Saturday, September 27, 2025

કચ્છડો બારેમાસ (૧૯) કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ)

મારો કચ્છડો બારે માસ (૧૯)

(કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ) 

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પેલો કચ્છડો બારે માસ. ગુજરાતના ઈતિહાસમાં કચ્છનું અનોખું મહત્વ. અહીં અધિકારી આવતાં રડે અને જતાં પણ રડે. આવે ત્યારે અછતવાળા રણ પ્રદેશમાં આવવાનું દુઃખ લઈ રડે અને જાય ત્યારે અહીંના પ્રેમાળ, માયાળુ લોકોના પ્રેમથી એવા ભીંજાયા હોય કે જતાં પણ રડે. કચ્છી માંડું ભગવાન જેડા આય. તેઓ અચો કહે ત્યારે આત્મીય લાગે અને અચીજા કહે ત્યારે તેમની વધુ આત્મીયતા તેમને ફરી મળવા પ્રેરે. કચ્છનો જણ જ્યાં પણ વસતો હોય, મુંબઈમાં, કરાંચીમાં કે આફ્રિકા યુરોપમાં પોતાના વતનની યાદ કદી ન ભૂલે. કચ્છના પહેલાં વરસાદના સમાચાર સૌ લે અને વધામણાં કરે. ગુજરાતથી અલગ આષાઢી બીજના દિવસે તેઓ નવ વર્ષની ઉજવણી કરી એકબીજાનું અભિવાદન કરે. શિયાળાની ટાઢ અને ઉનાળાની ગરમી અહીં આકરી પડે. નર્મદાના પાણી નહોતા આવ્યાં ત્યાં લગી તો ઘણાં ગામો કાશ્મીરની જેમ ખારી ચા પીતાં. વલસાડના અનરાધાર વરસાદની સામે અહીં છાંટા પડે તો પણ લોકો રાજીના રેડ થઈ જાય. અહીં ઉનાળાની સાંજે પશ્ચિમથી વાતો મંદમંદ સમીર મનને પ્રસન્ન કરી દેતો. તનને ટાઢક હોય અને મનને પ્રસન્નતા પછી તે સાંજ હજી ચલતી રહે તેવો ભાવ સહજ થતો. 

વિશાળ રાજાશાહી જિલ્લો

ભારતના નાના રાજ્યોથી મોટો કચ્છ જિલ્લો ઈઝરાયલ દેશથી પણ બમણું વિશાળ ક્ષેત્રફળ (૪૫૬૭૪ ચોરસ કિલોમીટર) ધરાવે છે. તેને અડકીને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ છે. કંડલા અને મુંદ્રા બે મોટા બંદરો ઉપરાંત જાણીતું જખો છે. રાત્રે જખૌના દરિયા કાંઠેથી કરાંચી બંદરની લાઈટો દેખાય. સિંધુ સંસ્કૃતિનું ધોલાવીરા છે. સફેદ રણની ચાંદની રોનક છે. ધોરડોના વ્યંજનો છે. કોટેશ્વર, નારાયણ સરોવર તીર્થો છે. સિંધુ નદીની નરા શાખા અહીં વહેતી ત્યારે ડાંગરની ખેતી થતી અને લાખ કોરીનો વેપાર કરતું લખપત ધીકતું બંદર હતું. ગુરૂ નાનકદેવજી અહીંથી મક્કાના પ્રવાસે ગયા હતા. જૈન તીર્થોમાં અહીં ભદ્રેશ્વર પ્રખ્યાત છે. માંડવીનો દરિયાકિનારો આહલાદક છે. માંડવીના ઘંઉ શક્તિવર્ધક અને ખડીર રાપરની બાજરીના રોટલા તો ખાવ અને ખૂટે. અહીંની ખારેક ખાઓ તો બીજી કોઈ ન અડકો. કેસર કેરી કચ્છની જૂનાગઢ અને વલસાડને પાછળ મૂકી દે. ડ્રેગન ફ્રૂટ હોય કે દાડમ, ફળોમાં કચ્છનો રસ ભળે એટલે મધુરા બની જાય. કચ્છનો પેલેસ, આયના મહેલ રજવાડી જીવનનો ઠાઠ બતાવે. 

બ્રિટીશ સરકાર વખતે અહીં દેશી રજવાડાંનું રાજ હતું. કાચબા જેવા આકારવાળો આ પ્રદેશ ધોલાવીરાને કારણે સિંધુ ખીણ સંસ્કૃતિ સાથે પોતાનો ઈતિહાસ જોડે છે. મહંમદ ગઝનીએ ૧૦૨૫-૨૬માં સોમનાથ પર ચડાઈ કરી ત્યારે કહેવાય છે કે ગુજરાતનો નાથ ભીમદેવ-૧લો રાજધાની પાટણ છોડી અહીં કંથકોટમાં છૂપાયો હતો. કચ્છનું જાડેજા રાજની સ્થાપના સન ૧૧૪૭માં ચાવડાઓને હરાવી સિંધની સમાં જાતિના લાખા જાદાણીએ કરી હતી. તેની રાજધાની તેના જોડિયા ભાઈના નામે લખીરવીરો (નખત્રાણા) હતી. ઉત્તરાધિકારી તરીકે મોટા પુત્રની શાખા અને નાના પુત્રની શાખામાં તકરારો ઉભી થતાં નાની શાખાના જામ રાવલના પિતા લાખાજીનું લખીરવીરોમાં કતલ થતાં તેનો આરોપ લખીરવીરાના રાવ હમીરજી પર આવ્યો. જામ રાવલે સન ૧૫૩૭માં રાવ હમીરજીની હત્યા કરી બે દશક રાજ કર્યું. પરંતુ પછીથી હમીરજીના વંશજ રાવ ખેંગારજી-૧એ પોતાના અધિકારનું રાજ સન ૧૫૫૭માં જીતી લેતાં જામ રાવલે નવાનગર જઈ નવું રાજ સ્થાવવું. તેમના વંશજો જામનગર, રાજકોટ, ગોંડલ, ધ્રોલ, વીરપુરમાં વસ્યા. જ્યારે ખેંગારજીના કચ્છમાં ભૂજ રાજધાની બની. તેમના કુળદેવી માં આશાપુરા દેવી છે. 

મેં કચ્છ કલેક્ટરનો હવાલો સંભાળ્યો ત્યારે નામમાત્રના રાજવંશના વારસ રાવ પ્રાગમલજી-૩ હતાં. તેઓને હું તેમના પેલેસ હાઉસમાં મળ્યો ત્યારે તેઓ મને મિલનસાર અને વિનમ્ર લાગ્યાં. તેમને પુત્ર સંતાન ન હોવાથી તેઓ તેમની મિલકતોના વાણિજ્યિક હેતુ ઉપયોગ માટે ખૂબ વિચારતાં અને તેમના પ્રોજેક્ટના લાંબી ચર્ચા કરતાં. તેમના પિતરાઈ કાકા હિંમતસિંહ મને નિયમિત કલેક્ટર નિવાસે આવી પખવાડિયે મહિને મળવાનું રાખતાં. મહારાવ કુટુંબના શિકારીભાઈ મને આદરપૂર્વક મળતાં અને કોઈક વાર રાજવી ટેસ્ટનાં અથાણાં લઈ આવતાં. કચ્છની વાતો કરતાં રામસિંહ રાઠોડને પણ યાદ કરવા પડે. 

સરહદી સુરક્ષા દળો 

કચ્છ સરહદી જિલ્લો તેથી અહીં આર્મી, એરફોર્સ, બીએસએફ, આઈબી અને બીજી મહત્વપૂર્ણ કેન્દ્રીય સંસ્થાઓના મથકો. જેને કારણે આર્મીના બ્રિગેડિયર જે.પીં પાઠક, એરફોર્સના ભૂજ કમાન્ડના એર કોમોડોર જૈન, એરફોર્સ નલીયા કમાન્ડના એર કોમોડોર ત્યાગી, 
બીએસએફ વડા મેનન, તેમના ડેપ્યુટી રાઠૌર વગેરે સાથે મારે મૈત્રીપૂર્ણ સંકલન સંબંધ રહેતો. તેમને ત્યાં get together હોય કે અમારે ત્યાં અમારે અરસપરસ અવરજવર રહેતી. મારે તેમને ત્યાં ડિનરમાં જવાનું થાય પહેલાં વિનંતી કરતો કે જમવાનું વહેલાં પીરસજો પછી તમ તમારે મોડી રાત સુધી મસ્ત રહેજો. ભારત સરકારની એજન્સીઓ સાથે મારી ઘનિષ્ઠ મૈત્રીનું એક કારણ મારા પુરોગામીના આર્મી સાથે ખાટા થયેલા સંબંધો હશે. બીએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ રાઠૌરે ડ્રાઈવિંગ અંગે આપેલી ટીપ્સ મને કાયમ કામ આવી. 

ભૂજની નજીક માધાપર ગામ નજીક આર્મી કેન્ટોન્ટમેન્ટ અને તેમાં થઈ જવાનો લોકોને કાયમનો રસ્તો. આર્મીએ મારા પુરોગામીના સમયે એકવાર એ રસ્તો સદંતર બંધ કરી દીધો. કલેક્ટરે કહ્યું પણ આર્મી અધિકારીઓએ ન ગણકાર્યું એટલે કલેક્ટર પોતે ટ્રેક્ટર પર બેસી રસ્તો ખોલાવવા ગયા હતાં તેવી વાતો લોકો કરતાં. તેઓને પ્રવાસ અને ફોટોગ્રાફીનો શોખ તેથી તેમણે ત્રણ વર્ષ જેટલો લાંબો સમય એક મજબૂત યાદ તરીકે વિતાવેલ. કાસમ કલેકટરનો રસોઇયો. મારા પુરોગામીને વારેવારે ટાઈફોઈડ થાય પણ કારણ ન પકડાય. છેવટે કાસમનો ટાઇફોઈડ પકડાયો ત્યારે તેમનો મટ્યો.  

કલેક્ટર નિવાસ

મારા પુરોગામી સીટીસી પહેલેથી ભરી કદાચ વતનમાં નીકળી ગયા હતા પરંતુ તેમના પત્ની એકલાં રહે. વલસાડ અમે છોડી દીધેલું અને સરકીટ હાઉસમાં કેટલું રહેવાય? વળી ઉજ્જવલ ધવલની શાળાઓ શરૂ થાય તે પહેલાં તો ઘરમાં રહેવા જવું જ પડે. નસીબજોગે પુરોગામીએ ઘરનાં બે ભાગ કર્યા અને એક તરફના ભાગમાં તેમનો સામાન ખસેડ્યો અને એક તરફનો ભાગ અમને રહેવા આપ્યો. કલેક્ટર નિવાસ રજવાડા વખતનું બ્રિટિશ પોલીટીકલ એજન્ટ હાઉસ. બે બાજુ બે-બે રૂમો અને વચ્ચે રસોડું, ડાઇનિંગ અને બેઠક રૂમ. જમણી બાજુનું ઘર તો અમને છ મહિના પછી વાપરવા મળ્યું. પરંતુ છ મહિનામાં ડાબી બાજુની આદત એવી પડી હતી કે જમણી બાજુ પછી અતડી લાગવા માંડી. કમ્પાઉન્ડમાં આંબા, ગોરસઆંબલી, કોઠુંના ઝાડ. બગીચામાં એક ઝુમ્મર વેલ મને એવી તો ગમી કે અમદાવાદ પિતાજીને ઘેર લગાવી અને હાલ મારા ગાંધીનગર નિવાસે પણ છે. મકાનના દક્ષિણ દ્વારે રોડને અડકીને શિવજીનું મંદિર. શ્રાવણ મહિનામાં અને સોમવારે અમે શિવલિંગના દર્શન કરતાં અને પૂજારીના ખબરઅંતર પૂછતા. 

શિષ્ટાચાર 

કચેરીમાં બેસું ત્યારે મને ખ્યાલ હતો કે આપણે દેશી રજવાડાના ક્ષેત્રમાં છીએ અને કલેક્ટરનું સ્થાન અહીં સામંતી વારસ જેવું છે. કલેક્ટરના પટાવાળા તરીકે નાયક એક જોગીભાઈ. દેખાવે નીચા અને વૃદ્ધ જણાય. મને કહે સાહેબ હું નાયક તેથી રેન્ક મુજબ મને લાલ પટ્ટો મળે તે પહેરું? મને થયું નેકી ઓર પૂછપૂછ, એકલો પટ્ટો સારો ન લાગે, માથે પાઘડી અને પગમાં પોલિશવાળા કાળા બૂટ જોડી દો. કાકા ખુશ થઈ ગયા અને હું રહ્યો ત્યાં સુધી તેમણે તે યુનિફોર્મ જાળવી રાખ્યો. તેમની જોડે બીજા પટાવાળો સતુભા જાડેજા. 

મદદનીશ ટીમ

કચેરીમાં ભટ્ટીભાઈ હાજર હોય એટલે કલેક્ટરને કોઈ ચિંતા નહીં. તેમની મદદમાં વૈષ્ણવ પણ આજ્ઞાંકિત. આરડીસી જગદીશ પંડ્યા અને તે પછી આવેલા શંકરભાઈ પટેલ કચેરી સંભાળી લે. વર્ગ ૧-૨ ના અધિકારીઓ તેમની ક્ષમતા જેટલું કામ કરે. જિલ્લા વિકાસ અધિકારી તરીકે વસંતભાઈ ગઢવી અને પછી આવેલ સંજય નંદન તેમની જિલ્લા પંચાયત સુપેરે ચલાવે અને કલેક્ટર સાથે સંકલનમાં રહે. પ્રાંત અધિકારી તરીકે મારી પાસે નખત્રાણામાં સી. આર. ખરસાણ, ભૂજમાં એ.બી. પરમાર અને પછીથી નલીન ઉપાધ્યાય અને અંજારમાં દુષ્યંત દવે. ત્રણેય અસરદાર એટલે પ્રાંત અને તાલુકા કક્ષાના કામો તેઓ સુપેરે સંભાળી લેતાં. મામલતદારો કોઈ સારા, કોઈ મધ્યમ અને કોઈ નબળા પરંતુ જાહેર વહીવટમાં બધા ચાલી જાય. 

બંગલે કાસમ રસોડુ સંભાળે. પાતળો નાનો અબ્દુલ કપડાંને ઈસ્ત્રી કરે અને નાના મોટા ટાંપા કરે. હુસેનભાઈ માળી બગીચો સંભાળે. મહમંદ રાત્રે આવે તે કમ્પાઉન્ડમાં આંટા માર્યા કરે. બે સિક્યુરીટી બંગલે રહે અને એક ગનમેન અશોક વાજા સાથે કચેરી અને પ્રવાસમાં સાથે રહે. શિફ્ટ લાંબી ચાલે તો બીજો આવી જાય. બધાં નિયમિત અને શિસ્તપાલનવાળા, કલેકટરની ગરિમાનું ધ્યાન રાખે. ડ્રાયવર તરીકે દામજી મકવાણા અને તેની સાથે કિશોર. બંને કુશળ એટલે જૂનાગઢના ડ્રાઇવરોની અકસ્માત કરવાની બીક જેવી બીક હવે ન રહી. ગાંધીનગર મિટિંગમાં જઈએ તો લાંબો પંથ કાપતાં કાપતાં થાકી જવાય. પરંતુ પાછા ફરીએ એટલે જાણે ઘેર જતાં હોઈએ તેવો હરખ જાગે.

અછત રાહત

મેં કચ્છનો હવાલો સંભાળ્યો ત્યારે અહીં અછત ચાલે. દાહોદ સબડિવિઝનમાં લાખ-દોઢ લાખ મજૂરો સંભાળ્યા હોય ત્યાં અહીંના અછત રાહત કામો સાવ સામાન્ય લાગે. પરંતુ મુખ્ય પ્રશ્ન ઢોરોને ઘાસચારાનો બંને. વિશાળ બન્ની પ્રદેશ અહીંનો ઘાસ વિસ્તાર જેમાં હજારોની સંખ્યામાં ગાય, ભેંસ, બકરાં, ઘેટાં નભે. રાજ્યમાં બીજા જિલ્લામાં અછત હોય તો અહીંની વીડીઓનું ઘાસ કામ આવે. સવારે કચેરીએ જાઓ તો બન્નીના માલધારીઓ જવાનો રસ્તો અને કચેરીનું નાકું બાંધીને બેઠા હોય. તેમનાં પ્રશ્નો સાંભળવા પડે અને ઉકેલવા પડે. પરંતુ અહીં અછત હોય ત્યારે ઘાસ મેળવવા જૂનાગઢ, ભાવનગર અને છેક પંચમહાલ સુધી નજર દોડાવવી પડે. પીવાનું પાણી એક વિશેષ સમસ્યા. જ્યાં સારા વર્ષમાં અઠવાડિયામાં બે-કે ત્રણવાર પાણી મળતું હોય તેવા ગામોમાં જો ટેન્કર ન પહોંચે તો ત્રાહિમામ થઈ જતો. મેં એક નિયમ રાખેલો. જે ગામની મોટી રાડ આવે કે ગામના નાકે બીજી સવારે મારી ગાડી ઊભી હોય. કચ્છની પ્રજાને તે અછતમાં ના કામની, ના ઘાસની કે ના પીવાના પાણીની તંગી પડવા દીધી. 

શ્રી અટલ બિહારી વાજપેયીની મુલાકાત 

તે વર્ષે અછત રાહત કામોની મુલાકાતે દેશના લીડર ઓફ ઓપોજીશન અટલ બિહારી વાજપેયી આવ્યા. ધોતી, ઝબ્બો અને બંડીની સાદગીમાં સજ્જ એક મોહક વ્યક્તિત્વ. હું નાનો હતો ત્યારે કટોકટીના વર્ષોમાં જ્યારે ૧૯૭૭ની ચૂંટણી જાહેર થઈ ત્યારે અમદાવાદ ખાનપુરની સભામાં તેમને સાંભળવા ગયો ત્યારે દૂરથી જોયેલા. આજે પ્રત્યક્ષ હતાં અને દિવસ દરમ્યાન તેમની સાથે વાતચીત કરવાનો અદ્ભુત મોકો. તેઓ અછત રાહતના અમારા કામથી સંતુષ્ટ થયા. કચ્છના વિકાસ માટે તે વખતે મારું રોમ રોમ અવાજ કરે. મેં કચ્છને ઈઝરાયલ સાથે સરખાવી તેને એક વિશેષ પ્રદેશ ગણી ઈઝરાયલના મોડલ પર જળ સંચય, સિંચાઈ, કૃષિ અને ઔદ્યોગિક વિકાસની રૂપરેખા સમજાવી. તેઓ એટલા તો રોમાંચિત થયા કે મને કહે, परमारजी, आप की कच्छ विकास की सोच उत्तम है. 
अपने को कच्छ देश का प्रमुख मानकर काम करो. અમે સાથે પ્રવાસમાં ગાંધીધામ ગયા. ત્યાં તેમને પરિચિત તેમના પક્ષના કોઈ સિંધી આગેવાન મળવા આવ્યા. તેઓ તેમની સાથે વાજપેયીજીની એક છબી લાવેલા અને અટલજીને વિનંતી કરી કે તેઓ તેમનો ઓટોગ્રાફ તેના પર આપે. અટલજીએ બે લાઈનો લખી જેમાં પહેલી મને કંઈક યાદ રહ્યું ढलती उम्र, बढ़ती परछाई, वो एक दौर था, आज नया दौर है. તેઓ જાણે તેમના જીવનપંથની યાત્રાને વર્ણવી રહ્યા હતા. 

હમીરસર ખાણેત્રુ 

અહીં વરસાદ ઓછો પડે અને શહેરની વસ્તીને પાણીની તંગી ન પડે તેથી જે પણ વરસે તે બધું પાણી સંગ્રહ થાય તે રીતે પાણીના આવરાને જોઈ રાજાશાહીના વખતમાં તળાવોની રચના, તેના ઇનલેટ આઉટલેટ બનાવેલ. ભૂજનું હમીરસર તળાવ એટલે શહેરનું આભૂષણ. સહજાનંદ સ્વામી મહારાજ ભૂજમાં રહેલ અને હમીરસર તળાવમાં સ્નાન કરતાં તેથી તે પ્રસાદીના તળાવ તરીકે ઓળખાય. મને થયું લાવોને તળાવની સંગ્રહ શક્તિ વધારવા કંઈક કરીએ. મેં ધારાસભ્ય સહિત શહેરના આગેવાનો અને સ્વામિનારાયણ મંદિરના સંતોની બેઠક બોલાવી. મારી વાત રજૂ કરી અને હમીરસર તળાવના ખાણેત્રાના ફાળા પેટે મારો એક પગાર આપવાની જાહેરાત કરી. બેઠકમાં વીજળી દાખલ થઈ. ધારાસભ્ય પુષ્યદાન ગઢવીએ એમએલએ ગ્રાન્ટમાંથી ₹૧ લાખ લખાવ્યાં. પછી દાનનો પ્રવાહ શરૂ થયો અને એક કલાકમાં અમારી પાસે ₹૧૦ લાખ એકઠા થઈ ગયા. સ્વામીનારાયણ મંદિરના સંતોએ ખાણેત્રાના સુપરવિઝનની જવાબદારી લીધી. તેમના હરિભક્તોએ ડીઝલનો ખર્ચ નીકળે તેટલા દરે ટ્રેક્ટરો ખડકી દીધાં. સ્વયંસેવકો અને મજૂરોની લાઈન લાગી અને ખાણેત્રુ શરૂ થયું. ખોદકામમાં માટી નીકળતી કે અમે શહેરના રસ્તાઓની બંને બાજુ અને ખાડાઓમાં ઠાલવતાં. જોતજોતામાં હમીરસર તળાવની સંગ્રહ શક્તિમાં અંદાજે એક કરોડ લિટર પાણીનો વધારો કરી દીધો. 

અસ્તિત્વને હું જીવંત જોતો તેથી સમૂહના સકારાત્મક સંકલ્પો સારા ફળ આપે તેવી મારી શ્રદ્ધા હતી. મેં ફરી તળાવમાં વિષ્ણુયાગ યજ્ઞ કરવાની ટહેલ નાખી. રાજપુરોહિત કુટુંબના હરેકૃષ્ણ ખેરા અમારાં પુરોહિત બન્યાં. યજમાન જોડાઓએ ખર્ચ ઉઠાવ્યો અને પૂજામાં બેઠા. ચારેબાજુ એક સકારાત્મક વિચારોનું વાતાવરણ બંધાયું. મેં ડીસીએફને એક લાખ રોપા તૈયાર રાખવા જણાવ્યું. સૌના આનંદ અને આશ્ચર્ય વચ્ચે તે વર્ષે (૧૯૯૪)માં સદીનો સૌથી વધુ વરસાદ નોંધાયો. નદી, નાળા, તળાવો બધું તરબતર થઈ છલકાયું અને કચ્છ અમારું આનંદના હિલોળે ચડ્યું. જ્યાં ૧૫-૨૫ રેઈની ડે નોંધાતા હોય તે મલકમાં ૭૫ રેઈની ડે નોંધાયા અને ભૂજ, નખત્રાણા, માંડવી જેવા ક્ષેત્રોમાં પાણીના તળ ખૂબ ઉપર આવ્યા. ભૂજમાં હમીરસર છલકાયું તે દિવસે આખું નગર ઘર છોડી તળાવે આવી ગયું. પરંપરા મુજબ બીજા દિવસે સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજા જાહેર કરી. હમીરસર ઉભરાય એટલે શહેરના પ્રથમ નાગરિક મેયર તેમની જમણાં હાથની કનિષ્ઠિકા (ટચલી આંગળી) નાં રક્તકણોથી તળાવનાં વધામણાં કરે. પરંતુ તે વર્ષે બધાને ભાવ થયો કે કલેક્ટર સાહેબે હેતે કરી ઘણું કામ કર્યું તેથી આ વર્ષે તેમના હાથે વધામણા કરીએ. પરંતુ એમ સીધું હાલે તો સમાજ ન કહેવાય. કેટલાક જાતિવાદી તત્વોએ ઊંબાડિયું કર્યું અને તળાવ વહીવટદાર તરીકે કામ કરતાં અમારા નાયબ કલેક્ટર બી. કે. ઠક્કરે વધાવ્યું. તેમના સંકોચને દૂર કરવાં મેં કાર્યક્રમમાં ગેરહાજર રહેવાનું પસંદ કર્યું. પછી તો અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉજવ્યો. ભૂજના બધાં રસ્તાઓને વાવેતરથી જડી દીધા. વૃક્ષની નજીક રહેનારને તેના રક્ષણ અને વર્ષાઋતુ પૂરી થાય પછી જળ સિંચનની જવાબદારી આપી. કેટલાં વૃક્ષો બચ્યાં તેની ખબર નહીં પરંતુ ભૂજના રસ્તાઓ પર અને હમીરસરની ફરતે ઊભેલાં ઘણાં વૃક્ષો અમારા કર્મયજ્ઞની સાક્ષી પૂરે છે. 

સુરત પ્લેગ 

એ વર્ષ સુરતમાં આવ્યો પ્લેગ (ઓગસ્ટ-ઓક્ટોબર ૧૯૯૪). એસ.આર.રાવ સાહેબે સુરત શહેર સફાઈ કર્યું પરંતુ ત્યાંથી પલાયન થઈ અમારા જિલ્લાના જે ઈસમો આવવા લાગ્યા તેનાથી અમારે સાવધાન થવાની જરૂર ઊભી થઈ. મારા ફીજીશિયન મિત્ર સિવિલ ભૂજના ડો કશ્યપ બૂચ અને જિલ્લાની ડોક્ટરો અને અધિકારીઓની ટીમ કામે લાગી. અમે વિષયને સમજાવતી, રોગ, રોગના લક્ષણો, સારવાર, રાખવાની તકેદારી વગેરે સાથે રેડિયો વાર્તાલાપ અને દ્રશ્ય શ્રાવ્ય કેસેટો તૈયાર કરી કેબલ ટીવી મારફત પ્રચાર કરવાનું શરૂ કરી દીધું. સદનસીબે અમે પ્લેગથી બચ્યાં. 

નવરાત્રિમાં મેલેરિયા 

આસો નવરાત્રિમાં આશાપુરા માતાના સ્થાનકે મેળો ભરાય. ગુજરાતમાં અંબાજીની જેમ હજારો લોકો પગપાળા દર્શન કરવા જાય. હું કાર લઈને ગયો. મને મચ્છરોએ ચાખ્યો. એકાદ બે અઠવાડિયામાં હું તાવમાં પટકાયો. લોહીના નમૂનાના સ્લાઈડ લીધી પરંતુ મેલેરિયા નેગેટિવ આવ્યો તેથી ડોક્ટર બીજી દવાઓ આપ્યા કરે. અહી તાન તૂટે નહીં. એક દિવસ થર્મોમીટરે ૧૦૪-૧૦૫નું રીડીંગ બતાવ્યું. તાન ન ઉતરવાથી અને ભોજન ન લેવાથી હું સાવ અશક્ત થઈ ગયેલો. તેમાં તાવની સ્પાઇક આવતાં મને મોત નજીક લાગ્યું. ચોરે તરફ અંધારું જણાય. કોઈ મળવા આવે તો તેમનો અવાજ સંભળાય. ડો કશ્યપ બૂચે ફરી સ્લાઈડ લેવડાવી. મેલેરિયા ફાલ્સીફેરમ પકડાયો. પછી તો તરત ઇંજેક્શન શરૂ થયા. મેલેરિયા વિરુદ્ધની દવાઓ શરીરમાં દાખલ થઈ અને હું બચ્યો. 

ચૂંટણીઓ અને ચૂંટણી ઓળખ કાર્ડ 

ડિસેમ્બરમાં જિલ્લા, તાલુકા પંચાયત અને ગામ પંચાયતોની ચૂંટણીઓ આવી. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે અધિકારીઓની ટીમ સરસ હોવાથી સરળતાથી યોજી પાર કરી. પંચાયતી રાજની નવી ટીમ અમારા સંકલનમાં આવી. 

મુખ્ય ચૂંટણી કમિશનર શેષાનના તાપનો એ જમાનો. ચૂંટણી ઓળખ કાર્ડ આવ્યા. ગામે ગામ અને વોર્ડે વોર્ડે જઈ મતદારોના ફોટા પડાવવાના અને મતદાતા સૂચિનો રેકર્ડ સુધારવાનો. રાજ્ય ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી ઓળખ કાર્ડનું છાપકામ કેન્દ્રીયકૃત કરી જિલ્લાઓને પ્રેસ ફાળવાયા. કચ્છને જામનગરનું પ્રેસ ફાળવ્યું જ્યાં જામનગરનું છાપકામ પહેલેથી ચાલતું હતું. પ્રેસ સ્થાનિક કલેક્ટરનું કામ પહેલું કરે તેથી અમે પાછળ રહીએ. તે કારણસર ગાંધીનગરમાં ઓળખ કાર્ડ છપામણી પ્રગતિની બેઠકમાં નાયબ રાજ્ય ચૂંટણી અધિકારી કૈલાસનાથન જોડે ચણભણ થઈ. મેં કહ્યું કે મને સ્વતંત્ર પ્રેસ આપો અથવા જામનગરનું કામ થોડા દિવસ અટકાવી મારો બેકલોગ પૂરો કરાવો. હું જામનગર જતો ત્યારે કલેક્ટર સંજયપ્રસાદને ઘેર જમતો. સદાવ્રત જેવું તેમનું ઘર. રસોઈઓ ડાઈનિંગ ટેબલ પર મોટો બાઉલ ભરીને પાલક પનીર મૂકી દે પછી જેને જેટલું ખાવું હોય તેટલું ખાય. સંગીતાને પાલક પનીર ખાતા જોઈ લક્ષ્મીને પાલક પનીરનો સ્વાદ જામી ગયો. આજે પણ પાલક પનીર બને ત્યારે સંગીતાને જરૂર યાદ કરે. 

મુખ્યમંત્રી છબીલદાસ મહેતા અવારનવાર જિલ્લાની મુલાકાતે આવતા. તેઓ એક અમદાવાદ સાબરમતીના કોઈ પરંપરાથી તૈયાર થયેલ ઠાકોરનો કેમ્પ કરાવતાં. મહિલાઓને કમરમાં દુખાવો થાય તે આ ઠાકોર હાથથી ઠોકી દુખાવાવાળા બે મણકાનું અંતર વધારી મટાડી દેતાં. તે મહિનાઓમાં ડીએસપી પ્રમોદ કુમારની બદલી માટે એક વિશેષ ગ્રુપે બહુ બળ કર્યું. પરંતુ મારી ભલામણથી મુખ્યમંત્રીએ તેમની બદલી ન કરી. તે વર્ષે ચૂંટણી આચારસંહિતાને કારણે ૨૬મી જાન્યુઆરી ધ્વજવંદનનો કાર્યક્રમ કલેક્ટરનાં હસ્તે થયો. પરેડ સલામી બધું નિયમસર થયું પરંતુ કાર્યક્રમનો ચીફ ગેસ્ટનો પ્રોટોકોલ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને સોંપી પ્રમોદ કુમાર બેચનું વર્ષ ગણવા બેસી રહ્યા. 

પછી આવી ફેબ્રુઆરી-માર્ચ ૧૯૯૫માં નવમી વિધાનસભાની ચૂંટણીઓ. અમારે અહીં આઠમી વિધાનસભાના ધારાસભ્યો ભૂજથી પુષ્પદાન ગઢવી, માંડવીથી સુરેશભાઈ મહેતા, અબડાસાથી તારાચંદ છેડા, અંજારથી નવીનભાઈ શાસ્ત્રી (કાયદામંત્રી), રાપરથી હરિલાલ પટેલ, મુંદ્રાથી પરબત સોધમની સરસ ટીમ હતી. નવમી વિધાનસભાની ચૂંટણીનું કામ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે મારે ભાંગ આવ્યું. છએ બેઠકોની મતદાર યાદીથી લઈને ચૂંટણી કરવાના સંશાધનો, વાહનો, અધિકારીઓ, કર્મચારીઓ, તેમની તાલીમો, આચારસંહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થા, ચૂંટણી, મત ગણતરી, પરિણામો, વગેરે કામગીરી તેના સમયપત્રક મુજબ પૂરી કરવાની. જિલ્લાનો વિસ્તાર ખૂબ મોટો. ત્રણ-ચાર જિલ્લા ભેગા કરીએ તેવો. દુર્ગમ વિસ્તારો જ્યાં રોડ રસ્તા ન હોય, રણ પ્રદેશ હોય ત્યાં પરિવહન માટે ઊંટને ઉપયોગમાં લેવા પડે. અમે તે કામ સફળતાપૂર્વક પાર પાડ્યું. ધારાસભ્યોની ટીમમાં થોડા ફેરફાર થયા. અબડાસાથી નીમાબેન આચાર્ય ચૂંટાયા. ભૂજથી મુકેશભાઇ ઝવેરી આવ્યા. અંજારથી વાસણભાઈ આહીર ચૂંટાયા. રાપરથી બાબુભાઈ મેઘજી શાહ જીત્યા. જૂનામાંથી સુરેશભાઈ મહેતા અને પરબત સોધમ બીજીવાર ચૂંટાઈ આવ્યા. પુષ્પદાન ગઢવી પછીથી ૧૯૯૬માં સંસદસભ્ય તરીકે ચૂંટાયા. 

વિધાનસભાની ચુંટણીઓમાં સત્તાપક્ષ કોંગ્રેસની (૪૫) હાર થઈ. છબીલદાસ મહેતાએ રાજીનામું આપ્યું અને કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પક્ષની (૧૨૧) સરકાર બનાવી. કચ્છમાંથી સુરેશ મહેતા નંબર ૨ તરીકે ઉદ્યોગ મંત્રી બન્યા. જેવી નવી સરકાર બને અને સત્તાપક્ષ બદલાય એટલે અધિકારીઓની બદલીઓનો દોર શરૂ થાય. મારા સદનસીબે મુખ્યમંત્રી કેશુભાઈએ તેમનો પહેલો પ્રવાસ કચ્છ બોર્ડર એરિયાની મુલાકાતનો ગોઠવ્યો. હું તેમની સાથે રહ્યો એટલે સરકારી વાતચીત પૂરી થાય એટલે અંગત વાતોમાં દાખલ થયો. તેમણે રાજકોટમાં કોલસા તોલવાના તોલાટ તરીકે શરૂ કરેલી તેમની કારકિર્દી કેવી રીતે તેમની સેવાકીય ભાવના અને કર્મઠતાથી આગળ વધી તેની ગાથા ગાઈ. તેઓ જ્યારે વાજપેયી અને ખાસ કરીને લાલકૃષ્ણ અડવાણી આવે ત્યારે પોતે ડ્રાઈવર થઈ તેમની જીપ હંકારતા તે ઘટનાઓ વર્ણવી. એ સમયે કચ્છના ઔદ્યોગિક વિકાસ માટે સરકારનું ધ્યાન. કચ્છમાં સીમેન્ટ ઉદ્યોગને ૧૦૦ વર્ષ ચાલે તેટલો ચૂનો. સાંઘી સિમેન્ટની દરખાસ્ત પાછલી સરકારમાં ચાલી જેમાં આવનાર કંપનીને જમીન લાંબી લીઝ પર આપવાની કાર્યવાહી ચાલતી હતી. મને તેમાં સરકારનું અહિત જણાતા મુખ્યમંત્રીના કાને જાહેર સાહસ બનાવી સંયુક્ત સાહસ તરીકે પ્રોજેક્ટ હાથ ધરવા સૂચવ્યું. પરંતુ ઉદ્યોગ મંત્રી કચ્છના તેથી તેમનો અભિપ્રાય જાણ્યો હશે. ખનીજો ભરેલી જમીનો સાંઘી સિમેન્ટને મળી. મુખ્યમંત્રી મારા કામથી ખુશ હતાં અને ધારાસભ્યોની કોઈ વિશેષ ફરિયાદ ન હોઈ બીજા જિલ્લા કલેક્ટરો બદલાયા પરંતુ મને અને ડીએસપી પ્રમોદ કુમારને તેમણે કચ્છમાં ચાલુ રાખ્યા. સુરેશભાઈનો આગ્રહ ન સ્વીકારાતા તેઓ અમારાથી અને મુખ્યમંત્રીથી નારાજ થયા. 

પિંગલેશ્વર પાર્ટી અને ઉજ્જવલને બચાવ 

તે વખતે આર્મી, એરફોર્સ, બીએસએફની કંપની અને પાર્ટીઓ એક જુદો કેફ આપે. વિધાનસભાની ચૂંટણીઓ પતી એટલે અમને હળવા કરવાં અબડાસા નલીયા એરબેઝના હૂંફાળા એરકોમોડોર ત્યાગીજીએ પિંગલેશ્વરના ગોલ્ડન સેન્ડ માટે જાણીતા બીચ પર એક સાંજે ડિનર પાર્ટી રાખી. ડીએસપી અને હું પરિવાર સાથે જોડાયા. તેમને ડ્રિંક્સ પાર્ટી ચાલે તેથી હું તેમનાથી થોડેક દૂર ઉજ્જવલને લઈ દરિયા તરફ જઈ ઊભો રહ્યો અને લક્ષ્મી ધવલને લઈ મહિલાઓ જૂથમાં જોડાઈ ગઈ. દરિયામાં હજી ભરતી આવવાની તૈયારી થતી હશે પરંતુ ધીમે ધીમે અંધારું આવી રહ્યું હતું તેથી હું ઉજ્જવલની આંગળીઓ મારી આંગળીઓમાં ભરાવી મોજાંનું પાણી આવે ત્યાં સુધી અમે આગળ ગયા. અચાનક મોજાં મોટાં થવા લાગ્યા અને હજી અમે કંઈ વિચારીએ તે પહેલાં મોટા મોટા બે મોજાં આવી અમને તેમની લપેટમાં લઈ લીધા. મારા પગ નીચે રેતમાં લાગેલા પરંતુ ઉજ્જવલ જમીન પરથી ઉખડી ગયો અને દરિયાના પાણીમાં ખેંચાવા લાગ્યો. તેની આંગળીઓ મારી આંગળીઓમાં ભરાયેલી તેટલી જ પકડ રહી. જો જરાક વધુ બળથી દરિયો ખેંચે તો ગયો. હું પણ પાણીમાં ગળાડૂબ, આંખ આગળ પાણી સિવાય કશું ન દેખાય. હું ચેત્યો, સમય સમજ્યો અને બીજો હાથ ઝડપથી ઉપાડી ઉજ્જવલની તરફ ફેલાવી તેને ખેંચી છાતી સાથે ભીડી પહેલાં સલામત કર્યો. પછી દરિયાલાલને મનોમન પ્રાર્થના કરી કે હે દેવ, મારો પુત્ર તો તને નહિ આપું. તારે જોઈએ તો અમે બંને આહુતિ માટે તૈયાર છીએ. એટલું મનમાં બોલતાં જ ધબાક દઈ દરિયાનું પાણી નીચે ઉતરી ગયું. ત્યાં સુધી દૂરથી કંઈ મુશ્કેલી છે તેવું જણાતા પ્રમોદ કુમાર દોડીને આવ્યા. અમે કિનારે આવ્યા. ઉજ્જવલે તે દિવસે તેના નાનાએ આપેલી સોનાની ત્રણ-ચાર રતીની એક સોનાની વીંટી પહેરી હતી. તેના હાથમાં જોયું તો દરિયાએ તે વીંટી લઈ અમને જીવતદાન આપ્યું હતું. 

એક કરુણાંતિકા

સન ૧૯૯૫ના વર્ષમાં લગનસરાનો વૈશાખનો મહિનો આવ્યો. ભૂજ નજીક પટેલ ચોવીસીના ગામમાં દેવજી કરસન પટેલ નામનો એક સ્વામીનારાયણનો ભક્ત વચનામૃત વાંચે. તેની દીકરી તેણે બળદિયામાં પરણાવેલી. દીકરીના દિયરના લગ્ન. બે વેવાઈઓ વચ્ચે કોઈ બાબતે વાંકું પડ્યું તેથી દેવજીને લગ્નનું આમંત્રણ ન મળ્યું. અહીં વેવાઈને ત્યાં ઢોલ વાજિંત્ર સાથે જાન નિકળવાનો આગલો દિવસે ફૂલેકું ફેરવ્યું. વર, તેના ભાઈ-ભાભી, મિત્રો, સગા, બધા વાજતે ગાજતે ગામની કે પછી એક શેરીઓ પસાર કરતાં દેવજીની શેરીમાં આવી ગયા. દેવજીએ વચનામૃતની કોઈ લાઈન અંડરલાઈન કરી. એક ચિઠ્ઠી બનાવી તેમાં તેને ટાંકી તેના અર્થનો અનર્થ કર્યો. તેણે તેના ડેલાનો પતરાંનો દરવાજો બંધ રાખ્યો હતો પરંતુ એક મોટો કેરબો ભરી કેરોસીન લાવી દરવાજાના ખૂણે રાખી દીધું હતું. સંધ્યા ટાણું હશે. જેવું ફૂલેકું તેના ડેલે આવ્યું અને બધાં જ્યારે વાજિંત્રોના અવાજમાં નાચગાનમાં મસ્ત હતાં ત્યારે તેના ડેલાની દિવાલ પરથી કેરોસીનનો કેરબો તેણે વર અને તેના મિત્રો, કન્યાઓ બેઠા હતાં તે બળદગાડા પર ઠાલવી આગ ચાંપી દીધી. હાહાકાર મચી ગયો.વર સહિત ૨૩ જણ મરીને ભળથું થઈ ગયા. કેટલાય દાઝી ગયા. દેવજીનો જમાઈ માર્યો ગયો અને દીકરી ગંભીર દાઝી ગઈ. લગ્નગીતો મરસિયામાં પલટાઈ ગયા. મૃતકો અને દાઝેલાંઓને ભૂજ જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા અને જેઓ બચ્યા તેમની સારવાર શરૂ કરી અને વધારે બર્નવાળાને અમદાવાદ ખસેડ્યા. આ તરફ દેવજી રાતના અંધારાનો લાભ લઈ સાયકલ પર ભાગ્યો. પોલીસે આખી રાત શોધખોળ કરી. સવારે તે એક કૂવામાં પડી આત્મહત્યા કરેલી તેમાંથી તેની લાશ કમળી. તેના ઘેર સ્વામીનારાયણ વચનામૃતની એ ખુલ્લું પુસ્તક, તેના પરની કોઈક શિક્ષા કરવાની લાઈન પર રામજીએ પેનથી કરેલી અંડરલાઈન અને પોતાની લગ્નમાં આમંત્રણ ન આપવાથી અપમાનની મનોદશામાં કરેલું કૃત્યની ચિઠ્ઠી મારી સામે આજેય પ્રશ્ન ચિહ્ન ખડો કરી દે છે. ધાર્મિક અંધશ્રદ્ધાનું આવું ભયાનક પરિણામં તે દિવસે ભૂજ જનરલ હોસ્પિટલમાં મરેલાં માણસોનાં મળદાં અને તેમનાં બળેલાં શરીરની વાસથી મારો અંતરાત્મા કમકમી ઉઠ્યો. આજે પણ તે દ્રશ્ય અને બળેલા માનવ શરીરોની એ ગંધ યાદ આવતા મન ગ્લાનિથી ભરાઈ જાય છે.

ઉજ્જવલનો હોસ્ટેલ પ્રવેશ 

હું હવે એક પછી એક કામના લોડથી થાકવા લાગ્યો. બળધિયાની ઘટનાએ મને આંતરિક હચમચાવી મૂક્યો. આ બધું શા માટે? વળી સુરેશભાઈ મહેતાનું મન કળવું હવે મને અઘરું થવા લાગ્યું. હું લક્ષ્મીને કાયમ કહેતો કે નોકરી મારી પહેલી પત્ની તેથી મને સરકારી કામમાં બાધક ન થવું અને ઘર પરિવાર પોતાની મેળે સાચવી લેવા. બે બાળકો હવે મોટા થઈ રહ્યા હતા. જિલ્લાઓની નોકરીમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવામાં ઉજ્જવલ-ધવલની વારેવારે શાળાઓ બદલાવાથી તેમના શિક્ષણને માઠી અસર થઈ હતી. ધવલને દિપ્તી સોની નામની ટ્યૂશન ટીચર મળી એટલે તેની ગાડી તો પાટા પર ચડી પરંતુ ઉજ્જવલ આઠમું પાસ થયો પરંતુ મને તેની શિક્ષાથી સંતોષ નહોતો. મને તેના ભાવિ જીવનની ચિંતા થવા લાગી. વળી તે પિંગલેશ્વર દરિયા કિનારાની દુર્ઘટનાથી બચ્યો પછી મારું ધ્યાન તેના તરફ વિશેષ જવા લાગ્યું. મેં મિત્રોની સલાહ લીધી અને આઠમું રીપીટ કરી ભણવા રાનીખેતની જીડી બિરલા મેમોરિયલ શાળામાં દાખલ કરી દીધો. તેની ઉંમર ત્યારે તેર વર્ષની. કલેક્ટરની નોકરીમાં જવાબદારીઓ વચ્ચે રજા ક્યાંથી લેવાય? અમે સાહસ કર્યું. ઉજ્જવલને અમદાવાદ ટ્રેન સુધી મૂકવા જવાનું અને ત્યાંથી તેણે એકલા જવાનું નક્કી કર્યું. એક પાના પર અગત્યના નંબરો લખી તેનો ઉપયોગ સમજાવી દીધો. પ્રવાસ ખર્ચ માટે નાનકડી રકમ આપી. જીડી બિરલા સ્કૂલના આચાર્ય રાજીવને તેના પ્રવાસ આયોજનની ફોન દ્વારા ખબર કરી. તેની ટ્રેન ટિકિટ લીધી. તેની બેગ, લગેજ, ટિફિન તૈયાર કરી આપી અમે તેને અમદાવાદ રેલવે સ્ટેશને મૂકવા ગયા. પછીની મુસાફરી તેણે એકલાંએ કરવાની હતી. મેં તેને સમજણ પાડી કે દિલ્હી રેલવે સ્ટેશને ઉતરી કેવીરીતે બસ અડ્ડા તરફના દરવાજા તરફથી બહાર નિકળવાનું અને બસ અડ્ડેથી રાનીખેત માટેની ઉત્તરાખંડ મંડલ વિકાસ નિગમની બસ પકડી તેમાં બેસી જવાનું. પછી રાનીખેત આવે ત્યારે જ ઉતરવાનું અને ઉતરીને તરત પીસીઓ પર જઈ પહોંચી ગયાનો મને ફોન કરવો. પછી સ્થાનિકેથી જે સાધન મળે તે કરી જીડી બિરલા મેમોરિયલ સ્કૂલ પહોંચી, રીપોર્ટ કરી, સામાન મૂકી મને ફરી ફોન કરવો. ઉજ્જવલે તેની ચતુરાઈ અને હિંમત પૂરવાર કર્યા. વિના વિધ્ને તે દિલ્હી પહોંચ્યો, ત્યાંથી બસ અડ્ડેથી બસ પકડી રાનીખેત પહોંચ્યો અને તેનો રાનીખેતથી ફોન આવ્યાની ઘંટી રણકી એટલે મને હાશ થઈ તથા પુત્ર પર ગર્વ થયો. ઉજ્જવલ પછીથી રાનીખેત આઠમું અને નવમું બે વર્ષ ભણ્યો પરંતુ હોસ્ટેલ જીવન તેને માફક ન આવ્યું એટલે ધોરણ-૧૦મા પછીથી તેને ગાંધીનગર પાછો બોલાવી લીધો. 

જ્યોતિષ આધારિત આગાહી 

ઉજ્જવલના રાનીખેત ગયા પછીની જુલાઈ મહિનાની વાત છે. કચ્છ ટાઉનહોલમાં કોઈ એક સાર્વજનિક કાર્યક્રમમાં સુરેશભાઈ મહેતા અને હું અગલબગલમાં બેઠા હતા. ત્યાં ગાંધીનગર બહુમતી સરકાર છતાં પક્ષમાં આંતરિક મતભેદોને કારણે કેશુભાઈ સરકારની અસ્થિરતાની વાતો ચાલતી. મારા ખાનગી સર્કલમાં હું જ્યોતિષ જાણું તેવી ખબર. હળવાશની એ પળોમાં સુરેશભાઈએ મને પૂછયું કે તમને આ રાજકીય પ્રવાહમાં કેવું લાગે છે? મેં તેમને તેમની જન્મ તારીખ, સ્થળ અને સમય પૂછ્યા. અભ્યાસ હતો તેથી અંદાજિત કુંડળી માંડી. ગ્રહોના ગોચરને જન્મના ગ્રહો સાથે મેળવી જોયું અને આકસ્મિક લાભના ઉદયના ગ્રહો જણાતા સૂચવ્યું કે તેઓ નંબર -૨ હોવાથી ઓક્ટોબર મહિનાની આસપાસ મુખ્ય મંત્રી તરીકે શપથ લેવાની તૈયારી કરો. ભવિષ્યવાણી અંતરિક્ષમાં ચાલી ગઈ. 

મધપૂડો છંછેડ્યો 

મારી લોકપ્રિયતાનો ગ્રાફ ચડતો ગયો અને નવા ધારાસભ્ય નીમાબેન આચાર્ય તો ઉત્સાહિત થઈ જાહેરમાં કહેતા કે પરમાર સાહેબ કચ્છમાંથી ચૂંટણી લડે તો આરામથી જીતી જાય. પરંતુ આવી સફળતાની ક્ષણે મારો હાથ મધપૂડામાં પડી ગયો. તે વખતે મારે બે કારણોસર રાજકીય લોકો સાથે ઘર્ષણમાં આવવું પડયું. અમારા જિલ્લા પુરવઠા અધિકારી ભાસ્કર ભટ્ટ પર મારે કડક થવું પડ્યું. જિલ્લામાં પેટ્રોલ ડીઝલમાં મોટી ભેળસેળ ચાલે. પુરવઠાની ફરિયાદો આવે તો તેની તપાસ કરવા કરાવવાના બદલે બહાના બતાવે. પંચમહાલ જિલ્લાનો ખેલ મેં જોયેલો હતો. ચેતવણી છતાં તેમના વલણમાં ફેરફાર ન થતા જિલ્લા પુરવઠા અધિકારીના બધાં પુરવઠા નિરીક્ષકો મેં ત્રણ  પ્રાંત અધિકારીઓના હવાલામાં મૂકી દીધા અને પ્રાંત અધિકારીઓના સુપરવિઝન હેઠળ પુરવઠાની ફરિયાદો અને ગેરરીતિની તપાસો હાથ ધરી.  ભાસ્કરે રાજ્યસભાના સાંસદ અનંતભાઈ દવેને હાથ પર લીધા. બીજી તરફ લખપતમાં એક પેટ્રોલ પંપની તપાસમાં ભેળસેળની મોટી ચોરી પકડાઈ. પેટ્રોલપંપના માલિકના સંબંધો સંસદસભ્ય હરિલાલ પટેલ સાથે તેથી તે સામે આવ્યા. 

ત્યાં વળી આવી ભૂજની જમીનની એક રામાયણ. સાંથણીમાં એક દલિતને ફાળવેલ જમીન શરતભંગ કરી બીજાને વેચાઈ ગયેલી તેનું પ્રીમિયમ નક્કી કરી બિનખેતી મંજૂરી આપવાની હતી. તે જમીનમાં સાંસદ કે તેમના કોઈ નજીકના માણસનું હિત હશે. તેઓએ આખરી હથિયાર ઉપાડ્યું, કલેક્ટર બદલીએ. મને ખબર કે મુખ્યમંત્રી મારા પક્ષે છે તેથી જ્યાં સુધી સુરેશભાઈ નહીં કહે ત્યાં સુધી ચિંતા નથી. 

જિલ્લા આયોજન મંડળની બેઠક હતી. સુરેશભાઈ અધ્યક્ષ તેથી તેઓ આવ્યા. સરકીટ હાઉસમાં બેસી બધી માંડીને વાત સમજાવી. તેમણે ખાતરી આપી કે તેમને સંતોષ છે અને હવે કોઈ વિરોધ નથી. મેં જિલ્લા પુરવઠા અધિકારીના નિરીક્ષકોને પ્રાંતના સીધા સુપરવિઝનથી મુક્ત કર્યા. તે દિવસની આયોજન મંડળની બેઠક ખૂબ ઉત્સાહથી ચલાવી. રાજ્યસભાના સભ્ય અનંતભાઈને આશ્ચર્ય થયું કે આ કલેક્ટર તો હવે જવામાં છે તોય કેવડો ઉત્સાહ? તેમણે કોમેન્ટ કરી કે પરમાર સાહેબ આજે તો બહુ ફોર્મમાં છો. સુરેશભાઈ કંઈ ન બોલ્યા. ૧૫ ઓગસ્ટનો ધ્વજવંદન કાર્યક્રમ નજીક આવી રહ્યો હતો. તેઓ ગાંધીનગર ગયા અને મારો બદલી હુકમ આવી ગયો. 

પુષ્પદાન ગઢવીને મારા પ્રત્યે ખૂબ લાગણી પરંતુ હવે તે ધારાસભ્ય ન હતા. તેમના પુત્રને માઈનીંગ લીઝનો લાભ થયો હતો પરંતુ તેમની ત્રણની ત્રિપુટી (સુરેશભાઈ, અનંતભાઈ અને પુષ્પદાન) હોય ત્યાં ચૂપ.મારા મિત્ર ધારાસભ્ય તારાચંદ છેડાએ પછીથી કહ્યું હતું કે તેમણે જ્યારે વાંધો લીધો કે આટલું સારું કામ કરતા અધિકારીને કેમ બદલો છો તો જવાબ મળ્યો કે તેઓ પેલા પરમાર નથી. જેવું જેટલું જેનું અન્ન જળ પાણી. મેં ચાર્જ આગંતુક અધિકારીને સોંપી ગાંધીનગર પ્રયાણ કર્યું. ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં જાહેર આરોગ્યની શાખાઓનો હવાલો રાજેશ કિશોર પાસેથી સંભાળી હું અશોક ભાટિયા સાહેબની આરોગ્ય ટીમમાં દાખલ થયો. 

ખજૂરિયા અને હજૂરિયા 

ગાંધીનગરમા શંકરસિંહ બાપુ વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેથી મુખ્યમંત્રી બનવાની મનોકામના, પરંતુ ન બની શક્યા. મંત્રીમંડળની રચનામાં તેમની પૃચ્છા ન થવાથી અથવા ઓછી થવાથી નારાજ. તેમાં વળી તેમના પરામર્શ વિના બોર્ડ કોર્પોરેશનના ચેરમેનની નિમણૂકના સમાચારે આગ પર ઘીનું કામ કર્યું. અસંતોષને ચિનગારી લાગી. અહીં એક તરફ રાજ્યમાં વિકાસ માટે વિદેશી મૂડીરોકાણ મેળવવા મુખ્યમંત્રી કેશુભાઈ મંત્રીઓનું એક ડેલિગેશન લઈ વિદેશ પ્રવાસે ઉપડ્યા અને બીજી તરફ શંકરસિંહ વાઘેલા તેમના ૪૮ સમર્થકો લઈ ખજૂરાહો પહોંચી ગયા. ગુજરાત ભાજપ ખજૂરિયા અને હજૂરિયામાં વહેંચાઈ ગયુ. જે બેમાંય ન દેખાય તે મજૂરિયા કહેવાયા. કેશુભાઈ સાથે ડેલિગેશનમાં રાજ્ય કક્ષાના મંત્રી વિપુલ ચૌધરી. તેઓ ત્યાંની ખબર ગાંધીનગર આપે અને ગાંધીનગરની ખબર લેતા રહે. ખેલ બરાબર ચાલ્યો અને છેવટે અડવાણી-વાજપેયીની મધ્યસ્થીથી સમાધાન થયું. કેશુભાઈએ રાજીનામું આપ્યું. શંકરસિંહને મુખ્યમંત્રી તરીકે ન સ્વીકાર્યા અને બંને પક્ષનો વિરોધ ન હોય તેવા સુરેશભાઈ મહેતાને મુખ્યમંત્રી પદ મળ્યું. બરાબર ઓક્ટોબર ૧૯૯૫માં. 

ફરી પાછુ જ્યોતિષ 

મારી માન્યતા મુજબ સુરેશભાઈએ તેમના મિત્ર સાંસદ અનંતભાઈ દવેના કહેવાથી મારી કચ્છ કલેક્ટરમાંથી બદલી કરાવેલી તેથી હું તેમનાથી નારાજ. છતાં સત્તા આગળ શાણપણ નકામું એમ માની તેઓના નામની મુખ્યમંત્રી તરીકે જાહેરાત થતા હું તેમને અભિનંદન આપવાં તેમના નિવાસે ગયો. ત્યાં વિપુલ ચૌધરી અને બીજા ધારાસભ્યો હાજર. વિપુલે વાત ઉપાડી કે આ પરમાર સાહેબ તો ગજબનાં જ્યોતિષ છે, મારી જે વાત કરી તે સાચી નીકળી. સુરેશભાઈ મારી સામે જોઈ રહ્યા અને હસ્યા. અમારી ટાઉનહોલની ચર્ચા તાજી જ હતી. તેઓએ મંત્રીમંડળની રચનાનું મુહુર્ત પૂછયું. મેં મુહુર્ત કાઢી તે સમયમાં શપથવિધિ પતાવી લેવા આગ્રહ કર્યો. મંત્રીઓની સંખ્યા અંગે પણ સૂચન કર્યું. તેમણે બંને બાબતો સ્વીકારી તે મુજબ અમલ કર્યો. પરંતુ શપથવિધિના દિવસે કોઈ ધારાસભ્યને લેવા ન લેવાની ચર્ચા વચ્ચે રાજ્યપાલશ્રીને આવવામાં વિલંબ થયો. શરૂઆતના મંત્રીઓએ મારા મુહુર્ત સમયમાં શપથ ગ્રહણ કર્યા અને કેટલાક પાછળ રહી ગયા. 

અમે સાંજે ફરી તેમના ઘેર ગયા. વળી પાછા પહેલી બેઠકમાં હતાં તે બધા હાજર અને મહેસાણાના અરવિંદભાઈ પટેલ પૂછી બેઠા, પરમાર સાહેબ, આ સરકાર કેટલી લાંબી ચાલશે? મેં જવાબ આપવાનું ટાળ્યું પરંતુ અતિ આગ્રહ થતાં મારાથી બોલી પડાયું માંડ એક વર્ષ. જેણે મુહૂર્ત બહાર શપથ લીધા તે નિમિત્ત બનશે. શંકરસિંહ બાપુ ફરી ત્રાટક્યા. પાર્ટી તોડી નવો પક્ષ બનાવ્યો. ટૂંકા સમય માટે રાષ્ટ્રપતિ શાસન આવ્યું અને કોંગ્રેસના ટેકાથી બાપુએ સરકાર બનાવી મુખ્યમંત્રી બન્યા. સત્તા કાલ જતી હોય તો આજે જાય, જૂત્તે મારી. બાપુનો રીએક્ટીવ સ્વભાવ તેમને નડ્યો અને તેમને પણ એક વર્ષમાં જવું પડ્યું. 

હસ્તકલા કારીગરો 

કચ્છના કારીગરો કેમ ભૂલાય? અદ્ભુત હસ્તકલાના ધણી. ભરતકામમાં તો આંતરરાષ્ટ્રીય ઈનામો જીતી શકે તેવા. તેના સૂફ, જત, આહિર વગેરે ભરતોના કામ જોતાં જ અચરજ થાય. સૂફમાં તો કપડાંના તાર ગણી ગણી ભરતના દોરાની સોય મારી ડિઝાઇન ઉપસાવવાની. સૃજનના કાંતિલાલ શ્રોફ અને ચંદાબેન શ્રોફે કરછી કલાકારોની કલાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. ભૂજેડીના વણકરો પણ બેનમૂન. ધાબડીઓ, શાલ, સાદડીઓ, વગેરે એવી સુંદર બનાવે કે જોતાં જ લઈ લેવાનું મન થાય. સુથરીના તાળા લગાવો તો જાણકાર સિવાય બીજો કોઈ ખોલી ન શકે. ખાવડા જવાનું ક્યારેક જ થાય પરંતુ તેનો મૈસૂર/મૈસૂક મોઢામાં મૂકીએ તો તેના સ્વાદના કાયમ દીવાના થવાય. માનકૂવાની પટેલ આઇસ્ક્રીમ કેન્ડી ખાઈએ તો ઓહોહો શું સ્વાદ છે એવો ઉદ્ગાર નીકળી જાય. ગાંધીધામ ઈફ્કો ગેસ્ટહાઉસનું જમવાનું ફરી ત્યાં લઈ જાય. વિઘાકોટ બોર્ડર અને તેની આસપાસનો અફાટ રણપ્રદેશ કંઈક જુદી દુનિયામાં લઈ આવે. બન્નીના ધોરડો બાજુ જઈએ તો ભૂંગાના ભાતીગળ જીવનનો અહેસાસ થાય. ગુલામ હુસેને આપેલી ગોદડી આજે પણ મેં સાચવી રાખી છે. નિરોણાનું લેકર વર્ક સંખેડાથી આગળ જઈ શકે. પરંતુ માર્કેટ અને માર્ગદર્શનના અભાવે તે કળા બહુ આગળ ન આવી. તેના કારીગરોની લાકડા પર કોતરણી કરી બનાવેલી ટીપોય વગેરે સો વર્ષે પણ એવીને એવી રહે. કચ્છી કારીગરોની એ કલાને મેં કુટિર ઉદ્યોગ કમિશનર અને સચિન તથા ગુજરાત હેન્ડલુમ હેન્ડિક્રાફ્ટ કોર્પોરેશનનો ચેરમેન બન્યો ત્યારે પ્રોત્સાહન આપ્યું. તેમના ક્લસ્ટર્સ બનાવી તેમની ડિઝાઇન, મટિરિયલ સુધારી બજારને અનુરૂપ કર્યા. વેચાણ માટે ભૂજમાં એક ક્રાફ્ટ બજાર બનાવ્યું. રાજ્યમાં મેળાઓ વધારી તેમના ઉત્પાદનોનું વેચાણ કરી તેમના પ્રેમનો બદલો વાળવા પ્રયાસ કર્યો. 

મિત્રો 

કચ્છમા મારે અધિકારી વર્ગ ઉપરાંત મિત્રવર્તુળ સરસ બન્યું હતું. નાનકડી ઓફિસર્સ ક્લબ પરંતુ નાના નાના સંગીત સંધ્યા કે કવિ સંમેલન કરવા કામ આવે. જિલ્લા પંચાયતના મેડિકલ ઓફિસર ડો રોહિત શ્યામ ચતુર્વેદી અને ડો કશ્યપ બુચ મારા મિત્રો બન્યા. ડો ચતુર્વેદી કવિતા વાંચન કરે અને તેમનો પુત્ર અક્ષતવિશાલ મિમિક્રી કરે અને મિથુન ચક્રવર્તીના અવાજની નકલ કરે. ડો. ચતુર્વેદીએ મારા યજ્ઞોપવિત સંસ્કાર પણ કરેલાં. ડો કશ્યપ બુચ ફીજીશિયન તરીકે ઉત્તમ જ્ઞાન ધરાવે. એનાટોમી ફીજીયોલોજી મોઢે અને દવાઓ તો લાંબુ લીસ્ટ બની જાય. તેમનાં પત્ની સ્ટેલા ઉત્તપમ સારા બનાવે અને આગ્રહ કરી ખવડાવે. નાનકડી મીમાંસા આજે તો કચ્છની youngest cardiologist છે પણ ત્યારે ગોદીમાં બેસી રમતી. ડો. મીસીસ રાજારામ કેમ ભૂલાય? જાપાનીઝ પરંતુ સિરમોર ભારતીય અને જાજરમાન વ્યક્તિત્વ. તેમની પરોણાગત ઉત્તમ. તેમની જોડે જમી અને વાતો કરવાનો મને આનંદ આવતો. શરદ ભટ્ટ અને શહેરના બીજા યુવાનો ઓર્કેસ્ટ્રા ચલાવે. ક્યારેક કલેકટર બંગલે કે ક્યારેક ટાઉનહોલમાં સંગીતની સરગમ માણવામાં તેમનો સહયોગ રહેતો. શહેરમાં કન્યા શિક્ષણની એક સંસ્થા સરસ ચાલતી. તેમના માણેકલાલ ગાંધી ગોળના લાડુ ખવડાવે તેને યાદ કરું તો આજેય તે સ્વાદ મોઢામાં આવી જાય છે. દિપ્તિ સોનીએ અમારા ધવલના શિક્ષણને પાટા પર લાવ્યું તેને કેમ ભૂલાય? કાશ્મીર મૂળના અને કચ્છી ઠક્કર કન્યાને પરણેલા એક પંડિત દીનાનાથ જોડે મારે કાશ્મીરની ભૂગોળ ઈતિહાસ સમજવા મૈત્રી થઈ તથા તેમની બે પુત્રીઓ અર્ચના અને બીના સાથે લક્ષ્મીને ફાવતું. અર્ચના ત્યારે સૃજનમાં કામ કરતી અને કચ્છી ભરતકામ, તેની ખૂબીઓ, વિવિધતાની સુંદર જાણકારી લક્ષ્મીને આપતી. પછીથી તેને જિલ્લા કોર્ટમાં નોકરી મળી ગઈ હતી અને નાની બીના શિક્ષિકા બની હતી. કીર્તિભાઈ ભાનુશાળી અને તેમના પત્ની એક પ્રેમાળ દંપતી. તેમનાં પત્ની તો ન રહ્યાં પરંતુ કીર્તિભાઈ સાહેબ તમે આવો ને, તમે આવો ને, રાજીપો વ્યક્ત કરી ફોન કરે અને યાદ કરે. ડો કમલના આંતરજ્ઞાતીય લગ્ન બચાવવા મદદ કરી હતી. તે અને તેનું કુટુંબ આદરભાવ રાખે છે. જથમની સાઉથ ઈન્ડિયન ડીસો માંગો ત્યારે મળતી. પ્રિન્સના પનીર ટિક્કા વલસાડના દારાના સ્વાદની બરોબરી ન કરે પરંતુ તોય સ્વાદિષ્ટ તેથી બાળકોને વારેવારે ખાવાનું મન થાય. કચ્છી જૈન મહાજનોને કેમ ભૂલાય? મુંબઈવાળા રવિભાઈ સેંઘોઈ જીવ્યા ત્યાં સુધી સંપર્કમાં રહ્યા. શાંતિભાઈ મેકોની, દામજીભાઈ એન્કરવાલા, વીઆઈપી બેગવાળા સુમતિભાઈ વગેરેની આજે પણ યાદ આવે. બેલારપુર ઈન્ડસ્ટ્રીઝના જનરલ મેનેજર દેવેન્દ્રસિંહ ઝાલાએ બાંધેલો મૈત્રીનો પરિચય આજે પણ પ્રેમથી જળવાઈ રહ્યો છે. હવે તો તેમનો દેવ સોલ્ટ નામે મોટો મીઠા ઉદ્યોગ છે.  મુંબઈના મિત્રો ધરમ પટેલ, ભચુભાઈ વગેરે આજે પણ મુંબઈ જઈએ તો એટલાં જ પ્રેમ અને ઉત્સાહથી મળે, ફેરવે અને જમાડે. ભાનુશાળીઓ પિઠુભાઈ અને તેમનું પરિવાર, આસુભાઈ, વલસાડ રહેતા અશોકભાઈ ભાનુશાળી, હર્ષદભાઈ કટારિયા આજે પણ સંબંધ સાચવે. ગાંધીધામના રમેશભાઈ શાહ ચૂક્યા વિના પ્રસંગ તહેવારે શુભકામનાના સંદેશ મોકલતા રહે. નખત્રાણાથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમલેશ બ્રહ્મક્ષત્રિય મારા કોલેજના સહાધ્યાયી. તેમના બા પુત્ર જેમ પ્રેમ કરે અને ભાઈઓ ભાઈ બનીને રહે. રાપરના જયેશભાઈ, હેમેન્દ્રભાઈ, નીતિન ઠક્કર અને તેમનો ભાઈ મુકેશ, હાકલ કરોને ઊભા રહે અને જે કામ આપો તે કરે. એક કનક મહેતા ડીસકનેક્ટ થઈ ગયા. 

કચ્છની સેવા કરવા મારે ભૂકંપ વખતે ૨૦૦૧માં જવાનું થયું. તેની વાત માંડીને પછી કરીશું. પરંતુ એક વાત નક્કી જેણે કચ્છનું પાણી એકવાર પીધું તે કચ્છને કદી ભૂલી શકે નહીં. કચ્છડો બારેમાસ. 

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫

Friday, September 26, 2025

જિલ્લા વિકાસ અધિકારી (વલસાડ) (૧૮)

જિલ્લા વિકાસ અધિકારી-૩ (વલસાડ)(૧૮)

સાદા પણ સ્વમાની લોકો 

માણસો અહીંના ઊંચાઈમાં નીચા પરંતુ સ્વમાનમાં ઊંચા. સ્વાશ્રયી અને સ્વાવલંબી. શિક્ષકની નોકરી કરતા હોય તો પણ ખેતરે કામ કરવા જતાં સંકોચ ન કરે. અહીં નિવૃત્ત કર્મચારીઓ અમલદારો નિવૃત્તિ પછી હાથમાં દાતરડું કે ખુરપી લઈ ખેતરમાં કાપવા કે નીંદવાનું કામ કરવા જતા મળે. અહીં સરેરાશ આયુષ્ય લાંબુ. મોટા પેટવાળા ઓછા. 
ભાષા અહીંની પોચી અને હલકી. ગામમાં જઈએ તો સાહેબ અહીં આવની, તું બેસની, એમ કહી આવકાર આપે. કર્મચારીઓ અહીં રજા વધુ લે. કંઈ પણ કામ હોય, મહેમાન આવી જાય તો રજા મૂકતાં વાર ન કરે. તેથી એસટીની બસો નિયમિત ચલાવવા અહીં કાયમ પ્રશ્નો રહેતાં. લાંબી નોંધો લખી કાયદાની અને જીઆરની મથામણ કરવાને બદલે અહીં તો કામ થઈ જાય એટલે બધું કાયદેસર એવું માનનારો વર્ગ મોટો. સાહેબ ક્યાંનો છે? શું કરે છે? કોની જોડે ખાય છે, પીએ છે તેની તેમને કોઈ પંચાત નહીં. 

પરંતુ ન્યાય અને અધિકારની વાત આવે તો ચમરબંધીની પણ શરમ ન કરે. ભારતના પહેલાં બિનકોંગ્રેસી પ્રધાનમંત્રી મોરારજીભાઈ દેસાઇનું જન્મ સ્થળ એટલે વલસાડ નજીકનું ભદેલી. ગાંધીયુગની અસરમાં અહીં આઝાદી આંદોલનની સાથે વ્યસન મુક્તિ અને જમીન સુધારણાના કામો થયેલાં. દાંડી સત્યાગ્રહ અને ધરાસણા મીઠા સત્યાગ્રહ પ્રસિદ્ધ છે. મોરારજીભાઈએ આદિવાસીઓને તાડીના કેફથી બચાવવા અહીં મોટી સંખ્યામાં તાડીના ઝાડ કપાવડાવી ખેતરો ચોકખા કરાવેલા. મુંબઈ રાજ્યના મહેસૂલ મંત્રી તરીકે (૧૯૪૬) તેમણે પાસ કરાવેલો ગણોત હકના સુધારા જેને કારણે પછીથી ખેડે તેની જમીનનો જમીન સુધારણા ધારો આવેલો જેને કારણે ઘણાં દેસાઇઓની જમીન છીનવી ગયેલ. પરિણામે મોરારજીભાઈ વતનમાં વલસાડ વિધાનસભાની ચૂંટણી હારી જતાં પછી ખાડિયામાંથી પેટા ચૂંટણી જીતી પોતાનું રાજકીય જીવન બચાવી શકેલ અને ૧૯૫૨માં મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બનેલ. 

પારસીઓનું વતન 

આઠમી સદીમાં સંજાણ બંદરેથી પ્રવેશ કરી પારસીઓ ઈરાન છોડી આવી આ પ્રદેશને તેમનું ઘર બનાવી દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયેલ. નવસારી દાદાભાઈ નવરોજીનું વતન. અહીં ઉદવાડાનો આતશ બહેરામ પવિત્ર. ઉદવાડામાં ઈંદિરા ગાંધીના નણંદનું એક ઘર જ્યાં તેઓ આવેલાં. પારસી ભોજન ઓછું તીખું અને બાફેલું શેકેલું તેથી તેનાં ખાદ્ય વ્યંજનો આરોગ્યપ્રદ. પારસીઓના મકાનો, રાચરચીલું, ભરતકામ વગેરે વિશિષ્ટતા ધરાવે. તેમની ગુજરાતી પોચી અને પહોળી. તેમની અટકો તેમના ધંધા સાથે જોડાયેલી તેથી બાટલીવીળા મળે અને બૂચવાળા પણ. દમણ આમ કેન્દ્ર શાસિત પણ પાડોશી રાહે વલસાડ નું બંધુ કહેવાય.  ત્યાંના કવિ અરદેશર ખબરદાર ગુજરાત ગૌરવના કવિ હતા. વલસાડના શ્રી પારડીવાળા હાલ સુપ્રીમ કોર્ટ ના જજ છે. દુનિયાભરમાં ફેલાયેલા પારસીઓને દક્ષિણ ગુજરાતમાં મૂળ હોવાનું ગૌરવ રહેતું હોવાનું અનુભવ્યું છે અને તેથી અંગત વહેવારમાં કાલી કાલી (colloquial) ગુજરાતી બોલવાનો આગ્રહ રાખે છે. રૂઢિચુસ્ત પારસીઓએ તેમની Udwada ની ઓળખ જાળવી રાખી છે.

સુપાચ્ય ભોજન

વાપીથી તાપીનું જમણ અને કાશીનું મરણ દેશ આખામાં જાણીતું. અહીંની પ્રજા શાંત અને સાદગી પ્રિય. પોતાની રોજીરોટી કમાય અને મનને ગમે તેવું સુપાચ્ય ભોજન કરી લાંબુ જીવે. ગાંધીજીએ દાંડીથી મીઠા સત્યાગ્રહ કરેલો પરંતુ પ્રજા અહીંની મોળું એટલે કે ઓછા મીઠાવાળુ ખાય. ચોખાના રોટલા તો મોળા જ બને. પારસીઓની સંગત મળી એટલે બાફેલું અને શેકેલું વધારે વપરાય. અહીં કાઠિયાવાડી તળેલાં ફાફડા, ગાંઠિયા ઓછા વપરાય પરંતુ આથેલો ખમણનો લોચો અને ઊંબાડિયું બહુ ખવાય. ભાતની જોડે લોચો દાળ પીરસાય અને પછી તેમાં કઢી ઉમેરી ખાઈએ એટલે ખીચડી-કઢીના ગુજરાતી સ્વાદ કરતાં જુદો અને અનેરો સ્વાદ આવે. નાણાંને પૈહા કહે અને સંતાનોને પોયરા પોયરી. 

કેસર કેરી 

અહીંની કેસર અને આફૂસ કેરી અનુક્રમે જૂનાગઢની કેસર અને રત્નાગિરિની આેફુસ સાથે સ્પર્ધા કરે. ચીકુ તો મધ જેવાં મીઠા. માંસાહારી માટે માછલી અને કોન્ટીનેન્ટલ ફુડનો તોટો નહીં. વાપી ગેલેક્સીમાં જાઓ તો મેનેજર પઠાણભાઈ પરોણાગત એવી કરે કે ભૂલાય નહીં. વાપી અહીંની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત. જળ, જંગલ, જમીન, ઉદ્યોગનો સમૂહ એટલે વલસાડ. 

અધિકારીઓની પહેલી પસંદ દક્ષિણ ગુજરાત 

આવો સરળ અને સીધો પ્રદેશ એટલે પહેલી પસંદ સુરત અને બીજી નવસારી-વલસાડ મળે તો અધિકારીઓ હરખથી દોડીને હાજર થઈ જતાં. પછી તેમને ખસેડી કોઈ બીજો બેસવાવાળો આવી ખસેડે નહીં તો લાંબુ ટકી રહેતાં. આવા દક્ષિણ પ્રદેશમાં પૂર્વની પિંજણ, ઉત્તરની પંચાત અને પશ્ચિમની પીઠ પાછળ વારથી વિપરીત સાવ સરળ અને હળવી જિંદગીમાં ઝેડ.એ. શેખ નિવૃત્ત થતાં મારો આકસ્મિક પ્રવેશ થયો. તે વખતે વલસાડ જિલ્લો હાલના વલસાડ અને નવસારી મળી બનેલો. ધરમપુર, પારડી, ઉમરગામ, વલસાડ, ગણદેવી, ચીખલી, વાંસદા તાલુકાઓ. હવે તો જિલ્લા વિભાજન ઉપરાંત તાલુકા વધ્યા છે. 

પ્રજાના પ્રતિનિધિઓ 

જિલ્લા પંચાયતના અમારા પ્રમુખ રમણભાઈ પટેલ. ઘર અમારા એક જ કમ્પાઉન્ડમાં પરંતુ તેઓ વલસાડ કચેરીમાં આવે ત્યારે જ રહે. કોઈ ફાઈલનો આગ્રહ નહીં કે દુરાગ્રહ નહીં. તંત્ર કર્મચારી કામની જરૂરિયાત મુજબ ગોઠવવા પૂરો સહયોગ આપે. સંસદસભ્ય લાલ ટોપીવાળા ઉત્તમભાઈ પટેલ નખશિખ પ્રામાણિક અને આદિવાસી કલ્યાણ માટે સતત સક્રિય. પરંપરાગત ગામના ઘરમાં રહે અને ગામજનોના પોતાના થઈને રહે. અવાજ બુલંદ પણ આદર મેળવેલો તેથી અધિકારીઓ તેમને બીજી વાર કહેવું ન પડે તેમ કામ કરતાં. જલાલપોર નવસારીના ધારાસભ્ય સીડી પટેલ કોંગ્રેસના મોટા આગેવાન સો ટચનું સોનું જાણે. ગૃહમંત્રી હતાં પરંતુ વિભાગની કામગીરી બાબતે મુખ્યમંત્રી ચીમનભાઈ સાથે મતભેદને કારણે તેમનું ગૃહખાતુ લેવાતા રાજીનામું આપી નીકળી ગયા. તેમને ક્યારેય મંત્રીના રૂઆબમાં ન જોયા. તેઓ હંમેશાં અધિકારીઓના પક્ષે રહેતાં. ચીખલીના ધારાસભ્ય કાનજીભાઈ અભ્યાસુ અને તાર્કિક રજૂઆતવાળા તેથી જેમ તેમ જવાબ કરી ન ચલાવાય. નવસારીના ધારાસભ્ય મંગુભાઈ પટેલ (હાલ મધ્યપ્રદેશ ગવર્નર) પ્રામાણિક રજૂઆતમાં માનતાં. વાઘલધરાના વતની વલસાડના ધારાસભ્ય દોલતભાઈ દેસાઇનું દીલ તેમની દોલત. વાઘ જેવા મોટા અવાજે અસરકારક રજૂઆત કરે અને કામ ન થાય ત્યાં સુધી પીછો રાખે પરંતુ વ્યક્તિગત સંબંધોમાં અતિ આદરવાળા અને પ્રેમાળ. તેઓ થોડો સમય વિધાનસભાના સ્પીકર પણ બનેલ. ધરમપુરના ધારાસભ્ય મણીભાઈ સરળ પરંતુ નાનાપોંઢાના ધારાસભ્ય બરજુલભાઈ તેજ રજૂઆત કરી શકતા. પારડીના ધારાસભ્ય રમણભાઈ પટેલ અને ઉમરગામના છોટુભાઈ પટેલ તેમના વિસ્તારના કામો પ્રત્યે સજાગ રહેતા. 

તાલુકા પંચાયતના પ્રમુખો પણ જનસેવા કાર્યોમાં સક્રિય. વલસાડથી વિજય દેસાઇ ઉંમરમાં નાના પરંતુ જનસેવા માટે મોટા અને મહત્વાકાંક્ષી, કાયમ વિનયપૂર્વક રજુઆત અને લોકભાગીદારીવાળા કાર્યક્રમોમાં આગળ રહે. વાંસદાના ઠાકોરભાઈ ગામ છેવાડાના પ્રશ્નોથી માહિતગાર કરતા રહે અને તંત્રને જાગરૂક રાખે. સાક્ષરતાની એ વખતે ઝૂંબેશ ચાલે. પૌઢ શિક્ષણ ઘર અને ગામ ગામનો નારો. તેમાં મોટર સાયકલ રેલીમાં તાલુકા પંચાયતના પ્રમુખ જોડાય તેથી શિક્ષકોના રાત્રિવાસ થાય અને તરૂણ મહોત્સવનું આયોજન પાકા જમણની વ્યવસ્થા સાથે થાય એ તો વલસાડ જ કરી શકે. બીજા તાલુકાના પ્રમુખો પણ જનસેવાના કાર્યો અને કાર્યક્રમોમાં પાછળ ન રહેતા. પછી આવેલી સરકારોના સમગ્ર રાજ્ય માટે કરેલ જન ભાગીદારી દ્વારા વિકાસના પ્રયોગો અમે વલસાડમાં ૧૯૯૩-૯૪માં કરી શકેલ. 

ઉચ્ચ અધિકારી ટીમ 

અમારી જિલ્લા ટીમમાં કલેક્ટર સી. એલ. મીના, જિલ્લા વિકાસ અધિકારી હું, જિલ્લા પોલીસ વડા એકે શર્મા અને પછી અતુલ કરવાલ, જિલ્લા વન સંરક્ષક રામકુમાર, એક બે કેન્દ્રીય સેવાના અધિકારીઓ વગેરે મળી એક ગ્રુપ બનેલું. અમે વારાફરતી હોસ્ટ થઈએ અને પરિવાર સાથે કામ કમ પીકનીકનો આનંદ લઈએ. 

અહીંના તિથલ અને ઉમરગામ પ્રસિદ્ધ. અડકીને દમણ અને દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશો. 

દમણગંગા નદી અને તેનો ડેમ જોવાલાયક સ્થળ. નદીઓ અહીં ઘણી પરંતુ દરિયો નજીક તેથી ભારે વરસાદથી ઉભરાય અને દરિયામાં વહી જાય. મને થતું ગુજરાતમાં ગંગા (દમણગંગા) અને ઉત્તર ગુજરાતની સરસ્વતીને જોડતી યોજના બને તો રાજ્યને પાણીની તંગી ક્યારેક ન રહે. 

મને રાહત આપતી  પંચાયત 

મેં બે મોટા મોટા જિલ્લા ચલાવેલા તેથી વલસાડ જિલ્લા પંચાયત ચલાવવી સાવ રમત વાત. મારી મદદમાં ત્રણ મહારથી GAS અધિકારીઓ ધનજીભાઈ ઝાલાવાડિયા, મારૂતિ કોટવાળ અને જગદીશ ત્રિવેદી હોય, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ઈન્દ્રીશ વોરા હોય, સક્ષમ કાર્યપાલક ઈજનેરો હોય, ડો. ભાષા જેવા અનુભવી જિલ્લા આરોગ્ય અધિકારી અને બીજા શાખા વડાઓ હોય પછી જિલ્લા વિકાસ અધિકારીને શાનો બોજ? આર.ડી.સી એમ.બી. પરમાર મારા પૂર્વ પરિચિત અને રવિ પછી આવેલ કલેક્ટર સી.એલ. મીનાનો મળતાવડો સ્વભાવ સાનુકૂળ તેથી અહીં શાંતિ હતી. 

અધિકારીઓની ટીમ અમારી સંગીન તેથી વાર્ષિક લક્ષ્યાંકોથી સવાયું કામ થયું. ઈનામની આશા હવે મેં રાખી નહોતી અને તેમાંય વિકાસ કમિશ્નર તરીકે હવે શર્મા સાહેબ જેવા તટસ્થ અધિકારી હવે રહ્યા નહોતા. 
કામો, યોજનાઓ અહીં સુપેરે પૂરા થાય એટલે અધિકારીની જિંદગીમાં દોડ દોડ ન મળે. દોડાવે પણ કેવી રીતે? બહું દોડવું પડે, તો કર્મચારી રજા પર ઉતરી જાય. અહીં કાર્ય ઝડપ વાતાવરણથી પ્રભાવિત. અડકીને જ અરબી સમુદ્ર એટલે ભેજવાળી આબોહવા, ધીમા કરી દે. જિલ્લાનું નામ જ વલસાડ એટલે વરસાદ જ વરસાદ. જ્યાં કચ્છમાં ૩૦૦-૪૦૦ મીમી આવતાં વરૂણદેવને મનામણા કરવાં પડે ત્યાં અહીં ૩૦૦૦ મીમી થતાં વાર ન લાગે. એક શનિવારે વરસાદ ચાલુ થાય તો બીજો શનિવાર ન આવે ત્યાં સુધી ના વિરામે. દરિયાની ખારી હવાની અસર અહીંના જનજીવન અને મકાનો પર થતી. અંગ્રેજોના વખતની મોટા ઢોળાવવાળી છતના મકાનો અડીખમ ઊભા હોય અને સુધારાવાદી ફ્લેટ છતવાળા પાકા આરસીસીના ધાબાવાળા મકાનોમાં વોટર પ્રુફિંગના કામો કરાવતા રહે તો પણ ધાબા ગળવાના બંધ ન થાય. 

RIC તપાસણી

તે વખતે રેવન્યુ ઈન્સપેક્શન કમિશ્નર સિંહા સાહેબનું ઈન્સપેક્શન આવ્યું. તેઓ આવે એટલે તંત્ર ગભરાટમાં આવી જાય તેવી તેમની ધાક. અમારે જિલ્લા પંચાયતમાં પણ મહેસૂલી કામગીરી થાય તેથી તેમની કલેક્ટર કચેરી પછી જિલ્લા પંચાયતની વિઝિટ. આપણું કામ ચોકખું તેથી ડર શાનો? વળી નિર્ભય મારો સ્વભાવ. મારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઝાલાવાડિયા કહે કે સાહેબ અમને સાહેબનો અનુભવ છે. તમ તમારે સાહેબ આવે એટલે તેમને રીસીવ કરવા પોર્ચમાં ઊભા રહેજો, બુકે આપી સાહેબને વેલકમ કરજે અને પછી શાંતિથી તેમની જોડે ચેમ્બરમાં વાતો કરજો બાકી બધું અમે સંભાળી લઈશું. ઝાલાવાડિયાએ પૂરી તૈયારી કરી લીધીં પોર્ચથી લઈ જિલ્લા વિકાસ અધિકારીની પહેલાં માળ પરની ચેમ્બર સુધી રસ્તામાં મહિલા કર્મચારીઓને ફૂલછડી સાથે ઊભા રાખી દીધા. સાહેબ આવ્યાં. મેં બુકે આપી વેલકમ કર્યું અને રસ્તામાં મહિલા કર્મચારીઓએ તેમને ફૂલછડી ધરી તેમનું અભિવાદન કર્યું. ચેમ્બરમાં ડ્રાય ફ્રૂટની ટ્રે મૂકી દીધી હતી. સાહેબ પ્રસન્ન ચિત્ત રહ્યા. અમે નાનકડી મહેસૂલી વાતો કરી અને કેટલીક અંગત. તેઓ કહે કે એકવાર તેમને હાર્ટની તકલીફ થઈ. સ્ટેન્ટ મૂકવા ₹૮૦૦૦૦ જોઈએ. તેમણે એડવાન્સ માટે સરકારમાં અરજી કરી. જો એડવાન્સ મળે તો જ સ્ટેન્ટ મૂકાવું તેવો તેમનો નિશ્ચય. સરકાર પણ જાણે, તરત જ એડવાન્સ મંજૂર કરી દીધું. તે દિવસે પણ તેઓ અડધી સીએલ મૂકી હોસ્પિટલ ગયેલ.

ડાંગ પરિચય

મને તે ગાળામાં જિલ્લા પંચાયત ડાંગનો વધારાનો હવાલો મળતાં ડાંગ જિલ્લાનો પરિચય થયેલો. આયુર્વેદમાં રસ અને વળી એસ. કે. નંદા સાહેબે જિલ્લો દત્તક રાખી અહીં ડાંગ ફાર્મસી બનાવેલી તેથી તેના પાયોનિયર વૈદ્ય અમૃતભાઈ પરમાર સાથે મારે આયુર્વેદની ઘણી ચર્ચા થતી. ધારાસભ્ય માધુભાઈ ભોઈ સામાન્ય હિંદુ કરતાં પણ વધુ ધાર્મિક. સાહેબ સાહેબ કહેતા જાય અને પ્રજાના કામ કરાવતા જાય. ડાંગમાં મેં બંગાળા નામની ચોખાની જાતની ફોરમનો સ્વાદ લીધો.

સુખી જીવન 

કર્મચારીઓ આજ્ઞાંકિત અને સેવાભાવી. સાંજે થાકી આવીએ એટલે નગીન સાયકલ લઈ લકીની લસ્સી લઈ આવે. જરૂર જણાય તો પગમાં હળવો તેલ મસાજ કરી દે. ડાહ્યાકાકા રસોઈ બનાવી દે. રામસિંહ બહારનું લાવવા મૂકવાનું કરે. એ વખતે દારા પારડીવાલાના પનીર ટીક્કા એવા તો સરસ બને કે ચસ્કો લાગે. બાળકો અઠવાડિયે-પખવાડિયે ફરમાઈશ કરે. લક્ષ્મી, ઉજ્જવલ-ધવલ અને સુપેરે ગોઠવાઈ ગયાં હતાં. ઉજ્જવલ કોન્વેન્ટમાં ધોરણ-૭ અને ધવલ બાઈ આવાબાઈમાં ધોરણ-૫માં દાખલ થયો. ઉજ્જવલને કોન્વેન્ટમાં ધવલ-ઉજ્જવલની બીજી જોડી મળી. અમારા એકાઉન્ટ ઓફિસર એ.જે. શાહના બે પુત્રો. ઉજ્જવલ પછીથી કોન્વેન્ટ છોડી ધવલ સાથે બાઈ આવાબાઈમાં આવતો રહ્યો. 

મારે જિલ્લા વિકાસ અધિકારી તરીકેનું ચાર વર્ષ પૂરા કરી પાંચમું વર્ષ ચાલતું હતું. વલસાડ કલેકટર રવિની બદલી વખતે મને વલસાડ મળવાની એક તક હતી પણ ન મળી. પરંતુ હું વલસાડના જીવનથી ખુશ તેથી સરકાર બીજો હુકમ જ્યારે કરે ત્યારે ખરો, ‘થોભો અને રાહ જુઓ’ ની નીતિ પર ચાલી મારી વલસાડ છોડવાની કોઈ તમન્ના ન હતી. નવેમ્બર ૧૩, ૧૯૯૩ની ના રોજ આવેલી દિવાળી અને નવા વર્ષ નવેમ્બર ૧૪, ૧૯૯૩ની મુલાકાતો રોમાંચક રહી. 

મહત્વાકાંક્ષી મુખ્યમંત્રીનું અચાનક અવસાન 

ફેબ્રુઆરી ૧૯૯૪માં ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની બહુચર્ચિત ચૂંટણી આવી. કોંગ્રેસ અને બીજેપીને બે-બે બેઠકો મળવાની શક્યતા પરંતુ ક્રોસ વોટિંગનો લાભ મળશે તો ત્રીજો જીતી જશે એ ગણતરીએ ચીમનભાઈએ જયંતીભાઈ શાહ/પટેલ નામના ત્રીજા ઉમેદવારને ઊભા કરી દીધા. પરંતુ તેને કારણે પ્રથમ પસંદના ઉમેદવાર માધવસિંહ સોલંકીને હારી જવાનો ભય ઊભો થયો. માધવસિંહ અને ચીમનભાઈ બે દસકાથી પ્રતિસ્પર્ધી. ૧૯૮૫માં મુખ્યમંત્રીની ગાદી છોડવાના કારણોથી માધવસિંહ માહિતગાર. તેથી જો ચીમનભાઈ તેમને ફાળવેલ મતોમાંથી ક્રોસ વોટિંગ કરાવે તો કોંગ્રેસના ત્રીજા ઉમેદવાર જીતી જાય અને તેઓ હારી જાય. તત્કાલિન પ્રધાનમંત્રી નરસિંહરાવે ચીમનભાઈને તેમની જીત પાકી કરવા તાકીદ હતી. બે દાયકાથી એકબીજાના પ્રતિસ્પર્ધી એક જ પક્ષમાં ફરી તનાવમાં આવ્યાં. 

રાજકીય તનાવના એ વાતાવરણમાં ચીમનભાઈએ તેમના આરોગ્યને અવગણ્યું. સચિવાલયમાં તેમની ચેમ્બરમાં જ ઉલટી થઈ પરંતુ એ ગંભીર ચેતવણીને અવગણી અને સામાન્ય શરદી કફ ગણી ચલાવે રાખ્યું. પરિણામે સમયસર સાચી સારવાર મળી નહીં અને તે જ રાતે દર્દીની હઠ કહો કે ડોક્ટરોની ભૂલ નિયતિએ કામ કરી લીધું. અર્થશાસ્ત્રના જ્ઞાતા, મોરારજીભાઈ દેસાઇના હનુમાન ગણાતા, ઊર્મિલાબેન સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરનાર, ભારતના પ્રતાપી વડાપ્રધાન ઈંદિરા ગાંધીને સામે થનાર, ૧૯૭૪માં સાવ રાજકીય મૃત્યુ જેવી હાલતમાંથી પોતાને ફરી ઉઠાવનાર, વહીવટમાં નિષ્ણાત અને રાજકારણના અઠંગ ખેલાડી ચીમનભાઈ પટેલ હ્રદયરોગના હુમલાથી ૬૪ વર્ષની ઉંમરે ફેબ્રુઆરી ૧૭, ૧૯૯૪ ના રોજ તેઓ ગુજરી ગયા. 

મને એકવાર રાજકોટમાં તેમની સૌરાષ્ટ્રના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાઓની સંયુકત કોન્ફરન્સમાં તેમણે કહેલાં શબ્દો યાદ આવ્યા. ‘આ ચીમનભાઈ જીવાભાઈ પટેલ જ્યાં સુધી મુખ્યમંત્રી છે ત્યાં સુધી તેના શબ્દો જ કાયદો બની રહેવાના’. હવે તે શબ્દો ખાક થઈ ગયા. 

સીધી ભરતીના આઈએએસથી તેમને અણગમો કે કેમ ૧૯૯૨ થી ૧૯૯૫ તેમણે IASના માંગણા પત્રો ન મોકલતા ત્રણ વર્ષો ગુજરાત નવા IAS અધિકારીઓથી વંચિત રહ્યું અને અશોક પરમાર (J&K), રવિ પરમાર (બિહાર), બીપીન શ્રીમાળી (મહારાષ્ટ્ર) જેવા IAS થયેલા SC ઉમેદવારોને ગુજરાત બહારની કેડરમાં જવું પડ્યું. ચીમનભાઈને લઘુમતી જેવી સરકાર ટકાવી રાખવાની અને તેમાંય તેમનો સામેનો પક્ષ તેમના પક્ષમાંથી બીજા આગેવાન ટપારતો જાય એટલે ધારાસભ્યો સાચવીને રાખવા પડે. તેમના ઘરે લગ્ન પ્રસંગો હોય તો હાજરી આપે અને મદદ પણ કરે. 

નિર્ણયોની અનુકૂળતા માટે જેમ તેમણે સી. ડી. પટેલ પાસેથી ગૃહ ખાતું લઈ લીધુ હતુ તેમ તેમણે મુખ્ય સચિવને બદલી નવા મુખ્ય સચિવ ખાન સાહેબ લઈ આવેલા. 

ભાવનગરની ધારાસભાની એક પેટા ચૂંટણીના પ્રચાર દરમ્યાન મારા બેચમેટ ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી સંજય ગુપ્તા તેમના પરિચયમાં આવ્યાં. તેમને તેઓ સચિવ તરીકે લઈ ગયા. સંજય અમારો વીઝનરી, કુશળ સીવીલ એન્જિનિયર અને પ્રોજેક્ટ પ્લાનિંગમાં શ્રેષ્ઠ. તેણે જ પછીથી સાયન્સ સીટી અને GSPLના નવા સુંદર બિલ્ડીંગ ઊભા કર્યા હતા. 

વન મેન પાર્ટી એવાં ચીમનભાઈએ કહેવાય છે કે ખૂબ મોટું પાર્ટી -રાજકીય ફંડ ઊભું કરેલ પરંતુ ખબર નહીં તેમના ગયા પછી તેનું શું થયું? લોકો કહેતા કે તેમના દીકરા સિદ્ધાર્થભાઈના ભાગમાં કંઈ ન આવ્યું. 

ખેર, તે ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી રાજ્યસભાના ઉમેદવારો માધવસિંહ સોલંકી અને રાજુભાઇ પરમાર અને બીજેપી તરફથી પ્રફુલ્લભાઈ ગોરડિયા અને આનંદીબેન પટેલ ચૂંટાઈ આવ્યા. 

નવા મુખ્યમંત્રી 

ચીમનભાઈ પટેલના આકસ્મિક નિધન પછી હવે કોંગ્રેસમાંથી કોણ બનશે મુખ્યમંત્રી એ મોટો પ્રશ્ન બન્યો. જૂના જનતા પક્ષવાળા આગેવાનો કોંગ્રેસ મૂળનાને પસંદ કરે નહીં. સી.ડી. પટેલનું સામાન્ય હાર્ટ ચેક અપ માટે જવું અને એન્જિયોગ્રાફી વખતે જ દેહાંત થઈ જવાની પાછલી ઘટનાનું નુકસાન મૂળ કોંગ્રેસીઓને હવે સમજાયું. છેવટે સમાધાન સધાયું. જૂના પીએસપી આગેવાન છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા અને નરહરી અમીન નાયબ મુખ્યમંત્રી. 

મારી પ્રતીક્ષા ક્યાં સુધી? 

સરકાર બદલાય એટલે કેટલાક બદલી હુકમો થાય તેવો સામાન્ય શિરસ્તો. એકવાર ફરી જિલ્લા કલેક્ટરોની બદલીના હુકમો થયાં. ઓગણીસ જિલ્લા અને તેમાં ગોઠવાયેલા અધિકારીઓ એક જિલ્લો છોડી બીજે જઈ ખો રમતાં જાય અને નીચેનાનો વારો રોકી રાખે. પરંતુ આ વખતે મારી જુનિયર બેચના અધિકારી દેખાણાં. મારા સીનીયર પંચમહાલ કલેક્ટરમાંથી વડોદરા કલેક્ટર થઈ અને બંને કાર્યકાળ સફળ પૂર્ણ કરી પાછા કચ્છ કલેક્ટર બન્યાં. વલસાડ કલેક્ટર પંચમહાલનો કાર્યકાળ પૂરો કરી આવ્યાં હતાં. આમાં આપણે ક્યાં? જીએડીમાં બેઠેલો કહેવાતો મારો મિત્ર અંતરાય બનીને ઊભો હતો. મેં થોભો અને રાહ જુઓનો માર્ગ અપનાવ્યો. 

આમ પણ જિલ્લા પંચાયત મને ગમતું ક્ષેત્ર. ૧૦,૦૦૦ થી વધુ કર્મચારીઓ અધિકારીઓનું મોટું તંત્ર. ગ્રામજન કંઈક માંગે તો મીની સચિવાલય ચલાવતા જિલ્લા વિકાસ અધિકારી તરત મદદ કરી શકે. વળી વહીવટી રીતે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સમકક્ષ અને બંનેના ઉપરી અને વિભાગો અલગ અલગ તેથી આ પદ કે પેલું પદ એવો વિવાદ ઓછો. તે સમયે જિલ્લા પંચાયતોનું મોટું મહત્વ રહેતું. જિલ્લા વિકાસ અધિકારીના ૧૦,૦૦૦ કર્મચારીઓ- અધિકારીઓના તંત્ર સામે કલેક્ટર પાસે માંડ ૮૦૦-૧૦૦૦ કર્મચારી અધિકારી. પરંતુ લાલ લાઇટવાળી ગાડી, રેગ્યુલેટરી ઓથોરિટી, મહેસૂલી અધિકારો તથા જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકેની જિલ્લાના કેન્દ્ર સમીમમોભાવાળી જગ્યા તેથી દરેક અધિકારીને જીવનમાં એકવાર કલેક્ટર બનવાની તમન્ના રહેતી. 

ચોટનું કારણ

ચાર મળે ચોટલા ભાગે ઘરના ઓટલાં. મહિલાઓના એક ગ્રુપની નાનકડી કીટી જેવી પાર્ટીમાં એક ઉચ્ચ અધિકારીના પત્ની મારી કલેક્ટર તરીકેની વરણી ન થવા અંગે થોડું ઘસાતું બોલી ગયા. દિવાલને પણ કાન હોય છે. વાત મારે કાને અથડાઈ. મને મહેણું હાડોહાડ લાગ્યું અને મારી ચિત્ત શાંતિ વિક્ષેપ પામી. થયું હવે તો નેવાંના પાણી મોભે ચડ્યા. ડ્રાઇવર સુરેશભાઈને કહ્યું ગાડી લગાવો પંચાયત મંત્રીના પીએ બબાજી ઠાકોર પાસેથી પંચાયત મંત્રીને મળવાનો સમય લીધો. 

કલેક્ટર કચ્છ તરીકે બદલી અને પ્રયાણ

લીલાધર વાઘેલા ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક. કદ કાઠીમાં નાના પરંતુ વક્તા તરીકે અનોખા. ઉચ્ચારણની એક પણ ભૂલ વિના અને કહેવતો રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તે તેમના વક્તવ્યમાં કોથળામાં પાંચશેરી રાખી વિરોધીઓને મારતાં. તે કહેતાં કે મહેણાંની મારી ઉત્તર ગુજરાતની કૂતરી ભંઠ ખઈને મરી જાય પરંતુ તેની ડેલીએ પગ ન મૂકે. મને પણ મહેણું વાગ્યું હતું. લીલાધરભાઈ ધારાસભ્ય તરીકે પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ ત્યારથી મારે તેમનો પરિચય. મારી જવાબોની તૈયારી અને હાજરજવાબીની તે મીટિંગોમાં આનંદથી નોંધ લેતાં અને બીજાઓને જણાવતા. હું પહોંચ્યો મંત્રીસંકુલના તેમના નિવાસસ્થાને અને માંડીને બધી વાત કરી. તેઓએ મુખ્યમંત્રીને ફોન કરી મળવાની રજા લીધી. મુખ્યમંત્રી નિવાસસ્થાન નજીક જ હતું. અમે બંને પહોંચ્યા. મુખ્યમંત્રી છબીલદાસ મહેતા સાથે મારો સીધો પરિચય નહીં પરંતુ તેઓનાણામંત્રી હતા ત્યારથી મને નામથી ઓળખે. પરમાર કેમ આવવું થયું? લીલાધરભાઈએ માંડીને વાત કરી. મુખ્યમંત્રીએ ફોન ઉઠાવ્યો, સૂચના આપી અને બપોર સુધીમાં કચ્છ કલેક્ટર જેમને મૂકેલા તેમનો હુકમ રદ થયો અને મારા હાથમાં કચ્છ કલેક્ટરનો હુકમ આવી ગયો. 

હવે પળનોય વિલંબ ના કરાય. મારી જગ્યાએ વલસાડ જિલ્લા અધિકારી તરીકે મૂકેલા અપર્ણાનો મેં સંપર્ક કર્યો. તેમને અમદાવાદના મારા પિતાજીના નિવાસસ્થાન મયૂર પાર્ક સોસાયટી (દાણીલીમડા)ના મકાને બોલાવ્યા. હું સચિવાલયથી સીટીસી ફોર્મ લઈ આવ્યો હતો. વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના ચાર્જ છોડવાના સીટીસીમાં મેં સહી કરી અપર્ણાને વલસાડ જિલ્લાની જિલ્લા વિકાસ અધિકારીની ખુરશી સોંપી હું કચ્છ રવાના થઈ ગયો. 

હું ભૂજ પહોંચ્યો. તત્કાલીન કલેકટરની બદલીઓ અગાઉ હુકમ થયો હતો તેથી ચાર્જ લેવાની કોઈ અગવડ ન પડી પરંતુ ઘર લેવામાં હજી અગવડ પડવાની હતી તેનો અંદેશો મને પ્રાથમિક વાર્તાલાપમાં આવી ગયો. આપણે હવે કચ્છના નવા કલેક્ટર, જ્યાં જીવન કથામાં એક મહત્વના કાર્યભારની નોંધ ઉમેરાવાની હતી. 

૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫

Thursday, September 25, 2025

જિલ્લા વિકાસ અધિકારી-જૂનાગઢ (૧૭)

જિલ્લા વિકાસ અધિકારી - ૨ (જૂનાગઢ) (૧૭)

હાલના જૂનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદરને ભેગા કરી જે જિલ્લો બનાવીએ તે અમારા સમયનો જૂનાગઢ. ૧૪ તાલુકા, બે સંસદ સભ્યો અને ૧૧ ધારાસભ્યોથી ધમધમતો પ્રદેશ. 

આવા જૂનાગઢના મનોરંજન ગેસ્ટહાઉસમાં લક્ષ્મી અને હું મોટા મચ્છરોની કંપનીમાં રાત પસાર કરી સવારે ઉઠ્યાં છીએ. નાહી ધોઈને ચા નાસ્તો કરી જિલ્લા પંચાયત કચેરી તરફ જવાની હું તૈયારી કરું છું ત્યાં બરાબર ૯.૪૫ ના ટકોરે મુખ્ય સચિવ ખાન સાહેબનો ફોન રણકે છે. તેઓ ફોન પર આવી કહે છે, પરમાર હમણાં ચાર્જ લેવામાં થોભજો. બીજા અધિકારીને ત્યાં મૂકવા રજૂઆત આવી છે. મેં જવાબ આપ્યો, સાહેબ, CTC તો મેં રાત્રે ભરીને ચાર્જ લઈ લીધો. તેમણે કહ્યું, તો ભલે, મજા કરો. 

મને હાશ થઈ અને હું કચેરી ગયો. શિષ્ટાચાર મુજબ અધિકારીઓ, આગેવાનોને મળ્યો. મહેસાણાથી વિપરીત જિલ્લા પંચાયતના પ્રમુખ સુકાભાઈ આંત્રોલિયા મને મળવાં આવ્યાં અને શુભેચ્છા પાઠવી. મારી શરૂઆત સારી થઈ. પરંતુ બીજા દિવસે સવારે સૌરાષ્ટ્ર સમાચારે છાપ્યું, ‘બકરૂં કાઢતા ઊંટ પેઠું’ અને હું સાવધાન થયો. મારા પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી સી. એમ. લેઉવા શાંત અને સરળ. અમારી વચ્ચે વાર્તાલાપનો સમય ઓછો રહ્યો એટલે વિશેષ બ્રીફિંગ નહોતું થયું પરંતુ તેમણે તે રાત્રે તરત જ CTC ભરી મને હાજર થવાની સરળતા કરી આપી તે તેમની ખાનદાની હતી. અમારા પંચમહાલના સાથી જે. એન. સિંહ કલેક્ટર હતાં. અમારા બંનેની ચેમ્બર એક જ બિલ્ડિંગમાં હતી. હું તેમને મળવા ગયો તો તેમના ચેમ્બરનો દરવાજો કાચનો પારદર્શી જોઈ મને તેનું અનુકરણ કરવાનું ગમ્યું અને તે જ અઠવાડિયે મારી ચેમ્બરનો દરવાજો કાચનો પારદર્શી કરી મેં મને જનતા સમક્ષ ખુલ્લો મૂકી દીધો. 

ઐતિહાસિક અને આકર્ષક જિલ્લો 

પંચમહાલના અછતગ્રસ્ત જિલ્લાથી તદ્દન વિપરીત અહીં છતનો જિલ્લો. ચારેબાજુ લીલોતરી. મગફળી અને કપાસ ભરેલાં ખેતરો; આંબા નારિયેળીથી ભરેલાં બગીચાઓ. ના વરસાદની અછત કે માંગરોળ દરિયાકાંઠાના કેટલાક ગામો સિવાય ના પીવાના પાણીની સમસ્યા. સ્વાધ્યાય પરિવારની ઝુંબેશને કારણે અહી ખારા પાણીવાળા વિસ્તારોમાં મીઠા પાણીના તળ વધી રહ્યા હતાં. આખો જિલ્લો જ જાણે પર્યટન સ્થળોનું મહામથક. 

ગરવો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે, પૌરાણિક મહાભારતનો રેવતાચળ અને પ્રાચીન ભારતનો ઉર્જાયત પર્વત આજનો ગિરનાર પશ્ચિમનો કૈલાસ; ધ્યાન, ઉપાસના અને ભક્તિનું મોટું કેન્દ્ર. મોર્યકાલીન સમયે યુનાની ગવર્નરોથી સંચાલિત યૂનાગઢ જૂનાગઢ બન્યું છે. સમ્રાટ અશોકનો શિલાલેખ અને પશ્ચિમમી ક્ષત્રપ નરેશ રૂદ્રદામન-૧નો શિલાલેખ તેના ઐતિહાસિક મહત્વની પુષ્ટિ કરે છે. પ્રાચીન સુવર્ણશીતકા અને પલાસિની બે નદીઓના પ્રવાહને પાણી રોકી બાંધેલો બંધ અને સુદર્શન તળાવ હવે તો પૂરા ન મળે પરંતુ તેના અંશરૂપ દામોદરો કુંડ અને વિષ્ણુ મંદિર હજી છે. અહીં પ્રાચીન બૌદ્ધ ગુફાઓ છે. ૨૨માં તીર્થંકર નેમીનાથ, અંબાજી મંદિરો અને ગુરૂ દત્તાત્રેયના પગલાં છે. ઉપરકોટનો કિલ્લો, અડીકડીવાવ અવે નવઘણ કૂવો છે. રા’ખેંગાર અને રાણકદેવી દંપતીની પ્રેમગાથામાં સિદ્ધરાજ જયસિંહનો પડકાર છે. ભવનાથ મંદિર, મૃગીકુંડ અને નાગાબાવા ભરપૂર છે. નરસિંહ મહેતાનું ભક્તિ નિવાસ, પ્રભાતિયાં અને ગાંધીને પ્રિય વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ભજનની ભૂમિ છે. ગાંધીજીની બા પૂતળીબાઈનું પિયર છે. આવી સોરઠ ધરાનો છેલ્લો રા’માંડલિક-૩ બેગડાથી હારી જહાનખા બની અમદાવાદની કબરમાં પોઢ્યો છે. ત્યાં મોગલ શાસનનો નવાબ જામનગરના રજવાડાઓની વેઠથી છૂટવા નાઠેલા કુટુંબોને ગીરમાં શરણું દે છે. સાસણની સાવજોના દેશમાં વીર કવિ ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા હાથમાં ડાંગ લઈ સાવજને હાકલ કરે છે, ઊભો રે જે, વનના કૂતરા ઊભો રે જે. ખમીરવંતી આ ધરામાં ભક્તોનો પાર નથી. શેઠ સગાળશા અને કેલૈયો કુંવર છે. અહીં રત્નાકર સાગર (અરબી સમુદ્ર) અફાટ છે. સોમનાથ જ્યોતિર્લિંગ, શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ, તુલસી શ્યામ, અહેમદપુર માંડવીનો દરિયાકિનારો, વેરાવળ, પોરબંદર અને માંગરોળ જેવા બંદરો, મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થાન અને મોસાળ, ચોરવાડ થી લઈ માધવપુર સુધીની લીલી નાઘેડ અને પછીનો ઘેડ વિસ્તાર. કુદરતે અહીં મન મૂકીને સૌંદર્ય વેર્યું છે. દરિયો, પર્વત, જંગલો અને વન્ય પ્રાણીઓથી સોહામણા સોરઠ ધરાંના નરબંકા માનવીઓના હ્રદય પ્રેમરસથી ભરેલાં છે જેમની પરોણાગત સ્વર્ગને પણ ભૂલાવી દે. સતાધાર અને પરબના અન્નક્ષેત્રો પ્રખ્યાત છે. કેસર કેરીના રસાસ્વાદને કેમ ભૂલાય? 

આવા સુંદર પ્રદેશમાં કામ કરવાનો મોકો કોઈ ભાગ્યશાળીને જ મળે. મેં પહેલા કલ્યાણ યોજનાઓ પર અને લોકાભિમુખ વહીવટ તરફ વધુ ધ્યાન આપ્યું. આપણે ઝડપ કરીએ તો નીચે પણ ઝડપ વધે તે ન્યાયે મારે ત્યાં આવેલી ફાઈલો તે જ દિવસે નિકાલ થતી. જિલ્લો ગ્રામીણ એટલે કામ કરતી ટીમ આવવાથી યોજનાઓનો અમલ ઝડપી બન્યો. જેને કારણે ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ મારા પ્રત્યે હકારાત્મક બનવા લાગ્યાં. ૧૪ તાલુકા તેથી કાર્યબોજ વધુ પરંતુ માયાળુ માનવી તેથી કામ કરવું બોજ ન લાગે. મેં મારી શુદ્ધિ છાપ અને ગાંધી મૂલ્યોને બરાબર પકડી રાખ્યા. પરિણામે રાજકીય આગેવાનો મને ખોટું કામ ચિંધતા કે તે માટે ફોન કરતાં ખમચાતા. પ્રજાનાં વિકાસલક્ષી કામો ઝડપથી થતાં રહે પછી નારાજગી પણ ન રહે. 

પ્રજાના પ્રતિનિધિઓ 

સંસદસભ્યો ગોવિંદભાઈ શેખડા અને પછી આવેલાં ભાવનાબેન ચિખલીયા સાલસ સ્વભાવના. ગોવિંદભાઈ એવા સજ્જન કે તેમણે કેવી રીતે વીપી સિંહ સરકાર ગબડવામાં અને ચંદ્રશેખર સરકાર બનાવવામાં તેઓ ખરીદાયા અને ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે કેવો મોટો રોલ અદા કર્યો તેની ખાનગી વાતો કરી હતી. ભાવનાબેન વિશે એવું કહેવાતું કે બહેન ફોટો પડાવવા ઊભા હોય છે પરંતુ સંસદ સભ્ય બન્યા પછી તેમણે લોકોના પ્રશ્નો સતત ઉઠાવી અને કામો કરાવી લોકપ્રિયતા હાંસલ કરી હતી. તેમના પતિ લોકપ્રિય ડોક્ટર તેથી તેમની ગુડવીલ પણ તેમને મળતી. તેઓ અને અમારા માંગરોળ ધારાસભ્ય ચંદ્રિકાબેન ચુડાસમા બંને અમદાવાદ મૂળના તેથી મારા પ્રત્યે તેમનો વિશેષ સ્નેહ રહેતો. 

ધારાસભ્યો મહેન્દ્રભાઈ, દેવાણંદભાઈ, પૂંજાભાઈ, જશુભાઈ બારડ, જવાહર ચાવડા, ચંદ્રિકાબેન ચુડાસમા, કુંવરજી ભેંસાણિયા, જેઠાભાઈ જોરા, હમીરભાઈ ધૂળા, વગેરે પ્રેમાળ અને પ્રજાલક્ષી. ચંદ્રિકાબેનની જીભ સાહેબ સાહેબ અને મારા ભાઈ મારા ભાઈ કહેતા થાકે નહીં અને પ્રજાના કામ થતા જાય. જશુભાઈ બારડ બોલકા અને બુદ્ધિશાળી. સાચની પડખે ઉભા રહે. જવાહર નાનકડો, youngest MLA of the assembly, જીવનને સ્વાદથી જીવે. તેની ચશ્માની ફેરમાંથી ઝીણી આંખો કરી જુએ અને ચહેરા પર મુસ્કાન હોય એટલે તે રજૂ કરે બધાં કામ તરત થઈ જાય. તેના બેડરૂમના સફેદ રંગની દિવાલોમાં રંગની લાલ લાઈનો મને તેના ટેસ્ટ તરફ આકર્ષિત કરતી. તે મારા blind supporter બની રહ્યા. કૂરજીભાઈ ભેંસાણિયા તો અમારા આદર્શ MLA. ઘરના ખેતીના કામ કરતાં જાય અને લોકોના દુઃખ દર્દ પ્રશ્નો લઈ કચેરીઓ સાહેબોની મુલાકાતો લેતા જાય. તેઓનો લોકસંપર્ક એવો અદ્ભુત કે લોકો કહેતાં કે માત્ર માનવ મરણ નહીં તેમના મત વિસ્તારમાં પશુ મરણ થાય તો પણ કૂરજીભાઈ બેસણે જતાં. દેવાણંદભાઈનો ઊંચો અવાજ અને તેમાં સોરઠની મીઠાશ આજે પણ કાન ધરું તો સંભળાય. પૂંજાભાઈ અદના સેવક. તેમના જેટલા પ્રશ્નો જિલ્લે અને વિધાનસભામાં કોઈએ નહીં ઉઠાવ્યા હોય. તે રજૂઆત કરવા બેસે ઓ અમે થાકી જઈએ પણ તે ન થાકતાં. જેઠાભાઈ અને હમીરભાઈ અમારે સાદા, લોકાની રજૂઆત લઈ આવે, શાંતિથી રજૂ કરે અને ખબર કે કામ થઈ જવાના તેથી ક્યારેય બળાપો ન કરે. 

તાલુકા પંચાયતના પ્રમુખો પણ સક્રિય. તેમાં માંગરોળના શરદભાઈ પંડ્યા, માંગરોળના વેલજીભાઈ મછાણી, પોરબંદરના સાજણભાઈ મેરામણ કેમ વિસરાય? ચૌદેય તાલુકાના પ્રમુખો સક્રિય રીતે પંચાયતી રાજના વિકાસ કામોમાં જોતરાયેલી રહેતાં. મહેસાણાથી વિપરીત તાલુકા વિકાસ અધિકારી અને પ્રમુખો અહીં સંપીને રહેતા સિવાય કે વેરાવળમાં અમારે ટીડીઓને તકલીફ થતી. 

અહીંની બેઠકોમાં તકરાર ઓછી અને સંબંધો જાળવી કામ કઢાવી લેવાતાં. પ્રજાના પ્રતિનિધિઓ જોડે સંબંધો આત્મીય રહેતા અને જૂનાગઢ છોડ્યાને આજે ત્રણ દશક થયાં, સંબંધો એવાં ને એવા મૈત્રીપૂર્ણ અને આત્મીય. જેઓ ગયા તે પણ જીવ્યા ત્યાં લગી પ્રેમના તાંતણે બંધાયેલા રહ્યા. 

અધિકારી ટીમ

અધિકારીઓની અમારી ટીમ સરસ બનેલી. પોલીસમાં રેન્જ DIG ભાર્ગવ સાહેબનો સ્વભાવ રોયલ. કલેક્ટર જે. એન. સિંહ પંચમહાલના અમારા સાથી અને સૌને સાથે લઈ ચાલનારા. DSP ગોપાલસિંહ પરમાર દાહોદના પોલીસ સજ્જન પુરુષ. CF પ્રદીપ ખન્ના મિલનસાર. DCF અશોક સક્સેના મૈત્રીભાવથી ભરેલાં. વારાફરતી બધાંને ઘેર પાર્ટી થાય અને અમે કૌટુંબિક આનંદ લેતા જઈએ અને વહીવટી સંકલન વધારતા જઈએ. ક્યારેક એ કંપનીમાં જિલ્લા ન્યાયાધીશ પણ ભળે. અમારી નીચેના GAS-1 ની ટીમ પણ સંકલન સાધીને રહેતી. 

એવોર્ડ ગુમાવ્યો 

૧૯૯૦-૯૧ અમારું તૈયારીમાં ગયું પરંતુ ૧૯૯૧-૯૨ અને ૧૯૯૨-૯૩ વાર્ષિક કામગીરીમાં ઉત્તમ પરિણામો લાવનારા રહ્યાં. હવે તો જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને જુદા જુદા ગ્રૂપ બનાવી એકથી વધુ એવોર્ડ્ અપાય છે પરંતુ ત્યારે સમગ્ર રાજ્ય માટે શ્રેષ્ઠ કામગીરીનો એક અવોર્ડ પ્રથમ અને બીજા ક્રમ તરીકે અપાતો. કલેક્ટર જે. એન. સિંહ અને અમે બંને રાજ્ય સ્પર્ધામાં રેસમાં. કલેક્ટરોની સ્પર્ધામાં જે.એન. સિંહે તો મેદાન મારી લીધું પરંતુ ૭૫ માર્ક્સમાં આગળ અમરેલીના નાગોરી અને જૂનાગઢના હું કમિટીના ૨૫ માં ચૂક્યા. ૧૪ તાલુકાનો સંચાલક ઊભો રહ્યો અને એક તાલુકાવાળો પસંદ થયો. કમિટીને પોતાના નિર્ણયનો સંકોચ, તેથી આશ્વાસન ઈનામની ભલામણ કરી પરંતુ હું નિરાશ થયો. જો કે જે. એન. સિંહે તેમની સફળતાના ગુણ ગણતરીમાં જિલ્લા પંચાયતના વિષયો આવતા હોવાથી ક્રેડિટ શેર કરી તેનું આશ્વાસન રહ્યું. તે વર્ષે તેમણે મુખ્ય સચિવ ખાન સાહેબના સન્માનમાં યોજેલ અહેમદપુર માંડવીની પાર્ટીની ભવ્યતા અને રોકેટોની રંગોળીથી ભરેલું આકાશ આજે પણ યાદ છે. 

ભવનાથ નાગાબાવા મેળો 

જૂનાગઢનો ભવનાથનો મેળો અને બોરદેવી પરિક્રમા ખૂબ મશહૂર. ભવનાથ એ વખતે ગ્રામ પંચાયત તેથી મેળા સંચાલનની બધી જવાબદારી જિલ્લા પંચાયતની અને તે રીતે જિલ્લા વિકાસ અધિકારી મેળા સંચાલનમાં કેન્દ્ર સ્થાને આવી જતાં. કાયદો અને વ્યવસ્થા અને જનરલ સંકલન કલેક્ટર અને ડીએસપી સંભાળતા. સાંકડા રસ્તાઓ અને લાખોની જનમેદનીને સંભાળવાની, તેમનાં આરોગ્ય, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચ અને સુખાકારીની જાળવણી કરવી પડતી. ભોજન માટે તો ભંડારા લાગે તેથી પ્રશ્ન નહીં પરંતુ તીર્થયાત્રીઓની સુવિધા અને નાગા બાવાઓના રવેડી મેળાના દર્શન અને મૃગિકુંડ સ્નાન વગેરેની વ્યવસ્થા નિર્વિઘ્ને પાર પાડવાની થતી. સ્ટોલ પણ લાગે તેથી તેની હરાજી થતી. વ્યવસ્થા, લાઈટ, સાઉન્ડ, ડેકોરેશનમાં ઉત્તરોત્તર સુધારો થતો ગયો. તે દિવસોમાં ભજનિકોના ભજન અને ડાયરાઓની રંગત અને ભોળાનાથની ભક્તિના વાતાવરણથી ભવનાથ તરબતર થઈ જતું. અમે સફળતાપૂર્વક ત્રણ ઉત્સવો પાર પાડ્યાં અને ખૂબ સારી નામના મેળવી. ભવનાથના ૧૯૯૩ના મેળામાં મારા માતા પિતા આવેલાં. તેમને ભીડમાં વધુ અગવડતા ન પડે તેથી તળેટીમાં વહેલાં મોકલી દીધેલ. હું વ્યવસ્થામાં ગળાડૂબ તેથી તેમના સાંજના ભોજનની સ્થાનિક વ્યવસ્થાનું કહેવાનું ભૂલી ગયેલ. સ્થળ પરના અધિકારીઓ તો જેટલું કહીએ તેટલું કરે. વિવેકબુદ્ધિ ન વાપરે. પિતા મારા ભૂખ ન વેઠી શકે. મેં જેમ તેમ કરી જે મળ્યું તે આપી તેમને ઠાર્યાં પરંતુ તેમને પડેલી અગવડ મને કાયમ યાદ રહી. 

લોકસભા ચૂંટણી ૧૯૯૧

૧૯૯૧ના લોકસભાની ચૂંટણી આવી. રાજીવ ગાંધી જૂનાગઢ આવ્યાં. રેલીમાં આખું ગામ ઉભરાયું. લક્ષ્મી કહે હું જાઉં. મેં કહ્યું, જાઓ તમે ક્યાં સરકારી કર્મચારી છો. તે ધવલને તેડીને રાજીવ ગાંધીના પસાર થવાના માર્ગે ઊભી રહી. ધવલે પીળો શર્ટ પહેરેલો. રાજીવ ગાંધીની નજર તેના પર પડી અને તેમણે તેમણે પહેરેલ ફૂલહાર તેના તરફ ફેંક્યો જે તેના ગળામાં જઈ પડ્યો. તે મુલાકાત પછી બે કે ત્રણ દિવસ પછી તેમની હત્યા થઈ. તે દિવસે સાત વર્ષનો ધવલ શૂન્યમનસ્ક બેસી રહેલો. તેમની એ મુલાકાત એક આકસ્મિક સંભારણું બની રહી. તે ચૂંટણીમાં મેં પોરબંદર લોકસભાના રિટર્નિંગ ઓફિસર તરીકે બજાવેલી જેમાં હાલના પોરબંદર જિલ્લા ઉપરાંત રાજકોટના ધોરાજી, ઉપલેટા વગેરે વિસ્તારોનો સમાવેશ થતો હતો. તે બેઠક ભાજપના હરિલાલ પટેલ જીતેલ અને કોંગ્રેસના બળવંત મનવર હારેલ. 

પંચાયતોની શિસ્ત 

જે તે વખતના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની એ પ્રસિદ્ધ ઉક્તિ કે દિલ્હીથી મોકલેલો રૂપિયો નીચે જતાં સુધી ૧૫ પૈસા થઈ જાય છે. તેમણે ગ્રામ પંચાયતોને યોજનાકીય ગ્રાંટની સીધી ફાળવણીની પહેલ કરેલ. તે પહેલાં ગામ પંચાયતની બેઠકમાં તલાટી કમ પંચાયત મંત્રી એજન્ડા મૂકે તે સિવાય સરપંચો કામ વિનાનાં નવરાધૂપ રહેતાં. વિવેકાધીન ગ્રાન્ટ અને પ્રોત્સાહક જોગવાઈનાં કામોનું આયોજન આવ્યું એટલે સક્રિયતા વધી પરંતુ સીધી નાણાં ગ્રામ પંચાયતને આવતાં તે વધુ સક્રિય બન્યાં. વળી રાજ્ય સરકારે રૂપિયા પાંચ લાખ સુધીના કામો ટેન્ડર વિના ગામ પંચાયતને આપવાની છૂટ આપતાં ગામ પંચાયતો અને તેના સરપંચો સક્રિય બન્યાં. નાણું આવે અનિયમિતતા લાવે એ માનવ સહજ પ્રક્રિયા તેથી શિસ્તનો દંડો પકડી રાખવો પડે. અધિકારીઓ કર્મચારીઓ પર તો અને દાબ રાખતાં પરંતુ પંચાયત ધારાની જોગવાઈઓનો ઉપયોગ કરી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરનાં નિયંત્રણો જૂજ અધિકારીઓ વાપરતા. મેં હાજર થયાના બીજા જ મહિને કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખને સસ્પેન્ડ કરી ઉપપ્રમુખને ચાર્જ આપી પંચાયતી રાજમાં શિસ્ત લાવવાના પ્રયાસો શરૂ કર્યા. ત્યારપછી લગભગ ત્રણ વર્ષના કાર્યકાળનાં ૪૬ જેટલાં સરપંચોને પંચાયત ધારાની જોગવાઈઓનું સસ્પેન્શન વેઠવું પડ્યું. બે-પાંચ ટકા પર કડપનો લાભ બીજા ૯૫% સારા ચાલે તે મળતો. અમારું પંચાયતી રાજ અસરદાર અને સફળ ચાલ્યું. 

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી 

અધિકારીગણમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દલ સાહેબને સસ્પેન્શન વેઠવું પડેલ. તેઓ સીધા સામેલ નહીં. પરંતુ જે ચેક બુક પર તે સહી કરતાં તેના નીચેના ચેક પર તેમની બોલપેનના પ્રેશરથી પડતી છાપની કોપી કરી બીજા ચેકો ખાનગી ખાતે જમા કરાવી તેમનો એકાઉન્ટ ઓફિસર સરકારનું રૂપિયા એક કરોડથી વધુ રકમનું કરી ગયેલ. દલ સાહેબનો વાંક કે બીજીવાર ચેકબુક આવે તો પાછલા ચેકની ગતિવિધિ પર નજર ન કરે. જો તેઓ વધુ સતર્ક હોત તો ચોર વહેલો પકડાત અને સરકારના નાણાં બચત. તેમની તપાસનું શું થયું અને એકાઉન્ટ ઓફિસર ઉચાપત કરેલ નાણા પાછા આપ્યા કે નહીં તેની મને ખબર નહીં પરંતુ ઉચાપત કરનારના ખાતામાં જે કંઈ જમા હતું તે સીઝ કરી તેટલું વસૂલ લઈ લીધેલ. 

પ્રાથમિક શિક્ષણ 

જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને તેના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કાયદાએ જિલ્લા વિકાસ અધિકારીથી સ્વતંત્ર રાખેલ. તેમાંય જેની નિવૃત્તિ નજીક હોય તેવા પ્રાથમિક શિક્ષણાધિકારીને સી.આર. નો ડર ન રહે. તેમાંય સમીક્ષા અધિકારી સાથે તાલ બેઠો હોય તો નામક્કર જ જાય. અમારા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ નિયમો નેવે મૂકી બદલીઓના હુકમો કર્યા કરે. ફરિયાદ મારી પાસે આવી તેની તપાસ કરી મેં શિક્ષણ વિભાગને અધિકારી સામે પગલાં લેવાં અને તાત્કાલિક બદલી કરવા લખ્યું. પરંતુ પેલા ભાઈ તો ચાલ્યા જ કરે. મુખ્યમંત્રી ચીમનભાઈનો પોરબંદર જિલ્લાના એક ગામમાં લોક દરબાર. રજૂઆત થઈ તો તેમણે પૂછયું ડીડીઓ શું કરે છે. મેં પાધરું પકડાવ્યું સાહેબ શિક્ષણ વિભાગને લખ્યું પરંતુ કોઈ જવાબ દેતા નથી અને અધિકારી વંઠ્યો છે. પછી તો તે ભાઈની બદલી થઈ. સરકારે શિક્ષકોની બદલીની માર્ગદર્શિકા બહાર પાડી. નહીંતર રોડ પરની શાળાઓમાં વધ અને દૂરની અંતરિયાળ શાળાઓમાં ઘટની કહાની બધે વર્ષો રહી. 

શશીકાંત લાખાણી 

જૂનાગઢ જિલ્લાનું એક જાજરમાન વ્યક્તિત્વ એટલે પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શશીકાંત લાખાણી. શાંત, સરળ, પ્રામાણિક અને બુદ્ધિશાળી વ્યક્તિત્વ. કોઈને ખોટું કામ ચિંધે નહીં અને ખોટી વાતમાં ઊભા ન રહે. જૂના જમાનાના રતુભાઈ અદાણી સાથે જોડાયેલા એટલે સર્વોદયના વિચારો. ધાર્મિક તેથી પંડિત નથ્થુરામ શર્માના આનંદાશ્રમ બિલખાં સાથે જોડાયેલા. તે આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી મારા મિત્ર ગોપાલના પિતા અને નિવૃત્ત આઈએએસ હરિહરભાઈ જોષી. તેથી તે નાતે મારે શશીકાંતભાઈ સાથે આત્મીયતા કેળવાયેલી. મારા મોટાભાઈને મિલ બંધ થતાં બેરોજગારીને કારણે ઘરમાં મોટી અગવડ. તેમણે મારા ભત્રીજા સુરેશને તેમના કાર્યાલયમાં નોકરી આપી મોટી મદદ કરી હતી. તેઓ નિખાલસ પણ એટલાં. એક તબક્કે ચીમનભાઈની સરકારને અસ્થિર કરવાની વાત ચાલી. પ્રતિપક્ષ દ્વારા તેમને મુખ્યમંત્રી બનાવવાની ઓફર મૂકાઈ. પરંતુ ‘મારા ખૂનમાં દગો કરવાની વૃત્તિ નહીં’ તેમ કહી તેમણે તે દરખાસ્તનો સવિનય અસ્વીકાર કરેલ. ચીમનભાઈ પટેલ સરકારના એ રીતે તેઓ મજબૂત સ્તંભ બની રહ્યા. 

અમારા પ્રમુખ 

અમારે જિલ્લા પંચાયતમાં ૧૦૦૦૦થી વધુ કર્મચારીઓ તેથી કામ ઘણાં. હવે આવડી મોટી જિલ્લા પંચાયત અને તેમાં તકરાર ન થાય એવું બને? તે સમયે જિલ્લા પંચાયતના પ્રમુખ જ કારોબારી સમિતિના પ્રમુખ. મહેસાણામાં ખેતી-બિનખેતીની ફાઈલોના ચક્કરમાં હું પડ્યો ન હતો. નિયમસરની ફાઈલો પાસ થતી અને ખામીવાળી પરત જતી. મહેસૂલ શાખા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી મારી ચોકખું કામ કરવાની પદ્ધતિથી વાકેફ હતાં. અહીં પહેલી બેઠકના એક દિવસ પહેલાં પ્રમુખ સૂકાભાઈ મને ચેમ્બરમાં મળવાં આવ્યાં અને કહે સાહેબ ખેતીમાંથી બિનખેતી જે ફાઈલો તેઓ સૂચવે તે મારે ક્લીયર કરવાની અને બદલામાં પૂર્વ અધિકારીઓની જેમ તેઓ મને સાચવી લેશે. મેં તેમની દરખાસ્તનો સવિનય અસ્વીકાર કર્યો અને જણાવ્યું કે નિયમસરની દરખાસ્તની મંજૂરીની તેમણે ચિંતા ન કરવી. જ્યાં ત્રૃટિ-ખામી હશે ત્યાં પૂર્તતા સુધી રોકાવું પડશે. મારો તેમની ગોઠવણમાં બેસવાનો ઈન્કાર તેમને ન ગમ્યો, પરંતુ ખામીયુક્ત દરખાસ્તોની મંજૂરી માટેના તેમના આગ્રહને કારણે અમારે મતભેદ શરૂ થયાં. પછી તો જિલ્લા પંચાયતની બેઠકો મીની વિધાનસભા બનવા લાગી અને મારે ફાઈલો સાથે હાજર રહી તેમની રજૂઆતો સામે જવાબો કરવા રહ્યા. સત્ય ક્યાંથી હારે? મિનિટ્સ જિલ્લા વિકાસ અધિકારીએ લખવાની તેથી કારોબારી ખામીવાળી દરખાસ્તો મંજૂર કરે તો જિલ્લા વિકાસ અધિકારીની નોંધ ઉમેરી ઠરાવોને પ્રતિષેધ કરવા વિકાસ કમિશ્નરને મોકલવાનો સિલસિલો શરૂ થયો અને કમિશનર કચેરી દ્વારા તેને પ્રતિષેધ કરાતાં અમારે જિલ્લા પંચાયતમાં ખટરાગ વધ્યો. શાંત એવાં અમારા પ્રમુખે છેલ્લો દાવ અજમાવ્યો. તેઓ તેમના સાથી લીલાભાઈ ખૂંટીને લઈ મારી ચેમ્બરમાં આવ્યાં. તેઓ મેર હોવાની વિશેષ ઓળખાણ આપી કહ્યું સાહેબ તમારે નાના બાળકો છે. માની જાઓને. તમને ફાયદો છે. તમારે ક્યાં કંઈ કરવાનું છે. અને જો ન માનો તો તમને ખબર છે ને? પોરબંદરમાં થતાં ખૂનોનો હવાલો આપી મને કહે તમંચાના ભડાકે તમેય ક્યાંય ખોવાઈ જશો ખબર નહિ પડે. મારો ચાલીનો યુવાન જાગી ઉઠ્યો. મેં બે બાંયના બટન ખોલી બાંય થોડી ઉપર કરી અને કહ્યું ભવિષ્ય કોણે જોયું છે, કોઈને પારખાં કરવાં હોય તો હાલો ઉતરો નીચે મેદાનમાં. તેઓ આમ તો ઘણાં વિવેકી. તેમનાંથી જાણે તેમને પોતાને ન ગમતું બોલી જવાયું હોય તેવું લાગ્યું. સાનમાં સમજી તેઓ ઉઠ્યા અને પરત ગયા અને ત્યારપછી મારી કામગીરીમાં તેઓએ એક બિનખેતી ફાઈલોના વિષચ સિવાય ક્યારેય દખલ ન કરી. બહુ પછી મને સમજાયું કે નીચેના અધિકારીઓ જોડે તેમનો મેળ સારો બેસી ગયેલ. 

આ બાજુ વિકાસ કમિશ્નર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીની દરખાસ્તો અન્વયે જિલ્લા પંચાયતના પ્રમુખને સત્તાના દુરુપયોગ માટે પંચાયત ધારાની જોગવાઈ અંતર્ગત સસ્પેન્શનની ચાર નોટિસો ઈસ્યુ થયેલ. અમારા પ્રમુખ ખાનદાની એવાં કે વિકાસ કમિશ્નર સમક્ષની એક સુનાવણીમાં તેમણે વિકાસ કમિશ્નર સમક્ષ તેમણે મને કરેલ નાણાકીય લાભની ઓફર અને મારા સ્પષ્ટ નકારની વાત કબૂલ કરી. તેમના એ એકરારે મને તેમનાં પ્રત્યે વધુ માન ઉપજાવ્યું. અંદરથી અલગ અને બહારથી જુદા ડબલ ઢોલકી માણસો મને ન ગમતાં. 

અંગત જીવન 

મારી ખુરશી સ્થિર થતાં બાળકોનું શિક્ષણ સ્થિર થયું. ઉજ્જવલ-ધવલ કેન્દ્રીય વિદ્યાલયમાં ભણવા લાગ્યા.અમારે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને રહેવાનું ઘર એક. જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટો રહેતાં તે ઘરમાં ભોંયતળિયાના માળે જિલ્લા વિકાસ અધિકારી અને ઉપરના પહેલાં માળે કલેક્ટર રહે. બાજુમાં એક નાનું પરંતુ સ્વતંત્ર ક્વાર્ટર નિવાસી નાયબ કલેક્ટરનું. કમ્પાઉન્ડ ખૂબ મોટું. બાળકોને રમવા ક્યાંય બહાર જવું ન પડે. કલેક્ટરનો દીકરો આદિત્ય, અમારાં ઉજ્જવલ-ધવલ, રાજેન્દ્રભાઈનો પીનલ અને હું દરરોજ સાંજે ક્રિકેટ રમીએ. અમે મેદાન જોઈ રન માટેના નિયમો બનાવેલા અને તે નિયમો મુજબ આદિત્ય રમવામાં એવો પાકો થઈ ગયો હતો કે એક દિવસ સદી ફટકારી દીધી પણ આઉટ ન થયો. એ ત્રણ વર્ષ તેના પિતા કરતાં તે મારી સાથે વધુ રમ્યો હશે. 

પ્રવાસન જિલ્લો તેથી વીઆઈપી અને અધિકારીઓનો સંપર્ક બની રહેતો. વિકાસ કમિશ્નર એસ. ડી. શર્મા સાહેબના કુટુંબના લંડનના સભ્યો આવ્યા ત્યારે અને ગિરનાર સાથે ચડ્યા હતાં. દાતારનો મસાલા ઉકાળાનો સ્વાદ ન ભૂલાય. નામદાર આગાખાનની મુલાકાતે અને તેમને નજીકથી હસ્તધૂનન કરી મળતાં અને તેમના અનુયાયીઓ તેમની એક ઝલક જોવાં રોડની બંને બાજુ કેવાં લાલાયિત રહેતાં તે વ્યવહારિક જગત અને આસ્થાનાં જગતનો ભેદ મને સમજાતો. 

લક્ષ્મીની બહાદુરી 

બેએક વર્ષ પછી મહિલાઓએ પણ તેમનું નાનકડું એવું જૂથ બનાવી બેકરી બનાવવાનું શિખેલું અને જૂનાગઢ તળેટીમાં અંધશ્રદ્ધા ઉન્મૂલનના જાહેર વૈજ્ઞાનિક કાર્યક્રમમાં સાડી પહેરેલી લક્ષ્મીએ સળગતાં અંગારા પર ખુલ્લા પગે ચાલી અને ઉકળતા તેલમાં હાથ નાંખી પૂરીઓ બહાર કાઢી તેની હિંમતનો સૌને પરિચય કરાવેલ. લક્ષ્મી મારો વાઘ તેને હલકામાં ન લેવાય. એકવાર RDC રાજેન્દ્રભાઈ દવેના પત્ની રેણુકા અને લક્ષ્મી કડિયાવાડ શાક માર્કેટમાં શાક લેવાં ગયા હતા. ત્યાં કોઈ ટપોરીએ રેણુકાબેનની કમરમાં જોરથી ચૂંટીયો ભર્યો અને રેણુકાબેનથી રાડ પડી ગઈ, અરરર માડી. કમર પર કાળું ઝામું પડી ગયું. લક્ષ્મીનો પિત્તો ગયો. તેણે ટપોરીની પાછળ હડી કાઢી દોટ મૂકી. પેલો જાય ભાગ્યો. બીચ બજારે ટપોરી આગળ અને લક્ષ્મી પાછળ. શાળા દોડ હરિફાઈમાં તે જિલ્લે સુધી દોડી આવેલી, તેથી તેણે ટપોરીની બરાબર નજીક પહોંચી પોતાની જમણા હાથની મુઠ્ઠી બરાબર બંધ કરી જોર દઈને પેલાના બરડામાં મુક્કો જડી દીધો. બરડાની બરોબર મધ્યમાં મુક્કો વાગતાં પેલો ટપોરી કણસી ઉઠ્યો અને બેવડ વળી બેસી ગયો. લક્ષ્મીએ બીજી એક બે ધરી દીધી અને ત્યાં લોકો ભેગાં થઈ ગયા. ટપોરી સમજી ગયો કે હવે તો આવી બન્યું. તે બાકી હતું તે બળ લગાવી ઉભો થઈ નાઠો અને પછી તે માર્કેટમાં ક્યારેય ન દેખાયો. કેટલાક પ્રશ્નો ફોન કરીને કે પચીસ જણાને કહીને ન ઉકેલાય. સ્થળ પર જ ફેંસલ કરવા પડે. 

લક્ષ્મી જૂનાગઢમાં સાયકલ, સ્કૂટર અને કાર ચલાવતા શીખી સ્વાવલંબી બનેલ. સ્કૂટર શીખતાં તો તેણે તેનાં પગને ગંભીર ઈજા પહોંચાડેલ પરંતુ ડર્યા વિના સીધી હોસ્પિટલ જઈ સારવાર લઈ આવેલ. 

કાર અકસ્માત 

૧૯૯૨માં ગોધરા એક કોર્ટ કેસમાં જવાનું થતાં અને પરિવાર સહિત ગયેલ. બપોરે જમ્યા પછી પાછા ફરતાં નડિયાદ નજીક અમારી મારુતિ કારને નડિયાદ નજીક અકસ્માત થયેલ. નડિયાદ તરફથી આવતાં વાહનોથી રોડ ભરેલો હતો. અચાનક એક દૂધના રેન ભરેલી ટ્રક લાઈનમાંથી બહાર નીકળી અમારી ગાડીની સામે આવી. ડ્રાઇવર રમેશે બચવા કાર ડાબી બાજુ દબાવી છતાં જમણી સાઈડની આખી બોડી ક્રશ થઈ ગઈ. સદનસીબ્ અને સૌ બચી ગયાં. રમેશ ત્રીજો ડ્રાઇવર. પહેલાં ઘરડા ગોવિંદભાઈ, ઓછું દેખાય એટલે વરસાદ હોત ત્યારે વારાફરતી બે ચશ્માં બદલતા જાય અને કાર હંકારતા જાય. તેઓ નિવૃત્ત થયા એટલે આવ્યાં ઝીણાભાઈ. જૂનાગઢથી અમદાવાદ આવીએ ત્યાં સુધી ટુ લેન રોડ અને વચ્ચે વચ્ચે ભારે અકસ્માતનાં ક્ષેત્રો આવે. જ્યારે રાતમાં કાર ચલાવવાની આવે ત્યારે મારે ઝીણાભાઈની ચોકી રાખવી પડે. સીધી લીટીમાં જતી કારમાં તેઓ એકાદ ઝપકી ઊંઘી જાય. એકવાર તો રોડ વચ્ચે પડેલાં મોટાં પ્હાણાને ઠોકી દીધેલ. એ ઝપકીમાં હું સાદ કરું કે ઝીણાભાઈ જોગો છો? જવાબ દેતાં હા, સાહેબ. 

મિત્રને ઘેર શોક પ્રસંગ 

આરોગ્યની સુવિધામાં અહીં સિવિલ હોસ્પિટલ અને તેના સિવિલ સર્જન ડો ચંદ્રભાણ ગઢવી એક્સ સર્વિસ મેન તેથી ઉમંગ અને ખંતથી કામ કરે. ખાનગી ડોક્ટરો પણ ખરાં પરંતુ વિશેષ તપાસ કે ઈમરજન્સી માટે રાજકોટ જવું પડે. અમારા ડીસીએફ મિત્ર અશોક સક્સેનાના પત્ની પૂર્ણિમાને પહેલી પ્રેગ્નેન્સી. અશોક પ્રવાસમાં અને લેબર પેઈન ઉપડ્યું. ખાનગી મહિલા ગાયનેકોલોજીસ્ટ ફોરસેપ ડીલીવરી કરવા ગયા અને બાળક જોખમાયું. પુત્ર બાળકને ઈન્ક્યુબેટરની જરૂર ઊભી થઈ. મારતી કારે કલેક્ટરની કારમાં ડ્રાયવર વશરામે બાળકને રાજકોટ પહોંચાડ્યું પરંતુ બાળક ન બચ્યું. અમારો સિવિલ સર્જન પોતે કુશળ અને નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પરંતુ ખાનગી ડોક્ટરે સર્જેલી વક્રતાએ લાચાર બનાવ્યા. પછી તો કલેક્ટરને ઘેર સિદ્ધાર્થ જન્મ્યો અને આનંદ પાછો ફર્યો. પરંતુ અશોકને પડેલી એ ખોટ અમને જીવનભર યાદ રહી. 

મારી બદલી 

જિલ્લા પંચાયતના મારા વિરોધી તત્વો જ્યાં સુધી શશીકાંતભાઈ લાખાણી મારી સાથે હતાં ત્યાં સુધી તેમનાં હાથ હેઠાં રહ્યાં. મારે ત્રણ વર્ષ પૂરા થવા જઈ રહ્યા હતાં ત્યારે કદાચ કોઈક ત્રીજા પક્ષની કાનભંભેરણીથી છેવટે મંત્રીશ્રી મારી બદલી માટે સંમત થયાં. જિલ્લાના ધારાસભ્યોએ તેમનાથી થાય તેટલો પ્રયાસ કર્યો પરંતુ છેવટે મારી બદલીના હુકમો થયા. ક્યાં પંચમહાલ કલેક્ટર કે વલસાડ કલેક્ટર મૂકવાની ચાલતી દરખાસ્તો અને ક્યાં એક ન્યાયાધિશની નર્મદા પુનર્વસન સમિતિના સચિવ તરીકેની નિમણૂક? મુખ્યમંત્રી ચીમનભાઈ સાથે તેમના જિલ્લા પ્રવાસમા લોકદરબાર અને પોરબંદર સર્કિટ હાઉસમાં તેમની સાથે એકાંત વાર્તાલાપથી મેં તેમનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. તેઓ અમારા જિલ્લાના ધારાસભ્યો સમક્ષ મને ફાયટર જિલ્લા વિકાસ અધિકારી તરીકે ઓળખાવતા. હું સીધો પહોંચ્યો મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ પાસે. મારી વાત રજૂ કરી. તેમણે કહ્યુ ક્યાં જવું છે? મેં કહ્યું વલસાડ જિલ્લા વિકાસ અધિકારી તરીકે. તેઓ કહે વલસાડ જ શા માટે? મેં જવાબ આપ્યો કે ત્યાંના જિલ્લા વિકાસ અધિકારી ઝેડ.એ. શેખ માર્ચ ૩૧, ૧૯૯૩ ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે તરત જ સચિવને બોલાવ્યા અને મારો જિલ્લા વિકાસ અધિકારી વલસાડ તરીકે બદલીનો ફેરફાર હુકમ કરી આપ્યો. હું વલસાડ જઈ હાજર થયો અને હરિયાળા દક્ષિણ ગુજરાતના ખટપટ વિહોણા સીધા અને સરળ જિલ્લામાં મારો પ્રવેશ થયો. પૂર્વમાં પંચમહાલથી શરૂ થઈ ઉત્તરે મહેસાણા અને પશ્ચિમે જૂનાગઢ થઈ મારી જિલ્લા સફર હવે દક્ષિણે વલસાડમાં આવી. 

૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫
Powered by Blogger.