Sunday, October 12, 2025

વનની વનરાઈ અને પ્રદૂષણ નિયંત્રણ (3૧)

વનની વનરાઈ અને પ્રદૂષણ નિયંત્રણ (૩૧)

વન અને પર્યાવરણ વિભાગમાં મારે ૧૩ મહિના જેટલો જ સમય (૧/૫/૨૦૧૫ થી ૩૦/૬/૨૦૧૬) મળ્યો પરંતુ તે દરમ્યાન IFS (Indian Forest Service)નો ગુજરાત રાજ્યનો એક આખો સંવર્ગ મને નિયમન કરવા મળ્યો જેને કારણે ઘણા ચિરંજીવી મિત્રો મળ્યા. તેમનો ક્રમચારીગણ યુનિફોર્મવાળો. નિયમિત પોલીસ કરતાં વધુ શિસ્તવાળો. તેમના ઉપરી અધિકારીઓની આજ્ઞા કદાપિ ઉથાપે નહીં. Principal Chief Conservator of Forest (PCCF) જે Head of Forest Force (HoFF) ગણાતા, તેમના ઉપરાંત બીજા PCCF (Wild Life), જુદીજુદી વિંગના APCCF, ક્ષેત્રીય Chief Conservators અને Conservators, દરેક જિલ્લે જિલ્લા વન સંરક્ષક (DCF), રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, બીટ નિરીક્ષક, વન ગાર્ડ સળંગ માળખું. અધિકારીઓએ વન વિસ્તારોનું જતન અને રક્ષણ કરતાં કરતાં રમણીય સ્થળોએ ગેસ્ટહાઉસની સુવિધાઓ ઊભી કરેલી જેને સરકારી પ્રવાસ વન, વન્યજીવોના સાનિધ્યમાં તનાવ મુક્ત રહેતો. 

ગુજરાત વન સંપત્તિ અને વન્યજીવોથી સમૃદ્ધ રાજ્ય હતું. હજી અંગ્રેજો ગયા ત્યાં સુધી પૂર્વીય આદિવાસી પટ્ટામાં વન સંપત્તિ ભરપૂર હતી. મારા પ્રોબેશનના જિલ્લા પંચમહાલ અને દાહોદ સબડિવિઝન સાગના જંગલોથી ભરેલા હતાં. અમારું પેરિસ દેવગઢ બારિયા અને રતનમહાલના જંગલો સાગ, મહુડાના ઝાડો અને રીંછોથી સુહાતા. પરંતુ આઝાદીની આઝાદીએ ઘણાં જંગલોનો વિનાશ કર્યો. બીજી તરફ ડાંગના જંગલોમાં જન ભાગીદારીની યોજના થકી ડાંગથી તાપી સુધી વન સંવર્ધનમાં પાછલા દસકોમાં સારું કામ થયું છે. 

વન વિભાગમાં ચોમાસું આવે એટલે ૫ જૂને વન મહોત્સવ ઉજવાય અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં રોપાઓનું વિતરણ અને વાવણીનું મોટું કામ આરંભાય. વન વિભાગની નર્સરીઓમાં રોપા ઉછેરવાનું કામ તો એપ્રિલ-મે મહિનાથી શરૂ થઈ ગયુ હોય. અંદાજે ૮-૧૦ કરોડ રોપા  વિતરણ થાય અને વવાય. વર્ષે અંદાજે ₹૫૦૦-૭૦૦ કરોડનું બજેટ આખા કાર્યમાં વપરાય. મને થાય આ દરે ગણીએ તો એક દસકામાં ગુજરાતની વન્ય જમીનો ઉપરાંત ગામે ગામની ખેતી સિવાયની પડતર જમીનો અને રસ્તાઓ વૃક્ષોથી ભરાઈ જાય. પરંતુ તેમ થતું નહોતું. ગુજરાતનું ગ્રીન કવર માત્ર ૧૦-૧૧% હતું જ્યારે ભારતનું ૨૫-૨૭ %. રોપાઓ વાવવા સરળ પરંતુ તેને નિયમિત પાણી આપી, સુરક્ષિત રાખી, તેનું જતન અને સંવર્ધન કરવું અઘરું. તેમા જન જન આંદોલનથી ન જોડાય ત્યાં સુધી આ કાર્યક્રમ ધારી સફળતા ન મેળવી શકે. સામાજિક વનિકરણ જ્યાં જ્યાં સરપંચોએ રસ લીધો ત્યાં સફળ થયું જ છે. 

મારું ધ્યાન વન ખાતા તરફથી થતી રોપણી અને તેની સફળતાના દર પર પડી. મને તેનો રીકવરી રેટ ઘણો ઓછો જણાયો. કારણ તો જાણવું પડે. એક સામાન્ય કારણ તો હાથવગુ હતું કે રોપાઓને ટ્રી ગાર્ડ લાગતા નથી તેથી ગ્રામ અને વન્ય પશુ નુકસાન પહોંચાડે છે અને રોપાને નિયમિત પાણી ન મળવાથી સૂકાઈ જતા હોય છે. છતાંય મને વિષયનો અભ્યાસ કરવો જરૂરી લાગ્યો. મેં કાર હંકારી ઊંડાણના વન વિસ્તારોમાં લીધી અને ફોરેસ્ટર, બીટ ગાર્ડ, બીટ નિરીક્ષક, આરએફઓ સાથે વાર્તાલાપ શરુ કર્યો. ધીમે ધીમે તેમણે અંદરની વાત કરવી શરૂ કરી. રોપાઓ માટે ખાડા કરવા ગુજરાતી મજૂરો કરતા રાજસ્થાની મજૂરો ભારે કામના. ગુજરાતી બે-ત્રણ ખાડા કરે ત્યાં ઓલ્યા દસ કરી દે. દૈનિક વેતન બંને માટે સમાન ઉધરે પરંતુ રાજસ્થાની મજૂરોની ખાડા પુરાંત ભૂતિયા મજૂરો ઊભા કરવા ભારે કામ લાગે. બસ પછી તો મતદાર યાદી કે બીજી યાદી મસ્ટર પર લખવામાં સારી કામ આવે. મેં સુપરવાઈઝરી વ્યવસ્થાનો અભ્યાસ કર્યો. રેન્જ ફોરેસ્ટ ઓફિસર આખા કામના ઉપાડ અને ચૂકવણા અધિકારી. સીઝન આવે એટલે બીલો લાખોમાં અને કરોડમાં બને. એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર રૂપિયા એક કરોડ રોકડા લઈ મજૂરોને તેમના કામનું ચૂકવણા રજીસ્ટરમાં સહી લઈ ચૂકવણું કરવા જાય એ દૃશ્ય કેવું હશે? ભલભલા પ્રામાણિક અધિકારીઓની અગ્નિપરીક્ષા થઈ જાય. જિલ્લા વન સંરક્ષક (DCF)ની જવાબદારી માત્ર RFO પર સુપરવિઝનની. તેથી બંને કડીઓ જોડાઈ જાય તો ગેરરીતિ થવાની શક્યતાઓ વધી જાય. મને અંદરનો ખેલ દેખાઈ ગયો અને તેનો ઉપાય શોધવા મારું વહીવટી મગજ કામે લાગ્યું. ગાંધીનગર આવતાં સુધીમાં યોજના ઘડી કાઢી. RFOને ઉપાડ અને ચૂકવણા અધિકારીમાંથી દૂર કર્યા અને તેમનું કામ માત્ર ક્ષેત્રીય ચકાસણી તથા કામના બીલ બનાવી DCF કચેરીમાં રજૂ કરવા પૂરતાં સીમિત રાખી. જિલ્લા વન સંરક્ષકને બીલ મંજૂરી ઉપરાંત ઉપાડ અને ચૂકવણી અધિકારી બનાવ્યા. મજૂરોને રોકડ ચૂકવણી પર પ્રતિબંધ મૂક્યો અને તેમના બેંક અને પોસ્ટ ઓફિસમાં ખાતા ફરજિયાત બનાવી તે ખાતાઓમાં DBTથી કાર્યવેતન ચૂકવણીની જવાબદારી જિલ્લા વન સંરક્ષકની ઠરાવી. જિલ્લા વન સંરક્ષક બધાં IFS. સીધા નાણાકીય જવાબદારીમાં આવ્યા એટલે ગેરરીતિઓ પર મોટું નિયંત્રણ આવ્યું. વળી મજૂરોના બેંક ખાતા ફરજિયાત થવાથી ભૂતિયા મજૂરો ક્યાંથી લાવવા? મને ખબર હતી કે મસ્ટરમાં બોગસ મજૂરો ચડાવી અગર નાણાં તેમના બેંક ખાતામાં જાય તો તેમની પાસેથી ગેરરીતિ કરનાર ફોરેસ્ટ કર્મચારી કઢાવી ન શકે. વર્ષોથી ચાલી આવતી પડીકા પ્રથા બંધ થઈ. કેટલાક હિત ધરાવતા ક્ષેત્રીય કર્મચારીઓએ મંત્રીને ફરિયાદ કરી કે ડાંગ જેવા ઉંડાણવાળા વિસ્તારમાં બેંક શાખાઓ ન હોવાથી મજૂરોને વેતન મેળવવામાં અગવડ પડશે. મંત્રીજીએ મારી સાથે જીઆર રદ થાય તે માટે ચર્ચા કરી. મેં હોમવર્ક કરી લીધું હતું. સમગ્ર રાજ્યમાં જરૂરી જેટલું બેંકિંગ નેટવર્ક હતું અને જ્યાં બેંક નહોતી ત્યાં પોસ્ટ ઓફિસ હતી. એક નાનકડો વિસ્તાર બતાવી સોયના નાકામાંથી હાથી થોડો બહાર જવા દેવાય? હું મક્કમ રહ્યો અને ઠરાવનો અમલ કરાવ્યો. મારા કાર્યની શરૂઆત જ મક્કમ પગલાંથી થઈ તેથી સમગ્ર વન વહીવટી તંત્ર સુચારુ રૂપે કામે લાગ્યું. દરેક અધિકારીઓ પોતપોતાના સોંપયેલા કામોમાં લાગ્યા અને વાર્ષિક પરિણામો સારા આવ્યાં. વન વિભાગની ક્ષેત્રીય કર્મચારીઓની ઘટ પૂરી કરવા અને ફોરેસ્ટરની જગ્યાઓની ભરતીની કાર્યવાહી હાથ ધરી અને ફીઝીકલ ટેસ્ટ વીડિયોગ્રાફી કરી લીધો. એકાદ બે ઉમેદવાર દોડમાં શોર્ટકટ કરવા જતાં સરળતાથી પકડાઈ ગયેલ. 

એક મોટો વહીવટી પ્રશ્ન રોજમદારોને કાયમી કરવાનો. વન ખાતાના અધિકારીઓ ખાતાકીય ગ્રાન્ટ, આયોજન મંડળની ગ્રાન્ટ, MLA-MP ગ્રાન્ટ, અછત રાહતની ગ્રાન્ટ, TASP ગ્રાન્ટ, વગેરે જે કોઈ સોર્સમાંથી નાણાં મળે એટલે વન વિસ્તારોમાં ખાતાકીય રાહે નાના ચેકડેમો, બંધારા, જમીન સંરક્ષણ, વીડી વિકાસ, ગેસ્ટહાઉસ, વગેરે કામો માટે, ટીમ્બર ડેપોની ચોકી માટે, ચેકીંગ નાકા માટે રોજમદારો રાખવા પડે. વળી નર્સરી ઉછેરવા અને પ્લાન્ટેશનના રક્ષણ માટે રોજમદારો રાખેલા હોય. તેમ કરવાથી અધિકારીઓને વન વિસ્તારના નિયંત્રણો વચ્ચે નાના નાના કામો કરવાની છૂટ રહેતી અને તેમના બંગલે બે-ચાર રોજમદારોની સેવાઓ ઉપલબ્ધ રહેતી. માનવ સહજ એકની પાછળ બીજો આવે તેમ રોજમદારો સાહેબ સાહેબ કરતાં જાય અને તેમની સંખ્યા વધતી જાય. પછી જેવા એક વર્ષમાં ૨૪૦ દિવસની હાજરી પૂરી કરે એટલે ઔદ્યોગિક વિવાદ ધારાની જોગવાઈઓ હેઠળ કોર્ટ વચ્ચે આવી જાય. તેમને છૂટા કરો તો સ્ટે આવે. કેટલાક કાયમી પ્રકારના કામો બંધ થાય નહીં તેથી જો નવા રોજમદાર લો એટલે છૂટા કરેલા રોજમદારને એરિયર્સ ચૂકવી પાછા નોકરી પર લેવા પડે. 

આ રોજ મૂળ તો જૂના PWDનો. માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગમાં જ્યારે ખાતાકીય રાહે કામો થતા ત્યારે મસ્ટર પરના કારકૂનઓ, એમબી નોંધનારા અને રોજમદાર મજૂરો ચોપડે ચડતા અને પછી છૂટા કરાય એટલે કોર્ટમાં જઈ સ્ટે લઈ આવે. સરકારે શુભ આશયથી ૧૯૮૮માં ૧૭/૧૦/૧૯૮૮ની કટ ઓફ ડેટ નક્કી કરી પાછલા કોયડાને ઉકેલવા માર્ગ અને મકાન ખાતાના મેઈન્ટેનન્સ અને રીપેર્સમાં રોકાયેલા રોજમદારોને નિયમિત કરવાની એક ફોર્મ્યુલા ઘડી કાઢેલ જેમાં GRની શરતો પૂરી કરનાર પૂરા પગારે નિયમિત થતાં અને સેવાકીય અધિકારીઓ પ્રાપ્ત કરતાં. તે GRનો લાભ લઈ માર્ગ અને મકાન વિભાગ સિવાયના સિંચાઇ, બોર અને બીજા વિભાગોના રોજમદારો લાભ લઈ આવેલા અને વન ખાતાના રોજમદારો માટે અમલ થયેલ ન હતો. સરકારે ૧૯૮૮ના GRથી ત્યારપછી રોજમદાર કર્મચારીઓ રાખવાનો પ્રતિબંધ મૂકેલ. પરંતુ જ્યાં સગવડ હોય ત્યાં પ્રતિબંધ માને કોણ? GR માર્ગ અને મકાન વિભાગનો તેને વન ખાતાને શું લાગેવળગે? પત્રથી ૧૭/૧૦/૧૯૮૮નો GR નકાર્યો પછી ૧૯૯૯માં GR કરી રોકી જોયુ અને બીજી તરફ રોજમદારો જોડાતા ગયા. બાબત ફરી હાઈકોર્ટમાં ગઈ જેમાં પરિસ્થિતિ સમજી સરકારનો પક્ષ રહે તે માટે પીટીશનરોને યોગ્ય જવાબ આપવા કહ્યું પરંતુ સચિવને બદલે DCFએ જવાબ કરતાં બાબત ફરી કોર્ટમાં ગઈ. સચિવે જવાબ કર્યો પરંતુ કોર્ટે કરેલા observations ન ઉકેલાયા. મારા પૂર્વજ એક અધિકારી તે ચુકાદાનો સરકારના લાભમાં ઉપયોગ કરવાને બદલે સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે ૧૭/૧૦/૧૯૮૮ માર્ગ અને મકાન વિભાગના ઠરાવની ફોર્મ્યુલા મુજબ એક નવી ફોર્મ્યુલા સૂચવી તેનો અમલ ફરજિયાત કરી દીધો. મારા ભાગે તેના અમલની જવાબદારી આવી. અમે સૌથી પહેલાં તો નવા રોજમદારો લેવા પર GR કરી પ્રતિબંધ મૂકી દીધો. પછી દરેક રોજમદારના હાજરી પત્રકો ઉથલાવી સળંગ પાંચ વર્ષ ૨૪૦ દિવસ પૂરા કરતા હોય તેવી બારીઓ શોધી તેમને નિયમિત કરવાની તારીખો ચુકાદાના આશયને પકડી બની શકે તેટલી આગળ લઈ ગયા અને તે મુજબ કોર્ટના હુકમનો ૫-૧૦-૧૫ વર્ષ પૂરા કરે તેમને આપવાપાત્ર લાભો આપવાના હુકમો કર્યા. બીજી તરફ વન ખાતું પ્રશ્નો ઉભા ન રાખે તેમ કેમ બને? અને નવા રોજમદાર લેવાનો પ્રતિબંધ તો મૂક્યો પરંતુ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ચુકાદા પછીની તારીખોએ પણ અમારા નવા નવા અધિકારી આવતા જાય કે બદલાતા જાય રોજમદારો તો આવતા જ રહ્યા. તેથી કોર્ટના ચુકાદા પછી રાખેલા રોજમદારોને છૂટા કરી દેવા કે તેને પણ ફોર્મ્યુલા મુજબ જ્યારે પાંચ વર્ષ પૂરા કરે એટલે પૂરા પગાર અને સેવાકીય લાભો ચાલુ કરવા તેવો કોયડો લાવીને મૂકી દીધો. અમે તેના પર કંઈ વિચારણા કરીએ ત્યાં જૂના રોજમદારોએ કોર્ટના ચુકાદા મુજબ ફોર્મ્યુલાનો અમલ નથી થયો તેમ જણાવી મારી અને પીસીસીએફ સામે કન્ટેમ્પ્ટ પિટિશન ફાઈલ કરી દીધી. સરકારી વકીલે બચાવ જવાબ કર્યો તેમાં my lord and sorry શબ્દો મને ફસાવતા જણાયા તેથી બે દિવસ પૂરી ઝીણવટથી કન્ટેમ્પ્ટ પિટિશનનો જવાબ કર્યો, અમારા અમલનો તર્કબદ્ધ બચાવ કર્યો અને my lord, sorry લખવાનું ટાળ્યું. બાબતમાં આગળ શું થયું તેની ખબર નહીં પરંતુ મારી શહેરી વિકાસ વિભાગમાંથી બદલી થતાં તે બોજમાંથી હું મુક્ત થયો. અમે બનાવી એ મજબૂત એફિડેવિટ કામ કરી ગઈ. હાઇકોર્ટ કન્ટેમ્પટ પીટીશન ખારી કરી. માર્ગ અને મકાન વિભાગના GRની તારીખ મને યાદ રહી કારણકે તે તારીખે મારા મોટા પુત્રનો જન્મદિન આવે છે.

વનખાતાની વીડીઓ ગુજરાત સરકારને અછત રાહતના સંચાલનમાં મોટી રાહત આપે. રાહત કમિશ્નર તરીકે કામ કરતાં અછતના વર્ષે ઘાસ ખરીદવા પડતી અગવડોથી હું પરિચિત હતો. દાહોદ પ્રાંત અને કચ્છ કલેક્ટર તરીકે ઢોરો માટે ઘાસની જરૂરિયાત અને દાહોદની રામપુરા અને દેવગઢ બારિયાની વીડીઓ તથા બન્નીના વિશાળ ઘાસ પ્રદેશનું મહત્વ મને સમજાવેલું હતું. અમે દરેક વીડીના સરેરાશ ઉત્પાદનના આંકડા લીધા અને તેને ડબલ કરવાનો લક્ષ્યાંક આપ્યો. બન્ની માટે વિશેષ યોજના કરી તેમા ગાંડા બાવળથી ભરેલા મુલકને ફરી પાછા ઊંચા ઘાસથી ભરી દેવાનો પ્રોજેક્ટ બનાવવામાં લાગ્યા અને એક પાયલોટ પ્રોજેક્ટ બનાવી અમલ શરૂ કર્યો. બીજી વીડીઓમાં સિંચાઈ સુવિધા વધારી, વીડીઓને ફેન્સ કરાવી તેથી કટીંગ માટે ઓજારોની મદદ લેવા વિચાર્યું જેથી મહત્તમ ઉત્પાદન લઈ શકાય. જંગલ ખાતાનું ઘણું ઘાસ ખુલ્લામાં પડી રહે તેથી અખાદ્ય થઈ નાશ પામતું. સૂકાય એટલે પણ વજન ઘટે તેથી તેના સ્ટોકના આપેલા અંદાજો ૨૫ ટકા કે તેથી વધુ ઓછા પડે. હું રાહત કમિશ્નર તરીકે આપેલા આંકડા ૫૦ ટકા ગણી ચાલતો. અમે વન ખાતાના ઘાસ સંગ્રહને વધુ સુરક્ષિત બનાવવા ગોડાઉન બનાવવા ન્યુ આઈટમ મંજૂર કરી તેને વ્યવસ્થિત કરવા શરૂઆત કરી. ઉત્સાહી DCF અને CF-CCF કામે લાગ્યા અને ઘાસ સંગ્રહ ગોડાઉનો બનવાનું શરૂ થઈ ગયુ. 

કેટલાક ગામોમાં ખેતમજૂરોની અછત હોવાથી અને ક્યાંક ખેડૂત કુટુંબો શહેરમાં સ્થળાંતરિત થયા હોય તેથી ખેતરોમાં પાક ઉછેર તરફ ધ્યાન ન આપી શકે તેથી વૃક્ષ ખેતીની એક મજબૂત સંભાવના અમને જણાઈ. ખેડા જિલ્લામાં ખેતરના સેઢે ઉભેલા બાવળના ચાર ઝાડ કાપી પોતાની દીકરીના લગ્ન કરાવેલ તે ખેડૂતની વાર્તાની મને ખબર હતી. અછતના વર્ષે વૃક્ષ ખેડૂતનો માથાનો ભાર ખંભે કરી શકે. ગુજરાતના ખેડૂતોને વૃક્ષોની ખેતી કરવા પ્રોત્સાહિત કરવા અમે આગળ વધ્યા. પરંતુ ક્ષેત્રમાં મામલતદાર અને RFOના પાસ વિના તેમના ખેતરના વૃક્ષો કાપેલા હોય તો પણ ટ્રેક્ટરો પકડાય અને તેઓને રંજાડ થાય. અમે વન ખાતાના નિષ્ણાત અધિકારીઓને બેસાડી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા જેવા વૃક્ષો, પૂર્વ મંજૂરી જરૂરી વૃક્ષોની યાદી બનાવી અને ખેડૂતોને સેઢે વવાતા લગભગ મોટાભાગના વૃક્ષોને પરમીટ રાજમાંથી મુક્ત કરી વૃક્ષોની ખેતીના માર્ગને પ્રશસ્ત કર્યો. 

અમે તે વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરી. નાના નાના ઝોન બનાવી ટીમોને ગોઠવી સિંહોની વસ્તી ગણતરીનું કામ પક્ષીઓની ગણતરી કરવા કરતાં સહેલું પરંતુ કુશળતા માંગી લે તેવું. ગીરના સિંહો એક અદ્ભુત પ્રાણી. શું તેમને ભારતના વાઘોએ ખદેડતા ખદેડતા જેમ શ્રીકૃષ્ણ ભગવાનને જરાસંઘે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો દેખાડ્યો તેમ કાઠિયાવાડમાં પહોંચાડી દીધા હશે? અશોકના સારનાથ સ્તંભ પરના ચાર સિંહોને જોઈ આ એશિયાટિક લાયન આપણી ધરોહર જ છે. વળી તે કદ કાઠીમાં આફ્રિકન સિંહો કરતાં નોખા પડતા હોઈ આપણાં જ મનાયા છે. પરંતુ તેમની એક માત્ર જૂનાગઢમાં હાજરી, જૂનાગઢના દરિયાકાંઠેથી આફ્રિકામાં થતો વેપાર, જૂનાગઢના નવાબની હબસી પત્ની અને ગીરના જંગલોમાં જાણે સિંહોની દેખરેખ માટે રખાયા હોય તેવા રહેતા આફ્રિકન સીદી કુટુંબો જોઈ તેમને આફ્રિકાથી અહીં લવાયા હોય અને કાળેક્મે થઈ સ્થાનિક આબોહવાથી તેમના કદ કાઠીમાં ફેરફાર આવ્યા હોય તેવી શંકા રહેતી. 

સાવજ તો જંગલનો રાજા. તેનો રાજ્ય વિસ્તાર કંઈક ૨૦ ચોરસ કિલોમીટરનો. તે પોતાના રાજનું રખોપું કરે અને સિંહણો મા-માસી સિંહબાળોને (ભુરડાં) ઉછેરે. શિકાર કરવામાં તેમનું ટીમ વર્ક જબરું. હરણોનાં ટોળાંમાંથી કોનો શિકાર કરવો તે પહેલાં નક્કી કરી એક તેની પાછળ થાય અને જેવું હરણ ફંટાય એટલે બીજા બે તેને આંતરવા ઊભા જ હોય. સિંહણની ચપળતા શિકારમાં મોટી કાને આવે. સિંહનો પંજો ૨૦૦૦ થી ૧૨૦૦૦ કિલો બળ પેદા કરે પછી જેના પર તે પડ્યો હોય તે શાનો બચે? શિકાર થઈ જાય પછી મુખ્ય સિંહ પોતાનો સિંહ ભાગ ખાઈ લે પછી વારાફરતી શિકારમાં જેણે ભાગ લીધો હોય તેઓનો વારો આવે. કોઈ યુવાન સિંહ તે વખતે શિકારમાં ન જોડાયો હોય તો તેણે દૂર ઊભા રહી વાટ જોવાની અને જ્યારે ગામ આખુ (મુખ્ય ટીમ) જમી રહે પછી જે વધ્યું ઘટ્યું હોય તે તેના ભાગે આવે. 

સિંહબાળ જ્યારે યુવાનીમાં પ્રવેશે એટલે તેની માં સિંહણ તેને ઘરમાંથી બહાર કાઢે. તેની માસી તેને રોકે, બહેનને સમજાવે પરંતુ માં સિંહણ કડક થઈને યુવા થયેલ સંતાનોને તે રાજક્ષેત્ર છોડાવે ત્યારે જ જંપે. હવે યુવા સિંહને પોતાનું નવું રાજ શોધવા અને નવો પરિવાર બનાવવા સિવાય કોઈ વિકલ્પ નહીં. તે ફરતો ફરતો કોઈ ઘરડા સિંહના ક્ષેત્રમાં પહોંચી જાય, તેને લલકારે, લડાઈ કરી હરાવે અને તેની સિંહણો પ્રાપ્ત કરે. સિંહણો પણ જેવો તેમનો જૂનો ભરથાર હારે એટલે તેને મૂક પડ્યો અને નવાની સાથે ગોઠવાઈ જાય. નવા સિંહે તેના સિંહબાળ માર્યા હોય તો ય તેને માફ કરીને સ્વીકારી લે. Survival of the fittestના વન નિયમમાં સિંહણ બળવાન વીર્યને અગ્રતા આપે. 

સિંહની જાતીય ક્ષમતા ગજબની. તે મેટીંગમાં વીર્ય સ્ખલન પછી ઝડપથી પાછી ઉત્તેજના પ્રાપ્ત કરે અને અનેકવાર સિંહણના ovulation periodને સફળ કરવા પ્રયત્નો કરે. કોઈ અધિકારીએ આવા એક જ સેશનના પ્રયત્નો સો સુધી ગણ્યા હતા. મેટીંગ સીઝનમાં સિંહણ અને બીજા સિંહ સાથે દ્વંદ્વ યુદ્ધ જીતેલો સિંહ એકાંતમાં વિહરે અને પ્રજોત્પત્તિ માટે સક્રિય બને. સિંહણ પછી જેવી પ્રેગ્નન્ટ થાય એટલે તેના ભોજન રક્ષણનું પરિવાર ખાસ ધ્યાન રાખે. જેવો ડિલિવરીનો સમય આવે એટલે તે સલામત એવી ઉંડાણની જગામાં જઈ એકાંતવાસમાં રહી સિંહબાળોને સિંહણ દૂધ પીવડાવી ભવિષ્યના સાવજ થવા તૈયાર કરે. માતા તરફથી બાળોને અપાતો પ્રેમ અને તાલીમ માં કુદરત, શક્તિ, ભવાનીનું સાક્ષાત સ્વરૂપ આપણને આ વન્યજીવોમાં સાક્ષાત જોવા મળે. તે બાળો સાથે રમવા જ્યારે તેમનો પિતા સિંહ આવે અને પરિવાર મિલન થાય તે દૃશ્યો તો અદ્ભુત. તેના વર્ણન માટે શબ્દો ટૂંકા પડે. જોઈને જ માણી શકાય. 

વન વિભાગના ખૂબ જ સફળ સંરક્ષણને કારણે અને સ્થાનિક લોકોના સહયોગને કારણે સિંહોની વસ્તી ઉત્તરોત્તર વધી રહી છે. તેઓ ગીર, અમરેલીની બહારના વિસ્તારોમાં ફેલાઈ રહ્યા છે અને એ દિવસો દૂર નથી કે સાબરમતી નદીના કિનારે સિંહ વિહરતા હોય તેવું જોવા મળે. 

પ્રવાસન વિકાસ માટે ગીરના સિંહો ગુજરાતનું ઘરેણું છે. પ્રવાસીઓને નિરાશ ન થવું પડે તે માટે કેપ્ટીવ પાર્ક બનાવી ગીરમાં દેવાળિયા સફારી પાર્ક તો હતો જ. મારા સમયગાળામાં અમરેલીનો આંબરડી સફારી પાર્ક શરૂ કરાયો. પોરબંદરનો બરડા વિકસાવવામાં સિંહના જોડા ઉતાર્યા. ભાવનગર (શિહોર) સફારી પાર્કની વિચારણા કરી. કેવડિયા નજીક પેંથર પાર્કનું આયોજન કરાયું. જો કે સરકારી ભોજન પર નભતા ઝૂની જેમ જો સિંહો પાર્કમાં લાંબો સમય રહી જાય તો આ સરકારી સિંહો શિકાર કરવાનું ભૂલી જાય અને કાયમ સરકારી મહેમાન થઈ ને રહે તેથી તેમને સમયસર વન વિસ્તારમાં છોડવાની છૂટ લેવી જ રહી. 

જૂનાગઢ અમરેલીમાં સિંહો અને મનુષ્યો એકબીજાના પૂરક છે. સિંહને નીલગાય બહુ ભાવે અને ખેડૂતોને નીલ ગાય ઘટે તો પાક નુકસાન અટકે. સિંહ તેમના ઘરે પાળેલા ઢોરનો શિકાર કરી જાય તો સરકારી યોજના અંતર્ગત ખેડૂતોને સહાય મળે છે. કેટલીક વાર વસૂકી ગયેલા ઢોર સિંહ શરણે થાય તેમ બને પણ ખરું. અહીં ગુજરાત પટ્ટામાં સાબરકાંઠાથી લઈ વડોદરા સુધી નીલગાય વધારે. નીલગાયને પણ ખબર કે વડોદરાથી નીચે તરફ જવાય નહીં. જંગલોમાં કાગડા સિવાય કંઈ બચ્યું નહીં. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી વાઘો અહીં સુધી આવતાં પરંતુ ભોજન જ ન હોય તો ટકવું કેમ? તેમનું ભોજન માણસો ઓહિયા કરી ગયા. અમે દક્ષિણ ગુજરાત તરફના કેટલાક પોકેટ્સ બનાવી હરણ અને પક્ષીઓની વસ્તી વધારવાના પ્રયાસો શરૂ કર્યા.,

પરંતુ દેખાવે મજબૂત એવું આ પ્રાણી પકડી પરિવહન કરવું અઘરું. જો ટ્રાન્કવીલાઇઝર આપીએ તો મરી જાય. તેથી અહીં નીલગાયથી પાકના રક્ષણ માટે તારની વાડ કરવાની યોજના ચાલે છે. તે યોજના ખેતીવાડી ખાતાએ લઈ લીધી તેથી અમને થયું ગંગાજી નાહ્યા. મારે આગળ જઈ કૃષિ વિભાગમાં તે સામે આવવાની હતી. 

સિંહ અભ્યારણ્યની બહાર ફરે એટલે ખાનગી ઈસમો પ્રવાસીઓને લલચાવી ખાનગી રૂટ પર લઈ જાય. એક તરફ પ્રવાસન વિકાસ માટે નવી હોટલો, હોમ સ્ટે વધારવાનું દબાણ બીજી તરફ સિંહ સુરક્ષા અને સંવર્ધન માટે નિયંત્રણો જરૂરી. ગુજરાત હાઇકોર્ટે અમને સમય મર્યાદામાં નીતિ ઘડતરનો આદેશ આપ્યો. અમે સિંહ સુરક્ષા અને સંવર્ધનની જરુરીયાત અને પ્રવાસન વિકાસને ધ્યાને રાખી અભ્યારણ્યની આજુબાજુ એક રીંગ કવચ બનાવી દીધું. અભ્યારણ્ય નજીકની ત્રિજ્યામાં નિયંત્રણો વધાર્યા અને જેમ જેમ દૂર જઈએ તેમ તેમ હળવા કર્યા. 

ગીરમાં જમીનની માલિકી વન ખાતાની પરંતુ નેસના ખેડૂતો રહે તેથી તેમના માટે વિકાસલક્ષી યોજનાઓના અમલ, તેમને રસ્તા, પાણી, આરોગ્ય સુવિધાઓ આપવામાં વન રક્ષાના નિયંત્રણોની મુશ્કેલી પડવાની. અહીંની જમીનનું લેંડ રેકર્ડ વન વિભાગ હસ્તક. નેસના એ ખેડૂતોના નામ રેવન્યુ રેકર્ડે દાખલ કરવા અમે એક ઝુંબેશ ચલાવી. મારે સાસણ ગીરના નેસોમાં ફરવાનો મોકો આવ્યો. અમે ફર્યા. લોકોને સાંભળ્યા અને તેમના પ્રશ્નો હલ કરવા મદદ કરી. મને એ જાણીને આશ્ચર્ય થયું કે ત્યાંના ઘણાં રહેવાસીઓ પટેલો મૂળ જામનગર પંથકના હાલારી. ત્યાંના જમીનદારો-દરબારો તેમને વેઠ કરાવતા. તે વેઠથી છૂટવા તેઓ જૂનાગઢના મુસ્લિમ નવાબનું શરણ લેતા નવાબે તેમને સાસણ ગીરના વિસ્તારમાં મુક્ત વસવાટની છૂટ આપેલ. ત્યારથી વસેલા એ કુટુંબો હવે જૂનાગઢ ગીરના વતની છે. 

દર વર્ષે સાસણ ગીરમાં સિંહ સંવર્ધનની રાષ્ટ્રીય શિબિર થાય છે. તે વર્ષે ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ યોજાયેલ કોન્ફરન્સમાં હું સ્ટેજ બપોરના બાર કલાકે પ્રવચન કરી રહ્યો હતો અને અમદાવાદ હોસ્પિટલમાં મારે ઘેર પૌત્રી રીયાનો જન્મ થયો. મેં તેને કહ્યું છે કે સિંહ જેવી રાજવી બનજે અને તેમાં કાચી પડી તો અમારી ગીરની ચૌદ વરસની ચારણ કન્યા જેમ ડાંગ લઈ સિંહની પાછળ દોડી ત્રાડ પડી કે ઊભો રે’જે, ગીરના કુત્તા ઊભો રે’જે કહી ત્રાડ નાંખી આ જગત સામે ઊભી રહેજે. 

મને જૂનાગઢના ગિરનારમાં ફરતાં તેના સિંહોમાં સાસણ ગીરના સિંહો કરતાં તેજ અને કરંટ બંને પ્રભાવી લાગ્યા. તે રાત્રે તેમણે મારણ કર્યું હતું અને લગભગ અગિયાર જેટલું મોટું સિંહ પરિવાર (સિંહ, સિંહણો, સિંહબાળ) અને રૂટ પર બીજા નવ મળી વીસ જેટલા સિંહોને અમે જોઈ શક્યા. ગિરનાર પ્રવાસન વિકાસ માટે ગિરનાર સફારીની મંજૂરી આગળ કરી અને અંબાજી રોપ વે નો પ્રોજેક્ટ વર્ષોથી અટવાયો હતો તેની સુપ્રિમ કોર્ટમાંથી પર્યાવરણીય મંજૂરી મેળવી લીધી. 

વનમાં જાઓ તો જંગલના રાજા સિંહને તો જરૂર જોજો પરંતુ વનમાં વિહરતા બીજા રાજા મોર અને તેના ઠાઠને જોવાનું ન ભૂલતા. અને રતનમહાલ જાઓ તો ત્યાંના મહુડાના ફૂલ ખાતાં રીંછ અને ઉડતી ખિસકોલીઓ જોવાનું ન ભૂલતા. સાથે સાથે આદિવાસી પરિવારે આંકડાના પાન સાથે સેકી બનાવેલા મકાઈના આંટાના પાણીયા અને શાક જમવાનું ન ભૂલતા. વાયુનો ગડગડાટ કરતા પેટના રોગો માટે એ ભોજન ઉત્તમ ઈલાજ છે. વઢવાણાના સરોવરે જશો તો હંસોની સુંદરતા અને જલવિહાર તમને જવા નહિ દે. 

સૌરાષ્ટ્રના કાંઠે ફરો એટલે માધવપુર પોરબંદરના માર્ગે દરિયાઈ કાચબા ઉછેર કેન્દ્રને જુઓ તો ક્યારેક ન ભૂલાય. જામનગરના દરિયેથી પિરોટન આઈલેન્ડ પર જાઓ તો જન્નતની કલ્પના કરવાનું ભૂલી જાઓ. તેના શ્વેત રેતમાં પથરાયેલા કિનારા પર ઉભા રહી ઊડાઊડ કરતા સી-ગલને જોઈને ખોવાઈ જ જાઓ. બસ દરિયાની ભરતી ઓટનો ટાઈમ જોઈ જવાનું નહિતર રાતવાસો કરવો પડે. ગુજરાત મરીન નેશનલ પાર્ક અને મરીન અભ્યારણ્ય બનાવી ત્યાં જળસૃષ્ટિનું જતન કરાય છે. તેમા દરિયામાં ડોલ્ફિન છે. તેથી જતાં કે વળતાં દરિયાલાલની વિનંતી કરી હોય અને જો ડોલ્ફિનને સાદ કરી બોલાવી હોય તો બે-પાંચ તો ડાઈવિંગ કરી દેખાડો જરૂર કરી જાય. ત્યાંનો શિવરાજપુરનો દરિયા કિનારો સફેદ રેતીનો રમણીય. અમે તેના વિકાસની રૂપરેખા ઘડી આગળ વધ્યા. આજે તો સહેલાણીઓનો તે લોકપ્રિય દરિયા કિનારો બની રહ્યો છે. 

પક્ષીઓ માટે ગુજરાત તેમનું પીયર. છેક સાયબિરિયા અવે મોંગોલિયાથી ૧૫૦૦ થી ૨૫૦૦ કિલોમીટર જેટલું ઊડીને પક્ષીઓ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જ્યાં ભાંભરું પાણી ઉપલબ્ધ હોય અને માદા પક્ષીને પ્રેગનન્સીમાં પૂરતું પ્રોટીનયુક્ત ભોજન મળી રહે અને નવજાત બચ્ચાંને પણ ભોજન પ્રોટીન મળી રહે તેવી તકેદારી રાખીને તેમના વડવાઓએ સદીઓ પહેલાં ગુજરાતને પસંદ કરેલું. જેનો અમલ તેમની ઉત્તરોત્તર આવી રહેલી પેઢી પૂરી નિષ્ઠાથી કરી રહેલ છે. હું કચ્છ કલેક્ટર હતો ત્યારે રાપરના શિરાની વાંઢ ગામે લાખો ફ્લેમિંગોની કોલાની જોઈ હું દંગ રહી ગયેલો. આંખ જોઈ શકે તેની પાર પણ બસ ફ્લેમિંગોનું ગુલાબી નગર. કૂંજ, પેલીકન અને ફ્લેમિંગોના ઝૂંડે ઝૂંડ ગુજરાતના શિયાળાને નયનરમ્ય કરી જાય છે. તેમની સાથે આપણાં ક્રેન, સી-ગલ, હંસ, બગલા, વગેરે ભળે પછી તો ગુજરાતની શોભા જ નિરાળી બને. 

મને પ્રશ્ન થતો, પાકિસ્તાનમાં પણ દરિયો છે તો પછી પક્ષીઓને ગુજરાતની પસંદ કેમ? ગુજરાતની પ્રજા અને તેમની અહિંસા પક્ષીઓ અને તેમના બચ્ચાંઓને અભય આપે છે તેથી પિયરમાં દીકરી કેવી લાડે કોડે રહે તેમ વિદેશી પક્ષીઓ ગુજરાતને પોતાનું પિયર બનાવી સુખેથી વિહરી પોતાની પ્રજાતિની સંખ્યા વધારી પાછા ફરે છે. વળી પાછા શિયાળો આવે એટલે આવી જાય. કેમ કરીને તેમને રસ્તો યાદ રહેતો હશે અને અહીં તેમને જરૂરી એવા ભોજન ધરાવતા જળ કેન્દ્રો જડી જતા હશે? તેમનામાં પણ કુટુંબો, પરિવારવાદ, સમાજ સંરચના અને સામાજિક વડા અને વ્યવસ્થાપકોની વ્યવસ્થા જરૂર હશે. 

ભાવનગરનું વેળાવદરનું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કેમ ભૂલાય? ત્યાં આવતો ખડમોર મન મોહી લે તેવો ઘાસમાં બેઠો હોય ત્યાંથી ઊંચો નીચો થાય અને પોતાને દેખાડે. હેરિયરનું ગ્રુપમાં હમીંગ સાથે ચડવું અને ઉતરવું જોવું હોય તો ઓક્ટોબરમાં આંટો મારવો પડે. અહીં કાળિયાર કામણગારા છે. ભાવનગર સ્ટેટમાં તો પાળેલા ચિત્તા રખાતા જે કાળિયારનો શિકાર કરવા કામ લાગતા. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ હવે તો જેસલમેરમાં રહ્યા પરંતુ આપણે ત્યાં કચ્છમાં બે-ચાર પક્ષી હતાં. જાણે વિમાન ચડતું હોય અને ઉતરતું હોય તેવું લાગે. પક્ષીઓના વિસ્તારમાંથી પસાર થતી વીજળી લાઈનો તેમને માટે હાનિકારક બનતી. પક્ષી બચાવવા અને લોકો, ઉદ્યોગોને વીજળી આપવી, વિરુદ્ધમાં જતું. 

જાન્યુઆરી ૨૦૧૬માં અમે નળ સરોવર અને થોળ અભ્યારણ્યમાં પક્ષીઓની ગણતરી કરી. તેની ગણતરી કરવાની ટીમની કામગીરી જોવા મારે નળ સરોવર જવાનું થયું. નળ સરોવર આમેય અમદાવાદની નજીક હોઈ પક્ષી પ્રેમી પર્યટકોનું પ્રિય સ્થળ છે.  અહીં નળ કાંઠાના ગામના માછીમારો તેમને મળેલી નાયલોન નેટમા અંધારાનો લાભ લઈ પક્ષીઓ પકડતા હોવાની ફરિયાદો મળતાં મત્સ્યોદ્યોગ કમિશ્નર તરીકે અમે તેમની નાયલોન નેટ સહાય (૯૦%) યોજના બંધ કરેલી. વન વિભાગની પક્ષી વસ્તી ગણતરી પ્રસંગે ધર્મના ધાગે બાંધી તેમને પક્ષીઓની હિંસા કરતાં રોકવા અને મોરારિબાપુને આંમત્રિત કરી નળસરોવરે એક કાર્યક્રમ કરેલો. મારે બાપુને પહેલીવાર મળવાનું થયું. બાપુને ટીવી પર તુલસીકૃત રામચરિત માનસની કથા સત્સંગ કરતાં સાંભળેલાં પરંતુ રૂબરૂ મળ્યો પહેલીવાર. ઉદાર અને ઉમદા ચરિત્ર. મિલનસાર સ્વભાવ. સંત આવે એટલે ત્યાંના પ્રજાજનો તેમની પરોણાગત કરવાની ઈચ્છા રાખે. બાપુ કહે તેમને જાત પાતનો કોઈ વિરોધ નહીં. તેમને ભજીયા બહુ ભાવે. તેમની શરત એટલી કે રસોઈ- ભજીયા બનાવવા જે પાણી વપરાય તેમાં ગંગાજળની જે બોટલ બજારમાં મળે તે વાપરવી. તેમના વાહનમાં આ બોટલો કદાચ રહેતી અથવા આયોજકો પૂર્વ વ્યવસ્થા કરી લેતા. એકવાર ગંગાજળ અડકે એટલે બધું પવિત્ર થઈ જાય પછી તે કોના ઘેર બન્યું તે મહત્વનું ન રહે. અમે તેમના મારફત સ્થાનિક પ્રજાને પક્ષીઓને ન મારવા અને પ્રવાસનને વધારવાથી તેમને કેટલો મોટો આર્થિક લાભ છે તે સમજાવવામાં સફળ રહ્યા. 

મેન્ગ્રોવ ફોરેસ્ટ અને કોસ્ટલ રેગ્યુલેશન એક મહત્વનો વિષય. મીઠાવાળી જમીનમાં ઓછા ઓક્સિજનથી ટકી રહેતા આ ઝાડો દરિયા કાંઠાની જમીનોમાં ક્ષાર પ્રસરણ રોકવા ખૂબ ઉપયોગી છે. વિકાસની મુશ્કેલી એવી કે જો મેન્ગ્રોવનું વાવેતર વધારીએ તો તે વિસ્તાર ઔદ્યોગિક વિકાસ માટે પ્રતિબંધિત થઈ જાય. કટોકટીમાં ૧૯૭૬માં આવેલા ૪૨માં બંધારણીય સુધારાની ટીકા જે કોઈ થઈ હોય પરંતુ તે સુધારાએ વન વિભાગની મોટી મદદ કરી. Forest and Protection of wild animals ને રાજ્ય યાદીમાંથી ઉપાડી સંયુક્ત યાદીમાં લેવાયા. Wild Life Protection Act અને Forest Conservation Actના અમલ માટે IFS સંવર્ગને વનોની અને વન્યજીવોની સુરક્ષા માટે અધિકારો મળ્યા જેમાં કેન્દ્ર સરકારના સક્ષમ સત્તાધિકારીઓની મંજૂરીની આડસે સ્થાનિક દખલો ઘટાડી દીધી. 

એક તરફ વન અને બીજી તરફ ઉદ્યોગો અને તેનું પ્રદૂષણ તેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું કામ અતિ મહત્ત્વનું. બિહાર અને ઘણાં રાજ્યો ઔદ્યોગિક રીતે ન વિકસ્યા અને ગુજરાત તથા મહારાષ્ટ્ર કેમિકલ ઉદ્યોગોમાં હરણફાળ ભરી શક્યા તેનું એક મહત્વનું કારણ પ્રદૂષણ યુક્ત પ્રવાહીને દરિયામાં કે બીજા જળસ્રોતોમાં મળેલી છૂટ. હવે તો મોટો અંકુશ આવ્યો છે, પરંતુ અફલુઅન્ટ ટ્રીટમેન્ટમાં ઢીલ લઈ નફો રળનારા ભૂતકાળમાં ઓછા નહીં હોય. ટેક્સટાઈલ ઉદ્યોગ પણ પાણી વધુ વાપરે અને રંગવાળુ પાણી છોડી આજુબાજુના કૂવા વગેરે જળસ્રોતોને રંગીન કરે. જેતપુરની આજુબાજુના ગામોની કાયમી ફરિયાદો રહે. મોરબીમાં સીરામીક અને ટાઈલ્સ ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો. તેમના બોયલરમાં બળતા કોલસાના ધૂમાડાથી થતા પ્રદૂષણ રોકવા ગેસ આધારિત બોયલર કંપનીનું નિયંત્રણ આવ્યું પરંતુ સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવા કોલસો સસ્તો પડે તેથી પકડાય છૂટે પકડાય એવો પકડ છૂટનો દાવ ચાલુ રહેતો. અમારે બોર્ડમાં બિન સરકારી ચેરમેન હતાં. તેમની મુદત પૂરી થતાં મને ચેરમેન તરીકે વધારાનું કામ મળ્યું. બોર્ડના ચેરમેનની જગ્યા Executive Chairmanની એટલે સાંજ પડે બોર્ડના ત્રણ-ચાર પોટકા ફાઈલો આવી જ જાય. અહીં નિર્ણયો કરવાના અને સમયસર કરવાના. જે પકડાયા હોય તેના યુનિટોને શરૂઆતમાં ૧૫ દિવસ બંધ કરવાનો આદેશ કરી સુનાવણીની તક આપી બંધ કરવાનો નિર્ણય લંબાવવાનો કે ઉઠાવી લેવાનો નિર્ણય લેવાતો. અમારે યુનિટ બંધ કરવાના નિર્ણયમાં સર્વાંગી વિચાર કરવો પડતો. રોજગારી, જીડીપી વગેરે તરફ ધ્યાન રાખવું પડતું. તેથી જે ભૂલો પકડાઈ હોય તેને યુનિટ ધારક સુધારી લે એટલે અને તેને ચાલુ કરી દેતા. એક બાબત અહીં અસરકારક હતી. જેવો GPCBનો યુનિટ ૧૫ કે ૩૦ દિવસ બંધ કરવાનો હુકમ થાય કે તરત જ વીજ કંપની વીજળી પુરવઠો બંધ ચકરી દેતી. જેને કારણે ઉદ્યોગો પર પ્રદૂષણ નિયંત્રણના સુધારા કામો અગ્રતાએ કરવા પડતા. મારી પાસે બોર્ડના સચિવ તરીકે એકદમ હોશિયાર અધિકારી હાર્દિક શાહ. તેઓ special selection ના રસ્તે IAS થયેલાં અને હાલ પ્રધાનમંત્રીના સચિવ છે. તેમની અને યુનિટ હેડ્સ તથા ક્ષેત્રીય રીજીયોનલ ઓફિસરોની કુનેહને કારણે અમે બોર્ડને અસરદાર અને પારદર્શી બનાવી શકેલ. બોર્ડની બધી કામગીરીને અમે IT enable કરી જુદી જુદી મંજૂરીઓ માટે મોડ્યુલ બનાવ્યા. Consent to Establish (CTE) અને Consolidated Consent and Authorisation (CCA)ની અરજીઓ online ક્રમમાં નોંધાતી અને નોંધણી ક્રમમાં નિકાલ થતી જેને કારણે કોઈ અરજદારની અરજી અમારા કર્મચારી અધિકારી પકડી રહે અને કોઈ બિન પ્રામાણિક વ્યવહાર કરે તેવી શક્યતા ઘટી જતી. અમારા ઈન્સ્પેકટર્સ કે ક્ષેત્રીય અધિકારીઓ કોઈ યુનિટની તપાસ કરે અને અનિયમિતા પકડાય અને તપાસ અહેવાલ કરતાં પહેલાં યુનિટના માલિક સાથે કોઈ સેટીંગ કરી અહેવાલ બદલી શકે. અમે તપાસણીને રીઅલ ટાઇમ ઓન લાઇન કર્યું. તપાસ અધિકારીએ તેમને આપેલા લેપટોપ પરથી સીધા જ તપાસ અહેવાલ અપલોડ કરવો પડતો. જેમાં તપાસણીનો રીયલ ટાઇમ અને અહેવાલનો સમય નોંધાતા બીજી કોઈ રમત કરવાનો અવસર ન રહ્યો. Ease of doing businessમાં GPCBને તે વર્ષે ૧૦૦માંથી ૧૦૦ ગુણ મળેલા. આટલી કુશળ શાસન વ્યવસ્થા છતાં કેમિકલના પ્રદુષિત પ્રવાહીના ટેંકરો ભરી ક્યાંક દૂર કોઈના પડતર ખેતરમાં ઠલવી આવતાં નબીરા પકડાતા. અંકલેશ્વર GIDC પ્રદૂષણ ઘટાડવા અફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પર નિયંત્રણો લાદવા ઉપરાંત દરિયામાં નવી પાઈપલાઈનનો પ્રોજેક્ટ પણ કર્યો અને તેની ઔદ્યોગિક ગીચતા ઓછી કરવા નજીકની સચીન GIDCને વિકસાવવા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કર્યા. અમદાવાદ શહેરમાં ભૂતકાળમાં hazardous chemical waste નાંખવા કૂવા વપરાતા. તે ભરાઈ જતાં તેને બંધ કરી તેની પેરીફરીમાં બાંધકામનો પ્રતિબંધ ૩૦ વર્ષ જેટલો લાગુ પડતો. હવે શહેર તો મોટું થઈ ગયુ. આજુબાજુ ગીચ વસ્તી અને મકાનો આવી જાય પરંતુ પેલાં કેમિકલ વેસ્ટ ભરેલાં કૂવા અને તેની ત્રિજ્યાનો પ્રતિબંધ જે તે જમીન ધારકોને હાર્ટ બર્ન કરતો. પરંતુ કાયદાનું નિયંત્રણ એટલે નિયંત્રણ, લાગુ રહ્યું. 

હું ગુજરાત ઈકોલોજી કમીશનનો પણ ચેરમેન હતો. તેના oceanic aquarium બનાવવાના પ્રોજેક્ટના ભાગરૂપ મને જાપાનના Khurosio Seaના Okinawa ટાપુ પર આવેલ Motobu શહેરના Ocean Expo Parkમાં આવેલ Churaumi Aquariumને જોવાનો અને અભ્યાસ કરવાની તક મળી હતી. ઓકીનાવા જેવું રમણીય સ્થળ મેં જીવનમાં તે પહેલા કે તે પછી જોયું નથી. એક રાત રહેવાનું મળ્યું પણ યાદગાર રહ્યું.

આ ઉપરાંત Gujarat Ecological Education and Research (GEER) Foundationના ચેરમેન, Gujarat Environment Management Institute (GEMI)ના ચેરમેન તથા Coastal Regulation Committeeના ચેરમેન તરીકે તે સંસ્થાઓના કામને સમજવા તથા તેને ગતિ આપવાની તક મળી. 

વન, વન્યજીવ, કુદરતનો ખોળો, કામ કરતા જઈએ કે લખતા જઈએ, થાક ન લાગે તેવું કર્મક્ષેત્ર છે. હજી માંડ વરસ થવાનું હતું ત્યાં મુખ્યમંત્રીજીને મારી જરૂર શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં જણાઈ. એટલે વન, વન્યજીવોને કુદરતને ખોળે મૂક્યા અને આપણે ચાલ્યા શહેરની સફરે. 

૧૨ ઓક્ટોબર ૨૦૨૫

2 comments:

  1. Awesome and extensive write up

    ReplyDelete
  2. Lattafa Perfumes has rapidly become a household name among fragrance enthusiasts around the world. Known for its elegant packaging, long-lasting scents, and affordable prices, Lattafa has earned a solid reputation in the perfume market—especially among those seeking Middle Eastern-style fragrances without breaking the bank.

    ReplyDelete

Powered by Blogger.