૧૫૭૨માં અકબરે જીત્યું ત્યાં સુધી અહીં સ્વતંત્ર સુલતાનોનું રાજ રહ્યું. પછી આવ્યું મુગલ ગવર્નરોનું રાજ જેમાં શાહજહાં, ઔરંગઝેબ અને મુરાદ પ્રમુખ રહ્યા. મુગલો પછી મરાઠા રાજ આવ્યું અને પેશ્વા પછી ગાયકવાડે રાજ કર્યું. પછી આવ્યા અંગ્રેજો અને ૧૯૪૭માં આઝાદી મળી એટલે આવ્યું લોકશાહી રાજ અને ૧૯૬૦માં સ્વતંત્ર રાજ્ય બનતા આવ્યું ગુજરાતી રાજ. બહુમતી વસ્તી ગુજરાતી પરંતુ રાજ મુસલમાન, મરાઠા અને અંગ્રેજોનું તેથી અહીં સમરસ સંસ્કૃતિ, સર્વ ધર્મ સમભાવની સાથે નીડરતાનો ગુણ વિકાસ થયેલો. પરંતુ ધર્મ હોય અને વિખવાદ ન થાય તે કેમ બને?
અહીં બે તહેવારોએ અમદાવાદ આખું રોડ પર આવી જતું. એક અષાઢી બીજની શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાની રથયાત્રા અને હિજરી મુહ્હરમ મહિનાના દસમા દિવસે આવતો માતમ-શોકનું તાજિયા સરઘસ. રથયાત્રા અહીં ૧૮૭૮ના વર્ષથી શરૂ થયેલી અને તાજિયા શહેર બન્યું ત્યારથી હશે કારણકે તેની ભારતમાં શરૂઆત ઉઝબેકિસ્તાનના સુલતાન તૈમૂર લંગની ભારત ચડાઈના વર્ષ ૧૩૯૮થી થયેલી. બંને પર્વો કોમી એખલાસના દર્શન કરાવે અને સાથે સાથોસાથ તોફાની તત્વોને કોમી વિખવાદ પેદા કરવાની તક આપે.
જે તે સમયે અમદાવાદ નાનું અને કોટબંધ શહેર એટલે તેનો રૂટ જમાલપુર મંદિરથી શરૂ કરી ગોળલીમડા-ખાડિયા-કાલુપુર-સરસપુર-પ્રેમદરવાજા-દિલ્લી ચકલા-શાહપુર-પાનકોરનાકા-માણેકચોક થઈ જમાલપુર મંદિરે પહોંચતી. આ રથયાત્રા ખાડિયા અને સરસપુર આવે એટલે ચાર્જ થાય અને જેવી પ્રેમ દરવાજાથી દિલ્હી ચકલાના રૂટ પર દાખલ થાય એટલે કોમી વિખવાદની દહેશત વધી જાય. રથ, માનવ મહેરામણ, વાજિંત્રોના અવાજ સાથે સાંકડી પોળ ગલીઓમાં પસાર થતાં થતાં ચોક-રસ્તે રોકાય એટલે તોફાની તત્વોના કોમી ઉશ્કેરણી કરવાના અટકચાળા કોમી તોફાનમાં પરિવર્તિત થતાં વાર ન લાગે. જો વાત વધુ વણસે તો પછી પત્થરમારો, ટીયરગેસ, ગોળીબાર, કર્ફ્યૂની કહાની શરૂ થઈ જાય. જો કે ૧૯૬૯ની રથયાત્રા જુલાઈમાં કોમી વાતાવરણનો તનાવ છતાં શાંતિપૂર્ણ પસાર થઈ ગઈ હતી.
આમ તો અમદાવાદ કોમી એખલાસ માટે જાણીતું શહેર પરંતુ ૧૯૪૭માં ભારતના ભાગલા પછી બે કોમનું કોમી વૈમનસ્ય વધ્યું અને નાના મોટા કોમી તોફાનો થતાં અને શમી જતાં. પરંતુ લોકનાયક ઈંદુચાચાની આગેવાની હેઠળ લડાયેલા મહાગુજરાત આંદોલન પછી ૧ મે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થતાં વિકાસનો માર્ગ મોકળો થયો. અમદાવાદમાં કપડાં મિલોની અને ચાલીઓની સંખ્યા વધી. ૧૯૬૦-૭૦ના દશકમાં વસ્તીમાં ૩૮%નો વધારો થયો. ૧૫ લાખ વસ્તીનું શહેર ૨૦ લાખ વસ્તીવાળું થયું. પૂર્વ અમદાવાદ મજૂરો અને બહારથી આવેલા લોકોથી ભરાવા માંડ્યું. અમદાવાદ રાજધાની બનતાં રાજકારણ મુંબઈથી છૂટી અમદાવાદ આવ્યું.
એવામાં મણિનગરમાં હિંદુ રાષ્ટ્ર માટે નીકળેલી ત્રણ દિવસની રેલી (૨૭-૨૯ ડીસેમ્બર ૧૯૬૮) અને જૂન ૧૯૬૯માં મળેલી જમીયત ઉલેમા એ હિંદ કોન્ફરન્સે કોમી વિભાજન શરૂ કર્યું. ૩ માર્ચ ૧૯૬૯માં કાલુપુરમાં ટ્રાફિકમાં અવરોધક હાથલારી ખસેડતાં તેમાં રહેલ કુરાન નીચે પડવાના એક પ્રસંગે પોલીસ કર્મીની માફી માંગવાના અને તોફાનો થતાં પોલીસ કર્મચારીઓને ઈજાની ઘટના બની.
બીજી તરફ ૪થી સપ્ટેમ્બરમાં રામલીલામાં ભેળાં થયેલ લોકોને વિખેરતાં મુસ્લિમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા મેજ પરથી રામાયણ પડી જતાં હિંદુઓમાં આક્રોશ ફેલાયો અને હિંદુ ધર્મ રક્ષા સમિતિએ આંદોલન કર્યું. એક રાજકીય પક્ષના આગેવાન બલરાજ મધોકે ૧૪-૧૫ સપ્ટેમ્બરે શહેરની મુલાકાત લઈ ઉગ્ર ભાષણો કર્યા.
૧૮ સપ્ટેમ્બર ૧૯૬૯ ના રોજ જમાલપુર જગન્નાથજી મંદિરની નજીક સૂફી સંત બુખારી સાહેબ ચિલ્લાની દરગાહ પર ઉર્સનો મેળો ભરાયો. ઉજવણી માટે મુસલમાનોની ભીડ જામી અને તે ભીડ ભરેલા રસ્તામાંથી ગાયો લઈ જગન્નાથજી મંદિર તરફ જતાં સાધુઓ નીકળ્યા. ભીડમાં ગાયો દોડવાથી કેટલીક મુસ્લિમ મહિલાઓને ઈજા પહોંચી જેના બદલામાં ટોળાએ ગાય લઈ જનાર મંદિરના સાધુઓને ઈજા પહોંચાડી અને મંદિરની બારીને નુકસાન પહોંચાડ્યું. મંદિરના મહંત સેવાદાસજી ઉપવાસ પર ઉતરતાં તરત જ ૧૫ જણાનાં મુસ્લિમ પ્રતિનિધિમંડળે તેમને મળી માફી માંગી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો.
પરંતુ શાંત રહે કે રાખે તે અમદાવાદ શાનું? ૧૯ સપ્ટેમ્બરની સવારે તોફાનો શરૂ થયાં અને મજૂર વિસ્તારોમાં ફેલાઈ ગયા. અમદાવાદમાં મિલો આવવાથી ચાલીઓ આવી. ચાલીઓમાં એક તરફ થ્રોસલમાં કામ કરતાં દલિત હિંદુઓ રહે અને બાજુની ચાલી-મહોલ્લામાં શાળ ખાતામાં કામ કરતાં કે સ્વરોજગાર કરતાં નાનાં નાનાં ગલ્લા ધરાવતા મુસલમાનો રહે. મૂળ હિંદુઓ તો બાજુએ રહ્યાં અને પડોશમાં રહેતાં ઉપરના બે સમૂહ રમખાણોમાં સામસામે આવી ગયા.
સરકારે ટીયરગેસ, લાઠીચાર્જ, કર્ફ્યૂના હથિયારો ઉગામ્યા છતાં ૧૯ થી ૨૪ સપ્ટેમ્બરના છ દિવસમાં ૫૭૪ લોકો માર્યા ગયાં અને દુકાનો, ઘરો, મસ્જિદો તોડતાં-સળગાવતાં કરોડોની પૂંજી પાયમાલ થઈ ગઈ. ૨૦ સપ્ટેમ્બરે ટોળાંથી ઘેરાયેલા મુસલમાન ભાઈએ ટોળાની માંગ મુજબ જય જગન્નાથ કહેવાને બદલે મોત પસંદ કર્યું. ટોળાએ તેના પર પેટ્રોલ છાંટી આંગ ચાંપી દીધી. ત્રણ કલાક કર્ફ્યૂ હળવો થયો તો તેમાં ૪૦ જણ માર્યા ગયા. ઉચાળા ભરી ટ્રેનમાં ભાગતાં લોકોને ટ્રેનમાંથી બહાર ખેંચી માર્યા. એક ગાંડપણ સવાર હતું જેણે અમદાવાદ શહેરને રક્તરંજિત કર્યું. મુસલમાનોને વધારે નુકસાન થયું.
ગુજરાત સમાચાર, સંદેશ અને જનસત્તા અખબારો ચાલતા. સમાચારોની સંદિગ્ધતાને કારણે અફવાનું બજાર જોરમાં. ક્યાંક પત્રિકાઓ છપાવી વિતરિત કરાવી ભડકાવનારા તત્વો સક્રિય તેથી ખબર જ ન પડે કે કેમ આ જૂથો એકબીજાને મારી મરી જવા પર તૂલ્યા છે?
૧૯ સપ્ટેમ્બરે તોફાનો થતાં જ કર્ફ્યૂ લાગ્યો અને મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈએ પળનોય વિલંબ કર્યા વિના બીજા દિવસે કેન્દ્ર સરકાર પાસે આર્મી માંગી લીધી. ૨૪ સપ્ટેમ્બરે આર્મી આવી, દેખો ત્યાં ઠારના હુકમો થયાં. તોફાનો નિયંત્રિત થયા પરંતુ છૂટાછવાયા ચાલુ રહ્યાં.
હું ત્યારે નવ વર્ષનો. પૂર્વ અમદાવાદમાં નટવરલાલ વકીલની ચાલીની ઓરડીમાં અમે રહેતાં. પિતા અને મોટાભાઈ મિલ કામદાર. કુટુંબમાં અમે કુલ આઠ જણા, માતા-પિતા, દાદી, ત્રણ ભાઈ, એક ભાભી અને નાની એક બહેન. મા અને બહેન તો ભટારિયા હતાં અને ભાભી ગર્ભવતી. પિતા અને મોટાભાઈ આઠ કલાક મિલમાં જાય તેથી ઘરકામ અને ટાંપાટીયા કરવામાં મારી સક્રિયતા અને પુખ્તતા વધતી ચાલી. પિતા મજૂર મહાજન સંઘના મેમ્બર તેથી મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, સરદાર પટેલ, લાલ બહાદૂર શાસ્ત્રી, વગેરે નેતાઓના આદર્શો અને તેમના જીવન ચરિત્રોની વાતોનો પરિચય રહે. પિતા અને માતા આઝાદીની ચળવળના જમાનાના અને ૧૯૪૨ની ભારત છોડો આંદોલનના ભાગરૂપ સાડા ત્રણ મહિનાની મિલ હડતાળમાં જોડાઈ તેમણે આઝાદી આંદોલનમાં યોગદાન આપ્યું હતું. તેથી રાષ્ટ્ર ભક્તિ અને જાહેર જીવનના સંસ્કાર મારામાં બચપણથી વણાઈ ગયા જેને કારણે સમાચારો, જાહેર ઘટનાઓ પ્રત્યે મારી સભાનતા રહેતી.
૧૯૬૯ના કોમી હુલ્લડોમાં અમારી ચાલીએ પણ ભાગ લીધો હતો. સામાન્ય સંજોગોમાં મારા પિતા જેવા આગેવાનોના અવાજે બધા ચાલે પરંતુ તોફાનોની વાત આવે એટલે જેનું ઉપદ્રવ મૂલ્ય હોય તેવા અસામાજિક પ્રકારના ઈસમોના હાથમાં નિયંત્રણ આવી જાય. અમારી ચાલીને અડકીને જ મણિયારવાડો. સામાન્ય દિવસોમાં તો હિન્દૂ-મુસલમાન દુકાનોમાં ચીજ-વસ્તુઓનું ખરીદ વેચાણ, કરિયાણું, ઘંટી, સાયકલ રીપેર, દવાખાનું, વગેરે કામે બંને કોમોનો ઘનિષ્ઠ પરિચય. તેમાંય દારુ અને જુગારનો અને પોલીસનો પરિચય પણ ગાઢ. એટલે જેવું કોમી ટેન્શન વધ્યું કે બધાની ભાષા બદલાઈ ગઈ. બીજી કોમ પ્રત્યે અપશબ્દોનો મારો શરૂ થયો. તે વર્ષે સાતેક મિલો બંધ થઈ હતી એટલે કેટલાક બેરોજગાર હતા અને કેટલાક ઉભરતા યુવાનો પાસે કંઈ કામ નહોતું. ટોળું બન્યું. દરેકના ઘરમાં લાકડી અને પાઈપ હોય જ. કેટલાકના ઘેર ધારિયા મળી જાય. બસ તૈયારી પૂરી. ટોળું, લાકડી, પાઇપ અને ધારિયું લઈ હોંકારા દેકારા કરતાં ચાલીમાંથી નીકળી રોડ પર આવી જાય. સામે બીજું ટોળું હોય. પછી શરૂ થાય પત્થરમારો અને લાગ આવી જાય તો દુકાનો તોડવાનું, લૂંટવાનું અને સળગાવવાનું કામ ચાલુ થઈ જાય. ઘરમાં કેરોસીનના ડબલા ભરેલાં હોય તે કામ લાગે. પરંતુ આવું તો એકવાર થાય. વધારે લાંબુ ચલાવવા વધુ આયોજન જોઈએ. તેથી ક્યાંકથી પાઈપ, કેરોસીન અને દારુના કેરબા આવી જાય.
પહેલા દિવસે પત્થરમારામાં એકાદ બે જણના માથા ફૂટ્યા હતાં તેથી હવે બીજા દિવસે બદલો લેવા હુમલો કરવાનો હતો. તે વખતે ઘરમાં ખાવાના વાસણ તરીકે કાંસાની તાંસળીઓ. કેટલાક યુવાનોએ માથાની રક્ષા માટે માથે તાંસળી અને ઉપર રૂમાલ કે કપડું બાંધી દીધેલું. કેટલાકે ઘરમાં પાઘડી હોય કે ધોતી કે સાડી હોય તે બાંધી દીધેલ. મને કુતૂહલ થયું. હું પણ ટોળાની પાછળ ચાલ્યો અને શું કરે છે તે જોવા રોડના કિનારે ઉભો રહી ગયો. કરફયૂ હતો એટલે રોડ તો સાવ ખાલી અને દુકાનો બંધ. ટોળું સીધું પહોંચ્યું મારવાડાની અનાજ કરિયાણાની દુકાને. ટોળાએ તેનું શટર તોડ્યું અને ઘંઉ, ચોખા, બાજરીના કોથળા ઉઠાવી લાવ્યાં. બીજા નાના મોટા ડબ્બા, ગોળ, તેલ ઉઠાવ્યા. મારી નજર પર એક કાજુ ભરેલા ડબ્બા પર ગઈ. મારવાડાની દુકાને જતો ત્યારે કાચના ભાગથી દેખાતા કાજુ ખાવાનું મન થતું. આજે તો કોઈ નથી. પરંતુ ચોરીનું કેમ લેવાય? મનમંથન ચાલતું હતું એટલામાં પોલીસ આવતી દેખાણી એટલે બધાં ભાગીને ચાલીમાં ભરાયા.
બીજા દિવસે કર્ફ્યૂ ખૂલ્યો એટલે ફરી પાછું ટોળું તોફાન કરવા નીકળ્યું. પરંતુ સાત ચાલીઓથી લૂંટાયેલી દુકાનો બધી ખાલી થઈ ગઈ હતી. તેથી પરત આવતાં ચાલીના નાકે આવેલું મંગા હટ્ટીનું લાકડાનું પીઠું લૂંટ્યું અને સળગાવ્યું. પતરાં બધાં ઉખાડી લાવ્યાં. હવે આપણી હદ ઓળંગી પેલી બાજુ જઈએ તો મોત નજીક આવવાની દહેશત હતી અને પોપટીયાવડ પાસે એક યુવાનનું પોલીસ ગોળીબારમાં મરણ થતાં પોલીસની બીક પણ લાગતી હતી તેથી તોફાની ટોળાએ આક્રમણનો માર્ગ છોડી જો સામેથી આક્રમણ આવે તો સુરક્ષા માટેની તૈયારી કરી દીધી. બધાંના ઘેર જે કોઈ ઈંટ પત્થર હતાં તે લાવી ચોગાનમાં મોટો ઢગલો કરી દીધો.
તોફાનોને કારણે મિલો બંધ એટલે આવક બંધ. બાવીસ તારીખની ખર્ચી ન મળી. સાત તારીખનો પગાર વપરાઈ ગયો હતો. દૂધ આવતું ન હતું તેથી ઘરમાં કાવો બનતો પરંતુ તેને ગળ્યો કરવાં ગોળ જોઈએ. ચાની પત્તી પૂરી થવા આવી હતી. કરફ્યૂ ખુલે એટલે લારીઓમાં ક્યાંક ડુંગળી બટાટા મળે પરંતુ મોંઘા એટલે રોટલો અને મરચાંની ચટણી બનાવી ગુજારો ચાલતો. ઘરમાં પૈસા થઈ રહ્યા એટલે મારા બાપાએ જેવી કરફયૂમાં એક કલાકની છૂટ આવી એટલે મને એક કિલોમીટર દૂર આવેલ હીરાલાલની ચાલીમાં રહેતાં તેમના મિત્ર અને કાકા સસરા બાલુરામને ત્યાં પાંચ રૂપિયા ઉછીના લેવા મોકલ્યો.
હું તો નીકળ્યો. વીસેક મિનિટ જવાની થાય અને વીસેક આવવાની અને દોડીએ તો શક પેદા થાય તેથી ચાલવામાં ત્વરા રાખી. વળી મનમાં તોફાનોની બીક એટલે ચારે બાજુ નજર રાખી ફૂટપાથ પકડી ચાલતો રહ્યો અને બાલુરામભાના ઘેર પહોંચી ગયો. ખબર અંતર પૂછ્યા અને પાંચ રૂપિયા ઉછીના માંગ્યા. પરંતુ તેમને પણ અમારા જેવી ભીડ હતી તેથી ના પાડી દીધી. ઠાલા હાથે હું પાછો વળ્યો. પરંતુ જેવો નજીકના ચાર રસ્તે આવ્યો ત્યાં તો બંને બાજુની ચાલીઓમાંથી પુરુષો ધારિયા, પાઈપો અને સળગતા કાકડા લઈ ધસી આવ્યા. હું તો ફૂટપાથના ખૂણે લપાણો પરંતુ પાંચ-દસ મિનિટમાં તો ટોળાએ ચાર રસ્તાની દુકાનો તોડી લૂંટી લીધી અને પાટિયા, બીજો સામાન રોડ પર નાખી તેની હોળી કરી દીધી. ત્યાં ઊભા રહેવામાં કંઈ સાર ન હતો અને વાગવાની બીક તેથી સરકતો સરકતો હું જમણા રસ્તે વળી લાંબા ડગલા ભરતો ઘર ભેળો થઈ ગયો.
અમદાવાદમાં આર્મી આવવાથી કરફયુ કડક બન્યો. મિલિટરી કરફયૂ તોડનારને ડામરના રોડ પર નાક ઘસડાવતી તેથી માર અને નાક જવાના બીકે કરફ્યૂ ભંગ કરનારની સંખ્યા ઘટી. કરફ્યૂ પણ સ્ત્રીઓ માટે જ હળવો કરાતો. જે સરકારી નોકરિયાત હોય તેમને કરફ્યૂ પાસ મળતાં. કોઈ બિમાર હોય તો ડોક્ટર પાસે કે હોસ્પિટલ લઈ જવા પાસ કઢાવવો પડતો. આર્મીની ઘોડાઓ પર બેસી માર્ચ પાસ્ટ થતી. દેખો ત્યાં ઠારની બીક વધી તેથી રોડ પરના તોફાનો અંકુશમાં આવ્યાં.
પરંતુ અંદર શું ચાલી રહ્યું છે તે જોવાં મિલિટરીની ટીમો બનાવી રીયફલ સાથે ચાલીઓની તપાસમાં લાગી ગઈ. અમારી ચાલીમાં પણ રોન આવવાની હતી. ચોગાનનો ખૂણો પત્થરો અને ઈંટોથી ભરેલો હતો. ચાલીના આગેવાનોને બીક કે મિલિટરી બે-પાંચને પકડશે અને ખૂબ મારશે. તાબડતોબ ચાદરો, શેતરંજી, ગોદડાં, કંતાન ભેળાં કર્યા અને આખો ઢગલો ઢાંકી દીધો. મિલિટરીની ટીમ આવી, હું તેમની સાથે લાઈને લાઈને ફર્યો અને જેવાં ચોગાનમાં આવ્યા એટલે ઢગલો બતાવી એ ક્યા હૈ? પ્રશ્ન કર્યો. મોટિયાર બધાં એકબીજા સામું જોતાં રહ્યાં. પછી ગંગારામ ભગતે હળવે થી કહ્યું કે સાહેબ ડુંગળી બટાકા હૈ. બહાર કુછ મિલતા નહીં ઈસલિએ એકઠાં કર રાખ્યા હૈ. મિલિટરીનો એક અમલદાર હું ચાલી આખીમાં તેમની સાથે ચાલેલો તેથી તેણે મારી સામે નજર કરી પૂછયું, ક્યા યહ સચ કહ રહે હૈ? મારે ઘેર શ્રાવણમાં મહાભારત વંચાતુ અને તેમાં ભીમે મારેલાં અશ્વત્થામા (હાથી)ની ગુરૂ દ્રોણે તે પોતાનો પુત્ર તો નથી મર્યો તેની ખરાઈ કરવાં યુધિષ્ઠિરને પૂછતાં તેણે ધર્મ યુદ્ધ જીતવાં નરો વા કુંજરો વા કહેલું, તે મને યાદ હતું. મેં ભગતની વાત માટે ડોકું હલાવ્યું. એક સિપાહીએ ચાદરનો છેડો ઊંચો કરી જોઈ લીધો અને હસ્યો અને પછી તેઓ ચાલી નીકળ્યા. મેં ચાલતાં ચાલતાં કહ્યું કે બાજુમાં અડકીને મણિયારવાડો છે. જો તેમનો હુમલો થાય તો બાળકો- સ્ત્રીઓની રક્ષા કરવા આ ઢગલો એક માત્ર હથિયાર છે.
હુલ્લડો અને અધિક માસ. દિવાળીનો તહેવાર (૯ નવેમ્બર) નજીક આવતાં ચાલીઓ ખાલી થવા માંડી. રેલવેમાં કોઈ ટિકિટ લેતું નહીં. મારી ચાલીના કોટની પાછળ એક રસ્તો અને તરત જ રેલવેનો કોટ. કોટમાં દારૂના પીપ ઉતારવા અને સંતાડવા બુટલેગરોએ ફાંડા પાડેલા. તેથી પાછલા રસ્તે રેલવેમાં દાખલ થઈ કાલુપુર સ્ટેશને જઈ ટ્રેનની અંદર ઉપર જ્યાં જગ્યા મળે ત્યાં ચઢી બધાં રવાના થતાં. મોટાભાગના લોકો સામાનમાં બીજુ્ શું હોય? ઘરવખરીનો સામાન (વાસણો) ચાદરમાં બાંધીને નીકળેલા.
મારા બાપા અને કનુભાઈને ઘેર રાખી મોટાભાઈ જીવણ, ગર્ભવતી ભાભી રઈ, દાદી સુંદર અને હું રેલના રસ્તે થઈ સવારે આઠની ટ્રેનમાં ચઢ્યા. ખરા બપોરના બાર વાગે કટોસણ રોડ ઉતર્યા. ચીમન શ્રીમાળીની દુકાને જઈ હાથ મોઢું ધોઈ ઊંટલારીની ખબર કરી પરંતુ મફત કોણ લઈ જાય. ઘેર જઈ રૂપિયો આપીશું એમ કહીએ તો કોણ માને? અમારું ગામ ભટારિયા નવ કિલોમીટર દૂર. બે કલાક ચાલવાનું. દાદી ૮૨ વર્ષના અને વયોવૃદ્ધ, ન ચાલી શકે તેવાં. ભાભીને સાતમો મહિનો ચાલે. મારા ભાઈએ વાસણોનું પોટકું માથે ઉપાડ્યું અને અમે ચારેય જણ રેલના પાટાની કિનારી પકડી ચાલી નિકળ્યાં. દાદી માંડ ડગલાં ભરતી. મારા હાથમાં કપડાંની થેલી. રઈભાભી દાદીને પકડી ધીમે ધીમે આગળ વધે. જીવણભાઈ આગળ અને હું વચમાં. રેલના પાટે વચ્ચે વચ્ચે ગરનાળા આવે એટલે તેમાં બે પાટા વચ્ચે થઈ ચાલવાનું. કોઈકમાં સલેપાટની જગ્યા પૂરવાં પતરું હોય અને કોઈકમાં ન હોય. એવાં એક ગરનાળાને પાર કરતાં મારા ભાઈનો પગ બે સલેપાટની વચ્ચેના ગાળામાં ગયો અને મચકોડી ગયો. બે જણાં તો અપંગ જેવા અને તેમાં આ ત્રીજા થયાં. માંડ માંડ બંગલીએ પહોંચ્યા અને ત્યાં સુંદરમાં ફસડાઈ પડ્યાં. હજી ગામ આવવાને દોઢ બે ગાઉ બાકી હતાં. રઈભાભીને તેમની જોડે રાખી હું ત્વરાએ ગામ પહોંચ્યો. ખુશાલીભાને વાત કરી. તરત જ ખાટલી તૈયાર કરી બે યુવાન બંગલી તરફ રવાના થયાં અને સાંજની વેળા સમયે દાદી અને રઈભાભીને લઈ ઘેર આવ્યા. દાદી પથારીવશ થઈ ગયા.
મારી માં પૂંજીબાઅને નાની બહેન રમીલા ઘેર હતાં જ. બહેનને રમાડી ત્યાં સુધી બાએ બટાટા ડુંગળીનું શાક વઘારી દીધું અને જાડા જાડા ઘંઉના રોટલા ઘડી દીધાં. જમીને ગામમાં ઉંઘવાની મારી એ પહેલી રાત હતી. મારા બાપાએ સાયકલ પર ફેરી કરી ખાદી વેચી મેંગ્લોરી નળિયા અને સાદડની વળીઓથી બાંધેલું પાકી ઈંટોના ઘરમાં મારી એ પહેલી રાત હતી. આખા દિવસના થાકેલાં એટલે રાત ક્યાં ગઈ ખબર જ ન પડી.
સવારે મોરલાના ટહુકા, મંદિરની ઘંટડીના અવાજે મારી આંખ ઉઘડી ગઈ. એટલાકમાં તો ઘેર ઘેર ભેંસ દોહવાના, છાણ વાસીદું કરવાના અને માથે ટેકરા ઉપાડી ઉકરડે છાણ નાંખવા જતી વહુઆરુઓના અવાજે ગામ જાગતું થઈ ગયું. પુરુષો બધાં લોટે નીકળ્યા અને જેણે સવારની શિરામણી પતાવી હોય તે ખેતરે જવા નીકળ્યા. કોઈક ઠાલા તો કોઈક બળદ લઈ તો કોઈ બળદગાડામાં બેસી. ચોમાસાની સીઝન તો પૂરી થઈ ગઈ હતી. પરંતુ કેટલાકના ખળામાં હજી અનાજ લેવાનું બાકી હતું. રઈભાભીને ચૂલો સળગાવી ચા મૂકી દીધી હતી. મેં લીમડાનું દાતણ લીધું. એવું કડવું લાગ્યું કે થૂંકી નાંખ્યું. પછી ચા પી પહેલીવાર ગામ જોવાની તૈયારી કરી હું કલ્પનામાં ખોવાયો. મને ક્યાં ખબર હતી કે મારી કલ્પનાની હકીકત વસમી થવાની હતી.
૩ સપ્ટેમ્બર ૨૦૨૫
0 comments:
Post a Comment