ્રજાની સેવાનો અવસર પ્રાપ્ત થયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તો છેક ફેબ્રુઆરી મહિનાથી કહેતા કે પૂનમચંદ તમારી સેવાઓ હું નિવૃત્તિ પછી ચાલુ રાખવાનો છું. પરંતુ કોવિડ આવ્યું, બધાનું ધ્યાન કોવિડ નિયંત્રણ, સારવાર અને વ્યવસ્થા સંચાલન તરફ વળ્યું અને મને લાગ્યું કે મુખ્યમંત્રીનો ઉત્સાહ હવે ઠંડો પડવા લાગ્યો.
રાજ્યપાલશ્રીએ મારું પ્રાકૃતિક અભિયાન કામ જોયેલું અમે ખૂબ જ ટૂંકા સમયમાં તેને જન આંદોલનમાં ફેરવી નાખ્યું તે જોઈ તેમણે મારી સેવા લંબાવવાનો મનોમન નિર્ણય કર્યો. તેમણે મને આંધ્રપ્રદેશના એક નિવૃત્ત અધિકારી પ્રાકૃતિક કૃષિમાં જોડાયેલા તેના નિવૃત્તિ પછીના પદભાર, પગાર અને સેવાની શરતો મેળવી આપવા કહ્યું. મેં તે મેળવી તેમને આપી. તેમણે ખાસ મારા માટે થઈ મુખ્યમંત્રી સાથે બીજા કામને જોડી બેઠક પણ કરી. પરંતુ કોઈ અજ્ઞાત અવરોધે વાત ન બની. બંને જણ શાંત રહ્યા અને હું ૩૧ જુલાઈ ૨૦૨૦ના દિવસે કચેરી સમય પૂરો થતાં સેવા નિવૃત્ત થયો. પ્રથા મુજબ સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ નિવૃત્તિ હુકમ અને બુકે લઈ મને મળવા આવ્યાં. બીજા પાંચેક IAS અધિકારીઓ આવી મળી ગયા. કોવિડને કારણે બધાં ઓછા મળતાં. બે-ત્રણ મહિના પછી સ્થિતિ વધુ સામાન્ય બનતા Committee of Secretariesમાં મને આમંત્રી પ્રથા મુજબ farewell અપાઈ. વરસ પછી IAS Association દ્વારા છેલ્લા બે વર્ષમાં નિવૃત્ત અધિકારીઓના બહુમાનનો કાર્યક્રમ રાખી તેમાં વિદાય પ્રશસ્તિ પત્ર આપ્યા. બસ સંબંધ પૂરો થયો.
૩૧ જુલાઈ ૨૦૨૦ ના રોજ નિવૃત્તિ પછી હું મારા કુટુંબ તરફ વળ્યો. જીવનમાં ફરી પાછો નોકરી નહોતો કરતો અને કુટુંબ સાથે રહેતો તે દિવસો પાછા આવ્યા. મારી નિવૃત્તિની વાટ જોઈ બેઠા હોય તેમ નાના પુત્ર ધવલને ત્યાં પૌત્ર હિરણ્ય નવેમ્બર ૭, ૨૦૨૦ ના રોજ જન્મ્યો અને મોટા પુત્ર ઉજ્જવલને ત્યાં પૌત્ર ધૈર્ય એપ્રિલ ૫, ૨૦૨૧ના રોજ જન્મ્યો. હવે મારી પાસે પાંચ પાંડવોની જેમ બંને પુત્રોના પાંચ સંતાનો (કાવ્યા, રીયા, કૃષ્ણા, હિરણ્ય, ધૈર્ય) રમવા, ભણવા, જમવા અને ફરવાની કંપનીમાં હતા. જીવન નંદનવન બની ગયું.
પરંતુ તે પહેલાં ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ની વહેલી પરોઢે મારે કાર્ડિયાક એરેસ્ટનો સામનો કરવો પડયો. મને ઘટતા બળને કારણે કંઈક તકલીફ હોવાનો અંદેશો હતો અને આરોગ્ય વિભાગમાં હતો ત્યારે સળંગ એક વર્ષ દર મંગળવારે યુએન મહેતા કાર્ડિયાોલોજી ઈન્સ્ટિટ્યુટની મુલાકાતે જતો, પરંતુ કર્મયોગીના અતિ ઉત્સાહમાં હું તપાસથી દૂર રહ્યો. વાર્ષિક તપાસણી થતી તેમાં સબ સલામતમાં ચાલી જતું. મારે મારું પંપીંગ પંચાવનથી ઘટી પચાસ પર આવ્યું ત્યારે ચેતી જવાનું હતું પરંતુ કાયમની જેમ હું મારી જાત પ્રત્યે બેદરકાર રહ્યો.
શિયાળાની તે વહેલી સવારે ઠંડી ઘણી હતી. કાયમ મારી સાથે રહેતી લક્ષ્મી મહિનાથી ધવલભાઈના ઘેર વહુ કિંજલ અને નવજાત શિશુ હિરણ્યની સંભાળ માટે સામેના સેક્ટરમાં સૂતી હતી. હું એકલો પથારીમાં સૂતો. દરરોજ સવારે મારે ૩.૩૦ આસપાસ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાની ટેવ. તે સવારે આંખો ખુલી પણ શરીર મુવ ન થાય. હાથ ઉપાડી જોયો તો ન ઉપડ્યો. માથું અને ધડ પરસેવે ભીનું. હું ચેત્યો. શરીરમાં જે બળ હતુ તે કેન્દ્રિત કરી શરીરને ઠેલીને ઉઠાવ્યું. બાજુના ઓફિસ રૂમમાં ગયો. એક કાંકરી ગોળ મોઢામાં મૂકી દીધો અને મોબાઇલ લઈ ઉપરના માળે ઊંઘતા પુત્ર ઉજ્જવલને ફોન કર્યો. નસીબજોગે તેણે પહેલી રીંગમા ફોન ઉપાડ્યો. તે નીચે આવ્યો અને મારી સૂચના મુજબ એક્યુપ્રેશરના પોઈન્ટ દબાવવા શરૂ કર્યુ અને પછી તેની પત્નીને સોંપી ધવલના ઘરે જઈ લક્ષ્મીને લઈ આવ્યો. ગરમ ગરમ કોફી બનાવી મને આપી એટલે ચેતના વધી. મેં ઘડિયાળ જોઈ હજી ૬ વાગ્યા હતા. ડ્યુટી પર જુનિયર ડોક્ટર્સ હશે તેમ માની મે યુએન મહેતા હોસ્પિટલ જવામાં વિલંબ કર્યો. મને હવે ઠીક લાગી રહ્યું હતું. ડ્રાયવરને ફોન કરી બોલાવ્યો. હું નાહી તૈયાર થયો અને યુએન મહેતા પહોંચ્યા ત્યારે લગભગ સાડા દસ અગિયાર થઈ ગયા હતા.
અગાઉ ફોન કરી રાખેલ તેથી ટીમ તૈયાર હતી મને સીધા જ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. મારી સાથે વાત કરતાં કરતાં એનેસ્થેસિયા આપી દીધો અને ડો. આનંદ શુક્લ, ડો. જયેશ પ્રજાપતિ, ડો. સીબાશીષ સાહુની ટીમ મારી એન્જીઓગ્રાફી કરી એન્જીઓપ્લાસ્ટી કરવા કામે લાગી ગઈ. મને જ્યારે ભાન આવ્યું ત્યારે હું OTમાં હતો અને કોઈક બોલી રહ્યું હતું કે તે સ્ટેન્ટ તેની જગ્યાએથી આગળ નીકળી ગયો. મને કહ્યું કે બધી પ્રોસિજર હવે પૂરી થવામાં છે બસ છેલ્લે હ્રદયના બધા સેકટરોમાં કેમેરો ફેરવી જોઈ લેવાનું છે. વાત કરતા કરતા મને ક્યારે ફરી એનેસ્થેસિયા આપ્યો તે ખબર ન રહી. જ્યારે ભાન આવ્યું ત્યારે યુએન મહેતા ઈન્સ્ટિટ્યુટની નવી બિલ્ડિંગના વીઆઈપી રૂમ નં-૧માં હું પથારીમાં હતો. ડો. આર. કે પટેલ આવ્યા, કહે સાહેબ તમે બનાવેલી હોસ્પિટલના વીઆઈપી રૂમનું તમારાથી જ ઉદઘાટન કરાવી લીધું. હું હસ્યો. યુએન મહેતા ઈન્સ્ટિટ્યુટના ચુનંદા કાર્ડિયાોલોજિસ્ટની ટીમે મને ત્રણ સ્ટેન્ટ મૂકી દીધા હતા. મારી RCA બંધ હતી તેથી તેમાં બે સ્ટેન્ટ લાગ્યા અને ડાબા હ્રદયમાં તેમણે lcxમાં એક સ્ટેન્ટ મૂકી LAD ૭૦ ટકા બ્લોક હોઈ તેને છોડી દીધી. છ મહિના પછી ફરી LADમાં સ્ટેન્ટ મૂકવાની સલાહ આપી મને બે દિવસના ઓબ્ઝર્વેશન પછી રજા આપી.
ત્રણ સ્ટેન્ટ અને નવી દવાઓ, મારું હ્રદય રીકેલીબરેશનમાં દાખલ થયું અને મારી તબિયત સુધરવાને બદલે બગડવા લાગી. મારું પંપીંગ ૪૦ ટકા થઈ ગયુ હોવાથી હું મારા ઘરની બાજુ આવેલા તળાવનો એક કિલોમીટરનો આંટો મારવા ચાલુ તો વચ્ચે પાંચવાર બેસવું પડે. ચહેરો કાળો પડવા લાગ્યો અને શરીર અશક્ત. યુએન મહેતા ઈન્સ્ટિટ્યુટમાં ફોલોઅપ માટે જાઉં તો ઈકો સુધારો બતાવે. હ્રદય તેની મૂળ સ્થિતિમાં આવી પહોળું થવામાંથી રોકાઈ ગયું હતું તેથી નિયમિત દવા અને નિશ્ચિંત જીવન તેનો ઈલાજ હતા. હું દવા લેતો સાથે સાથે શરીરના અવાજને સાંભળતો. ભણેલા તેથી કઈ દવા કયા કામની છે તેની ખબર પડે તેથી જે તકલીફ ન હોય તે દવાનો ડોઝ હું ઘટાડીને બંધ કરતો ગયો અને જેમ જેમ દવા બંધ કરી તેમ તેમ મને સારું લાગવા માંડ્યું. મેં ડો. તેજસ પટેલને મળી તેમનો અભિપ્રાય લીધો અને માત્ર બ્લડ થીનર, સ્ટેટીન અને બીટા બ્લોકર ચાલુ રાખ્યા. સ્ટેટીનથી મને પગની પિંડીના સ્નાયુઓ દુઃખે તેથી ઘંઉ બંધ કરી બાજરાના રોટલે ચડ્યો અને સ્ટેટિનનો ડોઝ ઘટાડી બંધ જેવો કરી દીધો. બીટા બ્લોકર blood pressure માટે અપાય. જો બ્લડ થીનર લઈએ તો BP કાઉન્ટ વધે તેથી તે બંને લેવા પડે. જો થીનર બંધ કરીએ તો BP નોર્મલ થઈ જાય. મારે ધીમે ધીમે વર્ષ વિતવા લાગ્યા અને જેમ જેમ હ્રદયમાં કોલેટરરલ નળીઓ બનતી ગઈ તેમ તેમ તબિયત સુધારવા લાગી. ડાયાબિટીસમાં જેમ type-2 ડાયાબિટીસ હોય તેમ હું હાર્ટ ફેઈલ્યોરના class-2 પર છું. Class-3 ન આવે તેની કાળજી લેવાની છે. થોડા સમય પહેલાં થેલીયમ ટેસ્ટ (nuclear stress test) કરાવી આવ્યો. હ્રદયના ૧૭માંથી ૧૦ સેકટર અસરગ્રસ્ત છે પરંતુ સાવધાની રાખી દુર્ઘટના દૂર રાખી શકાય તેમ છે.
અહીં હું જુલાઈ અંતે ૨૦૨૦માં નિવૃત્ત થયો અને ત્યાં મુખ્યમંત્રીને તેમણે આપેલું વચન સતાવે. ગૃહ વિભાગની એક ફાઈલ ગઈ જેમાં ગુજરાત સ્ટેટ પોલીસ કમપ્લેઈન્ટ ઓથોરિટી (GSPCA)ના સભ્ય તરીકે મુકવાની બાબત હતી. તેમને તે પદ, તેનું કદ, તેના પગાર લાભો વિશે કોઈ માહિતી નહી. તેમણે મારું નામ લખી મને GSPCAનો સભ્ય બનાવી દીધો. મારી નિવૃત્તિના ત્રણ મહિના પછી ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ના જાહેરનામાથી હું ઓથોરિટીનો સભ્ય બની ગયો. ACS તરીકે મારી લાયકાત તેના ચેરમેન બનવાની ગણાય તેનો હું નામનો સભ્ય બન્યો. પરંતુ ના મામા કરતાં કાણો તો કાણો મામો તો ખરો. હું શાંત રહ્યો. તે ઓથોરિટીની બેઠક વર્ષે એકવાર કે વધુમાં બે વાર મળતી. તેમાં હાજરી આપવાનું મહેનતાણું ₹૧૫૦૦ મળતું. તેથી ₹૧૫૦૦ વાર્ષિક પગારની તે નોકરી આપી મુખ્યમંત્રીએ કેવું વચન પાળ્યું તે તો તેઓ જાણે. હવે તો તેઓ અકસ્માતે દિવંગત થયા તેથી તે રહસ્ય રહસ્ય જ રહ્યું. બીજી જગ્યાઓ સામે હતી પરંતુ સરકારના હાથ કોઈ અજ્ઞાત બળે મને બંધાયેલા લાગ્યા. અહીં મારી હાર્ટ ફેઈલ્યોરની સ્થિતિ તેથી મારે મોટું કામ ઉપાડવા જેવી સ્થિતિ નહીં તેથી મેરી ભી ચૂપ અને તેરી ભી ચૂપમાં ચાલ્યું.
ત્યાં આવ્યો ૨૦૨૧નો સપ્ટેમ્બર અને મુખ્યમંત્રી બદલાઈ ગયા. આખુ મંત્રીમંડળ ઘેર બેઠું. મને થતું હું તો ૪૧ વર્ષ નોકરી કરી ૩૫ વર્ષ IASના ઠાઠમાં જીવી નિવૃત્ત થયો છું અને અહીં તો કોણ ક્યારે રાયનો રંક અને રંકનો રાય બને તેની ખબર નથી. મેં નવા મુખ્યમંત્રીની વિવેક મુલાકાત એક એક વર્ષના અંતરે ચાર વાર લીધી અને મારી પૌત્રી કાવ્યાની તબિયત બગડતા અને મારી સુધરતા કોઈ મારે લાયક સેવા હોય તો વિચારવા વિનંતી કરી. પરંતુ દિવસો વિતાવતા વિતાવતા વર્ષ ગયા. વચનના વિશ્વાસે CAT-Memberની એક તક જતી કરી. હવે મારે ૬૫ થયા. બે સજ્જન રાજકારણીઓના વચન ભંગને જોઈ મને તેમની વાસ્તવિક સત્તા સ્થિતિનો ખ્યાલ આવ્યો.
અહીં ઘરમાં આપણે પાંચ પાંડવો (grandchildren) સાથે મસ્ત. મે GTUમાં PhD રજીસ્ટ્રેશન કરાવેલું તેથી સંશોધન અભ્યાસ ચાલુ રાખ્યો. નિયત DPCના પડાવ પાર કરતા કરતા open house કરી પરીક્ષા સમિતિ સમક્ષ થીસીસને જાન્યુઆરીમાં ડિફેન્ડ કર્યા પછી ૨૦૨૪ના જૂનમાં મને PhDની ડિગ્રી મળી.
૨૦૨૧ નવેમ્બરમાં ભરૂચમાં કાશ્મીર શૈવિઝમની એક શિબિરમાં લક્ષ્મી અને હું ગયા. વળતા કબીર વડ ગયા ત્યારે કબીર પંથનો વાર્ષિક મહોત્સવ બસ સમેટાયો હતો. હું ઉપસ્થિત ધાર્મિક લોકો સાથે થોડીક મિનિટ બેઠો તેમાં નાનો વાર્તાલાપ થયો તેના બદલામાં કોવિડ લઈ ઘેર આવ્યો. હું ફસાયો અને પછીથી લક્ષ્મી અને મારી પૌત્રી કાવ્યા. ઘરમાં મોનિટર એટલે SPO2 માપતા જઈએ અને દિવસો કાપતા જઈએ. હું ઉગર્યો. લક્ષ્મીને થોડી વધારે વાર લાગી. કાવ્યા તો ત્રીજા દિવસે જ સ્વસ્થ થઈ ગઈ હતી. આમ છતાં ઘરમાં નાના બાળકો એટલે અમે દર્દી પૂરતાં quarantineનું પાલન કર્યું હતું.
મેં GSPCAના સભ્ય તરીકે એપ્રિલ ૨૦૨૫ સુધી સેવાઓ આપી. ત્યાં ચેરમેન પદનું હતું પરંતુ છેલ્લી ઘડીએ કોઈ આવી ગયું. વચ્ચે છૂટક સરકાર યાદ કરે તેથી ખાનગી સંસ્થાઓની ફી નિર્ધારણ અંગેની એક સમિતિ માટે નાનકડુ કામ મળ્યુ. SPIPAની ગવર્નિંગ બોડીની બેઠકમાં સભ્ય તરીકે હાજર રહેવાનું થાય અને ક્યાંક કોઈક નિમણૂક પસંદગી સત્તા મંડળના ઈન્ટરવ્યુમાં જવાનું થાય ત્યારે પાટલૂન બુશકોટ પહેરવા મળે. નહિતર નિવૃત જીવનનો આનંદ અનેરો. કપડાં લતાનો મોહ તો જાય પરંતુ ક્યારે કયો વાર પડ્યો અને કઈ તારીખ આવી અને ગઈ તેની ખબર ન રહે. અહીં બેઠા બેઠા સવારની સાંજ થાય અને સાંજની સવાર. રવિવાર આવતા જાય, શિયાળો ઉનાળુ ચોમાસું બેસતા જાય, દિવાળીઓ પસાર થતી જાય અને વર્ષો જાણે દિવસો જાય તેમ જતા જાય. જીવનની ઘડિયાળ જાણે તેજ બની ગઈ. આઈન્સ્ટાઈનનો સાપેક્ષતાવાદનો સિદ્ધાંત બરાબર બંધ બેસી ગયો છે.
એક ચાલીનું જીવન હતું, બીજું પદ અધિકારનું અને હવે ત્રીજું સુખ શાંતિનું સામાન્ય નાગરિકનું છે. આધ્યાત્મિક રહસ્યો ખુલવાને અને કલમને જાણે મોકળો માર્ગ મળ્યો. બજાર જઈએ, લોકોને મળીએ એટલે આનંદ આવે. સચિવાલય મીના બજારમાં જઈ બારોટની ₹૧૫ની ચા પીઈએ કે રાજકોટ ભજીયા હાઉસના ₹૫૦ની એક પ્લેટ ભજીયા ખાઈએ, ટેસડો પડી જાય. શાક માર્કેટમાં લીલાછમ શાકભાજી અને ફળોના લાઈનમાંથી પસાર થઈએ એટલે જીવંત સૃષ્ટિ ભેળા રહી આપણી આવરદા વધી જાય. અમદાવાદ લાટ બજાર હોય કે કાલુપુર શાક માર્કેટ કે નરોડા ફ્રૂટ માર્કેટ, ક્યાંથી શું લેવું દુકાનો બધી યાદ રહી જાય.
અધિકારમાં હતા ત્યારે તે કૂવો મોટો દેખાતો. હવે તો કોણ મુખ્યમંત્રી અને કોણ મંત્રી, કોણ મુખ્ય સચિવ અને કોણ સચિવ, કોણ કલેકટર અને કોણ જિલ્લા વિકાસ અધિકારી? અંદરનો ભેદ તો અમને ખબર જ છે. આપણે કામ ન હોય ત્યારે એ જગત હવે આપણાં શા કામનું? અહીં તો મનડું માંગે તો ચા મળે અને મનડું માંગે તો મેવા મિષ્ટાન. થાક લાગે તો આરામ કરવાનો અને ઉઠીએ એટલા વાગે થાય સવાર. વાંચન થાય, લેખન થાય, ગપ્પા લડાવાય, અને ટીવી, સોશિયલ મીડિયામાં થઈ રહેલો ખેલ જોવાય. અહીં કોનું ગાડું, કોણ ભાર વહન કરે અને કોણ શ્વાન બની તાન કરે બધે બધું ચોકખુ દેખાય. અભિનયની દુનિયા છે.
ભાવનગરના ગુજરાતી કવિ બેફામ (બરકતઅલી વિરાણી)ની એ શાયરી કહેતા અમારા જીએડી પ્લાનિંગના નાયબ સચિવ મધુભાઈ ભટ્ટ યાદ આવ્યા. તેઓ કહેતાં, “બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું? નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી”. જીવન રસ પીરસતુ પેલું કાવ્ય પણ બેફામનું જ તો હતું, “નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે”. નયન અને કબર, બે પલકની માંય બિડાયા તે ઘડી લગીનો આ જીવન વૈભવ છે.
૧૭ ઓક્ટોબર ૨૦૨૫
0 comments:
Post a Comment