Thursday, October 16, 2025

સાત પગલાં ખેડૂત કલ્યાણના (૩૪) કોવિડ મહામારી

સાત પગલાં ખેડૂત કલ્યાણના (૩૪) કોવિડ મહામારી

હું શહેરનો જણ પરંતુ મારા દાદા અને પરદાદા ખેડૂત હતા. પિતા ખેડૂત પુત્ર અને પત્ની ખેડૂત પુત્રી. તેથી ખેતી માટે મને અનાયાસે પ્રેમ રહેતો. ૧૯૭૯ના ચોમાસામાં સચિવાલય ગાંધીનગરની મારી પહેલી નોકરીમાં રસ્તાઓની બંને બાજુ લહેરાતી હરિયાળીએ મને તેનો દિવાનો બનાવી રાખ્યો. સાસરી ગામડે એટલે ત્યાં જાઉં ત્યારે ગ્રામ્ય જીવનની સુગંધની સાથે ત્યાંના ખેતરોની લીલી વરિયાળીનો સ્વાદ મને બહુ ભાવતો. નિયતિ મને મુખ્ય સચિવના ચોકઠે બેસાડી મીટીંગ રૂમની જિંદગીમાં બંધ કરવા માંગતી નહોતી. અહીં મારે આરોગ્ય વિભાગની ખટપટ વધી હતી અને ત્યાં કૃષિ વિભાગમાં અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદની તેમની નિવૃત્તિ પછીની નિમણૂક માટે રાજ્ય ચૂંટણી પંચમાં બુક થઈ ગયા હતા તેથી સરકારે મને ખસેડી તેમની જગ્યાએ અધિક મુખ્ય સચિવ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તરીકે મૂકી દીધો. મેં ચાર્જ લીધો સપ્ટેમ્બર ૩, ૨૦૧૯ અને બીજા જ દિવસે મહાત્મા મંદિરમાં સુભાષ પાલેકર કાર્યશાળા. ચાર્જ લીધાની સાંજે જ મારે ગુજરાતના રાજ્યપાલ મહોદય દેવવ્રત આચાર્ય સાથે પ્રાકૃતિક કૃષિની બ્રીફિંગ વાર્તા થઈ. 

તેઓએ જુલાઈ ૨૦૧૯માં ગુજરાતના રાજ્યપાલનો હવાલો સંભાળ્યો ત્યારથી પ્રાકૃતિક કૃષિની કામગીરી આરંભી દીધી હતી. અગાઉ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે તેમણે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને વધારી દેશના પ્રધાનમંત્રીનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેઓ આર્ય સમાજ ગુરુકુળ સંચાલિત એક શાળાના આચાર્ય હતા મધુરભાષી તેથી વકતવ્ય આપે તો એટલી સુંદર રજૂઆત હોય કે બસ સાંભળતા રહીએ. બીજા જ દિવસે ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ મહાત્મા મંદિરમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ શાળાનું આયોજન હતું. રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય કૃષિ મંત્રી, મંત્રીઓની હાજરીમાં કાર્યશાળાનું ઉદ્ઘાટન થયું અને તેમાં દિવસભર ચાલેલા સંવાદમાં રાજ્યપાલ, સુભાષ પાલેકર, કૃષિ યુનિવર્સિટીઓના VC, આત્મા, કૃષિ અને પશુપાલન તંત્રના અધિકારીઓ- કર્મચારીઓ, કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલી સંસ્થાના પ્રતિનિધિઓ, પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલી સંસ્થાઓ, નિષ્ણાતો અને મોટી સંખ્યામાં ૧૦,૦૦૦ જેટલા પ્રગતિશીલ ખેડૂતો જોડાયા. મારે તો એક જ દિવસમાં પ્રાકૃતિક કૃષિનો પાઠ પાકો થઈ ગયો. તેની ફોલોઅપ બેઠકો રાજ્યપાલશ્રીએ ૫ સપ્ટેમ્બર અને ૧૬ ઓક્ટોબરે લીધી. અમે રાજ્યને ચાર ઝોનમાં વહેંચી ચાર કૃષિ યુનિવર્સિટીઓના પટાંગણમાં જૂનાગઢ, દાંતીવાડા, આણંદ અને નવસારીમાં કૃષિ સંમેલનો યોજી ખેડૂત સમૂહો અને કૃષિ પશુપાલન તંત્ર અને આત્માના અધિકારીઓ કર્મચારીઓને પ્રાકૃતિક કૃષિમાં જોડાવા આહવાન કર્યું.  તે દિવસે રાજ્યપાલ, ડો. સુભાષ પાલેકર અને હું હેલિકોપ્ટરમાં સમગ્ર રાજ્યમાં ફરી વળ્યા અને ચારેય કાર્યક્રમોમાં ઉદ્બોધન કરી અભિયાનની વાત મૂકી, ખેડૂતો સાથે સંવાદ જોડી પ્રાકૃતિક કૃષિનો સંદેશો ગામેગામ પહોંચાડી દીધો. 

અમારી પાસે રાજ્યપાલશ્રીનું નેતૃત્વ, ડો સુભાષ પાલેકરે જીવામૃતથી લઈ રાસાયણિક ખાતર અને કીટનાશકના ઉપયોગ વિના બિનઝેરી કૃષિપેદાશો લેવાનું તાંત્રિક માર્ગદર્શન હતું. હવે તેને સંગઠનાત્મક રીતે વાળી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિમાં રસ જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની હતી. અમારી ATMA (Agriculture Technology Management Agency)નું માળખું ઉપરાંત કૃષિ, બાગાયત, પશુપાલનનું સરકારી તંત્ર હતુ. 

અમે વડતાલ સ્વામિનારાયણ મંદિર કેમ્પસમાં ડો સુભાષ પાલેકર દ્વારા માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરવાની એક કાર્યશાળા યોજી. તેની સાથે રાજ્યમાં ૩૨ જગ્યાએ વીડિયો કોન્ફરન્સીંગથી બીજા માસ્ટર ટ્રેનર્સ જોડી ૧૯૦૦૦ જેટલાં માસ્ટર ટ્રેનર્સ તૈયાર કર્યા. સેટેલાઈટ સ્ટેશનો પર ખંતીલા અધિકારીઓ રાખી ત્યાં પણ વડતાલ કાર્ય શિબિરની જેમ સમગ્ર તાલીમ ગંભીરતાપૂર્વક સંપન્ન કરી. તાલુકે તાલુકે અને જિલ્લે પ્રાકૃતિક કૃષિ કરતાં પ્રગતિશીલ ખેડૂતોને કોઓર્ડિનેટર તરીકે મૂકી ગ્રામ પ્રાકૃતિક કૃષિ સમિતિ સાથેનું એક નેટવર્ક ઊભું કરી દીધું. ગામેગામ પ્રાકૃતિક કૃષિની તાલીમના વર્ગો શરૂ કરી દીધા.

ત્યાં આવ્યું ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૦નું બજેટ. સાત પગલાં ખેડૂત કલ્યાણની સાત યોજનાઓ મેં રજૂ કરી દીધી. તે બે મહિના તો ચિરસ્મરણીય રહ્યા. ત્રણ મોટી ઘટનાઓઃ નમસ્તે ટ્રમ્પ, બજેટ અને માર્ચના છેલ્લા અઠવાડિયે આવેલું કોવિડ લોકડાઉન. બજેટની મુખ્યમંત્રી અને નાણામંત્રીની ઉપસ્થિતિમાં યોજાતી સચિવોની બેઠકોમાં મેં મારા વિભાગ માટે સાત પગલાં ખેડૂત કલ્યાણના નેજા તળે ખેડૂત કલ્યાણની નવી સાત યોજનાઓ તો રજૂ કરી દીધી જેમાં બે યોજનાઓ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની હતી. તે ઉપરાંત લોક કલ્યાણની બીજા વિભાગોની યોજનાઓની ચર્ચામાં મેં આગેવાન ભાગ લીધો અને જ્યાં જરૂરી લાગ્યા તે સૂચનો મૂક્યા. સરકારના લગભગ તમામ મોટા વિભાગો સંભાળી આખી સરકાર ચલાવીએ તેટલો મારો અનુભવ હતો. નિવૃત્તિ સમય નજીક આવી રહ્યો હતો તેથી બૂઝતો દીપક ફડફડાઈને પણ વધુ રોશની કરે તેમ મેં મારો ફાળો આપ્યો. જ્યારે વિધાનસભામાં બજેટ રજૂ થયું અને બીજા દિવસે છાપાની હેડલાઇન્સથી સમાચાર છપાયા ત્યારે મુખ્યમંત્રી રૂપાણી સાહેબના તે શબ્દો “પરમાર, આજે તો તમે છવાઈ ગયા. સમાચાર પત્રોમાં તમારી યોજનાઓની જ હેડલાઇન્સ છે”. મારા માટે તેમના શબ્દો મોટો શરપાવ હતાં. 

તેઓએ અગાઉ ૧૯-૨૩ ઓક્ટોબર ૨૦૧૯માં ઉઝબેકિસ્તાન મુખ્યમંત્રી ડેલિગેશન લઈ ગયા ત્યારે મને સાથે લઈ જઈ મારું માન વધાર્યું હતું. તેમની મર્યાદાની મને ખબર હતી તેથી તેમની હદમાં રહી તે મારા પ્રત્યે હમદર્દી અને પ્રેમ રાખતા. બાકી તો ઉપરવાળા આગળ કોનું ચાલ્યુ છે? ઉઝ્બેકિસ્તાનનો એ પ્રવાસ યાદગાર રહ્યો. સરકારી ખર્ચે એ મારો છેલ્લો વિદેશ પ્રવાસ. અમે બાબરનું જન્મસ્થાન અંદીજાન, સીલ્ક રૂટનું અને તૈમૂર લંગના સ્થાપત્યોથી ભરપૂર સમરકંદ, ઈસ્લામિક શિક્ષણનો ફેલાવો કરનાર બુખારા અને તે દેશની રાજધાની તાસ્કંદ જોયા. તેના વર્ણન માટે પૂરો નવો લેખ લખવો પડે. પરંતુ એટલું કહી શકાય કે તેના બાળકો, યુવાનો, યુવતીઓ, વૃદ્ધોમાં તાજગી આપણાં કરતાં સવિશેષ. જીવન તેમનું બુરખા અને દાઢીથી દબાયેલું નહીં પરંતુ ખુલ્લુ આધુનિક. તેમના યુવાનોના પગની લંબાઈ અને થડકાર જોઈ તમને બાબરનું અનુમાન થઈ આવે કે એક યુવાન એક ઘોડો દોડાવતો દોડાવતો પાણીપત જીતી કેવી કુશળતાથી દિલ્હીનો બાદશાહ બન્યો હશે. ત્યાંની પ્રજાને બાબરના નામથી વિશેષ કોઈ ખબર નહી. હું વાત શરૂ કરું તો બસ સાંભળતા જાય કહે કે મારે તેમના રેડિયો અને ટીવી પર જઈ વાર્તાલાપ કરવો જોઈએ. તેમની મહેમાન નવાજી અદ્ભુત. મુખ્યમંત્રીને તો એક દેશના પ્રધાનમંત્રી જેમ સન્માન આપ્યું હતુ. અમે ઉતરીએ એટલે વેલકમ કરવા ડ્રાયફ્રૂટના થાળ લઈ રસ્તાની બંને બાજુ સજીધજીને ઉભેલી કન્યાઓ મનમોહક હતી. અમારા લંચ ડીનર વખતે રજૂ થતા લોકનૃત્યો અને ગીતો અમને બાબર અને અકબરના દરબારોમાં કેવી રંગત જામતી હશે તેનો અહેસાસ કરાવતા. આમેય તે કોમ નાચ, સંગીત અને ભોજન પ્રિય. ભારતમાં મુઘલ રાજે તેના ભોજન, પ્રમોદ અને સ્થાપત્યો થકી ભારતીય જીવનશૈલીમાં એક અમીટ છાપ મૂકેલી જ છે. તેના ખાદ્ય વ્યંજનો આપણે આજે ય ઘેર, શેરીએ, હોટલમાં જઈ માણીએ છીએ. તેનું સંગીત અને નૃત્ય આવે તો હિન્દી ફિલ્મો આજેય હીટ થાય છે. ત્યાંનુ કાર્પેટ વણાટ અનોખું પરંતુ મોંઘુ. ઈરાન અને ઉઝબેકિસ્તાનથી આવેલી કાર્પેટ વણવાની કળા આજે આપણે ત્યાં કાશ્મીર અને ભદોઈ (યુપી) ને માન અપાવે છે. મેં તાશ્કંદમાં લાલ બહાદુર શાસ્ત્રી રોકાયા હતા તે હોટલ શોધવા પ્રયત્ન કર્યો પરંતુ ત્યાંની ઈમારતોની ભૂગોળ બદલાતા વાર નથી લાગતી. આમેય USSRના વિઘટન પછી ઉઝબેકિસ્તાન સ્વતંત્ર થયો હતો તેથી ઘણું બદલાઈ રહ્યું હતુ. અમે તેમના સ્મારક સ્થળે જઈ ભાવાંજલિ આપી. 

ઉઝબેકિસ્તાન મુલાકાતથી શીખ લઈ અમને થયું કે જો ત્યાંની સરકાર હજારો એકર જમીન નવસાધ્ય કરવા આપણાં ખેડૂતોને, ઉદ્યોગ સાહસિકોને મફત આપવા તૈયાર હોય તો આપણે ત્યાં કચ્છ અને તેની આજુબાજુના જિલ્લાઓની હજારો હેકટર ખુલ્લી જમીનોનો યોજના બનાવી ઉત્પાદકીય ઉપયોગ શક્ય છે. અમે યોજના બનાવી અને જમીનો નવસાધ્ય કરવાં નાણાકીય મોટું રોકાણ જોઈએ તેથી કંપની, ઓદ્યોગિક સાહસિકો માટે રસ્તો કર્યો. પરંતુ મહેસૂલ વિભાગ પાસેથી જમીન લેવી એ કાંઈ સહેલું કામ થોડું છે? મારે નિવૃત્ત થવાનું આવ્યું નહિતર એ કામ સુપેરે પાર પાડ્યું હોત. 

ઉઝબેકિસ્તાનની ટુર પરથી આવી ડિસેમ્બરમાં મુખ્ય સચિવ નિવૃત થતા હોઈ મારી શક્યતાને મેં ચકાસી જોઈ. મુખ્યમંત્રીને મળી વાત કરી. તેમણે પેટ છૂટી વાત કરતા કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી જેમ તેમણે ભૂલ કરવી નથી. મને કહે તમને તે ખબર જ છે. દિલ્હી જઈ પી. કે. મિશ્રા સાહેબને મળી આવો. મેં તેમનો સંપર્ક કર્યો પરંતુ તેમણે બીજું નામ આપ્યું. તેમનો સમય માંગ્યો તો મળ્યો નહીં. નામો વિચારણામાં લેવાયા તેમાં હું હતો. નિર્ણય લેવાના તે દિવસોને અમદાવાદની કોઈ બાબતે તેના કલેક્ટર ચર્ચામાં આવ્યા તેથી તંત્ર પ્રત્યેનો રોષ ગણો કે નારાજગી દિલ્હીથી મારા બેચ મેટને કેન્દ્ર સરકારના સચિવની ખુરશી છોડાવી મુખ્ય સચિવ તરીકે મોકલી આપ્યા અને આપણે નં.૨ તરીકે રહ્યા. 

તે વર્ષે કમોસમી વરસાદથી કેટલાક જિલ્લાઓમાં કૃષિ પાકોને નુકસાન થતાં ખેડૂતોને કૃષિ સહાય આપવાનું થયું. અમે OJASના મોડલ પર એક ઈ-ફોર્મ તૈયાર કરાવી online કર્યું. મારા પંચાયત વિભાગના કાર્યકાળ દરમ્યાન ઊભી કરેલ VLE ફોજને કામે લીધી. તેમને માનદ્ રકમ આપી ખેડૂતોના online ફોર્મ ભરાવ્યા. જેમના નહોતા તેમના બેંક એકાઉન્ટ ખોલાવ્યા અને રાજ્ય તિજોરીમાંથી એક જ દિવસે એક જ સાથે માજી પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસ ૨૫ ડિસેમ્બર ૨૦૧૯ના ‘સુશાસન દિવસે’ હજારો ખેડૂતોના ખાતામાં કૃષિ રાહત સહાયના નાણાં જમા કરી દીધા. ભારત સરકાર દ્વારા ૨૦૧૯ની ચૂંટણી અગાઉ જ્યારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના જાહેર કરી ખેડૂતોના ખાતામાં સીધી નાણાકીય સહાય જમા કરવાનું કર્યું ત્યારે અમારે મોડલ અને સીસ્ટમ તૈયાર હતા. સમ્માન નિધિનામનાણાં એક જ ક્લિકથી દિલ્હીથી સીધા ખેડૂતોના ખાતામાં જમા થવા લાગ્યા. ટેકનોલોજીએ વ્યવસ્થાને પારદર્શક અને ઝડપી બનાવી. તોય જે ખેડૂતોના કાયમી નિવાસ બહાર હોય કે ગામે ન રહેતા હોય તેમના ડમી ખાતા ખોલાવી રકમ એંઠી લેવાના પ્રયાસો કરનારા હોય પરંતુ સઘન ચકાસણી કરીએ એટલે પકડાઈ જાય. 

તે વર્ષે ડિસેમ્બર ૨૦૧૯ના શિયાળામાં જ્યારે ખેડૂતોના ખેતરો ઘઉં, ચણા, રાયડો, જીરું, દિવેલા અને બીજા રવિ પાકોની લીલોતરીથી છવાયેલા હતા ત્યારે રણતીડોનું આક્રમણ આવ્યું. સાઉદી અરેબિયા, ઈરાન, પાકિસ્તાનનો રૂટ લઈ તે ભારત પર ત્રાટક્યા હતા. ૨૦૧૮ના મે મહિનામાં અરેબિયામાં પાંગર્યા અને ૨૦૧૯માં આપણા પર આવી પડ્યા. આપણે ત્યાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લા અસરગ્રસ્ત થયા. બાજુમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશનો વિસ્તાર પણ અસરગ્રસ્ત. 

રણતીડો જબરા. કરોડોની સંખ્યામાં ઉતરે અને કલાક બેઠા હોય તો પણ બધું સફાચટ કરી દે. રણના તીડનું જીવન માંડ પાંચ થી છ મહિનાનું. પરંતુ તેમનું જીવન ચક્ર એવું કે એકમાંથી બીજી પેઢી જન્મે, પુખ્ત થાય અને મરતાં પહેલાં બીજી મજબૂત પેઢી મૂકી જાય. જેમ ભારત પર વિદેશી આક્રમણ છેક ગ્રીસ-ઈરાન-અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઈ ત્રાટક્યું હતું તેમ તીડોનો રૂટ પણ એટલો મોટો અને લાંબો. ભારત કરતાં પાકિસ્તાનને તેની માર વધારે પડે. ગુજરાત રાજસ્થાન પર તો સીધા સોમાલીયાથી દરિયો ઓળંગી ત્રાટકે. કેન્યાથી ચડેલી ચડાઈ ઈથોપિયા, અરબસ્તાન, બલુચીસ્તાન થઈ ગુજરાત રાજસ્થાન પર ત્રાટકે. બાજુનું મધ્યપ્રદેશ કે ઉત્તરપ્રદેશ કે હરિયાણા પંજાબ તેની મારમાંથી બાકાત ન રહી શકે. 

મોટાં વાદળોની જેમ ઉડી આવતી તીડોને મોટા મોટા અવાજો કરી, થાળીઓ વગાડી ખેડૂત પોતાના ખેતરમાં બેસતા રોકવામાં ક્યારેક સફળ તો થાય પણ તેમા પછીના જેના ખેતરમાં ઉતરે તેનો પાક નાપાક થઈ જાય. તેમને ઉડાડવા પછી ઝેરી દવાઓનો છંટકાવ કરવો પડે. જો તેઓ તેમનો શ્વાસ બંધ-સાવ ધીમો કરી, પાંખો સંકેલી બેસી જાય તો દવાઓના મોટા ફૂવારા પણ નકામા નીવડે. તેમની માદાઓ નવી પેઢી જણે એટલે સાવ એકાંત જેવી જગ્યાએ ઈંડા મૂકે અને તેની રક્ષા માટે તીડોનું એક કમાન્ડો દળ સિક્યુરીટી માટે મૂકી જાય. ઈંડામાંથી પછી તેના શિશુ (nymph) તૈયાર થાય. શિશુ જમીન પર ફૂદકે અને કોમળ પત્તી ખાઈ મોટા થાય.૩૦-૪૦ દિવસમાં તેમની ચામડી પાંચવાર બદલ્યા પછી તે પાંખવાળુ પુખ્ત તીડ બને એટલે તેમના સિક્યુરીટી કમાન્ડો સહિત મુખ્ય દળ સાથે જોડાઈ જાય. 

તેમને રોકવા અને નિયંત્રિત કરવા મર્યાદિત સમય મળે. તેઓ રાત્રે ઝાડો પર વિશ્રામ કરે એટલે રાત્રે પડતી ઝાકળથી તેમની પાંખો ભીંજાય. સવારના સૂર્યનો તાપ પડે અને તેમની પાંખો ૮-૯ વાગ્યા સુધી સૂકાય અને તેની પાંખોમાં બળ આવે અને ઉડે પછી તેમને નાથવા ભારે. તેથી પરોઢની ઠંડીમાં અમારા સ્પ્રેયર માઉન્ટેડ ટ્રેક્ટર્સની ટીમો દવાઓ તેલ ભરી તીડ ભરેલાં ઝાડો પાસે પહોંચી જાય અને ઝેરનો વરસાદ વરસાવી તેમને મારે. પણ તે કામ માત્ર બે-ત્રણ કલાકમાં પતાવવાનું. પછી તો પાછા રણતીડ રાજા. 

ભારત સરકાર સાથે સહયોગ કરી અને ભારત સરકારે પાકિસ્તાન સાથે સહયોગ કરી એકબીજા રાજ્યોની ટીમો સાથે સંકલન કરી તે વર્ષે ટ્રેક્ટરો પર દવાના પંપો ચડાવી અને ઢોલ નગારા થાળીઓના અવાજ કરી તીડોના આક્રમણને ખાળવાનું થયું. ભારત સરકારનું એક કાયમી યુનિટ પાલનપુરમાં છે પરંતુ તેના સાધન ક્ષમતા મર્યાદિત. આપણે દાડમની ખેતીને કારણે ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર ઘણાં. તેથી PPPના ધોરણે તેમને કામે લગાડ્યા. રણતીડો માર્યા અને ભગાડ્યા. જેમના પાકો નાશ થયા કે નુકસાન થયું તેમનો સર્વે કરી તેમને online સીસ્ટમથી રાહત સહાય ચૂકવી. વિશ્વમાં માનવ વસ્તી હોય તેટલા તીડ તે સમરાંગણમાં મરાયા હશે. શાકાહારી જીવોનું આવું હિંસક નિકંદન! જીવદયાવાળા ચૂપ રહેવાના. પ્રકૃતિ પણ કાંઈ હારવાની નથી. ફરી પાછો આફ્રિકા-અરબસ્તાનમાં દુકાળ પડશે એટલે ખોરાક શોધતા તે ઉડતા વાદળઓ પાકિસ્તાન પાર કરી ભારતની વનસ્પતિનો સ્વાદ લેવા આવી જશે. 

અમારી સાત પગલાં ખેડૂત કલ્યાણના” યોજનાઓમાં બે યોજનાઓ પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહનની હતી. પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત બનાવવા ગોમૂત્ર અને ગોબર અતિ મહત્વનું પરિબળ. ખેડૂતો ગોપાલન કરે અને તેના છાણ મૂત્રમાંથી જીવામૃત બનાવે તે માટે પ્રાકૃતિક કૃષિ કરનાર ખેડૂતને દેશી ગાયોના પાલન પોષણ અર્થે માસિક ₹૯૦૦ની સહાય ગોપાલક ખેડૂતોને આપવામાં આવી. તેમને જીવામૃત બનાવવા પ્લાસ્ટિક ફાયબરના ડ્રમ જોઈએ તેથી ડ્રમ, બકેટ, ટબની કીટ ખરીદી માટે ખેડૂત દીઠ ₹૧૩૫૦ ની સબસિડી જાહેર કરી. ખેડૂતોને રાત મધરાત ખેતરે રહેવું પડે. ખેત પેદાશ લેવાય તે બહાર પડી રહે અને વરસાદ આવે તો હાથમાં આવેલી જણસ જતી રહે. તેથી ખેતરોમાં સ્ટોર હાઉસ બાંધવા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના બનાવી ૩૩૦ ચોરસ ફૂટનું સ્ટોર હાઉસ બાંધવા ₹૩૦,૦૦૦ રોકડ સહાય આપવાની યોજના બનાવી જાહેર કરી. યોજના લોકપ્રિય બનતા હવે ગઈ સાલથી સહાય ₹૧લાખ થઈ છે. ખેડૂતોને પેદાશોના પરિવહનની અગવડ દૂર કરવા મીડિયમ સાઈઝ ગુડ્સ કેરેજ વાહનો માટે ₹ ૫૦,૦૦૦ થી ₹ ૭૫,૦૦૦ સહાયની કિસાન પરિવહન યોજના બનાવી. શાકભાજી, ફળ, દૂધની બનાવટો વગેરે વેચતા ફેરિયાઓની હાલત કોણે નથી જોઈ? સાંજ પડે પડતર માલસામાનનું નુકસાન તેને વેઠવું પડે. અમે તેમના માટે મફત છત્રી સહાયની યોજના લઈ આવ્યા. સરકારી છત્રીઓ રાજ્યના બજારો, હાટો, ચોકમાં, રસ્તાઓ પર અને ફરતાં ફેરિયાઓની લારીઓ પર ખૂબ ચાલી. ખેડૂતોને ખેતી કરવાના ઓજારો બજારમાં અદ્યતન થાય પરંતુ ખેડૂતોના હાથમાં તો જૂનું દાતરડું, ખૂરપી અને દંતાળી. વળી કંઈ મળે તો ખેડૂતોને મળે. કામ કરતાં ખેતમજૂરો તો ખાલી. અમે બજાર અભ્યાસ કરી આધુનિક ટુલ્સની યાદી બનાવી તેની ₹૧૦,૦૦૦ સુધીની ટુલકીટ માટે સહાય ખેડૂતો ઉપરાંત ખેતમજૂરો મળે તે માટે યોજના ખુલ્લી મૂકી. પાણીની અછતના રાજ્યમાં ડ્રીપ ઈરીગેશન પ્રમોટ કરવું પડે. વીજળી ૨૪ કલાક હોય નહીં તેથી ખેડૂતોને પોતાના ખેતરમાં અંડરગ્રાઉન્ડ ટાંકો હોય તો રાત મધરાતે પાવર આવે એટલે પાણી સંગ્રહ કરી લે અને સવારે ટાંકાના પાણીથી ટપક સિંચાઈ કરી લે. સોલર ઊર્જાનો નાનો ટેકો આવી ગયો હતો તેથી ટાંકાથી ટપક સિંચાઈ કરવું શક્ય હતું. અમે ખેડૂતોને વધુ માં વધુ ૧૦૦૦ ક્યુબિક મીટર પાણી સંગ્રહ બનાવવા માટે ₹ ૯.૮૦ લાખની સહાયની યોજના લઈ આવ્યા. ફળો અને શાકભાજી વાવતા ખેડૂતોને જો સમૂહમાં એકત્રિત જગ્યાએ તેમની પેદાશો એકઠી કરી, તેવું વોશીંગ, સોર્ટીંગ, ગ્રેડિંગ કરી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહની તક મળે તો તેમને વધતા બજાર મૂલ્યનો સીધો લાભ મળે. અમારા મુખ્યમંત્રીએ મને એકવાર તેઓ કેવી રીતે on seasonમાં સસ્તા લીંબુ ખરીદી, કોસ્ડ સ્ટોરેજમાં રાખી, off seasonમાં ભાવ વધે એટલે ઊંચા ભાવે નફો મેળવી લેતા તે યાદ હતું. અમે ફેઝ-૧માં FPO બનાવી બનાસકાંઠા, કચ્છ, જામનગર, નવસારી, છોટાઉદેપુર, પંચમહાલના ક્લસ્ટર્સ બનાવી ખેડૂતો માટે માળખાકીય સુવિધા ઊભી કરવાની યોજના લઈ આવ્યા. ₹૨૦૦૦ પ્રતિ ખેડૂત લેખે ₹૧૮ લાખ સુધીની માળખાકીય સુવિધાઓ ઉભી કરવા અને કચેરી ચલાવવાની યોજના બની. તેમને લોન ટેકો કરવા નાબાર્ડનું ₹૧૦૦૦ કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ ઉભુ કરાયું. 

મારું આયોજન તો આગળ જઈ ઔદ્યોગિક વસાહતોની જેમ કૃષિ ઉદ્યોગોની પાક આધારિત એગ્રો એસ્ટેટ્સ જેમકે ઉત્તર ગુજરાતમાં બટાટા અને મસાલા પાકો આધારિત ઉદ્યોગો, સૌરાષ્ટ્રમાં મગફળી કપાસ આધારિત ઉદ્યોગો, દક્ષિણ ગુજરાતમાં શાકભાજી અને ફળો આધારિત ઉદ્યોગોના એસ્ટેટ્સ સ્થાપી શરૂઆત કરવી. કૃષિ અને પશુપાલન પેદાશોના બજાર વિકાસ માટે INDEX-B (for Industries) અને INDEX-C (for cottage industries)ની જેમ INDEX-A (for Agriculture) બનાવવાનું હતું. આ ઉપરાંત કૃષિ વિકાસ અને પશુપાલન સંવર્ધનની બીજી યોજનાઓના લાભ તેમને મળવાના હતા. કામ બધું online. પોર્ટલ પર બાંધેલા સમયમાં અરજીઓ આવે તેનો ડ્રો થાય અને બજેટની મર્યાદામાં જેને ડ્રો લાગે તેને મળે. આંતરિક નિયંત્રણ તરીકે તેમાં તાલુકા જિલ્લાના લક્ષ્યાંકો બાંધેલા હોય તેથી રાજ્યના બધા વિસ્તારોમાં લાભ પહોંચતો.

સરકાર હવે કપાસ (સીસીઆઈ) અને મગફળીની (NAFED) ખરીદી પણ કરે છે. એજન્સીઓ ભારત સરકારની પરંતુ ફિલ્ડ પર રાજ્ય સરકારની ટીમોએ કામે લાગવું પડતું. MSP જાહેર થાય અને બજારમાં ભાવ ન મળે તો સરકાર નિયત જથ્થો ખરીદવા બંધાયેલી. પહેલી વાર ૨૦૧૭માં તો કેટલાક ખેડૂતો માટી ચોપડી ગયા પરંતુ પછી તપાસણી સઘન રહેતા APMCના કેમ્પસનો ઉપયોગ કરી FCI અને વેરહાઉસીંગના ગોદામોમાં સંગ્રહ કરાતો અને પછી નફો રહે કે નુકસાન ખુલ્લા બજારમાં વેચી દેવાતો. એવું કહેવાતું કે કેટલીક તેલ મિલોને આ વ્યવસ્થા અનુકૂળ આવતી. જૂનો સ્ટોક ખેડૂતના નામે જમા કરાવી બજારમાંથી નવો માલ મેળવી લેતા. સરકાર ચણાને પણ ખરીદતી. રાજ્યમાં પ્રોટીનની ઉણપ પૂરી કરવા FPS કે મધ્યાહ્ન ભોજન કે ICDSના વિતરણમાં આ જથ્થો ઉપયોગી થતો. APMCને વધુ મજબૂત કરવા તેના ગોડાઉનની કેપેસિટી બમણી કરવા, નવા ગોડાઉન બાંધવા ખાસ યાદ કરીને બજેટમાં અમે નવી બાબત મૂકી મંજૂર કરાવી હતી. 

અમારી કૃષિની ટીમ ચઢિયાતી. કૃષિ નિયામક તરીકે ભરતભાઈ મોદી પાસેથી માહિતીનો ખજાનો મળે. તેમને કામે લગાડીએ તો પૂરું કર્યા વિના ન આવે. હું તેમને કામ સોંપ્યા બાદ નિરાંત અનુભવતો. તેમના પિતા ગાંધીવાદી તેથી કહે કે પિતાને સરકારી અમલદારની પર પ્રામાણિકતાનો શક જાય તો તેનું પાણી ન પીએ. તેમણે પિતાના મૂલ્યો યાદ રાખ્યા. શિશિરસિંહ સોલંકી અને પ્રકાશ રબારી રાત દિવસ જોયા વિના જ્યાં દોડાવો ત્યાં દોડે અને જે સોંપો તે કામ ખડે પગે કરે. આત્માના નિયામક કે.ડી. પંચાલ તે પછી કોવિડમાં દિવંગત થયા પરંતુ તે અને તેમની ટીમે પ્રાકૃતિક કૃષિ અભિયાનને સફળ બનાવવા અથાગ પરિશ્રમ કરેલો. બાગાયતના નિયામક વઘાસિયા અને સંયુક્ત નિયામક સીએમ પટેલ પ્રગતિશીલ યોજનાઓ માટે હંમેશા તત્પર રહેતા. અમારા ક્ષેત્રીય અધિકારીઓ તેમને ફાળવેલ કામગીરી ખંતથી અને સમયસર પૂરી કરતાં. સમયપાલન અને શિસ્ત મને આ વિભાગમાં ઊંચા જણાયા. કૃષિ યુનિવર્સિટીઓના ઉપ કુલપતિઓ રચનાત્મક સૂચનો અને કાર્યક્રમોમાં અગ્રેસર રહેતા. 

કૃષિ અને પશુપાલન ક્ષેત્રની રોજગારી અને વેલ્યૂ એડિશન બિઝનેસની તકો ધ્યાને લઈ અમને કૃષિ સ્નાતકોની સંખ્યા વધારવાની જરૂર જણાઈ. જો ડોક્ટર્સ એન્જિનિયર્સ ખાનગી સંસ્થાઓ યુનિવર્સિટીઓ આપી શકે તો સરકારી ક્ષેત્રે સરકારી યુનિવર્સિટીઓની મોનોપોલી કેટલી લાંબી ચલાવવાની. મુખ્યમંત્રીના સૂચન મુજબ અમે આગળ વધ્યા અને ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા શિક્ષણના ધોરણો જાળવી કૃષિ સ્નાતક શિક્ષણ આપવાની મંજૂરી આપવાનું શરૂ કર્યું. 

ખેડૂતો અને ખેતમજૂરોને આપીએ તેટલું ઓછું. ખેડૂતો મોટેભાગે નાના અને સીમાંત ખેડૂતો. ખેતમજૂરો અને સીમાંત ખેડૂતોની વાર્ષિક આવક અલગ કરી તપાસીએ તો રાજ્યની સરેરાશ વ્યક્તિદીઠ માથાદીઠ આવકની રકમ તેમની કુટુંબદીઠ આવક થઈ રહે. 

બજેટ મંજૂર થયું ત્યાર પછી સરકારી કર્મચારીઓનું લોકડાઉન મે અંત સુધી ચાલ્યું. તેથી યોજનાઓના દરેક ઠરાવો મેં જાતે લખ્યા અને અમારા નાયબ સચિવ તરીકે સીધી ભરતીના IAS મૂકાયેલા તેમને ઠરાવની શબ્દ રચના કેમ બાંધવી તેની તાલીમ આપી. એક નબળો લખાયેલો ઠરાવ તેના અમલમાં હજાર વિધ્નો લાવે અને તેમાંથી ગેરરીતિ કરનારાઓને આશીર્વાદ બને. અમારે ખેડૂતોના આશીર્વાદ લેવાના હતાં. 

કોવિડનું લોકડાઉન આવ્યું (૨૫/૩/૨૦૨૦ થી ૩/૫/૨૦૨૦) ત્યારે અમારી રવિ કૃષિ પેદાશોના પરિવહનની પીક સીઝન. ગુજરાતની ડુંગળી વિના દિલ્હીમાં પંજાબીઓના રસોડા સ્વાદ ખોઈ બેઠા. અમે ભારત સરકાર સાથે સંવાદ કર્યો. નિયંત્રણ સૂચનાઓમાં સાતેક જેટલા સુધારા આવ્યા. કૃષિ પેદાશો, બિયારણ, ખાતર, ઘઉં કમ્બાઈન હાર્વેસ્ટરના પરિવહન અને APMC સંચાલિત મંડીઓ અને આ કામ સાથે સંકળાયેલી કંપની કર્મચારીઓ માટે લોકડાઉન હળવું થતાં પરિવહન અને વિક્રય માટે રસ્તાઓ ખુલ્યા. અવરજવર બંધ કરીએ પરંતુ ભોજન બંધ થાય તો ભજન કેમ થાય? 

કોવિડ-૧૯થી અસરગ્રસ્ત થયેલ અર્થતંત્રને પુનર્જીવન આપવા ગુજરાત સરકારે ડો હસમુખ અઢિયાના ચેરમેન પદે એક Economic Revival Committee બનાવેલી. તેની બેઠકોમાં આમંત્રિત તરીકે ભાગ લઈ કૃષિ સુધારણાના ઘણાં પગલાંઓની ચર્ચા પરામર્શ થયેલ અને તે સૂચનોને સમિતિએ તેની ભલામણોમાં આવરી લીધેલ. 

ગુજરાત જમીન વિકાસ નિગમનો હું ચેરમેન. તેનો ભવ્ય ભૂતકાળ. બિન સંવેદનશીલ જગ્યા પર મૂકવાના અધિકારી તેના એમડી બની સારું એવું પંકાયા હતા. તેના સારા કામોની સાથે મસ્ટરો ઘેર લખાતા અને ચોમાસું આવે એટલે સાચા થઈ જવાની ફરિયાદો ઉઠતી. તપાસણી અધિકારી તપાસ કરવા જાય તો ચોમાસાના વરસાદે  બધું ધોઈ નાખ્યું હોય (પવિત્ર કરી દીધું હોય) તેથી ધોવાયેલા ખેતરોના માપ ક્યાંથી મેળવવાના? તેને બજેટ ઉપરાંત અછત, જિલ્લા આયોજન, TASP વગેરે ઘટકોની ગ્રાન્ટ મળી રહે એટલે તેમની હાજરી જિલ્લા બેઠકોમાં પણ વર્તાય. એકદમ હકારાત્મક નિગમ. કામ કરવાની ના ન પાડે! ફરિયાદો વધતી ચાલી એટલે છેવટે નિગમને તાળું મારવાનો નિર્ણય લીધો. મારે બંધ કરવાનાં નિગમના ચેરમેન બનવાનું કામ ભાગ આવ્યું. કર્મચારીઓ તેમના ચોપડા બંધ કરે નહીં અને જાય નહી. છેવટે વીંટોવાળી બધાને જ્યાં જ્યાં ખાલી જગ્યાઓ ઉપલબ્ધ થઈ ત્યાં મોકલી નિગમને બંધ કરી એક નુકસાનીના એકમનો અંત આણ્યો. 

કૃષિ વીમા યોજના અમારા ખેડૂતો અને અમને અન્યાયી લાગી. વીમા કંપનીઓ મોટું પ્રિમીયમ લઈ જાય અને ખેડૂતોને કૃષિ પાકના નુકસાન સામે નજીવું વળતર આપે. બહાના પણ કેવા કરે કે વીમાની શરતો મુજબ નુકસાન થયાના ચોવીસ કલાકમાં ખેડૂતોએ નુકસાનીની વીમા કંપનીની તાલુકા કચેરીએ જાણ કરી નથી. તાલુકા કચેરીઓ શોધવા જઈએ તો ક્યાંક કોઈ ખૂણામાં ભાડાના મકાને નાનકડુ બોર્ડ ઝૂલતું હોય અને દરવાજે તાળા. અમે પત્રકોનું વિશ્લેષણ કર્યું તો છેલ્લા પાંચ વર્ષમાં ભરેલા ₹૧૨,૦૦૦ કરોડના પ્રીમિયમ સામે વીમા કંપનીઓએ ખેડૂતોને ચૂકવેલ દાવા ના વળતરની રકમ હતી માત્ર ₹૫૨૦૦ કરોડ. તે વર્ષે અમે કૃષિ વીમો લેવા જાહેરાત આપી તો પ્રિમીયમની માંગણી આવી અંદાજિત ₹૬૦૦૦ કરોડ. અમે કંપનીઓને વાટાઘાટ માટે બોલાવીએ તો નિર્ણય લેવાની તારીખોમાં અમે જાણે ભેરવાઈ જવાના હોય તેમ તે એક યા બીજું બહાનું ધરી પ્રિમીયમની રકમ ઘટાડે નહીં. તેમનું એક કાર્ટેલ કરી ૨૦ ટકા પોતાની પાસે રાખી ૮૦ ટકા દરે બીજી કોઈ વીમા કંપની સાથે રીસ્ક હેજીંગ કર્યું હોય. તે બીજી કંપનીએ વળી ૨૦ ટકા રાખી ૬૦ ટકા દરે કોઈ ત્રીજી કંપની સાથે રીસ્ક હેજીંગ કર્યુ હોય. આવી હેજીંગ રમતમાં ખેડૂતોને ભાગે શું આવે? સરકારી ધન આમ વેડફી કેમ દેવાય? અમે પ્રેઝન્ટેશન બનાવ્યું. આંકડાઓનું વિશ્લેષણ કર્યું. મુખ્યમંત્રીનો સમય લઈ તેમને આખી બાબત સમજાવી. તેમને સમજાવ્યું કે પ્રિમીયમના ₹૬૦૦૦ કરોડ ભરવાને બદલે તે રકમ આપણે અલગ ખાતામાં મૂકી રાખીએ તો તેમાંથી ખેડૂતોને પાક નુકસાનની સીધી સહાય વધુ આપી શકીએ. અમે વિકલ્પ તરીકે મુખ્ય મંત્રી કૃષિ સહાય યોજના ઘડી કાઢી હતી તે સમજાવી. વાતમાં દમ હતો તેથી તેમણે નાણાં મંત્રી, કેટલાક મંત્રીઓ તેમજ કેટલાક અધિકારીઓ અને તેમની સંગઠન પાંખમાંથી આમંત્રિતો બોલાવી મારી વાત ફરી રજૂ કરાવી. વીમા કંપનીઓ વાટ જોતી રહી અને અમે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના જાહેર કરી દીધી. ચોમાસામાં કુદરતી આપત્તિને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય તો સ્ટેટ અને સેન્ટ્રલ ડીઝાસ્ટર રીલીફ ફંડની રકમની સાથે આ રકમ જોડવાથી અસરગ્રસ્ત ખેડૂતોની મદદ કરવાનો એક મોટો દરવાજો ખુલ્યો. હું તો ૩૧ જુલાઈ ૨૦૨૦ના રોજ નિવૃત્ત થયો પરંતુ તે વર્ષે સરકારે ખેડૂતોને કૃષિસહાય પેકેજ પેટે અંદાજિત ₹૨૯૦૦ કરોડનું વિતરણ કર્યું અને તોય સરકારની તિજોરીને ₹૩૧૦૦ કરોડની બચત થઈ. ફાયદો કોણ છોડે? મુખ્યમંત્રી કૃષિ સહાય યોજનાના અમલ થકી પાક વીમા યોજનાને રાજવટો આપ્યો.

૨૫ માર્ચ ૨૦૨૦ થી ૩ મે ૨૦૨૦ સુધી લોકડાઉન આવ્યું અને કોવીડ-૧૯ને ફેલાતો રોકવા રાજ્યનું આરોગ્ય તંત્ર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પોલીસ અને બીજા વિભાગો અને અધિકારીઓ કામે લાગ્યા. મને પણ મારા પૂર્વ અનુભવને ધ્યાને લઈ કોવિડના સરકારી હોસ્પિટલમાં આવતાં ઈન્ડોર પેશન્ટની સારવાર વ્યવસ્થા પર દેખરેખનું કામ સોંપાયું. સિવિલ હોસ્પિટલ અમદાવાદનો માહોલ ગંભીર થયો. તે એપ્રિલમાં વેન્ટિલેટર પર ચડતા દર્દીઓ ટપોટપ જવા લાગ્યા. ભયના ઓછાયા હેઠળ ICUમાં પ્રવેશતા ડોક્ટર્સ અને સ્ટાફ પણ ડરતાં. નિયમિત કર્મચારીઓ આઘા ખસે અને બીજા યુનિટના પ્રતિનિયુક્તિથી આવેલાને આગળ કરે. Ppe kits હજી પૂરતી સંખ્યામાં આવવાના બાકી હતા. અમારા મુખ્યમંત્રી ભારે હિંમતવાળા. તેઓ, મુખ્ય સચિવ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ અને હું રાજ્યના એરક્રાફ્ટમાં ચડી રાજ્યના મોટા શહેરોની સિવિલ હોસ્પિટલોમાં જઈ પ્લાસ્ટિક ગાઉન પહેરી ICUમાં દાખલ થઈ સ્ટાફને હિંમત આપી પરત ફર્યા. હજી કોવીડ સારવારમાં ગૂંચવાડો હતો. IMA દ્વારા મેલેરિયા નિયંત્રણ માટેની Hydroxichloroquine, Ivermectin અને અપર રેસ્પીરેટરી ઈન્ફેક્શન માટે વપરાતી Azithromicinને ઓથોરાઈઝ્ડ કરી. પરંતુ પરિસ્થિતિ બગડતી ચાલી. અમે રાજ્યની સરકારી અને મહાનગરપાલિકાની હોસ્પિટલોના કોવીડ દર્દીઓ અને તેની સારવાર, મૃત્યુની સમીક્ષા કરવા દૈનિક બપોરે ૧૨ કલાકે વીડિયો કોન્ફરન્સ મીટિંગો શરૂ કરી. નિષ્ણાતોની ચર્ચામાં સૂચન થયું એટલે ડેથ ઓડીટ ચાલુ કરાવ્યું. જ્યાં શબને પ્લાસ્ટિકમાં વીંટાળી અગ્નિ દઈ નિકાલ થતો હોય ત્યાં ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવા કોણ તૈયાર થાય? કેટલાક હિંમતવાન ડોક્ટર્સ આગળ આવ્યા. ડેથ ઓડીટ કરતાં જોવા મળ્યું કે વાયરસનો મુખ્ય એટેક Alveoli (શ્વાસનળીથી લેવાયેલો ઓક્સિજન તેના દ્વારા લોહીને મળે અને લોહીમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે) પર. બ્રેડ બળી ગઈ હોય તેમ દર્દીઓના નીચેના ફેફસાં નષ્ટ થઈ ગયા હોય પરિણામે હ્રદય દ્વારા શરીરના કોષોને મળતો ઓક્સિજન યુક્ત ખૂનનો ખોરાક ન મળે અને એક પછી એક વાઈટલ ઓર્ગન શટ થઈ મરણ થઈ જાય. એક એવું પણ ધ્યાને આવ્યું કે જેને કોવિડ થાય તેને પહેલાં બે દિવસ ઊંચો તાવ આવે પછી ત્રીજા ચોથા દિવસે જાણે તાવ જતો રહ્યો હોય અને બીમારી ગઈ છે તેવો અહેસાસ થાય. પરંતુ પાંચમાં દિવસે પાછો ઉથલો આવે દર્દીને બરાબર પકડે અને આઠમાં દસમાં દિવસ સુધીમાં તેના રામ રમાડી દે. જેઓ દસ દિવસની વૈતરણી પાર કરતાં તેમાંના મોટાભાગના ચૌદમાં પંદરમાં દિવસ પછી બચી જતાં. અમારે આ દસ દિવસની એક વિંડો શોધી કાઢવાની હતી. સીતા-રામ એવાં ફેફસાં અને હ્રદયની જોડીને સલામત રાખવા લોહી પાતળું કરવા વપરાતી Heparin ઉપયોગી જણાઈ. IMAની માર્ગદર્શિકામાં નહીં તેથી સારવાર આપતા ડોક્ટર્સનો પ્રતિરોધ આવ્યો પરંતુ બધાને ખબર હતી કે તેઓ trial & errorના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે તેથી વાજબી ડોઝથી Heparin કામમાં લેવાઈ. ઈમરજન્સી હોય ત્યારે steroids ન અપાય તે કેમ બને. Steroids પણ અપાયા અને Steroidsના ઈંજેકશન મેળવવા સરકારી એજન્સીઓ અને ખાનગી ચેરિટેબલ સંસ્થાઓમાં જાણે હરીફાઈ થઈ. પછી તો Remdesivir અને Tocilizumabની ટ્રાયલ થઈ જે આગળ જઈ લાંબુ ચાલ્યા. ICUની પથારી મર્યાદિત અને તેના ચાલુ વેન્ટિલેટર ઓછા તેથી ICU પથારી સંખ્યા વધારવા અને વેન્ટિલેટર મેળવવા તરફ સીસ્ટમ કામે લાગી. પરંતુ તે રાતોરાત થાય તેવું કામ નહોતું. ઓક્સિજનનો પુરવઠો પણ એક મોટી જરૂરિયાત હતી. કેમેય કરીને દર્દીને જીવતા બારમું (બારમો દિવસ) પસાર થઈ જાય એટલે વિજય નક્કી હતો. તે વખતે અમારા વીડિયો કોન્ફરન્સીંગ પરામર્શથી જે line of treatment ચાલી તેનાથી ઘણાં જીવ બચ્યા. આખુ વિશ્વ કોવીડની સારવાર માટે દોડ્યું ત્યારે વર્ષે ખબર પડી કે દર્દીને ટોલરન્સ લેવલ સુધી જવા દઈ પછી ઓક્સિજન સપોર્ટથી ચલાવી તેની ઓટો ઈમ્યૂન સીસ્ટમથી કોવિડને ખતમ કરવાની તક આપી symptomatic treatmentથી દર્દીને બચાવવો સહેલો રસ્તો છે. પરંતુ એ રસ્તે જતાં પહેલાં ઘણાએ પૃથ્વીલોક છોડી દીધો અને આગળ જઈ એપ્રિલ-મે ૨૦૨૧ના આ મહામારી એટેકમાં ઓક્સીજનની ઘટ એક મોટી વિપદા બનવાની હતી.

તે મહામારીમાં comorbidities શબ્દ બહુ ચાલ્યો. કોવિડને કારણે થયું હોય કે અગાઉથી હોય પરંતુ ડાયાબિટીસ, હાઈપર ટેન્શન જેવી બીમારી કે બુજુર્ગેોની ફેફસાં, હૃદય કે કીડની સંબંધિત બીમારી હોય તેને મૃત્યુનું કારણ ગણી કોવિડ-૧૯થી થતાં મૃત્યુ સંખ્યા ઘટાડી લોકોનો ભય ઓછો કર્યો. કોવિડે ન માર્યા પરંતુ જે ચાલુ બીમારી હતી તેનાથી થવાની વિદાયને કોવિડે ઝડપી બનાવી. 

તે દિવસો કોને ભૂલાય? Social distancing (સામાજિક અંતર) એટલું ચાલ્યું કે ઘરના સભ્યો પણ અસ્પૃશ્ય બની ગયા. સરકારી ટીમો શંકાસ્પદનો swab ટેસ્ટ કરે અને તેની જે કંઈ સાયકલ રન કરી હોય, બસ જેવો પોઝિટિવ શબ્દ છપાય એટલે તે ઘરની અવરજવર બંધ થઈ જાય. તેના ૧૦૦ મીટરની ત્રિજ્યામાં એક પ્રકારનું સંખ્યા વગરનું સામાજિક quarantine થઈ જાય. સરકારને વળી સૂઝ્યું કે લક્ષણની હોય પરંતુ પોઝિટિવ આવ્યું હોય તેવા સાજામાજા દર્દીઓને ઉપાડી સિવિલમાં ભરતી કર્યા. લઈ તો આવ્યા પણ મૂકવા ક્યાં. અહીં જે વાસ્તવિક બીમાર તેની સારવાર માટે તાણ ચાલે ત્યાં આ નવા આગંતુકોનું શું કરવું. તેમને સવારની ચા-નાસ્તો, બપોરનું લંચ અને રાતનું ડીનર જોઈએ. સમરસ છાત્રાલયો કામે લીધી. તંત્ર hospital કરવા ગઈ અને hospitalityમાં ફસાઈ. ત્યાં પાછા આયુર્વેદવાળા આગળ થયા. ઉકાળા બનાવી પીવડાવા લાગ્યા. સાજામાજાને ઉકાળો પીવડાવી જેવો સરકારી તંત્ર ઘેર મોકલે એટલે વૈદ્ય તેના સરવાળામાં ઉમેરી તેણે કેટલાં દર્દીઓને કોવિડથી સાજા કર્યા તેનો વીડિયો મૂકી દે. મોટો ડોક્ટર તો દર્દીની પોતાની ઈમ્યૂન સીસ્ટમ. બસ તેને થોડી મદદ જોઈએ. જ્યાં સુધી તે શત્રુને મારી ખતમ ન કરે ત્યાં સુધી દર્દીની જીવન રેખા ચાલતી રહે તેવો ટેકો. ઓક્સિજન સપોર્ટ તેમાં સર્વોપરી સાબિત થયો. 

કોવિડ-૨૦૧૯ની બીમારીએ ઘણાને લીધા અને ઘણાંને ન્યાલ કરી દીધાં. ટેસ્ટિંગ લેબોરેટરીઓ, CT Scan મશીનો અને દવા-માસ્ક-હેન્ડવોશ બનાવતી કંપનીઓ ચાંદી ચાંદી કે સોનું સોનું થઈ ગયા. બીજા વર્ષે ૨૦૨૧માં તો નુકસાનીમા ચાલતી ગણાતી હોસ્પિટલો કોવિડ સારવારની આવકે નફાકારક બની ગઈ. 

કોવિડના એ પહેલા ચરણમાં (એપ્રિલ ૨૦૨૦) મારો મોટો પુત્ર ઉજ્જવલ અમદાવાદ બેંકમાં નોકરી કરે ત્યાંથી ઓફિસના પટાવાળાને થયેલ કોવિડનો ચેપ લઈ આવ્યો. તેની તબિયત લથડી. મારી પાસે મોનિટર અને line ot treatment ખબર તેથી તેની હોસ્પિટલ ICUમાં ભરતી કરવાની મારી હિંમત ન ચાલી. હું તેની પાસે રહી તેને માનસિક હિંમત આપતો રહ્યો અને મોનીટર પર તેનું SPO2 અને HR માપતો રહ્યો. મને અગાઉ સ્વાઈન ફ્લુ થયેલો તેને કારણે કે કેમ મને ચેપ ન લાગ્યો. આઠમી રાતે તેનો SPO2 ઘટવાનું શરૂ થયું. હું ગભરાયો. તેને ઊંધો સૂવડાવી આખી રાત બેસી પ્રાર્થના કરતો રહ્યો. તે પાર નીકળ્યો અને દસમા દિવસથી રીકવરી શરૂ થતાં તેરમા દિવસે ઉગર્યો. તેની પત્ની સોનાલીને પણ કોવિડ લાગ્યો હતો. તે ત્રણ દિવસ ભારે તાવ સાથે પથારીમાં આળોટતી રહી છેવટે તેની ઈમ્યૂન સિસ્ટમે કોવિડને મારી ભગાડ્યો. અમદાવાદ મારા બનેવી પણ કોવિડથી ગંભીર થયા. બહેનને ઘેર રહી રાખવાની તકેદારી સમજાવી દીધી. બનેવી ઉકાળા પીતા રહ્યા, પથારીમાંથી ઉઠાય નહીં છતાં પડ્યા રહ્યા. જેટલું થાય તેટલું ઊંધા પેટના બળે સૂતા રહ્યા અને અતિ ગંભીર પરિસ્થિતિ પાર કરી બચી ગયા. ઘેર સંભાળ લઈ કોવિડના પહેલા પ્રહારમાં બચાવનો અમારો એ જાત અનુભવ હતો. 

લોકડાઉનના એ પર્વમાં અમે ગાંધીનગરમાં સ્થિત મારા seniors અને colleagues ને યાદ કરી farm fresh vegetablesનો સ્વાદ વહેંચી તેમને યાદ કર્યા. 

તે વર્ષે જાન્યુઆરી ૨૦૨૦માં બેંગ્લોરમાં યોજાયેલ ભારત સરકારના એક કૃષિ એવોર્ડ કાર્યક્રમમાં કઠોળ ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર રહેવા બદલ પ્રધાનમંત્રીના હસ્તે અમને કૃષિ કર્મણ એવોર્ડ મળ્યો. 

આ વર્ષે મારી પહેલી પુસ્તક ટૂંકી વાર્તાનો સમૂહ “Happy Mantra” પ્રકાશિત થઈ. 

બસ હવે આપણે પણ IAS અને ગુજરાત સરકારની વિદાય લેવાની છે.

૧૬ ઓક્ટોબર ૨૦૨૫

6 comments:

  1. Excellent and visionary approaches in tough time for farmers of Gujarat.

    ReplyDelete
  2. Very informative and Excellent Sir

    ReplyDelete
  3. Takashi Murakami is one of the most influential contemporary artists of our time, renowned for his signature “superflat” aesthetic—a mix of traditional Japanese painting techniques, anime, and pop culture. While his name is most commonly associated with fine art and large-scale installations,

    ReplyDelete
  4. Cough syrups come in various forms, with ingredients that typically include a cough suppressant (like dextromethorphan or DXM), an expectorant (like guaifenesin), and sometimes antihistamines or decongestants.

    ReplyDelete
  5. One such brand is Trapstar, a London-based streetwear label that has made waves in the global fashion scene. Known for its edgy, urban aesthetic and cult following, Trapstar has particularly gained attention for its signature Trapstar hoodie — a piece that fuses street credibility with bold design.

    ReplyDelete
  6. Corteiz, often stylized as CRTZ, is one of those rare brands. Founded in the United Kingdom, Corteiz has grown from an underground label into a globally recognized streetwear force. Known for its exclusivity, rebellious marketing tactics, and community-driven philosophy, the brand has captured the hearts of Gen Z and streetwear enthusiasts worldwide.

    ReplyDelete

Powered by Blogger.