૧૪.૧ લબાસના તાલીમ (૧૯૮૫-૮૬)
ઑગસ્ટ ૧૯૮૫ નો મહિનો હતો. મારે મસૂરી જવાનો સમય આવી ગયો હતો. ઘરમાં આનંદ કરતાં ચિંતા વધારે હતી. કેટલાકને તો ખબર જ નહોતી કે આ બધું શું છે, અને માતા–પિતા તો દીકરાને દૂર જતો જોઈને ખિન થયા હતા. માતાએ તો રડતાં રડતાં કહી દીધું, “મારું તો બન્ને ગયું, દીકરો પણ અને એનો પગાર પણ!”
રેલવે સ્ટેશન સુધી આખું કુટુંબ, સગા અને મિત્રો છોડવા આવ્યા. મુસાફરી માટે મેં એક નવી બેગ લીધી હતી. તેમાં ત્રણ જોડ કપડાં, એક ચાદર, એક સ્વેટર, અને મારા અમેરિકન મિત્રે ભેટમાં આપેલી એક પીળી ટાઈ રાખી હતી. પિતાજીએ પ્રેમથી ઠંડીમાં બચવા માટે રેમન્ડની એક ઉનાળાની શૉલ પણ આપી. દિલ્હી સુધી ત્રીજા વર્ગની ટિકિટ સરકારી કોટામાંથી કન્ફર્મ કરાવી હતી. ખિસ્સામાં છેલ્લા પગારના થોડા રૂપિયા હતા.
લબાસના અકાદમીમાં પ્રવેશ
દિલ્હીથી દેહરાદૂન અને ત્યાંથી મસૂરી બસમાં ગયો. દેહરાદૂન બસ અડ્ડાએ અકાદમી તરફથી સંકલન વ્યવસ્થા હતી. એક પછી એક પ્રોબેશ્નર્સ આવતાં અને સામાન લઈ એકલાં કે બીજા પ્રોબેશનર સાથે જોડાઈ કારમાં બેસી મસૂરી અકાદમી જતાં. હું અચરજ ભરી નજરે બધાંને જોતો ત્યાં મારી નજર એક બોબ કટ વાળ અને ઉપસેલા શ્વદંતવાળી મહિલા પ્રોબેશનર પર સ્થિર થઈ. ત્યાં કાર મૂકાઈ અને હું બેસીને અકાદમી રવાના થયો. છત્રીસ કલાકની સફર પછી જ્યારે અકાદમી પહોંચ્યો, નોંધણી કરી, નર્મદા હોસ્ટેલમાં રૂમ લીધો અને બેડ પર ગોઠવાયો, ત્યારે જ મારો શ્વાસ સ્થિર થયો.
અંગ્રેજ શાસનના પ્રતીક તરીકે ઓળખાતી ICS સેવા સમાપ્ત કરવી જોઈએ, એવા મતો વચ્ચે, સરદાર વલ્લભભાઈ પટેલે દૃઢપણે તર્ક કર્યો કે આ સેવા દેશની એકતાનું આધારસ્તંભ છે. તેમણે ICSનું સ્વરૂપ બદલીને તેનું નામ Indian Administrative Service (IAS) રાખી તેના મૂળ આત્માને જાળવી રાખ્યો. કેન્દ્રીય સેવાઓ તો ચાલુ જ હતી; માત્ર રાજ્ય પ્રશાસનના માળખામાં ફેરફારના વિચારો થઈ રહ્યા હતા.
પ્રારંભિક સમયમાં IAS તાલીમ શાળા બે સ્થળે હતી — IAS Training School (Delhi) અને IAS Staff College (Shimla). ૧૯૫૮માં આ બન્નેને એકસાથે લાવી National Academy of Administration (NAA) સ્થાપવાનો નિર્ણય લેવાયો. મસૂરીની ચાહલપહલભરી ચાર્લેવિલ હોટલ સરકારએ ખરીદી અને ૧૯૫૯માં પ્રથમ બેચ દિલ્હીથી અહીં મોકલાઈ. પછી, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ રૂપે, ૧૯૭૨માં આ સંસ્થાનું નામ રાખવામાં આવ્યું - Lal Bahadur Shastri National Academy of Administration (LBSNAA).
૧૯૮૪માં મેં IRS તરીકે ફાઉન્ડેશન કોર્સમાં આવવાનો મોકો ગુમાવ્યો હતો, પરંતુ એક વર્ષ પછી IAS તરીકે એ તક ફરી મળી. જો કે, તે પહેલાં ૧૯૮૪ની આગમાં અકાદમીની સમૃદ્ધ લાયબ્રેરી, મેસ અને ડાયરેક્ટર નિવાસસ્થાન ખાક થઈ ગયાં હતાં. તેથી, અમારો મેસ બેડમિન્ટન હોલમાંથી રૂપાંતરિત કરેલ ભાગમાં જ ચલાવાતો.
અમારી હોસ્ટેલ બ્લોક્સનાં નામ — હેપ્પી વેલી, ગંગા, યમુના, નર્મદા વગેરે. મને નર્મદા હોસ્ટેલમાં રૂમ મળ્યો, જ્યાં મારા રૂમ-મેટ ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસના મોહંતી હતા. એ એટલો ભલો કે જો મિત્રો સાથે બીયર પીધો હોય તો તે રાતે રૂમમાં પાછો ન આવે. મારા ટીટોટલર સ્વભાવનો તે એ રીતે આદર કરતો. આજુબાજુ આંધ્ર પ્રદેશના ગોપાલ અને લિંગમ વેંકટ રેડ્ડી. થોડાં જ દિવસોમાં દેશના દરેક રાજ્યમાંથી આવેલા અધિકારીઓ સાથે મિની ઈન્ડિયા જેવી એક દુનિયા અમારી આસપાસ સર્જાઈ ગઈ. IAS, IPS, IFS અને વિવિધ કેન્દ્રીય સેવાઓનાં મળીને લગભગ ૪૮૬ પ્રોબેશનરો.
૨૬ ઑગસ્ટ, ૧૯૮૫. IAS તાલીમનો અમારો પહેલો દિવસ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ અકાદમીના સરદાર પટેલ હોલમાં ઉદ્ઘાટન સાથે શરૂ થયો. અમારા કોર્સ ડાયરેક્ટર IPS મોહન અને ડાયરેક્ટર આર.એન. ચોપરા સાહેબ. ચોપરા સાહેબ ખાસ પ્રસંગે જ દેખાતા; રોજિંદા વ્યવહાર તો મોહન સાહેબ જ સંભાળતા.
પ્રારંભમાં અકાદમીનો પરિચય, નિયમો, અને ફાઉન્ડેશન કોર્સની રૂપરેખા સમજાવવામાં આવી. બપોર સુધીમાં જ ક્લાસરૂમમાં જે પ્રશ્નો પૂછે તે પ્રોબેશનરો પણ જાણીતા થઈ ગયા. નામ ભૂલાય પણ ચહેરો ઓળખાઈ જાય એવો માહોલ.
શિક્ષણ શરૂ થયું. મોહન, કેશવ દેશીરાજુ, જુલિયસ સેન, દાદા, મુત્થુસ્વામી, સરદારજી, શ્રીવાસ્તવ, કોઠિયાલ… એમ અનેક શિક્ષકોએ વહીવટના પાઠ ભણાવવા લાગ્યા. પરંતુ દાદાનો ભણાવેલો પ્રજાલક્ષી કાયદો અને મુત્થુસ્વામીનું બોલતાં બોલતાં થૂંક ઉડાડી ભણાવેલું public administration ચિરંજીવ રહ્યા. મેં ગધેડાને ગાજર ખાતા જોયેલો નહીં તેથી તેમની કેરટ અને સ્ટીકની નીતિ સાંભળી મને રમૂજ થતી.
ફાઉન્ડેશન કોર્સનો રંગ
FCમાં IAS, IPS, IFS સિવાય કેન્દ્રીય સેવાઓના અધિકારીઓ પણ હતા. આથી વિવિધ સેવાઓ વચ્ચે મિત્રતા વધતી ગઈ — અને જ્યાં યુવાની હોય ત્યાં પ્રેમની હળવી પવન ક્યાં રોકાય?
અમારા બેચના ટોપર શાંત ગંભીર ડૉ. પ્રભાત કુમારે સૌપ્રથમ મેદાન માર્યું. શાંત સ્વભાવની હિમાલયન ગર્લ હિમાલિની કશ્યપ તેમની પસંદ બની. તે પછી કેટલાક પરણેલા સહયોગીઓ પણ પોતાના “કુંવારા” સ્વરૂપને ફરી શોધવા લાગ્યા! ટ્રેકિંગમાં કોઈક તો સુટ–બૂટ સાથે જઈ આવ્યા. ઊંચો હોય તે ઊંચી ખોળે અને નીચો નીચી. કોઈ ટીખળી રમૂજવૃત્તિની કન્યા ખોળે અને કોઈ પિયક્કડ તેને સહન કરનારી શક્તિ. કેટલાકને તો બહારથી કન્યાના સગા આવી કન્યાને મેકઅપ કરી આવી બતાવી જતા. એક મુંબઈની ગુજરાતણે મને નજરમાં લીધો, પણ જાણ્યું કે હું પરણેલો છું એટલે પાછી ફરતી થઈ ગઈ. જો કે લબાસનાની ફેકલ્ટી એવી કામે લાગી કે બધા ધીમે ધીમે રોમાંચમાંથી બહાર આવી વહીવટી સમજદારીમાં ફેરવાતા ગયા.
ધીમે ધીમે બધા અકાદમીની રીતસરની ગતિ અને મૉલ રોડની મસ્તીમાં ઢળતા ગયા. વીકએન્ડ આવતાં જ કેટલાક તો આખી દુનિયા ભૂલીને મોજમાં ખોવાઈ જતા. એ મોજમાં એક સાંજે નર્મદા હોસ્ટેલના કાચ તૂટ્યા ત્યારે ખબર પડી કે કાગળા બધે કાળા છે. ગાંધીને વાંચી મારું મગજ એક કેફમાં હતું તેને આ મોટો ઝટકો હતો.
અમારી મેસના ભોજનનો સ્વાદ પણ ચર્ચાનો વિષય બનતો, ખાઈને આવતા લોકોના ચહેરા જ બોલી ઉઠતા! હસતા ચહેરા મેસ કમિટીના વખાણ કરે અને જે દિવસે ભોજનનો સ્વાદ બગડે એટલે ટીકાઓનો મારો ચલાવે.
મસૂરીનું સૌંદર્ય મંત્રમુગ્ધ કરી દે તેવું હતું. હિમાલયની ઊંચી પહાડીઓ, હસતી ખીણો, ઠંડી હવામાં ઘૂળાયેલો આનંદ, નવી અકાદમી અને નવા સાથી પ્રોબેશનર. પીટી કે યોગાથી શરૂ થતો દિવસ, બ્રેકફાસ્ટ, વર્ગખંડ તાલીમ, લંચ, બપોરના સેશન, લોકર રૂમની વિઝિટ, લાયબ્રેરી પોઈંટ - માલ રોડનો આંટો, રાત્રિ ભોજન પછી નિદ્રાથી સમાપ્ત થતો.
FCમાં ગોપાલ જોષી, કાન્તિ પાટડીયા અને હું માલ રોડે નિયમિત જતાં. ગોપાલ લાંબો અને હું ટૂંકો તેથી સૌનું ધ્યાન જતું. મારે તેની સાથે ઊંચે જોઈ અને તેણે મારી સાથે નીચે જોઈ વાત કરવી પડતી. FCમાં પછી મારે ક્યારેક બદ્રી નારાયણ શર્મા અને સંગ્રામ મિશ્રાની તો ક્યારેક પ્રદીપ બાવિષ્કર અને વિશ્વનાથ સેંગાવકરની કંપની રહેતી. મારે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા ગ્રુપ સાથે વધુ બનતું. જેને કારણે ઉડિયા અને મરાઠી લોકગીતોની મજા લેતો. રંગબતી રંગબતી કનક લતા હસી પદ કહલો કથા આજે ય યાદ. મારી આજ ઉનાત ચાંદલઅ પડલઅ ગ તો કોને કહેવું?
કોઈ એક રૂમમાં રામ નિવાસની ગાયન મહેફિલ જામે તો મજા પડી જતી. તેનું “શિવશંકર સદા ભઈ રહતે થે ગંગાજી મેં દંગ, ઇસીલિયે તો રોજ ઘોટકે પીતે થે વો ભંગ” બધાને કેફમાં લઈ જતું. સમૂહમાં જઈએ ત્યારે તેનું “ગાડી તો ચલાના બાબુ જરા હલકે હલકે હલકે કહીં દિલ્લી જામ ન છલકે” અમારું બેચ ગીત બની ગયું હતું.
અકાદમી ગીત તરીકે પ્રચલિત “હઓ ધરમતે ધીર, હઓ કરમેતે બીર, હઓ ઉન્મત શિર, નાહિ ભય; ભૂલી ભેદાભેદ જ્ઞાન, હઓ શબે આગુઆન શાથે આછે ભગવાન, હબે જોય”. અમારી દીવાદાંડી. કપરી પરિસ્થિતિમાં અચલ અને નિર્ભય રહેવાનું જેણે અમને જીવનભર બળ આપેલું. ભારતની એકતા અને અખંડિતતા માટે અમને કંઈ પણ કરી છૂટવા તૈયાર રાખવાનું તેમાં બળ હતું.
સવારે ઠંડીમાં ઉઠવું સૌથી અઘરું પડતું. શાંતિલાલ ચા આપવા આવે ત્યારે રૂમ ખોલવા ઉઠવું ન પડે તેથી અમે રાત્રીમાં ખુલ્લો મૂકી સૂઈ જતા. શાંતિલાલને ખબર કે પ્રોબેશનર સાહેબોને ઉઠાડવા બે ત્રણ વાર ટપારવા પડશે તેથી ચા મૂકતા જાય અને સાહબજી ચાય આ ગઈ બોલતા જાય. ક્યારેક તો હું રજાઈમાંથી જ હાથ લાંબો કરી ગરમ ગરમ ચા નો કપ લઈ લેતો.
પીટી શિક્ષક રાણાના કદમતાલ છોકવાને બદલે ઊંઘને વધુ અડધો કલાક લંબાવવાં અમે કેટલાક યોગામાં જોડાયા. યોગા શીખવાનો અને કરવાનો એ મારો પહેલો અનુભવ ઓરતો. શાળામાં સૂર્ય નમસ્કારથી વધુ આગળ વધેલા નહીં. ઋષિકેશ શિવાનંદ આશ્રમથી આવીને એક સંન્યાસી અમને યોગા શીખવતા. પછી ફેઝ-૧-૨ માં અકાદમીમાંથી જ એક શ્રી બિસ્ત શીખેલા તે યોગા કરાવતા.
મેં પહેલીવાર બેડમિંટન, ટેનિસ અને બિલિયર્ડ રમતો જોઈ. ટેનિસ આપણને ન ફાવ્યું એટલે ખપ પૂરતું રમવા જેવું બેડમિંટન અને બિલિયર્ડ શીખી લીધેલું.
મસૂરીનું પાણી ભારે તેથી જેવું પીઈએ એટલે પેટ ભારે થઈ જાય. લોબીમાં ફિલ્ટર મૂકેલા તેથી જરૂરિયાત મુજબ લઈ આવીએ પરંતુ જે દિવસે ફિલ્ટર ખરાબ થાય ત્યારે પેટનું આવી બનતું. નહાવાનું તો રોજ પણ જે દિવસે ગીઝર બંધ થાય એટલે કોણ નહાય? ગીઝર પણ નાનકડા. જેટલું ગરમ પાણી મળ્યું એટલામાં અમે પતાવી લેતાં. જો કે ઠંડી, મયૂરીનાં પાણી અને પિયર્સ સાબુ મારો વાન ખાસ્સો ઉજળો થઈ ગયેલો.
રૂમમાં ઠંડી બહુ લાગે. એક નાનકડું રૂમ હીટર આપેલું પરંતુ તેનાથી મસૂરીની ઠંડીથી રક્ષણ ન થાય. રૂમમાં બે પ્રોબેશનરના બે સીંગલ બેડના પલંગ તેના પર એક એક ગાદલું. ચાદર, તકિયો આપણે લાવવાનો. ઓઢવા એક ધાબળો. હું તો તેની અંદર પિતાએ આપેલી રેમન્ડની શોલ રાખીને સૂઈ જતો. આજે તો ફાઈવ સ્ટાર સુવિધામાં નવી પેઢી તાલીમ લઈ રહી છે.
અમેરિકન પીળી ટાઈ
અહીં દરેક બાબતમાં નિયમો હતા: શું પહેરવું, કેવી રીતે રહેવું, ક્યારે બોલવું. ફોર્મલ થવાની તાલીમમાં મેં સાદિક દરજી પાસે જઈને એક બંધગળાનું સુટ સિલાવ્યું. અમારી બેચમાં એક ગોરો જાડો પ્રોબેશ્નર તો ત્રણ પીસના સુટ વગર દેખાય જ નહીં! એક દિવસ અનેક સાથીઓને ટાઈમાં સજ્જ જોયા પછી મનમાં આવ્યું “ચાલો, એ અમેરિકન પીળી ટાઈ આજે પહેરી જ લઈએ.”
ટાઈ અમેરિકન સાઈઝની, પહોળી અને જાડી; મારુ ગળું નાનું અને હું પાતળો! જેમ તેમ કરીને ડબલ ગાંઠ બાંધી, પણ એ ગાંઠ એટલી મોટી બની કે મારો ગળુ તેમાં ગાયબ! પીળી ટાઈની ગાંઠ છાતી ઉપર રાજ કરતા ઉભી રહી.
એ દિવસે પહેલી ક્લાસ કાઉન્સેલર શ્રી કોઠિયાલના રૂમમાં હતી. ત્યાં સુજાતા નામની સાથી પ્રોબેશનર સતત હસી રહી હતી. હું તેની તરફ જોઉં, પછી મારી ટાઈ તરફ. મનમાં વિચાર આવ્યો, “ક્યાંક એ મારી આ નાનકડા ગળા પર લટકતી વિશાળ ટાઈ જોઈને તો નથી હસી રહી?” બ્રેક પડતાં જ રૂમમાં દોડ્યો અને એ ટાઈ ઉતારીને બેગમાં ફેંકી દીધી. ત્યારબાદ આખા ફાઉન્ડેશન કોર્સમાં એ પીળી ટાઈને હાથ પણ ન લગાવ્યો.
ટ્રેકિંગ અને તપોવન
અકાદમીના તાલીમ ભાગરૂપે અમને ટ્રેકિંગ માટે મોકલવામાં આવ્યા. શારીરિક રીતે ફીટ એવા વિદ્યાર્થીઓને અઘરા ટ્રેકમાં અને અમારા જેવા મધ્યમ ચારધામ જેવી યાત્રામાં જોડાયા. મારે ભાગે યમુનોત્રી–ગંગોત્રી ટ્રેક આવ્યો. અકાદમીમાં ઠંડીનું વર્ણન એવું કરેલું કે પહેલી રાત સ્લીપિંગ બેગમાં ચેઈન કસીને સૂઈ ગયો, જાણે આખી દુનિયા એની અંદર બંધ થઈ ગઈ હોય. યમુનોત્રીના ટ્રેકમાં જાનકી ચટ્ટીથી યમુનોત્રી તરફ લાઠી લઈને ચાલતા, દરેક પગલામાં નવો ઉત્સાહ. પર્વતોમાં જ્યારે “રામ તેરી ગંગા મૈલી”નાં ગીતો ગુંજતાં, દિલમાં ખરેખર હુસ્ન પહાડો કી ઘંટી વાગતી.
ગંગોત્રીથી ગોમુખ સુધીના માર્ગમાં ઠંડી એટલી કે શ્વાસ પણ ધુમ્મસ થતો. ત્યાં એક સાધુએ પાવડર દૂધથી ગરમ ચા બનાવી પીવડાવી એ ચાનો સ્વાદ આજે પણ યાદ છે. કેટલાક સાથી તપોવન સુધી ગયા; હું ગોમુખ પાસે ઉભો રહી માં ગંગાના ઉદ્ગમને નિહાળતો રહ્યો. એક અદ્ભુત શાંતિનો અનુભવ થયો.
બાની બીમારી અને બોસનો પાઠ
ફાઉન્ડેશન કોર્સ આનંદમય હતો, પરંતુ એક ઘટના હંમેશા યાદ રહી. મારી બા લાંબા સમયથી ફેફસાંના રોગથી પીડાતી. મસૂરી આવ્યાને મહિનો જ થયો હતો ત્યારે ઘેરથી તાર આવ્યો — “બા બહુ બીમાર છે, તાત્કાલિક આવો.” હું તરત જ રજા માટે અરજી લઈને કોર્સ ડાયરેક્ટર મોહન પાસે ગયો. તેમણે કહ્યું, “ના મળી શકે,” પરંતુ પછી વિનંતી કરતાં મૌખિક સંમતિ આપી.
હું તરત જ બસ પકડી દેહરાદૂન–દિલ્હી પહોંચ્યો. દિલ્હીથી મળી કે ટ્રેનમાં રિઝર્વેશન નહીં તેથી જનરલ કોચમાં ઘૂસી બે દરવાજા વચ્ચેની જગ્યામાં રાત પસાર કરી બીજા દિવસે અમદાવાદ પહોંચ્યો. બાને મળ્યો અને ગામડે જઈ લક્ષ્મી અને સંતાનોને જોયા. પરત ફરી, રવિવારે રાત્રે ૫ ઑક્ટોબરે અકાદમીમાં પહોંચી ગયો.
થોડાં દિવસો બાદ નોટીસ મળી. “પૂર્વમંજૂરી વિના ગેરહાજર રહેવા બદલ dies non.” હું કોર્સ ડાયરેક્ટર મોહન પાસે ગયો, સમજાવ્યું કે તેમણે મૌખિક રજા આપી હતી, પરંતુ તેમણે ઈનકાર કર્યો. પછી બોલાવ્યું અને કહ્યું, “તમે એવું લખી આપો કે મારા ચહેરાની અભિવ્યક્તિ પરથી તમે રજા સમજી લીધા.”
બોસ છે, ના કેવી રીતે કહું? લખી દીધું. અઠવાડિયા પછી dies nonનો ઓર્ડર મળી ગયો. મારો મોહન પરથી વિશ્વાસ તૂટ્યો.
કેટલાક મહિના પછી, સાથી પુષ્પા થમ્પીએ અચાનક મારી રજા અરજી મારી સામે મૂકી — એ અરજી તેને મોહન સાહેબના રૂમમાંથી તેના કોઈ કાગળો લાવી તેમાં મળી આવી હતી. ત્યારે સમજાયું — મારી અરજી ગુમ થઈ ગઈ હતી, અને મૌખિક રજા આપ્યાનું તેઓ ભૂલી ગયા હતા. પછી ગુજરાતના મહેસૂલ સચિવ ગોપાલસ્વામી સાહેબે એ પાંચ દિવસ પગાર વિના રજા ગણાવી સમાપ્ત કર્યા.
પણ જીવનમાં એક મોટો પાઠ મળી ગયો, બોસ હોય કે કોર્ટ, ગમે તે કહે, પણ લખીને હંમેશાં સત્ય જ આપવું.
ગ્રામ્ય અનુભવઃ રઠૌંડા
ફેઝ-૧માં અમને નાના જૂથોમાં વહેંચીને એક અઠવાડિયાં માટે વિલેજ વિઝિટ મોકલવામાં આવ્યું. મારે ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના રઠૌંડા ગામે જવાનું મળ્યું. એ સમયનો પટવારી રાજ હજી જીવંત હતી. લઠૈત પણ ખરા. ગ્રામ્ય જીવનની અસમાનતા આંખે જોઈ. પછાત સમાજ અસ્પૃશ્ય પરંતુ સમાજની રૂપાળી યુવતી માટે લાવાયિત આંખો ન છૂપાતી.
જનરલ સુંદરજી
ફાઉન્ડેશન કોર્સ દરમ્યાન ભારતીય લશ્કર દળના વડા સુંદર આવેલા. તેમણે ખૂબ જ સુંદર ઉદ્બોધન કર્યુ હતું. તેમણે યોજેલી એક નિબંધ સ્પર્ધામાં રાજસ્થાન મૂળના IPS અધિકારી સાંગા રાણા હિન્દીમાં નિબંધ લખી શ્રેષ્ઠ નિબંધનું ઈનામ જીતેલા. ભાષા સામે સમજણ મોટી તે તેમણે સાબિત કરેલું.
ફાઉન્ડેશન કોર્સ પછી — ફેઝ-૧ તાલીમની સફર
ડિસેમ્બર ૧૯૮૫માં અમારું ફાઉન્ડેશન કોર્સ પૂર્ણ થયો. તાલીમ પરિણામ જાહેર થયા ત્યારે અમારા સાથી શશી શેખર શર્માને Best Probationer તરીકે પસંદ કરાયા, સમગ્ર બેચ માટે તે ગૌરવની ક્ષણ હતી. ત્યારબાદ IPS, IFS અને અન્ય કેન્દ્રીય સેવાઓના અધિકારીઓ પોત પોતાની તાલીમ સંસ્થાઓ તરફ રવાના થયા, જ્યારે અમે IAS પ્રોબેશનર મસૂરીમાં જ ફેઝ-૧ તાલીમ માટે રોકાયા.
ભારત દર્શન — એક અનોખી યાત્રા
ફેઝ-૧નો પહેલો તબક્કો હતો ભારત દર્શન — સમગ્ર દેશનો અનુભવાત્મક પ્રવાસ. પ્રોબેશનરો પાસેથી વિકલ્પ લઈને જૂથો બનાવવામાં આવ્યા. દક્ષિણ ભારત હંમેશાં મને આકર્ષતું આવ્યું, તેથી મેં દક્ષિણ ભારત ગ્રુપ પસંદ કર્યું.
યાત્રા દરમિયાન અનેક જાહેર સાહસો, સરકારી એકમો તથા ઉદ્યોગોની મુલાકાત સાથે પર્યટનનાં સ્થળોનું સૌંદર્ય પણ માણ્યું. છિંદવાડાના બ્હમની ગામના રાત્રિ રોકાણે આદિવાસી ગામોના નબળા જીવનધોરણ તરફ જાગૃત કરતી ગઈ.
મદુરાઈનું મીનાક્ષી મંદિર તો જોયું, પરંતુ વધુ ચિરંજીવી યાદ રહી “ગાંધી સેવા સંગમ” — માનવતાને મંદિર સમાન માનનારી સંસ્થા.
કન્યાકુમારી અને કોવલમના સમુદ્ર કિનારાંની લહેરોમાં એક અનોખી શાંતિ હતી. કન્યાકુમારીનાં ત્રિવેણી સંગમ પર જ્યાં બંગાળાનો ઉપસાગર, હિંદ મહાસાગર અને અરબી સમુદ્ર મળે છે — ત્યાં એક સાંજ એવી જોઈ કે દિલમાં વસીને રહી ગઈ. પૂર્ણિમાની એ સાંજે પૂર્વ આકાશમાં ચંદ્રોદય અને પશ્ચિમે સૂર્યાસ્ત — અને વચ્ચે ત્રણ રંગના પાણીનો સંગમ: વાદળી, લીલો અને રાખોડી. એ દૃશ્ય સ્વપ્ન જેવું લાગતું હતું — જાણે પ્રકૃતિ પોતે ત્રિરંગો લહેરાવી રહી હોય. તેમાં સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલ જોઈ સ્વામી વિવેકાનંદની દીર્ઘ દૃષ્ટિ અને તેમના ગુરૂ સ્વામી રામકૃષ્ણ પરમહંસ પ્રત્યેની તેમની ચાહ અમારા હ્રદયને સ્પર્શી ગઈ.
પેરિયાર અભ્યારણ્યના એ હાથીઓનો નજારો તો ભૂલવાનું નામ જ ન લે.
દિલ્હી - નેતાઓની સાનિધ્યમાં
ભારત દર્શન પ્રવાસ પૂર્ણ થયો પછી અમે દિલ્હી પહોંચ્યાં.
ત્યાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ઝૈલસિંહજીને મળીને ફોટા પડાવ્યા. પછી ૭ રેસકોર્સ રોડ પર પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને મળ્યા અને તેમની ઉર્જાભરી વાતોમાંથી નવી પ્રેરણા મેળવી.
સંસદ ભવનની મુલાકાત દરમિયાન ત્યાંના સચિવાલયના અધિકારીઓએ અમને સંસદીય કાર્યપ્રણાલીની વિગત સમજાવી. સમાપન સમારંભમાં વિરોધ પક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણી ઉપસ્થિત રહ્યા. એ કાર્યક્રમમાં “Vote of Thanks” આપવાની જવાબદારી મારી હતી. માઇક બંધ નીકળ્યું, એટલે મારું “I take this opportunity…” હું અને મારી આજુબાજુ બેઠેલા થોડાક જ સાંભળી શક્યાં! પાછળ બેઠેલા રવિકાન્તે મારી વાક્યરચનાની પ્રશંસા કરતાં કહ્યું — “અવાજ નહીં આવ્યો, પણ ભાષા ગમી ગઈ!”
ફેઝ-૧ વર્ગખંડ તાલીમ
પછી ફરી શરૂ થયો વર્ગખંડનો સમય. સરદાર પટેલ હોલ, કાઉન્સિલર મીટિંગ્સ, ટ્યુટોરિયલ ચર્ચાઓ. હવે સૌ વચ્ચે પરિચય વધ્યો હોવાથી તાલીમમાં હળવાશ અને મિત્રતાનો માહોલ હતો.
નવું શીખવું તો હતું જ, પરંતુ હવે હેતુ સ્પષ્ટ બન્યો. “એકતામાંથી વિકાસનું દૃષ્ટિકોણ”.
આ તબક્કાની માર્ગદર્શક હતી મેડમ અનીતા દાસ, અને સાથે તેમના પતિ દાસ સાહેબ, બંને IAS. તેમની નિખાલસતા અને મમતા અમને ખુબ જ અડી. તેમની પાસે અમે શીખ્યાં કે IAS અધિકારી માત્ર શાસક નહીં, પણ સેવા અને સંવેદનાનો સંયોગ છે.
ગેસ્ટ સ્પીકર્સ પણ અદભુત હતાં. સુલભ શૌચાલયના સ્થાપક બિંદેશ્વર પાઠક, અને ગુજરાતના “Toilet Man” તરીકે જાણીતા ઈશ્વરભાઈ પટેલ. તેમણે કહી દીધું, “મંદિર અને શૌચાલય બન્ને એકસરખા છે. એક મનને શુદ્ધ કરે, બીજું શરીરને.”
ડો. બી.ડી. શર્મા પોતાના બસ્તર કલેક્ટર તરીકેના અનુભવો લઈને આવ્યા. ધોતી-કુર્તામાં સજ્જ, અધિકારી કરતાં વધુ એક સમાજસેવી દેખાતા.
ફેઝ-૧માં અમારી સાથે ૧૯૮૫ બેચના Indian Forest Service (IFS)ના પ્રોબેશનર્સ જોડાયા. તે સમયે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકટરમણ અકાદમીની મુલાકાતે આવેલાં. અમે તેમની સમક્ષ રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક ગુજરાતી ગરબો, “મારો સોનાનો ઘડૂલો રે, આ પાણીડા છલકે છે” રજૂ કરેલો. હું ગીતની કેસેટ લઈ આવેલો અને ભરત પાઠકે (IFS) નિર્દેશન કરેલું. પાંચ મહિલા અને પાંચ પુરુષનો એ દાંડિયા રાસ જામેલો બસ અમે એક બીજાના કપાળમાં દાંડિયો મારવાથી બચેલા.
હરિદ્વાર કુંભ મેળો — વ્યવસ્થાનો પાઠ
તે વર્ષે (૧૯૮૬) હરિદ્વાર કુંભ મેળો યોજાયો હતો. તેના આયોજન અને વ્યવસ્થાનું અધ્યયન કરવા અકાદમીએ અમને ત્યાં મોકલ્યા. લાખો શ્રદ્ધાળુઓની ભીડ, અને તેમ છતાં વ્યવસ્થાનો શિસ્તબદ્ધ પ્રવાહ — અદ્ભુત અનુભવ.
પ્રવાસ, ભોજન, રહેઠાણ, સ્નાન, સ્વચ્છતા; બધું એટલું સુનિયોજિત કે સમજાયું, “સરકારી નોકરીનો અર્થ માત્ર ઓફિસ નહીં, પણ લોકોના જીવનમાં વ્યવસ્થા લાવવી.”
પરંતુ અમારે પરત આવ્યા પછીના દિવસોમાં, VIP મુલાકાત દરમિયાન ભીડમાં ભાગદોડ મચી. ૨૦૦ શ્રદ્ધાળુઓનાં મોત અને અનેક ઘાયલ થયા. તે દુર્ઘટનાએ અમને શીખવ્યું કે પ્રશાસન માત્ર સફળતાનો ઉત્સવ નહીં, પરંતુ દરેક નિર્ણયમાં માનવ જીવનની જવાબદારી છે.
ફેઝ-૧નું સમાપન
હળવાશ અને અનુભવોની વચ્ચે અમારું ફેઝ-૧ તાલીમ તબક્કો પૂરું થયો. હવે અમને અમારી ફાળવેલી રાજ્યો તરફ મોકલવામાં આવ્યા. પ્રત્યેક અધિકારી પોતાના કાડર રાજ્યમાં જઈ ક્ષેત્રીય તાલીમ માટે તૈયાર થયો.
મસૂરીનાં દિવસો પાછળ રહી ગયા, પરંતુ એ તાલીમનાં મૂલ્યો — માનવતા, શિસ્ત, અને સેવા ભાવ; જીવનના દરેક નિર્ણયમાં અંકિત રહી ગયા.
૨૧ ઓક્ટોબર ૨૦૨૫
0 comments:
Post a Comment